Monday, December 24, 2018

ગાંધીજીથી અંબાણીઃ વેવાઈની કક્ષા કેવી હોય?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 ડિસેમ્બર 2018 
ટેક ઓફ
‘તમારે પાંચ વર્ષ સુધી એકમેકથી સંપૂર્ણપણે અંતર રાખવું પડશે. પત્રવ્યવહાર પણ કરવાનો નહીં. પાંચ વર્ષ પછી પણ જો તમારી એકબીજા પ્રત્યેની લાગણી અકબંધ હશે તો અમે તમારાં લગ્ન માનભેર કરાવી આપીશું.’
Gandhiji and C.Rajagopalachari

લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે. માત્ર સેલિબ્રિટી દુલ્હા-દુલ્હનો જ નહીં, પણ એમના પિતાઓ અને વેવાઈઓ પણ એકાએક ન્યુઝમાં આવી ગયા છે. જેમ કે, મુકેશ અંબાણીએ પોતાના કરતાં ‘નાના’ ઘરમાં દીકરી ઈશાને પરણાવી છે. મુકેશભાઈની મિલકતનો આંકડો 3,71,000 કરોડને સ્પર્શે છે, જ્યારે વેવાઈ અજય પિરામલની મિલકત મુકેશ અંબાણી કરતાં દસમા ભાગની છે - માત્ર   38,900 કરોડ રૂપિયા! ‘ફોર્બ્સ’ મેગેઝિને તૈયાર કરેલાં ભારતના સૌથી ધનિક લોકોનાં લિસ્ટમાં મુકેશ અંબાણી પહેલા નંબરે છે, વેવાઈ ચોવીસમા નંબરે છે અને નાનો ભાઈ અનિલ અંબાણી 44મા નંબરે છે! 

દીપિકા પદુકોણના પપ્પા પ્રકાશ પદુકોણ ખુદ એક સેલિબ્રિટી છે. 1980માં તેઓ બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન હતા. એમના વેવાઈ એટલે કે રણવીર સિંહના હેન્ડસમ પિતા  જગજિતસિંહ ભાવનાની ‘સાદા’ બિઝનેસમેન છે. પ્રિયંકા ચોપડા ડોક્ટર માતા-પિતાની દીકરી છે. પ્રિયંકાના  સસરા  પૉલ જોનસ એક સમયે ચર્ચમાં સંગીત વગાડતા અને ગીતો પણ લખતા. જમાઈ નિક જોનસમાં પપ્પાના ગુણો આવ્યા છે. એ વાત અલગ છે કે પ્રિયંકાના શ્વસુરજી હાલ રિઅલ એસ્ટેટનું કામકાજ કરે છે અને એક મિલિયન ડોલરનું દેવું કરીને બેઠા છે.

આ તો થયા એકવીસમી સદીના વેવાઈઓ. આજે ગઈ સદીની એક અફલાતૂન વેવાઈ-જોડીની વાત કરવી છે. એ છે ગાંધીજી અને સી. રાજગોપાલાચારી. સ્વાતંત્ર્યસેનાની સી. રાજગોપાલાચારીની જન્મજયંતિ અને પુણ્યતિથિ બન્ને આ મહિનામાં પડે છે (જન્મઃ 10 ડિસેમ્બર 1878, મૃત્યુઃ 25 ડિસેમ્બર 1972). ‘રાજાજી’ અથવા ‘સી.આર.’ના ટૂંકા નામે ઓળખાતા રાજગોપાલાચારીની એક પુત્રી લક્ષ્મી ગાંધીજીના સૌથી નાના દીકરા દેવદાસને પરણી હતી.

ગાંધીજી અને રાજાજી એકમેકના પ્રત્યક્ષ પરિચયમાં શી રીતે આવ્યા? 1919માં રાક્ષસી જલિચાંવાલા બાગ હત્યાકાંડનો ભારતમાં ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો હતો. મદ્રાસમાં આ વિરોધ પ્રદર્શનની જવાબદારી રાજાજીએ લીધી હતી. ગાંધીજી સાથે રાજાજીની પહેલી મુલાકાત આ રીતે થયેલી, 1919માં. ગાંધીજીનું વ્યક્તિત્વ જ એવું પ્રચંડ હતું કે સાવ અદના માણસથી માંડીને પ્રખર બુદ્ધિજીવીઓ સુધીના સૌ કોઈ એમનાથી પ્રભાવિત થઈ જતા. રાજાજી પણ આમાં અપવાદ નહોતા.  રાજાજી પર ગાંધીજીએ એટલી તીવ્ર અસર છોડી કે એમણે વકીલાતને તિલાંજલિ આપી દીધી કે જેથી આઝાદીની લડતમાં  સંપૂર્ણ સમય અને શક્તિ ખર્ચી શકાય. 



રાજાજીએ હોમરૂલ આંદોલન અને અસહકાર આંદોલન એમ બન્નેમાં  ભાગ લીધો હતો. સરકારે ગાધીજીની ધરપકડ કરીને જેલમાં પૂર્યા ત્યારે ‘યંગ ઇન્ડિયા’ સામયિકનું સંપાદનકાર્ય રાજાજીએ સંભાળી લીધું. અંગ્રેજ સરકારે પછી રાજાજીને પણ જેલમાં પૂર્યા. આ હતી એમને પહેલી જેલયાત્રા. ક્રમશઃ રાજાજીની ગણના ગાંધીજીના નિકટના શિષ્ય તરીકે થવા માંડી. જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને રાજાજી  - આ ત્રિપુટી ગાંધીજીનાં મસ્તક, હૃદય અને હાથ તરીકે ઓળખાવા લાગી. કોઈપણ ગાંધીપ્રેમી માટે આ સ્તર પર પહોંચવું એ બહુ મોટી વાત ગણાય.

