Showing posts with label નેટફ્લિક્સ. Show all posts
Showing posts with label નેટફ્લિક્સ. Show all posts

Monday, September 21, 2020

‘ધ સોશિયલ ડાયલેમા’ નામની ભયાવહ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં એવું તે શું છે?

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 20 સપ્ટેમ્બર 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

સોશિયલ મિડિયા નામના દાનવને ઓળખી લેજો!


થિંગ વાસ્ટ એન્ટર્સ ધ લાઇફ ઑફ મોરટલ્સ વિધાઉટ અ કર્સ. જેને વિરાટ કહી શકાય એવું કંઈ પણ મનુષ્યોના જીવનમાં પ્રવેશે છે ત્યારે તે એકલું હોતું નથી, એક ન સમજાય એવો - ન કળાય એવો અદશ્ય શ્રાપ પણ તેની સાથે પ્રવેશતો હોય છે.

અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા ગ્રીક નાટ્યકાર સોફિકિલીસનું આ વાક્ય છે. સોફિકિલીસ ટ્રૅજેડીનો બાદશાહ ગણાતો. ધ સોશિયલ ડાયલેમાના પ્રારંભમાં જ આ વાક્ય આ અવતરણ ફ્લૅશ થાય છે. બૅકગ્રાઉન્ડમાં ભયાવહ, લગભગ કુત્સિત કહી શકાય તેવું સંગીત ફૂંકાય છે. આ વાક્ય અને સંગીત આખી ડૉક્યુમેન્ટરી ફિલ્મનો મૂડ સેટ નાખે છે.

નેટફ્લિકસ પર તાજેતરમાં મૂકાયેલી ધ સોશિયલ ડાયલેમા નામની દસ્તાવેજી ફિલ્મ આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. ડાયલેમા એટલે દ્વિધા. ડૉક્યુમેન્ટરી ફિલ્મો શુષ્ક અને કંટાળજનક હોય છે એવું કોણે કહ્યું0 એક કલાક 34 મિનિટની ધ સોશિયલ ડાયલેમા તમે લગભગ અધ્ધર શ્વાસે જોઈ જાઓ છો. આનું મુખ્ય કારણ તેનો વિષય છે, સોશિયલ મિડિયા, જે તમને સીધો સ્પર્શે છે. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરયુટ્યુબ વગર એક આખો દિવસ પસાર કરવાનું કલ્પી શકો છો? સોશિયલ મિડિયા આપણી સાથે કેવળ વ્યક્તિગત સ્તરે જ નહીં, પણ સામૂહિક સ્તરે પણ જે રીતે ખતરનાક રમત રમી શકે છે એની વિગતો ધ્રૂજાવી મૂકે તેવી છે.

સોશિયલ મિડિયા પહેલી નજરે નિર્દોષ લાગે એવી વસ્તુ છે. તે મનોરંજન, માહિતી, જ્ઞાન, સંપર્કો બધું જ પૂરું પાડે છે અને તે પણ બિલકુલ ફ્રી! આ ડૉક્યુમેન્ટરીમાં એક વાક્ય આવે છેઃ જો તમે કોઈ પ્રોડક્ટ માટે પૈસા ચૂકવતા ન હો તો એનો મતલબ એ થયો કે તમે પોતે જ એક પ્રોડક્ટ છો. અહીં તમે એટલે તમારો સમય, તમારું અટેન્શન. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ... આ બધા ઇચ્છે છે કે તમે વધુને વધુ સમય આ પ્લેટફૉર્મ પર વીતાવો. સમગ્ર સોશિયલ મિડિયા એવી રીતે ડિઝાઇન થયું છે કે જેથી લોકોને તેનું બંધાણ થઈ જાય, તેઓ વધુને વધુ સમય ઓનલાઇન રહે.

