Saturday, April 9, 2016

અભિષેક શાહ : ABCA... એનીબડી કેન એકટ!

Sandesh - Sanskar Purti - 10 April 2016

મલ્ટિપ્લેક્સ


 જો EQ (ઈમોશનલ ક્વોશન્ટ) સારો હોય અને IQ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) ઠીકઠાક હોય તો કોઈ પણ માણસ એક્ટર બની શકે છે! ગુજરાતી સિનેમાના સફળતમ કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહની વાતો સાંભળવા જેવી છે.


રવિવારની એ સાંજે મુંબઈનાં પૃથ્વી થિયટેરના કાફેટેરિયામાં રોજ કરતાં સહેજ વધારે ચહલપહલ છે. જોકે આ જગ્યા એટલી મસ્તમજાની છે કે અહીંની ભીડભાડ પણ મીઠી લાગે છે. અભિષેક શાહ અને તમે કાફ્ેટેરિયાની લગભગ વચ્ચોવચ્ચ ગોઠવાઓ છો. લેપટોપ બેગ સાઈડમાં મૂકી ચાની ચૂસકી લઈને અભિષેક શરૂઆત કરે છેઃ  


'આજે સવારે જ અમદાવાદથી આવ્યો, એક બાઈલિંગ્વલ ફ્લ્મિનાં કાસ્ટિંગ માટે. હિન્દી અને ગુજરાતી બન્નેમાં બની રહી છે આ ફ્લ્મિ. આવતી કાલે ઓડિશન છે.'
અભિષેક શાહ એટલે ગુજરાતી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રોપર અને સૌથી સફ્ળ કાસ્ટિંગ ડિરેક્ટર. ('પ્રોપર' શબ્દ નીચે અદશ્ય અન્ડરલાઈન.) આપણે જેને ન્યુ વેવ ગુજરાતી સિનેમા કહીએ છીએ એેમાં છેલ્લાં ચારેક વર્ષ દરમિયાન જે કેટલાંક સરસ નામો ઊપસ્યાં છે એમાંનું એક નામ અભિષેક શાહનું પણ છે. ફ્લ્મિના મુખ્ય કલાકારો ભલે ડિરેક્ટર-પ્રોડયુસર નક્કી કરે, પણ પૂરક ભુમિકાઓ માટે કલાકારો શોધવાની જવાબદારી કાસ્ટિંગ ડિરેક્ટરને સોંપવામાં આવે છે. અભિષેક શાહના બાયોડેટામાં 'બે યાર' અને 'છેલ્લો દિવસ' જેવી બબ્બે હિટ ગુજરાતી ફ્લ્મિો બોલે છે. આગામી મહિનાઓમાંં આ લિસ્ટમાં બીજી ચાર ફ્લ્મિો ઉમેરાઈ જવાની છે - નિધિ પુરોહિત જોશી અને અમિત પટેલના ડિરેકશનમાં બની રહેલી 'આઈ વિશ', નીરવ બારોટની 'થઈ જશે', અભિષેક જૈનના સિનેમેન પ્રોડકશન્સ બેનરની મિખિલ મુસળેના ડિરેકશનવાળી અનટાઈટલ્ડ ફ્લ્મિ તેમજ હમણાં જેનો ઉલ્લેખ કર્યો એ રોન નાગની દ્વિભાષી ફ્લ્મિ. 
'ફ્લ્મિમેકર જેન્યુઈન હોય, વાર્તા સરસ હોય અને પ્રોજેકટ સારી રીતે પાર પડશે એવી ખાતરી હોય તો જ હું કાસ્ટિંગની જવાબદારી સ્વીકારું છું,' અભિષેક શાહ કહે છે, 'એનું કારણ એ છે કે આ ત્રણેય પાસાં બરાબર ન હોય તો આગળ જતાં ગુણવત્તામાં કોમ્પ્રોમાઈઝ થવાનું શરૂ થઈ જાય છે.' 
અભિષેકનો કેળવાયેલો અવાજ, ભાષાશુદ્ધિ અને એની વાતને શબ્દોમાં મૂકવાની રીત તરત તમારંુ ધ્યાન ખેંચે છે. અભિષેકની વાક્છટાનાં બે કારણો છે. એક તો, તેઓ મૂળ રંગભૂમિના માણસ છે. બીજું, ઓલ ઇન્ડિયા રેડિયોના વિવિધભારતી-અમદાવાદમાં અનાઉન્સર તેઓ તરીકે નવેક વર્ષથી સક્રિય છે. કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે એમની કરીઅર અનાયાસ લોન્ચ થઈ એનો જશ એમણે અમદાવાદની થિયેટર સર્કિટમાં રાઈટર-ડિરેક્ટર તરીકે કરેલાં કામને મળવો જોઈએ. 'તું લડશે અનામિકા', 'પ્રિય મિત્ર' સહિતનાં એમનાં સાત એકાંકીઓે બધું મળીને ૪૨ જેટલાં અવોર્ડ્ઝ જીતી ચૂકયાં છે. ઈન્ટરકોલેજિયેટ કોમ્પિટિશન જેવાં માધ્યમ થકી અભિનયની દુનિયામાં ઊભરીને સામે આવી રહેલાં અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટનાં નવાં તેજસ્વી છોકરા-છોકરીઓ પર અભિષેક શાહની બાજનજર હોય છે.  

