Monday, March 22, 2021

'અલ્લાહ તેરો નામ' તો હું જ ગાઈશ!

 

Divya Bhaskar - 21 March 2021

મલ્ટિપ્લેક્સ

સુપરહિટ ‘હમ દોનોં’ રિલીઝ થઈ તે વાતને 60 વર્ષ પૂરાં થયાં. આ ફિલ્મના મેકિંગ દરમિયાન કેવાં કેવાં નાટક થયાં હતાં?




ડિરેક્ટર હોવું ને ડિરેક્ટર તરીકે રજૂ થવું આ બન્ને જુદી સ્થિતિ છે. દેવ આનંદની ક્લાસિક ફિલ્મ ‘હમ દોનોં’ (1961)ના ડિરેક્ટર તરીકે અમરજીત નામના મહાશયનું નામ ભલે વંચાય છે, પણ પડદા પાછળની કથા કંઈક જુદી છે. વાત એમ હતી કે વિજય આનંદ ઉર્ફ ગોલ્ડી પોતાના બેનર નવકેતન ફિલ્મ્સના નેજા હેઠળ અમરજીતને ડિરેક્ટર તરીકે ચાન્સ આપવા માગતા હતા. વિજય આનંદને દેવ આનંદના નાના ભાઈ તરીકે પરિચય આપવાની જરૂર નથી, કેમ કે તેઓ ખુદ અફલાતૂન ડિરેક્ટર હતા. ‘ગાઇડ’, ‘તીસરી મંઝિલ’, ‘જ્વેલથીફ’ અને ‘જોની મેરા નામ’ સહિતની કેટલીય યાદગાર ફિલ્મો એમના નામે બોલે છે.



દેવ આનંદ ઇચ્છતા હતા કે ‘હમ દોનોં’નું લેખન અને ડિરેક્શન બન્ને ગોલ્ડી કરે, પણ ગોલ્ડીની જીદ હતી કે ના, મેં અમરજીતને પ્રોમીસ આપ્યું છે એટલે મારે એની પાસે જ આ ફિલ્મ ડિરેક્ટ કરાવવી છે. દેવ આનંદે કહ્યુઃ અમરજીત કેવું કામ કરશે એની કોઈ ગેરંટી નથી. જો એ લોચા કરશે તો ફિલ્મ તારે પૂરી કરવી પડશે. ગોલ્ડી કહેઃ ડન.



ગોલ્ડીએ જાણીતા રંગકર્મી સત્યદેવ દૂબે અને અમરજીતને મુંબઈથી પોતાની સાથે લઈને જીપમાં કાશ્મીર જવા નીકળી પડ્યા. રસ્તામાં હોટલમાં રોકાવાનું થાય ત્યાં તેઓ ‘હમ દોનોં’ની સ્ક્રિપ્ટ લખવા માંડતા. કાશ્મીરમાં તેમણે હાઉસબોટ ભાડે કરી. વીસ દિવસમાં સંવાદો સાથેની આખેઆખી સ્ક્રિપ્ટ રેડી કરી નાખી. મુંબઇ પાછા ફર્યા બાદ દેવ આનંદે સ્ક્રિપ્ટ સાંભળીને તરત કહ્યુઃ શૂટિંગની તૈયારી શરૂ કરો.



'હમ દોનોં0નાં ગીતો જયદેવે કંપોઝ કર્યા છે. એ જમાનામાં તેઓ નવકેતન ફિલ્મ્સમાં નોકરી કરતા હતા. શરૂઆતમાં તેઓ એસ.ડી. બર્મનને આસિસ્ટ કરતા. ગોલ્ડી ‘હમ દોનોં’માં જયદેવને સ્વતંત્રપણે મ્યુઝિક કંપોઝર તરીકે હવાલો સોંપવા માગતા હતા. લતા મંગેશકરે શરત મૂકીઃ હું જયદેવના સંગીત નિર્દેશનમાં કામ કરીશ ખરી, પણ ફિલ્મમાં જે બન્ને ભજનો છે – ‘અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ’ અને ‘પ્રભુ તેરો નામ’ - તે તમારે મારી પાસે જ ગવડાવવા પડશે. ગોલ્ડી વાસ્તવમાં ‘અલ્લાહ તેરો નામ’ પ્રતિષ્ઠિત ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મી પાસે ગવડાવવા માગતા હતા, પણ લતા નારાજ ન થાય તે માટે એમણે શરત માની લીધી. લતાની દષ્ટિ કેટલી પારખુ હતી તે જુઓ. આજે ‘અલ્લાહ તેરો નામ...’ એમના સવર્કાલીન શ્રેષ્ઠતમ ગીતોની યાદીમાં સ્થાન પામે છે. ઇન ફૅક્ટ, ફિલ્મમાં એકએકથી ચડિયાતાં ગીતો છે – ‘અભી ના જાઓ છોડકર...’ (રફી-આશા), ‘મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા....’ (રફી), ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા...’ (રફી) વગેરે. આ બધાં અમર ગીતો છે.