જેફ ઓર્લોવ્સ્કીએ ડિરેકટ કરેલી ધ સોશિયલ ડાયલેમા ડૉક્યુમેન્ટરીમાં સોશિયલ મિડિયા ચલાવતી ટોચની કંપનીઓમાં ચાવીરૂપ કામ કરનારા અંદરના લોકોના ઇન્ટરવ્યુ લેવાયા છે. જ્યારે સોશિયલ મિડિયા ડિઝાઇન કરનારો માણસ ખુદ રાઝ ખુલ્લા કરવા માંડે ત્યારે વાત અધિકૃત બની જાય છે. વિખ્યાત ઇઝરાયલી લેખક યુવલ નોઆહ હરારી અવારનવાર કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રતાપે એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે તમે તમારા વિશે જાણો છો એના કરતાં ઇન્ટરનેટના જુદાં જુદાં સર્ચ એન્જિન તમારા વિશે વધારે જાણતા હશે. ગૂગલસર્ચનાં રિઝલ્ટ વ્યક્તિ અનુસાર બદલાઈ જાય છે. ધારો કે એક જ વિસ્તારમાં રહેતા, એક જ ક્લાસમાં ભણતા ને દિવસમાં પુષ્કળ સમય સાથે વિતાવતા બે કોલેજિયનો છે. તેઓ જ્યારે ગૂગલના સર્ચ બૉક્સમાં કોઈ એક વિષય ટાઇપ કરશે ત્યારે ગૂગલ બન્નેને અલગ અલગ ઇન્ફર્મેશન દેખાડશે, કેમ કે બન્નેની પર્સનાલિટી અલગ છે, તેમના ગમા-અણગમા અલગ છે ને ગૂગલ આ બધું જ જાણે છે.


કેટલાય રાજકીય – સામાજિક મુદ્દા વિશે પર તમને અલગ અલગ પ્રકારના વિડિયોઝ રિકમન્ડ થતા રહે છે, જે તમને લગભગ કન્વિન્સ કરી નાખે છે કે અમુક રીતે વિચારનારા લોકો ખોટા છે અને અમુક રીતે વિચારનારા લોકો જ સાચા છે. જુદા જુદા વિડિયોઝને રિકમન્ડ કરવાનું આલ્ગોરિધમ (સાદી ભાષામાં કહીએ તો પ્રોગ્રામિંગ) દિવસે ને દિવસે વધારે સ્માર્ટ અને શાર્પ બનતું જાય છે. ફેક ન્યુઝ અને કન્સ્પિરસી થિયરીઝ આ જ રીતે ફેલાય છે. ટ્વિટર પર સાચા સમાચારની સરખામણીમાં ફેક ન્યુઝ છ ગણી વધારે ઝડપથી ફેલાય છે! આનું એ કારણ છે કે જૂઠ ચટપટું અને મસાલેદાર હોય છે, જ્યારે સત્ય બોરિંગ અને શુષ્ક હોય છે. સત્ય કરતાં જૂઠ વધારે વેચાય છે. કોરોના વિશે શરૂઆતમાં અમેરિકામાં સોશિયલ મિડિયા પર એવી માહિતી ફેલાઈ હતી કે કોવિદ-બોવિદ જેવું કશું છે જ નહીં, આ તો અસલી મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમેરિકન સરકારે ઊભું કરેલું ડિંડવાણું છે! સોશિયલ મિડિયાને કારણે જ્યાં-ત્યાંથી સાંભળેલી સાચી-ખોટી વાતો એટલી ભયાનક ઝડપથી ફેલાય છે કે એક તબક્કા પછી ખબર જ પડતી નથી કે સાચું શું છે ને ખોટું શું છે. કામના મુદ્દા, કામની વાતો બાજુ પર રહી જાય છે.

ગૂગલમાં અગાઉ ડિઝાઇન એથિસિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ટ્રિસ્ટેન હેરિસ નામનો યુવાન કહે છે, જો એમ કહેવામાં આવે કે ટેકનોલોજીને લીધે માનવજાત પર એક્ઝિસ્ટેન્શિયલ થ્રેટ (અસ્તિત્ત્વ પર ખતરો) ઊભી થઈ છે, તો માનવામાં ન આવે. વેલ, ખતરો ટૅકનૉલોજીમાં નથી, પણ ટૅકનૉલોજી સમાજના સૌથી ખરાબ પાસાં, સમાજનું સૌથી ખરાબ વર્તન, જે કદાચ અત્યાર સુધી ક્યારેય સપાટી પર આવ્યાં નહોતાં, તેને ઢંઢોળીને જગાડી શકે છે. ખરાબ વર્તન એટલે આંધાધૂંધી, તોડફોડ, એકબીજા પર અવિશ્વાસ, એકલા પાડી દેવું, પોલરાઇઝેશન, ઇલેક્શન હેકિંગ, મુખ્ય મુદ્દાઓથી વધારે દૂર જતા રહેવું, સમાજની ખુદના ઘાવને રુઝાવી શકવાની ક્ષમતા ક્ષીણ થતી જવી... ખતરો આમાં છે.

