Monday, July 20, 2015

વાંચવા જેવું : શોર્ટ એન્ડ સ્વીટ

 ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૫

કોલમ: વાંચવા જેવું 

‘ઝિંદગી એક્સપ્રેસ’ની ટૂંકી વાર્તાઓમાં ભાષાના કોઈ આડંબર નથી કે પ્રયોગખોરીના ધખારા નથી. વાર્તાઓ સાદગીભરી અને લાઘવયુક્ત છે. એનું વિશેષ કારણ એ છે કે આ વાર્તાઓ પરંપરાગત અર્થમાં લ-ખા-ઈ નથી. લેખિકા આરતી પટેલ માય એફએમ રેડિયો પર લગભગ ત્રણ વર્ષથી ‘ઝિંદગી એક્સપ્રેસ’ નામનો શો ચલાવે છે. એમાં અઠવાડિયાના પાંચ દિવસ રોજ એક નવી પોતાના વાર્તા સમક્ષ પેશ કરે છે. વચ્ચે વચ્ચે ગીતો અને વિજ્ઞાપનો ટાપુની જેમ આવતાં જાય અને વાર્તા તેને કૂદાવતી કૂદાવતી આગળ સરકતી જાય. આ શોની સૌથી વધારે વખણાયેલી કહાણીઓ અહીં શબ્દસ્થ થઈ છે. 

 
                                                                                 


ક નાનકડી છોકરી. છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતી હશે. એક વાર ક્લાસના એક છોકરાને એણે બરાબરનો ધીબેડી નાખ્યો. કેમ? એ ચોરીછુપીથી છોકરીના દફતરમાંથી લંચબોક્સ બહાર કાઢીને નાસ્તો કરી રહ્યો હતો, એટલે. પ્રિન્સિપાલે છોકરીની મમ્મીનું ધ્યાન દોર્યું. છોકરીને એમ કે મમ્મી હવે બરાબરની વઢશે, પપ્પાને વાત કરશે. એવું કશું ન થયું. મમ્મીએ ફક્ત હોટ ચોકલેટના બે ગ્લાસ તૈયાર કર્યા, એક દીકરીને આપ્યો અને એટલું જ પૂછ્યું:

‘બહુ માર્યો નહીં બિચારાને?’

‘પણ મમ્મી, એણે મારો નાસ્તો લઈ લીધેલો.’

‘કેમ લઈ લીધો હશે એનો તને વિચાર ના આવ્યો?’

પછી ખબર પડી કે છોકરાની માને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘરે કોઈ નાસ્તો બનાવી આપી શકે એવું કોઈ નહોતું એટલે બિચારાએ ભૂખના માર્યા છોકરીના દફતરમાંથી નાસ્તાની ચોરી કરવાની કોશિશ કરી હતી. મમ્મીએ છોકરીને સજા કરી: જ્યાં સુધી છોકરાની મા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પાછી ન આવી જાય ત્યાં સુધી હું રોજ એના માટે પણ નાસ્તો પક કરી આપીશ અને તારે રોજ એને રિસેસમાં નાસ્તો કરાવવાનો!

તે દિવસે મમ્મીએ છોકરીને માત્ર હોટ ચોકલેટનો ગ્લાસ જ નહીં, સંસ્કારનું દ્રાવણ પણ પાયું હતું. જ્યારે જ્યારે દીકરીને તકલીફમાં જુએ, મમ્મી હોટ ચોકલેટના ગ્લાસ લઈને એની પાસે પહોંચી જાય. એને કંઈક એવી સરસ વાત કરે કે છોકરી કાં તો હળવીફુલ થઈ જાય અથવા એને સાચી દિશા મળી જાય. દીકરી પરણીને સાસરે ગઈ ત્યાં સુધી મમ્મી એને હોટ ચોકલેટના ગ્લાસની સાથે સાથે જિંદગી જીવવાની ટિપ્સ આપતી રહી. મા મૃત્યુ પામી પછી યુવાન પુત્રીએ આ પરંપરા આગળ વધારી. આજે હવે એ પોતાનાં સંતાનને મૂંઝાયેલું કે અપસેટ જુએ ત્યારે અચૂક બૂમ પાડે છે, ‘ચાલ, આપણે બન્ને હોટ ચોકલેટ પીએ.’    

કેટલી મજાની વાર્તા. શોર્ટ એન્ડ સ્વીટ. આજે જે પુસ્તકની વાત કરવી છે એ ‘ઝિંદગી એક્સપ્રેસ’માં આવી ૪૫ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ થયો છે. દરેક લખાણ પાંચ-છ પાનાંનું. માંડણી થતાંની સાથે જ કથા રમરમાટ કરતી વહેવાનું શરુ કરી દે, પાત્રો આકાર પકડતાં જાય, ઘટનાઓ બનતી જાય અને આખરે એક સરસ બિંદુ પર વાત પૂરી થાય. અહીં ભાષાના કોઈ આડંબર નથી કે પ્રયોગખોરીના ધખારા નથી. વાર્તાઓ સાદગીભરી અને લાઘવયુક્ત છે. એનું વિશેષ કારણ છે. આ વાર્તાઓ પરંપરાગત અર્થમાં લ-ખા-ઈ નથી. લેખિકા આરતી પટેલ માય એફએમ રેડિયો પર લગભગ ત્રણ વર્ષથી ‘ઝિંદગી એક્સપ્રેસ’ નામનો શો ચલાવે છે. એમાં અઠવાડિયાના પાંચ દિવસ રોજ એક નવી પોતાના વાર્તા સમક્ષ પેશ કરે છે. વચ્ચે વચ્ચે ગીતો અને વિજ્ઞાપનો ટાપુની જેમ આવતાં જાય અને વાર્તા તેને કૂદાવતી કૂદાવતી આગળ સરકતી જાય. આ શોની સૌથી વધારે વખણાયેલી કહાણીઓ અહીં શબ્દસ્થ થઈ છે.


‘જિયો દિલ સે’ એ માય એફએમનું સ્લોગન છે એ ન્યાયે ‘ઝિંદગી એક્સપ્રેસ’ની વાર્તાઓની બહુમતી વાર્તાઓ સ્વભાવે રોમેન્ટિક છે. કામઢા પ્રેમીની બેગમાં ગુપચુપ સ્પિનેચ કોર્ન સેન્ડવિચનાં પેકેટ્સ સરકાવી દેનાર ‘આઈરિશ કોફી વિથ ક્રીમ’ની રિદ્ધિ હોય, ‘ઈશ્કવાલા લવ...’નાં સુનીતા ને રોહન હોય કે ‘પ્રેમની પરફેક્ટ ક્લિક’નાં રાહિલ-શાલિની હોય, સૌ અહીં પ્રેમના રંગે રંગાયેલાં છે. સામે છેડે ‘કેપિટલ એબીસીડી’ અને ‘૩૦ ટકા પાર્ટનરશિપ’ જેવી કથાઓ પણ છે, જેમાં રોમાન્સ સિવાયનાં લાગણીઓ-ભાવો સરસ રીતે ઊપસ્યાં છે.

આ કાલ્પનિક વાર્તાઓમાં લેખિકા જે વિશ્ર્વ ઊભું કરે છે એમાં નિર્દોષતા, માધુર્ય અને ગરિમા છે. અહીં કશું જ અ-સુંદર, હિંસક કે અપ્રિય લાગે એવું નથી. એકાદ-બે અપવાદને બાદ કરતાં બાકીની બધી વાર્તાઓ મૌલિક વાર્તાઓ છે. લેખિકા આરતી પટેલ ‘ચિત્રલેખા’ને કહે છે:

‘ક્યારેક એવું કશુંક બની જાય અથવા આકસ્મિકપણે ધ્યાનમાં આવી જાય કે એ લાંબા સમય સુધી મનમાં ઘુમરાયા કરે. એ પછી વાર્તાના જન્મનું કારણ બને. જેમ કે, એક વાર મેં એક શાંત લોકાલિટીમાં જૂની શૈલીનું સરસ મજાનું બંધ મકાન જોયું હતું.  એકાએક એ ઘરમાંથી મને ટેલિફોનની રિંગ સંભળાઈ.  જૂના લેન્ડલાઈન ફોનમાં સાંભળવા મળતી એવી રિંગ. થોડી વાર વાગીને એ બંધ થઈ ગઈ. એ ઘર અને એ રિંગ મારાં મનમાં રહી ગયાં. મને વિચાર આવ્યો કે ધારો કે આ ઘર કાયમ બંધ રહેતું હોય અને છતાંય રોજ ચોક્કસ સમયે એમાં કોઈનો ટેલિફોન આવતો હોય તો? બસ, આવા વિચારમાંથી ‘હલ્લો, કોણ?’ નામની વાર્તા બની. રોજ વાર્તા લખતા સમજોને કે મને આઠેક કલાક થાય, પણ એનું રકોર્ડિંગ કરવામાં પૂરી વીસ મિનિટ પણ ન થાય!’

લેખિકા મૂળ વાર્તા લખે રેડિયોના શ્રોતાઓને સંભળાવવા માટે. સંભળાવવા માટે સર્જાતી વાર્તાનું ભાષાકર્મ જુદું હોય, એના વાક્યોની રિધમ અલગ હોય. રેડિયો પર ટેલિકાસ્ટ થતી વાર્તાને ધ્વનિ અને સંગીતનો સાથ મળે, જ્યારે કાગળ પર છપાયેલું લખાણ એકાકી હોવાનું. જે વાર્તા સાંભળવામાં સારી લાગે એ વાંચવામાં પણ સારી લાગે ખરી? ‘જિંદગી એક્સપ્રેસ’નો પ્લસ પોઈન્ટ એ છે કે આ વાર્તાઓ વાંચવામાં પણ એટલી જ અસરકારક છે. પ્રત્યેક કથા સ્પષ્ટ આદિ, મધ્ય અને અંતવાળી વા-ર-તા તો બને જ છે. ઈન ફેક્ટ, જો જાણ કરવામાં ન આવે તો વાચકને કદાચ અંદેશો પણ ન આવે કે આ વાર્તાઓનું મૂળ માધ્યકમ કંઈક જૂદું હતું! લેખિકાએ ભલે વાર્તાઓમાં પ્રયોગો ન કર્યા હોય, પણ રેડિયો પર પ્રસારિત થયેલી વાર્તાઓને પુસ્તકનો ઘાટ મળવો એ સ્વયં એક પ્રયોગ છે.

‘ઝિંદગી એક્સપ્રેસ’ વિવેચકો માટે નથી. આ કથાઓ એ વાચકો માટે છે જેમને સરળ અને રસાળ કથાઓમાં રસ છે. આજે નવલિકાઓ પ્રમાણમાં ઓછી લખાય છે ત્યારે વધાવી લેવાનું મન થાયએવું સુંદર પુસ્તક.  0 0

 ઝિંદગી એક્સપ્રેસ
લેખિકા: આરતી પટેલ
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩
કિંમત:  ‚. ૩૭૫ /
પૃષ્ઠ: ૨૪૨


૦ ૦ ૦  


Saturday, July 18, 2015

'પ્રેમજી' કેવી છે?

શું પ્રેક્ષક તરીકે આપણને 'પ્રેમજી' જોઈને ક્ષોભ થાય છે, સંકોચ અનુભવવો પડે છે? જવાબ છે, ના. પ્લસ-માઇનસ બન્ને પોઇન્ટ્સને ધ્યાનમાં લઈએ તો સરવાળે 'પ્રેમજી'ને એક સારી ફિલ્મ કહેવાય કે ન કહેવાય? જવાબ છે,'પ્રેમજી' સરવાળે એક સારી ફિલ્મ પણ છે અને ન્યૂ વેવ ગુજરાતી સિનેમાની ઇમ્પોર્ટન્ટ ફિલ્મ પણ છે. વિજયગીરી ગૌસ્વામીએ અપેક્ષા જગાડી છે. હવે પછી તેઓ શું બનાવે છે, એક આર્ટિસ્ટ તરીકે અને એક ફિલ્મમેકર તરીકે એમનો કરિયર ગ્રાફ કેવી રીતે વિકસે છે તે જોવાની મજા આવશે.



'બાહુબલિ' જ્યારે દેશભરનાં થિયેટરોને ગજવી રહી હતી ત્યારે એને સમાંતરે આપણે ત્યાં ઘરઆંગણે 'પ્રેમજી' નામની ઘટના બની રહી હતી. 'બાહુબલિ' જે દિવસે ચાર હજાર સ્ક્રીન પર એકસાથે ત્રાટકી હતી તે જ દિવસે રિલીઝ થયેલી 'પ્રેમજી'ના ફાળે માંડ ૩૬ થિયેટરો આવ્યાં. આ એક ગુજરાતી ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મો ડિસ્ટ્રિબ્યુટ થવાની પેટર્ન તેમજ ગણિત જુદાં હોય છે. દૃોઢ મહિના પહેલાંફિલ્મ હજુ પોસ્ટ પ્રોડકશનના અંતિમ તબક્કામાં હતી ત્યારે એનો ફર્સ્ટ ક્ટ જોયો હતો. તાજેતરમાં તેનું ફાયનલ વર્ઝન જોયું. 

