Showing posts with label Dakota Johnson. Show all posts
Showing posts with label Dakota Johnson. Show all posts

Saturday, August 2, 2014

મલ્ટિપ્લેક્સ : આ ગ્રે ફિલ્મ બડી રંગીન છે

Sandesh - Sanskar Purty - 3 August 2014

મલ્ટિપ્લેક્સ 
'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'ના ટ્રેલર માત્રથી તીવ્ર પ્રતિક્રિયા જાગી છે તેનું કારણ એ છે કે જે પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે તે વિશ્વકક્ષાએ ઓલરેડી બેસ્ટસેલર બની ચૂક્યું છે. ફિલ્મનું કન્ટેન્ટ શું હશે તે આખી દુનિયા જાણે છે. 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' પર 'મમ્મી પોર્ન'નું લેબલ ચિપકાવી દેવામાં આવ્યું છે. જે કંઈ છપાયેલા કાગળ પર છે એ જ બધું સ્ક્રીન પર દેખાવાનું છે એટલે સતર્ક વાલીઓને અત્યારથી ટેન્શન થઈ ગયું છે.


ફિલ્મ રિલીઝ થાય ત્યારે એક યા બીજા કારણસર વિવાદ જાગે તે સમજાય એવું છે, પણ 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'નું હજુ તો માંડ પહેલું ટ્રેલર રિલીઝ થયું ને જોરદાર વિવાદ ફાટી નીકળ્યો. હોલિવૂડની આ ફિલ્મ રિલીઝ થવાની છે છેક આવતા વર્ષના વેલેન્ટાઈન્સ ડે પર, પણ એનું પહેલું ટ્રેલર તાજેતરમાં બહાર પડતાં જ અમેરિકાની ધ પેરેન્ટ્સ ટેલિવિઝન કાઉન્સિલ નામની સંસ્થાએ એનબીસી નામની ચેનલનો ઉધડો લઈ લીધોઃ સવારના પહોરમાં બાળકો સ્કૂલે જવા માટે તૈયાર થતાં હોય કે નાસ્તો કરતાં હોય એવા સમયે 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'નો પ્રોમો બતાવ્યો જ કેમ? બાળકોના માનસ પર આની ખરાબ અસર થઈ શકે છે એવી સાદી સમજણ પણ ચેનલવાળાઓને નથી?
કેમ અમેરિકન વાલીઓ રાતાપીળા થઈ ગયા? એવું તે શંુ હતું આ પ્રોમોમાં? કાઉન્સિલની પ્રતિનિધિ કહે છે કે આ ફિલ્મમાં સેક્સ્યુઅલ વાયોલન્સને રોમાન્ટિસાઈઝ કરવામાં આવ્યું છે. સેક્સ ક્રિયા દરમિયાન હિંસા આચરવામાં કશો વાંધો નથી, ઊલટાનું, આવું કરવું 'કૂલ' ગણાય, સ્વીકાર્ય ગણાય એવો સંદેશ જાણે કે આ ફિલ્મ આપી રહી છે. બસ, મમ્મી-પપ્પાઓને, ખાસ કરીને ટીનેજ કન્યાઓનાં પેરેન્ટ્સને આની સામે વાંધો પડી ગયો.
'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'ના ટ્રેલર માત્રથી તીવ્ર પ્રતિક્રિયા જાગી છે તેનું કારણ એ છે કે જે પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે તે વિશ્વકક્ષાએ ઓલરેડી બેસ્ટસેલર બની ચૂક્યું છે. ફિલ્મનું કન્ટેન્ટ શું હશે તે આખી દુનિયા જાણે છે. જે કંઈ છપાયેલા કાગળ પર છે એ જ બધું સ્ક્રીન પર દેખાવાનું છે એટલે સતર્ક વાલીઓને અત્યારથી ટેન્શન થઈ ગયું છે.
E.L. James 