ટૅક્નોલૉજીના દુષ્પ્રભાવને વધારે અસરસકાર રીતે પેશ કરવા માટે ધ સોશિયલ ડાયલેમામાં અસલી લોકોની સાથે સાથે એક ફિક્શનલ અમેરિકન પરિવારની વાત પણ વણી લેવાઈ છે. આ ડૉક્યુમેન્ટરી ખાસ જોજો. હાઇલી રિકમન્ડેડ.     

                                                0 0 0    

‘’

Thursday, September 17, 2020

મા, દીકરી અને વેબ શો

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 સપ્ટેમ્બર 2020, રવિવાર

ટેક-ઓફ

મિડિયાવાળા લોકોને ઉખાણા પૂછતા કે કહો જોઈએ, નીના ગુપ્તા પેટમાં કોનું બાળક હશે? ...ને નીચે જવાબમાં વિકલ્પ તરીકે નીના ગુપ્તાના પાંચ પુરુષમિત્રોનાં નામ મૂકતા!


નેટફ્લિક્સ પર હમણાં એક નાનકડો, પણ સરસ શો મૂકાયો - મસાબા મસાબા. અહીં સરસ શબ્દ જરા ટ્રિકી છે. આ શો તમામ વર્ગને એકસરખો અપીલ કરે તેવો નથી (આમ જોવા જઈએ ક્યો શો તમામ વર્ગને એકસરખો અપીલ કરે તેવો હોય છે?), પણ જો તમે નીના ગુપ્તાના ફૅન હશો તો આ શો જરૂર ગમશે. શક્ય છે કે આ શો પછી તમને મસાબા ગુપ્તા (નીનાની દીકરી) પણ ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે. તમને શો સહેજ નાવીન્યભર્યો લાગશે, કેમ કે અહીં વાસ્તવિક જીવનમાં બનેલી ઘટનાઓ અને કાલ્પનિક કહાણીને એકબીજા સાથે સરસ રીતે વણી લેવાઈ છે.

એકત્રીસ વર્ષ પહેલાં નીના ગુપ્તાએ કુંવારી માતા બન્યાંનો નિર્ણય જાહેર કર્યો ત્યારે કેવો જબરદસ્ત ઊહાપોહ થયો હતો તે સિનિયર વાંચકોને જરૂર યાદ હશે. આ લવ-ચાઇલ્ડ વિખ્યાત વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચાર્ડઝનું હતું, તેમ છતાંય પ્રિન્ટ મિડિયાવાળા લોકોને રીતસર ઉખાણા પૂછતાઃ કહો જોઈએ, નીના ગુપ્તા પેટમાં કોનું બાળક હશે? સાચા નામ પર ટિકમાર્ક કરો...  ને પછી નીચે જવાબમાં વિકલ્પ તરીકે નીના ગુપ્તાના પાંચ પુરુષમિત્રોનાં નામ મૂક્યાં હોય!

નીના ગુપ્તાએ આ અર્ધઅશ્વેત-અર્ધભારતીય મસાબાને કન્સિવ કરી ત્યારે વિવિયન રિચર્ડ્ઝ પરિણીત હતા અને પત્નીથી અલગ રહેતા હતા. નીના ગુપ્તા સ્વયં એક સાદા મધ્યમવર્ગીય માબાપનું ફરજંદ છે. એમના પપ્પા સરકારી નોકરી કરતા, મમ્મી સ્કૂલ-ટીચર હતાં. મમ્મી ચુસ્ત ગાંધીવાદી. સ્વભાવે એટલાં કડક કે નીનાને બહેનપણીઓ સાથે પણ ફિલ્મ જોવા જવા ન દે. નીના જોકે કુંવારી માતા બન્યાં ત્યારે જોકે એમનું નિધન થઈ ચૂક્યું હતું. પિતાજી માટે નીનાનો આ નિર્ણય વસમો હતો, પણ એમણે જોયું કે દીકરીની જગહસાઈ થઈ રહી છે ને આખું મિડિયા હાથ ધોઈને એની પાછળ પડી ગયું છે. આવા સંજોગોમાં તેઓ દીકરીની પડખે ઊભા રહ્યા. મા-બાપની આ તાસીર છે. તેઓ સંતાનને વઢશે, નારાજ થશે, ઝઘડા કરશે, પણ અણીના સમયે હાજર થઈ જશે - સંતાનને હૂંફ દેવા, સંતાન દુનિયાનો સૌથી મોટો પાપી બની ગયો હોય તો પણ.    


