Showing posts with label Stanley Kubrick. Show all posts
Showing posts with label Stanley Kubrick. Show all posts

Saturday, July 26, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : Film 80 : ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’

Mumbai Samachar - Matinee - 25 July 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

કોઈ અણઘડ માણસના હાથમાં ન્યુક્લિયર શસ્ત્રોની ચાવી આવી ગઈ તો? પૃથ્વી પર અકસ્માતે ન્યુક્લિયર વોર શરૂ થઈ જાય તો? આ વિચાર ભલે ખોફનાક રહ્યો, પણ આ આઈડિયા પરથી સ્ટેન્લી કુબ્રિકે બનાવેલી ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’ સોલિડ રમૂજી છે!

Film 80 : ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’



જે સ્ટેન્લી કુબ્રિકની ઓર એક ફિલ્મ વિશે વાત કરવી છે. આ માણસની રેન્જ જુઓ. એક તરફ એ ‘૨૦૦૧ - અ સ્પેસ ઓડિસી’ નામની સાયન્સ ફિક્શન બનાવે છે, જે આજેય આ પ્રકારના સિનેમા માટે એક માપદંડ ગણાય છે. બીજી તરફ એ ‘લોલિટા’ નામની અતિ વિવાદાસ્પદ કથાનક ધરાવતી સોશિયલ ફિલ્મ બનાવે છે, જેમાં આધેડ પુરુષ અને ટીનેજર ક્ધયા વચ્ચેના સંંબંધની વાત છે. ત્રીજી તરફ સ્ટિફન કિંગની ‘ધ શાઈનિંગ’ નવલકથા પરથી એ જ ટાઈટલ ધરાવતી ફિલ્મ બનાવે છે જે ઓલ-ટાઈમ-ગ્રેટ હોરર ફિલ્મોમાં સ્થાન પામી છે. આ ત્રણેય ફિલ્મો વિશે આપણે ‘હોલીવૂડ હંડ્રેડ’ સિરીઝમાં વાત કરી ચુક્યા છીએ. આજે જેના વિશે ચર્ચા કરવાના છીએ તે ‘ડો. સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’ આગલી ત્રણેય ફિલ્મો કરતાં સાવ જુદી છે. આ એક યાદગાર બ્લેક કોમેડી છે. બ્લેક કોમેડી એટલે એવી રમૂજ જેમાં વાત વિનાશ, આતંક કે વેદનાની ચાલતી હોય પણ તેનાથી ગભરાટ, અરેરાટી, દયા કે અનુકંપા થવાને બદલે આપણને ખડખડાટ હસવું આવે. ફિલ્મનું લાંબુંલચ્ચ ટાઈટલ જ કેટલું ફની છે. મહાન કોમેડિયન પીટર સેલર્સે કરેલા ટ્રિપલ રોલ આ ફિલ્મની હાઈલાઈટ છે.

ફિલ્મમાં શું છે?

એક પ્રચલિત માન્યતા છે કે હવે જો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થયું તો ખતરનાક ન્યુક્લિયર બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ અને બાયોલોજિકલ વેપન્સના પાપે દુનિયાનો સર્વનાશ થઈ જશે. ચોથા વિશ્ર્વયુદ્ધ સૃષ્ટિનું નવસર્જન પછી ખેલાશે. તે વખતે આપણે પાછા આદિમાનવ બની ગયા હોઈશું ને પથ્થરો, તીર-કામઠાં આપણાં અસ્ત્રોશસ્ત્રો હશે. આ બધી તો ખેર થિયરીઓ છે, પણ ન્યુક્લિયર બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ એક વાસ્તવિકતા છે. ધારો કે આ વિનાશક બોમ્બનો કંટ્રોલ ખોટા માણસના હાથમાં આવી ગયો તો? આ પ્રશ્ર્ન ‘ડો. સ્ટે્રન્જલવ’નો પાયો છે (સરળતા ખાતર આ લેખમાં આપણે ફિલ્મનું ટાઈટલ ટૂંકમાં જ લખીશું).

આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મનો સમયગાળો અમેરિકા અને રશિયા વચ્ચેના કોલ્ડવોરનો છે. સોવિયેત રશિયાના ટુકડા થવાની હજુ વાર છે. ફિલ્મની શરૂઆતમાં જ અમેરિકાના બ્રિગેડિયર જનરલ જેક ડી. રિપર (સ્ટર્લિંગ હેડન) ૩૪ બી-ફિફ્ટીટુ ફાઈટર પ્લેનના જવાનોને ઓર્ડર આપે છે: સાવધાન... રશિયા પર આક્રમણ કરવા માટે રેડી થઈ જાઓ! આ યુદ્ધ જહાજ પર ન્યુક્લિયર બોમ્બ લદાયેલા છે, જે મહાવિનાશ કરવા માટે સક્ષમ છે. બ્રિગેડિયર જનરલને આવો ખતરનાક આદેશ શા માટે આપ્યો? એના મનમાં તરંગ આવ્યો કે અમેરિકનોને પાણી પૂરું પાડતાં જળાશયોમાં રશિયનોએ ઘાતક ઝેર ભેળવી દીધું છે, જેનાથી માણસના ‘પ્રીશિયસ બોડીલ ફ્લડ’માં ઊથલપાથલ મચી જવાની છે. મતલબ કે રશિયાએ યુદ્ધની શરૂઆત કરી દીધી છે. આવી સ્થિતિમાં અમેરિકા કેવી રીતે ચુપ બેસે? ચક્રમ બ્રિગેડિયરે એક પણ સિનિયર કે ઈવન અમેરિકન પ્રેસિડન્ટને પૂછ્યાગાછ્યા વિના ન્યુક્લિયર વૉરનો પલીતો ચાંપી દીધો!

બ્રિગેડિયરનો એક એક્ઝિક્યુટિવ ઓફિસર છે - ગ્રુપ કેપ્ટન લિઓનેલ મેન્ડ્રેક (પીટર સેલર્સ નંબર વન). મુછાળા મેન્ડ્રેકનો દાવો છે કે એનેય બોમ્બર વિમાનોને પાછા બોલાવતા આવડે છે, પણ આ કામ હું તો જ કરું જો પહેલાં આખી દુનિયાને આ કારનામાની જાણ કરવામાં આવે.



