Showing posts with label રવીન્દ્રનાથ ટાગોર. Show all posts
Showing posts with label રવીન્દ્રનાથ ટાગોર. Show all posts

Wednesday, November 15, 2017

ટાગોર, નોબેલ પ્રાઇઝ અને ફ્રસ્ટ્રેશન

Sandesh - Ardh Saptahik Purti - 8 Nov 2017
ટેક ઓફ

'નોબેલ પ્રાઇઝને કારણે)અચાનક આવી પડેલી ખ્યાતિના ખાબકેલા કોઈ બોમ્બનો ધુમાડો હજુ ઠર્યો નથી. કોઈ દારુણ તોફન મારા જીવન પર કાયમી ખાનાખરાબી ઝીંકી ગયું હોય એવું લાગે છે. હું આમાંથી નાસી છૂટવા માગું છું, પણ લાગે છે કે એ મારી હસ્તીનો હિસ્સો બની ગયું છે. કીર્તિની આ ઝાકઝમાળ એવી નઠારી નીવડી છે કે મારું વતન જ મારે માટે વસવાલાયક મટી ગયું છે.'



વીન્દ્રનાથ ટાગોરને ૧૯૧૩માં સાહિત્યનું નોેબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે ૪૮ વર્ષના હતા. યુરોપિયન ન હોય એવી કોઈ વ્યકિતને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય એવી આ પહેલી ઘટના. કેટલી પ્રચંડ સિદ્ધિ. ભારત આજે સો કરતાં વધારે વર્ષ પછીય ટાગોરને મળેલા આ સન્માનના કેફ્માં ઝુમી રહૃાું છે. કોઈપણ સાહિત્યકાર માટે નોબેલ પ્રાઇઝ કરતાં વધારે મોટી સ્વીકૃતિ બીજી કઈ હોવાની. આ કક્ષાનું આંતરરાષ્ટ્રીય બહુમાન મળે એટલે માણસ ધન્ય ધન્ય થઈ જાય, સુખી સુખી થઈ જાય, ખરું?
ના!
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને આનંદ, ગર્વ, સંતોષ બધું જ થયું હશે, એક સર્જક તરીકેનો એમનો ઇગો પણ ખૂબ સંતોષાયો હશે, પણ એમણે લખેલા પત્રો વાંચતા આપણને સમજાય છે કે નોબેલ પ્રાઇઝે એમને આૃર્ય થાય એટલી હદે અકળાવી મૂકયા હતા. આ પત્રો ગુરિદેવે વિલિયમ રોધેન્સ્ટાઇનને લખ્યા છે. લંડનવાસી ચિત્રકાર રોધેન્સ્ટાઇન એટલે ટાગોરના પરમ મિત્ર. ટાગોરને અને એમની કૃતિઓને પશ્ચિમમાં સર્વપ્રથમ ઇન્ટ્રોડયુસ કરાવનાર વ્યકિત આ જ. તેઓ પહેલી વાર પ્રત્યક્ષ મળ્યા ત્યારે ટાગોર ઓગણચાલીસ વર્ષના હતા અને રોધેન્સ્ટાઇન પચાસના. ક્રમશઃ અંતરંગ બનતી ગયેલી એમની મૈત્રી ત્રણ દાયકા સુધી વિસ્તરી. મેરી લેગો નામનાં અમેરિકન મહિલાએ આ બંને કલાપુરુષો વચ્ચે થયેલા પત્રવ્યવહારનું અદ્ભુત સંપાદન કર્યું છે.
ટાગોરે નોબેલ પ્રાઇઝને કારણે પેદા થયેલું ફ્રેસ્ટ્રેશન મુકતમને પોતાના વિશ્વાસુ સખા રોધેન્સ્ટાઇન સાથે શેર કર્યું છે. ૧૮ નવેમ્બર, ૧૯૧૩ના રોજ શાંતિનિકેતનથી ટાગોર લખે છેઃ
મારા પ્રિય મિત્ર,
મને નોબેલ-સન્માનથી નવાજેશ મળી એ સંદેશો આવ્યો એ જ ઘડીએ મારું હૃદય સ્નેહ અને કૃતજ્ઞાતાથી સભર તમારી તરફ્ વળ્યું છે. (આ ઘટનાથી) મારા મિત્રોમાંથી તમારા કરતાં વધુ ખુશી કોઈને ન થાય તેની મને ખાતરી છે. સર્વોચ્ચ સન્માન તો એ છે કે આવા સન્માનથી પ્રિયજનોના હૈયે હર્ષના હિલ્લોળ ઊઠે. પણ સાથે સાથે આ બધું મારી આકરી કસોટી કરે એવું છે. પ્રજાના ઉન્માદનો જે વંટોળ ઊઠયો છે એ સાચે જ બિહામણો છે. કૂતરાની પૂંછડીએ ખાલી ડબલું બાંધીએ તો એ જ્યાં જશે ત્યાં અવાજ કરીને લોકોને ભેગા કરશે. બસ, આના જેવી જ નઠારી સ્થિતિ મારી છે. થોડા દિવસથી (ખુશાલીના) તાર-કાગળનો ઢગલો થાય છે. જેમને મારે માટે સદ્ભાવનાનો છાંટો નહોતો કે જેમણે મેં લખેલો અક્ષરેય વાંચ્યો નથી એ લોકોનો કોલાહલ સહુથી કર્ણકટુ છે. આ શોરબકોરથી કેટલો થાકયો છું એ તમને કઈ રીતે કહું? ખરેખર તો આ લોકો મને નહીં, મને મળેલ સન્માનને નવાજવા નીકળ્યા છે. હા, શાંતિનિકેતનનાં બાળકો જે સાચુકલા ગર્વ અને આનંદપૂર્વક પ્રસંગ ઉજવે છે એ એકમાત્ર સાટું વાળનાર બીના છે.
પ્રજાનો ઉન્માદ ટાગોરને બિહામણો લાગે છે અને પોતાની જાતને તેઓ લગભગ કૂતરા સાથે સરખાવી દે છે! ત્રણ જ અઠવાડિયાં પછી, ૧૦ ડિસેમ્બર ૧૯૧૩ના રોજ કવિવર બીજા એક કાગળમાં સ્પષ્ટપણે એવા મતલબનું લખે છે કે નોબેલને લીધે જે મારી આસપાસ જે હાઇપ ઊભી થઈ છે તે મારી પ્રકૃતિને અનુરૂપ છે જ નહીં.