મસાબાને જન્મ થયો ત્યારે નીના ગુપ્તાના પિતાજી દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગયા. મસાબા મોટી થઈ રહી હતી ત્યારે એને ઘરમાં ક્યારેય ફાધર-ફિગરની કમી ન વર્તાવા દીધી. મસાબાને ક્યારેય લાગ્યું નહીં કે એનું ફેમિલી
ડિસ્ફંકશનલ છે. એવી કોઈ ચોક્કસ ક્ષણ આવી જ નહીં કે જ્યારે નીનાએ દીકરીને પાસે બેસાડીને ગંભીર ચહેરે કહેવું પડ્યું હોય કે જો બેટા, તું છેને નોર્મલ ચાઇલ્ડ નથી, તું લવ-ચાઇલ્ડ છે કેમ કે મેં અને તારા બાપે ક્યારેય લગ્ન કર્યાં નથી. મસાબાના જન્મ પછી વિવિયન રિચર્ડ્ઝ મુંબઇ આવતા-જતા. મસાબા સાવ નાની હતી ત્યારથી એ સમજી શકે તેવી ભાષામાં એને બધું જ કહેવામાં આવતું. મસાબા એક ઇન્ટરવ્યુમાં કહે છે, મારા કેટલાંય ફ્રેન્ડ્ઝને એમની મમ્મીઓએ નહીં, પણ આયાઓએ મોટા કર્યા છે. પપ્પા બિઝનેસ ટૂર પર બહાર ફર્યા કરતા હોય, દિવસોના દિવસો સુધી બચ્ચાં પોતાના ફાધરનું મોઢું જોવા પામ્યા ન હોય. પતિ-પત્ની વચ્ચે લાગણીના સંબંધ ન હોય, છતાંય વર્ષમાં એક વાર સૌ ફેમિલી વેકેશનમાં બહારગામ ફરવા જાય ને પછી આખી દુનિયા સાથે ફોટા શૅર કરીને દેખાડો એવો કરે કે દુનિયામાં અમારા જેવો પ્રેમાળ પરિવાર બીજો કોઈ નથી. મને આવી બનાવટ સહેજ પણ સદતી નથી, કારણ કે મારાં મા-બાપે ક્યારેય મારી સાથે કે દુનિયા સાથે બનાવટ કરી નથી, કશું છૂપાવ્યું નથી. એમની પાસેથી હું પારદર્શક રહેતાં શીખી છું.



મસાબા નાની હતી ત્યારે એને હિન્દી ફિલ્મની હિરોઈન બનવું હતું. નીનાએ એને એમ કહીને રોકી કે બેટા, તારો દેખાવ એવો ટિપિકલ છે કે તું બોલિવુડની હિરોઇન તરીકે નહીં ચાલે. મસાબાએ આ વાત માની લીધી. એણે ફૅશન ડિઝાઇનિંગમાં રસ લેવાનું શરૂ કર્યું. 2009માં લેકમે ફૅશન વીકમાં ભાગ લેનારી એ સૌથી નાની વયની સફળ ફૅશન ડિઝાઇનર બની. ફૅશનના મામલામાં નંબર વન ગણાતી સોનમ કપૂરે 2011માં અતિપ્રતિષ્ઠિત કેન ફિલ્મ ફેસ્ટિવલમાં મસાબાએ ડિઝાઇન કરેલી સાડી ધારણ કરી. પછી તો કંગના રનૌત, શિલ્પા શેટ્ટી, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ સહિતની જેવી હિરોઈનોની એ માનીતી બની ગઈ. મસાબા સાડી પર ગાયનું ચિત્ર મૂકે, હથેળી કે કૅમેરાનું ચિત્ર મૂકે. કોઈએ કલ્પી ન હોય એવી ડિજિટલ પ્રિન્ટ્સવાળી મસાબાની સાડીઓ ખૂબ વખણાય છે. તેની નકલ પણ ખૂબ થાય છે.  