ગીતો તૈયાર થયાં એટલે નાયિકાઓ તરીકે સાધના અને નંદાની વરણી કરવામાં આવી. તમે નોંધ્યુ હશે કે ‘હમ દોનોં’ના ડાયલોગ્ઝ બહુ ચોટદાર છે. ગોલ્ડીએ સંવાદો પાછળ વિશેષ ધ્યાન આપ્યું હતું એનું કારણ છે. ગોલ્ડી ખુદ ફિલ્મ ડિરેક્ટ કરતા હોય ત્યારે તેઓ વિઝ્યુઅલ્સ અને એક્શન પર વધારે ભાર મૂકતા, પણ તેઓ જાણતા હતા કે અમરજીત આવું નહીં કરી શકે. તેથી જો એક્ટરોને દમદાર ડાયલોગ્ઝ આપીશ તો એમની અદાકારી આપોઆપ ખીલી ઉઠશે.



શૂટિંગ શરૂ થયું. અમરજીત ડિરેક્ટર તરીકે નબળા છે તે ગોલ્ડી જાણતા હતા. તેઓ સેટ પર એક્ટરો-ટેક્નિશીયનોની હાજરીમાં એમને શીખવે કે સલાહ-સૂચના આપે તો યુનિટમાં અમરજીતનું માન ન જળવાય. તેથી ગોલ્ડીએ અમરજીતને ઘરે બોલાવીને શોટ્સ કેવી રીતે લેવા, કૅમેરા ક્યાં ગોઠવવા વગેરે કાગળ પર આકૃતિઓ દોરીને વિગતવાર સમજાવ્યું.



શૂટિંગના પહેલા જ દિવસે ગરબડ થઈ ગઈ. ગોલ્ડી સેટ પર પહોંચીને જોયું કે અમરજીતે આકૃતિ દોરેલો કાગળ ઊંધો પકડ્યો છે. તેઓ સિનેમેટોગ્રાફરને ખોટી જગ્યાએ કૅમેરા રાખવાનું કહી રહ્યા હતા. સિનેમેટોગ્રાફર ભડકી ગયો. સેટનો માહોલ ગરમ થઈ ગયો હતો. ગોલ્ડીએ અમરજીતને એક બાજુ બોલાવીને સમજાવ્યું કે ભાઈ, તેં કાગળ ઊંધો પકડ્યો છે. કૅમેરાને અહીં નહીં પણ ત્યાં મૂકાવ.



બીજે દિવસે પાછી એ જ રામાયણ. ગોલ્ડીને સેટ પર તાબડતોબ બોલાવવામાં આવ્યા. આ વખતે પણ અમરજીતે કાગળ ઊંધો પકડીને ખોટી સૂચનાઓ આપી હતી. ગોલ્ડીએ વિચાર્યું કે હશે, શરૂઆતમાં ભૂલ થાય, ધીમે ધીમે આવડી જશે... પણ શીખે એ અમરજીત નહીં. તેઓ વારે વારે ભૂલો કર્યા કરતા. અમરજીતે શૂટ કરેલાં દશ્યોનાં રશીઝ દેવ આનંદ અને ગોલ્ડીએ જોયાં. બહુ ખરાબ કામ થયેલું. દેવ આનંદ ગુસ્સે થઈ ગયાઃ આ અમરજીત આપણને ડૂબાડી દેશે. કાઢી મૂકો એને. ગોલ્ડી કહેઃ ના, અમરજીત ભલે રહ્યો. કાલથી હું સેટ પર આખો દિવસ હાજર રહીશ, બસ?



