Part #1
ગુજરાતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સઃ દિલ્હી દૂર છે, પણ સફર મધુર છે
વાત વિચાર - ગુજરાત સમાચાર - 13 જુલાઈ 2024
'ઓહ, આઈ ડાઇડ લાફિંગ...' આ વાક્યનો ગુજરાતી અનુવાદ 'ઓહ, હસતાં હસતાં મારૃં મૃત્યુ થયું' એમ ન થાય. આ અંગ્રેજી વાક્યનો ગુજરાતી ભાવાનુવાદ 'ઓહ, હસતાં હસતાં મારા પેટમાં દુખવા લાગ્યું' એવો થવો જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ સિસ્ટમ ગુજરાતી કે કોઈ પણ પ્રાદેશિક ભાષાને પ્રોસેસ કરતી વખતે જે-તે ભાષાની છટાઓ, સૂક્ષ્મતાઓ અને વિરોધિતાઓને બરાબર સમજે તે અનિવાર્ય છે…
---------------------------------------
ચેટજીપીટીનો
ધમાકેદાર પ્રવેશ થયો ને તે સાથે આખી દુનિયાના મોઢે આ બે શબ્દો ચડી ગયા -
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI). આ ક્ષેત્રમાં આમ તો દાયકાઓથી કામ થઈ રહ્યું છે, પણ સમજોને કે તે આમઆદમી
પાસે નક્કર રીતે છેલ્લાં દોઢ-પોણાબે વર્ષ દરમિયાન પહોંચ્યું છે. ચેટજીપીટી, જેમિની જેવાં AI ટૂલ્સ આજે આપણે છૂટથી
વાપરતા થઈ ગયા છીએ. હવે તો વોટ્સએપ પણ 'મેટા
એઆઇ' વડે સુસજ્જ છે. કંઈ પણ
જાણવું હોય તો આપણે ફટાક્ કરતાં વોટસેએપ પર જઈને મેટા એઆઇ સાથે ચેટિંગ કરી કરી
શકીએ છીએ. ફરિયાદ
આ છેઃ ચેટજીપીટી અને મેટા એઆઈ પ્રકારનાં ટૂલ્સ, AI વડે સજ્જ ઉપકરણો ને એપ્લિકેશન્સ માત્ર
અંગ્રેજીમાં જ હોય તે કેમ ચાલે? આપણી ગુજરાતી ભાષાએ શો ગુનો કર્યો છે? જવાબ એ છે કે ગુજરાતી
ભાષાએ કોઈ ગુનો કર્યો નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગુજરાતી ભાષાનું મધુર મિલન
લાંબા સમયથી આકાર લઈ રહ્યું છે.
થોડા
સમય પહેલાં સરદાર
વલ્લભભાઈ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (એસવીઆઇટી)-વાસદ અને ગુજરાત સાહિત્ય અકાદમીએ
સંયુક્તપણે 'ડેવલપમેન્ટ
એન્ડ એક્સપાન્શન ઓફ ગુજરાતી લેંગ્વેજ કમ્પ્યુટેશનલ ટૂલ્સ થૂ્ર AI/NLP એપ્લિકેશન્સ' વિષય પર એક રાષ્ટ્રીય
પરિસંવાદનું આયોજન કર્યું હતું. આ સેમિનારના આયોજન સાથે સક્રિયપણે સંકળાયેલા
પ્રોફેસર બ્રિજેશ પંચાલ કહે છે, 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ગુજરાતી ભાષાના પ્રયોગની વાત
કરીએ તો હજુ આપણે પા-પા પગલી ભરી રહ્યા છીએ એમ કહી શકાય. ઇન ફેક્ટ, ભારતની લગભગ તમામ
પ્રાદેશિક ભાષાઓની આ જ સ્થિતિ છે. હિન્દી ઉપરાંત તમિળમાં પ્રમાણમાં થોડુંક વધારે
કામ થયું છે. તેનું મુખ્ય કારણ કદાચ એ હોઈ શકે કે અમેરિકામાં કાર્યરત કમ્પ્યુટર
એન્જિનીયરોમાં તમિળભાષીઓનું પ્રમાણ સારું એવું છે.'
