Friday, February 5, 2021

રાજા દાહિર માર્ગ કઈ તરફ આવ્યો?

Divya Bhaskar - 3 Feb 2021, Wednesday

ટેક ઑફ

 સિંધ – પાકિસ્તાનમાં બ્રાહ્મણ રાજા દાહિરની પ્રતિમા મૂકવાની માગણી થાય છે, પણ આરબ આક્રાંતાઓ સામે સૌથી પહેલી બાથ ભીડનાર આ વીર શાસકને આપણે યાદ સુધ્ધાં કરતા નથી.



છેલ્લાં ત્રણ વર્ષની અંદર પાકિસ્તાનમાં બે ઇન્ટરેસ્ટિંગ ઘટનાક્રમ બન્યા. જૂન 2019માં લાહોરમાં હિંદુ રાજા રણજિત સિંહની પ્રતિમા ખડી કરવામાં આવી. રાજા રણજિત સિંહ 19મી સદીના પંજાબ પ્રાંતના શાસક રહી ચૂક્યા છે. ઈસ્લામિક કલ્ચરમાં સામાન્યપણે મૂર્તિઓનું ખાસ મહાત્મ્ય નથી. રાધર, મૂર્તિઓ પ્રત્યે પ્રમાણમાં અણગમો સેવવામાં આવે છે. આવી સ્થિતિમાં લાહોર કિલ્લા પર એક હિંદુ રાજાની પ્રતિમાનું સ્થાપન થાય તે ચોક્કસપણે ધ્યાન ખેંચનારી બાબત ગણાય. આ ઘટના પછી પાકિસ્તાનના એક ડિમાન્ડ ઉઠીઃ જો પંજાબના પાટનગર લાહોરમાં એક હિંદુ શાસકની પ્રતિમા મૂકાઈ શકતી હોય તો સિંધના પાટનગર કરાચીમાં હિંદુ રાજા દાહિરની પ્રતિમા કેમ મૂકાઈ ન શકે?
પહેલી વાર એવું બન્યું છે કે માત્ર પાકિસ્તાન જ નહીં, હિંદુસ્તાનમાં પણ રાજા દાહિરની ચર્ચા શરૂ થઈ હોય. વક્રતા જુઓઃ જેની પ્રતિમા મૂકાવવા માટે પાકિસ્તાનનો એક વર્ગ ડિમાન્ડ કરી રહ્યો છે તે બ્રાહ્મણ રાજા દાહિર વિશે આપણી પ્રજા લગભગ કશું જાણતી નથી! સિંધ પ્રાંતના તેઓ અંતિમ હિંદુ રાજા હતા. તેઓ એક બહાદૂર યોદ્ધા - એક વૉર હીરો હતા, હિંદુસ્તાનને આરબ આક્રમણકર્તાઓથી બચાવવા માટે જીવલેણ યુદ્ધ કરનાર તેઓ પહેલા શાસક. આરબો સામે લડતાં લડતાં તેમણે ખુદના પ્રાણની આહૂતિ આપી દીધી. રાજા દાહિરની બીજી મહત્ત્વની આળખ આ છેઃ એમણે મોહમ્મદ પયગંબરના પૌત્ર હુસેન ઇબ્ન-અલીને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો.
દાહિર ઈસવી સન 679માં વિરાટ ભારતવર્ષનો હિસ્સો એવા સિંધ પ્રાંતના રાજા બન્યા. એક અનુમાન અનુસાર દાહિરનો શાસનકાળ ઈસવી સન 695થી 712 વચ્ચે ફેલાયો હતો. સિંધના પ્રતાપી રાજપૂત રાજા રાયનો કોઈ ઉત્તરાધિકારી ન હતો. આથી એમણે પોતાના પ્રધાનમંત્રી ચચ, કે જે કાશ્મીરી બ્રાહ્મણ હતા, તેમને પોતાનું રાજ્ય સોંપી દીધું હતું. રાજા દાહિર આ ચચના પુત્ર. જી.એમ. સૈય્યદ નામના પાકિસ્તાની વિદ્વાને લખેલા ‘સિંધ કે સૂરમા’ (સિંધના શૂરવીરો) સહિત અન્ય પુસ્તકોમાં રાજા દાહિર વિશે વિગતવાર વાત થઈ છે.
ઇરાન અને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા પછી, ત્યાં વસતા હિંદુ – પારસી - બૌદ્ધ લોકોનું બળજબરીથી ઈસ્લામમાં ધર્માંતરણ કરાવ્યા પછી આરબોએ ભારતવર્ષના બલૂચિસ્તાન, સિંધ અને પંજાબ તરફ નજર નાખી હતી. તે વખતે સિંધ પ્રાંત ધર્મસહિષ્ણુ રાજા દાહિરના તાબામાં હતો. વેપારી બનીને આવેલા આરબોને તેમણે સમુદ્ર કિનારે વસવાટ કરવાની પરવાનગી આપી હતી. જળરસ્તે આરબોનો વેપારવિનિમય ચાલતો. આ આરબોએ રાજા દાહિર સાથે દગાબાજી કરી નાખી.
આરબ ખલીફાઓએ ઇસવી સન 638થી 711 દરમિયાન 15 વખત સિંધ પર આક્રમણ કર્યું હતું. છેલ્લા આક્રમણ વખતે મોહમ્મદ બિન કાસિમ નામના યુવાન સેનાપતિને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. કાસિમ પાસે દસ હજાર સૈનિકોનું લશ્કર હતું. સિંધ અને તેની આસપાસના પ્રાંતમાં તેમણે ખૂનખરાબા કરી મૂક્યા. કેટલાય હિંદુઓ અને પારસીઓએ અહીંથી ઉચાળા ભરીને નાસી છૂટવું પડ્યું.
રાજા દાહિરે કાસિમનો જોરદાર મુકાબલો કર્યો, પણ યુદ્ધમાં તેમની વીરગતિ થઈ. તેમનો પુત્ર પણ હણાયો. કાસિમની હિંમત વધી ગઈ. એ અલોર શહેર તરફ આગળ ધસી રહ્યો છે એવ સમાચાર દાહિરની વિધવા રાણીને મળ્યા. એણે સિંધી વીરાંગનાઓની સેના તૈયાર કરી. અરબી સેના જેવી અલોરમાં ઘૂસી કે વીરાંગનાઓએ તીર અને ભાલાથી તેનું સ્વાગત કર્યું. કંઈકેટલીય વીરાંગનાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું. કાસિમના હાથે ઝડપાઈ જ જવું પડશે એવી સ્થિતિ આવી ત્યારે કેટલીય સ્ત્રીઓએ પોતાના સતીત્વની રક્ષા માટે જૌહર કરવાનું પસંદ કર્યું.
દાહિરની પુત્રીઓ રાજકુમારી સૂરજદેવી અને પ્રેમલાએ ઘાયલ સૈનિકોની ખૂબ સેવા કરી હતી. જોકે દુશ્મનોએ બન્નેને પકડી પાડી. મોહમ્મદ કાસિમે પોતાની જીતની ખુશીમાં બન્ને રાજકુમારીઓને આરબ ખલીફા પાસે મોકલી આપી. એમની ખૂબસૂરતી પર મોહી પડેલા ખલીફાએ બન્નેને પોતાના જનાનખાનામાં મોકલી આપવાની આપવાનો હુકમ કર્યો. રાજકુમારીઓ ચતુર હતી. તેમણે હોશિયારીપૂર્વક કાસિમને સજા અપાવડાવી, પણ ખલીફાને જ્ચારે એમની ચતુરાઈની જાણ થઈ ત્યારે ક્રોધે ભરાઈને બન્ને રાજકુમારીઓનો જીવ ખેંચી લેવાનો આદેશ આપ્યો. આ આજ્ઞાનો અમલ થાય તે પહેલાં જ કન્યાઓએ ખંજર કાઢીને પોતાના પેટમાં હુલાવી દીધું.
રાજા દાહિરનો જીવ લેનાર મોહમ્મદ બિન કાસિમ પાકિસ્તાનમાં હીરો ગણાય છે. એને ‘સર્વપ્રથમ પાકિસ્તાની’નું બિરુદ આપવામાં આવ્યું છે. 1953માં પ્રગટ થયેલા ‘ફાઇવ યર્સ ઑફ પાકિસ્તાનઃ ઓગસ્ટ 1947 – ઑગસ્ટ 1952’ નામના પુસ્તકમાં એક જગ્યાએ લખાયુ છે કે, કાસિમે સિંધ કબ્જે કર્યું એટલે જ સિંધ ભારતીય ઉપખંડમાં ઇસ્લામનો સ્વીકાર કરનારો પ્રથમ પ્રાંત બન્યો. પાકિસ્તાનનું સર્જન ભલે 1947માં થયું, પણ ‘ફિફ્ટી યર્સ ઑફ પાકિસ્તાન’ નામના પુસ્તકમાં તો લખાયું છે કે પાકિસ્તાનનો પાયો તો કાસિમે સિંધ જીત્યું ત્યારે જ, ઇસવી સન 711માં જ નખાઈ ગયો હતો!
...અને જે શૂરવીર બાહ્મણ રાજા દાહિર સેને હિંદુસ્તાનને આરબ આક્રાંતાઓ બચાવવા માટે સૌથી પહેલો વિગ્રહ કર્યો હતો ને બલિદાન આપ્યું હતું તેના વિશે ભારતમાં ભણાવાતા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં નોંધ જ નથી. ભારત પર ચડી આવેલા ક્રૂર વિદેશી આક્રમણકારીઓનાં નામ પરથી આપણે ત્યાં આખેઆખા વિસ્તારો, જાહેર ઇમારતો, રસ્તાઓ બધું જ છે, પણ આટલા વિરાટ દેશની એક પણ સડક કે ચોકને રાજા દાહિરનું નામ અપાયું નથી. આક્ષેપ તો એવો છે કે ભારતની આઠમી સદીનો ઇતિહાસ જાણી જોઈને ભૂંસી નાખવામાં આવ્યો છે. સિંધ - હિંદુસ્તાનની વીસ હજાર જેટલી કન્યાઓ-સ્ત્રીઓને દમાસ્કસ (સિરીયા)ની બજારમાં વેચી નાખવામાં આવી હતી, પણ આ વાતની નોંધ લેવાને બદલે ઇતિહાસ બીજી દિશામાં મોં ફેરવીને ઊભો રહી ગયો.
આપણા હીરોને, આપણા વીર નાયકોને આપણે યાદ રાખવા પડશે, એમની કદર કરવી પડશે. એમના વિશે ઊંડું સંશોધન કરવું પડશે, ઇતિહાસનાં ફાડી નાખવામાં આવેલાં પાનાં નવેસરથી લખવા પડશે. અતિશયોક્તિપૂર્ણ પ્રશસ્તિગાન કરવાનું નથી, પણ સાચી હકીકતોને સાચા સંદર્ભોમાં સંતુલિતપણે વિગતવાર નોંધવી પડશે. ઇતિહાસ પ્રત્યે વર્તમાને જવાબદાર રહેવું પડે છે!