ગોલ્ડી હવે સેટ પર ફુલટાઇમ હાજર રહેવા લાગ્યા. તેઓ સતત અમરજીતના અજ્ઞાનને છાવરતા. તેઓ કલાકારોને તેઓ સંવાદો પાકા કરાવતા. સાધના તો દરેક સીન પહેલાં ગોલ્ડી સાથે ચર્ચા કરવાનો ખાસ આગ્રહ રાખતાં. ગોલ્ડી સાથે રિહર્સલ થાય પછી જ એ શોટ આપવા જાય. એક દિવસ ગોલ્ડી અને દેવ આનંદ વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. મહેબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ હતું. સીન એવો હતો કે સાધના પોતાના ગરીબ પ્રેમી દેવ આનંદની પોતાના પિતા સાથે ઓળખાણ કરાવવા ઘરે બોલાવે છે. પિતા મોટા જાગીરદાર છે, વિશાળ બંગલામાં રહે છે. સ્ક્રિપ્ટમાં સૂચના લખી હતી કે નાયિકા નાયકનો હાથ પકડીને ઘરની અંદર દોરી જાય છે. દેવ આનંદને આ ચેષ્ટા ન ગમી. એમણે કહ્યુઃ હિરોઈને શા માટે કૂતરાને લઈ જતી હોય તેમ મારો હાથ પકડીને અંદર લઈ જવો પડે? ગોલ્ડીએ એમને ઘણા સમજાવ્યા, પણ દેવ આનંદ ન જ માન્યા. ગોલ્ડીને માઠું લાગ્યું. તેમને થયું, હું ફિલ્મનો ડિરેક્ટર નથી તોય શા માટે મારે કોઈનું ખરું-ખોટું સાંભળવું પડે? તેઓ ચુપચાપ સેટ પરથી નીકળી ગયા. દિમાગ શાંત કરવા મરીન ડ્રાઇવ પર ‘બોમ્બે લીઝ’ નામની પોતાની ફેવરિટ રેસ્ટોરાંમાં તેઓ બે-ત્રણ કલાક ત્યાં બેસી રહ્યા. આ બાજુ સેટ પર ગોલ્ડી માટે શોધાશોધ થઈ ગઈ. દેવ આનંદને ખબર હતી કે ગોલ્ડી ક્યાં બેઠા હશે. ગોલ્ડીને તેડવા એમણે એક માણસ મોકલ્યો. માણસે કહ્યું કે ગોલ્ડીસાહેબ, પ્લીઝ સેટ પર ચાલો, તમારા વગર શૂટિંગ અટકી પડ્યું છે. ગોલ્ડી સેટ પર આવ્યા. જાણે કશું બન્યું જ ન હોય તેમ દેવ આનંદે કહ્યુઃ હવે શૂટિંગ શરૂ કરીએ? ચાલો શોટ લગાડો... ને પછી ગોલ્ડીએ સ્ક્રિપ્ટમાં લખ્યું હતું એક્ઝેક્ટલી એ જ રીતે સાધના દેવ આનંદનો હાથ પકડીને ઘરમાં લઈ જતી હોય તે શોટ લેવાયો.



આખરે ફિલ્મ બની, રિલીઝ થઈ, સુપરહિટ પૂરવાર થઈ, ખૂબ વખણાઈ. દેવ આનંદ આ ફિલ્મ પછી સાચા અર્થમાં દેવ આનંદ બન્યા. ‘હમ દોનોં’એ આ વર્ષે સાઠ વર્ષ પૂરાં કર્યાં. ગોલ્ડીના જીવન અને ફિલ્મો વિશેની આવી ખૂબ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો અનિતા પાધ્યા લિખિત ‘એક થા ગોલ્ડી’ નામના સરસ મજાના હિન્દી પુસ્તકમાં સંગ્રહાઈ છે. વાંચજો.



#GoldieAnand #ShishirRamavat #Multiplex #DivyaBhaskar

 

Friday, February 5, 2021

રાજા દાહિર માર્ગ કઈ તરફ આવ્યો?

Divya Bhaskar - 3 Feb 2021, Wednesday

ટેક ઑફ

 સિંધ – પાકિસ્તાનમાં બ્રાહ્મણ રાજા દાહિરની પ્રતિમા મૂકવાની માગણી થાય છે, પણ આરબ આક્રાંતાઓ સામે સૌથી પહેલી બાથ ભીડનાર આ વીર શાસકને આપણે યાદ સુધ્ધાં કરતા નથી.



