Mumbai Samachar_Matinee Purti_ 27 Dec 2013 હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
|
ગ્રેટ ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેઝી અને ગ્રેટ એક્ટર રોબર્ટ દ નીરો ભેગા થાય ત્યારે ફક્ત કમાલ થઈ શકે. રાઈટર-ડિરેક્ટરે પાત્રાલેખન કરતી વખતે બહુ વિગતો ન મૂકી હોય તો પણ માત્ર સંવેદનાના આધારે કેરેક્ટરને કેટલી અદ્ભુત રીતે ઉપસાવી શકાય એ રોબર્ટ દ નીરોએ ‘ટેક્સી ડ્રાઈવર’ના ટાઈટલ રોલ થકી દેખાડી આપ્યું છે
Film No. 54. ‘ટેક્સી ડ્રાઈવર’ |
મહાન ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેઝી અને મહાન અદાકાર રોબર્ટ દ નીરો - આ બન્નેને એકબીજાની કરીઅરને ઊંચાઈ પર પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સ્કોર્સેેઝી- દ નીરોની જોડીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાંની એક કરતાં વધારે ફિલ્મો ‘ધ ગ્રેટેસ્ટ ફિલ્મ્સ ઓફ ઓલ ટાઈમ’ લિસ્ટમાં સ્થાન પામી છે. આજે એમાંની એક ‘ટેક્સી ડ્રાઈવર’ વિશે વાત કરીએ.
ફિલ્મમાં શું છે?
ટ્રેવિસ બિકલ (રોબર્ટ દ નીરો) નામનો એક અમેરિકન જુવાનિયો છે. વિયેતનામ વૉર વખતે એ અમેરિકન નૌકાદળમાં કામ કરતો હતો. હાલ ન્યૂયોર્ક જેવા ધમધમતા શહેરના કોઈ ખખડધજ ફ્લેટમાં એકલો રહે છે. એ મૂળ ક્યાંનો છે, એનાં માતા-પિતા ક્યાં રહે છે તે વિશે કોઈ સ્પષ્ટતા થતી નથી. મા-બાપ સાથે જાણે માત્ર ક્રિસમસ, બર્થડે હોય ત્યારે મા-બાપને કાગળ કે કાર્ડ લખવા સિવાય જાણે કોઈ સંબંધ બચ્યો નથી. અધૂરામાં પૂરું બાપડો તીવ્ર અનિદ્રાની બીમારીથી પીડાય છે. દિવસે ફાલતું થિયેટરોમાં જઈને પોર્નોેગ્રાફિક ફિલ્મો જોયા કરે અને રાતે સમય પસાર થઈ જાય તે માટે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે. મધરાતે કોઈક જગ્યાએ લૂસ-લૂસ ખાઈ લે, કૉફી પીધા કરે. માથાફરેેલ ટ્રેવિસ ઓછોબોલો ને અતડો છે, પણ વિઝાર્ડ નામના ઑર એક ટેક્સી-ડ્રાઈવર સાથે એને થોડીઘણી દોસ્તી થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં ગુંડાગીરી અને વેશ્યાવૃત્તિ એટલી વધી ગઈ છે કે આ શહેર હવે રહેવા જેવું રહ્યું નથી એ ટાઈપની વાતો બન્ને વચ્ચે થયા કરતી હોય.
તદ્દન શુષ્ક અને યાંત્રિક જિંદગી જીવન જીવતા ટ્રેવિસને બેટ્સી (સિબિલ શેફર્ડ) નામની યુવતી પસંદ છે. અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહેલા એક સેનેટર માટે બેટ્સી પ્રચારનું કામ કરે છે. શરૂઆતમાં તો બેટ્સીને પણ ટ્રેવિસ ગમી જાય છે. એક વાર ટ્રેવિસ એને ડેટ પર લઈ જાય છે. ક્યાં? એક પોર્નોેગ્રાફિક ફિલ્મ જોવા. બેટ્સી ભડકી ઊઠે છે: તું મને સમજે છે શું? આવી ગંધારી પિક્ચર દેખાડવા તું મને લઈ આવ્યો છે? એ ટ્રેવિસને તરછોડીને જતી રહે છે. ટ્રેવિસને પોતાની ભૂલ સમજાય છે. બીજા દિવસે બેટ્સીને મનાવવાની કોશિશ પણ કરે છે, પણ બેટ્સીનું મન હવે એના પરથી ઊઠી ગયું છે.
