Showing posts with label પ્રિયંકા ચોપડા. Show all posts
Showing posts with label પ્રિયંકા ચોપડા. Show all posts

Thursday, September 19, 2019

હંસતે હંસત કટ જાએ રસ્તે


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 15  સપ્ટેમ્બર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
મને લાગ્યું કે જાણે મારો ઈશાન ઉપર બેઠો બેઠો મને આર્શીવાદ આપી રહ્યો છે. મારા દીકરાના મૃત્યુની પીડાને મેં મારી તાકાત બનાવી.  


યા શુક્રવારે વિગતવાર નોંધ લેવાનું મન થાય એવી ફિલ્મ આવી - ધ સ્કાય ઇઝ પિન્ક. અહીં ફિલ્મ આવી એટલે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ થયું, એમ. આપણે ત્યાં વિધિવત આ ફિલ્મ 11 ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ટાઇટલ અંગ્રેજી છે, પણ ફિલ્મ છે હિન્દીમાં.

ફિલ્મ જોયા વગર એના વિશે લખવું હંમેશાં જોખમી હોય છે, પણ જો ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિઓ ભૂતકાળમાં તગડું કામ કરી ચુકી હોય અને એમના બાયોડેટામાં દમદાર ફિલ્મો બોલતી હોય તો આ જોખમ ઉઠાવવા જેવું ખરું. ધ સ્કાય ઇઝ પિન્કમાં ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપડા, દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર ફેમ ઝાયરા વસિમ અને નવોદિત રોહિત સરાફ મુખ્ય કલાકારો છે. શોનાલી બોઝે આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે. જુહી ચતુર્વેદી સહલેખિકા છે. શોનાલી બોઝના નામે રાઇટર-ડિરેક્ટર તરીકે બીજી બે ફિલ્મો બોલે છે - અમુ (2005) અને માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ (2015), આ સિવાય એમણે ચિત્તાગોંગ (2012) નામની ફિલ્મ ફક્ત લખી છે. અમુને નેશનલ અવૉર્ડ મળી ચુક્યો છે. જો તમે માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ જેવી અત્યંત સંવેદનશીલ અને ખાસ્સી બોલ્ડ ફિલ્મ જોઈ હશે તો સેરિબ્રલ પૉલ્સીનો ભોગ બનેલી વ્હીલચેરબદ્ધ યુવતીના રોલમાં કલ્કિ કોચલીનનો અભિનય ભુલી શક્યા નહીં હો.

માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ માટે શોનાલીની કઝિન સિસ્ટર માલિની પ્રેરણારૂપ બની હતી. માલિની સેરિબ્રલ પૉલ્સીનો શિકાર છે. ધ સ્કાય ઇઝ પિંકમાં પણ એક બિમારીની વાત છે અને તે પણ આયેશા ચૌધરી નામની અસલી વ્યક્તિના જીવન પર આધારિત છે. દિલ્હીવાસી આયેશા (જન્મઃ 1996, મૃત્યુઃ 2015) છ મહિનાની થઈ ત્યારે ખબર પડી કે એને સિવીયર ઇન્યુનો-ડેફિસીયન્સી (એસસીઆઇડી) નામનો ડિસઑર્ડર છે. આ બીમારીનો શિકાર બનેલાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ અત્યંત ક્ષીણ હોય. શરદી જેવી સાદી બીમારીમાં પણ એમનું મોત થઈ શકે. ઇંગ્લેન્ડમાં આયેશાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. એને કારણે એ જીવી તો ગઈ, પણ હંમેશ માટે સાજી સારી ન થઈ. 2010માં એને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીજી બીમારી લાગુ પડી. એ રોગના પેશન્ટનાં ફેંફસા વ્યવસ્થિત કામ ન કરી શકે. માણસ ચાર પગથિયાં ચડે તો પણ હાંફી જાય. મજાની વાત એ હતી કે આટઆટલી તકલીફો હોવા છતાં આયેશાનો જિંદગી જીવવાનો જુસ્સો ઢીલો પડતો ન હતો. પંદર વર્ષની ઉંમરે એણે ઇન્ક નામના પ્રતિષ્ઠિત પ્લેટફૉર્મ પર પહેલી વાર મોટિવેશનલ સ્પીચ આપી. એ સતત હસતી રહી, લડતી રહી, જુદી જુદી સભાઓમાં લોકોને પાનો ચડે જાય એવાં પ્રેરણાદાયી વકતવ્યો આપતી રહી. એણે ખુદના સંઘર્ષોને વર્ણવતું માય લિટલ એપિફનીઝ (એટલે કે મારાં નાનાકડાં સત્યો અથવા મારી નાનકડી આત્માનુભૂતિઓ) નામનું પુસ્તક પણ લખ્યું. દુર્ભાગ્યે, પુસ્તક છપાઈને હાથમાં આવે એની થોડી જ કલાકો પહેલાં જ આયેશાનું મૃત્યુ થયું.

