ચિત્રલેખા - અંક તા. ૩ ફેબ્રુઆરી ૨૦૧૨
કોલમઃ વાંચવા જેવું
સમાજના કોઈ વર્ગમાં નાના પાયે તો નાના પાયે પણ નક્કર પરિવર્તન લાવવા માટે શાની જરૂર પડે? ખૂબ બધો પૈસાની? સત્તાની? માનવબળની? ના. ‘જીના ઈસી કા નામ હૈ’ નામનું આ નાનકડું પણ મહત્ત્વનુ પુસ્તક વાંચતી વખતે આ સવાલનો સચોટ જવાબ મળી જાય છેઃ કોઈના જીવનને સ્પર્શવા માટે સૌથી જરૂરી તત્ત્વો છે, ભરપૂર સંવેદનશીલતા અને કદીય ઢીલું ન પડતું મનોબળ. જો આ બે બાબત સાબૂત હશે તો બાકીનું બધું આપોઆપ ગોઠવાઈ જશે.
બીજાઓની જિંદગીમાં આશાનું કિરણ બનીને આવેલી પચાસ વ્યક્તિઓની સુંદર વાત અહીં રસાળ શૈલીમાં કહેવાઈ છે. આમાંનું કોઈ સેલિબ્રિટી નથી. એમની તસવીરો અખબારોનાં પેજ-થ્રી પર છપાતી નથી કે ટીવી પર ઉછળી ઉછળી ચર્ચા કરતી પેનલમાં એ ક્યારેય સ્થાન પામતા નથી. પણ એમનું કામ નક્કર છે, આદરણીય છે, ઉદાહરણરૂપ છે.
દાખલા તરીકે, રામુ ઉર્ફ રામ સ્નેહી. એ મધ્યપ્રદેશની બેડિયા જાતિના સદસ્ય છે. આ જાતિના લોકોનું માનવું છે કે એમની સ્ત્રીઓ મૂળ અપ્સરા હતી, એટલે મૃત્યુલોકમાં જન્મીને એમણે પુરુષોને રીઝવવાનું કામ કરવાનું હોય. તેથી બેડિયા જાતિની બધી જ સ્ત્રીઓ વેશ્યા બને અને એમના ભાઈઓ ને બાપાઓ દલાલ. રામુએ કાચી વયે જ આ પોતાના સમાજની બહેનદીકરીઓને આ કીચડમાંથી બહાર કાઢવાનો નિર્ધાર કરી લીધેલો. એને ધમકીઓ મળી, એની મારપીટ થઈ, એને ગામબહાર તગેડી મૂકવામાં આવ્યો, પણ રામુએ તંત ન છોડ્યો. પોતાના ગામથી શહેરમાં ગયેલી વેશ્યાઓનો ભરોસો જીતતા રામુને બે વર્ષ લાગ્યાં. કમનસીબ યુવતીઓને રામુએ સમજાવી કે તમારાં સંતાનો મને સોંપી દો, હું એમને ઉછેરીશ. આજે રામુના આશ્રમમાં ૩૦૦ બાળકો છે. એમને શિક્ષણ અપાય છે, જાતજાતની રમતો રમાડાય છે. આમાંના કોઈકને મોટા થઈને ડોક્ટર બનવું છે, કોઈકને ટીચર. એક બાળકી માનસશાસ્ત્રી બનવા માગે છે. આશ્રમ માટે, આ બાળકો માટે રામુએ અંગત જિંદગી ન્યોચ્છાવર કરી દીધી છે.
આંધ્રપ્રદેશના એક પછાત વર્ગમાં પ્રચલિત જોગણીપ્રથાનો સંબંધ પણ દેહાચાર સાથે છે. આ સમાજમાં દસઅગિયાર વર્ષની ન્કયાઓને ભગવાનની મૂર્તિ સાથે પરણાવી દેવામાં આવે એટલે તે જોગણી બની ગઈ કહેવાય. એવી માન્યતા છે કે આ ધાર્મિકવિધિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને કુટુંબનું દળદર ફીટે છે. જોગણીઓ શ્રીમંત પરિવારોમાં લગ્ન કે મૃત્યુ પ્રસંગે નાચવા જાય. ગામના જે પુરુષની ઈચ્છા થાય તે આ જોગણીને પોતાની સાથે સૂવા માટે બોલાવી શકે. ધર્મના નામે ચાલતા વ્યભિચારના આ ખેલમાં લાચાર સ્ત્રીઓ હોમાતી રહે છે.
હેમલતા લવણમ નામની સમજસેવિકા દાયકાઓથી આ કુરિવાજ સામે લડી રહ્યાં છે. ઘરે ઘરે જઈને એ લોકોને સમજાવે કે ભગવાન કંઈ આ રીતે પ્રસન્ન ન થાય. પૈસાદાર અને ઊંચી જાતિના લોકો સામે એમણે પડકાર ફેક્યોઃ ‘ભગવાનને રિઝવવાની આ પ્રથામાં તમે ખરેખર માનતા હો તો મોકલોને તમારી દીકરીઓને પણ જોગણી બનવા. માત્ર ગરીબોની દીકરીઓને જ શા માટે ભગવાન જોડે પરણવા દો છો?’