તો 'પ્રેમજી'કેવી છે? 'પ્રેમજી'માં શું છે ને શું નથી? 'પ્રેમજી' અથવા તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગુજરાતી સિનેમામાં જે નવો પ્રવાહ પેદા થયો છે તેનો હિસ્સો બનેલી કોઈ પણ મોડર્ન ગુજરાતી ફિલ્મને શી રીતે જોવી જોઈએ? પ્રમાણવી જોઈએ? સૌથી પહેલાં તો આટલાં વર્ષોમાં બોલિવૂડ-હોલિવૂડની ફિલ્મો જોઈને આપણી ભીતર જે પેલો વાયડો વિવેચક પેદા થઈ ગયો છે એને કંટ્રોલમાં રાખવાનો. છરી-ચાકા સજાવીને તૈયાર રાખ્યાં હોય તો એને પાછાં ડ્રોઅરમાં મૂકી દેવાનાં. તલવાર જો કાઢી રાખી હોય તો એને ફરી મ્યાન કરી દેવાની. ટૂંકમાં, નવી ગુજરાતી ફિલ્મ જોતી વખતે 'આજે તો મારી નાખું-કાપી નાખું-છોતરાં કાઢી નાખું-ભુક્કો બોલાવી દઉં' એ ટાઇપનો એટિટયૂડ તો બિલકુલ નહીં રાખવાનો. આ એક વાત થઈ. આના વિરુદ્ધ છેડા પર પ્રતિદલીલ એ થઈ શકે કે ભાઈ,ઓડિયન્સ તો ઓડિયન્સ છે. પૈસા, સમય અને શક્તિ ખર્ચીને ફિલ્મ જોવા જતા દર્શકને ફક્ત અને ફક્ત એન્ટરટેઇનમેન્ટમાં રસ છે. એ શું કામ કોઈ પણ ફિલ્મ તરફ કૃપાદૃષ્ટિ રાખીને ગ્રેસના માર્ક્સ આપે? તો આના જવાબમાં સામો સવાલ એ કરવાનો કે મોડર્ન ગુજરાતી સિનેમા હજુ તો ભાખોડિયા ભરી રહેલું કુમળું બાળક છે તે હકીકત શી રીતે ભૂલી શકાય? બાળકની સરખામણી 'બાહુબલિ' સાથે કેવી રીતે કરાય? નોટ ફેર.
આ બેમાંથી એકેય અંતિમ પર ફંગોળાયા વગર વિજયગીરી ગૌસ્વામીએ લખેલી, ડિરેક્ટ કરેલી અને પ્રોડયુસ કરેલી 'પ્રેમજી' વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો ફિલ્મ જોતી વખતે આ એક જેન્યુઇન પ્રયાસ છે એવું સતત ફીલ થયા કરે છે. ફિલ્મમેકરનો ઉદ્દેશ પ્રામાણિક છે એવી પ્રતીતિ આપણને એકધારી થયા કરે છે. આવું બધું ફિલ્મોમાં બનતું નથી. કેટલીય ફિલ્મોમાં ફિલ્મમેકરની ક્રિએટિવ ડિસઓનેસ્ટી ગંધાતી હોય છે. 'ધ ગૂડ રોડ'માં આવી અપ્રામાણિકતાની વાસ સતત આવ્યા કરતી હતી. યોગાનુયોગે વિજયગીરી 'ધ ગૂડ રોડ' સાથે પણ ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા, પણ તેના મેકર સાથે વિખવાદ થવાથી ફિલ્મ અધવચ્ચેથી છોડી દીધી હતી.

Vijaygiri Goswami

'પ્રેમજી' એક બહુ જ જોખમી ફિલ્મ છે, વિષયની દૃષ્ટિએ. ફિલ્મનો નાયક ટિપિકલ અર્થમાં હીરો હોવાને બદલે સહેજ સ્ત્રૈણ હોય એવું છેલ્લે ક્યારે જોયું હતું? હીરો પર બળાત્કાર થતો હોય એવું દૃશ્ય ગુજરાતી કે હિન્દી તો શું, બીજી કોઈ ભાષાની ફિલ્મમાં જોયું હોવાનું પણ યાદ આવતું નથી. નાયક પર થતો સેક્સ્યુઅલ અબ્યુઝ આ ફિલ્મનું કેન્દ્ર છે. એના ફરતે આખી વાર્તા ગૂંથાઈ છે. આ એક અન્ડર-ડોગની, સામાન્ય દેખાતા માનવીમાં ધરબાયેલી અપાર શક્તિની વાર્તા છે. 'પ્રેમજી'માં હ્યુમન ટ્રાફિકિંગની, માસૂમ બચ્ચાંઓનાં શરીરને ભોગવતા વિકૃત પુરુષોની વાત પણ છે. ફિલ્મ જોતી વખતે આપણને ડિરેક્ટરને બન્ને ખભેથી પકડીને હચમચાવીને પૂછવાનું મન થાય કે ભાઈ, તમારી કરિયરની પહેલી જ ફિલ્મ બનાવો છો ત્યારે આવો રિસ્કી સબ્જેક્ટ શા માટે પસંદ કર્યો છે? જો સહેજ સંતુલન ચુકાય તો આખી ફિલ્મ ઊંધા મોંએ પટકાઈ શકે. સદ્ભાગ્યે સંતુલન ચુકાતું નથી. જો કોઈ કોમર્શિયલ નિર્માતાએ ફિલ્મ પ્રોડયુસ કરી હોત તો સ્ક્રિપ્ટમાં કેટલાય ફેરફાર કરાવ્યા હોત, વાર્તાની ધારને બુઠ્ઠી બનાવી દીધી હોત. આવું ન થાય તે માટે વિજયગીરીએ દેવું કરીને જાતે ફિલ્મ પ્રોડયુસ કરી. સેફ રમવાને બદલે સમજદારીપૂર્વક અને હિંમતભેર ઓરિજિનલ ફિલ્મ બનાવવા બદલ તેમને ફુલ માર્ક્સ. 
'કેવી રીતે જઈશ' અને 'બે યાર'ની સફળતા પછી એ ઢાળની નબળી અર્બન ફિલ્મોનો મારો થયો હતો. 'પ્રેમજી' આ ટ્રેપથી ઠીક ઠીક દૂર રહી શકી છે. ફિલ્મ નખશિખ ગુ-જ-રા-તી છે. મેહુલ સોલંકી, આરોહી પટેલ, મૌલિક નાયક, મલ્હાર પંડયા, નમ્રતા પાઠક,વિશાલ વૈશ્ય, હેપી ભાવસાર અને ઘનશ્યામ પટેલ જેવાં ફિલ્મના અદાકારો ગુજરાતી થિયેટર, ટેલિવિઝન કે રેડિયો સાથે સંકળાયેલાં નામો છે. મોટાભાગનાં (બધાં નહીં) પર્ફોર્મન્સીસ સારાં છે. સંભવતઃ સૌથી મોટો પડકાર પ્રેમજીનો કોમ્પ્લિકેટેડ ટાઇટલ રોલ ભજવતા મેહુલ સોલંકી સામે હતો. પ્રેમજી કંઈ હોમોસેક્સ્યુઅલ નથી, એ ફક્ત સહેજ સ્ત્રૈણ રહી ગયો છે. તે પણ જીવન પ્રત્યેના એટિટયૂડમાં નહીં, બલકે બોડી લેંગ્વેજમાં. આ પાત્રની ફેમિનિટીને એક્ટર-ડિરેક્ટરે ખૂબ સૂક્ષ્મતાથી ઉપસાવી છે. પ્રેમજીના પિતાનું કિરદાર 'ગુલાલ' અને 'રામ-લીલા' જેવી કેટલીય હિન્દી ફિલ્મો કરી ચૂકેલા અભિમન્યુ સિંહે ભજવ્યું છે. હુકમના એક્કા જેવો આ અદાકાર સેકન્ડ હાફમાં સ્ક્રીન પર આવે છે અને માહોલ એકાએક ગતિશીલ બની જાય છે. સરસ કોમિક ટાઇમિંગ ધરાવતા મૌલિક નાયકને જો યોગ્ય પ્રોજેક્ટ્સ મળતા રહેશે તો એમની કરિયર રોકેટની ઝડપે ગતિ કરવાની છે. નવોદિત આરોહી પટેલ સ્ક્રીન પર ર્ચાિંમગ અને સહજ લાગે છે. ફિલ્મનું સંગીત (કેદાર ઉપાધ્યાય - ભાર્ગવ પુરોહિત) કાનને ગમે છે.

On the set (top); (bottom) Vijaygiri Goswami with Mehul Solanki

આ થયા ફિલ્મના પ્લસ પોઇન્ટ્સ. હવે માઇનસ પોઇન્ટ્સનો વારો. 'પ્રેમજી'ની સૌથી મોટી ખામી હોય તો એ છે એડિટિંગ, એડિટિંગ અને એડિટિંગ. ફિલ્મનો ફર્સ્ટ હાફ દર્શકને થકવી નાખે છે, એની ધીરજની જોરદાર કસોટી કરે છે. લક્ષ્ય તરફ સીધી લીટીમાં ગતિ કરવાને બદલે કોલેજ કેમ્પસનાં અસરહીન દૃશ્યો અને રાજકારણીના ઇન્વોલ્વમેન્ટ જેવા બિનજરૂરી ટ્રેક્સ પર આડીઅવળી, આમથી તેમ ગોથાં ખાધાં કરે છે. ફર્સ્ટ હાફમાં આપણને થાય કે ફિલ્મ પ્રેમજી વિશે છે કે એના દોસ્ત રોય વિશે?
ડિરેક્ટર અને એડિટર બન્ને પોતપોતાની રીતે ફિલ્મ 'બનાવતા' હોય છે. ડિરેક્ટર ફિલ્મના સેટ પર ફિલ્મ બનાવે, એડિટર એડિટિંગ ટેબલ પર. વિજયગીરીએ સેટ પર તો સારી મહેનત કરી, પણ પ્રોફેશનલ એડિટર હાયર ન કરીને ગરબડ કરી નાખી. એડિટિંગ ટેબલ પર પણ એ જાતે જ બેઠા અને જે કંઈ બનાવ્યું હતું તેેની ધાર કાઢીને ઇમ્પ્રુવ કરવાને બદલે અસર મંદ કરી નાખી. અલબત્ત, કોઈ પણ એડિટિંગ પ્રોસેસમાં ડિરેક્ટર ગાઢપણે સંકળાયેલો રહેવાનો જ, પણ મુખ્ય કામ અનુભવી એડિટર દ્વારા થવું જોઈએ.
ફિલ્મની પેસ એકધારી રહેવી જોઈએ, વાર્તા ચોક્કસ રિધમમાં ઊઘડતી જવી જોઈએ, વાર્તામાં વણાંકો ચોક્કસ સમય પર આવી જવા જોઈએ. 'પ્રેમજી'માં આવું બનતું નથી. ફિલ્મ લાંબી અને ક્યારેક કન્ફ્યુઝિંગ લાગવાનું કારણ કાચો સ્ક્રીનપ્લે છે. વળી, અમુક પાત્રોની ભાષામાં સાતત્ય જળવાતું નથી. પ્રેમજીની અશિક્ષિત કચ્છી માતા નાગર બ્રાહ્મણ જેવા શુદ્ધ ઉચ્ચારો કરવા માંડે કે સંવાદોમાં આકૃતિ અને પ્રતિબિંબ જેવા ભારેખમ શબ્દો બોલે તે કેમ ચાલે.


સો વાતની એક વાત, ફિલ્મમાં ઘણા સ્તરે ઘણી કચાશ રહી ગઈ છે તે વાત સાચી, પણ શું પ્રેક્ષક તરીકે આપણને 'પ્રેમજી' જોઈને ક્ષોભ થાય છે, સંકોચ અનુભવવો પડે છે? જવાબ છે, ના. પ્લસ-માઇનસ બન્ને પોઇન્ટ્સને ધ્યાનમાં લઈએ તો સરવાળે 'પ્રેમજી'ને એક સારી ફિલ્મ કહેવાય કે ન કહેવાય? જવાબ છે, હા, કહેવાય. 'પ્રેમજી' સરવાળે એક સારી ફિલ્મ પણ છે અને ન્યૂ વેવ ગુજરાતી સિનેમાની ઇમ્પોર્ટન્ટ ફિલ્મ પણ છે. 'પ્રેમજી'ની આખી ટીમે મેકિંગથી લઈને પ્રમોશન અને ડિસ્ટ્રિબ્યુશન સુધીના તમામ તબક્કે ખૂબ મહેનત કરી છે. વિજયગીરીએ અપેક્ષા જગાડી છે. હવે પછી તેઓ શું બનાવે છે, એક આર્ટિસ્ટ તરીકે અને એક ફિલ્મમેકર તરીકે એમનો કરિયર ગ્રાફ કેવી રીતે વિકસે છે તે જોવાની મજા આવશે. ઓલ ધ બેસ્ટ.

