‘અહા! જિંદગી’ - જૂન ૨૦૧૧માં પ્રકાશિત
જીવનમાંથી મોહતત્ત્વની બાદબાકી કરી નાખો તો એની રસિકતા મંદ પડી જવાની. માતાના ગર્ભથી વંશજો દ્વારા થતાં શ્રાદ્ધકર્મ સુધી જીવનરસ માણસ સામે અવનવાં સ્વરૂપે પ્રગટતો રહે છે...
માણસને મોહતત્ત્વનો પહેલો સ્પર્શ અમૂર્તરૂપે થાય છે, એક કલ્પના કે વિચાર સ્વરૂપે. માણસ હજુ ગર્ભરૂપે આરોપિત પણ થયો નથી ને મોહની એક પ્રલંબ શંૃખલાની પહેલી કડી આકાર લઈ લે છે. અમૂર્તથી શરૂ થયેલી સફર આખરે અમૂર્ત સ્વરૂપે જ અંત પામે છે. આ મહાયાત્રાને જુદાજુદા તબક્કાઓમાં વિભાજિત કરી દઈએ...
પહેલો તબક્કો ઃ કલ્પના અને ફેન્ટસી
માણસના મોહતત્ત્વ સાથેના સંબંધની શરૂઆત ક્યારથી થાય છે? તે માતાના ઉદરમાં આકાર લેવાનું શરૂ કરે ત્યારથી? ના. શારીરિક સંદર્ભની બહુ પહેલાં કલ્પનાનો પ્રદેશ વિસ્તરી ચૂકે છે. માણસનો મોહતત્ત્વ સાથેનો પહેલો સંપર્ક કલ્પનાના ફલક પર થાય છે.
- મને માન્યામાં નથી આવતું... વી આર એક્ચ્યુઅલી ગેટિંગ મેરિડ!
- લિસન, અત્યારથી કહી દઉં છું. મેરેજ કર્યાં પછી બચ્ચું પેદા કરવામાં આપણે બિલકુલ વાર લગાડવાની નથી.
- મને પણ મારી ડ્રીમ ગર્લને મળવાની જોરદાર ઉતાવળ છે, સ્વીટહાર્ટ.
- ડ્રીમ ગર્લ? એ વળી કોણ?
- આપણી દીકરી! આપણી એક દીકરી હોવી જોઈએ, નાની નાની, બ્યુટીફુલ...
- દીકરીનો મોહ બહુ સારો નહીં. એ પરણીને વિદાય લેશે ત્યારે દુખી થઈ જઈશ.
- આઈ ડોન્ટ કેર! પહેલું સંતાન તો દીકરી જ, બસ!
બીજો તબક્કો ઃ ગર્ભનાળ જોડાય તે પહેલાં...
પુરુષના શુક્રકોષ અને સ્ત્રીના અંડકોષનું મિલન થાય, ગર્ભમાં માનવદેહનો પિંડ બંધાવાની શરૂઆત થાય અને અત્યાર સુધી કલ્પનામાં ઘૂમરાયા કરતાં મોહને એક નિશ્ચિત આકાર મળવા લાગે.
