Showing posts with label Saptapadi. Show all posts
Showing posts with label Saptapadi. Show all posts

Saturday, February 2, 2013

સત્ય વચન!


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 3 ફેબ્રુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

 સરસ કલાકારો, સુંદર પર્ફોર્મન્સીસ અને આહલાદક શહેરી માહોલ. તાજી તાજી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’ આપણી ભાષામાં એક સરસ વસ્તુ જોયાનો ભરપૂર સંતોષ જન્માવે છે. 



એ મધ્યમવયસ્ક મોડર્ન ગૃહિણી છે. ખૂબ પ્રેમાળ અને માયાળુ છતાંય મક્કમ. અતિ સંવેદનશીલ છતાંય સિદ્ધાંત ખાતર વજ્ર જેવી સખત. ધનાઢ્ય પુુરુષની પત્ની છે, પણ સતત ગુજરાતી સાડી પહેરી રાખે છે. ઈવન, ઈવનિંગ વોક કરતી વખતે પણ સાડી નીચે વોકિંગ શુઝ ચડાવી લે છે. અમેરિકામાં ભણતી અને લાંબા વીકએન્ડ પૂરતી ઈન્ડિયા આવેલી યુવાન દીકરી સાથે એ આત્મીય સખીની જેમ દિલથી અંતરંગ વાતો વાતો શર કરે છે. એને વાતવાતમાં ટપારી પણ લે છે, ‘ભણવામાં ધ્યાન આપજે. ફેસબુક ઓછું કરી નાખજે.’ એ સ્વાતિ છે. ડો. સ્વાતિ સંઘવી.

એ સક્સેસફુલ બિઝનેસમેન છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડો રુપિયાનાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. બિઝનેસ વિસ્તારતા જવામાં એને ભલે સૌથી વધારે ‘કિક’ લાગતી હોય, પણ એનું વ્યક્તિત્ત્વ શુષ્ક બિલકુલ નથી. જરુરતમંદને એ ફટાક કરતો તગડા ચેક પર સહી કરીને આપવાની ચેષ્ટા કરે ત્યારે એમાં સમસંવેદન ઓછું અને રુઆબ વધારે છલકે છે. જોેકે પૈસાએ એને બગાડ્યો નથી. પાક્કો પત્નીવ્રતો છે. બાપ તરીકે પણ એટલો જ પ્રેમાળ. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેટી સાથે વાત કરતી વખતે લાગણીશીલ બની જાય છે. એ સિદ્ધાર્થ છે. સિદ્ધાર્થ સંઘવી.

સ્વાતિ અને સિદ્ધાર્થ આ શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી: આઠમું વચન’નાં મુખ્ય પાત્રો છે. અહીં ‘ગુજરાતી’ શબ્દ નીચે જાડ્ડીપાડ્ડી અન્ડરલાઈન કરેલી છે એમ કલ્પી લો. થેન્ક ગોડ, આપણે જેની કલ્પના કરતાં પણ થરથર કાંપી ઉઠીએ છીએ એવી  ટિપિકલ અને ભયાનક ગુજરાતી ફિલ્મોથી ‘સપ્તપદી’ જોજનો દૂર છે. ગામડાં, પાઘડાં, રાસડા, ટાયલાં - આમાંનું કશું જ અહીં નથી. આ એક નખશિખ સોફિસ્ટીકેટેડ અને શહેરી ફિલ્મ છે. એનું સાદું કારણ એ છે કે ફિલ્મને બનાવનારી ટીમ સોફિસ્ટીકેટેડ, શહેરી અને ક્રિયેટીવ છે. સરસ મજાની વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાનો આઈડિયા જયા બચ્ચનને આવ્યો અને એક પ્રક્રિયા શરુ થઈ. વાર્તા બોસ્ટનવાસી કવિ-નાટ્યકાર ચંદ્રકાંત શાહનાં છે. એમણે અને સેલિબ્રિટી લેખિકા કાજલ ઓઝા-વૈદ્યે ફિલ્મના સંવાદો લખ્યા છે. મિસ ઈન્ડિયા અને રંગભૂમિ-હિન્દી ટીવી સિરિયલોમાં સુપરહિટ ભુમિકાઓ કરી ચુકેલાં સ્વરુપ સંપટ ફિલ્મનાં નાયિકા છે. સફળતમ ટીવીસ્ટાર્સમાં સ્થાન પામી ચુકેલા માનવ ગોહિલ ‘સપ્તપદી’ના હીરો છે. ફિલ્મના નેશનલ અવોર્ડવિનર ડિરેક્ટર નિરંજન થાડે ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)ના ગ્ર્ોજ્યુએટ છે. તેઓ ભલે મરાઠી રહ્યા, પણ ગુજરાતી સંસ્કૃતિથી સુપરિચિત છે. સંગીતકાર રજત ધોળકિયાએ ગીતો તૈયાર કયાર્ર્ં છે. પીયૂષ કનોજિયાએ અસરકારક બેકગ્ર્ાઉન્ડ મ્યુઝિક આપ્યું છે.  



