Saturday, August 30, 2014

મલ્ટિપ્લેક્સ :સપનાં નવાં...

Sandesh - Sanskaar Purty - 31 Aug 2014

મલ્ટિપ્લેક્સ
"પહેલી ફિલ્મ બનાવતી વખતે એક ઝનૂન હોય છે, પોતાની જાત સામે અને દુનિયા સામે ખુદને પુરવાર કરી દેખાડવાનું પાગલપણું હોય છે," અભિષેક જૈન કહે છે, "કોઈ પણ ફિલ્મમેકરની બીજી ફિલ્મ હંમેશાં વધારે ચેલેન્જિંગ હોવાની. 'કેવી રીતે જઈશ' પછી 'બે યાર' બે વર્ષે આવી, પણ જે રીતે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ લોકોએ તેને પોતાની બનાવી લીધી. આઇ વોઝ સો રિલેક્સ્ડ!"

Abhishek Jain

મુંબઈસ્થિત એક હોટલની ખુલ્લી સી-સાઇડ લાઉન્જમાં મધ્યરાત્રિની ચહલપહલ છે. ઘટ્ટ અંધકાર તળે દબાઈ ગયેલા દરિયા પરથી ફૂંકાઈ રહેલા આહ્લાદક પવનમાં અભિષેક જૈનના વાળ ફરફરી રહ્યા છે.

"પહેલી ફિલ્મ બનાવતી વખતે એક ઝનૂન હોય છે, પોતાની જાત સામે અને દુનિયા સામે ખુદને પુરવાર કરી દેખાડવાનું પાગલપણું હોય છે," અભિષેક શરૂઆત કરે છે, "કોઈ પણ ફિલ્મમેકરની બીજી ફિલ્મ હંમેશાં વધારે ચેલેન્જિંગ હોવાની. 'કેવી રીતે જઈશ' પછી 'બે યાર' બે વર્ષે આવી, પણ જે રીતે તેના ટ્રેલરને ગજબનાક રિસ્પોન્સ મળ્યો અને ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ લોકોએ તેને પોતાની બનાવી લીધી. આઇ વોઝ સો રિલેક્સ્ડ!"