છેલ્લાં ત્રણ વર્ષની અંદર પાકિસ્તાનમાં બે ઇન્ટરેસ્ટિંગ ઘટનાક્રમ બન્યા. જૂન 2019માં લાહોરમાં હિંદુ રાજા રણજિત સિંહની પ્રતિમા ખડી કરવામાં આવી. રાજા રણજિત સિંહ 19મી સદીના પંજાબ પ્રાંતના શાસક રહી ચૂક્યા છે. ઈસ્લામિક કલ્ચરમાં સામાન્યપણે મૂર્તિઓનું ખાસ મહાત્મ્ય નથી. રાધર, મૂર્તિઓ પ્રત્યે પ્રમાણમાં અણગમો સેવવામાં આવે છે. આવી સ્થિતિમાં લાહોર કિલ્લા પર એક હિંદુ રાજાની પ્રતિમાનું સ્થાપન થાય તે ચોક્કસપણે ધ્યાન ખેંચનારી બાબત ગણાય. આ ઘટના પછી પાકિસ્તાનના એક ડિમાન્ડ ઉઠીઃ જો પંજાબના પાટનગર લાહોરમાં એક હિંદુ શાસકની પ્રતિમા મૂકાઈ શકતી હોય તો સિંધના પાટનગર કરાચીમાં હિંદુ રાજા દાહિરની પ્રતિમા કેમ મૂકાઈ ન શકે?
પહેલી વાર એવું બન્યું છે કે માત્ર પાકિસ્તાન જ નહીં, હિંદુસ્તાનમાં પણ રાજા દાહિરની ચર્ચા શરૂ થઈ હોય. વક્રતા જુઓઃ જેની પ્રતિમા મૂકાવવા માટે પાકિસ્તાનનો એક વર્ગ ડિમાન્ડ કરી રહ્યો છે તે બ્રાહ્મણ રાજા દાહિર વિશે આપણી પ્રજા લગભગ કશું જાણતી નથી! સિંધ પ્રાંતના તેઓ અંતિમ હિંદુ રાજા હતા. તેઓ એક બહાદૂર યોદ્ધા - એક વૉર હીરો હતા, હિંદુસ્તાનને આરબ આક્રમણકર્તાઓથી બચાવવા માટે જીવલેણ યુદ્ધ કરનાર તેઓ પહેલા શાસક. આરબો સામે લડતાં લડતાં તેમણે ખુદના પ્રાણની આહૂતિ આપી દીધી. રાજા દાહિરની બીજી મહત્ત્વની આળખ આ છેઃ એમણે મોહમ્મદ પયગંબરના પૌત્ર હુસેન ઇબ્ન-અલીને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો.
દાહિર ઈસવી સન 679માં વિરાટ ભારતવર્ષનો હિસ્સો એવા સિંધ પ્રાંતના રાજા બન્યા. એક અનુમાન અનુસાર દાહિરનો શાસનકાળ ઈસવી સન 695થી 712 વચ્ચે ફેલાયો હતો. સિંધના પ્રતાપી રાજપૂત રાજા રાયનો કોઈ ઉત્તરાધિકારી ન હતો. આથી એમણે પોતાના પ્રધાનમંત્રી ચચ, કે જે કાશ્મીરી બ્રાહ્મણ હતા, તેમને પોતાનું રાજ્ય સોંપી દીધું હતું. રાજા દાહિર આ ચચના પુત્ર. જી.એમ. સૈય્યદ નામના પાકિસ્તાની વિદ્વાને લખેલા ‘સિંધ કે સૂરમા’ (સિંધના શૂરવીરો) સહિત અન્ય પુસ્તકોમાં રાજા દાહિર વિશે વિગતવાર વાત થઈ છે.
ઇરાન અને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા પછી, ત્યાં વસતા હિંદુ – પારસી - બૌદ્ધ લોકોનું બળજબરીથી ઈસ્લામમાં ધર્માંતરણ કરાવ્યા પછી આરબોએ ભારતવર્ષના બલૂચિસ્તાન, સિંધ અને પંજાબ તરફ નજર નાખી હતી. તે વખતે સિંધ પ્રાંત ધર્મસહિષ્ણુ રાજા દાહિરના તાબામાં હતો. વેપારી બનીને આવેલા આરબોને તેમણે સમુદ્ર કિનારે વસવાટ કરવાની પરવાનગી આપી હતી. જળરસ્તે આરબોનો વેપારવિનિમય ચાલતો. આ આરબોએ રાજા દાહિર સાથે દગાબાજી કરી નાખી.
આરબ ખલીફાઓએ ઇસવી સન 638થી 711 દરમિયાન 15 વખત સિંધ પર આક્રમણ કર્યું હતું. છેલ્લા આક્રમણ વખતે મોહમ્મદ બિન કાસિમ નામના યુવાન સેનાપતિને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. કાસિમ પાસે દસ હજાર સૈનિકોનું લશ્કર હતું. સિંધ અને તેની આસપાસના પ્રાંતમાં તેમણે ખૂનખરાબા કરી મૂક્યા. કેટલાય હિંદુઓ અને પારસીઓએ અહીંથી ઉચાળા ભરીને નાસી છૂટવું પડ્યું.
