Showing posts with label writing. Show all posts
Showing posts with label writing. Show all posts

Wednesday, March 7, 2018

'મારેય લેખક બનવું છે. શું કરવું?'

સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ 

ટેક ઓફ

વાંચો-વાંચો-વાંચો. આ છે પહેલો મંત્ર. અને અંગત ડાયરીમાં લખ-લખ-લખ કરીને ભાષા તેમજ શૈલીની સમજ કેળવો. આ બીજો મંત્ર. જ્યાં સુધી આ બે પૂર્વશરતોનું પાલન ન થાય ત્યાં સુધી કશુંય લખીને છપાવી નાંખવાની ઉતાવળ નહીં કરવાની.

'સર, મેં ૭૦-૮૦ પાનાંની એક લવસ્ટોરી લખી છે. તો મારે એને ક્યાં એને કેવી રીતે છપાવવી?' *
એક યુવાન વાચક ફોન પર પૃચ્છા કરે છે. વાતચીત પરથી એ ઉત્સાહી અને સિન્સિયર લાગે છે. મુગ્ધ તો ખરો જ. આ યુવાન એના જેવા બીજા અસંખ્ય વાચકોનું પ્રતિનિધિત્વ કરે છે જેમને લખવાનો શોખ છે અને લેખક બનવાનું સપનું જુએ છે. કોઈને પોતાની વાર્તા-કવિતા છપાવવી છે, કોઈને કોલમ્નિસ્ટ બનવું છે, કોઈને ધારાવાહિક નવલકથા લખવી છે, કોઈને પુસ્તક પ્રગટ કરવું છે. તેઓ ફોન કરે,ઈમેઈલ મોકલે, વોટ્સએપ અને ફેસબુક પર મેસેજ મૂકે, પોતાની કૃતિ વાંચી આપવા માટે વિનંતી કરે.
તેમના અપ્રોચમાં, વર્તન-વ્યવહારમાં, વાત કરવાની રીતમાં એક પ્રકારની નિર્દોષતા હોય છે. તેમનું લખાણ સારું છે કે તદ્દન બાલિશ છે તે બીજા નંબરની વાત થઈ. તેમની પાર વગરની અધીરાઈ, ઉત્કંઠા, ડર અને ક્યારેક નાદાનીયત સમજી શકાય તેવાં હોય છે, કેમ કે એક સમયે આપણે પણ અમુક અંશે આવા જ હતા, લગભગ આવી જ લાગણીઓ અનુભવતા હતા. પ્રત્યેક લેખક સૌથી પહેલાં તો વાચક હોય છે અને આ પ્રકારના તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો હોય છે.
અમારા જેવા લેખકોને સૌથી વધારે પૂછાતો અથવા મોસ્ટ ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન (એફએક્યુ) આ હોય છેઃ મને લખવાનો બહુ શોખ છે. મારેય રાઈટર બનવું છે. તો મારે શું કરવું? લેખક બનવાની ઇચ્છા જાગે એટલે સૌથી પહેલાં પોતાની જાતને આ સવાલ ક્રવાનોઃ શું હું ઉત્તમ વાચક છું? ભૂખ્યો ડાંસ માણસ જેમ ભોજન પર તૂટી પડે તે રીતે તમે વાચનસામગ્રી પર તૂટી પડો છો?વાંચવું એટલે માત્ર છાપું અને પૂર્તિની કોલમો વાચંવી એમ નહીં. આ બધું તો ખરું જ, પણ તે સિવાય તમે બીજું શું શું વાંચો છો?અઠવાડિયે, મહિને, બે મહિને, વરસે તમે પાંસ-દસ-વીસ-પચ્ચીસ પુસ્તકો વાંચી નાંખો છો? તમને જેમાં ખૂબ રસ પડે છે તે વિષયનાં પુસ્તકો? પછી તે નવલકથાઓ, વાર્તાસંગ્રહો, કવિતાની ચોપડીઓ, જીવનકથાઓ, સાયન્સ ફ્ક્શિન, નોન-ફ્ક્શિન કંઈ પણ હોઈ શકે.
ઉત્તમ વાચક બનતાં પહેલાં લેખક બનવાનું વિચારવાનું પણ નહીં. કાર ચલાવવાનો ભયંકર શોખ હોય તોય આપણે સીધા ડ્રાઈવિંગ સીટ પર બેસીને હાઈવે પર નીકળી પડતા નથી, રાઈટ? પહેલાં એક્સલરેટર-બ્રેક-ક્લચ કોને કહેવાય તે જાણીએ છીએ,ડ્રાઈવિંગના ક્લાસ લઈએ છીએ, ટેસ્ટ આપીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ અને પછી જ ધીમે ધીમે ટ્રાફિકમાં જવાનું શરૂ કરીએ છીએ. લેખક બનવા માટે પણ આવું જ.
તમે એક સારું વાક્ય તો જ લખી શકશો જો દસ હજાર સારાં વાક્યો વાંચ્યાં હશે. એક સારી વાર્તા કે લેખ તો જ લખી શકશો જો તમે પાંચસો સારી વાર્તાઓ કે લેખો વાંચ્યાં હશે. તમે નવલકથા લખવાનું તો જ વિચારી શકો છો જો તમે તમે દોઢસો સારી નવલકથાઓ વાંચી હશે. તરુણાવસ્થામાં જ આ વાત દિમાગમાં છપાઈ ગઈ હતી. લેખક બનવા માગતા ઉત્સાહીઓએ સહેજ પણ દલીલબાજી ર્ક્યા વગર આ ફન્ડા સ્વીકારી લેવાના છે.
મારે વાર્તા-નવલકથા લખવી છે એવું કોઈ કહે એટલે એની સામે ફટાક કરતું આ લિસ્ટ ધરી દઉં છું: શું તમે ઓલરેડી પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, ચંદ્રકાંત બક્ષી, મધુ રાયને વાંચી કાઢયા? કુંદનિકા કાપડિયા, વીનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટને? આ સિવાય પણ ખૂબ બધાં નામો છે. ઓકે, આ સૌનું સમગ્ર સાહિત્ય ભલે ન વાંચ્યું હોય તોપણ તેમનાં કમસે કમ બેસ્ટ પાંચ-સાત-દસ પુસ્તકો વાંચ્યાં? કવિતા લખવાનો શોખ હોય તો આપણા ભાષાના ગઈ કાલના અને આજના ઉત્તમોત્તમ કવિઓનાં સંગ્રહોમાંથી પસાર થયા? તેમાં રમમાણ રહૃાા? આપણે સવારે જે વાંચ્યું હોય તે સાંજે પણ યાદ હોતું નથી, પણ એવું તે શું છે આ સાહિત્યકારોનાં લખાણમાં કે લોકો પચીસ-પચાસ-સો વર્ષ પછી પણ ભારે રસથી વાંચે છે? અને વાંચીને જબરદસ્ત આંતરિક સમૃદ્ધિનો અનુભવ કરે છે? આ પ્રશ્નોનો જવાબ જાતઅનુભવથી મેળવ્યો?
વાંચતાં વાંચતાં આપણો ટેસ્ટ કેળવાતો જાય છે. ક્યા પ્રકારના લેખકો અને ક્યાં પ્રકારનાં પુસ્તકો આપણને વધારે અપીલ કરે છે તે સમજાતું જાય છે. શક્ય છે કે, તમને ગ્રામ્ય કથાઓ ઓછી અને શહેરી મિજાજવાળું સાહિત્ય વધારે સ્પર્શે. આના કરતાં ઊલટું પણ બને. શક્ય છે કે કોઈ મધુ રાય પાછળ ગાંડા ગાંડા થઈ જાય તો કોઈને મધુ રાય બધુ અઘરા લાગે. ફેર ઈનફ. જ્યાં સુધી વાંચનભૂખ અકબંધ છે ત્યાં સુધી બધું જ માફ. વાંચનની રીતસર ઘેલછા જાગવી જોઈએ. રાત-રાત જાગીને ચોપડી પૂરી કરી નાંખવી, વાંચવામાં એવા ખૂંપી જવું કે ભૂખ-તરસ-ટીવી-ફેસબુક-વોટ્સએપનું ભાન ન રહેવું, મનગમતાં પુસ્તક ખરીદવા બીજાં ખર્ચ પર કાપ મૂકવો - જો તમારામાં આ બધાં લક્ષણો દેખાય તો, કોન્ગ્રેચ્યુલેશન્સ! તમે સાચા રસ્તે જઈ રહૃાા છો.
ગુજરાતી સાહિત્ય પછી હિન્દી અને અંગ્રેજી ભાષા તરફ્ નજર દોડાવવી. અંગ્રેજી પુસ્તકો વાંચવાની ટેવ ખાસ કેળવવી. આગળ જતાં તમારું ગુજરાતી વાંચન મર્યાદિત થઈ જાય અને અંગ્રેજી પુસ્તકોનું વાંચન મોટા ભાગનો સમય રોકી લે એવુંય બને.
