Wednesday, January 9, 2019

...તો અમદાવાદમાં આઇઆઇએમ ન હોત?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 9 જાન્યુઆરી 2019  
કોલમ: ટેક ઓફ
‘શું તને સાચે જ એવું લાગે છે કે હું તને ચાહતો નથી? તારી સંભાળ રાખવા ઇચ્છતા નથી? તારો પ્રેમ પામવા ઝંખતો નથી? હું તને ચાહું છું - ફક્ત મારાં બાળકોની મા તરીકે નહીં, એક સ્ત્રી તરીકે પણ.’
Dr. Vikram Sarabhai and Mrinalini Sarabhai
                                                                          
 પતિ અને પત્ની બન્ને અતિ તેજસ્વી હોય, પ્રતિભાશાળી હોય અને પોતપોતાનાં ક્ષેત્રમાં સફળતા પામ્યાં હોય એવા ગુજરાતી દંપતીઓની સૂચિ બનાવવામાં આવે તો ડો. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈનું નામ ખાસ્સા ઊંચા ક્રમ પર મૂકવું પડે. ડો. વિક્રમ સારાભાઈ એટલે વિખ્યાત વૈજ્ઞાનિક અને ભારતના સ્પેસ પ્રોગ્રામના જનક. મૃણાલિની સારાભાઈ વિખ્યાત ક્લાસિકલ ડાન્સર. વિક્રમ સારાભાઈની પુણ્યતિથિ હમણાં 30મી ડિસેમ્બરે ગઈ, જ્યારે મૃણાલિની સારાભાઈની મૃત્યુતિથિ જાન્યુઆરીની 21મી તારીખે આવશે.  ડો. વિક્રમ સારાભાઈ માત્ર બાવન વર્ષ જીવ્યા, જ્યારે મૃણાલિની સારાભાઈ 97 વર્ષનું દીર્ઘાયુષ પામ્યાં.

લગ્ન સ્વયં એક કોમ્પ્લિકેટેડ સંબંધ હોઈ શકે છે. એમાંય સ્ત્રી-પુરુષ બન્ને જ્યારે હાઇ પ્રોફાઇલ જીવન જીવતાં હોય ત્યારે સંકુલતાનો ગુણાકાર થવાની શક્યતા ખૂબ વધી જાય. મૃણાલિની સારાભાઈ લિખિત આત્મકથા ‘ધ વોઇસ ઓફ અ હાર્ટ’ (જે ગુજરાતીમાં ‘અંતર્નાદ’ નામે અનૂદિત થઈ છે)માં આ સેલિબ્રિટી કપલની અંતરંગ વાતો સરસ રીતે ઝીલાઈ છે. આઇઆઇએમ-અમદાવાદ પર આવતાં પહેલાં આ પતિ-પત્નીના સંબંધના પ્રારંભિક ગ્રાફ પર નજર નાખી લઈએ. 

વિક્રમ નામના ગુજરાતી યુવાનનો ભેટો સાઉથ ઇન્ડિયન મૃણાલિની સાથે કેવી રીતે થયેલો? વિક્રમ સારાભાઈ બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં અધ્યાપનકાર્ય કરી રહેલા સર સી.વી. રામનના વિદ્યાર્થી હતા. આમ શરમાળ પણ આમ બહિર્મુખ એવાં મૃણાલિની પાછળ એ વખતે બેંગલોરના ઘણા યુવાનો દીવાના હતા, પણ મૃણાલિની ખુદ આ ગુજરાતી શ્ર્વેતાંબર જૈન યુવાનની બુદ્ધિમત્તાથી ખાસ્સાં પ્રભાવિત. બન્ને ઉચ્ચભ્રૂ પરિવારનાં ફરજંદ.

મૃણાલિની અને વિક્રમ વચ્ચે ક્રમશ: દોસ્તી ગાઢ બનવા લાગી. ગાડીમાં સામાન ભરીને એ શહેરથી દૂર પિકનિક પર ઉપડી જતાં. ગાઢ વનરાજિ વચ્ચે મૃણાલિની ટાગોરનાં કાવ્યોનું પઠન કરે, જ્યારે ગુજરાતમાં કોલેજ કરીને આવેલા વિક્રમ ‘વિક્રમોવર્શીયમ’ તેજ ‘મેઘદૂત’ના સંસ્કૃતપાઠોનું ગાન કરે. સાથે સાથે મકાઈડોડા શેકી શેકીને ઝાપટવાનું પણ ચાલુ હોય! અલબત્ત, કરીઅરનું પ્રાધાન્ય ક્યારેય ભુલાયું નહોતું. વિક્રમ સારાભાઈ શરુઆતમાં કહેતા કે, ‘આપણે પ્રેમસંબંધમાં પડવું નથી. મારે લગ્ન કરવાં નથી.’ આ સાંભળીને મૃણાલિની કહેતા, ‘હાશ! મને નિરાંત થઈ...!’ પણ ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલન છેડાયું ત્યાર બાદ વિક્રમના સૂર  બદલાવા માંડ્યા. એમણે હવે મૃણાલિનીને એકધારું કહેવાનું શરુ કર્યું: તારે હવે મારી સાથે લગ્ન કરી લેવાં જોઈએ!

