Wednesday, July 26, 2017

જે દૃુખ આવ્યું નથી તે કદાચ ક્યારેય નહીં આવે

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૨૬ જુલાઈ ૨૦૧૭

ટેક ઓફ 

હેયમ્ એટલે નાશ કરવા યોગ્ય. અનાગતમ્ એટલે જે હજુ આવ્યું નથી તે. પતંજલિના ‘હેયં દૃુખમનાગતમ્ સૂત્રનો અર્થ થાય છે કે જે દૃુખ હજુ આવ્યું નથી, જે માત્ર ભવિષ્યની કલ્પના છે, તેવા અર્થહીન દૃુખનો નાશ કરી નાખવો. 



ખી જિંદૃગી જેણે ઉત્તમ કક્ષાનું પત્રકારત્વ કર્યું હોય, વિદ્યાર્થીઓને પત્રકારત્વ ભણાવ્યું હોય, કોલમો અને પુસ્તકો લખ્યા હોય એવી વ્યકિત જીવનના અંતિમ તબક્કે બીમારીને લીધે પોતાનું નામ સુધ્ધાં લખી ન શકે તે સ્થિતિ કેટલી ભયાવહ છે? ‘જામ-એ-જમશેદૃ', ‘જનશકિત', ‘જનસત્તા', ‘પ્રવાસી', ‘જન્મભૂમિ' જેવાં અખબારો અને ‘ગુજરાત ટાઈમ્સ' જેવા સાપ્તાહિક સાથે સંકળાઈને જીવનભર ચિક્કાર કામ કરનારા રમેશચંદ્ર ઠાકોરદૃાસ જાદૃવે થોડા દિૃવસો પહેલાં અમેરિકામાં અંતિમ શ્ર્વાસ લીધો. એએલએસ (એમીટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ) નામની  ન્યુરોડીજનરેટીવ બીમારી અને અલ્ઝાઈમરની અસરે રમેશ જાદૃવના અંતિમ દિૃવસોને નિષ્ક્રિય બનાવી દૃીધા હતા તે સાચું, પણ માણસનું વ્યકિતત્ત્વ એણે આખી જિંદૃગી દૃરમિયાન દૃાખવેલી સક્રિયતાને આધારે ડિફાઈન થતું હોય છે.

રમેશ જાદૃવ સતત સક્રિય રહ્યા હતા. આ વર્ષના પ્રારંભમાં એમનું છેલ્લું પુસ્તક પ્રકાશિત થયું હતું જેનું શીર્ષક છે, ‘મહર્ષિ પતંજલિનાં યોગસૂત્રો - સાધનપાદૃ'. મહર્ષિ પતંજલિએ ૧૯૫ યોગસૂત્રો આપ્યાં છે. બાબા રામદૃેવના પ્રતાપે મહર્ષિ પતંજલિ આજે એક પોપ્યુલર બ્રાન્ડ બની ગયા છે. ટીવી પરની જાહેરાતોમાં ભલે ‘પાતંજલિ' એવો ખોટો અને ચાંપલો ઉચ્ચાર કરવામાં આવે, પણ સાચો ઉચ્ચાર ‘પતંજલિ' છે. પતંજલિનાં ૧૯૫ યોગસૂત્રો ચાર ખંડ અથવા ચાર પાદૃમાં સમાવેશ પામ્યા છે. આ ચાર પાદૃ એટલે સમાધિપાદૃ, સાધનપાદૃ, વિભૂતિપાદૃ અને કૈવલ્યપાદૃ. પહેલા પાદૃમાં ૫૧, બીજા અને ત્રીજા પ્રત્યેક પાદૃમાં ૫ંચાવન અને ચોથા પાદૃમાં ૩૪ સૂત્રો છે. રમેશ જાદૃવ સમાધિપાદૃ વિશે અગાઉ એક પુસ્તક લખી ચુક્યા હતા. એમનું લેટેસ્ટ પુસ્તક  સાધનપાદૃ પર કેન્દ્રિત થયું છે. પુસ્તકમાં સાધનપાદૃના તમામ પંચાવન સૂત્રોને વિગતવાર સમજાવવામાં આવ્યા છે. આજે આ વિદ્વત્તાભર્યા પુસ્તકની એક ઝલક મેળવવી છે.

