Showing posts with label Morari Bapu. Show all posts
Showing posts with label Morari Bapu. Show all posts

Thursday, June 18, 2020

મેરી ઉસ્તાદિની કી ઉમ્મર ખુદા દરાઝ કરે...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 17 જૂન 2020, બુધવાર
ટેક ઓફ 
જ્યારે રેહાના આવ્યાં ત્યારે મેં મજાકમાં કહ્યું, તું આશ્રમવાસીઓને મુસલમાનો બનાવ, હું તને હિંદુ બનાવીશ. અહીં જે શીખે તેમનેય કંઈક આયાતો શીખવતી જા. તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું? બઘા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં. ભક્તોએ આયાત શીખી લીધી.

રામકથાકાર મોરારીબાપુ છેલ્લા કેટલાક દિવસોથી અપ્રિય કારણોસર સમાચારમાં છે. અત્યંત ગલીચથી લઈને હળવી ભાષામાં એમની ટીકા કરનારાઓની વાતમાં એક મુદ્દો કૉમન છે કે ઈશ્વર અને અલ્લાહ એક જ છે તેવી ભાવના વ્યક્ત કરતી ચેષ્ટા ફક્ત બાપુ જ કેમ કરે છે? મુસ્લિમ સમાજ કેમ મસ્જિદમાં કે કોઈ જાહેર મંચ પરથી રામનામ કે કૃષ્ણનામના જાપ કરીને વળતો પ્રતિસાદ આપતો નથી? બન્ને ધર્મો પ્રત્યે સમાન દષ્ટિ ધરાવવાની લાગણી એકપક્ષી કેવી રીતે હોઈ શકે? તે પારસ્પરિક હોય તો જ તેનો અર્થ સરે ને!
આ ટીકાકારોના જીવને સહેજ નિરાંત થાય એવું એક અસલી કિરદાર નજીકના ભૂતકાળમાં થઈ ગયું છે. એમનું નામ રેહાના તૈયબજી. તેઓ ગાંધીજીનાં અંતેવાસી હતાં. 1901માં તેમનો જન્મ. જેવી અઠંગ એમની રાષ્ટ્રભક્તિ એટલી જ બળકટ એમની કૃષ્ણભક્તિ. એમને આખી ગીતા કંઠસ્થ હતી. એમણે હાર્ટ ઑફ ગોપી નામનું પુસ્તક લખ્યું હતું, જેનું બળવંતરાય ક. ઠાકોરે ગોપીહૃદય નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. રેહાના તૈયબજી વિશે વિગતે જાણવા જેવું છે.
રેહાના તૈયબજીનો પરિવાર સુલેમાની વહોરા. મૂળ તેઓ ઇજિપ્તના શિયા મુસલમાન. સુન્ની તુર્કોએ ઇજિપ્ત પર આક્રમણ કર્યું હતું ત્યારે તેઓ સમુદ્ર માર્ગે ગુજરાતના ખંભાત બંદરે પહોંચ્યા હતા અને પછી અહીં જ વસી ગયા. આ પરિવારના બદરૂદ્દીન તૈયબજી ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનેલા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સ્થાપકોમાંના તેઓ એક. બદરૂદ્દીનના ભત્રીજા એટલે અબ્બાસ તૈયબજી. તેઓ પણ કાકાની માફક ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયા ને ગાંઘીજીના તીવ્ર પ્રભાવ હેઠળ સ્વાતંત્ર્યસેનાની બન્યા. વર્ષો સુધી તેઓ વડોદરા રાજ્યના દીવાન રહ્યા. કૉંગ્રેસના અધિવેશનોમાં તેઓ નિયમિતપણે હાજરી આપતા. તેમની દીકરી એટલે આપણે જેમની વાત કરી રહ્યા છીએ એ, રેહાના તૈયબજી.
વડોદરામાં જન્મેલા રેહાના તૈયબજીમાં સ્વાભાવિક રીતે જ દેશભક્તિના સંસ્કાર ઉતરી આવ્યા હતા. પિતાનાં દેશહિતનાં કાર્યોનાં તેઓ પ્રત્યક્ષ સાક્ષી. તેમને થયું કે જો હું પરણી જઈશ તો આ પ્રકારનું કોઈ કાર્ય નહીં કરી શકું. આથી તેમને આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કયો. અસહકારના આંદોલનમાં ભાગ લઈ વડોદરાના સૂરસાગર તળાવના કાંઠે વિદેશી કપડાંની હોળી કરી. ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરીને આશ્રમમાં રહેવાની અનુમતી માગી. ગાંધીજીએ તરત હા પાડી.

