Sandesh - Sanskaar Purti - November 2016
‘ઈંગ્લેંડની ભાષા તે ઈંગ્લેંડમાં જ શુદ્ધ હોય, હિંદુસ્તાનના લોકોમાં તેવી શુદ્ધ ન હોય તેમ ગુજરાતી ભાષા ગુજરાતમાં જ શુદ્ધ હોય – મુંબઇ વગેરે પરદેશમાં તથા સ્વદેશના સીમાડાનાં ગામોમાં શુદ્ધ ન હોય. સુરત ગુજરાતના સીમાડા ઉપર છે માટે ત્યાંની ભાષા શુદ્ધ નથી.’
મજેદાર સવાલ છે. બાર ગાઉએ બોલી બદલાઈ જતી હોય એવી સ્થિતિમાં કયાં શહેરની ગુજરાતી ભાષાને ચડિયાતી ગણવી? અમદાવાદની, સુરતની કે પછી કાઠિયાવાડની? આપણી ભાષાના બે ટોચના સાક્ષરો જ્યારે આ મુદ્દે સામસામી તલવાર ખેંચે ત્યારે મામલો સંગીન બની જાય છે! એક બાજુ કવિ દલપતરામ ડાહૃાાભાઈ ત્રવાડી છે (જન્મઃ ૧૮૨૦, મૃત્યુઃ ૧૮૯૮). તેઓ કહે છે કે અમદાવાદની ગુજરાતી ભાષા શ્રેષ્ઠ છે. વિરુદ્ધ છેડે નર્મદશંકર લાભશંકર દવે છે (જન્મઃ ૧૮૩૩, મૃત્યુઃ ૧૮૮૬). તેઓ કહે છે કે ખોટી વાત. ગુજરાતી તો સુરતની જ!
દલપતરામે પોતાનાં લખાણોમાં અને ભાષણોમાં ‘અમદાવાદી ગુજરાતી જ ઉત્તમ’ એવા મતલબનાં નિવેદનો કર્યા હતાં. આની પ્રતિક્રિયા રુપે નર્મદે કચકચાવીને ‘સુરતની ભાષા’ નામનો એક લેખ લખ્યો. એમાં એમણે દલપતરામના એકેએક દાવાનો વિગતવાર જવાબ આપ્યો છે. દલપતરામ અને નર્મદ વચ્ચે થયેલી દલીલ-પ્રતિદલીલો મૂળ ગુજરાતી ભાષામાં જ વાંચવા જેવી છે. વાંચવા-સાંભળવામાં જબરી ચાર્મિંગ લાગે છે જૂની ગુજરાતી ભાષા. તેથી હવે પછીના લખાણમાં જોડણી અને વ્યાકરણ મૂળ લખાણ જેવાં જ રાખ્યાં છે.
તો, કવિ દલપતરામ કહે છેઃ ‘ગુજરાતનું મુખ્ય શેહેર અમદાવાદ છે માટે ત્હાંની ભાષા તે શુદ્ધ ગુજરાતી.’
જવાબમાં નર્મદ કહે છેઃ ‘અમદાવાદ, મુખ્ય શેહેર હમણાં છે પણ અસલમાં હતું નહીં. અસલ મુખ્ય શેહેર તો વડનગર ને પાટણ. એ અસલ શેહેરોના ઘણાક લોકો જ્યાંહાં જઈ વસ્યા હોય ને જ્યાંહાં પોતાની બોલી ઘણુંકરીને રાખી રહૃાા હોય ત્યાંહાંની ભાષા શુદ્ધ ગુજરાતી. અમદાવાદ નવું વસેલું છે ને તે વળી ઘણુંકતો મારવાડના લોકથી. એની ભાષા તો ક્યમ શુદ્ધ ગુજરાતી કેહેવાય?’
દલપતરામઃ ‘સામળ, વલ્લભ વગેરે મોટા ને સારા કવિયો અમદાવાદ પ્રગણામાં થઈ ગયા છે ને તેઓની ભાષા હાલના અમદાવાદીયો બોલે તેવી છે.’
