મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ - હોલીવૂડ હંડ્રેડ - તા. ૨૬ જુલાઈ ૨૦૧૩
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
સ્ટીવન સ્પીલબર્ગ નામનો જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોર વિશેની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખ્યા. વોટ અ રેન્જ! નાઝી નરસંહાર વચ્ચે સેંકડો યહૂદીઓને બચાવનારા ઉસ્તાદ વેપારીની વાત કરતી આ ફિલ્મ સાચા અર્થમાં એક માસ્ટરપીસ છે.
ફિલ્મ નંબર ૩૨. શિંડલર્સ લિસ્ટ
કશી જ પ્રસ્તાવના બાંધ્યા વિના સીધા ફિલ્મ પર આવી જઈએ. ૧૯૩૯નું વર્ષ છે. સ્થળ પોલેન્ડનું ક્રેકો નામનું નગર. બીજાં વિશ્ર્વયુદ્ધનો પ્રારંભ થઈ ચુક્યો છે. જર્મનીની સેનાએ પોલેન્ડના આર્મીને ત્રણ જ અઠવાડિયામાં હરાવી દીધું છે. ચેકોસ્લોવેકિયાથી ઓસ્કર શિંડલર નામનો એક સફળ અને રંગીન મિજાન બિઝનેસમેન અહીં આવી પહોંચે છે. એ ખુદ નાઝી પાર્ટીનો સભ્ય છે. પોલેન્ડની જ્યુ એટલે કે યહૂદી પ્રજામાં તેને સાવ સસ્તામાં શરીર તોડીને મજૂરી કરતા લાચાર કામદારો દેખાય છે. શિંડલરનો ઈરાદો એવો છે કે અહીં કારખાનું નાખી, આ ચીપ લેબરનો લાભ કરી, જર્મન મિલિટરીનાં રસોડા માટે જરુરી વાસણો મેન્યુફેક્ચર કરતી ફેક્ટરી નાખીને ચિક્કાર પૈસા બનાવવા. શિંડલર આમેય તકવાદી માણસ છે. મોંઘાદાટ કપડાં પહેરીને નાઈટ-ક્લ્બમાં મહાલતા અને નાઝી અધિકારીઓને શરાબની પાર્ટીઓ આપીને ખુશ રાખતા એેને સરસ આવડે છે. લાગતાવળગતાઓને પૈસા ખવડાવીને એ કારખાનું નાખવા માટેના જરુરી પરવાના મેળવી લે છે. આ પ્રકારનું કારખાનું એણે અગાઉ ક્યારેય ચલાવ્યું નથી એટલે એ ઈટ્ઝેક સ્ટર્ન (‘ગાંધી’ ફેમ બેન કિંગ્સલે) નામના લોકલ યહૂદી આદમીને પોતાના સલાહકાર તેમજ એડમિનિસ્ટ્રેટર તરીકે કામે રાખી લે છે. શિંડલર માટે કામ કરનાર યહૂદી કારીગરોને બહુ મોટો ફાયદો એ છે કે તેમને નર્ક જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલવામાં નહીં આવે. મતલબ કે શિંડલરના કારીગરોને બીજા યહૂદીઓની જેમ મારી નાખવાાં નહીં આવે, બલકે જીવતા રહેવા દેવામાં આવશે.
દરમિયાન એમોન ગોએેથ (રાલ્ફ ફાઈન્સ) નામનો એક જડભરત નાઝી ઓફિસર ક્રેકો આવે છે. એ નજીકમાં ક્યાંક ક્ધસ્ટ્રક્શનનું કામકાજ શરુ કરવા માગે છે. એના માટે ખૂબ બધા બંદીવાન યહૂદીઓની જરુર પડવાની છે. ભયાનક ક્રૂર માણસ છે આ ગોએથ. સવારે ઉઠીને સામાન્ય માણસ ચા-પાણી કરે, જ્યારે આ જલ્લાદ આળસ મરડતા મરડતા હાથમાં રાયફલ લઈને બાલ્કનીમાંથી જે કોઈ દેખાય એ યહૂદીને વીંધી નાખે. એમ જ, કશા જ કારણ વગર. જીવતાજાગતા માણસનું શરીર એના માટે રાયફલ શૂટિંગની પ્રેક્ટિસ કરવા માટે વપરાતાં પૂંઠાના કાર્ડબોર્ડ કટઆઉટથી વિશેષ નથી. ક્ધસ્ટ્રક્શન સાઈટ પર જવા આનાકાની કરનારનો, બુઢા કે નકામા લાગતા લોકોનો એ એક પળનો વિચાર કર્યા વિના જીવ લઈ લે છે. એના અત્યાચાર જોઈને શિંડલર જેવો કાબો અને સ્વકેન્દ્રી માણસ વ્યથિત થઈ જાય છે. એ ગોએથ સાથે દોસ્તી કરી, એને રિશ્વત આપી, પોતાના માટે એક સબ-કેમ્પ ઊભો કરે છે કે જેથી પોતાના કારીગરોને એમાં કામે લગાડીને તેમને સુરક્ષિત કરી શકાય.
