Showing posts with label Mahesh Bhatt. Show all posts
Showing posts with label Mahesh Bhatt. Show all posts

Monday, November 19, 2018

આત્મવિનાશ... આગળ વધવાનો આ જ એક રસ્તો છે!


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર - 18 નવેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
આલિયા ભટ્ટની મોટી બહેન શાહીને આખા જીવનને પીંખી નાખતા ડિપ્રેશનના રોગનો સામનો શી રીતે કર્યો?


ને આજકાલ બહુ રડવું આવે છે. અચાનક જ હું એકદમ ઉદાસ થઈ જાઉં છું. મને લાગે છે કે મને કશું આવડતું નથી.
તેર વર્ષની તરૂણીને જો આવી લાગણી થતી હોય તો એ સમજી શકાય એવું છે. અઢાર વર્ષની ઉંમરે આ તરૂણી પોતાની અંગત ડાયરીમાં લખે છેઃ   
કોઈને મારામાં વિશ્વાસ નથી. મને લાગે છે કે હું ઢોંગી ને ધોખેબાજ છું. મેં ફક્ત મોહરું પહેરી રાખ્યું છે, અંદરથી હું ખાલીખમ છું. હું સતત ભયભીત રહું છું. હું જે વ્યક્તિ નથી એ બનવા માટે મારે હજુ કેટલા પ્રયત્નો કરવા પડશે ને કેટલી વાર નિષ્ફળ જવું પડશે?’

ચાલો, જુવાનીમાં કદમ મૂકી રહેલા છોકરા-છોકરીના મનમાં આ પ્રકારની ગૂંચવણ હોઈ શકે છે એ પણ સ્વીકારી શકાય, પણ આ જ છોકરી દસ વર્ષ પછી પણ, 28 વર્ષની ઉંમરે પોતાની ડાયરીમાં આવું લખે ત્યારે એનો શો અર્થ થાય? વાંચોઃ

આત્મવિનાશ, પોતાની જાતને ખતમ કરી નાખવી... આગળ વધવાનો આ જ એક રસ્તો છે. મારે મારી આસપાસના તમામ લોકોથી અલગ થઈ જવું છે. મારે કોઈની ફિકર કરવી જ નથી. મારે પ્રેમમાંથી પણ મુક્તિ જોઈએ છે. હું ભાંગી પડી છું ને લોકો મને સતત નિરખી રહ્યા છે એવી લાગણી મને લાંબા સમય પછી થઈ રહી છે. મારે આ બધામાંથી બહાર આવી જવું છે. અબ્બી હાલ. ઇનફ.

આ શાહીન મહેશ ભટ્ટના શબ્દો છે. શાહીન ભટ્ટ એટલે આલિયા ભટ્ટની સગી મોટી બહેન, જેના વિશે આપણે અત્યાર સુધી ભાગ્યે જ કશું જાણતા હતા. લગભગ ગુમનામીમાં રહેલી શાહીન ભટ્ટ વિશે આમજનતા અને ઇવન મિડીયામાં સંભવતઃ પહેલી વાર ચર્ચા થઈ રહી છે એનું કારણ એણે લખેલું પુસ્તક છે. આ નાનકડા અંગ્રેજી પુસ્તકનું શીર્ષક છે, આઇ હેવ નેવર બીન (અન)હેપીઅર. હું આટલી સુખી (કે દુખી) અગાઉ ક્યારેય નહોતી! કૌંસમાં મૂકાયેલું અનનું છોગું સૂચક છે. જેનાં પિતા, માતા, બહેન, કઝિન્સ, કાકાઓ બધા જ સેલિબ્રિટી હોય એવા ફેમસ પરિવારમાં જન્મેલી શાહીન શા માટે દુખી રહેતી હતી અને શા માટે એનામાં ખુદને ખતમ કરી નાખવાનું ઝનૂન ઊપડતું હતું એના વિશે એણે પોતાના પુસ્તકમાં અત્યંત પારદર્શક થઈને હિંમતભેર વાત કરી છે.