'રંગભૂમિ મને અપાર સુખ અને સંતોષ તો આપ્યાં જ છે, પણ આ પંદર વર્ષમાં મેં જે સંપર્કો બનાવ્યા છે તે મને આજે એક કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ખૂબ ઉપયોગી બની રહૃાા છે,' અભિષેક શાહ કહે છે, 'બન્યું એવું કે અભિષેક જૈનની 'કેવી રીતે જઈશ'માં મારી વાઈફ્ તેજલે ભાભીનો રોલ કર્યો હતો. આ ફ્લ્મિના મેકિંગ દરમિયાન મેં અભિષેક જૈનને નાની-મોટી મદદ કરી હતી. અમારી વચ્ચે સરસ ટયુનિંગ થઈ ગયેલું. 'બે યાર'નું કામકાજ શરૂ થયું ત્યારે એમણે મને કહૃાંુ કે આ પિકચરની કાસ્ટિંગનું કામકાજ તમે સંભાળી લો. અગાઉ કયારેય મેં ઓફિશિયલી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું નહોતું, પણ અભિષેક જૈનનો આગ્રહ હતો એટલે મેં જવાબદારી ઉપાડી લીધી.' 
જવાબદારી માત્ર ઉપાડી નહીં પણ સરસ રીતે નિભાવી જાણી. મજાની વાત એ છે કે 'છેલ્લો દિવસ' માટે અભિષેક શાહે માત્ર પૂરક પાત્રો નહીં, બલ્કે મુખ્ય કલાકારોની પસંદગી કરવાનું કામ પણ કર્યું છે.  
'તમે માનશો, રાઈટર-ડિરેક્ટર કૃષ્ણકુમાર યાજ્ઞિાકે 'છેલ્લો દિવસ'ની વાર્તા સંભળાવી હતી ત્યારે મને જરાય નહોતી ગમી,' અભિષેક હસે છે, 'મેં એમને સ્પષ્ટ કહેલું કે આવી ફ્લ્મિ ન બનાવાય! અને આ વાતમાં હું સદંતર ખોટો પડયો!' 
'છેલ્લો દિવસ'ની અણધારી સફ્ળતાએ સૌને ચકિત કરી મૂકયા છે. જુવાનિયાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ સહેજ'જોખમી' ફ્લ્મિ વડીલો અને બાળકો-તરૂણોએ પણ જબરદસ્ત માણી છે.  
'આ ફ્લ્મિની કાસ્ટિંગ પ્રોેસેસ બહુ મજાની હતી,' અભિષેક શાહ કહે છે, 'પાંચેય મુખ્ય છોકરાઓ - મલ્હાર ઠાકર (વિકી), યશ સોની (નિખિલ), મિત્ર ગઢવી (લૉય), આર્જવ ત્રિવેદી (ધૂલો) અને મયૂર ચૌહાણ (નરેશ) થિયેટર આર્ટિસ્ટ્સ છે. આ પાંચેય જણા મારા પરિચયમાં હતા. એમની ક્ષમતા, તેઓ શું અને કેવું કરી શકે તેમ છે તે હું જાણતો હતો. હું સામાન્યપણે ઓપન ઓડિશન્સ લેવાનું પસંદ કરતો નથી. આથી સમજોને કે 'છેલ્લો દિવસ'ના લગભગ બધા કલાકારો હેન્ડ-પિકડ છે.'  

ઓપન ઓડિશન એટલે 'ફ્લાણી તારીખે ફ્લ્મિના ઓડિશન છે... રસ ધરાવનારાઓ ફ્લાણી જગ્યાએ, આટલા વાગે પહોંચી જવું'પ્રકારની જાહેરાત કરવી ને પછી ઉમટી પહેલા કલાકારોની અભિનયપ્રતિભાની વારાફ્રતી ચકાસણી કરવી. અભિષેક શાહને આ પદ્ધતિ ઓછી પસંદ છે. વર્ષોના અનુભવના આધારે કયો એકટર કયા રોલમાં ફ્ટિ બેસશે એનું ગણિત તેમના મનમાં આપોઆપ રચાઈ જતું હોય છે. ઉદાહરણ તરીકે, 'અમો-તમો' ફેમ કેન્ટીનબોય નરેશ ઉફ્ર્ નરીયાના કિરદાર માટે અભિષેકે ફ્કત એક જ એકટરને ઓડિશન માટે બોલાવેલો - મયૂર ચૌહાણને. અભિષેક જાણતા હતા કે લાંબોલચ્ચ કોમ્પ્લિકેટેડ ડાયલોગ્ઝ આ ટેલેન્ટેડ જુવાનિયો ચપડી વગાડતા યાદ કરી નાખશે અને તે પણ પરફેક્ટ આરોહઅવરોહ સાથે. એવું જ થયું. ઓડિશન વખતે એણે'અમો-તમો'વાળો સંવાદ તો મસ્ત રીતે બોલી બતાવ્યો જ, પણ એ ઉપરાંત 'અકૂપાર' નાટકનો અઢી પાનાનો એક મોનોલોગ પણ અદભુત રીતે પર્ફેર્મ કરી દેખાડયો. મયૂર ચૌહાણનું ઓડિશન એટલું અસરકારક રહૃાું કે કૃષ્ણકુમાર યાજ્ઞિાક અને ફ્લ્મિના ક્રિયેટિવ પ્રોડયુસર વૈશલ શાહે રીતસર ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું! પ્રાપ્તિ અજવાળિયાના કેસમાં આ વાતનું પુનરાવર્તન થયું. ઓડિશન વખતે એણે 'મારા માટે કોફી કેમ મગાઈ?'વાળો હવે યાદગાર બની ગયેલો ડાયલોગ એટલો અફ્લાતૂન રીતે બોલી બતાવ્યો હતો કે એનેય સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું.  
'જોકે કૃષ્ણકુમાર ફ્લ્મિના મેઈન લીડ મલ્હાર ઠાકર માટે બહુ કન્વિન્સ્ડ નહોતા,' અભિષેક કહે છે, 'તૈયારીના ભાગ રુપે વર્કશોપ્સ ગોઠવ્યા ત્યારે પણ કન્વિન્સ નહોતા અને શૂટિંગ શરુ થયું તેના બે દિવસ પહેલાં પણ અવઢવમાં હતા. મેં કૃષ્ણકુમારને ખાતરી આપી કે પ્લીઝ તમે ચિંતા કર્યા વગર આગળ વધો, મલ્હાર સરસ કામ કરશે એની ગેરંટી મારી! ...અને શૂટિંગ શરુ થયું એના લગભગ પહેલાં જ વીકમાં કૃષ્ણકુમારનો ફેન આવ્યો કે યાર, શું દાદુ એકિટંગ કરે છે આ છોકરો! બીજા બધા એકટરોને એ ફાડી ખાવાનો!' 