હેમલતાના પ્રયત્નો સફળ થતા ગયા. પછાત જાતિના લોકો મોડે મોડે પણ સમજ્યા ખરા કે આ પ્રથા ખોટી છે. હેમલતાએ ‘ચેન્ની નિલયમ’ એટલે કે ભગિની નિવાસ સ્થાપ્યું. બાપ વગરના જોગણીઓનાં સંતાનો માટે શાળા શરૂ કરી. નાચવા જવાનું બંધ કરી ચૂકેલી જોગણીઓએ ધીમે ધીમે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળવા માંડ્યું છે. એમને સ્વેચ્છાએ સંસાર માંડવાની તક અને સમાજમાં માનપૂર્વક જીવવાનો હક મળી રહ્યા છે.
માણસમાં જો વિત્ત હોય તો એના પર ત્રાટકતું અણધાર્યું કારુણ્ય એને તોડી શકતું નથી, બલકે એનામાં અજબ શક્તિનો સંચાર કરી દે છે. બે કિસ્સા સાંભળવા જેવા છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં સાઈકલ રિપેરિંગની દુકાન ધરાવતા મોહમ્મદ શરીફનો દીકરો લાપતા થઈ ગયેલો અને એને દફન કરવાનો મોકો સુધ્ધાં નહોતો મળ્યો. આ વેદના ઓછી કરવા મોહમ્મદે રઝળતી બિનવારસી લાશોની સન્માનભેર અંતિમવિધિ કરવાનું કામ શરૂ કરી દીધું. મરનાર મુસ્લિમ હોય તો મૌલવી પાસે વિધિસર દફનવિધિ કરાવે અને હિન્દુ હોય તો બાહ્મણ પાસે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરાવે.
બીજો કિસ્સો પશ્ચિમ બંગાળની સુહાસિની નામની કાછિયણનો છે. એના પતિએ સારવારના અભાવે ડોક્ટરની ગેરહાજરીમાં જીવ ગુમાવ્યો હતો. સુહાસિનીએ પતિના નિર્જીવ શરીર પર હાથ મૂકીને શપથ લીધા કે હું એવી હોસ્પિટલ બનાવીશ જેમાંથી કોઈ ગરીબજન સારવાર પામ્યા વિના પાછ નહીં જાય. આ ઘટના પછીનાં ૨૦ વર્ષ સુધી એ શાકભાજી વેચતી રહી. કાળજ કઠણ કરીને બાળકોને અનાથાશ્રમમાં મૂકી દીધાં કે જેથી એમને સારું શિક્ષણ મળે. દીકરો અજય તેજસ્વી નિકળ્યો અને ડોક્ટર બન્યો. ટીપે ટીપે એકઠી કરેલી બચતમાંથી સુહાસિનીએ શરુઆતમાં નાની ડિસ્પેન્સરી ખોલી. થોડાં વર્ષોમાં 100 કરતાંય વધારે બૅડ તેમજ આધુનિક શસ્ત્રસરંજામ સાથેની હોસ્પિટલ ખડી થઈ ગઈ. અભણ સુહાસિનીએ પોતાની શપથ પાળી બતાવી!
અભણ ગરીબ માણસો જો આટલી હદે સામાજિક દાયિત્વ નિભાવી શકતા હોય તો સંપન્ન શિક્ષિત માણસ ધારે તો આ દિશામાં કેટલું બધું હાંસલ કરી શકે! આ પુસ્તક સહેજ પણ ઉપદેશ આપ્યા વગર વાચકમાં કમાલની પોઝિટિવિટી પેદા કરે છે, એને વિચારતો કરી મૂકે છે. વાસ્તવમાં ૧૯૯૯૨૦૦૨ દરમિયાન દૂરદર્શન પર ‘કિરણ’ નામનો પાંચ જ મિનિટનો અવોર્ડવિનિંગ કાર્યક્રમ ટેલીકાસ્ટ થયો હતો. તેને ખૂબ સારો પ્રતિસાદ મળેલો. આ શોની સત્યકથાઓનું લિખિત સ્વરૂપ એટલે આ પુસ્તક. શોનું લાઘવ પુસ્તકમાં પણ સુંદર રીતે જળવાઈ રહ્યું છે. લાંબા લાંબા વર્ણનો નહીં, બિનજરૂરી લાગણીવેડા નહીં. સીધી ને સટ વાત અને ચોટદાર અસર. સૌરભ શાહે કરેલું ગુજરાતીકરણ એટલું સુંદર છે કે મૂળ લખાણ વધારે નિખરીને, વધારે પ્રભાવશાળી બનીને બહાર આવ્યું છે.
બજારમાં ઠલવાઈ રહેલાં પ્રેરણા અને ચિંતનનાં અસરહીન પુસ્તકો વચ્ચે ‘જીના ઈસી કા નામ હૈ’ તાજગીનો સુખદ અનુભવ કરાવે છે. બેશક, વાંચવા અને વંચાવવા જેવું પુસ્તક. ૦૦૦
જીના ઈસી કા નામ હૈ
લેખકઃ ઉમેશ અગ્રવાલ
રજૂઆતઃ સૌરભ શાહ
પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમતઃ રૂ. ૮પ /
પૃષ્ઠઃ ૧૪૦
No comments:
Post a Comment