Showing posts with label Vegan. Show all posts
Showing posts with label Vegan. Show all posts

Wednesday, May 27, 2020

માણસજાતને માંસાહારની લક્ઝરી પોસાવાની નથી


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 May 2020

ટેક ઓફ

માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું જ પરિણામ કોરોનાના રૂપમાં આવ્યું છે એવું તમે માનો કે ન માનો, પણ આંખ સામે દેખાતી સચ્ચાઈ સાવ સ્પષ્ટ છે.



પૃથ્વીની બહાર માનવવસાહત સ્થાપવાનું સપનું જોતા અમેરિકન સેલિબ્રિટી બિઝનેસમેન ઇલન મસ્કે થોડા દિવસો કહ્યું કે, માણસે પોતાની ઇચ્છા અને ગમા-અણગમા પ્રમાણે જ જીવવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું, પણ જો આપણે બીજા કોઈ ગ્રહ પર માનવવસાહત સ્થાપી શકીશું તો ત્યાં શાકાહારી ખોરાક જ ચલણમાં હશે, કેમ કે માંસાહાર માટે પ્રાણીઓને ઉછેરવા જેટલી એનર્જી અને સ્પેસ જોઈએ તે ત્યાં પરગ્રહમાં મળશે જ નહીં.

પરગ્રહમાં માનવવસાહતની સ્થાપના એ તો ખેર, દૂરના ભવિષ્યની કલ્પના થઈ. વર્તમાનમાં તો કોરોના વાઇરસે માણસની ગતિવિધિઓને સજ્જડપણે પૉઝ કરીને એને વિચારતો કરી મૂક્યો છે. માનવજાતની તવારીખમાં કોરોના પહેલાં અને કોરોના પછી એવી સ્પષ્ટ વિભાજનરેખા દોરાઈ રહી છે ત્યારે આપણને આપણી જાતને, આપણી લાઇફસ્ટાઇલને રિસેટ કરવાનો અભૂતપૂર્વ મોકો મળ્યો છે. કોરોનાનો આતંક માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું પરિણામ છે એવું તમે માનો કે ન માનો, કોરોના વાઇરસ નોનવેજ ફૂડથી ફેલાય છે કે કેમ તે વિશે તમે દલીલો કરો કે ન કરો, પણ સાવ આંખ સામે દેખાતી સચ્ચાઈ આ છેઃમાણસજાતને હવે માંસાહારની લક્ઝરી પોસાવાની નથી! ધરતી પર પાણીના સ્રોત સતત સૂકાઈ રહ્યા છે, પર્યાવરણની જાણવણીના પ્રશ્નો ભીષણ વાસ્તવ બનીને આંખ સામે છાતી કાઢીને ઊભા છે. આવી સ્થિતિમાં આવનારી પેઢીઓનો મને-કમને શાકાહારને અપનાવ્યે જ છૂટકો થવાનો છે.

ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પ્રાણીઓ માત્ર એક વસ્તુ છે, લાઇવ સ્ટૉક છે. એનિમલ ફાર્મ્સ અને કતલખાનાં પુષ્કળ કચરો પેદા કરે છેતેને પુષ્કળ પાણીની જરૂર પડે છેતે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, જેની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે. મિથેન તો કાર્બન ડાયોક્સાઇડ કરતાંય અનેકગણો વધારે હાનિકારક છે. માણસજાત જે મિથેન પેદા કરે છે એ પૈકીના 37 ટકા કેવળ ગાય અને ઘેટાંની કતલને કારણે પેદા થાય છે. ક્લાયમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે માણસજાતે જે પગલાં ભરવાનાં છે એમાંની એક મહત્ત્વની તકેદારી એ છે કે ગાય અને ઘેટાંના માંસથી દૂર રહેવું.

માંસાહાર માટે ઉછેરવામાં આવતાં પ્રાણીઓએ ભયાનક યાતનામાંથી પસાર થવું પડે છે તે ઊઘાડું સત્ય છે. તમને શું લાગે છે, માણસજાતની માંસની ડિમાન્ડ પૂરી કરવા રોજના કેટલાં પ્રાણીઓની કતલ થાય છે? જવાબ છેઃ રોજનાં 20 કરોડ પ્રાણીઓ. આ મરઘાં, ઘેટાં, ગાય જેવાં રેગ્યુલર ખાદ્ય પ્રાણીઓ છે. જો માછલીઓ અને વન્ય પ્રાણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો ત્રણ અબજ પર પહોંચે છે. આ કોરોના પહેલાંના આંકડા છે.



