Showing posts with label Amazon Prime Video. Show all posts
Showing posts with label Amazon Prime Video. Show all posts

Friday, August 28, 2020

તમારે મર્યા પછી પછી ડિજિટલ અવતાર ધારણ કરવો છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 23 ઓગસ્ટ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
‘અપલોડ’ વેબ શોનું ક્લેવર ભલે સાયન્સ ફિક્શન વત્તા રોમાન્ટિક કૉમેડીનું હોય, પણ વાસ્તવમાં આ એક કટાક્ષિકા છે.


ઈશ્વર તમને સો વર્ષના કરે, પણ થોડી પળો માટે ધારી લો કે તમે મૃત્યુ પામો છો. છેલ્લી ઘડીએ તમારી પતિ/ પત્ની/ પ્રેમી/ પ્રેમિકા તમારી અંતિમ ઇચ્છા પૂછે છેઃ ‘ડિયર, એટલે તારે હવે પૂરેપૂરા મરી જ જવું છે કે તારો ડિજિટલ અવતાર હું સાચવી રાખું? જો તું હા પાડ તો તારા પાર્થિવ શરીરને અપલોડ કરવાની હું વ્યવસ્થા કરું. આ રીતે આપણે અનંત કાળ સુધી એકબીજાના કૉન્ટેક્ટમાં રહી શકીશું!’  
તમે હા પાડો છો. મૃત્યુ પછી તમે ફાઇવ સ્ટાર નહીં, પણ એક ફિફ્ટીન સ્ટાર લકઝરી રિસોર્ટ જેવી અદભુત જગ્યાએ ટ્રાન્સપોર્ટ થઈ જાઓ છો. જાણે સ્વર્ગ જ જોઈ લો. તમે જાણો છો કે તમે ખુદ અને તમારી આસપાસ જે કંઈ છે તે સઘળું સિમ્યુલેટેડ રિયાલિટી છે, ડિજિટલી ક્રિયેટ કરવામાં આવ્યું છે. 

અહીં ટૅક્નોલોજી નેક્સ્ટ લેવલ પર પહોંચી ચૂકી છે. તમે હથેળી પહોળી કરો એટલે અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચેના ‘એલ’ આકારમાં ફટાક કરતો મોબાઇલ સ્ક્રીન ઉપસી આવે. વાત પૂરી કરીને તમે મૂઠ્ઠી વાળો એટલે મોબાઇલ ગાયબ થઈ જાય. માનવલોકમાં કોઈ પ્રસંગ હોય તો તમે ડિજિટલી ઉપસ્થિત રહી શકો. મોટી સ્ક્રીન પર તમે હાલતાચાલતા દેખાવ. તમારો દોસ્તાર આ સ્ક્રીન નજીક આવીને તમને કહી પણ શકે કે, ‘સોરી યાર, તું ગુજરી ગયો ત્યારે હું બહારગામ ગયો હતો એટલે તારી અંતિમક્રિયામાં હાજરી નહોતો આપી શક્યો!’ તમે જવાબમાં કહો કે, ‘કશો વાંધો નહીં, બોસ, ચાલ્યા કરે. અચ્છા, તને પેલો કૉન્ટ્રેક્ટ મળવાનો હતો એનું પછી શું થયું?’

વિસ્મિત થઈ જવાય એવી વાત છેને! ‘અપલોડ’માં તમને ડગલે ને પગલે તમને આવું વિસ્મય થયા કરશે. ‘અપલોડ’ એ અમેઝોન પ્રાઇમ વિડિયો પર મૂકાયેલો દસ એપિસોડવાળો નવોનક્કોર વેબ શો છે. શોની વાર્તા 2033ની સાલમાં આકાર લે છે. તમે જો સાયન્સ ફિક્શનના રસિયા હશો તો શો શરૂ થતાં જ તમને ‘બ્લેક મિરર’ (નેટફ્લિક્સ)નો ‘સેન જુનિપેરો’ (2016) નામનો અફલાતૂન સ્ટૅન્ડ-અલોન એપિસોડ જરૂર યાદ આવશે. તેમાં સેન જુનિપેરો નામનું એક રળિયામણું નગર છે, જેમાં મૃત્યુ પામેલા લોકોના ડિજિટલ અવતારો વસે છે. સમજોને કે ‘અપલોડ’ આ જ આઇડિયાનું એક્સટેન્શન છે.

‘અપલોડ’નો હેન્ડસમ નાયક નેથન એક સોફ્ટવેર એન્જિનીયર છે. એ કોઈ જબરદસ્ત પ્રોડક્ટને લૉન્ચ કરવાની અણી પર છે ત્યાં જ એની કમ્પ્યુટર-કંટ્રોલ્ડ, ડ્રાઇવર-રહિત કારનું એક્સિડન્ટ થઈ જાય છે. એની ગર્લફ્રેન્ડ ઇન્ગ્રિડ અતિ ધનિક બાપની ચાંપલી ઔલાદ છે. એ ચિક્કાર પૈસા ખર્ચીને અકસ્માતમાં મૃત્યુ પામેલા નેથનને વૈભવી ડિજિટલ આફ્ટરલાઇફ મળે તેવી વ્યવસ્થા કરે છે. ડિજિટલ આફ્ટરલાઇફ ઑફર કરતી કેટલીય એજન્સીઓ છે ને તેમની વચ્ચે પાછી કટ્ટર હરીફાઈ ચાલે છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની જેમ પ્રવાસીઓને અલગ અલગ પૅકેજ ઑફર કરે તેમ અહીં પણ તમે મરતાં પહેલાં ડિજિટલ આફ્ટરલાઇફ માટેનું પૅકેજ પસંદ કરી શકો છો. નેથન જે એજન્સી દ્વારા અપલોડ થયો છે તેમાં નોરા નામની એક કસ્ટમર કેર રિપ્રેઝન્ટેટિવ કામ કરે છે. નોરા વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી)નાં ડાબલા જેવાં ચશ્માં પહેરે એટલે ડિજિટલ સ્વર્ગમાં નેથન જે કંઈ કરતો હોય તે પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન પર લાઇવ નિહાળી શકે, તેની સાથે વાતો કરી શકે. આપણી હિન્દી પૌરાણિક સિરિયલોમાં જેમ દૈવી પાત્રો ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે ને ગમે ત્યારે અંતર્ધ્યાન થઈ શકે છે તેમ નોરા પણ ઇચ્છે ત્યારે ડિજિટલ સ્વર્ગમાં એન્ટ્રી-એક્ઝિટ મારી શકે છે.     




