મુંબઈ સમાચાર- ઈન્ટરવલ
પૂર્તિ - તા. ૨૦ માર્ચ ૨૦૧૨
કોલમ:
હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦
વિદેશી ફિલ્મો
પતિ-પત્નીના સંબંધમાં તિરાડ પડે તે ઘટનાની સૌથી
ભયાનક અસર સંતાન પર પડે છે. તેનો કોઈ વાંક-ગુનો હોતો નથી, તો પણ. અલબત્ત,
વિચ્છેદ પછી પણ કશુંક બાકી રહી જતું હોય છે. ‘ક્રેમર વર્સસ ક્રેમર’માં આવા તૂટેલા પરિવારની વાત અત્યંત હૃદયસ્પર્શી
રીતે પેશ થઈ છે.
ફિલ્મ નંબર ૧૫. ક્રેમર વર્સસ ક્રેમર
હોલીવૂડ એક બાજુ ચિત્રવિચિત્ર પ્રાણીઓ, એલિયન્સ, હથોડાછાપ મારામારી અને સ્પેશિયલ ઈફેક્ટ્સની રમઝટ બોલાવતી ફિલ્મો પ્રોડ્યુસ
કરે છે, તો બીજી બાજુ, માનવસંબંધનાં સંવેદનશીલ
પાસાંને રજૂ કરતી લાગણીભીની ફિલ્મો પણ બનાવે છે. ‘ક્રેમર વર્સસ ક્રેમર’ બીજા પ્રકારની ફિલ્મ છે. બિનજરુરી મેલોડ્રામાથી ક્યાંય દૂર રહેતી આ યાદગાર ફિલ્મ દર્શકના દિલ-દિમાગ પર તીવ્ર અસર છોડી જાય છે.
ફિલ્મમાં
શું છે?
એક શહેરી કપલ છે. પતિ ટેડ (ડસ્ટિન હોફમેન), પત્ની જોઆના (મેરિલ સ્ટ્રીપ) અને
સાત વર્ષનો રુપકડો દીકરો બિલી (જસ્ટિન હેનરી). નાનકડા સરસ મજાના ફ્લેટમાં તેઓ રહે
છે. ટેડ કોઈ કંપનીમાં એડવર્ટાઈઝિંગ એક્ઝિક્યુટિવ છે. અતીશય કામઢો છે. પોતાની જોબ પાછળ એટલો બધો સમય ખર્ચી
નાખે છે કે એનું લગ્નજીવન ભંગાણ તરફ ધકેલાઈ રહ્યું છે એના તરફ તેનું ધ્યાન પણ નથી.
એક સાંજે એ ઘરે આવે છે ત્યારે પત્ની જોઆના આક્રમક મૂડમાં છે.
‘ટેડ, હું તને
છોડીને જઈ રહી છું...’ એના અવાજમાં
નિશ્ચયાત્મક રણકો છે, ‘મારાથી હવે તારી
સાથે એક છત નીચે નહીં રહી શકાય. આ રહી ઘરની ચાવીઓ, આ રહી બેન્કની પાસબુક,
આ રહ્યાં ક્રેડિટ કાર્ડસ. હું મારી સાથે ફક્ત બે
હજાર ડોલર લઈને જાઉં છું, કારણ કે આપણાં લગ્ન થયાં ત્યારે એટલી
રકમ મારા ખાતામાં પડી હતી.’
ટેડ હાંકોબોંકો થઈ જાય છે. એ જોઆનાને સમજાવવાની બહુ કોશિશ કરે
છે, પણ પેલી કશું સાંભળવા તૈયાર નથી. ટેડ
કહે છે, ‘અને દીકરો? એનું શું?’ જોઓના કહે છે, ‘દીકરાને હું તારી પાસે છોડતી જાઉં છું. એને તારે
સાચવવાનો છે.’ જોઆના જતી
રહે છે. સાત વર્ષના લગ્નજીવન પર એકઝાટકે પૂર્ણવિરામ મૂકાઈ જાય
છે.