એસવીઆઇટીના
કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત બ્રિજેશ
પંચાલમાં એક ઉત્તમ કોમ્બિનેશન થયું છે. તેઓ ઉત્સાહી રિસર્ચર પણ છે અને સાથે સાથે
ગુજરાતી કવિ ને લેખક પણ છે. આ સેમિનારમાં લોકભારતી સણોસરા યુનિવર્સિટી પ્રો-વાઇસ
ચાન્સેલર વિશાલ ભાદાણીએ પોતાના પ્રેઝન્ટેશન દરમિયાન કહેલું કે, 'દુનિયાભરમાં હાલ આશરે સાત
હજાર જેટલી બોલીઓ (સ્પોકન લેંગ્વેજીસ) છે, જેમાંથી ફક્ત ૨૦ ભાષાઓ હાઇ રિસોર્સ લેંગ્વેજીસ (એચઆરએલ) છે, જ્યારે બાકીની બધી લૉ
રિસોર્સ લેંગ્વેજીસ (એલઆરલએલ) છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં આપણી
ગુજરાતી ભાષા હાલ લૉ રિસોર્સ લેંગ્વેજ ગણાય. સવાલ એ છે કે આપણે ગુજરાતીને હાઇ
રિસોર્સ લેંગ્વેજ શી રીતે બનાવી શકીશું?'
વડોદરાની
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ એન્જિનીયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ
પ્રોફેસર ડૉ. અપૂર્વ શાહ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પૂરજેપૂરજા છુટ્ટા પાડીને કહે
છે,
'AI એટલે
કમ્પ્યુટર સાયન્સ, કોગ્નિટિવ
સાયન્સ (મનુષ્યના મન અને દિમાગ - માઇન્ડ અને બ્રેઇનનો અભ્યાસ), સાઇકોલોજી, ફિલોસોફી, લિંગ્વિસ્ટીક્સ
(ભાષાવિજ્ઞાાન) અને ન્યુરોસાયન્સનું મિશ્રણ... અન એઆઇના પાયામાં આ ત્રણ ગાણિતીક
તત્ત્વો છે - કમ્પ્યુટેશન, લોજિક અને પ્રોબેબિલિટી.'
ભારતમાં
સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા 65 કરોડના આંકડાને ક્યારની પાર કરી ગઈ છે. આમાંના કેટલાય
સ્માર્ટફોનધારકો એવા છે જેમને અંગ્રેજીમાં બોલતાં ભલે ન ફાવતું હોય, પણ પોતાની માતૃભાષામાં તેઓ
સરસ રીતે કમ્યુનિકટ કરી શકે છે. આ વર્ગ માટે એવાં AI સ્પીચ એન્જિન ટૂલની જરૃર હોવાની કે
જેમાં ભારતીયો પોતાની માતૃભાષામાં બોલીને વોઇસ એપ્લિકેશન્સ સાથે ઇન્ટરેક્ટ કરી
શકે. વ્યાવહારિક સ્તરે કમ્પ્યુટર માણસ કરતાં વધારે બુદ્ધિશાળી છે, તે માણસના મગજ કરતાં વધારે
ડેટા સંગ્રહી શકે છે અને તેને ઉપયોગમાં મૂકી શકે છે, તેની કમ્પ્યુટેશનલ સ્પીડ માણસ કરતાં
અનેકગણી વધારે છે એવું આપણે સ્વીકારી લીધું છે. તેથી આપણે કમ્પ્યુટર સાથે મૌખિક કે
લિખિત રીતે 'વાત' કરતાં હોઈએ ત્યારે આપણને
અપેક્ષા હોય છે કે આપણે જે કંઈ બોલીએ છીએ કે ટાઇપ કરીએ છીએ તે બધું જ કમ્પ્યુટર
સાચેસાચું અને વધારે સારી રીતે સમજે. મોટા ભાગના ગુજરાતીઓ સ-શ-ષ આ ત્રણ અક્ષરોના
શુદ્ધ ઉચ્ચારણ કરતા નથી. છતાંય હું મારી રોજિંદી બોલીમાં કહું કે 'મહેસ અને સીતલનાં લગ્ન
થયાં'
તો પણ
ઇન્ટેલિજન્ટ કમ્પ્યુટરને ખબર પડી જવી જોઈએ કે હું ખરેખર 'મહેશ અને શીતલ' વિશે વાત કરી રહ્યો છું.