પ્રિય સંતાન,
આજે અમે તને પહેલી વાર જોયો. મેં અને તારા ડેડીએ. તું મારા પેટમાં પોણા ચાર મહિનાથી છો. આજે સોનોગ્રાફી કરાવવા ગયાં ત્યારે હું બેડ પર સૂતી હતી, ડેડી બાજુમાં ઊભા હતા અને સામે મોનિટર પર તું હતો. તું બહુ જ સુંદર છો. એકદમ નાનો નાનો. નાજુક રમકડા જેવો. તારી લંબાઈ કેટલી છે, ખબર છે? સાડા ત્રણ સેન્ટિમિટર! અને વજન? ૪૮ ગ્રામ! પણ તોય સોનોગ્રાફી માટેના મોનિટર પર અમે તને ચોખ્ખો નિહાળ્યો. તું પીઠ પર સૂતો હતો અને એટલો રમી રહ્યો હતો કે ન પૂછો વાત. જાણે પાંચછ મહિનાનું બાળક સ્તનપાન કરી લીધા પછી હાથપગ ઊંચાનીચા કરતું, સંતોષપૂર્વક કિલકારીઓ કરતંુ ન હોય! તારો એક પગ ઊંચો હતો અને એ તું હલાવી રહ્યો હતો. એક હાથને પણ ઊંચોનીચો કરી રહ્યો હતો. નાનું ટપકા જેવડું તારંુ હૃદય ધક્ ધક્ કરી રહ્યું હતું. તારી પાંચેપાંચ આંગળીઓ, કરોડરજ્જુ બધું જ સ્પષ્ટ દેખાતું હતું. તને જોયા પછી અમને શું લાગ્યું, ખબર છે? તું દીકરી નહીં; પણ દીકરો છે! ખબર નહીં શું કામ! તને જોઈને મારી આંખો છલકાઈ આવી હતી, તારા ડેડી પણ ઈમોશનલ થઈ ગયા હતા. સાજોનરવો રહેજે, બેટા... માત્ર મારા પેટમાં જ નહીં, પણ તું જન્મીને આ પૃથ્વી પર આવીશ અને લાંબું જીવન જીવીશ ત્યારે પણ એકદમ સ્વસ્થ અને સુખી રહેજે. તારે એક બહુ જ સુંદર મનુષ્ય બનવાનું છે... બનીશ ને?
તારા મોહમાં આસક્ત
તારી મમ્મી
ત્રીજો તબક્કો ઃ બચપન કે દિન
માણસ જન્મે એ પહેલાં જ એનાં માબાપના મોહપાશમાં જકડાઈ ચૂક્યો હોય છે. નવજાત શિશુને હજુ ભાષાની સમજ નથી, લાગણીઓની સમજ નથી. તેની વર્તણૂક ફક્ત ઇન્દ્રિયજન્ય છે. ક્રમશઃ એ ચહેરા અને સ્પર્શ ઓળખવાનું શરૂ કરે છે. તેનું વર્તન ધીમેધીમે પ્રતિક્રિયાત્મક બનવા લાગે છે. તેને હવે અમુક વસ્તુઓ ગમે છે. ‘ઘોડિયા’માં લટકાવેલા ગોળ ગોળ ફરતા લાલ રંગના ઘુમ્મટને તે ‘તાકી રહે છે.’ મનગમતાં રમકડાં તરફ એ ભાખોડિયાં ભરતો ‘ખેંચાય છે.’ કેરીનો રસ એને ‘ભાવે છે.’ ગમવું, તાકી રહેવું, ખેંચાવું, ભાવવું... બાળકમાં મોહતત્ત્વનાં આરોપણની શરૂઆત આ ક્રિયાઓ દ્વારા જ થઈ જતી હોય છે!
- બાબો દાદીનો બહુ હેવાયો છે, નહીં?
- બહુ જ. દાદીને એનો મોહ છે એના કરતાં એને દાદીનો વધારે મોહ છે. દાદી સિવાય આખો દિવસ એને ખોળામાં લઈને બેસી કોણ રહે?
- માસીએ લંડનથી આ રિમોટકંટ્રોલવાળો જોકર મોકલ્યો છે. એની સામે નજર પણ કરતો નથી, પણ રસ્તા પરથી લીધેલા ત્રીસ રૂપિયાના ડોગી માટે એને કેટલો મોહ છે, જો તો!
બર્થડે કેક પર કેન્ડલ્સની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બચ્ચાનો મોહ વધુ ને વધુ વેલ ડિફાઈન્ડ થતો જાય છે. પાડોશના પિન્ટુ પાસે છે એવી જ કાર એને જોઈએ છે. એને મોલમાં શોપિંગ કરવા મમ્મીપપ્પાની સાથે આવવું પસંદ છે, કારણ કે એને શોપિંગ ટ્રોલીમાં બેસીને ફરવાનો મોહ છે. એને સનફીસ્ટ બ્રાન્ડનાં જ બિસ્કિટ જોઈએ છે, કારણ કે બિસ્કિટના પેકેટની સાથે આવતી નાનકડી ફ્રી ગિફ્ટ (પ્લાસ્ટિકની ટચૂકડી જીપ, સાઈકલ, હેલિકોપ્ટર)નો એને મોહ છે. અતરંગી આઈટમો એને જરાય ભાવતી નથી, પણ તોય મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાઈ ગયા પછી મેક્ડોનાલ્ડઝમાં જવાની જીદ કરે છે, કારણ કે અહીં હેપી મિલ સાથે બચ્ચેલોગ માટે એકાદું રમકડું પણ ‘સર્વ’ કરવામાં આવે છે એવું તેણે ટીવી પર જોયું છે.