ફિલ્મની હૃદયસ્પર્શી કહાણી એક કરતાં વધારે સ્તરો પર આગળ વધે છે. પતિ-પત્ની સાપુતારામાં આવેલાં એમના હોલીડે હોમમાં રજાઓ ગાળવા ગયાં છે. (જે કામ ગુજરાત ટુરિઝમ નથી કરી શક્યું એ સંભવત: આ ફિલ્મ કરી બતાવશે. અહીં સાપુતારા એટલું રુપાળું દેખાય છે કે ફિલ્મ પછી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા ચોક્કસપણે વધી જવાની.) સ્વાતિની મુલાકાત મોહસીન નામા એક મુસ્લિમ કિશોર સાથે થાય છે. દસ-બાર વર્ષના આ નિર્દોષ છોકરો સતત આતંકિત અને ગભરાયેલો રહે છે. બાળમાનસની અભ્યાસુ સ્વાતિ સહજપણે મોહસીન તરફ ખેંચાય છે. ભયાનક દુર્ઘટનાનો સાક્ષી અને શિકાર બની ગયેલા મોહસીનને કોઈ પણ ભોગે સ્વસ્થ કરવો તે સ્વાતિનું મિશન બની જાય છે. સ્વાતિનો આશય ઉદાત્ત છે, પણ એને ક્યાં ખબર હતી કે છોકરાને સાજો કરવાના પ્રયત્નોને કારણે એનાં લગ્નજીવનમાં ભૂકંપ આવી જવાનો છે? એવું તે શું બન્યું હતું મોહસીન સાથે? સ્વાતિ શી રીતે પોતાનાં સ્વમાન અને લગ્નજીવન વચ્ચે સંતુલન સાધે છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

‘સપ્તપદી’ની મજા એ છે કે એણે ગુજરાતી ફિલ્મોની ગંદીગોબરી, લગભગ ડાયનોસોરના જમાનાથી ઢસડાઈ આવેલી દુષ્ટ ફોમ્યુલાની પૂંઠ પર કચકચાવીને લાત મારીને ક્યાંય દૂર ફગાવી દીધી છે. આ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ મલ્ટિપ્લેક્સમાં જતાં અને ઈન્ટરવલમાં મોજથી બર્ગર-પોપકોર્ન-નાચોઝ ખાતા શહેરી દર્શકો છે. શું આ પ્રેક્ષકો ‘સપ્તપદી’ સાથે, એના માહોલ અને પાત્રો સાથે આઈડેન્ટિફાય કરી શકે છે? હા, બિલકુલ. ફિલ્મની આ પહેલી સૌથી મોટી સફળતા છે.