તમે 'તોતેર' બોલો, 'તોંતેર' બોલો કે 'ત્યોંતેર' બોલો, કમ્પ્યુટર ખબર પડી જવી
જોઈએ કે તમારા કહેવાનો મતલબ ૭૩ છે. તમે 'સાઠ', 'સાંઠ' કે 'સાંઇઠ' કંઈ પણ બોલો, કમ્પ્યુટરે તો ૬૦ જ
સમજવાનું છે. આનો સાદો અર્થ એ થયો કે ગુજરાતી બોલનારની લઢણ કોઈ પણ હોય -
કાઠિયાવાડી, અમદાવાદી, સુરતી, મહેસાણી, કોઈ પણ - કમ્પ્યુટરે
કન્ફ્યુઝ નહીં થવાનું ને સાચો જ જવાબ આપવાનો!
આ
આપણી મૂળભૂત અપેક્ષા છે, ગુજરાતી AI ટેકનોલોજી પાસેથી. આપણે એવુંય ઇચ્છીએ છીએ કે આપણે બંગાળી, તેલુગુ, ફ્રેન્ચ, ઇટાલિયન કે કોઈ પણ ભાષાનું
લખાણ યા ઓડિયો ક્લિપ AI ટેકનોલોજીથી સુસજ્જ કમ્પ્યુટરમાં ફીડ કરીએ તો તરત જ, રીઅલ ટાઇમમાં, સહેજ પણ ભૂલ વગરનો ગુજરાતી
અનુવાદ આપણને મળી જાય. એવું જ એનાથી ઊલટું પણ થવું જોઈએ. ગુજરાતી ભાષામાંથી અન્ય
કોઈ પણ ભાષામાં પટ્ પટ્ પટ્ કરતો રિવર્સ - અને ટકોરાબંધ - અનુવાદ થઈ જાય તો કેવી
મજા પડે.
ભાષાઓની
પોતાની આગવી છટા, આગવો
વૈભવ હોય છે. કમ્પ્યુટરનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યારે ભાષાને પ્રોસેસ કરે
ત્યારે તે જે-તે ભાષાની સૂક્ષ્મતાઓને, વિરોધિતાઓ અને
પ્રતીકાત્મકતાને પણ સમજે તે જરૃરી છે. એક ઉદાહરણ લઈએ. કોઈ મા પોતાના દીકરાનાં
તોફાનોથી ત્રાસીને ધારો કે એવું બોલે છે કે, 'બસ બહુ થયું... મારું લોહી ન પી.' અહીં 'લોહી પીવું' તે એક રૃઢિપ્રયોગ છે. લોહી
પીવાની ક્રિયાને કંઈ શબ્દશઃ લેવાની ન હોય.
આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્ટ સિસ્ટમને તેની ખબર હોવી જોઈએ. એટલે જો મમ્મીના આ ઉદ્ગારનો 'ઇનફ... ડોન્ટ સક માય બ્લડ' એવો અંગ્રેજી અનુવાદ થાય
તો સિસ્ટમ ઇન્ટેલિજન્ટ નહીં, ઇડિયટ લાગે. એ જ રીતે અંગ્રેજીમાં એવું વાક્ય હોય કે 'ઓહ, આઈ ડાઇડ લાફિંગ...' તો એનો ગુજરાતી અનુવાદ એવો
ન થવો જોઈએ કે 'ઓહ, હસતાં હસતાં મારૃં મૃત્યુ
થયું.' આ
અંગ્રેજી વાક્યનો ગુજરાતી અનુવાદ નહીં, પણ ભાવાનુવાદ 'ઓહ, હસતાં હસતાં મારા પેટમાં
દુખવા લાગ્યું' એવો થવો
જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ એટલી હદે સુસજ્જ હોવી જોઈએ કે એને જે-તે
ભાષાના અપશબ્દોની પણ પાક્કી ખબર હોય. જો આપણને નબળું, વિચિત્ર ગૂગલ ટ્રાન્સલેશન
પણ ચલાવી લેતા ન હોઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી સજ્જ એપ કે ટૂલ
પાસેથી કાચુંપાકું ટ્રાન્સલેશન શા માટે ચલાવી લઈએ?
ગુજરાતી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો પ્રણવ મિસ્ત્રીની ટુ એઆઇ (TWO AI) કંપની દ્વારા લોન્ચ થયેલા
ચેટસૂત્ર (ChatSUTRA)ને
અજમાવવા જેવું છે. પ્લેસ્ટોર પરથી આ એપ આસાનીથી ડાઉનલોડ થઈ જશે. ચેટજીપીટી
પ્રકારની આ AI એપ છે, જે તમે ગુજરાતીમાં પૂછેલા
સવાલોના શુદ્ધ ગુજરાતીમાં જવાબો આપે છે. અલબત્ત, હજુ ચેટસૂત્રના ગુજરાતી વર્ઝનમાં
પરફેક્શન આવતાં ઘણી વાર લાગવાની છે, પણ આ સાચી દિશામાં થયેલો ઉત્તમ પ્રયાસ છે એ તો નક્કી.
ભારતનું નેશનલ AI પોર્ટલ INDIAai પણ આ દિશામાં નક્કરપણે આગળ
વધી રહ્યું છે. ગુજરાતી ઉપરાંત એકાધિક ભારતીય ભાષાઓમાં અહીં સમાંતરે કામ થઈ રહ્યું
છે.
ભાષાઓના
સંદર્ભમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત ચાલતી હોય ને NLP (નેચરલ લેંગ્વેજ
પ્રોસેસિંગ) તથા મશીન લર્નિંગની ચર્ચા ન કરીએ તે કેમ ચાલે? તેના વિશે હવે પછી વાત
કરીશું.
- શિશિર
રામાવત
000000000
Part #2
અંગ્રેજી
જેવું જ અફલાતૂન ગુજરાતી ચેટજીપીટી હોત તો... (Part 2)
------------------
ચેટજીપીટી
જેવું એડવાન્સ્ડ લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) સુધી પહોંચતા પહેલાં સૌથી પહેલાં તો ગુજરાતીમાં ફાંકડી
નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) સિસ્ટમ વિકસાવવી પડે... અને આ દિશામાં વર્ષોથી કામ થઈ જ
રહ્યું છે.
------------------------
વાત વિચાર - એડિટ પેજ - ગુજરાત સમાચાર - 20 જુલાઈ 2024
------------------------
ચેટજીપીટી
વાપરનાર પ્રત્યેક ગુજરાતીને ક્યારેક તો વિચાર આવી જ જતો હશેઃ ચેટજીપીટી ગુજરાતીમાં
પણ અંગ્રેજીની જેમ જ મસ્તમજાની રીતે ઓપરેટ થતું હોય તો કેવો જલસો પડે! ચેટજીપીટી એ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નું સૌથી લોકપ્રિય ટૂલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત
આવે ત્યારે ભેગેભેગા મશીન લર્નિંગ (ML) અને ડીપ લર્નિંગ (DL) જેવા શબ્દો પણ ઉછળતા રહે છે. શું છે તે?
આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સને વિરાટ છત્રી
કલ્પી લો. આ એક એવી ટેકનોલોજિકલ વિદ્યા છે જે બુદ્ધિશાળી મશીનોનું સર્જન કરે છે. AIની નીચે મશીન લર્નિંગ ઊભું
છે. મશીન લર્નિંગ એવી સિસ્ટમ છે જે અનુભવના જોરે જાતે શીખતી જાય છે. મશીન
લર્નિંગની છત્રી નીચે ઓર એક ચીજ ઊભી છે - ડીપ લર્નિંગ. ડીપ લર્નિંગ એવી સિસ્ટમ છે, જે જુદાં જુદાં
નેટવર્ક્સનો ઉપયોગ કરીને ડેટા પ્રોસેસ કરે છે. ટૂંકમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
એક વિરાટ ચંદરવો છે, જેની નીચે ડીપ લર્નિંગ અને મશીન લર્નિંગ બન્ને સ્થાન પામે
છે.
મુખ્ય
વિષય પર પહોંચતા પહેલાં એ પણ જાણી લો કે ન્યુરલ નેટવર્ક એટલે શું. ન્યુરલ નેટવર્ક
એ AIની એવી પદ્ધતિ કે જેના થકી
કમ્પ્યુટર માણસના દિમાગની જેમ ડેટાને પ્રોસેસ કરતાં શીખે છે. ન્યુરલ નેટવર્ક
માણસની ઓછામાં ઓછી મદદ લઈને ઇન્ટેલિજન્ટ નિર્ણયો લેવામાં કમ્પ્યુટરને મદદ કરે છે.
ધારો કે, કમ્પ્યુટરને
બે જુદા જુદા ઇનપુટ મળે છે-
(૧) મને
જણાવો કે હું પેમેન્ટ કેવી રીતે કરી શકું?
(૨) હું
પૈસા ટ્રાન્સફર શી રીતે કરી શકું?
અહીં
પૂછવાની રીત અલગ છે, પણ ન્યુરલ નેટવર્ક તરત સમજી જશે કે સવાલ તો એક જ પૂછાયો છે.
ન્યુરલ નેટવર્કના ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. જેમ કે, મેડિકલ ઇમેજ ક્લાસિફિકેશન દ્વારા જે-તે
બીમારીનું નિદાન કરવું, સોશિયલ નેટવર્ક ફિલ્ટર અને બિહેવિયર ડેટા એનેલિસિસ દ્વારા
ટાર્ગેટેડ માર્કેટિંગ કરવું, ભૂતકાળના ડેટા અને ફાયનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ
કરીને આર્થિક આગાહીઓ કરવી, કેમિકલ કમ્પાઉન્ડ્સને આઇડેન્ટિફાય કરવી ઇત્યાદિ.
નેચરલ
લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP)માં પણ ન્યુરલ નેટવર્કનો ભરપૂર ઉપયોગ થાય છે. નેચર લેંગ્વેજ
પ્રોસેસિંગ કઈ ચિડિયાનું નામ છે ભલા? જાવા, પાયથન, સી પ્લસ-પ્લસ આ બધી કમ્પ્યુટર લેંગ્વેજીસ છે. આમાંની કોઈ પણ
ભાષામાં કોડિંગ કરવામાં આવે એટલે કમ્પ્યુટરને પાક્કી સૂચના મળે કે એણે શું કરવાનું
છે. પણ આ તો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કે કોડિંગ થયું. તે કંઈ બધાને ન આવડે. આમ આદમી
તો એમ જ ઇચ્છે છે કે કમ્પ્યુટરને એની સીધીસાદી, રોજિંદા વપરાશની ભાષા આવડવી જોઈએ.
કમ્પ્યુટર તે સમજે પણ છે અને સાધારણ ભાષામાં અપાયેલી સૂચનાનો અમલ પણ કરે છે. આ જ
નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે. NLP આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બહુ મહત્ત્વનું અંગ છે. સિરી
અને એલેક્સા જેવા વોઇસ-કંટ્રોલ્ડ આસિસ્ટન્ટ્સ એ NLPનાં ઉત્તમ ઉદાહરણો છે. જુદી જુદી
વેબસાઇટ્સ પર દેખાતા ચેટબોટ પણ NLPના જોરે કામ કરે છે.