હવે થોડા ભૂતકાળમાં જાઓ. ફક્ત 1970ના દાયકાનાં પાછલાં વર્ષોને ધ્યાનમાં લઈએ તો દુનિયાભરના લોકો 13 કરોડ ટન માંસ ખાઈ ગયા હતા. 2000ની સાલમાં આ (વાર્ષિક) આંકડો 23 કરોડ ટન પર પહોંચી ગયો હતો. જો લોકોની ફૂડ હેબિટ્સમાં કશો ફર્ક ન પડ્યો તો 2050ની સાલ સુધીમાં પ્રાણીઓના માંસની વાર્ષિક ડિમાન્ડ લગભગ 64 કરોડ ટન થઈ જવાની. વધતી જતી માંગને પહોંચી વળવા માટે વધારે પ્રાણીઓ ઉછેરવામાં આવશે, તે પણ પ્રાણીઓની લિવિંગ કંડીશન સાથે ભયંકર સમાધાનો કરીને કે જેથી પ્રોડક્શન કોસ્ટ ઓછામાં ઓછી રહે.

એનિમલ એગ્રિકલ્ચર માટે પુષ્કળ પાણી અને જમીનની જરૂર પડે છે. એક કિલો માંસ પ્રોડ્યુસ કરવા માટે કમસે કમ 13 હજાર લીટર પાણી વપરાઈ જાય છે. આની સામે, એક કિલો ઘઉં પેદા કરવા માટે ફક્ત એકથી બે હજાર લીટર પાણીની જરૂર પડે છે. આ સંજોગોમાં માંસાહારને સસ્ટેનેબલ કેવી રીતે ગણવો?

પ્રાણીઓ અને માછલીઓ જલદી વિકસી જાય, વધારે માંસલ બને અને નરક જેવી સ્થિતિમાં પણ જીવતાં રહી શકે તે માટે તેમને જાતજાતની દવાઓ અપાતી હોય છે. કતલ થયેલાં આ પ્રાણીઓનું માંસ પછી માણસોના પેટમાં જાય. અમેરિકાના ખેડૂતો પ્રાણીઓને જલદી જલદી મોટાં કરી નાખવા માટે હોર્મોન્સના ઇંજેક્શનો આપે છે. આ હોર્મોન્સ આખરે માણસના શરીરમાં પહોંચીને અલગ અલગ પ્રકારનાં કેન્સર યા તો અન્ય બીમારીઓનું કારણ બને છે. અમેરિકન ખેડૂતો કહે છે કે અમે પ્રાણીઓને જે હોર્મોન્સ આપીએ છીએ તે બિલકુલ સેફ છે, પણ આ જ સેફ હોર્મોન્સના વપરાશ પર યુરોપિયન યુનિયને 1995થી પ્રતિબંધ મૂકી દીધો છે.

ધારો કે માંસાહારી માણસના હૃદયમાં એકાએક કરૂણા ને દયાભાવનાં ઝરણાં ફૂટી નીકળે ને એ સંપૂર્ણપણે શાકાહારી બની જવાનો નિર્ણય લે તો એનું શું પરિણામ આવે છે, જાણો છો? એક માંસાહારી માણસના આ એક નિર્ણયને લીધે વર્ષ દીઠ 100 જેટલાં પ્રાણીઓ બચી જાય.  દયામાયા કે ધર્મને વચ્ચે ન લાવીને ને માત્ર માણસજાતને ટકાવી રાખવાના સ્વાર્થ પર જ અટકી રહીએ તો પણ ભવિષ્યમાં શાકાહાર તેમજ વીગન લાઇફસ્ટાઇલ અનિવાર્ય બની જવાનાં. લિખ લો.

0 0 0 



Saturday, April 20, 2019

દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 17 એપ્રિલ 2017
ટેક ઓફ
વીગન ખાનપાન અપનાવનારો માણસ ધર્મથી ભલે ખ્રિસ્તી, મુસ્લિમ, જ્યૂ કે કોઈ પણ હોય, કર્મથી એ પાક્કો જૈન છે!




હું ડોક્ટર છું. હું વીગન છું. 5 વર્ષ.

હું જનરલ મેનેજર છું. હું વીગન છું. 7 વર્ષ.

