Sandesh - Sanskar Purty - 20 April 2014
મલ્ટિપ્લેક્સ
મલ્ટિપ્લેક્સ
'ટુ સ્ટેટ્સ'ના સેલિબ્રિટી લેખક ચેતન ભગત પોતાના પિતાને આજેય પૂરેપૂરા માફ કરી શક્યા નથી. હા, તેમના દિલમાં હવે પહેલાં જેવાં ક્રોધ અને નફરત રહ્યાં નથી. એવું તે શું બની ગયું કે બાપ-દીકરાના સંબંધની ગૂંચ હજુ સુધી ઉકેલાઈ નથી?
ચે તન ભગત માત્ર આઈઆઈટી એન્જિનિયર-ટર્ન્ડ-આઈઆઈએમ ગ્રેજ્યુએટ-ટર્ન્ડ-બેસ્ટસેલર અંગ્રેજી નોવેલિસ્ટ-ટર્ન્ડ- કોલમિસ્ટ-ટર્ન્ડ- મોટિવેશનલ સ્પીકર નથી. આ વર્સેટાઈલ મહાશય ફિલ્મી હસ્તી પણ છે. તેઓ ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ લખે છે. જેમની તમામ નવલકથાઓ પરથી હિન્દી ફિલ્મો બની ચૂકી હોય અથવા બની રહી હોય તેવા આ એકમાત્ર ભારતીય લેખક છે. પહેલી નવલકથા 'ફાઈવ પોઇન્ટ સમવન' પરથી 'થ્રી ઈડિયટ્સ' બની (તેલુગુ અને તમિલમાં એની રિમેક પણ બની છે), 'વન નાઈટ એટ કોલ સેન્ટર' પરથી 'હેલો' બની, 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' પરથી 'કાઈ...પો છે' બની. 'ટુ સ્ટેટ્સ' પરથી બનેલી આ જ ટાઇટલવાળી ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ. હવે પાંચમી નોવેલ 'રિવોલ્યુશન ૨૦૨૦' પરથી રાજકુમાર ગુપ્તા ફિલ્મ બનાવવાની તજવીજ કરી રહ્યા છે.
'હેલો' ફિલ્મ સૌથી પહેલી આવી હતી. એમાં સલમાન ખાન જેવો સુપરસ્ટાર હોવા છતાંય ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. સુપરડુપર હિટ 'થ્રી ઈડિયટ્સ' વખતે ચેતન ભગતને વ્યવસ્થિત ક્રેડિટ આપવાના મામલામાં મોટો વિવાદ પેદા થઈ ગયો હતો. ખેર, સમયની સાથે બિનજરૃરી બાબતો ભુલાઈ જતી હોય છે અને પ્રોજેક્ટનું સત્ત્વ જ ટકી રહેતું હોય છે. 'થ્રી ઈડિયટ્સ' એક ઈમ્પોર્ટન્ટ ફિલ્મ છે. નવલકથા કરતાં ખાસ્સી જુદી હોવા છતાં ચેતન ભગતનું નામ તેની સાથે હંમેશાં જોડાયેલું રહેવાનું.
'કાઈ... પો છે' વખતે ચેતન ભગત શરૃઆતથી સતર્ક રહ્યા હતા. આ ફિલ્મ પહેલાં ફરહાન અખ્તર પ્રોડયુસ કરવાનો હતો. સુશાંતસિંહ રાજપૂતવાળો મેઈન રોલ પણ એ જ કરવાનો હતો. લાંબા સમય સુધી અસ્પષ્ટતા રહી. આખરે પ્રોજેક્ટ યુટીવી મોશન પિક્ચર્સના હાથમાં આવ્યો. ફિલ્મ વખણાઈ અને હિટ પુરવાર થઈ. ઘણાંને ફિલ્મ પુસ્તક કરતાંય વધારે અસરકારક લાગી. બેસ્ટ સ્ક્રીનપ્લે માટે ચેતન ભગતને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.
'ટુ સ્ટેટ્સ'માં ચેતન ભગતના જીવનની કેટલીક અસલી વિગતો ઝિલાઈ છે. જેમ કે, મુખ્ય કિરદારોની જેમ ચેતન પંજાબી છે અને એમની પત્ની અનુશા તામ-બ્રામ (તમિલ બ્રાહ્મણ) છે. ઓપોઝિટ એટ્રેક્ટસવાળી થિયરી ચેતન આનંદ અને અનુશાના કેસમાં એકદમ લાગુ પડે છે. સીધાસાદા ટિપિકિલ તમિલ પરિવારમાંથી આવતી અનુશાને પંજાબી કલ્ચરમાં રહેલું ખુલ્લાપણું અને એક્સાઈટમેન્ટનું તત્ત્વ ગમી ગયું. સામે પક્ષે, અનુશાની કૌટુંબિક સ્થિરતા ચેતનને આકર્ષી ગઈ. ચેતનનું ખુદનું પારિવારિક જીવન ખૂબ તકલીફવાળું રહ્યું છે. એણે નાનપણમાં માતા-પિતા વચ્ચે સતત ખટરાગ જોયો છે. પિતાનો સ્વભાવ જોહુકમીભર્યો. ચેતન સાવ નાના હતા ત્યારે તો બહુ સમજાતું નહીં, પણ ટીનેજર થયા પછી લાગવા માંડયું કે પિતા તરફથી માને ખૂબ અન્યાય થયો છે. માને પિયર જવા ન મળે. નાની નાની વસ્તુઓ કે જેમાં માને ખુશી મળતી હોય તે કરવા ન મળે. માએ કુટુંબ માટે અને સાસરિયાંઓ માટે જાત ઘસી નાખી હતી, પણ પિતાએ એની કદર ન કરી.
