Wednesday, August 1, 2018

તમારો તાબેદાર... ભગતસિંહ!

સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - 1 ઓગસ્ટ 2018
ટેક ઓફ
'પિતાજી, તમે મને જેલમાં મળવા આવો ત્યારે એકલા જ આવજો. માને સાથે ન લાવતા. કારણ વગર એ રડી પડશે અને મને પણ તકલીફ થશે... '


ઇન્ટરનેટ અને ડિજિટલ માધ્યમો પ્રચલિત નહોતા બન્યા ત્યારે બહારગામ વસતા પરિવારજનો, મિત્રો તેમજ સંબંધીઓ સાથે સંપર્કમાં રહેવા માટે આપણે પત્રો લખતા. આ પત્ર એટલે કાં તો પોસ્ટકાર્ડ અથવા ઇન્લેન્ડ અથવા કવર. પત્રો લખવાનો અને વાંચવાનો અલગ જ ચાર્મ હતો. હાથેથી લખાયેલા પત્રમાં માણસનું એક અલગ વ્યક્તિત્ત્વ ઝીલાતું હોય છે. માણસ વધારે આત્મીય, વધારે હૂંફાળો લાગતો હોય છે. આજે શહીદ ભગતસિંહે લખેલા થોડા પત્રો વિશે વાત કરવી છે.

ભગતસિંહ (જન્મઃ 28 સપ્ટેમ્બર 1907)ને ઉગ્ર રાષ્ટ્રપ્રેમ વારસામાં મળ્યો હતો. એમના કાકા અજીતસિંહ, લાલા લજપતરાયના સાથીદાર હતા. કિસાન આંદોલનનું પ્રતિનિધિત્વ કરવા બદલ અંગ્રેજ સરકારે એમને બર્મામાં કેદ રાખ્યા હતા. ભગતસિંહના પિતા કિશનસિંહને અંગ્રેજ સરકારે નેપાળમાંથી પકડીને પછી છોડી મૂકેલા. સૌથી નાના કાકા સ્વર્ણસિંહ પર કેટલાય કેસ ચાલતા હતા. જેલમાં થયેલો ભયાનક અત્યાચાર એમની શહીદીનું કારણ બન્યું. ભગતસિંહનું પાલનપોષણ દાદા અર્જુનસિંહની નજર હેઠળ થયું હતું. ભગતસિંહ નાના હતા ત્યારથી જ દાદાજી એમને સામાજિક ચેતના, સમાનતા અને પ્રગતિની વાતો કરતા.

ભગતસિંહના ભણતરની શરૂઆત એમના ગામમાં થઈ હતી (આજે આ ગામ પાકિસ્તાનમાં લાયલપુર નામે ઓળખાય છે). પછી આગળ ભણવા તેઓ લાહોર આવ્યા. લાહોર આવ્યા બાદ એમણે પહેલો કાગળ પોતાના દાદાજીને લખ્યો હતો, એ પણ ઉર્દૂમાં. એ વખતે તેઓ છઠ્ઠા ધોરણમાં ભણતા હતા, 11 વર્ષના ભગતસિંહે કાગળમાં શું લખ્યું હતું?

                                                                            લાહોર, 22 જુલાઈ 1918
પૂજ્ય બાબાજી,

નમસ્તે.

(અર્જ યે હૈ કિ) તમારો પત્ર મળ્યો. વાંચીને દિલ ખુશ થયું. પરીક્ષાની વાત એવી છે કે મેં પહેલાં એટલા માટે નહોતું લખ્યું કારણ કે અમને કહેવામાં આવ્યું નહોતું. હવે અમને અંગ્રેજી અને સંસ્કૃતનું પરિણામ કહેવામાં આવ્યું છે. હું એમાં પાસ છું. સંસ્કૃતમાં મને 150માંથી 110 માર્કસ આવ્યા છે. અંગ્રેજીમાં 150માંથી 68 માર્ક્સ છે. જો 150માંથી 50 માર્કસ આવે તો એ પાસ ગણાય. 68 માર્કસ આવ્યા હોવાથી હું સારી રીતે પાસ થઈ ગયો છું. કોઈ પ્રકારની ચિંતા ન કરતા. બીજું કશું કહેવામાં આવ્યું નથી. રજાઓ, 8 ઓગસ્ટે પહેલી રજા પડશે. તમે ક્યારે આવશો તે જણાવશો.
તમારો તાબેદાર
ભગતસિંહ
આપણે સામાન્યપણે 'જયભારત સાથ જણાવવાનું કે' લખીને પત્રની શરૂઆત કરતા. ભગતસિંહ 'અર્ઝ હૈ કિ' લખીને વાત માંડતા. 'ભગતસિંહ ઔર ઉનકે સાથિયોં કે સમ્પૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેજ' નામના પુસ્તકમાં સંગ્રહાયેલા ભગતસિંહના પત્રોમાંથી પસાર થતી વખતે એમનું એક અલગ જ ચિત્ર આપણા મનમાં અંકાતું જાય છે. તેમના અમુક પત્રો ગુરુમુખી લિપિમાં (પંજાબી) તો અમુક ઉર્દૂમાં લખાયેલા છે.  1919માં લખાયેલો ભગતસિંહનો ઓર એક પત્ર જુઓ. આ કાગળ પણ દાદાજીને ઉદ્દેશીને લખાયો છેઃ

શ્રીમાન પૂજ્ય દાદાજી, નમસ્તે.