બાલ્યાવસ્થાનો મોહ વધારે બોલકો અને સ્પષ્ટ હોય છે. બાળકોને મોહિત કરવાં આસાન છે, ઉપભોક્તાવાદની આબોહવામાં ફૂલીફાલી રહેલી પેલી કંપનીઓ આ સત્યનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.
ચોથો તબક્કો ઃ ફર્સ્ટ ક્રશથી થર્ડ લવ સુધી
મોહ, માયા, આકર્ષણ, લાલચ, આસક્તિ, ચાહના, વાસના, ઝંખના ઈવન પ્રેમ... આ બધી એકબીજાંની પાસેપાસેની સગોત્રી લાગણીઓ છે. આ એકાકી કે સ્ટેન્ડઅલોન ફિલિંગ્સ નથી. મોહ છે ત્યાં બે ભિન્નભિન્ન અસ્તિત્વો છે અને એકની બીજા તરફની ગતિ છે. મોહ પોતાની સાથે કદાચ અનેક લાગણીઓને ખેંચી લાવે છે. કિશોરાવસ્થા ઓળંગીને તરુણાવસ્થામાં પગ મૂક્યા પછી ઘર અને સ્કૂલ સિવાયની દુનિયા ખૂલવા લાગે છે. દોસ્તીનો અર્થ સમજાવા લાગે છે. જીવનમાં મૈત્રીના સંબંધનો રંગ સ્પષ્ટપણે ઉમેરાતો જોઈ શકાય એટલી સજ્જતા કેળવાતી જાય છે. ભાઈબંધો સાથે વધારે ને વધારે સમય પસાર કરવાનો મોહ વધતો જાય છે. બ્રહ્મવૈવર્તપુરાણ કહે છે કે આ વિશ્વમાં ત્રણ પ્રકારના સંબંધ છે ઃ વિદ્યાથી નીપજતો, યોનિમાંથી નીપજતો અને પ્રીતિમાંથી ઉત્પન્ન થતો. પ્રીતિમાંથી ઉત્પન્ન થતા સંબંધોમાં મૈત્રીનો સંબંધ દુર્લભ છે. આ દુર્લભ સંબંધનાં મૂળિયાં ક્યારે બાળપણમાં નખાઈ જતાં હોય છે. રમેશ પારેખે લખ્યું છે ઃ
મારા ચારપાંચ મિત્રો છે એવા
કેવા?
આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી
જેવા.
શરીરમાં હોર્મોન્સની ઊછળકૂદ શરૂ થાય એટલે ભાઈબંધો સાથે શોર્ટ કટથી ટ્યૂશન ક્લાસમાં પહોંચી જવાને બદલે લાંબો રૂટ પસંદ થવા લાગે છે? શા માટે? એ રસ્તે ગર્લ્સ સ્કૂલ છે અને પેલી ઊંચી, બોબ્ડ હેરવાળી છોકરીની એક ઝલક મેળવવાનો મોહ છૂટતો નથી. એ છોકરી તમારો પહેલો ‘ક્રશ’ છે. ‘ક્રશ’ એ મોહનું શારીરિક આવેગોમાં ઝબોળાયેલું ગમતીલું સ્વરૂપ છે...
ફર્સ્ટ લવમાં કેટલું મોહતત્ત્વ ઓગળેલું હોય છે? પ્રેમ એક કરતાં વધારે લાગણીઓનું ઝૂમખું છે અને એમાં મોહનું વજન ખાસ્સું એવું છે. સેકન્ડ, થર્ડ, ફોર્થ લવમાં બીજી બધી લાગણીઓનું જે થતું હોય તે પણ મોહનું એલિમેન્ટ ઉત્તરોત્તર ઘટતું જ જતું હોય છે! પ્રેમમાં પડવું અથવા પ્રેમમાં હોવું એટલે મોહભંગ થવા માટે રેડી રહેવું! ‘ઓફિશિયલી’ દિલ તૂટે કે ન તૂટે, પણ ગાઢ સંબંધમાં નિભ્રરન્ત થવાની ક્ષણ તો આવે જ છે. આવું થાય અને તમારામાં અને તમારા પાર્ટનરમાં થોડીઘણી સમજદારી હોય તો સામસામા બેસીને તમે ભારે ચહેરે ‘કમ્યુનિકેટ’ કરવા બેસો છોઃ
- આર યુ શ્યોર કે તું મને પહેલાં જેટલો જ પ્રેમ કરે છે?