અંગ્રેજી
ચેટજીપીટી જેવું જ ફાંકડું ગુજરાતી ચેટજીપીટી હોવું જોઈએ - જો તમારા મનમાં પણ આવી
ફુલગુલાબી ઝંખના જાગતી હોય તો સમજી લો કે ચેટજીપીટી જેવા એડવાન્સ્ડ લાર્જ લેંગ્વેજ
મોડલ (LLM) સુધી
પહોંચતા પહેલાં સૌથી પહેલાં તો ગુજરાતીમાં ફાંકડી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ
સિસ્ટમ વિકસાવવી પડે... અને આ દિશામાં વર્ષોથી કામ થઈ જ રહ્યું છે.
ગુજરાતી
NLP સિસ્ટમ વિકસાવવાની શરૃઆત
ક્યારે થઈ હતી? પ્રાપ્ય
માહિતીના આધારે, સંભવતઃ
સૌથી પહેલું નામ સમીર અંતાણીનું સામે
આવે છે. અમેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ એન્ડ
એન્જિનીયરિંગ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત આ રિસર્ચરે છેક ૧૯૯૯માં 'ગુજરાતી કેરેક્ટર
રેકગ્નિશન' નામનું
રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું હતું. એમના સાથી રિસર્ચર હતાં, લલિતા અગ્નિહોત્રી
(ફિલિપ્સ રિસર્ચ બ્રિઆર્કલિફ, ન્યુ યોર્ક). ૨૦૦૬માં
પ્રોફેસર એસ.કે. શાહ અને એ. શર્માએ સંયુક્તપણે પેપર પ્રકાશિત કર્યું, જેનું શીર્ષક હતું, 'ડિઝાઇન એન્ડ
ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન સિસ્ટમ ટુ રેકગ્નાઇઝ ગુજરાતી
સ્ક્રિપ્ટ યુઝીંગ ટેમ્પલેટ મેચિંગ'. ત્યાર બાદ ૨૦૦૭માં 'વેવલેટ
ફિચર બેઝ્ડ કન્ફ્યુઝન કેરેક્ટર સેટ્સ ફોર ગુજરાતી સ્ક્રિપ્ટ' નામનું રિસર્ચ પેપર
પ્રકાશિત થયું, જેના
લેખકો હતા જીજ્ઞેશ ધોળકિયા (ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઇડ મેથ, એમ.એસ. યુનિવર્સિટી-
વડોદરા), અર્ચિત
યાજ્ઞિાક (ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઇડ આર્ટ્સ, પારૃલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-વડોદરા) અને અતુલ નેગી
(ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર એન્ડ ઇન્ફો સાયન્સીસ, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ). ૨૦૧૦થી ડૉ.
અપૂર્વ દેસાઈનાં રિસર્ચ પેપર્સ કતારબદ્ધ પ્રકાશિત થતાં ગયાં. ૧૯૯૪થી વીર નર્મદ
સાઉથ ગુજરાત યુનિર્વસિટીમાં કાર્યરત પ્રોફેસર (ડૉ.) અપૂર્વ દેસાઈ ડિપાર્ટમેન્ટ ઓફ
કમ્પ્યુટર સાયન્સના હેડ છે. એમનું સૌથી પહેલું પેપર હતું, 'ગુજરાતી હેન્ડરિટન ન્યુમરલ
ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન through ન્યુરલ નેટવર્ક'.
ગુજરાતી
NLPની વાત આવે ત્યારે ડો.
અપૂર્વ દેસાઈ અને અને પ્રોફેસર પુષ્પક ભટ્ટાચાર્ય (આઇઆઇટી-બોમ્બે)નાં નામ
આદરપૂર્વક લેવાં પડે, કેમ કે આ ક્ષેત્રમાં તેમણે ખૂબ મહત્ત્વપૂર્ણ અને પાયારૃપ
કામ કર્યાં છે. ડો. ભટ્ટાચાર્યે વર્ડનેટ નામનો લેક્સિકન ડેટાબેઝ તૈયાર કર્યો છે. આ
કામ કરવામાં એમને પ્રોફેસર સી.કે. ભેંસડેડીયા અને પ્રોફેસર બ્રિજેશ ભટ્ટનો મજબૂત
સાથ મળ્યો હતો.