ગાંધીજી સાથેની રાજાજીની નિકટતા હવે અલગ કક્ષાએ પહોંચવાની હતી. ગાંધીપુત્ર દેવદાસની નજરમાં રાજાજીની દીકરી લક્ષ્મી વસી ગયેલી. લક્ષ્મીને પણ દેવદાસ પસંદ હતો. બન્ને પ્રભુતામાં પગલાં પાડવાં માગતાં હતાં. ગાંઘીજી રહ્યા ગુજરાતી વૈષ્ણવ વાણિયા, જ્યારે રાજાજી સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ.  આમ, આ લગ્ન માત્ર આંતરજ્ઞાતીય જ નહીં, આંતરપ્રાંતીય પણ ગણાય. બન્ને સમાજમાંથી વિરોધ થઈ શકે એમ હતો.  યાદ રહે, આ આપણે આજથી નેવું-સો વર્ષ પહેલાંના ભારતની વાત કરી રહ્યા છીએ. પરંતુ ગાંધીજી અને રાજાજી જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતા નાત-પ્રાંતના બંધનોમાં થોડા પડે? તેમને સૌથી વધારે ફિકર એ વાતની હતી કે દેવદાસ એ વખતે 28 વર્ષના હતા ને લક્ષ્મી માંડ પંદરની હતી. તે જમાનામાં સગીર વયની દીકરીને પરણાવવી સામાજિક રીતે સ્વીકાર્ય ગણાતું હતું, પણ ગાંધીજી અને રાજાજીએ આવું પગલું ન ભર્યું.  

એમણે દેવદાસ અને લક્ષ્મીને પાસે બેસાડીને કહ્યુંઃ જુઓ, તમે લગ્નસંબંધથી જોડાઓ તેની સામે અમને કશો વાંધો નથી, પણ અમારી એક શરત છે. તમારે પાંચ વર્ષ સુધી એકમેકથી સંપૂર્ણપણે અંતર રાખવું પડશે. પ્રસંગોપાત મળવાનું પણ નહીં અને પત્રવ્યવહાર પણ નહીં. પાંચ વર્ષ પછી પણ જો તમારી એકબીજા પ્રત્યેની લાગણી અકબંધ હશે તો અમે તમારાં લગ્ન માનભેર કરાવી આપીશું. 

0 0 0 

Sunday, December 16, 2018

એક હતા ઓશો...


દિવ્ય ભાસ્કર– કળશ પૂર્તિ – 12 ડિસેમ્બર 2018, બુધવાર 
ટેક ઓફ 
અમેરિકામાં ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!



ઓશો રજનીશ જો જીવતા હોત તો એમના અનુયાયીઓએ ગઈ કાલે એમનો 87 જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હોત. ઓશો (જન્મઃ 11 ડિસેમ્બર 1931, મૃત્યુઃ 19 જાન્યુઆરી 1990) 61મા વર્ષમાં પ્રવેશ કરે તે પહેલાં જ મૃત્યુ પામ્યા. અત્યંત મેધાવી, ઓરિજિનલ અને અસાધારણ ઓશોનું માત્ર જીવન જ નહીં, મૃત્યુ પણ વિવાદાસ્પદ પૂરવાર થયું.

ઓફિશિયલ જાહેરાત તો એવી થઈ હતી કે ઓશોનું મોત હાર્ટ-અટેકથી થયું છે, પણ શું આ સાચું કારણ હતું? નેટફ્લિક્સની જબરદસ્ત વખણાયેલી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ નામની ડોક્યુમેન્ટરી સિરીઝમાં ઓશોનાં મૃત્યુ ફરતે ઘેરાયેલાં પ્રશ્નોનાં વાદળને સ્પર્શવામાં જ આવ્યાં નથી. ઓશોના શંકાસ્પદ મોતને કેન્દ્રમાં રાખીને એકાધિક પુસ્તકો લખાયાં છે. અભય વૈદ્ય લિખિત ‘હુ કિલ્ડ ઓશો?’ અને મા આનંદો (મૂળ નામ સૂ એપલટન) લિખિત ‘વોઝ ભગવાન શ્રી રજનીશ પોઇઝન્ડ બાય રોનાલ્ડ રેગન્સ અમેરિકા?’ – આ બન્ને પુસ્તકોનો સૂર એક જ છેઃ અમેરિકન સત્તાવાળાઓએ ઓશોની હકાલપટ્ટી કરી એની પહેલાં જ્યારે એમને ધીમું ઝેર આપ્યું હતું. આ ઝેર જ ઓશોનાં મોતનું કારણ બન્યું.

ઓશોના મૃત્યુ વિશે, ખેર, ઘણી કોન્સિપરસી થિયરી ઘડાઈ છે. એક સમયે ઓશોથી સૌથી નિકટ ગણાતાં એમનાં પર્સનલ સેક્રેટરી મા આનંદ શીલાથી માંડીને સ્વામી દેવરાજ (પર્સનલ ફિઝિશીયન) અને સ્વામી આનંદ જયેશ (કેનેડિયન માઇકલ ઓ’બાર્ની, જે ઓશોના કેટલાંય ટ્રસ્ટ સાથે સીધા કે આડકતરી રીતે સંકળાયેલા હતા) જેવાં ઘણા લોકો તરફ આંગળી ચીંધાઈ, પણ આ તમામ થિયરીમાં ઝેરવાળી થિયરી સૌથી વજનદાર છે. ઓશોના નિધન બાદ એમના પૂનાસ્થિત આશ્રમમાંથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં પણ ઝેરને જ મોતનું કારણ ગણાવવામાં આવ્યું હતું.