પછી ઘણું બધું બને છે. નેથન અને નોરા વચ્ચે લાગણીનો સંબંધ વિકસે છે. ધીરે ધીરે ખબર પડે છે કે નેથનનું કાર એક્સિડન્ટમાં મોત નહોતું થયું, બલકે એનું મર્ડર થયું હતું. લવસ્ટોરીમાં હવે થ્રિલ અને સસ્પેન્સનાં તત્ત્વો ઉમેરાય છે. નેથનને એ પણ સમજાય છે કે પોતાના ડિજિટલ અસ્તિત્ત્વનો સંપૂર્ણ કંટ્રોલ તો માનવલોકમાં વસતી પોતાની પ્રેમિકા ઇન્ગ્રિડ મુઠ્ઠીમાં રાખીને બેઠી છે. એ ઇન્ગ્રિડનું રમકડું બની ગયો છે. જેમ કે, ઇન્ગ્રિડ કામાતુર થાય ત્યારે સેક્સ-સુટ પહેરી લે, ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરે ને નેથન સાથે શરીરસુખ માણી લે. નેથનને આ સંબંધમાં ગૂંગળામણ થવા લાગે છે. મરી ગયા પછી પણ તેને સંબંધમાં સ્પેસ જોઈએ છે!  

‘અપલોડ’નું ક્લેવર ભલે સાયન્સ ફિક્શન વત્તા રોમાન્ટિક કૉમેડીનું હોય, પણ તમે જેમ જેમ શોમાં આગળ વધતાં જાઓ છો તેમ તેમ તમને સમજાય છે કે વાસ્તવમાં આ એક કટાક્ષિકા છે. હળહળતો ઉપભોક્તાવાદ, અમીર-ગરીબ વચ્ચેનો વર્ગભેદ અને ટૅકનોલોજીની અવળી અસરો પર અહીં સૉલિડ વ્યંગ કરવામાં આવ્યો છે. આ ફીલ ગુડ શોનો કથાપ્રવાહ તમને ક્યારેક ધીમો લાગશે, પણ શોની અફલાતૂન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બધી કસર પૂરી કરી નાખે છે. પ્રાઇમ વિડિયો પર ‘અપલોડ’ જોઈ કાઢજો. મોજ પડશે.       

0 0 0 

Sunday, May 17, 2020

અગમનિગમ, ભેદભરમ અને સિગ્મન્ડ ફ્રોઇડ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 17 May 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

મેલી વિદ્યા, કપાયેલી આંગળીઓ, લોહીમાં રગદોળાયેલાં નગ્ન સ્ત્રી-પુરુષો, હત્યાઓનો સિલસલો... એક બાયોપિકમાં કેટલી છૂટછાટ લઈ શકાય?  


સિગ્મન્ડ ફ્રોઇડ એટલે આજે આપણે જેને સાઇકોઍનેલિસિસ કહીએ છીએ તેના પિતામહ. માણસજાતે પેદા કરેલા સૌથી પ્રભાવશાળી મનુષ્યોની વાત આવે અનિવાર્યપણે એમનું નામ મૂકવું પડે એટલું વિરાટ કામ સિગ્મન્ડ ફ્રોઇડ કરી ગયા છે. જ્યૂ (યહૂદી) લોકો શા માટે પૃથ્વી પરની સૌથી બુદ્ધિમાન પ્રજા ગણાય છે એની ચર્ચા કરતી વખતે આ એક વાત અવશ્ય કહેવાય છે કે જુઓ, ઇવન સિગ્મન્ડ ફ્રોઇડ પણ એક યહૂદી હતા.
જેના ઉલ્લેખો આજની તારીખે પણ સતત થયા કરતા હોય, તમે ખુદ જેમને અવારનવાર ટાંકતા હો એવા સિગ્મન્ડ ફ્રોઇડના જીવન પરથી જ્યારે આખેઆખી વેબસિરીઝ બને ત્યારે તમને તે જોવાની ઉત્કંઠા થાય જ. જો તમે ફ્રોઇડનું ઓથેન્ટિક ‘જીવન અને કર્મ’ જોવા માગતા હો તો સાવધાન, ‘ફ્રોઇડ’ નામનો આ વેબ શો તમને નિરાશ કરશે. સૌથી પહેલાં તો, આ કંઈ પરંપરાગત અર્થમાં આપણે જેને બાયોપિક કે જીવનકથા કહીએ છીએ એવો શો નથી. આમાં સિગ્મન્ડ ફ્રોઇડ હજુ યુવાન હતા ને માનસશાસ્ત્રી તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એ સમયગાળાના એક ટુકડાની જ વાત છે. કબૂલ, અસલી માણસના જીવન પર આધારિત ફિલ્મ, નાટક કે વેબ સિરીઝને રસાળ બનાવવા માટે થોડીઘણી ક્રિયેટિવ છૂટછાટ લેવી પડે, પણ ‘ફ્રોઇડ’ શો તો આપણે કલ્પી સુધ્ધાં કરી ન હોય તેવી ભ્રમણકક્ષામાં જતો રહે છે.