(અર્જ હૈ કિ) હું મજામાં છું અને તમે પણ મજામાં હશો એવી શ્રીનારાયણ પાસે પ્રાથર્ના કરું છું. અહેવાલ એ છે કે અમારી છમાસિક પરીક્ષા લેવાઈ ગઈ છે, જે જુલાઈમાં શરૂ થયેલી. ઘણા છોકરાઓ એમાં નાપાસ થયા છે, આથી અમારી હિસાબની પરીક્ષા નવ ઓગસ્ટે ફરીથી લેવાશે. બાકી બધું બરાબર છે. તમે ક્યારે આવવાના છો. ભાઈયાજી (પિતાજી)ને કહેજો કે છમાસિક પરીક્ષામાં હું સારી શ્રેણીમાં પાસ થઈ ગયો છું. માતાજી, ચાચીજીને નમસ્તે. કુલતારસિંહ (ભાઈ)ને 24 જુલાઈની રાતે અને 25 જુલાઈની સાંજે તાવ આવ્યો હતો. હવે એને સારું છે. કોઈ જાતની ચિંતા કરશો નહીં.
તમારો તાબેદાર
ભગતસિંહ
13 એપ્રિલ 1919ના રોજ જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ શાંતિથી એકઠા થયેલા નિઃશસ્ત્ર લોકો પણ આડેધડ ગોળીઓ ચલાવીને ભયાનક કત્લેઆમ કર્યો. બાર વર્ષીય ભગતસિંહ બીજા દિવસે સ્થળ પર ગયા હતા. લોહીથી લાલ થઈ ગયેલી માટી ઘરે લાવતી વખતે એમના મનમાં કેટલાય સવાલ હતા. લગભગ બે વર્ષ પછી પાકિસ્તાની પંજાબના નાનકાના સાહિબ નામના નગરમાં 140 સિખોને બેરહમીથી મારી નાખવામાં આવ્યા. ભગતસિંહે આ જગ્યા પણ જોઈ હતી. આ કત્લેઆમ પછી ઉગ્ર આંદોલનનો પ્રારંભ થયો હતો. પંજાબી પુરુષો કાળી પાઘડી પહેરવા લાગ્યા. ભગતસિંહ પણ આ તમામ ઘટનાઓનો તીવ્ર પ્રભાવ પડ્યો હતો. હવે પછીનો પત્ર જેલમાં શહીદ થઈ ગયેલા કાકા સ્વર્ણસિંહની વિધવા પત્ની હુક્મકૌરને લખાયેલો છે. એ વખતે ભગતસિંહની ઉંમર હતી 14 વર્ષ.

                                                                                     15 નવેમ્બર 1921
મારી પરમ પ્યારી ચાચીજી,

મારાથી કાગળ લખવામાં મોડું થઈ ગયું છે. આશા છે કે તમે માફ કરશો. ભાઈયાજી દિલ્હી ગયા છે. ભેભે (બેબે, માતા) મોરોંવાલી ગઈ છે. બાકી બધું કુશળ-મંગલ છે. મોટાં કાકીને નતમસ્તક પ્રણામ (બડી ચાચી જી કો મત્થા ટેકના). માતાજીને નતમસ્તક પ્રણામ. કુલબીર, કુલતારસિંહને સતશ્રી અકાલ અથવા નમસ્તે.
તમારો આજ્ઞાકારી
ભગતસિહં
આ જ કાકીને લખેલો ઓર એક પત્રઃ

                                                                             લાહોર, 24 ઓક્ટોબર 1921
મેરી પ્રિય ચાચીજી,

નમસ્તે!

હું  જલસો જોવા માટે લાયલપુર ગયો હતો. મારે ગામ આવવું હતું, પણ બાપુજીએ મનાઈ કરી દીધી એટલે હું ગામ ન આવી શક્યો. મને માફ કરજો, જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો. ચાચાજી (શહીદ સ્વર્ણસિંહ)નું ચિત્ર બની ગયું છે, મારે સાથે લાવવું જ હતું, પણ ત્યારે પૂરું નહોતું થયું એટલે માફ કરજો. જવાબ જલદી આપજો. બડી ચાચીને નતમસ્તક પ્રણામ, માતાજીને પણ નતમસ્તક પ્રણામ, કુલબીર અને કુલતાર (ભાઈઓ)ને નમસ્તે.
તમારો પુત્ર
ભગતસિંહ

1823માં ભગતસિંહ લાહોરસ્થિત નેશનલ કોલેજના વિદ્યાર્થી હતા. લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ડ્રામા-ક્લબમાં ભાગ લેતા હતા. ક્રાંતિકારી વિચારધારા ધરાવતા અધ્યાપકો અને સાથીઓ સાથે 16 વર્ષીય ભગતસિંહનું સંધાન થઈ ગયું હતું. ભારતને આઝાદી કઈ રીતે મળી શકે એમ છે તે વિશે સતત ચર્ચાવિચારણા, અભ્યાસ અને દલીલબાજી ચાલ્યા કરતી. આ બાજુ દાદાજી ભગતસિંહ માટે કન્યા શોધી રહ્યા હતા. દાદાજી સામે ભગતસિંહનું કંઈ ન ચાલતું એટલે એમણે પોતાના પિતાજીને આ પત્ર લખ્યો ને પછી કાનપુરમાં ગણેશશંકર વિદ્યાર્થી પાસે જઈને 'પ્રતાપ' નામના હિંદી અખબારમાં કામ શરૂ કરી દીધું. અહીં અન્ય ક્રાંતિકારીઓ સાથે એમની મુલાકાત થઈ. કાનપુર જવું ભગતસિંહ માટે નિર્ણાયક પગલું પૂરવાર થયું. પત્ર વાંચોઃ

પૂજ્ય પિતાજી,

નમસ્તે.