રાજા દાહિરે કાસિમનો જોરદાર મુકાબલો કર્યો, પણ યુદ્ધમાં તેમની વીરગતિ થઈ. તેમનો પુત્ર પણ હણાયો. કાસિમની હિંમત વધી ગઈ. એ અલોર શહેર તરફ આગળ ધસી રહ્યો છે એવ સમાચાર દાહિરની વિધવા રાણીને મળ્યા. એણે સિંધી વીરાંગનાઓની સેના તૈયાર કરી. અરબી સેના જેવી અલોરમાં ઘૂસી કે વીરાંગનાઓએ તીર અને ભાલાથી તેનું સ્વાગત કર્યું. કંઈકેટલીય વીરાંગનાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું. કાસિમના હાથે ઝડપાઈ જ જવું પડશે એવી સ્થિતિ આવી ત્યારે કેટલીય સ્ત્રીઓએ પોતાના સતીત્વની રક્ષા માટે જૌહર કરવાનું પસંદ કર્યું.
દાહિરની પુત્રીઓ રાજકુમારી સૂરજદેવી અને પ્રેમલાએ ઘાયલ સૈનિકોની ખૂબ સેવા કરી હતી. જોકે દુશ્મનોએ બન્નેને પકડી પાડી. મોહમ્મદ કાસિમે પોતાની જીતની ખુશીમાં બન્ને રાજકુમારીઓને આરબ ખલીફા પાસે મોકલી આપી. એમની ખૂબસૂરતી પર મોહી પડેલા ખલીફાએ બન્નેને પોતાના જનાનખાનામાં મોકલી આપવાની આપવાનો હુકમ કર્યો. રાજકુમારીઓ ચતુર હતી. તેમણે હોશિયારીપૂર્વક કાસિમને સજા અપાવડાવી, પણ ખલીફાને જ્ચારે એમની ચતુરાઈની જાણ થઈ ત્યારે ક્રોધે ભરાઈને બન્ને રાજકુમારીઓનો જીવ ખેંચી લેવાનો આદેશ આપ્યો. આ આજ્ઞાનો અમલ થાય તે પહેલાં જ કન્યાઓએ ખંજર કાઢીને પોતાના પેટમાં હુલાવી દીધું.
રાજા દાહિરનો જીવ લેનાર મોહમ્મદ બિન કાસિમ પાકિસ્તાનમાં હીરો ગણાય છે. એને ‘સર્વપ્રથમ પાકિસ્તાની’નું બિરુદ આપવામાં આવ્યું છે. 1953માં પ્રગટ થયેલા ‘ફાઇવ યર્સ ઑફ પાકિસ્તાનઃ ઓગસ્ટ 1947 – ઑગસ્ટ 1952’ નામના પુસ્તકમાં એક જગ્યાએ લખાયુ છે કે, કાસિમે સિંધ કબ્જે કર્યું એટલે જ સિંધ ભારતીય ઉપખંડમાં ઇસ્લામનો સ્વીકાર કરનારો પ્રથમ પ્રાંત બન્યો. પાકિસ્તાનનું સર્જન ભલે 1947માં થયું, પણ ‘ફિફ્ટી યર્સ ઑફ પાકિસ્તાન’ નામના પુસ્તકમાં તો લખાયું છે કે પાકિસ્તાનનો પાયો તો કાસિમે સિંધ જીત્યું ત્યારે જ, ઇસવી સન 711માં જ નખાઈ ગયો હતો!
...અને જે શૂરવીર બાહ્મણ રાજા દાહિર સેને હિંદુસ્તાનને આરબ આક્રાંતાઓ બચાવવા માટે સૌથી પહેલો વિગ્રહ કર્યો હતો ને બલિદાન આપ્યું હતું તેના વિશે ભારતમાં ભણાવાતા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં નોંધ જ નથી. ભારત પર ચડી આવેલા ક્રૂર વિદેશી આક્રમણકારીઓનાં નામ પરથી આપણે ત્યાં આખેઆખા વિસ્તારો, જાહેર ઇમારતો, રસ્તાઓ બધું જ છે, પણ આટલા વિરાટ દેશની એક પણ સડક કે ચોકને રાજા દાહિરનું નામ અપાયું નથી. આક્ષેપ તો એવો છે કે ભારતની આઠમી સદીનો ઇતિહાસ જાણી જોઈને ભૂંસી નાખવામાં આવ્યો છે. સિંધ - હિંદુસ્તાનની વીસ હજાર જેટલી કન્યાઓ-સ્ત્રીઓને દમાસ્કસ (સિરીયા)ની બજારમાં વેચી નાખવામાં આવી હતી, પણ આ વાતની નોંધ લેવાને બદલે ઇતિહાસ બીજી દિશામાં મોં ફેરવીને ઊભો રહી ગયો.
આપણા હીરોને, આપણા વીર નાયકોને આપણે યાદ રાખવા પડશે, એમની કદર કરવી પડશે. એમના વિશે ઊંડું સંશોધન કરવું પડશે, ઇતિહાસનાં ફાડી નાખવામાં આવેલાં પાનાં નવેસરથી લખવા પડશે. અતિશયોક્તિપૂર્ણ પ્રશસ્તિગાન કરવાનું નથી, પણ સાચી હકીકતોને સાચા સંદર્ભોમાં સંતુલિતપણે વિગતવાર નોંધવી પડશે. ઇતિહાસ પ્રત્યે વર્તમાને જવાબદાર રહેવું પડે છે!