રમેશ જાદવ
સમાધિપાદૃનાં સૂત્રો પતંજલિ મુનિએ યોગીઓ અને સાધકોને ધ્યાનમાં રાખીને રચ્યા હતા, જ્યારે સાધનપાદૃનું ટાર્ગેટ ઓડિયન્સ સંસારી લોકો છે. તેથી આપણને એમાં વિશેષ રસ પડે છે. સાધનપાદૃના ત્રીજા સૂત્રમાં પતંજલિ કહે છે:

અવિદ્યાઅસ્મિતારાગદ્વેષાભિનિવેશા: પંચ ક્લેશા:

અર્થાત અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશો છે. ક્લેશ એટલે સાદૃી ભાષામાં કહીએ તો માનસિક તાણ, પીડા, ઝઘડા વગેરેને કારણે પેદૃા થતું દૃુખ. ‘ગુજરાતી અસ્મિતા' એક લોકપ્રિય શબ્દૃપ્રયોગ છે. અસ્મિતા એટલે હુંપણું, ખુદૃની ઓળખ અને એમાંથી પેદૃા થતો ગર્વ. અસ્મિતા શબ્દૃને આપણે પોઝિટિવ પ્રકાશમાં જોઈએ છીએ, પણ ભાષા જબરી ડાયનેમિક ચીજ છે. સ્થળકાળ પ્રમાણે શબ્દૃોની અર્થચ્છાયાઓ રંગ-આકાર બદૃલતી રહે છે. પતંજલિએ અહીં અસ્મિતાને પીડાનું એક કારણ ગણાવ્યું છે. હુંપણું, હું શુદ્ધ છું એવો ભાવ દૃુખનું કારણ હોઈ શકે છે!

અવિદ્યા એટલે? અજ્ઞાન, વિદ્યાનો અભાવ કે ખબર ન હોવી તે અવિદ્યા શબ્દૃોનો સ્થૂળ અર્થ થયો, જે પૂરતો નથી. અવિદ્યા એટલે વસ્તુઓ જેવી નથી તેવી તેને સમજવી, માની લેવી, તેની કલ્પના કરવી. અવિદ્યા એટલે મિથ્યા જ્ઞાન. વિવેકબુદ્ધિથી ઊલટું. પતંજલિએ એક અલાયદૃા સૂત્રમાં લખ્યું છે કે અનિત્ય, અશુચિ (અશુદ્ધ), દૃુખદૃ અને અનાત્મ (સ્થૂળ વસ્તુ)ને અનુક્રમે નિત્ય, શુચિ, સુખદૃ અને આત્મા તરીકે માની લેવું એનું નામ અવિદ્યા. અવિદ્યાનો સંબંધ મોહમાયા સાથે પણ છે. અભિનિવેશ એટલે જીવન જીવવાની તીવ્ર ઉત્કંઠા, તેનો આવેગ. ચિત્તમાં હંમેશાં મૃત્યુનો ભય ઝળુંબતો રહેવો. મૃત્યુથી દૃૂર ભાગતા રહેવાની અને યેનકેનપ્રકારેણ જીવ્યે રાખવાની વૃત્તિ પણ દૃુખ પેદૃા કરે છે!

પતંજિલએ અહીં પાંચ કલેશ ગણાવ્યા છે એમાં અવિદ્યા મુખ્ય છે. અસ્મિતા-રાગ-દ્વેષ-અભિનિવેશ આ ચાર ક્લેશ અવિદ્યાને કારણે પેદૃા થાય છે. શાસ્ત્રો આપણને અવિદ્યાથી બચવાની, એનાથી દૃૂર રહેવાનો પ્રયત્ન કરવાની શીખામણ આપે છે. વસિષ્ઠ મુનિએ પણ રામને કહ્યું હતું કે, ‘અવિદ્યા સઘળી મુશ્કેલીઓની સખી છે. તે અજ્ઞાન સ્વરુપ અને અનર્થોની માતા છે. ત્રણેય લોકના વિખ્યાત અને મહાપંડિત પુરુષોમાં પણ એવું કોઈ નથી જેમને અવિદ્યા (માયા)એ પરવશ કર્યા ન હોય. આથી હે રામ, મહારોગ જેવા સ્વભાવવાળી આ અવિદ્યાનો નાશ કરવાનો પ્રયત્ન કરો એટલે પછી અવિદ્યા તમને ફરીવાર જન્મસંંબંધી દૃુખોમાં નાખશે નહીં.'