પેન્ટાગોનના વોરરૂમમાં ધમાલ મચી જાય છે. લશ્કરના ચીફ જનરલ ટર્ગીડસન (જ્યોર્જ સી. સ્કોટ) અમેરિકન પ્રેસિડન્ટ મર્કિન મફલી (પીટર સેલર્સ નંબર ટુ)ને બ્રેકિંગ ન્યુઝ આપે છે કે સર, અણુયુદ્ધ શરુ થઈ ચુક્યું છે. ટકલુ પ્રેસિડન્ટ રાતાપીળા થઈ જાય છે. વોરરૂમમાં ન્યુક્લિયર સાયન્ટિસ્ટ ડો. સ્ટ્રેન્જલવ (પીટર સેલર્સ નંબર થ્રી), રશિયાનો રાજદૂત સહિત બીજા કેટલાય ચાવીરૂપ માથાં પણ બેઠાં છે. ડો. સ્ટ્રેન્જલવ વ્હીલચેર સાથે બંધાયેલો છે ને એના ચહેરા પર ચોવીસે કલાક સ્માઈલ ચીપકેલું રહે છે.

બાઘ્ઘો પ્રેસિડન્ટ હોટલાઈન પર મોસ્કો ફોન જોડીને દારૂડિયા રશિયન વડા દિમિત્રી સાથે ડરતાં ડરતાં વાત શરૂ કરે છે: ‘હેલો દિમિત્રી... આઈ એમ ફાઈન... હવે વાત એમ છે કે આપણે અગાઉ ઘણી વાર બોમ્બમાં કંઈક ગરબડ થાય તો શું પરિણામ આવે એના વિશે ચર્ચા કરી છે, યાદ છે?... અરે બોમ્બ, બોમ્બ, દિમિત્રી. હાઈડ્રોજન બોમ્બ... હવે થયું છે એવું કે કે અમારો એક કમાન્ડર છે... કોણ જાણે એના મનમાં શું ધૂનકી ચડી... એણે જરાક બેવકૂફી કરી નાખી છે... શું છે, એણે તમારા દેશ પર એટેક કરવા પ્લેન છોડી મૂક્યા છે... ના, ના... પ્લેન ઓલરેડી રવાના થઈ ગયા છે, ભાઈ... રશિયા પર અટેકે કરે એટલી જ વાર છે...’ જબરો રમૂજી છે આ સીન.



આ બધી ગરમાગરમીમાં રશિયન એમ્બેસેડર નવું પપલુ છોડે છે. એ કહે છે કે રશિયાએ ડૂમ્સડે ડિવાઈસ નામનું એક ઉપકરણ વિકસાવ્યું છે. એમાં એવું છે કે જેવો રશિયા પર એટેક થાય કે આ ડિવાઈસ આપોઆપ એક્ટિવેટ થઈ જાય. પચાસ જેટલા રેડિયોએક્ટિવ કોબાલ્ટ થોરિયમ ધરાવતા મહાઘાતક બોમ્બ દુશ્મન દેશ પર ઝીંકાય અને એનું ધનોતપનોત કાઢી નાખે! એટલું જ નહીં, તે પછીના દસ જ મહિનામાં સમગ્ર પર્યાવરણ એટલું દૂષિત થઈ જાય કે પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિ નાશ પામે! ભારે અફરાતફરીનો માહોલ છે. પેલો મેન્ડ્રેક એસટીડી પીસીઓ પરથી રશિયન વડા સાથે વાત કરવાની કોશિશ કરે છે. કોઈ પણ ભોગે પેલા રવાના થઈ ચુકેલા બોમ્બર વિમાનોને પાછાં વાળવાં જ પડે તેમ છે. એક પાયલટ મેજર ટી.જે. કિંગ કોંગ સાથે કોન્ટેક્ટ થાય છે, પણ એ કંઈક ભળતુંસળતું સમજે છે. તો પછી એન્ડમાં શું થાય છે? રશિયા પરનું આક્રમણ ટળ્યું? પેલી મહાખેપાની ડૂમ્સડે ડિવાઈસ એક્ટિવેટ થઈ કે ન થઈ? આ બધા પ્રશ્ર્નોના જવાબ તમારે જાતે મેળવી લેવાના છે, ફિલ્મની ડીવીડી જોઈને.

કથા પહેલાંની અને પછીની

સ્ટેન્લી કુબ્રિકનો મૂળ આઈડિયા તો પીટર જ્યોર્જ લિખિત ‘રેડ એલર્ટ’ નવલકથા પરથી દિલધડક થ્રિલર બનાવવાનો હતો. સ્ક્રિપ્ટ લખતાં પહેલાં રિચર્સ માટે કુબ્રિકે ન્યુક્લિયર વોરને લગતી પચાસેક ચોપડીઓ વાંચી નાખી હતી. સ્ક્રિપ્ટ લખતાં લખતાં એમને થયું કે અમુક સિચ્યુએશન ટેન્શનવાળી કરતાં ફની વધારે છે. તેઓ ટેરી સધર્ન નામના લેખકને ખેંચી લાવ્યા. સ્ક્રિપ્ટનું સટાયર એટલે કે કટાક્ષિકામાં રૂપાંતર ટેરીએ કર્યું. ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા. ફિલ્મનું ટાઈટલ બદલવામાં આવ્યું. સ્ટ્રેન્જલવ અને કિસઓફ જેવી વિચિત્ર અટકો ઊપજાવી કાઢવામાં આવી. ફિલ્મનો ડાયલોગ યા તો શબ્દરચના જે-તે ભાષાનો હિસ્સો બની જાય તે સંવાદલેખનની સૌથી મોટી સફળતા ગણાય. આ ફિલ્મમાં એવું બન્યું છે. વીર્ય માટે અંગ્રેજીમાં વપરાતો ‘પ્રીશિયસ બોડીલી ફ્લડ’ આ શબ્દપ્રયોગ ‘ડો. સ્ટે્રન્જલવ’ની દેન છે. ફિલ્મમાં તમે જોશો કે વોરરૂમના તોતિંગ ટેબલ પર સૌની આગળ નાસ્તાની પ્લેટો પડી છે. કુબ્રિકની ઈચ્છા હતી કે બધા મોટાં માથાં એકબીજા સાથે કેક-ફાઈટ કરતા હોય ને એકમેકના ચહેરા પર કસ્ટર્ડ પાઈ રગડતા હોય એવા દશ્યથી ફિલ્મ પૂરી કરવી. આ સીનનું શૂટિંગ પણ કરવામાં આવ્યું, પણ એડિટિંગ દરમિયાન કુબ્રિકને લાગ્યું કે સ્લેપસ્ટિક કોમેડીવાળો આ સીન વધારે પડતો લાઉડ બની ગયો છે. આખી ફિલ્મના ટોન સાથે એ બંધબેસતો ન હોવાથી સીન પડતો મૂકવામાં આવ્યો. એમ તો સ્ક્રિપ્ટના એક વર્ઝનમાં પરગ્રહવાસીઓ પૃથ્વી પર થઈ રહેલા સર્વનાશને અવકાશમાંથી જોઈ રહ્યા હોય તેવો સીન પણ હતો. આ સીન જોકે શૂટ જ નહોતો થયો.