વાત તો સાચી છે. આ શુક્રવારે બે યાર' રિલીઝ થઈ, પણ અભિષેકના ચહેરા પર કે બોડી લેંગ્વેજમાં ક્યાંય નવર્સનેસ કે તનાવ નથી. એણે લખેલી અને ડિરેક્ટ કરેલી પહેલી ફિલ્મ 'કેવી રીતે જઈશ' જોઈને આપણને આનંદ અને આશ્ચર્યનો શોક લાગ્યો હતો. ગુજરાતીપણામાં ઝબોળાયેલી આ મોડર્ન અને યૂથફુલ ફિલ્મને લીધે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તવારીખમાં એક નવાં ઝળહળતાં પ્રકરણની શરૂઆત થઈ રહી હોય તેવી અસર ઊભી થઈ હતી. હવે 'બે યાર' રિલીઝ થઈ છે ત્યારેય જાણે એક મહત્ત્વની સિનેમેટિક ઈવેન્ટ આકાર લઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે. કેવી રીતે બની આ ફિલ્મ? અભિષેક 'બે યાર'ની સર્જનકથાનાં પાનાં ખોલે છે.
"જૂન ૨૦૧૨માં 'કેવી રીતે જઈશ' રિલીઝ થઈ પછી હું ભાવેશ માંડલિયા (જેમણે 'કાનજી વિરુદ્ધ કાનજી' જેવું યાદગાર નાટક અને પરેશ રાવલ-અક્ષયકુમારવાળી 'ઓહ માય ગોડ' જેવી સુપરહિટ ફિલ્મ લખી છે)ના સંપર્કમાં આવ્યો. અમારી વચ્ચે થોડું થોડું કમ્યુનિકેશન થયા કરતું હતું. ઓગસ્ટ-૨૦૧૨માં અમે પહેલી વાર મળ્યા. મને લાગે છે કે એના થોડા જ દિવસો બાદ 'ઓહ માય ગોડ' રિલીઝ થઈ હતી. અમે બે અને નીરેન ભટ્ટે (ઉમેશ શુક્લની આગામી ફિલ્મ 'ઓલ ઇઝ વેલ'ના લેખક) સાથે મળીને ઘણું બ્રેન ર્સ્ટોિંમગ કર્યું. બે-ચાર વાર્તાઓ ડિસ્કસ કરી. એક તબક્કે અમે અશ્વિની ભટ્ટની એકાદ લઘુનવલ પરથી ફિલ્મ બનાવવાની શક્યતા વિશે પણ ચકાસી રહ્યા હતા. અમે ત્રણેય 'કસબ', 'કમઠાણ' અને 'કસક' વાંચી રહ્યા હતા એ જ અરસામાં અશ્વિની ભટ્ટનું અવસાન થયું."
આ દુઃખદ ઘટનાને કારણે અભિષેકનું મન ઊઠી ગયું. અશ્વિની ભટ્ટની કથાનો આધાર લેવાને બદલે ઓરિજિનલ વાર્તા પરથી જ ફિલ્મ બનાવવાનું નક્કી થયું. સૌથી પહેલાં મુંબઈવાસી લેખકજોડીએ સત્તર-અઢાર પાનાંની 'બે યાર'ની વાર્તા અંગ્રેજીમાં લખીને અભિષેકને ઈ-મેઇલ પર મોકલી આપી. વાર્તાને વધારે રિજન-સેન્ટ્રિક બનાવવા, તેમાં સ્થાનિક ગુજરાતીપણું ઉમેરવા અમદાવાદી અભિષેકે કેટલાંક સરસ સૂચનો કર્યાં. નવા ડ્રાફ્ટ્સ બન્યા ને ધીમે ધીમે 'બે યાર'ની સ્ક્રિપ્ટને ઘાટ મળતો ગયો. ફિલ્મમાં યારી-દોસ્તીની, સંબંધોની, યુુવાન આંખે જોવાતાં સપનાંની, તે સાકાર કરવા માટે થઈ જતી ભૂલોની અને ભૂલનાં પરિણામોમાંથી બહારઆવવાની મથામણની વાત છે. 
"બીજી ફિલ્મમાં હું 'કેવી રીતે જઈશ'ના હીરો દિવ્યાંગ ઠક્કરને રિપીટ કરીશ એવો કોઈ વિચાર નહોતો. સ્ક્રિપ્ટ લખાયા પછી મને 'બે યાર'માંના એક યાર માટે દિવ્યાંગ પરફેક્ટ લાગ્યો. જોકે, મેં તેને કહી રાખ્યું હતું કે તારા કાસ્ટિંગનો બધો આધાર બીજા હીરો પર છે. તમારા બન્નેની જોડી જામવી જોઈએ. જો એવું નહીં થાય તો મારે બન્નેને પડતા મૂકીને નવી પેર શોધવી પડશે," આટલું કહીને અભિષેક ઉમેરે છે, "હીરોની શોધ માટે મેં ફેસબુકની મદદ પણ લીધી હતી. એક્ટરોની પ્રોફાઈલ વાંચું, તસવીરો જોઉં. એમના ફ્રેન્ડ્સ લિસ્ટમાં બીજા એક્ટરો હોવાના જ. એમની તસવીરો અને ડિટેલ્સ પણ જોઈ જાઉં!"
મુંબઈના થિયેટર એક્ટર પ્રતીક ગાંધીના નામનું સૂચન થયું તે પછી અભિષેકે ફેસબુક દ્વારા જ એનો સંપર્ક કર્યો હતો. "પહેલી વાર મુંબઈની કોઈ કોફી શોપમાં પ્રતીકને મળ્યો ત્યારે મેં એનું એક પણ નાટક કે પરફોર્મન્સ જોયું નહોતું, છતાંય ઈન્સ્ટિંક્ટવલી મને એ પસંદ પડી ગયો," અભિષેક કહે છે, "પછી દિવ્યાંગ સાથે એની સહિયારી મિટિંગ કરી કે જેથી બન્ને એકસાથે કેવા દેખાય છે તે જાણી શકાય. વડીલો ઉંમરલાયક છોકરા-છોકરીની મિટિંગ ગોઠવે ત્યારે બેયની પર્સનાલિટી મેચ થાય છે કે નહીં તે ચૂપચાપ ચકાસતા હોય એવો કંઈક ઘાટ હતો! પ્રતીક કે દિવ્યાંગ બન્ને એકબીજા માટે અજાણ્યા હતા અને બેમાંથી કોઈને જાણ નહોતી કે આ કમ્બાઈન્ડ મિટિંગ મેં શું કામ બોલાવી છે. વળી, મેં જાણીજોઈને એમને એવા ફૂડ જોઇન્ટ પર બોલાવ્યા હતા કે જ્યાં ઊભા ઊભા ખાવું પડે. મેં બહાનું કાઢીને જરા દૂર જઈને અલગ અલગ એન્ગલથી બન્નેની હાઇટ સરખાવી જોઈ. તેઓ એકસાથે સરસ દેખાતા હતા એટલે મનોમન નક્કી કરી નાખ્યું, ઈસી જોડી કો ચિપકા દેતે હૈ પિક્ચર મેં!"
(From L to R) Abhshek Jain, Pratik Gandhi and Divyang Thakkar