અભિષેક શાહને, ફેર ધેટ મેટર, કોઈ પણ સારા કાસ્ટિંગ ડિરેક્ટરને સામાન્યપણે બે પ્રકારના ફોન આવતા હોય છે. એક તો, શૂટિંગ ચાલતુ હોય ત્યારે સેટ પરથી ખુશખુશાલ ડિરેક્ટરનો ફોન આવે કે બોસ, તમે સરસ એકટર શોધી આપ્યો છે. બીજું, ફિલ્મ રિલીઝ થઈ જાય પછી બીજા લોકોના ફોન આવે કે યાર, તમે કયાંથી શોધી લાવો છો આવી ટેલેન્ટ્સને! બસ, આ પ્રકારની પ્રતિક્રિયાઓ જ કાસ્ટિંગ ડિરેક્ટરની સફ્ળતાનું પ્રમાણ છે. આજે 'છેલ્લો દિવસ'ના લીડ એકટર્સ સ્ટાર બની ગયા છે અને રિબન કાપીને ઉદઘાટન કરવાના ચિક્કાર રુપિયા ચાર્જ કરે છે! અને હા, આ ફ્લ્મિ હવે હિન્દીમાં બની રહી છે એ તમારી જાણ ખાતર.  
સામાન્ય સંજોગોમાં ઓપન ઓડિશન્સ પ્રિફર ન કરતા અભિષેકે આગામી 'આઈ વિશ' માટે એમણે પોતાના ફેસબુક પેજ પર અનાઉન્સમેન્ટ કરી હતી, જેના રિસ્પોન્સમાં સેંકડો ઉત્સુક કલાકારો ઓડિશન આપવા આવ્યા હતા. ત્રીજો રસ્તો છે, ફિલ્મના પ્રોડયુસર-ડિરેક્ટર કે મુખ્ય ટીમમાંથી કોઈ સીધા રિકમન્ડ કરે કે ભાઈ, ફ્લાણા એકટર કે એકટ્રેસનું ઓડિશન લઈ જુઓને. આ રીતે પણ કયારેક સરસ આર્ટિસ્ટ મળી જતા હોય છે.  
'ઝૂમ ચેનલ પર પ્લેનેટ બોલિવૂડ નામનો એક શો આવે છે જેનો એન્કર એક ગુજરાતી છોકરો છે - તિશે. 'આઈ વિશ'ના ઓડિશનમાં એ મારા એક દોસ્તની ભલામણથી આવ્યો હતો. એના ગોરો-ચીટ્ટો પંજાબી લૂક, બોડી લેંગ્વેજ, એે જે રીતે મારી સામે બેઠો અને વાત કરવાની શરુઆત કરી... ઈન્સટિંકટીવલી મને સમજાઈ ગયું કે મેઈન લીડ માટે આ પરફેક્ટ છોકરો છે. જુઓ, જે લોકો સારા એકટર છે, જેનામાં પર્ફેર્મ કરી શકવાની ટેલેન્ટ છે એ તરત પરખાઈ જતાં હોય છે. સાથે સાથે હું એમ પણ માનું છું કે કોઈ પણ વ્યકિત એકટર બની શકે છે, અગાઉ કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવ ન લીધા હોય તો પણ! હા, એનામાં બુદ્ધિશકિત હોવી જોઈએ, એ વિચારી શકતી હોવી જોઈએ અને એને પાત્ર-પરિસ્થિતિને સમજતાં આવડતું હોવું જોઈએ. એકટર બનવા માટે આટલું પૂરતું છે!' 
મતલબ કે ABCA... એનીબડી કેન એકટ! શરત એટલી જ કે EQ (ઈમોશનલ કવોશન્ટ) સારો હોવો જોઈએ અને IQ (ઈન્ટેલિજન્સ કવોશન્ટ) ઠીકઠાક હોવો જોઈએ.  
'એ સિન્સિયર હોય તે પણ એટલું જ અગત્યનું છે,' અભિષેક શાહ તરત ઉમેરે છે, 'ઘણી વાર ઓડિશન આપવા આવતા આર્ટિસ્ટો આખી પ્રોસેસને કેઝ્યુઅલી લેતા હોય છે. તેઓ પૂરી તૈયારી કરીને આવતા નથી. આ યોગ્ય નથી. અફ્ કોર્સ, આર્ટિસ્ટ ઓડિશન આપવા આવેે ત્યારે એને ડાયલોગ આપવામાં આવે જ છે, પણ તે ઉપરાંત પણ એની પાસે પર્ફેર્મ કરવા માટે બીજી એકાદ-બે આઈટમ રેડી હોય તેવી અપેક્ષા રહે છે. કયારેક એવું બને કે ત્રણ-ચાર મિનિટના ડાયલોગના આધારે એકટરમાં કેવોક દમ છે તેનો પૂરો અંદાજ ન પણ મળે. આવી સ્થિતિમાં એને એનાં ખુદનાં કોઈ નાટકનો ડાયલોગ કે એવું કશુંક પર્ફેર્મ કરવાનું કહેવામાં આવે તો તે તેના માટે એ રેડી હોવો જોઈએ.' 
ફ્લ્મિમાં કામ કરવા માગતાં યુવાન છોકરા-છોકરીઓના ઉત્સાહની તો વાત જ શી કરવી. એમના માટે કાસ્ટિંગ ડિરેક્ટર એટલે એકટર બનવાનું સપનું સાકાર કરનાર મજબૂત સીડી. 

'આ યંગસ્ટર્સનો અપ્રોચ ઘણી વાર બરાબર હોતો નથી,' અભિષેક શાહ કહે છે, 'સૌથી પહેલાં તો તેઓ ફ્ેસબુક પર યા તો કોઈક રીતે મારો નંબર શોધીને મારો કોન્ટેકટ કરશે. હું તેમને કહું કે તમારા ફેટોગ્રાફ્સ અને જરુરી વિગતો મને ઈમેઈલ કરી દો, યોગ્ય પ્રોજેકટ આવશે ત્યારે મારી ટીમ તમારો કોન્ટેકટ કરશે... પણ કેટલાય યંગસ્ટર્સમાં એટલી ધીરજ હોતી નથી. ફેસબુક પર,વોટ્સએપ પર કે એસએમએસથી એમની ઈન્કવાયરી શરુ થઈ જાયઃ સર, મારા ફેટા મળી ગયા? હવે અમારે શું કરવાનું?ઓડિશન માટે કયારે બોલાવશો? અમુક ઉત્સાહીઓ પોતાના પાંત્રીસ-ચાલીસ ફેટા ઈમેઈલ કરશે અને પછી બધ્ધેબધ્ધા વોટ્સઅપ પર પણ મોકલશે! અમુક જણા પોતાના ફેટા અને સેલ્ફી થોડા થોડા દિવસે મોકલ્યા જ કરે.... અને પછી મેસેજ કરીને ત્રણત્રણ કવેેશ્ચનમાર્ક ટાઈપ કરીને સવાલો કરેઃ સર, મારા ફોટા જોયા??? કેવા લાગ્યા??? આઈ મીન, તમે શું જવાબ આપો આ લોકોને?અને હું કશું રિસ્પોન્ડ ન કરંુ એટલે અમુકને વળી માઠું લાગી જાયઃ સર, તમે વોટ્સએપ પર એક જવાબ પણ આપી શકતા નથી? આ યંગસ્ટર્સને મારે એટલું કહેવાનું છે કે ધીરજ રાખો, પ્લીઝ! આ રીતે એકધારી ઈન્કવાયરી કરતા રહેવાનો કશો મતલબ નથી.'  
વેલ, અભિષેક શાહે હવે 'ABCA... એનીબડી કેન એકટ' એ મંત્ર જાહેર કરી દીધો છે એટલે એમની ઉપાધિ ઓર વધવાની છે. અગાઉ કયારેય એકિટંગ કરવાનું વિચાર્યું ન હોય એવા લોકો પણ હવે એમના પર તડી બોલાવવાના! 