આખા ઓસ્ટ્રેલિયામાં ગયા અઠવાડિયે આ પ્રકારનું લખાણવાળાં પતાકડાં લઈને લોકો સમૂહમાં રસ્તા પર નીકળી પડ્યા હતા. તેઓ વીગન હતા. શાકાહાર અને માંસાહાર પછી છેલ્લાં કેટલાંક વર્ષમાં વીગન એ ખાણીપીણીના એક મહત્ત્વના ખાદ્યપ્રકાર તરીકે ઊપસી આવ્યો છે. વીગન ખાનપાન અપનાવનારો માણસ ધર્મથી ભલે ખ્રિસ્તી, મુસ્લિમ, જ્યૂ કે કોઈ પણ હોય, કર્મથી એ જૈન છે! આજે મહાવીર જયંતિના પર્વ પર જોઈ લેવું જોઈએ કે દુનિયામાં વીગનીઝમની શી સ્થિતિ છે?

સૌથી પહેલાં તો વીગનીઝમ અથવા વીગન એટલે શુંVEGAN શબ્દ VEGetariANમાંથી ઊતરી આવ્યો છે. વીગન વિચારધારા શાકાહારી માણસને અતિશાકાહારના સ્તર પર મૂકી દે છે. તમારે માંસ-મત્સ્ય-ઇંડાં તો ખાવાનાં નથી જ, પણ તમારે દૂધ પણ પીવાનું નથી. દૂધ બંધ એટલે ચા-કોફી બંધ. દૂધમાંથી બનતી તમામ ચીજવસ્તુઓ જેવી કે દહીં-છાશ-લસ્સી-પનીર-ઘી-માખણ બંધ. શ્રીખંડ-ખીર-દૂધપાક જેવી વાનગીઓનો વિચાર પણ નહીં કરવાનો. આઈસક્રીમ-ચોકલેટ-પિઝા ઉપરાંત ઇંડાંવાળી જ નહીં, ઇંડાં વગરની કેકને પણ ભૂલી જવાનું. વીગન હોવું એટલે ફ્કત ડેરી પ્રોડક્ટ્સ પર ચોકડી મૂકી દેવી તેમ નહીં, તમારે સિલ્ક, ઊન અને ફરમાંથી બનતા કપડાંનેય તિલાંજલી આપવાની. જેમાં એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ થયો હોય તેવા સાબુ, કોસ્મેટિકસ, લેધર, મધ અને દવાઓથી પણ દૂર રહેવાનું. ટૂંકમાં, પશુ-પક્ષીને કષ્ટ પડયું હોય તે તમામ ચીજવસ્તુ અને ક્રિયાનો ત્યાગ કરવાનો.

ઓસ્ટ્રેલિયામાં હેલ્થ એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે ઓસ્ટ્રેલિયનો ખોરાકમાં વધારે પડતું રેડ મીટ યા તો માંસ લે છે, આ પ્રમાણ તાત્કાલિક ઓછું કરો. દુનિયામાં સૌથી વધારે માંસ ખાનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે છે. સરેરાશ ઓસ્ટ્રેલિયન વર્ષે 111.5 કિલો માંસ ઓહિયા કરી જાય છે. દુનિયાની માંસાહારી નંબર વન પ્રજા અમેરિકનો છે. સરેરાશ અમેરિકન વર્ષે 120 કિલો માંસ ખાંસ ખાય છે. સૌથી વધારે માંસાહાર કરનારા ટોપ-ટ્વેન્ટી દેશોમાં આ બે ઉપરાંત ન્યુઝીલેન્ડ છઠ્ઠા નંબરે, ફ્રાન્સ આઠમા નંબરે, સ્પેન અગિયારમા ક્રમે અને ડેન્માર્ક-કેનેડા-ઇટલી અનુક્રમે 13, 14 અને 19 નંબર પર છે.   



