Showing posts with label Yuval Noah Harari. Show all posts
Showing posts with label Yuval Noah Harari. Show all posts

Saturday, August 24, 2024

યુવલ નોઆહ હરારીના આગામી પુસ્તક 'NEXUS: A Brief History of Information Networks from the Stone Age to AI'માં શું છે?

તમારી પોસ્ટને લાઇક, કમેન્ટ, શેર અને ફોરવર્ડ કરનારા કોણ છે? જીવતાજાગતા માણસ કે AI ચેટબોટ?

--------------------

આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે આ કોઈ જીવતાજાગતા માણસે લખ્યું છે કે બોટ તરીકે ઓળખાતી AIની કરામત છે. બોટ આપણા જેવી જ ભાષામાં વાત કરીને સામેના માણસને કન્વિન્સ કરી શકે છે. એક્સ (ટ્વિટર)ના લગભગ પાંચથી ૨૦ ટકા યુઝર્સ આ બોટ 'લોકો' છે!

--------------------

વાત-વિચાર 0 એડિટ પેજ 0 ગુજરાત સમાચાર (24 ઓગસ્ટ, શનિવાર)



યુવલ નોઆહ હરારી એક એવા મેગાસ્ટાર લેખકનું નામ છે, જેમનું પુસ્તક છપાઈને બહાર પડે તે પહેલાં જ જબરદસ્ત ચર્ચામાં આવી જાય છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સથી માંડીને સત્તર-અઢાર વર્ષના કોલેજિયનો સુધીના સૌ કોઈ યુવલ હરારીના વાચકો ને ચાહકો છે. ઇઝરાયલમાં યુનિવસટી ઓફ જેરુસલામના ઇતિહાસ વિભાગમાં લેકચરર તરીકે કામ કરતા આ ૪૮ વર્ષીય લેખકનું સૌથી પહેલું પુસ્તક 'સેપિઅન્સ' ૨૦૧૧માં બહાર પડયું હતું અને ત્યારથી એમની ગણના દુનિયાના સૌથી સ્માર્ટ, સૌથી અરિજિનલ અને સૌથી મહત્ત્વના ચિંતકો-લેખકોમાં થવા માંડી હતી. 'સેપિઅન્સ' પછી 'હોમો ડુસ' (એટલે કે સુપર હ્યુમન અથવા મહામાનવ), 'ટ્વેન્ટીવન લેસન્સ ફોર ધ ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચુરી' અને 'અનસ્ટોપેબલ અસ'ના ત્રણ ભાગ આવ્યા. યુવલ હરારીનાં પુસ્તકોના ૬૫થી વધારે ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યાં છે અને અત્યાર સુધીમાં તેની ટોટલ ચાડાચાર કરોડ નકલો વેચાઈ ચૂકી છે. યુવલનાં નોન-ફિક્શન પુસ્તકોના વિષય ગંભીર હોય, પણ એમની લેખનશૈલી એવી રસાળ છે કે વાચકને જાણે કોઈ દિલધડક જાસૂસી નવલકથા વાંચી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય.
યુવલ હરારીનું નવું પુસ્તક આવતા મહિને પ્રકાશિત થવાનું છે. એનું ટાઇટલ છે, 'નેક્સસઃ અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન નેટવર્ક્સ ફ્રોમ ધ સ્ટોન એજ ટુ AI'. યુવલે AI એટલે કે આટફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ઓલરેડી ખૂબ બધું લખ્યું છે, વકતવ્યો આપ્યાં છે, ઇન્ટરવ્યુઝમાં વાતો કરી છે. શું હશે આ પુસ્તકમાં? યુવલ હરારી કહે છે, 'અત્યારે આપણે માહિતીના પ્રચંડ ઉત્કાંતિયુગમાંથી પસાર થઈ રહ્યા છીએ. માનવજાતના ઇતિહાસમાં માહિતીનો આવો મહાવિસ્ફોટ અગાઉ ક્યારેય નોંધાયો નથી. માહિતીના મહાવિસ્ફોટને સમજતાં પહેલાં આપણે તે જાણવું પડે કે આ બધું આવ્યું છે ક્યાંથી. આપણે આપણી જાતને 'હોમો સેપિઅન્સ' કહીએ છીએ. 'હોમો સેપિઅન્સ' એટલે, સાદી ભાષામાં, ડાહ્યો માણસ, સમજદાર માણસ... પણ માણસ જો ખરેખર એટલો જ સમજદાર હોત તો આપણે આટલી હદે આત્મઘાતક પ્રવૃત્તિઓ શા માટે કરીએ છીએ? છેલ્લાં એક લાખ વર્ષ દરમિયાન માણસજાતે પુષ્કળ તાકાત એકઠી કરી છે, નવી નવી શોધો કરી છે, અદભુત સિદ્ધિઓ મેળવી છે. આમ છતાંય એવું કેમ બન્યું કે આજે આપણા અસ્તિત્ત્વ સામે ખતરો પેદા થયો છે? આખેઆખી માણસજાતનું નિકંદન નીકળી જાય એવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ ગઈ? પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન તૂટું-તૂટું થઈ રહ્યું છે. એવું શું બન્યું કે આજે આપણે પર્યાવરણ અને ટેકનોલોજીના સ્તરે આત્મહત્યાની ધાર સુધી ધકેલાઈ ગયા છીએ?'

માણસજાતને તાકાત ક્યાંથી મળે છે? એકમેકને સાથસહકાર આપીને, એકબીજાની પડખે ઊભા રહીને, એકમેક સાથે જોડાયેલા રહીને. બીજા શબ્દોમાં કહીએ તો, અસંખ્ય લોકોને આવરી લેતાં વિરાટ નેટવર્ક બનાવીને. આવાં વિરાટકાય નેટવર્ક્સનું સર્જન કેવી રીતે થાય અને તે શી રીતે ટકી રહે? યુવલ હરારી કહે છે, 'કથા-કહાણીઓ, કલ્પનાઓ અને ભ્રાંતિઓ ફેલાવીને. એકવીસમી સદીમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભ્રાંતિઓનું જબરદસ્ત નેટવર્ક ઘડી કાઢે, તેવું બને. શક્ય છે કે આવનારી પેઢીઓ આ ભ્રમજાળમાં એટલી હદે અટવાઈ જાય કે તેમને ખબર જ ન પડે કે સાચું છે ને ખોટું શું છે, ને તેઓ તે જાણવાની કોશિશ સુધ્ધાં ન કરે...'