રેહાના તૈયબજીના આશ્રમપ્રવેશ વિશે સ્વયં ગાંધીજીએ એક જગ્યાએ લખ્યું છે કે, જ્યારે રેહાના આવ્યાં ત્યારે મેં મજાકમાં કહ્યું, તું આશ્રમવાસીઓને મુસલમાનો બનાવ, હું તને હિંદુ બનાવીશ. એનું સંગીત તો ઉત્કૃષ્ટ છે જ. તેની પાસે સર્વ પ્રકારનાં ભજનોનો ભંડાર છે. તે રોજ સંભળાવતાં. કુરાનમાંથી મીઠી અને ઊંચા અર્થવાળી આયાતો પણ સંભળાવતાં. મેં કહ્યું, અહીં જે શીખે તેમનેય કંઈક આયાતો શીખવતી જા. તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું? બઘા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં. ભક્તોએ આયાત શીખી લીધી. એમાંની એક પ્રખ્યાત ફત્તેહ છે.
રેહાના તૈયબજીએ ગાંધીજીને પોતાના ગુરૂ બનાવીને અહિંસાના પાઠ શીખ્યા. શીખવાની પ્રક્રિયા દ્વિપક્ષી હતી. ગાંઘીજી રેહાના પાસથી ઉર્દૂ શીખતા! રેહાનાને તેઓ ઉસ્તાદિની કહેતા. રેહાનાને લખેલા એક પત્રમાં ગાંધીજીએ કેવું ઉર્દૂ લખ્યું હતું તે જુઓઃ
તુમ્હારા ખત પા કર કર બહોત ખુશી હાસિલ હુઈ. મૈં ગલતીયાં તો બહોત કરતા હૂં. ધીરજ રખના. જબ તુમકો થકાન આવે તબ દુરસ્ત કરનેકા છોડ દો. મૈં તો હર હફ્તે મેં લિખને કી કોશિશ કરુંગા. શરૂ કિયા હૈ ઉસે નહીં છોડુંગા. મેરી ઉસ્તાદિની કી ઉમ્મર ખુદા દરાઝ કરે.
જબ તુમકો થકાન આવે આ વાક્યમાં ગાંધીજીનું આયેને બદલે આવે અશુદ્ધ હોવા છતાં કેટલું મીઠું લાગે છે!
રેહાના તૈયાબજી આઝાદીના જંગમાં સક્રિય રહેવા માગતા હતાં, પણ નાનપણથી જ તબિયત સતત નરમગરમ રહ્યા કરતી હોવાથી તેઓ પાછળ પડી જતાં હતાં. ગાંધીજીને કાગળ લખીને એમણે આ વાતનો અફસોસ વ્યક્ત કરેલો. ગાંધીજીએ વળતા પત્રમાં જવાબ આપ્યોઃ
નિર્દોષની પ્રાર્થના પણ જાહેર કામ જેટલું જ બલ્કે વધારે કામ આપે છે. એટલે તું શરીર વતી કામ ન આપી શકે તો શું થયું? એનું દુખ ન લગાડતી... ગીતાના શબ્દોમાં કહીએ તો આપણી ફરજ તો કાર્ય કરીને છૂટવામાં અને પરિણામની દરકાર ન કરવામાં રહેલી છે. ઉદ્દેશ અને કાર્યશુદ્ધિ હોય તો તેમાંથી ઊભા થતાં વિવિધ પરિણામો માટે કર્તા જવાબદાર નથી.
1926માં એક યુવક સંમેલનમાં રેહાના તૈયબજીએ એટલા મીઠા સૂરે ભજનો સંભળાવ્યાં કે ગાંધીજી વાહ પોકારી ઉઠ્યા હતા. રેહાનાનો અવાજ તો રવીન્દ્રનાથ ટાગોરને પણ ખૂબ ગમતો. ગાંધીજીએ એક પત્રમાં રેહાના તૈયબજીને લખ્યું છેઃ તમારો કંઠ એવો મધુર છે કે સાંભળીને લોકો પોતાની ચિંતાઓ ભૂલી જાય છે, તો તમારી પોતાની ચિંતાઓ દૂર કરવા માટે તમે તમારા કંઠની જ આરાધના કરો.
રેહાના તૈયબજીએ કડી પ્રાંતમાં પ્રમુખ બનીને યુવક સંઘની લગામ પોતાના હાથમાં લીધી હતી. એમનું તન નબળું પણ મન ખૂબ મક્કમ હતું. પાટણની બજારમાં વિદેશી કાપડ વેચતા વેપારીઓ સામે એમણે સત્યાગ્રહ આદર્યો. કેટલાય લોકો એમની સાથે જોડાયા. રેહાના તૈયબજીના પ્રયત્નોને કારણે પાટણમાં વિદેશી કાપડના વેચાણ પર પ્રતિબંધ લાગી ગયો. હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈને તેઓ જેલમાં ગયાં ને ત્યાં તેમણે ભરતગૂંથણ કરવા માંડ્યું. પછી તેમને પ્રશ્ન થયો કે આમાં ચીનના રેશમનો ઉપયોગ કરાય કે નહીં? ગાંધીજીએ કહ્યું કે જેમને કળાની નાશ થવાની બીક છે તેઓ ભરતગૂંથણમાં ગમે તેટલું ચીની સૂતર વાપરી શકે. માત્ર જેના પર ભરતગૂંથણ કરવામાં આવે છે તે વસ્ત્ર હાથે કાંતેલા ખાદીનું હોવું જોઈએ!
કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનાં નિધન પછી રેહાના ગાંધીજીના અંતેવાસી બની ગયાં હતાં. ગાંધીજી મુંબઈમાં હોય ત્યારે રોજ સાંજે મીરાંબાઈનું મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ ભજન અચૂકપણે ગાય. ગાંધીજીના અવસાન પછી તેઓ કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યાં. રેહાના તૈયબજીએ આત્મકથાનું શીર્ષક સુનિયે કાકાસાહેબ છે. પોતાનું શેષ જીવન એમણે દિલ્હીમાં વિતાવ્યું. 17 મે, 1975ના રોજ દિલ્હીમાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. ઓખલામાં જામિયા મિલિયા પાસે રેહાના તૈયબજીની કબર તૈયાર કરવામાં આવી.  
રેહાના તૈયબજીએ સૌથી પહેલી વાર અંગ્રેજીમાં ગીતાનું ભાષાંતર વાંચ્યું હતું. પછી તો તેઓ પૂરેપૂરા કૃષ્ણમય બની ગયાં હતાં. એમની કૃષ્ણપ્રીતિ એટલી તીવ્ર અને કૃષ્ણગીતો ગાતી વખતે ગાયકી એવી ભાવપૂર્ણ હોય કે લોકોએ તેમને આધુનિક મીરાંબાઈ કહેવાનું શરૂ કરી દીધેલું. તેઓ કહેતાં, શ્રીકૃષ્ણ સંપૂર્ણાવતાર છે. જે પુરુષોત્તમ છે એ જ કૃષ્ણ છે. રેહાના તૈયબજી સૂફી જીવ હતાં. ગીતા અને કુરાનને તેઓ એકબીજાની છાયા ઝીલતાં પૂરક ગ્રંથો ગણાવતાં. તેઓ કહેતાં, ગીતા એ મુસ્લિમોનું કુરાન છે અને કુરાન એ હિન્દુઓની ગીતા છે.
રેહાના તૈયબજી જો આજે જીવતાં હોત ને ધારો કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ એમણે અત્યારે કર્યું હોત તો લોકોએ સોશિયલ મિડીયા પર કેવો હંગામો કરી નાખ્યો હોત એની કલ્પના કરી જોજો! 
0 0 0 

Friday, February 17, 2017

હું લખું છું ત્યારે જ સાચું જીવું છું, સવાયું જીવું છું

ચિત્રલેખા -  ડિસેમ્બર ૨૦૧૬

વાંચવા જેવું 

'મેડિકલ સાયન્સમાં ઘણું બધું શીખવા-સમજવાનું બાકી છે. આજે જેને બ્રહ્મવાક્ય કે ચમત્કારિક ઉપચાર કે બ્રેકથ્રૂ ગણતા હોઈએ એ આવતી કાલે ભયંકર ભુલ સાબિત થાય  એ શક્ય છે.  જેમ કે, એસ્પિરિનની દવા સોએક વર્ષથી વપરાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોેમાં જ આપણને ખબર પડી કે બાર વર્ષ કરતાં ઓછી વયના બાળકો પર તેની ગંભીર આડઅસર પેદા થઈ શકે છે.'
                                                       