મસાબાએ સાડીને ઇનવેન્ટ કરી તો નીના ગુપ્તાએ પોતાની કરીઅરને રી-ઇન્વેન્ટ કરી છે. એમણે એકવાર ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મમેકરોને ઉદ્દેશીને રીતસર પોસ્ટ મૂકી હતી કે મેં ભલે દિલ્હીના બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં હોય, પણ હું મુંબઈમાં રહું છું ને કામ શોધી રહી છું. મને પ્લીઝ કામ આપો! નીનાની આ પોસ્ટ ખૂબ ચર્ચાઈ હતી. એમને બધાઈ હોનો યાદગાર રોલ તે પછી જ મળ્યો હતો. મસાબા મસાબામાં આવી ઘણી બધા અસલી પ્રસંગો સરસ રીતે વણી લેવાયા છે. આ શોના ચાહકોએ તો સેકન્ડ સિઝનની રાહ જોવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે!

0 0 0 

 

 ‘’?!

Wednesday, July 25, 2018

પગાર? ઊંચામાં ઊંચો... રજા? માગો એટલી!

સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 25  જુલાઈ 2018 

ટેક ઓફ                      

ટીમ-વર્કમાં માનતો ન હોય એવો માણસ ગમે એટલો બ્રિલિયન્ટ હોય તો પણ નકામો પૂરવાર થઈ શકે છે. બ્રિલિયન્ટ હોવું એટલે માત્ર પોતાના કામમાં હોશિયાર હોવું એમ નહીં. નેટફ્લિક્સ કંપનીનું  કોર્પોરેટ કલ્ચર કહે છે કે તમે સુપર ટેલેન્ટેડ હો અને સાથે સાથે તમારામાં સૌની સાથે શાલીનતાભર્યો વ્યવહાર કરવાની ક્ષમતા હોય તો જ તમે સાચા અર્થમાં બ્રિલિયન્ટ છો!



નેટફ્લિક્સે મનોરંજનની દુનિયાનાં સમીકરણો સખળડખળ કરી નાખ્યાં છે એ આજે સૌએ નછૂટકે સ્વીકારવું પડે એવું સત્ય છે. નેટફ્લિક્સ એટલે મનોરંજનનો ઓનલાઇન ખજાનો. તમે  અમુક રકમ ભરીને એના મેમ્બર થઈ જાઓ એટલે દુનિયાભરની (ખાસ કરીને અંગ્રેજી) ફિલ્મો, ટીવી શોઝ, નેટફ્લિક્સના ખુદના ઓરિજિનલ શોઝ, ડોક્યુમેન્ટરી વગેરે તમારા કમ્પ્યુટર કે મોબાઇલ પર ગમે ત્યારે જોઈ શકો. નેટફ્લિક્સની શરૂઆત એક સીધીસાદી ડીવીડી લાઇબ્રેરી તરીકે થઈ હતી, પણ માત્ર વીસ જ વર્ષમાં એણે જે રીતે પ્રગતિ કરી છે તે જોઈને દુનિયા દંગ થઈ ગઈ છે. આજની તારીખે દુનિયામાં નેટફ્લિક્સના સાડાબાર કરોડ સબસ્ક્રાઇબર્સ છે. એની સ્ટોક-માર્કેટ વેલ્યુ લગભગ 165 બિલિયન ડોલર (આશરે 11,390 અબજ રૂપિયા) જેટલી અંકાય છે. ડિઝની સ્ટુડિયો કરતાં પણ નેટફ્લિક્સનું આર્થિક કદ મોટું થઈ ગયું છે. ઓરિજિનલ શોઝ બનાવવા માટેનું નેટફ્લિક્સનું 2018નું બજેટ કેટલું છે? 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 482 અબજ રૂપિયા, ફક્ત. ફિલ્મી અવોર્ડ્ઝની દુનિયામાં જેમ ઓસ્કરનું નામ સૌથી મોટું છે એમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એમી અવોર્ડ્ઝ સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે. છેલ્લાં 17 વર્ષથી સૌથી વધારે એમી નોમિનેશન્સ એચબીઓ તાણી જતું હતું. આ રેકોર્ડ નેટફ્લિક્સે 2018માં તોડ્યો છે. આ વખતે એમીની જુદી જુદી કેટેગરીમાં એચબીઓને કુલ 108 નોમિનેશન્સ મળ્યાં, જ્યારે નેટફ્લિક્સના નામે 112 નોમિનેશન્સ નોંધાયાં. મનોરંજનની ક્વોલિટીના સ્તરે પણ નેટફ્લિક્સે (અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સે) એવી ધાક ઊભી કરી છે કે ફિલ્મી દુનિયાએ પણ પોતાની ગુણવત્તા સુધારવા માટે  કમર કસવી પડી છે.