-અફકોર્સ!
-આ સવાલ હું તને એકલાને નહીં; મારી જાતને પણ પૂછી રહી છું...
- એટલે?
- એમ કે... આઈ ડોન્ટ નો, પણ મને લાગી રહ્યું છે કે તારા પ્રત્યેની મારી ફિલિંગ્સ પણ પહેલાં જેટલી ઈન્ટેન્સ નથી રહી.
- ડોન્ટ વરી, સ્વીટહાર્ટ.
- ડોન્ટ વરી એટલે?
- જો, સંબંધ વડે જોડાયેલી બે વ્યક્તિઓ વચ્ચે એક સરહદરેખા કાયમ અંકાયેલી રહે છે. સંબંધ ગમે તેટલાં પરિપક્વ, ઊર્ધ્વગામી અને કલ્યાણકારી કેમ ન હોય, એક પરાકાષ્ઠા પછી બન્ને વ્યક્તિઓ એકાકી બની જ જાય છે. એક હદ સુધી જ લાગણીઓ અને વિચારોનાં આદાનપ્રદાન શક્ય છે. એ હદ આવી જાય પછી બન્નેએ ફરજિયાત એકલા પડી જવું પડે...
- કદાચ તું સાચું કહે છે... બાકી આપણા બેનો એકબીજા પ્રત્યેનો મોહ જે રીતે ઘટી રહ્યો છે એ જોઈને હું તો ચિંતામાં પડી ગઈ હતી.
- ચિંતા કરવા જેવું કશું નથી. ચલ, ફૂડ ઓર્ડર કર...
પાંચમો તબક્કો ઃ વસમું વ્યક્તિત્વઘડતર
મોહના આલંબનથી બંધાવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે જ એ જરૂરી નથી, પોતાની જાત પ્રત્યેના મોહનું વર્તુળ ઘણું મોટું હોય છે અને જીવનના અંત સુધી તે વિસ્તરતું રહે છે. સ્કૂલકોલેજમાં હંમેશાં ફર્સ્ટ આવવાનો મોહ, ખુદને સ્કૂલ/કોલેજ/સોસાયટી/હોસ્ટેલમાં ‘હીરો’ તરીકે સ્થાપિત કરવાનો મોહ, ખુદને એક અતિ સફળ વ્યક્તિ તરીકે જોવાનો મોહ, પોતાની જાતને આદર્શ પુત્ર (કે પુત્રી)/આદર્શ પતિ(કે પત્ની)/આદર્શ પિતા(કે માતા) તરીકે સ્થાપિત કરવાનો મોહ...
આ બધા ‘પોઝિટિવ’ મોહ છે!
સ્વપ્રતિમા કે સેલ્ફઈમેજ પણ આમ તો માયા જ છે. સેલ્ફઈમેજના મોહમાં પડવું એટલે ખુદના પડછાયાને પકડવાની ચેષ્ટા કરવી. અમૃતા પ્રીતમે એમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’માં લખ્યું છે ઃ
‘Create an idealised image of yourself and try to resemble it... આ શબ્દો કજાન્તજાકિસે પોતાની પ્રેયસીને પહેલી મુલાકાતમાં કહ્યા હતા. હું એમ નથી કહેતી કે આ શબ્દોનો મર્મ મારી પકડમાં આવી ગયો છે કેવળ એટલું કે આખી જિંદગી એ મારા સહાયક રહ્યા છે... એનો મર્મ જ કદાચ એ વાતમાં છે કે પોતાનો ચહેરો જ્યારે પણ કલ્પિત પ્રતિમા સાથે મળતો આવવા માંડે છે કે તરત કલ્પિત પ્રતિમા (એટલે કે સેલ્ફઈમેજ) વધુ સુંદર થઈને દૂર જઈને ઊભી રહે છે. કેવળ એટલું કહી શકું કે આખી જિંદગી એના સુધી પહોંચવા મથતી રહું છું.’