Dr. Vikram Sarabhai with Kamla Chaudhury

મૃણાલિનીને વિક્રમ પ્રત્યે ભરપૂર પ્રેમ હતો, પણ લગ્નની અજાણી ભૂમિ પર પગલાં પાડતાં એમને ડર લાગતો હતો. આખરે મૃણાલિનીએ હા પાડી. એમના લગ્ન લેવાયાં. મૃણાલિનીને સાસરીયાના વૈભવશાળી આવાસનું વાતાવરણ વધારે પડતું ગંભીર લાગ્યું હતું. જીવંત અને આનંદથી છલકાતા કલામય પરિવારમાંથી આવેલાં મૃણાલિનીના મનમાં ચિંતા જાગી કે અહીં હું રાતોરાત કેવી રીતે ગોઠવાઈ શકીશ? પોતાનાં સાસુ અને તેમજ જેઠાણી સાથે મૃણાલિનીને કદી આત્મીયતા અનુભવી ન શક્યા. અલબત્ત, સસરા અંબાલાલે મૃણાલિનીને દિલથી આવકાર્યા હતા. લગ્ન પછીના થોડા જ અરસામાં એક સરઘસમાં ભાગ લેતી વખતે પોલીસે છોડેલા અશ્રુવાયુનો ટોટો મૃણાલિનીના એકદમ ચહેરા પર જ ફૂટતાં એ ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં હતાં. ડોક્ટરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે મૃણાલિનીની આંખોમાં ચેપ લાગી ચુક્યો હોવાથી આંખો કઢાવી નાખવી પડશે. અંબાલાલે મક્કમપણે વિરોધ કર્યો: ‘એ નૃત્યાંગના છે. કોઈ પણ ભોગે આપણે એની આંખો બચાવાનો પ્રયત્નો કરવા જોઈએ.’

 સસરાના આ નિર્ણય બદલ મૃણાલિની આજીવન એમના ઋણી રહ્યાં. લાંબી સારવારને અંતે હરતાંફરતાં થવામાં મૃણાલિનીને એક વર્ષ લાગી ગયું, પણ આ આખા તબક્કા દરમિયાન વિક્રમ સારાભાઈ મજબૂત ખડકની જેમ એમની પડખે ઊભા હતા એટલે એ તમામ અગ્નિપરીક્ષામાંથી હેમખેમ પાર ઉતર્યાં.

ડો. વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઈની પ્રેમકહાણી એક વાત થઈ. જે વાત મૃણાલિની સારાભાઈની આત્મકથામાં નથી એ બીજા એક પુસ્તકમાં થઈ છે. તેનું નામ છે, ‘અ બુક ઓફ મેમરી’. લેખક છે, સુધીર કક્કર (અથવા કકર). માનસચિકિત્સાના ક્ષેત્રમાં એમનું મોટું નામ છે. એમને ‘ફાધર ઓફ ઇન્ડિયન સાઇકોએનેલિસિસ’નું બિરુદ આપવામાં આવ્યું છે. 1970ના દાયકાના મધ્યમાં એમણે ફ્રોઇડના માનસશાસ્ત્રને ભારતમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. એમણે ઘણાં ફિક્શન અને નોન-ફિક્શન પુસ્તકો લખ્યાં છે. એમાંનું એક એટલે આ, ‘અ બુક ઓફ મેમરી’.

આ આત્મકથનાત્મક પુસ્તકનો એક છેડો આપણા આજના લેખના વિષયને સ્પર્શે છે. સુધીર કક્કરનાં ફોઈનું નામ કમલા ચૌધરી હતું. લેખક પોતાના પુસ્તકમાં કહે છે  અમદાવાદમાં આઇઆઇએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ) જેવી અતિ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઊભી થઈ એની પાછળનું મોટું ચાલકબળ એમનાં કમલાફોઈ હતાં. કમલા ચૌધરી નાની ઉંમરે વિધવા થઈ ગયાં હતાં. મૃણાલિની સારાભાઈ સાથે એમનાં બહેનપણાં હતાં. એ રીતે વિક્રમ સારાભાઈ સાથે કમલા ચૌધરીની ઓળખાણ થઈ. ડો. સારાભાઈ એમનાથી એટલા પ્રભાવિત થયા કે પોતે સ્થાપેલી ટેક્સ્ટાઇલ રિસર્ચ માટેની સંસ્થા અટિરામાં સારી જોબની ઓફર આપી. વાત માત્ર ત્યાં સુધી સીમિત ન રહી. સુધીર કક્કર પોતાના પુસ્તકમાં લખે છે કે, વિક્રમ સારાભાઈ અને કમલા ચૌધરી વચ્ચે પછી ગાઢ સંબંધ બંધાયો જે વીસ વર્ષના અંતરાલમાં ફેલાયો.