શું છે નેટફ્લિક્સની પ્રચંડ સફળતાનું રહસ્ય? આ કંપની શી રીતે કામ કરે છે? અન્ય કંપનીઓ કરતાં તે શી રીતે જુદી પડે છે? આ સવાલના જવાબ નેટફ્લિક્સે ખુદ દુનિયા સાથે શેર કર્યા છે. નેટફ્લિક્સના મેનેજમેન્ટે બંધ બારણે નહીં, પણ પોતાના કર્મચારીઓ સાથે મુક્તપણે સતત ચર્ચા કરતા રહીને કંપનીના કલ્ચર તેમજ પોલિસી વિશે સવાસો પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે. નેટફ્લિક્સ કલ્ચર ડેક નામનું આ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન 2009થી ઓનલાઇન ઉપલબ્ધ છે. એમાં સમયાંતરે સુધારાવધારા થતા રહે છે. અત્યાર સુધીમાં કરોડો લોકો આ પ્રેઝન્ટેશન વાંચી ચુક્યા છે.

નેટફ્લિક્સનું હેડક્વાર્ટર ભલે અમેરિકામાં ગૂગલ, ફેસબુક, યાહૂ અને બીજા સંખ્યાબંધ સ્ટાર્ટ-અપની ઓફિસોની બાજુમાં ઊભું હોય, પણ તે ટિપિકલ સિલિકોન વેલીની કંપની નથી. ટેકનોલોજી ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ કરતાં નેટફ્લિક્સનું કલ્ચર ઘણું અલગ છે. નેટફ્લિક્સના પેલા કલ્ચર ડોક્યુમેન્ટમાં કહેવાયું છે કે ઓફિસમાં ફાઇવસ્ટાર કાફેટેરિયા હોય, અફલાતૂન જિમ હોય, વારેતહેવારે પાર્ટીઓ થયા કરતી હોય - અમારા માટે ઉત્તમ વર્કપ્લેસની સંકલ્પના આ નથી. અમારા માટે ઉત્તમ વર્કપ્લેસ એટલે જબરદસ્ત મહત્ત્વાકાંક્ષી અને સુપર ટેલેન્ટેડ લોકોની ડ્રીમટીમ જે એક કોમન ધ્યેય માટે કામ કરતી હોય! નેટફ્લિક્સ કંપનીમાં હાલ લગભગ સાડાપાંચ હજાર લોકો કામ કરે છે, જેમાંના છસ્સોએક ટેમ્પરરી છે, બાકીના ફુલટાઇમ કર્મચારી છે.