આ, અલબત્ત, વર્સ્ટ-કેસ સિનારીયો યા તો સંભાવના છે. જો સમયસર ચેતી જઈશું તો બાજી હજુય આપણા હાથમાં છે. યુવલ હરારીના આગામી પુસ્તક 'નેક્સસ'માં આ જ વિષયને બહેલાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં યુનાઇટેડ નેશન્સ દ્વારા યુવલ હરારી અને 'ધ અટલાન્ટિક' નામના પ્રતિતિ અમેરિકન મેગેઝિનના સીઈઓ નિકોલસ થોમ્પસન વચ્ચે સંવાદનું આયોજન થયું હતું. આ અફલાતૂન સંવાદમાં યુવલ હરારી કહે છે, 'આપણે એટલે કે માણસો નવાં નવાં સાધનો અને ટેકનોલોજી વાપરવાના મામલામાં બહુ હોશિયાર નથી. આપણે પુષ્કળ ભૂલો કરીએ છીએ. બીજા કશાયને નુક્સાન ન થાય તે રીતે જે-તે ટેકનોલોજીથી યોગ્ય રીતે કેવી રીતે વાપરવી તે શીખતાં આપણને ખૂબ વાર લાગે છે. ઔદ્યોગિક ક્રાંતિનું ઉદાહરણ લો. યંત્રોને શી રીતે વાપરવા જોઈતા હતાં તેની આપણને પૂરેપૂરી સમજ પડે તે પહેલાં આપણે ભયંકર ભૂલો કરી ચૂક્યા હતા. સામ્રાજ્યવાદ, નાઝીવાદ, કમ્યુનિઝમ, બબ્બે વિશ્વયુદ્ધ આ બધાનાં મૂળમાં યંત્રોને સાચી રીતે ન વાપરી શકવાની આપણી અણસમજ તો છે. ઘણા લોકો AI રિવોલ્યુશનની સરખામણી ઔદ્યોગિક ક્રાંતિ સાથે કરે છે, પણ હકીકત એ છે કે આપણે ઔદ્યોગિક ક્રાંતિ કરવામાં જે ભૂલો કરી છે એવી ભૂલો જો AI ક્રાંતિમાં કરીશું તો પૃથ્વી પરથી માનવજાતનો સદંતર સફાયો નીકળી જશે. આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે AI કેવી રીતે વાપરવી જોઈએ તે શીખી રહ્યા છીએ ત્યારે સાથે સાથે AI પણ માણસને કઈ રીતે 'વાપરવો' તે શીખી રહ્યું છે! તેથી અગાઉની શોધખોળોનાં સારાં-ખરાબ પાસાં સમજવામાં આપણે જેટલો સમય લીધો છે એટલો સમય આપણને AIના કેસમાં નહીં મળે. આપણી પાસે આ વખતે ભૂલો કરવાનો અવકાશ બહુ જ ઓછો છે.'

પણ હજુ તો AI પા-પા પગલી ભરી રહ્યું છે. ન કરે નારાયણ, પણ AI પાસે ન્યુક્લિયર વોર શરૃ કરાવીને માણસજાતનો ખાત્મો બોલાવી દેવાની તાકાત આવી શકે છેે... પણ આ સ્થિતિ આવતાં હજુ તો બહુ વાર લાગવાની છે, રાઇટ? યુવલ હરારી કહે છે, 'મને નથી લાગતું કે AI હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જોવા મળે છે એવું વિશ્વવિનાશક ક્યારેય બનશે, પણ ખતરો આ છેઃ અત્યારે ઘોડિયામાં હિંચકા ખાતા AI પાસે ઓલરેડી એટલી તાકાત આવી ચૂકી છે કે તે આંધાધૂંધી ફેલાવી શકે. સોશિયલ મીડિયાનો દાખલો લો. AIને ઓલરેડી ખબર પડી ગઈ છે કે જો ચોક્કસ પ્રકારના આલ્ગોરિધમની મદદથી લોકો ઉશ્કેરાઈ જાય એવા લખાણ, વીડિયો કે તસવીરોને વધુમાં વધુ ફેલાવવામાં આવે તો જનતાનું ધ્યાન વધારે ખેંચી શકાય છે, તેઓ વધારે સમય સુધી સોશિયલ મીડિયા પર પડયાપાથર્યા રહે છે. માણસના સ્વભાવનું આ પાસું AIએ બરાબર ઓળખી લીધું છે, જેને કારણે દુનિયામાં કેટલાય દેશોમાં સરકારો અને સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસનું ગંદું વાતાવરણ પેદા થઈ ગયું છે. એક્સ (ટ્વિટર), ફેસબુક, યુટયુબ, વોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા પર જે પ્રકારનાં નરેટિવ ચાલે છે અને લોકો વચ્ચે જે કક્ષાના સંવાદ થાય છે તે જુઓ. આ કેટલી અફસોસજનક વાત છે કે આપણી પાસે આજે ઇન્ફર્મેશન ટેકનોલોજીનું સૌથી સોફિસ્ટિકેટેડ માધ્યમ છે, પણ લોકો હવે કોઈ મુદ્દે સહમત થઈ શકતા નથી. તેમની વચ્ચે અર્થપૂર્ણ સંવાદ જ થઈ શકતો નથી.'

આજે આપણે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કે કમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે આ કોઈ જીવતાજાગતા માણસે લખ્યું છે કે તે ચેટબોટ દ્વારા લખાયું છે. ચેટબોટ એટલે એક પ્રકારનો કમ્પ્યુટર પ્રોગ્રામ, જે આપણા જેવી જ ભાષામાં વાત કરે, તમે જે પૂછો એના વિશે માહિતી આપે, વગેરે. આજકાલ બેન્ક્સ, ઓનલાઇન શોપિંગ માટેની વેબસાઇટ્સ વગેરે ચેટબોટનો ભરપૂર ઉપયોગ કરે છે. આ તો ખેર, ચેટબોટનો સારો ઉપયોગ થયો, પણ આ જ ચેટબોટ (અથવા ટૂંકમાં બોટ)નો ઉપયોગ સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ ફેલાવવામાં, લોકો ઉશ્કેરાઈ જાય તેવાં લખાણ-તસવીરો ફેલાવામાં પણ થાય છે. ધારો કે એક્સ (ટ્વિટર) પર હિંદુ-મુસ્લિમ મુદ્દે પોસ્ટ નીચે કમેન્ટ્સમાં ભયંકર ગરમાગરમી જામી હોય ત્યારે તમને ખબર હોતી નથી આમાંની અમુક કમેન્ટ્સ ચેટબોટ દ્વારા જનરેટ થયેલી હોઈ શકે છે. એક અંદાજ પ્રમાણે આજની તારીખે એક્લા એક્સ પર ૨.૨ કરોડથી લઈને ૬.૫ કરોડ જેટલા બોટ્સ એક્ટિવ છે. એક્સના લગભગ પાંચથી ૨૦ ટકા યુઝર્સ આ બોટ 'લોકો' છે! મતલબ કે એક્સ વાપરનારા કરોડો યુઝર્સ માણસ છે જ નહીં, મશીન છે, જે આપણા કરતાંય વધારે અસરકારક ભાષામાં, સામેનો માણસ બિલકુલ કન્વિન્સ થઈ જાય તે રીતે કમ્યુનિકેટ કરી શકે છે. ચેટજીપીટી-ફોર જેવા લાર્જ લેંગ્વેજ મોડલ (એલએલએમ)ને કારણે આ શક્ય બન્યું છે. આ તો ફ્ક્ત એક એક્સની વાત થઈ. ફેસબુક, યુટયુબ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાને ગણતરીમાં લઈએ તો વિચારો કે કુલ બોટ્સનો આંકડો ક્યાં પહોંચતો હશે! આમાંના અમુક બોટ જેન્યુઇન યા તો સર્વિસ બેઝ્ડ હોવાના, પણ અન્ય લાખો-કરોડો બોટનો ઉપયોગ રાજકીય કે અન્ય પ્રકારની વિચારધારાના પ્રચાર માટે, ફેક ન્યુઝ ફેલાવવા, રીટ્વિટ કરવા અને જે-તે પોસ્ટને શેર તથા ફોરવર્ડ કરવા માટે થઈ શકે છે, થાય છે.