0 0 0

(The modified version of the article appeared as Multiplex column in Sandesh on 19 July 2015)

Thursday, July 16, 2015

ટેક ઓફ : જયશંકર સુંદરી અને બાલગંધર્વ

Sandesh - Ardh Saptahik purti - 15 July 2015

ટેક ઓફ 

લેખકે કલ્પેલા પાત્રમાં પ્રવેશવું સહેલી વાત નથી. એમાંય પુરુષ થઈને સ્ત્રીનું પાત્ર કન્વિક્શન સાથે ભજવવા માટે ઘણી વધારે પ્રતિભા અને સજ્જતા જોઈએ. જયશંકર સુંદરી અને બાલગંધર્વે અનુક્રમે ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર સ્ત્રીપાત્રો ભજવીને દંતકથારૂપ ઊંચાઈ હાંસલ કરી. આ સમકાલીનોની જીવનયાત્રા વચ્ચે કેવું સામ્ય છે?

યશંકર સુંદરી અને બાલગંધર્વ. અનુક્રમે ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર દંતકથારૂપ બની ગયેલા બે મહાન કલાકારો. બન્ને સ્ત્રીપાત્રો ભજવીને વિખ્યાત બનેલા પુરુષનટ. બન્ને એકમેકના સમકાલીન. જયશંકર સુંદરીનો જન્મ ૧૮૮૮ની સાલમાં વીસનગરમાં થયો, જ્યારે બાલગંધર્વનો જન્મ તેના એક વર્ષ પછી પૂનામાં થયો. બાલગંધર્વનું મૃત્યુ આજથી એક્ઝેટ ૪૮ વર્ષ પહેલાં ૧૫ જુલાઈ, ૧૯૬૭ના રોજ થયું. જયશંકર સુંદરી તેમના કરતાં આઠેક વર્ષ વધારે જીવ્યા.
લેખકે કલ્પેલા પાત્રમાં પ્રવેશ કરીને અભિનય કરવો સહેલી વાત નથી. એમાંય પુરુષ થઈને સ્ત્રીનું પાત્ર કન્વિક્શન સાથે ભજવવા માટે ઘણી વધારે પ્રતિભા અને સજ્જતા જોઈએ. જયશંકર સુંદરી અને બાલગંધર્વે જોકે ખુદને ચેલેન્જ કરવા માટે સ્ત્રીપાત્રો નહોતાં ભજવ્યાં. આ તો સમયનો તકાજો હતો. એ જમાનામાં નાટયકળાને નીચી નજરે જોવાતી. સ્ત્રીઓ મંચ પર અભિનય કરતી નહોતી એટલે નછૂટકે છોકરાઓએ પુરુષોએ સ્ત્રીવેશ કાઢવા પડતા.
જયશંકર સુંદરીનું આખું અને સાચું નામ જયશંકર ભૂધરદાસ ભોજક. જ્ઞાાતિએ તેઓ જૈન વણિક. આઠ વર્ષના હતા ત્યારે એમના દાદાજી 'રાજા હરિશ્ચંદ્ર' નાટક જોવા લઈ ગયેલા. એમાં એક ઇમોશનલ સીન જોઈને જયશંકર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. નાટકની અસર એટલી તીવ્ર હતી કે એણે જયશંકરનાં જીવનની દિશા પલટી નાખી. ગામમાં આવતા તરગાળા-ભવાયાની પાછળ પાછળ તેઓ ફર્યા કરતા. ઘરની ઓસરીમાં પડદો બાંધીને નાટક-નાટક રમતા. મુખ્યત્વે કલકત્તામાં નાટકો કરતી એક પારસી નાટક કંપનીના દાદાભાઈ ઠૂંઠી નામના શેઠને જયશંકરના નાટકપ્રેમની જાણ થઈ. એમણે જયશંકરના પરિવાર સામે વાત મૂકીઃ'તમારો છોકરો મને સોંપી દો. એનામાં રહેલું હીર હું પારખી ગયો છું. હું એને કલાકાર બનાવીશ.' માતા-પિતાએ પહેલાં તો ઘસીને નામ પાડી દીધી, પણ પછી પારસી શેઠે એટલી ઊંચી રકમનો પગાર ઓફર કર્યો કે પિતા ભૂધરદાસ ભોજક પલળી ગયા. નારાજ માને પાછળ છોડીને બાળ જયશંકર કલકત્તા ઊપડી ગયા.
ઊંચી રકમની લાલચ બાલગંધર્વના પરિવારને પણ મળી હતી. જયશંકરના કુટુંબથી વિરુદ્ધ બાલગંધર્વને (એમનું મૂળ નામ નારાયણરાવ શ્રીપાદરાવ રાજહંસ હતું) ઘરમાં જ સંગીત-નાટકનો માહોલ મળ્યો હતો. નાનપણથી જ તેઓ સંગીતની પદ્ધતિસરની તાલીમ લેતા રહ્યા હતા. એક કાર્યક્રમમાં એમનો મધુર અવાજ સાંભળીને લોકમાન્ય ટિળક બોલી ઊઠયા હતાઃ 'આ બાલગંધર્વ બહુ સરસ ગાય છે!' બસ, ત્યારથી નારાયણરાવનું નામ બાલગંધર્વ પડી ગયું. કિર્લોસ્કર મંડળી નામની નાટક કંપનીએ બાલગંધર્વને સ્ત્રીની ભૂમિકા ઓફર કરી. એમની માતા તો માની ગયા, પણ પિતાને દીકરો છોકરીનો વેશ કાઢે તે પસંદ નહોતું. આ સમય લોકમાન્ય ટિળક ફરી દૃશ્યમાં આવ્યા. તેમણે કહ્યું: બાલગંધર્વને જરાય નુકસાન થશે તો હું મારા ખિસ્સામાંથી ચોક્કસ રકમ તમને આપીશ! ટિળક જે આંકડો બોલ્યા હતા તે એટલો મોટો હતો કે બાલગંધર્વના પિતાએ ચૂપચાપ અનુમતી આપી દીધી.
સત્તર વર્ષની ઉંમરે બાલગંધર્વે સૌથી પહેલાં 'શાકુંતલ' નામના નાટકમાં શકુંતલાની ભૂમિકા ભજવી હતી. અભિનયનો કોઈ અનુભવ ન હોવા છતાં એમણે એટલું સુંદર કામ કર્યું કે પ્રેક્ષકોએ તાળીઓનો ગડગડાટ કરીને એમને વધાવી લીધા. પછી તો એમણે ખૂબ બધાં નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવ્યાં - 'મૃચ્છકટિકમ્'માં વસંતસેના, 'મૂકનાયક'માં સરોજિની, 'ગુપ્તમંજૂષા'માં નંદિની વગેરે. રૂપકડો નાજુક દેખાવ, મીઠો અવાજ અને અભિનયકૌશલ્ય - આ ત્રણેય ચીજ બાલગંધર્વ પાસે હતી. તેમને ક્રમશઃ એટલી બધી પ્રસિદ્ધિ મળી કે બાલગંધર્વ એટલે કિર્લોસ્કર નાટકમંડળી એવું સમીકરણ બની ગયું હતું.
બાળગંધર્વ મહિને સો રૂપિયા જેવો માતબર પગાર કમાતા હતા એટલે તેમનાં લગ્ન લક્ષ્મી નામની કન્યા સાથે કરી દેવામાં આવ્યાં હતાં. થોડા અરસા પછી પુત્રીનો જન્મ થયો, જે અકાળે મૃત્યુ પામી. જે દિવસે એણે જીવ છોડયો એ જ દિવસે કિર્લોસ્કર નાટકમંડળીનું નવું નાટક 'માનપમાન' ઓપન થવાનું હતું. મંડળીએ દીકરીના મૃત્યુના શોકમાં શો કેન્સલ કરવાનો નિર્ણય લીધો,પણ બાલગંધર્વ કહેઃ જે થવાનું હતું તે થઈ ગયું. નાટક બંધ રાખવાથી શો ફરક પડશે? 'શો મસ્ટ ગો ઓન'ના ન્યાયે તેમણે નાટકમાં દિલથી અભિનય કર્યો. પ્રેક્ષકો વાહ વાહ પોકારી ઊઠયા.
આ બાજુ જયશંકર સુંદરીએ સૌથી પહેલો મેજર રોલ 'સૌભાગ્ય સુંદરી' નાટકમાં ભજવ્યો. કપડાં પહેરવાની અને વાળ ઓળવાની ઢબ, હાવભાવ, નખરાં વગેરે એટલું અસરકારક હતું કે પ્રેક્ષકો માની શકતા નહીં કે આ છોકરીના વેશમાં છોકરો છે. એ જ વર્ષે'વિક્રમચરિત્ર' અને
'દાગ-એ-હસરત' નામનાં નાટક આવ્યાં. 'વિક્રમચરિત્ર'માં રંભા દૂધવાળીના પાત્રમાં તેઓ 'કોઈ ધૂપ લ્યો દિલરંગી' એવા શબ્દોવાળું ગીત ગાતા. આ ગીત એટલું બધું પોપ્યુલર બન્યું કે તે જમાનામાં કેટલીક મિલો સાડી અને ધોતિયાની કિનારી પર તેની પંક્તિઓ છપાવતા! ગાયનકળા જયશંકર સુંદરીને વારસામાં મળી હતી. 'અરુણોદય' નામનાં નાટકમાં જયશંકર સુંદરી 'ખાદી પહેરો' ગીત ગાતા. તે સાંભળીને પ્રેક્ષકો માથા પરથી ટોપી ઉતારીને સ્ટેજ પર ફેંકતા.
જયશંકર સુંદરીના ચાહકોમાં મૈસુરના મહારાજા કૃષ્ણરાજ પણ હતા. તેમને ગુજરાતી ભાષા આવડતી નહીં એટલે દુભાષિયો રાખીને એમનાં નાટકો માણતા. વડોદરાના મહારાજા 'સૌભાગ્ય સુંદરી' જોઈને એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે નાટયકળાની વિશેષ તાલીમ લેવા માટે એમણે આખી ટીમને રાજ્યના ખર્ચે વિદેશ મોકલવાનો નિર્ણય લીધો. કમનસીબે અંગ્રેજીનું જ્ઞાાન ન હોવાથી જયશંકરનું નામ સામેલ કરી શકાયું નહીં. બાલગંધર્વે કિર્લોસ્કર નાટકમંડળીથી અલગ થઈને ખુદની ગંધર્વ નાટકમંડળી સ્થાપી ત્યારે મહારાજા સયાજીરાવ તેમને પણ મદદરૂપ થયા હતા. ગંધર્વ નાટકમંડળીએ વર્ષમાં ત્રણથી પાંચ નાટકો વડોદરામાં ભજવવા અને બદલમાં મહારાજ એમને પાંચ હજાર રૂપિયા આપે એવું નક્કી થયું. 'વિદ્યાહરણ' નામના નાટકમાં બાલગંધર્વની દેવયાનીની ભૂમિકા ખૂબ વખણાઈ. એમણે ગાયેલાં ગીતો મહિનાઓ જુવાનિયાઓ ગાતા રહેતા. આ નાટકનાં ગીતોની રેકોર્ડ પણ ખૂબ વેચાઈ.