સો વાતની એક વાત એ કે ‘ફોઈડ’ વેબ શો મૂળ એક ક્રાઇમ-સસ્પેન્સ થ્રિલર છે, જેમાં સુપરનેચરલ તત્ત્વો અને અસૂરી ભેદભરમની માયાજાળ રચાઈ છે. વાત 1886ના સાલના વિયેનાની છે. વિયેના એટલે ઓસ્ટ્રિયા દેશનું ખૂબસૂરત શહેર, કે જ્યાં અસલી સિગ્મન્ડ ફ્રોઇડનું મોટા ભાગનું જીવન પસાર થયું હતું. ‘ફ્રોઇડ’ શોની શરૂઆતમાં દેખાડવામાં આવે છે કે 30 વર્ષના સિગ્મન્ડ ફ્રોઇડ (રોબર્ટ ફિન્સ્ટર) એક ભાડાના ઘરમાં એકલા રહે છે. ખડૂસ મકાનમાલિક અવારનવાર ધમકાવી જાય છે કે જો હવે ભાડું નહીં ભર્યું તો તને મકાનમાંથી બહાર કાઢી મૂકીશ. ફ્રોઇડ તે અરસામાં હિપ્નોસિસના પ્રયોગો કરી રહ્યા હતા. ફ્રોઇડની થિયરી એવી હતી કે હિસ્ટીરીયાનો (પાગલ જેવું વર્તન કરતો, ચિત્તભ્રમનો ભોગ બનેલો) પેશન્ટ વાસ્તવમાં ભૂતકાળની કોઈ પીડાદાયી ઘટનાની સ્મૃતિઓથી પીડાતો હોય છે. જો આવી વ્યક્તિને હિપ્નોટાઇઝ કરવામાં આવે તો શક્ય છે કે એની સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેનો ઇલાજ કરી શકાય. ફ્રોઇડના સાથી અને સિનિયર ડૉક્ટરોને જોકે આ આખી વાત હાસ્યાસ્પદ લાગે છે.
આપણને થાય કે બરાબર છે, આ વેબ શોમાં વાત તો સિગ્મન્ડ ફ્રોઇડના જીવન વિશે જ થઈ રહી છે, પણ ત્યાં તો પહેલા જ એપિસોડમાં એક યુવતીની ભેદી હત્યા થઈ જાય છે. ક્રૂરતાપૂર્ણ સેક્સ્યુઅલ વાયોલન્સનો ભોગ બનેલી આ યુવતીની લોહિયાળ લાશને સિગ્મન્ડ ફ્રોઇડના ટેબલ પર ખડકી દેવામાં આવે છે. બસ, અહીંથી શરૂ થાય છે ‘ખૂની કોણ?’ સવાલનો જવાબ શોધવાની મથામણ. શહેરમાં એક પછી એક ભેદી હત્યાઓ થતી જાય છે ને સિગમન્ડ ફ્રોઇડ ડિટેક્ટિવ બનીને આ હત્યાઓના રહસ્ય સુધી પહોંચવામાં બિઝી થઈ જાય છે.
વેબ શોમાં ખૂબ બધાં પાત્રો છે. ફ્લર સલોમ નામની યુવતી શોની નાયિકા છે. જબરું ઇન્ટરેસ્ટિંગ કિરદાર છે આ. ફ્લેર (ઍલા રમ્ફ) એક ‘મિડીયમ’ છે. એના શરીરમાં જાતજાતના આત્માઓ પ્રવેશે છે. ભયંકર વળગાડ થઈ ગયો હોય તેમ એ પુરુષ જેવા ઘોઘરા અવાજે બોલવા લાગે છે. વશીભૂત અવસ્થામાં એને ભૂતકાળ અને ભવિષ્યની ઘટનાઓનાં દશ્યો દેખાય છે. ફ્લર એક અનાથ યુવતી છે. એને ઓસ્ટ્રિયાના એક શાહી દંપતીએ નાનપણથી દત્તક લીધી હતી. ફ્લરની દત્તક મા સોફિયા મહામાયા છે. શો આગળ વધતો જાય તેમ આપણને ખબર પડે કે સોફિયા તો સામેના માણસને હિપ્નોટાઇઝ કરવાની કળામાં સિગ્મન્ડ ફ્રોઇડ કરતાંય ચાર ચાસણી ચડે એવી છે. સોફિયા વાસ્તવમાં ફ્લરનો ઉપયોગ કરીને પોતાના ખતરનાક ઇરાદાઓને અંજામ આપવા માગે છે.

ફ્લરનું પાત્ર લૂ આન્દ્રિયા સલોમ નામની યુવતી પર આધારિત છે. લૂ અસલી સિગ્મન્ડ ફ્રોઇડની વિદ્યાર્થિની, મિત્ર અને વિશ્વાસુ હતી. એ જોકે મિડીયમ નહોતી ને આત્માઓને પોતાના શરીરમાં બોલાવી શકતી નહોતી, પણ કહે છે કે સામેની વ્યક્તિને પારખી લેવામાં એનો જોટો જડે તેમ નહોતો.   
એક પછી એક એપિસોડની સાથે અજીબોગરીબ ઘટનાઓનો સિલસિલો પણ આગળ વધતો જાય છે. અગમનિગમ ને મેલી વિદ્યાના ભયાવહ પ્રયોગો, જીવતા માણસનું માંસ ખાતાં પાત્રો, કપાયેલી આંગળીઓ, લોહીમાં રગદોળાયેલાં નગ્ન સ્ત્રી-પુરુષો – આ સૌની આ શોમાં ભરમાર છે. જો તમને સુપરનેચરલ તત્ત્વોમાં રસ પડતો હોય તો ‘ફ્રોઇડ’ તમને સારું એવું મનોરંજન આપશે. ‘ફ્રોઇડ’ ઉચ્ચ કક્ષાનું પ્રોડક્શન વેલ્યુ ધરાવતો શો છે, જેમાં તમામ અદાકારોએ મજબૂત એક્ટિંગ કરી છે. અંગ્રેજીમાં ડબ થયેલો ને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલો આ જર્મન વેબ શો તમારે જોવો જોઈએ કે નહીં તે હવે તમે જાતે નક્કી કરવાનું છે.                      

0 0 0




Saturday, April 25, 2020

તમારે 'પંચાયત' વેબ સિરીઝ શા માટે જોવી જોઈએ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 26 March 2020

મલ્ટિપ્લેક્સ

વેબ સિરીઝ એટલે ગાળાગાળી, હિંસા અને સેક્સ એવું કોણે કહ્યું? ‘પંચાયત’ નામનો અફલાતૂન શો આ થિયરીને મસ્ત રીતે ખોટી પાડે છે.   