એક્ઝેક્ટલી શો હતો આ ઝેરનો મામલો? અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી વકીલાત કરી ચુકેલાં સૂ એપલટન, કે જે પછી ઓશોનાં અનુયાયી બનીને મા આનંદો બની ગયાં હતાં, એમણે પોતાનાં પુસ્તકમાં આ મુદ્દાને માઈક્રોસ્કોપ નીચે મૂકીને ચકાસ્યો છે. અમેરિકામાં રજનીશ અને એમના અનુયાયીઓ વિરુદ્ધ તીવ્ર હવા બની ચુકી હતી ત્યારની આ વાત છે. (‘ઓશો’ નામ રજનીશે અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ ધારણ કરેલું.) એમણે કરેલાં કથિત કૃત્યો વિરુદ્ધ સરકાર કડક હાથે કામ ચલાવશે એ સ્પષ્ટ થઈ ચુક્યું હતું. આખરે 28 ઓક્ટોબર 1985ના રોજ નોર્થ કેરોલિના સ્ટેટ સ્થિત શાર્લોટ શહેરમાં રજનીશની ધરપકડ કરવામાં આવી. સરકારી અધિકારીઓએ ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરી કે કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!

એમને સાત દિવસ સરકારી હિરાસતમાં રાખવામાં આવ્યા. રજનીશને પોર્ટલેન્ડ લઈ જવાના છે એવું કહીને 4 નવેમ્બર 1985ના રોજ એમને સશસ્ત્ર પહેરા હેઠળ કસ્ટડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. પોર્ટલેન્ડ એ અમેરિકાના ઓરેગોન રાજ્યનું સૌથી મોટું શહેર છે. રજનીશપુરમ નામનું રજવાડું ઓરેગોનમાં જ વિકસાવવામાં આવ્યું હતું. શાર્લોટથી પ્લેનમાં પોર્ટલેન્ડ પહોંચતાં માંડ પાંચ કલાક થાય, પણ રજનીશને આટલું અંતર કાપતાં ત્રણ દિવસે લાગ્યા. કેમ આમ થયું? 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન રજનીશ ક્યાં અદશ્ય થઈ ગયા હતા? જો ઝેરવાળી કન્સિપરસી થિયરીને સાચી માનવામાં આવે, તો જે કોઈ કાંડ થયો તે આ ત્રણ દિવસ દરમિયાન થયો હતો. 

રજનીશના વકીલોએ આ ત્રણ દિવસનો હિસાબ માગ્યો ત્યારે અમેરિકાના સરકારી અધિકારીઓએ કશી જ વિગત આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એ તો પાછળથી ઓકલાહોમા સ્ટેટના એક ઓફિસરે માહિતી આપી કે રજનીશને 4 નવેમ્બર 1985ની રાતે ઓકલાહોમાની એક ગ્રામ્ય જેલમાં રાખવામાં આવ્યા હતા. મજા જુઓ. આ જેલના ઇન-ચાર્જે કહી દીધું કે અમારી જેલમાં તે રાતે રજનીશ નામની કોઈ વ્યક્તિ આવી જ નહોતી. રજનીશના વકીલે તંત ન મૂક્યો. એણે જેલના વોલ્ટરૂમમાં જઈને ત્યાં કામ કરતા ક્લર્કને વિનંતી કરી. ખાંખાખોળા કરતાં એક દસ્તાવેજ જડી આવ્યો. એમાં લખ્યું હતું કે 4 નવેમ્બર 1985ના રોજ રાતે 8 વાગીને 35 મિનિટે રજનીશપુરમમાં વસતા ડેવિડ વોશિંગ્ટન નામના માણસને જેલમાં લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે બપોરે સવાત્રણે એને છોડી મૂકવામાં આવેલો. ફોર્મના નીચેના ભાગમાં સહીની જગ્યા ઉપર સફેદ પ્રવાહી લગાડીને એ માણસના હસ્તાક્ષર મિટાવી દેવામાં આવ્યા હતા. પ્રવાહીના સફેદ ડાઘા ઉપર ‘વોશિંગ્ટન ડેવિડ’ એવું ટાઇપ કરવામાં આવ્યું હતું!  

જેલમાંથી બહાર કાઢ્યા પછી રજનીશને ક્યાં લઈ જવામાં આવ્યા હતા? ઓકલાહોમાની બહાર ગુનેગારો માટેના સુધારણા-કેન્દ્રમાં. પાંચમી અને છઠ્ઠી નવેમ્બર રજનીશે અહીં ગાળી. રજનીશની યાદશક્તિ કેટલી પ્રચંડ હતી તે આખી દુનિયા જાણે છે, પણ રજનીશને 5 અને 6 નવેમ્બર 1985ની રાત યાદ જ નહોતી! એમને 4 ડિસેમ્બરની ઓકલાહોમાના જેલમાં વીતાવેલી રાત જ યાદ હતી. તેમણે કહેલું કે મને તે રાતે બહુ જ સરસ ઊંઘ આવેલી. બસ, આટલું જ. તે પછીના બે દિવસ અને બે રાતની તમામ વિગતો એમના દિમાગમાંથી સમૂળગી ભૂંસાઈ ગઈ હતી, અથવા કહો કે, ભૂંસી નાખવામાં આવી હતી.

આ ઘટનાક્રમ પછી રજનીશને સખત ચક્કર અને ઉબકા આવવા, માથું દુખવું, ભૂખ ન લાગવી જેવી શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ. 14 નવેમ્બર 1985ના રોજ ચોપન વર્ષીય રજનીશને અમેરિકા છોડવાનું ફરમાન કરવામાં આવ્યું. કેટલાય દેશોમાંથી જાકારો મળ્યા બાદ તેઓ આખરે ભારત પાછા ફર્યા. રજનીશ અગાઉ કડેધડે હતા, પણ હવે એમને નાનીમોટી બીમારીઓ લાગુ પડવા માંડી. વાળ ઊતરવા માંડ્યા, આંખે ઝાંખપ આવવાને કારણે વાંચવાનું ઉત્તરોત્તર ઓછું થતું ગયું, હાથ અને ખભાના સાંધા દુખવા લાગ્યા. 1987ના જાન્યુઆરીથી ઓક્ટોબરની વચ્ચે રજનીશે નાદુરસ્ત તબિયતને કારણે 91 દિવસ પ્રવચન કેન્સલ કરવા પડ્યા.