Rabindranath Tagore with William Rothenstein, July 1912

મારા મિત્ર,
મારા આ દિવસો ખલેલોથી ખદબદ, મારે માટે સાવ નકામા છે. પત્રો લખીને, ખોબે ભરીને આભારવચનો પાઠવીને અને મુલાકાતીઓને આવકારીને હું થાકી ગયો છું. તમને કઈ રીતે સમજાવું કે એકાએક આવી પડેલ આ બહુમાનને ગાંઠે એવી મારી પ્રકૃતિ નથી. શિયાળાનો આ તડકો મધુરો લાગે છે, અને હરિયાળી પોતાનો વૈભવ મારી ચોતરફ્ પાથરીને બેઠી છે… મારે નિરાંતની મિજલસ રચવી છે અને મારા વિચારોને આકાશની નીલિમામાં ઝબોળવા છે. ચોપાસ ઊડતાં પંખીઓ કોઈ માનઅકરામની પરવા વિના આનંદના ટહુકા કર્યા કરે છે. આજે સવારે જ એક એક વાછરડું ઘાસ ઉપર લંબાવીને નિરાંતે તડકો માણી રહૃાું હતું, ત્યારે મારા મનમાં આ વિશાળ સૃષ્ટિ પર વેરાયેલી નિસર્ગ-સંપદાને અને જીવનના આ વૈભવને મુકતપણે માણવાની ઉત્કંઠા ઊગે છે. પણ મારા સત્ત્વ સાથે જેનો કોઈ મેળ નથી એવી બાબતો મારા ચિત્ત પર સવાર થઈ છે ને મારો સમય બરબાદ કરી કરી છે. મારા મિજાજ પર તમને હસવું આવશે, પણ આ પણ એક સત્ય છે.
સ્નેહપૂર્વક, હું છું સદાય તમારો
રબીન્દ્રનાથ ટાગોર
ફેબ્રુઆરી ૧૯૧૪માં ટાગોરે રોધેન્સ્ટાઇનને લખેલા કાગળનો એક અંશઃ
‘…મારા અંગ્રેજ મિત્રો પરના મારા પત્રો સામાન્ય રીતે ટૂંકા હોય. કારણ એ નથી કે મારી યાદદાસ્ત ક્ષીણ છે કે મારો પ્રેમ અલ્પ છે, કે લખવાના વિષયોનો તોટો છે. તમને મારે માટે અનુકંપા ન જ હોય, કારણ કે તમારી ભાષામાં લખવું મારે માટે સરળ નથી એ તમે સમજી નહીં શકો. અંગ્રેજી ભાષાના સાદા વપરાશો બાબતમાં હું છબરડા વાળતો હોઉં. વાકયરચના નાની કરવાની શબ્દ-કરામતો મને આવડતી ન હોય. ઘણી વાર સાવ સાદી વાત અંગ્રેજીમાં લખતા ન આવડે. લોકોને પ્રશ્ન થાય કે ‘ગીતાંજલિ’નાં કાવ્યોના અનુવાદ આમણે કર્યા હશે? – તો એમાં નવાઈ નથી.