એક શહેરી જુવાનિયો છે. અભિષેક એનું નામ. એના લગભગ બધા દોસ્તારોને સરસ પૅકેજવાળી કૉર્પોરેટ જૉબ મળી ગઈ છે, પણ અભિષેક સામે હાલ એક જ વિકલ્પ છેઃ ઉત્તરપ્રદેશના ફુલેરા નામના કોઈ અજાણ્યા અંતરિયાળ ગામડામાં પંચાયત સેક્રેટરીની સરકારી નોકરી સ્વીકારી લેવાનો. અભિષેકના ફ્રસ્ટ્રેશનનો પાર નથી. એનો દોસ્તાર કોઈ ફેન્સી મૉલના એસ્કેલેટર પર સરકતાં સરકતાં સમજાવવાનો પ્રયાસ કરે છેઃ યાર, લઈ લે આ જૉબ. ‘સ્વદેસ’ના શાહરૂખ ખાનને યાદ કર. એ અમેરિકામાં નાસા જેવી કંપનીમાં કામ કરતો હતો તોય કેવો ભારત પાછો આવીને ગામડાગામનો ઉદ્ધાર કરે છે! બસ, તને હવે એક્ઝેક્ટલી આવો જ મોકો મળ્યો છે. જરા વિચાર તો કર, પંચાયત સેક્રેટરી તરીકે તું રસ્તાઓ બનાવી શકીશ, ગામનો વિકાસ કરી શકીશ! અભિષેક કહે છેઃ અલ્યા, પગાર તો જો – વીસ હજાર રૂપરડી. આટલો તો તારો દર મહિને ટેક્સ કપાય છે! દોસ્તાર કહે છેઃ તારે ક્યાં ગામડે પરમેન્ટલી સેટલ થવું છે? આને એક સ્ટોપ-ગૅપ અરેન્જમેન્ટ તરીકે જો. આમેય તું એમબીએની તૈયારી કરવાનો છે. તારી પાસે જો રુરલ કામકાજનો આવો નક્કર અનુભવ હશે તો તું વધારે આસાનીથી ઇન્ટરવ્યુ ક્રૅક કરી શકીશ.
ખેર, ક-મને અભિષેક નોકરી સ્વીકારે છે. બાઇક અને બિસ્તરાં-પોટલાં એસટી બસ પર ચડાવીને એ ફુલેરા પહોંચી જાય છે. પછી શું થાય છે? બસ, આનો જવાબ તમારે અમેઝોન પ્રાઇમની અફલાતૂન નવી વેબસિરીઝ ‘પંચાયત’ જોઈને જાતે શોધી લેવાનો છે.
વેબ સિરીઝ એટલે આડેધડ ગાળાગાળી, સેક્સ અને હિંસા – તમારા મનમાં જો આવી ઇમેજ બની ગઈ હોય (જે ઠીક ઠીક અંશે સાચી પણ છે) તો સાંભળી લો કે ‘પંચાયત’, ટિપિકલ ભાષામાં કહીએ તો, તમને તાજગીની લહેરખીનો અનુભવ કરાવશે. સેક્સ, હિંસા ને ગાળાગાળી તો જવા દો, અહીં તો સૉલિડ કૉન્ફિલક્ટ્સ પણ નથી. શોઝ, નાટકો, ફિલ્મો લખનારા ને બનાવનારાઓના મનમાં વર્ષોથી એક વાત સજ્જડપણે  ઘૂસી ગઈ છે કૉન્ફિલક્ટ (એટલે કે પાત્રો અને પરિસ્થિતિઓમાં પેદા થતી જોરદાર ટક્કર) તો જોઈએ જ. તો જ ‘ડ્રામો’ પેદા થાય ને દર્શકોનો રસ જળવાઈ રહે. ટીવીએફે (ધ વાઇરલ ફિવર) પ્રોડ્યુસ કરેલો ‘પંચાચત’ શો આ દલીલને મસ્ત રીતે ખોટી સાબિત કરે છે. અહીં નાટ્યાત્મક ઘટનાઓ છે ખરી, પણ કેવી? ઑફિસમાંથી મોનિટર ચોરાઈ જવું, પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવવા માટે સંઘર્ષ કરવો, દીવાલ પર ચિતરેલું સંતતિનિયમનનું સરકારી સ્લોગન વાંચીને ગામવાસીઓનું નારાજ થઈ જવું, વગેરે. સાવ નાની નાની, સાદી સાદી વાતો, પણ તોય એમાંથી એટલી સરસ રીતે રમૂજ પેદા થતી રહે ને વાર્તા આગળ વહેતી રહે કે અડધી-અડધી કલાકના આઠ એપિસોડ ક્યારે પૂરા થઈ ગયા એની ખબર પણ નહીં પડે.

અભિષેકનું પાત્ર ‘પિચર્સ’, ‘કોટા ફેક્ટરી’ જેવા વેબ શોઝ અને ‘શુભ મંગલમ્ જ્યાદા સાવધાન’ જેવી ફિલ્મમાં ચમકી ચુકેલા જિતેન્દ્ર કુમારે ભજવ્યું છે. જિતેન્દ્ર કુમાર આજનો અમોલ પાલેકર છે. સીધો-સપાટ, ઘરેલુ, ઝીરો ગ્લૅમર ઘરાવતા, નૅક્સ્ટ-ડોર-નૅબર પ્રકારના રોલ આજકાલ જિતેન્દ્ર કુમાર જેટલી સરસ રીતે બીજું કોઈ ભજવતું નથી. નીના ગુપ્તા ગામનાં સરપંચ છે, પણ ફક્ત નામનાં. સરકારે મહિલાઓ માટે ક્વોટા રાખ્યો હતો એટલે એ ચુંટાઈ આવ્યાં છે, બાકી સરપંચ તરીકેનું બધું કામકાજ તો એમના ‘પ્રધાનપતિ’ રઘુવીર યાદવ જ સંભાળે છે. બન્ને વચ્ચેની નોંકઝોંક અને બોન્ડિંગ જોજો. માત્ર એક લૂકથી કે ચહેરાના હાવભાવથી આ બન્ને કેવી ધારી અસર ઊભી કરી શકે છે‘! નીના ગુપ્તા અને રઘુવીર યાદવ ગજબનાં એક્ટરો છે જ અને જિતેન્દ્ર પણ હવે સર્વસ્વીકૃત અદાકાર બની ચુક્યા છે, પણ તમારું ધ્યાન સૌથી વધુ કોઈ ખેંચતું હોય તો તે છે, ચંદન રૉય. એ પંચાયતની ઑફિસમાં કામ કરતા અતિ ઉત્સાહી આસિસ્ટન્ટનો રોલ કરે છે. આપણે માની જ શકતા નથી કે આ અસલી ગામડિયો નહીં, બલકે કોઈ એક્ટર છે. ઉપ-સરપંચ બનતા ફૈઝલ મલિક પણ કમાલના છે. ક્યાંથી શોધી લાવે છે ટીવીએફવાળા આવા ઉત્તમ એક્ટરોને!
આ શોમાં એક નહીં પણ બે ચંદનોએ ઉત્તમોત્તમ કામ કર્યું છે. એક તો ચંદન રૉય અને બીજા છે, શોના લેખક, ચંદન કુમાર. સાચું પૂછો તો લખાણ જ આ શોનો અસલી હીરો છે. એમ તો ડિરેક્ટર દીપકકુમાર મિશ્રાને પણ આ શોને આટલી સરસ રીતે એક્ઝિક્યુટ કરવા માટે ફુલ માર્ક્સ આપવા પડે. શો જે છે તે સ્વરૂપમાં સરસ જ છે, તોય એવો વિચાર જરૂર આવે કે જિતેન્દ્ર કુમારની દેસી પર્સનાલિટી આમેય અડધાપડધા ગામડિયા જેવી છે. એના બદલે મેઇન લીડમાં ‘ટીવીએફ ટ્રિપલિંગ’ના ચિતવન (અમોલ પરાશર) પ્રકારના કોઈ નખશિખ શહેરી લૂક, ફીલ અને એટિટ્યુડ ધરાવતા એક્ટરને કાસ્ટ કરવામાં આવ્યો હોત તો વાત ઑર ન જામત?
સો વાતની એક વાત. જો તમને ‘માલગુડી ડેઝ’, ‘મુંગેરીલાલ કે હસીન સપનેં’ જેવી સિરીયલો ગમતી હોય તો લગભગ એવી જ તાસીર ધરાવતો ‘પંચાયત’ શો જોઈ કાઢો. બાકી જો તમારે જો ‘સેક્સ એન્ડ ધ સિટી’ના અનૌરસ સાઉથ બમ્બૈયા સંતાન જેવો ગ્લેમર, ગાળાગાળી અને સેક્સમાં ડીપ ફ્રાય કરેલો અર્બન મસાલો ચગળવો હોય તો ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’ છે જ.                       