Bal Gandharv 

બાલગંધર્વે કુલ ૨૭ નાટકોમાં ૩૬ ભૂમિકાઓ ભજવી. છ નાટકોમાં એમના ડબલ રોલ હતા અનેે એક નાટકમાં તો ચાર-ચાર રોલ હતા. ૩૬માંથી ૭ ભૂમિકાઓ પુરુષની હતી, બાકીની સ્ત્રીની. જયશંકર સુંદરીએ ૩૨ વર્ષની કારકિર્દીમાં ૪૧ નાટકો કર્યાં. આમાંથી ૧૩ નાટકોનું ડિરેક્શન પણ કર્યું હતું. જયશંકર પુરુષવેશમાંય એટલા જ અસરકારક હતા. 'મેના ગુર્જરી' નાટકમાં તેઓ મેનાના વૃદ્ધ પિતા બનતા. કન્યાવિદાયવાળા દૃશ્યમાં તેઓ એટલો સુંદર અભિનય કરતા કે ઓડિયન્સ રડી પડતું.
હાઈ પ્રોફાઇલ કલાકારોના અંગત જીવનને સામાન્યપણે સીધી લીટીમાં ગતિ કરવાનું ફાવતું હોતું નથી. જયશંકરનું અંગત જીવન ભરપૂર નાટયાત્મક હતું. ચૌદ વર્ષની ઉંમરે ઇચ્છા નામની કન્યા સાથે તેમનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. પત્ની ગંભીર અને લાંબી માંદગીમાં પટકાઈ. પત્ની સહિત ઘરના સૌએ બહુ મનાવ્યા એટલે જયશંકરે મણિ નામની એક બાળવિધવા સાથે બીજાં લગ્ન કર્યાં. જોકે, મણિ સાથેનું દાંપત્યજીવન એટલી હદે ત્રાસજનક પુરવાર થયું કે એક વાર જયશંકરે આપઘાત કરવા દરિયામાં દોટ લગાવી હતી. છેલ્લી ઘડીએ કોઈએ એમને બચાવી લીધા. વાત અહીં પૂરી થતી નથી. બન્ને પત્નીઓની હયાતીમાં જયશંકરે ચંપા નામની યુવતી સાથે ત્રીજાં લગ્ન કર્યાં. સદ્ભાગ્યે ચંપાએ એમને સુખ આપ્યું. ચાર સંતાનો પણ આપ્યાં.
આ તરફ કેટલીય મુસીબતોમાંથી પસાર થઈ રહેલી બાલગંધર્વની નાટકમંડળીમાં કર્ણાટકની ગૌહરબાઈ નામની અભિનેત્રી જોડાઈ હતી. નટી તરીકે સાવ નિષ્ફળ ગયેલી ગૌહરબાઈએ બાલગંધર્વની લગ્નનૈયા ડગમગાવી નાખી. ત્રીસ-ત્રીસ વર્ષથી નાટકો કરી રહેલા બાલગંધર્વની છાપ બહુ ચોખ્ખી હતી, પણ ગૌહરબાઈએ એમને ચલિત કરી નાખ્યા. ગૌહરબાઈને ઓલરેડી એક પતિ અને પુત્રી હતાં. બાલગંધર્વની પત્ની હયાત હોવાથી કાયદેસર બીજાં લગ્ન થઈ શકે એમ નહોતાં, પણ ગૌહરબાઈ સાથે તેમનું પ્રેમપ્રકરણ ચાલતું રહ્યું. પત્ની અને માતા બન્નેનાં મૃત્યુ થયાં બાદ જ બાલગંધર્વનો માર્ગ મોકળો થયો. ગૌહરબાઈ સાથે એમણે રજિસ્ટર્ડ મેરેજ કર્યાં. બે જ વર્ષ પછી ૧૯૫૨માં તેમના પર પક્ષાઘાતનો હુમલો થયો. નાટકો સાવ ઓછાં કરી નાખવાં પડયાં. એવી હાલત થઈ ગઈ કે સીધા ઊભા પણ રહેવાતું નહોતું. આવી હાલતમાંય તેમણે 'એકાચ પ્યાલા' નામનું નાટક કર્યું, જે એમની કારકિર્દીનું છેલ્લું નાટક બની રહ્યું.
ગૌહરબાઈ તો બાલગંધર્વની કીર્તિ અને પૈસાને વરી હતી. પતિની પૂરતી સારવાર કરવામાં એ ઊણી ઊતરી. બાલગંધર્વની કથળેલી આર્થિક હાલત જોઈ મહારાષ્ટ્ર સરકારે એમને માનધન આપવાનું શરૂ કર્યું. ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા. ગૌહરબાઈનાં મૃત્યુ પછી સાવ એકલા પડી ગયેલા બાલગંધર્વ મુંબઈ છોડીને સગાંવહાલાં પાસે ન જ ગયા. જિંદગીનાં છેલ્લાં ત્રણ વર્ષ એમણે લગભગ પથારીવશ થઈને ગાળ્યાં. કુદરતી હાજતે જવા માટે પણ બીજાઓની મદદ લેવી પડતી. એક પર્ર્ફોિંમગ આર્ટિસ્ટ માટે આવી હાલત કેટલી દયનીય હોવાની. એક મિત્રને એમણે પત્રમાં લખેલું: 'હું ગાઈ શકતો નથી તેથી જાતને સખત આઘાત લાગ્યો છે. મારું આખું જીવન કલામાં ગયું અને છેવટે આવી સ્થિતિ થઈ. હું જેમતેમ કરીને દિવસો કાઢું છું.' ત્રણ મહિના બેશુદ્ધિ બાદ તેમણે અંતિમ શ્વાસ લીધો.
પદ્મભૂષણનો ખિતાબ જયશંકર સુંદરીને પણ મળ્યો હતો. બાલગંધર્વની તુલનામાં તેમના અંતિમ વર્ષો સુખરૂપ ગયાં. નિવૃત્તિ પછી પણ તેઓ પ્રવૃત્ત રહ્યા હતા. વીસનગરમાં સાહિત્ય કલામંડળ સ્થાપી દોઢ દાયકા સુધી તેના આચાર્યપદે રહ્યા. જયશંકરે પુસ્તકો પણ લખ્યાં છે. 'થોડાં આંસુ થોડાં ફૂલ' નામની આત્મકથા ઉપરાંત 'ભવાઈ અને તરગાળા', 'મારું સ્વપ્ન ફળશે કે', 'રંગભૂમિ પરના મારા સહયોગીઓ', 'ગુજરાતી રંગભૂમિ અને તેના ઇતિહાસની જરૂર' જેવા અભ્યાસપૂર્ણ લેખો લખ્યા છે. ૧૯૫૧માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બહુમાન મેળવનારા તેઓ પહેલા અભિનેતા. ૨૨ જાન્યુઆરી,૧૯૭૫ના રોજ ૮૬ વર્ષની વયે તેમનું નિધન થયું. તેમની સ્મૃતિમાં અમદાવાદના એક નાટયગૃહને જયશંકર સુંદરી હોલ નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે પૂનામાં બાલગંધર્વ રંગમંદિરની સ્થાપના કરવામાં આવી, જેમાં આજેય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
૨૦૧૧માં બાલગંધર્વના જીવન પર એક ખૂબસૂરત મરાઠી કમર્શિયલ ફિલ્મ બની હતી, જે બોક્સઓફિસ પર પણ સરસ ચાલી હતી. ગુજરાતી સિનેમા જો સાચી દિશામાં ગતિ પકડશે તો કોઈ ફિલ્મમેકર વહેલામોડા જયશંકર સુંદરીના જીવન પરથી બાયોપિક બનાવવાનું જરૂર વિચારશે. ટચવૂડ.
0 0 0

Tailer of Balgandharva - a movie in Marathi :
https://www.youtube.com/watch?v=wUqArtYscIo

A song from the movie:
https://www.youtube.com/watch?v=yOb5v9NELUw 

Monday, July 13, 2015

મલ્ટિપ્લેક્સ: જીવન, મૃત્યુ અને એમી વાઈનહાઉસ

Sandesh - Sanskar Purti - 12 July 2015

મલ્ટિપ્લેક્સ 

ગજબની ટેલેન્ટેડ બ્રિટિશ ગાયિકા અને ગીતકાર એમી વાઈનહાઉસનું ફકત ૨૭ વર્ષની ઉંમરે અતિ ડ્રગ્ઝ અને અતિ શરાબને કારણે મૃત્યુ થઈ ગયું. શું એ માત્ર વ્યસનોને કારણે મરી હતી? કે પછી હાનિકારક સંબંધોએ પણ એનો જીવ હણવામાં યથાશકિત ફાળો આપ્યો હતો? જેનાથી એમી ઘેરાયેલી રહેતી એ પરિવારજનો, દોસ્તો તેમજ પ્રોફેશનલ સાથીઓ એને કેમ બચાવી ન શકયા? મૃત્યુના ચાર વર્ષ પછી પણ આજેય એમીનું મોત એક અકળ ભેદ બનીને ઊભું છે. કાચી ઉંમરે રહસ્યમય રીતે મૃત્યુને ભેટેલા હાઈ-પ્રોફાઈલ કલાકારનું જીવન ફિલ્મો તેમજ કથાઓ માટે આકર્ષક વિષય બની જતું હોય છે.



જે કોઈ હિન્દી કે ઈંગ્લિશ ફીચર ફિલ્મને બદલે એક ઉત્તમ ડોકયુમેન્ટરી વિશે વાત કરવી છે. સિનેમાના પ્રેમીઓએ રેગ્યુલર ફિલ્મોની સાથે સાથે શોર્ટ ફિલ્મ્સ અને ડોકયુમેન્ટરી માટેનો ટેસ્ટ પણ ધીમે ધીમે કેળવવો જોઈએ. આજે જેની વાત કરવાના છીએ તે ડોકયુમેન્ટરીનું નામ છે, 'એમી'. ભારતીય મૂળ ધરાવતા આસિફ કાપડિયા નામના બ્રિટિશ ફિલ્મમેકરે બનાવેલી 'એમી' આ શુક્રવારે ભારતમાં રિલીઝ થઈ છે. ડોકયુમેન્ટરીઝની દુનિયામાં આસિફનું નામ અને કામ બન્ને મોટાં છે. 'એમી'નું પ્રીમિયર આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયું હતું. ખૂબ વખણાઈ આ ફિલ્મ. તરત જ એને ટ્રેજિક માસ્ટરપીસનું બિરુદ આપી દેવામાં આવ્યું.
એમી એટલે એમી વાઈનહાઉસ. ગજબની ટેલેન્ટેડ બ્રિટિશ ગાયિકા અને ગીતકાર. ઘણા લોકો એને મ્યુઝિકલ જિનિયસ કહેતા. રુપકડો કરતાં વરણાગી વધારે લાગે એવો એનો દેખાવ. એ ઘેરું કાજલ લગાડતી અને બન્ને આંખને ખૂણે ઊંચે સુધી તીખી અણી બનાવતી. હેરસ્ટાઈલ ૧૯૬૦-૭૦ના દાયકાની આપણી હિન્દી હિરોઈનો જેવી. ઊંચો, ડબલ અંબોડો લીધો હોય એવી. વેસ્ટર્ન મ્યુઝિકનાં ક્ષેત્રમાં એમી વાઈનહાઉસ બોમ્બની જેમ ફાટી. કમનસીબે એની પ્રતિભા હજુ તો પૂરેપૂરી નિખરીને બહાર આવે અને એ નવી ઊંચાઈઓ સર કરે તે પહેલાં ફકત ૨૭ વર્ષની ઉંમરે અતિ ડ્રગ્ઝ અને અતિ શરાબને કારણે એનું મૃત્યુ થઈ ગયું. શું એ માત્ર વ્યસનોને કારણે મરી હતી? કે પછી હાનિકારક સંબંધોએ પણ એનો જીવ હણવામાં યથાશકિત ફાળો આપ્યો હતો? જેનાથી એમી ઘેરાયેલી રહેતી એ પરિવારજનો, દોસ્તો તેમજ પ્રોફેશનલ સાથીઓ એને કેમ બચાવી ન શકયા? મૃત્યુના ચાર વર્ષ પછી પણ આજેય એમીનું મોત એક અકળ ભેદ બનીને ઊભું છે. કાચી ઉંમરે રહસ્યમય રીતે મૃત્યુને ભેટેલા હાઈ-પ્રોફાઈલ કલાકારનું જીવન ફિલ્મો તેમજ કથાઓ માટે આકર્ષક વિષય બની જતું હોય છે.
 એમી વાઈનહાઉસનાં નામે પાંચ વર્ષની કરીઅરમાં ફકત ત્રણ આલ્બમ બોલે છે. દાયકાઓ કે સદીઓ પહેલાં થઈ ગયેલા વ્યકિતવિશેષ વિશે વાત કરતી વખતે થોડી ક્રિયેટિવ છૂટછાટ લઈ શકાતી હોય છે, પણ એમીનું જીવન અને મૃત્યુ બન્ને લોકોની સ્મૃતિમાં સાવ તાજાં હતાં. તેથી તેને પડદા પર પેશ કરતી વખતે વધારે સતર્ક રહેવું પડે. એમીને લગતું બધું ફૂટેજ મળશે? એના પરિવારજનો, ભૂતપૂર્વ પતિ, દોસ્તો, પ્રોફેશનલ સાથીઓ વગેરે ખૂલીને પ્રામાણિકતાથી કેમેરા સામે બોલશે? કામ પડકારજનક હતું,પણ આસિફ કાપડિયાએ પ્રયત્ન છોડયા નહીં.
એમીનું આખું જીવન ઘટનાચૂર હતું. સોળ વર્ષની થઈ ત્યારે એને મ્યુઝિક સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એનું ધ્યાન ભણવામાં ચોંટતું નહોતું એટલે અને એણે નાક વીંધાવ્યું હતું એટલે! સદનસીબે એ જ વર્ષે એને જિંદગીનો પહેલો મોટો બ્રેક મળ્યો. એમીના પોપસિંગર દોસ્તે એની ડેમો ટેપ પોતાની કંપનીના માલિકોને સંભળાવી. કંપની એ વખતે સારા જેઝ સિંગરની શોધમાં હતી. એમીનો અવાજ ગમી જતાં એમણે એમીને સાઈન કરી લીધી. આ રીતે ૨૦૦૩માં એમીનું પહેલું આલબમ બહાર પડયું -'ફ્રેન્ક'. તે ખૂબ વખણાયું. ઘણા અવોર્ડ્ઝ જીત્યાં એણે. એમીના અવાજમાં ગજબની પક્વતા હતી. એને સાંભળીને લોકોને એવી લાગણી થતી જાણે આ છોકરી આખી જિંદગીની તડકીછાંયડી જોઈને બેઠી છે.
Amy Winehouse with her husband, Blake Fielder-Civil