વિચારતાં કરી મૂકે એવી આ વિગતો છે. આગળની કથા એવી છે કે આ જે પ્રણયત્રિકોણ રચાયો હતો એમાં કમલા ચૌધરીને ગૂંગળામણ થવા લાગી એટલે તેઓ દિલ્હી શિફ્ટ થઈ જવા માગતાં હતાં, પણ વિક્રમ સારાભાઈએ એમને અમદાવાદમાં રોકી રાખવા માગતા હતા. આ માટે પોતાનાથી થાય એટલા તમામ પ્રયત્ન કરી જોયા. કમલા ચૌધરીને એમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ની ડિરેક્ટરનો હોદ્દો આપવાનો પ્રસ્તાવ મૂક્યો. આ અને આના જેવી બીજી કોઈ પ્રપોઝલ કારગત ન નીવડી એટલે આઇઆઇએમને અમદાવાદ લાવવા માટે વિક્રમ સારાભાઈએ હિલચાલ શરૂ કરી દીધી. વિક્રમ સારાભાઈ ખૂબ વગદાર માણસ હતા અને ભારત સરકાર દ્વારા તેઓ હિલચાલ શરૂ કરાવી શકતા હતા. ભારતની પહેલી આઇઆઇએમ કલકત્તામાં ખૂલી ચુકી હતી અને બીજી આઇઆઇએમ પર ટેક્નિકલી મુંબઇનો પહેલો અધિકાર હતો. વિક્રમ સારાભાઈ પોતાનો પ્રભાવ વાપરીને આઇઆઇએમને અમદાવાદ લઈ આવ્યા. તેઓ સ્વયં આઇઆઇએમ-અમદાવાદના પ્રથમ ડિરેક્ટર બન્યા અને કમલા ચૌધરી રિસર્ચ ડિરેક્ટર. સુધીર કક્કર લખે છે કે દેખીતી રીતે જ વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યુટના સર્વેસર્વા હતા, પણ તેઓ કોઈ પણ મોટો નિર્ણય કમલા ચૌધરીને પૂછ્યા વગર ન લેતા. સુધીર કક્કરના કહેવાનો સૂર એ છે કે જો ડો. વિક્રમ સારાભાઈના જીવનમાં કમલા ચૌધરી ન હોય અને જો વિક્રમ સારાભાઈ એમને કોઈપણ ભોગે અમદાવાદમાં રોકી રાખવા માગતા ન હોત તો અમદાવાદમાં આઇઆઇએમ ઊભી ન થઈ હોત! યાદ રહે, લેખક સુધીર કક્કર કોઈ મામૂલી વ્યક્તિ નથી, તેઓ ‘ફાધર ઓફ ઇન્ડિયન સાઇકોએનેલિસિસ’નું બિરુદ પામેલા જવાબદાર વ્યક્તિ છે અને કમલા ચૌધરીના સગા ભત્રીજા છે.  

ભારતને અંતરિક્ષ યુગમાં પહોંચાડનારો વૈજ્ઞાનિક આમેય અતિ વ્યસ્ત હોવાનો. એમાંય એમના જીવનમાં એક પરસ્ત્રીનું આવું સ્થાન હોય એટલે લગ્નજીવન પર એની અસર પડ્યા વગર ન જ રહે. અલબત્ત, વિક્રમ સારાભાઈને પરિવારની પરવા હતી જ. પત્નીને એક પત્રમાં એમણે લખ્યું હતુઃ  

 ‘... શું તને સાચે જ એવું લાગે છે કે હું તને ચાહતો નથી? તારી સંભાળ રાખવા ઇચ્છતા નથી? અને સૌથી મહત્ત્વનું તો એ છે કે મારા તમામ દોષ સાથે પણ હું તારો પ્રેમ પામવા ઝંખતો નથી?... અત્યારે આપણા પ્રેમમાં ઘૃણાનો ઈન્કાર ન કરી શકીએ તો શું ખૂંચે છે તે કાઢી લઈએ. અત્યારે મને તારા પ્રેમની ખાસ જરુર છે - જેમ તારું માથું ટેકવવા તને મારા ખભાની જરુર છે... મૃણાલિની, મહેરબાની કરીને મારા પર શંકા રાખીશ નહીં. હું તને ચાહું છું - ફક્ત મારાં બાળકોની મા તરીકે નહીં, એક સ્ત્રી તરીકે પણ.’

આ પત્ર મૃણાલિનીએ પોતાની આત્મકથામાં ટાંક્યો છે. ખરેખર, વાત સેલિબ્રિટી કપલની હોય કે આમ વ્યક્તિની, પ્રેમસંબંધ તેમજ લગ્નસંબંધની જટિલતાને સમજવી અને એ અનુસાર પોતાના જીવનને ગોઠવવાનું હંમેશાં ખૂબ મુશ્કેલ હોવાનું!