આગળ વધતા પહેલાં 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' પુસ્તક વિશે થોડું જાણી લઈએ. એની લેખિકાનું નામ છે, એરિકા લિઓનાર્ડ. લંડનમાં રહેલી ૫૧ વર્ષની આ મહિલા મૂળ તો સીધીસાદી ટીવી એક્ઝિક્યુટિવ. એણે તો આ લખાણ એમ જ શોખ ખાતર લખ્યું હતું, પણ બોમ્બની જેમ એવું તો ફાટયું કે એરિકા આંતરરાષ્ટ્રીય કક્ષાની સેલિબ્રિટી બની ગઈ. એરિકા 'ટ્વિલાઈટ' નામની વેમ્પાયરની થીમવાળી ફેન્ટસી રોમેન્ટિક નવલકથા સિરીઝની મોટી ફેન. આના પરથી ફિલ્મો પણ બની છે. સિરીઝનાં મુખ્ય પાત્રોને ઉઠાવીને એરિકાએ એક ફેન ફિક્શન લખવાની શરૂઆત કરી. આપણને કોઈ ફિલ્મ કે નવલકથા બહુ ગમી જાય તો એનાં પાત્રો વિશે'એડિશનલ' કલ્પનાઓ કરવાનું, વાર્તાના તંતુને મનોમન આગળ વધારવાનું ગમતું હોય છે. ઉદાહરણ તરીકે, 'શોલે'ના એન્ડમાં વીરુ અને બસંતી ટૂંક સમયમાં પરણી જશે એવી સ્પષ્ટ હિન્ટ છે, તો લગ્ન પછી એમનું શું થયું? એમનું જીવન કેવી રીતે વીત્યું?થોડાં વર્ષો પછી રામગઢ પર ગબ્બર સિંહ કરતાંય વધારે મોટું નવું સંકટ આવી પડે તો? ધારો કે ગામમાં અમિતાભ યા તો ગબ્બર સિંહનો હમશકલ આવી ચડે તો? બસ, આ રીતે કલ્પનાના ઘોડા દોડાવીને તમે જે વાર્તા ઘડી કાઢો તેને ફેન ફિક્શન કહેવાય. એરિકાએ પણ બનાવટી નામ ધારણ કરીને એક વેબસાઈટ પર વાર્તા લખવા માંડી.
શું છે વાર્તામાં? એનાસ્ટાશિયા અથવા તો એના નામની ૨૧ વર્ષની એક વર્જિન કોલેજકન્યા કોઈક અસાઈન્મેન્ટના ભાગરૂપે પોતાની બહેનપણી વતી ક્રિસ્ટયાન ગ્રે નામના અત્યંત ધનાઢય ઉદ્યોગપતિનો ડરતાં ડરતાં ઈન્ટરવ્યૂ લેવા જાય છે. યુવાન ક્રિસ્ટયાન જેટલો ધનિક છે એટલો જ હેન્ડસમ અને પ્રભાવશાળી છે. ભલીભોળી એના ક્રિસ્ટયાન તરફ આકર્ષાય છે. એટ્રેક્શન દ્વિપક્ષી છે. બન્ને વચ્ચે રોમેન્ટિક સંબંધ બંધાય તો છે, પણ ક્રિસ્ટયાનની એક વિચિત્રતા છે. એ કંટ્રોલ-ફ્રીક છે. દરેક બાબતમાં બધું પોતાના જ હિસાબે થવું જોઈએ. સેક્સના મામલામાં પણ. એનાને ખબર પડે છે કે પોતાના બોયફ્રેન્ડને શયનખંડમાં હિંસા પસંદ છે. સ્ત્રીને પલંગ પર બાંધી દઈને, એની આંખે પટ્ટી લગાવીને એને સોટીથી ફટકારવાથી ક્રિસ્ટયાનને ગજબની ઉત્તેજનાનો અનુભવ થાય છે. એના આ બધું સહન કરતી જાય છે.
ફેન ફિક્શન તરીકે લખાયેલી આ નવલકથાને એટલો બધો પ્રતિસાદ મળ્યો કે લેખિકા એરિકાએ એને સ્વતંત્ર નવલકથા તરીકે વિકસાવી. ૨૦૧૨માં ઔર એક ઉપનામ ઈ.એલ. જેમ્સ ધારણ કરીને નવલકથાને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી. ચક્કર આવી જાય એટલી હદે તે સુપરડુપર હિટ થઈ. બાવન ભાષામાં અનુવાદ થયા. એરિકાએ ધડાધડ બે સિક્વલ લખી નાખી. આજની તારીખે આ ત્રણ ચોપડીઓની કુલ દસ કરોડ કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે. હેરી પોટરથી વિખ્યાત થઈ ગયેલી જે. કે. રાઉલિંગ કરતાં વધારે વકરો 'ફિફ્ટી શેડ્ઝ'નાં ત્રણ પુસ્તકોએ કર્યો છે. 'ટાઈમ' મેગેઝિને વિશ્વની સૌથી વગદાર ૧૦૦ વ્યક્તિઓની સૂચિમાં ઈ. એલ. જેમ્સનું નામ સામેલ કર્યું છે. આધેડ વયની એરિકાએ તો ખુદની સેક્સ્યુઅલ ફેન્ટસીઓ વ્યક્ત કરવા માટે આ વાર્તા લખી હતી.'ફિફ્ટી શેડ્ઝ...'ની ગજબનાક સફળતાથી એને ખુદને એટલો શોક લાગ્યો છે કે એમાંથી હજુ સુધી બહાર નથી આવી!


