Sandesh - Sanskaar Purti - 21 July 2013
Column : મલ્ટિપ્લેક્સ
શોર્ટ ફિલ્મ ચોટદાર નવલિકા જેવી હોય છે. થોડાકમાં એ ઘણું બધું કહી દે છે. 'બોમ્બે ટોકીઝ' પછી દસ જ અઠવાડિયાંમાં 'શોર્ટ્સ' નામનું ટૂંકી ફિલ્મોનું ઔર એક ઝૂમખું થિયેટરોમાં રિલીઝ થઈ શક્યું એ સારી નિશાની છે.
અનુરાગ કશ્યપ વિશેની બે વાતો છે. એક આનંદ થાય એવી, બીજી ડર લાગે એવી. અનુરાગને લેખક તરીકે ફિલ્મોમાં બિગ બ્રેક રામગોપાલ વર્માએ આપ્યો હતો, 'સત્યા'ના લેખક તરીકે. વર્માજીએ પોતાના કેટલાય આસિસ્ટન્ટ્સની કરિયર બનાવી છે. અનુરાગ કશ્યપ પણ એમના નકશેકદમ પર ચાલીને પોતાના આસિસ્ટન્ટ રહી ચૂકેલા તેજસ્વી છોકરાંઓને સ્વતંત્રપણે ફિલ્મ ડિરેક્ટ કરવાની તક આપી રહ્યા છે. આ આનંદ થાય તેવી વાત થઈ. ડર એવી કલ્પનાથી લાગે છે કે અનુરાગ કશ્યપ આગળ જતાં સાવ રામગોપાલ વર્મા જેવા થઈને, આત્મરતિમાં સરી પડીને ક્વોલિટી કંટ્રોલની પરવા કર્યા વિના ક્યાંક સત્ત્વહીન ફિલ્મોની 'ફેક્ટરી' શરૂ ન કરી દે!
Anurag Kashyap |
અનુરાગ કશ્યપે પ્રોડયુસ કરેલી 'શોર્ટ્સ' નામની ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ. તાજેતરમાં એટલે પરમ દિવસે નહીં પણ એની પહેલાંના શુક્રવારે. પાંચ સરસ મજાની શોર્ટ ફિલ્મ્સનું આ ઝૂમખું છે. પાંચેયની વાર્તા અલગ, ટેકનિક અલગ, પાંચેયના ડિરેક્ટરો અલગ. આ પાંચમાંથી ત્રણ ડિરેક્ટરો અનુરાગના આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. થોડા સમય પહેલાં 'બોમ્બે ટોકીઝ' નામની ફિલ્મ આવી હતી, જેમાં દિબાકર બેનર્જી, કરણ જોહર, અનુરાગ કશ્યપ અને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલી અડધી-અડધી કલાકની ચાર શોર્ટ ફિલ્મ્સ સમાવી લેવામાં આવી હતી ('મલ્ટિપ્લેકસ', ૨૮ એપ્રિલ, ૨૦૧૩). દસ જ અઠવાડિયાં પછી 'શોર્ટ્સ' નામનું ટૂંકી ફિલ્મોનું ઔર એક કલેક્શન અમદાવાદ સહિત કેટલાંય શહેરનાં થિયેટરમાં જોવા મળ્યું એ સારી નિશાની છે. એ વાત અલગ છે કે 'શોર્ટ્સ'ની પબ્લિસિટી ઓછામાં ઓછી થઈ હતી. આખા મુંબઈમાં ગણીને ત્રણ જ સ્ક્રીન એના ભાગે આવ્યા હતા. તે પણ રોજના એક-એક શો પૂરતા.