એક વાર રજનીશના કાનમાં ઇન્ફેક્શન થઈ ગયું. ટ્રીટમેન્ટ શરૂ થયા પછી સામાન્યપણે સાતેક દિવસમાં આ તકલીફ દૂર થઈ જવી જોઈતી હતી. એને બદલે કાન ઠીક થતાં દોઢ મહિનો લાગ્યો. ડોક્ટરો ચેતી ગયા. એમને સમજાયું કે મામલો ગંભીર છે. રજનીશનાં વાળ-લોહી-પેશાબનાં નમૂના, હાડકાંના એક્સ-રે વગેરે લંડન મોકલવામાં આવ્યાં. સારામાં સારી લેબોરેટરીઓમાં કેટલાંય પરીક્ષણો થયાં. તે પછીય ડોક્ટરો કોઈ ચોક્કસ નિદાન પર પહોંચી ન શક્યા, પણ એમણે ત્રણ સંભાવના જરૂર વ્યક્ત કરીઃ રજનીશનાં શરીરમાં જે લક્ષણો જોવા મળે છે એવા કાં તો કેન્સરને લીધે હોય, કાં રેડિયેશનના સંપર્કના કારણે હોય અથવા થેલિયમ પોઇઝનિંગને કારણે હોય. કેન્સર અને રેડિયેશનના વિકલ્પો બંધ બેસતા નહોતા એટલે બચ્યો માત્ર થેલિયમ પોઇઝનિંગવાળો વિકલ્પ.

થેલિયમને ઉંદર મારવાની દવામાં નાખવામાં આવે છે. ઉંદર જ નહીં, માનવહત્યા માટે પણ દુનિયાભરમાં તેનો ઉપયોગ થાય છે. તે રંગહીન, ગંધહીન તત્ત્વ છે, પાણીમાં આસાનીથી ભળી જાય છે. થેલિયમ માણસની ચેપ વિરુદ્ધની પ્રતિકારક્ષમતા સાવ ઘટાડી નાખે છે. થેલિયમનો હેવી ડોઝ આપવામાં આવે તો એ જીવ ખેંચી લે, પણ નાના નાના ડોઝથી માણસની નર્વસ સિસ્ટમ (જ્ઞાનતંત્ર) ધીમે ધીમે ક્ષીણ થઈને આખરે સાવ ખતમ થઈ જાય. થેલિયમ અપાયું હોય તો પણ ત્રણથી છ મહિના બાદ શરીરમાં એની કોઈ નિશાની પકડાતી નથી. એક લીટર પ્રવાહીમાં થેલિયમની માઇક્રોગ્રામથી કરતાં વધારે માત્રામાં હોય તો જ તેને પકડી શકાય. રજનીશનાં પરીક્ષણો તો અમેરિકા છોડ્યા બાદ બહુ મોડાં શરૂ થયેલાં. દેખીતું છે કે જુદી જુદી ટેસ્ટ્સમાં થેલિયમની હાજરી ન જ વર્તાય. 
  
ધારો કે થેલિયમવાળો વિકલ્પ સાચો હોય તો સવાલ એ ઉઠે કે રજનીશને તે કોણે અને ક્યારે આપ્યું? આનો ઉત્તરમાં માત્ર અટકળ થઈ શકે અને તે એ કે 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન અમેરિકામાં સરકારી તંત્ર દ્વારા રજનીશને જે રીતે ગાયબ કરી દેવામાં આવેલા ત્યારે આ કુચેષ્ટા થઈ હોવી જોઈએ. અમેરિકાના રૂઢિચુસ્ત વર્ગને  રજનીશ આંખના કણાની જેમ ખૂંચતા હતા. રજનીશના ક્રાંતિકારી અને બોલ્ડ વિચારો એમને ખ્રિસ્તી-વિરોધી લાગતા હતા. થેલિયમના ડોઝ સંભવતઃ રજનીશને અપાયેલી ઓફ-ધ-રેકોર્ડ સજા હતી!   

અગાઉ નોંધ્યુ તેમ, રજનીશના અત્યંત નિકટના અનુયાયીઓએ જ એમનો કાંટો કાઢી નાખ્યો હોય એવી થિયરી પણ છે જ. રજનીશનાં નિધનના ફક્ત 41 દિવસ પહેલાં એમની ખૂબ વિશ્વાસુ ગણાતાં કેર-ટેકર મા પ્રેમ નિર્વાણોનું ભેદી સંજોગોમાં મોત થઈ ગયું હતું. મા પ્રેમ નિર્વાણો ફ્કત ચાલીસ વર્ષનાં હતાં ને એકદમ સાજાસારા હતાં.    
  
અમુક પ્રશ્નો અનુત્તર રહી જવા સર્જાયા હોય છે. અચાનક ત્રાટકેલું અથવા અસ્પષ્ટ રહી જતું મોત અસામાન્ય વ્યક્તિનું કદ વધારે લાર્જર-ધેન-લાઇફ બનાવી દેતું હોય છે. ઓશોની જેમ...

0 0 0 

રહને કો ઘર નહીં, સોને કો બિસ્તર નહીં


દિવ્ય ભાસ્કર – 16 ડિસેમ્બર 2018, રસરંગ પૂર્તિ 
મલ્ટિપ્લેક્સ
'‘હું ઘર છોડીને જઈ રહી છું. આપણા દીકરાને હું સાચવી નહીં શકું. એને તારે જ રાખવો પડશે...’


હોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથે થોડા દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના 26 વર્ષીય દીકરા ટ્રે સાથેની પોતાની એક ખુશખુશાલ તસવીર શેર કરી હતી. સાથે લખ્યું કે , ‘મારી અને ટ્રેની વચ્ચે હંમેશા આવો મીઠો સંબંધ નહોતો. એની મા સાથે મારા ડિવોર્સ થયા પછી વર્ષો સુધી લાગણીના સ્તરે અમારે ખૂબ પીડા વેઠવી પડી હતી. ટ્રેને લાગતું રહ્યું કે મેં એની સાથે વિશ્વાસઘાત કર્યો છે, એને રઝળતો મૂકી દીધો છે. બહુ સંઘર્ષ કર્યા બાદ આજે અમારી વચ્ચે સુમેળભર્યો અને હૂંફાળો સંબંધ વિકસી શક્યો છે એ ઉપરવાળાના આશીર્વાદ છે.’

