Sunday, June 1, 2014

મલ્ટિપ્લેક્સ : ફિર ભી રહેંગી નિશાનિયાં!


Sandesh - Sanskaar Purty - 1 June 2014
મલ્ટિપ્લેક્સ
નરગિસ વધારે જીવ્યાં હોત તો સંજય દત્તના જીવનનો નકશો આજે જેવો છે તેવો જ હોત કે ખાસ્સો અલગ હોત? માતાની હૂંફથી દીકરો વધારે સંયમિત જીવન જીવ્યો હોત કે દીકરાનાં દુષ્કૃત્યોથી નરગિસ ઊલટાનાં વધારે પીડાયાં હોત? ખેર, જીવન અને મૃત્યુના ખેલ સામે 'જો' અને 'તો'ની સાપસીડીનો કશો અર્થ હોતો નથી.

આજે નરગિસજીનો જન્મદિન છે. જો તેઓ આપણી વચ્ચે હોત તો આજે આખો દેશ આ 'મધર ઇન્ડિયા'નો ૮૫મો બર્થ-ડે સેલિબ્રેટ કરતો હોત. નરગિસ ફક્ત બાવન વર્ષની ઉંમરે ગુજરી ગયાં. આ કોઈ મરવાની ઉંમર નથી પણ મૃત્યુ સામે કોઈ તર્ક, દલીલો કે પ્રતિદલીલો કામ કરતાં નથી.ફાતિમા અબ્દુલ રશીદને કોઈ ઓળખતું નથી, પણ નરગિસ અથવા તો શ્રીમતી નરગિસ દત્ત એક મશહૂર લેજન્ડ છે. બેબી રાનીના નામે છ વર્ષની ઉંમરથી એમણે ફિલ્મોમાં કામ કરવા માંડયું હતું. તે વખતે કોઈએ કલ્પ્યું નહોતું કે વર્ષો પછી મુંબઈમાં એમના નામનો રોડ બનશે.'મધર ઇન્ડિયા'નું અમર પરફોર્મન્સ આપ્યું ત્યારે તેઓ ફક્ત છવ્વીસ વર્ષનાં હતાં. ત્રણેક વર્ષમાં એમણે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યાં ને ત્રણ સંતાનોનાં માતા બન્યાં. સૌથી મોટો સંજય, પછી નમ્રતા અને સૌથી નાની પ્રિયા. ત્રણેય સંતાનોમાં નમ્રતા સૌથી લો-પ્રોફાઇલ છે. 'લવસ્ટોરી' ફેમ કુમાર ગૌરવ (રાજેન્દ્ર કુમારના આઉટ ઓફ વર્ક સુપુત્ર) સાથે એનાં લગ્ન થયાં છે. એક ઇન્ટરવ્યૂમાં એમણે નરગિસને યાદ કરતાં કહ્યું છે, "મારી મમ્મી નાની હતી ત્યારે એક નંબરની ટોમબોય હતી. ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં એ મારા બંને મામા સાથે ક્રિકેટ ને ફૂટબોલ રમતી. સ્વિમિંગમાં તો એ માસ્ટર હતી. આટલી ફેમસ સ્ટાર હતી, પણ એ વાતનો ભાર લઈને ક્યારેય ન ફરતી. અમારા ઘરની નજીક એક પાણીપૂરીવાળો ઊભો રહેતો. મમ્મીને ઇચ્છા થાય ત્યારે એની પાસે પહોંચી જતી ને ટેસથી પાણીપૂરી આરોગતી."નરગિસને શોપિંગ કરવાનું મન થતું ત્યારે બુરખો પહેરીને નીકળી પડતાં. એક વાર બંને દીકરીઓ અને પોતાની બહેનપણી સાથે એ દિલ્હીની બજારમાં ખરીદી કરવા ગયાં. અફકોર્સ, બુરખો પહેરીને બન્યું એવું કે બહેનપણી વિખૂટી પડી ગઈ. એ માંડી દુકાને-દુકાને જઈને બધાંને પૂછવા, "તમે ક્યાંય નરગિસને જોઈ? નરગિસ તમારે ત્યાં આવી હતી? એ બુરખામાં છે ને ભેગી બે દીકરીઓ પણ છે..!" જોતજોતામાં આખી માર્કેટમાં વાત ફેલાઈ ગઈ. થોડી વાર પછી નરગિસનું અચાનક ધ્યાન ગયું કે એમની પાછળ પાછળ આખું ધાડું ફરી રહ્યું છે!