'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' પર 'મમ્મી પોર્ન'નું લેબલ ચિપકાવી દેવામાં આવ્યું છે. 'મમ્મી પોર્ન' એટલે બચ્ચાં પેદા કરીને ઠરીઠામ થઈ ગયેલી અને ફ્રસ્ટ્રેટ થઈને મનોમન સેક્સનાં સપનાં જોઈને સંતોષ માની લેતી મધ્યવયસ્ક મમ્મીઓને ગલગલિયાં કરે તેવી સામગ્રી. જોકે ટીનેજર અને કોલેજિયન કન્યાઓમાં પણ આ નવલકથા ખૂબ પોપ્યુલર બની છે. નવલકથાની શૈલી પ્રવાહી અને ગતિશીલ છે તે સાચું, પણ આમાં સાહિત્યિક સ્પર્શ કે ઊંડાણ શોધવાની ભૂલ કરવા જેવી નથી. આમાં માત્ર કામુક વર્ણનોનો ચટાકો છે. કોઈક નવશીખિયાએ લખેલું આ મટીરિયલ છે એવું તરત જ સ્પષ્ટ વર્તાઈ આવે છે. આ લખનારે વીસ-ત્રીસ પાનાં વાંચીને કંટાળીને ચોપડી એક બાજુ મૂકી દીધી હતી.
ખેર, આવી બમ્પર સફળતા મેળવનાર સેક્સ-બોમ્બ જેવી નવલકથા જોઈને હોલિવૂડની લાળ ન ટપકે તે શી રીતે બને. મોટા મોટા લગભગ તમામ સ્ટુડિયોઓના પ્રતિનિધિઓ એરિકા પાસેથી પુસ્તકોના રાઈટ્સ મેળવવા હુડુડુડુ કરતા લંડન ભાગ્યા. એરિકા એક મુલાકાતમાં કહે છે,'આ બધામાંથી મને યુનિવર્સલ સ્ટુડિયોની ચેરપર્સન ડોનાની વાત ગમી ગઈ. એણે કહ્યું કે અગાઉ સ્ત્રીઓ ફક્ત ઘર સંભાળતી, જ્યારે બાકીની તમામ જવાબદારીઓ પુરુષો ઉપાડતા. આજે એકવીસમી સદીમાં સ્ત્રીઓએ ઘર ઉપરાંત ઓફિસનાં કામ પણ કરવાં પડે છે, ડગલે ને પગલે નિર્ણયો લેવા પડે છે. બહુ સ્ટ્રેસફુલ હોય છે આ બધું. આવી સ્થિતિમાં એને કોઈ એવો પુરુષ મળી જાય જે તમામ જવાબદારી ઉપાડી લે, ઈવન બિસ્તરમાં શું કરવું ને શું ન કરવું તે પણ એ જાતે નક્કી કરે તો એના કરતાં વધારે રિલેક્સિંગ બીજું શું હોવાનું! ડોનાએ મને આવું કહ્યું એટલે મને લાગ્યું કે યેસ, આ લેડી 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'નો સૂર બરાબર પકડી શકી છે! બસ, પુસ્તકના રાઈટ્સ માટે ડોનાના યુનિવર્સલ સ્ટુડિયો પર પસંદગી ઉતારવાનું મારા માટે આસાન થઈ ગયું.' 