હવે બાપ-દીકરાના સંબંધમાં એક નવો અધ્યાય શરુ થાય છે. ઘરમાં પત્ની નથી, માતા નથી. બિલી
મૂંઝાઈ ગયો છે. ટેડ દીકરાને હિંમતભેર કહે છે: મમ્મી નથી તો શું થઈ ગયું? હું છું ને! બોલ, શું ખાઈશ નાસ્તામાં? ટેડને
બહુ જલદી સમજાય જાય છે કે નાનકડા છોકરાને એકલા હાથે ઉછેરવો એ લોઢાના ચણા ચાવવા કરતાંય અઘરું કામ છે.
બિલી વાતવાતમાં જીદ કરે છે, ડેડીની વાત માનતો નથી.
ફિલ્મમાં એક બહુ અસરકારક સીન છે, જેમાં ટેડ ના
પાડે છે તોય ટેણિયો ભરેલી થાળીને તરછોડીને ધરાર ફ્રિજ ખોલીને આઈસક્રીમ ખાવા લાગે છે.
ટેડની કમાન છટકે છે. દીકરાને ઊંચકીને પથારી પર
પટકે છે. દીકરો ચિલ્લાઈ ઉઠે છે: આઈ હેટ
યુ, ડેડ!
ખેર,
ધીમે ધીમે બાપ-બેટા વચ્ચે અનુકૂળ સમીકરણ રચાવા
લાગે છે. દીકરાને સારી રીતે સાચવવાની લાહ્યમાં ટેડ ઓફિસના કામમાં
પૂરતું ધ્યાન આપી શકતો નથી. સારી નોકરી ગુમાવીને એણે ઓછા પગારવાળા
નોકરીમાં ગુજારો કરવો પડે છે. વચ્ચે વચ્ચે કટોકટી પણ પેદા થાય
છે. જેમ કે, એક વાર બિલી પાર્કમાં રમતા
રમતા પડી ગયો હતો. ટેડે લોહીલુહાણ દીકરાને ઊંચકીને ગાંડાની જેમ
ભરટ્રાફિકમાં હોસ્પિટલ તરફ ભાગવું પડ્યું હતું. પાડોશમાં માગાર્રેટ
(જેન એલેક્ઝાન્ડર) નામની ડિવોર્સી મહિલા રહે છે.
તે પણ સિંગલ પેરેન્ટ છે. બિલીને સાચવવામાં એ હંમેશાં
ટેડને ઘણી મદદ કરે છે.
પંદર મહિના પછી જોઆના ઓચિંતા પાછી પ્રગટે છે. એ કહે છે,
હું મારા દીકરાને સાથે લઈ જવા આવી છું. ટેડ ભડકી
ઉઠે છે: ‘તને બિલી નહીં મળે. એને મારી
સાથે રહેેવું છે.’ જોઆના કહે
છે: ‘તું શી રીતે ખાતરીપૂર્વક
કહી શકે કે બિલીને મારી સાથે નથી રહેવું?’ હવે શરુ થાય
છે બિલીની કસ્ટડી માટે પીડાદાયી કોર્ટકેસ. (ટેડની અટક ક્રેમર
છે. ‘ક્રેમર વર્સસ ક્રેમર’ એટલે અદાલતમાં ક્રેમર દંપતી વચ્ચે થતી
અથડામણ.) બન્નેના વકીલ કાબેલ છે. જાતજાતની
દલીલબાજી થાય છે, સાવ અંગત વાતો જાહેરમાં ઉછળે છે. ચારિત્ર્ય પર આંગળી ચીંધાય છે.
ટેડ જોઆનાને કહે છે: ‘જો,
તું ગઈ પછી બહુ તકલીફ સહીને મેં અને દીકરાએ નવેસરથી માળો બાંધ્યો છે.