થોડા સમય પછી ગોએથને ઉપરીઓનો આદેશ આવે છે કે એણે ઉભી કરેલી ક્ધસ્ટ્રક્શન સાઈટને વિખેરી નાખવી અને બચેલા યહૂદીઓને ઓશ્કવિટ્ઝ (કે જ્યાં ગેસ ચેમ્બરમાં સૌને ઘાતકી રીતે મારી નાખવાના છે) નામના સ્થળે મોકલી આપવા. શિંડલર એને વિનંતી કરે છે કે તું મારા કારીગરોને મારી પાસે જ રહેવા દે, હું એ સૌને મોરાવિઆ નામની જગ્યાએ આવેલી મારી જૂની ફેક્ટરીમાં કામે લગાડી દેવા માગું છું. જે માણસોને ઓશ્કવિટ્ઝ મોકલવાના નથી એ લોકોનું એક લિસ્ટ શિંડલર અને સ્ટર્ન તૈયાર કરે છે. શિંડલરના આ લિસ્ટમાં સ્થાન પામતા પુરુષો તો સલામત રીતે મોરાવિઆ પહોંચી જાય છે, પણ કશીક ગરબડને કારણે સ્ત્રીઓ અને બાળકોને ભુલથી ટ્રેનમાં ઓશ્કવિટ્ઝ મોકલી દેવામાં આવે છે. અહીં મહિલાઓને ખોફનાક યાતનામાંથી પસાર થવું પડે છે. પહેલાં તો આડેધડ સૌના વાળ કાપી નાખવામાં આવે છે. પછી સંપૂર્ણ નગ્ન કરીને ગેસ ચેમ્બર જેવા દેખાતા એક ઓરડામાં ઘેટાબકરાંની જેમ ઠાંસી દેવામાં આવે છે. અચાનક છતમાં ગોઠવેલા શાવરમાંથી પાણીની ધારાઓ છૂટે છે. તે દિવસે તો ખેર, તેમનો જીવ બચી જાય છે. શિંડલરને આ ઘટનાની ખબર પડતાં જ એ હાંફળોફાંફળો ઓશ્કવિટ્ઝ પહોંચે છે. ત્યાંના નાઝી કમાન્ડરને તોતિંગ લાંચ આપીને પોતાની તમામ મહિલા કામદારો અને બાળકોને હેમખેમ સાઈટ પર લેતો આવે છે. અહીં એણે નાઝી ગાર્ડઝને ફેક્ટરીની અંદર પગ સુધ્ધાં મૂકવાની સખત મનાઈ દીધી છે.
વિશ્ર્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી યહૂદી કારીગરો માટે આ ફેક્ટરી અભેદ્ય કિલ્લો બની રહે છે. શિંડલરના નાણાં નાઝીઓને લાંચ આપવામાં ખતમ થઈ જાય છે. લડાઈ પૂરી થતાં સોવિયેટ રશિયાનું રેડ આર્મી હવે અહીં ગમે ત્યારે આવી પહોંચે તેમ છે. તે પહેલાં શિંડલરે અહીંથી નાસી જવાનું છે. એ અલવિદા કહેવા તમામ ફેક્ટરી વર્કર્સને ભેગા કરે છે. કારીગરો એમને એક કાગળ આપે છે, જેમાં લખ્યું છે કે તમે ભલે નાઝી હો, પણ તમે ગુનેગાર નથી, તમે તો અમારા માટે તો ભગવાન છે. શિંડલર ગળગળો થઈ જાય છે. એ લાગણીશીલ થઈને કહે છે કે હું હજુ ઘણું વધારે કરી શક્યો હોત, વધારે લોકોને બચાવી શક્યો હોત! બીજે દિવસે પરોઢિયે શિંડલર પત્ની સાથે નીકળી જાય છે. રશિયન સૈનિકો આવીને કારીગરો સામે ઘોષણા કરે છે કે યુદ્ધ ખતમ થઈ ચૂક્યું છે, તમે સૌ હવે આઝાદ છો! મુખ્ય કથા અહીં પૂરી થાય છે, પણ વાત ચાલુ રહે છે. હવે બચી ગયેલા રિઅલ-લાઈફ યહૂદીઓના દશ્યો આવે છે. સ્વાભાવિક રીતે જ હવે તેઓ બુઢા થઈ ગયા છે. પોતાનાં સંતાનો અને સંતાનોનાં પણ સંતાનોની સાથે સૌ શિંડલરની કબરનાં દર્શન કરવા આવ્યા છે. તે વખતે શિંડલરે ૧,૧૦૦ યહૂદીઓને બચાવ્યા હતા. હવે (એટલે કે ફિલ્મ બની તે વખતે) તેમની સંખ્યા વધીને ૬,૦૦૦ જેટલી થઈ ગઈ છે. આ બિંદુ પર આ અદભુત ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