ડિપ્રેશન! શાહીન ક્લિનિકલ ડિપ્રેશન તરીકે ઓળખાતી માનસિક બીમારીની દર્દી હતી. હજુય છે. ડિપ્રેશન એટલે સાદી ભાષામાં કહીએ તો તીવ્ર, સમજાય નહીં એવો માનસિક સંતાપ. દિમાગનાં કેમિકલ્સમાં કંઈક એવા અનીચ્છનીય ફેરફાર થાય કે જેના કારણે માણસને એવું લાગે કે જાણે એની તમામ શક્તિ નિચોવાઈ ગઈ છે. એને કલાકોના કલાકો, દિવસોના દિવસો સુધી એમને એમ પડ્યા રહેવાનું મન થાય, કારણ વગર રડવું આવે, કોઈ કામમાં જીવ ન ચોંટે, સતત નકારાત્મક વિચારો આવ્યા કરે. સામાન્ય માણસના મનમાં આવી લાગણી જાગે ખરી, પણ તે થોડી વારમાં જતી રહે, એ પાછો હસતો-ખેલતો થઈ જાય, પણ ડિપ્રેશનનો દર્દી આ ત્રાસદાયક માનસિક અવસ્થામાં દિવસો, અઠવાડિયાં, મહિના કે ઇવન વર્ષો સુધી સબડતો રહે છે. આ એક એવી મેડિકલ કંડીશન છે જેનો ઉપચાર માનસિક બીમારીના ક્વોલિફાઇડ ડોક્ટર પાસે કરાવવો પડે છે.    
શાહીન ભટ્ટ પોતાના પુસ્તકમાં લખે છે, હું ઓગણત્રીસની થઈ. સમજણી થઈ ત્યાર પછીનું લગભગ આખું જીવન મેં ડિપ્રેશનમાં ગાળ્યું છે. હું સતત સંતાપમાં જીવું છું. સંતાપ એટલે... ઓહ, નેટફ્લિક્સ પર મારો ફેવરિટ શો કેન્સલ થઈ ગયો કે ઓહ ગોડ, દાળના ટીપાં પડવાથી મારો ડ્રેસ ખરાબ થઈ ગયો એ પ્રકારની ઝીણી ઝીણી વાતે થતી ચીડ નહીં, બલ્કે મારી ભીતર આ કેવો વિષાદ છે જે મને અંદરથી કોરી ખાય છે?’ અને હવે સહન નથી થતું... મારે મરી જવું છે એ પ્રકારનો તીવ્ર સંતાપ.  
આ પુસ્તક વાંચ્યું ત્યારે ફિલ્મમેકર પિતા મહેશ ભટ્ટ કાંપી ઉઠ્યા હતા. એમને થયું કે મારી દીકરી કેટલી પ્રામાણિકતાથી જીવનના અંધકાર સામે આ છોકરી ઝઝૂમી છે અને એ પણ આટલી નાની ઉંમરે. શાહીને સત્તર વર્ષની ઉંમરે પપ્પાને એક પત્ર લખેલો, જે આલિયાએ પછી એમને વાંચી સંભળાવ્યો હતો. શાહીને લખ્યું હતું કે, મારા ફાધર મારા હીરો પણ છે અને દોસ્ત પણ છે. હીરો એટલા માટે નહીં કે એ પરફેક્ટ છે, પણ એટલા માટે કે એમણે મને શીખવ્યું છે કે આપણી જાતમાં, આપણી પસર્નાલિટીમાં ખામીઓ હોય તો એમાં કશો વાંધો નથી. ઇટ ઇઝ ઓકે ટુ બી ઇમ્પરફેક્ટ. પપ્પાએ મને ઇમ્પરફેક્ટ હોવાની કળા શીખવી છે.

શાહીન સ્વીકારે છે કે એની જિંદગીમાં ભયાનક કહેવાય એવું કશું જ બન્યું નથી. આધુનિક વિચારસરણી ધરાવતાં મા-બાપ તરફથી ભરપૂર સુખસુવિધા અને હૂંફ મળ્યાં છે, એની લાઇફસ્ટાઇલમાં ક્યાંય કશુંય ખૂંચે એવું નથી. શાહીન કહે છે કે મને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી છે, મારા પર ક્યારેય કોઈ જાતની જવાબદારી થોપવામાં આવી નથી તો પણ ડિપ્રેશનને કારણે હું આટલી બધી હેરાન થઈ હોઉં તો વિચાર કરો કે ગરીબ યા તો સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા, કમાવાની-ભણવાની-ઘરનાં કામ કરવાની-સંતાનો ઉછેરવાની જવાબદારીઓ ધરાવતા લોકોને ડિપ્રેશનની બીમારી લાગુ પડતી હશે તો એની હાલત કેટલી બદતર થઈ જતી હશે!
શાહીને એક કિસ્સો નોંધ્યો છે. એ નાની હતી ત્યારે એની સાવકી મોટી બહેન પૂજા ભટ્ટનો બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે સિક્કો ચાલતો હતો. એક વાર પૂજાને કોઈ મેગેઝિન માટે પોતાની બન્ને નાની બહેનો સાથે ફોટોસેશન કરાવવાનું હતું. શાહીન ત્યારે ટીનેજર હતી અને આલિયા તો સાવ નાની ટેણકી. ત્રણેય બહેનોના ફોટા લેવાયા પછી પૂજા અને આલિયાનું અલગથી સેશન કરવામાં આવ્યું. બન્યું એવું કે મેગેઝિનમાં પૂજા અને આલિયાની તસવીર જ છપાઈ. શાહીનની બાદબાકી કરી નાખવામાં આવી. શાહીનને એ વખતે ખૂબ લાગી આવ્યું હતું, પણ પછી એને સમજાયું કે મેગેઝિનના દષ્ટિકોણથી આ બરાબર જ હતું. શાહીને ખા-ખા કરીને શરીર બેડોળ કરી મૂક્યું હતું. ગ્લેમરસ પૂજા અને અત્યંત ક્યુટ આલિયા સાથે અદોદળી શાહીન બંધબેસતી નહોતી!
આલિયાને 2012માં સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં બ્રેક મળ્યો ત્યારે ઘરમાં ખુશાલીનું વાતાવરણ હતું. નાની બહેન હિરોઈન બની રહી હતી, એનું જીવન હવે હંમેશ માટે પલટાઈ જવાનું હતું, શાહીનને આ વાતનો ખૂબ ગર્વ હતો છતાંય એ આનંદપૂર્વક ભાગ લઈ શકતી નહોતી, કેમ કે તે વખતે એ ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી, એનું વાસ્તવ જુદું હતું! શાહીન લખે છેઃ