'ઓપ્ટિકલ
કેરેક્ટર રેકગ્નિશન (OCR) એ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગનો જ એક ભાગ છે,' ડો. અપૂર્વ દેસાઈ કહે છે, 'OCR થકી કમ્પ્યુટર હસ્તલિખિત
ગુજરાતી અક્ષરોને ઓળખી લે છે. તમે નોટપેડ પર સ્ટાઇલસ (પેન જેવા ઉપકરણ)થી
ગુજરાતીમાં લખો તો તેને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી દેવું, સાદાં ગુજરાતી વાક્યોના
વ્યાકરણનું એનેલિસિસ કરીને એનું કલર કોડિંગ કરવું વગેરે કામ અમે કર્યાં છે. સ્ટિલ
ઇમેજ એટલે કે તસવીરમાં છપાયેલા આંકડાને ઓળખીને અલગ તારવી લેવા, વીડિયોમાં દેખાતા ગુજરાતી
શબ્દોને એનેલાઇઝ કરીને છૂટા પાડવા - આ બધાં કામ હજુ ચાલી રહ્યાં છે.'
ગુજરાતી
NLPના રિસર્ચરો સામે સૌથી
પહેલી ઊભી થતી સમસ્યા આ છેઃ લેંગ્વેજ મોડલને ટ્રેઇન કરવામાં ઉપયોગી બને તેવો શુદ્ધ
ગુજરાતી લખાણનો વિશાળ ડેટાસેટ ઉપલબ્ધ નથી! ઓનલાઇન ગુજરાતી કોન્ટેન્ટ તો પુષ્કળ
અવેલેબલ છે, પણ ભાષા, જોડણી તેમજ વ્યાકરણની
દ્રષ્ટિએ તે શુદ્ધ હોતું નથી. જ્યારે તમે NLP મોડલ બનાવી રહ્યા હો ત્યારે કમ્પ્યુટરના પેટમાં કાચીપાકી
ગુજરાતી ભાષા ઠૂંસી દો તે કેમ ચાલે? કમ્પ્યુટરને શરૃઆતથી જ શુદ્ધતમ ગુજરાતી ભાષા શીખવીએ તો જ એ
સંતોષકારક પરિણામ આપે. આપણે સાચી જોડણી અને સાચા વ્યાકરણવાળી ગુજરાતી ભાષામાં
જવાબો ઇચ્છતા હોઈએ તો NLP મોડલમાં ચોખ્ખામાં ચોખ્ખો ગુજરાતી ડેટા ફીડ કરવો પડે. આ
દ્રષ્ટિએ ભગવદ્ગોમંડળ એક ઉત્તમ ડેટાસેટ છે, પણ કોણ જાણે કેમ, રિસર્ચરો માટે તે ઉપલબ્ધ નથી.
'ધારો કે
ભગવદ્ગોમંડળ અને તે કક્ષાના અન્ય ડેટાસેટ મળે તો પણ તે પૂરતું નથી,' ડો. અપૂર્વ દેસાઈ કહે છે.
કેમ? ગુજરાતી ભાષાનું
ટેકનોલોજીકરણ કરવા મથી રહેલા રિસર્ચરોને સામે કેવા કેવા અવરોધો ઊભા થતા રહે છે? આ અવરોધો દૂર કરવાના ઉપાયો
ખરા? આના જવાબો હવે પછી.
00000000000
Part #3
ગૂગલ ટ્રાન્સલેશન એપ ગુજરાતી અનુવાદમાં ગરબડ કેમ કરે છે? (પાર્ટ 3)
વાત-વિચાર - એડિટ પેજ - ગુજરાત સમાચાર (July 27, 2024)
---------------------------