Showing posts with label 3 Billboards Outside Ebbing Missouri Oscar 2018. Show all posts
Showing posts with label 3 Billboards Outside Ebbing Missouri Oscar 2018. Show all posts

Monday, December 23, 2019

પહેલાં સાહિત્ય, પછી સિનેમા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 18 ડિસેમ્બર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
લિજો પેલિસરી નામના મલયાલમ ફિલ્મમેકરની ફિલ્મો કન્ટેમ્પરરી ક્લાસિક ગણાય છે. આર્ટહાઉસ સિનેમા અને એન્ટરટેનિંગ સિનેમા વચ્ચેની ભેદરેખા ભૂંસતા લિજો જેવું બહુ ઓછા ફિલ્મમેકરોને આવડતું હોય છે.
Lijo Jose Pellissery (left) - Jallikattu

નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડીયો જેવાં અફલાતૂન ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર આપણે વિદેશી ફિલ્મો અને વેબ શોઝમાં એવા ખોવાઈ જઈએ છીએ કે સાવ બાજુમાં દટાયેલો ખજાનો ક્યારેક ધ્યાન બહાર રહી જાય છે. તે છે ભારતીય ભાષાની ઉત્તમ ફિલ્મો અને તેના સર્જકોનો ખજાનો. આ ખજાનાનું એક ઝગમગતા રત્ન એટલે લિજો જોઝ પેલિસરી. વાંચવામાં અટપટું લાગતું આ નામ એક તેજસ્વી મલયાલમ ફિલ્મમેકરનું છે. નવ વર્ષમાં સાત ફિલ્મો ડિરેક્ટ કરનાર લિજોએ માત્ર ભારતના નહીં, પણ દુનિયાભરના ફિલ્મરસિયાઓ તેમજ ફિલ્મપંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતની ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી સાથે કેરળની વેલ-ડેવલપ્ડ ઇન્ડસ્ટ્રીની તુલના કરવાની ન હોય, છતાંય જાણી લો કે આપણે ત્યાં જેમ છેલ્લાં સાતેક વર્ષથી ન્યુ વેવ સિનેમાએ આકાર લીધો છે એવું જ કંઇક કેરળમાં પણ બની રહ્યું છે. કેરળની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ 2010-11થી નવો પ્રવાહ શરૂ થયો છે. લિજો પેલિસરી મલયાલમ ન્યુ વેવ સિનેમાનું આગળ પડતું નામ ગણાય છે.  
ચાલીસ વર્ષીય લિજો પેલિસરીની સર્જકતાની તાકાત અને એમની ફિલ્મમેકિંગની સ્ટાઇલ સમજવા માટે આ ત્રણ ફિલ્મો જોવી પડે -જલીકટ્ટુ (2019), ઈ.મા.યાઉ (2018) અને અંગમલી ડાયરીઝ (2017). અબ્બી હાલ આ ત્રણેય નામ તમારા મોબાઇલમાં અથવા કાગળ પર કશેક નોંધી લો. જલીકટ્ટુ અને ઈ.મા.યાઉ અમેઝોન પ્રાઇમ પર, જ્યારે અંગમલી ડાયરીઝ નેટફ્લિક્સ પર અવેલેબલ છે.
જલીકટ્ટુનો આધાર માઓઇસ્ટ નામની એક ટૂંકી મલયાલી નવલિકા છે. એના લેખક એસ. હરીશે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે. વાર્તા માંડ ચાર વાક્યની છે. કેરળનું એક નાનકડું પહાડી ગામ છે. એના કતલખાનામાંથી એક જંગલી ભેંસ હલાલ થાય તે પહેલાં જ છટકીને નાસી જાય છે ને આમતેમ દોડીને ઉધામા મચાવી મૂકે છે. ગામના પુરુષો એને કોઈ પણ ભોગે પકડવા મથે છે. બસ, આટલું જ. ફિલ્મ જોતાં જોતાં તમને સમજાતું કે અહીં ભેંસ પકડવાની પ્રવૃત્તિ તો કેવળ એક પ્રતીક છે. મૂળ વાત માણસમાં ધરબાયેલી મૂળભૂત હિંસક વૃત્તિની છે. ફિલ્મ આગળ વધતી જાય તેમ તેમ મનુષ્ય અને જનાવર વચ્ચેની ભેદરેખા ઓગળતી જાય છે. તમને થાય કે ખરેખર જંગલી કોણ છે – ભેંસ કે આ માણસો?
ઈ.મા.યાઉ - Ee.Ma.Yau.