આ ફિલ્મ થોમસ કેનીઅલી નામના લેખકનાં ‘શિંડલર્સ આર્ક’ નામનાં પુસ્તક પર આધારિત છે. યુનિવર્સલ સ્ટુડિયોના ટોપ બોસ સિડની શીનબર્ગે ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગને સૌથી પહેલાં તો ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં છપાયેલા આ પુસ્તકનો રિવ્યુ વાંચવા માટે મોકલ્યો હતો. સ્પીલબર્ગ ખુદ યહૂદી છે. ઓસ્કર શિંડલરના કારનામા વાંચીને એ ઝુમી ઉઠ્યા. તેઓ માની ન શક્યા કે ખરેખર આવો કોઈ માણસ થઈ ગયો છે, જે ખુદ નાઝી હોવા છતાં સેંકડો યહૂદીઓનો જીવનદાતા બન્યો. આ તે કેવું વિરોધાભાસી વ્યક્તિત્ત્વ! એમને રસ પડ્યો એટલે યુનિવર્સલ સ્ટુડિયોએ પુસ્તકના રાઈટ્સ ખરીદી લીધા. સ્પીલબર્ગ પછી પોલ્ડેક ફેફરબર્ગ નામના માણસને મળ્યા. પોલ્ડેક એટલે પેલા બચી ગયેલા ૧૧૦૦ યહૂદીઓમાંના એ એક સજ્જન. ઈન ફેક્ટ, પોલ્ડેકને મળ્યા પછી જ લેખકે ‘શિંડલર્સ આર્ક’ પુસ્તક લખ્યું હતું. વાતચીતના અંતે પોલ્ડેકે પૂછ્યું: તો સ્પીલબર્ગસાહેબ, ક્યારે ફિલ્મ બનાવવાનું શરુ કરો છો? સ્પીલબર્ગે શાંતિથી જવાબ આપ્યો: દસ વર્ષ પછી! આ ૧૯૮૩ની વાત છે. સ્પીલબર્ગ એ વખતે ‘જાઝ’ તેમજ ‘ઈ.ટી.’ જેવી ફિલ્મો બનાવીને હોલિવૂડના હોટશોટ ડિરેક્ટર તરીકે પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા, પણ એમને લાગતું હતું કે નાઝી નરસંહાર જેવી અત્યંત ગંભીર ઐતિહાસિક ઘટનાને પડદા પર પેશ કરી શકવા જેટલી મેચ્યોરિટી હજુ પોતાનામાં આવી નથી. સ્પીલબર્ગે આ પ્રોજેક્ટ રોમન પોલન્સ્કી નામના પ્રતિષ્ઠિત ડિરેક્ટરને સોંપવાની કોશિશ કરી. પોલન્સ્કીની ખુદની માતાનો ઓશ્કવિટ્ઝની ગેસ ચેમ્બરનો ભોગ બની ચુકી હતી. એમણે ફિલ્મ બનાવવાની તૈયારી ન બતાવી એટલે સિડની પોલેક અને માર્ટિન સ્કોર્સેઝીનો સંપર્ક કરવામાં આવ્યો, પણ આ ફિલ્મની કુંડળીમાં સ્પીલબર્ગ જ લખાયા હતા. એમણે યુનિવર્સલના બોસ સિડની શીનબર્ગને (કે જેમને સ્પીલબર્ગ પોતાના મેન્ટર ગણે છે) નિર્ણય જણાવી દીધો: સર, હું તૈયાર છું. સિડનીએ કહ્યું: ઓલરાઈટ, આપણે આ ફિલ્મ જરુર બનાવીશું, પણ એક શરત છે. ‘શિંડલર્સ લિસ્ટ’ની પહેલાં તારે ‘જુરાસિક પાર્ક’ બનાવી નાખવી પડશે. સિડની જાણતા હતા કે સ્પીલબર્ગ એક વાર ‘શિન્ડલર્સ લિસ્ટ’ જેવી સત્યઘટના પર આધારિત હૃદયભેદક ફિલ્મ બનાવશે પછી ‘જુરાસિક પાર્ક’ જેવી કાલ્પનિક કથા નહીં ડિરેક્ટ કરી શકે!