Wednesday, February 3, 2021

દિલ, દોસ્તી અને યાહ્યા બૂટવાલા

Divya Bhaskar - 30 જાન્યુઆરી 2021

મલ્ટિપ્લેક્સ

કોઈ ઇમારત ખંડિયર ત્યારે જ બને છે, જ્યારે એ પોતાની ભીતર રહેલા અંધકારને પોતાનું સત્ય માની લે છે...




સૌથી પહેલાં તો આ કવિતા સાંભળોઃ
મેરે ઘર કે સામને એક ખંડહર હૈ.
મૈં રોજ ઉસે ઘંટો તક દેખતા હૂં.
તાજ્જુબ કી બાત હૈ ઉસમેં રોજ કુછ બદલતા દિખતા હૈ.
કભી ઉસકી છત પે છેદ હૈ વો બઢતા હુઆ દિખતા હૈ,
તો કભી ઉસકે ખિડકી કે શીશે ટૂટતે હુએ નઝર આતે હૈ.
સીઢિયાં ભી એક-એક કર કે ગિરતી હુઈ દિખતી હૈ
ઔર વહાં સે ઉડતે પરિંદે કી ગિનતી હર રોજ ઘટતી રહતી હૈ.
કભી કભી ઐસા લગતા હૈ કિ જિતના મૈં ઉસે દેખ રહા હૂં
ઉતના હી વો મુઝે દેખ રહા હૈ.
કિ માનોં હમ એક દૂસરે કો સમઝતે હો
યા હમ દોનોં એક હી હો,
અકેલે-સે પડે, ખાલી-સે હો ગએ.
મૈં દેખતા હૂં રોજ કુછ બચ્ચે વહાં જાતે હૈં
ખેલને કે લિએ.
ઉસકે ખાલીપન મેં અપના સુકૂન ઢૂંઢ લેતે
ઔર ફિર શામ કો ખુશી ખુશી અપને ઘર રવાના હો જાતે હૈં.
મૈં સોચતા કિ કોઈ ઠહરતા નહીં તો
ઉસે બૂરા નહીં લગતા હોગા ક્યા?
યા વો ભી આદિ હો ગયા ઐસે રિશ્તોં કા
મેરી તરહ?
હો હી ગયા હોગા.
વૈસે ભી કહતે હૈં કોઈ ઇમારત ખંડહર તબ બનતી હૈ
જબ વો અપને અંદર કે અંધેરે કો હી અપના સચ માન લેં.
મૈં ફિર સે ઉસ ખંડહર કી ઓર દેખતા હૂં
કિસ ઉમ્મીદ મેં સાંસે લિએ જા રહે હૈં
વો, મૈં, હમ...?
હમ સબ સિર્ફ ઠીક હોના ચાહતે હૈં ના!
કલ કે મુકાબલે આજ થોડા જ્યાદા ખુશ હોના ચાહતે હૈં.
ઉસે આસ હૈ દૂસરોં સે
ઔર હમેં હોની ચાહિએ ખુદ સે.
ક્યોંકિ હમ હી હમારા આસમાં હૈ
ઔર હમ હી હમારી જમીં.
હમ હી તન્હા રેગિસ્તાન મેં હૈ
ઔર હમ હી રોશન જમાનેં મેં ભી.
હમ હી અપના પ્રેમ હૈ ઔર હમ હી હમારા દર્દ ભી.
હમ જો આજ ચુનતે હૈં
વહી બનતા હમારા કલ હૈ.
જો સહી ચુન લિયા તો ઇતિહાસ,
જો ગલત, તો ચલતે ફિરતે ખંડહર હમ ભી.
આ યાહ્યા બૂટવાલાએ લખેલી કવિતા છે. કવિતા વાંચવામાં જેટલી સારી લાગે છે એના કરતાં ઘણી વધારે અસરકારક તેનું પઠન છે. યાહ્યા કવિતા વાંચતા નથી, ગિટારના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની સંગતમાં તેને પર્ફૉર્મ કરે છે. કોણ છે આ યાહ્યા બૂટવાલા? વેલ, એ મુંબઈવાસી જુવાનિયો છે. કવિ છે, એક્ટર છે, પર્ફૉમર છે. એ પોડકાસ્ટર અને યુટ્યુબર પણ છે. યુટ્યુબ એક જાહેર મંચ છે ને અહીં અસંખ્ય જુવાનિયાઓ પોતાને આવડે એવું, ગાંડુ-ઘેલું, કાચુંપાકું, સારું-ખરાબ કોન્ટેન્ટ મૂક્યા કરે છે. આ બધાની વચ્ચે એકાએક યાહ્યા બૂટવાલા જેવી પ્રતિભા આંખ સામે આવી જાય ને તમારે સ્થિર થઈ જવું છે, એને અટેન્શન આપવું પડે છે.
યાહ્યા એક સ્ટોરી-ટેલર છે, ‘તમાશા’માં રણબીર કપૂર છે, એવો. વાર્તાઓ કહેવી એની મૂળભૂત તાસીર છે. ‘મીઃ અ ટેરિબલ ડિસીઝનમેકર’ નામની એક ટેડએક્સ ટૉકમાં એ કહે છે તે પ્રમાણે એને મૂળ તો એક્ટર બનવું હતું, પણ મમ્મી-પપ્પાના નિર્ણયના માન આપીને એણે બારમા ધોરણ પછી બેચલર ઇન માસ-મિડીયામાં એડમિશન લીધું, કૉલેજના ફેસ્ટિવલ્સમાં એ નાટકો લખતા, ડિરેક્ટ કરતા ને એમાં એક્ટિંગ પણ કરતા. નોકરીઓ કરી, છોડી. દરમિયાન ઓપન માઇકમાં સ્વરચિત કવિતાઓ સંભળાવવાનું શરૂ કર્યું. સરસ પ્રતિસાદ મળતો ગયો. સ્ટેન્ડ-અપ કોમેડીને એન્જોય કરતા યુવાન ઑડિયન્સ માટે આ પ્રકારની સરળ અછાંદસ કવિતાઓ સાંભળવાનો, પ્રેમ–પીડા–એકલતા-ઉદાસી-પ્રેરણા વિશેની વાતો સ્પર્શે તે રીતે રીતે સાંભળવાનો અનુભવ જુદો હતો. દરમિયાન યાહ્યાને મિરચીમાંથી રેડિયો જૉકી બનવાની ઑફર આવી એટલે એ જૉબ પણ કરી. યાહ્યાનું કાવ્યપઠન અને દિલની વાતો ક્રમશઃ એટલા પોપ્યુલર બન્યા કે સ્ટેન્ડ-અપ કૉમેડિયનોની માફક દેશભરના શહેરોમાં એમની ટૂર થવા લાગી, લોકો ટિકિટ ખરીદીને એમના શોઝ જોતા થયા.
યાહ્યાની બધ્ધેબધ્ધી કવિતાઓ અને વાતો કંઈ અદભુત હોતી નથી, પણ એમનામાં એવું કશુંક સત્ત્વશીલ ચોક્કસપણે છે, જે એમને બીજાઓથી અલગ પાડે છે. યાહ્યાના વિડિયોઝમાંથી પસાર થતા સમજાય કે જો એમનો માંહ્યલો કરપ્ટ નહીં થઈ જાય ને જો એ મોટિવેશનલ ટૉકના રવાડે ચડી નહીં જાય તો તેઓ લાંબી રેસનો ઘોડો પૂરવાર થઈ શકે તેમ છે.