જુદા જુદા ક્ષેત્રમાં માનભર્યું સ્થાન પામેલા ગુજરાતી મહાનુભાવો સહેજ અટકીને, પાછું વળીને, જીવાયેલા જીવનનું સિંહાવલોકન કરે અને પોતાનાં સત્યોને પ્રવચનમાં પરોવીને લોકો સામે પેશ કરે.... આ આખી વાત જ કેવી રોમાંચક છે! કોફી મેટ્સ અને વિકલ્પ જેવી સંસ્થા તેમજ મુબંઈ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટરના સહિયારા પ્રયાસથી ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન આ પ્રવચનશ્રેણીને આકાર આપવામાં આવ્યો હતો. એ એટલી અદભુત પૂરવાર થઈ કે એનું લિખિત શબ્દોમાં અવતરવું અનિવાર્ય બની ગયું હતું. ચિક્કાર જહેમતને અંતે તૈયાર થયેલું આ રુપકડું પુસ્તક પ્રવચનશ્રેણી જેવું જ અફલાતૂન છે.

 કેટલી સરસ વ્યક્તિઓ ને કેવી મજાની વાતો. એક યા બીજા મુદ્દે અદાલતમાં થતી જાહેર હિતની અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન) વિશે આજે સમાચારોમાં અવારનવાર સાંભળતા-વાંચતા રહીએ છીએ. ભારતીય ન્યાયતંત્રમાં આ વ્યવસ્થાને ઇન્ટ્રોડ્યુસ કરાવનાર હસ્તી એટલે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પ્રફુલ્લ એન. ભગવતી. ગરીબ યા સાધારણ માણસને વકીલની મોંઘીદાટ ફી પરવડે એટલે એ ન્યાયતંત્ર પાસે જઈ ન શકે એ કેવી રીતે ચાલે? આજે કોઈ વ્યક્તિ કે જૂથને એમ લાગતું હોય કે એમના અધિકારોનો ભંગ થઈ રહ્યો છે તો એ પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે પગલાં ભરવાની માગણી કરવા જાહેર હિતની અરજી કરી શકે છે. આ કાર્યપ્રણાલીનું બાંગ્લાદેશ અને નેપાળમાં અનુસરણ કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકામાં તો બંધારણીય કાયદામાં એનો સમાવેશ કરવામાં આવ્યોે.

 ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી સન્માનિત થઈ ચુકેલા પ્રફુલ્લ એન. ભગવતીની આધ્યાત્મિકતા તરફની ગતિ પણ ધ્યાન ખેંચે છે. ક્ેટલાય સંત-સ્વામીનો સત્સંગ કરી ચુકેલા આ ભૂતપૂર્વ કાયદાવિદ છે કે આધ્યાત્મિક જીવન માણસનો અંતિમ આત્મોદ્ધાર છે.

 જીવનના છેડો સામે દેખાતો હોય ત્યારે સામાન્યપણે લોકો પોતાની સિદ્ધિઓના લેખાજોખા કરતા હોય છે, પણ વિખ્યાત કથાકાર મોરારિબાપુને ‘સિદ્ધિ’ શબ્દ ગમતો નથી. એ કહે છે, આ દેશને સિદ્ધોની નહીં, શુદ્ધોની જરુર છે. એ જ પ્રમાણે બાપુને ‘સત્યનો જ જય થાય’ એ સૂત્ર પણ ગમતું નથી. સત્યને વળી જય અને પરાજય સાથે શું લેવાદેવા?


 હૃદયરોગ નિષ્ણાત ડો. તુષાર શાહનું વકતવ્ય જેટલુ હૃદયસ્પર્શી છે એટલું જ વિચરતા કરી મૂકે એવું છે. એ કહે છે:

 ‘હૃદયની શસ્ત્રક્રિયાને હું મહાભારત સાથે સરખાવું છું. જે અહીંયા છે તે જ જિંદગીમાં છે અને જે જિંદગીમાં નથી એ અહીંયા નથી. વિસ્મય, ચમત્કાર, પ્રેમ, લાગણી, આનંદ અને દુખ - બધાંની પરિસીમા, શક્તિનો અહેસાસ અને સાથે સાથે નિ:સહાયતાનો વારંવાર થતો અનુભવ... અહીં પેશન છે તો સંપૂર્ણ વ્યાપારીકરણ પણ છે... એક બાજુ સંપૂર્ણ વ્યવસ્થા અને બીજી બાજુ અંધાધૂંધી, કટોકટી અને સંપૂર્ણ અવ્યવસ્થા જેમાંથી સંપૂર્ણ વ્યવસ્થા શોધવાના પ્રયત્નો કરવાના. આ બધાએ મને ઘણું બધું શીખવ્યું. ૩૦ વર્ષની અંદર હજારો દર્દીઓની સારવાર કરી મેં એમનાં ભવિષ્ય બદલ્યાં અને એમણે મારું ભવિષ્ય બદલ્યું.’  


 માનવશરીર એટલે કુદરતના લાખા વર્ષોના પ્રયોગને અંતે તૈયાર થયેલું એક જીવંત યંત્ર. એની સામે માંડ ત્રણસો-ચારસો વર્ષની ઉંમર ધરાવતા આધુનિક તબીબીશાસ્ત્રની શી વિસાત? આમ છતાંય હું મેડિકલ સાયન્સને કંઈ ઊતરતું ગણતો નથી એમ કહીને ડો. તુષાર શાહ કહે છે કે હજુ ઘણું બધું શીખવા-સમજવાનું બાકી છે. આજે જેને બ્રહ્મવાક્ય કે ચમત્કારિક ઉપચાર કે બ્રેકથ્રૂ ગણતા હોઈએ એ આવતી કાલે ભયંકર ભુલ સાબિત થાય  એ શક્ય છે.  જેમ કે, એસ્પિરિનની દવા સોએક વર્ષથી વપરાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોેમાં જ આપણને ખબર પડી કે બાર વર્ષ કરતાં ઓછી વયના બાળકો પર તેની ગંભીર આડઅસર પેદા થઈ શકે છે. ડોક્ટર કહે છે:

 ‘ ધીરે ધીરે હું સમજ્યો કે કોઈ પણ વસ્તુ નવી આવે તો તેને જલદી સ્વીકારવી નહીં અને છેક છેલ્લી છોડવી નહીં. ડહાપણ કરતાં વિજ્ઞાનને, આર્ટ કરતાં સાયન્સને અને કોમન સેન્સ કરતાં ચતુરાઈને વધારે મહત્ત્વ આપવું નહીં.’