Tuesday, March 26, 2019

‘મેઇડ ઇન હેવન’માં શું છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 March 2019
મલ્ટિપ્લેક્સ
અભિનય, પ્રોડક્શન વેલ્યુ, ડિટેલિંગ આ બધું જ  અફલાતૂન, પણ ઝોયા અખ્તરના આ નવાનક્કોર વેબ શોમાં ખૂટતું તત્ત્વ આ એક જ છે – નાવીન્ય.    



ઇટ્સ ઓફિશિયલઃ ઝોયા અખ્તર આજની તારીખે આ લખનારની અને એના જેવા અસંખ્ય સિનેમાપ્રેમીઓની મોસ્ટ ફેવરિટ હિન્દી ફિલ્મમેકર છે. ઝૂમાવી દે એવી અફલાતૂન કન્ટેમ્પરરી ક્લાસિક ‘ગલી બોય’ ફિલ્મે પુનઃ જડબેસલાક રીતે પૂરવાર કરી દીધું કે ઝોયા જેવું સ્ટોરીટેલિંગ, દષ્ટિ અને વાર્તા-પાત્રોની સૂક્ષ્મતાઓ ઝડપી શકવાની ક્ષમતા બહુ ઓછા ફિલ્મમેકરો પાસે છે.     

‘ગલી બોય’ રિલીઝ થઈ એ વાતને હજુ એક મહિનો પણ થયો નહોતો ત્યાં ઝોયા અખ્તરનું ઓર એક સર્જન આપણી સામે પેશ થાય છે. આ વખતે વેબ સિરીઝના સ્વરૂપમાં. તેનું નામ છે ‘મેઇડ ઇન હેવન’. એમેઝોન પ્રાઇમની આ ઓરિજિનલ પેશકશ છે. વેલ, ‘મેઇડ ઇન હેવન’ને માત્ર ઝોયા અખ્તરનું સર્જન ન કહેવું જોઈએ. ઝોયા અને સુપર ટેલેન્ટેડ સાથીદાર રીમા કાગતી બન્ને આ શોનાં ‘ક્રિયેટર’ છે. આ શોનાં લેખક તરીકે આ બે મહિલાઓ ઉપરાંત અલંકૃતા શ્રીવાસ્તવનું નામ પણ બોલે છે. કુલ નવ એપિસોડમાંથી ઝોયાએ ફક્ત પહેલા બે એપિસોડ જ ડિરેક્ટ કર્યા છે. બાકીના સાત એપિસોડનું ડિરેક્શન નિત્યા મહેરા, પ્રશાંત નાયર અને અલંકૃતા વચ્ચે વહેંચાઈ ગયું છે.  

તો કેવો છે ‘મેઇન ઇન હેવન’ શો? ઝોયા અખ્તરની ફિલ્મોની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ આ શોમાં મેઇન્ટેઇન થયાં છે? ઉત્તર છેઃ ના. આ શોનું ટીઝર જોયું હતું ત્યારે મનમાં સવાલ જાગ્યો હતો કે આમાં નવું શું છે? નવેનવ એપિસોડમાંથી પસાર થયા પછી જે પ્રમુખ લાગણી મનમાં તરતી રહી તે આ જ છેઃ શોમાં બધું સરસ અને રૂપકડું છે, રસ પડે અને ઇવન જકડી રાખે એવું છે, પણ આમાં ઝોયા એન્ડ પાર્ટીએ નવું શું કહ્યું? શોનાં પાત્રો, દુનિયા, સંબંધો, કોમ્પ્લિકેશન્સ આ બધું જ આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ.

તારા (શોભિતા ધૂલીપાલા) અને કરણ (અર્જુન માથુર) મુખ્ય પાત્રો છે. બન્નેની ઉંમર હશે ત્રીસની આસપાસ. તેઓ ‘મેઇન ઇન હેવન’ નામની વેડિંગ પ્લાનર એજન્સી ચલાવે છે. લગ્નપ્રસંગ માટે ચાર-પાંચ કરોડનું બજેટ હસતાંરમતાં ફાળવી નાખતા સાઉથ દિલ્હીના અત્યંત ધનાઢ્ય પરિવારો એમનાં ક્લાયન્ટ્સ છે. આ અતિ હાઇ-ફાઇના લોકોનાં જીવનમાં કેવી સમસ્યાઓ, વિચિત્રતાઓ અને વિરોધિતાઓ છે? એમનાં લગ્નો રંગેચંગે ઉકેલી આપનારાં તારા અને અર્જુનનું અંગત જીવન કેવું છે? આ બધા સવાલના જવાબ શોના નવ એપિસોડ દરમિયાન ધીમે ધીમે ઊઘડતા જાય છે.



તારા મૂળ મધ્યમ-મધ્યમ વર્ગની છોકરી. જે કંપનીમાં જુનિયર લેવલ પર કામ કરતી હતી એના જ બોસ આદિલ (જિમ સર્બ) સાથે એ લગ્ન કરે છે. એકાએક એ દિલ્હીના ભદ્ર વર્તુળની સદસ્ય બની જાય છે. બહુ ઝડપથી એ નવા માહોલમાં એડજસ્ટ થઈ જાય છે. પતિ એને ખૂબ પ્રેમ કરે છે, પણ એને જ્યારે એને ખબર પડે છે કે પીઠ પાછળ પતિદેવનું પોતાની જ પાક્કી બહેનપણી ફૈઝા (કલ્કિ કોચલીન) સાથે અફેર ચાલે છે ત્યારે એની દુનિયા ડામાડોળ થઈ જાય છે.

સોહામણો, શાલીન અને મહત્ત્વાકાંક્ષી કરણ બેડરૂમના અંધકારમાં હોમોસેક્સ્યુઅલ છે. સ્કૂલનાં વર્ષોમાં મમ્મીને જ્યારે કરણના સેક્યુઅલ ઓરિએન્ટેશન વિશે ખબર પડી ગયેલી ત્યારે એણે દીકરાને બેટથી એટલો ધીબેડ્યો હતો કે એનો હાથ તૂટી ગયેલો. કરણને જોકે ખુદની સચ્ચાઈ સામે કોઈ વિરોધ નથી. એ અલગ મકાનમાં ભાડે રહે છે અને મોજમસ્તી માટે નવા નવા પુરુષોને ઘરે લાવે છે. ‘સૃષ્ટિ વિરુદ્ધ કર્મ’ કરવા બદલ એ જેલની હવા પણ ખાઈ આવ્યો છે, પણ હવે એનામાં હિંમત આવી ગઈ છે. એલજીબીટી વર્ગના અધિકારો માટે એ ખુલ્લી લડત ચલાવતો થઈ ગયો છે. શોમાં ગે સેક્સના નવાઈ લાગે એવાં ઉઘાડાં દશ્યો છે.