ટ્રોમા અનુભવતા બાળકની સારસંભાળ અને એનું પુનર્વસન - પહેલી નજરે આ વિષય આમ તો ડોક્યુમેન્ટરીનો લાગે. પણ ફિલ્મના બે મુખ્ય પ્લોટ પોઈન્ટ્સમાંનો તે એક છે. ડિરેક્ટરે એકધારાં રહસ્ય અને લગ્નજીવનનાં વિવિધ રંગો સાથે આ મુદ્દાને સરસ રીતે ભેળવીને એક આકર્ષક મિશ્રણ તૈયાર કયુર્ર્ં છે. ફિલ્મ કડક છે, જકડી રાખે છે. પ્રોડક્શન વેલ્યુ પણ મજાની છે. આ આપણે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ તે વાતનું કૌતુક થોડી જ મિનિટોમાં શમી થઈ જાય છે અને પછી તમે કોઈ એક સારી, વેલ-ઈન્ટેશનલ ફિલ્મ જોઈ રહ્યા છો એ જ લાગણી છવાયેલી રહે છે. ‘સપ્તપદી’ની આ બીજી સૌથી મોટી સફળતા છે.

તમામ મુખ્ય કલાકારોએ સરસ અભિનય કર્યો છે. સ્વરુપ સંપટે નિર્વિવાદપણે વધારે ફિલ્મો કરવી જ જોઈએ. મોહસીન બનતા હિત સોમાણી પાસેથી ડિરેક્ટરે સરસ અભિનય કરાવ્યો છે. ખાસ કરીને અંતિમ ઘટસ્ફોટ વખતે. ઉત્કર્ષ મઝુમદાર ખૂબ સરસ. પોલીસ કમિશનરના રોલમાં હોમી વાડિયા થોડી જ મિનિટો માટે પડદા પર આવે છે, છતાંય પ્રભાવશાળી છાપ છોડી જાય છે. ઉત્તમ, ઘડાયેલા કલાકારોની વરણી કરવાનો આ જ ફાયદો છે. ફિલ્મનો હુકમનો એક્કો, અલબત્ત, માનવ ગોહિલ છે. અસરકારક અભિનય, સુંદર ડાયલોગ ડિલીવરી, ચામિર્ંંગ (charming) પર્સનાલિટી અને સુપર્બ સ્ક્રીન પ્રેઝન્સ. થ્રી ચિયર્સ ફોર માનવ ગોહિલ!



અલબત્ત, ‘સપ્તપદી’માં ક્ષતિઓ છે જ. ફિલ્મનો પ્રવાહમાં વચ્ચે અણધાર્યા જમ્પ આવી જાય છે. તેને લીધે કેટલીક બાબતોમાં પ્રસ્થાપિત થઈ શકતી નથી. જેમ કે, આ કપલ મુંબઈનું છે કે અમદાવાદનું?  જો તે મુંબઈનું હોય તો હીરો ધુંઆફુંઆ થતો સાપુતારા ધસી આવે છે ત્યારે એની મર્સિડીઝ પર ગુજરાતની નંબરપ્લેટ શા માટે છે? આ તો જોકે નાની વાત થઈ, પણ એકબીજા પર મેનહટ્ટન-મણિનગર ઓવારી જતાં પતિ-પત્ની આટલી ઝડપથી અને આસાનીથી કેવી રીતે વિખૂટાં પડી ગયાં? લગ્નજીવનમાં પેદાં થતી કટોકટી માટે જરુરી બિલ્ડ-અપ અહીં મિસિંગ છે. આતંકવાદી બનતા રાજેન્દ્ર ગુપ્તા ખોટું ગુજરાતી બોલીને મજા બગાડી  નાખે છે. આખી ફિલ્મના સંવાદોમાં અંગ્રેજી ભાષાનો પ્રચુર માત્રામાં પ્રયોગ થયો તે બરાબર છે, મોટા ભાગનાં દશ્યોમાં તે સરસ પણ લાગે છે, પણ હીરો દુખી દુખી થઈ ગયો હોય ત્યારે બેકગ્ર્ાઉન્ડમાં એકાએક ‘લોનલીનેસ.... શું છે આ લોનલીનેસ...’ કરતું જે ગીત વાગે છે તે  સાવ કૃત્રિમ લાગે છે. ખેર.