 સાહિત્યકાર મધુ રાયનું વકતવ્ય એમના લખાણ જેટલું જ ચટાકેદાર છે. કહે છે:

 ‘અનેક ઇનસિક્યોરિટીઝ, ઘેલછાઓ ને વિરોધાભાસથી ખખડતી મારી ખોપરી, મારું ખોળિયું, જીવનના રસ્તે કદી રેવાલ ચાલે ચાલ્યું નથી...આ જૈફ વયે પણ હજુ સ્પષ્ટ નથી કે હું કયા પેશામાં પાવરધો છું... મેં જિદગીની અસહ્ય, અક્ષમ્ય ને કરપીણ ભૂલો કરી છે, અને અનેક વાર દગાનાં ખંજર ખાધાં છે, અને દુખના ગોવર્ધન વેંઢાર્યા છે... જીવનનો મોટો ધોખો છે કે, મને સંતાન નથી. મારા રક્તની રેખા મારા ખોળિયા પાસે આવીને અટકી જાય છે... લેખક તરીકે યથેચ્છ આદર પામ્યા બાદ હું શું શું નથી તેનો સતત અણસાર છે, પણ મને સહેજ પણ ખ્યાલ નથી કે મૈં કૌન હૂં, કે હજાર હાથવાળા દ્વારા આ પૃથ્વી ઉપર શાથી મોકલવામાં આવ્યો છું. એટલી જાણ છે કે હું લખું છું ત્યારે જ સાચેસાચ જીવું છું, સાચું જીવું છું, સવાયું જીવું છું.’

 નારાયણ દેસાઈ,  અશ્ર્વિની ભટ્ટ, ડો. મનુભાઈ કોઠારી, સિતાંશુ યશશ્ર્ચંદ્ર, ગુણવંત શાહ સહિતના પચ્ચીસ ઉત્તમ વક્તાઓનો આખો અન્નકોટ સામે હોય ત્યારે એમાંથી કઈ વાનગી પેશ કરવી ને કઈ ન કરવી. બોલાયેલા પ્રવચનને જ્યારે છપાયેલા લેખનું સ્વરુપ  આપવાનું હોય ત્યારે એને ભાષાકીય શિસ્તની ગળણીમાંથી એકથી વધારે વખત ગાળવું પડે. અત્યંત કડાકૂટભર્યું કામ છે આ. અલકેશ પટેલના સહયોગથી કાન્તિ પટેલે આ કામ અત્યંત સુંદર રીતે કરી શક્યા છે. વર્ષો પહેલાં કાન્તિ પટેલ દ્વારા સંપાદિત ‘દીકરી વહાલનો દરિયો’ એક સીમાચિહ્નરુપ પુસ્તક સાબિત થયું છે. એમના આ સંપાદનમાં પણ એવરગ્રીન પૂરવાર થવાનું એવું જ કૌવત છે. અ મસ્ટ રીડ.

0 0 0  

 અલ્પવિરામ- જો આ હોય મારું અંતિમ પ્રવચન   
સંપાદક: કાન્તિ પટેલ
પ્રકાશન: અરુણોદય પ્રકાશન ગાંધીરોડ, અમદાવાદ-૧ 
 ફોન: (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮
 કિંમત:  Rs. ૩૭૫ /
  પૃષ્ઠ: ૨૫૮
 ૦ ૦ ૦ 

Monday, July 22, 2013

વાંચવા જેવું : આંખ ખોવા કરતાં દષ્ટિ ખોવી વધારે નુક્સાનકર્તા છે...


ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૩ માટે 

કોલમ: વાંચવા જેવું 


                                                                                   

શૉન પેને ડિરેક્ટ કરેલી એક અદભુત અમેરિકન ફિલ્મ છે - ‘ઈનટુ ધ વાઈલ્ડ’. પોતાની મરજીનો માલિક બનીને જીવતો એનો યુવા નાયક એક જગ્યાએ કહે છે કે, ‘કરીઅર તો વીસમી સદીમાં શોધાયેલી ચીજ છે અને મને એની બિલકુલ જરુર નથી!’

ફિલ્મનો હીરો આમ કહી શકે, પણ સામાન્ય માણસ કારકિર્દીનો અસ્વીકાર કરીને હવામાં દિશાહીન ઉડ્યા કરતાં પીંછા જેવું જીવન જીવી શકતો નથી. જીવનને ડિફાઈન શી રીતે કરી શકાય? સંબંધો વડે, સ્વજનો વડે, કારકિર્દી વડે. આપણે કર્મ કરવામાં માનનારા લોકો છીએ.  આજનાં પુસ્તક ‘મારી કારકિર્દીનો સૂર્ય’માં જુદાં જુદાં ક્ષેત્રના કર્મનિષ્ઠ અને સફળ લોકોના આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે.

મોરારીબાપુ કહે છે કે, ‘મને કારકિર્દીના સૂર્ય કરતાં કારકિર્દીના ચંદ્રમામાં વધારે પ્રસન્નતા દેખાય છે. ક્ષીણતા અને વૃદ્ધિ પામવા છતાં, કલંકગ્રસિત ઘટનાઓ થતી રહે છતાં ચંદ્ર પોતાનાં શીતળ સત્ય, પ્રેમ અને કરુણાના પ્રકાશને છોડતો નથી. પૂર્ણ ચંદ્રની સ્થિતિ નિરંતર રહેતી નથી. તેથી માનવીએ સતત વિચારતા રહેવાનું છે કે હું મારી કારકિર્દીમાં પૂર્ણ નથી થઈ ગયો, મારે નિરંતર વૃદ્ધિ કરતાં રહેવાની છે.’

અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ અને પેશનને અનુસરીને થતી પ્રવૃત્તિ - આ બન્ને વચ્ચે ભેદ હોય, ન પણ હોય. ઉત્પલ ભાયાણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને વાર્તાકાર. ઉપરાંત સુરેશ દલાલ સાથે પુસ્તક પ્રકાશન તેમજ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ક્ષેત્રમાં સીમાચિહ્ન કહી શકાય એવી એકાધિક પ્રવૃત્તિઓ કરી. આમ છતાંય નાટકો જોવાની, માણવાની અને તેના વિશે સંપૂર્ણ નિષ્ઠા તેમજ તટસ્થતાથી લખવાની સાડાત્રણ દાયકાની સાતત્યપૂર્ણ પ્રલંબ કારકિર્દી એમને સૌથી વધુ અસામાન્ય લાગે છે. અહીં ‘સાતત્ય’ શબ્દ મહત્ત્વનો છે, જેનો સીધો સંબંધ શિસ્ત સાથે છે.