શિંડલર જેવા રોલ પર, અફકોર્સ, આખા હોલીવૂડની નજર હોવાની. વોરન બેટ્ટી, કેવિન કોસ્નર અને મેલ ગિબ્સન જેવા એક્ટર્સને પાછળ રાખી દઈને લિઆમ નિસન નામના અભિનેતાએ બાજી મારી લીધી. સ્પીલબર્ગે એમને બ્રોડવેના એક નાટકમાં એક્ટિંગ કરતા જોયા હતા. એમોન ગોએથના રોલમાં રાલ્ફ ફાઈન્સને એટલા માટે લેવામાં આવ્યા કે સ્પીલબર્ગને એમની પર્સનાલિટીમાં ‘સેક્સ્યુઅલ એવિલ’ નજરે ચડતો હતો. ફિલ્મમાં જેના ભાગે ડાયલોગ આવ્યા હોય એવા કુલ ૧૨૬ પાત્રો છે. શૂટિંગ દરમિયાન ત્રીસ હજાર એકસ્ટ્રા કલાકારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટા ભાગનું શૂટિંગ અસલી લોકેશન પર કરવામાં આવ્યું છે. જે ચોક્સાઈથી માણસોનાં ટોળાનાં દશ્યોને શૂટ કરવામાં આવ્યાં છે તે અપ્રતીમ છે. શરુઆત અને અંતને બાદ કરતાં ત્રણ કલાક આઠ મિનિટની આ ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં શૂટ થઈ છે. વચ્ચે અચાનક બે જ અચાનક વખત રંગો દેખાય છે.
એવું તે શું બન્યું કે શિંડલર જેવા નફાખોર માણસનું એકાએક હૃદય પરિવર્તન થયું ને એણે દુશ્મન પ્રજાના સદસ્યોને બચાવવા પોતાની સઘળી મૂડી ફૂંકી મારી? આ પ્રશ્ર્નનો કોઈ ઉત્તર ફિલ્મ આપતી નથી. જીવનમાં અને આપણી આસપાસ ઘણું બધું ન સમજાય એવું, અતાર્કિક લાગે એવું બનતું હોય છે. ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટ કહે છે તેમ, ભયાનક કત્લેઆમની વચ્ચે આ રીતે વિરોધી છાવણીના સેંકડો માણસોને બચાવવાનું કામ શિંડલર જેવો અવિચારી અને બદમાશ જ કરી શક્યો હોત. વિચારી વિચારીને પગલાં ભરતા સેન્સિબલ માણસનું આ કામ નહીં!
‘શિંડલર્સ લિસ્ટ’ એક સાચા અર્થમાં માસ્ટરપીસ છે. ડિરેક્શન, અભિનય, સિનેમેટોગ્રાફી, આર્ટ ડિરેક્શન જેવા લગભગ તમામ ડિપાર્ટમેન્ટમાં આ ફિલ્મ ઓડિયન્સને ચકિત કરી દે છે. સાત ઓસ્કર અવોર્ડ્ઝ જીતી લેનાર આ ફિલ્મે સ્ટીવન સ્પીલબર્ગને એક જુદી જ ઊંચાઈ પર મૂકી દીધા. અત્યાર સુધી જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોરની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ઐતિહાસિક કરુણાંતિકા પર આધારિત ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખવામાં કામિયાબ નીવડ્યો. વોટ અ રેન્જ! એક વાર જોયા પછી કદી ભુલી ન શકાય એવી અદભુત ફિલ્મ.
‘શિંડલર્સ લિસ્ટ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર : સ્ટીવન સ્પીલબર્ગ
સ્ક્રીનપ્લે : સ્ટીવન ઝેલિઅન
કલાકાર : લિઆમ નિસન, બેન કિંગ્સલે, રાલ્ફ ફાઈન્સ
રિલીઝ ડેટ : ૩૦ નવેમ્બર ૧૯૯૩
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, પિક્ચર, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, આર્ટ ડિરેક્શન, એડિટિંગ અને ઓરિજિનલ સ્કોર માટેના ઓસ્કર અવોર્ડ્ઝ