'શોર્ટ્સ'ની પાંચેય ફિલ્મોમાં શું છે? સુજાતા નામની એક યુવતી (હુમા કુરેશી) છે. ચૌદ-પંદર વર્ષની હતી ત્યારથી સગી ફોઈનો નઠારો દીકરો એનું લોહી પીતો આવ્યો છે. સંજોગો એવા ઊભા થયા હતા કે છોકરીએ ફોઈના ઘરે રહીને આગળ ભણવું પડયું. કેરમ રમતાં હોય તો છોકરાની નજર સુજાતાના ટીશર્ટમાંથી ડોકાઈ જતાં સ્તન પર ફરતી હોય. એક હાથમાં પ્લાસ્ટરવાળી સુજાતા સૂતી હોય તો છોકરો ગુપચૂપ એને ફરતે ખાંડ ભભરાવી દે કે જેથી લાલ કીડીઓ એને ચટકા ભરીભરીને પરેશાન કરે. છોકરી ચીસો પાડતી જાગી જાય એટલે કઝીન બ્રધર અજાણ્યો થઈને 'કપડાં ઉતાર, કપડાં ઉતાર... નહીં તો કીડીઓ જશે નહીં' કરતો 'મદદ'કરવા ધસી આવે. છોકરીએ બિચારી બાથરૂમમાં દોડી જવું પડે. આ સિલસિલો બંને યુવાન થયાં પછી પણ ચાલુ રહે છે. આઈડેન્ટિટી છુપાવી છુપાવીને જીવતી સુજાતા ક્યાંક ઘર શોધીને ટિફિન સર્વિસ શરૂ કરે છે તો ત્યાં પણ ભાઈસાહેબ આવી ચડે છે. પોલીસ માટે આ ઘરનો આંતરિક મામલો છે. સેવાભાવી સંસ્થાઓ પણ કેટલી મદદ કરે. આખરે સુજાતાની ધીરજ ખૂટે છે. એનો વર્ષોનો દબાયેલો આક્રોશ આખરે સ્ફોટ સાથે ઊછળે છે. અસરકારક ફિલ્મ છે. સુજાતા કેવા કેવા સેક્સ્યુઅલ એબ્યુઝમાંથી પસાર થઈ હશે એની વિગતોમાં ગયા વગર ડિરેક્ટર શ્લોક શર્માએ કેવળ હિન્ટ્સ આપી છે.
Huma Qureshi (top); (bottom) Nawazuddin Siddiqui |
શોર્ટ ફિલ્મોમાં પાત્રોનું વૈવિધ્ય ખૂલી જતું હોય છે. 'મેહફૂઝ' નામની ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી નધણિયાતી લાશોને ઠેકાણે પાડવાનું કામ કરે છે. રાત પડે એટલે કપડાંમાં વીંટળાયેલી ગંધાતી વિકૃત લાશો ટ્રકમાં આવે. નવાઝુદ્દીન પછી એને ચિતા પર ચડાવે. વરસાદમાં લાકડાં ભીનાં થઈ ગયાં હોય તો એને દફન કરી દે. લગભગ બુદ્ધિહીન લાગતો નવાઝુદ્દીન સમાજની નિમ્નતમ કક્ષાએ જનાવર જેવું અસ્પૃશ્ય જીવન જીવે છે, પણ આવા માણસનેય લાગણીની, પ્રેમની, હૂંફની જરૂર હોય જ. એ શી રીતે બીજા મનુષ્યજીવ સાથે સંધાન કરે છે? ઓછામાં ઓછા સંવાદોનો ઉપયોગ કરીને ડિરેક્ટર રોહિત પાંડેએ હૃદયભેદક વાર્તા કહી છે. અનિરબન રોય નામના ડિરેક્ટરની 'ઓડેસિટી' નામની વાર્તામાં મા-બાપનું કહ્યું ન માનતી એક હઠીલી ટીનેજ કન્યાની વાત છે. પાંચેય શોર્ટ ફિલ્મોમાંથી આ એકમાં જ હ્યુમરનો રંગ જોવા મળે છે. ચોથી મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહીને સંઘર્ષ કરી રહેલાં બનારસી પતિ-પત્નીની વાત છે. ચાર માણસોના પરિવારની તમામ જવાબદારી પૂરી કર્યા પછી પણ સ્ત્રી શરીર તૂટી જાય એટલી મહેનત કરી પૈસા કમાય છે પણ ઘરમાં નવરાધૂપ બેસી રહેતા બેકાર પતિદેવના મનમાં એના ચારિત્ર્ય વિશે જાતજાતની શંકાઓ ઉછળકૂદ કરતી રહે છે. કદરના, પ્રેમના શબ્દો બાજુએ રહ્યા, અહીં તો સ્ત્રીએ જશને બદલે જોડાં ખાવાં પડે છે. નીરજ ઘાયવાને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં રત્નબાલી ભટ્ટાચાર્યજી નામની અભિનેત્રીએ સરસ અભિનય કર્યો છે. જોકે સાસુના પાત્ર અને હેપી એન્ડિંગને લીધે આ શોર્ટ ફિલ્મ સહેજ 'ફિલ્મી' બની જાય છે.