નર્મદઃ ‘પ્રેમાનંદ, દયારામ વગેરે મોટા ને સારા કવિયો અમદાવાદ જિલ્લામાં થયા નથી ને પ્રેમાનંદ તો સામળના કરતાં વધારે ઉંચા દરજ્જાનો કવિ છે તેમ દયારામ વલ્લભથી ચઢતો છે. એક જિલ્લાનાં બે ત્રણ ગામમાં બે ત્રણ સારા કવિયો થયા તો તે ઉપરથી તે આખા જિલ્લાના લોકની ભાષા શુદ્ધ થઈ ગઈ એમ કહેવાય નહીં. ને કવિ દલપતરામનો વાદ સ્વીકારિયે તો પ્રેમાનંદ જે જિલ્લાનો હોય તે જિલ્લાની ભાષા તે ખરી ગુજરાતી કહેવી પડે. વળી સામળની ભાષા હાલ જેમ અમદાવાદીયો બોલે છે તેવી નથી જ ને પ્રેમાનંદની ભાષા હાલ જેમ વડોદરિયાઓ બોલે છે તેવી ઘણી નથી જ. પ્રેમાનંદ ને સામળ એ બેની ભાષા ઘણી ખરી તો સુરતના લોક બોેલે છે તેવી જણાય છે.’
દલપતરામ |
દલપતરામઃ ‘સુરત ગુજરાતમાં નથી.’
નમર્દઃ ‘તે તકરાર નજીવી છે – સરકારે જિલ્લાઓ બાંધી ઠરાવ કર્યા તે ઉપરથી સમજી લેવું કે સુરતને ગુજરાતમાં ગણવું કે નહીં.’
દલપતરામઃ ‘સુરત ગુજરાતમાં છે એવું હું જાણતો ન હોતો કેમકે તે ઠેકાણાંના કોઈ કવિયે ગુજરાતી ભાષામાં બનાવેલું પુસ્તક માહારા સાંભળ્યામાં આવ્યું નથી. અને જ્યારે હું સુરત ગયો ત્યારે મને એવું જણાતું હતું કે હું પરદેશમાં આવ્યો છું.’
નર્મદઃ ‘સુરતમાં શિવાનંદ ને ત્રિવિક્રમાનંદ નામના આખા શેહેરમાં પ્રસિદ્ધ એવા બે કવિયો થઈ ગયા છે એમ છતાં સુરતમાં કવિ નથી થયા એમ કહેવું કેવળ અજ્ઞાાન છે. કવિ દલપતરામ સરખા ગૃહસ્થે મોટી પૃચ્છક બુદ્ધી ઘરાવ્યાનું ડોળ ઘાલ્યા છતાં, આટલાં આટલાં વરસ સુરતમાં રહૃાા છતાં, ઉપલા બે કવિયોનાં નામ પણ ન જાણવાં એ કેવું આશ્ચર્યકારક છે?’
દલપતરામઃ ‘ગુજરાતી ભાષા જેવી સુધરેલી ભાષા હિંદુસ્થાનમાં બીજા કોઈ ભાગની ભાષા હમારા જાણવામાં નથી અને મધ્ય ગુજરાતમાં જે ભાષા ચાલે છે તે શુદ્ધ છે.’
નર્મદઃ ‘એ તકરાર નજીવી છે – હિંદુસ્તાની, મરેઠી ને બંગાલી ભાષા, ગુજરાતી ભાષા કરતાં વધારે સારી છે એમ સર્વ વિદ્વાનને મતે સિદ્ધ થઈ ચુકયું છે. એટલું છતાં ગુજરાતી ભાષા જેવી કોઈ ભાષા નથી એમ કહેવું તદ્દન ખોટું છે. લોકને આડું તેડું સમજાવીને ગુજરાતી ભાષાને ચડાવવામાં કવિ દલપતરામનો શો હેતુ છે તે કંઈ મારાથી સમજાતું નથી.’
દલપતરામઃ ‘ઈંગ્લેેંડની ભાષા તે ઈંગ્લેંડમાં જ શુદ્ધ હોય, હિંદુસ્તાનના લોકોમાં તેવી શુદ્ધ ન હોય તેમ ગુજરાતી ભાષા ગુજરાતમાં જ શુદ્ધ હોય – મુંબઇ વગેરે પરદેશમાં તથા સ્વદેશના સીમાડાનાં ગામોમાં શુદ્ધ ન હોય. સુરત ગુજરાતના સીમાડા ઉપર છે માટે ત્યાંની ભાષા શુદ્ધ નથી.’