લોકો મને સતત પૂછતા હોય છે કે તારા આખા ફેમિલીમાં એક તું જ ફેમસ નથી, તને આ વાતની તકલીફ થતી નથી? હું જવાબ આપું કે હા, મને તકલીફ જરૂર થાય છે, પણ તમે જે વિચારો છે તે કારણસર નહીં. મેં પ્રસિદ્ધિને બહુ જ નજીકથી જોઈ છે. હું જાણું છું કે આ પ્રસિદ્ધિ રિઅલ નથી. હું અને આલિયા ઘરમાં બેઠાં હોઈએ કે કબાટમાં કપડાં ગોઠવતાં હોઈએ ત્યારે એ ફેમસ હિરોઈન હોતી નથી, એ મારી નાની બહેન આલિયા જ હોય છે. પપ્પા મારી સાથે ડાઇનિંગ ટેબલ પર ડિનર લેતા હોય ત્યારે તેઓ અવોર્ડવિનિંગ ડિરેક્ટર હોતા નથી, તેઓ માત્ર મારા પપ્પા જ હોય છે. અલબત્ત, મેં પ્રેશરનો અનુભવ જરૂર કર્યો છે. તેને પરિણામે બન્યું એવું કે ડિપ્રેશનને જ મેં મારી ઓળખ બનાવી દીધી... પણ મારા અનુભવો પરથી આજે હું એટલું શીખી છું કે જીવનમાં બધું જ પસાર થઈ જાય છે. સુખ ક્ષણજીવી છે, તો દુખ પણ ક્ષણજીવી છે. હું મારી જાતને કહેતી રહું છું કે તીવ્રમાં તીવ્ર પીડાઓમાંથી હું ઓલરેડી પસાર થઈ ચુકી છું. મેં બધું જ જોઈ લીધું છે. હું આ તમામ માનસિક વિપદાઓનો સામનો કરીને આજે ટટ્ટાર ઊભી છું...    
ડિપ્રેશન હોવું એ કંઈ શરમાવાની વસ્તુ નથી. એનો ઇલાજ ચોક્કસપણે થઈ શકે છે. ડિપ્રેશનનું દરદ અને દરદી બન્નેને સમજવામાં ઉપયોગી થાય એવું સરસ રીતે લખાયેલું આ નાનકડું અંગ્રેજી પુસ્તક વાંચવા જેવું તો ખરું.

0 0 0 

Sunday, June 3, 2018

આલિયામાં એવું તે શું છે?

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 3 જૂન 2018

મલ્ટિપ્લેક્સ                   

છ વર્ષની કારકિર્દી. કુલ દસ ફિલ્મો, જેમાંથી નવ બોક્સઓફિસ પર સફળ. ભુમિકાઓમાં ભરપૂર વૈવિધ્ય. ઓડિયન્સ, સમીક્ષકો અને ઇન્ડસ્ટ્રીના લોકો એમ સૌને પ્રીતિપાત્ર...  પોતાની ઉંમરના જ નહીં, ભલભલા સિનિયર કલાકારોને પણ ઇર્ષ્યાનો અટેક આવી જાય એવી સુપરડુપર આલિયાની કરીઅર છે.


ક કિસ્સો છે, જે આલિયા ભટ્ટ અને એના ફિલ્મમેકર ફાધર મહેશ ભટ્ટ ભારે ઉત્સાહથી અને આનંદપૂર્વક મિડીયાને મુલાકાત આપતી વખતે શેર કરતાં હોય છે. આલિયાની સૌથી પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' (2012) હિટ ઘોષિત થઈ એટલે મહેશ ભટ્ટે દીકરીનો ઓટોગ્રાફ માગ્યો હતો. આલિયાએ ભારે શાનથી પિતાજીને ઓટોગ્રાફ આપ્યો, જેમાં સહી કરતાં પહેલાં લખ્યું કે, 'થેન્કયુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ' અર્થાત્ મને બિલકુલ મદદ ન કરવા બદલ તમારો આભાર, પપ્પા!

આ વાક્યનો સૂર રમતિયાળ પણ છે અને વ્યંગાત્મક પણ છે. મહેશ ભટ્ટ સ્વયં સફળ ડિરેક્ટર-પ્રોડ્યુસર-રાઇટર છે, ખુદનું બેનર છે, કેટલાય એક્ટરોને એમણે બોલિવૂડમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે, પણ સગી દીકરીની કરીઅરનો શુભારંભ કરવા માટે એમણે ફિલ્મ બનાવવાની તસ્દી ન લીધી. (મહેશ ભટ્ટે પ્રોડ્યુસ  કરેલી અક્ષયકુમાર - પ્રીતિ ઝિન્ટાવાળી 'સંઘર્ષ' ફિલ્મમાં આલિયા સાધારણ બાળકલાકાર તરીકે દેખાઈ હતી, પણ તે કંઈ આલિયાની કરીઅરનું લોન્ચિંગ નહોતું.) આલિયા ભટ્ટને 'સ્ટુડન્ટ ઓફ ય ધ યર' દ્વારા ફિલ્મોમાં વિધિવત બ્રેક આપનાર કરણ જોહર હતા.

કારકિર્દીની ગ્લેમરસ શરૂઆત કર્યા બાદ આલિયાએ છ વર્ષમાં દસ ફિલ્મો કરી જેમાંથી નવ સફળ પૂરવાર થઈ. એણે એકએકથી ચડે એવાં પર્ફોર્મન્સીસ આપ્યાં અને હિન્દી સિનેમાની નવી પેઢીની સૌથી કામિયાબ અને સૌથી પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે ખુદને પ્રસ્થાપિત કરી. ના, મહેશ ભટ્ટે હજુ સુધી આલિયા સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. ગઈ 15 માર્ચે આલિયા પચ્ચીસ વર્ષની થઈ ત્યારે પપ્પાએ એને ગિફ્ટમાં એક ફોટોફ્રેમ આપી. આ ફોટોફ્રેમમાં શું હતું? છ વર્ષ પહેલાં આલિયાએ આપેલો પેલો ઓટોગ્રાફ જેમાં એણે લખ્યું હતું કે થેન્ક્યુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ!

આજની તારીખે બોલિવૂડમાં સૌથી પ્રાઉડ પાપા જો કોઈ હોય તો એ કદાચ મહેશ ભટ્ટ છે. તેઓ કહે છે કે એરપોર્ટ પર, રેસ્ટોરાંમાં, બુકશોપમાં વગેરે લોકો મારી સાથે ફોટા-સેલ્ફી પડાવે છે. પોતાના માટે નહીં, પોતાનાં બાળકો કે ટીનએજ સંતાનો ખાતર અને એ પણ હું મહેશ ભટ્ટ છું એટલા માટે નહીં, પણ હું આલિયા ભટ્ટનો ફાધર છું એટલા માટે!   