મને અન્યાય કરનારો એક લાભ તમને એ છે કે તમે મને અંગ્રેજીમાં લખેલા પત્રોનો જવાબ હું મારી બંગાળી ભાષામાં નથી લખી શકતો. આમ, તમારા મારી ભાષાના અજ્ઞાાનને કારણે મારે સહેવાનું થાય, તેમ તમારી ભાષાના મારા અજ્ઞાાનને કારણે તમારે સહન કરવાનું બને છે કે નહીં એ જાણતો નથી.’
આવડો મોટો જગપ્રસિદ્ધ કવિ ‘મને અંગ્રેજી બરાબર ફાવતું નથી’ એવા મતલબની કબૂલાત કરે છે! અંગત મિત્રની સામે જ ભલે, પણ પોતાના અહંકારને દાબડીમાં બંધ કરીને આવું પારદર્શક વિધાન કરવા માટે કેટલા નિખાલસ હોવું પડે? નોબેલ પ્રાઇઝ મળ્યું એના સાડાત્રણ વર્ષ પછી ૬ જુલાઈ, ૧૯૧૭ના રોજ ટાગોર લખે છેઃ
મારા પરમ મિત્ર,
હું અમેરિકામાં ભાષણો ઠપકારતો આમથી તેમ ઘુમતો હતો ત્યારે તમારા કેટલાક પત્રો મારી સુધી પહોંચ્યા નહીં હોય.
અમેરિકાના પ્રવાસ-સાહસ પછી હંુ ઈંગ્લેન્ડ રોકાયા વિના સ્વદેશ પાછો આવ્યો એ મારી મોટી નિરાશાની વાત બની. મારા એક સમયના મનગમતા એકાંત પર અચાનક આવી પડેલી ખ્યાતિના ખાબકેલા કોઈ બોમ્બનો ધુમાડો હજુ ઠર્યો નથી. કોઈ દારુણ તોફન મારા જીવન પર કાયમી ખાનાખરાબી ઝીંકી ગયું હોય એવું લાગે છે. હું આમાંથી નાસી છૂટવા માગું છું, પણ લાગે છે કે એ મારી હસ્તીનો હિસ્સો બની ગયું છે. કીર્તિની આ ઝાકઝમાળ એવી નઠારી નીવડી છે કે મારું વતન જ મારે માટે વસવાલાયક મટી ગયું છે. મને કેમ ભૂલી જવો એ મારા દેશબાંધવો સમજતા નથી. એ બાબત એમને માટે ઇચ્છનીય નથી તેમ મારે માટે પણ સારી નથી. ઘરની દીવાલોને આંખ અને જીભ હોતી નથી તો એ વસવાયોગ્ય હોય છે. મારી આસપાસ જે દીવાલો છે એ જોઈ શકે છે અને બોલબોલ કર્યા કરે છે. તેથી મને મારા અંગ્રેજ મિત્રોનું શરણું લેવાની ઇચ્છા જાગે છે.
…પણ અવની ન આકાશ બેઉમાં વિહાર કરનાર જીવ જેવી બેવડી વૃત્તિ મને વરેલી છે. મારો ખોરાક પશ્ચિમમાં છે અને શ્વાસ હું પૂર્વમાંથી શ્વસું છું. માળો બાંધવાની જગ્યા મને જડતી નથી. લાગે છે કે મારે યાયાવર પંખી બની રહેવું પડશે – જેણે વારેવારે સાગર પાર કરવાનો હશે અને બંને ઓવારે માળો બાંધવા પડશે.