એમીએ પુખ્ત થતાં પહેલાં જ શરાબ પીવાનું શરૂ કરી દીધું હતું. એની ઈમેજ એક શરાબી પાર્ટી ગર્લ તરીકે પડી ગઈ હતી. પહેલાં આલબમ પછી એનાં સ્ટેજ પર્ફોર્મન્સીસ થતાં ત્યારે પણ એ શરાબ ઢીંચીને આવતી. આ જ અરસામાં એનો ભેટો બ્લેક ફીલ્ડર-સિવિલ નામના છોકરા સાથે થઈ ગયો. એ મ્યુઝિક વિડીયો આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. એમીને નશીલી દવાનો ચટકો આ છોકરાએ જ લગાડયો. એમીને હેરોઈન-કોકેન જેવી ખતરનાક ડ્રગ્ઝનો બંદોબસ્ત કરી આપવાનું એનું મુખ્ય કામ. ધીમે ધીમે એ એનો બોયફ્રે્ન્ડ બની ગયો. બન્ને વચ્ચે જાહેરમાં ઝઘડા અને મારામારી સુધ્ધાં થતી, પણ એમીને એના વગર ચાલતું નહીં. બ્લેકને એ પોતાનું પુરુષ-વર્ઝન કહેતી.
એમીનાં શરાબ - ડ્રગ્ઝ એટલા વધી ગયાં કે એની મેનેજમેન્ટ કંપનીએ એને નશાથી છૂટકારો મેળવવા ત્રણ અઠવાડિયા માટે રિહેબ સેન્ટરમાં જવાની સલાહ આપી હતી. એમીએ ચોખ્ખી ના પાડી દીધી. પોતાના આ અનુભવને એણે 'રિહેબ' ગીતમાં ઢાળ્યો. એમીના બીજાં મેગા હિટ આલબમ 'બેક ટુ બ્લેક'નું આ મુખ્ય ગીત બન્યું. યુરોપ બાદ અમેરિકામાં આલબમ લોન્ચ થતાં જ સુપર હિટ થઈ ગયું હતું. બિલબોર્ડ મ્યુઝિક ચાર્ટમાં કેટલાંય અઠવાડિયાં સુધી તે અડિંગો જમાવીને બેસી રહૃાું. અમેરિકાના મ્યુઝિક ચાર્ટમાં કોઈ બ્રિટીશ મહિલા સિંગરનું ગીત આટલો લાંબો સમય રહૃાું હોય તેવું પહેલી વાર બન્યું. એ જ અરસામાં એમીએ બ્લેક સાથે લગ્ન કર્યાં. એ બ્લેકને પ્રેમ પણ કરતી હશે, બ્લેકને એ પોતાની પ્રેરણા ગણતી હતી, પણ આ ધીમે ધીમે સ્પષ્ટ થતંુ ગયું કે એમી-બ્લેકનાં લગ્નજીવનનો પાયો પ્રેમ કે દોસ્તી નહીં, પણ ડ્રગ્ઝનું બંધાણ હતું. એમીએ ખુદ આ વાત કબૂલી હતી.
૨૦૦૮માં એમીના 'બેક ટુ બ્લેક' આલબમે પાંચ ગ્રેમી અવોર્ડ્ઝ જીતી લઈને ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો. ગ્રેમીના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ બ્રિટીશ સિંગરે એક સાથે પાંચ-પાંચ અવોર્ડ જીતી લીધા હોય. કમબખ્તી એ થઈ હતી કે ડ્રગ્ઝના ડિંડવાણાને કારણે એમીને અમેરિકાનો વિસા ન મળ્યો. એ ગ્રેમી અવોર્ડ ફંકશનમાં હાજર ન રહી શકી. એણે જે પર્ફોર્મન્સ આપવાનું હતું તે લંડનમાં આપવું પડયું. ગ્રેમી અવોર્ડ ફંકશનમાં તે લાઈવ દેખાડવામાં આવ્યું. એક પછી એક પાંચ અવોર્ડ ઘોષિત થયા ત્યારે એમીના આનંદનો પાર ન રહૃાો. એક દોસ્તને એણે તે વખતે કહેલું: શીટ યાર, ડ્રગ્ઝ વગર હું ખુશી બરાબર ફીલ કરી શકતી નથી. ઈટ્સ બોરિંગ વિધાઉટ ડ્રગ્ઝ! સિદ્ધિની આવી ચરમ ક્ષણે પણ એમી ડ્રગ્ઝને મિસ કરી રહી હતી!
એમીના પિતા મિચ વાઈનહાઉસ પણ અજબ કેરેકટર છે. ડ્રગ્ઝના પ્રલોભનથી દૂર રહી શકાય તે માટે એમી એક વાર થોડા દિવસો માટે સેન્ટ લુસિયા ગઈ હતી તો એના પિતા પોતાની સામે કેમેરા ક્રૂ લઈને પાછળ પાછળ ત્યાં પહોંચી ગયા હતા. મિચ પોતાની સેન્ટ લુસિયાની ટ્રિપને રેકોર્ડ કરવા માગતા હતા! એમી પાપારાઝીઓના ત્રાસથી બચવા માગતી હતી, પણ બાપ પોતે જ ફોટોગ્રાફરોને પોતાની સાથે તેડી લાવ્યો! દીકરી મોત સામે સંઘર્ષ કરી હોય, ડ્રગ્ઝથી છૂટવાનો મરણિયા પ્રયત્નો કરી રહી હોય ત્યારે બાપ તરીકે એણે હૂંફ આપવાની હોય કે દીકરીની પીડાનો તમાશો કરવાનો હોય? દીકરીની સફળતા અને પ્રસિદ્ધિનો નશો બાપને ચડી ગયો હતો? એ લાલચુ અને સંવેદનહીન બની ગયો હતો? એમીની પડતીમાં એના પતિદેવનો મોટો હાથ હોત જ,પણ એમીના પિતાની ભુમિકા પણ કંઈ વખાણવા જેવી તો નથી જ. આસિફ કાપડિયાએ ડોકયુમેન્ટરી માટે એમીના પિતાજીનો અપ્રોચ કર્યો ત્યારે એણે તાનમાં તાનમાં ઈન્ટરવ્યુ તો આપી દીધો, પણ પછી ફફડી ઉઠયા. ડોકયુમેન્ટરીમાં પોતાનું ખરાબ દેખાશે એવો અણસાર આવતા એણે આસિફ અને એની ફિલ્મની બુરાઈ શરૂ કરી દીધી. આસિફ અને એના પ્રોડયુસરોએ શરમાવું જોઈએ એ પ્રકારના આકરા સ્ટેટમેન્ટ સુધ્ધાં કરી નાખ્યા.
લાખ કોશિશ છતાં એમી શરાબ અને ડ્રગ્ઝથી દૂર ન જ રહી શકી. સ્ટેજ પર ગીત ગાવા આવે ત્યારે એના પગ લથડિયાં ખાતા હોય, એ ગડથોલું ખાઈને પડી જાય, શબ્દો ભુલી જાય, ઓડિયન્સ હૂરિયો બોલાવે. આવું કેટલુંય વાર બનતું. આ બધા શરમજનક વિડીયો યુટયુબ પર આજે ય જોઈ શકાય છે. એક વાર એમીએ પોતાની ચાહકને લાફો ઠોકી દીધો હતો. એનીની કેટલીય કોન્સર્ટ્સ કેન્સલ કરવી પડતી. એમી અને એના વરે એકથી વધારે વાર જેલમાં જવું પડયું. એ બન્નેના પછી ડિવોર્સ પણ થઈ ગયા. એમીની આવી વંઠેલ લાઈફસ્ટાઈલથી મિડીયાને જલસો પડી જતો. ટેબ્લોઈડ્સ અને ટીવીના ગોસિપ શોઝમાં એમી છવાયેલી રહેતી. એનીની બ્રાન્ડવેલ્યુ ઓર ઊંચકાતી. મ્યુઝિક આલબમ્સ ઓર વેચાતા. 'રોકસ્ટાર' ફિલ્મનો રણબીર કપૂર યાદ આવે છે? બસ, એવું જ નિરંકૂશ એમીનાં જીવનમાં વાસ્તવમાં બની રહૃાું હતું. આખરે શરાબ, ડ્રગ્ઝ અને કથળેલી શારીરિક-માનસિક હાલતે ૨૭ વર્ષની એમીનો જીવ લીધો.
Director Asif Kapadia

એમીના ચાહકોને એ વાત સમજાતી નથી કે એમી સતત આટલા બધા લોકોથી વીંટળાયેલી રહેતી તો એ આ રીતે મરી શી રીતે શકે? એમીએ દોસ્તોનાં ટોળાં એકઠા કરી નાખ્યા હતા. સૌ પોતાને એમીના બેસ્ટ ફ્રેન્ડ ગણાવતા. જોવા જેવી વાત એ હતી કે આ બેસ્ટ ફ્રેન્ડોએ આપસમાં એકબીજાનું નામ પણ સાંભળ્યું નહોતું. એમી પોતાના દોસ્તોને એકબીજાથી અલગ-અલગ રાખતી, તેમની વચ્ચે વિભાજનરેખા દોરી રાખતી. આથી એવું બનતું કે જે-તે દોસ્ત અમુક સમય પૂરતો એની ખૂબ નિકટ હોય, પણ એની પાસે આખું ચિત્ર ન હોય. ખૂબ બધા દોસ્તો હોવા છતાં એમી એકલતા અનુભવતી.
એમી માટે એવો સવાલ પૂછાય છે કે શું એ પોતાની ટેલેન્ટ કરતાં વંઠેલ લાઈફસ્ટાઈલના જોરે સુપર સેલિબ્રિટી બની ગઈ હતી? કે પછી, એ એક અસલી કલાકાર હતી જે શિખર પહોંચે તે પહેલાં જ વિલીન થઈ ગઈ? આસિફ કાપડિયા એક મુલાકાતમાં કહે છે, 'મારી ડોકયુમેન્ટરી માટે હું લગભગ સો લોકોને મળ્યો, પણ મને તકલીફ એ વાતની છે કે કોઈએ મને સાચા અને સંતોષકારક જવાબો આપ્યા નથી. સૌ એમીને ટુકડાઓમાં જાણતા હતા. એવી કોઈ વ્યકિત નથી જેને એમી વિશે બધ્ધેબધ્ધી ખબર હોય.'
'એમી' ફિલ્મમાં આ જ છે - એમીના જીવન અને મૃત્યુને ઉકેલવાનો પ્રયાસ. તમને વેસ્ટર્ન મ્યુઝિકમાં ઊંડો રસ ન હોય તો પણ એક કલાકારની ચડતીપડતી સમજવા માટે 'એમી' ડોકયુમેન્ટરી જોવા જેવી છે.
શો-સ્ટોપર

મને આજકાલની છોકરડીઓ ગમતી નથી. એ લોકો બહુ જ બોલ-બોલ કરે, તમને 'બ્રો' કહીને સંબોધે. આ બધી છોકરી કરતાં છોકરા જેવી વધારે દેખાતી હોય છે. એ વધારે પડતી કયુટ હોય છે અને અકારણ આકરું વર્તન કરતી હોય છે.
- રંદીપ હૂડા

Friday, July 10, 2015

ટેક ઓફ : જોઈ લેવાશે!

Sandesh - Ardh Saptahik Purti - 8 July 2015

ટેક ઓફ 

જુવાનીમાં જોશની તીવ્રતા વધારે હોય છેમન વધારે સ્વપ્નિલ હોય છેજીવન પ્રત્યેની મુગ્ધતા હજુ ટકેલી હોય છે. આથી'સોચના ક્યા જો ભી હોગા દેખા જાએગા'વાળો સ્પિરિટ ધખધખતો હોય છે. બસસફર કરવી છે અને મંજિલ પર પહોંચવું છે એટલી જ ખબર છે. ગંતવ્યસ્થાન કેટલું દૂર છેત્યાં સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડશે એ બધું જોઈ લેવાશે!



બે કવિઓ છે. બે ગઝલો છે. મિજાજ એક છે. 'મિલાપની વાચનયાત્રા' શૃંખલાની ૧૯૫૯વાળી એડિશનમાં રતિલાલ 'અનિલ'ની ગઝલને સ્થાન મળે છે, જ્યારે ૧૯૬૦વાળા સંગ્રહમાં હેમંત દેસાઈની કૃતિ છપાય છે. બન્નેનું શીર્ષક એક - 'જોઈ લેવાશે!' દરેક શેરમાં આ શબ્દો રદીફ બનીને પુનરાવર્તિત થતા રહે છે. એકમેકના એક્સટેન્શન જેવી આ બંને ગઝલો મસ્ત મજાની છે. બન્ને પાનો ચડાવી દે એવી છે. કવિ હિતેન આનંદપરા જણાવે છે તેમ, આ બન્ને રચનાઓ તરાહી પ્રકારના મુશાયરામાં જન્મી હોઈ શકે,જેમાં એક કોમન શબ્દપ્રયોગ પકડીને રચાયેલી ગઝલો પેશ થતી હોય છે. આ સામ્ય કેવળ યોગાનુયોગ હોય એવુંય બને. આપણે ગઝલો માણીએ એક પછી એક. રતિલાલ 'અનિલ' શરૂઆત કેમ કરે છે તે જુઓઃ   
ભલે આવે ગમે તેવો જમાનો જોઈ લેવાશે,
નવો રસ્તો પરિવર્તન ફનાનો જોઈ લેવાશે.

અમોને તોળનારાઓ જશે તોળાઈ ખુદ પોતે,
હશે દેવાળિયો કે દોસ્ત દાનો જોઈ લેવાશે.