ફિલ્મમાં ટ્રિપલ રોલ કરનાર પીટર સેલર્સને એ જમાનામાં એક મિલિયન ડોલરની ફી ચુકવવામાં આવેલી, જે આખેઆખી ફિલ્મના કુલ બજેટનો ૫૫ ટકા હિસ્સો જેટલી હતી! પીટર સેલર્સ ઈમ્પ્રોવાઈઝેશનના એક્કા હતા. એમના મોટા ભાગના ડાયલોગ્ઝ સેટ પર ઈમ્પ્રોવાઈઝ થયેલા છે. સ્ટેન્લી કુબ્રિક ખડુસ ડિરેક્ટર છે. એક્ટરે સારો શોટ આપ્યો હોય તોય ચહેરા પર હરામ બરાબર સ્માઈલ લાવતા હોય તો! પણ ‘ડો. સ્ટ્રેન્જલવ’ના શૂટિંગ દરમિયાન પીટસ સેલર્સનો અભિનય જોઈને એટલું બધું હસતા કે આંખોમાં પાણી આવી જતું.

સેલર્સ વાસ્તવમાં ફાઈટર પ્લેનના પાયલટ મેજર ટી.જે. કિંગ કોંગનો ચોથો રોલ પણ કરવાના હતા, પણ એમને ટેક્સાસની એક્સેન્ટ પકડવામાં તકલીફ પડી રહી હતી. અધૂરામાં પૂરું એમની કોણી પણ ઈન્જર્ડ થઈ ગઈ. આથી સ્ટેન્લી કુબ્રિકે આ રોલ સ્લિમ પિક્ધસ નામના એક્ટરને આપી દીધો. મજાની વાત એ હતી કે સ્લિમ પિક્ધસને છેક સુધી કહેવામાં આવ્યું નહોતું કે આ એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મ જોતી વખતે પણ તમને સમજાશે કે એણે બધાં સીન બહુ સિરિયસલી કર્યાં છે. લક્ષ્ય તરફ આગળ વધી રહેલા બોમ્બની ઉપર ઘોડો-ઘોડો કરીને બેઠેલા મેજર કિંગ કોંગનું દશ્ય યાદગાર બની ગયું છે. જનરલ ટર્ગીડસનનો રોલ કરનાર જ્યોર્જ સી. સ્કોટને શૂટિંગ દરમિયાન સ્ટેન્લી કુબ્રિક સતત ઓવર-એક્ટિંગ કરવાનું દબાણ કર્યા કરતા હતા. સ્કોટ ખૂબ ચિડાતા. એમણે પાણી મૂક્યું હતું કે હવે પછી લાઈફમાં ક્યારેય કુબ્રિક સાથે કામ નહીં કરું. બન્યું એવું કે ફિલ્મમાં પીટર સેલર્સ પછી સૌથી વધારે ધ્યાન જ્યોર્જ સી. સ્કોટના રોલે જ ખેંચ્યું. ખૂબ પ્રશંસા થઈ છે એમનાં પર્ફોર્મન્સની. પછી તો સ્કોટે ખુદ સ્વીકારવું પડ્યું કે ‘ડો. સ્ટે્રન્જલવ’નો રોલ એમની કરીઅરનો મોસ્ટ ફેવરિટ રોલ છે. વોરરૂમના એક દ્શ્યમાં જનરલ ટર્ગીડસન વાત કરતા કરતા ગડથોલું ખાઈને ગબડી પડે છે ને પછી બીજી જ સેક્ધડે ઊભા થઈને વાતને એવી રીતે કન્ટિન્યુ રાખે છે જાણે કશું થયું જ નથી. વાસ્તવમાં જ્યોર્જ સી. સ્કોટ ચાલુ શોટ દરમિયાન ખરેખર પડી ગયેલા. ક્ુબ્રિકે ફિલ્મમાં આ શોટ યથાતથ વાપર્યો છે. કેટલીય સિરિયલો અને હિન્દી ફિલ્મોમાં તેની નકલ થઈ છે.

૧૯૬૦ના દાયકામાં બી-ફિફ્ટીટુ બોમ્બર વિમાન ખૂબ આધુનિક ગણાતા. એની કોકપિટની ડિઝાઈન બનાવવા માટે કુબ્રિકે પેન્ટાગોનની મદદ માગી હતી, પણ આ નેશનલ સિક્યોરિટીનો મામલો હતો એટલે પેન્ટાગોનના અધિકારીઓએ ચોખ્ખી ના પાડી દીધી. કુબ્રિકે પછી એક બ્રિટિશ મેગેઝિનમાં છપાયેલી તસવીરના કટિંગથી કામ ચલાવ્યું. જોકે કોકપિટની ડિઝાઈન આબેહૂબ બની હતી.



કુબ્રિક ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં કરવા માગતા હતા, પણ ઈંગ્લેન્ડવાસી પીટર સેલર્સ છુટાછેડાના કેસમાં અટવાયા હોવાથી દેશ છોડી શકે તેમ નહોતા. તેથી ફિલ્મ પછી ઈંગ્લેન્ડમાં શૂટ કરવામાં આવી. ફિલ્મનું ટેસ્ટ સ્ક્રિનિંગ ૨૨ નવેમ્બર ૧૯૬૩ના રોજ થવાનું હતું, પણ એ જ દિવસે અમેરિકાના પ્રેસિડન્ટ જોન એફ. કેનેડીની હત્યા થઈ ગઈ. આવા આઘાતજનક માહોલમાં કોમેડી ફિલ્મ જોવા કોણ આવવાનું. પબ્લિકનો મૂડ પારખીને રિલીઝ ડેટ જાન્યુઆરી ૧૯૬૪ સુધી પાછળ ધકેલવામાં આવી. ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ. સર્વકાલીન શ્રેષ્ઠતમ કોમેડી ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું. ઓસ્કર માટે નોમિનેટ થયેલી કે ઓસ્કર જીતેલી કોઈ ફિલ્મનું આટલું લાંબું તેર તેર શબ્દોવાળું ટાઈટલ હજુ સુધી નથી આવ્યું! છેક ૧૯૯૫માં કુબ્રિકે ફિલ્મની સિક્વલ બનાવાની હિલચાલ શરૂ કરી હતી. એનું ટાઈટલ રાખવામાં આવ્યું હતું, ‘સન ઓફ સ્ટે્રેન્જલવ’. એની સ્ક્રિપ્ટ જોકે ક્યારેય પૂરી જ ન થઈ શકી. ખેર, તમે આ ફિલ્મ જોજો. મજ્જા પડશે.