મહેશ ભટ્ટનો હરખ સમજી શકાય તેવો છે. આલિયાની ફિલ્મોનું બોક્સઓફિસ પર્ફોર્મન્સ જુઓ. ફિલ્મી પંડિતોએ ફિલ્મના બજેટ અને કમાણીને ધ્યાનમાં રાખીને કરેલી આંકડાબાજી અનુસાર, આલિયાની 'સ્ટુડન્ટ ઓફ ધ યર' અને 'હાઇવે' હિટ છે, 'ટુ સ્ટેટ્સ', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'ડિયર ઝિંદગી' અને 'બદરીનાથ કી દુલ્હનિયા' સુપરહિટ છે, 'કપૂર એન્ડ સન્સ' અને 'ઉડતા પંજાબ' એવરેજ છે. આલિયાની લેટેસ્ટ ફિલ્મ 'રાઝી' ઓલરેડી મોંઘેરી હન્ડ્રેડ કરોડ ક્લબમાં શામેલ થઈ ચુકી છે. 2018માં અત્યાર સુધીમાં કુલ પાંચ જ ફિલ્મો 100 કરોડમાં સ્થાન મેળવી શકી છે (અન્ય ચાર ફિલ્મોઃ 'પદ્માવત', 'બાગી-ટુ', 'સોનુ કે ટીટુ કી શાદી', 'રેઇડ'). ટૂંકમાં, આલિયાના બાયોડેટામાં ફ્લોપના નામે એક માત્ર 'શાનદાર' જ બોલે છે. સમકાલીન એક્ટરો જ નહીં,  ભલભલા સિનિયર કલાકારોને ઇર્ષ્યાનો અટેક આવી જાય એવો જબરદસ્ત આલિયાનો ટ્રેક-રેકોર્ડ છે.   

ફિલ્મ કમાણી કરે તે એક વાત થઈ (એમ તો તદ્દન રદ્દી ફિલ્મો પણ ક્યારેક કરોડો કમાઈ લેતી હોય છે), પણ એક કલાકાર તરીકે સતત વિકસતા જવું, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને સાવ નવા જ પડકારો ઉપાડવાની કસોટીમાંય ડિસ્ટીંક્શન માર્ક્સ સાથે પાસ થવું, દર્શકો ઉપરાંત ડિરેક્ટરો-પ્રોડ્યુસરો-સહકલાકારોમાં પણ સતત લોકપ્રિય બનતા જવું - આ કંઈ સહેલું નથી. ઘણા વાંકદેખાઓ કહેતા હોય છે કે આલિયાનો સ્વભાવ અતિ વિચિત્ર છે, પણ સચ્ચાઈ એ છે કે વિચિત્ર સ્વભાવવાળી વ્યક્તિની કરીઅર આટલી રુઆબદાર હોઈ જ ન શકે. સફળ થવા માટે મૂળભૂત પ્રતિભા ઉપરાંત માણસના વ્યક્તિત્ત્વમાં એક પ્રકારનું સંતુલન જોઈએ, મગજમાં સફળતાની હવા બિલકુલ ભરાવા દેવાની નથી અને નિષ્ફળતાથી જરાય નાસીપાસ થવાનું નથી એ વાતની એકધારી આત્મસભાનતા જોઈએ અને તગડો ઇક્યુ (ઇમોશનલ ક્વોશન્ટ) પણ જોઈએ. મહેશ ભટ્ટ કહે છે કે અમારા પાગલ પરિવારમાં આલિયા સૌથી નાની છે, પણ અમારા બધાયમાં સૌથી ઠાવકી એ જ છે!

આલિયાની સગી મોટી બહેનનું નામ શાહીન છે, જે ક્યારેય લાઇમલાઇટમાં આવી નથી. મહેશ ભટ્ટની પ્રથમ પત્નીનાં બે સંતાનો એટલે પૂજા અને રાહુલ. પૂજા ભટ્ટે ફિલ્મલાઇનમાં શરૂઆત કરી ત્યારે એની કરીઅર ઠીક ઠીક ઝમકદાર હતી (યાદ કરો 'ડેડી', 'દિલ હૈ કે માનતા નહીં', 'સડક'), પણ પૂજાની પર્સનાલિટીમાં આલિયા જેવું સંતુલન ક્યારેય નહોતું. બેફામ અંગત જીવન, લગ્ન પછી ઇન્ડસ્ટ્રીમાંથી ખોવાઈ જવું, ડીવોર્સ, આલ્કોહોલિક બની જવું - આ બધામાં એની અભિનયની કરીઅર હતી - ન હતી થઈ ગઈ.

આલિયાનો મોટો પ્લસ પોઇન્ટ એ છે કે એ જોખમ લેતાં ડરતી નથી. 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં અલ્ટ્રા-ગ્લેમરસ રોલ કર્યા પછી એણે ઇમ્તિયાઝ અલીની 'હાઇવે'માં બાળપણમાં સેકસ્યુઅલ અબ્યુઝનો ભોગ બનેલી યુવતીનો રોલ કર્યો. 'હાઇવે' એની કરીઅરની ત્રીજી જ ફિલ્મ છે, જે ખરાબ રીતે પીટાઈ શકી હોત, પણ આ ફિલ્મ સફળ થઈ અને આલિયા એક અભિનેત્રી તરીકે એકદમ લોંઠકી કે એ હકીકત પ્રસ્થાપિત થઈ ગઈ. 'હાઇવે'માં એણે એક ગીત પણ ગાયું હતું. પછી તો એણે અન્ય ફિલ્મોમાં પણ ગીતો ગાયાં.