વિલ સ્મિથની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વાંચીને એની એક અદભુત ફિલ્મ યાદ આવી ગઈ - ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ (2006). ટાઇટલનો અર્થ થાય છે, સુખ માટેનો સંઘર્ષ અથવા સુખ માટેનો ઉદ્યમ. આ ફિલ્મમાં પણ પત્નીથી વિખૂટા પડી ગયેલા પુરુષ અને એના દીકરાની વાત છે. સત્યકથા પર આધારિત ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ એક એવી હૃદયસ્પર્શી હોલિવૂડ ક્લાસિક છે, જે સતત, વર્ષો પછી પણ રિલેવન્ટ લાગવાની. આજે આ ફિલ્મ વિશે વિગતે વાત કરીએ.       


ફિલ્મની સ્ટોરી એવી છે કે ક્રિસ ગાર્ડનર (વિલ સ્મિથ) નામનો એક આફિકન-અમેરિકન યુવાન પોતાની પત્ની લિન્ડા અને પાંચ વર્ષના દીકરા ક્રિસ્ટોફર સાથે સાન ફ્રાન્સિસ્કો શહેરમાં રહે છે. ક્રિસ આમ તો સ્માર્ટ, મહેનતુ અને પરિવારપ્રેમી માણસ છે, પણ કોઈ નબળી પળે એનાથી ખોટું બિઝનેસ ડિસીઝન લેવાઈ જાય છે. ડોક્ટરોને કામ આવે એવાં જથ્થાબંધ સ્કેનર મશીનો ખરીદીને એ ઘરમાં ખડકી તો દે છે, પણ આ મશીનના કોઈ લેવાલ મળતા નથી. પરિણામે ઘરમાં આર્થિક તંગી પેદા થઈ જાય છે. એકધારી નાણાભીડથી ત્રાસીને પત્ની એક દિવસ કહી દે છેઃ હું ઘર છોડીને જઈ રહી છું. આપણા દીકરાને હું સાચવી નહીં શકું, એને તારે જ રાખવો પડશે. ક્રિસ પણ જાણે છે કે પત્ની કરતાં પોતે બહેતર સિંગલ પેરેન્ટ પુરવાર થાય એમ છે.  ઘરમાં હવે બાપ-દીકરો બે જ છે. દીકરા પ્રત્યેનું એનું કમિટમેન્ટ ગજબનું છે.


ક્રિસને શેરબજાર માટે કામ કરતી કોઈ કંપનીમાં નોકરી મળે છે. છ મહિના વગર પગારે ટ્રેઈની તરીકે કામ કરવાનું ને પછી જો સિલેક્ટ થાય તો પગાર શરુ. આ કામની સાથે સાથે પેલાં સ્કેનર મશીનો પણ વેચવાનાં છે. બાપડો એટલો બધો સંઘર્ષ કરે છે કે જોઈને દયા આવી જાય. નવી નવી અણધારી તકલીફો ઊભી થતી જ જાય છે. એક તરફ એણે ઘર ખાલી કરવાનું છે ને બીજી બાજુ સરકારી નોટિસ દ્વારા જાણ થાય છે કે એનું બેન્ક અકાઉન્ટ સફાચટ કરી નાખવામાં આવ્યું છે. શા માટે? એણે ઈન્કમ ટેક્સ ભર્યો નહોતો, એટલે.

દીકરા સાથે રસ્તા પર આવી ગયો ત્યારે એના ખિસ્સામાં માત્ર ૩૦ ડોલર છે. બાપ-દીકરાએ સબવે સ્ટેશનના રેસ્ટરુમમાં રાત વીતાવવી પડે છે. રોજ દિવસે પોતે ઓફિસમાં કામ કરતો હોય, દીકરો બેબીસેટિંગમાં હોય, પણ રાત ક્યાં વીતાવવી? ક્રિસને ખબર પડે છે કોઈ ચર્ચમાં આશરો મળી શકે છે. અહીં જગ્યા બહુ જ મર્યાદિત છે એટલે બેઘર લોકોની રીતસર લાઈન લાગે છે. આથી સાંજે પાંચ વાગે જેવું ઓફિસનું કામ પૂરું થાય કે ક્રિસ બાપડો દોટ મૂકીને દીકરા સાથે લાઈનમાં ઊભો રહી જાય.

આ બધાની વચ્ચે ધોળાં હાથી જેવાં પેલાં સ્કેનર મશીનોનો પણ નિકાલ કરતાં જવાનો છે. ક્રિસ માટે આશાનું કિરણ આ નોકરી જ છે. જોકે એની સાથે બીજા અઢાર ટ્રેઈની કામ કરે છે. આ બધામાંથી કોઈ એકને જ જોબ મળવાની છે. ક્રિસ જાણે છે કે મારે કોઈ પણ ભોગે બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું છે, યેનકેન પ્રકારેણ કંપની માટે નવા ક્લાયન્ટ્સ ઊભા કરવાના છે. આટઆટલી હાડમારી છે, પણ ક્રિસનો જુસ્સો બુલંદ છે. એ કોઈની સામે ભુલેચુકેય દુખડા રડતો નથી. ઓફિસમાં કોઈને અંદેશો સુધ્ધાં નથી એ કેવી દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. 