ઈ.મા.યાઉ ટાઇટલ મલયાલમમાં જિસસ મૅરી જૉસેફનું શોર્ટ ફૉર્મ છે. અહીં એક ખ્રિસ્તી સદગૃહસ્થ મૃત્યુ પામે છે ને એમનો દીકરો મોટા પાયે અંતિમ વિધિઓનું આયોજન કરે છે. આ કટાક્ષિકા છે. વાત મૃત્યુની હોવા છતાં વચ્ચે વચ્ચે રમૂજ છંટાતી રહે છે. અંગમલી ડાયરીઝને ગેંગસ્ટર ડ્રામા કહી શકાય. અહીં અંગમલી નામના નગરમાં ગુંડાટોળકીના લીડર બનવા માગતા યુવાનની વાત છે. જલીકટ્ટુની માફક અંગમલી ડાયરીઝ પણ એક માસ્ટરપીસ ગણાય છે. ગુજરાતી ફિલ્મમેકરો, ફોર ધેટ મેટર, કોઈ પણ ભાષાના ફિલ્મમેકરને ટૂંકા બજેટની સમસ્યા સૌથી પહેલાં સતાવતી હોય છે. જાણી લો કે અંગમલી ડાયરીઝનું બજેટ ફક્ત ત્રણ કરોડ રૂપિયા હતું, જ્યારે જલીકટ્ટુ ચાર કરોડમાં બની ગઈ હતી. લિજો પેલિસરી વીસથી ત્રીસ દિવસમાં પોતાની ફિલ્મો શૂટ કરી નાખે છે. લિજોની ફિલ્મો એ વાતની સાબિતી છે કે જો સ્ક્રિપ્ટ જડબેસલાક હોય અને તગડું પ્લાનિંગ હોય તો ટૂંકા બજેટમાં પણ ઉત્તમોત્તમ પરિણામ અચીવ કરી શકાય છે.   
લિજો પેલિસરીનું કામ એટલું પ્રભાવશાળી છે કે આ માણસને, એની ક્રિયેટિવ પ્રોસેસને સમજવા માટે એમના ખૂબ બધા પ્રિન્ટ અને વિડીયો ઇન્ટરવ્યુઝમાંથી પસાર થવાનું આપણને મન થાય. એક જગ્યાએ તેઓ કહે છે, હું એટલો સ્માર્ટ નથી કે લિખિત મટીરિયલ વગર શૂટિંગ કરી શકું. મારે મન સ્ક્રિપ્ટ સૌથી અગત્યની છે. એ ટકોરાબંધ હોવી જ જોઈએ. મારી વાર્તા અને પાત્રો વિશે હું પૂરેપૂરો કન્વિન્સ્ડ હોઉં, એક ડિરેક્ટર તરીકે જે-તે લખાણને હું સ્ક્રીન પર સરસ રીતે ઉતારી શકીશ એટલો કૉન્ફિડન્સ મારામાં આવે તે પછી જ હું શૂટિંગ શરૂ કરી શકું છું. હું શરૂઆતથી માનતો આવ્યો છું કે પહેલાં સાહિત્ય (સ્ક્રિપ્ટ) આવે છે, પછી સિનેમા.
અંગમલી ડાયરીઝ - Angamaly Dairies