કરીઅર સમયની સાથે અલગ અલગ રંગછટા ધારણ કરતી જતી હોય છે.  જેમ કે અવિનાશ પારેખને ‘બિલ્ડિંગ લાઈનનો બાદશાહ એટલે બિલ્ડર, આર્કિટેક્ટ નહીં’ એ સૂત્ર મળ્યું અને તેમના મનને જાણે ચાબૂક લાગી ગઈ. પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનિંગ તરફથી તેઓ ક્ધસ્ટ્રક્શન તરફ વળ્યા. સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મળ્યાં. અનુભવે એક વાત શીખ્યા કે ઈર્ષાજનક સફળતા મેળવ્યા પછી આત્મવિશ્વાસ કરેલી ભૂલનું મૂલ્ય ક્યારેય ઓછું હોતું નથી. દષ્ટિ ખોવી એ આંખ ખોવા કરતાં વધારે નુક્સાનકર્તા છે! એમણે ‘અભિયાન’ સાપ્તાહિકની સ્થાપના કરી. આ સામયિકે કંઈકેટલાય ‘હાઈ’ અને ‘લૉ’ જોયા, કેટલાય આરોહ-અવરોહમાંથી પસાર થયું. ‘અભિયાન’ સરવાળે સફળતા પામ્યું? અવિનાશ પારેખનો ઉત્તર છે: ‘હા અને ના!’

આ ‘હા’ અને ‘ના’નું સહઅસ્તિત્ત્વ ‘અભિયાન’નું સત્ય છે. કવિ અને ડોક્ટર રઈશ મનીઆર પોતાનાં જીવનનાં કેટલાંક સત્ય આપણી સાથે શેર કરે છે. એ કહે છે કે કારકિર્દી કે કર્મનો એજન્ડા જેટલો અંગત એટલી પીડા વધુ. જીવનમાં આપણે તલ્લીન થઈને કરેલી પ્રવૃત્તિ ધન કે યશ અપાવે જ, પણ એ તો આડપેદાશ છે. જીવનનો ખરો આનંદ તો પેલી તલ્લીનતા જ છે. સતત સક્રિય રહેવું જરુરી નથી. આપણા કાર્યક્ષેત્ર સિવાયની રોજબરોજ જિવાતા જીવનની નાની નાની બાબતોમાં પણ વ્યસ્ત અને મસ્ત રહેતાં આવડવું જોઈએ. નવરાશનેય અજંપા વગર માણતાં આવડવું જોઈએ...



‘ઈનટુ ધ વાઈલ્ડ’ ફિલ્મના નાયકની માફક કાંતિ ભટ્ટને પણ ‘કારકિદી’ કે ‘કરીઅર’ શબ્દ બિલકુલ પસંદ નથી. આ શબ્દોમાંથી એમને ગુલામીની ગંધ આવે છે! ‘કરીઅર’ મૂળ ગ્રીક શબ્દ ‘કેરરિયા’માંથી ઉતરી આવ્યો છે. કેરરિયા એટલે પૈડાંવાળું વાહન. એ કહે છે કે આજનો યુવાન કે યુવતી ડિગ્રી મેળવીને સીઈઓ કે બિઝનેસ મેનેજર કે એવા કોઈ ફેન્સી નામવાળી પોસ્ટ પર ઊંચા પગારવાળી નોકરી કરે છે, પણ આખરે રહે છે તો ગ્લેમરસ નોકર જને? પછી વર્ષો સુધી એ પૈડાંવાળાં વાહનની જેમ કારકિર્દીનો અને જિંદગીનો બોજ ઘસડ્યા કરે છે. અલબત્ત, કાંતિ ભટ્ટ હર દિન લખવા પડતા લેખને પોતાના જીવનનું પ્રેરકબળ અને રોજે રોજના સૂર્ય સાથે સરખાવે છે.

કારકિર્દી અને નસીબ વચ્ચે શો સંબંધ છે? કાઠિયાવાડના સાવરકુંડલામાં જન્મેલા અને ઉછરેલા નટવર ગાંધી કાળક્રમે અમેરિકાની રાજધાનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જેવી પાવરફુલ પોઝિશન પર દોઢ દાયકા કરતાંય વધારે સમય માટે કાર્યરત રહ્યા. વોશિંગ્ટોનિઅન ઓફ ધ યર, (વન ઓફ) ધ મોસ્ટ પાવરફુલ મેન ઓફ વોશિંગ્ટન જેવા કેટલાય ખિતાબ મેળવ્યા. આ સિદ્ધિ નાનીસૂની નથી. નટવર ગાંધી કહે છે કે, ‘તમે ગમે તેટલા હોશિયાર હો, પણ જો નસીબની લોટરી ન લાગે તો એ હોશિયારી કામે લાગતી નથી. સફળતાના શિખરે બેઠેલા મૂછો મરડતા તિસમારખાંઓએ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એમની ઉન્નતિમાં કો’ક જાણ્યા-અજાણ્યાનો હાથ છે...’ અમદાવાદનાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવી અવોર્ડવિનિંગ રેસ્ટોરાંના માલિક મનીષ પટેલ લગભગ આ જ સૂરમાં કહે છે: ‘હું નસીબમાં માનું છું અને મેં જોયું છે કે જેમ જેમ હું વધુ કામ કરું છું, તેમ તેમ વધુ નસીબદાર બનતો જાઉં છું.’

પુસ્તકમાં કેટલીય સરસ રસપ્રદ વિગતો જાણવા મળે છે. જેમ કે, સાહિત્યકાર ભોળાભાઈ પટેલ શિક્ષક બન્યા ત્યારે રઘુવીર ચૌધરી આઠમા ધોરણમાં ભણતા અને ખાદીનાં કપડાં ને સફદ ટોપી પહેરીને પહેલી બેન્ચ પર બેસતા! ભોળાભાઈ કહે છે કે ચૌધરી અત્યારે ‘મુખી’ જેવા છે એવા ત્યારે પણ હતા! આ પુસ્તકમાં તારક મહેતા, વિનોદ ભટ્ટ, ઉત્કર્ષ મઝુમદાર, ઉદયન ઠક્કર, દીપક દોશી, રતિલાલ ‘અનિલ’, ધનજીભાઈ શાહ, સ્વામી માધવપ્રિયદાસથી લઈને વિવાદાસ્પદ પોલીસ ઓફિસર વસંત ઢોબળે સુધીની પંચાવન વ્યક્તિઓએ પોતપોતાની કારકિર્દી વિશે સુંદર રીતે લખ્યું છે. કાજલ ઓઝા વૈદ્યનું લખાણ હંમેશ મુજબ શ્ર્વાસ અધ્ધર કરીને વાંચી જવું પડે એવું રસાળ છે. અલબત્ત, પુસ્તકમાં લેખકોની સૂચિને વધારે ચુસ્ત અને વૈવિધ્યપૂર્ણ બનાવી શકાઈ હોત.