Wednesday, February 3, 2021

દિલ, દોસ્તી અને યાહ્યા બૂટવાલા

Divya Bhaskar - 30 જાન્યુઆરી 2021

મલ્ટિપ્લેક્સ

કોઈ ઇમારત ખંડિયર ત્યારે જ બને છે, જ્યારે એ પોતાની ભીતર રહેલા અંધકારને પોતાનું સત્ય માની લે છે...




સૌથી પહેલાં તો આ કવિતા સાંભળોઃ
મેરે ઘર કે સામને એક ખંડહર હૈ.
મૈં રોજ ઉસે ઘંટો તક દેખતા હૂં.
તાજ્જુબ કી બાત હૈ ઉસમેં રોજ કુછ બદલતા દિખતા હૈ.
કભી ઉસકી છત પે છેદ હૈ વો બઢતા હુઆ દિખતા હૈ,
તો કભી ઉસકે ખિડકી કે શીશે ટૂટતે હુએ નઝર આતે હૈ.
સીઢિયાં ભી એક-એક કર કે ગિરતી હુઈ દિખતી હૈ
ઔર વહાં સે ઉડતે પરિંદે કી ગિનતી હર રોજ ઘટતી રહતી હૈ.
કભી કભી ઐસા લગતા હૈ કિ જિતના મૈં ઉસે દેખ રહા હૂં
ઉતના હી વો મુઝે દેખ રહા હૈ.
કિ માનોં હમ એક દૂસરે કો સમઝતે હો
યા હમ દોનોં એક હી હો,
અકેલે-સે પડે, ખાલી-સે હો ગએ.
મૈં દેખતા હૂં રોજ કુછ બચ્ચે વહાં જાતે હૈં
ખેલને કે લિએ.
ઉસકે ખાલીપન મેં અપના સુકૂન ઢૂંઢ લેતે
ઔર ફિર શામ કો ખુશી ખુશી અપને ઘર રવાના હો જાતે હૈં.
મૈં સોચતા કિ કોઈ ઠહરતા નહીં તો
ઉસે બૂરા નહીં લગતા હોગા ક્યા?
યા વો ભી આદિ હો ગયા ઐસે રિશ્તોં કા
મેરી તરહ?
હો હી ગયા હોગા.
વૈસે ભી કહતે હૈં કોઈ ઇમારત ખંડહર તબ બનતી હૈ
જબ વો અપને અંદર કે અંધેરે કો હી અપના સચ માન લેં.
મૈં ફિર સે ઉસ ખંડહર કી ઓર દેખતા હૂં
કિસ ઉમ્મીદ મેં સાંસે લિએ જા રહે હૈં
વો, મૈં, હમ...?
હમ સબ સિર્ફ ઠીક હોના ચાહતે હૈં ના!
કલ કે મુકાબલે આજ થોડા જ્યાદા ખુશ હોના ચાહતે હૈં.
ઉસે આસ હૈ દૂસરોં સે
ઔર હમેં હોની ચાહિએ ખુદ સે.
ક્યોંકિ હમ હી હમારા આસમાં હૈ
ઔર હમ હી હમારી જમીં.
હમ હી તન્હા રેગિસ્તાન મેં હૈ
ઔર હમ હી રોશન જમાનેં મેં ભી.
હમ હી અપના પ્રેમ હૈ ઔર હમ હી હમારા દર્દ ભી.
હમ જો આજ ચુનતે હૈં
વહી બનતા હમારા કલ હૈ.
જો સહી ચુન લિયા તો ઇતિહાસ,
જો ગલત, તો ચલતે ફિરતે ખંડહર હમ ભી.