લોકો સમજવા માંડ્યા છે કે વીગનીઝમ એ પ્રાણીપ્રેમીઓએ શોધી કાઢેલું ફિતૂર નથી. તમને પ્રાણીઓ પ્રત્યે ખાસ દયામાયા ન હોય તો પણ વીગનીઝમ અપનાવવું પડશે. શાકાહારીઓ, બાય ડિફોલ્ટ, માંસથી દૂર રહે છે, પણ વીગનીઝમ એમને દૂધ પમ દૂર રહેવાની સલાહ અપાય છે. તમામ પ્રાણીઓ ફ્કત પોતાની જ જાતિના પ્રાણીનું, રાધર, પોતાની માતાનું દૂધ પીએ છે. સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે બીજા પ્રાણીઓનું દૂધ પી જાય છે! પ્રાણી જન્મે પછી થોડા સમય માટે જ માતાના દૂધ પર આધારિત હોય છે. એક વાર એ જીવનસંઘર્ષ કરવા માટે સજ્જ થઈ જાય પછી એને માતાના દૂધની આવશ્યકતા રહેતી નથી. તેથી કુદરતી રીતે જ માતાના શરીરમાં દૂધ પેદા થવાનું બંધ થઈ જાય છે. આખી દુનિયામાં મનુષ્ય જ એક એવંુ પ્રાણી છે જે મરતાં સુધી દૂધ પીધાં જ કરે છે. ખુદની માતાના શરીરમાં દૂધ સુકાઈ જાય પછી ગાય-ભેંસ-બકરી જેવાં અન્ય પ્રાણીના દૂધ પર અટેક કરે છે, જે વીગન વિચારધારા પ્રમાણે કુદરતના નિયમની વિરુદ્ધ છે. માનવશરીરના વિકાસ માટે દૂધ અનિવાર્ય નથી અને ડેરી પ્રોડકટ્સથી શરીરને હાનિ પહોંચે છે એવું પૂરવાર કરતાં કેટલાંય વૈજ્ઞાનિક પ્રમાણો ઉપલબ્ધ છે. ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં દૂધનું ઉત્પાદન ખાસ્સુ ઓછું થાય છે, પણ ત્યાંની પ્રજા દુનિયાના 'દૂધ પીતી' પ્રજા જેટલી જ સુવિકસિત છે!

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ આ માતા નોનસ્ટોપ દૂધ આપતી રહે તેવા હળહળતા ધંધાદારી માહોલમાં, ખાસ કરીને વિદેશમાં, એણે કેવી યાતનામાંથી પસાર થવું પડે છે તેની વિગતો અસ્થિર કરી મૂકે તેવી છે. ગાય સતત દૂધ આપતી રહે તે માટે તેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી સતત ગર્ભવતી રાખવામાં આવે છે. તેથી તેનું 30 વર્ષનું આયુષ્ય સંકોચાઈને માંડ બારેક વર્ષ જેટલું થઈ જાય છે. એનિમલ ફાર્મ્સમાં પ્રાણીઓ પર થતી ક્રૂરતા અને કતલખાને લઈ જવાતાં જનાવરો પર થતી ક્રૂરતા વચ્ચે ઝાઝો ફરક હોતો નથી. કતલખાના પુષ્કળ કચરો પેદા કરે છે, તેને પુષ્કળ પાણીની જરૂર પડે છે, તે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, વગેરે. આમ, દૂધ ઉત્પાદનની સમગ્ર ઔદ્યોગિક પ્રક્રિયાની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે. પૃથ્વી પર ભયજનક રીતે થઈ રહેલા ક્લાયમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે માણસજાતે જે પગલાં ભરવાનાં છે એમાંની એક મહત્ત્તવની તકેદારી એ છે કે ગાય અને ઘેટાંના માંસથી દૂર રહેવું.વીગન લાઈફસ્ટાઈલનું ચુસ્તપણે પાલન કરનારાઓ તો ત્યાં સુધી કહે છે કે દૂધ અને માંસ એક જ સિક્કાની બે બાજુઓ છે!

એનિમલ રાઈટ્સના ક્ષેત્રમાં ગેરી ફ્રાન્સિઓન નામના અમેરિકન લીગલ સ્કોલરનું નામ મોટું છે. તેઓ દેખીતી રીતે જ જૈન ધર્મથી ખાસ્સા પ્રભાવિત છે. ગેરીની કાનૂની થિયરી સેન્ટીઅન્સ એટલે કે ચૈતન્યના પાયા પર ઊભી છે. પશુ, પક્ષી, જંતુ, વનસ્પતિ સહિતના તમામ સજીવો કે જેમાં ચૈતન્ય છે, તેમને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર છે અને આ અધિકારનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ. તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છેઃ અમને ‘વસ્તુ’ ન ગણો. અમને કશું જોઈતું નથી. બસ, અમને જીવવા દો! ન શાસ્ત્રો કહે છે શાકભાજી, પાણી, અગ્નિ, ધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂરી છે, પણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છે, પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.