ટાગોર એવી રીતે વાત કરે છે જાણે નોબેલ પ્રાઇઝ મળવું એ એમના જીવનની કોઈ દુર્ઘટના હોય! ૧ જૂન ૧૯૧૮ના રોજ તેઓ પત્રમાં લખે છે કે,મારી આસપાસ એક પડ બાઝ્યું છે – ખ્યાતિ અને પ્રચારનું પડ. એને ભેદીને નિરાંતમાં લહેરાતી મોજો માણવાની સ્વાધીનતા મેળવી શકું તેમ નથી.’
ભારતીયોએ ટાગોરને પોતાના મસ્તક પર મૂકયા ખરા, પણ પશ્ચિમના સાહિત્યજગતે એમના પર મહાનતાનો થપ્પો માર્યો તે પછી. આ વાસ્તવિકતાથી ટાગોર સભાન હોય જ. આથી જ ૨૬ નવેમ્બર ૧૯૩૨ના રોજ તેઓ લખે છેઃ
‘કેટલીક વાર મનોમન ક્ષોભ પામું છંુ કે મારા દેશબાંધવો અને અમારું સાહિત્યજગત મારા કર્તૃત્વની કદર કરી શકે એ માટે બહારના જગતમાં મારો મહિમા થાય એની રાહ જોવાની થઈ…. (મારાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કરીને) તે અંગ્રેજી વાચકો પાસે મૂકવાનું ન વિચાર્યું હોત તો મારા એ અનુવાદો કેવળ નિજાનંદ માટે હતા. જાહેરમાં મૂકવા માટે નહોતા. જો એવું બન્યું હોત તો જીવનપર્યંત મને આનંદ અને સંતોષ હોત. તમે ફ્રી એક વાર (વીસમી સદીના મહાનતમ કવિઓમાંના એક એવા ઈંગ્લેન્ડના) યેટ્સનો મારા વતી પાડ માનજો કે મારી કૃતિઓના વિદેશી અવતારના જોખમી સાહસમાં એમણે મદદ કરી. એમના સાહિત્ય-બંધુત્વનું મૂલ્ય હું જરાય ઓછું નથી કરતો. પછી તો મેં મારી ગદ્ય-પદ્ય કૃતિઓના અંગ્રેજી અનુવાદો કોઈની સહાય વિના કર્યા છે. પણ એ તો મારા વિચારોની અભિવ્યકિત માટે, મારી નથી એ ભાષાની મારી ક્ષમતા સિદ્ધ કરવા નહીં.’
ટાગોરના આ પત્રો ખરેખર વિસ્મય પમાડે છે. કવિવરના આંતરજગતમાં લટાર મારવા માટે ટાગોર-રોધેન્સ્ટાઇના દ્વિપક્ષી પત્રવ્યવહારવાળો આખો લેખ વાંચવા જેવો છે, જે રવીન્દ્રચર્યા નામના નિરંજન ભગત- રાજેન્દ્ર શુક્લ - શૈલેશ પારેખ સંપાદિત પુસ્તકનો હિસ્સો છે.

0 0 0 

Tuesday, August 30, 2016

‘કવિ' શબ્દ હવેથી અમે જાળવીને વાપરીશું...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - 3૧ ઓગસ્ટ  ૨૦૧૬ 

ટેક ઓફ

રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? આ બન્ને શબ્દસ્વામીઓ વચ્ચે સંબંધ કેવી  રીતે સ્થપાયો અને વિસ્તર્યો હતો? 