તારા અને કરણના ભૂતકાળની વિગતો ફ્લેશબેકના ટુકડાઓમાં આવતી રહે છે. શોના લગભગ દરેક એપિસોડમાં એક નવા લગ્નસમારોહની વાત છે. ક્યાંક છોકરાના પરિવારને બેકગ્રાઉન્ડ ચેકિંગ દરમિયાન ખબર પડે છે કે કન્યા ભૂતકાળમાં અબોર્શન કરાવી ચુકી છે, તો ક્યાંક પરિવારની કન્યા સંગીતસંધ્યામાં પર્ફોર્મ કરવા આવેલા બોલિવૂડના હીરો સાથે સૂઈ જાય છે. ક્યાંક એનઆરઆઇ મુરતિયાને પરણવા ઇચ્છતી કોડીલી કન્યાઓ માટે રીતસર બ્યુટી કોન્ટેસ્ટ ગોઠવાય છે (દિલ્હીમાં ખરેખર આ પ્રકારનાં નાટક થાય છે), તો ક્યાંક મુરતિયાનો બાપ છેલ્લી મિનિટે કરોડોનું દહેજ માગે છે. ક્યાંક લગ્નના અંચળા હેઠળ રાજકીય પક્ષો વચ્ચે જોડાણ થાય છે, તો ક્યાંક રોયલ ફેમિલીના કર્તાધર્તા મેંદી મૂકવા આવેલી છોકરીનું શિયળ લૂંટવાની કોશિશ કરે છે. તારા અને કરણ લગ્નનાં હજાર કામોની વચ્ચે આ બધી સમસ્યાઓ પણ સોલ્વ કરતાં રહે છે.

શોની પહેલી જેન્યુઇન ઇમોશનલ મોમેન્ટ છેક ત્રીજા એપિસોડમાં આવે છે, જેમાં દીપ્તિ નવલ હમઉમ્ર સિનિયર સિટીઝન સાથે લગ્ન કરવા માગે છે, પણ એનાં સંતાનોને માનાં પુનર્લગ્ન સામે તીવ્ર વિરોધ છે. શોમાં ઉત્તમ અદાકારોની ચકાચૌંધ કરી મૂકે એવી આખી આકાશગંગા છે – નીના ગુપ્તા, વિજય રાઝ, વિનય પાઠક, પુલકિત સમ્રાટ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, વિક્રાંત મેસી... આ સૌએ ટચૂકડા એપિસોડિક રોલ્સ કર્યા છે. જાઝ અથવા જસપ્રીત બનતી શિવાની રઘુવંશી નામની ટેલેન્ટેડ યુવા અભિનેત્રીની ગાડી આ શો પછી ચાલી નીકળશે તે નક્કી. વિડીયોગ્રાફર બનેલો શશાંક અરોરા દરેક એપિસોડને અંતે મોરલ-ઓફ-ધ-સ્ટોરી અથવા ટૂંકસાર બોલે છે, જેની બિલકુલ જરૂર નથી. ઝોયા અખ્તર અને રીમા કાગતી સૂત્રધાર પ્રકારનું કિરદાર વિકસાવવામાં આ વખતે ફરી પાછું ગોથું ખાઈ ગયાં. અગાઉ ‘દિલ ધડકને દો’માં આમિર ખાનના અવાજમાં સૂત્રધારવેડા કરતો કૂતરો પણ જરાય જામ્યો નહોતો. 


અફલાતૂન અભિનય, સુપર્બ પ્રોડક્શન વેલ્યુ અને પ્રભાવશાળી ડિટેલિંગ - શોનાં આ સૌથી મોટાં પ્લસ પોઇન્ટ્સ છે. આ શો જોતી વખતે તમને રણવીર સિંહની ‘બેન્ડ બાજા બારાત’ અને મીરા નાયરની અદભુત ‘મોનસૂન વેડિંગ’ જરૂર યાદ આવશે. ‘મેઇડ ઇન હેવન’માં લગ્નસંસ્થા અને સંબંધોનું તકલાદીપણું, વર્ગભેદ, સ્વીકૃતિ મેળવવા માટેનીં ઝંખના, વિવિધ પ્રકારની આઇડેન્ટિટી ક્રાઇસિસ વગેરે સહેજ પણ લાઉડ બન્યા વિના સરસ હાઇલાઇટ થયાં છે, પણ તકલીફ એ છે કે આ બધું આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ.

વેલ, આમ છતાંય શો સારો છે. ચારે બાજુ ઓલરેડી એની જોરદાર પ્રશંસા થઈ રહી છે. જો તમે ‘ઝોયા અખ્તરનું ઉચ્ચ સ્ટાન્ડર્ડ’ અને વધારે પડતી ઊંચી અપેક્ષાઓને એક બાજુ રાખીને ખુલ્લા મનથી શો જોશો તો તમને તેમાં મજા પડે એવી પૂરી શક્યતા છે. ઇન એની કેસ, તે બિન્જ-વર્ધી તો છે જ એટલે કે તમે એક વાર જોવાનું શરૂ કરશો પછી શોને અધવચ્ચેથી છોડવાનું મન નહીં થાય. તમારી સામે જ્યારે મનોરંજનના અસંખ્ય વિક્લ્પો ઉપલબ્ધ હોય ત્યારે બિન્જ-વર્ધી હોવું એ પણ કંઈ નાનીસૂની સિદ્ધિ થોડી છે!

 0 0 0 



Sunday, December 2, 2018

‘મિરઝાપુર’માં શું છે?


 દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 2 ડિસેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
એમેઝોનની આ નવી વેબ સિરીઝ પાસેથી ‘સેક્રેડ ગેમ્સ’ જેવી ઊંચી અપેક્ષા રાખવા જેવી ખરી?