ઓલ ધ બેસ્ટ, અભિષેક! 
0 0 0 

Tuesday, April 5, 2016

ટેક ઓફ: એક દિન તુઝસે મિલને જરૂર આઉંગા...જિંદગી મુઝકો તેરા પતા ચાહિએ

Sandesh - Ardh Saptahik Purti - 6 April 2016
ટેક ઓફ 

શું મેળવી લીધું આપણે, આપણે એકમેકનો સાથ છોડીને? શું બંને સુખી-સુખી થઈ ગયા એકબીજા વગર? ના. દુશ્મનીની પણ હદ હોય છે. આપણે શું કામ એકબીજાને ધિક્કારીને શક્તિ અને જીવન વેડફી રહ્યાં છીએ?


મારા પર અમુક લોકોનો સૌથી વધુ પ્રભાવ છે, દરજ્જેદાર ફિલ્મમેકર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ કહે છે, એમાં ડો. બશીર બદ્ર મુખ્ય છે. આ ૮૧ વર્ષીય ગઝલકાર અને કવિ આધુનિક ગઝલના સમાનાર્થી ગણાય છે. વિશાલ ભારદ્વાજ કહે છે કે, જ્યારે પણ હું હતાશ હોઉં કે વિષાદ અનુભવતો હોઉં ત્યારે ડો.બશીર બદ્રનું કોઈપણ પુસ્તક-ઊંચકી રેન્ડમલી વાંચવા લાગું છું અને દર વખતે અચૂકપણે મારી મૂંઝવણનો ઉકેલ ડો.બશીર બદ્રની કોઈ રચનામાંથી મળી જાય છે! અગાઉ કેટલીયવાર આ સઘળી ગઝલો વાંચી હોય, પણ દર વખતે એમાંથી નવા નવા અર્થ  સ્ફૂટ થતા હોય એવું લાગે. વિશાલ ભારદ્વાજના ક્રિયેટિવ કંપેનિયન ગુલઝાર કહે છે, 'ઉનકી ગઝલ કા શેર સિર્ફ એક ખ્યાલ નહીં રહ જાતા, હાદસા ભી બન જાતા હૈ,અફસાના ભી. મૈં ડો. બશીર બદ્ર કા બહુત બડા ફેન હૂં.' 
ગુલઝારસાહેબ જેવા ગુલઝારસાહેબ જેના ખૂબ મોટા ફેન છે એવા ડો. બશીર બદ્રનું નામ લોકજીભે એટલું ચડયું નથી જેટલું ચડવું જોઈતું હતું. ખાસ કરીને નોન-હિન્દી બેલ્ટ્સમાં. આ વાતનો વિશાલ ભારદ્વાજને અફસોસ છે, જે વાજબી પણ છે. આજે આપણે ડો. બશીર બદ્રની કેટલીક ચુનંદી રચનાઓથી પસાર થવું છે. એમની ગઝલોમાં જીવનના કંઈકેટલાય રંગો ઊઘડે છે. એમાંના કેટલાંક રંગોમાં આજે નહાવું છે. 

Dr. Bashir Badr

બદ્રસાહેબ કહે છે- 
લોગ ટૂટ જાતે હૈં એક ઘર બનાને મેં. 
તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં. 
હર ધડકતે પથ્થર કો લોગ દિલ સમજતેં હૈં 
ઉમ્ર બીત જાતી હૈ દિલ કો દિલ બનાને મેં. 
જેને પોતાનું કહી શકાય એવું ઘર ઊભું કરવામાં કે હર્યોભર્યો, સાચુકલો સંબંધ વિકસાવવામાં ક્યારેક આખી જિંદગી નીકળી જતી હોય છે. રમખાણો ફાટી નીકળ્યા હોય કે, ગમે તેવી કટોકટી ઊભી થઈ હોય, પેલા નિર્દયી લોકો ઘરોની આખેઆખી વસાહતને સળગાવી નાંખે છે? શહેરમાં પોતાનાં માથા ઉપર છત હોવી મોટી વાત છે. ક્યારેક સ્થિતિ એટલી દયનીય હોય છે કે- 
ઝિંદગી તૂને મુઝે કબ્ર સે કમ દી હૈ જમીં 
પાંવ ફેલાઉં તો દીવાર મેં સર લગતા હૈ. 
જે જમીનનો ટુકડો મારા ભાગે આવ્યો છે, એ તો કબર કરતાંય નાનો છે. કબરમાં કમસે કમ પગ તો સીધા રાખી શકાય છે, જ્યારે અહીં તો પગ લંબાવવા જાઉં તો માથું દીવાલ સાથે અથડાય છે! જગ્યા પણ એવી ને ઓઢવાનું પણ એવું. કાં પગ ઢાંકી શકાય છે,કાં માથું. 
જિંદગી ઈક ફકીર કી ચાદર 

જબ ઢંકે પાંવ હમને, સર નિકલા. 

એક સાંધો ત્યાં તેર તૂટે. આખી જિંદગી ક્યારેક ફકીરની ચાદર જેવી હોય છે. અસ્તિત્વને ટકાવી રાખવાનો સંઘર્ષ કારમો છે. આખો દિવસ ઊંધું ઘાલીને મહેનત કરીએ ત્યારે માંડ બે છેડા ભેગા થાય છે. 
શામ તક કિતને હાથોં મેં ગુઝરુંગા મૈં 
ચાયખાનોં મેં ઉર્દૂ કે અખબાર-સા. 
સાંજ પડતાં સુધીમાં તો માણસની હાલત ડૂચા જેવી જેવી થઈ જાય છે. કોઈ રોડસાઈડ રેસ્ટોરામાં એક છાપું આખા દિવસ દરમ્યાન કેટલાંય ઘરાકના હાથમાં ફરીને ડૂચો થઈ જાય છે, એમ જ! બદ્રસાહેબ આ જ પ્રકારનાં અન્ય ખૂબસૂરત શબ્દચિત્રો ઊપસાવે છે. જુઓ- 
બાદલ થે કમરે મેં બિખરે પડે 
બિસ્તર પર લેટી થી થકી હુઈ શામેં. 
થકે-થકે પૈડલ કે બીચ સૂરજ 
ઘર કી તરફ લૌટી દફતર કી શામ. 
બિસ્તર પર આડી પડેલી થાકેલીપાકેલી સાંજ. સાયકલ પર સવાર થઈને ઘર તરફ આવી રહેલી ઓફિસની થાકેલી સાંજ! કામ પૂરું થઈ ગયું હોય તોય સાંજે ઘેર જવાને બદલે બહાર દોસ્તો સાથે સમય વીતાવવાનું પસંદ કરતા લોકોની પણ કયાં કમી છે? ઘરે પ્રતીક્ષા કરી રહેલું સ્વજન કહે છે. 