ઝવેરચંદ મેઘાણી

ભારતના બે ઉત્તમોત્તમ સાહિત્યપુરુષોનાં જન્મ-મૃત્યુદિન ઓગસ્ટ મહિનામાં પડે છે. રવીન્દ્રનાથ ટાગોરનો મૃત્યુદિન ૭ ઓગસ્ટ હતો, જ્યારે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન હજુ ત્રણ દિૃવસ પહેલાં જ ગયો - ૨૮ ઓગસ્ટ. ટાગોરે ૮૦ વર્ષની ભરપૂર ઉંમરે દૃેહ છોડ્યો હતો.  એમના અવસાન બાદ છ વર્ષે, ૧૯૪૭માં, મેઘાણીનુ નિધન થયું.

(નોંધઃ આજના 'સંદેશ' અખબારમાં છપાયેલા આ લેખમાં હકીકતદોષ રહી ગયો છે. 28 ઓગસ્ટનો ઉલ્લેખ મેઘાણીના જન્મદિનને બદલે મૃત્યુદિન તરીકે થયો છે. સ્લિપ-ઓફ-પેન  (અથવા કી-બોર્ડ) આને જ કહેતા હશે. ક્ષમસ્વ.)  

આ બન્ને શબ્દૃસ્વામીઓ ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? તેમની વચ્ચે કેવી રીતે પ્રત્યક્ષ સંબંધ સ્થપાયેલો અને વિકસેલો? આ સવાલોના જવાબમાં ઝવેરચંદૃના પૌત્ર પિનાકી મેઘાણીએ તારવેલી વિગતો ખરેખર માણવા જેવી છે.
ઝવેરચંદૃ મેઘાણીના મોટા ભાઈ કલકત્તામાં સ્થાયી થયા હતા. તેઓ બીમાર પડતા બાવીસ વર્ષના જુવાનજોધ મેઘાણીએ ૧૯૧૮માં ઓિંચતા કલકત્તા જવું પડેલું. રોકાણ લંબાતા જીવણલાલ એન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં કામ કરવા લાગ્યા. રસ્તાઓ પર ફરતા હોય ત્યારે એમની આંખો દૃુકાનોના સાઈનબોર્ડ્સ પર સરકતી રહે. બંગાળી અક્ષરો સાથે પરિચય કેળવાતો ગયો. સભાનતાપૂર્વક બંગાળી ભાષા શીખવાનું શરુ કર્યુ. ક્રમશ: બંગાળી સાહિત્યના સીધા સંપર્કમાં આવવાનું થયું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે આદૃરભાવ કેળવાવો સ્વાભાવિક હતો.

મેઘાણીની સર્વપ્રથમ પ્રકાશિત પુસ્તક ‘કુરબાનીની કથાઓ'ના મૂળમાં ટાગોર જ છેને. ૧૯૦૦મા ટાગોરનું ‘કથા ઉ કાહિની' નામનું પુસ્તક પ્રગટ થયેલું. તેમાં એમણે શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા નરબંકાઓના સ્વાર્પણ તેમજ ત્યાગને ઉજાગર કરતા કથાગીતો લખ્યાં હતાં. મેઘાણીએ એમાંથી અઢાર ચોટદૃાર ઘટનાઓ પસંદૃ કરી, તેને ગદ્ય સ્વરુપમાં આપી, ‘કુરબાની કથાઓ'માં સંગ્રહિત કરી. ટાગોરનું ઋણ સ્વીકારતાં મેઘાણીએ લખ્યું છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું?'