સાધનપાદૃનું સોળમું સૂત્ર છે - હેયં દૃુખમનાગતમ્. હેયમ્ એટલે નાશ કરવા યોગ્ય. અનાગતમ્ એટલે જે હજુ આવ્યું નથી તે. આ સૂત્રનો અર્થ થાય છે કે જે દૃુખ હજુ આવ્યું નથી તે નાશ કરવા યોગ્ય છે. જે દૃુખો આપણે અગાઉ ભોગવી ચુક્યા છીએ તે હવે ભૂતકાળ બની ગયો છે. વીતેલાં દૃુખોને યાદૃ કરીને, ખોતરી ખોતરીને નવેસરથી દૃુખી થવાનું કોઈ કારણ નથી. વર્તમાનમાં જે દૃુખ છે એ તો ભોગવ્યે જ છુટકો, પણ જે દૃુખ હજુ આવ્યું પણ નથી એની કલ્પના શા માટે ક્રવાની? બુઢાપામાં મારું શું થશે, દૃીકરાઓ નહીં સાચવે તો, વહુઓ સારી ન મળી તો, પાછલી ઉંમરે ફલાણુંઢીકણું થશે તો, સંબંધ નહીં ટકે તો... આ બધી સંભવિત દૃુખોની કલ્પનાઓ છે. મોટે ભાગે આવા કલ્પી લીધેલાં સંભવિત દૃુખો ક્યારેય આવતાં હોતાં નથી. જે બન્યું જ નથી ને કદૃાચ કયારેય બનવાનું નથી તેની કલ્પના કરી કરીને અકારણ દૃુખી થયા કરવાનો શો મતલબ છે? તેથી જ પતંજલિ કહે છે કે ભવિષ્યકાળનાં સંભવિત દૃુખોથી તો દૃૂર જ રહેવું જોઈએ, તેનો ત્યાગ કરવો જોઈએ, તેનો વિનાશ કરવો જોઈએ.

ફોન્ટના પ્રોબ્લેમને કારણે અમુક સંસ્કૃત અક્ષરો અહીં યથાતથ નહીં છાપી શકાય છતાંય જુદૃા જુદૃા શબ્દૃો વચ્ચે સળંગ સંધિ કરેલું ઓગણત્રીસમા નંબરનું આ લાંબુલચ્ચ પતંજલિસૂત્ર જુઓ -    

યમનિયમાસનપ્રાણાયામપ્રત્યાહારધારણાધ્યાનસમાધયોષ્ટાવંગાનિ.

અર્થાત યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ યોગનાં આઠ અંગો છે.
અષ્ટાંગયોગ એવો શબ્દૃપ્રયોગ આપણે ઘણી વાર વાંચ્યો-સાંભળ્યો છે. આ અષ્ટ અંગમાના યમ એટલે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. અિંહસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સંગ્રહ ન કરવો) અને અસ્તેય (ચોરી ન કરવી) - યમના આ પાંચ તત્ત્વો છે.  આ પાંચેયનું પાલન જરુરી. ઘારણા એટલે આત્મસાક્ષાત્કારનો સંકલ્પ ધારણ કરી તેમાં એકાગ્રતા કેળવવી. ચિત્તને કોઈ એક સ્થાન પર સ્થિર કરી એને એકાગ્ર કરવું. વધારે સરળ શબ્દૃોમાં કહીએ તો, ધારણા એટલે તલ્લીન થઈ જવું. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયસુખમાંથી પાછી ખેંચી લેવી.

અષ્ટાંગયોગનું ત્રીજું અંગ આસન છે. માણસ શાંતિપૂર્વક આસન લગાવી સ્થિર થાય એટલે પ્રાણાયામ માટે તૈયાર થઈ જાય. પ્રાણાયામમાં શ્ર્વાસ અને ઉચ્છવાસની ગતિનું નિયમન કરવાનું હોય છે. અનુલોમ-વિલોમ, આંતરકુંભક, બાહ્યકુંભક વગેરે પ્રાણાયામનાં જુદૃાં જુદૃાં સ્વરુપો છે. પ્રાણાયામથી મનને વશમાં રાખવામાં મદૃદૃ મળે છે. આસન અને પ્રાણાયામમાં પૂરતી ફાવટ આવે તે સ્થિતિ અષ્ટાંગયોગનાં બાકીના અંગો (પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ) માટે ઉપયોગી બને છે. રમેશ જાદૃવ સૂત્રને સમજાવતાં લખે છે કે મનુષ્ય જ્યાં સુધી અષ્ટાંગયોગના આ આઠેય અંગોને આચરણમાં ન મૂકે ત્યાં સુધી યોગી બની શકતો નથી. આ વાત માત્ર સંન્યાસીઓને જ નહીં, સંસારીઓને પણ અપ્લાય થાય છે. અહીં ‘કંડીશન અપ્લાઈડ'ની ફૂદૃડી મૂકવી કે નહીં તે તમારે નક્કી કરવાનું છે!