વીગનીઝમ વિચારધારાનો સૂર આપણી પારંપરિક માન્યતાઓ સાથે મળતો નથી. હાથેથી માખણ ખાતા બાળકનૈયાનું કલ્પનાચિત્ર આપણી સામૂહિક ચેતનાનો અંશ છે. ખુદ ભગવાન ડેરી પ્રોડક્ટ્સ ખાતા હોય તો આપણે પણ તે ખાઈએ તેમાં શા માટે વાંધો હોવો જોઈએ? આપણી ધાર્મિક વિધિઓમાં દૂધનો ભરપૂર ઉપયોગ થાય છે. પણ વીગન વિચારધારા કહે છે કે જૂની માન્યતાઓને તિલાંજલી આપવાનો સમય આવી ગયો છે. મૂર્તિઓ પર દૂધનો અભિષેક ન કરવો. પ્રસાદ વગેરેમાં દૂધનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તો ગાય-ભેંસના દૂધના બદલે સોયા મિલ્કનો ઉપયોગ કરવો. મંદિરમાં ભગવાનની પ્રતિમા સામે ઘીના દીવા કરવાને બદલે વેજીટેબલ ઓઈલના દીવા કરવા. મીઠાઈઓને બદલે જુદી જુદી જાતના ડ્રાયફ્રુટ્સ વાપરવા. ધાર્મિક ફંકશનોના જમણવારમાં કેવળ વીગન વાનગીઓ જ પીરસવી. દૂધ એક સંપૂર્ણ આહાર છે તેવું આપણને બાળપણથી ક્હેવામાં આવે છે, પણ હવે આ થિયરી સામે પડકાર ઊભો થયો છે.

માણસ ગમે તેટલો પ્રાણીપ્રેમી કે અહિંસાવાદી હોય તો પણ એકઝાટકે વીગન બની શકતો નથી. અનુભવી વીગનોની સલાહ છે કે વીગન લાઈફ્સ્ટાઈલ ધીમે ધીમે અપનાવવી. જેમ કે, દિવસમાં ત્રણ વખત ચા પીવાની ટેવ હોય તો શરૂઆતમાં બે વાર, પછી એક વાર ચા પીઓ અને ક્રમશઃ બંધ કરી દો. દૂધની જગ્યાએ તમે આલ્મન્ડ મિલ્ક અને કોકોનટ મિલ્ક જેવી નોન-ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને ચા-કોફીની લિજ્જત માણવાનું ચાલુ રાખી શકો છો. શરૂઆતમાં દિવસનું કમસે કમ એક ટંકનું ભોજન વેગન ફૂડ હોય તેવી કાળજી રાખો. ધીમે ધીમે વીગન ખાણીપીણીની માત્રા વધારતા જવી.

આનંદ થાય એવી વિગત એ છે કે દુનિયામાં સૌથી ઓછું માંસ ખાનારા દેશોમાં ભારત બીજા નંબરે છે. સરેરાશ ભારતીય વર્ષે કેવળ 4.4 કિલો માંસ ખાય છે. ભારતીયોનો વિરાટ સમુદાય શાકાહારી હોવાથી સરેરાશ આંકડો ખૂબ નીચે આવી ગયો છો. બાંગલાદેશ આપણા કરતાંય આગળ, નંબર વન પોઝિશન પર છે – વર્ષે કેવળ ચાર કિલો. શ્રીલંકા ચોથા નંબર પર છે – 6.3 કિલો. તમારા ધર્મ તમને માંસ ખાવાની છૂટ આપતો હોય કે ન હોય, તમારી ભવિષ્યની પેઢીઓએ માંસ શું, દૂધથી પણ દૂર રહેવું પડશે. લિખ લો! 

0 0 0 

Tuesday, August 1, 2017

જીવદૃયા નહીં, જીવમૈત્રી!

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૨ ઓગસ્ટ ૨૦૧૭ 

ટેક ઓફ
 ‘આપણે માણસોને ગુલામ બનાવી શકતા નથી તો પ્રાણીઓને શી રીતે ગુલામ બનાવી શકીએ? બીજાં જીવો પર કબ્જો જમાવવાનો આપણને કોઈ અધિકાર નથી.' 



