Showing posts with label Madhu Rye. Show all posts
Showing posts with label Madhu Rye. Show all posts

Thursday, May 4, 2017

કબાટ હોય કે કવિતા... સર્જન કરતાં રહેવાનું!

ચિત્રલેખા - એપ્રિલ 2017

વાંચવા જેવું 

 ‘એક જ્યોતિષ મિત્રે અમારી જન્મકુંડળી જોઈને ભાખેલું કે અમે ૭૨ વર્ષે સ્વર્ગારોહણ કરીશું, ત્યારે એ આવતા જુગની વાત લાગેલી, પરંતુ એ આંકડો નજીક આવતો જાય છે તેમ તેમ અમે હજુ બુઢ્ઢા થયા નથી એવો પારો માથામાં સર્ક્યુલેટ થવા લાગે કરે છે તો પણ કશું ક કાંઈક થાય ત્યારે સળેખમ થાય કે પેટમાં ચૂંક આવે કે કાર ખોટો ટર્ન મારે ત્યારે ક્ષણભર અચરજ થાય કે આ હશે? અરે? મરવાની ઘડી આવી ગઈ કે?’




મધુ રાયને વાંચવા એક લહાવો છે એમ કહેવું એટલે ‘સોમવાર પછી મંગળવાર આવે છે’ એવું રુટિન વાક્ય ઉચ્ચારવું. મધુ રાયની કલમ આપણાં દિલ-દિમાગમાં એવી એવી બત્તીઓ ઑન કરી નાખે ને એવાં એવાં કમાડ ખોલી નાખે છે કે આપણને ખુદને નવાઈ લાગે. જો! આ ફરી પાછું રુટિન વાક્ય લખાઈ ગયું. મધુસૂદન ઠાકર ઉર્ફ મધુજી ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ લખે છે એ પણ આમ તો રુટિન જ કહેવાય, પણ એમાંય લેખકશ્રી કેવો જાદુ કરી શકે છે એ જાણવા-માણવા આજે જેની વાત કરી રહ્યા છીએ એ કિશોર દેસાઈ સંપાદિત પુસ્તકમાંથી પસાર થવું પડે. પુસ્તકના શીર્ષકમાં ‘નિબંધો’ શબ્દ વપરાયો છે, પણ વાસ્તવમાં આ ‘નીલ ગગન કે તલે’ કોલમમાં પ્રગટ થયેલા ચુનંદા લેખોનો સંગ્રહ છે.

 સાપ્તાહિક કોલમના લેખને નિબંધ કહેવાય કે નહીં એવી ડિબેટમાં પડવાને બદલે સીધા એ સવાલ પર આવી જઈએ જેનો જવાબ જાણવા ભારતવાસી મધુપ્રેમીઓ નિરંતર આતુર રહે છે. સવાલ એ છે કે ખંભાળિયામાં જન્મીને, કોલકાતામાં ઉછરીને, અમદાવાદમાં થોડાં વર્ષો વીતાવીને અમેરિકા એક્સપોર્ટ થઈ ગયેલા મધુ રાય પુન: વતનગમન કેમ કરતા નથી? ઉત્તર એમના મોઢે જ સાંભળો:

 "વતન’ એ ભૌગોલિક સ્થળ નથી. ‘વતન’ તે મગજની માંસપેશીઓને જે સ્થળ નિરાપદ લાગે તે માનસિક સ્થળ છે. તે સ્થળ કલ્પનાના ગોળા પર વસેલું છે. ગગનવાલાનો પગ જે ગોળાને અડકે છે, તે જ ગોળા ઉપર ખંભાળિયા, ને કલકત્તા ને ન્યુ યોર્ક ને લંડન છે. હમ તો સ્વર્ણિમ  સૌરાષ્ટ્રિયન હંય, ગોલ્ડન ગુજરાતિયન હી હંય, આમ આદમી ઇન્ડિય બી હંય ને સો ટકા શુદ્ધ વિશ્ર્વમાનવિયન હૌ હંય. તકદીરની લગામ જ્યાં ખેંચી જાય ત્યાં ડાબલા બાંધીને દોડિયેં છીયેં, જાણી જાઈને નિર્ધારપૂર્વક લાઈફમાં કશું કરી શક્યા નથી. એકસેપ્ટ ફિકશનમાં ગોડ બનીને હોલ વીકમાં ક્રિયેશન કરીએ છીએ ને સન્ડેના રોજ લોન્ડ્રી કરિયેં છીયેં. મસાલા ઢોસાને બદલે ડોલર બચાવવા સાદો ઢોસો ખાઈએ છીએ ને ટીપે ટીપે ભરેલી બચતમાંથી વિમાનની મૂલ્યપત્રિકા ખરીદી ભૌગોલિક વતનમાં ઊતરિયેં છીયેં જ્યાં કોકકોક વાર રાજકોટ, ને અમદાવાદ, ને ગોંડલ ને સુરત ને મોડાસા ને મુંબઈમાં સાહિત્યનાં જ્ઞાતિભોજન જમીયેં છીયેં ને હરખની ઠેકું મારિયે છીયેં. મીન્સ કે લિટલ બિટ, લિટલ બિટ વતનના સબડકા લઈને ‘વાસી મહેમાન’ થઈયેં ઈ પહેલાં પાછા ફોરેનમાં રિટર્ન પૂગી જઈએ છીયેં.’

 મધુ રાયને વિદેશ મોકલવામાં મૃણાલિની સારાભાઈએ નિર્ણાયક ભુમિકા ભજવી હતી. ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટક કેવળ મધુ રાયની જ સર્વોેત્તમ કૃતિઓમાંની જ એક નહીં, પણ ગુજરાતી સાહિત્યની એક ક્લાસિક કૃતિ છે. મધુ રાયને નાટ્યલેખક બનાવનાર પણ મૃણાલિની સારાભાઈ જ. ‘મૃણાલિની માય વેલેન્ટાઈન’ લેખ વાંચતા આપણને ખબર પડે છે કે આ નાટક જ્યારે ભજવાયું ત્યારે શરુઆતમાં કેટલાક વિવેચકો-લેખકોએ તેને ધીબેડી નાખ્યું હતું. પીતામ્બર પટેલે લખ્યું ‘મૃણાલિનીનું ગંધાતું ફૂલ!’ એક પ્યારા દુશ્મને (નામ છુપાવવામાં આવ્યું છે) લખી નાખ્યું કે, ‘મધુએ મૃણાલિનીને ફૂલ બનાવી છે!’ અમદાવાદમાં તો વધારે શોઝ ન જ થયા, પણ મુંબઈમાં ચાલુ શોએ ચિચિયારીઓ થઈ હતી... પણ શોકાતુર થઈ ગયેલા લેખકને પછી ખબર પડી કે આ નાટકના મુકદ્દરમાં તો ભરપૂર કીર્તિ લખાઈ હતી. પ્રબોધ ચોક્સીએ ‘એનેક્ટ’ મેગેઝિનમાં રિવ્યુ લખ્યો. નાટક નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લેયઝમાં આવ્યું, ચૌદ ભાષાઓમાં તે ભજવાયું, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણાવાયું અને દૂરદર્શન માટે કેતન મહેતાએ તેની ટેલિફિલ્મ બનાવી!

 અમેરિકાવાસી કવયિત્રી પન્ના નાયક વિશેના લેખમાં મધુ રાય બરાબરના ખીલ્યા છે. વાંચો:

 ‘આ છે અમારાં પન્ના આન્ટી. તમે એમને પન્ના નાયકના નામે ઓળખતાં હશો.... અંગતવૃત્તમાં કવિ સ્વયં પોતાને ‘પનુડી’ તરીકે ઓળખાવે છે. ક્યોંકિ તેમની તિલમિલાતી તોફાનવૃત્તિ આહલાદક છે. કુદરત સાથે એમણે એવા ગુપ્ત કરાર કીધા છે કે છેલ્લાં ૪૦ વર્ષથી આન્ટી ‘પનુડી’ જેવાં, યુનો, મોહક દીસે છે. તનથકી, મનથકી, કવનથકી કુદરત તેમને સો વર્ષનાં કરે. જોકે કેટલીક અદેખીઓ કહે છે કે તેવણ સો વર્ષ પાર કરી ચૂકેલાં છે... મંચ પરથી કવિ કાવ્યપાઠ કરે ત્યારે તેમનો સ્વર આંધળાને ડોલાવે છે, ને ઠસ્સો બહેરાને બહેલાવે છે. જે આંધળા પણ ન હોય અને બહેરાયે ન હોય તેવા લલ્લુનો તો ‘ડબલ મરો’.’