ઈમેજ પબ્લિકેશનનું પુસ્તક હોય એટલે પ્રોડક્શન વેલ્યુ ઉત્કૃષ્ટ હોવાની જ. ‘મારી કારકિર્દીનો સૂર્ય’ વાંચવું અને વંચાવવું ગમે એવું પુસ્તક છે. આમેય પ્રેરણાનો સીધો મારો ચલાવતાં બીબાંઢાળ પુસ્તકોને બદલે નિશ્ચિત ગરિમા સાથે પ્રેરક વાતોને વણી લેતાં પુસ્તકો હંમેશા વધારે આવકાર્ય હોવાનાં.


મારી કારકિર્દીનો સૂર્ય  

સંપાદક: સુરેશ દલાલ
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન, મુંબઈ-૨, અમદાવાદ-૬
ફોન:  (૦૨૨) ૨૨૦૦ ૧૩૫૮, (૦૭૯) ૨૬૪૪ ૨૮૩૬
કિંમત:  ૫૦૦ /
પૃષ્ઠ: ૨૫૬

 ૦ ૦ ૦
‘’

Sunday, June 30, 2013

વાંચવા જેવું : મધુ રાય આત્મકથા શા માટે નહીં લખે?


 ચિત્રલેખા - જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

 ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’


                                                                                               

ગભગ કહેવતની કક્ષાએ પહોંચી ગયેલી ‘ગમતાંને કરીએ ગુલાલ’ પંક્તિ કવિ મકરંદ દવેની છે, ખરું? ના જી. આ પંક્તિ મૂળ કુન્દનિકા કાપડીઆની છે! બન્ને જીવનસંગી બન્યાં એ પહેલાંની આ વાત છે. કુન્દનિકાજી એ વખતે ‘નવનીત’ સામયિકનાં સંપાદિકા. એક વખત તેમણે મકરંદ દવેેને પત્ર લખ્યો કે  તમે તો ગમતાંને ગુલાલ કરો એવા કવિ છો તો અમને એક સરસ કાવ્ય મોકલો. બસ, આ કાગળ વાંચ્યા પછી, આ પંક્તિ પરથી પ્રેરાઈને મકરન્દ દવેએ કાવ્ય લખ્યું જે મશહૂર થઈ ગયું: ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ...’

આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘સુરીલા સંવાદ’ પુસ્તકમાં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી
Makarand Dave
છે. વાતો પાછી પ્રમાણભૂત છે, કેમ કે જે-તે વ્યક્તિએ ખુદ પોતાના મુખેથી એ ઉચ્ચારેલી છે. લેખિકા આરાધના ભટ્ટ અઢી દાયકાથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયાં છે. સિડની રેડિયો સ્ટેશન માટે એમણે જુદી જુદી ગુજરાતી હસ્તીઓના ઈન્ટરવ્યુ રુબરુ યા તો ફોન પર કર્યા છે. આ પુસ્તક આવી પચ્ચીસ મુલાકાતોનું પ્રિન્ટ વર્ઝન છે. અહીં એક બાજુ નરેન્દ્ર મોદી જેવા રાજકારણી છે, તો સામે મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ જેવા ધર્મગુરુ છે. સુરેશ દલાલ અને અનિલ જોષી જેવા કવિઓ છે, તો સાથે સાથે મધુ રાય અને ફાધર વાલેસ જેવા ગદ્યસ્વામીઓ છે. ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઈલા ભટ્ટ.... સૂચિ ખરેખર પ્રભાવશાળી છે.

‘એક્શન રિપ્લે’ જેવી યાદગાર આત્મકથા લખનાર તારક મહેતા એક પ્રશ્નના ઉત્તરમાં સમાજને શ્વાન સાથે સરખાવે છે. એ કહે છે, ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’



વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં નરેન્દ્ર મોદી આજે વિરાટ સ્વીકૃતિની ધાર પર ઊભા છે. આઈ.ટી. + આઈ.ટી = આઈ.ટી (અર્થાત ઈન્ફર્મેશન ટેકનોલોજી + ઈન્ડિયન ટેલેન્ટ = ઈન્ડિયન ટુમોરો) જેવું ચોટડુક સૂત્ર આપનાર આપનાર નરેન્દ્ર મોદીની રોજિંદી દિનચર્યા કેવી હોય છે? જવાબ સાંભળો:

‘દિવસ તો મારો પણ બીજાની જેમ ૨૪ કલાકનો જ હોય છે. સવારે પાંચ-સવા પાંચ વાગે ઊઠું છું. ઈ-મેઈલ જોવાની ટેવ છે, ઈન્ટરનેટ પર દિલ્હીનાં, બહારનાં છાપાં વાંચવાની ટેવ છે. મારે કારણે રાજ્ય પર બોજ ન આવે એટલે શરીરને સરખું રાખવું જોઈએ, માંદા ન પડાય એવી કાળજી રાખવી જોઈએ, એટલે એને માટે યોગ, વ્યાયામ, પ્રાણાયામ કરવાની ટેવ છે. બાકી ખૂબ સાદું જીવન છે. સવારે આઠ-નવ વાગ્યે કામ ચાલુ કરું છું, રાત્રે પૂરું ન થાય ત્યાં સુધી બંધ કરતો નથી.’

પુસ્તકમાં કેટલીય નિખાલસ કબૂલાતો છે. જેમ કે, ફાધર વાલેસ સ્પષ્ટપણે કહે છે કે હું સ્પેનથી ભારત આવ્યા ત્યારે એવી સંકુચિત મનોદશા લઈને આવ્યો હતો કે ચર્ચ સિવાય મુક્તિ નહીં. આઉટસાઈડ ધ ચર્ચ ધેર ઈઝ નો સાલ્વેશન. પણ ભારતમાં આવીને ફાધર સમજ્યા કે મુક્તિ બધે જ હોય છે. સાચા દિલનો માણસ હોય તો એ ભગવાન પાસે જરુર જઈ શકે. આપણા સૌના મનમાં રમતા હોય એવા સવાલો લેખિકાએ મહાનુભાવોને અચૂકપણે કર્યાં છે. દષ્ટાંત તરીકે, મોરારિબાપુને એ પૂછે છે કે આપને જીવનમાં ક્યારેય ઘોર નિરાશાનો અનુભવ થયો છે ખરો? જો થયો હોય તો એ લાગણીમાંથી શી રીતે બહાર નીકળો છો? મોરારિબાપુ કહે છે:

Morari Bapu
‘હું શરણાગતિમાં માનું છું. જેની પાસે શરણાગતિનો રસ્તો હોય, શ્રદ્ધાનો માર્ગ હોય એ નિરાશ ન થાય. મારા જીવનમાં એક પણ એવી ઘટના બની નથી કે હું નિરાશ થયો હોઉં. જે મોડથી ગુજરવું પડ્યું, હરેક ઘાટને મેં પ્રણામ કર્યા છે અને તેથી ગતિ ચાલુ જ રહી છે. કોઈ નિરાશાએ મને રોક્યો નથી... નિરાશામાંથી બહાર નીકળવાનો એક મોટામાં મોટો ઉપાય મારી દષ્ટિએ સાધુ ચરિત વ્યક્તિનો સંગ છે. એક સારી સોબત, એક સારી કંપની માણસને નિરાશામાંથી બહાર કાઢી શકે છે.’