આલિયા ખરેખર સ્માર્ટ છોકરી છે. અગાઉ આલિયાના નામના જોક્સ ધડાધડ વાઇરલ થવા માંડ્યા હતા. બીજું કોઈ હોત તો આવા ઉપહાસથી તૂટી જાત, પણ આલિયા સામે ચાલીને પોતાની જ મજાક ઉડાવતા એઆઈબીના 'જિનીયસ ઓફ ધ યર' નામના વિડીયોની હિસ્સેદાર બની. લોકોએ પથ્થર ફેંક્યા તો આલિયાએ એમાંથી મહેલ ચણ્યો. આજની તારીખે લોકોને યાદ પણ નથી આલિયાને  એક સમયે બાઘ્ઘીનું બિરુદ મળ્યું હતું.    

મેઘના ગુલઝારે 'રાઝી' ફિલ્મ માટે આલિયાનો સંપર્ક કરેલો ત્યારે ફક્ત એક જ લીટીમાં ફિલ્મનો કોન્સેપ્ટ સંભળાવ્યો હતોઃ એક કાશ્મીરની મુસ્લિમ છોકરી છે, પાકિસ્તાની ફૌજીને પરણે છે, સાસરે જઈને ભારત માટે જાસૂસી કરે છે અને વતનની સલામતી માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દે છે. બસ, આટલું જ. આલિયાનો જવાબ હતોઃ મેઘના, હું તમારી ફિલ્મ કરીશ. મેઘનાએ કહ્યું કે પણ હજુ તો મારે પ્રોડ્યુસર શોધવાનો પણ બાકી છે. આલિયાએ કહ્યુઃ કશો વાંધો નહીં. તમને જ્યારે પણ પ્રોડ્યુસર મળે ત્યારે હું તમારી આ ફિલ્મ કરવા તૈયાર હોઈશ એટલું નક્કી જાણજો!

ઇન્ડસ્ટ્રીમાં મેઘના ગુલઝારનું સ્થાન કંઈ ઝોયા અખ્તર કે ફરાહ ખાન જેવું મજબૂત નથી કે હિરોઈનો આંખ મીંચીને હા પાડી દે, પણ આલિયાએ 'રાઝી'ના એક લીટીના નરેશન પરથી પારખી લીધું કે આ દળદાર રોલ છે અને ફિલ્મ કરવા જેવી છે. આલિયાની સ્ટોરી-સેન્સ અથવા સ્ક્રિપ્ટ-સેન્સ તગડી છે એ એનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. 'શાનદાર'નું હજુ શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ એણે ડિરેક્ટર વિકાસ બહલને કહી દીધું હતું કે સર, આપણી ફિલ્મમાં લોચો છે.

આલિયા વચ્ચે એક ઇન્ટરવ્યુમાં કહેતી હતી કે, 'પહેલાં મને 'ઉડતા પંજાબ'નો રોલ મારી કરીઅરનો સૌથી અઘરો રોલ લાગતો હતો. એક તો મારે એમાં બિહારી ગામડિયણ છોકરી બનવાનું હતું અને બીજું, એ કેરેક્ટરના ઇમોશનલ ચડાવઉતાર ખાસ્સા તીવ્ર હતા. આજે હું 'રાઝી'ના રોલને મેં અત્યાર સુધીમાં ભજવેલું સૌથી ડિફિકલ્ટ કિરદાર ગણું છું. ના, વાત અહીં પૂરી થતી નથી. અત્યારે હું 'કલંક' નામની ફિલ્મ કરી રહી છું અને હવે મને લાગે છે કે એનો રોલ તો 'ઉડતા પંજાબ' અને 'રાઝી' બન્ને કરતાં વધારે અઘરો છે. જેમ જેમ મારી ફિલ્મોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ મારાં પાત્રો વધુ ને વધુ કોમ્પ્લીકેટેડ થતાં જાય છે!'

કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'કલંક'ના ડિરેક્ટર અભિષેક વર્મન છે, જેણે ભૂતકાળમાં આલિયા સાથે 'ટુ સ્ટેટ્સ' બનાવી હતી. વરુણ ધવન 'કલંક'નો હીરો છે. આ ઉપરાંત સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ ફિલ્મમાં છે. માધુરીવાળો રોલ મૂળ શ્રીદેવી કરવાની હતી. શ્રીદેવીના અણધાર્યા મૃત્યુ પછી એની ભુમિકામાં એક જમાનામાં એની કટ્ટર હરીફ ગણાતી માધુરી ગોઠવાઈ ગઈ. આ સિવાય, આલિયા 'બ્રહ્માસ્ત્ર' કરી રહી છે. આ પણ કરણ જોહરનું પ્રોડક્શન છે અને અયાન મુખર્જી ('વેક અપ સિડ', 'યે જવાની હૈ દીવાની') એના ડિરેક્ટર છે. 'બ્રહ્માસ્ત્ર' એક સુપરહીરો ફેન્ટસી ફિલ્મ છે. ફિલ્મમાં આલિયા સાથે રણબીર કપૂરે જોડી જમાવી છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની આલિયાની તીવ્ર ઇચ્છા આખરે 'બ્રહ્માસ્ત્ર'માં પૂરી થઈ રહી છે. આલિયાની ત્રીજી આગામી ફિલ્મ છે, 'ગલી બોય'. ડિરેક્ટર, ઝોયા અખ્તર. હીરો, રણવીર સિંહ. આ એક મ્યુઝિકલ છે. આ ત્રણેય ફિલ્મોનું કામકાજ શરૂ થઈ ગયું છે. આ સિવાય આલિયાએ અશ્ર્વિની ઐયર તિવારી ('નીલ બટ્ટે સન્નાટા', 'બરેલી કી બરફી')ની ફિલ્મ પણ સાઈન કરી છે.