 આ પુસ્તકમાં કેવળ હસતા-હસાવતા તોફાની લેખો જ નથી, પણ વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ ગયેલાં બાળકોની દુ:સ્થિતિ વિશે, કમાલની રોમાંચકથાઓ લખતા એલમર રેનર્ડ નામના વિખ્યાત અમેરિકન લેખક વિશે, બિગ બેન્ગ થિયરીને સ્પષ્ટ કરી આપતી ઇન્ફ્લેશનરી કોસ્મોલોજી વિશે અને ઇવન ટામેટાં વિશેનાં લખાણ પણ છે.

 એક જગ્યાએ એ લખે છે:

 ‘એક જ્યોતિષ મિત્રે અમારી જન્મકુંડળી જોઈને ભાખેલું કે અમે ૭૨ વર્ષે સ્વર્ગારોહણ કરીશું, ત્યારે એ આવતા જુગની વાત લાગેલી, પરંતુ એ આંકડો નજીક આવતો જાય છે તેમ તેમ અમે હજુ બુઢ્ઢા થયા નથી એવો પારો માથામાં સર્ક્યુલેટ થવા લાગે કરે છે તો પણ કશું ક કાંઈક થાય ત્યારે સળેખમ થાય કે પેટમાં ચૂંક આવે કે કાર ખોટો ટર્ન મારે ત્યારે ક્ષણભર અચરજ થાય કે આ હશે? અરે? મરવાની ઘડી આવી ગઈ કે?’

 મરવાની ઘડી, બાય ધ વે, ક્યારની જતી રહી છે અને આગામી ૧૬ જુલાઈએ રા. રા. મધુ રાય ૭૫ વર્ષ પૂરાં કરવાના છે. આ જ લેખમાં આગળ કહે છે:

 ‘વૃદ્ધ થવાથી તમારી માનસિક તાકાત કંઈ ઓસરી જતી નથી. અને એ માટેની શરત શી છે? કામ, કામ ને કામ. મગજ સતત ચાલતું રહે તો ઘરડું થતું નથી. ઉદાસ, બેઠાડુ, ચિંતાતુર માણસો હસમુખા, કર્મઠ લોકો કરતાં ઓછું જીવે છે ને જાણે અરધું જીવે છે. જે લોકો કશું સર્જન કરે છે, પછી ભલે તે કબાટ બનાવતા હોય કે કવિતા, તે લોકો સતત કબાટ બનાવ્યા કરતા હોવાને કારણે અને લાગલગાટ લગાલગાલગા લખતા હોવાને કારણે વધુ ને વધુ સરસ કબાટ બનાવી શકે છે ને વધુ ને વધુ શાર્દૂલવિક્રીડા કરી શકે છે. એટલે હવેથી ગગનવાલા તદ્દન સર્જનશીલ નહીં તોયે સેમી સર્જનશીલ કહેવાય એવી કોલમો સતત લખી શકે અને આયુષ્યના બચેલા દાયકાઓ હસમુખા અને કર્મઠ થઈને ગુજારી શકે એવી સાંઈ પાસે દુઆ માગે છે.’

 ટચવૂડ!

 મધુ રાયના ચાહકોને યાદ હશે કે ‘નીલ ગગન કે તલે’ કોલમ બહુ બધાં વર્ષો પહેલાં ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરુ થઈ હતી, જે એનઆરઆઈ-સેન્ટ્રિક નહોતી. અફલાતૂન લેખો છપાયા હતા એમાં. અવિનાશ પારેખ, કે જેઓ એ વખતે ‘અભિયાન’ના પ્રકાશક હતા, તેમણે પછી ‘નીલ ગગન કે તલે’ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. એ પુસ્તક અને આજના પુસ્તક વચ્ચે ક્ન્ફ્યુઝ ન થવું!  

મધુ રાયનાં કોઈ પણ પુસ્તક વિશે વધારે તો શું કહેવાનું હોય. એને તો બસ, વાંચી કાઢવાનું હોય અને બીજાઓને ધરાર વચાવવાનું હોય. જય પુસ્તક! જય મધુ રાય!  ૦  ૦ ૦
                                                                          

નીલે ગગનવાલાના નિબંધો                             
સંપાદક: કિશોર દેસાઈ
પ્રકાશક: ગૂર્જરી પબ્લિકેશન
 સિમ્પોલી રોડ, બોરીવલી, મુંબઈ
 મુખ્ય વિક્રેતા: અરુણોદય પ્રકાશન, 
 ગાંધીરોડ, અમદાવાદ- 
 ફોન: (079) 2211 4108 
 કિંમત: ૨૦૦  રૂપિયા / યુએસ ૧૨ ડોલર
  પૃષ્ઠ: ૧૫૪


Friday, February 17, 2017

હું લખું છું ત્યારે જ સાચું જીવું છું, સવાયું જીવું છું

ચિત્રલેખા -  ડિસેમ્બર ૨૦૧૬

વાંચવા જેવું 

'મેડિકલ સાયન્સમાં ઘણું બધું શીખવા-સમજવાનું બાકી છે. આજે જેને બ્રહ્મવાક્ય કે ચમત્કારિક ઉપચાર કે બ્રેકથ્રૂ ગણતા હોઈએ એ આવતી કાલે ભયંકર ભુલ સાબિત થાય  એ શક્ય છે.  જેમ કે, એસ્પિરિનની દવા સોએક વર્ષથી વપરાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોેમાં જ આપણને ખબર પડી કે બાર વર્ષ કરતાં ઓછી વયના બાળકો પર તેની ગંભીર આડઅસર પેદા થઈ શકે છે.'
                                                       


જુદા જુદા ક્ષેત્રમાં માનભર્યું સ્થાન પામેલા ગુજરાતી મહાનુભાવો સહેજ અટકીને, પાછું વળીને, જીવાયેલા જીવનનું સિંહાવલોકન કરે અને પોતાનાં સત્યોને પ્રવચનમાં પરોવીને લોકો સામે પેશ કરે.... આ આખી વાત જ કેવી રોમાંચક છે! કોફી મેટ્સ અને વિકલ્પ જેવી સંસ્થા તેમજ મુબંઈ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટરના સહિયારા પ્રયાસથી ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન આ પ્રવચનશ્રેણીને આકાર આપવામાં આવ્યો હતો. એ એટલી અદભુત પૂરવાર થઈ કે એનું લિખિત શબ્દોમાં અવતરવું અનિવાર્ય બની ગયું હતું. ચિક્કાર જહેમતને અંતે તૈયાર થયેલું આ રુપકડું પુસ્તક પ્રવચનશ્રેણી જેવું જ અફલાતૂન છે.

 કેટલી સરસ વ્યક્તિઓ ને કેવી મજાની વાતો. એક યા બીજા મુદ્દે અદાલતમાં થતી જાહેર હિતની અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન) વિશે આજે સમાચારોમાં અવારનવાર સાંભળતા-વાંચતા રહીએ છીએ. ભારતીય ન્યાયતંત્રમાં આ વ્યવસ્થાને ઇન્ટ્રોડ્યુસ કરાવનાર હસ્તી એટલે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પ્રફુલ્લ એન. ભગવતી. ગરીબ યા સાધારણ માણસને વકીલની મોંઘીદાટ ફી પરવડે એટલે એ ન્યાયતંત્ર પાસે જઈ ન શકે એ કેવી રીતે ચાલે? આજે કોઈ વ્યક્તિ કે જૂથને એમ લાગતું હોય કે એમના અધિકારોનો ભંગ થઈ રહ્યો છે તો એ પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે પગલાં ભરવાની માગણી કરવા જાહેર હિતની અરજી કરી શકે છે. આ કાર્યપ્રણાલીનું બાંગ્લાદેશ અને નેપાળમાં અનુસરણ કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકામાં તો બંધારણીય કાયદામાં એનો સમાવેશ કરવામાં આવ્યોે.

 ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી સન્માનિત થઈ ચુકેલા પ્રફુલ્લ એન. ભગવતીની આધ્યાત્મિકતા તરફની ગતિ પણ ધ્યાન ખેંચે છે. ક્ેટલાય સંત-સ્વામીનો સત્સંગ કરી ચુકેલા આ ભૂતપૂર્વ કાયદાવિદ છે કે આધ્યાત્મિક જીવન માણસનો અંતિમ આત્મોદ્ધાર છે.

 જીવનના છેડો સામે દેખાતો હોય ત્યારે સામાન્યપણે લોકો પોતાની સિદ્ધિઓના લેખાજોખા કરતા હોય છે, પણ વિખ્યાત કથાકાર મોરારિબાપુને ‘સિદ્ધિ’ શબ્દ ગમતો નથી. એ કહે છે, આ દેશને સિદ્ધોની નહીં, શુદ્ધોની જરુર છે. એ જ પ્રમાણે બાપુને ‘સત્યનો જ જય થાય’ એ સૂત્ર પણ ગમતું નથી. સત્યને વળી જય અને પરાજય સાથે શું લેવાદેવા?