ગોલ્ડન રૂલ નંબર ટુ. લખવાનો રિયાઝ શરૂ કરો. શરૂઆત ડાયરીથી કરો. સરસ મજાનો બસ્સો પાનાંનો ફુલસ્કેપ ચોપડો લઈ આવો. રોજ એમાં કંઈક ને કંઈક લખો. એક પાનું, બે પાનાં, ત્રણ પાનાં. કંઈ પણ લખો. મનમાં ઘુમરાતા વિચારો વિશે, દોસ્તો -પરિવારના સભ્યો - સગા-સંબંધી વિશે, સમાજમાં ને દેશમાં બનતી ઘટના વિશે, જે પુસ્તક વાંચી રહૃાા હો તેના વિશે, સરસ ગમી ગયેલા લેખ વિશે, મનગમતી ફ્લ્મિ-ટીવી શો-નાટક વિશે, કંઈ પણ. રોજેરોજ નિયમિતપણે શિસ્તપૂર્વક લખતા રહેવાથી ધીમે ધીમે ભાષા ઘડાતી જશે, લખાણમાં સફાઈ આવતી જશે, વ્યાકરણ અને જોડણી આવડતાં જશે, અભિવ્યક્તિની સમજ અને કૌશલ્ય કેળવાતાં જશે, આત્મવિશ્વાસ દઢ બનતો જશે. પત્રલેખન પણ એક સરસ એક્ટિવિટી છે, પણ આ ડિજિટલ જમાનામાં તે અપ્રસ્તુત બની ગઈ છે.
તો, વાંચો-વાંચો-વાંચો. આ પહેલો મંત્ર. અને અંગત ડાયરીમાં લખ-લખ-લખ કરીને ભાષા તેમજ શૈલીની સમજ કેળવો. આ બીજો મંત્ર. જ્યાં સુધી આ બે પૂર્વશરતોનું પાલન ન થાય ત્યાં સુધી કશુંય લખીને છપાવી નાંખવાની ઉતાવળ નહીં કરવાની. સદ્નસીબે નાની ઉંમરે જ આ મંત્રો આપોઆપ મળી ગયા હતા, જે આજની તારીખેય કામ આવે છે.
ઓકે. ફાયનલી તમે વાર્તા (કે લેખ, કવિતા કે કંઈ પણ) લખવાના તબક્કા સુધી પહોંચો છો. જે લખ્યું છે તેને ફરી ફરીને લખવાનું,બે-ત્રણ-ચાર કે તેનાથીય વધારે ડ્રાફ્ટ લખીને લખાણને બને એટલું સુરેખ બનાવવાની કોશિશ કરવાનું. જેમના પર તમને ભરોસો હોય તેવા મિત્ર કે પરિચિતના અભિપ્રાય અનુસાર તમારાં લખાણમાં નવેસરથી સુધારાવધારા કરો. યાદ રાખો, આળસ કરવાથી નહીં ચાલે. છાપાં મેગેઝિનમાં ગમતા લેખકને પોતાની કૃતિ ભલે મોકલો, પણ 'વાંચી આપો... વાંચી આપો' એમ કરીને પાછળ નહીં પડવાનું. કેમ કે પ્રોફેશનલ લેખકો પાસે પોતાનાં કામના સંદર્ભમાં એટલું બધું વાંચવાનું કાયમ પેન્ડિંગ પડયું હોય છે કે ઈરાદો હોય તોપણ તેમની પાસે તમારું કાચુંપાકું લખાણ વાંચી આપવાનો સમય ન હોય તેવું બિલકુલ બને. ખૂબ ધીરજ જાળવીને, સહિષ્ણુતાપૂર્વક, ભલે મોડો તો મોડો પણ જવાબ આપવાનું લેખક માટે સહેલું હોતું નથી તે અનુભવે સમજાય છે. ક્યારેક કોઈ લેખક તરફથી જવાબ ન મળે તો ખોટું નહીં લગાડવાનું. જો સૂચનો મળે તો પૂરી નિષ્ઠાથી પાલન કરવાનું.
ક્યાં ક્યાં છાપાં-મેગેઝિનમાં ટૂંકી વાર્તા-કવિતા વગેરે છપાય છે તેની તમને ખબર હોવી જોઈએ. ખબર ન હોય તો લાઈબ્રેરીમાં જઈને વ્યવસ્થિત સમજી લેવાનું. અમુક છાપાં-મેગેઝિન દિવાળી અંક અને વાર્ષિક અંકમાં ખૂબ બધી વાર્તાઓ પ્રકાશિત કરે છે. બસ, તેમને સુંદર-સુઘડ અક્ષરમાં લખેલી અથવા પ્રિફરેબલી ટાઈપ કરેલી કૃતિ મોકલો અને જવાબની રાહ જુઓ. અમેરિકા-ઇંગ્લેન્ડ જેવા દેશોમાં નવોદિતો માટે પણ લિટરરી એજન્ટ્સ હોય છે, જે તમારી કૃતિની છપાવવાની માથાકૂટ સંભાળી લે છે. આપણે ત્યાં આવી લકઝરી નથી એટલે બધું જાતે જ કરવું પડશે. કૃતિ 'સાભાર પરત' થાય તો નિરુત્સાહી બિલકુલ નહીં બનવાનું. ભલભલા લેખકોની કૃતિઓ શરૂઆતમાં સાભાર પરત થઈ હતી. અરે, જાણીતા બની ગયા પછી પણ થાય છે. પાછી ફરેલી કૃતિને અન્ય પ્રકાશનમાં ટ્રાય કરો. હિંમત નહીં હારવાની. અહીં જ તમારામાં કેવુંક ઝનૂન અને લગની છે તેની કસોટી થશે. મેઈનસ્ટ્રીમ છાપાં-મેગેઝિનોમાં છપાતી વાર્તાઓની ગુણવત્તા કાયમ ટનાટન હોય છે તે જરૂરી નથી. 'પરબ'-'શબ્દસૃષ્ટિ' જેવાં સાહિત્યિક સામયિકોની વાત અલગ છે. આવી કોઈ જગ્યાએ તમારી વાર્તા-કવિતા છપાય તો સમજવાનું કે તમને હવે ખરેખર લખતા આવડવા માંડયું છે. ચિયર્સ!
હવે જોકે, ફેસબુકને કારણે ઊભરતા લેખકોની 'સાભાર પરત'ની પીડા ખાસ્સી ઓછી થઈ ગઈ છે. અહીં તો સૌ પોતાનું લખાણ દુનિયા સાથે શૅર કરી શકે છે. લખાણ કાલુંઘેલું ન હોય તો પણ લાઈક્સ અને 'વાહ વાહ' મળવા લાગે છે. સોશિયલ મીડિયા પર મળી જતી આ ઈન્સ્ટન્ટ સ્વીકૃતિ ખતરનાક નીવડી શકે છે. નબળું લખનારો ભ્રમમાં જીવ્યા કરે છે અને પોતે કેટલા છીછરા પાણીમાં ઊભો છે તેનો એને અંદાજ આવતો નથી. આથી આપણે પોતે જ પોતાના અત્યંત કડક જજ બનવાનું છે. સોશિયલ મીડિયાના પ્લસ પોઈન્ટ્સ પણ છે. શૅર થયેલી કૃતિને યોગ્ય વ્યક્તિઓ દ્વારા મળતી કમેન્ટ્સ ચોક્કસ ઉપયોગી બને છે. ફેસબુક પર અવારનવાર મુગ્ધ થઈ જવાય એવાં સુંદર લખાણ આપણે સૌએ જોયાં છે. આ જ પૂર્તિ પર તમે જેમને વાંચો છો એ પ્રતિભાશાળી સાથી કોલમ્નિસ્ટ અભિમન્યુ મોદી ફેસબુકની ડિસ્કવરી છે. અક્ષય આંબેડકર નામના યુવાનની અફ્લાતૂન ફેસબુક પોસ્ટ્સ વાંચો તો તમને થાય કે આ કોઈ ઘડાયેલા ફિલ્મ કોલમ્નિસ્ટનું લખાણ છે. અભિષેક અગ્રાવત પોતાની ક્ષિતિજ વિસ્તારશે તો એમને ફુલફ્લેજ્ડ લેખક-વાર્તાકાર તરીકે પ્રસ્થાપિત થતાં કોઈ રોકી શકવાનું નથી. અવનિ દલાલ અને જિતેશ દોંગાની નવલકથા પહેલાં ડિજિટલ માધ્યમમાં વખણાઈ હતી. પછી તેનું પ્રિન્ટ વર્ઝન બહાર પડયું. જેન્યુઈન પ્રતિભા હશે, ખૂબ મહેનત કરવાની તૈયારી હશે અને સ્વસ્થ સેલ્ફ્-જજમેન્ટ હશે તો ફેસબુક એક અસરકારક લોન્ચિંગ પેડ બની શકે છે.
પુસ્તક શી રીતે છપાવવું તે પાછો અલગ અને કોમ્પ્લિકેટેડ વિષય થયો. તેના વિશે ફરી ક્યારેક. સો વાતની એક વાત એ કે લેખક બનવા માટે કોઈ શોર્ટ કટ્સ નથી. લેખનકળા સાધના અને પરિશ્રમનો વિષય છે. જો આ બે વસ્તુ કરી શકતા હોઈએ તો જ મેદાનમાં ઊતરવાનું. કુદરતી પ્રતિભા તો ખરી જ. આ એક એવી સાધના છે જે કોઈ પણ ઉંમરે કરી શકાય છે. તકલીફો અને અવરોધો આવે તો (આવશે જ) ફરિયાદો નહીં કરવાની. કોઈએ આપણાં લમણે બંદૂક ધરીને લેખક બનવાની ફરજ પાડી નહોતી,ખરું? ઓલ ધ બેસ્ટ.