હિરોઈન સંવેદનાએ અભિષેકની માફક વ્હિસલિંગ વૂડ્સ ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં અભિનયનો કોર્સ કર્યો છે. આ જામનગરી કન્યા વાસ્તવમાં એમબીબીએસ ડોક્ટર છે! ફિલ્મમાં પ્રતીકના ભાગે હિરોઈન આવી છે તો દિવ્યાંગના ભાગે પપ્પા. આ રોલ દર્શન જરીવાલાએ કર્યો છે.
"દર્શનભાઈને હું સુરતમાં મળ્યો હતો," અભિષેક કહે છે, "મેં એમને લાંબું નેરેશન આપેલું. ત્રણ દિવસ પછી એમણે મને ફોન કર્યો,જે લગભગ બે કલાક ચાલ્યો હશે. પિતાના રોલમાં એમને એક-બે બાબતો ખૂંચતી હતી. એમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું કે આખી સ્ક્રિપ્ટના સંદર્ભમાં આ રોલ ખરેખર કેવી રીતે ઊપસવો જોઈએ. લેખકો સાથે ચર્ચા કરીને અમે જરૂરી ફેરફાર કર્યા. દર્શનભાઈની સૌથી મજાની વાત એ છે કે તેમને માત્ર પોતાના ડાયલોગ જ નહીં, બલકે આખેઆખી સ્ક્રિપ્ટના સંવાદો ભાવ સહિત યાદ હોય. એમના જેવા અદાકાર સાથે કામ કરવું ખરેખર લહાવો છે."
દર્શન જરીવાલાની માફક મનોજ જોષી પણ બોલિવૂડ સાથે સંકળાયેલું એક સરસ નામ. મુંબઈના ભાઈદાસ ઓડિટોરિયમમાં મિટિંગ દરમિયાન ટૂંકું નેરેશન સાંભળીને જ એમણે તરત હા પાડી દીધી હતી. થિયેટર અને બોલિવૂડ સાથે સંકળાયેલા અમિત મિસ્ત્રી પણ કારવાંમાં જોડાયા. ખૂબ બધી એડ્સ અને 'કિક' જેવી કેટલીય હિન્દી ફિલ્મોમાં આપણે જેને જોયા છે એ ગોળમટોળ કવિન દવેની ભલામણ દિવ્યાંગે કરી હતી. એની સાથે અભિષેકની પહેલી મુલાકાત સીધી અમદાવાદમાં સેટ પર જ થયેલી.
'બે યાર'ની સ્ટારકાસ્ટ જો મસ્તમજાની છે તો સંગીત પણ ઝુમાવી દે તેવું છે. 'એબીસીડી', 'શુદ્ધ દેસી રોમાન્સ', 'શોર ઈન ધ સિટી'જેવી કેટલીય ફિલ્મોમાં હિટ મ્યુઝિક આપીને બોલિવૂડના 'એ' લિસ્ટમાં સ્થાન મેળવી લેનારા સચીન-જીગરની જોડીએ 'બે યાર' માટે દિલથી સંગીત તૈયાર કર્યું છે. "આ બન્ને પાગલ છોકરાઓ છે!" અભિષેક હસે છે, "કામ પૂરજોશમાં ચાલતું હોય ત્યારે ચાર-ચાર દિવસ સુધી સ્ટુડિયોમાંથી બહાર નહીં નીકળે. એમના સ્ટુડિયોમાં તમને ભીનાં ટોવેલ અને ટૂથબ્રશ પણ મળી આવે! નખશિખ ગુજરાતી છે બન્ને. એટલી હદે કે હિન્દી ગીતોની ટયુન તૈયાર કરતી વખતે પણ તેઓ ડમી તરીકે ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરે છે!"
with Puskar Singh, the cinematographer