 હૃદયરોગ નિષ્ણાત ડો. તુષાર શાહનું વકતવ્ય જેટલુ હૃદયસ્પર્શી છે એટલું જ વિચરતા કરી મૂકે એવું છે. એ કહે છે:

 ‘હૃદયની શસ્ત્રક્રિયાને હું મહાભારત સાથે સરખાવું છું. જે અહીંયા છે તે જ જિંદગીમાં છે અને જે જિંદગીમાં નથી એ અહીંયા નથી. વિસ્મય, ચમત્કાર, પ્રેમ, લાગણી, આનંદ અને દુખ - બધાંની પરિસીમા, શક્તિનો અહેસાસ અને સાથે સાથે નિ:સહાયતાનો વારંવાર થતો અનુભવ... અહીં પેશન છે તો સંપૂર્ણ વ્યાપારીકરણ પણ છે... એક બાજુ સંપૂર્ણ વ્યવસ્થા અને બીજી બાજુ અંધાધૂંધી, કટોકટી અને સંપૂર્ણ અવ્યવસ્થા જેમાંથી સંપૂર્ણ વ્યવસ્થા શોધવાના પ્રયત્નો કરવાના. આ બધાએ મને ઘણું બધું શીખવ્યું. ૩૦ વર્ષની અંદર હજારો દર્દીઓની સારવાર કરી મેં એમનાં ભવિષ્ય બદલ્યાં અને એમણે મારું ભવિષ્ય બદલ્યું.’  


 માનવશરીર એટલે કુદરતના લાખા વર્ષોના પ્રયોગને અંતે તૈયાર થયેલું એક જીવંત યંત્ર. એની સામે માંડ ત્રણસો-ચારસો વર્ષની ઉંમર ધરાવતા આધુનિક તબીબીશાસ્ત્રની શી વિસાત? આમ છતાંય હું મેડિકલ સાયન્સને કંઈ ઊતરતું ગણતો નથી એમ કહીને ડો. તુષાર શાહ કહે છે કે હજુ ઘણું બધું શીખવા-સમજવાનું બાકી છે. આજે જેને બ્રહ્મવાક્ય કે ચમત્કારિક ઉપચાર કે બ્રેકથ્રૂ ગણતા હોઈએ એ આવતી કાલે ભયંકર ભુલ સાબિત થાય  એ શક્ય છે.  જેમ કે, એસ્પિરિનની દવા સોએક વર્ષથી વપરાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોેમાં જ આપણને ખબર પડી કે બાર વર્ષ કરતાં ઓછી વયના બાળકો પર તેની ગંભીર આડઅસર પેદા થઈ શકે છે. ડોક્ટર કહે છે:

 ‘ ધીરે ધીરે હું સમજ્યો કે કોઈ પણ વસ્તુ નવી આવે તો તેને જલદી સ્વીકારવી નહીં અને છેક છેલ્લી છોડવી નહીં. ડહાપણ કરતાં વિજ્ઞાનને, આર્ટ કરતાં સાયન્સને અને કોમન સેન્સ કરતાં ચતુરાઈને વધારે મહત્ત્વ આપવું નહીં.’

 સાહિત્યકાર મધુ રાયનું વકતવ્ય એમના લખાણ જેટલું જ ચટાકેદાર છે. કહે છે:

 ‘અનેક ઇનસિક્યોરિટીઝ, ઘેલછાઓ ને વિરોધાભાસથી ખખડતી મારી ખોપરી, મારું ખોળિયું, જીવનના રસ્તે કદી રેવાલ ચાલે ચાલ્યું નથી...આ જૈફ વયે પણ હજુ સ્પષ્ટ નથી કે હું કયા પેશામાં પાવરધો છું... મેં જિદગીની અસહ્ય, અક્ષમ્ય ને કરપીણ ભૂલો કરી છે, અને અનેક વાર દગાનાં ખંજર ખાધાં છે, અને દુખના ગોવર્ધન વેંઢાર્યા છે... જીવનનો મોટો ધોખો છે કે, મને સંતાન નથી. મારા રક્તની રેખા મારા ખોળિયા પાસે આવીને અટકી જાય છે... લેખક તરીકે યથેચ્છ આદર પામ્યા બાદ હું શું શું નથી તેનો સતત અણસાર છે, પણ મને સહેજ પણ ખ્યાલ નથી કે મૈં કૌન હૂં, કે હજાર હાથવાળા દ્વારા આ પૃથ્વી ઉપર શાથી મોકલવામાં આવ્યો છું. એટલી જાણ છે કે હું લખું છું ત્યારે જ સાચેસાચ જીવું છું, સાચું જીવું છું, સવાયું જીવું છું.’

 નારાયણ દેસાઈ,  અશ્ર્વિની ભટ્ટ, ડો. મનુભાઈ કોઠારી, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, ગુણવંત શાહ સહિતના પચ્ચીસ ઉત્તમ વક્તાઓનો આખો અન્નકોટ સામે હોય ત્યારે એમાંથી કઈ વાનગી પેશ કરવી ને કઈ ન કરવી. બોલાયેલા પ્રવચનને જ્યારે છપાયેલા લેખનું સ્વરુપ  આપવાનું હોય ત્યારે એને ભાષાકીય શિસ્તની ગળણીમાંથી એકથી વધારે વખત ગાળવું પડે. અત્યંત કડાકૂટભર્યું કામ છે આ. અલકેશ પટેલના સહયોગથી કાન્તિ પટેલે આ કામ અત્યંત સુંદર રીતે કરી શક્યા છે. વર્ષો પહેલાં કાન્તિ પટેલ દ્વારા સંપાદિત ‘દીકરી વહાલનો દરિયો’ એક સીમાચિહ્નરુપ પુસ્તક સાબિત થયું છે. એમના આ સંપાદનમાં પણ એવરગ્રીન પૂરવાર થવાનું એવું જ કૌવત છે. અ મસ્ટ રીડ.

0 0 0  

 અલ્પવિરામ- જો આ હોય મારું અંતિમ પ્રવચન   
સંપાદક: કાન્તિ પટેલ
પ્રકાશન: અરુણોદય પ્રકાશન ગાંધીરોડ, અમદાવાદ-૧ 
 ફોન: (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮
 કિંમત:  Rs. ૩૭૫ /
  પૃષ્ઠ: ૨૫૮
 ૦ ૦ ૦ 

Sunday, June 30, 2013

વાંચવા જેવું : મધુ રાય આત્મકથા શા માટે નહીં લખે?


 ચિત્રલેખા - જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

 ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’


                                                                                               

લગભગ કહેવતની કક્ષાએ પહોંચી ગયેલી ‘ગમતાંને કરીએ ગુલાલ’ પંક્તિ કવિ મકરંદ દવેની છે, ખરું? ના જી. આ પંક્તિ મૂળ કુન્દનિકા કાપડીઆની છે! બન્ને જીવનસંગી બન્યાં એ પહેલાંની આ વાત છે. કુન્દનિકાજી એ વખતે ‘નવનીત’ સામયિકનાં સંપાદિકા. એક વખત તેમણે મકરંદ દવેેને પત્ર લખ્યો કે  તમે તો ગમતાંને ગુલાલ કરો એવા કવિ છો તો અમને એક સરસ કાવ્ય મોકલો. બસ, આ કાગળ વાંચ્યા પછી, આ પંક્તિ પરથી પ્રેરાઈને મકરન્દ દવેએ કાવ્ય લખ્યું જે મશહૂર થઈ ગયું: ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ...’

આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘સુરીલા સંવાદ’ પુસ્તકમાં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી
Makarand Dave
છે. વાતો પાછી પ્રમાણભૂત છે, કેમ કે જે-તે વ્યક્તિએ ખુદ પોતાના મુખેથી એ ઉચ્ચારેલી છે. લેખિકા આરાધના ભટ્ટ અઢી દાયકાથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયાં છે. સિડની રેડિયો સ્ટેશન માટે એમણે જુદી જુદી ગુજરાતી હસ્તીઓના ઈન્ટરવ્યુ રુબરુ યા તો ફોન પર કર્યા છે. આ પુસ્તક આવી પચ્ચીસ મુલાકાતોનું પ્રિન્ટ વર્ઝન છે. અહીં એક બાજુ નરેન્દ્ર મોદી જેવા રાજકારણી છે, તો સામે મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ જેવા ધર્મગુરુ છે. સુરેશ દલાલ અને અનિલ જોષી જેવા કવિઓ છે, તો સાથે સાથે મધુ રાય અને ફાધર વાલેસ જેવા ગદ્યસ્વામીઓ છે. ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઈલા ભટ્ટ.... સૂચિ ખરેખર પ્રભાવશાળી છે.