બ્લેક સ્વાન’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : સ્ટેન્લી કુબ્રિક 

સ્ક્રીનપ્લે : સ્ટેન્લી કુબ્રિક, પીટર જ્યોર્જ, ટેરી સધર્ન

મૂળ નવલકથાકાર : પીટર જ્યોર્જ (‘રેડ એલર્ટ’)

કલાકાર : પીટર સેલર્સ, જ્યોર્જ સી. સ્કોટ, સ્ટર્લિંગ હેડન, કીનવ વાઈન, સ્લિમ પિક્ધસ

રિલીઝ ડેટ : ૨૯ જાન્યુઆરી ૧૯૬૪

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ પિક્ચર, લીડિંગ એક્ટર (પીટર સેલર્સ), ડિરેક્ટર અને અડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટેનાં ઓસ્કર નોમિનેશન્સ

                                             0 0 0 

Tuesday, January 14, 2014

મલ્ટિપ્લેક્સ : સ્ટિફન કિંગ : ભયરસના બેતાજ બાદશાહ

Sandesh - Sanskaar Purti - 12 Jan 2014

મલ્ટિપ્લેક્સ 

પોતાની કૃતિ પરથી ફિલ્મ કે ટીવી સિરિયલ બને તે કયા લેખકને ન ગમેઅમેરિકાના સુપર સક્સેસફુલ લેખક સ્ટિફન કિંગની રચનાઓ પરથી ૨૭ ફુલલેન્થ ફીચર ફિલ્મો બની ચૂકી છેજે એક વર્લ્ડ રેકોર્ડ છે. 'કેરીનામની ખોફનાક નવલકથા પરથી ત્રણ-ત્રણ હોરર ફિલ્મ બની છે.

પોતાની કૃતિ પરથી ફિલ્મ, ટીવી સિરિયલ કે નાટક બને તે લેખકોને ગમતું હોય છે. ભલે તે જોઈને "અરરર... મારી નોવેલના આવા હાલહવાલ કરી મૂક્યા આ લોકોએ" કહીને પછી બખાળા કાઢે કે નારાજગી પ્રગટ કરે, પણ પોતાના લખાણનો આધાર લઈને કોઈ અન્ય માધ્યમમાં કશુંક બનાવી રહ્યા છે, તે હકીકત અહમ્ને જબરો સંતોષ આપતી હોય છે. આર્થિક વળતર તો ખરું જ. અમેરિકાના બેસ્ટસેલર રાઈટર સ્ટિફન કિંગની કૃતિઓ પરથી બનેલી ફિલ્મો-ટીવી શોઝ-નાટકોના લિસ્ટ પર નજર ફેરવીએ તો આંખો ચાર થઈ જાય.
૧૯૭૪માં સ્ટિફન કિંગ સૌથી પહેલી વખત પ્રકાશિત થયા, 'કેરી' નામની નવલકથા સાથે. ત્યારથી શરૂ કરીને આ ચાલીસ વર્ષમાં એમની કૃતિઓ પરથી અન્ય માધ્યમોમાં કુલ ૫૮ આઈટમ બની ચૂકી છે. આમાં સાવ સાધારણથી માંડીને ઓસ્કર એવોર્ડ્ઝ જીતી ચૂકેલી ફુલલેન્થ ફીચર ફિલ્મો, સીધી જ વીડિયો પર રિલીઝ થયેલી ફિલ્મો, ટીવી પર દર્શાવાતી મિની સિરીઝ, છૂટક એપિસોડ્સ,સ્ટેજ મ્યુઝિકલ્સ અને કોમિક્સ સુધ્ધાં આવી ગયાં. સ્ટિફન કિંગે લખેલી નવલકથાઓ, લઘુનવલો તેમજ ટૂંકી વાર્તાઓ બધું જ વાપરી કાઢયું છે આ ફિલ્મ અને ટીવીવાળાઓએ. 'કેરી' નવલકથા પરથી તો ત્રણ-ત્રણ વખત ફિલ્મો બની છે. સૌથી પહેલી વાર બ્રાયન દ પાલ્માએ ૧૮૭૪માં આ જ ટાઈટલવાળી ફિલ્મ બનાવી હતી. ૨૦૦૨માં ટીવી-ફિલ્મ બની. ૨૦૧૩માં 'કેરી'ની એક ઔર રિમેક બની, જે આવતા શુક્રવારે ભારતભરમાં રિલીઝ થઈ રહી છે.

૬૬ વર્ષના સ્ટિફન કિંગ ભયરસના બાદશાહ છે. એમની નવલકથાઓમાં પાત્રો અને પરિસ્થિતિઓ એટલાં ભયાનક હોય છે કે વાંચતી વખતે વાચકોના રૃંવાડાં ખડાં થઈ જાય છે. સ્ટિફનની કહાણીઓને સાઇકોલોજિકલ થ્રિલર પણ કહી શકાય. ફેન્ટસીનાં તત્ત્વો પણ તેમાં ભરપૂર હોય છે. સ્ટિફન કિંગની તેમની નવલકથાઓનો હીરો મોટે ભાગે લેખક હોય છે. એમની કેટલીય કથાઓનો લોકાલ મેઈન નામનું અમેરિકન નગર છે. તે એટલા માટે કે તેઓ દાયકાઓથી, લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી એની પહેલાંથી,સપરિવાર આ શહેરમાં રહે છે. મહાનગરોમાં વસતા લોકોને બદલે નાની જગ્યા કે કમ્યુનિટીમાં વસતાં કિરદાર એમને વિશેષ પસંદ છે. આ પાત્રો કાં તો ખુદ સુપરનેચરલ પાવર ધરાવતાં હોય યા તો એમની આસપાસ રહસ્યમય અને ભયાનક ઘટનાઓ બનતી હોય. દુનિયાના ૩૫ દેશોમાં અને અલગ અલગ ૩૩ ભાષાઓમાં સ્ટિફન કિંગની નવલકથાઓ છપાઈ ચૂકી છે. આજ સુધીમાં તેમની કૃતિઓની ૩૦૦ મિલિયન એટલે કે ૩૦ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે. બેસ્ટસેલર લિસ્ટમાં તેમનું નામ સૌથી ઊંચી પાયદાન પર ૩૬ વખત રહી ચૂક્યું છે. છતાંય સ્ટિફનને ધરવ થયો નથી. એમની નોવેલ નંબર વન બેસ્ટસેલર ન બને તો એમનો મૂડ ઓફ્ફ થઈ જાય છે!