મારી જિંદગી ઉચ્ચ ધ્યેય એટલે કે હિંદુસ્તાનની આઝાદી માટે દાનમાં અપાઈ ચુકી છે. આથી મારી જિંદગીમાં આરામ કે સાંસારિક ઇચ્છાઓ માટે કોઈ જગ્યા નથી.
તમને યાદ હશે કે હું નાનો હતો ત્યારે બાપુજી (દાદાજી)એ મારી જનોઈ વખતે જાહેર કર્યું હતું કે મને દેશસેવા માટે સમર્પિત કરવામાં આવે છે. એ વખતે લીધેલી પ્રતિક્ષા હું પૂરી કરવા જઈ રહ્યો છે.
આશા છે કે તમે મને માફ કરશો,
તમારો તાબેદાર
ભગતસિંહ 
એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ચકચાર મચાવ્યા પછી ભગતસિંહે દિલ્હીની જેલમાંથી પોતાના પિતાજીને પત્રમાં શું લખ્યું હતું? વાંચોઃ

                                                                        દિલ્લી જેલ, 26 એપ્રિલ 1929
પૂજ્ય પિતાજી,

(અર્જ યે હૈ કિ) અમને લોકોને 22 એપ્રિલે પોલીસની હવાલાતમાંથી દિલ્લી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. લગભગ એક મહિનામાં આ નાટક પૂરું થઈ જશે. વધારે ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર પડી કે તમે અહીં આવ્યા હતા અને કોઈ વકીલ વગેરે સાથે વાતચીત કરી હતી, પણ કશીક વ્યવસ્થા ન થઈ શકી. પરમ દિવસે મને કપડાં મળી ગયાં. જે દિવસે તમે આવશો ત્યારે મળી શકાશે. વકીલ વગેરેની કોઈ ખાસ જરૂર નથી. હા, એક-બે બિંદુ પર થોડી સલાહ લેવા માગું છું, પણ એનું ખાસ કંઈ મહત્ત્વ નથી. તમે કારણ વગર વધારે કષ્ટ ન લો. તમે મળવા આવો તો એકલા જ આવજો. બેબેજી (મા)ને સાથે ન લાવતા. કારણ વગર એ રડી પડશે અને મને પણ તકલીફ થશે. ઘરના હાલચાલ તમારી પાસેથી ખબર પડી જશે. હા, જો શક્ય હોય તો 'ગીતા રહસ્ય', 'નેપોલિયન કી જીવનગાથા' જે તમને મારાં પુસ્તકોમાંથી મળી જશે અને થોડી સારી નવલકથાઓ લેતા આવજો. બેબેજી, મામીજી, માતાજી અને ચાચીજીને ચરણસ્પર્શ. કુલબીર સિંહ, કુલતાર સિંહને નમસ્તે. બાપુજીને ચરણસ્પર્શ. અત્યારે પોલીસ હવાલાત અને જેલમાં અમારી સાથે બહુ સારો વ્યવહાર થઈ રહ્યો છે. તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરશો. મને તમારા સરનામાની ખબર નથી એટલે આ સરનામે લખી રહ્યો છું.
તમારો આજ્ઞાકારી,
ભગતસિંહ
આ પત્ર લખાયો એના બે વર્ષ બાદ, 23 માર્ચ 1931ના રોજ, ભગતસિંહને ફાંસીએ ચડાવવામાં આવ્યા. એ વખતે એમની ઉંમર હતી ચોવીસ વર્ષ. અર્થપૂર્ણ અને ઘટનાપ્રચુર જીવન માટે માણસનું આયુષ્ય કેટલું લાંબું હોવું જોઈએ?    
0 0 0  

Saturday, July 28, 2018

વો ઇન્સાન બનને આયા હૂં...

સંદેશ-સંસ્કાર પૂર્તિ-29 જુલાઈ 2019
મલ્ટિપ્લેક્સ
'મારી સ્ટ્રગલ એ નહોતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને બ્રેક મળે, મારી સ્ટ્રગલ એ હતી કે મારું પેટ ભરેલું હોય!'
 

'આ છોકરો મોટો થઈને કાં તો નેતા બનશે અથવા તો અભિનેતા!'
આઝાદ કુમાર નાના હતા ત્યારે એમના નાનાજીએ કોણ જાણે શી રીતે આ ભવિષ્યવાણી કરી નાખી હતી. આઝાદ કુમાર એટલે 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' સિરીયલને લીધે વિખ્યાત થયેલા અને થોડા દિવસો પહેલાં હાર્ટ અટેકને લીધે સ્વર્ગસ્થ બન્યા એ ડો. હંસરાજ હાથી. પુત્રનાં લક્ષણ પારણામાંથી જ દેખાવાં માંડ્યાં હતાં. નાનપણમાં જ તેઓ મેદસ્વી બની ગયેલા. એ વખતે કોઈએ ક્યાં કલ્પના કરી હશે કે આઝાદ કુમારની અતિ ભરાવદાર દેહયષ્ટિ જ ભવિષ્યમાં એમની ઓળખ બનવાની છે અને એમને ખૂબ બધી પ્રસિદ્ધિ અપાવાની છે!