અગાઉ લિજોને એમની સાથે કામ કરવા તૈયાર થાય તેવા લોકો શોધવા પડતા હતા, પણ આજે તેઓ સ્વેચ્છાએ નક્કી કરી શકે છે કે કોની સાથે કામ કરવું. તેઓ કહે છે, મને સરળ અને હળવાફુલ લોકો સાથે કામ કરવું ગમે છે. લેખક, એક્ટર્સ, ટેક્નિશિયન્સ સાથે મારી પાક્કી કેમિસ્ટ્રી હોય તે બહુ મહત્ત્વની છે.
લિજોના સ્વગર્સ્થ પિતાજી જોઝ પેલિસરી મલયાલમ થિયેટર અને સિનેમાના સફળ અભિનેતા રહી ચુક્યા છે. આથી ઘરમાં ફિલ્મી માહોલ શરૂઆતથી હતો. લિજો નાનપણથી ઘરથી દૂર, હોસ્ટેલમાં રહીને ભણ્યા છે. કૉલેજમાં તેઓ ખૂબ નાટકો કરતા. ડિરેક્શન ઉપરાંત એક્ટિંગ પણ કરતા. કૉલેજકાળમાં એક વાર એમનો પગ ભાંગ્યો ને તેમણે લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડ્યું. લિજોએ આ સમયનો ઉપયોગ વાંચવામાં કર્યો. ટોલ્સટોય, ચેખોવ જેવા રશિયન લેખકોને વાંચ્યા, લેટિન અમેરિકન સાહિત્ય વાંચ્યું ને પછી ધીમે ધીમે તેઓ સિનેમા તરફ વળ્યા. નાનપણમાં શોલેએ લિજો પર તીવ્ર પ્રભાવ પેદા કર્યો હતો. સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મોના તેઓ મોટા પ્રશંસક છે.   
લિજોની ફિલ્મોમાં પિતા-પુત્રના સંબંધની વાત અવારનવાર આવે. કમાલની કોરિયોગ્રાફી ધરાવતાં ટોળાંના દશ્યો આવે. ખાવાપીવાનાં, વાનગીઓનાં દશ્યો  ખૂબ આવે. તેઓ ખૂદ ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી સ્કૂલમાં ભણ્યા છે એટલે એમની ફિલ્મોમાં ખ્રિસ્તી પાત્રો તેમજ પરિવેશ પણ ખૂબ દેખાય. એમની ફિલ્મો એનર્જીથી ફાટ ફાટ થતી હોય. અંગમલી ડાયરીઝમાં કેટલાય એક્ટરો અને સેંકડો જુનિયર આર્ટિસ્ટોને આવરી લેતો ખાસ્સો કોમ્પ્લિકેટેડ એવો અગિયાર મિનિટ લાંબો વન-ટેક શોટ છે. જલીકટ્ટુમાં પણ લાંબા અને અઘરા શોટ્સ છે. લિજોની ફિલ્મોની સાઉન્ડ ડિઝાઇન વિશેષપણે ધ્યાન ખેંચે એવી હોય છે. જલીકટ્ટુની ઓપનિંગ સિકવન્સમાં અવાજો અને વિઝ્યુઅલ્સની જુગલબંદી જોજો. લિજોની ફિલ્મોની સ્ટોરી બે-ચાર વાક્યોમાં સાંભળો તો તમને લાગે કે આ આર્ટ ફિલ્મ હશે, પણ તમે ફિલ્મ જોવા બેસો એટલે તમારી આંખો ધી એન્ડ સુધી સ્ક્રીન પરથી હટવાનું નામ ન લે. આર્ટહાઉસ સિનેમા અને એન્ટરટેનિંગ સિનેમા વચ્ચેની ભેદરેખા ભૂંસતા લિજો જેવું બહુ ઓછા ફિલ્મમેકરોને આવડતું હોય છે.     
જો આપણે લિજો પેલિસરી જેવી ઘરઆંગણાની પ્રતિભાઓથી સાથે સારી રીતે પરિચિત હોઈશું તો વિદેશની ફિલ્મો અને ફિલ્મકારોને અલગ દષ્ટિકોણથી મૂલવી ને માણી શકીશું. લિજો પેલિસરીની ફિલ્મો જોજો. મોજ પડશે.  
0 0 0 


Sunday, March 11, 2018

અન્યાય, ઓસ્કર અને ઇજ્જતનાં પાટિયાં


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 11 માર્ચ 2018                                            

ટેક ઓફ                      

દીકરીના બળાત્કાર અને હત્યાના વિષયવાળી 'થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિઝૂરી'ની વાર્તા આપણું લોહી ઉકળી ઉઠે એવી છે... અને આ ફિલ્મમાં ભરપૂર રમૂજ પણ છે!