0 0 0  


Monday, January 7, 2019

2019 આવ્યું, શું શું લાવ્યું?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 6 જાન્યુઆરી 2019
મલ્ટિપ્લેક્સ
ઘણું બધું. આ ફિલ્મી વર્ષ પણ 2018ની માફક મસ્તમજાનું જશે એવા પૂરેપૂરા આસાર છે. બે તેજસ્વી ગુજરાતી ફિલ્મમેકર્સ - અભિષેક જૈન અને મિખિલ મુસળે - આ વર્ષે બોલિવૂડમાં ગ્રાન્ડ એન્ટ્રી કરવાના છે.


જુઓને, આપણે ઊઘડતા વર્ષના પહેલાં જ મહિનાથી ફિલ્મો જોવામાં બિઝી થઈ જવાના છીએ. જાન્યુઆરીમાં ચાર-ચાર ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો ત્રાટકવાની છે. આવતા શુક્રવારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર આધારિત ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને 2016માં થયેલા સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ‘ઉરી’. ત્યાર બાદ મહિનાના છેલ્લે શુક્રવારે, પચ્ચીસમીએ, અતિ લોકપ્રિય મહારાષ્ટ્રિયન નેતા બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત ‘ઠાકરે’ તેમજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પરાક્રમગાથા વર્ણવતી ‘મણિકર્ણિકા’. આ ચારમાંથી એકેયને મિસ કરવાનું મન થતું નથી!  અનુપમ ખેર અને નવાઝુદ્દીન સિદ્દીકીને ટાઇટલ રોલમાં ચમકાવતી અનુક્રમે ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘ઠાકરે’નાં ટ્રેલર રિલીઝ થતાંની જ વિવાદ ફાટી નીકળ્યો છે. ડો. મનમોહનસિંહ આજની તારીખે કડેધડે છે અને બાળાસાહેબ હજુ હમણાં સુધી આપણી વચ્ચે હતા. સમકાલીન પાત્રોને કેન્દ્ર બનાવીને ફિલ્મ, નાટક કે ટીવી સિરીઝ બનાવવાં સહેલાં નથી. વિકી કૌશલની કરીઅર એટલી ઇન્ટરેસ્ટિંગ રીતે આગળ વધી રહી છે કે ‘ઉરી’ના સોલો હીરો તરીકે એ કેવીક કમાલ કરી શકે છે તે જોવાની મજા આવશે.

ફેબ્રુઆરીમાં – આહા! – આપણી સુપર ફેવરિટ ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ આવશે. ટાઇટલ રોલમાં કોણ છે? રણવીર સિંહ. તમે જરા આ જુવાનિયાનો ઝગમગતો બાયોડેટા જુઓ. સંજય ભણસાલીથી લઈને રોહિત શેટ્ટી સુધી અને આદિત્ય ચોપડાથી લઈને કરણ જોહર સુધીના બોલિવૂડના તમામ ટોપ ફિલ્મમેકર્સની પહેલી પસંદ જાણે આ એક જ છે - રણવીર સિંહ! ‘સિમ્બા’ જેવી સોલિડ મસાલા ફિલ્મ કરતાં તદ્દન જુદો મિજાજ ધરાવતી ‘ગલી બોય’ મુંબઇના અસલી રેપર (એટલે કે આર-એ-પી રેપ સોંગ્સ બનાવનારા) અન્ડરડોગની અસલી કહાણી પર આધારિત છે. આ ફિલ્મમાં આપણને પહેલી વાર આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી જોવા મળશે. આ જ વર્ષે રણવીરની બીજી બે અતિ મહત્ત્તવાકાંક્ષી ફિલ્મો પણ આવશે. એક છે, કરણ જોહરના ડિરેક્શનમાં (અને ‘બાહુબલિ’ના પ્રભાવમાં) બની રહેલી ઐતિહાસિક ફિલ્મ ‘તખ્ત’ અને બીજી છે, કપિલ દેવની બાયોપિક ‘એઇટી-થ્રી’. કરણ જોહરે પોતાની ટિપિકલ સ્ટાઇલમાં કહ્યું છે કે ‘તખ્ત’ એટલે સમજોને કે એ મોગલ કાળની ‘કભી ખુશી કભી ગમ’! ‘તખ્ત’માં વિકી કૌશલ, આલિયા ભટ્ટ, અનિલ કપૂર અને જ્હાન્વી કપૂર પણ છે. ઇન્ટરેસ્ટિંગ!



કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહેલી બીજી સુપર-એમ્બિશિયસ ફિલ્મ એટલે ‘બ્રહ્માસ્ત્ર’. સુપર એમ્બિશિયસ એટલા માટે કે એક સુપરહીરો ફિલ્મ છે અને એને ટ્રિલોજીની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. મીન્સ કે ફિલ્મની કથા પાર્ટ-ટુ અને પાર્ટ-થ્રી સુધી લંબાશે. ‘સંજુ’ પછી રણવીર કપૂર હવે ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે. હિરોઈન છે એના અસલી જીવનની ગર્લફ્રેન્ડ, આલિયા ભટ્ટ. ધર્મા પ્રોડક્શન આ વર્ષે ખૂબ બધી ફિલ્મો રિલીઝ કરવાનું છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર પાર્ટ ટુ’ (ટાઇગર શ્રોફ, નવોદિત તારા સુતરિયા અને અનન્યા ચંકી પાંડે) ઉપરાંત ‘કલંક’ પણ આ જ વર્ષે આવશે. ‘કલંક’ની સ્ટારકાસ્ટ ધ્યાનાકર્ષક છે – સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર. ડિરેક્ટર? અભિષેક વર્મન.