Netflix headquarters, USA

નેટફ્લિક્સની ખાસ કરીને ફ્રીડમ એન્ડ રિસ્પોન્સિબિલિટી પોલિસીની ભારે પ્રશંસા થઈ છે. જો તમે નેટફ્લિક્સના પગારદાર હો તો ગમે ત્યારે, ગમે એટલા દિવસનું, ગમે એટલી વાર વેકેશન લઈ શકો છો. તે પણ પેઇડ લીવ! તમે ખુદ નક્કી કરો કે તમારે કેટલા દિવસ, અઠવાડિયાં કે મહિના ઓફિસમાં ગેરહાજર રહેવું છે. બસ, તમારા વગર કામ અટકી ન પડે એનું ધ્યાન રાખવાનું અને અફ કોર્સ, તમે ફરી ઓફિસ જોઈન કરો પછી જરૂર પડે ત્યારે વધારે કલાકો સુધી કામ કરવા માટે પણ તૈયાર રહેવાનું. નેટફ્લિક્સમાં કર્મચારીઓને પસર્નલ ટાઇમ અને પ્રોફેશનલ ટાઇમની તંદુરસ્ત સેળભેળ કરવા માટે પ્રોત્સાહન અપાય છે. બપોરે એક વાગે તમારી દીકરીની સ્કૂલમાં પેરેન્ટ-ટીચર અસોસિએશનની મિટીંગ ગોઠવાઈ છે? કશો વાંધો નહીં. તમે એ મિટીંગ અટેન્ડ કર્યા પછી ત્રણ વાગે ઓફિસે આવો. આજે તમારા દીકરાની ઇન્ટર-સ્કૂલ ટેબલટેનિસ મેચ છે? ફાઇન, તો આજે ઓફિસેથી વહેલા નીકળી જવાનું પણ દીકરાની મેચ મિસ નહીં કરવાની.  

નેટફ્લિક્સના કર્મચારીના ઘરે પારણું બંધાય ત્યારે મહિલા કર્મચારીને પેઇડ મેટર્નિટી લીવ અને પુરુષ કર્મચારીને પેઇડ પેટર્નિટી લીવ મળે છે. આ લીવ કેટલાં અઠવાડિયાં કે મહિનાની હોવી જોઈએ તે તમે ખુદ નક્કી કરો. તમે ઓફિસ આવો કે ન આવો, બચ્ચું એક વર્ષનું થઈ જાય ત્યાં સુધી કંપની તમારા બેન્ક અકાઉન્ટમાં પૂરો પગાર જમા કરતી રહેશે!

સાધારણ કંપનીઓની વાત કરીએ તો, કોઈ કર્મચારી ઓફિસના કામે બહારગામ જાય ત્યારે સામાન્યપણે એને ખાવા-પીવાનું અને હોટલમાં રહેવાનું એલાઉન્સ એટલે કે ભથ્થું મળતું હોય છે. કર્મચારીએ પછી જરૂરી બિલ કે વાઉચર ઓફિસમાં સબમિટ કરી દેવાનાં. નેટફ્લિક્સે આ આખી સિસ્ટમ જ કાઢી નાખી. તમે નેટફ્લિક્સના કર્મચારી તરીકે ટૂર પર હો ત્યારે રહેવા-ખાવા-પીવા-ફરવા પાછળ ગમે એટલો ખર્ચ કરો, ઓફિસને તેનો હિસાબ આપવાની જરૂર નથી! કંપની તમને એક પણ સવાલ પૂછ્યા વગર તમારા તમામ ખર્ચ ઉઠાવશે. નેટફ્લિક્સનો અનુભવ કહે છે કે કર્મચારી પર જ્યારે તમે આટલી હદે વિશ્વાસ મૂકો છો ત્યારે એ ખુદ સમજીને મેનેજમેન્ટે ધાર્યો હોય એના કરતાં ઘણો ઓછો ખર્ચ કરે છે.   

આપણે ઘણી વાર એવા કર્મચારીને જોતા હોઈએ છીએ જે ખૂબ બુદ્ધિશાળી અને કામમાં અત્યંત હોશિયાર હોય, પણ સ્વભાવે તૂંડમિજાજી હોય, ઓફિસમાં બધાની સાથે બાખડ્યા કરતા હોય, ટીમની સાથે રહેવાને બદલે પોતાનો જ સૂર આલાપતા હોય. નેટફ્લિક્સને આવા લોકોને હાયર કરવામાં કે ટકાવી રાખવામાં જરાય રસ નથી. નેટફ્લિક્સ માને છે કે અમારી ડ્રીમટીમમાં આ ટાઇપના બ્રિલિયન્ટ લોકો માટે કોઈ જગ્યા નથી. ટીમ-વર્કમાં માનતો ન હોય એવો માણસ ગમે એટલો બાહોશ હોય તો પણ નકામો છે. બ્રિલિયન્ટ હોવું એટલે માત્ર પોતાના કામમાં હોશિયાર હોવું એમ નહીં. તમે સુપર ટેલેન્ટેડ હો અને સાથે સાથે તમારામાં સૌની સાથે શાલીનતાભર્યો વ્યવહાર કરવાની ક્ષમતા હોય તો જ તમે સાચા અર્થમાં બ્રિલિયન્ટ છો!