રાતનો સમય છે. નશો કરીને બેઠેલા ગુંડા ટાઇપના ચારેક જુવાનિયા ખુલ્લી જીપમાં શહેરની સડક પર કશેક જઈ રહ્યા છે. સામેથી બેન્ડપાર્ટીના સૂરે વરઘોડો પસાર થઈ રહ્યો છે એટલે એક જગ્યાએ એમણે નછૂટકે અટકવું પડે છે. એક યુવાનની ધીરજ ખૂટે છે. એ જીપમાંથી ઉતરીને જાન પાસે જાય છે. એ નથી ગાળાગાળી કરતો નથી કે નથી કોઈને ધમકાવતો. એ ઓચિતાં તાનમાં આવીને જાણે શરીરમાં માતાજી આવ્યાં હોય એમ જાનૈયાઓની સાથે નાચવા લાગે છે. પછી પોતાના પેન્ટમાં ભરાવેલી ગનને હાથમાં લઈને નાચતાં નાચતાં હવામાં ગોળીબાર કરવા લાગે છે. યુપી-બિહારમાં આમેય લગ્નપ્રસંગ જેવી ઉજવણી દરમિયાન આકાશ તરફ બંદૂક કરીને ઘાંય ધાંય કરવાનો ચક્રમ રિવાજ ક્યારેક પાળવામાં આવે છે. અચાનક સોપો પડી જાય છે. જુવાનને પહેલાં તો સમજાતું નથી કે શું થયું. પછી ખબર પડે છે કે એ  આડેધડ ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે એક ગોળી હવામાં જવામાં બદલે ભુલથી દુલ્હેરાજાની આંખમાં જતી રહી ગઈ છે. નિષ્પ્રાણ વરરાજો ધબ્બ કરતો ઘોડાની ગરદન પર ઢળી પડે છે. જુવાનિયો ગભરાવાને બદલે મોટેથી  ખિખિયાટા કરતાં કહે છેઃ (યે તો સચમુચ) બેન્ડ બજી ગઈ!

આ હતું પહેલું દશ્ય. હવે બીજું દશ્ય. એક મધ્યવયસ્ક ભારાડી માણસ એના બોડીગાર્ડ સાથે ગાડીમાં કશેક રવાના થાય એ પહેલાં બે માણસો એમને મળવા આવે છે. એકની લોહીલુહાણ જમણી હથેળી પર પાટો બંધાયેલો છે. ડરતાં ડરતાં એ બોલે છે કે તમારા કારખાનામાં બનેલી પંદરસો રૂપિયાવાળી દેશી બંદૂક ખરાબ નીકળી. ટ્રિગર દબાવતાં એ હાથમાં જ ફૂટી ગઈ. ભારાડી માણસ એને ગંદી ગાળ આપીને કહે છે, સાલા, પંદરસો રૂપિયામાં તારે એકે-ફોર્ટીસેવન જોઈએ છે? એને બીજી દેશી બંદૂક આપવામાં આવે છે. ભારાડી પેલાને કહે છે, આ ટ્રાય કર. પેલો કહે છે, કેવી રીતે ટ્રાય કરું, હું જમણેરી છું. ભારાડી કહે છે, તું જમણેરી હતો, હવેથી તું ડાબોડી છે. ચલ, ટ્રાય કર. પેલાને મનમાં ફફડાટ છે. અગાઉની બંદૂકની જેમ આ પણ હાથમાં જ ફૂટી જશે તો? એવું જ થાય છે. એની ડાબી હથેળીના પણ ફૂરચા ઉડી જાય છે. ભારાડીના ચહેરા પરની એક રેખા પણ હલતી નથી. એ કારમાં રવાના થઈ જાય છે. જમીન પર પડેલી એક કપાયેલી આંગળી કારના વ્હીલ નીચે ચગદાઈ જાય છે.

પહેલા એપિસોડનો આ પહેલાં બે દશ્યો આખા શોનો ટોન સેટ કરી નાખે છે. ‘મિરઝાપુર’ની અંધારી આલમમાં તમારું સ્વાગત છે! એમેઝોન પ્રાઇમ વિડીયો પર તાજેતરમાં રિલીઝ થયેલી (ડિજિટલ ભાષામાં કહીએ તો, ‘સ્ટ્રીમ’ થયેલી) લેટેસ્ટ વેબ સિરીઝ ‘મિરઝાપુર’ આજકાલ ઠીક ઠીક ચર્ચામાં છે. મહાનગરોની સડકો એના મોટાં મોટાં હોર્ડિંગ્સ લાગ્યાં છે અને એના કલાકારો ફિલ્મસ્ટારની અદાથી મિડીયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. નેટફ્લિક્સના અફલાતૂન ‘સેક્રેડ ગેમ્સ’ શોએ ઇન્ડિયન વેબ સિરીઝના સ્ટાન્ડર્ડ એટલાં ઊંચાં કરી નાખ્યા છે કે ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ બનેલો ‘મિરઝાપુર’ શો આ ધારાધોરણ પ્રમાણે કેવોક સાબિત થાય છે તે જાણવાની ઉત્સુકતા સૌને હતી. એક તો, નેટફ્લિક્સ અને એમેઝોન વિડીયો વચ્ચે સોલિડ સ્પર્ધા છે અને બીજું, ‘સેક્રેડ ગેમ્સ’ તેમજ ‘મિરઝાપુર’ બન્ને ક્રાઇમ થ્રિલર છે. આથી તુલના થવી સ્વાભાવિક નહીં, અનિવાર્ય હતી.

એક વાક્યમાં પરિણામ જાહેર કરી દેવાને બદલે પહેલાં ‘મિરઝાપુર’ વિશે જરા વિગતે વાત કરીએ. સરેરાશ પોણી કલાકના કુલ નવ એપિસોડ છે. સ્પોઇલર્સ આપ્યા વગર શોની કાલ્પનિક વાર્તા ટૂંકમાં કહીએ તો, ઉત્તરપ્રદેશના મિરઝાપુર શહેરમાં અખંડાનંદ ત્રિપાઠી (પંકજ ત્રિપાઠી)નો ભારે દબદબો છે. કહેવા ખાતર તો એ કાલીન એટલે કે કાર્પેટ બનાવવાનું કારખાનું ચલાવે છે (એટલે જ એનું હુલામણુ નામ કાલીનભૈયા છે), પણ એનો ખરો ધંધો કટ્ટા (દેશી તમંચા) બનાવવાનો છે. સાઇડમાં અફીણનું કામકાજ પણ કરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એના ખિસ્સામાં છે. રાજકારણીઓ સાથે એની સારાસારી છે. પૈસા અને પાવરનું ડેડલી કોમ્બિનેશન ઘરાવતા કાલીનભૈયા ખુદને મિરઝાપુરનો કિંગ ગણાવે છે. આ કિંગનો પ્રિન્સ એટલે એમનો પેલો માથાફરેલો દીકરો મુન્નાભૈયા (દિવ્યેન્દુ શર્મા), જે શોના પહેલાં જ સીનમાં વરરાજાને હલાલ કરી નાખે છે. કાલીનભૈયાની જુવાન પત્ની બીના (રસિકા દુગ્ગલ) ડેસ્પરેટ મહિલા છે, કેમ કે આધેડ વયના પતિથી એને સંતોષ નથી. કાલીનભૈયાના અપંગ પિતા (કુલભૂષણ ખરબંદા) આખો દિવસ વ્હીલચેર પર બંગલામાં આમથી તેમ ઘુમતા રહે છે અને ટીવી પર જનાવરોનાં શિકાર તેમજ સંવનનનાં દશ્યો જોતા રહે છે.