બિંગ નામનું એક નાનકડું અમથું નગર છે. શાંત અને સુસ્ત. ગામની બારોબાર એક સડક છે, જેના પર થોડા થોડા અંતરે વિરાટ હોર્ડિંગ અથવા બિલબોર્ડ ઊભાં છે. ભાગ્યે જ આ બિલબોર્ડ્સનો જાહેરાત કરવા માટે ઉપયોગ થાય છે, કેમ કે અહીં લોકોનો આવરોજાવરો એટલો બધો ઓછો છે કે વિજ્ઞાપન મૂકવાનો કશો મતલબ નથી... પણ એક સવારે આ ત્રણેય બિલબોર્ડ્સ ભડક લાલ રંગે રંગાઈ જાય છે. ત્રણેય પર તોતિંગ અક્ષરોમાં રાતા રંગ કરતાંય વધારે ભડકામણું લખાણ લખાયું છે. શું આ લખાણ?

પહેલું બિલબોર્ડઃ "એક છોકરીનો જીવ ઉડી ગયો ત્યાં સુધી એના પર બળાત્કાર થતો રહ્યો"
બીજું બિલબોર્ડઃ "સાત મહિનામાં એક પણ ગુનેગાર પકડાયો નથી"
ત્રીજું બિલબોર્ડઃ  "આ બધું શું ચાલી રહ્યું છે, પોલીસ ચીફ?"

બસ, આટલું જ. (મૂળ અંગ્રેજી લખાણ આના કરતાં ઘણું વધારે કોમ્પેક્ટ છે). પત્યું. શહેરમાં ધમાલ મચી જાય છે. આપણે અત્યારે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે ફિલ્મની શરૂઆત પણ અહીંથી જ થાય છે. 'થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિઝુરી' નામની આ અફલાતૂન ફિલ્મે આ વખતે બે ઓસ્કર જીતી લીધા - બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર. પડદા પાછળની વાતો કરતાં પહેલાં ફિલ્મની વાર્તામાં આગળ શું થાય છે તે જોઈ લઈએ.

પેલાં બિલબોર્ડ્સ મિલ્ડ્રેડ (ઓસ્કરવિનર ફ્રાન્સિસ મેકડોરમન્ડ) નામની આધેડ મહિલાએ ચિતરાવ્યાં છે. બિલબોર્ડ્સવાળા રસ્તા પર જ એની દીકરી પર બળાત્કાર થયો હતો અને એની હત્યા કરી નાખવામાં આવી હતી. સાત મહિના વીતી ગયા છે, પણ પોલીસ હજુ સુધી ગુનેગારને પકડી શકી નથી. તપાસના નામે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ગામના કાળા (આફ્રિકન-અમેરિકન) લોકોની વચ્ચે વચ્ચે મારપીટ થયા કરે છે, પણ એમાંથી એકેય ગુનેગાર હોવાનું જણાયું નથી. મહિલાની ધીરજ હવે ખૂટી ગઈ છે. સાતસાત મહિના પછીય પોલીસને ગુનેગારનું પગેરું ન મળે તે કેવું? આખરે ગિન્નાઈને એ સીધા પોલીસ ચીફ વિલિયમ વિલબીને ઉદ્દેશીને આ ત્રણ હોર્ડિંગ મૂકાવે છે. મહિલાનું માનવું છે કે જ્યાં સુધી લાસરિયા પોલીસ ડિપાર્ટમેન્ટને જાહેરમાં ભોંઠા નહીં પાડીએ ત્યાં સુધી એ સાલા સીધા નહીં થાય.  