Meghani with Nandlal Bose


ટાગોર અને મેઘાણીનો સૌથી પહેલો વ્યવસ્થિત મેળાપ કલકત્તામાં નહીં, પણ મુંબઈમાં થયો હતો, ૧૯૩૩માં. કવિવરના અંતરંગ સાથી અને વિખ્યાત ચિત્રકાર નંદૃલાલ બોઝે ખાસ ભલામણ કરેલી: ઝવેરચંદૃ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદૃ ખાસ માણવા જેવો છેે! ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદૃીએ મુલાકાત ગોઠવી. નિર્ધારિત દિૃવસે સવારના સાડાસાત વાગે ફોર્ટ સ્થિત સર દૃોરાબજી ટાટા પેલેસમાં ઉતરેલા ટાગોરને મળવા મેઘાણી પહોંચી ગયા. મુલાકાત માટે માંડ અડધો કલાક ફાળવવામાં આવેલો, પણ આટલા ઓછા સમયમાંં મેઘાણીની ધોધમાર પ્રતિભા કેવી રીતે ઝીલાય? ગુજરાતના લોકસાહિત્ય, લોકજીવન અને લોકસંસ્કૃતિની શૌર્ય-શૃંગારથી ભરપૂર વાતો તેમજ લોકગીતોની મેઘાણીએ એવી તો રમઝટ બોલાવી કે ટાગોર પ્રસન્ન થઈ ગયા. મેઘાણીએ ગુજરાત અને બંગાળનાં લોકગીતોની તુલનાત્મક વાતો પણ કરી. ટાગોર ઝુમી ઉઠ્યા. સપાટામાં દૃોઢ કલાક વીતી ગયો.

બે સાચા સાહિત્યસંગીઓનો સંવાદૃ સોળે કળાએ ખીહ્લયો હતો બરાબર તે જ વખતે તેજલિસોટા જેવી એક માનુની  પ્રગટ થઈ. એ હતાં સરોજિની નાયડુ. કવિવરે એમને નવ વાગ્યાનો સમય આપેલો. મુલાકાત-ખંડમાં જે પ્રકારનો માહોલ છવાયેલો હતો તેના પરથી સરોજિની નાયડુ તરત પરિસ્થિતિ કળી ગયાં. એમણે કહ્યું, ‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ ચાલતો નથી. મારો સમય હું મેઘાણીને ફાળવું છું!' જતાં જતાં તેઓ ભલામણ સુધ્ધાં કરતાં ગયાં કે મેઘાણીને તો ખુદૃ ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયરનું બિરુદૃ આપ્યું છે એટલે ગુરુદૃેવ, મેઘાણી પાસેથી એમણે રચેલાં દૃેશપ્રેમનાં ગીતો ખાસ સાંભળજો!

બોલપુર રેલવે સ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીનું ભાવભીનું સ્વાગત 

વાતવાતમાં ટાગોરે કહ્યું કે હું કાઠિયાવાડ બે વાર આવી ગયો છું. વિરમગામ વટાવતાંની સાથે જ જે રીતે છોગાળી પાઘડીઓ અને હવામાં ઉડ-ઉડ કરતી ઓઢણીઓ દૃેખાવા લાગી હતી ને જોતાં લાગતું હતું કે જાણે હું કોઈક રંગપ્રેમી પ્રદૃેશમાં આવી ગયો છું!  મેઘાણીએ કહેલું: ‘ગુરુદૃેવ, બેય વખતે તમે કાઠિયાવાડી રાજવીઓના મહેમાન બનીને આવ્યા હતા એટલે તળપદૃું લોકજીવન તમારાથી દૃૂર રહી ગયું. હવે ત્રીજી વાર આવો ત્યારે એવી રીતે આવજો કે જેથી આ ભૂમિના લોકસંસ્કાર અને લોકવાણીથી નિકટ રહી શકાય. કાઠિયાવાડ તમને નિતનવાં ગીતો, કાવ્યો અને કથાઓની અખૂટ સામગ્રી આપશે...'

ટાગોરે જવાબ આપ્યો, ‘કાઠિયાવાડ આવવાનું મન તો બહુ છે, પણ હવે તો કોણ જાણે... પણ એમ કર, તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદૃ સાથે પ્રગટ કરીશું. જરુર આવ તું... પણ હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.'