થોડા સમય પહેલાં આઝાદ કુમાર ઉર્ફ ડો. હાથી સાથે 'તારક મહેતા...'ના સેટ પર ખાસ્સો સમય પસાર કરવાનું બન્યું હતું. ખૂબ બધી વાતો કરી હતી એમણે પોતાના જીવન વિશે. બિહારના સાસારામ નામના નાનકડા ગામમાં એમનો જન્મ. ઉછેર પણ અહીં જ. માતાપિતાનું એકનું એક સંતાન. દિમાગ તેજ, પણ ભણવામાં મન ન ચોંટે.  કાચી ઉંમરે એમનામાં બહુ છોકરમત હતી. તેઓ મેટ્રિક થયા, પણ કોલેજ ન કરી શક્યા. તરૂણાવસ્થામાં આઝાદ ફિલ્મો ખૂબ જોતા. જ્યાં આજની તારીખે પણ વિજળીના ધાંધિયા છે એવા ગામમાં મોટા થઈ રહેલા આ છોકરાના મનમાં સપનાં અંજાવાં લાગ્યાં હતાં. એમને સતત થતું કે  આ ફિલ્મલાઇનમાં મારી પણ એક જગ્યા પહેલેથી નિશ્ચિત થયેલી છે. બસ, હું આ જગ્યા શોધી લઉં એટલી વાર છે!

ડો. હાથીની વેશભૂષા ધારણ કરીને મેકઅપ કરાવતાં કરાવતાં આઝાદ કુમાર કહી રહ્યા હતા, 'હું સૌથી પહેલાં તો દિલ્હી ગયો. મારે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લેવું હતું, પણ તે માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી હતું. હું પછી વિજય શુક્લના થિયેટર ગ્રુપમાં જોડાઈ ગયો. તિહાર જેલના કેદીઓ માટે અમે શો કરેલો. મારી કરીઅરનું એ સૌથી પહેલું પર્ફોર્મન્સ. હનુમાનજી પૃથ્વી પર આવે છે તે પ્રકારનો નાટકનો વિષય હતો.'

આઝાદ કુમારનો સ્ટ્રગલનો તબક્કો ખાસ્સો લાંબો ચાલ્યો હતો. ક્યારેક રેલવે સ્ટેશનની બહાર બેન્ચ પર સૂઈ રહેવું પડતું. ધીમે ધીમે દિલ્હીમાં બનતી સિરિયલોમાં નાનાંનાનાં રોલ મળવા લાગ્યા. દૂરદર્શન પર ટેલીકાસ્ટ થયેલી 'જિંદગી ઇસ પલ, જિંદગી ઉસ પલ' એમાંની એક. ટકી રહેવા માટે જનપથ વિસ્તારમાં નકલી ફોરેનર બનીને તેઓ ઘડિયાળ, ચશ્માં, હેટ વગેરે વેચતા. આમાંથી એમણે તે જમાનામાં પંદર-વીસ હજાર રૂપિયાની કમાણી કરેલી! 1996માં ગણપતિ મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો હતો એ દિવસોમાં તેમણે મુંબઈમાં પગ મૂક્યો.



'મારી સ્ટ્રગલ એ નહોતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને બ્રેક મળે, મારી સ્ટ્રગલ એ હતી કે પેટ ભરેલું હોય. હું ઘણાં વર્ષો આમતેમ ભટક્યો. જુહુમાં એક જગ્યાએ પેઇંગગેસ્ટ તરીકે રહેતો. આપવા માટે પૈસા નહોતા એટલે મને કાઢી મૂક્યો. મારો સામાન પણ ન આપ્યો. હોટલ સેન્ટોરની પાછળ સુલભ શૌચાલય પાસે ઓટલા પર હું સૂઈ રહેતો. સવાર પડે ત્યારે ચાદર મોઢા પર ખેંચી લેતો કે જેથી મોર્નિંગ વોક કરવા નીકળેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો મને જોઈ ન લે. મારે આ જ લોકો સામે સ્ટ્રગલ કરવાની હતી, કામ માગવા જવાનું હતું.'

ડો. હાથીએ આ સ્થિતિમાં મહિનાઓ કાઢ્યા હતા? આખરે ટીનુ વર્માની 'બજરંગ' નામની ફિલ્મમાં એમને કામ મળ્યું. સની દેઓલ અને કરિશ્મા કપૂરની મુખ્ય ભુમિકાવાળી આ ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઈ. તે પછી આમિર ખાનની 'મેલા' ફિલ્મમાં કામ મળ્યું, પણ તેમાં એમનું કિરદાર એસ્ટાબ્લિશ ન થઈ શકયું. 'જુનિયર જી' નામની સિરીયલમાં તેઓ ઇન્સપેક્ટર બન્યા. આ રીતે નાની નાની ભુમિકાઓ મળતી ગઈ. ઇન્ડસ્ટ્રીનાં આંતરિક વર્તુળોમાં આઝાદની ઓળખ એક સારા પર્ફોર્મર તરીકે ઊભી થતી ગઈ. 'ફન્ટૂશ'માં ડબલ રોલ કર્યો. પરેશ રાવલ અને ગુલશન ગ્રોવર સાથે સીન્સ કર્યાં. 'લગાન'ની મજાક ઉડાવતી 'થકાન' નામની ફિલ્મમાં કામ કર્યું, પણ આ ફિલ્મેય ક્યારેય પૂરી જ ન થઈ.   