યૂં હી બસબબ ન ફિરા કરો, કોઈ શામ ઘર ભી રહા કરો 
વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ, ઉસે ચૂપકે-ચૂપકે પઢા કરો. 
મુઝે ઈશ્તિહાર-સી લગતી હૈ, યે મોહબ્બતોં કી કહાનિયાં, 
જો કહા નહીં વો સુના કરો, જો સુના નહીં વો કહા કરો. 
બેસબબ એટલે અકારણ. ઈશ્તિહાર એટલે જાહેરખબર. સંબંધની માવજત કરવી પડે છે. સતત. જો વાતચીત બંધ થઈ જશે,કમ્યુનિકેશન નહીં રહે તો પ્રેમને વરાળ બનીને ઊડી જતા વાર નહીં લાગે. પ્રેમની વાતો પછી વિજ્ઞાાપન જેવી બનાવટી લાગવા માંડશે. અમુક વાત કદાચ હું બોલીને કમ્યુનિકેટ નહીં કરી શકું. પણ આવી ન બોલાયેલી મારી વાતોને તું સમજી લે...અને અમુક વાત હું તારા મોઢે સાંભળવા માગું છું, એ બોલવામાં તું મોડું ન કર!  
કમનસીબે ક્યારેક ખરેખર ખૂબ મોડું થઈ જતું હોય છે. ક્યારેક ઘરનાઓને માણસની ગેરહાજરીની ટેવ પડી જાય છે. એટલે જ. 
બેવકત અગર આઉંગા સબ ચૌંક પડેંગે 
ઈક ઉમ્ર હુઈ દિન મેં કભી ઘર નહીં દેખા. 
હૃદયથી હૃદયનો મેળ ન રહે અને આત્મીયતા ભૂતકાળ બની જાય, ત્યારે પ્રિયજન પારકું લાગવા માંડે. આવી સ્થિતિમાં ઉપરવાળાને ફકત ફરિયાદ થઈ શકે. 
તમામ રિશ્તેં કો મૈં ઘર પે છોડ આયા થા 
ફિર ઉસકે બાદ મૂઝે કોઈ અજનબી ન મિલા. 
ખુદા તેરી ઈતની બડી કાયનાત મેં મૈંને 
બસ એક હી શખ્સ માંગા, મુઝે વહી ન મિલા. 
હે ઈશ્વર, દુનિયાની કરોડો-અબજોની વસ્તીમાંથી મેં એક જ પ્રિયજન માગ્યો હતો. એક જ સાચો સંબંધ જે જીવનના અંત સુધી ટકી રહે, લીલોછમ્મ રહે. તું એ પણ મને આપી ન શક્યો? કેમ આવું બન્યું? કેમ અમારો સંબંધ હર્યોભર્યો ન રહી શક્યો? કેમ એકમેકનો હાથ છોડી દેવો પડયો? એવી તે કેવી મજબૂરી હતી?  
તુમ ભી મજબૂર હો, હમ ભી મજબૂર હૈં 
બેવફા કૌન હૈ, બાવફા કૌન હૈ. 
બાવફા એટલે વચન નિભાવનાર, બેવફાનું વિરુદ્ધાર્થી . આપણા બેમાંથી કોને બેવફા કહીશું? તને કે મને? આપણા બેમાંથી કોણે વચન નિભાવ્યું? તેં કે મેં?  
ઉન્હીં રાસ્તોં ને જિન પર કભી તુમ થે સાથ મેરે 
મુઝે રોક-રોક પૂછા- તેરા હમસફર કહાં હૈ. 
હવે રસ્તાઓ મને પૂછે છે કે અરે, તારો હાથ પકડીને ચાલતી હતી એ વ્યક્તિ, એ હમસફર કયાં છે?  
દેને વાલે ને દિયા સબકુછ અલગ અંદાજ મેં  
સામને દુનિયા પડી હૈ ઔર ઉઠા સકતે નહીં. 
વક્રતા જો. ઉપરવાળાએ બધું જ આપી દીધું, પણ હવે એનો શો મતલબ છે? કોની સાથે શેર કરું આ બધું? કહેવાતી સફળતા અને ભૌતિક-સમૃદ્ધિની પાછળ મેં એવી દોટ મૂકી કે મારાં મૂળ સપનાં તો કયાંય દફન થઈ ગયાં. 
ખ્વાબ જિસ દિલ મેં રહા કરતે થે કબ કા મર ચૂકા 
કિસકા દરવાજા યે બચ્ચે ખટખટાને આયે હૈં. 
આજ હમ સબ એક બેહતર ઝિંદગી કી દૌંડ મેં. 
કૈસે કૈસે ખ્વાબ કબ્રોં મેં સુલાને આએ હૈ. 
સમાજમાં મોટું નામ કરવું હતું. કરી લીધું. કીર્તિ મેળવવી હતી. મેળવી લીધી પછી શું? કીર્તિ હાંસલ કરવાની આખી એકસરસાઈઝ કેટલી અર્થહીન છે તે મને સમજાઈ ચૂકયું છે. 
શોહરત કી બુલંદી ભી પલ ભર કા તમાશા હૈ 
જિસ ડાલ પૈ બૈઠે હો વો ભી ટૂટ સકતી હૈ. 
સંબંધ તૂટે તેની સાથે બીજું ઘણું બધું તૂટતું હોય છે. ભ્રમ માંગી જતા હોય છે. એકલા પડયા પછી જીવનમાં બીજી વ્યક્તિ આવતી હોય છે, પણ- 
સબ નઝર કા ફરેબ હૈ વરના 
કોઈ હોતા નહીં કિસી કી તરહ. 
જાનતા હૂં હિ એક દિન મુઝકો. 
વો બદલ દેગા ડાયરી કી તરહ. 
ડાયરી બદલાય એમ સંબંધો બદલાય છે. સંબંધો તો હજુ બંધાય છે, પણ ઊંડી અપેક્ષા વગર. 
મૈં ઈસ ખ્યાલ સે ઉસકે કરીબ આયા થા 
કિ દૂસરોં કી તરહ વો ભી બેવફા હોગા. 
ખબર હોય કે દગાબાજી થવાની છે, માનસિક રીતે તૈયાર પણ હોઈએ, છતાંય જ્યારે તે ક્ષણ આવે છે ત્યારે પીડા જરૂર થાય છે. ઘા પર ઘા થતા રહે છે. વ્યક્તિત્વ બહારથી સખત બનતું જાય છે, એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે. પણ દિલ ભીતરથી એટલું જ કોમળ છે જેટલું પહેલાં હતું એટલે જ. 
દે તસલ્લી કોઈ તો આંખ છલક ઉઠતી હૈ
કોઈ સમઝાયે તો દિલ ઔર ભી ભર આતા હૈ
મૂળ પ્રિયજન સાથેનો સંબંધ ભૂતકાળ બની ગયો. વર્ષો વીતી ગયાં. હવે ધારો કે એ વ્યક્તિ સાથે ફરી આમનોસામનો થાય તો? 
મૈં ઉસકો પહચાન નહીં પાયા તો ક્યા
યાદ ઉસે ભી આયા મેરા નામ કહાં.
એક સમયે જેને ખૂબ પ્રેમ કર્યો હતો એનું નામ પણ યાદ ન આવે એ તો આત્યંતિક સ્થિતિ થઈ. શક્ય છે કે તારી સાથે નવેસરથી ભેટો થવામાં વધારે વાર ન પણ લાગે. 