0 0 0 

Wednesday, January 10, 2018

લેખક કરતાં એનું લખાણ શા માટે વધારે સ્માર્ટ હોય છે?

Sandesh - Ardh Saptahik purti - January 3, 2018
ટેક ઓફ

નવલકથાકાર કરતાં એણે ઘડેલાં પાત્રો વધારે જીવંત, પ્રભાવશાળી, રમૂજી, સંવેદનશીલ, ગુણવાન અને મનોરંજક હોય છે, કારણ કે...


Geroge Saunders

જ્યોર્જ સોન્ડર્સ નામના ઉત્તમ અમેરિકન નવલિકાકાર પચાસ વર્ષના થયા પછી પહેલી વાર ‘લિંકન ઇન ધ બાર્ડો’ નામની નવલકથા લખી. આ કૃતિએ 2017નું પ્રતિષ્ઠિત બૂકર પ્રાઇઝ જીતી લીધું. દુનિયાભરના સારામાં સારા અંગ્રેજી લેખકો આ ઇનામ માટે રેસમાં સામેલ થયા હોય છે. જ્યોર્જ સોન્ડર્સે પોતાની લેખનપ્રક્રિયા વિશે અલગ-અલગ જગ્યાએ બહુ સરસ લખ્યું છે યા તો વાતો કરી છે.

આપણે કહેતા હોઈએ છીએ કે કલાકાર પાસે 'કશુંક' હોય છે જે એ 'વ્યક્ત કરવા' માગતો હોય છે અને બસ, પછી એ લખીને કે ગાઈને કે નૃત્ય કરીને કે ચિત્ર બનાવીને વ્યક્ત કરી નાખે છે. જ્યોર્જ સોન્ડર્સ કહે છે કે આ આખી વાત એક બનાવટ છે. મજાની વાત એ છે કે આ બનાવટ આપણને ગમે છે! આપણે એવું કેમ માની લઈએ છીએ કે કળાકૃતિ એક ક્લીયરકટ, વેલ-ડિફાઇન્ડ વસ્તુ છે? આપણે એવું શા માટે સ્વીકારી લઈએ છીએ કે કલાકારમાં એ વસ્તુને ફ્ટાક કરતી પારખવાની અને સટાક કરતી વ્યકત કરી નાખવાની આવડત હોય જ છે? કશાકનું સર્જન કરવાની પ્રક્રિયા આટલી સીધીસાદી હોત તો જોઈએ જ શું. સર્જનપ્રક્રિયા ઠીક ઠીક ભેદી હોય છે અને ખાસ તો, મગજની નસ ખેંચી નાખે એવી કડાકૂટવાળી હોય છે.

કોઈએ વ્યાખ્યા બાંધી છે કે આર્ટિસ્ટ એટલે એવો માણસ, જે કામ શરુ તો કરે છે, પણ એને ખબર હોતની નથી કે આ કામ પોતે કેવી રીતે કરશે. જ્યોજર્ સોન્ડર્સ પોતાની પ્રોસેસ વિશે વાત કરતાં કહે છેઃ 
‘હું કલ્પના કરું છું કે જાણે મારા કપાળ પર વજનકાંટા જેવું મીટર ચોંટાડવામાં આવ્યું છે. પટ્ટીના એક છેડે ‘પી’ એટલે કે પોઝિટિવ લખ્યું છે અને બીજા છેડે ‘એન’ એટલે કે નેગેટિવ લખ્યું છે. પછી મેં જે કંઈ લખ્યું હોય (વાર્તાનો એક ફ્કરો કે એક પાનું કે એક પ્રકરણ કે આખો પહેલો ડ્રાફ્ટ) તે હું એવી રીતે વાંચવાની કોશિશ કરું છું જાણે તે કોઈ બીજાએ લખ્યું હોય. જો લખાણ સારું લાગે તો કાંટો પોઝિટિવ તરફ્ ઢળેલો હોય, લખાણ વાંચવાની મજા ન આવે તો નેગેટિવ તરફ્ ઝુકેલો હોય. પછી હું પેલો ફ્કરો/પાનું/પ્રકરણ/ડ્રાફ્ટ નવેસરથી લખું. ફરી પાછો એને વાંચી જાઉં અને જોઉં કે આ વખતે કાંટો પોઝિટિવ તરફ્ વધારે ઢળ્યો કે નહીં. આ ક્રિયા વાંરવાર કરતો જ જાઉં. એક પછી એક ડ્રાફ્ટ લખાતા જ જાય. જ્યાં સુધી કાંટો પૂરેપૂરો ‘પી’ પર ન આવે ત્યાં આ સાઇકલનું પુનરાવર્તન કરતો રહું. મારી વાર્તા કે પ્રકરણનો ઘાટ આ રીતે ધીરેધીરે, ટુકડે ટુકડે ઘડાય છે.’
રાઇટિંગ, રિ-રાઇટિંગ, રિ-રિ-રાઇટિંંગ - લખાણની ગુણવત્તા સુધારતા જવાની, એને ચમકાવવાની આ ઉત્તમોત્તમ ચાવી છે. રિ-રાઇટિંગ કર્યા વગર ઉત્કૃષ્ટ સર્જન કરી શકતા ગિફ્ટેડ લેખકો દુર્લભ હોય છે. 'આપણે તો ફર્સ્ટ ડ્રાફ્ટ એ જ ફાયનલ ડ્રાફ્ટ... આપણે તો એક વાર લખાઈ જાય એટલે પછી હાથ અડાડતા જ નથી' એવું કહેવાવાળા મોટા ભાગના લેખકો આળસુડા હોવાના. લેખક હોવું, સર્જન કરવુંું – આ બધું અમુક દૂરથી બહુ ગ્લેમરસ લાગતું હોય છે, પણ સાચું માનજો, એકની એક વસ્તુ વારે વારે લખ્યા કરવાનું, ઘસ્યા કરવાનું, મઠાર્યા કરવાનું કામ જરાય ગ્લેમરસ નથી. આ બૌદ્ધિક (અને ઇવન શારીરિક) સ્તરે થતી મજૂરી જ છે. પણ આ જ ‘સર્જનક્રિયા’ છે, વધુ ને વધુ સારું લખતા જવાની. લેખક જેટલી વધારે મહેનત કરે એટલી એની કૃતિ વધારે ઘાટીલી, સુરેખ અને ‘વેલ-ડિફાઇન્ડ’ બને. આ જ કારણ છે કે સર્જક કરતાં એનું સર્જન વધારે સ્માર્ટ હોય છે. એકલા લેખકને જ શું કામ બદનામ કરવા, આ જ વાત તમામ કળા અને કલાકારને લાગુ પડે છે!