'વાંધો ચેટબોટની સંકલ્પના સામે નથી,' યુવલ હરારી સ્પષ્ટતા કરે છે, 'જેમ કે AI ડોક્ટર (મેડિકલ ક્ષેત્રનો ચેટબોટ) તો આશીર્વાદરૃપ છે, પણ અહીં આપણને ખબર હોય છે કે હું જેની સાથે ચેટિંગ કરી રહ્યો છું તે હાડમાંસનો બનેલો સાચો ડોક્ટર નથી, પણ એક બોટ છે. ખતરો ત્યારે પેદા થાય છે, જ્યારે બોટની ખરી ઓળખ છુપાવીને તેને અસલી માણસ તરીકે સોશિયલ મીડિયા પર છુટ્ટો મૂકી દેવામાં આવે છે. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર કોઈની પણ સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે સામેવાળો અસલી માણસ છે કે AIએ પેદા કરેલો બોટ છે. જે દેશોમાં લોકશાહી છે ત્યાં AIનો આ પ્રકારનો ઉપયોગ કેટલો ખતરનાક થઈ શકે છે તે વિચારો.'

- શિશિર રામાવત


Like
Comment
Send
Share

Sunday, October 22, 2017

હવે તમે પુસ્તકોને નહીં, પુસ્તકો તમને વાંચશે!


ટેક ઓફ

ત્યાવીસ વર્ષનો એક સોફિસ્ટિકેટેડ અમદાવાદી યુવાન છે. એમબીએ કર્યા બાદ કોઈ સરસ કંપનીમાં ઊંચા પગારે જોબ કરી રહૃાો છે. આજે એને જૂના અમદાવાદની કોઈ પોળમાં જવાનું છે. સાબરમતીની ‘પેલી બાજુ’ જવાનો એને હંમેશાં કંટાળો આવે છે, કેમ કે આખી જિંદગી એણે સાબરમતીની ‘આ બાજુ’ જ ગાળી છે. સી.જી. રોડ પરથી કારમાં રવાના થતાંની સાથે જ એ પોતાના મોબાઇલમાં ફ્ટાક કરતી જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઓન કરી નાખે છે. જીપીએસ-મહિલા મીઠા અવાજમાં દિશા દેખાડતી જાય તે પ્રમાણે એ સ્ટીયરિંગ ઘુમાવતો રહે છે. અમુકતમુક જગ્યાએ પહોંચ્યા પછી જમણી બાજુ વળવાનું છે એવું એને આછુંપાતળું યાદ છે, પણ જીપીએસબેન ‘ટર્ન લેફ્ટ.. ટર્ન લેફ્ટ’ કર્યા કરે છે. યુવાન જોખમ લેવા માગતો નથી. હજુ ગયા અઠવાડિયે બરોડામાં એક જગ્યાએ એ યાદશકિતના આધારે શોર્ટકટ લેવા ગયેલો ને ભયંકર ટ્રાફ્કિમાં ફ્સાઈ ગયો હતો. એની પહેલાં પણ એકાદ-બે વાર એ આ રીતે ખોટી જગ્યાએ અટવાઈ ગયેલો. આથી એણે નક્કી કરી નાખ્યું છે કે યાદશકિતને આધારે ચાન્સ લેવાનો જ નહીં, એને બદલે જીપીએસ કહે તે પ્રમાણે ડાબે-જમણે વળી જવાનું. આ વખતે એ એમ જ કરે છે અને આસાનીથી ગંતવ્યસ્થાન પર પહોંચી જાય છે.
આ જ વાત છે. ઇન્ટરનેટવાળો મોબાઇલ આવી ગયા પછી આપણને હવે રસ્તા યાદ રાખવાની જરૂર નથી. ખુદની યાદશકિત કરતાં આપણને જીપીએસની દોરવણી પર હવે વધારે ભરોસો બેસે છે. યુવલ હરારી નામના લેખકના ‘હોમો ડુસ’ (એટલે કે સુપરહૃાુમન, મહામાનવ) નામના પુસ્તકમાં લેખકે દાખલાદલીલ સહિત આ જ સમજાવ્યું છે કે જીપીએસ તો એક નાનકડી શરૂઆત છે. ત્રીસેક વર્ષમાં એવો સમય આવશે કે જ્યારે દુનિયા પર આલ્ગોરિધમ (અર્થાત્ કમ્પ્યૂટર સમજે તેવી ભાષામાં રચાયેલી ફોર્મ્યુલાઓ, સમીકરણો કે પ્રોગ્રામ્સ)નું રાજ ચાલશે, આલ્ગોરિધમનાં નેટવર્ક સર્વોપરી બની જશે.
પણ કેવી રીતે? આજે તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર છૂટથી ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા વાપરો છો, યુ-ટયૂબ પર વીડિયો જુઓ છો. મોબાઇલની ટચસ્ક્રીન પર આંગળી ફેરવતાં ફેરવતાં ફ્ટાફ્ટ ટ્રેન કે પ્લેનની ટિકિટો બુક કરો છો. તમે કિંડલ પર કિફાયતી ભાવે ડિજિટલ પુસ્તકો વાંચો છો, ઘરમાં ટેસથી પગ લાંબા કરીને નેટફ્કિકસ કે હોટસ્ટાર જેવાં પ્લેટફોર્મ્સ પર દુનિયાભરની ફ્લ્મિો અને ટીવી શોઝ જુઓ છો. એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવાં ઇ-સુપરસ્ટોરમાંથી જાતજાતની ચીજો ઓનલાઇન ઓર્ડર કરો છો. આ બધું જ – તમારો પર્સનલ ડેટા, તમારી સોશિયલ મીડિયા પરની એકિટવિટી, તમારી પુસ્તકો-વીડિયો-ફ્લ્મિો-ટીવી શોઝની પસંદગી, તમારા ઓનલાઇન ઓર્ડર્સ – આ સઘળો ડેટા રાક્ષસી કદનાં સર્વરોમાં સ્ટોર થતું રહે છે. ભવિષ્યમાં આપણાં તન-મન-વિચાર-વ્યવહાર વિશે કલ્પના કરી શકાય એટલો ગંજાવર ડેટા અલગ-અલગ રીતે સર્વરોમાં જમા થતો રહેવાનો અને અને તેના આધારે વધારે ને વધારે એકયુરેટ આલ્ગોરિધમ્સ તૈયાર થતા જવાના.
આજે ખાસ ગંભીર બીમારીથી પીડાતા ન હોય એવા અમુક લોકો પણ વેરેબલ સેન્સર્સનો ઉપયોગ કરવા લાગ્યા છે, જે કયાં તો કાંડા ઘડિયાળની જેમ અથવા તો અન્ડરવેરની સાથે પહેરાયેલાં હોય અથવા સ્માર્ટફોન સાથે જોડાયેલાં હોય. શરીર સાથે જડાયેલાં રહેતાં આ ઉપકરણ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર જેવી બાયોમેટ્રિક વિગતો નોંધતા રહીને હેલ્થની સ્થિતિ સતત મોનિટર કરતાં રહે છે. વચ્ચે ગૂગલ અને દવા બનાવતી કંપની નોવરાટીસે સંયુકતપણે ખાસ પ્રકારના કોન્ટેકટ લેન્સ બનાવ્યા હતા. આ લેન્સ કીકી પર ચડાવી લો એટલે આંખની સપાટીની ભીનાશ પરથી તમારા શરીરમાં ગ્લુકોઝના લેવલ શી રીતે ઉપર-નીચે થઈ રહૃાું છે તે થોડી થોડી સેકન્ડે નોંધાતું રહે. આ પ્રકારના ડેટા પછી કમ્પ્યૂટરમાં ફીડ કરવામાં આવે, જેના આધારે કમ્પ્યૂટર તમને સલાહ આપે કે જો તબિયત ટનાટન રાખવી હશે તો ખાનપાનમાં અને રોજિંદી એકિટવિટીઝમાં આટલા-આટલા ફેરફાર કરવા પડશે.