‘એક્શન રિપ્લે’ જેવી યાદગાર આત્મકથા લખનાર તારક મહેતા એક પ્રશ્નના ઉત્તરમાં સમાજને શ્વાન સાથે સરખાવે છે. એ કહે છે, ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’



વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં નરેન્દ્ર મોદી આજે વિરાટ સ્વીકૃતિની ધાર પર ઊભા છે. આઈ.ટી. + આઈ.ટી = આઈ.ટી (અર્થાત ઈન્ફર્મેશન ટેકનોલોજી + ઈન્ડિયન ટેલેન્ટ = ઈન્ડિયન ટુમોરો) જેવું ચોટડુક સૂત્ર આપનાર આપનાર નરેન્દ્ર મોદીની રોજિંદી દિનચર્યા કેવી હોય છે? જવાબ સાંભળો:

‘દિવસ તો મારો પણ બીજાની જેમ ૨૪ કલાકનો જ હોય છે. સવારે પાંચ-સવા પાંચ વાગે ઊઠું છું. ઈ-મેઈલ જોવાની ટેવ છે, ઈન્ટરનેટ પર દિલ્હીનાં, બહારનાં છાપાં વાંચવાની ટેવ છે. મારે કારણે રાજ્ય પર બોજ ન આવે એટલે શરીરને સરખું રાખવું જોઈએ, માંદા ન પડાય એવી કાળજી રાખવી જોઈએ, એટલે એને માટે યોગ, વ્યાયામ, પ્રાણાયામ કરવાની ટેવ છે. બાકી ખૂબ સાદું જીવન છે. સવારે આઠ-નવ વાગ્યે કામ ચાલુ કરું છું, રાત્રે પૂરું ન થાય ત્યાં સુધી બંધ કરતો નથી.’

પુસ્તકમાં કેટલીય નિખાલસ કબૂલાતો છે. જેમ કે, ફાધર વાલેસ સ્પષ્ટપણે કહે છે કે હું સ્પેનથી ભારત આવ્યા ત્યારે એવી સંકુચિત મનોદશા લઈને આવ્યો હતો કે ચર્ચ સિવાય મુક્તિ નહીં. આઉટસાઈડ ધ ચર્ચ ધેર ઈઝ નો સાલ્વેશન. પણ ભારતમાં આવીને ફાધર સમજ્યા કે મુક્તિ બધે જ હોય છે. સાચા દિલનો માણસ હોય તો એ ભગવાન પાસે જરુર જઈ શકે. આપણા સૌના મનમાં રમતા હોય એવા સવાલો લેખિકાએ મહાનુભાવોને અચૂકપણે કર્યાં છે. દષ્ટાંત તરીકે, મોરારિબાપુને એ પૂછે છે કે આપને જીવનમાં ક્યારેય ઘોર નિરાશાનો અનુભવ થયો છે ખરો? જો થયો હોય તો એ લાગણીમાંથી શી રીતે બહાર નીકળો છો? મોરારિબાપુ કહે છે:

Morari Bapu
‘હું શરણાગતિમાં માનું છું. જેની પાસે શરણાગતિનો રસ્તો હોય, શ્રદ્ધાનો માર્ગ હોય એ નિરાશ ન થાય. મારા જીવનમાં એક પણ એવી ઘટના બની નથી કે હું નિરાશ થયો હોઉં. જે મોડથી ગુજરવું પડ્યું, હરેક ઘાટને મેં પ્રણામ કર્યા છે અને તેથી ગતિ ચાલુ જ રહી છે. કોઈ નિરાશાએ મને રોક્યો નથી... નિરાશામાંથી બહાર નીકળવાનો એક મોટામાં મોટો ઉપાય મારી દષ્ટિએ સાધુ ચરિત વ્યક્તિનો સંગ છે. એક સારી સોબત, એક સારી કંપની માણસને નિરાશામાંથી બહાર કાઢી શકે છે.’

સ્વામી સચ્ચિદાનંદના કાંતિક્રારી અને આક્રમક વિચારો હંમેશાં ધારી અસર પેદા કરતા હોય છે. એ કહે છે કે મુઠ્ઠીભર મુસ્લિમ કે અંગ્રેજ કે કોઈ પણ પ્રજા વર્ષો સુધી તમારા પર રાજ કરે તો એમનામાં કોઈ ખૂબીઓ જરુર હોવી જોઈએ. હિન્દુવાદી સંસ્થાઓએે ખરેખર તો જનતાને આ પ્રજાઓની ખૂબીઓ અને આપણી ખામી બતાવવી જોઈતી હતી. એને બદલે એ જનતાને ‘હમ મહાન હૈ’નો નશો ચડાવતી રહી. ખામીઓ ધ્યાનમાં લાવવાને બદલે પ્રજાને ઊલટા ભારતીય સંસ્કૃતિની મહાનતાની ભાંગના નશામાં ચકચૂર રાખો તો આપણી કમી કઈ રીતે નાબૂદ થવાની? ‘વીરતા પરમો ધર્મ’ એવું સૂત્ર આપીને સ્વામીજી સ્પષ્ટપણે કહે છે કે વીરતા અને અહિંસા એ કંઈ પરસ્પર વિરોધી બાબતો નથી.

મધુ રાયની આત્મકથાની આપણે સૌ તીવ્રતાથી રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્રકાંત બક્ષીએ તો એનું શીર્ષક પણ નક્કી કરી નાખ્યું હતું - ‘રિટર્ન ટિકિટ’. કમબખ્તી એ છે કે મધુ રાય આત્મકથા લખવાના કોઈ મૂડમાં નથી. એ કહી દે છે કે મારાં લખાણોમાં મારી આત્મકથા એવી વણાયેલી છે કે એ ફરી લખવાનો અર્થ નથી અને જે નથી લખાયું તે લખવાની હિંમત નથી!

મુલાકાતમાં કેવળ ઉત્તર આપનારનું જ નહીં, બલકે પ્રશ્ન પૂછનારનું વ્યક્તિત્ત્વ પણ છતું થતું હોય છે. લેખિકા જે રીતે સવાલો પૂછે છે અને પછી જવાબોને પચાવીને શબ્દોમાં ઢાળે છે એના પરથી એમની સમજ, નિષ્ઠા અને પક્વતા સ્પષ્ટ થાય છે. સુઘડ છપાઈ ધરાવતાં આ પુસ્તક સાથે એક્સ્ટ્રા બોનસ પણ છે- આ તમામ મુલાકાતોને આવરી લેતી ઓડિયો સીડી. વાંચવાનો જલસો પડે એવું સુંદર પુસ્તક.           0 0 0


  સુરીલા સંવાદ


લેખિકા: આરાધના ભટ્ટ

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧

ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩ 
કિંમત:  ‚. ૩૯૫ /
પૃષ્ઠ:  ૨૩૮


૦ ૦ ૦

Tuesday, April 2, 2013

વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ : દુનિયા પાગલ હૈ યા ફિર મૈં દીવાના


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - તા. ૩ એપ્રિલ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આ ફિલ્મમાં પાગલપણાની ધાર પર ફેંકાઈ ગયેલા માણસોની રોમાંચક કથા છે. જેક નિકોલસન શા માટે મહાન અભિનેતા ગણાય છે તે સમજવા માટે પણ આ ફિલ્મ જોવા જેવી છે. 







ફિલ્મ નંબર ૧૬. વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ 

સમજણા થયા હોઈએ ત્યારથી અમુક ક્લાસિક ફિલ્મોનાં નામ સતત કાને પડતાં હોય છે અથવા વાંચવામાં આવતાં હોય છે. આખરે તે જોવાની તક મળે ત્યારે સમજાય કે શા માટે આ ફિલ્મ આટલી મહત્ત્વની ગણાય છે. ‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ આવી જ એક ફિલ્મ છે.

ફિલ્મમાં શું છે? 

એક પાગલખાનું છે. અહીં જાતજાતના પાગલોને રાખવામાં આવ્યા છે. તેમને સમયસર દવા આપવામાં આવે,  એક્સરસાઈઝ કરાવવામાં આવે. નિયમો અને શિસ્તના નામે તેમના પર કેટલાય પાબંદીઓ લગાડવામાં આવી છે. એક દિવસ રેન્ડલ મેકમરફી (જેક નિકોલસન) નામના ‘દર્દી’ને અહીં લાવવામાં આવે છે. તે સાથે જ પાગલખાનાનો આખો માહોલ બદલાઈ જાય છે. મેકમરફી ભારાડી માણસ છે. ભૂતકાળમાં કેટલાય ગુના કરી ચુક્યો છે. એને જેલવાસની સજા કરવામાં આવી હતી, પણ આ સજા ભોગવવી ન પડે તે માટે એ પોતાની જાતને ચક્રમ જાહેર કરે છે. એની ગણતરી એવી છે કે  ભલે ગાંડા ગણાઈએ પણ મેન્ટલ હોસ્પિટલમાં પ્રમાણમાં આરામદાયક જીંદગી તો જીવવા મળે. પાગલખાનાના સાહેબોએ નક્કી કરવાનું છે કે મેકમરફી ખરેખર કેટલો પાગલ છે.