રણવીરનાં શ્રીમતીજી દીપિકા પદુકોણના શું પ્લાન છે આ વર્ષે? આઇ મીન, રિસેપ્શનો અને હનીમૂનોમાંથી નવરાં પડ્યાં બાદ? દીપિકાની એક હટ કે ફિલ્મ આ વર્ષે આવશે. એનું ટાઇટલ છે, ‘છપાક’. ડિરેક્ટર, મેઘના ગુલઝાર. લક્ષ્મી અગરવાલ નામની યુવતી પર એના ઘવાયેલા પ્રેમીએ કેવી રીતે એસિડથી અટેક કર્યો હતો અને કુરૂપ થઈ ગયા પછી પણ લક્ષ્મી કેવી રીતે હિંમતભેર જીવનમાં આગળ વધી એની આ અસલી પ્રેરણાદાયી કહાની આ ફિલ્મમાં જોવા મળશે. બ્રિલિયન્ટ સબજેક્ટ. વંડરફુલ ચોઈસ. વિક્રાંત મેસી ઘવાયેલા પ્રેમીના રોલમાં દેખાશે.  

દીપિકાની કટ્ટર હરીફ કંગના આ વર્ષે  ‘મણિકર્ણિકા’ ઉપરાંત રાજકુમાર રાવ સાથે પણ ચમકશે. ફિલ્મનું ટાઇટલ જેટલું ઈન્ટરેસ્ટિંગ છે એટલું જોખમી પણ છે - ‘મેન્ટલ હૈ ક્યા’! ન કરે નારાયણ પણ ફિલ્મ ધારો કે ન ચાલી તો ટ્રોલીયાઓને (એટલે કે સોશિયલ મિડીયા પર ટ્રોલ કરનારાઓને) જલસો પડી જશે અને કંગનાનું આવી બનશે.  

સલમાન ખાન આ વર્ષે એક કોરીઅન ફિલ્મ આધારિત એવી ‘ભારત’ લઈને આવશે. પહેલાં આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા હિરોઈન બનવાની હતી. લગ્નનું ખરું કારણ હોય કે રામ જાણે, પણ એની જગ્યાએ પછી કેટરીના કૈફી ગોઠવાઈ ગઈ. ‘ભારત’માં સલ્લુભાઈના ફેનલોકોને જલસો પડશે એવું અત્યારે તો લાગે છે. કેટરીના ‘એબીસીડી-થ્રી’માં પણ દેખાશે, વરૂણ ધવન સાથે. કેટરીનાનું ઉંમર થઈ, પણ એ હજુય ઝનૂનથી બોલિવૂડની રેસમાં દોડી રહી છે. 2018માં બે સુપરસ્ટાર ખાનની એ હિરોઈન બની. બોલિવૂડની કોઈ પણ હિરોઈન માટે આ બહુ મોટી વાત ગણાય, પણ બુંદિયાળ કેટરીના બદનસીબ જુઓ. ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ અને ‘ઝીરો’ બન્ને પીટાઈ ગઈ. જોઈએ, કેટરીનાનું આ વર્ષ કેવુંક જાય છે.
     
‘ઝીરો’ના બોક્સઓફિસ પર્ફોર્મન્સથી ડઘાઈ ગયેલા શાહરૂખ ખાન આ વર્ષે પોતાના બેનર હેઠળ બની રહેલી ‘બદલા’માં કદાચ ટચૂકડો રોલમાં દેખાશે. સુજોય ઘોષના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય ભુમિકામાં છે. શું ખાન નંબર થ્રી આમિરનું આ વર્ષ સાવ ખાલી જવાનું છે? હોય કંઈ. આ જ મહિને, છવ્વીસમી જાન્યુઆરીએ, એમની ‘રૂબરૂ રોશની’ નામની ફિલ્મનું ટીવી પર પ્રિમીયર થવાનું છે. આ એક સરપ્રાઇઝ ગિફ્ટ છે આમિરના ચાહકો માટે. ‘સત્યમેવ જયતે’ ટીવી શોનાં સુપર ટેલેન્ટેડ કો-ડિરેક્ટર અને રિસર્ચર સ્વાતિ ચક્રવર્તીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.