‘જનાવરોનું રીતસર બજાર ભરાયું હતું તે દિૃવસે. કેટલાં બધાં નઘણિયાતાં પ્રાણીઓ - ગાય, બકરી, ઘેટાં, ઘોડા... અમુક સાવ ઘરડાં થઈ ગયેલાં તો અમુક તાજાં જન્મેલાં. માંદૃાં, અશકત, ઘવાયેલાં, લાચાર. વજનના હિસાબે સૌની હરાજી થઈ રહી હતી. ખરીદૃાયેલાં જનાવરો આખરે કતલખાનાંમાં ઘકેલાઈને કપાઈ જવાનાં હતાં. જે રીતે તેમને ધકકે ચડાવવામાં આવતાં હતાં, એમનાં શરીરો પર લાતો પડતી હતી, પ્રહારો થઈ રહ્યા હતા અને જે રીતે બિચારાં વેદૃનાથી બરાડા પાડી રહ્યાં હતાં... અસહ્ય હતું આ બધું. મેં આ બજારમાં છએક કલાક વીતાવ્યા હશે. મારા જીવનનો કદૃાચ આ સૌથી ઈમોશનલ દિૃવસ હતો.'

લગભગ બે વર્ષ પહેલાંની આ ઘટના વર્ણવતી વખતે શાલીન શાહનો અવાજ આજે પણ થોડો કાંપે છે. શાલીન શાહ અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં એરી નામના નાનકડા નગરમાં રહે છે. એમને બાતમી મળી હતી કે જનાવરોના પેલા બજારમાં એક પ્રેગનન્ટ ઘોડી અને બે બચ્ચાંની હરાજી થવાની છે. તેમને બચાવવા માટે શાલીન ત્યાં ગયેલા. આ ત્રણેય મૂંગાં જનાવરોને તો તેમણે ખરીદૃી લીધાં, પણ બાકીનાં પ્રાણીઓની હાલત જોઈને તેઓ અંદૃરથી હલી ગયા હતા. પશુઆના દૃર્દૃનાક ચિત્કારો અને એમની આંખોમાં થીજી ગયેલો ખોફ ભુલી શકાય તેમ નહોતા.

Compassionate couple: Shilpi Shah and Shaleen Shah


શાલીનના હૃદૃયમાં કરુણાનો ભાવ ન જાગે તો નવાઈ પામવા જેવું હતું. દૃસ વર્ષની ઉંમરે મમ્મી-પપ્પા સાથે અમદૃાવાદૃથી અમેરિકા શિફ્ટ થઈને, ત્યાં જ ભણીગણીને અને એન્ત્ર્યોપ્રિન્યોર બનીને સફળતા પામી ચુકેલા યુવાન શાલીન શાહ ખાનપાનના મામલામાં પાક્કા વીગન છે. વીગન હોવું એટલે માંસ-મચ્છી-ઈંડા તો નહીં જ, પણ દૃૂધ અને તેમાંથી બનતી દૃહીં-ઘી-છાસ-પનીર વગેરે જેવી પેદૃાશોને પણ હાથ નહીં લગાડવાનો. શાલીનને વીગન બનવાની પ્રેરણા એમની પત્ની શિલ્પીએ આપી હતી. જન્મે અને કર્મે જૈન એવાં પતિ-પત્ની બન્નેને થયાં કરતું હતું કે અિંહસાના મામલામાં આપણે વધારે બીજું શું કરી શકીએ? સદૃભાગ્યે આ સવાલનો જવાબ જ નહીં, સ્પષ્ટ માર્ગ પણ પ્રાણીઓની પેલી બજારની મુલાકાત પછી તરત મળી ગયો.      

ત્રણ ઘોડાઓને બચાવીને ઘરે પાછા ફરતી વખતે શાલીનના મનમાં એક જ વિચાર ઘુમારાયા કરતો હતો કે કાશ, મારી પાસે વધારે જગ્યા અને વધારે સગવડ હોત તો હું વધારેે જનાવરોને ખરીદૃીને તેમનો જીવ બચાવી શકત. ભરપૂર તીવ્રતા અને હૃદૃયની સચ્ચાઈથી વ્યકત થયેલી ઇચ્છા કુદૃરત વહેલામોડી સંતોષે જ છે. એ જ રાતે કોણ જાણે ક્યાંથી શાલીન પર કોઈકનો ફોન આવે છે: ૨૩ એકર જમીનનો એક બંજર ટુકડો એમ જ પડ્યો છે. કોઈને એમાં રસ હોય તો જણાવજો! જમીન શાલીનના ઘરથી થોડી મિનિટો જ અંતર પર જ હતી.