એમની લેખનયાત્રાની શરૂઆત જોકે ઊબડખાબડ થઈ હતી. શરૂઆતમાં રિયાજ ખાતર એમણે રિચર્ડ બેકમેનના ઉપનામથી ત્રણ નવલકથાઓ લખી હતી. વિદેશમાં દરેક પુસ્તક છપાય તે પહેલાં પ્રકાશક માટે કામ કરતા એડિટરના હાથ નીચેથી પસાર થતું હોય છે. સ્ટિફન કિંગે છદ્મનામે લખેલી સૌથી પહેલી નવલકથા 'ગેટિંગ ઈટ ઓન' ચાર વખત એડિટર પાસેથી "હજુ લખાણ કાચું છે, ફરી એક વાર મઠારો" એવી સૂચના સાથે પાછી ફરી હતી. ચોથા ડ્રાફ્ટ પછી પણ નવલકથા ન સ્વીકારાઈ તે ન જ સ્વીકારાઈ. બીજી નવલકથા 'ધ લોંગ વોક'નાં નસીબમાં પણ રિજેક્શન લખાયું હતું. ૧૯૭૧માં ચોવીસ વર્ષની ઉંમરે સ્ટિફન કિંગે લગ્ન કર્યાં. આ લગ્ન તેમને જબરાં ફળ્યાં. એમણે એક ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું. કેરીટા વ્હાઈટ (ટૂંકમાં કેરી) નામની ટીનેજ છોકરી વિશે તેમાં વાત હતી. થોડાં પાનાં લખ્યાં પછી સ્ટિફન કિંગને લાગ્યું કે આમાં કંઈ મજા નથી આવતી. એમણે ડૂચો વાળીને પાનાં કચરાપેટીમાં ફેંકી દીધાં. પત્ની ટબિથાને કોણ જાણે શું સૂઝ્યું કે એમણે ચોળાયેલાં પાનાં બહાર કાઢયાં ને ધ્યાનથી વાંચી ગઈ. એણે કહ્યું: વાર્તા શું કામ અધૂરી મૂકી દીધી? મને તો બહુ ઈન્ટરેસ્ટિંગ લાગી. તું પ્લીઝ આને પૂરી કર. પત્ની તરફથી ધક્કો મળતાં સ્ટિફન વાર્તાને અંત સુધી લઈ ગયા. શરૂઆત કરી હતી ટૂંકી વાર્તા તરીકે,પણ પૂરી થઈ ત્યાં સુધીમાં તેણે નવલકથાનું સ્વરૂપ લઈ લીધું હતું. એને ટાઈટલ આપવામાં આપ્યું, 'કેરી'. આ નવલકથા આખરે પ્રકાશકે સ્વીકારી અને છાપી. 'કેરી' ખૂબ વખણાઈ. થોડા જ મહિનાઓમાં પ્રકાશકે નવલકથાના અધિકાર ચાર લાખ ડોલર્સમાં વેચી કાઢયા. અડધો હિસ્સો સ્ટિફનને મળ્યો. તે વખતે તેઓ શિક્ષકની નોકરી કરીને વર્ષેદહાડે માંડ ૬૪૦૦ ડોલર્સ કમાતા હતા. સ્ટિફને પહેલું કામ નોકરી છોડવાનું કર્યું અને ફુલટાઈમ લેખક બનવાનો નિર્ણય લીધો.

'કેરી' તો શરૂઆત હતી. સ્ટિફન કિંગ એકએકથી ચડિયાતી નવલિકાઓ અને નવલકથાઓ લખતા ગયા અને ફિલ્મ-ટીવીવાળાઓને એના રાઈટ્સ વેચીને ચિક્કાર ડોલર્સ કમાતા ગયા. અત્યાર સુધીમાં સ્ટિફન કિંગની કૃતિઓ પરથી ૨૭ ફુલલેન્થ ફીચર ફિલ્મો બની છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. સ્ટિફન કિંગને અમેરિકાના ઇતિહાસના મોસ્ટ સકસેસફુલ રાઈટર તરીકેનું બિરુદ કંઈ અમસ્તું નથી મળ્યું.
એમની એક અતિ લોકપ્રિય નવલકથા 'ધ શાઈનિંગ' પરથી માસ્ટર ફિલ્મમેકર સ્ટેન્લી કુબ્રિકે એ જ ટાઈટલવાળી હોરર ફિલ્મ બનાવી હતી. જેક નિકલસન મેઈન હીરો હતા. પુસ્તક જેટલું ખોફનાક હતું, ફિલ્મ એટલી જ ભયપ્રેરક બની હતી, પણ લેખકસાહેબને ભારે અસંતોષ રહી ગયો હતો. એમની ફરિયાદ હતી કે સ્ટેન્લી કુબ્રિક પુસ્તકનો મૂળ સૂર જ સમજી શક્યા નથી. વળી, એમને જેક નિકલસનના કાસ્ટિંગ સામે પણ વાંધો હતો. સ્ટિફન કિંગે પછી ખુદ 'ધ શાઈનિંગ' પરથી ટીવી સિરીઝ પ્રોડયુસ કરી. મજા જુઓ કે ઓડિયન્સ અને વિવેચકો બન્નેને ટીવી વર્ઝન કરતાં સ્ટેન્લી કુબ્રિકનું ફિલ્મ વર્ઝન જ ચઢિયાતું લાગ્યું. કુબ્રિકની 'ધ શાઈનિંગ' સર્વશ્રેષ્ઠ હોરર ફિલ્મોના લિસ્ટમાં આજેય સ્થાન પામે છે.

The Shining team : (L to R) Stephen King, Stanley Kubrick and Jack Nicholson  

સ્ટિફન કિંગ કહે છે, "લોકો મને ઘણી વાર કહેતાં હોય છે કે તમે સિરિયસ નવલકથાઓ લખવાનું ક્યારે શરૂ કરશો? આવું કોઈ પૂછે ત્યારે મને ખૂબ લાગી આવે છે. અરે ભાઈ, હું સિરિયસ નવલકથાકાર જ છું. આ તો એના જેવું થયું કે તમે અશ્વેત માણસને પૂછો કે દોસ્ત, લોકો તને નીગ્રો કહે છે ત્યારે કેવું લાગે છે?!" સ્ટિફન કિંગને સૌથી વધારે કીર્તિ અપાવનાર ફિલ્મ 'ધ શોશંક રિડમ્પશન' જે લઘુનવલ પરથી બની છે તે કંઈ હોરર સ્ટોરી નથી. બલકે એમાં હ્યુમન સ્પિરિટના વિજયની વાત છે. મોર્ગન ફ્રીમેન અને ટિમ રોબિન્સને ચમકાવતી 'ધ શોશંક રિડમ્પશન' ને સાત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં હતાં. આ એક ક્લાસિક ફિલ્મ છે. હોલિવૂડની સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોની સૂચિઓમાં તે હંમેશાં સ્થાન પામે છે.