થોડા અરસા પહેલાં આશિષ કક્કડે ‘બેટર હાફ’ (ધર્મેન્દ્ર ગોહિલ, નેહા મહેતા) નામની અર્બન માહોલવાળી સરસ ફિલ્મ બનાવી હતી ત્યારે લાગતું હતું કે ચલો, ગુજરાતી સિનેમામાં કંઈક બન્યું ખરું. થોડા શૂન્યાવકાશ પછી અભિષેક જૈને ગયા વર્ષે ‘કેવી રીતે જઈશ?’ નામની અફલાતૂન અને સુપરહિટ બનાવીને આપણને સૌને પુલકિત કરી દીધા. તે પછી, આ જ ઢાળમાં હવે ‘સપ્તપદી’ આવી છે. ‘કેવી રીતે જઈશ?’નું આ તગડું ફોલો-અપ છે.  
 
‘સપ્તપદી’ ભલે પરફેક્ટ ફિલ્મ નથી, પણ એની ક્ષતિઓને અવગણીને તેને માણી શકાય છે. તમે એક સરસ ફિલ્મ જોઈ, અને એ પણ આપણી પોતાની ભાષામાં, તે વાતનો ભરપૂર સંતોષ ‘સપ્તપદી’ જન્માવે છે. આ શુક્રવાર-શનિવાર દરમિયાન તમે આ ફિલ્મ ઓલરેડી જોઈ લીધી હોય તો અલગ વાત છે, બાકી આજે રવિવારે તમારે શાનો પ્રોગ્ર્ાામ બનાવવાનો છે તે કહેવાની જરુર ખરી?

શો-સ્ટોપર 

એક વાર અક્ષયકુમારે મને પૂછેલું કે તું કેમ ક્યારેય મારી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતો નથી? મેં એને જવાબ આપ્યો કે જો ભાઈ, હું કોઈનો ચમચો નથી. હું કામ માગવા માટે નથી કોઈને આજીજી કરતો કે નથી કોઈ હીરોના પગના તળિયા ચાટતો.

- અનિલ કપૂર

 

Sunday, October 21, 2012

12 સ્ક્રીન્સ, 416 શોઝ, 205 ફિલ્મો!



દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 21 ઓક્ટોબર 2012 
 
  સ્લગ: મલ્ટિપ્લેક્સ

 મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. દુનિયાભરની સેંકડો ફિલ્મો વચ્ચે અમિતાભ બચ્ચને પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’નું સ્ક્રીનિંગ થવાનું છે. આ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મ જગતમાં ‘કેવી રીતે જઈશ’ પછીની નેકસ્ટ-બિગ-થિંગ બની રહે એવી પૂરી શક્યતા છે. 

'Like Someone in Love'
 
  યોર અટેન્શન પ્લીઝ... 14મો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ધૂમધડાકા સાથે શ‚ થઈ ચૂક્યો છે! 18 ઓક્ટોબરે શ‚ થયેલો ફેસ્ટિવલ પચ્ચીસમી ઓક્ટોબર એટલે કે આગામી ગુરુવાર સુધી ચાલવાનો છે. સાઉથ મુંબઈમાં નરીમાન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પર્ફોમિ આર્ટ્સ (એનસીપીએ), આઈનોક્સ અને લિબર્ટી ઉપરાંત સબર્બમાં સિનેમેક્સ-સાયન અને સિનેમેક્સ-અંધેરી - આ પાંચ સ્થળની કુલ 12 સ્ક્રીન, 416 જેટલા શોઝ અને દુનિયાભરના દેશોની અધધધ 205 જેટલી ફિલ્મો!  જોઈ લો તમારામાં તાકાત હોય એટલી ફિલ્મો!
 