Shonali Bose

શોનાલી બોઝને આયેશાની કથા સ્પર્શી જવાનું એક મજબૂત કારણ હતું. એમણે સ્વયં મૃત્યુને ખૂબ નજીકથી નિહાળ્યું છે. પોતાના સોળ વર્ષના સગા દીકરા ઈશાનનું મૃત્યુ. એ ઇલેક્ટ્રિક રેઝરથી શેવિંગ કરી રહ્યો હતો ત્યારે વીજળીનો જબરદસ્ત કરંટ લાગ્યો ને એ મૃત્યુ પામ્યો. શોનાલી એ અરસામાં માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ લખવાનું વિચારી રહ્યાં હતાં. એક વિડીયો ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, મને ઈશાનના મૃત્યુના આઘાતમાંથી બહાર આવતાં નવ મહિના લાગ્યા. ઈશાનનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો. મને ડર હતો કે આ દિવસે મારી શી હાલત થશે, પણ મેં નક્કી કર્યું હતું કે હું રડીશ નહીં. મારા ઈશાનનો જન્મ થયો એ તો અત્યંત શુભ દિવસ હતો ને હું એના બર્થડે પર ખુશ રહીશ. એવું જ થયું. હું ધરાર મોઢું હસતી રાખતી હતી કે પરાણે ખુશ દેખાવાનો પ્રયત્ન કરી રહી હતી એમ નહીં, પણ એ દિવસે સવારથી જ મારી અંદર સહજપણે આનંદના ઝરણાં ફૂટી રહ્યાં હતાં. જાણે કે મારો ઈશાન ઉપર બેઠો બેઠો મને આર્શીવાદ આપી રહ્યો હતો. મારા દીકરાના મૃત્યુની પીડાને મેં મારી તાકાત બનાવી. મેં લખવાનું શરૂ કર્યું. ત્રીસ જ દિવસમાં મેં માર્ગારિટા વિથ અ સ્ટ્રૉની સ્ક્રિપ્ટ લખી નાખી.

ધ સ્કાય ઇઝ પિન્કના રિસર્ચ માટે શોનાલી બોઝ પહેલી વાર આયેશાની મમ્મીને મળ્યાં ત્યારે ઘણી બધી વાતો થઈ. આયેશાને એક ભાઈ છે. એનું નામ છે, ઈશાન. આ કેવો અજબ યોગાનુયોગ. મને એવું જ લાગ્યું કે જાણે મારો દીકરો પણ પણ ઇચ્છે છે કે આ ફિલ્મ બને, શોનાલી કહે છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. લગભગ આઠ મહિના સુધી ટુકડાઓમાં કામ ચાલતું રહ્યું. શૂટિંગ દરમિયાન એક દિવસ અજબ ઘટના બની. એક અસલી હોસ્પિટલમાં અમુક દશ્યો ફિલ્માવાનાં હતાં. હોસ્પિટલમાં ડિસઇન્ફેક્ટન્ટની ચોક્કસ પ્રકારની વાસ આવ્યા કરતી હોય છે. ગંધ સાથે સ્મૃતિઓ પણ સંકળાયેલી હોય છે. હોસ્પિટલનો માહોલ અને પેલી લાક્ષાણિક ગંધને કારણે શોનાલી બોઝની ભીતર દીકરાનું કોઈક એવું સ્મરણ ટ્રિગર થઈ ગયું કે તેઓ ચાલુ શૂટિંગે, સો-સવાસો લોકોના યુનિટની વચ્ચે એકાએક હૈયાફાટ રડી પડ્યાં. શોનાલી કહે છે, હું દોડીને કોઈ ખૂણામાં કે બાથરૂમમાં ન જતી રહી, હું મારી ચેર પર જ બેઠી રહી ને ખૂબ રડી. પછી હું મારી ટીમના એકેએક સભ્યને ભેટી. સૌને સમજાવ્યું કે મારી અંદર શું ચાલતું હતું. મેં એમને એમ પણ કહ્યું કે શૂટિંગની પ્રોસેસ દરમિયાન મને આવો ઊભરો ફરી પાછો આવે ને હું ફરીથી આ જ રીતે રડી પડું એવુંય બને, બટ ઇટ્સ ઓકે. આવું થાય ત્યારે મારે કે તમારે ઑકવર્ડ ફીલ કરવાની બિલકુલ જરૂર નથી. આ પ્રસંગ પછી આખા યુનિટ સાથે મારો સંબંધ વધારે ઘનિષ્ઠ બની ગયો.     