મુસાફિર હૈં હમ ભી મુસાફિર તુમ ભી
કિસી મોડ પર ફિર મુલાકાત હોગી.
તું ફરી મળીશ ત્યારે પ્રેમથી મળીશ, કડવાશ વગર મળીશ, પણ હા, એટલું જરૂર પૂછીશ કે- 
મેરે સાથ ચલને વાલે તુઝે કયા મિલા સફર મેં
વહી દુઃખ કી જમી હૈ વહી ગમ કા આસમાં હૈ.
શું મેળવી લીધું આપણે, આપણે એકમેકનો સાથ છોડીને? શું બંને સુખી-સુખી થઈ ગયા એકબીજા વગર? ના. દુશ્મનીની પણ હદ હોય છે. આપણે શું કામ એકબીજાને ધિક્કારીને શક્તિ અને જીવન વેડફી રહ્યાં છીએ? 
દુશ્મની જમ કર કરો લેકિન યુ ગુંજાઈશ રહે
જબ કભી હમ દોસ્ત હો જાએં તો શર્મિંન્દા ન હોં.
દુશ્મની કા સફર ઈક કદમ દો કદમ
તુમ ભી થક જાઓંગે હમ ભી થક જાયેંગે.
દુશ્મની થકવી નાંખે છે. પ્રેમ જીવંત રાખે છે...અને પ્રેમમય હોવું એ જ જીવન જીવવાની આદર્શ રીત છે! તેથી જ ડો.બશીર બદ્ર કહે છે- 
એક દિન તુઝસે મિલને જરૂર આઉંગા

જિંદગી મુઝકો તેરા પતા ચાહિએ ?
0 0 0 

Monday, April 4, 2016

મલ્ટિપ્લેક્સ: કાસ્ટિંગના કસબી

Sandesh - Sanskar Purti - 3 April 2016

મલ્ટિપ્લેક્સ

કોઈ ફિલ્મ જોવાનો જલસો પડી જાય, ફિલ્મ ભરેલી-ભરેલી અને ટેકસચર્ડ લાગે, નાનામોટા બધા એકટરોએ દાદુ એકિટંગ કરી છે એવી ફીલિંગ આવે તો સમજી લેવાનું આ ફિલ્મના કાસ્ટિંગ ડિરેકટરે ખૂબ મહેનત કરી છે.
 


'રોકસ્ટાર' જોઈને, આનંદિત થઈને તમે થિયેટર બહાર નીકળો છો પછી કયાંય સુધી આ ફિલ્મ તમારા મનમાં ઘુમરાતી રહે છે. રણબીર કપૂરનું પર્ફોર્મન્સ, ઈમ્તિયાઝ અલીનું ડિરેકશન, એ.આર. રહેમાનનું સંગીત ને એ બધું તો અફલાતૂન છે જ, પણ એક કેરેકટર તમને રહી રહીને યાદ આવ્યા કરે છે. કોણ હતો પેલો કેન્ટીન-ઑનર જેના ગળા પર ટેલ્કમ પાઉડરના થથેડા દેખાતા હતા અને જે રણીબરને સમજાવે છે કે જ્યાં સુધી તને અસલી પીડાનો અનુભવ નહીં થાય ત્યાં સુધી તારી અંદર રહેલો કલાકાર જાગશે નહીં? અને પછી એ રણબીરનો મેનેજર બની જાય છે? કોણ હતો આ સુપર્બ એકટર?અગાઉ એને કયારેય એનો જોયો હોય એવું યાદ આવતું નથી.

0
આનંદ ગાંધીની 'શિપ ઓફ થિસિયસ' ફિલ્મમાં તમે નીરજ કાબીનો અભિનય જોયો હતો, જૈન સાધુના રોલમાં. તે પછી એક 'ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી'નો અપવાદ બાદ કરતાં નીરજ કાબી બિગ સ્ક્રીન પરથી સદંતર અદશ્ય થઈ ગયા હતા. તમને થતું હતું કે આવો બ્રિલિયન્ટ અને નીવડેલો એકટર ફિલ્મોમાં જોવા ન મળે તે શી રીતે ચાલે. એકાએક તમે એમને 'તલવાર' ફિલ્મમાં સગી દીકરીની હત્યાના આરોપીના રોલમાં જુઓ છો અને તમને થાય છે કે, વાહ, આ 'તલવાર'વાળા નીરજ કાબીને કયાંકથી પકડી લાવ્યા ખરા.
0

'એરલિફ્ટ'નું એક કેરેકટર તમને એકદમ યાદ રહી ગયું છે. પેલો દૂધમાંથી પોરા કાઢયા કરતો સાઉથ ઈન્ડિયન લપીયો જેને બધું વાંકુ જ દેખાય છે અને જે અક્ષયકુમારના પ્રયત્નોને વખાણવાને બદલે સતત ટીકા કર્યા કરે છે. એ એકટરે પોતાનાં પાત્રને એટલું અસરકારક ઊપસાવેલું કે ફિલ્મ જોતી વખતે તમને થતું હતું કે પડદામાં ઘુસીને એક લાફો મારી દઉં ઉલ્લુના પઠ્ઠાને?
0