હોલિવૂડની સુપરસ્ટાર એન્જલિના જોલીનો કિસ્સો જાણવા જેવો છે. એન્જલિનાની મમ્મી અને નાની બંને બ્રેસ્ટ કેન્સરને લીધે પ્રમાણમાં નાની ઉંમરે મૃત્યુ પામ્યાં હતાં. એન્જલિનાએ ડીએનએ ટેસ્ટિંગ કરાવ્યું તો ખબર પડી કે એના શરીરમાં પણ બીઆરસીએ-વન નામનું ખતરનાક જનીન છે જ. જે સ્ત્રીના જનીનતંત્રમાં બીઆરસીએ-વન નામનું આ જનીન હોય એને સ્તન કેન્સર થવાની શકયતા ૮૭ ટકા જેટલી હોય છે. એન્જેલિનાને જ્યારે આ હકીકતની ખબર પડી ત્યારે એની તબિયત રાતી રાયણ જેવી હતી. ડોકટરોએ કહૃાું કે તને ભલે આજે કેન્સર નથી, પણ તારા જનીનતંત્રમાં પેલું ખતરનાક જનીન બેઠું બેઠું ટિક ટિક કરી રહૃાું છે. ટાઇમબોમ્બની જેમ તે ગમે ત્યારે વિસ્ફોટ કરી શકે તેમ છે. આથી એન્જેલિનાએ ૨૦૧૩માં મોટો નિર્ણય લીધો. એણે સર્જરી કરાવીને બંને સ્તન કઢાવી નાખ્યાં. એક સ્ત્રી માટે, અને એમાંય એન્જેલિના જોલી જેવી હોલિવૂડની સેક્સીએસ્ટ સુપરસ્ટારોમાં સ્થાન પામતી અભિનેત્રી માટે સ્તનહીન બની જવાનો નિર્ણય કેટલો વિકટ હોવાનો! યાદ રહે, એન્જલિનાનાં શરીરમાં કેન્સર હોવાનું હજુ ડિટેકટ સુદ્ધાં થયું નહોતું, છતાંય અગમચેતીના ભાગરૂપે એણે આ પગલું ભર્યું.
આપણા શરીરમાં શું છે, શું નથી ને શું થઈ શકે તેમ છે તે વિશે મશીનો આપણા કરતાં વધારે જાણે છે તેથી જ આપણે મશીનોએ કરેલા નિદાન પર ભરોસો કરીએ છીએ.
યુવલ હરારી પોતાના પુસ્તકમાં લખે છે તેમ, કમશઃ એક એવી સ્થિતિ આવશે જ્યારે તબિયત જ નહીં, બલકે આપણા સ્વભાવ, ઇચ્છાઓ, લાગણીઓ અને વૃત્તિઓ વિશે પણ આપણે જેટલું જાણીએ છીએ એના કરતાં પેલા રાક્ષસી સર્વરોમાં જમા થયેલા ડેટાના આધારે રચાયેલાં આલ્ગોરિધમ વધારે જાણવા લાગશે. આપણાં વર્તન-વ્યવહાર આખરે શંુ છે? દિમાગમાં ઝરતાં જાતજાતનાં રસાયણો અને અંતઃસ્ત્રાવોની ધમાચકડીને કારણે નીપજતું પરિણામ.
નજીકના ભવિષ્યમાં મશીનો આપણા વતી કેવા કેવા નિર્ણયો લેતું થઈ જશે તે સમજાવવા યુવલ હરારીએ માઇક્રોસોફ્ટની કોર્ટાના સિસ્ટમ વિશે વાત કરી છે. બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપની હાલ કોર્ટાના નામની આર્ટિફ્શિયલ ઇન્ટેલિજન્સ ધરાવતી પર્સનલ આસિસ્ટન્સ સિસ્ટમ વિકસાવી રહી છે. બધું સમુસૂતરું પાર પડશે તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના ભાવિ વર્ઝન દ્વારા કોર્ટાના ઘરે-ઘરે, ટેબલે-ટેબલે અને મોબાઇલે-મોબાઇલે પહોંચી જવાનું. સૌથી પહેલાં તો કોર્ટાના તમારા વર્ચ્યુઅલ સેક્રેટરી તરીકે કામ કરશે. તે તમારા મોબાઇલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન પર મેસેજ ફ્લેશ કરીને યાદ કરાવશે કે ભાઈ, બે દિવસ પછી તારી વાઇફ્ની બર્થડે આવે છે, ગિફ્ટ લેવાનું ભૂલતો નહીં. તમે ડિનર કરવા બેસો ત્યારે રિમાઇન્ડ કરાવશે કે તારે જમતા પહેલાં ફ્લાણી બીમારી માટેની દવા લેવાની છે તે લઈ લીધી? એ ટકોર કરશે કે રાતનો દોઢ વાગી ગયો છે, હવે તારે વીડિયો જોવાનો બંધ કરીને સૂઈ જવું જોઈએ કેમ કે કાલે સવારે દસ વાગે તારે બહુ જ મહત્ત્વની બિઝનેસ મિટિંગ અટેન્ડ કરવાની છે. બિઝનેસ મિટિંગ શરૂ થાય તેની પંદર મિનિટ પહેલાં કોર્ટાના તમને ચેતવણી આપશે કે અત્યારે તારું બ્લડપ્રેશર બહુ હાઇ છે અને તારું ડોપામાઇન (દિમાગમાં ઝરતું એક કેમિકલ)નું લેવલ ઘટી ગયું છે. ભૂતકાળનો ડેટા બતાવે છે કે આવી સ્થિતિમાં તેં બિઝનેસને લગતા જે નિર્ણયો લીધા છે તેને લીધે તને નુકસાન જ થયું છે. આથી અત્યારની મિટિંગમાં કોઈ મોટું ડિસીઝન ન લેતાે, ડિસ્કશન બને ત્યાં સુધી અધ્ધરતાલ રાખજે!
પછીના તબક્કામાં કોર્ટાના તમારો એજન્ટ બનીને તમારા વતી કામ કરશે. ધારો કે તમારે મિસ્ટર મહેતા સાથે આવતા અઠવાડિયે મિટિંગ કરવાની છે તો તમારે કે મહેતાભાઈએ એકબીજાને ફોન કે મેસેજ કરીને સમય-સ્થળ નક્કી કરવાની જરૂર નથી. તમારું કોર્ટાના અને મહેતાનું કોર્ટાના એકબીજા સાથે કમ્યુનિકેટ કરશે. બંને કોર્ટાના પોતપોતાના માલિકના શેડ્યુલ ચેક કરીને, આપસમાં ડિસ્કસ કરીને સમય-સ્થળ નક્કી કરી લેશેે. ધારો કે તમે કોઈ કંપનીમાં જોબ માટે અપ્લાય કરવા માગો છો. કંપનીનો અધિકારી કહેશે કે તમારે બાયોડેટા મોકલવાની કે ઇન્ટરવ્યૂ આપવાની કોઈ જરૂર નથી. તમે ફ્ક્ત તમારા કોર્ટાનાનો એક્સેસ મને આપી દો. તમારા વિશે મારે જે કંઈ જાણવું છે તે હું તમારા કોર્ટાના પાસેથી જાણી લઈશ! 
વાત હજુય આગળ વધારો. ધારો કે તમે કોઈ યુવતીના પ્રેમમાં છો અને તેને લગ્ન માટે પ્રપોઝ કરવાનું વિચારો છો. કોર્ટાના તમને કહેશેે: મેં છોકરીનો, એના ફેમિલીનો, એના ફ્રેન્ડ્ઝનો અને એકસ-લવરનો ડેટાબેઝ ચેક કર્યો છે. તને ભલે અત્યારે છોકરી પ્રત્યે પ્રેમ હોય, પણ તમારા બંનેની વર્તણૂક, લાઇફ્સ્ટાઇલ અને જિનેટિક સ્ટ્રકચરના ડેટા પરથી હું કહું છું કે જો તમે લગ્ન કરશો તો ડિવોર્સ થઈ જવાના ચાન્સ ૭૪ ટકા જેટલા છે! એવુંય બને કે તમે કોલેજમાં એડમિશન લો તે સાથે જ તમારું કોર્ટાના કોલેજની બધી છોકરીઓના કોર્ટાના ચેક કરી, તમારી જાણ બહાર કેટલીયને રિજેકટ કરી નાખે અને પંદર કન્યાઓને શોર્ટલિસ્ટ કરી તમને સલાહ આપે કે આટલી જ છોકરીઓ તારી ગર્લફ્રેન્ડ બનવા માટે સ્યુટેબલ છે!
2013માં રિલીઝ થયેલી હોલિવૂડની 'હર' ફિલ્મની યાદ આવી ગઈને? હૃદય વલોવી નાખે એવી આ અફલાતૂન રોમાન્ટિક સાયન્સ ફિક્શનમાં એકલવાયો હીરો એની કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના પ્રેમમાં પડે છે!  આ લેખમાં વર્ણવી એવી વિજ્ઞાનકથા જેવી વાતોને વાસ્તવમાં પલટાતાં ઝાઝા દસકા પસાર નહીં થાય. માઇક્રોસોફ્ટની કોર્ટાના ઉપરાંત ગૂગલ નાઉ અને એપલની સિરી સિસ્ટમ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ જ દિશામાં આગળ વધી રહી છે. આ પરિસ્થિતિ વધારે રોમાંચક છે કે વધારે ભયાવહ? આનો જવાબ તો સમય આવ્યે જ સમજાશે.
0 0 0 