સોન્ડર્સ કહે છે કે લેખક પોતાના લખાણને મઠારે, ફરી ફરીને સુધારે એનો સીધો અર્થ એ પણ થયો કે એ પોતાના વાચકનો વધુ ને વધુ આદર કરી રહૃાો છે. એ રિ-રાઇટિંગ કરે છે, કેમ કે એ વાચકને સારામાં સારી વસ્તુ જ આપવા માગે છે. એ જાણે છે કે મારો વાચક બુદ્ધિશાળી છે, સમજદાર છે, સજ્જ છે. એની સામે નબળી વસ્તુ ધરીને હું એની બુદ્ધિમતા તેમજ સમયનું અપમાન ન કરી શકું!
એક જ લખાણ પર વધારે વખત હાથ ફરે એટલે લખાણમાં રહેલી વધારાની ચરબી દૂર થતી જાય, સૂક્ષ્મતાઓ વધે, લખાણ વધારે લેયર્ડ યા તો બહુપરિમાણી બને. ધારો કે લેખક લખે કે, ‘મનસુખભાઈનો સ્વભાવ બહુ ખરાબ હતો’. આ વાકય અધ્ધરતાલ લાગી શકે.  સ્વભાવ ખરાબ હતો એ બરાબર, પણ તે કેવી રીતે? થોડી વિગત હોવી જોઈએ. આથી લેખક મનસુખભાઈના ખરાબ સ્વભાવને આ રીતે વ્યકત કરેઃ ‘મનસુખભાઈએ આવેશમાં આવીને રેસ્ટોરન્ટમાં વેઇટરને ખખડાવી નાખ્યો.’ લેખક આ વાક્યને પાછું વાંચીને વિચારે છેઃ ના, હજુય કંઈક ખૂટે છે. મનસુખભાઈએ પેલાને ખખડાવ્યો એનું કારણ શું હોઈ શકે? એ વાક્યને નવેસરથી મઠારે છેઃ ‘મનસુખભાઈએ આવેશમાં આવીને રેસ્ટોરન્ટમાં એક વેઇટરને ખખડાવી નાખ્યો કે જે દેખાવમાં ઘર છોડીને જતા રહેલા પોતાના ઝઘડાખોર ભાઈ જેવો લાગતો હતો.’ હજુ થોડોક વધારે ઉમેરોઃ ‘આજે થર્ટીર્ફ્સ્ટ ડિસેમ્બર હતી એટલે સવારથી ભાઈ બહુ યાદ આવી રહૃાો હતો.’

તો લેખકે અહીં શી રીતે રિ-રાઇટિંગ કર્યું? એણે મનસુખભાઈ નામના પાત્રને વધારે માનવીય બનાવ્યું. અલબત્ત, જરૂરી નથી કે દરેક પાત્ર વધારે માનવીય જ હોવું જોઈએ, પણ હા, એ વધારે શેડ્ઝવાળું તો હોવું જ જોઈએ. પહેલાં મનુસખભાઈ માત્ર ‘ખરાબ સ્વભાવવાળા’ હતા, પણ હવે એ ‘ઘર છોડીને જતા રહેલા ભાઈને યાદ કરનાર સ્વજન’ બની ગયા. એ ભાઈને બહુ ચાહે છે એટલે જ એ ગૃહત્યાગ જેવું મોટું પગલું ભરવા બદલ એના પર રોષે ભરાયા છે. આ રોષ અજાણતા રેસ્ટોરાંના પેલા વેઇટર પર ઠલવાઈ ગયો.
લેખકે અહીં ખરેખર શું કર્યું? એમણે વધારે વિગતો ઉમેરી. લખાણને વધારે સ્પેસિફ્કિ બનાવ્યું. આવું કરવાની પ્રક્રિયા દરમિયાન મનસુખભાઈના પાત્રને એમણે વધારે કરુણાથી, વધારે પ્રેમથી ટ્રીટ કર્યું. પરિણામે એ પાત્ર સપાટ ન રહેતાં વધારે સંવેદનશીલ, જટિલ અને સૂક્ષ્મતાઓવાળું બન્યું.
પ્લીઝ, અહીં કોઈ એવું ન સમજે કે લખાણને અસરકારક બનાવવું હોય તો એમાં પાણી નાખવું જ પડે. એક વાક્યને ખેંચીને એના ત્રણ વાક્ય કરવા જ પડે. ના. કયારેક આનાથી ઊલટું કરવુું પડતું હોય છે. વાક્યમાંથી બિનજરૂરી શબ્દો કાઢી નાખવાથી તે વધારે સુરેખ બનતું હોય છે. ઉદાહરણ લઈએ. ધારો કે વાક્ય કંઈક આવું છેઃ ‘લાલ સાડીમાં સજ્જ થયેલી સોનલ ઓરડામાં આવીને ખૂણામાં ગોઠવાયેલા બ્લુ સોફા પર બેઠી.’ વાકય ફરી વાંચો. શું બિનજરૂરી છે? સોનલની લાલ સાડી જરૂરી છે? ના. કાપો. સોફાનો કલર જણાવવાનું કોઈ ખાસ કારણ છે? ના. કાપો. સોફા ઓરડામાં ક્યાં ગોઠવાયેલો છે એવું કહેવાની જરૂર છે? ના. કાપો. તો રિ-રાઇટ થયેલું વાકય આવું બનશેઃ ‘સોનલ ઓરડામાં આવીને સોફા પર બેઠી.’ બસ, આટલું જ. શોર્ટ, સ્વીટ એન્ડ સિમ્પલ.
વાક્યમાં ક્યાં વિગતો ઉમેરવાની છે કે દૂર કરવાની છે એ આગળ-પાછળના સંદર્ભોને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય. દરેક વખતે પાત્રએ કેવાં કપડાં પહેર્યાં છે અને કેવી હેરસ્ટાઈલ રાખી છે તે લખવાની જરૂર હોતી નથી. ઘણા લેખકોને આવી કુટેવ હોય છે. ધારો કે વાર્તામાં માયા સવારે ઊઠીને ઓફ્સિ જાય અને સાંજે ઘરે પાછા આવીને હસબન્ડ સાથે કલબમાં જાય તો એ સવારે ઊઠી ત્યારે, ઓફ્સિે ગઈ ત્યારે અને કલબ જવા તૈયાર થઈ ત્યારે દર વખતે એણે શું શું પહેર્યું હતું એવું બધું લખો તો વાચક બાપડો કંટાળી જાય.
સમજદાર લેખક રિ-રાઇટિંગ દરમિયાન ફ્કરો/પાનું/પ્રકરણ/ડ્રાફ્ટમાં ક્રમિક ફેરફર કરે એટલે સૌથી પહેલાં તો એેને પોતાને જ તે વાંચવાની વધારે ને વધારે મજા આવતી જાય. આ જ ફીલિંગ પછી વાચકને થાય. અલબત્ત, જ્યોર્જ સોન્ડર્સ કહે છે તેમ, વાચકમાં પણ આવી લાગણી જાગશે જ એ કેવળ વિશફુલ થિંકિંગ છે, અપેક્ષા છે, ગેરંટી નથી. લેખકના દિમાગ અને વાચકના દિમાગમાં અમુક તત્ત્વો એકસરખાં હશે એવું આપણે માની લઈએ છીએ. આવું હોય છે પણ ખરું. તેથી જ પાલનપુરમાં જન્મેલા અને કોલકાતામાં ઉછરેલા ચંદ્રકાંત બક્ષીએ અડધી સદી પહેલાં પોતાની કપડાંની દુકાનમાં ઊંચા સ્ટૂલ પર બેઠાં બેઠાં ‘પેરેલિસિસ’ નામની જે નવલકથા લખી હતી તે આજે એમબીએ કરીને કોઈ આઇટી ર્ફ્મમાં સરસ જોબ કરી રહેલા સત્તાવીસ વર્ષના અમદાવાદી યુવાનને સ્પર્શી જાય છે. ચાલો, બક્ષી તો હજુય ગુજરાતી હતા, પણ આપણામાં અને ૧૯૦ વર્ષ પહેલાં રશિયાના કોઈ નવાબી ખાનદાનમાં જન્મેલા ટોલ્સટોય વચ્ચે શું કોમન છે? કશું જ નહીં. છતાંય એમણે લખેલી વાર્તાઓ વાંચીને આપણે ઝુમી ઊઠીએ છીએ.
લખતી વખતે, રિ-રાઇટિંગ કરતી વખતે લેખકે વિચાર્યું હોય છે કે હું આ વાત આ રીતે લખીને વાચકના દિલમાં આવી લાગણી જગાડીશ. જો એ કાબેલ હશે તો વાચક એનું લખાણ વાંચતી વખતે ખરેખર એવું ફીલ કરશે. લેખકનું કામ માત્ર પોતાનાં પાત્રો સાથે સંબંધ બનાવીને પૂરું થતું નથી. લેખકનું કામ એનું લખાણ વાચકના મન-હૃદય સાથે સંધાન કરે છે  ત્યારે જ સાચા અર્થમાં પૂરું થતું હોય છે!

0 0 0 

Sunday, October 2, 2011

ફ્લાયઓવર બ્રિજ નીચે વહેતું ઝરણું


                                                                                 
શું મને મારાં કોઈ જર્નલિસ્ટિક કામ માટે પુલિત્સર પ્રાઈઝ એનાયત થયું છે?