  ભારે અફસોસની વાત એ છે કે રજિસ્ટ્રેશનમાં અને આઈ-કાર્ડ તેમજ ઈન્ફર્મેશન કિટની વહેંચણીમાં જે ધાંધિયા દર વર્ષે જોવા મળે છે એ  આ વર્ષે પણ એમના એમ રહ્યા. કશો જ સુધારો નહીં, કોઈ ફેરફાર નહીં. મુંબઈ એકેડેમી ઓફ મુંબઈ ઈમેજિસ (મામી) પાસે ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો ઓલરેડી તેર-તેર વર્ષનો અનુભવ છે, રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ જેવી સધ્ધર કોર્પોરેટનું પીઠબળ છે, પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાંય આયોજનનું સ્તર શા માટે એની નિમ્ન સપાટીથી ઉપર ઉઠવાનું નામ નહીં લેતી હોય? ખેર, આ બધા બખાળા કાઢવામાં ટાઈમ વેડફવાને બદલે સિનેમાની વાત કરીએ. આ વખતના ફેસ્ટિવલમાં કઈ કઈ ફિલ્મો હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે?
 
  ફેસ્ટિવલની ઓપનિંગ ફિલ્મ હતી, ‘સિલ્વર લાઈનિંગ પ્લેબૂક’. કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું ખાસ્સું  મહત્ત્વ હોય છે. ‘સિલ્વર લાઈનિંગ પ્લેબૂક’ના હીરોની જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. લગ્નજીવન તૂટી ચૂક્યું છે, જોબ જતી રહી છે, ઘર પર પણ હવે માલિકી રહી નથી. એ પોતાનાં માતાપિતા સાથે રહે છે. (પિતાનો રોલ ખુદ અમિતાભ બચ્ચન જેને પોતાના ફેવરિટ એક્ટર ગણાવે છે એ રોબર્ટ દ નીરોએ ભજવ્યો છે.) હીરોનો ભેટો એક રહસ્યમય યુવતી સાથે થાય છે. એ કહે છે: હું તારું લગ્નજીવન પાછું સાંધી આપીશ, તારી લાઈફની ગાડી પાછી પાટે ચડાવી દઈશ, પણ બદલામાં તારે મારું એક કામ કરવું પડશે! એક પછી એક ઘટના બનતી જાય છે અને આ બે પાત્રોનાં જીવનમાં ધીમે ધીમે ઉજાસ પથરાતો જાય છે. ઓસ્કર-વિનર ડેવિડ રસલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મે આ વર્ષે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પીપલ્સ ચોઈસ અવોર્ડ જીતી લીધો હતો. એક મજાની વાત: આ ફિલ્મમાં અનુપમ ખેર પણ છે, જેણે ડો. પટેલનું કિરદાર નિભાવ્યું છે!

'Silver Lining Playbook'

 
  વાચકોને યાદ હશે કે મે મહિનામાં કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો એ દરમિયાન ‘આમોર’ (લવ) નામની એક ફ્રેન્ચ ફિલ્મ વિશે વાત કરી હતી. આ ફિલ્મનું સ્ક્રીનિંગ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ થઈ રહ્યું છે. એંસી વર્ષ વટાવી ચૂકેલું એક વૃદ્ધ કપલ છે. બન્ને મ્યુઝિક ટીચર છે. એમની દીકરી વિદેશમાં સેટલ થઈ છે. એક દિવસ અચાનક વૃદ્ધાને પેરેલિસિસનો એટેક આવે છે. ધીમે ધીમે એ મૃત્યુ તરફ આગળ વધી રહી છે. પતિ-પત્નીના પ્રેમની આ સૌથી મોટી કસોટી છે. આ હૃદયદ્રાવક અવોર્ડવિનર ફિલ્મ આગામી ઓસ્કર સમારોહમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે હોટ ફેવરિટ ગણાય છે. કલ્પના કરો, આપણી ‘બરફી!’ પણ આ જ કેટેગરી માટે મોકલવામાં આવી છે, જેને  નોમિનેશન મળવાના ચાન્સ પણ નહીવત છે. એક મજાની આડવાત. ‘આમોર’ની નાયિકા સિનિયર એક્ટ્રેસનું નામ ઈમેન્યુએલ રિવા છે, જેના પરથી આપણા પ્રિય લેખક સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષીએ પોતાની પુત્રીનું નામ રિવા રાખ્યું હતું!