ત્રણ વર્ષ પહેલાં યાહ્યાએ ‘શાયદ વો પ્યાર નહીં’ નામનો વિડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયો જબદરસ્ત વાયરલ થયો. આજ સુધીમાં એને 1 કરોડ 60 લાખ વ્યુઝ મળી ચૂક્યા છે. ઇન ફેક્ટ, આ કવિતા અને એના ભાવવાહી પઠનને કારણે જ યાહ્યા બૂટવાલાએ લોકપ્રિયતાનો સ્વાદ પહેલી વાર ચાખ્યો હતો. સાવ સાદી પણ યંગસ્ટર્સને ગમી જાય તેવી આ કવિતાના અંશો પ્રસ્તુત છેઃ
પહલી નઝર મેં તુમને ઉસે દેખા ઔર ઉસને તુમ્હેં
ઔર ઇસ લવ એટ ફર્સ્ટ સાઇટ કો તુમ
મોહબ્બત કર રહે હો
તો હો સકતા હૈ તુમ ગલત હો...!
ક્યોંકિ પહલી નઝર મેં તો હમેં એન્ટિક ચીઝેં ભી પસંદ આ જાતી હૈ,
પર હમ ઉસે ઘર મેં રખતે હૈ દિખાને કે લિએ...
બસ ક્યોંકિ દેર રાત તક તુમ દોનોં
એક દૂસરે સે ઢેર સારી બાતેં કરતે હો
ઔર ઉસે મોહબ્બત સમઝતે હો
તો હો સકતા હૈ તુમ ગલત હો...!
બસ ક્યોંકિ અબ તુમ દોનોં એક દૂસરે કી બાતોં કો
સમઝ પા રહે હો
ઔર ઇસે તુમ મોહબ્બત કહતે હો
તૌ હો સકતા હૈ તુમ ગલત હો...!
ક્યોંકિ દો ભૂખે ભિખારી ભી એક દૂસરે કી ભૂખ સમઝ સકતે હૈ
લેકિન મિટા નહીં સકતે.
હાં, લેકિન અગર જિસ્મોં મેં ઉલઝને સે પહલે
તુમ ઉસકી ઝુલ્ફોં મેં ઉલઝના ચાહતે હો,
અગર વૌ બેખૌફ અપના બચપના તુમ્હારે સામને ઝાયા કર દેતી હૈ,
ઉસકે કપડોં કે બેપર્દા હોને સે પહલે તુમને અપને સારે રાઝ
ઉસકે સામને ખોલ દિએ
ઔર ઉસને ભી અપને સારે ડર કા જિક્ર તુમ્હારે સામને કર દિયા હૈ,
ઉસકા હર આંસુ તુમ્હારે હી કમીઝ પર બહતા હો
ઔર તુમ્હારે મુસ્કાન કી વજહ ઉસકી નાદાનિયાં હો
તો શાયદ યે યહી પ્યાર હૈ...
ઔર અગર યે તુમ્હેં મિલ ગયા હૈ
તો ઇસે પકડ લો, જકડ લો, ગલે લગા લો
ઔર જહાં કભીં ભી મૌકા મિલે
બસ, ઉસે કહતે રહો
કિ તુમ ઉસે કિતના પ્યાર કરતે હો
ક્યોંકિ ઐસી મોહબ્બત સે મુલાકાત હોને મેં જિંદગી
કા એક કાફી લંબા અરસા બીત જાતા હૈ.

0 0 0

Tuesday, December 1, 2020

ભારતનો ગામડિયો અમેરિકામાં મલ્ટિ-મિલિયોનેર રાજકારણી શી રીતે બન્યો?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ - 3 ડિસેમ્બર 2020, રવિવાર માટે

શ્રીનિવાસ થાણેદારની સક્સેસ સ્ટોરી જોશ ચડાવી દે તેવી છે. અનુકૂળ માહોલમાં હોશિયાર, મહેનતુ અને ફૉક્સ્ડ માણસની શક્તિઓ પૂરબહારમાં ખીલતી હોય છે.  


બહારગામથી મુંબઈ ભણવા આવેલો એક જુવાનિયો. શ્રીનિવાસ એનું નામ. ટૂંકમાં સૌ એને શ્રી કહીને બોલાવે. સાવ સાધારણ ઘરનું સંતાન. એક હમઉમ્ર છોકરા સાથે એની દોસ્તી થઈ. એ છોકરાનું નામ નૌશિલ. બન્ને એમ. એસસી.નું ભણતા હતા એ એક વાતને બાદ કરો તો તેમની વચ્ચે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર. શ્રી કર્ણાટકના બેલગામથી આવેલો ગામડિયો, જ્યારે નૌશિલ નખશિખ બમ્બૈયા ગુજરાતી. સોફિસ્ટીકેશન, ટેબલ મેનર્સ, ઊંચી લાઇફસ્ટાઇલ આ બધા સાથે શ્રીને નહાવાનિચાવાનો સંબંધ નહીં, જ્યારે નૌશિલ એક સ્ટાઇલિશ બંદો. એના ઠાઠમાઠ રજવાડી. એ સિગારેટ પણ સ્ટાઇલથી પકડે. ટૅક્સી સિવાય કશેય જવાનું નહીં. ફાઇવસ્ટાર હોટલ કે મોંઘીદાટ રેસ્ટોરાં સિવાય કશેય ખાવાપીવાનું નહીં. એનું કદ ઊંચું, સોહામણું. હજારોમાં એક કહેવાય એવું એનું વ્યક્તિત્ત્વ. શ્રીને થાય કે નૌશિલે શું જોઈને મારી સાથે દોસ્તી કરી હશે.