શું મેં એવી કોઈ મહાન નવલકથા લખી નાખી છે યા તો એવી કવિતાઓ, નવલિકાઓ કે બીજું કોઈ સાહિત્ય રચી નાખ્યું છે જેને લીધે હું સાહિત્યના નોબલ પ્રાઈઝ માટે મજબૂત દાવેદાર ગણાતો હોઉં?

શું મેં એવી કોઈ મહાન ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે જેને લીધે ઓસ્કરમાં મારું નોમિનેશન પાકું હોય?

ફેન્ટસીના લેવલ પર આ ત્રણેય સવાલોના જવાબ છેઃ હા. ફેન્ટસીમાં તો, ખેર, મારા ઘરની શેલ્ફ પર આ ત્રણ સિવાયના પણ બીજા કેટલાય ભવ્ય પારિતોષિકો હું કાયમ જોઉં છું!

પણ હકીકત જુદા અંતિમ પર  ઊભી છે.

અને છતાંય હું ‘લેખક’ તો છું જ. ગર્વિષ્ઠ અને આત્મસન્માનથી પુષ્ટ લેખક. ગૌરવ અને સંતોષની આ લાગણી ભીતરમાંથી, જેને આપણે માંહ્યલો કહીએ છીએ તેમાંથી, ઝરે છે.

જેમ ખુમચાવાળા માટે પાણીપુરી બનાવવી એક કામ છે, કેશકર્તનકાર માટે કેશકર્તન કરવું એક કામ છે, તેમ લેખક માટે લખવું એક કામ છે. અલબત્ત, ખુમચાવાળાએ કે કેશકર્તનકારે કામ કરતી વખતે માત્ર પોતાનું કૌશલ્ય બતાવવાનું હોય છે, એને પોતાની જાતને ‘એક્સપ્રેસ’ કરવાના અબળખા હોતા નથી. લેખકનું ખાતું જરા જુદું છે. પોતાનાં વિચારો-લાગણીઓ-ક્રિયેટિવિટીને વાચક સુધી પહોંચાડવાની તેની ઝંખના હોય છે. શ્રોતા વગરનો વક્તા અપ્રસ્તુત છે તેમ વાચક વગરનો લેખક અપ્રસ્તુત બની જાય છે. લેખક અથવા તો લખાણનો મહિમા થવા માટે વાચકનું હોવું જરૂરી. છતાંય એક હદ પછી લેખકની લેખકવૃત્તિ બાહ્ય વેલિડેશન પર આધારિત ન રહે, તે શક્ય છે. કમરાના એકાંતમાં સિતાર કે પિયાનો કે કોઈપણ વાદ્ય પર લીન થઈને રિયાઝ કરી રહેલા કે સંગીતનું સજર્ન કરી રહેલા કલાકારનો આનંદ, સેંકડો-હજારો શ્રોતાઓની દાદ ઝીલી રહેલા કલાકારના આનંદ કરતાં માત્ર જુદો હોય છે, ચડિયાતો કે ઉતરતો નહીં. કલાકારનો યા તો લેખકનો નિજાનંદ ક્યાં સુધી વિસ્તરતો હોય છે અને સ્વીકૃતિની અપેક્ષાનો ઈલાકો ક્યાંથી શરૂ થઈ જતો હોય છે?

                                                                    ૦ ૦ ૦

નિજાનંદ ને અભિવ્યક્તિ ને સર્જનપ્રક્રિયા ને એવા બધા ભારેખમ શબ્દોથી પરિચિત થવાની વાર હતી ત્યારે, કોલેજનાં વર્ષોમાં, લખવું એ અનાયાસે જ મારા માટે એક એવું દોરડું બની ગયું હતું, જેના થકી લટકતા રહીને ઊંડી ખીણમાં ફંગોળાઈ જતા બચી શકાય. સ્કૂલજીવનમાં ભણતર એ ગર્વનો અને સ્વપરિચયનો સૌથી મોટો સ્ત્રોત હતો, પણ એન્જિનીયરિંગ કોલેજમાં પ્રવેશતાંની સાથે જ, જાણે એક ક્ષણમાં સ્વિચ પટાક્ કરતી ઓનમાંથી ઓફ્ થઈ જાય તેમ, ભણતર એકદમ જ ભયાનક આઈડેન્ટિટી ક્રાઈસિસનું કારણ બની ગયું. જીવનનો એ સૌથી પીડાદાયી તબક્કો હતો. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ હતી કે વડોદરાના પોલિટેક્નિક કેમ્પસમાં મારી હોસ્ટેલ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર હું રાત્રે એકલો જતો અને રેલિંગ પાસે ઊભા રહીને નીચે આવજા કરી રહેલી ટ્રેનોને જોતો, મનોમન ટ્રેનોના સમય નોંધતો અને પ્લાનિંગ કરતોઃ માત્ર એક જ છલાંગ, બસ. શરીર સીધું નીચે બે પાટા વચ્ચે પટકાશે એટલે જીવ આમેય જતો રહેશે. ધારો કે ન ગયો તો બીજી જ મિનિટે ધસમસતી ટ્રેન શરીરનો ખુદડો બોલાવી દેશે. વાત પૂરી.

પણ વાત હંમેશા અધૂરી રહી જતી. હું ફ્લાયઓવર બ્રિજ પરથી પાછો વળી જતો અને હોસ્ટેલના દોસ્તોની ધમાલમસ્તીમાં ચુપચાપ સામેલ થઈ જતો.

એ વર્ષોમાં ટકી રહેવા માટે આ બે જ આધારો હતા-  હોસ્ટેલના બંદરછાપ દોસ્તો  અને બીજી ડાયરી. અંગત ડાયરી. મિત્રો મારા જેટલા જ અપરિપક્વ અને બિનઅનુભવી હતા તે કારણ હતું અથવા કદાચ તેમની પાસે હૈયું ઠાલવી શકવાનો માહોલ ઊભો થઈ શકતો નહોતો. ઘરના લોકો સાથે બિલકુલ વાત કરી શકું તેમ નહોતો. તેથી તમામ પીડાઓ, અસ્પષ્ટતાઓ, માનસિક સંઘર્ષો, તારણો અને સંકલ્પો ડાયરીનાં પાનાં પર ઠલવાતાં. ઓરડાના એકાંતમાં ભીષણ એકાગ્રાતાથી મારી કલમ સડસડાટ ચાલતી. ભયાનક દબાણ અનુભવતું કૂકર વિસ્ફોટ સાથે ફાટી પડે તે પહેલાં વ્હીસલ વાગે અને પ્રેશર હળવું થઈ જાય તેમ ડાયરીનાં પાનાં પર ખાલી થઈ ગયા પછી હું શાંત થઈ જતો. કશુંક ધાર પાસે આવીને અટકી જતું અને પાછું ભીતર લપાઈ જતું. મારી ડાયરી પેલી આત્મઘાતી વૃત્તિનાં ઝેરીલાં અંકૂરોને ખબર ન પડે તેમ વાઢી નાખતી. હું ટકી જતો.

મારી ડાયરી  મારી ઓક્સિજન-માસ્ક હતી. ડાયરીમાં થતું આ લેખન મારી થેરાપી હતી. સેલ્ફથેરાપી. આ એવું લખાણ હતું જે ક્યાંય છપાવાનું નહોતું. જેને હું ક્યારેય કોઈને વાંચવા આપવાનો નહોતો. જેને વાહવાહી કે શાબાશી કે વ્યાપક સ્વીકૃતિ સાથે કોઈ સંબંધ નહોતો. પણ એ લખાણ લખાવું મારા માટે અત્યંત નિર્ણાયક હતું.