આમિરને ‘દંગલ’માં ડિરેક્ટ કરનાર નિતેશ તિવારી આ વર્ષે ‘છિછોરે’ નામની કોમેડી ફિલ્મ લઈને આવશે. હીરો છે, સુશાંત રાજપૂત અને હિરોઈન, શ્રદ્ધા કપૂર. આમિરની વાત કરીએ એટલે ‘લગાન’ના ડિરેક્ટર આશુતોષ ગાવારીકર યાદ આવે, આવે ને આવે જ. આશુતોષ ગોવારીકરને કશુંય નાનું કે સાદું બનાવવામાં રસ જ નથી. આશુતોષની એક પિરીયડ ડ્રામા પણ સંભવતઃ આ જ વર્ષે રિલીઝ થશે - ‘પાણીપત’. પાણીપતના યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં સંજય દત્ત અને અર્જુન કપૂર દેખાશે. આશુતોષની છેલ્લી ફિલ્મો ધડાધડ ફ્લોપ થઈ છે એટલે એમને એક હિટની સખત જરૂર છે. ‘પાણીપત’ આશુતોષની કમબેક ફિલ્મ બની શકે એમ છે. ટચવૂડ!

આશુતોષની છેલ્લી ફિલ્મ ‘મોંહે-જો-ડેરો’ના હીરો હૃતિક રોશનને એના ચાહકો સોલિડ મિસ કરી રહ્યા છે. એની ‘સુપર થર્ટી’ નામની ફિલ્મ આ વર્ષે આવશે. તેજસ્વી પણ ગરીબ વિદ્યાર્થીઓનું આઇઆઇટીનું સપનું પૂરું કરવા માટે પોતાની જિંદગી લખી આપનાર બિહારીબાબુ આનંદકુમારના અસલી જીવન પર આ ફિલ્મ આધારિત છે. કમબખ્તી એ થઈ ગઈ છે કે ડિરેક્ટર વિકાસ બહલ ‘મી ટુ’ મૂવમેન્ટમાં બદનામ થઈ ગયા હોવાથી ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાતી જાય છે. વિકાસ બહલના અંગત જીવનનું નૈતિક સ્તર જેવું હોય એવું, પણ આ ફિલ્મ ખૂબ પ્રોમિસિંગ છે એ તો નક્કી.   

બોલિવૂડના બીજા બંગાળી ડિરેક્ટરબાબુની વાત કરીએ તો દિબાકર બેનર્જી ‘સંદીપ ઔર પિંકી ફરાર’ લઈને આવશે.. યશરાજની આ કોમડી ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા લીડ રોલમાં છે. આ બન્નેને પણ હિટની તાતી જરૂર છે.  અનુરાગ સિંહ ડિરેક્ટેડ ‘કેસરી’માં અક્ષય કુમાર અને પરિણીતી ચોપડાને ચમકાવતી ‘કેસરી’માં અંગ્રેજો સામેના સ્વાતંત્ર્ય સંગ્રામનું ઓર એક પાનું ખૂલશે. 

લિસ્ટ ખૂબ લાંબું છે અને અફ કોર્સ ઘણા બધા સ્ટાર્સની આ વર્ષે આવનારી ફિલ્મો વિશે વાત થઈ નથી,  પણ આપણે છેલ્લે બે તેજસ્વી ગુજરાતી ડિરેક્ટરોની વાત કરીને ચર્ચાને વિરામ આપીએ. આ વર્ષે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે યુવા ફિલ્મમેકરો બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે – અભિષેક જૈન (‘કેવી રીતે જઈશ?’, ‘બે યાર’) અને મિખિલ મુસળે (‘રોંગસાઇડ રાજુ’). અભિષેકની ફિલ્મમાં કાર્તિક આર્યન અને જેકલીન ડિસોઝા મુખ્ય રોલમાં છે, જ્યારે મિખિલની ‘મેઇડ ઇન ચાઇના’માં રાજકુમાર રાવ અને મૌની રોય લીડ કરે છે. ઓલ ધ બેસ્ટ, બોય્ઝ!      

0 0 0 



Tuesday, January 1, 2019

હેપીનેસની બરણીઃ તમને આજે કઈ વાતે સૌથી વધારે મોજ પડી?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 2 જાન્યુઆરી 2019
ટેક ઓફ 
મારી આજની હેપીએસ્ટ મોમેન્ટ કઈ હતી? મેં આજે કઈ વાતે સૌથી વધુ આનંદ અનુભવ્યો? બસ, એ ક્ષણને યાદ કરીને કાગળની નાનકડી ચબરખીમાં લખી નાખવાનું ને પારદર્શક બરણીમાં ચિઠ્ઠી નાખી દેવાની. બસ, આટલું જ. આનાથી કરતાં વધારે સરળ અને કષ્ટ વગરની કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી. 