નર્મદઃ ભાષાની શુદ્ધતા દેશ પર આધાર નથી રાખતી, લોક ઉપર રાખે છે. પછી તે લોક ગુજરાતનાં ગામડાંમાં હોય, મુંબઇમાં હોય, કે ઈંગ્લેંડમાં હોય…. હાલ જે લોકો અમદાવાદ ને મધ્ય ગુજરાતમાં રેહે છે તેઓ મુળ ગુજરાતી લોક નથી. અસલ ગુજરાતીઓ તો વડનગર, પાટણ ભાગ્યા પછી વેરાતા જઈ વસ્યા છે. ઘણાક સુરતમાં પણ છે અને એઓ અસલની કાયમ રાખી રહૃાા છે. અમદાવાદમાં વસેલા અસલ ગુજરાતીયો તો થોડા છે ને જેઓ છે તેઓએ જનના સહવાસથી પોતાની અસલ ગુજરાતી બગાડી છે. મૂળ નડિયાદનો પણ હાલ સુરત જિલ્લામાં રેહેતો નભુલાલ નામનો કવિ જે હાલ ઘરડો છે ને જેેણે ગુજરાતી ઘણું વાંચ્યું છે ને લખ્યું છે તે કેહે છે કે અમદાવાદમાં કણબી, રજપુત, શ્રાવક વગેરે લોકો ઘણા છે તેથી અમદાવાદની ગુજરાતી ભાષા અશુદ્ધ છે. સુરત સીમાડો છે કે મુખ્યસ્થાનક્ષેત્ર છે તે તો લોકોેએ જ સમજી લેવું. જગા ઉપર આધાર નથી પણ ભણેલા લોકના ઉપર ભાષાની શુદ્ધતાનો આધાર છે. શેહેર કર્ર્તા ગામડાંની ભાષા સારી, ને ભણેલાના કર્તા મુરખની ભાષા સારી એમ હોય તો અને અમદાવાદ, સુરતના કર્ર્તા વિદ્યામાં- આચારવિચારમાં – બુદ્ધિમાં વધારે સારું હોય તો વળી અમદાવાદની ભાષા વખતે સુરતના કર્તાં વધારે સારી એવો શક પણ આણી શકાય પણ એમ નથી જ.’
નર્મદ |
દલપતરામઃ ‘કવિયો સારા સારા થયા તે કાઠિયાવાડ તથા મધ્ય ગુજરાતના પ્રાંતના રેહેનારા હતા, પણ તેઓની ભાષા ઉપરથી નિશ્ચય થઇ શકતો નથી કે તે ફ્લાણા ગામના ને ફ્લાણી ન્યાતના હતા કેમકે તેઓની ભાષામાં ફેરફર જણાતો નથી.’
નર્મદઃ ‘અમદાવાદી સામળ, વલ્લભની અને કાઠિયાવાડી કાળીદાસની ભાષા મળતી નથી. સામળની થોડી ઘણી પ્રેમાનંદને મળે છે. નરસીંહ મેહેતાની સાથે સામળ વલ્લભની ભાષા કાંહાં મળેછ? સારા કવિની ભાષા-વિદ્વાનની ભાષા ઘણુંકરીને સરખી જ હોય અને તે જ ગુજરાતી ખરી. સહુથી સરસ કવિ જે વડોદરાનો પ્રેમાનંદ તેની ભાષા તો અમદાવાદના લોકને મળતી નથી. વળી પ્રેમાનંદ વડોદરામાં નાગરવાડામાં રહેતો – નાગરના સહવાસમાં હતો માટે એની ભાષા તો શુધ્ધ ખરી.’
દલપતરામઃ ‘ગુજરાતી ઉપરથી સંસ્કૃત થઇ છે.’
નર્મદઃ ‘આ તો કેવળ ઉલટી-જાુઠ્ઠી-ઉદ્ધત વાત છે. ઈંગ્લેંડ, ફ્રાન્સ ને જર્મનીના મોહોટા વિદ્વાનોએ નક્કી કરયું છે કે આખી પૃથ્વીના લોકની ભાષાઓ મૂળ સાત ભાષામાંથી નિકળી છે. ને તે સાતમાંથી એક ‘એરિયન’ નામની છે. સંસ્કૃત એરિયન કેહેવાય છે ને હિંદુસ્તાનની સર્વ પ્રાકૃત ભાષાઓ સંસ્કૃતમાંથી નિકળી છે. ભણેલામાં ખપનારો કવિ આવી ઘેલાઈ કાહાડે છે તે જોઈને કોને હસવું ન આવે? (કરસનદાસ મૂળજીએ એ વિષે પોતાના પત્રમાં ઘટતા ઠોક માર્યા હતા ને તે ઉપરથી દલપતરામે માફ્ી પણ માગી હતી.)’
દલપતરામઃ ‘ગુજરાતી ભાષા ૫૦૦ વરસ થયાં સુધરેલી છે. માટે તેને સુધારવાનું જે નામ લે છે તેની ગુજરાતી ભાષાના પંડિતોની મશ્કરી કરે છે.’