સ્વામી સચ્ચિદાનંદના કાંતિક્રારી અને આક્રમક વિચારો હંમેશાં ધારી અસર પેદા કરતા હોય છે. એ કહે છે કે મુઠ્ઠીભર મુસ્લિમ કે અંગ્રેજ કે કોઈ પણ પ્રજા વર્ષો સુધી તમારા પર રાજ કરે તો એમનામાં કોઈ ખૂબીઓ જરુર હોવી જોઈએ. હિન્દુવાદી સંસ્થાઓએે ખરેખર તો જનતાને આ પ્રજાઓની ખૂબીઓ અને આપણી ખામી બતાવવી જોઈતી હતી. એને બદલે એ જનતાને ‘હમ મહાન હૈ’નો નશો ચડાવતી રહી. ખામીઓ ધ્યાનમાં લાવવાને બદલે પ્રજાને ઊલટા ભારતીય સંસ્કૃતિની મહાનતાની ભાંગના નશામાં ચકચૂર રાખો તો આપણી કમી કઈ રીતે નાબૂદ થવાની? ‘વીરતા પરમો ધર્મ’ એવું સૂત્ર આપીને સ્વામીજી સ્પષ્ટપણે કહે છે કે વીરતા અને અહિંસા એ કંઈ પરસ્પર વિરોધી બાબતો નથી.

મધુ રાયની આત્મકથાની આપણે સૌ તીવ્રતાથી રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્રકાંત બક્ષીએ તો એનું શીર્ષક પણ નક્કી કરી નાખ્યું હતું - ‘રિટર્ન ટિકિટ’. કમબખ્તી એ છે કે મધુ રાય આત્મકથા લખવાના કોઈ મૂડમાં નથી. એ કહી દે છે કે મારાં લખાણોમાં મારી આત્મકથા એવી વણાયેલી છે કે એ ફરી લખવાનો અર્થ નથી અને જે નથી લખાયું તે લખવાની હિંમત નથી!

મુલાકાતમાં કેવળ ઉત્તર આપનારનું જ નહીં, બલકે પ્રશ્ન પૂછનારનું વ્યક્તિત્ત્વ પણ છતું થતું હોય છે. લેખિકા જે રીતે સવાલો પૂછે છે અને પછી જવાબોને પચાવીને શબ્દોમાં ઢાળે છે એના પરથી એમની સમજ, નિષ્ઠા અને પક્વતા સ્પષ્ટ થાય છે. સુઘડ છપાઈ ધરાવતાં આ પુસ્તક સાથે એક્સ્ટ્રા બોનસ પણ છે- આ તમામ મુલાકાતોને આવરી લેતી ઓડિયો સીડી. વાંચવાનો જલસો પડે એવું સુંદર પુસ્તક.           0 0 0


  સુરીલા સંવાદ


લેખિકા: આરાધના ભટ્ટ

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧

ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩ 
કિંમત:  ‚. ૩૯૫ /
પૃષ્ઠ:  ૨૩૮


૦ ૦ ૦

Tuesday, September 11, 2012

આપણને પ્રસન્ન થતાં રોકે છે કોણ?


 ચિત્રલેખા - અંક તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 
                                                   

‘માણસ ત્રણ ‘વિ’માં જીવે છે. ઘણા માણસો વિદ્રોહમાં જીવે છે, ઘણા માણસો વિનોદમાં જીવે છે અને ઘણા માણસો વિસ્મયમાં જીવે છે.’

ક્યારેક વાક્યની રચના કે વાતને રજૂ કરવાની શૈલી એને કહેનારની ઓળખ બની જતી હોય છે. ઊપરનાં વિધાન વાંચતાની સાથે મનમાં મોરારીબાપુનું ચિત્ર ન ઊપસે તો જ આશ્ચર્ય! આજે જે બે પુસ્તકોની વાત કરવી છે એમાં પહેલાં પાનાંથી છેલ્લાં પૃષ્ઠ સુધી મોરારીબાપુ હાજરાહજૂર એટલા માટે છે કે આ પુસ્તકોનો મુખ્ય આધાર એમની રામકથાઓ છે.

‘આનંદ રાહ બતાવે રામાયણ’ પુસ્તકમાં મોરારીબાપુ કહે છે કે નંદવાય નહીં તે પ્રસન્નતાનું નામ આનંદ! પ્રસન્નતા ક્યારેય જન્મ લેતી નથી. તે તો સદા હાજર જ છે. પ્રસન્નતાનું તો પ્રગટીકરણ થાય છે. આનંદ તો આપોઆપ ફૂટે છે. પ્રસન્ન એ છે જે સમતામાં જીવે છે. પ્રસન્ન એ છે જે બીજાના અવગુણો નહીં, ગુણો જોયા કરે. એમાં ખોટું શું એ ન જુએ, ખરું કેટલું એ જોયા કરે. મરવાની પણ ફૂરસદ ન હોય એ પ્રસન્ન છે. પોતે અપ્રસન્ન રહેવું અને બીજાને અપ્રસન્ન કરવાં એ બન્ને મોટામાં મોટાં પાપ છે.

પ્રસન્નતાનાં સાત લક્ષણો છે: ગુણગ્રહીતા, આનંદસભરતા, રસસભરતા, હૃદયસભરતા, સમતાસભરતા, કર્મસભરતા અને પ્રેમસભરતા. મોરારીબાપુ હરખ અને પ્રસન્નતા વચ્ચે સુંદર વિભાજનરેખા દોરી આપે છે. એ કહે છે કે, ‘હરખાવું એ પ્રસન્નતા નથી. પ્રસન્ન થવું અને હરખાવું એમાં બહુ અંતર છે. હરખાવું એ મનનું લક્ષણ છે - મનનું ક્ષેત્ર છે, જ્યારે પ્રસન્નતા એ ચિત્તનું લક્ષણ છે. આપણને લાભ થાય અને આપણે જે ખુશી અનુભવીએ એ હરખ કહેવાય. બીજાને લાભ થાય અને આપણને જે ખુશી થાય એને પ્રસન્નતા કહેવાય.’