નવું વર્ષ શરૂ થાય એટલે આપણે આદત મુજબ જાતજાતના ભવ્ય ‘મક્કમ નિર્ધાર’ કરવા માંડીએ છીએ. હવેથી હું રોજ સવારે પાંચ વાગે ઉઠી જઈશ. હવેથી હું વીકમાં કમસે કમ ચાર દિવસ જિમમાં કસરત કરીશ. હવેથી હું ગુસ્સો નહીં કરું, વગેરે. આપણો સૌનો અનુભવ છે કે ફેબ્રુઆરી આવતા સુધીમાં આ પ્રકારના ન્યુ યર રિઝોલ્યુશન્સ ખરી પડતા હોય છે, મગજની પાટી પરથી એ એવા ભૂંસાઈ જાય છે કે જાણે ક્યારેય લખાયા જ નહોતા. એટલે જ એલિઝાબેથ ગિલ્બર્ટનો ‘હેપીનેસની બરણી’વાળો આઇડિયા આપણને તો બહુ ગમ્યો.
એલિઝાબેથ ગિલ્બર્ટ એટલે ‘ઇટ પ્રે લવ’ જેવી પ્રચંડ સફળતા મેળવનાર પુસ્તકની બેસ્ટસેલિંગ અમેરિકન લેખિકા. ‘બિગ મેજિક’ નામનું ક્રિયેટિવિટ પ્રોસેસ વિશે એમણે એક અદભુત પુસ્તક લખ્યું છે. જે લોકો ક્રિયેટિવ મિજાજ ધરાવતા હોય, લેખન-સંગીત-અભિનય જેવી કળાઓમાં જેમની થોડીઘણી ગતિ હોય એમણે ‘બિગ મેજિક’ અચુક વાંચવું જોઈએ. એલિઝાબેથ આત્મકથનાત્મક પુસ્તકો, નવલકથાઓ ને નિબંધો લખે છે. એ જેટલું સરસ લખે છે એટલું સરસ બોલે પણ છે. એમની લાઇફસ્ટાઇલ જરા વિવાદાસ્પદ છે, પણ એ અલગ મુદ્દો થયો.
એલિઝાબેથ ગિલ્બર્ટ છેલ્લાં કેટલાંક વર્ષથી એક રુટિન પાળે છે. વર્ષની શરૂઆત થાય એટલે એક સરસ મજાની કાચની કે પ્લાસ્ટિકની પારદર્શક બરણી લે. પછી રોજ રાત્રે સુતાં પહેલાં યાદ કરે કે મારી આજની હેપીએસ્ટ મોમેન્ટ કઈ હતી? આજે એવી કઈ ઘટના બની અથવા તો એવી કઈ પળ આવી જ્યારે મેં સૌથી વધુ આનંદ અનુભવ્યો? બસ, એ ક્ષણને યાદ કરીને કાગળની નાનકડી ચબરખીમાં તે લખી નાખે ને પેલી પારદર્શક બરણીમાં ચિઠ્ઠી નાખી દે. બસ આટલું જ. માંડ એકાદ મિનિટનું કામ. લખવા માટે ફેન્સી કાગળની પણ જરૂર નહીં. છાપાના કે કોઈ બિલનો ખૂણો ફાડીને એની ઉપર પણ લખી શકાય. ધેટ્સ ઇટ.
‘આનાથી કરતાં વધારે સરળ અને કષ્ટ વગરની કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ મેં જોઈ નથી,’ એલિઝાબેથ ગિલ્બર્ટ એક જગ્યાએ કહે છે, ‘માત્ર એક જ મિનિટ ફાળવવાની અને એમાં આખા દિવસમાં તમે જે વાતે ધન્યતા કે કૃતાર્થતા અનુભવી હોય એની લખીને નોંધ લેવાની. તમને આજે કંઈક ગમ્યું હોય તો એ લખવાનું, હું લકી છું એવી ફીલિંગ આવી હોય તો એ લખવાનું. બીજું કંઈ ન સૂઝે તો હું હજુ જીવું છું એવું પણ લખી શકાય.’