આલિયાની આ આગામી ફિલ્મોની વિગતો પરથી લાગે છે કે આવનારાં ચાર-પાંચ વર્ષ સુધી તો એનો નવી પેઢીની ટોપમોસ્ટ એક્ટ્રેસ તરીકેનો દબદબો વધતો જવાનો. આલિયાને આપણે હજુ સુધી કોમેડી કરતાં અને નેગેટિવ રોલમાં જોઈ નથી. બસ, અભિનયના આ બે રંગો પણ એ દેખાડી દે એટલે ભયો ભયો!

 0 0 0 

Wednesday, April 25, 2018

શબાના પાટિલ વિરુદ્ધ સ્મિતા આઝમી


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 1 એપ્રિલ2018 
કોલમઃ મલ્ટિપ્લેક્સ                   
મિડીયાના દાવપેચ સ્મિતાને બહુ સમજાતા નહીં, જ્યારે શબાના પત્રકારોને ખાસ્સી ચતુરાઈથી હેન્ડલ કરી શકતાં. ડિરેક્ટરો-પ્રોડ્યુસરોને પોતાની બાજુ કરી લેવામાં સ્મિતા કાચાં પડતાં, જયારે આ મામલામાં પણ શબાના વધારે ઉસ્તાદ હતાં. સ્મિતા પાટિલ માટે ફિલ્મમેકર શ્યામ બેનેગલ ભોળીભટાક શબ્દ વાપરે છે.



બાના આઝમીએ તાજેતરમાં એક વિડીયો શોમાંકહ્યું હતું કે સ્મિતા પાટિલની હયાતીમાં મેં એના વિશે અયોગ્ય કહેવાય એવી ભાષામાં ટિપ્પણીઓ કરી હતી અનેમારા આ ગેરવર્તન બદલ મને સખત અફસોસ છે. સ્મિતાનાં મૃત્યુને ત્રણ દાયકા કરતાંય વધારે સમયગાળો વીતી ચુક્યો છે. વ્યક્તિ જીવિત ન હોય, પોતાની બાજુ રજૂ કરવાની કે પ્રતિદલીલ કરી શકવાની સ્થિતિમાં ન હોય ત્યારે સામેના માણસને કોઈ પણ વાત કે કિસ્સાને તોડીમરોડીને પોતાની તરફેણમાં પેશ કરવાનો છૂટો દોર મળી જતો હોય છે. ધારત તો શબાના પણ એમ કરી શક્યાં હોય, પણ તેને બદલે એમણે સતત પોતાની ભુલનો  જાહેરમાં એકરાર કર્યો છે. આ એમની મોટપ ગણાય.

શબાના આઝમી અને સ્મિતા પાટિલ એટલે માત્ર હિન્દી નહીં, પણ ભારતીય સિનેમાની સર્વકાલીન મહાનતમ અભિનેત્રીઓ તે એક સર્વસ્વીકૃત હકીકત છે.1970ના દાયકામાં હિન્દી સિનેમામાં આર્ટ ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો હતો. શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાણી, મૃણાલ સેનજેવા ફિલ્મમેકરોએ મરીમસાલાથી ભરપૂર ટિપિકલ કમર્શિયલ ફિલ્મોથી દૂર રહીને રિયલિસ્ટિક ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. શબાના આઝમી, સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી જેવા તગડાં કલાકારોનો ઉદય આ જ દૌરમાં થયો. ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર શ્યામ બેનેગલે પુનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાંથી તાજી તાજી બહાર આવેલી શબાના આઝમીને પોતાની અંકુર’ (1974) ફિલ્મ માટે સાઇન કર્યાં. શબાના કરતાં સ્મિતા પાંચ વર્ષ નાનાં. એ પણ પુનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટની સ્ટુડન્ટ અને મેરે સાથ ચલ નામની એની પહેલી ફિલ્મ પણ 1974માં જ રિલીઝ થઈ હતી. અંકુર ફિલ્મે તરત જ શબાનાને એક સુપર ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે પ્રસ્થાપિત કરી દીધાં, જ્યારે સ્મિતા તરફ સૌનું ધ્યાન એક વર્ષ પછી નિશાંતફિલ્મને કારણે ખેંચાયું. આ ફિલ્મ પણ શ્યામ બેનેગલે જ ડિરેક્ટ કરી હતી અને એમાં શબાના આઝમી પણ હતાં.

શબાના અને સ્મિતાએ પાંચ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે –નિશાંત (1975),‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?’ (1981),‘મંડી (1983),‘અર્થ (1983) અને 0ઊંચ નીચ બીચ0 (1989). શબાના-સ્મિતા બન્ને એકબીજીના માથાં ભાંગે એટલી પ્રતિભાવાન હતાં, બન્ને એક પ્રકારની ફિલ્મો કરતાં હતાં, બન્નેની સિનેમેટિક સેન્સિબિલિટી એકસમાન હતી, બન્નેનાં નામ એકશ્ર્વાસે – એકસાથે લેવાતાં હતાં. એટલી હદે કે, શબાનાએ ખુદ કહ્યું છે તેમ, હું શબાના પાટિલ હતી અને એ સ્મિતા આઝમી’! તેમની વચ્ચે હરીફાઈ થવી સ્વાભાવિક હતી. શરૂઆતમાં સ્પર્ધાનું તત્ત્વ એટલું બોલકું નહોતું, પણ મહેશ ભટ્ટની અર્થ પછી માહોલ ગરમાઈ ગયો.