Reel and Real: Will Smith (R) with Chris Gardner and son, Jaden

આખરે ટ્રેનિંગ પિરિયડ પૂરો થયા બાદ ક્રિસને એનો મેનેજર કહે છે કે અરે વાહ! તું આજે નવું શર્ટ પહેરીને આવ્યો છેને કંઈ. કાલે પણ આ જ શર્ટ પહેરજે કારણ કે ઓગણીસ ટ્રેઈનીઓમાંથી ફુલટાઈમ જોબ માટે તને પસંદ કરવામાં આવ્યો છે. ક્રિસને છાતી ફાડીને રડવાનું મન થાય છે, પણ આંસુને એ મહામહેનતે આંખોમાં દબાવી રાખે છે. અંધારી કાળી ટનલનો છેડો આવી ગયો છે. હવે ફક્ત સુખી થવાનું છે.

બેબીસીટીંગમાંથી એ દીકરાને તેડી લાવે છે. બાપ-દીકરો હસતા-ખેલતા વાતો કરતા આગળ વધે છે ને અહીં ફિલ્મ પૂરી થાય છે. છેલ્લે સ્ક્રીન પર લખાણ ઝબકે છે કે આગળ જતાં ક્રિસ ગાર્ડનર ખૂબ સફળતા પામીને મલ્ટિ-મિલિયન ડોલર બ્રોકરેજ ફર્મનો માલિક બને છે. 

અગાઉ નોંધ્યું તેમ આ સત્યકથા છે. ક્રિસ ગાર્ડનર નામની સાચુકલી વ્યક્તિએ એક મેગેઝિનને પોતાની સંઘર્ષકથા વર્ણવતો ઈન્ટરવ્યુ આપ્યો હતો. એને સારો પ્રતિસાદ મળ્યો એટલે એમણે ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ નામનું આત્મકથનાત્મક પુસ્તક લખ્યું, જે બેસ્ટસેલર સાબિત થયું. ક્રિસ ગાર્ડનરને વિચાર આવ્યો કે મારી કહાણીમાં લોકોના હૃદયને સ્પર્શી જાય એવું તત્ત્વ છે તો એના પરથી હોલિવૂડની ફિલ્મ બનવી જોઈએ. પુસ્તકના રાઈટ્સ બીજા કોઈને વેચવાની માથાકૂટ કરવાને બદલે ક્રિસ ગાર્ડનર ખુદ અસોસિયેટ પ્રોડ્યુસર બની ગયા.

મેઈન હીરો વિલ સ્મિથ પણ ફિલ્મના અનેક પ્રોડ્યુસરોમાંનો એક હતો. ક્રિસને ચિંતા હતી કે વિલ જેવો હથોડાછાપ ફિલ્મો કરનારો એકશન હીરો આવું સંવેદનશીલ કિરદાર કેવી રીતે નિભાવી શકશે? આ ચિંતા કંઈ સાવ પાયા વગરની નહોતી. વિલ સ્મિથની ફકત ‘મેન ઈન બ્લેક’ જેવી ફિલ્મો જોનારા આજે પણ ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’માં એનું અનોખું રુપ જોઈને ચકિત થઈ જાય છે. ક્રિસના દીકરાની ભુમિકામાં વિલ સ્મિથે પોતાની બીજી પત્નીથી થયેલા સગા દીકરા જેડનને કાસ્ટ કર્યો. ઈવન ડિરેક્ટરની પસંદગી પણ વિલ સ્મિથે જ કરી. ગેબ્રિયલ મુચીનો નામના ઈટાલિયન ડિરેક્ટરની સૌથી મોટી કઠણાઈ એ હતી કે એને સરખું ઈંગ્લિશ બોલતા  આવડતું નહોતું. પોતાના વિચારો અને વિઝન વ્યક્ત કરવામાં એને ફાંફાં પડતાં હતા. આવા આદમીને કેપ્ટન-ઓફ-ધ-શિપ બનાવતાં બીજા પ્રોડ્યુસરો કેવી રીતે રાજી થાય? પણ વિલ સ્મિથે સૌને કન્વિન્સ કરી લીધા.
Chris Gardner and his son

સામાન્ય રીતે આપણે પડદા પર દુખિયારી અબળા નારીની દર્દભરી કહાણીઓ જોવા ટેવાયેલા છીએ, પણ અહીં એક પુરુષની વાત છે, જે સિંગલ પેરેન્ટ છે અને પોતાના દીકરાની સુખસુવિધા માટે અપાર સંઘર્ષ કરે છે. વિલ સ્મિથે જે રીતે ક્રિસનો સંઘર્ષ પેશ કર્યો છે તે હૃદય ભીંજવી દે એવો છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં ક્રિસ ખુદ કયારેય પીલુડાં પાડતો નથી. નથી એ ગમને ભુલાવવા દારુ ઢીંચીને ધમાલ કરતો કે નથી પલાયનવાદી બની કોઈના પર દોષારોપણ કરતો. એ ફક્ત પાગલની જેમ મહેનત કરે છે, પોતાની ખુમારી અને જુસ્સો સતત ટકાવી રાખે છે અને આખરે વિજેતા સાબિત થાય છે. વિલ સ્મિથનો નક્કર અભિનય ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ ભુમિકા માટે એને બેસ્ટ એકટર કેટેગરીમાં ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ બન્ને અવોર્ડ્ઝનાં નોમિનેશન્સ મળ્યાં હતાં.

ગજબની મોટિવેશનલ ક્વોલિટી છે આ ફિલ્મમાં. અંગત સંબંધોમાં કે કરીઅરમાં સંઘર્ષ કરી કરીને મન થાકી ગયું હોય ત્યારે આ ફિલ્મ અથવા એનું સ્મરણ એક પ્રકારની તાકાતનો અનુભવ કરાવશે. જરુર જોજો, જો હજુ સુધી ન જોઈ હોય તો.

0 0 0 

Tuesday, December 11, 2018

ફિલ્મ, ફોટોગ્રાફ અને દર્પણ


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 9 ડિસેમ્બર 2018
કોલમઃ મલ્ટિપ્લેક્સ
ફિલ્મ બનાવતી વખતે ડિરેક્ટર પ્રામાણિક રહ્યો હતો કે બનાવટ કરી રહ્યો હતો તે ઓડિયન્સ શી રીતે પકડી પાડે છે?  