Chandrakant Bakshi
તીવ્ર માનસિક કટોકટીનો આ તબક્કો તો ખેર, એક બિંદુ પછી શમી ગયો, પણ ડાયરી વફાદાર પ્રિયતમાની જેમ સતત સાથે રહી. એન્જિનીયરિંગના વર્ષોમાં એન્જિનીયરિંગનાં પુસ્તકો સિવાયનું બીજું બધું જ વંચાતું. એમ. એસ. યુનિવર્સિટીની એચ. એમ. લાઈબ્રેરીમાં મોટા ઉપાડે વાંચવા તો જતો, પણ અડધી જ કલાકમાં માઈક્રોપ્રોસેસર્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સનાં થોથાંનાં સ્થાને હાથમાં ચંદ્રકાન્ત બક્ષીની ‘આકાર’ કે પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ આવી જતાં. કોલેજના અધૂરાં એસાઈન્મેન્ટ્સ બેગમાં જ રહી જતાં અને ‘પરબ’ કે ‘ગદ્યપર્વ’ જેવાં સાહિત્યિક સામયિકોમાં બિઝી થઈ જવાતું.  
Madhu Rye







હોસ્ટેલમાં મોડી રાત સુધી જાગીને પ્રેક્ટિકલ્સની જર્નલ બને કે ન બને, પણ ‘અભિયાન’માં પ્રગટ થતી બક્ષીની ‘વિકલ્પ’, મધુ રાયની ‘નીલ ગગન કે તલે’ કોલમ, સૌરભ શાહના ‘આડી લાઈને ચડેલાઓને...’ જેવા લેખો તેમજ ‘સમકાલીન’ની ‘વરાયટી’ પૂર્તિમાંથી હસમુખ ગાંધીની કોલમનાં પાનાં ફાડીને એની વ્યવસ્થિત ફાઈલો જરૂર બનતી. આ સઘળા  વાંચનને કારણે મનમાં કંઈ કેટલુંય ટ્રિગર થતું, પાર વગરનાં તરંગો જન્મતાં જે પછી શબ્દરૂપે યા તો ‘વિચારકણિકા’ રૂપે ડાયરીમાં અવતરતાં. (ડાયરી એટલે બસ્સો પાનાંના પાકાં પૂઠાવાળાં ફુલસ્કેપ ચોપડાં જ.) જે કંઈ વંચાતું એમાંથી ‘નોંધવા જેવાં’ અવતરણો રસપૂર્વક લખાતાં. આમ, ડાયરી કેવળ વિષાદ કે માનસિક યાતનાનો દસ્તાવેજ ન રહી, બલકે તેમાં કંઈકેટલાંય પ્રફુલ્લિત અને ક્રિયેટિવ રંગો ઉમેરાતા ગયા.


Saurabh Shah

લખવાનો શોખ પહેલેથી હતો. બાળપણમાં ‘ચંપક’, ‘ફૂલછાબ’, ‘ફૂલવાડી’ વગેરેમાં ઝીણું ઝીણું બચ્ચા જેવું લખતો હતો અને નામ છપાયેલું જોઈને રાજી રાજી થઈ જતો હતો, પણ સાચા અર્થમાં લખવાનો નક્કર રિયાઝ આ ડાયરીને કારણે થયો. ડાયરીની એકધારી દોસ્તીને લીધે લખાણ ધીમે ધીમે સફાઈદાર થવા માંડ્યું. તે શુદ્ધ અને પ્રવાહી બનતું ગયું. ભાષાની સમજ, ભાષાની લીલા, ભાષાની મસ્તી પકડમાં આવતી ગઈ. સમજાયું કે લખવું એટલે માત્ર વ્યક્ત થવું એમ નહીં, લખતી વખતે લેખક પોતાની જાતને છુપાવવાનું કામ પણ કરી શકતો હોય છે! ગુજરાતી સામયિકો અને અખબારોની દુનિયા વધુને વધુ વશીભૂત કરી રહી હતી. કોલેજનાં વર્ષોમાં જ ‘પરબ’ અને ‘કંકાવટી’ જેવાં પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકોમાં નવલિકાઓ સ્વીકારાઈ અને છપાઈ એટલે બાપુ રાજીના રેડ થઈ ગયા. આ પિરીયોડિકલ્સમાં વાર્તા પ્રગટ થવી એટલે જાણે કે તમારા પર લેખક હોવાનો આઈએસઆઈનો માર્કો લાગી જવો!


Hasmukh Gandhi
આજે પણ ક્યારેક કોઈ લેખ લખવો હોય ત્યારે પંદરવીસ વર્ષ જૂની ડાયરીઓના થોકડા કાઢીને બેસું છું, પાનાં ફેરવું છું અને જરૂરી મસાલો અચૂકપણે મળી જાય છે. ઉદાસ કરી મૂકે તેવાં પાનાંને સ્ટેપલર વડે પિન કરી દીધાં છે કે જેથી એમાંથી નવેસરથી પસાર થવંુ ન પડે. જે કંઈ થયું હતું એનો પૂર્ણ સ્વીકાર છે, તે અનુભવોએ મજબૂતી બક્ષી છે તે સત્યનો પૂરો આદર છે. છતાં નથી કરવી એ યાદોને રિફ્રેશ. નથી જીવવી એ ક્ષણોને ફરીથી.

હું જે અનુભવો અને અનુભૂતિઓમાંથી પસાર થયો છું તે પરથી કહી શકું છું કે મારા માટે લખવું એટલે માત્ર પત્રકારત્વનાં ન્યુઝફીચર્સ લખવાં કે વાર્તા-નવલકથા-નાટક લખવાં કે અન્ય કોઈ પ્રોફેશનલ રાઈટિંગ કરવું એમ નહીં. લખવું એટલે એકત્રિત કરેલી માહિતી કે પોતાના વિચારો-લાગણીઓ ક્રિયેટિવિટીને લોકો સામે રજૂ કરવાં કેવળ એમ પણ નહીં. બીજાઓનો સંદર્ભ તો પછી આવે અથવા ન પણ આવે. મારા કિસ્સામાં લખવું એટલે ભગવાને આપેલાં મન-મગજ-દિલમાં જે હોબાળો ચાલી રહ્યો છે તેને સમજવો. કશુંક અસ્પષ્ટ છે, અધૂરું છે, કશાકનો તાળો મળી રહ્યો નથી કે કશુંક હવામાં અધ્ધર લટકે છે તેવું આઈડેન્ટિફાય કરવું, સમજવું અને સ્વીકારવાની કોશિશ કરવી. માંહ્યલા સામે પ્રામાણિક બનવાનો પ્રયત્ન કરવો.  

મારી ડાયરીએ મારું ઘડતર કર્યુ છે. મને જીવતો રાખ્યો છે. લખવું એટલે શું એ પ્રશ્નનો સૌથી પહેલો નક્કર જવાબ મને ડાયરીના રૂપમાં, જીવન ટકાવી રાખવાના ઓજારના રૂપમાં મળ્યો છે. મારી નજરમાં લેખનપ્રક્રિયાની આ સૌથી સુંદર અને સૌથી મૂલ્યવાન ઓળખાણ છે.

                                                          ૦ ૦ ૦

આવ્યું. પછી તો બધું જ આવ્યું. પત્રકારત્વમાં પ્રવેશ્યા પછી યુએનઆઈ-પીટીઆઈના અંગ્રોજી સમાચારોના અનુવાદોથી લઈને  આવતા રવિવારે ફલાણા સ્થળે છગનભાઈ મગનભાઈનું જાહેર પ્રવચન પ્રકારની નગરનોંધથી લઈને છાપાં-મેગેઝિનનાં ફિક્સ ફોર્મેર્ટ ધરાવતા વિભાગો માટેનાં લખાણોથી લઈને ઘાટઘાટનાં પાણી પીધેલા જાતજાતના લોકોના ઈન્ટરવ્યુઝ-ક્વોટ્સ લીધા પછી તૈયાર થતા લેખોથી લઈને કોલમ્સથી લઈને ધારાવાહિક નવલકથા સુધીનું બધું જ લખવાનું આવ્યું.

એન્જિનીયરિંગમાં વર્ષો સુધી દબાયેલી રહેલી મારી સ્પ્રિન્ગ ૧૯૯૫માં પત્રકારત્વમાં પ્રવેશતાની સાથે જ તીવ્રતાથી ઉછળી. શરૂઆત ‘જન્મભૂમિ’થી થઈ. સવારે સાત વાગે શરૂ થયેલી ઓફિશીયલ ડ્યુટી બપોરે બે વાર પૂરી થઈ જતી, પણ પછી મારી ‘હિપ્ હિપ્ હુર્રે’ સપ્લીમેન્ટ માટે કામ ચાલતું. મુંબઈમાં ‘સમાંતર પ્રવાહ’ અને ‘મિડ-ડે’ જેવાં જોશીલા ટેબ્લોઈડ્સ નવાં નવાં લોન્ચ થયાં હતાં અને તેની સામે ‘જન્મભૂમિ’ જેવું સિનિયર અને ગંભીર અખબાર આ સપ્લીમેન્ટનાં રૂપમાં યુથફુલ છટા ધારણ કરી રહ્યું હતું. એમાંય હસમુખ ગાંધીએ એમના તંત્રીલેખમાં આ સપ્લીમેન્ટની પોઝિટિવ નોંધ લીધી એટલે સમજોને કે પુલિત્ઝર પ્રાઈઝ મળવાનો આનંદ કેવો હોઈ જોઈએ તેનો પાક્કો અંદાજ જર્નલિઝમમાં આવ્યાને ત્રીજા જ મહિને મળી ગયો! મુંબઈ જેવું મારા માટે સાવ નવું શહેર અને આ પૂર્તિ માટે નવા નવા લોકોને મળવાનું, ઈન્ટરવ્યુઝ કરવાના, રોકટોક વગર ખૂબ બધું મૌલિક અને મનગમતું લખવાનું, ઢગલાબંધ બાઈલાઈન્સ જોવાની... એટલો બધો આનંદ આવતો હતો કે મને ખરેખર સવાલ થતો કે ઓફિસ મને કઈ વાતનો પગાર ચૂકવે છે? આટલી બધી મજા કરવા દેવા ખરેખર  તો મારે સામેથી કંપનીને ફી ચૂકવવી જોઈએ! એન્જિનીયરિંગના વર્ષોમાં સાવ પાતાળમાં પહોંચી ગયેલું આત્મસન્માન અને સ્વઓળખ ઝપાટાભેર ઊંચકાઈને નોમર્લ સપાટી પર આવી રહ્યાં હતાં. હવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પરથી નીચે નજર કરતી વખતે છલાંગ લગાવવાનો વિચાર નહોતો આવતો, પણ ધડધડાટ દોડતી લોકલ ટ્રેનોનું મીઠું મેટ્રોપોલિટન મ્યુઝિક સંભળાતું હતું...