મોરારીબાપુની ધારદાર રમૂજવૃત્તિ વિખ્યાત છે. એ હળવા સૂરે ઉમેરી દે છે કે, ‘તમને ખાનગીમાં કહી દઉં કે માણસ હસે તોય રૂડો ન લાગેને તો એનો ભરોસો ન કરવો!’



‘સુખ-દુખ આનંદના સહોદર’ વિભાગમાં પ્રારંભમાં જ કહેવાયું છે કે અસ્તિત્ત્વે દુખની વ્યવસ્થા કરી જ નથી. દુખની વ્યવસ્થા માણસના મલિન મને કરી છે. પ્રસન્નતા, સુખ અને આનંદ માટેની પૂર્વશરત છે, શાંતિ. શાંતિ વગર પ્રસન્નતા અને સુખ મળશે નહીં અને મળશે તો ટકશે નહીં. માણસની દુખી થવાની પૂર્વતૈયારી જ એને દુખી કરે છે. જેને દુખી નથી થવું એને ઈશ્વર પણ દુખી કરી શકતો નથી! આટલું કહીને મોરારીબાપુ ઉમેરે છે:

‘સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુખ ઉત્પન્ન કરે છે. આપણા જીવનના મોટા ભાગનાં દુખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુખો ટકાઉ નથી. ભુલ સુધરી, દુખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું સત્ય બોલો તો દુખ ગયું. દુખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુખ ગયું એ સૂત્ર પાકું છે. કોઈ કોઈને સુખ નથી આપતું. કોઈ કોઈને દુખ નથી આપતું. સુખ અને દુખના દાતા કોઈ નથી. સુખ અને દુખ વ્યવહારનું સત્ય છે. પ્રત્યેક વ્યક્તિના સુખનું મૂળ એ છે કે જીવનમાં પ્રામાણિકતા હોય. જીવનમાં સત્ય છે એ જ સુખ છે, બાકી સુવિધા છે.’

મોરારીબાપુની શબ્દોની પસંદગી અને ભાષા પરનું પ્રભુત્વ શ્રોતાને (અને વાચકને) હંમેશાં પ્રસન્ન કરી મૂકે છે. ગુજરાતી ભાષા જાણે સંપૂર્ણ અભિજાત્ય અને ગરિમા સાથે મન મૂકીને મનોહર નર્તન કરી રહી હોય એવું વાતાવરણ મોરારીબાપુ અત્યંત સહજ રીતે સર્જી જાણે છે. આ પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે હળવા ચિંતનાત્મક વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.

બીજું પુસ્તક ‘જીવન રાહ બતાવે રામાયણ’ બાર પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જીવન કોને કહેવાય? જીવન એને કહેવાય, જ્યાં કોઈપણ પ્રકારનો અભાવ ન હોય. જ્યાં સુધી કોઈ ને કોઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ નથી. બીજી વ્યાખ્યા છે, જ્યાં પરાધીનતા ન હોય, એનું નામ જીવન. પરાધીનતા જીવનનો પરિચય નથી. જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એ સ્થિતિ પણ જીવનની સમાનાર્થી છે. જ્યાં રસિકતા હિલોળે ચડતી હોય અને જ્યાં શાંતિની, ભક્તિની, શક્તિની શોધ ચાલતી હોય એ જીવન!



આ પુસ્તકોમાંથી પસાર થતી વખતે, અચાનક જ, બજારમાં ઉપલબ્ધ પ્રેરણાનાં કેટલાય પુસ્તકો પોલાં લાગવા માંડે છે. એનું કારણ એ છે કે આ પુસ્તકોનો પાયો રામાયણ તેમજ અન્ય ધર્મગ્રંથો છે અને આ શબ્દો કહેનારી વ્યક્તિ એનાં સત્ત્વ-તત્ત્વને પચાવી ચૂકી છે, એનાથી સંપૂર્ણપણે રસાયેલી છેે. મોરારીબાપુ સ્વયં કહે છે કે  મેં પુસ્તકો બહુ વાંચ્યાં નથી, પણ દુનિયાભરમાં ફરીને માણસોનાં મસ્તક ખૂબ વાંચ્યાં છે! વ્યાવહારિકતાના આધારે પર ઊભેલી એમની વાતો સાથે સતત રિલેટ કરી શકાય છે. આ રૂપકડાં પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે જીવનકેન્દ્રી અને સત્ત્વશીલ વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.

 સૂઝપૂર્વક તૈયાર થયેલાં આ પુસ્તકો વાસ્તવમાં અંગ્રેજી સહિત ચાર ભાષામાં પ્રગટ થનારી પાંચ પુસ્તકોની શ્રેણીની પ્રથમ બે કડી છે. સંપાદક-પ્રકાશક યોગેશ ચોલેરા ‘ચિત્રલેખા’ને કહે છે: ‘બાપુની ૩૦૯ જેટલી કથાઓ, એમણે જુદા જુદા પ્રસંગોએ આપેલાં પ્રવચનો, મુલાકાતો, અખબારી અહેવાલો, અમુક વેબસાઈટ્સ પર મૂકાયેલું ક્ધટેન્ટ, કોલમ, બાપુએ લખેલાં જૂનાં પત્રો વગેરેમાંથી આ પુસ્તકોની સામગ્રીનું ચયન કરવામાં આવ્યું છે. આ શ્રેણી પોણા-બે વર્ષની મહેનતનું પરિણામ છે.’

વેલ, મહેનત લેખે લાગી છે.  વારંવાર વાંચવાં ગમે એવાં સુંદર પુસ્તકો!  0 0 0


 આનંદ રાહ બતાવે રામાયણ / જીવન રાહ બતાવે રામાયણ 

વકતા-લેખક : મોરારિબાપુ
સંપાદક : યોગેશ ચોલેરા
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન્સ, રાજકોટ-૧
વિક્રેતા:  બુકમાર્ક, આશ્રમ રોડ, અમદાવાદ-૯
ફોન: (૦૨૮૧) ૩૦૫૩૫૭૭, (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭
પ્રત્યેક પુસ્તકની કિંમત:   ૧૬૦ /
પૃષ્ઠ: અનુક્રમે ૨૧૦ અને ૧૯૪