સમય તો બદલાયા કરે. એ બદલાશે જ. જમાનાનો સ્વભાવ છે પરિવર્તન પામવાનો, પણ તેથી શું ડરી જવાનું? નવા વાતાવરણમાં કે નવાં નીતિ-મૂલ્યોમાં ગોઠવાઈ નહીં શકાય એનો ડર, બીજાઓ તમને ફેંકીને આગળ નીકળી જશે એનો ડર,રિલેવન્ટ ન રહી શકવાનો ડર. ના. કવિ કહે છે, ભલે ગમે તેવો બદલાવ આવે, જોઈ લેવાશે! વધારે સંઘર્ષ કરીશું, વધારે મહેનત કરીશું, જરૂર પડયે માહ્યલાને અકબંધ રાખીને ખુદને રિ-ઇનવેન્ટ કરીશું. સમય આવ્યે જ સમજાતું હોય છે કે કોણ દેવાળિયો છે, કોણ દાનવીર છે, કોણ પોતાનું છે, કોણ પારકું છે, કોણ અણીના સમયે પડખે ઊભું રહે છે, કોણ પીઠ ફેરવીને નાસી જાય છે.
સુરત છુપાવશે, કિન્તુ અનુભવ ક્યાં છુપાવવાનો?
હશે શાણો હકીકતમાં દીવાનો જોઈ લેવાશે!

હલેસું હાથમાં લઈને ઝુકાવી નાવ સાગરમાં-
તરંગો જોઈ લેવાશે, તુફાનો જોઈ લેવાશે.
બહુ સુંદર પંક્તિઓ છે. માણસ દુનિયાથી પોતાનો ચહેરો છુપાવી શકે છે, જે નથી તે હોવાનો આડંબર કરી શકે છે, જે છે એને ઢાંકી શકે છે, પણ જેમાંથી પસાર થવું પડયું છે તે અનુભવોને અને તે અનુભવોને લીધે વ્યક્તિત્વમાં ઉમેરાઈ ગયેલાં સારાં-માઠાં તત્ત્વોને શી રીતે છુપાવી શકશે? અનુભવો માણસનો વર્તમાન રચે છે અને વર્તમાન ક્રમશઃ એનો અતીત બનતો જાય છે. માણસ ગમે તેટલો ઠાવકાઈનો આડંબર કરે, પણ વાસ્તવમાં જો એ દીવાનો હશે તો એનું દીવાનાપણું વહેલું-મોડું છતું થવાનું જ છે. પછીના શેરમાં કવિ કહે છે, ક્યાં સુધી ગણી ગણીને પગલાં ભરીશું? ક્યાં સુધી જે આવ્યું નથી એનાથી ડરતા રહીશું? નાવ છે,હલેસું છે, બસ, ઝુકાવી દો સમુંદરમાં. મોજાં ઊછળવાનાં હશે તો ઊછળશે. તોફાન આવવાનું હશે તો આવશે. જોઈ લેવાશે! આમ ક્યાં સુધી તોફાનની બીકે કાંઠે બંધાઈ રહીશું. યાહોમ કરીને કૂદી પડવાનું છે. આગળ ફતેહ મળશે જ એવી શ્રદ્ધા રાખવાની છે. પરિસ્થિતિ બધું જ શીખવી દે છે માણસને.
તરસ એવી લઈ નીકળ્યો છું હું દુનિયાના બાઝારે,
પરબ છે કે કલાલોની દુકાનો? જોઈ લેવાશે.

કબરમાં પ્રાણ કે મુર્દા વસે છે કોઈ આલયમાં?
મઝારો જોઈ લેવાશે, મકાનો જોઈ લેવાશે.
સપાટી પર રખડવાથી શિખર પર પહોંચવું સારું,
'અનિલ' ત્યાંથી જગતનાં સર્વ સ્થાનો જોઈ લેવાશે.

કલાલ એટલે દારૂ બનાવનારો. કવિ કહે છે કે તરસ તો ખૂબ છે, પણ તરસ છિપાવનારો કોણ છે? પરબ ખોલીને બેઠેલો સેવાભાવી કે દારૂ બનાવીને વેચનારો ધંધાદારી? જીવનમાં કયા તબક્કે કોેની સાથે ભેટો થઈ જવાનો છે તે નસીબ નક્કી કરતું હોય છે?સાત્ત્વિક અને તામસિક વચ્ચેની પસંદગી આખરે તો આપણે જ કરવાની છે. કવિ પૂછે છે કે કોણે કહ્યું કે મદડાં ફક્ત કબ્રસ્તાનમાં જ વસે છે? જીવતી લાશ જેવા નિષ્પ્રાણ માણસો આપણે નથી જોતા શું? ગઝલને અંતે કવિ કહે છે, નજારો જોવાના બે વિકલ્પો છે - કાં તો સપાટી પર ચારેકોર ફરી વળો અથવા તો પર્વતના શિખર પર પહોંચી જાઓ અને પછી ટોચ પરથી વિહંગાવલોકન કરો. કવિ કહે છે કે નીચે નીચે ફરવા કરતાં સંઘર્ષ કરીને શિખર પર પહોંચવું સારું, કેમ કે નીચે રહીને જે ક્યારેય નજરે ચડવાનું નથી તે જોઈ શકવાનો લહાવો પણ અહીંથી મળશે. લંબાઈ નહીં, પણ ઊંચાઈ મહત્ત્વની છે!

હવે બીજી રચના. કવિ છે હેમંત દેસાઈ. એ જ જુસ્સો છે, એ જ આવેગ છે, જે આગલી કૃતિમાં હતો. ગઝલનો ઉઘાડ જુઓ-
થવા દે થાય તે, અમને નથી ડર, જોઈ લેવાશે!
જવાની પર ભરોસો છે સદંતર, જોઈ લેવાશે!

બનીને બુંદ આલમનો સમુંદર જોઈ લેવાશે!
સફર કરવા કરી છે હામ, અંતર જોઈ લેવાશે!
જુવાનીમાં જોશની તીવ્રતા વધારે હોય છે, મન વધારે સ્વપ્નિલ હોય છે, જીવન પ્રત્યેની મુગ્ધતા હજુ ટકેલી હોય છે. આથી 'સોચના ક્યા જો ભી હોગા દેખા જાએગા'વાળો સ્પિરિટ ધખધખતો હોય છે. બસ, સફર કરવી છે અને મંજિલ પર પહોંચવું છે એટલી જ ખબર છે. ગંતવ્યસ્થાન કેટલું દૂર છે, ત્યાં સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડશે એ બધું જોઈ લેવાશે! આ યુવાનીનાં લક્ષણો છે. યુવાની કેવળ શારીરિક નહીં, માનસિક અવસ્થા પણ છે. શરીરની ઉંમર વધે તોય મનનો જુવાન મિજાજ જળવાઈ રહેતો હોય છે, જળવાઈ રહેવો જોઈએ. પોતાની જાત પરનો પૂર્ણ ભરોસો માત્ર જુવાની દરમિયાન નહીં, જીવનના કોઈ પણ તબક્કે હોવો જોઈએ.
મને ગભરાવ ના રાહી! 'વિકટ આ પંથ છે' કહીને,
પથિકની પહોંચ તો જોજોને, પથ પર જોઈ લેવાશે!

જહીં હસતાં જ હસતાં જીવવાની નેમ લઈ બેઠા,
પડે છે કેટલી માથે જીવનભર, જોઈ લેવાશે!

જીવનની ચાંદની અવરોધતી આ શ્યામ વાદળીઓ
વહી જાય રમત રમતી ઘડીભર, જોઈ લેવાશે!

સાહસ કરવા નીકળીએ ત્યારે 'બહુ અઘરું છે... તારાથી નહીં થઈ શકે' એવું કહીને ડરાવનારાઓ અચૂક મળી આવવાના. ઉત્સાહ ભાગી નાખતા શબ્દોને કાન પર ધરવાના જ નહીં, પણ શુભ આશય સાથે ઉચ્ચારાયેલા સાવચેતીના સૂર સાંભળી લેવાના, એમાંથી જે કંઈ પૂર્વતૈયારી દરમિયાન ઉપયોગી બની શકે તેમ હોય તેને અલગ તારવી લેવાના અને પછી નીકળી પડવાનું. એ જ ઝનૂન સાથે, એ જ પેશન સાથે. ખુદની અંદર કેટલી શક્યતાઓ ધરબાયેલી છે એની આપણને ઘણી વાર ખબર હોતી નથી. રસ્તે ચાલતાં ચાલતાં નવાં નવાં કૌશલ્યોની જરૂર પડશે તો એ શીખતાં જવાનાં. હસતા રહેવું છે, ઝિંદાદિલીથી જીવવું છે એટલું નિશ્ચિત છે. આફતો આવશે, અવરોધો પેદા થશે, નિરાશાની ક્ષણો પણ આવશે, પણ આમાંનું કશું કાયમી રહેવાનું નથી. સૂર્યની સામે વાદળાંનું કેટલું જોર? એ સૂરજને થોડી વાર ઢાંકી શકશે, પણ આખરે તો એણે વિખરાવું જ પડશે.
ગઝલની અંતિમ પંક્તિઓ -     

નથી શ્રદ્ધા જગતની ખાનદાની પર હવે મુજને,
અને એથી જ હું ભટકું છું કે ઘર ઘર, જોઈ લેવાશે!

જવાનીમાં જ આફતનાં અનેરાં ઝેર પી લીધાં,
હવે શું આવશે એથી ભયંકર? - જોઈ લેવાશે!

જમાનાના ગગન પર તારલા શું સ્થાન તો લાદ્યું!
ચમકવું કેટલું, ક્યારે? - વખત પર જોઈ લેવાશે!
ગઝલનો સૂર હવે બદલાય છે. સારા કરતાંય માઠા અનુભવો માણસને ઘણું બધું શીખવી દે છે. સફર દરમિયાન કેટલાય ભ્રમો ભાંગે તેેવું બને. સફર જેવી કલ્પી હતી તેવી સુખદ પુરવાર ન પણ થાય. જમાનો ખરાબ છે એવું અવારનવાર કહેવાય છે. કદાચ આ પ્રકારની અતિશયોક્તિભરી સમગ્ર અસર ઊપજી શકે, પણ તેનો મતલબ એવો નથી કે આ જમાનામાં જીવતો એકેએક જણ ખરાબ છે. તે શક્ય જ નથી. ખરાબ કરતાં સારા માણસોની સંખ્યા હંમેશાં ઘણી વધારે હોવાની. તો જ સંતુલન જળવાઈ રહે. ખરાબ અનુભવો થાય અને વિશ્વાસ ડગમગી જાય પછી માણસોને સાવધાનીપૂર્વક પિક-એન્ડ-ચૂઝ કરવા પડે છે. કહે છેને કે જેટલાં દુઃખ પડવાનાં હોય એ બધાં જુવાનીમાં પડી જાય તો સારું. જુવાનીમાં સહન કરવાની તાકાત વધારે હોય છે. પડયા પછી ઝડપથી ઊભા થઈ શકાય છે. જે કંઈ અનિષ્ટ હતું તે યુવાનીમાં જ જોઈ લીધું હોય પછી એક ખાતરી આવી જાય છેઃ હવે આના કરતાં વધારે ખરાબ બીજું શું હોવાનું? અંતમાં કવિ કહે છે, આટલા વિરાટ આકાશમાં એક નાના અમથા તારાની શી વિસાત એવું વિચારવા કરતાં એવું શા માટે ન વિચારવું કે તારો બનવાનું સૌભાગ્ય સાંપડયું તે પણ કંઈ નાનીસૂની વાત છે? ક્યારે કેટલું ચમકવું એ પછી જોઈ લેવાશે!

'જોઈ લેવાશે' રદીફવાળી અન્ય કોઈ કવિતા તમારા ધ્યાનમાં છે? હોય તો જરૂર શેર કરજો!
0 0 0 

Monday, July 6, 2015

મલ્ટિપ્લેક્સ : ફ્રોમ અમેરિકા વિથ લવ

Sandesh - Sanskaar Purti - 5 July 2015

મલ્ટિપ્લેક્સ 

અત્યારે સંભવતઃ સૌથી વધારે ધ્યાન કોઈ ટેલેન્ટ શો ખેંચતો હોય તો તે 'ધ વોઇસ' છે. આ એવો શો છે જેમાં ગાયકનો દેખાવ, સ્ટેજ presence કે નખરાં નહીં, પણ કેવળ તેના વોઇસ એટલે કે અવાજનો મહિમા થાય છે.