French actress Emmaunuelle Riva in 'Amour' 

 
  ‘લાઈક સમવન ઈન લવ’ નામની એક જપાની ફિલ્મ પણ ખાસ્સી ચર્ચામાં છે. એક કોલેજિયન યુવતી છે. ભણવાનો ખર્ચ ઉપાડવા એ રાતે કોલગર્લ તરીકે કામ કરે છે. એક રાતે એક વૃદ્ધ પુરુષ એની પાસે ગ્ર્ાાહક બનીને આવે છે. બીજે દિવસે સવારે પુરુષ એને કોલેજ ડ્રોપ કરે છે ત્યારે યુવતીનો પ્રેમીનો ભેટો થઈ જાય છે. પ્રેમી સમજે છે કે આ માણસ છોકરીના દાદાજી છે! આખરે પ્રેમીને યુવતીનું સિક્રેટ ખબર પડી જાય છે, પણ ત્યાં સુધીમાં યુવતી અને પેલા વૃદ્ધ વચ્ચે અજબ સંબંધ વિકસી ચૂક્યો છે.
 
  સારાહ પોલી નામની કેનેડિયન ફિલ્મમેકરે બનાવેલી ‘સ્ટોરીઝ વી ટેલ’ ફિલ્મનો વિષય ભારે ઈન્ટરેસ્ટિંગ છે. આ એક આત્મકથનાત્મક ડોક્યુમેન્ટરી છે. સારાહને ખબર પડે છે કે એ જેને પોતાના પપ્પા ગણે છે એ માણસ વાસ્તવમાં એના પિતા છે જ નહીં. એના બાયોલોજિકલ ફાધર તો કોઈ બીજું જ છે. પોતે ખરેખર તો માના લગ્નેતર સંબંધનું પરિણામ છે! સારાહ આ ફેમિલી સિક્રેટનો ભેદ ઉકેલવા કમર કસે છે. એ પરિવારના તમામ સભ્યોનું ઈન્ટરોગેશન કરે છે, જેમાંથી નવી નવી વાતો બહાર આવતી જાય છે. સારાહને સમજાય છે કે પરમ સત્ય જેવું કશું હોતું જ નથી. સૌનું પોતપોતાનું આગવું સત્ય હોય છે!

'Liv and Ingmar' 

 મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ હોય અને ભારતીય ફિલ્મમેકર્સ રમઝટ ન બોલાવે એવું કેમ બને? આર્કિટેક્ટમાંથી ફિલ્મમેકર બનેલા ધીરજ આકોલકરે ‘લિવ એન્ડ ઈન્ગમેર’ નામની ડોક્યુમેન્ટરી બનાવી છે. ઈન્ગમેર બર્ગમેન મહાન ફિલ્મમેકર અને લિવ ઉલમેન એક્ટ્રેસ. બન્ને સ્વિડીશ. ધીરજ આકોલકરે લિવ ઉલમેનનો પ્રલંબ ઈન્ટરવ્યુ લીધો છે અને વચ્ચે વચ્ચે બર્ગમેનની ફિલ્મોના ટુકડા મુક્યા છે. રિઝલ્ટ અફલાતૂન આવ્યું છે.

  વિશ્વભરના મહાન અદાકારો વચ્ચે ગુજરાતી રંગભૂમિની સમ્રાજ્ઞી સરિતા જોશીના અભિનયવાળી ફિલ્મ ‘ગંગુબાઈ’નું સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે. પ્રિયા કૃષ્ણસ્વામીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં એક સંતાનહીન, પતિહીન વયસ્ક સ્ત્રીની વાત છે, જે માથેરાનમાં એક પારસી પરિવારમાં નોકરાણી તરીકે કામ કરે છે. અદભુત ડિઝાઈનવાળી મોંઘીદાટ પારસી સાડી પહેરવાનું ગંગુબાઈની ફેન્ટસી છે. એ પોતાનાં ચાર વર્ષની કમાણી આ સાડી તૈયાર કરાવવામાં નાખી દે છે, પણ....