તું મહેરબાની કરીને એને પાછી વીંખતી ન નાખતી. દીકરો
બહુ મુશ્કેલીથી નવી પરિસ્થિતિથી ટેવાયો છે. તું બીજી વાર એના
પર ઘા ન કરતી...’ આંખો ભીની
કરી દે એવું આ દશ્ય છે આ. ટેડનો વકીલ એકવાર જોઆનાને ભીંસમાં લે
છે: તમે માનો છો કે એક પત્ની તરીકે, એ મા
તરીકે તમે સદંતર નિષ્ફળ ગયાં છો? જોઆના રડી પડે છે. એનાથી ટેડ તરફ જોવાઈ જાય છે. ટેડ સહાનુભૂતિપૂર્વક એને
તાકી હ્યો છે. તે નકારમાં માથું હલાવીને સંકેતમાં કહે છે:
ના પાડ, જોઆના. પત્ની તરીકે
તું નિષ્ફળ નથી ગઈ! અદભુત છે આ મોમેન્ટ. બન્ને એકબીજા સામે યુદ્ધે ચડ્યાં છે, છતાંય બન્ને વચ્ચે
કશુંક બચી ગયું છે. અદાલતના ઝેરીલા માહોલમાં પણ પતિને વિખૂટી
પડી ચૂકેલી પત્નીની ગરિમાની પરવા છે!
ખેર,
અદાલત આખરે જોઆનાની તરફેણમાં ચુકાદો આપે છે. ટેડ
ભાંગી પડે છે. જોઆના દીકરાને તેડવા ઘરે આવે છે. સાવ છેલ્લી ઘડીએ જોઆના આંસુભરી આંખે કહે છે, ‘ટેડ,
મને સમજાય છે કે બિલીનું સાચું ઘર આ જ છે. એ અહીં
જ ખુશ રહેશે, તારી પાસે. ના, હું બિલીને સાથે નહીં લઈ જાઉં...’ ટેડ એને ભેટી પડે છે. જોઆના એક વાર બિલીને મળી લેવા માગે
છે. લિફ્ટમાં જતી વખતે એ આંસુ લૂછી નાખે છે, વાળ ઠીક કરે છે. ટેડને પૂછે છે, ‘કેવી લાગું છું હું?’ ટેડ મલકીને કહે છે, ‘ટેરિફિક!’ આનંદિત થઈ ગયેલી જોઆનાને લઈને લિફ્ટ ઉપર ચડે છે. આ બિંદુ
પર ફિલ્મ પૂરી થાય છે.
કથા
પહેલાંની અને પછીની
‘ક્રેમર વર્સસ ક્રેમર’ એવરી કોર્મન નામના લેખકે લખેલી નવલકથા
પર આધારિત છે. સિત્તેરના દાયકામાં અમેરિકાના સામાજિક માળખામાં
પરિવર્તન આવી રહ્યું હતું. માતૃત્વ અને પિતૃત્વની વ્યાખ્યાઓ બદલાઈ
રહી હતી. આ ફિલ્મમાં આ બદલાતો સામાજિક પરિવેશ અસરકારક રીતે ઝીલાયો
છે. આ ફિલ્મ બની તે અરસામાં મેરિલ સ્ટ્રીપની અભિનેત્રી તરીકે
નવી અને પ્રમાણમાં અજાણી હતી. મૂળ તેને ડસ્ટિન હોફમેન જેની સાથે
વન-નાઈટ-સ્ટેન્ડ કરે છે તે સ્ત્રીના પાત્રમાં
કાસ્ટ કરવામાં આવી હતી, પણ પછી ડસ્ટિનની પત્નીનો રોલ આપવામાં
આવ્યો. ફિલ્મમાં ડસ્ટિન અને મેરિલ બન્નેનો અભિનય હૃદયસ્પર્શી
બન્યો છે એનાં અંગત કારણો પણ છે. ડસ્ટિન હોફમેન ખુદ તે વખતે ડિવોર્સની
કાનૂની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા, જ્યારે મેરિલનો પ્રેમી
મૃત્યુ પામ્યો હતો. તે હજુ એના દુખમાંથી પૂરેપૂરી બહાર નહોતી
આવી. બન્ને કલાકારોની અંગત વેદના તેમના અભિનયમાં એટલી હૃદયસ્પર્શી
રીતે ઝિલાઈ કે બન્ને ઓસ્કર અવોર્ડના હકદાર બન્યા. મેરિલની કરીઅરનો
તે પ્રથમ ઓસ્કર.