યુનિવર્સલ સ્ટુડિયોએ મૂળ પુસ્તક વત્તા બે સિક્વલ ગણીને ત્રણેય પુસ્તકોના અધિકાર માટે એરિકાને રોકડા પાંચ મિલિયન ડોલર ગણી આપ્યા. તે સાથે જ 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' હોલિવૂડનો સુપરહોટ પ્રોજેક્ટ બની ગયો. ટોપ ડિરેક્ટરો આ અસાઇનમેન્ટ મેળવવા તૈયાર હતા, પણ એ સૌને એક બાજુ ખસેડીને સેમ ટેલર-જોન્સન નામની બ્રિટિશ ડિરેક્ટરને નિર્દેશનની જવાબદારી સોંપવામાં આવી છે. 'નોવેર બોય' પછીની આ એની બીજી જ ફુલલેન્થ ફિલ્મ છે. સૌનું ધ્યાન હવે એ વાત પર હતું કે એના અને ક્રિસ્ટયાનના રોલ માટે કોની પસંદગી થાય છે. એનાના કિરદાર માટે ૨૩ વર્ષની ડેકોટા જોન્સન સિલેક્ટ થઈ. અગાઉ 'સોશિયલ નેટવર્ક'માં આપણે એને જોઈ છે. હીરો તરીકે ચાર્લી હનનેમ નામનો એક્ટર પસંદ તો થયો, પણ નવલકથાના ચાહકોએ ફેસબુક અને ટ્વિટર પર ચાર્લી વિરુદ્ધ બુમરાણ મચાવી દીધી. સ્ટુડિયોના માલિકો કરતાં ચાર્લી પર એની વધારે અસર થઈ. છેલ્લી ઘડીએ એણે 'મારી ટીવી સિરિયલોને કારણે મને ટાઈમ નહીં મળે' એવું બહાનું બતાવીને ફિલ્મ છોડી દીધી. તેની જગ્યાએ જેમી ડોર્મન નામના હેન્ડસમ આઈરિશ એક્ટરને કાસ્ટ કરવામાં આવ્યો. અગાઉ એ 'શેડો ઈન ધ સન' જેવી બે-ત્રણ ફિલ્મો કેલ્વિન ક્લાઈન જેવી ટોપ બ્રાન્ડ્સની કેટલીક એડ્સમાં ચમકી ચૂક્યો છે. આ ફિલ્મ મળવાને કારણે અત્યારથી એ હોલિવૂડની હોટ પ્રોપર્ટી ગણાવા લાગ્યો છે. પાપારાઝીઓ પડછાયાની જેમ એની આગળપાછળ ફર્યા કરે છે.
                                                                                                                             Photo courtesy : FameFlynet.uk.com

'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે' રિલીઝ થવાને હજુ સાડાછ મહિનાની વાર છે, પણ જે રીતે અત્યારથી તેને મીડિયા અટેન્શન મળી રહ્યું છે તે જોતાં એની બોક્સઓફિસ સકસેસ ગેરંટેડ છે. આમેય ચોપડી વાંચનારાઓ કુતૂહલવશ એક વાર તો ફિલ્મ જોવા જશે જ. ફિલ્મ જો ખરેખર ખૂબ મોટી હિટ થઈ તો એની બબ્બે સિક્વલ કતારમાં તૈયાર જ ઊભી છે. એવું નથી કે ફિલ્મ અત્યંત સેક્સપ્રચુર હશે. આના કરતાં અનેકગણી વધારે કામુક ફિલ્મો આવી ચૂકી છે. આ ઈરોટિક કરતાં રોમેન્ટિક વધારે હશે. ફિલ્મને હાઈપ નવલકથાને કારણે મળ્યો છે. સુપરડુપર પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો આ જ ફાયદો છે.
શો-સ્ટોપર

મારી ફિલ્મો ગમે તેટલી હિટ થાય, પણ મારાં મમ્મી-પપ્પા પર એની બહુ અસર થતી નથી. તેઓ શાંતિથી કહેશે કે ચલો અચ્છા હૈ, અબ આગે બઢો. એમના આવા રવૈયાના કારણે જ હું ક્યારેય સફળતાથી ફુલાઈને ફાળકો થઈ શકતી નથી.
- દીપિકા પદુકોણ