                                                                            0 0 0

ફોટો-ફિચર

રમેશ જાદવના અંતિમ પુસ્તક ‘મહર્ષિ પતંજલિનાં યોગસૂત્રો - સાધનપાદૃ'નું  ન્યુજર્સી (અમેરિકા) સ્થિત ગુજરાત દર્પણ સાહિત્ય સભામાં 18 એપ્રિલ 2017ના રોજ વિમોચન થયું હતું તે પ્રસંગની તસવીરો. પુસ્તકનું અનાવરણ ન્યુજર્સીમાં સ્થાયી થયેલા વરિષ્ઠ પત્રકાર-લેખક કૌશિક અમીને કર્યું હતું. 



રમેશ જાદવ અને કૌશિક અમીન 

                                                                            0 0 0

Tuesday, July 18, 2017

શ્ર્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૫ જુલાઈ ૨૦૧૭ 

ટેક ઓફ

 'મૃત્યુ નજીક આવે છે ત્યારે લગભગ બધું જ -  તમામ બાહ્ય અપેક્ષાઓ, ગર્વ, છોભીલા પડવાનો કે નિષ્ફળ જવાનો ડર - આ સઘળું અપ્રસ્તુત બનીને દૃૂર વિખેરાઈ જાય છે. માત્ર એ જ વસ્તુઓ ટકી રહે છે જે આપણા માટે ખરેખર મહત્ત્વની છે. મૃત્યુની સભાનતા હંમેશા રહેતી હોય તો આપણા હૃદૃયના અવાજને ન અનુસરવાનું કોઈ કારણ જ રહેતું નથી.'



થોડાં વર્ષ પહેલાં એક વિચિત્ર ઘટના બની ગઈ. મુંબઈમાં પથરાયેલા સંજય ગાંધી નેશનલ પાર્ક નામનું વિરાટ અને સુંદૃર જંગલ ફેલાયેલું છે. ચોમાસામાં એનું રુપ ખીલી ઉઠે છે, પણ ક્યારેક આ સિઝનમમાં અપ્રિય ઘટનાઓ પણ બની જતી હોય છે. જેમ કે, એક ચોમાસામાં નેશનલ પાર્કમાં વહેતી નદૃીમાં એવું પૂર આવ્યું પુલ પરથી પસાર થઈ રહેલી એક કાર તણાઈ ગઈ. એમાં બેઠેલા તમામ લોકો મૃત્યુ પામ્યા. આ દૃુર્ઘટના પછી એક મુંબઈગરાને સપનું આવ્યું. તેમાં કારમાં મૃત્યુ પામેલી એક મહિલા દૃેખાઈ. મહિલાએ આખી દૃુર્ઘટનાએ કેવી રીતે આકાર લીધો હતો એની રજેરજની માહિતી આ સજ્જનને દૃશ્યરુપે દૃેખાડી. સવારે ઉઠ્યા પછી પણ સજ્જનને ભારે નવાઈ લાગી. આ મહાશય ન કોઈ  આધ્યાત્મિક આંતરદૃષ્ટિ ધરાવતા હતા, ન તેઓ સાધક હતા કે ન પેલી મહિલા સાથે તેમનો વિશેષ પરિચય હતો. છતાંય મહિલાએ પોતાના મોતનાં દૃશ્યો દૃેખાડવા માટે આ સજ્જનને શા માટે પસંદૃ કર્યા?