રેચેડ (લુઈસ ફ્લેચર) નામની મહિલાનું મેન્ટલ હોસ્પિટલમાં સૌથી વધારે ઉપજે છે. એને તમે નર્સ, કાઉન્સેલર, હેડ મેટ્રન કે કંઈ પણ કહી શકો. વર્તાવ અને દેખાવે તો એ શરુઆતમાં સૌમ્ય લાગે છે, પણ ધીમે ધીમે એના અસલી રંગ બહાર આવતા જાય છે. દર્દીઓ પર એની ખૂબ ધાક છે. એવા કેટલાય દર્દીઓ એવા છે, જે પાગલપણામાંથી બહાર આવી ગયા હોવા છતાં સ્વેચ્છાએ અહીં હીણપતભર્યું જીવન જીવે છે. દેખીતું છે કે મેકમરફી જેવો ટપોરી નર્સ રેચેડને તાબે ન જ થાય. હવે શરુ થાય છે નર્સ રેચેડ અને મેકમરફી વચ્ચેની ચડસાચડસી. જેમ કે, એક વાર કાઉન્સેલિંગ સેશનમાં મેકમરફી માગણી કરે છે કે અમારું શેડ્યુલ બદલવામાં આવે કે જેથી અમે ટીવી પર બેઝબોલની વર્લ્ડ સિરીઝ જોઈ શકીએ. આ માગણી પૂરી થતી નથી તો એ ધરાર આઠ-દસ પાગલોને બહાર ભગાડીને કારનામા કરે છે.

પાગલખાનાના દર્દીઓ પ્રત્યે મેકમરફીને સાહજિક હમદર્દી છે. તેમની સાથેના એના સંબંધો ધીમે ધીમે ગાઢ બનતા જાય છે. તેમાંથી એક છે ચીફ બ્રોમડેન (વિલ સેમ્પસન) નામનો સાડા-છ ફૂટીયો અને બહેરો-મૂંગો આદમી. એનો પથરીલો ચહેરો કાયમ ભાવશૂન્ય રહે છે. મેકમરફી એને સરસ રીતે વોલીબોલ રમાડતો કરી દે છે. એક વાર પાગલખાનામાં ધમાલ થઈ જાય છે. તોફાનીઓને ઈલેક્ટ્રિક શૉક આપવા લઈ જવામાં આવે છે ત્યારે મેકમરફીને ખબર પડે છે કે ચીફ તો મારો બેટો શકે છે. મૂક-બધિર હોવાનું એ ખાલી નાટક કરી રહ્યો છે!



મેકમરફીનો ઉત્પાત વધતો જાય છે. નર્સ રેચેડ નક્કી કરે કે મેકમરફી ભલે સડતો રહે અહીં પાગલખાનામાં. સાલો એ જ લાગનો છે. એક પછી એક કેટલીય ઘટનાઓ બનતી જાય છે. મેકમરફી અને ચીફ અહીંથી છટકીને કેનેડા નાસી જવાનો પ્લાન કરે છે. આ પ્લાનિંગના ભાગરુપે મરફી નાઈટ-ડ્યુટી કરતા વોર્ડબોયને ફોડે છે અને પોતાની બે મહિલા-મિત્રોને શરાબની ખૂબ બધી બાટલીઓ લઈને મેન્ટલ હોસ્પિટલમાં બોલાવે છે. પાગલખાનામાં પાર્ટીનો માહોલ ઊભો થાય છે. બિલી (બ્રેડ ડોરિફ) નામના  તોતડા અને યુવાન પાગલને એક યુવતી ગમી જાય છે. મેકમરફી બન્નેને એક ઓરડીમાં ધકેલે છે:  જાઓ, ઍશ કરો તમતમારે. બન્ને ઍશ કરીને બહાર આવે તે પહેલાં દારુ ઢીંચેલા પાગલો, મેકમરફી, વોર્ડબોય સહિત સૌ ઊંધી જાય છે. નાસી જવાના પ્લાન પર દારુ ફરી વળે છે. સવારે નર્સ રેચેડ કમઠાણ જોઈને ચોંકી ઉઠે છે. દર્દીઓની ગણતરી કરવામાં આવે છે. બિલી ક્યાંય દેખાતો નથી. શોધખોળ કરતાં ખબર પડે છે કે એ તો નગ્નાવસ્થામાં કોઈ સ્ત્રી સાથે પથારીમાં  પડ્યો છે. નર્સ રેચેડ એને ધધડાવી નાખે છે: શરમ નથી આવતી તને? તારી મા મારી જૂની બહેનપણી છે. કહી દઉં એને કે અહીં તું કેવા ધંધા કરે છે? બિલી ફફડી ઉઠે છે: ના ના, મારી માને કંઈ ન કહેતા, પ્લીઝ. રડતા-કકડતા બિલીને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે. બિલી ગ્લાસ ફોડી એના કાચથી કાંડાની નસ કાપી નાખે છે. એનો જીવ ઉડી જાય છે. મેકમરફીને ભયાનક ગુસ્સો આવે છે. તે રેચેડ પર હિંસક હુમલો કરી એનું ગળું દબાવી દે છે. જોકે છેલ્લી ઘડીએ રેચેડને બચાવી લેવામાં આવે છે.

ફિલ્મ હવે ક્લાઈમેક્સ પર પહોંચી ચૂકી છે. મેકમરફી ગાયબ છે. પાગલ દોસ્તોને કશી જ ખબર નથી કે એનું શું થયું. એક રાત્રે અચાનક બે વોર્ડબોય મેકમરફીને લાવીને એના પલંગ પર સૂવડાવી દે છે. ચીફનું ધ્યાન જતાં એ ઊભો થઈને મેકમરફી પાસે આવે છે. એ શું જુએ છે? મેકમરફીને ઈલેક્ટ્રિક શૉક આપી આપીને જીવતી લાશ જેવો બનાવી દેવામાં આવ્યો છે. ચીફનો જીવ કકડી ઉઠે છે. આ  શું હાલત કરી નાખી છે મારા દોસ્તની? અમે તો અહીંથી મુક્ત થઈને કેનેડા જતા રહેવાનાં સપનાં જોયા હતા. ચીફ કશુંક વિચારી લે છે. અહીંથી કોઈપણ હાલતમાં મુક્ત થવાનું છે એ તો નક્કી છે. ચીફ હવે એક અકલ્પ્ય અને હેબતાવી દે એવું પગલું ભરે છે. ચીફ એક્ઝેક્ટલી શું કરે છે અને બન્ને દોસ્તારોને કેવી રીતે મુક્તિ મળે છે તે અમે નહીં કહીએ. એ તમારે ડીવીડી પર જોઈ લેવાનું.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ કેન કેસી નામના લેખકે ૨૬ વર્ષની ઉંમરે લખેલી નવલકથા પર આધારિત છે. ન્યુ અમેરિકન લાયબ્રેરીના બેસ્ટસેલર લિસ્ટમાં તે લાગલગાટ ૨૫૮ અઠવાડિયાં સુધી અડીખમ ટકી રહી હતી. જોકે અભિનેતા કર્ક ડગ્લસે (એક્ટર અને આ ફિલ્મના પ્રોડ્યુસર માઈકલ ડગ્લસના પપ્પા) નવલકથા છપાઈ તે પહેલાં જ વાંચી લીધી હતી અને તેના થિયેટ્રિકલ રાઈટ્સ પણ ખરીદી લીધા હતા. નવલકથા પરથી પહેલાં તો ૧૯૬૩માં નાટક બન્યું. ત્યાર બાદ ફિલ્મ તો છેક બાર વર્ષ પછી બની. મહેનતાણાના મામલામાં કેન કેસીને તીવ્ર અસંતોષ રહી ગયો હતો. ચેકોસ્લોવેકિયન ડિરેક્ટર મિલોસ ફોરમેનને આ ફિલ્મ થકી હોલીવૂડમાં પ્રવેશ કરવાની તક દેખાતી હતી.