એકવાર રાતે ટેક્સીમાં રઝળપાટ કરતી વખતે ટ્રેવિસનો ભેટો આઈરિસ (જુડી ફોસ્ટર) નામની વેશ્યા સાથે થાય છે. વાસ્તવમાં આઈરિસ વેશ્યા નહીં, પણ બાળવેશ્યા છે. એ ફક્ત બાર જ વર્ષની છે. મેથ્યુ ‘સ્પોર્ટ’ હિગિન્સ (હાર્વે કીટલ) નામના દલાલની ચુંગાલમાંથી બચવા એ ટ્રેવિસની ટેક્સીમાં ઘૂસી જાય છે, પણ સ્પોર્ટ એને ઢસડીને લઈ જાય છે. કોણ જાણે કેમ પણ આ છોકરી ટ્રેવિસના દિમાગમાંથી ખસતી નથી. કોણ હશે આ માસૂમ બાળકી? કેમ અવળા રસ્તે ચડી ગઈ છે એ? શું મજબૂરી હશે એની? ટ્રેવિસ મનોમન નક્કી કરી લે છે કે હું છોકરીને ગમે તેમ કરીને આ ગંદકીમાંથી બહાર કાઢીને જ રહીશ. એ દિવસે આઈરિસને મળીને એને સમજાવે છે, પોતાનાં મા-બાપ પાસે જવા એના હાથમાં પૈસા પણ મૂકે છે.
ટ્રેવિસનું વર્તન ધીમે ધીમે વધારે વિચિત્ર અને આક્રમક બનતું જાય છે. એ વિચિત્ર રીતે માથું મૂંડાવે છે. (‘બિગ બોસ’માં એક ટાસ્ક દરમિયાન અપૂર્વ અગ્નિહોત્રી અને સંગ્રામ સિંહે એક ટાસ્ક દરમિયાન માથાં પર વચ્ચે વાળનો જથ્થો છોડીને બન્ને સાઈડથી ટકલું કરાવ્યું હતું, યાદ છે? બસ, એવું જ કંઈક.) એની પાસે ગન છે અને એ ચૂંટણી લડી રહેલા પેલા સેનેટરને ઉડાવી દેવા માગે છે. સેનેટરની એક સભા વખતે એ ગન લઈને નીકળે પણ છે, પણ સિક્યોરિટી એજન્ટસને એના પર શંકા જતા એ શૂટઆઉટનો વિચાર માંડી વાળે છે. એના હાથમાંથી હજુ ખજવાળ ગઈ નથી. એ પેલી બાળવેશ્યા આઈરિસના દલાલને ઉડાવી દે છે. એના વેશ્યાવાડામાં જઈને બાઉન્સર જેવા દેખાતા માણસ પર ગોળી ચલાવીને જીવ લે છે. એ પોતે પણ ઘાયલ થાય છે. લોહીની હોળી ખેલ્યા પછી ટ્રેવિસ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે, પણ બંદૂકમાં ગોળી ખૂટી પડી છે. પોલીસ આવે છે. આઈરિસને એનાં માબાપ પાસે મોકલી દેવામાં આવે છે. ગળગળું થઈ ગયેલું દંપતી ટ્રેવિસને કાગળ લખીને આભાર વ્યક્ત કરે છે. ટ્રેવિસે એક સારું કામ કર્યું છે તેથી મીડિયા એની નોંધ લે છે.