નૌશિલે શ્રીનો પ્રવેશ નાટક, સિનેમા, ચિત્રકલા અને અંગ્રેજી પુસ્તકોની દુનિયામાં કરાવ્યો. નૌશિલને ખાસ કરીને પ્રયોગશીલ રંગભૂમિ વિશેષ આકર્ષે. પરેશ રાવલ, શફી ઇનામદાર, પ્રબોધ પરીખ આ બધા નૌશિલના ભાઈબંધો. ભેગા થઈને તેઓ નાટક, કળા અને સાહિત્યની બુદ્ધિની ધાર ઉતરી જાય એવી ચર્ચાઓ કરે ને શ્રી વિસ્મય અનુભવતો એ બધું સાંભળ્યા કરે. નૌશિલની સંગતની અસર એના પર ન થાય તેવું કેવી રીતે બને. શ્રી જાણે નાનકડા ખાબોચિયામાંથી વિરાટ સમુદ્રમાં પહોંચી ગયો હતો. એને થાય કે મારે નૌશિલ જેવા બનવું છે. નૌશિલ એના માટે ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઇડ અને ગુરૂ હતો. નૌશિલના માતા-પિતા પણ બહુ મજાનાં. તેઓને થાય કે આ શ્રી કેવો જવાબદાર છોકરો છે. મુંબઈમાં એકલો રહીને ભણે છે ને નોકરી પણ કરે છે, બચત કરીને ઘરે પૈસા મોકલે છે, જ્યારે અમારો મસ્તમૌલા નૌશિલ તો દિવસ-રાત કળાની દુનિયામાં જ રમમાણ રહે છે.

શ્રી સ્કૂલમાં સાવ સાધારણ વિદ્યાર્થી હતો, પણ એમએસસીમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. એણે નિશ્ચય કરી લીધોઃ હું જીવનમાં કંઈક કરીને બતાવીશ, હું વિદેશ જઈશ, પીએચ.ડી. કરીશ. વિદેશ એટલે અમેરિકા. એણે નૌશિલને વાત કરી. નૌશિલને કંઈ અમેરિકા જવાનો મોહ નહોતો. એ રહ્યો લહેરી લાલો.  ‘જોઈશું’, ‘કરીશું’ એવો એનો એટિટ્યુડ હોય. આમેય એને અહીં જ રહીને કળાજગતમાં આગળ વધવું હતું.

શ્રીએ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓ વિશે માહિતી એકઠી કરવા માંડી. આ વાત 1970ના દાયકાના ઉત્તરાર્ધની છે. એ વખતે ઇન્ટરનેટ કે ઇમેઇલનો જમાનો હજુ આવ્યો નહોતો એટલે શ્રીએ કેટલીય યુનિવર્સિટીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. આ આખી કસરતમાં નૌશિલ પણ એમ જ મસ્તી ખાતર જોડાયો. એડમિશન તો મળી જાય તેમ હતું, પણ ફી તોતિંગ હતી. શ્રીએ એવી જ યુનિવર્સિટી શોધવી પડે, જેમાં સ્કોલરશિપ મળતી હોય. આખરે લાંબી પ્રતીક્ષા પછી અમેરિકાના ઓહાયો સ્ટેટની એક યુનિવર્સિટી તરફથી શ્રી અને નૌશિલ બન્નેને કાગળ મળ્યો, જેમાં લખ્યું હતું કે તમને સ્કોલરશિપ મળશે, પણ તમારે અમારી જુનિયર કૉલેજમાં પાર્ટટાઇમ લેકચરર તરીકે કામ કરવું પડશે. શ્રી તો રાજી રાજી. એણે પાસપોર્ટ બનાવડાવવા માટે માટે મહેનત શરૂ કરી દીધી. પાસપોર્ટની અરજી પર જે જગ્યાએ નોકરી કરતા હોઈએ તેના અધિકારીની સહી લેવી પડે તેમ હતી. ઉપરીએ ચોખ્ખી ના પાડી દીધીઃ જો તમે નોકરીમાંથી રાજીનામું આપો તો જ હું આના પર તો જ સહી કરું. શ્રીએ એ જ વખતે રાજીનામું લખીને સાહેબ સામે ધરી દીધું: હવે તો સહી કરશોને, સાહેબ?

પાસપોર્ટ બન્યા પછી વિસા મેળવવાની ઝંઝટ. વિસા માટે ઇન્ટરવ્યુ લેનાર અમેરિકન મેડમે સવાલોની ઝડી વરસાવીને શંકા વ્યક્ત કરીઃ તમે પીએચ.ડી. પતાવીને ઇન્ડિયા પાછા આવશો જ તે વાતની શી ખાતરી? શ્રીએ પોતાની રીતે ઘણી સ્પષ્ટતાઓ કરી તોય વિસા પર ‘રિજેક્ટેડ’નો થપ્પો લાગ્યો. શ્રીને જબરો આઘાત લાગ્યો. એણે રડમસ થઈને નૌશિલને કહ્યુઃ યાર, મને વિસા ના મળ્યા. નૌશિલ બેફિકરાઈથી કહેઃ એમાં શું? મને પણ ન મળ્યા!

પણ આટલી સહેલાઈથી હાર સ્વીકારી લે એ શ્રી નહીં. વિસા મેળવવા માટે એની ગડમથલ ચાલુ રાખી. વિસા મંજૂરીમાં ઉપયોગી બને તે માટે એણે જાતજાતનાં કાગળિયાં બનાવડાવ્યાં. વિસા ઇન્ટવ્યુનો બીજો પ્રયત્ન. ત્રીજો પ્રયત્ન. અમેરિકાના વિસા મળે જ નહીં. જે યુનિવર્સિટીમાં ભણવાનું હતું ત્યાંના અધિકારીએ અમેરિકન કોનસ્યુલેટ પર ભલામણનો પત્ર સુધ્ધાં લખી આપ્યોઃ ‘શ્રી અને નૌશિલ બન્ને તેજસ્વી વિદ્યાર્થીઓ છે. અમારે ત્યાં જુનિયર કૉલેજમાં તેઓ પાર્ટટાઇમ ભણાવવાના પણ છે. અમને તેમની જરૂર છે. એમના વિસા મંજૂર કરો.’ લાગતું હતું કે ભલામણના જોરે આ વખતે વિસા મળી જ જશે, પણ પેલા અમેરિકન માનુની પિગળે તોને! એમણે ચોથી વખત પાસપોર્ટ રિજેક્ટ કર્યો. શ્રીની નિરાશાનો પાર નહીં. હવે? ઓર એક પ્રયાસ. ફાઇલ એની એ જ, ફક્ત અરજી નવી. આ વખતે નસીબ સારા હતા. પેલાં અમેરિકન મેડમ ચાર-પાંચ મહિના માટે રજા પર ઉતરી ગયાં હતાં. એની જગ્યાએ બીજા કોઈ સાહેબ આવ્યા હતા. એમને ફટાક કરતી વિસાની અરજી પર મંજૂરીની મહોર મારી દીધી!

માણસ હોશિયાર, મહેનતુ અને ફૉક્સ્ડ હોય અને એને જો અનુકૂળ માહોલ મળે તો એની શક્તિઓ પૂરબહારમાં ખીલે છે. શ્રીએ અમેરિકામાં 1982માં ઇનઑર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીએચ.ડી.ની મેળવી મેળવી. હવે ગ્રીન કાર્ડની જરૂર હતી. બે વર્ષ પછી તે પણ મળ્યું. તેમણે રિસર્ચર-સાયન્ટિસ્ટ તરીકે જૉબ કરી, પછી કેમિર નામની લેબોરેટરીમાં જોડાયા, બિઝનેસ શીખ્યા, ખુદ બિઝનેસમેન બન્યા ને એવી પ્રગતિ કરી કે સૌ જોતા રહી ગયા. 2015માં એમની કંપની અમેરિકાના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ 5000 કંપનીઓના લિસ્ટમાં 673મા ક્રમે મૂકાઈ. સફળ એન્ત્રપ્રિન્યોર તરીકે એમણે કેટલાય પ્રતિષ્ઠિત અવૉર્ડઝ મેળવ્યા.