આ ચેતન ભગતનું વર્ઝન છે. મા સાથે સંતાનનો ગર્ભનો સંબંધ છે. મા પ્રત્યે એને કુદરતી રીતે જ વધારે ખેંચાણ હોવાનું. સંતાનને સામાન્યપણે માની ભૂલો જલદી દેખાતી નથી ને પિતાની ભૂલોને એ માફ કરી શકતો નથી. ચેતનનો પિતા પ્રત્યે અણગમો વધતો ગયો. તેઓ વિદ્રોહી બનતા ગયા. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે ચેતનનાં મા-બાપે આખરે અલગ થઈ જવું પડયું, પણ ચેતનનો બાપ પ્રત્યેનો અભાવ ઘટયો નહીં. એ કહે છે, "મારા પર એટલી હદે અસર થઈ ગઈ હતી કે મેં વિચારી લીધું હતું કે જિંદગીમાં ક્યારેય બચ્ચાં પેદા નહીં કરું, ક્યારેય બાપ નહીં બનું. આ ડર જોકે પછી જતો રહ્યો અને આજે હું સરસ મજાના જોડિયા દીકરાઓનો પ્રાઉડ પાપા છું."
બાપ-દીકરાના વણસેલા સંબંધોનો રંગ ચેતન ભગતની બધી નવલકથાઓમાં ઊતર્યો છે. એમના તમામ હીરોના પિતા સાથેનો સંબંધ તંગ અને એબ્નોર્મલ હોય છે. ચેતન ભગત ઉમેરે છે, "હું 'ટુ સ્ટેટ્સ'ને હીરો-હિરોઈનની લવસ્ટોરી કરતાં બાપ-દીકરાના સંબંધની વાર્તા તરીકે વધારે જોઉં છું. આ નવલકથા લખવાના બે હેતુ હતા. એક તો, મારા પિતાજીનું બેકગ્રાઉન્ડ, એમની પર્સનાલિટી જેવી છે તેવી શું કામ છે તે મારે સમજવું હતં અને બીજું, મારે એમને માફ કરવા હતા. બહુ કઠિન હતું એમને માફી આપવી, પણ 'ટુ સ્ટેટ્સ' લખવાની પ્રક્રિયાને લીધે મને થોડી રાહત જરૃર મળી. ખેર, એમને પૂરેપૂરી માફ તો હજુય કરી શક્યો નથી, પણ કમ સે કમ હવે મારી અંદર ક્રોધ અને ધિક્કાર નથી રહ્યા. મારા ફાધર પ્રત્યે નિર્લેપ થઈ જવાનું મને આવડી ગયું છે. મારી માને મેં મુંબઈમાં ઘર લઈ આપ્યું છે. અત્યાર જેટલી ખુશ મેં એને ક્યારેય જોઈ નથી."
'ટુ સ્ટેટ્સ' ફિલ્મના હીરો અર્જુન કપૂરની કહાણી પણ ચેતન ભગતને મળતી આવે છે. અર્જુન નાનો હતો ત્યારે પિતા બોની કપૂરે બીજું ઘર કર્યું હતું. પત્ની મોના અને બન્ને સંતાનોને ત્યજીને તેઓ શ્રીદેવીને પરણી ગયા. તીવ્ર વેદના અને સંઘર્ષનાં વર્ષો હતાં એ. મોનાને સાસરિયાંઓનો પૂરો સપોર્ટ હતો. એણે સ્વાભિમાનપૂર્વક બન્ને બાળકોને એકલે હાથે સરસ ઉછેર્યાં. કમનસીબે અર્જુનની પહેલી ફિલ્મ 'ઈશકઝાદે' રિલીઝ થાય તે પહેલાં જ એનું એમનું મૃત્યુ થઈ ગયું. દીકરાને હીરો બનતા એ જોઈ ન શકી. મોનાએ ખરીદેલી 'ટુ સ્ટેટ્સ' નવલકથાની કોપી આજેય અર્જુનના ઘરમાં પડી છે. 'ટુ સ્ટેટ્સ' ફિલ્મ બની રહી હતી ત્યારે એના નાયક અને પિતા વચ્ચેના તંગદિલીભર્યા સંબંધને, એ પીડાને, એ કુંઠિત થઈ ગયેલી લાગણીઓને અને અધૂરી રહી ગયેલી અપેક્ષાઓને અર્જુન બહુ સારી રીતે સમજી શકતો હતો, એની સાથે આઈડેન્ટિફાય કરી શકતો હતો.
ચેતન ભગતની કૃતિઓમાં રમૂજતત્ત્વ ઊભરીને બહાર આવે છે, ઓડિયન્સને એમાં મજા પડી જાય છે, પણ આ રમૂજ અને કોમેડીની પાછળની પીડા ક્યારેક અણદેખી રહી જતી હોય છે.
શો-સ્ટોપર
હિન્દી ફિલ્મો ભલે બકવાસ હોય, પણ તેનાથી રોજ-બ-રોજના જીવનમાં આપણા કાને જે એકધારો બકવાસ પડે છે તેમાંથી થોડી વાર માટે મુક્તિ તો મળે જ છે.
- ચેતન ભગત