‘જન્મભૂમિ’ પછી અનક્રમે ‘સમાંતર પ્રવાહ’, ‘ચિત્રલેખા’, ‘મિડ-ડે’ અને પછી ‘અભિયાન’નો સ્ટાફર બન્યો. જવાબદારીઓ વધતી ગઈ. અગાઉનાં પ્રકાશનો કરતાં ‘ચિત્રલેખા’ની કામગીરી જુદી હતી. અહીં હું  ‘ડેસ્કનો માણસ’ નહીં, રિપોર્ટર હતો. મારી વર્ક પ્રોફાઈલ અને ટેમ્પરામેન્ટ એવાં રહ્યાં છે કે જો ‘ચિત્રલેખા’માં જોડાયો ન  હોત તો નક્કર ફિલ્ડવર્કનો જે ટૂંકો અનુભવ મળ્યો છે તે કદાચ કદી ન મળ્યો ન હોત. હાલ ‘અહા! જિંદગી’ના એડિટોરિયલ કન્સલ્ટન્ટ તરીકે તેમજ ‘ચિત્રલેખા’ અને ‘દિવ્ય ભાસ્કર’ સાથે કોલમિસ્ટ તરીકે સંકળાયેલો છું.

પત્રકાર હોવાની સૌથી ‘પૈસા વસૂલ’ એક્ટિવિટી જો કોઈ હોય તો એ છે અલગ અલગ ક્ષેત્રોની વ્યક્તિઓનો વનટુવન ઈન્ટરવ્યુ  લેવાનો આવ્યો છે. પાંચદસ લીટીના ક્વોટ નહીં પણ ફુલફ્લેજ્ડ ઈન્ટરવ્યુ. જીવતાજાગતા માણસને મળવું, તેની સાથે સંધાન કરી શકવું, તેની ભીતર ઝાંકવાની કોશિશ કરવી, તેનાં મન-હ્યદય-વિચારોને ક્રમશઃ અનાવૃત્ત થતાં નિહાળવા... આ આનંદ મહામૂલો છે. મુલાકાત લેનાર જો ઠીકઠીક પર્સેપ્ટિવ હોય તો અમુક ન કહેવાયેલી વાતો પણ જોઈસાંભળી-સ્પર્શી શકતો હોય છે. ઈન્ટરવ્યુ લીધા પછી તે લખવાની પણ મજા છે.

પત્રકાર ડેડલાઈનનો માણસ છે અને જ્યાં સુધી ડેડલાઈનનું પ્રેશર ન આવે ત્યાં સુધી એની કલમ હલવાની તસ્દી લેતી નથી તે એક સર્વસ્વીકૃત વાત છે. આ પુસ્તકમાં ઘણાએ આ ‘જર્નલિસ્ટિક સત્ય’ ટાંક્યું હશે, આઈ એમ શ્યોર! કોઈ બહાનું બચ્યું ન હોય, સાવ ભીંતસરસા ચંપાઈ ગયા હોઈએ અને સહેજ પણ ચસકી શકાય તેમ ન હોય, આમતેમ નજર કરીએ ત્યારે ભાગી છૂટવા માટે નાનું બાકોરું પણ દેખાતું ન હોય, આર્ટિકલ સબમિટ કરવા માટેનો બેર મિનિમમ સમય બચ્યો હોય છેક ત્યારે લખવા બેસવાનું અમને લોકોને ગમતું હોય છે. ચાલુ ભાષામાં કહીએ તો ‘નીચે રેલો આવે’ ત્યારે જ રિપોર્ટ-લેખ-કોલમ-ફિલ્મ રિવ્યુ કે કંઈપણ લખવાની મજા આવતી હોય છે! ડેડલાઈનનું જોરદાર દબાણ હોય ત્યારે એકાગ્રાશક્તિ (અને કદાચ લેખનશક્તિ પણ) ખીલે, શબ્દો ફ્ટાફટ સૂઝવા માંડે અને કાગળ અથવા તો કમ્ય્યુટર કીબોર્ડ પર ફરતી આંગળીઓ મહત્તમ સ્પીડ ધારણ કરી લે. આ રીતે લખાયેલો આર્ટિકલ ફાઈલ થઈ ગયા પછી જે નિરાંત થાય... આહા!

પણ છેલ્લી ઘડી સુધી લખવાનું ઠેલ્યા કરવાનું જોખમી નિવડી શકે છે. આ વાત ‘અભિયાન’માં ‘વિક્રાંત’ ધારાવાહિક લખી રહ્યો હતો ત્યારે બરાબર સમજાઈ રહી હતી. ‘વિક્રાંત’ મારી પહેલી જ નવલકથા. બે આંગળીના વેઢા પણ માંડ થાય એટલી જે નવલિકાઓ લખી હતી તે છેક પૂર્વજન્મમાં, કોલેજનાં વર્ષોમાં. આથી એવું પણ નહોતું કે આ પ્રકારનું ક્રિયેટિવ લખવાનો મહાવરો હતો. ‘અભિયાન’માં હવે પછીની ધારાવાહિક મારે લખવાની છે તે એકદમ જ નક્કી થયું. એક તો ‘અભિયાન’નુ સંપાદન અને એક્ઝિક્યુશન કરવાનું પુષ્કળ સમય માગી લેતું જવાબદારીભર્યુ કામ. તેમાં દર અઠવાડિયે ‘વિક્રાંત’ના હપ્તા લખવાનું એટલું જ વજનદાર વધારાનું કામ ઉમેરાયું.  આદર્શ રીતે તો દસેક હપ્તા તૈયાર થાય પછી નવલકથા શરૂ કરવી જોઈએ, પણ એટલો સમય અને મોકળાશ લાવવા ક્યાંથી. અને ડેડલાઈનના પ્રેશર વગર દસદસ હપ્તા લખાય પણ કેમ. માંડ ત્રણ લખાયા અને નવલકથા છપાવાની શરૂ થઈ ગઈ. બુધવારે ઈશ્યુ પેક કરવાનો હોય એટલે નવલકથાનાં પાનાંવાળું ફોર્મ મોડામાં મોડા સોમવારે પ્રોસેસમાં જતું રહેવું જોઈએ. છેલ્લી ઘડી સુધી ‘વિક્રાંત’નો હપ્તો લખાતો રહે. પાંચપાંચસાતસાત પાનાં લખીલખીને કંપોઝમાં મોકલતો રહું અને છેલ્લે છેલ્લે ઈન્ટરકોમ પર ઓપરેટરને પૂછતો રહુંઃ હજુ કેટલાં પાનાં જોઈશે?

હપ્તો લખાતો હોય ત્યારે સાથે સાથે રૂટિન કામ તો ચાલતાં જ હોય   મુબઈના અને બહારના રિપોર્ટરો સાથે સતત ફોન પર સંપર્કમાં રહેવું, ડેસ્કના સ્ટાફ અને બીજા ડિપાર્ટમેન્ટ્સ સાથે કો-ઓર્ડિનેટ કરવું, ઈમેઈલ્સ ચેક કરતા રહેવું, બીજા લેખો-વિભાગોનું એડિટિંગ કરતા રહીને તેનાં પાનાં ફાઈનલાઈઝ કરતાં જવાં વગેરે. માનસિક મોકળાશ કે નો ડિસ્ટર્બન્સ  કે એકાંત કે રાઈટર્સ બ્લોકની લકઝરી એટલે શું વળી?  એક વીક્લીની જે રુટિન ધમાલ હોય એમાં કશી બાંધછોડ કરવાનો સવાલ જ નહોતો. તે જ પ્રમાણે, નવલકથાની સુરેખતા, પ્રવાહીતા, અપીલ તેમજ જરૂરી રિસર્ચ કરવું પડે તો તેમાં પણ કશી બાંધછોડ ન હોય. અગાઉ કહ્યું તેમ, આ રીતે પહેલી નવલકથા લખવી કેટલી જોખમી છે તે મને સમજાઈ રહ્યું હતું. એક્સિડન્ટ-બેક્સિડન્ટ થયો ને હાથ ભાંગી ગયો તો? બે મહિનાનો ખાટલો થઈ ગયો તો? ગુજરી ગયા તો? ધારો કે આવું કશું ન થાય, પણ નવલકથામાં કેવી રીતે આગળ વધવું તે સમજાતું ન હોય તો? કશીક ક્રિયટિવ ક્રાઈસિસ ઊભી થઈ તો?