The Voice India (above); (below) The Voice America


જે થોડી સ્મોલ સ્ક્રીનની વાતો કરી લઈએ. ઘણું બધું બની રહ્યું છે આજકાલ ટીવી પર. આવતા વીકએન્ડથી 'ઝલક દિખલા જા'ની બ્રાન્ડ ન્યૂ સીઝન 'ઝલક રિલોડેડ' શરૂ થઈ રહી છે. સુપર મોમ્સની વિદાય સાથે જ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ની નવી રેગ્યુલર સીઝન શરૂ થઈ ચૂકી છે. આ બંને શોમાં જજીસ બદલાઈ ગયા છે. એક ઔર ડાન્સ શો 'ડાન્સ પ્લસ'ની ઘોષણા થઈ છે, જે ટૂંક સમયમાં સ્ટાર પ્લસ પર શરૂ થશે. રેમો ડિસોઝા 'ઝલક...'થી શા માટે અલગ થયો તેનો જવાબ 'ડાન્સ પ્લસ'ની વિજ્ઞાાપનમાં રેમોની વિરાટ તસવીરમાંથી મળી જાય છે. નૃત્યની સામે સંગીતના શોઝની રમઝટ પણ ચાલી રહી છે. ટીવી પરથી 'ધ વોઇસ' અને સોની પર 'ઇન્ડિયન આઇડલ જુનિયર' એકબીજા સાથે બથ્થંબથ્થા કરી રહ્યા છે. આ તો માત્ર ટેલેન્ટ શોઝ થયા. જુદી જુદી ચેનલો પર એકાધિક નવા ફિક્શન શોઝ થયા છે એ તો લટકામાં.
આજે ખાસ તો એવા પ્રોગ્રામ્સની વાત કરવી છે, જે અમેરિકન કે યુરોપિયન શોઝ પરથી એડપ્ટ કરવામાં આવ્યા હોય. 'ઝલક...', 'ઇન્ડિયન આઇડલ', 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' અને 'બિગ બોસ'ની જેમ અત્યારે સંભવતઃ સૌથી વધારે ધ્યાન કોઈ ટેલેન્ટ શો ખેંચતો હોય તો તે 'ધ વોઇસ' છે. આ એવો શો છે જેમાં ગાયકનો દેખાવ, સ્ટેજ presence કે નખરાં નહીં, પણ કેવળ તેના વોઇસ એટલે કે અવાજનો મહિમા થાય છે. તેથી જ ઝળહળતા સ્ટેજ પર સ્પર્ધક ગાવાનું શરૂ કરે ત્યારે ચારેય કોચ- હિમેશ રેશમિયા, શાન, સુનિધિ ચૌહાણ અને મિકા - તેના તરફ પીઠ ફેરવીને બેઠાં હોય. એમની નજર લાઇવ ઓડિયન્સ પર હોય, કાન સ્પર્ધકની ગાયકી પર. જો સ્પર્ધકના અવાજમાં સ્પાર્ક દેખાય તો કોચ બટન દાબે. તે સાથે એની ખુરશી ઘૂમીને સ્પર્ધક તરફ ફરી જાય. આ કોચની ખુરશી નીચે લખ્યું હોયઃ 'આઈ વોન્ટ યુ'! જો એક જ કોચની ખુરશી ફરે તો સ્પર્ધક બાય ડિફોલ્ટ એની ટીમમાં શામેલ થાય. જો એક કરતાં વધારે કોચને સ્પર્ધકનો અવાજ ગમી જાય તો પછી સ્પર્ધકે જાતે નિર્ણય લેવાનો કે એને કોની ટીમમાં જવું છે. જો આખા પર્ફોર્મન્સ વખતે એકેય કોચની ખુરશી ન ઘૂમે તો સ્પર્ધક આપોઆપ સ્પર્ધામાંથી આઉટ થઈ જાય.
ઘૂમતી ખુરશીઓ, કોણ પહેલું બટન દબાવે છે તેમજ સ્પર્ધક કરગરી રહેલા ચારેય કોચમાંથી કોના પર કૃપા વરસાવે છે તેની અટકળો - આ બધું ડ્રામા પેદા કરવા માટે પૂરતું છે. 'ધ વોઇસ'નાં મૂળિયાં 'ધ વોઇસ ઓફ હોલેન્ડ' નામના ડચ શોમાં દટાયેલાં છે. તેના પરથી ૨૦૧૦ના અંતમાં અમેરિકામાં 'ધ વોઇસ ઓફ અમેરિકા' બનાવવામાં આવ્યો. આ ટાઇટલ પછી ટૂંકાવીને ફક્ત 'ધ વોઇસ' કરી નાખવામાં આવ્યું. અમેરિકન 'ધ વોઇસ'ની આઠ-આઠ સીઝન ટેલિકાસ્ટ થઈ ચૂકી છે. 'ધ વોઇસઃ આઈ વોન્ટ યુ'નામની વીડિયો ગેઇમ પણ લોન્ચ થઈ છે. ભારતીય 'ધ વોઇસ'નું એક્ઝિક્યુશન અને ગાયકીની ક્વોલિટી બન્ને સારાં છે. ફક્ત એક વાત સમજાતી નથી. હિમેશ-શાન-સુનિધિ-મિકાએ એક મહિનાથી, આ શો લોન્ચ થયો ત્યારથી એકનાં એક કપડાં શા માટે પહેરી રાખ્યાં છે? ધારો કે એક જ દિવસ દરમિયાન આ બધા એપિસોડ્સ શૂટ થયા હોય તોપણ વચ્ચે વચ્ચે કોસ્ચ્યુમ્સ તો બદલી જ શકાય છેેને. આનું કારણ જે હોય તે, પણ હકીકત એ છે કે એન્ડ ટીવી ચેનલનો આ પહેલો એવો શો છે જે જમાવટ કરે છે. બાકી આ ચેનલ શાહરુખ ખાનનો જે ગેઇમ શો લઈને ધૂમધડાકા સાથે લોન્ચ થઈ હતી, તે ગેઇમ શો લોકોને જરાય ગમ્યો નહોતો.

એક ઔર સુપરહિટ અમેરિકન શોનું હિન્દી સંસ્કરણ આપણી ટીવી સ્ક્રીન પર ત્રાટકવાનું છે. મૂળ શો છે, 'એવરીબડી લવ્ઝ રેમન્ડ'.આ એક સિચ્યુએશનલ કોમેડી છે. રેમન્ડ બેરોન નામનો એક યુવાન સ્પોર્ટ્સ રાઇટર છે. કોઈ વાતને એ ગંભીરતાથી ન લે. કોકડું ગમે તેવું ગૂંચવાયેલું હોય તોય એના રમૂજ પર બ્રેક ન લાગે. ઘરનું કોઈ કામ કરવાનું કે બાળકોની જવાબદારી લેવાનું એને બહુ વસમું લાગે છે, તેથી એની પત્ની ડેબ્રા કાયમ ચિડાયેલી રહે છે. રેમન્ડનાં માતા-પિતા અને મોટો ભાઈ ગલીમાં જ બીજા ઘરમાં રહે છે. અડધો સમય તો તેઓ રેમન્ડના ઘરમાં જ પડયાપાથર્યા રહે છે. રેમન્ડની મા દાઢમાં બોલે, દીકરા-વહુને અંકુશમાં રાખવાની કોશિશ કરે, નાની-નાની વાતોમાં કપટ કરે. રેમન્ડનો પહેલવાન જેવો દેખાતો મોટો ભાઈ પણ એક નંબરનો નમૂનો છે. એને સતત એવું થયા કરે કે રેમન્ડને એનાં માબાપ વધારે વહાલ કરે છે. રેમન્ડના પિતાજી ખડૂસ માણસ છે. એને બહુ લાગણી દેખાડતા ન આવડે. વાતે વાતે સૌ કોઈને ચીડવ્યા કરે અથવા તો અપમાન કર્યા કરે.
'એવરીબડી લવ્ઝ રેમન્ડ' શોએ અમેરિકામાં ૧૯૯૬થી ૨૦૦૫ દરમિયાન નવ સીઝન પૂરી કરી હતી. રશિયન, પોલિશ, ઇજિપ્શિયન, ડચ અને ઇઝરાયેલી ભાષામાં અવતરી ચૂકેલો આ શો હવે ભારતીય રૂપ ધારણ કરવાનો છે. હિન્દી આવૃત્તિનું નામ છે, 'સુમિત સંભાલ લેગા'. સુપરહિટ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' પર રેમન્ડની અસર હતી. અલબત્ત, 'સારાભાઈ...'નાં કિરદારોની લાક્ષણિકતાઓ અને રમૂજની રંગછટા રેમન્ડ્સના પરિવાર કરતાં ઘણો અલગ તેમજ મૌલિક હોવાને કારણે યાદગાર પુરવાર થયો.
ભારતીય વાઘા ધારણ કરેલી એક ઔર અમેરિકન સિટકોમ (સિચ્યુએશનલ કોમેડી) છે, 'ગૂડ લક ચાર્લી'. એના પરથી બનેલા 'બેસ્ટ ઓફ લક, નિક્કી' શોનું રિપીટ ટેલિકાસ્ટ હાલ ડિઝની ચેનલ પર થઈ રહ્યું છે. મજાનો શો છે આ. એક સુખી અંતરંગી પરિવાર છે. અવતાર સિંહ અને હિમાની સિંહને ચાર બાળકો છે. મોટો દીકરો-દીકરી રોહન અને ડોલી ઓલમોસ્ટ કોલેજમાં આવી ગયાં છે,
Original (above) and adaptation (below)

ત્રીજો સની ટીનેજર બની ચૂક્યો છે અને વર્ષો પછી રહી રહીને ચોથી બાળકી નિક્કીનો જન્મ થયો છે. પરાણે વહાલી લાગે એવી નિક્કીનું આગમન થતાં જ ઘરની રિધમ બદલાઈ ગઈ છે. ત્રણેય મોટાં સંતાનોને તરુણાવસ્થા સહજ સમસ્યાઓ છે. આ બધાને કારણે હાસ્યરમૂજ પેદા થતી રહે છે. મોટી ડોલી રોજ વીડિયો ડાયરી ઉતારે છે, જેમાં એ નાનકડી નિક્કીને ઉદ્દેશીને ઘરમાં કેવાં કેવાં પરાક્રમો થયાં તેનું રિર્પોિંટગ કરે છે અને તારે મોટા થયા પછી કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે એની આગોતરી ચેતવણી આપે છે.
ઓરિજિનલ અમેરિકન શોનું મૂળ નામ પહેલાં 'ઊપ્સ' વિચારાયું હતું. પછી 'લવ ટેડી' રાખવામાં આવ્યું. આખરે 'ગૂડ લક ચાર્લી'ફાઇનલાઇઝ કરવામાં આવ્યું. માત્ર બચ્ચાલોગને જ નહીં, પણ આખા પરિવારને મજા પડે તેવો આ શોનો ઉદ્દેશ રહ્યો છે, જે ઘણે અંશે સફળ થયો છે. નબળી પ્રોડક્શન વેલ્યૂ ધરાવતું હિન્દી અવતરણ 'બેસ્ટ ઓફ લક, નિક્કી' શરૂઆતમાં કદાચ બાલિશ લાગે,પણ પછી એનું બંધાણ થઈ જાય તો નવાઈ ન પામવી. મૂળ શોમાં ચાર બાળકો પછી પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું, પણ 'બેસ્ટ ઓફ લક, નિક્કી'માં પરિવારમાં પાંચમા બાળકનું આગમન પણ થાય છે. 'બેસ્ટ ઓફ લક, નિક્કી'ની બ્રાન્ડ-ન્યૂ સીઝન આવતા મહિને શરૂ થવાની છે.
આ શોના નબળા કઝીન જેવો દેખાતો 'ધ સ્યુટ લાઇફ ઓફ કરણ એન્ડ કબીર' પણ એડપ્ટેડ શો છે. મૂળ અમેરિકન શોનું નામ છે, 'ધ સ્યુટ લાઇફ ઓફ ઝેક એન્ડ કોડી'. ખૂબ વખણાયેલી 'ટ્વેન્ટી-ફોર'ની બીજી સીઝનની પૂર્વતૈયારીઓ કરવામાં હાલ અનિલ કપૂરની ટીમ બિઝી બિઝી છે. 'ટ્વેન્ટી-ફોર'ની પહેલી સીઝનની સફળતા પછી 'ધ કિલિંગ', 'રિવેન્જ', 'સ્કેન્ડલ' અને 'હોમલેન્ડ' જેવા અમેરિકન શોઝને પણ ઇન્ડિયન ટીવી પર અવતારવાનો ગણગણાટ શરૂ થઈ ગયેલો. આ શોઝનું પછી શું થયું? એ તો જે કંઈ હશે તે આખરે વાજતે ગાજતે સ્ક્રીન પર આવવાનું જ છે.
શો - સ્ટોપર

મને મારી જાતનું માર્કેટિંગ કરતા આવડતું નથી. ઇન્ડસ્ટ્રીના લોકોને મળતા રહેવું જોઈએ, હું કામ માટે રેડી છું એવું બતાવતા રહેવું જોઈએ. મારાથી આ બધું થઈ શકતું નથી.
- શેફાલી શાહ (અભિનેત્રી)

Thursday, July 2, 2015

ટેક ઓફ : વિદ્યાર્થી એટલે કે...

Sandesh - Ardh Saptahik Purti - 1 July 2015

ટેક ઓફ 

ડિગ્રી અમુક વર્ષોમાં મળી જાયપણ કેળવણી આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી હોવું તે જીવનનો એક તબક્કો નહીંપણ સ્વભાવ યા મિજાજનું અંગ હોવું જોઈએ.