Monday, May 8, 2017

માનવજાતનું સુપર સિક્રેટ!

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૨૬ એપ્રિલ ૨૦૧૭ 

ટેક ઓફ

માણસજાતને આજે ‘એક્સક્લુઝિવ' હોવાનો અને ધરતી પણ સર્વશ્રેષ્ઠ જીવ હોવાનો જબરો ફાંકો છે , પણ એક સમયે પૃથ્વીના પટ પર એકસાથે અનેક પ્રકારના હ્યુમન બીઈંગ્સ એકસાથે અસ્તિત્ત્વ ધરાવતા હતા. જેમ આજે આપણે અનેક જાતનાં કૂતરાં અને અલગ અલગ ઓલાદના ઘોડા જોઈએ છીએ તેમ ધરતી પર એક સમયે માણસજાતમાં પણ જુદૃી જુદૃી વરાઈટી જોવા મળતી હતી., તો ક્યાં અને કેવી રીતે ગાયબ થઈ ગયા આપણા એ બધા કઝિન હ્યુમન બીઈંગ્સ? 



તિહાસ ‘ભણવાનો' કંટાળો આવી શકે, ઇતિહાસ ‘ગોખવાનું' ત્રાસદૃાયક લાગી શકે, પણ ઇતિહાસ સ્વયં કંઈ કંટાળજનક કે ત્રાસજનક વિષય નથી. શરત એટલી કે તે રસાળ રીતે લખાયો હોવો જોઈએ. કન્સ્ટ્રક્શન સાઈટ પર ઊભેલા તોતિંગ ટ્રકમાંથી ખડડડ કરીને ઠલવાતા પથ્થરોની જેમ જો કેવળ ઠાલી વિગતોનો જ ખડકલો થતો હોય તો ઇતિહાસ શું, કોઈ પણ લખાણ વાંચવાનો કંટાળો આવે. વિષય જેટલો ભારે હોય, લખાણની શૈલી એટલી જ સરળ અને રસાળ હોવી જોઈએ. ઉદૃાહરણ તરીકે, યુવલ નોઆ હરારી નામના લેખકે લખેલું ‘સેપીઅન્સ: અ બ્રિફ હિસ્ટ્રી ઓફ હ્યુમનકાઈન્ડ' નામનું બેસ્ટસેલર પુસ્તક.

ઇઝરાયલમાં વસતા હરારી ઇતિહાસવિદ્ છે. હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમમાં તેઓ વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવે છે. ‘માનવજાતનો ઇતિહાસ' જેવા અતિ ગંભીર વિષય પર એમણે એટલી મસ્ત રીતે કલમ ચલાવી છે જાણે દિૃલધડક થ્રિલર જોઈ લો. આજે આ પુસ્તકમાંથી કેટલીક રસપ્રદૃ વાતો ટાંકવી છે.
માણસજાતનો ઉદ્ભવ કેવી રીતે થયો? આદૃમ અને ઈવની કલ્પના સરસ છે, પરમપિતા પરબ્રહ્માએ સમગ્ર સૃષ્ટિની સાથે આપણને પણ પેદૃા કર્યા તેવી ધાર્મિક શ્રદ્ધા પણ એની જગ્યાએ બરાબર છે, પણ નકકર સંશોધનો શું કહે છે? એક અંદૃાજ પ્રમાણે પૃથ્વી પર પ્રાણીઓની લગભગ ૮૭ લાખ જેટલી પ્રજાતિઓ છે. ૮૭ લાખ! આમાંના એક એટલે આપણે - હોમો સેપીઅન્સ. હોમો સેપીઅન્સ માનવજાત માટેનું વૈજ્ઞાનિક નામ છે. બ્રાહ્મણ, વાણિયા, સવર્ણ, દૃલિત, ગુજરાતી, મહારાષ્ટ્રિઅન, િંહદૃુ, મુસ્લિમ, ભારતીય, ફ્રેન્ચ, એશિયન, અમેરિકન આ બધાં વિભાજનો તો બહુ ઉપરઉપરનાં છે. મૂળ તો પૃથ્વી પર વસતો માણસ માત્ર હોમો સેપીઅન્સ છે.