ફિલ્મના અંતમાં બેટ્સી સાથે ફરી એની મુલાકાત થાય છે. બેટ્સી એની ટેક્સીમાં બેસે છે, સામેથી એની સાથે વાતો કરે છે, એનું જે નામ થયું છે તેના વિશે ચર્ચા કરે છે, પણ ટ્રેવિસ હવે એના પ્રત્યે ઉદાસીન થઈ ગયો છે. એ બેટ્સીને એનાં ગંતવ્યસ્થાને ઉતારે છે અને ટેક્સીભાડું ધરાર લેતો નથી. રિઅરવ્યૂ અરીસામાં બેટ્સી તરફ અછડતી નજર ફેંકીને એ રવાના થઈ જાય છે.
કથા પહેલાંની અને પછીની
‘ટેક્સી ડ્રાઈવર’ ડિરેક્ટ કરવા માટે સૌથી પહેલાં બ્રાયન દ પાલ્માનો અપ્રોચ કરવામાં આવ્યો હતો. કોઈક કારણસર બ્રાયને પ્રોજેક્ટ છોડ્યો ને તેમના સ્થાને માર્ટિન સ્કોર્સેઝી ગોઠવાઈ ગયા. રોબર્ટ દ નીરોને ૩૫,૦૦૦ ડોલરમાં સાઈન કરવામાં આવ્યા હતા, પણ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું એ જ અરસામાં એમને ‘ધ ગોડફાધર’ પાર્ટ ટુ માટે ઓસ્કર એવૉર્ડ મળ્યો. પ્રોડ્યુસરોને ટેન્શન થઈ ગયું કે રોબર્ટ દ નીરો હવે વધારે પૈસાની માગણી કરશે. સદ્ભાગ્યે, એવું ન થયું. રોબર્ટ દ નીરોએ એમને ખાતરી આપી કે ફિકર ન કરો, જેટલા પૈસા નક્કી થયા છે એટલા જ મને આપજો.
Martin Scorsese |
એક થિયરી એવી છે કે લેખક પૉલ શ્રેડરે માત્ર પાંચ દિવસમાં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી નાખી હતી. કોઈક જગ્યાએ ત્રીસ દિવસનો સમય નોંધાયો છે. એવુ પણ કહેવાય છે કે સતત પ્રેરણા મળતી રહે તે માટે પૉલ ફિલ્મ લખતી વખતે ટેબલ પર ભરી બંદૂક મૂકી રાખતા! ‘ટૅક્સી ડ્રાઈવર’ની વાર્તા કંઈક અંશે આત્મકથનાત્મક છે. લેખક પૉલ શ્રેડર નર્વસ બ્રેકડાઉનમાંથી તાજા તાજા પસાર થયા હતા. એમના ડિવોર્સની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. મિત્રો દૂર થઈ ગયા હતા. ભયંકર એકલતા અનુભવી રહ્યા હતા એ. અઠવાડિયાઓ સુધી એ કોઈની સાથે એક શબ્દ નહોતા બોલતા. આ અરસામાં તેમને બંદૂકો પ્રત્યે ગજબનું વળગળ થઈ ગયું હતું. દિવસોના દિવસો સુધી એ કારમાં એકલા એકલા ફર્યા કરતા. એમને થતું કે હું ટેક્સી ડ્રાઈવર હોત તો? લોસ એન્જલસથી ન્યૂયોર્ક શિફ્ટ થઈને તેમણે ટેક્સી ડ્રાઈવર બનવાનો લગભગ નિર્ણય લઈ લીધો હતો.
પૉલ ‘ટેક્સી ડ્રાઈવર’માં ખાસ તો એકલતા વિશે લખવા માગતા હતા સ્વાનુભાવ ઉપરાંત બે પુસ્તકોનાં વાંચનને લીધે એમને ક્રિયેટિવ ધક્કો અનુભવાયો. એક તો, આર્થર બ્રીમર નામના માણસની પુસ્તકરૂપે પ્રકાશિત થયેલી ડાયરી પરથી. આર્થરે પ્રેસિડન્શીયલ ચૂંટણીમાં ઝુકાવવા માગતા જ્યોર્જ વૉલેસ પર ગોળી ચલાવી હતી. આ ગુના માટે તેમને સજા પણ થઈ હતી. મહાન રશિયન લેખક દોસ્તોવ્યસ્કીએ પોતાના કારાવાસના અનુભવો ‘નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ’ પુસ્તકમાં આલેખ્યા છે. આ પુસ્તકે પણ ધારી અસર કરી.