અર્થ એક સીમાચિહ્નરૂપ ફિલ્મ છે, જે હિન્દી સિનેમાના તમામ પ્રેમીઓએ અવશ્યપણે જોવી જોઈએ. હજુ સુધી જોઈ ન હોય તો હવે જોઈ લેજો. યુટ્યુબ પર આખેઆખી ફિલ્મ અવેલેબલ છે. સ્ટોરી એવી છે કે પૂજા (શબાના આઝમી)ના પતિ ઇન્દર (કુલભૂષણ ખરબંદા)નું કવિતા (સ્મિતા પાટિલ) સાથે એક્સ્ટ્રામેરીટલ અફેર ચાલી રહ્યું છે. શબાના સ્મિતાને બહુ વીનવે છે, આજીજી કરે છે. માનસિક રીતે બીમાર અનેતીવ્ર અસલામતી અનુભવી રહેલી સ્મિતા આખરે કુલભૂષણ ખરબંદા સાથેનો છેડો ફાડી નાખે છે. કુલભૂષણ શબાના પાસે પાછો ફરે છે. શબાનામાંહવે આત્મસન્માન અને આત્મવિશ્વાસ બન્ને જાગી ચુક્યા છે. એ કુલભૂષણને સવાલ કરે છેઃ ધારો કે મારે કોઈ પરપરુષ સાથે સંબંધ હોત અને જો હું તારી પાસે પાછી ફરી હોત તો શું તું મને સ્વીકારી લે? ઇન્દર કહે છેઃ ના. શબાના આટલું જ કહે છેઃ ગુડબાય ઇન્દર.. અને પછી પીઠ ફેરવીને જતી રહે છે. ફિલ્મ અહીં પૂરી થાય છે. 

અર્થ સાઇન કરતી વખતે સ્મિતા સારી રીતે જાણતાં હતાં કે ઓડિયન્સની સહાનુભૂતિ અબળા પત્નીનો રોલ કરી રહેલી શબાનાને મળવાની છે,આમ છતાંય એમણે પરસ્ત્રીનું કિરદાર ભજવવાનું પસંદ કર્યું. સ્મિતાની આ પસંદગીને કારણે સૌને નવાઇ લાગી હતી, પણ સ્મિતાએ અધર વૂમનના પાત્રમાં પડકાર જોયો. અર્થ મૂળભૂત રીતે શબાનાની ફિલ્મ છે તે હકીકતથી વાકેફ હોવા છતાં એમણે એટલું કમાલનું પર્ફોર્મન્સ આપ્યું કે નર્વસ બ્રેકડાઉનની ધાર પર પહોંચી ગયેલી ઇન્સિક્યોર પારકી સ્ત્રીના પાત્રને અવિસ્મરણીય બની ગયું.



અર્થનો પેલો પાર્ટી સીન ખૂબ વખણાયો છે. એક મહેફિલમાં ભયાનક માનસિક પીડા અનુભવી રહેલી શબાના દારૂના નશામાં ધમાલ કરે છે અને સ્મિતાને વેશ્યા સુધ્ધાં કહી બેસે છે. મહેશ ભટ્ટે કહે છે,‘આ સીન અમે મોડી સાંજે ભારે ઉતાવળમાં શૂટ કર્યો હતો, કારણ કે ફિલ્મનું બજેટ સાવ પાંખું હતું અને એકસ્ટ્રા કલાકારોને અમે ઓવર-ટાઇમના પૈસા આપી શકીએ એમ નહોતા. સ્મિતાએ એ અરસામાં અમિતાભ બચ્ચનની શક્તિ ફિલ્મ સાઇન કરી હોવાથી એકાએક સ્ટાર ગણાવા લાગી હતી. કદાચ એટલે જ પેલા પાર્ટી સીન વખતે એને અવઢવ થઈ રહી હતી. આ આખા દશ્યમાં શબાના એને બધાની બચ્ચે ભચંકર અપમાનિત કરે છે, પણ સ્મિતા કશું જ રિએક્ટ કરતી નથી. મુદ્દો એ હતો કે જે સ્ત્રી શરાબના નશામાં ચકચૂર હોય, જેનો પતિ એને છોડીને જતો રહ્યો હોય અને જેપરસ્ત્રીને ભાંડતી વખતે ખુદને પણ અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હોય એની સામે તમે શું રિએક્શન આપી શકો? સ્મિતાના ગળે મારી આ વાત ઉતરી ગઈ અને એણે કશો જ વિરોધ વગર આ સીન શૂટ કર્યો.

આ ફિલ્મ માટે શબાનાને નેશનલ અવોર્ડ મળ્યો. તે સાથે જ શબાના-સ્મિતા વચ્ચેનું કોલ્ડ વોર વધારે તીવ્ર બની ગયું. છંછેડાયેલી સ્મિતાએ આક્ષેપ કર્યો કે મહેશ ભટ્ટે આ ફિલ્મમાં મારા રોલ કરતાં શબાનાના રોલને વધારે મજબૂત બનાવીને મને છેતરી છે. કેટલાય અઠવાડિયાઓ સુધી સ્મિતાએ મહેશ ભટ્ટ સાથે વાત ન કરી. આખરે એક દિવસ આકસ્મિકપણે પાર્ક હોટલનાં પગથિયાં પર બન્ને આમનેસામને થઈ ગયાં. સ્મિતાએ બખાળા કાઢાવાનું શરૂ કરી દીધું. મહેશ ભટ્ટે એને કહ્યું, મારી આંખોમાં જો. હું તને સાવ સાચું કહું છું. તારી સાથે મેં કોઈ અપ્રામાણિકતા કરી નથી. તને નીચા દેખાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો. એક ફિલ્મમાં બબ્બે ધરખમ અભિનેત્રીઓનાં કિરદારો વચ્ચે સંતુલન જાળવવામાં,બન્નેની પ્રતિભાને પૂરતો ન્યાય મળે એવી રીતે ફિલ્મ બનાવવામાં કદાચ હું જ કાચો પડ્યો છું. આ સાંભળીને સ્મિતાની આંખો છલકાઈ ઉઠી. એ જોરથી મહેશ ભટ્ટને ભેટી પડી અને કહ્યું, મારે તારું શું કરવું?આઇ કાન્ટ ઇવન હેટ યુ!’