પાસે પાસેનાં લક્ષણો ધરાવતી પ્રજાતિઓને ભેગી કરીએ એટલે તેમનું એક ફેમિલી બને. જેમ કે, િંસહ-ચિત્તા-વાઘ-બિલાડી આ બધાં કેટ ફેમિલીનાં પ્રાણીઓ ગણાય. વરુ-શિયાળ-લોમડી-શ્ર્વાન આ બધાં ડોગ ફેમિલીના સભ્યો ક્હેવાય. આપણા કિચનમાં ઘૂસી જઈને ચપ-ચપ કરતી દૃૂધ ચાટી જતી બીકણ બિલાડી અને ખૂંખાર સિંહ વચ્ચે ભલે આભજમીનનો ફર્ક્ લાગે , પણ છતાંય તેઓ એકબીજાના સગાં ક્હેવાય કેમ કે બન્નેના પૂર્વજો એક. સવાલ એ છે કે આપણા એટલે કે માનવજાત એટલે કે હોમો સેપીઅન્સના ફેમિલીમાં કોનો સમાવેશ થાય? ચિમ્પાન્ઝી આપણા સૌથી નજીકના સગા થાય તે આપણે જાણીએ છીએ. ગોરિલા અને ઉરાંગઉટાંગ આપણા રિલેટીવ ખરા, પણ સહેજ દૃૂરના. ફકત છ લાખ વર્ષ પહેલાં એક બંદૃરિયાએ બે દૃીકરીઓ જણી હતી, જેમાંથી બે ફાંટા પડ્યા. એક ફાંટો આગળ જઈને ચિમ્પાન્ઝી બન્યો અને બીજો ફાંટો આગળ જઈને માણસ બન્યો. આનો અર્થ એ કે છ લાખ વર્ષ પહેલાં આપણી ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડમધર અને ચિમ્પાન્ઝીની ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડમધર એક જ માની કૂખમાંથી જન્મેલી સગી બહેનો હતી!    

યુવલ નોઆ હરારી લખે છે કે આપણે હોમો સેપીઅન્સ એક મોટું સિક્રેટ છુપાવીને બેઠા છીએ. કેવું સિક્રેટ? આપણે માની લીધું છે કે પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિમાં આપણે હ્યુમન બિઈંગ્સ સૌથી અનોખા છીએ. આપણો જોટો ક્યાંય જડતો નથી. આ વાત, અલબત્ત, સાવ ખોટી નથી. છેલ્લાં દૃસ હજાર વર્ષથી પૃથ્વી પર એકલા આપણે જ હ્યુમન બીઈંગ્સ છીએ, પણ સમયનું ચક્ર જરા પાછળ ફેરવીને જોતાં જે હકીકત સામે આવે છે તે એવી છે કે ભૂતકાળમાં ધરતી પર હોમો સેપીઅન્સ સિવાયના માનવો પણ વસતા હતા.

માનવજાત સૌથી પહેલાં પૂર્વ આફ્રિકામાં ઇવોલ્વ થઈ. બીજા શબ્દૃોમાં કહીએ તો, માનવજાતની ઉત્ક્રાંતિ સર્વપ્રથમ પૂર્વ આફ્રિકામાં નોંધાઈ, આજથી લગભગ પચ્ચીસ લાખ વર્ષ પહેલાં. તે પછીના પાંચ લાખ વર્ષો સુધી આ આદિૃમાનવો આફ્રિકામાં જ રહ્યા, પણ ત્યાર બાદૃ, વીસ લાખ વર્ષ પહેલાં તેઓ ફરતાફરતા નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયા સુધી પહોંચી ગયા. જરા વિચારો, આદિૃમાનવોએ હજારો કિલોમીટરનું અંતર પગપાળા કેવી રીતે કાપ્યું હશે!

પૃથ્વી પર ફેલાઈ રહેલા આદિૃમાનવના સમુદૃાયો જુદૃી જુદૃી ઇવોલ્વ થતા ગયા. યુરોપ અને પશ્ર્ચિમ એશિયામાં વિકાસ પામેલી માનવજાત ‘હોમો નીએન્ડરથેલેન્સીસ' તરીકે ઓળખાઈ. આનો શાબ્દિૃક અર્થ થાય છે, ‘નીએન્ડર વેલીમાંથી આવેલો માણસ.' નીએન્ડર વેલી આજે જર્મનીનો હિસ્સો છે. હોમો નીએન્ડરથેલેન્સીસ અથવા ટૂંકમાં નીએન્ડરથેલ્સની કદૃકાઠી સેપીઅન્સ કરતાં વધારે મોટી, વધારે સ્નાયુબદ્ધ અને યુરોપની ભીષણ ઠંડીની ઝીંક ઝીલી શકે એવી મજબૂત. એશિયાના પૂર્વ તરફના હિસ્સામાં વિકસેલી માનવજાત ‘હોમો ઇરેક્ટસ (એટલે કે સીધો, ટટ્ટાર માણસ) તરીકે ઓળખાઈ. વીસ લાખ વર્ષ સુધી ટકી ગયેલી આ માનવજાતિ સૌથી લોંઠકી સાબિત થઈ.

  

આ બાજુ, ઇન્ડોનેશિયામાં ઇવોલ્વ થયેલા આદિૃમાનવો ‘હોમો સોલોએન્સિસ' (મેન ફ્રોમ સોલો વેલી) ક્હેવાયા. ઈન્ડોનેશિયામાં ફ્લોરીસ નામનો ટાપુ છે. એક સમયે અહીં દૃરિયાની સપાટી એટલી બધી નીચી હતી કે કેટલાક આદિૃમનુષ્યો મુખ્ય ભૂમિભાગથી આ ટાપુ પર આસાનીથી પહોંચી ગયેલા. દૃરિયાની સપાટી પાછી ઊંચક્ાઈ ગઈ એટલે તેઓ ફ્લોરીસ ટાપુ પર જ રહી ગયા. અહીં ખાવા-પીવાના ધાંધિયા હતા. ઘણા લોક્ો મૃત્યુ પામ્યા. જે કદૃમાં નાના હતા તેઓ વધારે જીવ્યા. કાળક્રમે અહીં ઠીંગુજી માનવોની પેઢીઓ બનતી ગઈ. તેઓ વધુમાં વધુ સવાત્રણ ફૂટ સુધી વધતા. શરીરનું વજન પચ્ચીસ કિલો કરતાં વધારે નહીં. આ માનવજાત ‘હોમો ફ્લોરીન્સીસ તરીકે ઓળખાઈ.

આ સિવાય પણ કેટલીક માનવજાતો હતી. હજુ સાતેક વર્ષ પહેલાં જ સાઈબિરીયામાંથી ‘હોમો ડીનીસોવા' નામની લુપ્ત માનવજાતના અવશેષો મળી આવ્યા હતા. એક બાજુ ઘણા માનવસમુદૃાયો યુરોપ અને એશિયામાં વિકસી રહ્યા હતા, તો બીજી બાજુ પૂર્વ આફ્રિકામાં મૂળ આદિૃમાનવોની ઉત્ક્રાંતિ પણ વણથંભી ચાલુ હતી. અહીં કાળક્રમે  ‘હોમો રુડોલફેન્સીસ' (મેન ફ્રોમ લેક રુડોલ્ફ) સમુદૃાય વિકસ્યો, ‘હોમો ઇરગેસ્ટર' (વર્કિંગ મેન) સમુદૃાર વિકસ્યો અને આખરે ‘હોમો સેપીઅન્સ એટલે કે આપણે ‘બન્યા. હોમો સેપીઅન્સનો શાબ્દિૃક અર્થ છે, શાણો માણસ. આપણે જ ફોઈબા બનીને તમામ માનવસમુદૃાયોનાં નામ પાડવાનાં હોય ત્યારે આપણું ખુદૃનું નામ શું કામ નબળું પાડીએ!