મેકમરફીની મુખ્ય ભુમિકા અન્ય એકાદ એક્ટર સહિત માર્લોેન બ્રાન્ડોને પણ ઓફર થઈ હતી, પણ આખરે જેક નિકોલસન ફાયનલાઈઝ થયા. એ વખતે હોલીવૂડના તેઓ ઝપાટાભેર ઊપસી રહેલા તેજસ્વી સિતારા હતા. નર્સ રેચેડનું ‘પોલિટિકલી ઈનકરેક્ટ’ કિરદાર આગળ પડતી પાંચ અભિનેત્રીઓએ નકારી કાઢ્યું હતું. શેલી ડુવોલને છેલ્લી ઘડી સુધી સ્ટેન્ડ-બાય તરીકે રાખવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું ત્યાર બાદ તેને લીલી ઝંડી દેખાડવામાં આવી હતી. સૌથી કઠિન કાસ્ટિંગ ચીફનું હતું. સારી અભિનય કરી શકતો હોય એવો મહાકાય એેક્ટર ક્યાંથી શોધવો? લગભગ ચમત્કારિક રીતે ડિરેક્ટરને વિલ સેમ્પસન મળી ગયા, જે ખરેખર તો ટ્રક ડ્રાઈવર અને હોર્સ-ટ્રેડર હતા. આ ફિલ્મની જબરદસ્ત વાત એ છે કે માત્ર મુખ્ય પાત્રો જ નહીં, પણ નાનાંમોટાં તમામ પાત્રો માટે અફલાતૂન કાસ્ટિંગ થયું છે. ડિરેક્ટર એક વાતે બહુ સ્પષ્ટ હતા કે તમામ પાગલોના દેખાવ એકબીજા કરતાં સાવ જુદાં તેમજ જોતાં જ યાદ રહી જાય તેવાં હોવાં જોઈએ. એવું જ થયું. અમેરિકાભરમાંથી સેંકડો એક્ટરોના ઓડિશન લેવામાં આવેલાં. બિલીના પાત્રમાં દેખાતા બ્રેડ ડોરિફ સહિતના કેટલાય અેક્ટરો રંગભૂમિના કલાકારો છે.  ફિલ્મને અધિકૃત લૂક મળે તે માટે ઓરેગોનની એક સાચુકલી મેન્ટલ હોસ્પિટલમાં શૂટિંગ કરવામાં આવ્યું. બેકગ્રાઉન્ડમાં દેખાતાં કેટલાંક પાગલો એક્ટરો નથી બદલે ખરેખરા દર્દી છે. તબક્કાથી જ દરમિયાન કલાકારો સેટ પર જ પડ્યા-પાથર્યા રહેતા અને અસલી દર્દીઓનો વર્તન-વ્યવહારનો ઝીણવટભેર અભ્યાસ કરતા. એક મજાની આડવાત. આપણા ફેવરિટ મધુ રાયે આ ફિલ્મ પરથી ગુજરાતી નાટક લખ્યું હતું, જેનું નામ હતું ‘ચાન્નસ’. કેતન મહેતાએ તે ડિરેક્ટ કરેલું. રંગભૂમિના કેટલાય ધુરંધર એક્ટરોએ તેમાં કામ કરેલું. જેક નિકોલસનવાળો રોલ પરેશ રાવલે ભજવેલો.

દુનિયાભરના ઓડિયન્સે ‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ને જબરદસ્ત રિસ્પોન્સ આપ્યો. ઓસ્કરની નવ-નવ કેટેગરીમાં તે નોમિનેટ થઈ. જેક નિકોલસનને અગાઉ ચાર વાર નોમિનેશન્સ મળી ચુક્યાં હતા, પણ જીત્યા ક્યારેય નહોતા. ઓસ્કર સમારોહમાં આવવાની આ વખતે એમની જરાય ઈચ્છા નહોતી. અવોર્ડ ફંક્શન શરુ થયું. શરુઆતની એક પછી એક કેટેગરીમાં ફિલ્મ હારતી ગઈ. પણ પછી જોરદાર સપાટો બોલ્યો. તમામ મહત્ત્વના અવોર્ડઝ આ ફિલ્મ તાણી ગઈ. ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પછી ચાલીસ વર્ષ બાદ પહેલી વાર એવું બન્યું કે કોઈ એક ફિલ્મે પાંચેપાંચ મેજર ઓસ્કર (બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે, પિક્ચર) જીતી લીધાં હોય. ક્લાસિક ફિલ્મોના શોખીનો માટે આ ફિલ્મ મસ્ટ-વોચ છે. શરુઆતથી અંત સુધી સતત જકડી રાખતી આ ફિલ્મ પૂરી થઈ ગયા પછીય  ક્યાંય સુધી તમારા મનમાં ઘુમરાયા કરશે. એમાંય પાગલપણાની ધાર પર પહોંચી ગયેલા આદમીનાં પાત્રમાં જેક નિકોલસનની અદભુત એક્ટિંગ જોઈને તમે, વેલ, પાગલ થઈ જશો.

‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’  ફેક્ટ ફાઈલ 




ડિરેક્ટર           : મિલોસ ફોરમેન
મૂળ નવલકથાકાર  : કેન કેસી
સ્ક્રીનપ્લે          : લોરેન્સ હોબેન, બો ગોલ્ડમેન
કલાકાર           : જેક નિકોલસન, લૂઈસ ફ્લેચર, વિલ સેમ્પસન
રિલીઝ ડેટ        : ૧૯ નવેમ્બર, ૧૯૭૫
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે અને પિક્ચરના ઓસ્કર અવોર્ડઝ

૦૦૦૦૦૦૦૦૦

Sunday, September 25, 2011

ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે...

ચિત્રલેખા - અંક તા. ૩ ઓક્ટોબર ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું






‘આપણે મોટા થઈ ગયા છીએ એની જાણ આપણને બીજાઓ દ્વારા થતી હોય છે.’



અભિનેતા અનુપમ ખેરે એકવાર પત્રકાર-લેખિકા ભાવના સોમૈયાને આ ચોટડૂક વાત કહી હતી. મોટા થઈ જઈએ અને સમયની સાથે પુખ્તતા ઘૂંટાતી જાય પછી પણ પ્રારંભિક જીવન સાથેનું અનુસંધાન જળવાઈ રહેતું હોય છે. બાળપણ સાથેનો માનસિક સેતુ આપણને સુખ આપે, કૌતુક જન્માવે, ઉદાસ કરી મૂકે, અમુક પ્રશ્નોના ઉત્તરો આપે તો ક્યારેક સાવ નવા સવાલો ખડા કરી દે. પ્રસ્તુત પુસ્તકમાં ૬૩ વ્યક્તિઓએ પોતાના બાળપણને સંભાર્યું છે.



રોજ સવારે હજી આંખો પણ ખૂલી ન હોય ત્યાં ઉઠાડી, નવડાવી, દૂધ પીવડાવી જેઠા મહારાજ ખભે બેસાડી ટીંગાટોળી કરી બાળમંદિરે મૂકી આવતા તે દિવસો ‘ગુજરાત સમાચાર’ના ઑનર અને તંત્રી શ્રેયાંસ શાહ હજ ભૂલી શક્યા નથી. તેઓ કહેે છે, ‘ખભે બેસી રડતા રડતા માથા પર કેટકેટલા મુક્કા માર્યા હશે તે યાદ નથી, પરંતુ જેઠા મહારાજે મારેલી બે લપડાકો તો જીવનભર યાદ રહી ગઈ છે અને ત્યારથી સ્કૂલ જતા રડવાનું કે તોફાન કરવાનું ભૂલાઈ જ ગયું!’



વીતેલા જીવનની કઈ વાત ચિત્તના કયા પડળમાં કટલી તીવ્રતાથી નોંધાયેલી રહે, કેટલી ગળાઈ જાય અને કેટલી નાશ પામે તે માટેનું કોઈ ગણિત હશે ખરું? શબ્દસૃષ્ટિ સામયિકના સંપાદક હર્ષદ ત્રિવેદી તો કહે છે કે, ‘મને મારું બચપણ જ યાદ છે. એ પછીનું તો બધું ટેમ્પરરી...’ લેખક મધુ રાય આ વાત આ રીતે મૂકે છેઃ ‘દિમાગમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની જેમ મનમાં પ્રસંગો ડોકાય છે ને મનવાને અચરજ થાય છે, રે રે? આવું આમ હતું? પેલું નામ શું હતું? અમુકની હોઠની ધાર ઉપર મારી તર્જનીનાં ટેરવાં ફરેલાં? અમુકના શ્વાસ મારી મૂછને અડકેલા? અમુકના અંતર્દેશીય પત્રથી મારા ખૂનનો ચરખો પૂરપાટ ભમ્યો હતો? અમુક પ્રભાતફેરીમાં ‘ભારત માતાકી?’ ‘જૈય!’ બોલતાં ધ્રૂસકું આવ્યું હતું?’