2000ની સાલથી એમને નવો શોખ લાગ્યો - લખવાનો! એમણે કવિતાઓ લખવા માંડી. એક ફેસ્ટિવલ ફિલ્મ માટે ગીત પણ લખ્યું, જે શાને ગાયેલું. આઝાદને પ્રિયદર્શનની ફિલ્મ 'ક્યોં કિ...'માં કામ મળ્યું અને પછી યુટીવીની બાળકો માટેની સિરિયલ 'હીરો'માં દેખાયા. વિજ્ઞાપનની દુનિયામાં અત્યંત ખૂબસૂરત ઉપરાંત વિશિષ્ટ શરીર-દેખાવ ધરાવતા લોકોની ડિમાન્ડ રહેતી હોય છે. આઝાદે એક હેર ઓઇલની એડમાં કામ કર્યું હતું, જે ડિરેક્ટ કરેલી આજના ફિલ્મમેકર નંબર વન, રાજકુમાર હિરાણીએ! આ એડમાં સની દેઓલ મુખ્ય મોડલ હતા. આઝાદે કેટલીક ભોજપુરી ફિલ્મો કરી. તેમને વેઇટલોસની થીમવાળો 'ધ બિગેસ્ટ લૂઝર' નામનો રિયાલિટી શો પણ ઓફર થયેલો, પણ બીમારીને કારણે તેઓ કરી નહોતા શક્યા.
આઝાદ કુમારની કરીઅરે પૂરજોશમાં દોડવાની શરૂઆત કરી 2009માં, જ્યારે 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'માં એમને ડો. હાથીના રિપ્લેસમેન્ટ માટે ઓફર આવી. સિરીયલ શરૂ થઈ ત્યારે નિર્મલ સોની નામના દુંદાળા એક્ટર ડો. હાથીનું કિરદાર કરતા હતા. આઝાદ કુમાર શોના ક્રિયેટિવ પ્રોડ્યુસર આસિત મોદીને મળવા એમની ઓફિસે ગયેલા. આસિત મોદીએ એમનામાં કોન્ફિડન્સ જોયો અને નવા ડો. હાથી તરીકે એમને સિલેક્ટ કરી લીધા.

રિપ્લેસમેન્ટવાળું પાત્ર હંમેશાં પોતાની સાથે વધારાની જવાબદારી અને પડકાર લઈને આવતું હોય છે. આઝાદ કુમારે માત્ર ઓડિયન્સની નજરમાં નવેસરથી ગોઠવાવાનું નહોતું, બલકી 'તારક મહેતા...'ની ટીમના કલાકાર-કસબીઓ સાથે પણ કેમિસ્ટ્રી બનાવવાની હતી. ખાસ કરીને મિસિસ હાથીનો કિરદાર નિભાવી રહેલાં અંબિકા રંજનકર અને પુત્ર ગોલી બનતા કુશ શાહ સાથે.  આ બન્ને સ્તરે સફળતા મેળવવામાં આઝાદને ઝાઝી વાર ન લાગી. એમનું ખાધોકડાપણું અને 'સહી બાત હૈ' તકિયાકલામ દર્શકોમાં લોકપ્રિય બન્યા.


'આ સિરિયલે મને ઘણું આપ્યું છે,' આઝાદ કુમારે કહેલું, 'ખાસ તો તેણે મને જીવનમાં સ્થિરતા આપી છે. બીમારી સાથે મારે સારું એવું લેણું છે, પણ 'તારક મહેતા...'ની ટીમના સહકાર અને હૂંફને કારણે મારા દરદ ઘણી બધી રીતે સહ્ય બને છે.'

350 કિલોની કાયા લઈને વસઇ સ્થિત ઘરથી શોના સેટ સધી આવવું-જવું એમના માટે કેટલું કષ્ટદાયક પૂરવાર થતું હશે તે સમજી શકાય એવું છે. તેઓ પ્લાસ્ટિકની સાદી મોલ્ડેડ ચેર પર બેસી ન શકે એટલે સેટ પણ તેમના માટે લાકડાની અલાયદી પોર્ટેબલ બેન્ચ કાયમ રાખવામાં આવતી. શોટ પૂરો થાય એટલે કાં તો તેઓ વેનિટી વેનમાં જઈને બેસતા અથવા સ્પોટ બોટ એમના માટે આ બેન્ચ લાવી આપતા.

ડો. હાથીને એક સરસ અનુભવ થયેલો.  તેઓ વસઈમાં જ્યાં રહેતા તેની બાજુની બિલ્ડિંગમાં એક ટાબરિયો 'તારક મહેતા...'નો જબરો ચાહક. એક વાર એ બીમાર પડ્યો. ખૂબ પીડાતો હતો બિચારો. તેના પપ્પા આઝાદ કુમાર પાસે આવ્યા. દીકરા વિશે વિગતવાર વાત કરીને છેલ્લે સંકોચાઈને ઉમેર્યુઃ તમને વાંધો ન હોય તો થોડી વાર માટે અમારા ઘરે આવશો, પ્લીઝ? આઝાદ તરત તૈયાર થઈ ગયા. જીવતાજાગતા ડોક્ટર હાથીને ઘરે આવેલા જોઈને છોકરો રાજીનો રેડ થઈ ગયો. એનું દુખ-દરત કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયું. ડો. હાથીની સરસ સરભરા કરવામાં આવી. છોકરો વારંવાર કહેતો રહ્યોઃ મમ્મી, હાથીભાઈને બરાબર જમાડજે, હં! આ પ્રકારના અનુભવ થાય ત્યારે આઝાદ કુમારના દિલમાં લાગણી જાગતી કે પોતાનાં તમામ કષ્ટો, સઘળા પ્રયત્નો લેખે લાગ્યા છે.
આઝાદ કુમારે તે દિવસે ભારે ઉત્સાહથી પોતાની એક કવિતા સંભળાવી હતીઃ