ફિલ્મમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરે આયેશાનાં મમ્મી- પપ્પાનો રોલ કર્યો છે. સહેજે સવાલ થાય કે જો આખી ફિલ્મ આયેશા (એટલે ઝાયરા વસિમ)ની આસપાસ ઘુમરાતી હોય તો પ્રિયંકા અને ફરહાન જેવાં એ-ગ્રેડ એક્ટર્સ શા માટે તેમાં કામ કરવા તૈયાર થાય? આનો જવાબ ફિલ્મની સ્ક્રિપ્ટમાં છે. ફિલ્મમાં પ્રિયંકા અને ફરહાનનાં 25 વર્ષના સંબંધને મૃત્યુની ધાર પર ઊભેલી દીકરીના દષ્ટિકોણથી જોવામાં આવ્યો છે. આ રોતલ સ્ક્રિપ્ટ નથી, બલ્કે એમાં જીવનને ઉત્સવને જેમ જીવવાની વાત થઈ છે. 

ફિલ્મ ખરેખર પ્રોમિસિંગ છે, નહીં? 
       
0 0 0



Thursday, May 16, 2019

સીખો તો શાર્ગિદ કી તરહ, કરો તો ઉસ્તાદ કી તરહ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 12 મે 2019

મલ્ટિપ્લેક્સ

વિશાલ ભારદ્વાજે વર્ષો પહેલાં આપેલી ગુરૂચાવી પ્રિયંકા ચોપડાને આજની તારીખે પણ ખૂબ કામ આવે છે.


રેક એક્ટ્રેસ ઇચ્છતી હોય છે એના બાયોડેટામાં એટલીસ્ટ એક મુગલ-એ-આઝમ કે મધર ઇન્ડિયા પ્રકારની લેન્ડમાર્ક ફિલ્મ લખાયેલી હોય. આ ફિલ્મે બોક્સઓફિસ પર સોલિડ ધૂમ મચાવી હોય અને એમાં એનું પર્ફોર્મન્સ એવું તબલાતોડ હોય કે એની કરીઅર કોઈ જુદી જ ભ્રમણકક્ષામાં મૂકાઈ ગઈ હોય. પ્રિયંકા ચોપડા માટે આ પ્રકારની ફિલ્મ સંભવતઃ સાત ખૂન માફ અને વોટ્સ યોર રાશિ?’ બની શકી હોત. બન્ને ફિલ્મો વિખ્યાત લેખકોની કૃતિ પર આધારિત – અનુક્રમે રસ્કિન બોન્ડ અને આપણા ગુજરાતી સાહિત્યના સુપરસ્ટાર, મધુ રાય. બન્નેના ડિરેક્ટર દરજ્જેદાર – અનુક્રમે વિશાલ ભારદ્વાજ અને આશુતોષ ગોવારીકર.