પ્રસિદ્ધિનો મોહ પ્રચંડ હોય છે અને એ ક્યારેક મર્યા પછી પણ છૂટતો નથી! ખેર, ખ્યાતનામ બનવાનો મોહ અંકુશમાં રહે તો એ માણસની શક્તિઓને યોગ્ય દિશા આપી શકે. વિશ્વની સૌથી ધનિક સ્ત્રીઓમાં સ્થાન પામતી અમેરિકાની વિખ્યાત ટીવી પર્સનાલિટી ઓપરાહ વિન્ફ્રેએ બાર વર્ષની ઉંમરે જ એના ફાધરને કહી દીધું હતું કે ડેડી, મારે મોટા થઈ ફેમસ થવું છે અને એનું પ્લાનિંગ મેં અત્યારથી શરૂ કરી દીધું છે!
પ્રસિદ્ધિ અને કીર્તિમાં ફર્ક છે. પ્રસિદ્ધ માણસ સત્ત્વશીલ હોય તે ફરજિયાત નથી, પણ કીર્તિ પામેલા માણસમાં અનિવાર્યપણે એક પ્રકારની ગરિમા અને સત્ત્વશીલતા હોવાનાં. એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છેઃ ‘પ્રથમ અવસ્થામાં વિદ્યા, બીજી અવસ્થામાં ધન અને ત્રીજી અવસ્થામાં કીર્તિ ન મેળવે એ માણસ ચોથી અવસ્થામાં (એટલે કે વૃદ્ધાવસ્થામાં) શું કરવાનો?’
- આ બધી વાત સાચી, બોસ, પણ ધનવાન અને કીર્તિવાન બનવા માટે પ્રોપર પ્લેસ જોઈએ.
- પ્રોપર પ્લેસ મતલબ?
- બિગ સિટી... બોમ્બે જેવું! સિટી ઓફ ડ્રીમ્સ... સિટી ઓફ મિરેકલ્સ! મોહમયી નગરી મુંબઈ... હિયર આઈ કમ!
છઠ્ઠો તબક્કો ઃ જન્મભૂમિથી કર્મભૂમિ
ચંદ્રકાંત બક્ષી એમની આત્મકથા ‘બક્ષીનામા’માં લખે છે ઃ
‘...અને એક દિવસ દરેક છોકરાએ મર્દ બનવા માટે ઘર છોડવું પડે છે. એક દિવસ ગુમાન શબ્દનો અર્થ શોધવો પડે છે. એક દિવસ ગુલામીના કાયદા સમજવા પડે છે... છોકરાઓની દુનિયા જુદી છે. પ્યારથી જિંદગીના સબક શિખાતા નથી. એક જ માર્ગ શીખવાનો, જિંદગીને અને માણસોને સમજવાનો ઃ અપમાનબોધ. રોમાન્સ પછી આવે છે, રોટી પહેલી આવે છે. જેણે બેકારી જોઈ છે એને ત્યાગનું મહત્ત્વ સમજાવતા બાવાસાધુઓની જરૂર નથી... દરેક છોકરીએ બીજા ઘરમાં જવાનું છે, દરેક છોકરાએ પહેલું ઘર છોડવાનું છે. ઘર છોડવાનું છે એટલે ઘર બહાર નીકળવાનું છે, નવી હવા, નવા સંજોગો, નવા સંબંધો, નવો પરિવેશ...’
સ્થળ કે શહેર સાથે મોહાસક્ત થતાં ક્યાં વાર લાગે છે? તમારે બોરીવલી, કાંદિવલી કે મલાડ છોડવું નથી, કારણ કે તમને ગુજરાતી લોકાલિટીનો મોહ છે. મુંબઈની લાઈફ ગમે તેટલી હાર્ડ કેમ ન હોય, તમને આ મોહમયી નગરીનો મોહ છૂટવાનો નથી. પોતાની જન્મભૂમિ સાથે જ નહીં, કર્મભૂમિ સાથે પણ મોહમાયાનાં બંધનમાં જકડાઈ જવું સ્વાભાવિક છે.