કિંબર્લી પીઅર્સે ડિરેક્ટ કરેલાં 'ધ કેરી'ના લેટેસ્ટ વર્ઝનમાં ચોલી ગ્રેસ મોર્ટેઝ નામની અભિનેત્રીએ ટાઈટલ રોલ કર્યો છે. કેરી સુપર પાવર ધરાવે છે, જેનાથી કોલેજમાં હબકી જવાય એવો આતંક મચાવી મૂકે છે. એની પાગલ માની ભૂમિકા જુલિએન મૂરે ભજવી છે. 'કેરી' પરથી નવેસરથી રિમેક બનાવવાની વાત આવી ત્યારે સ્ટિફન કિંગને નવાઈ લાગી હતી. તેમનું કહેવું હતું કે બ્રાયન દ પાલ્માએ ઓલરેડી વર્ષો પહેલાં આટલી સરસ ફિલ્મ બનાવી નાખી છે તો પછી નવેસરથી ત્રીજી વાર ફિલ્મ બનાવવાની શી જરૂર છે? જોકે, સ્ટિફન કિંગે ખુદ એક વખત કહ્યું હતું કે, "એક વાર હું મારી નવલકથાના રાઈટ્સ માટેનો કોન્ટ્રેક્ટ સાઈન કરી નાખું પછી એના પર ક્રિએટિવ કંટ્રોલ રાખવાના ધખારા નથી રાખતો. મને જે ચેક મળ્યો હોય તે બાઉન્સ ન થાય એટલે ભયો ભયો!"
શો-સ્ટોપર

પુરુષોને મારી સલાહ છે કે પોતાના કરતાં ઉંમરમાં ઘણી નાની અને ઘણી સુંદર સ્ત્રી સાથે જ લગ્ન કરવાં!
- સૈફ અલી ખાન

PS: Even Anurag Kashyap's film No Smoking starring John Abraham is based on Stephen King's short story, Quitters.
                                                                          0 0 0 

Friday, September 6, 2013

હૉલીવુડ હન્ડ્રેડ : લોલિટા

Mumbai Samachar - Matinee Supplement - 6 Sept 2013

હૉલીવુડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આધેડ વયનો પુરુષ પોતાની તૈર-ચૌદ વર્ષની સાવકી દીકરીના પ્રેમમાં પડે, એ ચંચળ છોકરી પણ આદમી તરફ આકર્ષાય અને બન્ને વચ્ચે સેક્સ્યુઅલ રિલેશનશિપ બંધાય ત્યારે શું થાય? ‘લોલિટા’ જેવી ફિલ્મ વિવાદાસ્પદ ન બને તો જ આશ્ર્ચર્ય પામવું પડે. 

ફિલ્મ ૩૮ - લોલિટા



સૈયાં બૈયાં છોડના... કચ્ચી કલિયાં તોડ ના

સીધા વિષય પર જ આવી જઈએ. ફિલ્મની શરૂઆત એક મર્ડર સીનથી થાય છે. સખત દારુ ઢીંચેલા ક્લેર ક્વિલ્ટી (પીટર સેલર્સ) નામના એક લેખકના અસ્તવ્યસ્ત ઘરમાં હમ્બર્ટ (જેમ્સ મેસન) નામનો માણસ ઘૂસી આવે છે. સખત તૂ-તૂ-મૈં-મૈં પછી આગંતુક નાસવાની કોશિશ કરી રહેલા લેખકને ગોળીથી ઉડાવી દે છે. ત્યાર પછી ફ્લેશબેકમાં મુખ્ય વાર્તા શરૂ થાય છે. 

હમ્બર્ટ મૂળ ફ્રેન્ચ કવિતાનો પ્રોફેસર છે. અમેરિકાના રેમ્સડેલ નામના નગરની એક કોલેજમાં પ્રોફેસર તરીકે અપોઈન્ટ થયો છે. એની ઉંમર હશે ૪૫-પ૦ વર્ષ. ડિવોર્સી છે. એકલારામ છે. રેમ્સડેલમાં એને સારું ભાડાંનું ઘર જોઈએ છે. એક મકાનમાં એ પૂછપરછ માટે ગયો તો ખરો પણ એની અતિ ઉત્સાહી માલિકણ શાર્લોટ હેઝ (શેલી વિન્ટર્સ)ના ચાંપલા વર્તાવથી હેરાન થઈ ગયો. શાર્લોટ વિધવા છે ને પાછી ફ્રેસ્ટ્રેટેડ છે. પુરુષના સંગાથમાં જિંદગીને માણવાના એના ઓરતા અધૂરા રહી ગયા છે. હમ્બર્ટને તરત સમજાઈ જાય છે કે જો હું અહીં રહેવા આવીશ તો આ બાઈ મારા ગળે પડશે. એ રફૂચક્કર થવાની તૈયારીમાં જ હતો ત્યાં શાર્લોેટ એને ધરાર ઘરની પાછળ આવેલો બગીચો જોવા લઈ જાય છે. અહીં પગ મૂકતાં જ હમ્બર્ટ થંભી જાય છે. એ જુએ છે કે સામે લૉન પર કુમળી કળી જેવી રૂપકડી છોકરી ટુ-પીસ બિકીની પહેરીને અદાથી બેઠી બેઠી હૂંફાળા તડકામાં સનબાથ લઈ રહી છે. એ લોલિટા (સ્યૂ લ્યોન) છે. શાર્લોટની દીકરી. ઉંમર હશે માંડ તેર-ચૌદ વર્ષ. હમ્બર્ટ તરત કહી દે છે: મેડમ, મને તમારું ઘર પસંદ છે. બોલો, ક્યારે રહેવા આવું? શાર્લોટને નવાઈ લાગે છે કે હજુ હમણાં સુધી હા-ના-હા-ના કરી રહેલા પ્રોફેસરસાહેબને ઓચિંતા ઘર કેમ પસંદ પડી ગયું? 