અમુક સમુદૃાયના માનવીઓ હટ્ટાકટ્ટા હતા, અમુક ઠીંગુજી હતા, અમુક શિકાર કરતા, તો અમુક ફળફૂલ ખાઈને ગુજારો કરતા. અમુક એક જ ટાપુ પર રહ્યા, જ્યારે અમુક આખી ધરતી પર ફરી વળ્યા. આ બધા જ આપણા જેવા મનુષ્યો હતા. કાયદૃેસરના હ્યુમન બીઈંગ્સ! બે લાખ વર્ષથી લઈને છેલ્લાં દૃસ હજાર વર્ષ પહેલાં સુધીના સમયગાળા દૃરમિયાન પૃથ્વીના પટ પર એકસાથે અનેક પ્રકારના હ્યુમન બીઈંગ્સ એકસાથે અસ્તિત્ત્વ ધરાવતા હતા. જેમ આજે આપણે લાબ્રાડોર, જર્મન શેફર્ડ વગેરે જેવી અનેક જાતનાં કૂતરાં જોઈએ છીએ, અલગ અલગ ઓલાદૃના ઘોડા જોઈએ છીએ તેમ ધરતી પર એક સમયે માણસજાતમાં પણ જુદૃી જુદૃી વરાઈટી જોવા મળતી હતી!

તો પછી બાકીના બધી માનવ પ્રજાતિઓનું શું થયું? એક આપણે હોમો સેપીઅન્સ જ કેમ ટકી ગયા? આપણા ક્ઝિન મનુષ્યો ક્યાં ગાયબ થઈ ગયા? આનો જવાબ આવતા બુધવારે.  
                     
                                                                ૦ ૦ ૦

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૩ મે ૨૦૧૭

માણસ સહિષ્ણુ ક્યારેય નહોતો! 
આજે આપણે ભણેલાગણેલા અને સભ્ય સમાજના ક્હેવાઈએ છીએ તો પણ રંગભેદૃ, જાતિભેદૃ, ધર્મભેદૃ વગેરે જેવાં કારણોને લોહિયાળ હિંસાત્મક બનાવોે એકધારા બન્યા જ કરે છે. ૭૦ હજાર વર્ષ પહેલાંના આપણા બાપદૃાદૃા જેવા સેપીઅન્સ લોકો તો જંગલી પણ હતા. તેઓ કેટલી હદૃે આક્રમક અને અસહિષ્ણુ હશે!




‘સેપીઅન્સ: અ બ્રિફ હિસ્ટરી ઓફ હ્યુમનકાઈન્ડ.'

યુવલ નોઆ હરારી નામના એક ઇઝરાયલી વિદ્વાને લખેલા આ અફલાતૂન બેસ્ટસેલર પુસ્તકની વાત આપણે વાત ક્રી રહ્યા હતા. પૃથ્વીના પટ પર સૌથી પહેલાં પૂર્વ આફ્રિકામાં લગભગ પચ્ચીસ લાખ વર્ષ પહેલાં માનવજાતનું અસ્તિત્ત્વ નોંધાયું હતું. આ આદિૃમાનવો ઉત્ક્રાંતિના એક ચોકકસ તબક્કે હોમો સેપીઅન્સ કહેવાયા. માણસજાતનું આ વૈજ્ઞાનિક નામ છે. આપણે બધા જ હોમો સેપીઅન્સ છીએ. લેખક કહે છે કે સનાતન કાળથી ધરતી પર એકલા આપણે જ મનુષ્યો છીએ એવો ફાંકો રાખવાની જરાય જરુર નથી. આપણા સિવાય યુરોપ અને પશ્ર્ચિમ એશિયામાં હોમો નીએન્ડરથેલેન્સીસ હતા, પૂર્વ એશિયામાં હોમો ઇરેકટસ હતા, ઇન્ડોનેશિયામાં હોમો સોલોએન્સિસ અને હોમો ફ્લોરીન્સીસ હતા અને સાઇબિરીયામાં હોમો ડીનીસોવા હતા. આ સૌનાં રંગરુપ જુદૃાં હતાં, પણ આ તમામ કાયદૃેસર રીતે ‘મનુષ્ય' હતા, હ્યુમન બીઈંગ્સ હતા. હા, છેલ્લાં દૃસ હજાર વર્ષથી પૃથ્વી પર એકલા આપણે જ હ્યુમન બીઈંગ્સ બચ્યા છીએ. સવાલ એ છે કે તો પછી બાકીની બધી મનુષ્યજાતિઓ ક્યારે અને શી રીતે લુપ્ત થઈ?

એક અંદૃાજ એવો છે કે દૃોઢ લાખ વર્ષ પહેલાં આખી દૃુનિયામાં ગણીને પૂરા દૃસ લાખ માણસો પણ નહોતા. આમાં હોમો સેપીઅન્સ અને ઉપર ગણાવી તે બધી જ મનુષ્યજાતિઓ આવી ગઈ. જેનું પગેરું આપણને હજુ સુધી મળ્યું નથી તેવી આ સિવાયની સંભવિત મનુષ્યજાતિઓ પણ ગણનામાં લેવી. દૃોઢ લાખ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકામાં ઈવોલ્વ થયેલા હોમો સેપીઅન્સ લગભગ આજના મનુષ્યો જેવા જ હતા. અગ્નિની શોધ થઈ ચુકી હતી એટલે રાંધવાનું સરળ બની ગયું હતું. પોતાના પૂર્વજોની માફક તેમણે કાચેકાચો ખોરાક ચાવ-ચાપ કરવો પડતો નહોતો.  પરિણામે સેપીઅન્સનાં દૃાંત અને જડબાં નાનાં થઈ ગયાં અને દિૃમાગનું કદૃ ખાસ્સું વધીને હાલ આપણા દિૃમાગની સાઈઝ જેટલું થઈ ગયું હતું.

લગભગ ૭૦ હજાર વર્ષ પહેલાં હોમો સેપીઅન્સ પૂર્વ આફ્રિકાથી આપણે આજે જેને મિડલ ઇસ્ટ કહીએ છીએ ત્યાં સુધી પહોંચી ગયેલા. ત્યાંથી પછી તેઓ યુરોપ અને એશિયાના અન્ય પ્રદૃેશોમાં ફેલાયા. સેપીઅન્સે એન્ટ્રી મારી ત્યારે યુરોપ અને એશિયામાં અન્ય મનુષ્યજાતિઓ ઓલરેડી વસવાટ કરતી હતી. તેમનું શું થયું? આના જવાબમાં બે થિયરીઓ પેશ કરવામાં છે અને આ બન્ને થિયરીઓ એકબીજા વિરુદ્ધ સૂર છેડે છે.
પહેલી થિયરીનું નામ છે, ઇન્ટરબ્રીિંડગ થિયરી.  આ થિયરી ક્હે છે કે હોમો સેપીઅન્સ આફ્રિકાથી મિડલ ઇસ્ટ અને યુરોપ આવ્યા ત્યારે તેમનો ભેટો અહીં વસતા હોમો નીએન્ડરથેલેન્સીસ અથવા ટૂંકમાં નીએન્ડરથેલ્સ સાથે થયો હશે. સેપીઅન્સ કરતાં નીએન્ડરથેલ્સ વધારે હટ્ટાકટ્ટા. તેમના દિૃમાગની સાઈઝ પણ વધારે મોટી. બન્ને પ્રજાનાં સ્ત્રી-પુરુષો વચ્ચે આકર્ષણ પેદૃા થયું હશે. તેમનાં સંવનનને કારણે મિશ્ર પ્રજાતિ પેદૃા થઈ હશે. આનો અર્થ એ કે આજના યુરોપિયનો અને એશિયનો શુદ્ધ સેપીઅન્સ નથી. તેમનામાં નીએન્ડરથેલ્સના અંશો પણ છે. એ જ રીતે, સેપીઅન્સ પૂર્વ એશિયામાં સ્થાનિક હોમો ઇરેકટસ જાતિના મનુષ્યો સાથે ભળ્યા હશે. આ હિસાબે ચાઈનીઝ અને કોરીઅન લોકોના લોહીમાં સેપીઅન્સ અને હોમો ઇરેકટસ બન્નેનું લોહી છે.