આ ઠાલી ઔપચારિકતા નહોતી. કલકત્તા પરત ગયા બાદૃ ગુરુદૃેવે નંદૃલાલ બોઝ મારફતે મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસર નિમંત્રણ મોકલ્યું હતું. જોકે ટાગોર-મેઘાણીની પહેલી અને બીજી મુલાકાત વચ્ચે આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. ૧૯૪૧માં શાંતિનિકેતનના વિદ્યાર્થી સંગઠન તરફથી ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર ચાર વ્યાખ્યાન આપવા માટે મેઘાણીને ફરી આમંત્રણ મળ્યું. મેઘાણી મૂંઝવણમાં મૂકાયા. એક બાજુ તેઓ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દૃુનિયામાં લઈ જવા માગતા હતા. એમને ખાતરી હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું સાહિત્ય જરાય ઊતરતું પૂરવાર નહીં થાય. બીજી તરફ તેમના મનમાં સંકોચ મિશ્રિત ડર હતો કે એક વિશ્ર્વકવિના ગાને રસાયેલી ને પોષાયેલી શાંતિનિકેતન જેવી મહાન સંસ્થા સામે હું ખડો રહી શકીશ? છેવટે તેમણે નક્કી કર્યું: ‘હું ટાગોરનો કરજદૃાર છું. આઠ વર્ષનું વ્યાજ ચડ્યું છે. મારા ઈષ્ટ વિષયનું શ્રેય, તેમ મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈ સુવર્ણતુલાએ ચડી તોળાવામાં જ છે.'

મેઘાણી.. રતન-કુટિર પાસે
આખરે નિમંત્રણને નમ્ર સ્વીકાર કરીને મેઘાણીએ ૧૨ માર્ચ ૧૯૪૧ના રોજ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં પગ મૂક્યો. બોલપુર એમનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુંં. એકદૃમ ખાસ ગણાતા યુરોપિયન ગેસ્ટહાઉસ ‘રતન-કુટિર'માં એમને માનભેર ઉતારો અપાયો. શાંતિનિકેતનના નવ દિૃવસના રોકાણ દૃરમિયાન  મેઘાણીએ અંગ્રેજીમાં ચાર પ્રવચનો આપ્યાં: ફોક સોંગ્સ ઓફ ગુજરાત, ટેલ્સ ટોલ્ડ ઈન વર્સ (ગરબા-ગીતોમાં નિરુપાયેલી જીવનકથાઓ), ધ બાર્ડિક લોર (ચારણી વાણી) અને ફોકલોર: અ લિિંવગ ફોર્સ (લોકસાહિત્ય: એક જીવંત શકિત).


શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


ઓડિયન્સમાં યુપી અને આંધ્રનાં, હિમાલય અને િંસહલદ્વિપનાં, રાજપુતાના અને પંજાબ-િંસધ-બિહારનાં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. ચીન, જાવા અને સુમાત્રાના સ્ટુડન્ટ્સ પણ હતા. વ્યાખ્યાનોની પૂર્વભૂમિકા બાંધતા મેઘાણીએ કહ્યું, 'મારા ગુજરાતના નવઘડતરમાં જે થોડાં બળો કામ કરી રહેલ છે તે પૈકીનું એક આ લોકસાહિત્ય. મારી જન્મદૃાત્રી ગુજરાતના ભૂતકાળનો પરિચય દૃેનાર આ લોકસાહિત્યે ઈતિહાસને દૃફતરે ન સચવાઈ શકેલી એવી કેટલીક વાતો જનેતાની અદૃાથી ચીંથરીઓમાં સાચવી રાખી છે, પણ ગુજરાતની કોઈ ગર્વિષ્ઠ વિશિષ્ટતા દૃેખાડવા, ગુજરાતના ન્યારાપણાના બણગાં ફૂંકવા હું નથી આવ્યો. લોકવાણીનો ઝોક સહિયારાપણા પર હોય છે. એમાં હુંકાર નથી. હું તો આવું છું ગુરુદૃેવે દૃીધેલ નોતરાના જવાબમાં, લોકવાણીની સમાનતા પકડવા, ટુ કમ્પેર નોટ્સ.'