એઝરા પાઉન્ડ નામના અમેરિકન કવિએ લખેલી એક કવિતામાં પોતાના શહેર પ્રત્યેની ચાહના કેટલી તીવ્રતાથી વ્યક્ત થઈ છે તે જુઓ. ‘ન્યુયોર્ક’ શીર્ષક ધરાવતી આ કૃતિને ઉત્પલ ભાયાણીએ અનુવાદિત કરી છે ઃ
મારંુ શહેર, મારી પ્રેયસી, મારી શ્વેતા! આહ કેવી નમણી!
સાંભળ! મને સાંભળ અને હું મારા શ્વાસથી તારામાં પ્રાણ પૂરીશ.
નજાકતથી વાંસળીમાં હવા પુરાય, તું મારામાં જીવ રાખ
હવે હું બરાબર જાણું છું કે હું પાગલ છું,
કારણ કે અહીં ભીડ સાથે તોછડા બની ગયેલા
લાખો લોકો છે
આ કોઈ આયા નથી અને
મારી પાસે કોઈ વાસંળી હોત તો એ વગાડવી
મારા માટે શક્ય પણ નથી.
મારંુ શહેર, મારી પ્રેયસી
તું તો સ્તન વગરની આયા છે.
તું તો બંસરી જેવી નમણી છે.
મને સાંભળ, મારી સંભાળ રાખ!
અને હું મારા શ્વાસથી તારામાં પ્રાણ પૂરીશ
અને તું અમર બની જશે.
ગૃહસ્થાશ્રમ પરિવાર બનાવવાનો, પૈસા બનાવવાનો, સ્ટેટ્સ બનાવવાનો સમય છે અને આ તબક્કામાં મોહવૃત્તિ એની પરાકાઠાએ પહોંચે છે. મોટી ગાડી લેવાનો મોહ, મોટું ઘર લેવાનો મોહ, સપરિવાર યુરોપની ટૂર કરી આવવાનો મોહ, લાખોનું દાન આપીને વતનમાં જ્ઞાતિના છોકરાઓ માટે બોર્ડંિગ ઊભી કરી અને પોતાનું કે સ્વર્ગસ્થ બાનું કે બાપુજીનું નામ આપવાનો મોહ, દીકરા કે દીકરી માટે સમાજમાં વટ પડી જાય એવું હાઈક્લાસ ઠેકાણું શોધવાનો મોહ... આ સૂચિ અંતહીન હોઈ શકે છે.
સાતમો તબક્કો ઃ વાનપ્રસ્થાશ્રમ અને વૈરાગ્ય
વાનપ્રસ્થાશ્રમ એટલે આમ તો મોહમાયામાંથી મન વાળવાની શરૂઆત કરવાનો તબક્કો... પણ એમ મોહમાયામાંથી મુક્તિ મેળવવી ક્યાં સહેલી છે? સંતાનો પરણી ગયાં છે અને તેમના ઘરે પણ પારણાં બંધાઈ ગયાં છે... હવે મુદ્દલ કરતાં વ્યાજ વધારે વહાલંુ હોવાનું જ ને!
- મારા અમિતના બાબાને મારા વગર એક ઘડી પણ ન ચાલે. આખો દિવસ ‘દાદી...દાદી’ કરતો હોય.
મારેય એવું જ છે ને! જિજ્ઞેશની બેઉ બેબીને મમ્મી વગર ચાલે, પણ મારા વગર ન ચાલે. એને સ્કૂલ લઈ આવવામૂકવાનું કામ મારંુ જ.
- મારી એકતાના ઘરે પારણું બંધાઈ જાય એટલે ભયોભયો. ચોથી પેઢીનું મોઢું જોવાઈ જાય એટલે પછી બધી મોહમાયા ત્યજી દેવી છે, બસ.
પણ આ ‘બસ’ ક્યારેય થતું નથી. મોહને ટાંગવા માટેની નવીનવી ખીંટીઓ મળી જ રહે છે.