સજ્જને આ વાત કવિ મકરન્દૃ દૃવે સાથે શેર કરી હતી. મકરન્દૃ દૃવે ખુદૃને આવો અનુભવ થયો હતો. પ્રોફેસર કે. ટી. મર્ચન્ટ એટલે મુંબઈની સિડનહામ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને જાણીતા અર્થશાસ્ત્રી. પાછલી વયે તેઓ એકલા રહેતા હતા. નાનાંમોટાં કામ કરવા ઘરમાં એક જુવાનિયો હતો.  પ્રો.મર્ચન્ટનું અડધી રાતે અવસાન થયું. મૃત્યુ પછી તેઓ મકરન્દૃ દૃવેના સપનામાં આવેલા. મૃત્યુની ઘડી આવી ત્યારે પોતે કયા ઓરડામાં કઈ રીતે સૂતા હતા, એમણે જુવાનિયાને મદૃદૃ માટે કઈ રીતે બોલાવ્યો આ બધી વિગતો એમણે માટે કહી નહીં, દૃષ્યરુપે દૃેખાડી.

શેરલોક હોમ્સનું અમર જાસૂસી કિરદૃાર સર્જનાર સર આર્થર કોનન ડાયલે સંપૂર્ણ ગાંભીર્ય સાથે જાહેરમાં કહ્યું છે કે મૃત્યુ પામેલા મિત્રો અને સ્વજનો સાથે એમણે વાત કરી છે. તેમણે કહેલું, 'મારા મામા અને ભત્રીજાને મેં જાણે જીવતા જાગતા હોય એવા સ્થૂળ રુપમાં જોયા છે. એટલે મૃત્યુ પછી આપણું અસ્તિત્ત્વ રહે છે એ મારા માટે પુરવાર થયેલી બાબત છે.

આપણે જેને સુપર નેચરલ કહીએ છીએ તે પ્રકારના કિસ્સા શા માટે બનતા હોય છે? બીજા કોઈ કહે તો આપણે કદૃાચ આ વાતને મેન્ટલ પ્રોજક્શન કે ભ્રાંતિ કહીને  એક બાજુ હડસેલી દૃઈએ, પણ કવિ મકરન્દૃ દૃવે જેવા અધ્યાત્મના ક્ષેત્રમાં ઊંડા ઊતરેલા સાહિત્યક્ાર કે આર્થર કોનન ડાયલ જેવો સુપરસ્ટાર રાઈટર આ પ્રકારના કિસ્સા વર્ણવે ત્યારે ગંભીરતાપૂર્વક સાંભળવું પડે. ઈશા-કુન્દૃનિકાએ ‘અંતવેળાએ' નામના એક અતિ સુંદૃર પુસ્તકમાં આ કિસ્સા ટાંક્યા છે. મૃત્યુ જીવનનું સૌથી પહેલું, સૌથી અંતિમ અને સૌથી સુનિશ્ર્ચિત સત્ય છે. દૃુનિયાભરની વિભૂતિઓ, ફિલોસોફરો, સાહિત્યકારો અને કલાકારોએ મૃત્યુ વિશે પુષ્કળ ચિંતન કર્યું છે. ‘અંતવેળાએ'માં આ ચિંતનના અંશોનો સુંદૃર સંગ્રહ થયો છે.



 'મૃત્યુ ન હોત તો માનવ કાયમ એક અપૂર્ણ સ્વરુપની અંદૃર જીવ્યા કરત, શ્રી અરિંવદૃે કહ્યું છે, 'મૃત્યુ તેની પાછળ પડ્યું છે તેથી જ તે પૂર્ણ જીવનના વિચાર પ્રતિ જાગે છે, અને તે પ્રાપ્ત કરવાનાં સાધનો અને તેની શકયતાઓ માટે પ્રયાસ કરે છે. ભૌતિક તત્ત્વ ચેતનામાં પૂર્ણતાના જરુરિયાત, પ્રગતિની જરુરિયાત જગાડવા માટે મૃત્યુ એ અનિવાર્ય સાધન છે. મૃત્યુની લટકતી તલવાર ન હોત બધા માનવો પોતે જે છે તે સ્થિતિમાં જ સંતોષ માની લેત.'\જે. કૃષ્ણમૂર્તિનો એમના અનુયાયી સાથેનો સરસ સંવાદૃ છે.  કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે, 'માણસે પોતાનો એક દિૃવસ કેવી રીતે જીવવો?

‘જાણે કે પોતે એક દિૃવસ માટે જ, એક કલાક માટે જ જીવવાનો હોય.'

‘એ કેવી રીતે?'