આ પાંચ ટૂંકી ફિલ્મોમાં તો વારે વારે દરિદ્ર પાત્રો જ આવ્યાં કરે છે એવું લાગતું હોય તો છેલ્લી શોર્ટ ફિલ્મ 'એપિલોગ' આ ફરિયાદ દૂર કરી નાખે છે. સિદ્ધાર્થ ગુપ્તે ડિરેક્ટ કરેલી આ ટૂંકી ફિલ્મ સૌથી સ્ટાઈલિશ અને સંભવતઃ સૌથી અસરકારક છે. વીસ-પચ્ચીસ મિનિટમાં એક પણ ડાયલોગ આવતો નથી. કેવળ અફલાતૂન વિઝ્યુઅલ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી એક આધુનિક શહેરી યુગલનું જીવન પેશ થાય છે. આ બંને પતિ-પત્ની પણ હોઈ શકે અને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ પણ હોઈ શકે. તેમનો સંબંધ કોહવાઈ ગયો છે,બંધિયાર થઈ ગયો છે, ડચકાં ખાઈ રહ્યો છે. ફિલ્મમાં કલ્પના અને વાસ્તવિકતાની સરસ સેળભેળ થઈ છે. યુવતી અત્યંત પઝેસિવ છે. પુરુષનું જીવવું ઝેર કરી નાખ્યું છે એણે. કાં તો એ કેવળ પ્રેમની ભૂખી છે, એને પ્રિયતમનું એટેન્શન જોઈએ છે. આખી વાતનું તમે અનેક રીતે અર્થઘટન કરી શકો છો. સ્ત્રીએ ખરેખર બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી કે એ પુરુષની ફેન્ટસી છે?કે પછી, સ્ત્રી જીવ ટુંકાવી દેવાની માત્ર કલ્પના કરી રહી હતી? ફિલ્મ ઓપન-એન્ડેડ છે અને એમાં જ એની મજા છે.
Richa Chadda |
સિનેમા કંઈ માત્ર નાચગાના કે ટાઈમપાસ એન્ટરટેઇનમેન્ટ માટે નથી. જુદી જુદી વાર્તાઓ, કિરદારો અને રજૂઆતની અવનવી શૈલીઓ પેશ કરીને દર્શકના મનમાં વિચારનો તણખો પ્રગટાવી શકતું આ ઉત્કૃષ્ટ આર્ટ-ફોર્મ છે તે વાત ભુલાઈ જતી હોય છે. મેઈનસ્ટ્રીમ ફીચર ફિલ્મો મનોરંજન અને બિઝનેસમાં પડી ગઈ છે ત્યારે આવી શોર્ટ ફિલ્મો સિનેમાના સત્ત્વને સાચવી રાખવાનું કામ સરસ રીતે કરી શકે છે. આ પ્રકારની ફિલ્મોનો પ્લસ પોઈન્ટ એ છે કે એમાં નથી સ્ટાર્સની જરૂર પડતી કે નથી તોતિંગ બજેટની જરૂર પડતી. ટેલેન્ટ અને કલ્પનાશક્તિ હોય એટલે પોણા ભાગનો જંગ જિતાઈ ગયો. 'શોર્ટ્સ'ની પાંચેય ફિલ્મો દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ્ઝ જીતી ચૂકી છે. ફેસ્ટિવલની ફિલ્મો બોરિંગ જ હોય એવી લોકોમાં એક છાપ પડી ગઈ છે તે મોટી તકલીફ છે. તેને લીધે થિયેટરવાળાઓ 'શોર્ટ્સ' પ્રકારની ફિલ્મો દેખાડવા તૈયાર થતા નથી તેવી અનુરાગ કશ્યપની ફરિયાદમાં પૂરેપૂરું તથ્ય છે. એ ઉમેરે છે, 'આપણી ફિલ્મોની લંબાઈ ટૂંકી થઈ રહી છે, ધીમે ધીમે ઓડિયન્સનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે. થિયેટરમાં નિયમિતપણે શોર્ટ ફિલ્મ્સ દેખાડાતી નથી તે અલગ વાત થઈ, બાકી ઈન્ટરનેટ પર શોર્ટ ફિલ્મ્સ ખૂબ પોપ્યુલર છે. મને તો એનું ભવિષ્ય સરસ દેખાઈ રહ્યું છે.'
શ્લોક શર્મા, રોહિત પાંડે, અનિરબન રોય, નીરજ ઘાયવાન અને સિદ્ધાર્થ ગુપ્ત - આ પાંચેય ટેલેન્ટેડ ફિલ્મમેકર્સનાં નામ પણ નોંધી રાખજો, કારણ કે એમનાં ભવિષ્ય પણ ઉજ્જવળ છે અને આવનારા સમયમાં મેઈનસ્ટ્રીમ સિનેમામાં ગમે ત્યારે એ બોમ્બની જેમ ફાટવાનાં છે!
શો-સ્ટોપર
પ્રાણસાહેબ મેકઅપમેન અને વિગ બનાવનારા સાથે દોસ્તી કરી એમનું સિક્રેટ જાણી લેતા. પ્રત્યેક ગેટઅપમાં એ સાવ જુદા જ દેખાતા એનું કારણ આ જ. વિગ અને મેકઅપના મામલામાં પ્રાણસાહેબ મારા આદર્શ છે.
No comments:
Post a Comment