હમ્બર્ટ બેગબિસ્તરા લઈને પેઈંગગેસ્ટ તરીકે રહેવા આવી જાય છે. એક બાજુ હરખપદૂડી શાર્લોટ હેમ્બર્ટને રીઝવવા ઘેલી ઘેલી થઈ રહી છે, બીજી બાજુ હેમ્બર્ટ વર્જિન બ્યુટી લોલિટા તરફ ખેંચાઈ રહ્યો છે. લોલિટા પણ કંઈ ઓછી નથી. એ ઋતુકાળમાં પ્રવેશી ચૂકેલી નખરાળી તરુણી છે. પોતાના પિતાની ઉંમરના હેમ્બર્ટ તરફ એ વિજાતીય આકર્ષણ અનુભવી રહી છે. એના વ્યક્તિત્ત્વમાં નિર્દોષતા અને કામુકતાનું ખતરનાક કોમ્બિનેશન છે. એની ચેષ્ટાઓથી હમ્બર્ટ ઓર ઉશ્કેરાતો રહે છે. લોલિટા પ્રત્યેની રંગીન લાગણીઓને અને શાર્લોટ પ્રત્યેના ઉપહાસયુક્ત વિચારોને એ પર્સનલ ડાયરીમાં ઉતારતો રહે છે. 

વેકેશન પડતાં શાર્લોટ દીકરીને સમર કેમ્પમાં મૂકવા જાય છે. જતાં જતાં હમ્બર્ટ માટે ચિઠ્ઠી મૂકતી જાય છે, જેમાં પોતાના પ્રેમનો ઈઝહાર કરીને લખ્યું છે કે હું સાંજે પાછી આવું ત્યાં સુધીમાં તું ઘર ખાલી કરીને જતો રહ્યો નહીં હોય તો હું સમજી જઈશ કે તું પણ મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા તૈયાર છે! આ કાગળ વાંચીને હેમ્બર્ટ મોટેથી હસી પડે છે. ખેર, ઘરને (અને લોલિટાને) છોડીને જતા રહેવાનો એનો કોઈ ઈરાદો નથી. એ કમને શાર્લોટનો સ્વીકાર તો કરી લે છે, પણ આવું કઢંગું લગનગાડું ક્યાં સુધી ચાલવાનું. લોલિટાની ગેરહાજરીમાં હમ્બર્ટ કોચલામાં પુરાતો જાય છે, જ્યારે શાર્લોટ વધુને વધુ રઘવાઈ થતી જાય છે. એક વાર અચાનક એના હાથમાં હમ્બર્ટની ડાયરી આવી જાય છે. લોલિટા વિશેના કામુક ખયાલો તેમ જ પોતાના વિશેના ઘૃણાભર્યા વિચારો વાંચીને શાર્લોટ પાગલ થઈ જાય છે. એ ઘરની બહાર દોટ મૂકે છે ને કારની હડફેટમાં આવી જતાં ત્યાં જ મૃત્યુ પામે છે. 





હમ્બર્ટ માટે તો જાણે માર્ગ મોકળો થઈ ગયો. લોલિટાને સમરકેમ્પમાંથી તેડી લાવીને વળતા રસ્તામાં એક હોટલમાં બન્ને ચેક-ઈન કરે છે. ચંચળ લોલિટા સાથે અહીં પહેલી વાર એનો શરીરસંબંધ બંધાય છે. માના મોતના સમાચાર સાંભળીને લોલિટા ખૂબ રડે છે. હમ્બર્ટ એને શાંત કરે છે, હૂંફ આપે છે. કદાચ લોલિટાની લાચારી અને અસહાયતા જોઈને હમ્બર્ટની લાલસા ઓર તીવ્ર થતી હશે. લોલિટા હમ્બર્ટની ગોદમાં લપાઈને કહે છે: સગીર અનાથ બાળકો માટેની સંસ્થામાં મારે નથી જવું... એના કરતાં તમારી સાથે રહેવું સારું.

હમ્બર્ટ બીજા કોઈ શહેરમાં નોકરી શોધીને લોલિટા સાથે રહેવા લાગે છે. જાહેરમાં બન્ને એકમેકને બાપ-બેટી તરીકે વર્તે છે, પણ અસલિયતમાં તેમની વચ્ચે કેવો સંબંધ છે એ તો તેઓ જ જાણે છે. લોલિટા રહી ઉદ્ંડ છોકરી. એનો ચંચળ સ્વભાવ થોડો બદલાવાનો છે? હમ્બર્ટ હવે એના પર સતત શંકા કર્યા કરે છે. પિયાનો ક્લાસ બન્ક કરીને ક્યાં ગાયબ થઈ ગઈ હતી, બોલ? કેમ ઘરે આવતાં મોડું થયું? કેમ મવાલી છોકરાઓ સાથે વાતો કરે છે? નાટકમાં ઊતરવાની જરૂર જ શી છે? બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગે છે. હમ્બર્ટ અને લોલિટાના સંબંધમાં કંઈક ગરબડ છે એવી ગંધ ધીમે ધીમે સૌને આવવા લાગે છે. લોલિટાનું એબનોર્મલ વર્તન જોઈને સ્કૂલના કાઉન્સેલરોની ટીમ હમ્બર્ટને મળવા માગે છે. ફરી પાછા બન્ને ઉચાળા ભરીને ભાગે છે. રસ્તામાં એક્સિડન્ટ થતાં લોલિટાને દવાખાનામાં એડમિટ કરવામાં આવે છે, પણ અહીંથી ડિસ્ચાર્જ લઈને એ ગુપચુપ પોતાના કોઈ અંકલ સાથે ગાયબ થઈ જાય છે. લાંબા અરસા પછી ઓચિંતા 
હમ્બર્ટને લોલિટાનો કાગળ મળે છે. એણે કોઈની સાથે લગ્ન કરી લીધાં છે, એ પ્રેગનન્ટ છે ને એને પૈસાની જરૂર છે. પૈસા મોકલી આપવાને બદલે હમ્બર્ટ ખુદ લોલિટાના ઘરે પહોંચી જાય છે. અહીં આવીને એ જુએ છે કે... બસ, આખેઆખી વાર્તા નથી કહેવી. લોલિટા કોને પરણી? પેલો અચાનક ફૂટી નીકળેલો અંકલ કોણ હતો? ફિલ્મની શરૂઆતમાં પેલું જે ખૂન થતું દેખાડ્યું હતું એ શું હતું? હમ્બર્ટ-લોલિટાનું પછી શું થયું? આ બધા સવાલોના જવાબ તમારે જાતે શોધી લેવાના. 