    
આ થયું પહેલું ફમિલી. બીજું ફેમિલી આદર્શવાદી વકીલનું છે. એમના બે કોલેજિયન દીકરા છે. મોટો ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) બોડી-બિલ્ડર છે, જે મિસ્ટર પૂર્વાંચલનો ખિતાબ જીવવાનાં સપનાં જુએ છે. એ ભોળિયો ને બુદ્ધિનો બળદ છે, પણ નાનો ભાઈ બબલુ પંડિત (વિક્રાંત મેસી) શાર્પ છે, સમજીવિચારીને પગલાં ભરનારો છે. ડેરિંગબાજ પિતાનો હિંમતનો ગુણ બેય દીકરાઓમાં ઉતર્યો છે.   

યોગાનુયોગે બને છે એવું કે પેલા દુલ્હેરાજાના દુખી પિતા ગુંડા મુન્નાભૈયા સામે કેસ કરવાના ઇરાદાથી આદર્શવાદી વકીલ પાસે આવે છે. સંજોગોનું ચકરડું એવું ફરે છે કે વકીલપુત્રો સામે બે વિકલ્પો ઊભા રહે છે. કાં તો કાલીનભૈયાની ગેંગમાં શામેલ થઈને એના ખોફથી પોતાના પરિવારને બચાવી લેવો અથવા કાયમ માટે ડરતાં-ફફડતાં રહીને ખૂનખરાબા માટે તૈયાર રહેવું. વકીલપુત્રો પહેલો વિકલ્પ પસંદ કરે છે. બસ, આ રીતે કહાણીના મંડાણ થાય છે ને અંતે જે થવાનું હોય છે તે થઈને રહે છે.

આ પ્રકારના કથાવસ્તુ ધરાવતા શો કે ફિલ્મમાં હિંસા ભરપૂર હોવાની. એમાંય આ તો વળી સેન્સર બોર્ડના ચોકી પહેરા વગર બનેલી વેબ સિરીઝ, એટલે અહીં હિંસા ઉપરાતં ગાળાગાળી અને સેક્સ પણ પ્રચુર માત્રામાં છે. શોની શરૂઆતની થોડી મિનિટોમાં જ તમને અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નો પ્રભાવ દેખાવા લાગે છે. વચ્ચે વચ્ચે ક્યાંક ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર’ની ઝલક પણ દેખાય છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ તેમજ અનુરાગના જ કો-ડિરેક્શનમાં બનેલી ‘સેક્રેડ ગેમ્સ’ સિરીઝમાં એક પ્રકારની મેચ્યોરિટી હતી. ‘મિરઝાપુર’નું સપનું ‘ગેંગ્સ...’ અને ‘સેક્રેડ ગેમ્સ’ની કક્ષાએ પહોંચવાનું હતું, જે કમનસીબે પૂરું થતું નથી. કરણ અંશુમાન, ગુરમીત સિંહ અને મિહિર દેસાઈએ ડિરેક્ટ કરેલી ‘મિરઝાપુર’ સિરીઝની કહાણી ટ્વિસ્ટ-ટર્ન્સ વગર, આશ્ચર્યો વગર કે ક્યારેક ઇવન પશ્ચાત-અસરો વગર સીધેસીધી આગળ વધતી રહે છે. સારા ઘરના બે ભાઈઓ ફટાક કરતાં ગેંગસ્ટર બની જાય, નાના છોકરાઓ ધૂળેટીના દિવસે હાથમાં બંદૂકની પિચકારી લઈને એકબીજા પર રંગીન પાણી છોડતા હોય એટલી સહજતાથી સૌ એકબીજા પર સાચી બંદૂકથી ગોળીઓ છોડ્યા કરે... ગુંડારાજ બરાબર છે, પણ આટલી હદે? ઓવર-સિમ્પ્લીફિકેશન (અતિસાધારણીકરણ), સગવડીયાપણું અને એપિસોડ્સ જોતી વખતે ‘આવું બધું તો અગાઉ આપણે જોયું છે’ પ્રકારની જાગતી લાગણી ‘મિરઝાપુર’ના સૌથી મોટા માઇનસ પોઇન્ટ્સ છે.

સેક્સ અને હિંસાનાં અમુક દશ્યો ખાસ શોક વેલ્યુ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યાં છે. વીંધાયેલા પેટમાંથી બહાર આવી જતાં આંતરડાં, ગળા પર ફરતી ધારદાર છરી, ખોપરીનાં રીતસર ફૂરચા ઊડી જવા... ગ્રાફિક વાયોલન્સનાં અમુક સીન કાચોપાચો પ્રેક્ષક જોઈ ન શકે એવાં ખતરનાક છે. ગોલુની ગર્લફ્રેન્ડ બનતી શ્વેતા ત્રિપાઠીને ઇન્ટ્રોડક્ટરી સીનમાં જ લાઇબ્રેરીમાં હસ્તમૈથુન કરતાં બતાવી છે. આ દશ્યનો ખરેખર તો કશો મતલબ નથી, કોઈ સંદર્ભ નથી. બસ, આજકાલ સ્ત્રીપાત્રોને હસ્તમૈથુન કરતાં બતાવવાનો ટ્રેન્ડ ચાલે જ છે તો હાલો, આપણે પણ આવો એકાદ સીન મૂકી દઈએ -  એ પ્રકારનો ભાવ છે.

‘મિરઝાપુર’નો સૌથી મોટો પ્લસ પોઇન્ટ્સ એના કલાકારોનો દમદાર અભિનય છે. બધા એક સે બઢકર એક છે. એમાંય અલી ફઝલ અને અત્યાર સુધી માત્ર કોમડી પાત્રોમાં જ દેખાયેલા દિવ્યેન્દુ શર્માનાં પર્ફોર્મન્સીસ તો લાંબા સમય સુધી યાદ રહી તેવાં અસરકારક છે. સંવાદોમાં સરસ ચમકારા છે. કેમેરાવર્ક અને પ્રોડક્શન વેલ્યુઝ પણ મજાનાં છે.

સો વાતની એક વાત. ‘મિરઝાપુર’ પાસેથી ‘સેક્રેડ ગેમ્સ’ જેવી અપેક્ષા નહીં રાખવાની. અલબત્ત, ભલે આ શો મહાન નથી, પણ બિન્જ વોચિંગ કરવાનું એટલે કે સડસડાટ એક પછી એક એપિસોડ જોતાં જવાનું મન થાય એવો રસાળ તો છે જ. જો ફાજલ સમય એન્ટરટેઇનમેન્ટમાં જ ગાળવો હોય તો ફાલતુ ફિલ્મો કે ચક્રમ જેવા ટીવી શોઝ જોવા કરતાં ‘મિરઝાપુર’ વેબ સિરીઝ જોવામાં કશો વાંધો નથી! 

0 0 0