Swaroop Sampat in 'Saptpadi'

 
 સુપર ટેલેન્ટેડ ગુજરાતી અદાકાર દર્શન ઝરીવાલાની ફિલ્મ ‘સેવ યોર લેગ્ઝ!’નું પ્રીમિયર આજે સાંજે થવાનું છે. ક્રિકેટના બેકગ્ર્ાઉન્ડવાળી આ ઓસ્ટ્રેલિયન ફિલ્મ એક કોમેડી છે. અમિતાભ બચ્ચન કોર્પ લિમિટેડ પ્રોડ્યુસ કરેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’ લાંબા સમયથી બની રહી હતી, પણ પછી કોણ જાણે ક્યાં અટવાઈ ગયેલી. ચાલો, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આખરે એના દર્શન થવાના ખરા. આમાં એક મોડર્ન ગુજરાતી પરિવારની વાત છે. મની-માઈન્ડેડ પતિ, પરોપકારી પત્ની અને તેમની વચ્ચે ઊભો થતો તનાવ... નિરંજન થાડે નામના મરાઠી ડિરેક્ટરે બનાવેલી ‘સપ્તપદી’ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મ જગતમાં ‘કેવી રીતે જઈશ’ પછીની નેકસ્ટ-બિગ-થિંગ બની રહે એવી પૂરી શક્યતા છે.
 
  છેલ્લે ફેસ્ટિવલની ક્લોઝિંગ ફિલ્મની વાત કરીએ. એનું ટાઈટલ છે, ‘બ્લેન્કેનીવ્ઝ’. આ સ્ેપનિશ ફિલ્મમાં એક બુલફાઈટર આખલા સાથે લડતા લડતા રિંગમાં ભયાનક રીતે ઘાયલ થઈ જાય છે. આ જોઈને એની પ્રેગનન્ટ પત્નીને અધૂરા મહીને વેણ ઉપડે છે. એ દીકરીને જન્મ તો આપે છે, પણ પોતે જીવ છોડી દે છે. અપાહિજ થઈ ગયેલા પુરુષને નવજાત બાળકી દીઠી ગમતી નથી.  એ પોતાની ચાકરી કરનાર નર્સ સાથે લગ્ન કરી લે છે. છોકરી જાણે ઘરનોકર હોય એવો એની સાથે વર્તાવ થાય છે. એક દિવસ છોકરી પિતાની બુલફાઈટિંગ કેપ લઈને નાસી જાય છે. મોરના ઈંડાં જેમ ચીતરવા ન પડે તે ન્યાયે આ છોકરી ખુદ જુનિયર બુલફાઈટર બને છે.
 
 ટૂંકમાં, કલ્પના કરી ન હોય એવા વિષયો, મહાવિચિત્રથી અદભુત કહી શકાય એવી અપરંપાર ફિલ્મો... આયોજનની અંધાધૂંધીને અવગણના કરીએ તો સિનેમા-લવર્સ માટે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જલસા જ જલસા છે!
 
  શો-સ્ટોપર

 
ફિલ્મમાં એક જ સુપરહિટ ગીત ગાવા મળે તો ય તમારી લાઈફ  બની જાય, પણ મ્યુઝિક કમ્પોઝરો બોલાવે તોને? કામ સામેથી  થોડું ચાલતું ચાલતું ઘરે આવવાનું છે? એ માટે સ્ટુડિયોના ચક્કર લગાવવા પડે, હાથ-પગ હલાવવા પડે... અને હું એક નંબરની આળસુડી છું! 


- ફાલ્ગુની પાઠક 
(ડાંડિયા-ક્વીન)