બીજી થિયરીનું નામ છે, રિપ્લેસમેન્ટ થિયરી. તે પ્રમાણે હોમો સેપીઅન્સ અને અન્ય પ્રકારના મનુષ્યોની શરીરરચના, શરીરની ગંધ અને પ્રજનનશૈલી એકમેકથી એટલી બધી ભિન્ન હતી ક્ે ધારો કે સેપીઅન્સ અને નીએન્ડરથેલેન્સ વચ્ચે સેકસના સંબંધ થયા હોય તો પણ તેમનાં સંતાનો ફળદ્રુપ નહીં પાક્યાં હોય. ઘોડા-ગધેડાની વર્ણસંકર ઓલાદૃ એવા ખચ્ચર મોટે ભાગે નપુંસક હોય છે, એમ. બે પ્રજાતિઓનાં જનીનો વચ્ચે સંધાન થવું શકય જ ન  હોય ત્યારે સામાન્યપણે નપુંસક્ સંતતિ પેદૃા થાય છે. નીએન્ડરથેલેન્સ મૃત્યુ માપ્યા અથવા તેમને હણી નાખવામાં આવ્યા ને તેની સાથે તેમનો વંશવેલો પણ ખતમ થઈ ગયો. ટૂંકમાં, સેપીઅન્સ અન્ય પ્રકારના મનુષ્યોમાં ભળ્યા નહીં, તેમણે બાક્ીના સૌને રિપ્લેસ કરી નાખ્યા.

રિપ્લેસમેન્ટ થિયરી અનુસાર દૃુનિયાભરના તમામ મનુષ્યો એક જ શુદ્ધ સેપીઅન્સ કુળના વંશજો છે અને આપણા સૌનું ઓરિજિનલ વતન આફ્રિકા છે. જો ઇન્ટરબ્રીિંડગ થિયરીને સાચી ગણીએ તો આજના એશિયનો, આફ્રિકનો અને યુરોપિયનો મૂળથી જ એકબીજાથી ભિન્ન છે. રંગભેદૃને પુષ્ટિ આપે એવી અતિ સંવેદૃનશીલ આ વાત છે.  સદૃભાગ્યે અત્યાર સુધી જે કંઈ પૂરાવા મળ્યા છે તે ઇન્ટરબ્રીિંડગ નહીં, પણ રિપ્લેસમેન્ટ થિયરીની પુષ્ટિ કરે છે.

એક અંદૃાજ પ્રમાણે પચાસ હજાર વર્ષ પહેલાં સેપીઅન્સ, નીએન્ડરથેલેન્સ અને ડીનીસોવન્સ (ક્ે જેના અવશેષો સાઇબિરીયામાંથી મળી આવ્યા હતા) સહઅસ્તિત્ત્વ ધરાવતા હતા. ચાલો, માની લીધું ક્ે સૌ એકબીજામાં ન ભળ્યા, પણ પેલો સવાલ હજુય ઊભો છે ક્ે સેપીઅન્સ સિવાયના બાકીની બે મનુષ્યજાતિ લુપ્ત શા માટે થઈ ગઈ? સેપીઅન્સની બદૃમાશીને કારણે!  નીએન્ડરથેલેન્સની વસાહતોમાં આફ્રિકાથી આવી ચડેલા સેપીઅન્સના ધાડાઓએ ટિપિકલ આક્રમણખોરોની માફક ઉત્પાત મચાવ્યો હોય તે શક્ય છે. સેપીઅન્સ શિકાર કરવામાં વધારે હોશિયાર હતા. તેમનામાં સંપ પણ સારો હતો. બન્ને મનુષ્ય કોમ વચ્ચે િંહસક રમખાણ ફાટી નીકળ્યા હશે. લેખક યુઅલ હરારી લખે છે કે સહિષ્ણુતા સેપીઅન્સનો ગુણ ક્યારેય નહોતો. આજે આપણે ભણેલાગણેલા અને સભ્ય સમાજના ક્હેવાઈએ છીએ તો પણ રંગભેદૃ, જાતિભેદૃ, ધર્મભેદૃ વગેરે જેવાં કારણોને લોહિયાળ િંહસાત્મક બનાવોે એકધારા બન્યા જ કરે છે. વિચાર કરો કે પેલા સેપીઅન્સ લોકો તો આપણા બાપદૃાદૃા હતા ને પાછા જંગલી હતા! તેઓ કેટલા બધા આક્રમક હશે! શક્ય છે કે સેપીઅન્સોએ જાતિનિકંદૃનની પરંપરા સર્જીને બાકીની બધી મનુષ્યજાતિઓને હણી નાખી હોય.

હોમો સોલોએન્સિસ પ્રજાતિ ૫૦ હજાર વર્ષ પહેલાં લુપ્ત થઈ. તેના પછી હોમો ડીનીસોવન્સનું રામનામ સત્ય થઈ ગયું. નીએન્ડરથેલેન્સ ૩૦ હજાર વર્ષ પહેલાં નાશ પામ્યા. ઈન્ડોનેશિયાના ફ્લોરીસ ટાપુ પર રહેતા ઠીંગુજીઓ ૧૨ હજાર વર્ષ પહેલાં ગયા. પાછળ બચ્યા આપણે. સાવ એકલા, ભાઈભાંડુડા વગરના! છેલ્લાં દૃસ હજાર વર્ષથી ધરતી પર માણસજાતના નામે ફકત સેપીઅન્સ જ છે. આટલા લાંબા સમયથી આપણે બરોબરીવાળા કોઈને જોયા નથી તેથી મદૃમાં આવીને બોલ-બોલ કરતા રહીએ છીએ કે મનુષ્ય ઈશ્ર્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે!



રામાયણ અને મહાભારત આપણી શ્રદ્ધાના વિષયો છે. રામાયણકાળ અને મહાભારતકાળ વિશે મતમતાંતરો પ્રવર્તે છે. એક અંદૃાજ પ્રમાણે મહાભારતનું યુદ્ધ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં થયું હતું અને  વાલ્મિકીએ રામાયણનું સર્જન સાત હજાર વર્ષ પહેલાં કર્યું હતું. કોઈ વળી રામાયણની રચના નવ હજાર વર્ષ પહેલાં થઈ હતી એવો દૃાવો કરે છે. સંપૂર્ણપણે  અધિકૃત સમયગાળો નક્કી કરવો ખૂબ કપરો છે, પણ અંદૃાજે એવું જરુર કહી શકાય કે રામાયણકાળ અને મહાભારતકાળ આવ્યો તેની ક્યાંય પહેલાં સેપીઅન્સ, નીએન્ડરથેલેન્સ વગેરે આદિૃમનુષ્યો અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટેનાં જાતજાતનાં ઉધામા કરી ચુક્યા હતા, એટલું જ નહીં, સેપીઅન્સ સિવાયની માનવજાતો ધરતીને અલવિદૃા પણ કહી ચુકી હતી!

૦૦૦૦