કથા પહેલાંની અને પછીની

‘આ લોકોએ ‘લોલિટા’ જેવી ફિલ્મ બનાવી કેવી રીતે?’ એકાવન વર્ષ પહેલાં આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એના પોસ્ટર પર આ વાક્ય છાપવામાં આવતું. વિષય આજેય વિવાદાસ્પદ લાગે છે તો અડધી સદી પહેલાં તો કેટલો ક્ધટ્રોવર્શિયલ લાગવાનો. ફિલ્મનો આધાર વ્લાદિમીર નેબોકોવ નામના લેખકની આ જ શીર્ષક ધરાવતી નવલકથા છે. આ પુસ્તકે પણ ખાસ્સો હોબાળો મચાવેલો. ડિરેક્ટર સ્ટેન્લી ક્યુબ્રિક વિશ્ર્વસિનેમાના મહારથી તો પછી બન્યા (એમની ‘૨૦૧૦- અ સ્પેસ ઓડિસી’ નામની ફિલ્મ વિશે આપણે આ કોલમમાં ચર્ચા કરી ચૂક્યા છીએ), પણ આ ફિલ્મ બનાવતી વખતે એમનું એટલું હજુ એટલું બધું નામ થયું નહોતું. ‘લોલિટા’ પુસ્તક અમેરિકામાં પ્રકાશિત થઈને બેસ્ટસેલર બને તે પહેલાં જ સ્ટેન્લી ક્યુબ્રિકે દોઢ લાખ ડોલરમાં એના રાઈટ્સ ખરીદી લીધા હતા. ફિલ્મનો સ્ક્રીનપ્લે એમણે મૂળ લેખક પાસે જ લખાવ્યો. ઓરિજિનલ પટકથા ૪૦૦ પાનાંની હતી. જો એના પરથી બેઠી ફિલ્મ બનાવવામાં આવે તો એ સાત કલાકની બનત! સ્ટેન્લીએ કડક થઈને કાતર ચલાવીને લગભગ પોણા ભાગનું મટિરિયલ ઉડાડી દીધું. છતાંય ફિલ્મ જોતી વખતે તમને લાગશે કે દશ્યો બહુ લાંબાં લાંબાં છે. મોટા ભાગના સ્ટુડિયોએ આવી જોખમી સ્ક્રિપ્ટને હાથ લગાડવાની ના પાડી દીધી હતી. આખરે માંડ એમજીએમ સ્ટુડિયોએ તૈયારી બતાવી. હોલીવૂડમાં એ વખતે સેન્સરશિપના કાયદા કડક હતા. શૂટિંગ દરમિયાન અંતરાય ઊભા ન થાય તે માટે સ્ટેન્લીએ મોટા ભાગનું શૂટિંગ ઈંગ્લેન્ડમાં આટોપ્યુંં. 




એક મધ્યવયસ્ક પુરુષનો પોતાની સાવકી દીકરી સાથેનો વિકૃતિની કક્ષાએ પહોંચી જતો આડો સંબંધ ફિલ્મના કેન્દ્રમાં છે, છતાં સ્ક્રીન પર પ્રગટપણે કશું જ દેખાડવામાં આવ્યું નથી. બન્ને મુખ્ય પાત્રો વચ્ચેની સેક્સ્યુઅલ રિલેશનશિપને ફક્ત સૂચક રીતે પેશ કરવામાં આવી છે. લોલિટાનું મુખ્ય પાત્ર અફલાતૂન રીતે પેશ કરનાર ‘બાળકલાકાર’ સ્યૂ લ્યોન શૂટિંગ વખતે ૧૪ વર્ષની હતી. ફિલ્મનું પ્રિમિયર યોજાયું ત્યારે એને થિયેટરમાં એન્ટ્રી આપવામાં નહોતી આવી, કેમ કે ફિલ્મ ‘કેવળ પુખ્ત વયનાઓ માટે’ જ હતી! 

સ્ટેન્લીએ આ ફિલ્મને એક ટ્રેજેડી તરીકે ટ્રીટ નથી કરી, બલકે ફિલ્મનો ટોન હલકોફૂલકો રહે છે. સામાજિક નીતિમૂલ્યોને કારણે ગૂંગળાઈ ગયેલા આદમીની આ વાત છે. સ્ટેન્લી કયુબ્રિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ફિલ્મ બનાવતી વખતે મારા પર સેન્સર બોર્ડનું અને ધાર્મિક વડાઓનું એટલું બધું પ્રેશર હતું કે હું હમ્બર્ટ અને લોલિટાના સંબંધનું સેક્સ્યુઅલ પાસું ખાસ ઉજાગર કરી ન શક્યો. તેને લીધે ફિલ્મ જોતી વખતે શરૂઆતથી જ એવું લાગવા માંડે છે કે છોકરીને જોઈને હમ્બર્ટની ડાગળી ચસકી ગઈ છે એ તો જાણે બરાબર છે, પણ એ છોકરીને હૃદયથી પ્રેમ પણ કરે છે. ખરેખર એવું નથી. પુસ્તકમાં આ પ્રેમવાળી વાત છેક એન્ડમાં આવે છે.’ ફિલ્મ રિલીઝ થયા પછી સરસ ચાલી. અમુક સમીક્ષકોએ તેને સાવ વખોડી નાખી, અમુક આફરીન પોકારી ગયા. હોલીવૂડના સેન્સરના નિયમોને હળવા બનાવવામાં આ ફિલ્મની સફળતાનો મોટો ફાળો છે. ૧૯૯૭માં આ ફિલ્મની રિમેક બની હતી, જે ખરાબ રીતે પીટાઈ ગઈ. ‘લોલિટા’ સ્ટેન્લી ક્યુબ્રિકની માસ્ટરપીસ સમાન ફિલ્મ કદાચ નથી, પણ ફિલ્મનાં બન્ને કિરદાર એમણે સ્ક્રીન પર સર્જેલા સૌથી યાદગાર અને ચર્ચાસ્પદ પાત્રોમાં જરૂર સ્થાન પામે છે. જોજો, મજા પડશે.                               0 0



લોલિટાફેક્ટ ફાઈલ


ડિરેક્ટર: સ્ટેન્લી ક્યુબ્રિક

મૂળ નવલકથા અને સ્ક્રીનપ્લેના લેખક: વ્લાદિમીર નેબોકોવ 

કલાકાર : જેમ્સ મેસન, સ્યૂ લ્યોન, પીટર સેલર્સ, શેલી વિન્ટર્સ 

રિલીઝ ડેટ: ૧૩ જૂન ૧૯૬૨ 

મહત્ત્વના એવૉર્ડઝ: બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કરનું નોમિનેશન