‘જો તમારે હવે માત્ર એક જ કલાક જીવવાનું છે એમ તમને ખબર પડે તો તમે શું કરો? તમે કામધંધો, વ્યવહાર યોગ્ય રીતે ગોઠવી લ્યો. જેમને દૃૂભવ્યા હોય તેમની માફી માંગો. બીજાઓએ તમને દૃૂભવ્યા હોય તો તેમને માફ કરી દૃો. મનના બધા વ્યાપારો, તૃષ્ણાઓ, ઇચ્છાઓનું તમારા સંસારનું તમે વિસર્જન નહીં કરો? અને તમે જો આ એક કલાક કે એક દિૃવસ માટે કરી શકો તો બાકીના દિૃવસો માટે પણ એ રીતે ન જીવી શકો? તમે એક કલાક પણ જીવનની પૂર્ણતામાં જીવી શકો તો બાકી રહેલા જીવનમાં પણ એ જ સભરતાથી જીવી શકશો.'

સભરતા. અર્થપૂર્ણ જીવનનું આ મુખ્ય લક્ષણ છે. માંહ્યલાને અનુસરતા રહીએ તો આ સભરતા તરફ વધારે ઝડપથી પહોંચી શકાતું હોય છે. વિશ્ર્વવિખ્યાત એપલ બ્રાન્ડના સર્જક સ્ટીવ જોબ્સે સરસ કહ્યું છે:

'મૃત્યુ નજીક આવે છે ત્યારે લગભગ બધું જ -  તમામ બાહ્ય અપેક્ષાઓ, ગર્વ, છોભીલા પડવાનો કે નિષ્ફળ જવાનો ડર - આ સઘળું અપ્રસ્તુત બનીને દૃૂર વિખેરાઈ જાય છે. માત્ર એ જ વસ્તુઓ ટકી રહે છે જે આપણા માટે ખરેખર મહત્ત્વની છે. આપણે ક્યારેક મૃત્યુ પામવાના છીએ તે હકીકત હંમેશાં યાદૃ રાખવી. આ રીતે કશુંક ગુમાવવાના ડરથી મુક્તિ મળી જશે. એવું સમજો કે તમે ઓલરેડી બધું ગુમાવી ચુક્યા છો, તમારા શરીર પર કપડાં પણ રહ્યાં નથી. આ પ્રકારની સભાનતા રહેતી હોય તો આપણા હૃદૃયના અવાજને ન અનુસરવાનું કોઈ કારણ જ રહેતું નથી.'

સ્ટીવ જોબ્સ પાત્ર પ૬ વર્ષ જીવ્યા, પણ કાકા કાલેલકર લાંબું જીવન પામ્યા હતા. પોતાના દૃીર્ઘાયુનું રહસ્ય સમજાવતા એક વાર કાકા કાલેલકરે કહેલું કે મૃત્યુના િંચતનને લીધે હું દૃીર્ઘાયુ બની શક્યો છું. એમણે તો તો એવી ટેવી જ પાડી દૃીધી હતી. મૃત્યુનું સ્મરણ એમને આઠે પહોર રહેતું. કાકાસાહેબ કહે છે, ‘હું અનુભવે કહી શકું છું કે આ રીતે મૃત્યુનું સ્મરણ કરતાં રહેવાથી હર્ષશોકથી પર એવો જે આનંદૃ, તેનો સાક્ષાત્કાર હું કરી શકયો છું. તેથી જ મારું ચિત્ત પ્રસન્ન રહે છે. આરોગ્ય પર પણ એની સારી અસર થાય છે.'

‘પરમ સખા મૃત્યુ' પુસ્તકમાં કાકાસાહેબે લખ્યું છે કે, 'મરણને પણ જો ન્યાય કરવો હોય તો તેને મનુષ્યનો પરમ મિત્ર કહેવો જોઈએ. મોટા મોટા ધન્વતરિ અને મનોવૈજ્ઞાનિકો પણ જે શાંતિ અને સાંત્વન માણસને આપી નથી શકતા, તે આ પરમ સખા નિશ્ર્ચિંત અને સ્થાયી રુપે આપે છે. ખરેખર તો મરણમાં દૃુખ નથી. જેને આપણે મરણનું દૃુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠી જીવવાનું દૃુખ છે. એ દૃુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દૃુખમાંથી છૂટકારો કરે છે. દૃુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી.'