મહિલા જબરી છે. એના ચહેરો જોઈને જ આપણને લાગે કે આણે જિંદગીમાં બહુ ચડઉતર જોઈ હશે. એના બાહ્ય વ્યક્તિત્ત્વમાંથી કુમાશ સાવ જતી રહી છે. તદન બરછટ  થઈ ગઈ છે એ. ડિવોર્સ થઈ ગયા છે તોય એનો પતિ ક્યારેક ઘરે આવીને એના પર હાથ ઉપાડી લે છે. એક ટીનેજર દીકરો છે જે મહિલા સાથે રહે છે. મહિલા વાતે વાતે ભૂંડાબોલી ગાળો બોલે છે. એને હવે કોઈની પડી નથી, કોઈનો ડર નથી. શા માટે હોય? જે ગુમાવવાનું હતું તે ગુમાવી ચુકી છે, જે નુક્સાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે. દીકરી ભયંકર રીતે મરી તોય લોકોની સહાનુભૂતિ ઉઘરાવવી, રોદણાં રડવાં, બિચારી બનીને રહેવું એ આ સ્ત્રીના સ્વભાવમાં નથી. બહારથી એ સાવ પથ્થર જેવી લાગે છે, પણ તોય આપણે જોઈ શકીએ છીએ કે ભીતરથી એ નાજુક છે. બીજાઓની સામે એ આંસુ વહાવતી નથી, પણ એકલી પડે ત્યારે ક્યારેક ભાંગી પડે છે.

એના મનમાં ગિલ્ટ પણ  છે. જે દિવસે દીકરી કમોતે મરી તે સાંજે એણે કશેક પાર્ટી-બાર્ટીમાં જવા માટે મા પાસેથી એની કાર માગી હતી. સ્ત્રીએ કહ્યું હું કાર નહીં આપું, તું ટેક્સીમાં જા. આ મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. દીકરી ક્રોધમાં આવીને એવા મતલબનું બોલી હતી કે 'મારા પર રેપ થઈ જવો જોઈએ... ત્યારે જ તને ખબર પડશે.' આની પ્રતિક્રિયારૂપે મહિલા પણ ગુસ્સામાં આવીને બોલી ગયેલી કે 'હા, હા, તારા પર રેપ થઈ જવો જોઈએ...'

એવું જ થયું. દીકરીનો રેપ જ નહીં, મર્ડર પણ થઈ ગયું. મહિલા અંદરથી સોસવાયા કરે છેઃ મારા મોઢેથી આવા અશુભ વેણ નીકળ્યા જ કેમ? એનો ડિવોર્સી પતિ પણ એનો ટોણો મારે છેઃ દીકરી તારાથી ત્રાસી ગઈ હતી અને તને છોડીને એ મારી પાસે રહેવા આવવા માગતી હતી. જો એ મારી પાસે વેળાસર આવી ગઈ હોત તો આજે જીવતી હોત...    
   
ખેર, જે થયું તે થયું. સ્ત્રીને હવે ન્યાય જોઈએ છે. માત્ર ન્યાય જ નહીં, એને બદલો પણ લેવો છે. પેલો પોલીસ ચીફ ખરેખર તો ભલો માણસ છે. પોતાની આબરુના ધજાગરા ઉડાડતાં બિલબોર્ડ્સ જોયાં પછી એ મહિલાના ઘરે આવીને કહે છે કે તને શું એવું લાગે છે કે અમે તારી દીકરીના હત્યારાને શોધવા પ્રયાસ નહીં કર્યો હોય? ભેગાભેગું પોલીસ ચીફ એને એવુંય પૂછે છેઃ તને ખબર છે કે મને કેન્સર થયું છે? આ સાંભળીને સ્ત્રીના પથ્થર જેવા ચહેરાની એક રેખા સુધ્ધાં હલતી નથી.