મલ્ટિ-મિલિયોનેર બિઝનેસમેન બની ગયેલા શ્રીએ 2018માં અમેરિકાના રાજકારણમાં પ્રવેશ કર્યો. તાજેતરમાં અમેરિકામાં પૂરી થયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મિશિગન સ્ટેટમાં 93 ટકા મત સાથે તેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ચૂંટાઈ આવ્યા.

આપણે જેમના વિશે વિસ્તારથી વાત કરી રહ્યા છીએ એ શ્રી એટલે ડૉક્ટર શ્રીનિવાસ થાણેદાર અથવા ટૂંકમાં શ્રી થાનેદાર. આજે અમેરિકામાં વસતા ભારતીયો જ નહીં, પણ સ્થાનિક ભારતીયો પણ શ્રી થાનેદારને યાદ કરીને છાતી ગજ ગજ ફૂલાવે છે. એમના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ નૌશિલ એટલે રંગભૂમિનું મહત્ત્વનું અને અનોખું નામ ગણાતા નૌશિલ મહેતા. તેઓ અમેરિકામાં થોડાં વર્ષો વીતાવીને મુંબઈ પાછા ફર્યા હતા અને પોતાની મનગમતી પ્રવૃત્તિ રત બન્યા. શ્રી થાણેદાર અને નૌશિલ મહેતા આજે પણ એટલા જ સારા મિત્રો છે.

0 0 0 

Friday, November 27, 2020

કસરત રાજા છે... પૌષ્ટિક ખોરાક રાણી છે

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 નવેમ્બર 2020 બુધવાર

ટેક ઑફ
‘શરીરને ચુસ્તદુરસ્ત રાખવાનો શોખ હોવો જોઈએ. ઉંમરનું બહાનું તો કાઢતા જ નહીં. કસરતને ઉંમર સાથે કશું લાગતુંવળગતું નથી.’

બેસતા નવા વર્ષે આપણામાંથી ઘણાએ (ફરી એક વાર) નિયમિતપણે કસરત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હશે. સારી વાત છે. શરીર ચુસ્તદુરસ્ત રાખવું જોઈએ, ઘરમાં અથવા ખુલ્લામાં કસરત કરવી જોઈએ, જિમમાં જવું જોઈએ. તમે જિમમાં પગલું માંડો અથવા જિમને દૂરથી જુઓ ત્યારે જૅક લેલેન નામના મહાશયને યાદ કરજો. આ એ વ્યક્તિ છે જેમણે આજથી 84 વર્ષ પહેલાં, છેક 1936માં, અમેરિકાનું સૌથી પહેલું જિમ ખોલ્યું હતું. જૅક લેલેન એટલે અમેરિકામાં આધુનિક જિમ કલ્ચરને જન્મ આપનાર. આ કલ્ચર પછી દુનિયાભરમાં ફેલાયું ને હવે તો મહોલ્લે-મહોલ્લે જિમ ખુલી ગયાં છે. જૅકે ખુદ જિમનાં ઉપકરણો ડિઝાઇન કર્યાં હતા, જેમાંના કેટલાંક આપણે આજે પણ વાપરીએ છીએ.

મજા જુઓ. જૅક નાના હતા ત્યારે સતત માંદલા રહેતા. શરીરે સૂકલકડી. જેટલું વજન હોવું જોઈએ એના કરતાં પંદરેક કિલો ઓછું. નાની છોકરીઓ પણ એમને ધીબેડી જાય. લઘુતાગ્રંથિનો પાર નહીં. પંદર વર્ષના થયા ત્યાં સુધી તેઓ આવા જ રહ્યા. એક વાર એમણે એક હેલ્થ ફૂડના એક્સપર્ટનું ભાષણ સાંભળ્યું ને તેમની જિંદગી પલટાઈ ગઈ.

જૅક લેલને ખુદ બૉડી બનાવવાની અને જિમિંગ કલ્ચરની શરૂઆત કરી ત્યારે ડૉક્ટરોએ એમનો ખૂબ વિરોધ કર્યો હતો. તેઓ કહેતા કે આ તમારા જિમમાં લોકો કસરત કરશે તો એમને હાર્ટ એટેક આવી જશે, સ્ત્રીઓ ભાયડાછાપ બની જશે, પુરુષોની મર્દાનગી મુરઝાઈ જશે, એમની સેક્સલાઇફ ખતમ થઈ જશે. જૅક મક્કમ રહ્યા. એમની દઢતા અને મહેનત રંગ લાવ્યા. ક્રમશઃ તેમણે ખૂબ સફળતા મેળવી. એમણે પુસ્તકો લખ્યા, મોટિવેશનલ સ્પીકર બન્યા. ટીવી પર એમના નામે ‘ધ જૅક લેલેન શો’ આવતો, જે ખૂબ જોવાતો.

બૉડીબિલ્ડર તરીકે દુનિયાભરમાં નામના કાઢનાર જૅક લેલેન કહે છે, ‘કસરત રાજા છે અને પૌષ્ટિક ખોરાક રાણી છે. જો રાજા-રાણી ભેગાં થઈ જાય તો સમજો કે રજવાડું તમારું છે. તમે માઇન્ડ અને બૉડીને એકબીજાથી અલગ કરી ન શકો. તે શક્ય જ નથી. શરીરને ચુસ્તદુરસ્ત રાખવાનો તમને શોખ હોવો જોઈએ. ઉંમરનું બહાનું તો કાઢતા જ નહીં. કસરતને ઉંમર સાથે કશું લાગતુંવળગતું નથી.’

સવારે વહેલા ઉઠીને કે દિવસના કોઈ પણ સમયે કસરત કરવા માટે મનોબળની જરૂર પડે છે. આપણા મન પાસે કસરત ન કરવાનાં પચાસ કારણો તૈયાર જ હોય છે. જૅક લેલેન એટલે જ કહેતા કે, ‘જે લોકો એમ કહેતા હોય કે સવારે ઉઠીને જિમમાં જવું સહેલું છે તેઓ એક નંબરના જૂઠાડા છે! હું મારી જ વાત કરું તો મને ખુદને રોજ સવારે નિયમિતપણે જિમમાં જવામાં જોર પડે છે, પણ પછી એકસરસાઇઝ પૂરી કરીને હું અરીસામાં મારું પ્રતિબિંબ જોઉં છું ને ખુદને કહું છે કે જેક, યુ હેવ ડન ઇટ અગેન!’

કસરત એ જૅક લેલેનના જીવનની ટોપ પ્રાયોરિટી હતી. કંઈ પણ થઈ જાય, રોજ જિમ જવાનું એટલે જવાનું. એમણે ગોઠણના ઓપરેશન માટે બે વાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, પણ ત્યાંય  એનેસ્થેશિયાની અસર ઓછી થઈ નથી ને ડમ્બબેલ્સ હાથમાં લીધા નથી. જૅક લેલેન કહે છે, ‘કેટલાય લોકોને આર્થરાઇટિસ હોય છે, પીઠનો કે ઘૂંટણનો દુખાવો રહેતો હોય છે. અમુક લોકોની ટચલી આંગળી સહેજ અમથી દુખતી હોય તો પણ કહી દેશે કે આજે મારાથી એક્સરસાઇઝ નહીં થાય! ભાઇસાહેબ, તમારા શરીરમાં 640 સ્નાયુઓ છે. શક્ય છે કે તમે અમુક કસરત ન કરી શકો, પણ તેની સામે એવી બીજી અઢળક કસરતો છે જે તમે કરી જ શકો છો. લોકો બહાનાં કાઢતા હોય છે કે હું હવે બુઢો થઈ ગયો છું, મારી પાસે ટાઇમ નથી, મારી પાસે જિમની ફી ભરવાના પૈસા નથી, વગેરે. તેઓ શરીર પ્રત્યે તદ્દન બેદરકાર રહેશે, પછી બીમાર પડશે ને ડૉક્ટરોની ફી તેમજ દવાદારૂમાં હજારો-લાખો રૂપિયા ફૂંકી મારશે.’