મેહફિલ કી શાન નહીં,
માતાપિતા કા સમ્માન બનને આયા હૂં.
જિસે ભૂલા ના સકે જમાના
વો પેહચાન બનને આયા  હૂં.
જિસ પર કર સકે કોઈ ભરોસા
વો ઈમાન બનને આયા હૂં.
જો દે સકે કિસી કો ખુશી
વો ઇન્સાન બનને આયા હૂં...
000


Wednesday, July 25, 2018

પગાર? ઊંચામાં ઊંચો... રજા? માગો એટલી!

સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 25  જુલાઈ 2018 

ટેક ઓફ                      

ટીમ-વર્કમાં માનતો ન હોય એવો માણસ ગમે એટલો બ્રિલિયન્ટ હોય તો પણ નકામો પૂરવાર થઈ શકે છે. બ્રિલિયન્ટ હોવું એટલે માત્ર પોતાના કામમાં હોશિયાર હોવું એમ નહીં. નેટફ્લિક્સ કંપનીનું  કોર્પોરેટ કલ્ચર કહે છે કે તમે સુપર ટેલેન્ટેડ હો અને સાથે સાથે તમારામાં સૌની સાથે શાલીનતાભર્યો વ્યવહાર કરવાની ક્ષમતા હોય તો જ તમે સાચા અર્થમાં બ્રિલિયન્ટ છો!



નેટફ્લિક્સે મનોરંજનની દુનિયાનાં સમીકરણો સખળડખળ કરી નાખ્યાં છે એ આજે સૌએ નછૂટકે સ્વીકારવું પડે એવું સત્ય છે. નેટફ્લિક્સ એટલે મનોરંજનનો ઓનલાઇન ખજાનો. તમે  અમુક રકમ ભરીને એના મેમ્બર થઈ જાઓ એટલે દુનિયાભરની (ખાસ કરીને અંગ્રેજી) ફિલ્મો, ટીવી શોઝ, નેટફ્લિક્સના ખુદના ઓરિજિનલ શોઝ, ડોક્યુમેન્ટરી વગેરે તમારા કમ્પ્યુટર કે મોબાઇલ પર ગમે ત્યારે જોઈ શકો. નેટફ્લિક્સની શરૂઆત એક સીધીસાદી ડીવીડી લાઇબ્રેરી તરીકે થઈ હતી, પણ માત્ર વીસ જ વર્ષમાં એણે જે રીતે પ્રગતિ કરી છે તે જોઈને દુનિયા દંગ થઈ ગઈ છે. આજની તારીખે દુનિયામાં નેટફ્લિક્સના સાડાબાર કરોડ સબસ્ક્રાઇબર્સ છે. એની સ્ટોક-માર્કેટ વેલ્યુ લગભગ 165 બિલિયન ડોલર (આશરે 11,390 અબજ રૂપિયા) જેટલી અંકાય છે. ડિઝની સ્ટુડિયો કરતાં પણ નેટફ્લિક્સનું આર્થિક કદ મોટું થઈ ગયું છે. ઓરિજિનલ શોઝ બનાવવા માટેનું નેટફ્લિક્સનું 2018નું બજેટ કેટલું છે? 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 482 અબજ રૂપિયા, ફક્ત. ફિલ્મી અવોર્ડ્ઝની દુનિયામાં જેમ ઓસ્કરનું નામ સૌથી મોટું છે એમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એમી અવોર્ડ્ઝ સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે. છેલ્લાં 17 વર્ષથી સૌથી વધારે એમી નોમિનેશન્સ એચબીઓ તાણી જતું હતું. આ રેકોર્ડ નેટફ્લિક્સે 2018માં તોડ્યો છે. આ વખતે એમીની જુદી જુદી કેટેગરીમાં એચબીઓને કુલ 108 નોમિનેશન્સ મળ્યાં, જ્યારે નેટફ્લિક્સના નામે 112 નોમિનેશન્સ નોંધાયાં. મનોરંજનની ક્વોલિટીના સ્તરે પણ નેટફ્લિક્સે (અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સે) એવી ધાક ઊભી કરી છે કે ફિલ્મી દુનિયાએ પણ પોતાની ગુણવત્તા સુધારવા માટે  કમર કસવી પડી છે.

શું છે નેટફ્લિક્સની પ્રચંડ સફળતાનું રહસ્ય? આ કંપની શી રીતે કામ કરે છે? અન્ય કંપનીઓ કરતાં તે શી રીતે જુદી પડે છે? આ સવાલના જવાબ નેટફ્લિક્સે ખુદ દુનિયા સાથે શેર કર્યા છે. નેટફ્લિક્સના મેનેજમેન્ટે બંધ બારણે નહીં, પણ પોતાના કર્મચારીઓ સાથે મુક્તપણે સતત ચર્ચા કરતા રહીને કંપનીના કલ્ચર તેમજ પોલિસી વિશે સવાસો પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે. ‘નેટફ્લિક્સ કલ્ચર ડેક’ નામનું આ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન 2009થી ઓનલાઇન ઉપલબ્ધ છે. એમાં સમયાંતરે સુધારાવધારા થતા રહે છે. અત્યાર સુધીમાં કરોડો લોકો આ પ્રેઝન્ટેશન વાંચી ચુક્યા છે.