બાળપણને યાદ કરવાથી સમૃદ્ધિ અને ખાલીપો બન્નેનો, ક્યારેક એકસાથે, અહેસાસ થતો હોય છે. આર્કિટેક્ટ-કવિ અવિનાશ પારેખ સીધું જ પૂછી લે છે, ‘કોઈ પળે અવળે હાથે ક્યાંક મૂકાઈ ગયેલી મારી આભલાવાળી કાળી જાદુઈ થેલી તમે કોઈએ જોઈ છે?’ નાનપણને જદા જ અંદાજમાં યાદ કરીને નવલકથાકાર અશ્વિની ભટ્ટ કહે છે, ‘મારી પાસે બધું છે અને તોય મને તેની (એ કિશોર અશ્વિનીની) અદેખાઈ આવે છે. તેનું ઊંટ, તેનાં કબૂતર, તેની કોચમણી... અને સૌથી વધુ કમબખ્તની આંખમાં રમતી મસ્તી અને નિનૈતિક ધીંગામસ્તી... ’



બાળપણ એટલે માત્ર ગુલાબી ગુલાબી અતીત અને મુલાયમ મુલાયમ યાદોનું પોટલું નહીં. હાસ્યલેખક તારક મહેતા, એમના શબ્દોમાં, માંડ દસ દિવસના જંતુ હતા ત્યારે મા એમને પૂછ્યા વગર ગુજરી ગયેલી. હાસ્યકાર વિનોદ ભટ્ટ લખે છે, ‘આ ગરીબી તો મારું આખેઆખું બાળપણ ચાવી ગઈ છે.’ ‘ચિત્રલેખા’ના કાર્યકારી તંત્રી ભરત ઘેલાણીએ નાનપણમાં જાહોજલાલીનું હોવું અને ઓસરવું બન્ને જોયા છે. એમને ત્યાં લાંબીપહોળી પીળાચટ્ટાક રંગની વૈભવી શેવરોલે કાર હતી, જેના ડેશબોર્ડ પરની ચાંપ દબાવતાં જ ઉપરનું હૂડ આસ્તેથી સરકીને, ફોલ્ડ થઈને પાછલી સીટમાં જતું રહેતું અને કાર ઓપરએર બની જતી. આખા કલકત્તામાં આવી ઈમ્પોર્ટેડ શેવરોલે એક ઘેલાણી પરિવાર પાસે જ હતી. તેઓ લખે છેઃ ‘આ ‘દોમ દોમ સાહેબી’નો અર્થ બાળપણમાં બરાબર ખબર નહોતો, કારણ કે એ સહજ હતું. જન્મતાંની સાથે જ એ બધું મળેલું. મોટા થયા, વાંચતા થયા ત્યારે પુસ્તકો-ફિલ્મોમાંથી જે અર્થ સમજાયો હતો ત્યારે જ ખબર પડી કે અમે બાળપણમાં કેવી દોમ દોમ સાહેબી ભોગવી હતી!’



લેખિલા કાજલ ઓઝા-વૈદ્યને લાગે છે કે એમનું બાળપણ એટલું બધું નિર્દોષ કે વહાલસોયું નથી વીત્યું. મુંબઈથી શિફ્ટ થઈને છોકરા-છોકરીઓ એકબીજા સાથે બોલે નહીં એવી અમદાવાદની સ્કૂલમાં તેમણે એડમિશન લીધું હતું. ‘ફ્રી ડ્રેસ’ના પહેલા જ દિવસે એ ટીશર્ટ અને શોટર્સ પહેરીને સ્કૂલે ગયાં અને ત્યારથી જ ‘બીજાથી જદી’ સાબિત થઈ ગયાં. આટલું કહીને લેખિકા ઉમેરે છેઃ ‘એ પછી હું કાયમ ‘જદી’ જ રહી...’ ડોકટર કવિ મુકુલ ચોક્સીની સમસ્યા જોકે જરા અલગ હતી. તેઓ છઠ્ઠા ધોરણમાં કોએજ્યુકેશનવાળી સ્કૂલમાં દાખલ થયા ત્યારે છોકરીઓની બાજમાં બેસવામાં તો ઠીક, છોકરીઓ રક્ષાબંધનના તહેવાર પર રાખડી બાંધે તોય એમને સંકોચ થતો!



બાળપણ પાસે પાછા પહોંચી જવાની ઝંખના હોવી અનિવાર્ય છે? બિલકુલ નહીં. લેખક-પત્રકાર સૌરભ શાહનો એટિટ્યુડ જઓઃ ‘જો કોઈ એમ કહે કે ભઈલા, આ તારી દૌલત-શૌહરતના બદલામાં હું તને તારું બચપન પાછ આપું છ તો હું શું કરું. આ ૨૦૦૯ની સાલમાં (આ પુસ્તક જોકે ૨૦૧૧માં પ્રગટ થયું છે) મારી દૌલત માઈનસમાં છે અને શૌહરત ચીંથરેહાલ છે, પણ આ બધું ટકાટક હોત તો પણ મેં ભગવાનની આ એક્સચેન્જ ઓફર સ્વીકારી ન હોત... કવિઓ-શાયરો માટે આવું બધું બરાબર છે અને કોઈ ગાય તો બે ઘડી મૌજ પણ આપી જાય, પરંતુ આ પ્રકારની રોમેન્ટિસિઝમ મારા મિજાજમાં નથી.’



પત્રકાર ઉર્વિશ કોઠારી કહે છે કે બાળપણ વિશેના ગામ, સીમ, વાડી, વગડો, આંબલીપીપળી કે ‘કાગઝ કી કશ્તી બારીશ કા પાની’ બ્રાન્ડ લખાણોમાં ‘શું હતું’ની સાથે ‘શું હોય તો સારું લાગે’ની ભેળસેળની તીવ્ર સંભાવના રહે છે. આ જોખમસ્થાન તરફ આંગળી ચીંધીને એ ઉમેરે છે, ‘ગાંઘીજીની કડાચોરી કે પરીક્ષામાં ચોરી ન કરવાની ઈમાનદારી, સરદારનું ક્લાસમાં ‘પાડા’ લાવવાનું તોફાન એ બધા ‘પરાક્રમ’નું મોટપણ-મહાનતાના સંદર્ભ વિના, સ્વતંત્ર મૂલ્ય નહીંવત છે.’



ખેર, આ જોખમ સહિત પણ અંકિત ત્રિવેદી સંપાદિત આ લેખો વાંચવા ગમે તેવા છે. આજકાલ આ પ્રકારનાં સંપાદનોનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. આ પુસ્તકમાં સ્થાન પામેલી મોટા ભાગની વ્યક્તિઓનો સંબંધ કલમ અને શબ્દો સાથે છેે. દેખીતાં નામો ઉપરાંત અન્ય કંઈકેટલાંય ક્ષેત્રોની નોંધપાત્ર વ્યક્તિઓનાં લખાણો પણ જહેમતપૂર્વક મેળવવામાં આવ્યાં હોત તો સંગ્રહ ઓર નિખરી ઉઠત.

સાંભરે રે.. બાળપણનાં સંભારણાં...


સંપાદકઃ અંકિત ત્રિવેદી

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧ અને મુંબઈ-૧

ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૩૫૦ /

પૃષ્ઠઃ ૩૨૬





૦ ૦ ૦



Monday, July 4, 2011

હસમુખ ગાંધીએ અણ્ણા હઝારે - બાબા રામદેવ વિશે શું લખ્યું હોત?

ચિત્રલેખા - અંક તા. ૧૧ જલાઈ ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું


Hasmukh Gandhi (Photographs courtesy: Saurabh Shah)

એબનોર્મલ દૈનિક.

પોતે જણેલા અને પોષેલા અખબાર ‘સમકાલીન’ માટે હસમુખ ગાંધી સ્વયં આ શબ્દપ્રયોગ કરતા. અખબાર અથવા સામયિક જો એના તંત્રીના વ્યક્તિત્ત્વનું પ્રતિબિંબ ગણાતું હોય તો એ ન્યાયે સ્વ. હસમુખ ચીમનલાલ ગાંધી (જન્મઃ૧૯૩૨, મૃત્યુઃ ૧૯૯૯) પણ એબનોર્મલ માણસ ગણાય. તંત્રી હસમુખ ગાંધી માટે, અલબત્ત, ‘એબનોર્મલ’ કરતાં ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી’ શબ્દ વાપરવો પડે. તે સિવાય ‘ગાંધીભાઈના આગમન પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ’ અને ‘ગાંધીભાઈના ‘સમકાલીન’ પછીનું આધુનિક ગુજરાતી પત્રકારત્વ’ એવા જે બે સ્પષ્ટ ભાગ પડ્યા છે તે ન પડ્યા હોત.



ગાંધીભાઈના ગાંધીત્વનો આબાદ પરિચય કરાવતું એક સુંદર પુસ્તક, એટલા જ મજાનાં અન્ય ચાર પુસ્તકો સાથે, તાજેતરમાં બહાર પડ્યું છે. સંપુટનું નામ છે, ‘મારા મનગમતા તંત્રીલેખો’. બાકીનાં ચાર પુસ્તકોમાં ભગવતીકુમાર શર્મા (‘ગુજરાત મિત્ર’), શાંતિલાલ શાહ (‘ગુજરાત સમાચાર’), કુંદન વ્યાસ (‘જન્મભૂમિ’) અને અજય ઉમટ (‘દિવ્ય ભાસ્કર’) લિખિત ચુનંદા તંત્રીલેખોનો સંગ્રહ છે. સીમિત જગ્યાને કારણે આપણે અત્યારે હસમુખ ગાંધીના તંત્રીલેખો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.