કસરત જેટલું જ મહત્ત્વ યોગ્ય ખાનપાનનું છે. વર્કઆઉટ્સ અને યોગ્ય ડાયેટ આ બન્નેનું કોમ્બિનેશન થાય તો જ ધાર્યું પરિણામ આવે. જૅક લેલેન રોજ છથી સાત શાકભાજી અને પાંચેક તાજાં ફળ ખાય. રોજ એગ વ્હાઇટ પણ ખાય. જો બ્રેડ ખાવી પડે તેમ હોય તો આખા ઘઉંની બ્રાઉન બ્રેડ જ ખાય. દિવસમાં બે જ વાર જમવાનું - સવારે 11 વાગે અને સાંજે સાત વાગે. આ બન્નેની વચ્ચે કશું જ પેટમાં નહીં પધરાવવાનું.

તેઓ સતત લોકોને કહેતા કે વજન માપવાના મશીન પર બહુ ભરોસો ન કરવો. તમે કૉલેજમાં હો ત્યારે માનો કે તમારું વજન 70 કિલો છે ને તમારી કમર 30 ઇંચની છે. શક્ય છે કે પંચાવન વર્ષની ઉંમરે પણ તમારું વજન 70 કિલો જ હશે, પણ ત્યારે તમારી કમર 35 ઇંચની થઈ ગઈ હશે. એવું બને કે તમે 10થી 15 કિલો જેટલાં મસલ્સ ગુમાવી ચુક્યા હશો ને એટલા જ વજન જેટલી ચરબી તમારા શરીર પર ચડી ગઈ હશે. તેથી જ વચ્ચે વચ્ચે મેઝરટેપથી કમર અને નિતંબ માપતા રહેવું. મેઝર ટેપ ક્યારેય ખોટું નહીં બોલે. તમે જુવાનીમાં ચુસ્તદુરસ્ત હતા તે વખતના આંકડા તમારી માપપટ્ટી ન દેખાડે ત્યાં સુધી કસરત કરતા રહેવાની ને વધારાની કેલરી બાળતા રહેવાની.        

જૅક લેલેન મન કે શરીરથી કદી વૃદ્ધ ન થયા. પાછલી ઉંમરે પણ તેમણે શરીરબળના હેરતઅંગેજ કારનામા કર્યા. તેઓ કહેતા, ‘હું મરી ન શકું. હું મરું તો મારી ઇમેજ ખરાબ થઈ જાય!’ જીવતેજીવ ફિટનેસ લેજન્ડ બની ચુકેલા જૅક લેલેન, ખેર, 96 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.

જૅક લેલેન પાસેથી શીખવા જેવી વાત એ છે કે ફિઝિકલ ફિટનેસ માટે પોતાની જાત સાથે કમિટમેન્ટ કરવું પડે ને તે આજીવન નિભાવવું પડે. કહેવાય છેને કે રેસ્ટ ઑફ યોર લાઇફ ઇઝ ધ બેસ્ટ ઑફ યોર લાઇફ. તમારા જીવનનાં જેટલાં વર્ષો હજુ બાકી છે તે શ્રેષ્ઠ વર્ષો હોવાનાં. હવે પછીનું જીવન સાચા અર્થમાં ઉત્તમ પૂરવાર થાય તે માટે નિયમત કસરત કરવાનો આ બેસતા વર્ષે લીધેલો નિર્ણય અતૂટ રાખવો પડશે. યાદ રાખજો!  

0000

 

 

Wednesday, October 7, 2020

જિંદગી ખૂબસૂરત છે, પણ હું તે જીવી શકું તેમ નથી

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 7 ઓક્ટોબર 2020, બુધવાર

ટેક ઑફ

કન્ફેશનલ પોએટ્રીઃ પોતાની કૃતિમાં કલાકાર ખુદને કેટલો વ્યકત કરતો હોય છે? કરી શકતો હોય છે? કેટલું વ્યક્ત થવું ને કેટલું ઢાંકી રાખવું તે કલાકારે જાતે નક્કી કરવાનું છે.


કવિતાનો ધર્મ શો? ફોર ધેટ મેટર, કોઈ પણ કલાકૃતિનો ધર્મ શો? હસાવીને, રડાવીને, ડરાવીને, ચોંકાવીને, વિચારતા કરી મૂકીને ભાવકનું મનોરંજન કરવાનો? કે પછી, કલાકારના લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરવાનો? કદાચ સૌથી અધિકૃત ઉત્તર આ જ છેઃ બન્ને. કલાકૃતિએ કલાકારની લાગણીઓને વાચા પણ આપવાની છે ને સાથે સાથે ભાવકની લાગણીઓને આંદોલિત પણ કરવાની છે. કલાકૃતિ જ્યારે માંહ્યલાના ઊંડાણમાંથી પ્રગટે છે ત્યારે કલાકારનાં સત્યો સપાટી પર આવીને દશ્યમાન થઈ જતાં હોય છે. એક કવિની રચના જ્યારે આ સત્યોને ધારણ કરે ત્યારે તે કન્ફૅશનલ પોએટ્રી બની જાય છે. આ સત્યો કદરૂપાં, ભયાવહ કે આઘાતજનક પણ હોઈ શકે છે.

કન્ફૅશન એટલે પોતાની સચ્ચાઈની કબૂલાત. કન્ફૅશનલ પોએટ્રી એ 1950-60 દરમિયાન અમેરિકામાં જન્મેલો સાહિત્યપ્રકાર છે. જે અડધોક ડઝન સર્જકોએ કન્ફૅશનલ પોએટ્રીને નક્કર ઘાટ આપ્યો એમાંનું એક નામ ઍન સેક્સટન નામની કવયિત્રીનું છે (જન્મઃ 1928, મૃત્યુઃ 1974). ત્રણ દિવસ પહેલાં, ચોથી ઑક્ટોબરે એમનાં મૃત્યુને 46 વર્ષ પૂરાં થયાં. ઍન સેક્સટને આત્મહત્યા કરી ત્યારે એમની ઉંમર પણ 46 વર્ષ હતી. ઍનને એમના ‘લિવ ઓર ડાઇ’ સંગ્રહ માટે પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. પોતાની કવિતાઓ તેઓ અંગતમાં અંગત, પ્રતિબંધિત કહેવાય એવા વિષયો પર  બેધડક લખતાં. તેઓ ડિપ્રેશન અને બાઇપોલર ડિસઑર્ડર જેવી ગંભીર માનસિક બીમારીઓનો ભોગ બન્યાં રહ્યાં. એમની કવિતાઓમાં આ બીમારીઓએ પેદા કરેલી પીડા, પોતાના જાતીય શોષણ, પતિ-પ્રેમીઓ-સંતાનો સાથેના સંબંધો, વ્યભિચાર, ડિવોર્સ, પોતાની આત્મઘાતક વૃત્તિ વગેરેની વાતો તીવ્રતાપૂર્વક વ્યક્ત થતી.        