નીરેન Bhattએ લખેલું 'સપનાં નવાં' ગીત ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ લોકજીભે ચડી ગયું છે, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા એન્ડ યુટયુબ. 'બે યાર'ના એડિટર સત્ચિત્ત પુરાણિક છે, જેમના બાયોડેટામાં 'શિપ ઓફ થિસિઅસ' જેવી વિશ્વસ્તરે વખણાયેલી ફિલ્મ બોલે છે. ફિલ્મમેકિંગની જુદી જુદી વિદ્યાઓના આટલા બધા સિતારા કોઈ ગુજરાતી ફિલ્મમાં એકસાથે કદાચ ક્યારેય ચમક્યા નથી. એમ તો કોઈ ગુજરાતી ફિલ્મ માટે પેરિસમાં બે દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું હોય કે જુદાં જુદાં શહેરોમાં પ્રમોશનલ એક્ટિવિટીઝ કરવામાં આવી હોય કે 'સિંઘમ રિટર્ન્સ' જેવી હાઇપ્રોફાઈલ હિન્દી ફિલ્મની પહેલાં થિયેટરોમાં દેખાડાતાં ટ્રેલરોમાં દીપિકાની 'ફાઈન્ડિંગ ફેની' અને શાહરુખની 'હેપી ન્યૂ યર' સાથે કોઈ ગુજરાતી ફિલ્મની ઝલક જોવા મળતી હોય એવુંય ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં ક્યાં ક્યારેય બન્યું છે!
"આ વખતે મેં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કર્યું છે. 'કેવી રીતે જઈશ'માં એક-એક સિકવન્સનાં સ્ટોરીબોર્ડ બનતાં, જ્યારે 'બે યાર'માં તો મેં શોટ ડિવિઝન પણ કર્યાં નહોતાં. સેટ પર પણ આ વખતે હું ખાસ્સો રિલેક્સ્ડ હતો," આટલું કહીને અભિષેક સ્મિત કરે છે, "કદાચ લગ્ન થઈ ગયાં છે એટલે હું જરા શાંત થઈ ગયો છું!"
૨૮ વર્ષના અભિષેક પાસે વૈચારિક સ્પષ્ટતાઓ છે અને ઠાંસી ઠાંસીને ભરેલો નક્કર આત્મવિશ્વાસ છે. ટ્રેલરના લુક અને ફિલ પરથી અમુક લોકોને 'બે યાર' જાણે 'કેવી રીતે જઈશ'ની સિક્વલ હોય અથવા એના જ કુળની 'સેફ' ફિલ્મ હોય એવું લાગ્યું હતું, પણ અભિષેક પાસે એનોય જવાબ છે, "હું, મારો સિનેમેટોગ્રાફર પુષ્કર સિંહ અને સાઉન્ડ ડિઝાઈનર અજિત રાઠોડ બન્ને ફિલ્મોમાં કોમન છીએ એટલે કદાચ પહેલી નજરે એવું લાગતું હોઈ શકે, પણ તમે ફિલ્મ જોશો એટલે તરત સમજાશે કે 'બે યાર' મારી આગલી ફિલ્મ કરતાં સાવ જુદી છે."
બિલકુલ!

0 0 0 

2 comments:

  1. thanks for taking us behind the scene ...! I just love the new generation of Gujarati Cinema....This movie must be appreciated, as they will take us in future.

    ReplyDelete
  2. વાહ....શિશિરભાઈ અભિષેક ભાઈ વિષે ની અને ગરવા ગુજરાતીઓ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને મોર્ડન બનાવવા માંગે છે એ બધા ની જાણકારી જાણી ને આનંદ થયો.... ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનું પેલે થી નક્કી હતું.૭ વાગ્યે સાંજે ઘાટકોપર માં પેલો શો મને અનુકુળ આવે એમ હતો. હું એક દોસ્તાર ને લઈ ને હાલી નીકળેલો.. ત્યાં જતા ખબર પડી કે પેલી ટીકીટ અમે ફડાવી છે... શો શરુ થવાની અડધી કલાક પેલાપ્ન કોઈ દેખાતું નોહ્તું કે જે ગુજરાતી મુવી જોવા આવ્યું હોય. થોડી વાર પછી બે વૃદ્ધ આંટી આવેલા જે ફાડું એંગ્રેજી બોલતા હતા પણ મૂળે ગુજરાતી હતા.પછી હાશકારો થયો..થોડી વાર પછી ૫-૬ જણા આવ્યા..શો નોસ્મ્ય થઈ ચુક્યો હતો હજુ શરુ થઈ નહોતી .પરંતુ પાછળ થી આવેલા માં એક ધીરેન ભાઈ પણ હતા.પછી બે લીટી માં પરિચય થયો..ત્યાં જ શો શરુ થયો. મુવી પત્યા પછી એની જોડે થોડી વાતો કરવાની હતી.પણ રહી ગઈ....

    ReplyDelete