સાત ખૂન માફમાં પ્રિયંકા પોતાના છ પતિઓની હત્યા કરે છે. પતિઓ પણ કેવા. નસીરુદ્દીન શાહ, ઇરફાન ખાન, અનુ કપૂર...! ‘વોટ્સ યોર રાશિ?’માં નાયિકાના ડબલ કે ટ્રિપલ નહીં, પણ પૂરા એક ડઝન રોલ. પ્રત્યેક રાશિ દીઠ એક રોલ. અનાઉન્સ થતાંની સાથે જ જેને હાંસલ કરવા માટે અભિનેત્રીઓ વચ્ચે મારામારી ને કાપાકાપી થઈ જાય એવી જબરદસ્ત આ ભુમિકાઓ. બન્ને ફિલ્મો પ્રિયંકા તાણી જાય છે. એ વખતે માહોલ એટલો ગરમાઈ ગયો હતો કે બસ, આ ફિલ્મો રિલીઝ થાય એટલે પ્રિયંકા ચોપડા ફટાક કરતી હિન્દી સિનેમાની ઓલટાઇમ ગ્રેટ અભિનેત્રીઓની સૂચિમાં હકથી સામેલ થઈને લિવિંગ લેજન્ડ બની જશે, વગેરે વગેરે.

એવું કશું ન થયું. 2009માં આગળપાછળ રિલીઝ થયેલી આ બન્ને ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. પ્રિયંકાના અભિનયને અલગ કરીને  જુઓ તો કહી શકાય કે એણે સરસ કામ કર્યું હતું, પણ લોકોએ ફિલ્મ જોઈ જ નહીં તો શો ફાયદો. આ ફિલ્મોએ પ્રિયંકાની કરીઅરને નવી ઊંચાઈ પર લઈ જવાને બદલે ઊલટાની અસ્થિર કરી નાખી. પ્રિયંકા તો ઠીક, એના ચાહકોના ફ્રસ્ટ્રેશનનો પણ પાર ન હતો. કોના પર ગુસ્સો કરવો - ડિરેક્ટરો પર, સ્ક્રિપ્ટ પર કે નસીબ પર?

ખેર, પ્રિયંકાની કિસ્મતમાં અસાધારણ બનવાનું જરૂર લખાયું હતું. 2014ની આસપાસ એણે અમેરિકાગમન કર્યું. તે પછી જે બન્યું એ જગજાહેર છે. એણે ક્વોન્ટિકો જેવી સુપરહિટ પ્રાઇમટાઇમ ટીવી સિરીયલની લીડ એક્ટ્રેસ બનીને ઇતિહાસ સર્જ્યો. ઇવન સ્થાનિક અમેરિકન અદાકારોને પણ ચક્કર આવી જાય એટલાં માનપાન અને અટેન્શન મેળવ્યાં. આજની તારીખે પણ મેળવી રહી છે.  


પ્રિયંકાના જીવન પર બે સિનિયર લેખકોએ લખેલાં બે અલગ અલગ પુસ્તકો ગયા વર્ષે લગભગ એકસાથે બહાર પડ્યાં. અસીમ છાબરાએ પ્રિયંકા ચોપડા – ધ ઇન્ક્રીડિબલ સ્ટોરી ઓફ અ ગ્લોબલ બોલિવૂડ સ્ટાર લખ્યું, જ્યારે ભારતી એસ, પ્રધાને પ્રિયંકા ચોપડા – ધ ડાર્ક હોર્સ લખ્યું. અસીમ છાબરાનાં પુસ્તકમાં વિશાલ ભારદ્વાજે પોતાની આ ફેવરિટ એક્ટ્રેસ વિશે સરસ વાતો કરી છે. ફિલ્મ નિષ્ફળ નીવડે એટલે જરૂરી નથી કે ડિરેક્ટર અને કલાકાર એકબીજાના જાની દુશ્મન બની જાય. સાત ખૂન માફની પહેલાં વિશાલ અને પ્રિયંકાએ કમીનેમાં સાથે કામ કર્યું હતું. આ હિટ ફિલ્મમાં પ્રિયંકાનું કામ વખણાયું હતું. શૂટિંગ દરમિયાન પ્રિયંકાની કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને વિશાલ ભારદ્વાજે એને સાત ખૂન માફ જેવી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ઓફર કરી.