ઉપર ગણાવેલા ત્રણેય કેસમાં એક વાત કોમન છેઃ પરફેકટ કાસ્ટિંગ. ફિલ્મ માત્ર મેઈન હીરો-હિરોઈનથી બનતી નથી. આસપાસના નાનાં-મોટાં કિરદાર પણ એટલાં જ અગત્યનાં હોય છે. આપણે જેનું નામ પણ જાણતા ન હોઈએ એવા આ અજાણ્યા કે ઓછા જાણીતા એકટરો ફિલ્મમાં જુદા જુદા શેડ્ઝ ઉમેરે છે, ફિલ્મના કથાપ્રવાહને વધારે ગાઢ અને લેયર્ડ બનાવે છે તેમજ સમગ્રપણે ફિલ્મની અસરકારકતામાં નક્કર વધારો કરે છે. (બાય ધ વે, 'રોકસ્ટાર'ના કેન્ટીન-ઑનરમાંથી મેનેજર બનેલા એકટરનું નામ કુમુદ મિશ્રા છે અને 'એરલિફ્ટ'માં લપીયા મદ્રાસીનું પાત્ર ભજવનાર એકટર છે, પ્રકાશ બેલાવડી.) હિન્દી સિનેમા છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરેસ્ટિંગ તબક્કામાંથી પસાર થઈ રહૃાું છે. નવા નવા વિષયો પર મસ્તમજાની ફિલ્મો બની રહી છે અને હિટ પણ થઈ રહી છે. આ નવી બદલાયેલી સ્થિતિમાં પડદા પાછળના એક કસબીની ભુમિકા અત્યારે જેટલી મહત્ત્વની બની છે જેટલી અગાઉ કયારેય નહોતી બની.
એ છે કાસ્ટિંગ ડિરેકટર.
હીરો-હિરોઈન સહિતનાં મુખ્ય કલાકારોની પસંદગી ભલે પ્રોડયુસર-ડિરેકટર-બેનર કરે, પણ પૂરક પાત્રો માટે અભિનેતા-અભિનેત્રીઓ શોધવાની જવાબદારી બાકાયદા કાસ્ટિંગ ડિરેકટરને સોંપવામાં આવે છે. કોઈ ફિલ્મ જોવાનો જલસો પડી જાય, ફિલ્મ ભરેલી-ભરેલી અને ટેકસચર્ડ લાગે, નાનામોટા બધા એકટરોએ દાદુ એકિટંગ કરી છે એવી ફીલિંગ આવે તો સમજી લેવાનું આ ફિલ્મના કાસ્ટિંગ ડિરેકટરે ખૂબ મહેનત કરી છે.
Mukesh Chhabra

આજે મુકેશ છાબરા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કાસ્ટિંગ ડિરેકટર ગણાય છે. ફિલ્મની સફળતાના જશ માટે જેને ભાગીદાર ગણવામાં આવતા હોય, જાણીતી ફિલ્મી હસ્તીઓ પોતાના ઈન્ટરવ્યુઝમાં જેનાં નામનો આદરપૂર્વક ઉલ્લેખ કરતા હોય, અખબારો-મેગેઝિનોમાં જેની ખુદની મુલાકાતો છપાતી હોય એવું કદાચ મુકેશ છાબરા પહેલાંના કોઈ કાસ્ટિંગ ડિરેકટરના કેસમાં બન્યું નથી. અથવા એમ કહો કે, મુકેશ છાબરા પહેલાંના કોઈ કાસ્ટિંગ ડિરેકટરને આ પ્રકારનું સ્ટાર સ્ટેટસ મળ્યું નથી. 'ચક દે ઈન્ડિયા', 'રોકસ્ટાર', 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'કાઈપો...છે', 'ભૂતનાથ રિટર્ન્સ', 'હસી તો ફસી', 'ચેન્નાઈ એકસપ્રેસ', 'હાઈવે', 'તમાશા' અને આગામી 'દંગલ' સહિતની કેટલીય ફિલ્મોમાં આ છત્રીસ વર્ષના યુવાને કાસ્ટિંગ કર્યું છે.
મુકેશ છાબરા મૂળ દિલ્હીના. ધ ચિલ્ડ્રન એજ્યુકેશન કંપની નામની સંસ્થામાં તેઓ બાળકો સાથે ખૂબ બધી વર્કશોપ્સ કરતા. દિલ્હીની રંગભૂમિમાં પણ એમના સારા કોન્ટેકટ્સ. આથી જ્યારે કોઈ ફિલ્મનું દિલ્હીનું શૂટિંગ ચાલતું હોય અને સ્થાનિક કલાકારોની કે ચાઈલ્ડ આર્ટિસ્ટની જરુર પડે ત્યારે મુકેશ છાબરાને યાદ કરવામાં આવતા. મુકેશ અમુક નામ સૂચવે, કોન્ટેકટ કરાવી આપે. કોઈએ સજેશન કર્યું કે ભાઈ, તું આમ છૂટક-છૂટક કામ કરવાને બદલે વ્યસ્થિત કાસ્ટિંગ એજન્સી કેમ ખોલતો નથી? મુકેશ છાબરાને વાતમાં દમ લાગ્યો. એમણે એજન્સી ખોલી ને કરીઅરની પદ્ધતિસર શરુઆત કરી. 'લવ આજકલ', 'રંગ દે બસંતી', 'ચક દે ઈન્ડિયા' એમની કાસ્ટિંગ ડિરેકટર તરીકેની પ્રારંભિક ફિલ્મો. તમને યાદ હોય તો આ ત્રણેય ફિલ્મોમાં દિલ્હીનું પશ્ચાદભૂ છે. સુશાંતસિંહ રાજપુત, રાજકુમાર રાવ, હુમા કુરેશી, રિચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી વગેરેને ફિલ્મોમાં કામ અપાવનારા મુકેશ છાબરા જ.
'સૌથી પહેલાં તો જે ફિલ્મ માટે કાસ્ટિંગ કરવાનું હોય તેની સ્ક્રિપ્ટ હું વાંચી જાઉં,' મુકેશ છાબરા એક મેગેઝિન ઈન્ટરવ્યુમાં કહે છે,
 'ડિરેકટર પણ મને બ્રિફ આપે કે પોતાને ક્યા ટાઈપના એકટરોની જરુર છે. હું ઓડિશન ગોઠવું ત્યારે મનોમન સ્પષ્ટ હોઉં કે મારે એકટરોમાં એકઝેક્ટ્લી શું જોઈએ છે. હું એમનામાં જે-તે કેરેકટર શોધવાનો પ્રયત્ન કરું, એના વર્તન-વ્યવહાર, ભાષા, જુદી જુદી સિચ્યુએશનમાં રિએકટ કરવાની રીત વગેરે પરથી જજ કરું કે ફિલ્મમાં જે કેરેકટર માટે વરણી કરવાની છે એના માઈન્ડસેટ સાથે આ આર્ટિસ્ટનો મેળ પડે છે કે કેમ. હું પહેલાં કેરેકટરને ધ્યાનમાં રાખું છું, પછી આર્ટિસ્ટને.'