નેટફ્લિક્સનું હેડક્વાર્ટર ભલે અમેરિકામાં ગૂગલ, ફેસબુક, યાહૂ અને બીજા સંખ્યાબંધ સ્ટાર્ટ-અપની ઓફિસોની બાજુમાં ઊભું હોય, પણ તે ટિપિકલ સિલિકોન વેલીની કંપની નથી. ટેકનોલોજી ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ કરતાં નેટફ્લિક્સનું કલ્ચર ઘણું અલગ છે. નેટફ્લિક્સના પેલા કલ્ચર ડોક્યુમેન્ટમાં કહેવાયું છે કે ઓફિસમાં ફાઇવસ્ટાર કાફેટેરિયા હોય, અફલાતૂન જિમ હોય, વારેતહેવારે પાર્ટીઓ થયા કરતી હોય - અમારા માટે ઉત્તમ વર્કપ્લેસની સંકલ્પના આ નથી. અમારા માટે ઉત્તમ વર્કપ્લેસ એટલે જબરદસ્ત મહત્ત્વાકાંક્ષી અને સુપર ટેલેન્ટેડ લોકોની ડ્રીમટીમ જે એક કોમન ધ્યેય માટે કામ કરતી હોય! નેટફ્લિક્સ કંપનીમાં હાલ લગભગ સાડાપાંચ હજાર લોકો કામ કરે છે, જેમાંના છસ્સોએક ટેમ્પરરી છે, બાકીના ફુલટાઇમ કર્મચારી છે.

Netflix headquarters, USA

નેટફ્લિક્સની ખાસ કરીને ફ્રીડમ એન્ડ રિસ્પોન્સિબિલિટી પોલિસીની ભારે પ્રશંસા થઈ છે. જો તમે નેટફ્લિક્સના પગારદાર હો તો ગમે ત્યારે, ગમે એટલા દિવસનું, ગમે એટલી વાર વેકેશન લઈ શકો છો. તે પણ પેઇડ લીવ! તમે ખુદ નક્કી કરો કે તમારે કેટલા દિવસ, અઠવાડિયાં કે મહિના ઓફિસમાં ગેરહાજર રહેવું છે. બસ, તમારા વગર કામ અટકી ન પડે એનું ધ્યાન રાખવાનું અને અફ કોર્સ, તમે ફરી ઓફિસ જોઈન કરો પછી જરૂર પડે ત્યારે વધારે કલાકો સુધી કામ કરવા માટે પણ તૈયાર રહેવાનું. નેટફ્લિક્સમાં કર્મચારીઓને પસર્નલ ટાઇમ અને પ્રોફેશનલ ટાઇમની તંદુરસ્ત સેળભેળ કરવા માટે પ્રોત્સાહન અપાય છે. બપોરે એક વાગે તમારી દીકરીની સ્કૂલમાં પેરેન્ટ-ટીચર અસોસિએશનની મિટીંગ ગોઠવાઈ છે? કશો વાંધો નહીં. તમે એ મિટીંગ અટેન્ડ કર્યા પછી ત્રણ વાગે ઓફિસે આવો. આજે તમારા દીકરાની ઇન્ટર-સ્કૂલ ટેબલટેનિસ મેચ છે? ફાઇન, તો આજે ઓફિસેથી વહેલા નીકળી જવાનું પણ દીકરાની મેચ મિસ નહીં કરવાની.  

નેટફ્લિક્સના કર્મચારીના ઘરે પારણું બંધાય ત્યારે મહિલા કર્મચારીને પેઇડ મેટર્નિટી લીવ અને પુરુષ કર્મચારીને પેઇડ પેટર્નિટી લીવ મળે છે. આ લીવ કેટલાં અઠવાડિયાં કે મહિનાની હોવી જોઈએ તે તમે ખુદ નક્કી કરો. તમે ઓફિસ આવો કે ન આવો, બચ્ચું એક વર્ષનું થઈ જાય ત્યાં સુધી કંપની તમારા બેન્ક અકાઉન્ટમાં પૂરો પગાર જમા કરતી રહેશે!

સાધારણ કંપનીઓની વાત કરીએ તો, કોઈ કર્મચારી ઓફિસના કામે બહારગામ જાય ત્યારે સામાન્યપણે એને ખાવા-પીવાનું અને હોટલમાં રહેવાનું એલાઉન્સ એટલે કે ભથ્થું મળતું હોય છે. કર્મચારીએ પછી જરૂરી બિલ કે વાઉચર ઓફિસમાં સબમિટ કરી દેવાનાં. નેટફ્લિક્સે આ આખી સિસ્ટમ જ કાઢી નાખી. તમે નેટફ્લિક્સના કર્મચારી તરીકે ટૂર પર હો ત્યારે રહેવા-ખાવા-પીવા-ફરવા પાછળ ગમે એટલો ખર્ચ કરો, ઓફિસને તેનો હિસાબ આપવાની જરૂર નથી! કંપની તમને એક પણ સવાલ પૂછ્યા વગર તમારા તમામ ખર્ચ ઉઠાવશે. નેટફ્લિક્સનો અનુભવ કહે છે કે કર્મચારી પર જ્યારે તમે આટલી હદે વિશ્વાસ મૂકો છો ત્યારે એ ખુદ સમજીને મેનેજમેન્ટે ધાર્યો હોય એના કરતાં ઘણો ઓછો ખર્ચ કરે છે.   