આ યાહ્યા બૂટવાલાએ લખેલી કવિતા છે. કવિતા વાંચવામાં જેટલી સારી લાગે છે એના કરતાં ઘણી વધારે અસરકારક તેનું પઠન છે. યાહ્યા કવિતા વાંચતા નથી, ગિટારના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની સંગતમાં તેને પર્ફૉર્મ કરે છે. કોણ છે આ યાહ્યા બૂટવાલા? વેલ, એ મુંબઈવાસી જુવાનિયો છે. કવિ છે, એક્ટર છે, પર્ફૉમર છે. એ પોડકાસ્ટર અને યુટ્યુબર પણ છે. યુટ્યુબ એક જાહેર મંચ છે ને અહીં અસંખ્ય જુવાનિયાઓ પોતાને આવડે એવું, ગાંડુ-ઘેલું, કાચુંપાકું, સારું-ખરાબ કોન્ટેન્ટ મૂક્યા કરે છે. આ બધાની વચ્ચે એકાએક યાહ્યા બૂટવાલા જેવી પ્રતિભા આંખ સામે આવી જાય ને તમારે સ્થિર થઈ જવું છે, એને અટેન્શન આપવું પડે છે.
યાહ્યા એક સ્ટોરી-ટેલર છે, ‘તમાશા’માં રણબીર કપૂર છે, એવો. વાર્તાઓ કહેવી એની મૂળભૂત તાસીર છે. ‘મીઃ અ ટેરિબલ ડિસીઝનમેકર’ નામની એક ટેડએક્સ ટૉકમાં એ કહે છે તે પ્રમાણે એને મૂળ તો એક્ટર બનવું હતું, પણ મમ્મી-પપ્પાના નિર્ણયના માન આપીને એણે બારમા ધોરણ પછી બેચલર ઇન માસ-મિડીયામાં એડમિશન લીધું, કૉલેજના ફેસ્ટિવલ્સમાં એ નાટકો લખતા, ડિરેક્ટ કરતા ને એમાં એક્ટિંગ પણ કરતા. નોકરીઓ કરી, છોડી. દરમિયાન ઓપન માઇકમાં સ્વરચિત કવિતાઓ સંભળાવવાનું શરૂ કર્યું. સરસ પ્રતિસાદ મળતો ગયો. સ્ટેન્ડ-અપ કોમેડીને એન્જોય કરતા યુવાન ઑડિયન્સ માટે આ પ્રકારની સરળ અછાંદસ કવિતાઓ સાંભળવાનો, પ્રેમ–પીડા–એકલતા-ઉદાસી-પ્રેરણા વિશેની વાતો સ્પર્શે તે રીતે રીતે સાંભળવાનો અનુભવ જુદો હતો. દરમિયાન યાહ્યાને મિરચીમાંથી રેડિયો જૉકી બનવાની ઑફર આવી એટલે એ જૉબ પણ કરી. યાહ્યાનું કાવ્યપઠન અને દિલની વાતો ક્રમશઃ એટલા પોપ્યુલર બન્યા કે સ્ટેન્ડ-અપ કૉમેડિયનોની માફક દેશભરના શહેરોમાં એમની ટૂર થવા લાગી, લોકો ટિકિટ ખરીદીને એમના શોઝ જોતા થયા.
યાહ્યાની બધ્ધેબધ્ધી કવિતાઓ અને વાતો કંઈ અદભુત હોતી નથી, પણ એમનામાં એવું કશુંક સત્ત્વશીલ ચોક્કસપણે છે, જે એમને બીજાઓથી અલગ પાડે છે. યાહ્યાના વિડિયોઝમાંથી પસાર થતા સમજાય કે જો એમનો માંહ્યલો કરપ્ટ નહીં થઈ જાય ને જો એ મોટિવેશનલ ટૉકના રવાડે ચડી નહીં જાય તો તેઓ લાંબી રેસનો ઘોડો પૂરવાર થઈ શકે તેમ છે.