આ ફોને શાલીનને વિચારતા કહી મૂક્યા: શું આ ઉપરવાળાનો કોઈ સંકેત છે? રાત્રે મોડે સુધી પતિ-પત્નીએ ખૂબ ચર્ચા કરે છે: શું કરવું છે? લઈ લેવી છે આ જમીન? અસહાય પ્રાણીઓને પાળવા માટે સેન્ક્યુઅરી બનાવવી હોય તો આ જગ્યા પરફેકટ છે તે વાત સાચી, પણ આ જવાબદૃારી બહુ મોટી છે એનું શું? બેય દૃીકરાઓ હજુ નાના છે, જીવનનિર્વાહ માટે કામકાજ કરવાનું છે, પોતાની કંપની ચલાવવાની છે. પહોંચી વળાશે? જવાબ મળ્યો: હા, પહોંચી વળાશે! બીજા જ દિૃવસે લીઝનાં કાગળિયાં પર શાલીને સહી કરે છે. આ રીતે ઓગસ્ટ ૨૦૧૫માં ‘લવિન આર્મ્સ' નામની સંસ્થાની સ્થાપના થાય છે. એલ-યુ-વી-આઈ-એન ‘લવિન એ અંગ્રેજી શબ્દૃ ‘લિંવગ માટે વપરાતો સ્લેન્ગ છે. લવિન આર્મ્સ એટલે પ્રેમપૂર્વક લંબાવવામાં આવેલો હાથ.  




શાલીને અગાઉ ઘોડાઓ સાથે પનારો પાડ્યો હતો. ‘મેં અગાઉ ઘોડો ખરીદ્યો નહીં, પણ અડોપ્ટ કર્યો હતો એમ કહીશ,' તેઓ કહે છે, ‘તમે નિર્જીવ વસ્તુ ખરીદૃી શકો, જીવતુંજાગતું પ્રાણી નહીં.'

એકાદૃ-બે પ્રાણીઓને પાળવાં એક વાત છે અને આખેઆખું અભયારણ્ય ચલાવવું તદ્દન જુદૃી વાત છે. તમારે ખૂબ બધી બાબતોનું પ્રેકિટકલ નોલેજ કેળવવું પડે - જેમ કે, કઈ રીતે પ્રાણીઓને બચાવીને સેન્કચ્યુઅરી સુધી લાવવાં, કઈ રીતે માંદૃા પ્રાણીઓની દૃેખભાળ કરવી, એમને કેવો અને કઈ રીતે ખોરાક આપવો, કઈ રીતે એમના માટે ખાસ પ્રકારનાં રહેઠાણ ઊભાં કરવાં, પ્રાણીઓ  અને આ પ્રકારની સંસ્થા ચલાવવાના કાયદૃા સમજવા, નીતિનિયમોનું ઉલ્લંઘન ન થાય એની તકેદૃારી રાખવી, વગેરે. વળી, આ કામમાં જાતજાતનાં વાહનો જોઈએ, ઓટોમેટિક વોટર તેમજ હીટીંગ સિસ્ટમ જોઈએ. તમારે વોલેન્ટિયર્સ અને પ્રોફેશનલ્સનું મજબૂત નેટવર્ક વિકસાવવું પડે. પુષ્કળ કામ હતું, પડકારો હતા અને ખૂબ બધું સમજવા-શીખવાનું હતું.

થયું. ધીમે ધીમે બધું જ થયું. સૌથી પહેલાં તો વર્ષોથી અવાવરુ પડી રહેલી જમીનને સાફ કરવાની હતી. કામ પુણ્યનું હોય અને ઇરાદૃો નેક હોય તો મદૃદૃ મળી જ રહે છે. ધીમે ધીમે વાત ફેલાતાં તદ્દન અજાણ્યા એવા સ્થાનિક અમેરિકનો મદૃદૃે આવવા લાગ્યા. પ્રાણીપ્રેમીઓનું જુથ આકાર લેવા માંડ્યું. એક નિશ્ર્ચિત માર્ગદૃર્શિકા ક્રમશ: આકાર લેવા માંડી. જેમકે, ‘લવિન આર્મ્સ'માં કેવળ શાકાહારી પ્રાણીઓ જ લાવવાં. માંસાહારી પ્રાણીઓનું પેટ ભરવા માંસ આપવું પડે, જે અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાય. પ્રાણીઓને પ્રાણીઓને કેવળ પ્લાન્ટ-બેઝ્ડ ખોરાક અને દૃવાઓ આપવી, એનિમલ-બેઝ્ડ નહીં. એક વાર જનાવરને અહીં લાવવામાં આવે પછી એ જીવે ત્યાં સુધી દૃેખભાળ કરવી. પ્રાણીઓને ખરીદૃવા નહીં, વગેરે.