ફિલ્મમાં ઓર એક પાત્ર છે - ચીફનો જુનિયર, પોલીસ ઓફિસર જેસન ડિક્સન (આ વખતનો ઓસ્કરવિનર સેમ રોકવેલ). એક નંબરનો જડભરત છે એ. લોકોને ધીબેડવાનો આનંદ લેવા માટે જ જાણે એ પોલીસમાં ભરતી થયો છે. પછી તો ઘણું બધું બને છે ફિલ્મમાં. પોલીસ ચીફ કેન્સરથી રીબાઈ રીબાઈને મરવાને બદલે આત્મહત્યા કરીને જીવ ટૂંકાવી નાખે છે. મરતાં પહેલાં એ જેસન માટે એક ચિઠ્ઠી મૂકતો જાય છે. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે જેસન, તું દિલથી સારો માણસ છે. તારા મગજમાંથી નફરત કાઢી નાખ, જરા સંવેદનશીલ બન, લોકો પ્રત્યે કરૂણા રાખ. પોલીસ ચીફનું અપમૃત્યુ અને એમણે લખેલી આ ચિઠ્ઠી જેસનમાં ગજબનું પરિવર્તન લાવે છે. આ બાજુ આત્યંતિક અને ઝનૂની બની ગયેલી મહિલા એક રાતે આખું પોલીસ સ્ટેશન સળગાવી મારે છે. એમાં જેસન દાઝી જાય છે તોય એ મહિલાને આઉટ-ઓફ-ધ-વે જઈને મદદ કરવાનું નક્કી કરે છે.

પછી શું થાય છે? દીકરીનો બળાત્કારી હત્યારો જડ્યો કે નહીં? સ્ત્રીની બદલાની આગ શાંત થઈ કે નહીં? આ સવાલના જવાબ તમારે જાતે ફિલ્મ જોઈને મેળવી લેવાના છે, જો હજુ સુધી ફિલ્મ ન જોઈ હોય તો.
દીકરી કૂકર્મ થયું હોય, એની હત્યા થઈ હોય અને મા એનો બદલો લેવા મેદાને પડે એવી સ્ટોરીલાઇનવાળી ફિલ્મો આપણે ઘણી જોઈ છે. શ્રીદેવીની અંતિમ ફિલ્મ 'મોમ'માં પણ આ જ કથાનક હતું. પ્રમાણમાં જરાય નવા ન કહેવાય એવા કથાવસ્તુને કેટલી હદે બહેલાવી શકાય છે, એને કઈ રીતે તદ્દન જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી શકાય છે તે સમજવા માટે પણ 'થ્રી બિલબોર્ડસ...' ફિલ્મ જોવી જોઈએ. કમાલની ફિલ્મની છે આ. વાર્તાનો મૂળ તંતુ આમ તો સીધો ને સટ છે તોય આપણે કલ્પના કરી ન હોય એવી અણધારી ઘટનાઓ સતત બનતી રહે છે અને આપણે ડિરેક્ટર-રાઇટર માર્ટિન મેકડોનાએ પડદા પર ઊભાં કરેલી દુનિયામાં રમમાણ રહીએ છીએ. આ ફિલ્મનું સૌથી ચમકાવી દેતું તત્ત્વ છે એની અનપ્રેડિક્ટિબિલિટી. દીકરીના બળાત્કાર અને હત્યાની થીમવાળી ફિલ્મની વાર્તા તો અત્યંત ઇન્ટેન્સ છે, આપણું લોહી ઉકળી ઉઠે એવી, આપણને ઉદાસ કરી દે તેવી છે, પણ તોય આ ફિલ્મમાં ભરપૂર રમૂજ છે! ઓચિંતા એવો કશોક સીન કે શોટ કે ડાયલોગ કે જેશ્ચર આવી જાય કે તમે ખડખડાટ હસી પડો. બીજી જ ક્ષણે તમે વિચારમાં પડી જાઓ કે આવી ગંભીર સ્ટોરીવાળી ફિલ્મમાં મને હસવું કેવી રીતે આવી શકે? અને તમે પછી આખી ફિલ્મને એન્જોય તો કરો જ છો, પણ સાથે સાથે ખુદને ઓબ્ઝર્વ પણ કરતા રહો છો કે પડદા પર થતી ઘટનાઓ જોઈને મારાં દિલ-દિમાગમાં કેવી પ્રતિક્રિયા જાગે છે? બહુ ઓછી ફિલ્મો દર્શકને આ પ્રકારનો અનુભવ કરાવી શકતી હોય છે.