આપણે ઘણી વાર એવા કર્મચારીને જોતા હોઈએ છીએ જે ખૂબ બુદ્ધિશાળી અને કામમાં અત્યંત હોશિયાર હોય, પણ સ્વભાવે તૂંડમિજાજી હોય, ઓફિસમાં બધાની સાથે બાખડ્યા કરતા હોય, ટીમની સાથે રહેવાને બદલે પોતાનો જ સૂર આલાપતા હોય. નેટફ્લિક્સને આવા લોકોને હાયર કરવામાં કે ટકાવી રાખવામાં જરાય રસ નથી. નેટફ્લિક્સ માને છે કે અમારી ડ્રીમટીમમાં આ ટાઇપના ‘બ્રિલિયન્ટ’ લોકો માટે કોઈ જગ્યા નથી. ટીમ-વર્કમાં માનતો ન હોય એવો માણસ ગમે એટલો બાહોશ હોય તો પણ નકામો છે. બ્રિલિયન્ટ હોવું એટલે માત્ર પોતાના કામમાં હોશિયાર હોવું એમ નહીં. તમે સુપર ટેલેન્ટેડ હો અને સાથે સાથે તમારામાં સૌની સાથે શાલીનતાભર્યો વ્યવહાર કરવાની ક્ષમતા હોય તો જ તમે સાચા અર્થમાં બ્રિલિયન્ટ છો!

નેટફ્લિક્સનું પગારધોરણ ખૂબ ઊંચું છે. ટોપ-પર્ફોર્મિંગ કર્મચારીને કેટલો પગાર મળવો જોઈએ? આ બાબતમાં મેનેજમેન્ટનો રવૈયો બહુ સ્પષ્ટ છે. (1) એને બીજી કોઈ પણ કંપની ન આપે એટલો સારો પગાર આપો, (2) ધારો કે એ રાજીનામું આપીને જતો રહે અને એની જગ્યા ભરવા માટે બીજો કોઈ કાબેલ માણસને રાખવો પડે તો એને જેટલો પગાર તમે આપવાના હો એટલો પગાર આ માણસને અત્યારે જ આપો અને (3) પગાર એટલો મસ્તમજાનો હોવો જોઈએ કે એને નેટફ્લિક્સમાં રાજીનામું આપીને હરીફ કંપનીમાં જવાનો વિચાર જ ન આવે! મેનેજમેન્ટ જુદી જુદી ટીમ સંભાળતા પોતાના મેનેજરોને સતત એ વાતે ટકોર કરતું રહે છે કે તમે ફક્ત બેસ્ટ લોકોને જ રાખો. બાકીનાઓને રજા આપી દો. જે કર્મચારી નેટફ્લિક્સનાં ધારાધોરણ પર ખરો ન ઉતરે એને વિના વિલંબે, પૂરેપૂરી ગરિમા જાળવીને અને તગડું બોનસ આપીને છૂટા કરવામાં આવે છે.
સામાન્યપણે ઓફિસની મિટીંગોમાં સિનિયર માણસો સુષ્ઠુ સુષ્ઠુ ભાષામાં ‘આ તો આપણો  પરિવાર છે, આપણે સૌએ પરિવારની માફક કામ કરવાનું છે’ એવું કહેતા રહેતા હોય છે, પણ નેટફ્લિક્સના ડોક્યુમેન્ટમાં પ્રામાણિકતાપૂર્વક લખાયું છે કે આપણે એક ટીમની જેમ કામ કરવાનું છે, પરિવારની જેમ નહીં. પરિવારમાં સંતાન કે ભાઈ-બહેન કે ઇવન મા-બાપ ગમે એટલાં નઠારાં હોય તો પણ પ્રેમવશ કે લોહીના સંબંધવશ એમને નભાવી લેવાતાં હોય છે. નેટફ્લિક્સ એક પ્રોફેશનલ પ્લેસ છે અને તેની ડ્રીમટીમમાં નબળા પ્લેયરને નભાવી લેવાનો નથી, એને ટીમમાંથી બહાર કરી નાખવાનો છે. ડ્રીમટીમમાં સૌએ બેસ્ટ ટીમમેટ બનવાની ભરપૂર કોશિશ કરવાની છે, ખબર હોય કે આ ટીમ કંઈ જિંદગીભર સાથે રહેવાની નથી તો પણ પોતાના સાથીઓની ભરપૂર કાળજી લેવાની છે.



બીજી ઘણી સરસ વાતો છે નેટફ્લિક્સના કલ્ચર ડોક્યુમેન્ટમાં. ઝપાટાભેર વંચાઈ જાય એવું આ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આખેખઆખું વાંચવા જેવું છે. ડોક્યુમેન્ટનો અંત એક સુંદર ફ્રેન્ચ કાવ્યપંક્તિથી કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે -

જો તમારે વહાણ બનાવવું હોય તો લોકોને ભેગા કરીને એમની પાસે લાકડાં કપાવવાની, કામનું વિભાજન કરવાની કે આદેશો આપવાની ઉતાવળ ન કરો. એના બદલે સૌથી પહેલાં તો એમનામાં વિરાટ, અંતહીન સમુદ્ર પ્રત્યે પારાવાર જિજ્ઞાસા પેદા કરો!


shishir.ramavat@gmail.com