પણ થેન્ક ગોડ આવું કશું ન થયું. દીકરા, ચિંતા ન કર, ઉપર હું બેઠો છું એવું હજાર હાથવાળાએ ફરી એકવાર પૂરવાર કર્યુ! ‘વિક્રાંત’ લખાઈ, સરસ રીતે લખાઈ, પૂરો સંતોષ થાય તે રીતે લખાઈ. વાચકોએ તેને દિલપૂર્વક પસંદ કરી. પછી તો તે પુસ્તકરૂપે પણ પ્રકાશિત થઈ. ‘વિક્રાંત’ વાંચીને વાચકો હજુય પત્ર-એસએમએસ-ફેસબુસ મેસેજ રૂપે સંપર્ક કરે અને ફીડબેક આપે છે ત્યારે હોઠના બન્ને ખૂણા કાનને સ્પર્શી જાય એટલું મોટું સ્મિત ચહેરા પર આવી જાય છે.

‘મિડ-ડે’ માટે હિન્દી ફિલ્મોના રિવ્યુઝ લખવાની વાત આવી ત્યારે પહેલો વિચાર એ આવ્યો હતો કે હું તો રહ્યો કેવળ સિનેમાનો પ્રેમી, સિનેમાની સમીક્ષા કરવા માટે જે અભ્યાસ, એક્સપોઝર અને પાંડિત્ય  જોઈએ તે ક્યાંથી લાવવાં? સદભાગ્યે મને આપવામાં આવેલી બ્રિફ પ્રમાણે મારે કોઈ પણ પ્રકારની પંડિતાઈના ભાર વગર આમદશર્કના પોઈન્ટ-ઓફ-વ્યુથી રિવ્યુ લખવાના  હતા. રિવ્યુ લખવાનો હોય એટલે ગમે તેટલી ખરાબ હોય તો પણ ફિલ્મ આખેઆખી જોવી પડે અને પાછી ધ્યાનપૂર્વક જોવી પડે, તમે અડધેથી નાસી ન શકો, નસકોરાં બોલાવતાં સૂઈ પણ ન શકો! જોકે ફિલ્મ જેટલી ખરાબ હોય, કચકચાવીને રિવ્યુ લખવામાં એટલી વધારે મજા આવે. રિવ્યુઝ માટે લાગલગાટ બે વર્ષ સુધી દર અઠવાડિયે બબ્બે, ત્રણત્રણ અને ક્યારેક તો ચારચાર હિન્દી ફિલ્મો જોવાની ફળશ્રુતિ એ કે, મા કમસ,  સહનશીલતા ગજબની વધી ગઈ છે!

                                                                 ૦ ૦ ૦
સાહિત્યમાં રસ હોય, લખવાનો શોખ હોય એટલે પત્રકારત્વમાં જવું એવું એક સાદું સમીકરણ આગાઉ પણ હતું, આજે ય છે. આ જરા નાજુક બાબત છે. સાહિત્ય અને જર્નલિઝમ બન્નેનો સંબંધ કલમ સાથે છે એ ખરું, પણ પત્રકારત્વમાં તો જ આવવું જોઈએ જો પત્રકારત્વમાં રસ હોય.  પત્રકાર બન્યા પછી આગળ જતાં તમે કોલમિસ્ટ બનો અને સાથે સાથે જો સાહિત્યની ‘સેવા’ પણ કરી શકો તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં. આની સામે બીજી વાત પણ છે. ફુલટાઈમ પત્રકાર બન્યા પછી એના પડકારોમાં, એના અલગ જ પ્રકારના આનંદ અને સંતોષમાં, તેના બીબાંઢાળ રૂટિનમાં તમારી  સાહિત્યપ્રીતિ સૂકાવા માંડે કે સાહિત્ય તરફ તમે જે થોડીઘણી ગતિ કરી હતી એ તદ્દન જ અટકી જાય તે બિલકુલ શક્ય છે. સાહિત્યનું સર્જન તો ઠીક, સાહિત્યનું વાંચન પણ સદંતર બંધ થઈ જાય તેમ પણ બને. કેટલાય પત્રકારો સાથે આવું બન્યું છે અને સતત બનતું રહે છે. આ જોખમસ્થાન બરાબર સમજી લેવું જોઈએ. ‘કેમ? હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા અને હરકિસન મહેતા ફુલટાઈમ પત્રકાર હોવા છતાંય સાહિત્યકાર હતા જ ને?’  આવી દલીલ હંમેશા કરવામાં આવે છે. આ બધા મજાનાં અને અપવાદરૂપ ઉદાહરણો છે. બધા સાહિત્યસર્જનવાંછું પત્રકારો કંઈ દવે-શર્મા-મહેતા જેવું કોમ્બિનેશન અચીવ કરી શકવાના નથી.

નિર્ભેળપણે જર્નલિસ્ટ હો એટલે ટ્વેન્ટીફોર-બાય-સેવન ‘એક્સાઈટિંગ સ્ટફ’ કરતા રહેવું એમ નહીં, પ્લીઝ. આંખમાં જર્નલિઝમનું ગ્લેમર આંજીને બેઠેલાં છોકરાછોકરીઓએ આ બાબત સમજી લેવી જોઈએ. પત્રકાર તરીકે તમે કેટલાંય એક્સાઈટિંગ લોકોને મળો છો, તેમની સાથે ઈન્ટરેક્ટ કરો છો તો સાથે સાથે તમે અંદરથી બુઠ્ઠા કરી નાખે તેવી બીબાઢાંળ કામગીરી પણ કરો છો. તમે મજ્જા પડી જાય તેવા લેખો લખવાની સાથે માત્ર રેવન્યુ જનરેટ કરવાના ઉદેશ સાથે બહાર પાડવામાં આવતી માર્કેટિંગની મહાબોરિંગ પૂરવણીઓ પણ તૈયાર કરો છે. પત્રકાર એક પ્રોફેશનલ રાઈટર છે અને તેને માટે નિજાનંદનું ગણિત જરા પેચીદું હોય છે. પત્રકારત્વ એક પેકેજ ડીલ છે, કોઈપણ નિકટની વ્યક્તિ કે ઘનિષ્ઠ સંબંધની જેમ, જેને આખેઆખું સ્વીકારવું પડે.

ખેર, આ બધું અનુભવે સમજાતું જાય છે, શીખાતું જાય છે. સમય બદલાય છે, પત્રકારત્વનાં નીતિમૂલ્યો તેમજ સમીકરણો બદલાય છે અને તમે પણ બદલાઓ છો. પાણીનું ઝરણું જેમ દિશાઓ બદલતું વહેતું જાય તેમ તમે તમારી આંતરિક શક્તિ અને ઝંખના અનુસાર પોતાનો માર્ગ કરતા આગળ વધતા રહો છો.
                                                            ૦ ૦ ૦

લેખક માટે ‘સામૂહિક ક્રિયેટિવ પ્રોસેસ’ જેવી પણ કોઈ વસ્તુ હોય શકે તે ભાઈદાસ-તેજપાલ જેવી કમર્શિયલ અને પૃથ્વી થિયેટર જેવી નોન-કમર્શિયલ રંગભૂમિના અનુભવ પરથી સમજાયું. આ ક્ષેત્ર સાથેનો સંબંધ હજુ તો નવો છે, પણ આ એક અલગ દુનિયા છે અને બહુ મજાની દુનિયા છે. સિનેમાનું માધ્યમ તીવ્રતાથી આકર્ષેં છે, પણ હજુ સુધી તેની સાથેનો નાતો કેવળ એક સિનેમા-લવર તરીકેનો જ રહ્યો છે. ખેર, ઝરણું પોતાની ગતિ, શક્તિ અને મસ્તી પ્રમાણે વહેતું રહેશે. ઝરણું કઈ દિશામાં કેવી રીતે આગળ વધશે તેની આગાહી ક્યાં કરી શકાતી હોય છે?

આગાહી આમ તો ફેન્ટસીનો જ એક પ્રકાર થયો કહેવાયને !                                                    
                                                                 
0 0 0




(કૌશિક મહેતા દ્વારા સંપાદિત પુસ્તક લખવું એટલે કે...માટે)