....અને બસ, સ્મિતા અને મહેશ ભટ્ટ વચ્ચે પાછી દોસ્તી થઈ ગઈ.

મિડીયાની વાતને બઢાવીચઢાવીને રજૂ કરવાની આદતને કારણે શબાના-સ્મિતા વચ્ચેનું યુદ્ધ હતું તેના કરતાં વધારે વિકરાળ લાગતું ગયું. ફિલ્મો વિશે લખતા પત્રકારોમાં રીતસર બે છાવણી પડી ગઈ હતી. શબાના-સ્મિતા વચ્ચે ક્યારેય દોસ્તી ન થઈ શકી એનું એક કારણ મિડીયાની એકધારી ચંચૂપાત પણ હતું. એક સામાન્ય મત એવો હતો કે  મિડીયાના દાવપેચ સ્મિતાને બહુ સમજાતા નહીં, જ્યારે શબાના પત્રકારોને ખાસ્સી ચતુરાઈથી હેન્ડલ કરી શકતાં. શબાનાના કવિ પતિ કૈફી આઝમી અને અભિનેત્રી માત્રા શૌકત આઝમી પોતપોતાની રીતે સેલિબ્રિટી હતાં. હાઇ-પ્રોફાઇલ લાઇફ શબાનાએ નાનપણથી બહુ નજીકથી જોઈ હતી. ડિરેક્ટરો-પ્રોડ્યુસરોને પોતાની બાજુ કરી લેવામાં સ્મિતા કાચાં પડતાં, જયારે આ મામલામાં પણ શબાના વધારે ઉસ્તાદ હતાં. ફિલ્મમેકર શ્યામ બેનેગલ, સ્મિતા પાટિલ માટે ભોળીભટાક શબ્દ વાપરે છે.



શબાના-સ્મિતા વચ્ચેની ચડસાચડસી વિશે મહેશ કહે છે,પોતાને ઉડવા માટે ખુલ્લું આકાશ મળે તે માટે બે અત્યંત પ્રતિભાવંત અભિનેત્રીઓ વચ્ચે થયેલો એ સંઘર્ષ હતો. ઘણી વાર ક્રિયેટિવ એનર્જી માણસને આક્રમક બનાવી દેતો હોય છે. શબાના અને સ્મિતા બન્નેને એકબીજાની ટેલેન્ટ માટે ખૂબ માન હતું. સ્મિતાએ જોકે ક્યારેય કબૂલ ન કર્યું કે શબાનાને કારણે એની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, પણ શબાના ચોક્કસપણે કબૂલ કરતી કે સ્મિતાને કારણે પોતે ડિસ્ટર્બ્ડ રહે છે. મને યાદ છે,સ્મિતાના દેહાંત પછી શબાનાએ જાહેરમાં કહેલું કે હું હવે દરિદ્ર થઈ ગઈ છે, કેમ કે મારી સામે હવે હરીફાઈ રહી નથી, મને શ્રેષ્ઠ આપવા માટે મજબૂર કરી દે એવી કોઈ પ્રતિસ્પર્ધી રહી નથી. મને નથી લાગતું કે ભારતની બીજી કોઈ ટોચની અભિનેત્રીએ આટલી પ્રામાણિક કબૂલાત ક્યારેય કરી હોય.’

સ્મિતાને કારણે શબાનાને પડકાર અને પ્રેરણા બન્નેનો અનુભવ થતો. બન્નેને ભલે એકબીજા સાથે બનતું નહીં, પણ એકમેકના પરિવાર પ્રત્યે તેઓ ખૂબ આદરભાવ ધરાવતાં. શબાના એક કિસ્સો અવારનવાર કહે છે. બાઝાર (1982)નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આખું યુનિટ કોઈ હોટલમાં ઉતર્યું હતું. સ્મિતા લીડ હિરોઈન હતી એટલે સૌથી મોટો કમરો એને આપવામાં આવેલો. ફિલ્મમાં શબાનાનાં મમ્મી શૌકત આઝમીની પણ એક નાની ભુમિકા હતી. સ્મિતાને ખબર પડી કે શૌકત શૂટિંગ માટે આવવાનાં છે અને સૌની સાથે આ હોટલમાં ઉતરવાનાં છે. એમણે તરત પોતાનો કમરો ખાલી કરી આપ્યો અને ચુપચાપ નાના કમરામાં શિફ્ટ થઈ ગયાં. એમનો આગ્રહ હતો કે શૌકત આઝમી સિનિયર એકટ્રેસ છે, શબાનાનાં મમ્મી છે એટલે હોટલનો સૌથી સારો કમરો તો એમને જ મળવો જોઈએ!

સામે પક્ષે સ્મિતાના પરિવારને પણ શબાના પર પૂરો ભરોસો હતો. સ્મિતાનો દીકરો પ્રતીક શબાનાને માસી કહીને બોલાવે છે. સ્મિતાના દેહાંતના બહુ વર્ષો બાદ એના પરિવારે એક વાર શબાનાને કહેલું કે બેટા, પ્રતીકની કરીઅરનું ધ્યાન હવે તારે જ રાખવાનું છે!

છેલ્લા શ્વાસ લીધા ત્યારે સ્મિતા પાટિલની ઉંમર 31 વર્ષ હતી. ફક્ત 31 વર્ષ!  સ્મિતાની જીવનરેખા જો લંબાઈ હોત એમણે કેવા કમાલનાં પર્ફોર્મન્સીસ આપ્યાં હોત અને શબાના સાથેની સ્પર્ધાએ કેવાં નવાં નવાં પરિમાણો ધારણ કર્યાં હોત તે કેવળ એક કલ્પનાનો વિષય છે.