દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૧૦ જૂન ૨૦૧૨
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
ચોખલિયો દર્શક ‘રાઉડી રાઠોડ’ જોઈને દિગ્મૂઢ થઈને વિચારમાં પડી જાય છે કે આ હથોડાછાપ ફિલ્મ સાચે જ સંજય ભણસાલીએ બનાવી છે? અમુક વિવેચકોના મતે સંજયની ક્રિયેટિવિટીના અંતની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે ઈન્ડસ્ટ્રીના બિઝનેસબહાદૂરો કહે છે કે ‘રાઉડી રાઠોડ’ પ્રોડ્યુસ કરીને ભણસાલીભાઈએ પહેલી વાર કોઈ સમજદારીનું કામ કર્યું છે!
‘મેરા માલ...’
એક આધેડ વયના મુછ્છડ આદમી પોતાના કરતાં અડધી ઉંમરની ન્કયાને જોતાં જ આ બે શબ્દો ઉચ્ચારે છે. ન્કયાની ખુલ્લી કમર જોઈને એની ડાગળી વારે વારે ચસકી જાય છે. પછી કોઈ ઢીન્ચાક ગીતની બીટ્સ પર આ હીરો-હિરોઈન શરીરના મધ્ય હિસ્સાને જોરદાર ઝાટકા મારતાં મારતાં ચક્રમ જેવો ડાન્સ કરે છે. ઠીક છે. હીરો મારામારી કરે ત્યારે ગુરુત્વાકર્ષણના નિયમની ઐસીતૈસી કરીને ગુંડા હવામાં આમતેમ ઊડ્યા કરે એનો ય વાંધો નથી. ‘રાઉડી રાઠોડ’ હાડોહાડ ટાઈમપાસ કમર્શિયલ ફિલ્મ છે એટલે એમાં આવા બધા મસાલા હકથી હોવાના. આ ફિલ્મમાં ચમકી જવાય એવી ચીજ એક જ છે. એ છે, ફિલ્મની શરૂઆતમાં આવતો લાલચટ્ટાક હંસની આકૃતિવાળો લોગોઃ સંજય લીલા ભણસાલી ફિલ્મ્સ!
વર્ષોથી સંજયસાહેબની મુલાયમ મુલાયમ ફિલ્મો જોવા ટેવાયેલો દર્શકન દિગ્મૂઢ થઈને વિચારવા માંડે છેઃ આ શું? આ હથોડાછાપ ફિલ્મ સાચે જ સંજય ભણસાલીએ બનાવી છે? ‘રાઉડી રાઠોડ’ જોયા પછી અમુક વિવેચકોએ તો ઘોષણા કરી નાખીઃ સંજય ભણસાલીની ક્રિયેટિવિટીના અંતની શરૂઆત થઈ ચૂકી છે...!
મુદ્દો ઈમેજનો છે. સંજય ભણસાલી એટલે નજાકતના માણસ, વિઝયુઅલના માણસ, પડદા પર કવિતા કરનારા માણસ... આવી એક સજજડ છાપ પડી ગઈ છે. મૂંગાબહેરાં માબાપને દિલ કી ઝુબાં સંભળાવતા (‘ખામોશી’), હીરો પાસે આંખોં કી ગુસ્તાખીયાં કરાવતા (‘હમ દિલ દે ચૂકે સનમ’), વિદેશ ગયેલા પ્રેમીની પ્રતિક્ષા કરી રહેલી નાયિકા પાસે અખંડ દીવો પેટાવતા (‘દેવદાસ’) અને આયખું ટૂંકાવી દેવું હોવા છતાં નાયકને જીવનરસને છલછલતો રાખતા (‘ગુઝારિશ’) આ ફિલ્મમેકર આ જ પ્રકારની ફિલ્મો બનાવતા રહે એવું જાણેઅજાણે આપણે ઈચ્છવા લાગતા હોઈએ છીએ.
સૌથી પહેલાં એક સ્પષ્ટતા. સંજય ભણસાલીએ ‘રાઉડી રાઠોડ’ પોતાનાં બેનર હેઠળ માત્ર પ્રોડ્યુસ કરી છે, ડિરેક્ટ નથી કરી. આની પહેલાં એમણે ‘માય ફ્રેન્ડ પિન્ટો’ (પ્રતીક બબ્બર) નામની ફિલ્મ માત્ર પ્રોડ્યુસ કરી હતી. ફર્ક એ છે કે ‘માય ફ્રેન્ડ પિન્ટો’ સુપરફ્લોપ થઈ હતી, પણ ‘રાઉડી રાઠોડ’ હિટ થઈને કરોડો કમાઈ રહી છે. શું ‘સાંવરિયા’ અને ‘ગુઝારિશ’ જેવી નિષ્ફળ ફિલ્મો પછી સંજય ભણસાલી પૈસા કમાવવા એક ‘રાઉડી રાઠોડ’ બનાવે એટલે એમની ક્રિયેટિવિટી કે સેન્સિબિલિટી જોખમમાં આવી જાય?