ઍન સેક્સટન પોતાના જીવનકાળ દરમિયાન જ મશહૂર થઈ ચૂક્યાં હતાં. ઇવન આજે પણ સાહિત્યિક વર્તુળોમાં એમની કવિતાઓ વિશે જોરશોરથી ચર્ચા થતી રહે છે. 19 વર્ષની ઉંમરે એમણે લગ્ન કરી લીધાં હતાં. પછી તેઓ ફૅશન મોડલ બન્યાં. પહેલા સંતાનના જન્મ પછી તેઓ ડિપ્રેશન સરી પડેલાં, એટલી હદે કે તેમને ન્યુરોસાઇકિએટ્રિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. એમણે કેટલીય વાર માનસિક રોગોનો ઇલાજ કરતી હોસ્પિટલોમાં એડમિટ થવું પડ્યું હતું. મૃત્યુ પામ્યાં ત્યાં સુધી તેઓ માનસિક બીમારીઓ સામે ઝૂઝતાં રહ્યાં. ઇન ફૅક્ટ, કવિતાની દુનિયામાં તેમનો પ્રવેશ માનસિક બીમારીઓને કારણે જ થયો હતો. એમના થેરાપિસ્ટે સૂચન કર્યું હતું કે ઍન, તારા મનમાં જે કંઈ વિચારોનો વંટોળિયો ફૂંકાતો હોય, તને જે ફીલ થતું હોય, તને સપનાંમાં જે દેખાતું હોય તે બધું તું કાગળ પર ઉતારતી જા. ઍન સેક્સટને થેરાપીના ભાગ રૂપે આ બધું લખવાનું શરૂ કર્યું. એમનું લખાણ વાંચીને થેરાપિસ્ટ ખૂબ પ્રભાવિત થયા. એમણે કહ્યું, ઍન, તું બહુ સરસ લખે છે, તું હજુ વધારે લખ. આ લખાણોએ ઍન સેક્સટનને સ્થાનિક કવિ-લેખકોના જૂથમાં પ્રવેશ અપાવ્યો. ચિકિત્સાના ભાગ રૂપે લખાયેલાં લખાણોમાંથી એમનું પહેલું પુસ્તક ‘ઇન બેડલમ એન્ડ પાર્ટ વે બૅક’ (1960) પ્રગટ થયું. પછી ક્રમશઃ બીજાં પુસ્તકો આવતાં ગયાં. એક કવિતામાં તેઓ લખે છે -



હું તારા મોઢામાં તેં આપેલાં વચનો

ઠાંસી રહી છું

અને પછી એ બધાની તું મારા મોં પર ઊલટીઓ કરે છે

તે હું જોઈ રહી છું.

ખાસ્સી અપ્રિય કે કુત્સિત લાગે એવી આ પંક્તિઓ છે, પણ ઍન સેક્સટને આ પ્રકારની કન્ફૅશનલ કવિતાઓ કેવળ શૉક વેલ્યુ પેદા કરવા માટે લખતાં નહોતાં. એમની કન્ફૅશનલ કવિતાઓમાં સચ્ચાઈનું પોત રહેતું. સર્જનાત્મક કલાકૃતિ તરીકે તેમનાં કાવ્યો સશક્ત પૂરવાર થતાં. એટલેસ્તો આટલા દાયકાઓ પછી ઍન સેક્સટન રિલેવન્ટ લાગે છે.  

પોતાની કૃતિમાં કલાકાર પોતાની જાતને કેટલો વ્યકત કરતો હોય છે? કરી શકતો હોય છે? કેટલું વ્યક્ત થવું ને કેટલું ઢાંકી રાખવું તે કલાકારે જાતે નક્કી કરવાનું છે. અભિવ્યક્તિ છેતરામણી પણ હોઈ શકે છે. કલાકાર પોતે જે નથી તે પણ ‘વ્યક્ત’ કરતો હોય, એવું બને. જોકે ખુલ્લા થવાનો દેખાવ કરીને ચતુરાઈપૂર્વક ઢાંકી રાખતો માણસ લહિયો અથવા સ્માર્ટ કારીગર છે, તે કલાકાર બની શકતો નથી.   

કન્ફૅશનલ કાવ્યો ગુજરાતીમાં પણ લખાતાં આવ્યાં છે. પન્ના નાયકથી લઈને મનીષા જોશી સુધીની દરજ્જેદાર ગુજરાતી કવયિત્રીઓની કેટલીય રચનાઓને વિવેચકોએ કન્ફૅશનલ પોએટ્રીનું નામ આપ્યું છે. કલાનો ધર્મ જ કલાકારની અંતરતમ લાગણીઓને અભિવ્યક્તિ આપવાનો છે. મન-હૃદયનાં ઊંડાણમાંથી પ્રગટેલી કલાકૃતિ – પછી એ કવિતા, વાર્તા, પેઇન્ટિંગ, સિનેમા – કંઈ પણ હોય, તેની મૂળભૂત પ્રકૃતિ કન્ફૅશનલ જ નથી હોતી શું?

ઍન સેક્સટનનું અપમૃત્યુ એમની કવિતાઓ જેવું જ વિચલિત કરી દેનારું પૂરવાર થયું. તેઓ પોતાના ઘરના ગેરેજમાં પૂરાઈ ગયાં, કારનું ઍન્જિન ચાલુ કરી દીધું. ધીમે ધીમે ગેરેજમાં કાર્બન મોનોક્સાઇડ જમા થવા લાગ્યો. આ વાયુના ઝેરથી એમનો જીવ ગયો. જીવતાં હતાં ત્યારે કેટલીય વાર તેઓ મરવાની વાતો લખી ચૂક્યાં હતાં. જેમ કે પોતાની જાતને ઉદ્દેશીને લખેલું આ લખાણ -   

  


‘ઍન, મારે જીવવું નથી. જો, સાંભળ. જિંદગી ખૂબસૂરત છે, પણ હું તે જીવી શકું તેમ નથી. હું તને સમજાવી શકતી નથી. મને ખબર છે, સાંભળવામાં આ ગાંડુંઘેલું લાગશે... પણ જો તને ખબર હોત કે મને કેવું લાગે છે, તો તું આવું ન વિચારત. જીવવું, હા, જીવતા હોવું, પણ જીવી ન શકવું... હું પેલા ખડક જેવી છું, જે જીવ્યા જ કરે છે, વાસ્તવથી કપાઈને... ઍન, તું કશું જાણે છે, તું સાંભળી શકે છે? હું આશા રાખું છું કે... અથવા મને લાગે છે, મને એવી આશા છે કે, હું કોઈક એવા કારણસર મરું જેના માટે મને પછી ગર્વ થાય, પણ ન મરી શકવું, અને છતાંય... અને છતાંય એક દીવાલની પાછળ ધકેલાઈ જવું ને બધાને એકબીજા સાથે હળતામળતા જોતા રહેવું... હું આ કરી શકતી નથી... એ ધુમ્મસ જેવી દીવાલની પાછળ બોલતા રહેવું, જીવવું પણ કશેય ન પહોંચવું અથવા ખોટી જગ્યાએ પહોંચવું... બધું જ ખોટું કરવું... તું માનીશ? (માની શકીશ?).... શું ખોટું છે એ? મારે ભળવું છે. હું એવી યહૂદી વ્યક્તિ જેવી છું જેણે ખોટા દેશમાં જન્મ લઈ લીધો છે. હું મારી આસપાસના વાતાવરણનો હિસ્સો નથી. હું મારી આસપાસના સમુદાયની સભ્ય નથી. હું થીજી ગઈ છું.’

આ લખાણ ખરેખર આત્મહત્યા કરી ચૂકેલી વ્યક્તિએ લખ્યું છે તેવી પ્રતીતિ ધ્રૂજાવી મૂકે તેવી છે!

 

0 0 0 

 

   

     

Monday, September 21, 2020

‘ધ સોશિયલ ડાયલેમા’ નામની ભયાવહ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં એવું તે શું છે?

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 20 સપ્ટેમ્બર 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

સોશિયલ મિડિયા નામના દાનવને ઓળખી લેજો!


નથિંગ વાસ્ટ એન્ટર્સ ધ લાઇફ ઑફ મોરટલ્સ વિધાઉટ અ કર્સ. જેને વિરાટ કહી શકાય એવું કંઈ પણ મનુષ્યોના જીવનમાં પ્રવેશે છે ત્યારે તે એકલું હોતું નથી, એક ન સમજાય એવો - ન કળાય એવો અદશ્ય શ્રાપ પણ તેની સાથે પ્રવેશતો હોય છે.

અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા ગ્રીક નાટ્યકાર સોફિકિલીસનું આ વાક્ય છે. સોફિકિલીસ ટ્રૅજેડીનો બાદશાહ ગણાતો. ‘ધ સોશિયલ ડાયલેમા’ના પ્રારંભમાં જ આ વાક્ય આ અવતરણ ફ્લૅશ થાય છે. બૅકગ્રાઉન્ડમાં ભયાવહ, લગભગ કુત્સિત કહી શકાય તેવું સંગીત ફૂંકાય છે. આ વાક્ય અને સંગીત આખી ડૉક્યુમેન્ટરી ફિલ્મનો મૂડ સેટ નાખે છે.