સ્વામી વિવેકાનંદૃે પણ કંઈક આવા જ સૂરમાં કહ્યું છે કે, ‘જ્યારે પણ હું મૃત્યુ વિશે વિચારો કરું છું ત્યારે મારી બધી દૃુર્બળતાઓ અલોપ થઈ જાય છે. એ બાબત કોઈ ભીતિ કે શંકા મારા મનમાં રહેતી નથી. એ મહાયાત્રા માટે તૈયાર થવામાં હું પૂરેપૂરો ડૂબી જાઉં છું. હું જાણું છું કે ત્યાં એક અવર્ણનીય પ્રકાશપુંજનો મને સાક્ષાત્કાર થવાનો છે. પછી ભય શાનો?'



મૃત્યુ પૂર્ણવિરામ નથી. તે અલ્પવિરામ પણ નથી. મૃત્યુ અપૂર્ણવિરામ છે. કશુંક જીવ્યા કરતું હોય છે મોત પછીય.  સ્વજન સાથેના ગાઢ સંંબંધને મૃત્યુ ક્યાં તોડી શકે છે? હૃદૃયમાં ધબકતા મૃત પ્રિયજન પ્રત્યેના પ્રેમને ક્યારેક ગેબી પરિમાણ મળી જતું હોય છે. એક આખેઆખું પુસ્તક છે, જેનું શીર્ષક છે, ‘રવીન્દ્રનાથેર પરલોક-ચર્ચા'. અમિતાભ ચૌધરીએ લખેલા આ મૂળ પુસ્તકનો હિન્દૃી અનુવાદૃ પણ પ્રગટ થયો છે. આ પુસ્તકમાં મૃતાત્માઓને બોલાવવાની પ્લાન્ચેટ નામની એક જાણીતી વિધિ વિશે ખૂબ બધી વાતો છે. નોબલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરને મૃત જીવાત્માઓ સાથે સંપર્ક સ્થાપિત કરી શકાય છે એ વાતમાં વિશ્ર્વાસ હોવો જોઈએ, કેમ કે એમણે ખુદૃ અનેક વાર આ પ્રયોગો કરી જોયા હતા. ટાગોરનો પુત્ર શમી અને પુત્રી બેલા નાનપણમાં મૃત્યુ પામ્યાં હતાં. ટાગોર માધ્યમ મારફતે મૃત સંતાનો સાથે વાતો કરતા. માધ્યમ ટાગોરના મિત્રની દૃીકરી ઉમા બનતી. મૃતાત્માઓનું આહ્વાન કરવામાં આવે ને પછી ભયાનક ઝડપથી ઉમાની કલમ કાગળ પર ચાલવા માંડે. આ લખાણમાં કયાંય કશુંય અસંગત ન હોય, ભુલ કે રુકાવટ ન હોય.

દૃેહ છોડવો એ કંઈ અનિવાર્યપણે અશુભ ઘટના નથી. ઈશા-કુન્દૃનિકાએ ‘અંતવેળાએ 'પુસ્તકમાં એક જગ્યાએ સરસ મુદ્દો ઉઠાવ્યો છે કે અવસાનના સમાચાર આપતા પોસ્ટકાર્ડ કે પત્રમાં આપણે મોટા અક્ષરે ‘અશુભ' એવું શા માટે લખીએ છીએ? એક વાર એમને મરણસંદૃેશ આપતું પોસ્ટકાર્ડ આવેલું જેના પાછળના હિસ્સા પર, ફોર અ ચેન્જ, ‘શુભ' શબ્દૃ લખ્યો હતો. ઈશા-કુન્દનિકા કહે છે, 'મૃત્યુની ઘટનાને જેઓ ‘શુભ' તરીકે જોઈ શકે, તેમની ચેતના નિ:શંક અતિ ઉચ્ચ અવસ્થાએ પહોંચી હોવી જોઈએ. અકાળ કે અપમૃત્યુ કે ક્રૂર હસ્તોએ કરેલી હત્યા, કશી પૂર્વસૂચના આપ્યા વગર ભરવસંતે છીનવી લીધેલા પ્રિયજનનું જવું - એવી અતિ આઘાતપ્રેરક ઘટનાઓને બાદૃ કરીએ તો, સહજ સ્વાભાવિકપણે, જીવનના સર્વે કાર્યોનો સંકેલો કરી ચિરનિદ્રામાં કોઈ પાઢી જાય તો એને અશુભ ન કહીએ.'

shishir.ramavat@gmail.com