મેઘાણીના ગાનમિશ્રિત વ્યાખ્યાનોએ ઉપસ્થિત રહેલા દૃેશવિદૃેશના આ સેંકડો વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોેને પણ મુગ્ધ કર્યા. મેઘાણી પછી એક જગ્યાએ નોંધ્યું છે:

‘...શાંતિથી સહુ સાંભળતા હતા. મારી અને શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ ને એ ઝાંખા પ્રકાશમાં મેં નિહાળ્યા અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદૃર્શક, પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા અને આદૃર તેમના પર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ઘૃષ્ટતા પ્રત્યે રંજ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા મેં તે ચહેરાઓ પર દૃીઠી નહીં. મારો ડર ગયો.'



શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


મેઘાણી શાંતિનિકેતન હતા એ અરસામાં ગુરુદૃેવ બહુ જ અશકત અને પથારીવશ હતા. ઝાઝું જોઈ કે સાંભળી શકતા નહીં. નંદૃલાલ બોઝે મેઘાણીને કહ્યું, ‘ચાલો, કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે, પણ તમને મળીને રાજી થશે. મેઘાણીએ કહ્યું, 'મારે એમની શકિત નથી બગાડવી. કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે. નંદૃલાલ બોઝ સાથે ગુરુદૃયાલ મલ્લિકે પણ અતિ આગ્રહ કર્યો એટલે મેઘાણી ગુરુદૃેવના તે વખતના નિવાસસ્થાન ‘શ્યામલી'ના પગથિયાં સુધી જઈ, ત્યાંથી જ ચરણરજ લઈને પાછા ફર્યા. જતાં જતાં સંદૃેશો છોડતા ગયા: ‘ગુરુદૃેવને કહેજો, મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે...'

૧૯૪૧ના માર્ચમાં મેઘાણીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી ને એના ફકત સાડાચાર મહિના પછી, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ થયું. મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવપૂર્વ અંજલિ આપતા એમણે લખ્યું હતું: ‘તમે કવિ હતા. ‘કવિ' શબ્દૃ હવેથી અમે જાળવીને વાપરશું.'

૧૯૨૦માં કલકત્તામાં ટાગોરના મુખેથી એમનું લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા સાંભળ્યું હતું. એ કાવ્ય સતત મેઘાણીના મન-હૃદૃયમાં રમતું રહ્યું હતું. આખરે ટાગોરના મૃત્યુનાં ત્રણ વર્ષ બાદૃ, ૧૯૪૪માં, મેઘાણીએ તે કાવ્યનો ગુજરાતીમાં અનુવાદૃ નહીં, પણ અનુસર્જન કર્યું. આ એ જ ગીત છે જે સાંભળીને આપણે આજની તારીખે પણ થનગની ઉઠીએ છીએ: 'મન મોર બની થનગાટ કરે...'  આ ગીત વાસ્તવમાં ટાગોરની ત્રીજી પુુણ્યતિથિએ પ્રગટ કરેલાં ‘રવીન્દ્ર વીણા' પુસ્તકનો અંશ છે. મેઘાણીએ આ પુસ્તકમાં ૬૪ જેટલાં રવીન્દ્ર-કાવ્યોને ગુજરાતીમાં અવતાર્યાં, જેમાં 'મન મોર બની થનગાટ કરે' ઉપરાંત ‘ગાજે ગગને મેહુલિયો રે', ‘આવજો આવજો વાલી બા', ‘કોઈ દૃી સાંભરે નૈ', ‘ગામના લોકો મૂરખા રે એને કાળવી કે'તા રે' જેવી અન્ય જાણીતી રચનાઓ પણ છે.

મેઘાણી પચાસ વર્ષ જીવ્યા હતા. ફકત પચાસ વર્ષ! જે માણસ આટલા ટૂંકા જીવનમાં આટલું વિરાટ કામ કરી શક્યો એ જો ટાગોરની માફક  દૃીર્ઘાયુષ પામ્યો હોત તો આજે ગુજરાતી સાહિત્ય કેટલું વધારે સમૃદ્ધ હોત તે મીઠી કલ્પનાનો વિષય છે.

0 0 0