નેટફ્લિકસ પર તાજેતરમાં મૂકાયેલી ‘ધ સોશિયલ ડાયલેમા’ નામની દસ્તાવેજી ફિલ્મ આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. ડાયલેમા એટલે દ્વિધા. ડૉક્યુમેન્ટરી ફિલ્મો શુષ્ક અને કંટાળજનક હોય છે એવું કોણે કહ્યું0 એક કલાક 34 મિનિટની ‘ધ સોશિયલ ડાયલેમા’ તમે લગભગ અધ્ધર શ્વાસે જોઈ જાઓ છો. આનું મુખ્ય કારણ તેનો વિષય છે, સોશિયલ મિડિયા, જે તમને સીધો સ્પર્શે છે. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરયુટ્યુબ વગર એક આખો દિવસ પસાર કરવાનું કલ્પી શકો છો? સોશિયલ મિડિયા આપણી સાથે કેવળ વ્યક્તિગત સ્તરે જ નહીં, પણ સામૂહિક સ્તરે પણ જે રીતે ખતરનાક રમત રમી શકે છે એની વિગતો ધ્રૂજાવી મૂકે તેવી છે.

સોશિયલ મિડિયા પહેલી નજરે નિર્દોષ લાગે એવી વસ્તુ છે. તે મનોરંજન, માહિતી, જ્ઞાન, સંપર્કો બધું જ પૂરું પાડે છે અને તે પણ બિલકુલ ફ્રી! આ ડૉક્યુમેન્ટરીમાં એક વાક્ય આવે છેઃ જો તમે કોઈ પ્રોડક્ટ માટે પૈસા ચૂકવતા ન હો તો એનો મતલબ એ થયો કે તમે પોતે જ એક પ્રોડક્ટ છો. અહીં તમે એટલે તમારો સમય, તમારું અટેન્શન. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ... આ બધા ઇચ્છે છે કે તમે વધુને વધુ સમય આ પ્લેટફૉર્મ પર વીતાવો. સમગ્ર સોશિયલ મિડિયા એવી રીતે ડિઝાઇન થયું છે કે જેથી લોકોને તેનું બંધાણ થઈ જાય, તેઓ વધુને વધુ સમય ઓનલાઇન રહે.

જેફ ઓર્લોવ્સ્કીએ ડિરેકટ કરેલી ‘ધ સોશિયલ ડાયલેમા’ ડૉક્યુમેન્ટરીમાં સોશિયલ મિડિયા ચલાવતી ટોચની કંપનીઓમાં ચાવીરૂપ કામ કરનારા ‘અંદરના’ લોકોના ઇન્ટરવ્યુ લેવાયા છે. જ્યારે સોશિયલ મિડિયા ડિઝાઇન કરનારો માણસ ખુદ રાઝ ખુલ્લા કરવા માંડે ત્યારે વાત અધિકૃત બની જાય છે. વિખ્યાત ઇઝરાયલી લેખક યુવલ નોઆહ હરારી અવારનવાર કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રતાપે એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે તમે તમારા વિશે જાણો છો એના કરતાં ઇન્ટરનેટના જુદાં જુદાં સર્ચ એન્જિન તમારા વિશે વધારે જાણતા હશે. ગૂગલસર્ચનાં રિઝલ્ટ વ્યક્તિ અનુસાર બદલાઈ જાય છે. ધારો કે એક જ વિસ્તારમાં રહેતા, એક જ ક્લાસમાં ભણતા ને દિવસમાં પુષ્કળ સમય સાથે વિતાવતા બે કોલેજિયનો છે. તેઓ જ્યારે ગૂગલના સર્ચ બૉક્સમાં કોઈ એક વિષય ટાઇપ કરશે ત્યારે ગૂગલ બન્નેને અલગ અલગ ઇન્ફર્મેશન દેખાડશે, કેમ કે બન્નેની પર્સનાલિટી અલગ છે, તેમના ગમા-અણગમા અલગ છે ને ગૂગલ આ બધું જ જાણે છે.


કેટલાય રાજકીય – સામાજિક મુદ્દા વિશે પર તમને અલગ અલગ પ્રકારના વિડિયોઝ રિકમન્ડ થતા રહે છે, જે તમને લગભગ કન્વિન્સ કરી નાખે છે કે અમુક રીતે વિચારનારા લોકો ખોટા છે અને અમુક રીતે વિચારનારા લોકો જ સાચા છે. જુદા જુદા વિડિયોઝને રિકમન્ડ કરવાનું આલ્ગોરિધમ (સાદી ભાષામાં કહીએ તો પ્રોગ્રામિંગ) દિવસે ને દિવસે વધારે સ્માર્ટ અને શાર્પ બનતું જાય છે. ફેક ન્યુઝ અને કન્સ્પિરસી થિયરીઝ આ જ રીતે ફેલાય છે. ટ્વિટર પર સાચા સમાચારની સરખામણીમાં ફેક ન્યુઝ છ ગણી વધારે ઝડપથી ફેલાય છે! આનું એ કારણ છે કે જૂઠ ચટપટું અને મસાલેદાર હોય છે, જ્યારે સત્ય બોરિંગ અને શુષ્ક હોય છે. સત્ય કરતાં જૂઠ વધારે વેચાય છે. કોરોના વિશે શરૂઆતમાં અમેરિકામાં સોશિયલ મિડિયા પર એવી માહિતી ફેલાઈ હતી કે કોવિદ-બોવિદ જેવું કશું છે જ નહીં, આ તો અસલી મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમેરિકન સરકારે ઊભું કરેલું ડિંડવાણું છે! સોશિયલ મિડિયાને કારણે જ્યાં-ત્યાંથી સાંભળેલી સાચી-ખોટી વાતો એટલી ભયાનક ઝડપથી ફેલાય છે કે એક તબક્કા પછી ખબર જ પડતી નથી કે સાચું શું છે ને ખોટું શું છે. કામના મુદ્દા, કામની વાતો બાજુ પર રહી જાય છે.

ગૂગલમાં અગાઉ ડિઝાઇન એથિસિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ટ્રિસ્ટેન હેરિસ નામનો યુવાન કહે છે, ‘જો એમ કહેવામાં આવે કે ટેકનોલોજીને લીધે માનવજાત પર એક્ઝિસ્ટેન્શિયલ થ્રેટ (અસ્તિત્ત્વ પર ખતરો) ઊભી થઈ છે, તો માનવામાં ન આવે. વેલ, ખતરો ટૅકનૉલોજીમાં નથી, પણ ટૅકનૉલોજી સમાજના સૌથી ખરાબ પાસાં, સમાજનું સૌથી ખરાબ વર્તન, જે કદાચ અત્યાર સુધી ક્યારેય સપાટી પર આવ્યાં નહોતાં, તેને ઢંઢોળીને જગાડી શકે છે. ખરાબ વર્તન એટલે આંધાધૂંધી, તોડફોડ, એકબીજા પર અવિશ્વાસ, એકલા પાડી દેવું, પોલરાઇઝેશન, ઇલેક્શન હેકિંગ, મુખ્ય મુદ્દાઓથી વધારે દૂર જતા રહેવું, સમાજની ખુદના ઘાવને રુઝાવી શકવાની ક્ષમતા ક્ષીણ થતી જવી... ખતરો આમાં છે.’

ટૅક્નોલૉજીના દુષ્પ્રભાવને વધારે અસરસકાર રીતે પેશ કરવા માટે ‘ધ સોશિયલ ડાયલેમા’માં અસલી લોકોની સાથે સાથે એક ફિક્શનલ અમેરિકન પરિવારની વાત પણ વણી લેવાઈ છે. આ ડૉક્યુમેન્ટરી ખાસ જોજો. હાઇલી રિકમન્ડેડ.     

                                                0 0 0    

‘’