નર્મદઃ ‘ભાષાના નિયમ રહિત એવી ગાંડી ઘેલી કવિતાઓ લખાઈ તે ઉપરથી ભાષા સુધરેલી હતી એમ કેહેવાય નહીં. વ્યાકરણ, કોશ, રસાલંકારશાસ્ત્ર્રના નિયમ રાખનારાં પદ્યો, અને વ્યાકરણના નિયમથી લખાયેલા મર્મ ભરેલાં અને અસર કરે તેવાં ગદ્યો જાહાં સુધી જોવામાં ન આવે તાંહાં સુધી ભાષા સુધરેલી કેહેવાય નહીં… હું એમ કહું છું કે ગુજરાતી ભાષા સુધરતી આવી છે ને હાલના ઉદ્યોગથી સુધરશે. દલપત કવિ કેહે છે કે ગુજરાતી ભાષા સુધરવી જોઈએ એમ જે કેહે છે તેની ગુજરાતી ભાષાના પંડિતો મશ્કરી કરે છે. પણ હવે ઉપરના ખુલાસાઓથી તો હું કેહેતા શરમાઊંછ કે કોઈ પણ ભાષાના મૂરખાઓ પણ ઉપર પ્રમાણેના વિચાર જોઈને કવિ દલપતરામને જ હસી કાહાડશે. નાગરની ભાષા સહુથી જાુની ને સરસ ગુજરાતી છે. તેનાં કારણો નર્મવ્યાકરણમાં કહૃાાં છે. પણ નાગર પણ ચાર સમવાય છે – જાુનાગઢ આદિ બાર ગામ સોરઠ, અમદાવાદ આદિ બાર સામ ગુજરાત, ઇડર-વાંસવડા આદિ છ પોળ અને સુરત, બરાનપોર ને કાશી એ ત્રણ. એ ચારમાંથી સહુથી સરસ ભાષા કોની? એમ પ્રશ્ન થતે ઉત્તર આજે નિકળવાનો કે સુરતની.
જાુનાગઢવાળા જંગલી દેશમાં જઈ રહૃાા તાંહાં તેઓએ તાંહાંના વતનીઓની ભાષાના કેટલાક શબ્દ પોતાનામાં નવા દાખલ કરેલા ને આજકાલ એણી તરફ્ના લોક (રાજદ્વારી ગૃહસ્થો શિવાય) તને ને મને ઘણું જોડયા રાખે છે. તેમ, અમદાવાદમાં શ્રાવક ને મુસલમાનના સહવાસથી ભાષા બગડેલી. વારુ, કેહેશો કે સુરતના લોકને દક્ષણી શબ્દ આવેલા – પણ અનુભવથી કેહેવામાં આવે છે કે સુરતના નાગરની ભાષામાં દક્ષણી શબ્દ નથીજ. સુરતના લોકને મુસલમાનનો સંસર્ગ નહીં – કેમકે તેઓને સુરતમાં આવ્યાને હજુ સો વરસ થયાં નથી… વાત ખરી છે કે, આચારવિચારમાં, સ્વચ્છતામાં, વેદશાસ્ત્રના અભ્યાસમાં, ભણવે લખવે સુરત બિજાં કર્ર્તા વધારે ચઢિયાતું છે એમાં કોઈથી ના નહીંજ કેહેવાય. સંસ્કૃતના મૂળાક્ષરોના ઉચ્ચાર સુરતના લોકજ મૂળ પ્રમાણે કરે છે – જાુનાગઢના ને ગુજરાતના કરી શકતા નથી.
સંસ્કૃત ભાષા ઉપરજ સઘળી પ્રાકૃત ભાષાઓ આધાર રાખે છે. જાંહાંની ગુજરાતી ભાષા સંસ્કૃત તરફ્ વધારે વલણ કરતી હોય તાંહાંની ભાષા, જાંહાંની ભાષા સંસ્કૃતથી ઘણી આઘી રેહેતી હોય તેના કર્તાં વધારે સારી. આ ઉપરથી વિચારવું કે અમદાવાદની ગુજરાતી વધારે સારી કે જાુનાગઢની ગુજરાતી વધારે સારી કે સુરતની ગુજરાતી વધારે સારી.’
હવે તમે જ કહો, કયાંની ગુજરાતી ભાષા બેસ્ટ – અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર, મુંબઈ કે પછી…?
0 0 0
0 0 0
No comments:
Post a Comment