શરૂઆતમાં તો પ્રિયંકા ખૂબ નર્વસ હતી. એને ડર હતો કે આવી કોમ્પ્લિકેટેડ ભુમિકા પોતે સારી રીતે નિભાવી શકશે કે નહીં. આથી શૂટિંગ શરૂ કરતાં પહેલાં અમે ખૂબ બધું હોમવર્ક કર્યું હતું, આટલું કહીને વિશાલ ભારદ્વાજ પ્રિયંકાની કામ કરવાની શૈલી વિશે સરસ વાત કરે છેઃ સમજોને, પ્રિયંકા મારી ડિરક્ટોરિયલ ટીમનો જ હિસ્સો બની ગઈ હતી. એ મારી ઓફિસે આવીને બેસે, અમારી સાથે સમય પસાર કરે. એને ખબર હોય કે હું અને મારા આસિસ્ટન્ટ્સ શું માથાકૂટ કરી રહ્યા છીએ. બીજા એક્ટરોએ શું કરવાનું છે તે પણ એ જાણતી હોય. સામાન્યપણે ફિલ્મસ્ટારો પોતાની દુનિયામાં જ ખોવાયેલા રહેતા હોય છે. એક વાર પેક-અપ થાય એટલે એમનું બીજું જીવન શરૂ થાય. આ મામલામાં પ્રિયંકા બીજાઓ કરતાં સાવ અલગ છે. શૂટિંગ ચાલતું હોય તે દરમિયાન એ તમારી બેસ્ટ ફ્રેન્ડ બની જાય. તમને લાગે કે એ તમારી આસિસ્ટન્ટ છે, સ્પોટબોય છે. તમારા માટે એ ચોવીસે કલાક ઉપલબ્ધ હોય. એ ફિલ્મમાં એટલી હદે ઘૂસી જાય કે મારા કરતાંય વધારે કામ કરવા લાગે. મારે ક્યારેક એને ટપારવી પડે કે બહેન, આ ફિલ્મનો ડિરેક્ટર હું છું, મને ખબર છે મારે શું કરવાનું છે. હું આવું બોલું એટલે એ તરત કહેશેઃ ઓહ, સોરી સોરી.

સાત ખૂન માફમાં ઇરફાન ખાન રોમેન્ટિક કવિ બન્યા છે. એવો કવિ જે પ્રેમ કરતી વખતે હિંસક બનીને સ્ત્રીને લાફા ઠોકવા લાગે છે. પ્રિયંકાને સખત ડર હતો કે આ સીનમાં પોતે શી રીતે રિએક્ટ કરશે. વિશાલે એને એક બાજુ લઈ જઈને સમજાવી કે સૌથી પહેલાં તો તું શરમ-સંકોચ મનમાં બહાર ફગાવી દે. પછી એવી રીતે પર્ફોર્મ કર જાણે કે તું અભિનયની ઉસ્તાદ છે. આમ કહીને વિશાલે એને એક ગુરૂચાવી આપીઃ  સીખો તો શાર્ગિદ કી તરહ, કરો તો ઉસ્તાદ કી તરહ! કંઈ પણ શીખવું હોય તો આજ્ઞાંકિત શિષ્ય બનીને શીખવાનું અને જ્યારે કરવાનું આવે ત્યારે અનુભવી ગુરૂની માફક કરવાનું. વિશાલે એને કહ્યું કે કેમેરા ઓન થાય ત્યારે તારે એવું જ માનવાનું કે જાણે તું મેરીલ સ્ટ્રીપ જેવી એક્ટિંગની ઉસ્તાદ છે. વિશાલની સમજાવટથી પ્રિયંકામાં કોન્ફિડન્સ આપ્યો ને પછી ઇરફાન સાથે એણે અસરકારક અભિનય કર્યો.

પ્રિયંકા સાથે મારો મનમેળ છે એવો મનમેળ મારે બીજા કોઈ એકટર સાથે નથી, વિશાલ કહે કહે છે, હા, પંકજ કપૂર સાથે મેં ઘણી ફિલ્મો કરી છે એટલે એમની સાથે પણ મારો સારો રેપો છે, પણ તે બીજા નંબર પર. પ્રિયંકા સાથે મારું જે કનેક્શન છે એ કંઈક અલગ જ છે. શી ઇઝ સો ગુડ એન્ડ સો ઇન્ટેલિજન્ટ. પ્રિયંકા સાથે કામ કરવાની મને જે મજા આવી છે એવી મને અગાઉ ક્યારેય કોઈ સાથે આવી નથી. ફિલ્મલાઇનમાં મારે એક જ ફ્રેન્ડ છે અને એ છે પ્રિયંકા.

0 0 0