ફિલ્મના મેકિંગ દરમિયાન કેટલાંય દશ્યો સેટ પર ઈમ્પ્રોવાઈઝ થયાં. જેમ કે,
મેરિલ પહેલી વાર દીકરાની કસ્ટડીની માગણી કરે છે ત્યારે ડસ્ટિન ક્રોધે
ભરાઈને દીવાલ પર કાચના ગ્લાસનો ઘા કરી દે છે. આ સીનમાં હું આવી
કંઈક ચેષ્ટા કરવાનો છું એવું ડસ્ટિને એકમાત્ર કેમેરામેનને જ ક્હ્યું હતું. ગ્લાસ ફેંકાતા મેરિલ જે રીતે હેબતાઈ જતી દેખાડવામાં આવે છે તે એનું કુદરતી
રિએક્શન હતું! કોર્ટમાં પત્ની જુબાની આપે છે એ ડાયલોગમાં મેરિલને
મજા નહોતી આવતી. બીજે દિવસે એ ઘરેથી જાતે, પોતાની ભાષામાં તે સંવાદ લખીને આવી. રાઈટર-ડિરેક્ટર રોબર્ટ બેન્ટનને તે ડાયલોગ એટલો પસંદ પડ્યો કે સહેજ પણ કાપકૂપ વગર
યથાતથ શૂટ કર્યો. બાપ-દીકરાનો આઈસ્ક્રીમવાળો
સીન પણ મૂળ સ્ક્રિપ્ટમાં નહોતો. તે ડસ્ટિને બાળકલાકાર જસ્ટિન
સાથે સેટ પર ઈમ્પ્રોવાઈઝ કર્યો હતો. આ આઠ વર્ષના ટાબરિયાને બેસ્ટ
સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં ઓસ્કર નોમિનેશન એનાયત થયું હતું. આટલી નાની ઉંમરે ઓસ્કરની કોઈ પણ કેટેગરીમાં નોમિનેશન મેળવનાર તે વિશ્વનો પહેલો
એક્ટર હતો!
‘ક્રેમર વર્સસ ક્રેમર’ પરથી આપણે ત્યાં ‘અકેલે હમ અકેલે તુમ’ નામની ફિલ્મ બની છે તે તમે જાણો છો.
આમિર ખાન અને મનીષા કોઈરાલાએ તેમાં અભિનય કર્યો હતો. અંગ્રેજી ઓરિજિનલની બેઠ્ઠી નકલ હોવા છતાં ‘અકેલે હમ અકેલે તુમ’ સારી ફિલ્મ બની હતી. કોર્ટરુમ ડ્રામા ધરાવતી હોલીવૂડની ટોપ ટેન ફિલ્મોમાં ‘ક્રેમર વર્સસ ક્રેમર’નો સમાવેશ થાય છે. માનવસંબંધોનું
નાજુક નિરુપણ કરતી ફિલ્મોમાં રસ પડતો હોય તો ‘ક્રેમર વર્સસ ક્રેમર’ જોવી તમારા માટે અનિવાર્ય છે.
‘ક્રેમર વર્સસ
ક્રેમર’ ફેક્ટ ફાઈલ
રાઈટર-ડિરેક્ટર : રોબર્ટ બેન્ટન
મૂળ નવલકથાકાર
: એવરી કોર્મન
કલાકાર : ડસ્ટિન હોફમેન, મેરિલ સ્ટ્રીપ, જસ્ટિન હેનરી
રિલીઝ ડેટ : ૧૭ ડિસેમ્બર ૧૯૭૯
મહત્ત્વના
અવોર્ડઝ: બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર,
બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ,
બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે માટેના ઓસ્કર અવોર્ડઝ
Nice info.. Thanx..
ReplyDeletenice blog also.:)
But whats popular posts below ? related to popular ppl or writing?