એક સુંદર સાંજે રિતેશ બત્રા ટ્વિટર પર જાહેરાત કરે છે કે મારી આગામી ફિલ્મ ‘ફોટાગ્રાફ’નું પ્રિમીયર અમેરિકામાં 24 જાન્યુઆરી, 2019થી શરૂ થનારા દસ દિવસીય સન્ડેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાવાનું છે. આ ટ્વિટ ન્યુઝ બની જાય છે એનું કારણ છે. રિતેશ બત્રાએ લખેલી અને ડિરેક્ટ કરેલી ‘ધ લન્ચબોક્સ’ નામની હૃદયસ્પર્શી ફિલ્મ આપણને હજુય બરાબર યાદ છે અને લાંબા સમય સુધી યાદ રહેવાની છે. ઇરફાન ખાન, નિમરત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી આ ફિલ્મ વિદેશમાં સૌથી વધારે કમાણી કરનારી 2013ની ત્રીજા નંબરની ફિલ્મ હતી (પહેલી બે ફિલ્મો હતી, ‘ધૂમ થ્રી’ અને ‘ચેન્નાઈ એક્સપ્રેસ’). કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવી લૉ-બજેટ, સીધીસાદી ફેસ્ટિવલ ફિલ્મ વિદેશમાંથી હંડ્રેડ કરોડ કરતાંય વધારે રૂપિયા કમાવી આપશે.  

‘ધ લન્ચબોક્સ’ રિતેશ બત્રાની કરીઅરની સૌથી પહેલી ફુલલેન્થ ફિચર ફિલ્મ. કલ્પના કરો, આ એક જ ફિલ્મના જોરે રિતેશને બબ્બે હોલિવૂડની ફિલ્મો ડિરેક્ટ કરવાની ઓફર મળે છે - ‘ધ સેન્સ ઓફ એન્ડિંગ’ અને ‘અવર સોલ્સ એટ નાઇટ’. બન્ને નવલકથા પર આધારિત. બન્નેમાં ખમતીધર કલાકારો. બન્ને ગયા વર્ષે મર્યાદિત થિયેટરોમાં રિલીઝ થઈ અને બન્નેની તારીફ થઈ. આ પ્રકારનું ઇન્ટરનેશનલ કરીઅર ધરાવતા આ ફિલ્મમેકરની હવે પછીની ફિલ્મ વિશે જાણવામાં ફિલ્મરસિયાઓને રસ હોય જ. બીજું કારણ એ પણ છે કે ‘ફોટોગ્રાફ’માં નવાઝુદ્દીન સિદ્દીકી મેઇન રોલમાં છે. નવાઝુદ્દીન એક એવા સ્ટાર-એક્ટર છે જેનો ચાહકવર્ગ રાત્રે ન વઘે એટલો દિવસે વધી રહ્યો છે. 

શું છે ‘ફોટોગ્રાફ’માં? મુંબઇનો એક સ્ટ્રગલિંગ ફોટોગ્રાફર (નવાઝુદ્દીન) મુખ્ય નાયક છે. એનાં દાદીમા એને પરણાવવા માટે ભારે ઉતાવળાં થયાં છે. દાદીમાની કટ-કટથી કંટાળેલા નવાઝુદ્દીનનો ભેટો એક તદ્દન અજાણી અને શરમાળ યુવતી (સાન્યા મલ્હોત્રા) સાથે થાય છે. નવાઝુદ્દીન એને કન્વિન્સ કરે છે કે તું દાદીમા સામે મારી ફિયાન્સે હોવાનું નાટક કર. બાકીનું બધું હું સંભાળી લઈશ. આ રીતે નવાઝુદ્દીન અને સાન્યા વચ્ચે પરિચય થાય છે. બન્નેમાંથી કોઈને અંદાજ નથી કે એમનો સંબંધ માત્ર દાદીમા સામે નાટક કરવા પૂરતો સીમિત રહેવાનો નથી, બલ્કે હંમેશ માટે પલટાઈ જવાનો છે!

રિતેશ બત્રા અને નવાઝુદ્દીન અગાઉ ‘ધ લન્ચબોક્સ’માં સાથે કામ કરી ચુક્યા છે. નવોદિત સાન્યા મલ્હોત્રા પાસે માત્ર ‘દંગલ’નો અનુભવ હતો. ‘બધાઈ હો’ અને ‘ફટાકા’ને હજુ ઘણી વાર હતી. ‘ફોટોગ્રાફ’માં નવાઝુદ્દીન જેવા દમદાર એક્ટર સાથે કામ કરવાનું હોવાથી એની નર્વસનેસનો પાર ન હતો.    

એમ તો ‘ધ લન્ચબોક્સ’ બનાવતાં પહેલાં રિતેશ બત્રાની હાલત પણ સાન્યા જેવી જ હતીને! અગાઉ એમણે માત્ર ત્રણેક શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. ફુલલેન્થ ફિલ્મ લખવાની ને ડિરેક્ટ કરવાની ઇચ્છા ઘણી, પણ શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી? રિતેશે જાણકાર ફિલ્મમેકરોને મળીને એમની પાસેથી સમજવાની કોશિશ કરી. રિતેશને કહેવામાં આવ્યું કે, દોસ્ત, જસ્ટ બી યોરસેલ્ફ. તારા કામમાં તારું અસલી વ્યક્તિત્ત્વ છતું થવું જોઈએ. રિતેશ મૂંઝાયાઃ બી યોરસેલ્ફ સૂત્ર બરાબર છે, પણ મારે એક્ઝેક્ટલી કરવાનું શું છે? કામમાં મારું અસલી વ્યક્તિત્ત્વ કેવી રીતે છતું થાય? રિતેશ કેટલાક વધુ લોકોને મળ્યા. નવી શીખામણ મળીઃ રિતેશ, તારે એ જ લખવાનું જેના વિશે તને ખબર હોય. રિતેશ વધારે મૂંઝાયાઃ પણ મને તો કશી ખબર નથી. તો હું શું લખું?