એબિંગ શહેર તો કાલ્પનિક છે, પણ લેખક-દિગ્દર્શક માર્ટિન મેકડોનાને આ ફિલ્મની પ્રેરણા એક સત્યઘટના પરથી મળી હતી. 1991માં કેથી પેજ નામની 34 વર્ષીય મહિલા ટેક્સાસમાં રેપ અને મડર્રનો ભોગ બની હતી. પોલીસ જે રીતે આ કેસ સોલ્વ કરવામાં ઠાગાઠૈયા કરતી હતી તે જોઈને ક્રોધે ભરાયેલા મહિલાના પિતાએ આ રીતે બિલબોર્ડ્સ ચિતરાવ્યા હતા. માર્ટિનના દિમાગમાં આ વાત ત્યારની ઘર કરી ગયેલી.  મનમાં રોપાયેલું તે બીજ છવીસ-સત્યાવીસ વર્ષ પછી ઓસ્કરવિનિંગ ફિલ્મ બનીને ઊગ્યું.

ફિલ્મ લખતી વખતે જ માર્ટિને મનોમન નક્કી કરી નાખ્યું હતું કે માતાના રોલમાં હું ફ્રાન્સિસ મેકડોરમન્ડને જ લઈશ. ફ્રાન્સિસે સ્ટોરી સાંભળીને પહેલાં તો એમ કહીને ધડ દઈને ના પાડી દીધી હતી કે હું સત્તર વર્ષની છોકરીની દાદીની ઉંમરની છું, માની ઉંમરની નહીં, હું કેવી રીતે આ રોલમાં ફિટ થઈ શકું? માર્ટિને વિચારી જોયું કે ચાલો, હું સ્ટોરીમાં ફેરફાર કરું ને માની જગ્યાએ દાદી પોતાની પૌત્રીના મોતનો બદલો લેતી હોય એવું બતાવું, પણ આ વર્ઝનમાં જમાવટ થતી નહોતી. દીકરી માટે સગી માને જે હદે જઈ શકે એટલી હદે દાદી ન જઈ શકે. એક વર્ષ સુધી ફ્રાન્સિસ ના-ના કરતી રહી. આખરે એના ફિલ્મમેકર પતિ જોએલ કોએને વઢવું પડ્યુઃ ખોટાં નખરાં ન કર! રાઇટર-ડિરેક્ટર ખુદ તને માના પાત્રમાં કલ્પી શકે છે એનો મતલબ એ કે તું આ પાત્ર માટે યોગ્ય છે. એને ફટાફટ હા પાડી દે અને કામ શરૂ કર!

આ ભુમિકાએ ફ્રાન્સિસ મેકડોરમન્ડને એની કરીઅરનો બીજો ઓસ્કર અપાવ્યો. 1996માં પતિએ જ ડિરેક્ટ કરેલી 'ફાર્ગો' નામની ફિલ્મ માટે એને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર જીતનાર સેમ રોકવેલને અગાઉ આપણે 'આયર્નમેન-ટુ' અને 'ચાર્લિઝ એન્જલ્સ' જેવી ફિલ્મમાં જોયા છે. ઓસ્કર જીત્યા પછી હવે એ વર્લ્ડ-ફેમસ એક્ટર બની ગયા છે.

ફિલ્મ જોજો. સબટાઇટલ્સ ઓન રાખજો કે જેથી એકેય ડાયલોગ મિસ ન થઈ જાય.
  
0 0 0