ત્રણ વર્ષ પહેલાં યાહ્યાએ ‘શાયદ વો પ્યાર નહીં’ નામનો વિડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયો જબદરસ્ત વાયરલ થયો. આજ સુધીમાં એને 1 કરોડ 60 લાખ વ્યુઝ મળી ચૂક્યા છે. ઇન ફેક્ટ, આ કવિતા અને એના ભાવવાહી પઠનને કારણે જ યાહ્યા બૂટવાલાએ લોકપ્રિયતાનો સ્વાદ પહેલી વાર ચાખ્યો હતો. સાવ સાદી પણ યંગસ્ટર્સને ગમી જાય તેવી આ કવિતાના અંશો પ્રસ્તુત છેઃ
પહલી નઝર મેં તુમને ઉસે દેખા ઔર ઉસને તુમ્હેં
ઔર ઇસ લવ એટ ફર્સ્ટ સાઇટ કો તુમ
મોહબ્બત કર રહે હો
તો હો સકતા હૈ તુમ ગલત હો...!
ક્યોંકિ પહલી નઝર મેં તો હમેં એન્ટિક ચીઝેં ભી પસંદ આ જાતી હૈ,
પર હમ ઉસે ઘર મેં રખતે હૈ દિખાને કે લિએ...
બસ ક્યોંકિ દેર રાત તક તુમ દોનોં
એક દૂસરે સે ઢેર સારી બાતેં કરતે હો
ઔર ઉસે મોહબ્બત સમઝતે હો
તો હો સકતા હૈ તુમ ગલત હો...!
બસ ક્યોંકિ અબ તુમ દોનોં એક દૂસરે કી બાતોં કો
સમઝ પા રહે હો
ઔર ઇસે તુમ મોહબ્બત કહતે હો
તૌ હો સકતા હૈ તુમ ગલત હો...!
ક્યોંકિ દો ભૂખે ભિખારી ભી એક દૂસરે કી ભૂખ સમઝ સકતે હૈ
લેકિન મિટા નહીં સકતે.
હાં, લેકિન અગર જિસ્મોં મેં ઉલઝને સે પહલે
તુમ ઉસકી ઝુલ્ફોં મેં ઉલઝના ચાહતે હો,
અગર વૌ બેખૌફ અપના બચપના તુમ્હારે સામને ઝાયા કર દેતી હૈ,
ઉસકે કપડોં કે બેપર્દા હોને સે પહલે તુમને અપને સારે રાઝ
ઉસકે સામને ખોલ દિએ
ઔર ઉસને ભી અપને સારે ડર કા જિક્ર તુમ્હારે સામને કર દિયા હૈ,
ઉસકા હર આંસુ તુમ્હારે હી કમીઝ પર બહતા હો
ઔર તુમ્હારે મુસ્કાન કી વજહ ઉસકી નાદાનિયાં હો
તો શાયદ યે યહી પ્યાર હૈ...
ઔર અગર યે તુમ્હેં મિલ ગયા હૈ
તો ઇસે પકડ લો, જકડ લો, ગલે લગા લો
ઔર જહાં કભીં ભી મૌકા મિલે
બસ, ઉસે કહતે રહો
કિ તુમ ઉસે કિતના પ્યાર કરતે હો
ક્યોંકિ ઐસી મોહબ્બત સે મુલાકાત હોને મેં જિંદગી
કા એક કાફી લંબા અરસા બીત જાતા હૈ.

0 0 0