મોહનો વિરુદ્ધાર્થી શબ્દ ત્યાગ છે? ત્યાગ અને વૈરાગ્ય તરફ ગતિ કરવાથી આપોઆપ મોહમાંથી મુક્તિ મળી જતી હોય છે અને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આસાની થઈ જતી હોય છે? કુંદનિકા કાપડિયા એમની ‘પરોઢ થતાં પહેલાં’ નવલકથામાં લખે છેઃ
‘ત્યાગ અને વૈરાગ્યમાંથી જો અંદર અજવાળું ન થતું હોય, જંગલમાં ઊછળતાં, વહેતાં, ગાતાં ઝરણાં જેવો બંધનહીન આનંદ ન પ્રગટતો હોય તો એ ત્યાગ અને વૈરાગ્ય ખોટા છે...’
જીવનના સામા કાંઠા નજીક પહોંચી રહ્યા હોઈએ એટલે વૃત્તિઓને સંકોરતા જઈને મોહમુક્ત, નિર્લેપ જિંદગી જીવવા માંડવી જોઈએ? કે પછી, જીવનને અંતિમ ક્ષણ સુધી એના તમામ રંગોમાં ભરપૂરપણે જીવી લેવું જોઈએ? વીતતા જતા દાયકાઓ સાથે મોહતત્ત્વને હેન્ડલ કરવાની ક્ષમતા પણ વધતી જતી હોય છે? કદાચ. સહજ વિરક્તિ પામી લેતા વિરલાઓની વાત જુદી છે, બાકી સામાન્ય માણસ માટે તો જિંદગી નામના પુસ્તકમાં મોહ કદી ખતમ ન થતું પ્રકરણ છે. વચ્ચે વચ્ચે નિર્લેપ હોવાનાં છૂટાંછવાયાં પાનાં આવી જાય, બાકી મોહનું અનુસંધાન છેક સુધી મળતું રહે છે, અનિવાર્યપણે, સતત, અંતિમ પૃષ્ઠ સુધી.
આઠમો તબક્કો ઃ મૃત્યુને પેલે પાર
મૃત્યુ જિવાયેલાં જીવનની તમામ ઘટનાવલીઓનો લોજિકલ અંત છે. એક પૂર્ણવિરામ. મૃત્યુને કારણે કદાચ બીજું બધું અટકી જતું હશે પણ મોહતત્ત્વ પર હજુય ‘ધી એન્ડ’નું પાટિયું ઝૂલતું નથી, હજુય તેના પર પૂર્ણવિરામ મુકાતું નથી.
આપણામાં માણસ મરી જાય ત્યારે કહેવાય છે કે તેણે ‘દેહ છોડ્યો’. અર્થાત્ ‘તે’ અને ‘દેહ’ બન્ને એક નથી. મૃત્યુ પામેલા માણસનો આત્મા અતૃપ્ત હોઈ શકે છે, પાછળ છોડી દીધેલા કુટુંબીજનોમાં એનો જીવ અટકી રહ્યો હોય તેવું બની શકે છે. નશ્વર દેહ છોડી ચૂકેલા આપણા સ્વજનો અને પૂર્વજો માટે આપણે શ્રાદ્ધકર્મ કરીએ છીએ, દર વર્ષે કાગવાસ નાખીએ છીએ. નાનું બાળક દૂર અગાસીની પાળી પર બેઠેલા કાગડાને જોઈને નિર્દોષતાથી પૂછે છે ઃ ડેડી, પેલો કાગડો દાદાજી છે? તમે કહો છો ઃ હા બેટા, દાદાજીને પૌત્ર રમાડવાનો બહુ મોહ હતો, પણ તારો જન્મ થયો એ પહેલાં જ એ ભગવાનના ઘરે જતા રહ્યા; એટલે અત્યારે તને મળવા કાગડો બનીને આવ્યા છે...
પૂર્વજોના આત્માની શાંતિ-અશાંતિ કે તૃપ્તિ-અતૃપ્તિનો સીધો, આડકતરો કે આંશિક સંબંધ તેમની મોહવૃત્તિ સાથે જરૂર હોવાનો. અવકાશમાં વિહાર કરતા આત્માઓને હજુય તેમની આગલી પેઢીઓના વારસદારોના જીવનને સ્પર્શ કરવાનો મોહ રહેતો હશે? લખચોર્યાશીનો ફેરો કદાચ મોહતત્ત્વ વગર શક્ય નહીં બનતો હોય! એક વાત સ્પષ્ટ છે. માતાના ગર્ભથી વંશજોના શ્રાદ્ધકર્મ સુધી મોહતત્ત્વ માણસને મુક્ત કરતંુ નથી.