નેટફ્લિક્સનું પગારધોરણ ખૂબ ઊંચું છે. ટોપ-પર્ફોર્મિંગ કર્મચારીને કેટલો પગાર મળવો જોઈએ? આ બાબતમાં મેનેજમેન્ટનો રવૈયો બહુ સ્પષ્ટ છે. (1) એને બીજી કોઈ પણ કંપની ન આપે એટલો સારો પગાર આપો, (2) ધારો કે એ રાજીનામું આપીને જતો રહે અને એની જગ્યા ભરવા માટે બીજો કોઈ કાબેલ માણસને રાખવો પડે તો એને જેટલો પગાર તમે આપવાના હો એટલો પગાર આ માણસને અત્યારે જ આપો અને (3) પગાર એટલો મસ્તમજાનો હોવો જોઈએ કે એને નેટફ્લિક્સમાં રાજીનામું આપીને હરીફ કંપનીમાં જવાનો વિચાર જ ન આવે! મેનેજમેન્ટ જુદી જુદી ટીમ સંભાળતા પોતાના મેનેજરોને સતત એ વાતે ટકોર કરતું રહે છે કે તમે ફક્ત બેસ્ટ લોકોને જ રાખો. બાકીનાઓને રજા આપી દો. જે કર્મચારી નેટફ્લિક્સનાં ધારાધોરણ પર ખરો ન ઉતરે એને વિના વિલંબે, પૂરેપૂરી ગરિમા જાળવીને અને તગડું બોનસ આપીને છૂટા કરવામાં આવે છે.
સામાન્યપણે ઓફિસની મિટીંગોમાં સિનિયર માણસો સુષ્ઠુ સુષ્ઠુ ભાષામાં આ તો આપણો  પરિવાર છે, આપણે સૌએ પરિવારની માફક કામ કરવાનું છે એવું કહેતા રહેતા હોય છે, પણ નેટફ્લિક્સના ડોક્યુમેન્ટમાં પ્રામાણિકતાપૂર્વક લખાયું છે કે આપણે એક ટીમની જેમ કામ કરવાનું છે, પરિવારની જેમ નહીં. પરિવારમાં સંતાન કે ભાઈ-બહેન કે ઇવન મા-બાપ ગમે એટલાં નઠારાં હોય તો પણ પ્રેમવશ કે લોહીના સંબંધવશ એમને નભાવી લેવાતાં હોય છે. નેટફ્લિક્સ એક પ્રોફેશનલ પ્લેસ છે અને તેની ડ્રીમટીમમાં નબળા પ્લેયરને નભાવી લેવાનો નથી, એને ટીમમાંથી બહાર કરી નાખવાનો છે. ડ્રીમટીમમાં સૌએ બેસ્ટ ટીમમેટ બનવાની ભરપૂર કોશિશ કરવાની છે, ખબર હોય કે આ ટીમ કંઈ જિંદગીભર સાથે રહેવાની નથી તો પણ પોતાના સાથીઓની ભરપૂર કાળજી લેવાની છે.



બીજી ઘણી સરસ વાતો છે નેટફ્લિક્સના કલ્ચર ડોક્યુમેન્ટમાં. ઝપાટાભેર વંચાઈ જાય એવું આ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આખેખઆખું વાંચવા જેવું છે. ડોક્યુમેન્ટનો અંત એક સુંદર ફ્રેન્ચ કાવ્યપંક્તિથી કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે -

જો તમારે વહાણ બનાવવું હોય તો લોકોને ભેગા કરીને એમની પાસે લાકડાં કપાવવાની, કામનું વિભાજન કરવાની કે આદેશો આપવાની ઉતાવળ ન કરો. એના બદલે સૌથી પહેલાં તો એમનામાં વિરાટ, અંતહીન સમુદ્ર પ્રત્યે પારાવાર જિજ્ઞાસા પેદા કરો!


shishir.ramavat@gmail.com