Shruti Mahajan

લેખની શરુઆતમાં આપણે 'એરલિફ્ટ'ની વાત કરી. આ ફિલ્મ ઉપરાંત 'સ્પેશિયલ છબ્બીસ', 'બેબી', 'દશ્યમ' વગેરે ફિલ્મોનું કાસ્ટિંગ વિકી સિદાના નામના કાસ્ટિંગ ડિરેકટરે કર્યું છે, તો શ્રુતિ મહાજનના બાયોડેટામાં 'બાજીરાવ મસ્તાની', 'જય ગંગાજલ' અને'કી એન્ડ કા' જેવી ફિલ્મો બોલે છે. 'બાજીરાવ મસ્તાની' માટે સંજય લીલા ભણસાલીએ શ્રુતિને બ્રિફ આપી હતી કે આ ફિલ્મમાં મહારાષ્ટ્રિયન બેકગ્રાઉન્ડ છે એટલે મરાઠી એકટરોનાં બને એટલા વધારે ઓડિશન લેવાં. મરાઠી બ્રાહ્મણનો દેખાવ પાછો બીજા લોકો કરતાં સહેજ જુદો હોય. એમના ફીચર્સ શાર્પ હોય, ચહેરા પર એક પ્રકારનું તેજ હોય. કાસ્ટિંગ ચાલી રહૃાું હતું તે દરમિયાન ખબર પડી કે તન્વી આઝમી મૂળ મહારાષ્ટ્રિયન છે. 'રામ-લીલા'માં સુપ્રિયા પાઠકનું દમામદાર પાત્ર હતું લગભગ એવું જ સ્ટ્રોન્ગ કેરેકટર 'બાજીરાવ-મસ્તાની'માં પણ હતું. તન્વી આઝમી તેમાં પરફેકટ ફિટ થઈ ગયાં. બાજીરાવના નાના ભાઈના રોલમાં વૈભવ નામના મરાઠી એક્ટરને લેવામાં આવ્યો. મિલિંદ સોમણ અને મહેશ માંજરેકર પણ મહારાષ્ટ્રિયન જ છેને.
અતુલ મોંગિયા નામના કાસ્ટિંગ ડિરેકટરે 'મસાન', 'કોર્ટ', 'અગ્લી' અને 'કિલ્લા' જેવી ફિલ્મો માટે કામ કર્યું છે. એમના કહેવા પ્રમાણે ૨૦૧૫માં કેટલાક સરસ મરાઠી કલાકારો હિન્દી ફિલ્મોમાં ચમકયા હતા. 'અગ્લી'માં ગિરીશ કુલકર્ણીને જુઓ. 'કિલ્લા'માં અમૃતા સુભાષને જુઓ.

Honey Trehan
'તલવાર'માં કલાકારોની પ્રાદેશિક્તાનો સરસ ઉપયોગ ક્રવામાં આવ્યો છે. આ ફિલ્મના કાસ્ટિંગ ડિરેકટર હની ત્રેહન છે. ફિલ્મ સત્યઘટના પર આધારિત હોય એટલે કાસ્ટિંગ ઓર પેચીદું બની જાય. ફિલ્મનો સૂત્રધાર કહી શકાય એવા ઈન્વેસ્ટિગેટિવ ઓફિસરનું મુખ્ય કિરદાર એવા એકટરને આપવું જોઈએ જેનાથી ઓડિયન્સ ઓલરેડી પરિચિત હોય. તેથી આ રોલમાં ઈરફાન જેવા જાણીતા એકટરને લેવામાં આવ્યા. મિસ્ટર એન્ડ મિસિસ તલવારના રોલનું કાસ્ટિંગ બહુ લાંબું ચાલ્યું હતું. નીરજ કાબી હા પાડશે કે નહીં તે નક્કી નહોતું, પણ ફિલ્મની દમદાર સ્ક્રિપ્ટ વાંચીને તેઓ તૈયાર થઈ ગયા. એમની પત્નીના રોલમાં કોંકણા સેન શર્માનું નામ સૂઝ્યું. મધુ ત્રેહને એને ફોન પર જ ફિલ્મની વાર્તા સંભળાવી હતી. કોંકણાએ હા પાડી. સૌથી છેલ્લું કાસ્ટિંગ કોંકણાનું થયું, શૂટિંગ શરુ થયું એના ત્રણ દિવસ પહેલાં.
'તલવાર'માં પોલીસ ઓફિસરો, વકીલો, સરકારી ઓફિસરો વગેેરેની જમઘટ છે. મધુ ત્રેહન ઈચ્છતા હતા કે આ બધા લોકો દેશના અલગ અલગ પ્રાંતના લોકો લાગવા જોઈએ. આથી ઈરફાનના મેન્ટરની ભુમિકામાં સાઉથ ઈન્ડિયન એકટરને લેવામાં આવ્યો. ફોરેન્સિક એકસપર્ટ તમિલીઅન છે. ઈન્વેસ્ટિગેટર અતુલ કુમારના રોલ પૉલ નામના એકટરને આપ્યો જે પાક્કો બિહારી છે. આ બધાં ફિલ્મનાં ચાવીરુપ પાત્રો છે.
'અગાઉ કાસ્ટિંગ ડિરેકટર જેવું કશું હતું જ નહીં, પણ આજની તારીખે મુંબઈમાં સેંકડોની સંખ્યામાં કાસ્ટિંગ ડિરેકટરો કામ કરી રહૃાા છે,' હની ત્રેહને એક ઈન્ટરવ્યુમાં કહે છે, 'પ્રત્યેક કાસ્ટિંગ ડિરેકટરને પાછા બબ્બે-ત્રણત્રણ આસિસ્ટન્ટ્સ હોય. ફિલ્મોના કાસ્ટિંગ ડિપાર્ટમેન્ટને લીધે કેટલા બધા લોકોને કામ મળ્યું છે. આમાંના કેટલાય એફટીઆઈઆઈ, એનએસડી અને પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટયુટ્સમાં આવ્યા હોય છે. આ એક સરસ ચેન્જ આવ્યો છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં.'

(From R to L) Atul Mongia, Mukesh Chhabra and Shruti Mahajan

ચેન્જ તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આવ્યો છે. છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન આપણે કેટલીક જલસો પડે એવી ગુજરાતી ફિલ્મો જોઈ. નબળી ફિલ્મો પણ ઘણી આવી. આજની તારીખે ગુજરાતમાં બની રહેલી ગુજરાતી ફિલ્મોનો આંકડો ત્રીસ કરતાંય વધારે છે! એકાએક ટેલેન્ટેડ ગુજરાતી યંગસ્ટર્સ અને સિનિયર કલાકારોની ડિમાન્ડ નીકળી છે. ગુજરાતી સિનેમામાં કાસ્ટિંગની પ્રક્રિયાની શી સ્થિતિ છે? આ વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કાસ્ટિંગ ડિરેકટર નંબર વન અભિષેક શાહના મોઢે જ સાંભળવા જેવી છે. આવતા રવિવારે.
શો-સ્ટોપર
પ્રેમ વિશે મારા મનમાં કોઈ ફૂલગુલાબી ખ્યાલો નથી. મને સમજાઈ ગયું છે કે આપણે રોમેન્ટિક કોેમેડી ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ એમાંનું કશું જ રિઅલ લાઈફમાં બનતું હોતું નથી.
- અનુષ્કા શર્મા