ટાઈટલ રોલમાં રોબર્ટ દ નીરોએ કમાલ કરી છે. તીવ્ર એકલતા અનુભવતો ટેક્સી ડ્રાઈવર માનવસંબંધો કાપીને બેઠો છે. એ સંબંધ બનાવવા, કનેક્ટ થવા માગે છે, પણ એમ કરી શકતો નથી. એ ખૂલવા માગે છે, પણ ખૂલી શકતો નથી, સફળતાપૂર્વક કે અર્થપૂર્ણ રીતે કમ્યુનિકેટ કરી શકતો નથી. અંદરને અંદર ધૂંધવાયા કરે છે. રાઈટર-ડિરેક્ટરે પાત્રાલેખન કરતી વખતે બહુ વિગતો ન મૂકી હોય તો પણ માત્ર સંવેદનાના આધારે કેરેક્ટરને કેટલી અદભુત રીતે ઊપસાવી શકાય એ રોબર્ટ દ નીરોએ આ રોલ થકી દેખાડી આપ્યું. અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને ‘આર યુ ટોકિંગ યુ મી?’ ડાયલોગ અને તે સીન અવિસ્મરણીય બની ગયો છે. તે આખો સીન રોબર્ટ દ નીરોએ જાતે ઈમ્પ્રોવાઈઝ કરેલો છે.
બ્રાયન દ પાલ્મા ડિરેક્ટર તરીકે પસંદ થયેલા ત્યારે બાળવેશ્યા તરીકે મેલેની ગ્રિફિથને પસંદ કરી હતી, પણ માર્ટિન સ્કોર્સેઝીએ જુડી ફોસ્ટને કાસ્ટ કરી. જુડી એ વખતે ખરેખર બાર વર્ષની હતી. એ ત્રણ વર્ષની ઉંમરથી બાળકલાકાર તરીકે કામ કરતી આવી છે. એની હરીફાઈમાં બીજાં નામો પણ હતાં, જે આગળ જતાં જાણીતાં બન્યાં: કેરી ફિશર, બો ડેરેક, મિશેલ ફાઈફર વગેરે. શૂટિંગ શરૂ કરતાં પહેલાં કેલિફોર્નિયાના લેબર બોર્ડના લૉ પ્રમાણે જુડી ફોસ્ટરનું સાઈકોલોજિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હિંસાના ચિક્કાર દશ્યોવાળી ફિલ્મમાં વેશ્યાનો રોલ કરવાથી એના બાળમાનસ પર કોઈ ખરાબ અસર નહીં થાયને, તે ચકાસવા! ‘ટેક્સી ડ્રાઈવર’ બોક્સ ઓફિસ પર પણ સરસ ચાલી. એને ચાર ઓસ્કર નોમિનેશન મળ્યાં. અમુક ફિલ્મો એવરગ્રીન હોય છે જેને કેટલીય વાર જોઈ શક્ાય અને દરેક વખતે નવેસરથી મજા જ આવે. ‘ટેક્સી ડ્રાઈવર’ એ કક્ષાની ક્લાસિક ફિલ્મ છે. ડોન્ટ મિસ ઈટ!
'ટેક્સી ડ્રાઈવર' ફેક્ટ ફાઈલ |
ડિરેક્ટર : માર્ટિન સ્કોેર્સેઝી
રાઈટર : પૉલ શ્રેડર
કલાકાર : રોબર્ટ દ નીરો, જુડી ફોસ્ટર, સિબિલ શેફર્ડ, હાર્વે કીટલ
રિલીઝ ડેટ : ૮ ફેબ્રુઆરી, ૧૯૭૬
મહત્ત્વના એવૉર્ડઝ : બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર ઈન લીડિંગ રોલ (રોબર્ટ દ નીરો), એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ (જુડી ફોસ્ટર), મ્યુઝિક માટેનાં ઓસ્કર નોમિનેશન્સ 0 0 0
No comments:
Post a Comment