સ્કૂલો ખૂલી ગઈ છે. સ્ટુડન્ટ્સ નવા સ્કૂલડ્રેસ પર રેઇનકોટ પહેરીને,નવાં પાઠયપુસ્તકોને વરસાદથી બચાવવા પ્લાસ્ટિકનાં કવર ચડાવીને સ્કૂલે જવા માંડયા છે. આપણી શિક્ષણવ્યવસ્થા પરફેક્ટ નથી, પણ બહેતર વિકલ્પના અભાવે એને સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. મહાન આવિષ્કારો પ્રવર્તમાન એજ્યુકેશન સિસ્ટમનો હિસ્સો બનનારાઓએ પણ કર્યા છે અને હિસ્સો ન બનનારાઓએ પણ કર્ર્યા છે. દુનિયાને આંજી નાખે એવી સિદ્ધિઓ આ બન્ને જૂથોએ હાંસલ કરી છે. તેજસ્વી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ પોતાને જે કંઈ અનુકૂળ હોય એવું અપનાવી લેવાનો અને પ્રતિકૂળ હોય તેને ચાતરી જવાનો નીરક્ષીર વિવેક સામાન્યપણે કેળવી લેતા હોય છે.
અમેરિકા જેવા વિકસિત દેશોના શિક્ષણતંત્રથી અભિભૂત થઈ જવાની આપણને મજા આવે છે. વિશ્વના મોટાભાગના દેશો કરતાં અમેરિકા એજ્યુકેશન સિસ્ટમ પાછળ વધારે બજેટ ફાળવે છે, ત્યાં ક્લાસદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. શિક્ષણનું સ્તર સુધારવા માટે દર વર્ષેે કંઈકેટલાંય નવાં પગલાં ભરવામાં આવે છે, પણ તેથી શું અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ સર્વાંગસંપૂર્ણ અને ક્ષતિમુક્ત બની ગઈ છે? ના. અમેરિકાના કેટલાય હિસ્સાઓમાં ૬૦ ટકા વિદ્યાર્થીઓ હાઈસ્કૂલ પછી આગળ ભણતા નથી. અમુક નેટિવ અમેરિકન કમ્યુનિટીઝમાં ડ્રોપ-આઉટ રેટ ૮૦ ટકા જેટલો ઊંચો છે. એક અંદાજ એવો છે કે આ આંકડાને અડધા કરવામાં આવે (એટલે કે અડધોઅડધ વિદ્યાર્થીઓ ઊઠી જવાને બદલે ભણતર પૂરું કરે), તો દસ વર્ષમાં અમેરિકાના અર્થતંત્રને એક ટ્રિલિયન ડોલરનો જબ્બર ફાયદો થાય. એક ટ્રિલિયન એટલે એકડાની પાછળ બાર મીંડાં.
શું ભણવું જોઈએ અને કેવી રીતે ભણાવવું જોઈએ એ નિરંતર ચાલતી ચર્ચા છે. માત્ર આપણે ત્યાં નથી, પણ સર્વત્ર. 'ધ ફાઉન્ટનહેડ' અને 'એટલાસ શ્રગ્ડ' જેવી ઓલટાઇમ ગ્રેટ નવલકથાઓ આપનાર અમેરિકન લેખિકા એન રેન્ડે કહ્યું છેઃ "ભણતરનો એકમાત્ર ઉદ્દેશ વિદ્યાર્થીની બુદ્ધિનો વિકાસ કરીને અને એને વાસ્તવિકતાનો મુકાબલો કરવા માટે સજ્જ કરીને, જીવન સારી રીતે કેવી રીતે જીવવું તે શીખવવાનો છે. વિદ્યાર્થીને અપાતી તાલીમ થિયરેટિકલ એટલે કે કન્સેપ્ચ્યુઅલ હોવી જોઈએ. એને વિચારતા, સમજતા, વિશ્લેષણ કરતા અને સાબિત કરતા શીખવવાનું છે. ભૂતકાળ આપણા માટે પુષ્કળ જ્ઞાાન પાછળ મૂકતો ગયો છે. વિદ્યાર્થીએ આ જ્ઞાાનનો ઉપયોગ કરતાં અને જાતે પ્રયત્નો કરીને ભવિષ્ય માટે વધારે જ્ઞાાન શી રીતે હાંસલ કરી શકાય તે શીખવાનું છે."

સ્વ-અધ્યયન બહુ મહત્ત્વની બાબત છે. જાતે શીખવું. જાતે અધ્યયન કરવું. શિક્ષક માત્ર દિશાસૂચન કરે. કમનસીબે, પરીક્ષાકેન્દ્રી અને ટયુશનકેન્દ્રી માહોલમાં આવી પરિસ્થિતિ પેદા થઈ શકતી નથી. વિદ્યાર્થીને અને સંતાનને બધંુ અત્યંત અનુકૂળ અને આસાન કરી દેવાની ચિંતા નુકસાનકારક બનવા લાગે છે. આખો વખત છાતીએ વળગાડી રાખેલા બાળકને પહેલી વાર અળગું કરીને કે.જી. કે પ્રિ-સ્કૂલમાં ભણવા મોકલે ત્યારથી ઘણાં મમ્મી-પપ્પાઓ ચિંતાથી અડધાં થઈ જતાં હોય છે કે કેવી રીતે મેનેજ કરશે મારું બચ્ચું?ઘણાં માબાપ પોતાનાં સંતાનને ભણવા માટે બહારગામ મોકલતા ગભરાતાં હોય છે. સંતાનને હોસ્ટેલ કે બોર્ડિંગ હાઉસમાં મૂકવાની આદર્શ ઉંમર કઈ? એ હાઈસ્કૂલમાં આવે ત્યારે? હાયર સેકન્ડરી કે જુનિયર કોલેજમાં આવે ત્યારે? કે પછી કોલેજમાં આવે ત્યારે?ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સ્વામી દયાનંદ સરસ્વતીએ એમના વિખ્યાત 'સત્યાર્થપ્રકાશ' પુસ્તકમાં શું કહ્યું હતું? 
'પઠનપાઠનના સંબંધમાં રાજનિયમ અને જાતિનિયમ હોવો જોઈએ કે પાંચ વર્ષ અથવા આઠ વર્ષ પછી કોઈ પણ માબાપે પોતાનાં બાળકોને ઘરે રાખવાં નહીં, પાઠશાળામાં મોકલી આપવાં. આ નિયમનો ભંગ કરનારને યોગ્ય શિક્ષા થવી જોઈએ. કન્યાશાળા અને કુમારશાળા એકબીજાથી એક-બે ગાઉના અંતરે હોવી જોઈએ.'


પાંચ-સાત વર્ષના બચ્ચાને ફરજિયાત ગુરુકુળ અથવા તો બોર્ડિંગ હાઉસમાં મોકલી દેવાની કલ્પનામાત્રથી આજના વાલીઓ થરથર કાંપી ઊઠે. તે સ્વાભાવિક પણ છે. વિદ્યાર્થી અવસ્થા વિશે ભારતીય શાસ્ત્રોમાં કેટલીય રસપ્રદ વાતો લખાઈ છે. તૈત્તિરીય ઉપનિષદમાં વિદ્યાર્થીઓ માટે એક સરસ શ્લોક છે. ગુરુકુળમાં નવા નવા દાખલ થયેલા શિષ્યોને સમાવર્તન સંસ્કાર વખતે આચાર્ય કહે છે, "હે શિષ્ય! તારે જીવનમાં ઋત અને સત્યનું પાલન કરવાનું છે. એનું પાલન ત્યારે જ થઈ શકશે, જ્યારે તું એના વિશે વધુ ને વધુ સ્વાધ્યાય કરીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ અને તારા અનુભવોનો લાભ સત્સંગ દ્વારા બીજાઓને પહોંચાડીશ. પ્રલોભનોથી બચીને રહેવું એ તપ છે, પ્રલોભનોનું દમન કરવું એ દમ છે અને પ્રલોભનોની વચ્ચે પણ શાંત રહેવું એ શમ છે. આ ત્રણેય સદ્ગુણોની સિદ્ધિ ત્યારે જ થશે, જ્યારે તું તેના પર વિચાર કરીને બીજાઓને પણ એ વિશે સંભળાવીશ. તું વેદશાસ્ત્રો અને અગ્નિ વગેરે પદાર્થોની મદદથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરજે. અતિથિસેવા પણ ધર્મનું લક્ષણ છે. તેના દ્વારા જગતમાં સત્ય, ઉપદેશ, વિદ્યા અને પરોપકારની ભાવના વિસ્તૃત થાય છે. એ અતિથિઓની સેવા કરતાં કરતાં પણ પોતાનાં સ્વાધ્યાય અને સત્સંગને ભૂલવાં નહીં.'
વિદ્યાભ્યાસ પૂરો થયા પછી શિષ્યએ શું કરવાનું છે? આ પ્રલંબ શ્લોકમાં આગળ કહેવાયું છેઃ 'તારે આધીન હોય તેવા માણસોનું યથાયોગ્ય પાલન કરજે. તેમને કામ આપીને તેમના યશ અને શ્રીની વૃદ્ધિ કરજે. ઉત્તમ કાર્યોમાં ખર્ચ પણ કરતો રહેજે. આ રીતે પુરુુષાર્થ કરીને તું ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેજે. કેવળ જનક કે જનની થઈ જવા માત્રથી પુત્રેષ્ઠિ યજ્ઞાની સમાપ્તિ થઈ જતી નથી, પરંતુ જ્ઞાાનની તૈયારીમાં ઉત્તમ ભોજન અને ઔષધ-સેવનની સાથે સાથે પોતાના સંકલ્પો અને વિચારોનું મનન કરીને, સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા પોતાના ગર્ભસ્થ શિશુ પર શ્રેષ્ઠ સંસ્કારો નાખવા એ પ્રજનન ધર્મ છે. તારા પરિવારનું ભરણપોષણ કરજે, સંતાનોને વિદ્યા તથા સંસ્કારથી અલંકૃત કરજે, તેમને ધાર્મિક અને પુરુષાર્થી બનાવીને પ્રજાધર્મનું પાલન કરજે. આ જ મનુષ્ય ધર્મ છે."

આપણી સંસ્કૃતિમાં ગુરુને દેવતુલ્ય ભલે ગણ્યા, પણ ગુરુય આખરે તો માણસ છે. એનામાં પણ અસંખ્ય માનવસહજ ખામીઓ હોવાની. આ સત્ય ઉપનિષદોના જમાનામાં પણ સ્વીકારાયું હતું, તેથી જ તૈત્તિરીય ઉપનિષદના ઋષિ પાસે શિષ્યો ભણવા આવે છે ત્યારે ઋષિ એમને મહત્ત્વની વાત પણ કરે છે, "હે મારા શિષ્યો! તમે તમારા ચરિત્રનાં જે કંઈ સારાં પાસાં છે અથવા અમારે જે કંઈ ઉત્તમ કર્મો છે, ફક્ત તેને જ ગ્રહણ કરજો. અમારા ચરિત્રમાં જે કંઈ ત્રુટિઓ અને દુર્ગુણો છે, એને કદાપિ ગ્રહણ ન કરતા."
ડિગ્રી અમુક વર્ષોમાં મળી જાય, પણ કેળવણી આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી હોવું તે જીવનનો એક તબક્કો નહીં, પણ સ્વભાવ યા મિજાજનું અંગ હોવું જોઈએ. ઈશ્વર પેટલીકરે પાંચેક દાયકા પહેલાં કહેલી વાત આજેય એટલી જ પ્રસ્તુત છેઃ "શાળા-કોલેજોમાં આપણું શિક્ષણ સમાપ્ત થતું નથી. શિક્ષણ લઈને જે સ્નાતકો બહાર પડે છે તેમણે અમુક વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરેલી હોય છે, પરંતુ એક નાગરિક તરીકે બીજા ક્ષેત્રનું સામાન્ય જ્ઞાાન પ્રાપ્ત કરવું તેમને માટેય જરૂરી હોય છે. તે પ્રાપ્ત કરવાનું સ્થાન શાળા-કોલેજો નથી. માણસ આખા જીવન દરમિયાન કેટલો વિદ્યાર્થી રહે છે તેના ઉપર એનો આધાર છે. માણસ વિવિધ ક્ષેત્રના વાચનનો રસ કેળવે અને દરરોજ ઓછામાં ઓછો અમુક સમય વાચન માટે કાઢે, તેને વ્યસન બનાવે, તો જ એને કેળવાયેલો કહી શકાય. આજે આપણને એવા ઘણા માણસો મળી આવશે કે જે એમના ક્ષેત્રમાં ઊંડા અભ્યાસી હોય, પણ સામાન્ય જ્ઞાાનમાં ખાલી હોય, પરંતુ વિશિષ્ટ જ્ઞાાન જેટલું જરૂરી છે તેટલું જ જીવનઘડતર માટે સામાન્ય જ્ઞાાન પણ જરૂરી છે જ. શહેરીજનોમાં અને ઉચ્ચ શિક્ષણ લીધેલાઓમાં પણ એની ભૂખ ઓછી છે."
તમે તમારી ભીતર રહેલા વિદ્યાર્થીને કેવોક જીવંત રાખ્યો છે?

0 0 0