ત્રણ ઘોડાઓ પછી બે બકરીઓ આવી, મરઘાં આવ્યાં, ભૂંડ આવ્યાં. પ્રત્યેક પ્રાણીનું એની પર્સનાલિટી સાથે બંધબેસતું મસ્તમજાનું નામ પાડવામાં આવે. જેમ કે બહુ ઉછળકૂદૃ કરતું જાનવર ‘નિબલ' બની જાય. એક કૂકડાનું નામ ‘રસલ ક્રો' છે. આ સિવાય બેન્જામિન, ફેલિકસ, રુડી, ઓલિવર અને રોકી પણ છે. દૃરેકની પોતપોતાની કહાણી છે. અભયારણ્યની ખ્યાતિ ફેલાતા એક દૃાતાએ સારી એવી રકમની આર્થિક મદૃદૃ કરી. ચાલીસ એકરનું બહેતર સુવિધાવાળું નવું ફાર્મ ખરીદૃવામાં આવ્યું. આ અભયારણ્ય પ્રાણીપ્રેમીઓ માટેનું મિલનસ્થળ બનતું ગયું. લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે અહીં એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ, વીગન વાનગીઓ માટેના ફ્રી કૂિંકગ કલાસ અને અન્ય કંઈકેટલીય ઇવેન્ટ્સ ગોઠવવામાં આવે છે. આજ સુધીમાં પાંત્રીસસો કરતાં વધારે લોકો ‘લવિન આર્મ્સ'ની મુલાકાત લઈ ચુકયા છે. પ્રાણીઓ પર થતા અત્યાચારની વાતો સાંભળીને ઘણાની આંખો ખૂલી જાય છે. શાલીન કહે છે, ‘આમાંથી કમસે કમ હજાર લોકોએ નિર્ધાર કર્યો હશે કે આજ પછી હું કયારેય સુવ્વર નહીં ખાઉં યા તો હું ચિકનને હાથ નહીં લગાડું કે પછી અઠવાડિયામાં કમસે કમ બે દિૃવસ હું વીગન લાઈફસ્ટાઈલ અપનાવીશ. આવા નાના-મોટા પરિવર્તનોનું પણ ઘણું મહત્ત્વ છે.

શાલીન અઠવાડિયામાં કુલ ૨૦થી ૩૦ કલાક પોતાના જીવનનિર્વાહ માટેના કામકાજ પાછળ ખર્ચે છે. બાકીનો બધો સમય પ્રાણીઓ માટે ફાળવે છે. વહેલી સવારથી મોડી રાત સુધી તેઓ પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં, વધારે પડતા માંદૃાં જનાવરોને હોસ્પિટલમાં ખસેડી તેમની સારવાર કરાવવામાં અને અભયારણ્યને મેનેજ કરવામાં રચ્યાપચ્યા રહે છે. પત્ની શિલ્પીએ અભયારણ્યનું વહીવટી કામકાજ સંભાળી લીધું છે. આજે શાહદૃંપતી પાસે પાંચસો જેટલા વોલન્ટિર્સની ફોજ છે, બે સ્ટાફ મેમ્બર છે. પ્રાણીઓના ડોકટરો અને અન્ય પ્રોફેશનલ્સ સમયાંતરે વિઝિટ લેતા રહે છે.

Shaleen Shah (right) with his team of volunteers 


‘આપણે માણસોને ગુલામ બનાવી શકતા નથી તો પ્રાણીઓને શી રીતે ગુલામ બનાવી શકીએ?' શાલીન સમાપન કહે છે, ‘એનિમલ્સ નીડ જસ્ટિસ. બીજાં જીવો પર કબ્જો જમાવવાનો આપણને કોઈ અધિકાર નથી. માત્ર જીવદૃયાથી નહીં ચાલે, જીવમૈત્રી કેળવવી પડશે. પ્રકૃતિના લયને સમતોલ રાખવા માટે પણ આ જરુરી છે.'
સત્યવચન!  

0 0 0