હસવાની જરૂર નથી. આપણે હજુ જીવતા છીએ અને આપણા શ્વાસ હજુ ચાલે છે એ શું નાની ઘટના છે? દુનિયામાં રોજ દોઢથી બે લાખ લોકો મૃત્યુ પામે છે. આ દોઢ-બે લાખમાં હજુ સુધી આપણો નંબર લાગ્યો નથી એ શું જબરદસ્ત હકીકત નથી? આજે મને અવોર્ડ મળ્યો કે આજે મારી નવી ફેક્ટરીનું ઉદઘાટન થયું કે આજે મારું નવું પુસ્તક છપાઈને આવ્યું કે આજે હું બાપ બન્યો – આ પ્રકારની એવી મોટી મોટી ઘટના જ સુખ આપી શકે એવું કોણે કહ્યું? ત્રીજા માળે રહેતા ખડૂસ અંકલ પહેલી વાર આપણી સામે જોઈને સ્માઇલ કરે, પાર્કમાં બે નવા માણસો સાથે ઓળખાણ થાય, કોઈ લેખ વાંચીને મજા પડી જાય, ગુડ મોર્નિંગના રુટિન ફોરવર્ડમાં કોઈ સુવિચાર સોલિડ ગમી જાય, સખત બિઝી દિવસમાં પત્ની સાથે ફોન પર વાત કરવા માટે દસ મિનિટની મોકળાશ મળે તો આ બધું પણ આનંદનાં કારણ બની શકે છે. એલિઝાબેથ ગિલ્બર્ટ લખે છેઃ
‘મેં નોંધ્યું છે કે હું ગમે તેવા પીડાદાયી તબક્કામાંથી પસાર થઈ રહી હોઉં તો પણ દિવસમાં એકાદ-બે હેપી મોમેન્ટ તો આવી જ જતી હોય છે. તમે ઉદાસ કે ગુસ્સે હો ત્યારે કોઈ મિત્ર તમને સાંત્વનના બે શબ્દ કહે તો એ તમારી હેપી મોમેન્ટ હોઈ શકે છે. ભરચક બસ કે ટ્રેનમાં તમને બેસવાની જગ્યા મળી જાય તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે. તમે ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચો ને તે સાથે જ ગ્રીન લાઇટ થતાં તમે સડસડાટ નીકળી જાઓ તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે. ફોન પર કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તમારી સાથે વિવેકથી વાત કરે ને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરે તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે. તમારા કહ્યા વિના કોઈ તમારા હાથમાં ગરમાગરમ ચાનો કપ મૂકી દે તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે.’
એલિઝાબેથ ગિલ્બર્ટ આગળ કહે છેઃ
‘હેપીનેસ ઇઝ અ કન્સીક્વન્સ ઓફ પર્સનલ એફર્ટ. સુખ અનુભવવા માટે સહેજ પ્રયત્ન કરવો પડે, સભાન બનવું પડે, જીવનની નાની નાની વાતો પર ધ્યાન આપવું પડે. હેપીનેસની બરણી એ ઈરાદાપૂર્વક એવા પૂરાવાઓ એકઠા કરવાની પ્રક્રિયા છે, જેનાથી તમને ખાતરી થાય કે તમે નસીબવાળા છો, તમારા પર ઉપરવાળાના, વડીલોના ને ગુરૂના આશીર્વાદ છે. જરા આંખ ખોલીને આસપાસ નજર ફેરવો, તમને પૂરાવા દેખાશે જ. આ પુરાવા તોતિંગ હોય તે જરૂરી નથી. હેપીનેસની બરણીમાં રોજ ચિઠ્ઠી નાખવાનો મારો ઉદ્દેશ દુખ સામે સુરક્ષાકવચ ઊભું કરવાનું નથી. જીવનમાં દુખ તો હોવાનું જ છે. અત્યારે નહીં હોય તો ભવિષ્યમાં આવવાનું છે. આ રૂટિન હું એટલા માટે પાળું છું કે જેથી અજબ ચમત્કાર જેવું જે જીવન મને મળ્યું છે એ બદલ હું જીદપૂર્વક ધન્યતા અને કૃતાર્થતા વ્યક્ત કરી શકું.’
કેટલી સરસ વાત. આ પ્રવૃત્તિને કારણે દિલ-દિમાગમાં એક પ્રકારની હકારાત્મકતા પેદા થાય છે એ બિલકુલ સમજી શકાય એવું છે. એક વાત તો નિશ્ચિત છે. મન ઉદાસ હોય ત્યારે હેપીનેસની બરણી ખોલીને એક પછી એક ચિઠ્ઠીઓ વાંચવાનું શરૂ કરીએ તો વિષાદ ઓછો થવા માંડે એ તો નક્કી. વર્ષો જૂની બરણી ખોલીને ચિઠ્ઠીઓ પર નજર ફેરવતી વખતે સુખની એ વીતી ગયેલી ક્ષણોમાં નવેસરથી જીવવાની મજા આવે જ આવે. (‘વર્ષના પહેલાં જ દિવસે દોસ્તારો ‘સિમ્બા’ જોતી વખતે અજય દેવગણની એન્ટ્રી વખતે જોરજોરથી સીટીઓ પાડવાની બહુ મજા આવી!) હેપીનેસની બરણી આ અર્થમાં ડાયરીની ગરજ પણ સારે છે.
હેપીનેસની બરણી ભરવા માટે નવા વર્ષની રાહ જોવાની પણ જરૂર નથી. આ એક્ટિવિટી તો તમે ગમે ત્યારે શરૂ કરી શકો. નવી ફેન્સી બરણી ખરીદવા માટે બજારમાં કષ્ટ શા માટે લેવાનું? ઘરમાં કોઈ ચા-ખાંડ રાખવાનો જૂનો ડબ્બો પડ્યો હોય તો એ પણ ચાલે. અરે, પ્લાસ્ટિકની જૂની કોથળી પણ ચાલે. એલિઝાબેથ ગિલ્બર્ટ પાસે આવી હેપીનેસની બરણીઓનું આખું કલેક્શન છે. એક વર્ષની એક બરણી. એમના ઇજનથી એમના કેટલાય વાચકોએ પણ આ રીતે હેપીનેસની બરણી ભરવાનું શરૂ કર્યું છે. હેપીનેસની બરણીના આઇડિયામાં દમ તો છે. આ સાઇકોલોજિકલ-કમ-સ્પિરિચ્યુઅલ થેરાપી જેવી ફીલ-ગુડ એક્ટિવિટીનો અખતરો કરવા જેવો છે.  હેપી એક્ટિવિટી. હેપી ન્યુ યર!
 0 0 0