સિનેમા અત્યંત ખર્ચાળ માધ્યમ છે અને નાણાંનું પરિબળ કેન્દ્રમાં આવી જ જતું હોય છે. પ્યોર બિઝનેસની જ ભાષા સમજતી ઈન્ડસ્ટ્રીમાં અત્યારે એવું કહેવાય છે કે સંજય ભણસાલીએ ‘રાઉડી રાઠોડ’ બનાવીને પહેલી વાર કોઈ સમજદારીનું કામ કર્યું છે! સંજયે એક ઈન્ટરવ્યુમાં કહેલું, ‘એક્શન ફિલ્મ બનાવવી મારું કામ નહીં. હું પોતે ‘રાઉડી રાઠોડ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરવાનું વિચારી પણ ન શકું. અત્યારે હું મારી કરીઅરના એવા તબક્કામાં છ કે એક ફિલ્મમેકર તરીકે મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જ પડે અને અત્યાર સુધી જે દિશામાં નજર સુધ્ધાં કરી નહોતી એ તરફ કદમ માંડવાં પડે. હું પોતે મુંબઈની ચાલમાં ઉછરેલો માણસ છું . નાનો હતો ત્યારે મેં તમામ પ્રકારની ફિલ્મો ખૂબ માણી છે. લોકો ફિલ્મ જોતાં જોતાં દેકારો બોલાવતા હોય, સિક્કા ઊછાળતા હોય, ઊભા થઈ થઈને નાચતા હોય એવું બધું મેં બહુ જોયું છે. હું ઈચ્છું છું કે ‘રાઉડી રાઠોડ’ પણ એ જ પ્રકારનો જાદુ ફરી જગાવી શકે.’
બાકી ‘રાઉડી રાઠોડ’ જોઈને કાંપી ઉઠેલા ચોખલિયા દર્શકજનોએ કે ચાંપલા વિવેચકોએ સંજય ભણસાલીની કાબેલિયતના નામનું નાહી નાખવાની કશી જરૂર નથી. કહેનારાઓ કહે છે કે સંજય ભણસાલી હવે મહેશ ભટ્ટના રસ્તા ચાલી નીકળ્યા છે. ‘સારાંશ’ અને ‘અર્થ’ જેવી અદભુત ફિલ્મો આપનાર મહેશ ભટ્ટે પછી કોઈ પણ જાતના અફસોસ વિના, બિલકુલ બિન્દાસ થઈને પ્રોડ્યુસર તરીકે ‘મર્ડર’, ‘રાઝ’, ‘જિસ્મ’ અને એવી બધી ફિલ્મોનો ખડકલો કરી નાખ્યો. તેઓ કહે છે, ‘હું આજની તારીખેય ‘અર્થ’ અને ‘સારાંશ’ જેવી ફિલ્મો બનાવી શકું છું , પણ એ જોશે કોણ? આ ફિલ્મો બનાવીને મેં બહુ વાહવાહી મેળવી, અવોર્ડઝ જીત્યા, પણ મારું ખિસ્સું ખાલીખમ રહી ગયું એનું શું? ફિલ્મો માત્ર ક્રિયેટિવ સેટિસ્ફેક્શન માટે બનાવવાની નથી હોતી. એ બોક્સ ઓફિસ પર ચાલવી પણ જોઈએ. અમારે ‘મર્ડર’ અને ‘જિસ્મ’ જેવી ફિલ્મો બનાવવી પડે છે કારણ કે ઓડિયન્સને આવું જ બધું જોવું છે.’
વેલ, મહેશ ભટ્ટની વાતમાં અર્ધસત્ય છે. તેઓ ધારત તો ‘મર્ડર’ અને ‘જિસ્મ’ જેવી કમર્શિયલી સક્સેસફુલ ફિલ્મોની લંગાર વચ્ચે છૂટીછવાઈ સત્ત્વશીલ ફિલ્મો જરૂર બનાવી શક્યા હોત. બાકી સંજય અત્યારે ‘રામલીલા’ની તૈયારી કરવામાં વ્યસ્ત છે, જે બિલકુલ ‘એમના ટાઈપ’ની ફિલ્મ છે. સો ડોન્ટ વરી! કરીના કપૂર અને રણવીર સિંહને ચમકાવતી આ ફિલ્મને ‘રાઉડી રાઠાડ’ ટાઈપની સફળતા મળે એટલે ભયો ભયો.
શો-સ્ટોપર
સ્ત્રીઓનાં અન્ડરગાર્મેન્ટ્સ વેચતો એક આધેડ સેલ્સમેન એક મહિલાને જુદી જુદી બ્રા બતાવતાઃ ‘આ સ્પોર્ટસ બ્રા છે, આ અંધારામાં ચમકે એવી ફ્લુરોસન્ટ બ્રા છે અને આ છે પેડેડ બ્રા... (મહિલાના હૃષ્ટપુષ્ટ શરીર પર નજર નાખીને) પણ એની તમારે કશી જરૂર નથી.’
- સંજય ભણસાલીએ પ્રોડ્યુસ કરેલી આગામી ફિલ્મ ‘શિરીન ફરહાદ કી તો નિકલ પડી’નો એક સીન
At the end of the day ( Film ) MONEY matters.. If Sanjaybhai can balance both i.e producing this type of masala film and earn alot and keep directing his type of film then viewers will be the happiest lot amongst all.
ReplyDeleteAgreed, Mitesh.
ReplyDelete