હસમુખ ગાંધી કલમથી પટ્ટાબાજી ખેલતા અને કોઈને ન બક્ષતા. ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ પ્રકાશિત થયેલા ‘સમકાલીન’ના સૌથી પહેલા અંકના તંત્રીલેખમાં ગાંધીભાઈએ ગર્વિષ્ઠ ઘોષણા કરી હતીઃ ‘છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય એવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દોઃ આ બધાને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે.’ આ ઠાલા શબ્દો નહોતા, ગાંધીભાઈએ આ પ્રમાણે કરી બતાવ્યું.



માહિતીની સમૃદ્ધિ, વૈચારિક સ્પષ્ટતા અને તીખીતમતી ભાષા - ગાંધીભાઈના લખાણમાં આ ત્રણેયનું ડેડલી કોમ્બિનેશન થતું. એમની ચીડ અને અણગમો હંમેશા તીવ્રતાથી વ્યક્ત થતાં. મધર ટેરેસા વિશે બીબીસીએ એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એના સંદર્ભમાં ‘નરકની દેવીનો ભાંડો ફૂટે છે’ એવું શીર્ષક ફટકારીને ગાંધીભાઈએ લખ્યું હતુંઃ ‘મધર ટેરેસાની અસ્કયામતો ત્રીજા વિશ્વના અનેક દેશોની એસેટ્સ કરતાં ચડી જાય એટલી વિરાટ છે. મધર ટેરેસાની પ્રવૃત્તિઓથી કોને લાભ થાય છે? તો કે હીણા ડિટેક્ટરોને, વેટિકનને અને ભ્રષ્ટ લોકોને. સેવા? ક્રાઈસ્ટ, ક્રાઈસ્ટ કરો.’ ઘોંઘાટ વિશેના એક તંત્રીલેખમાં તેમણે ત્રસ્ત થઈને લખ્યું હતુંઃ ‘સૌથી દુષ્ટ પેલા હરેરામકૃષ્ણવાળા છેઃ ઝાંઝપખાજ વડે પિક અવર વખતે ચર્ચગેટ સ્ટેશનમાં તેઓ નાચે છે અને બહાર પુસ્તકો વેચવા માટે માઈકનો ઉપયોગ કરે છે.’



હસમુખ ગાંધી વિશેના એક લેખમાં પત્રકાર-લેખક સૌરભ શાહે લખ્યું છેઃ ‘ગુજરાતી ભાષામાં છપાઈને પડી રહેલું શબ્દનું રૌદ્ર સ્વરૂપ બહાર લાવવાની તેમનામાં જબરદસ્ત ફાવટ. કોઈ નીતિ, વ્યક્તિ કે ઘટના, વિચારની સાથે તેઓ સહમત ન થતા હોય ત્યારે એમની ભાષા સત્તરે કળાએ ખીલી ઊઠતી, સત્તરમી કળા પેપરવેઈટ ઉછાળવાની.’



સહેજે વિચાર આવે કે ગાંધીભાઈ અત્યારે જીવતા હોત તો અણ્ણા હઝારે અને બાબા રામદેવે ઘટનાઓનો જે વંટોળ ઊભો કર્યો છે તેના વિશે કેવું કચકચાવીને લખતા હોત! લંપટ સ્વામી કેશવાનંદનો કિસ્સો બહુ ચગ્યો હતો તે વખતે ગાંધીભાઈએ અંધશ્રદ્ધાળુઓને તો ઠીક, ગુજરાતી અખબારોની પણ બરાબરની ખબર લઈ નાખી હતીઃ ‘ગુજરાતી અખબારોએ વર્ષો સુધી દોરાધાગા, મૂઠમાદળિયાં, વળગાડઉતાર, વહેમ અને અંધશ્રદ્ધાને પોષ્યાં છે. આ અખબારોએ વાંઝિયણ સ્ત્રીને બાળક અવતરે એવો મંત્ર અને એ માટેનું યંત્ર આપનાર ધુતારાઓની ચિક્કાર જાહેરખબરો છાપી છે. હવે આ જ દૈનિકો દિવસો સુધી કેશવાનંદને ટપલી મારતા અગ્રલેખો બહાદુરીપૂર્વક છાપશે. કેવી છલના. કેવી આત્મવંચના. કેવાં બેવડાં ધોરણો.’



પત્રકારત્વ ગાંધીભાઈનું પેશન હતું. ગુજરાતી જર્નલિઝમના તેઓ ‘બિગ ડેડી’ હતા. ગુજરાતી છાપાંમેગેઝિનો, તેમાં કામ કરતા માનવપ્રાણીઓ અને ઈવન વાચકો વિશે વાત કરતી વખતે તમની કલમ જબરી ઉત્તેજિત થઈ જતી. એક લેખમાં તેઓ આકળવિકળ થઈને લખે છેઃ ‘૨૫ ઈન્કમ્બન્ટ તંત્રીઓ અને ૨૫ ભૂતપૂર્વ તંત્રીઓને રાખીને તમે ગુજરાતી પેપર કાઢો તોય એ પેપર ખરાબમાં ખરાબ અંગ્રેજી દેનિક કરતાંય ઊતરતું હશે. આમ કહેવાથી આપણી ગુજરાતી અસ્મિતા ઘવાતી હોય તો તમે, મિસ્ટર નૌતમલાલ ઠક્કર, બે કેરીના રસની સાથે રોટલી વધુ ખાજો. ગુજરાતીમાં (ફોર ધેટ મેટર, વર્નાક્યુલર ભાષાઓમાં) પત્રકારત્વ હતું જ નહીં, છે જ નહીં અને હશે જ નહીં.’



નોતમલાલ ઠક્કર એટલે ગાંધીભાઈએ પેદા કરેલું પોતાના ઓલ્ટર ઈગો જેવું એક કાલ્પનિક પાત્ર. ગાંધીભાઈની અતિશયોક્તિ કરવાની અદા પણ આકર્ષક હતી. ગાંધીભાઈના નિધન પછી મધુ રાયે અંજલિલેખમાં કહ્યું હતુંઃ ‘‘સમકાલીન’ની ભાષામાં એક પર્વર્સ વાઈટાસિટી યાને વકરેલી જવાની હતી. હસમુખભાઈ ગુજરાતી લિપિ સામે સિરજોરી કરતા હતા, ગલોફામાં ભાંગની પકોડી મૂકીને, સાથળ પર થાપા મારીને, આખી ગુજરાતી ભાષાનું આવાહન કરતા હતા... એડિટરસાહેબ પોતાના ‘સબ’લોકો પાસે ભાષાની વ્યાયામશાળામાં લેજિમનૃત્ય કરાવતા, પત્રકારત્વનાં તત્ત્વ શીખવવાની મદરેસા ચલાવતા, અને ખૂનખાર પત્રકાર તરીકેની ખ્યાતિ ઉપાર્જિત કરતા હતા.’



આ પુસ્તકના સંપાદક દિવ્યાંગ શુક્લે ગાંધીભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. તેઓ કહે છે, ‘હું પત્રકારત્વમાં પ્રવેશ્યો એની પહેલાંથી ગાંઘીભાઈના લેખોનાં કટિંગ્સ કરતો અને પછી વર્ષો સુધી કરતો રહ્યો. તેમના મૃત્યુ પછી ‘સમકાલીન’માં અમે નામની પૂર્તિ બે ભાગમાં બહાર પાડી હતી. મને ખૂબ ગમેલા અને સાચવી રાખેલા ગાંઘીભાઈના લેખોમાંથી આ પુસ્તક તૈયાર થયું છે. ગાંધીભાઈને આપેલી આ મારી ગુરૂદક્ષિણા છે...’



કહે છે ને કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા સ્થળે કોઈ પણ જગ્યાએ કેમેરા ધરીને ક્લિક ક્લિક કરી દો તો પણ તસવીર અફલાતૂન જ આવે. ગાંધીભાઈનાં લખાણોનું પણ એવું જ. જલસો કરાવે એવું આ પુસ્તક મિસ કરવા જેવું નથી.                                                                   000


(મારા મનગમતા તંત્રીલેખો - હસમુખ ગાંધી
સંપાદકઃ દિવ્યાંગ શુક્લ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન્સ, મુંબઈ-૧

ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧
કિંમતઃ રૂ. ૧૫૦ /

પૃષ્ઠઃ ૧૩૮)