Ritesh Batra

આમાંને આમાં બે વર્ષ જતાં રહ્યાં. એક દિવસ અચાનક રિતેશના દિમાગમાં બત્તી થઈઃ મારો નાયક ચોર, ડાકુ, ગેંગસ્ટર, રાજકારણી કે ગાંધી-મંડેલા ન જ હોઈ શકે. આ લોકોની લાર્જર-ધેન-લાઇફ દુનિયા કેવી હોય છે તે હું જાણતો નથી. હું તો આમઆદમીના જીવનથી પરિચિત છું. સીધાસાદા, રુટિન જીવન જીવતા, આપણાં મમ્મી-પપ્પા-કાકા-કાકી-મામા-માસી-પાડોસી જેવા સાધારણ લોકો. તેઓ રોજેરોજ, વર્ષો સુધી, દાયકાઓ સુધી એકસરખું બીબાંઢાળ જીવન જીવ્યે જ જાય છે, કેમ કે તેમના પર પરિવાર અને પ્રિયજનોની જવાબદારી છે. રિતેશે નક્કી કરી લીધું કે બસ, મારી ફિલ્મના કિરદારો આવાં જ હશે. સાધારણ, રુટિન, મારા-તમારા જેવાં.

આટલી માનસિક સ્પષ્ટતા થયા બાદ રિતેશે ‘ધ લન્ચબોક્સ’ના સ્ટોરી-સ્ક્રીનપ્લે લખવાનું શરૂ કર્યું. એક વિધુર ક્લર્ક છે, એક દુખી ગૃહિણી છે. બન્ને એકાકી છે. તેમની વચ્ચે સંબંધ વિકસે છે ને એક આશાભર્યા બિંદુ પર વાર્તા પૂરી થાય છે. રિતેશને લગભગ ખાતરી હતી કે મારી ફિલ્મ જોવા મારી મમ્મી સિવાય બીજું કોઈ નહીં આવે! બોરિંગ જીવન જીવતાં પાત્રોને સ્ક્રીન પર જોવા માટે કોઈ શું કામ સમય-શક્તિ ને પૈસા બગાડે? પણ ‘ધ લન્ચબોક્સ’ના નસીબમાં સફળતા અને યશ બન્ને લખાયા હતા.

સફળતા હજુ તાજી તાજી હવામાં હતી ત્યારે, 2013માં, રિતેશ એક વાર કારમાં કશેક જઈ રહ્યા હતા. એફએમ રેડિયો પર એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં શ્રોતાઓ ફોન કરી કરીને એમના મતે વર્ષની જે શ્રેષ્ઠ ઘટના હતી તેના વિશે પોતાના વિચારો જણાવતા હતા. ઘણા લોકોએ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ વિશે પણ વાત કરી. એમાંના કેટલાયે ‘ધ લન્ચબોક્સ’ને 2013ની બેસ્ટ ફિલ્મ ગણાવી. કોઈએ કહ્યું કે આ ફિલ્મ જોઈને મને મારી માની યાદ આવી ગઈ. એક અંધ શ્રોતાએ કહ્યું કે મેં આ ફિલ્મ થિયેટરમાં જઈને માત્ર સાંભળી તો પણ મને બહુ મજા પડી. એક સ્ત્રીએ કહ્યું કે મેં આ ફિલ્મ જોયા પછી બીજા જ દિવસે મારા બેવફા પતિને ત્યજી દીધો. કોઈએ કહ્યું કે આ ફિલ્મ મારી ભૂખ ભડકાવી દે છે. મેં તે ત્રણ વાર ને ત્રણેય વાર દબાવીને ખાધું!

રિતેશને આ બધું સાંભળીને જબરું આશ્ચર્ય થયું. એને થયું કે મારી ફિલ્મમાં એવું તે શું છે જેનાથી ટ્રિગર થઈને લોકો આ રીતે પોતાની અંગત વાતો રેડિયો પર શેર કરી રહ્યા છે? રિતેશના દિમાગમાં પાછી બત્તી થઈ કે ફિલ્મ લખતી વખતે અને બનાવતી વખતે હું પ્રામાણિક રહ્યો હતો. આ જ વાત ઓડિયન્સ સુધી પહોંચી છે. મારી ફિલ્મમાં પ્રામાણિકતા વર્તાય થાય છે એટલે જ લોકો અત્યારે પ્રામાણિક બનીને રિએક્ટ કરી રહ્યા છે!     

રિતેશ પોતાનાં એક વકતવ્યમાં કહે છે, ‘આ વાત માત્ર સિનેમા પૂરતી સીમિત નથી. તમે કોઈ પણ ક્ષેત્રમાં હો,  કોઈ પણ વ્યવસાય કરતા હો, પણ જ્યારે તમે એમાં તમારી જાતને રેડી દો છો ત્યારે તમારું કામ જાણે કે એક અરીસો બની જાય છે. તમારા કામમાં લોકો પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે. તેઓ તમારી સાથે સચ્ચાઈથી કનેક્ટ થાય છે. તમારી પ્રામાણિક અભિવ્યક્તિ જોઈને લોકોને પણ તમારી સામે પ્રામાણિકપણે વ્યક્ત થવાનું મન થાય છે. મારા માટે આ બહુ મહત્ત્વનો પદાર્થપાઠ હતો, જે હું ‘ધ લન્ચબોક્સ’ લખતી વખતે કે શૂટિંગ કરતી વખતે નહીં, પણ તે રિલીઝ થઈ ગયા પછી શીખ્યો.’ 

રિતેશની આગામી ફિલ્મ ‘ફોટોગ્રાફ’માં આપણને આવાં જ પાત્રો ને કહાણી જોવા મળવાનાં એ તો નક્કી.

0 0 0