નરગિસ અને રાજ કપૂરની જોડી અને રિલેશનશિપ વિશે ખૂબ બધું કહેવાઈ-લખાઈ ચૂક્યું છે. 'બરસાત', 'આવારા' અને 'શ્રી ૪૨૦'જેવી આરકે બેનરની શ્રેષ્ઠ ફિલ્મોમાં તેમણે યાદગાર અભિનય કર્યો છે. 'ચોરી ચોરી', 'જાગતે રહો', 'મેલા', 'અંદાઝ', 'અદાલત', 'જોગન', 'બાબુલ' અને 'રાત ઔર દિન' પણ તેમની ઉત્કૃષ્ટ ફિલ્મોની સૂચિમાં સ્થાન પામે છે.
નરગિસનું સ્મરણ થાય ત્યારે આપણા મનમાં મોટેભાગે સફેદ સાડી ધારણ કરેલી સ્ત્રીનું ચિત્ર ઉપસતું હોય છે. નરગિસને ખરેખર શ્વેત સાડીઓનો શોખ હતો. એમને સૌ વુમન-ઇન-વ્હાઇટ કહેતાં. એ ઘણું કરીને કોટન અને ઓરગેન્ઝાની સાડી જ પહેરતાં. થોડુંક એમ્બ્રોઇડરી વર્ક થયેલું હોય. ઘરેણાંનો ખાસ શોખ નહોતો. બહુ બહુ તો કાનમાં બુટ્ટી હોય ને બંને હાથે સોનાની બબ્બે બંગડીઓ હોય. તેમણે પછી રુદ્રાક્ષની માળા પહેરવાનું શરૃ કર્યું હતું. જાપ કરતી વખતે પણ તેઓ આ જ માળાનો ઉપયોગ કરતાં.

નરગિસ સ્વભાવે બહિર્મુખ હતાં. વાતોડિયાં એટલાં જ. રજાના દિવસે મસાજ કરાવવા નીચે ફર્શ પર પગ લંબાવીને બેઠાં હોય,દોરડું ખેંચીને ટેલિફોન બાજુમાં લઈ લીધો હોય ને એમના ગામગપાટા ચાલતાં હોય. સુનીલ દત્ત કહેતાં કે સ્વીટહાર્ટ, તું આટલું બડબડ કરતી રહીશ તો રિલેક્સ કેવી રીતે થઈશ? એમનાં મૃત્યુ પછી દત્તસાહેબે એક વાર મજાક પણ કરી હતી કે સારૂ થયું કે એ જમાનામાં મોબાઇલ નહોતા, નહીંતર એનાં બિલ ભરવામાં અમારે દેવાળું ફૂંકવું પડત!
'મધર ઇન્ડિયા'ના પેલા આગવાળા સીનના શૂટિંગ દરમિયાન સુનીલ દત્તે તેમને બચાવ્યાં અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ વિકસ્યો તે બહુ જાણીતી વાત છે. કિશ્વર દેસાઈ નામનાં લેખિકાએ 'ર્ડાિંલગજી-ધ ટ્રુ લવસ્ટોરી ઓફ નરગિસ એન્ડ સુનીલ દત્ત' નામના પુસ્તકમાં લખ્યું છે કે નરગિસના જીવનમાં સુનીલ દત્તની એન્ટ્રી એકદમ કરેક્ટ ટાઇમ પર થઈ હતી. એક બાજુ રાજ કપૂર સાથેનો સંબંધ હતો, જેનું કોઈ ભવિષ્ય નહોતું, જ્યારે બીજી તરફ સંવેદનહીન પરિવાર હતો, જેના માટે નરગિસ કેવળ એક પૈસા કમાવાનું મશીન હતાં. નરગિસે પોતાની પર્સનલ ડાયરીમાં લખ્યું હતું કે હું કેટલી ભયંકર પીડાદાયી અવસ્થામાંથી પસાર થઈ રહી હતી તે કેવળ હું જ જાણતી હતી. 'મધર ઇન્ડિયા'ના એક્સિડન્ટ પછી હું ખરેખર મરી જવા માગતી હતી, પણ તે વખતે દત્તસાહેબ મને કહેતાં રહ્યા કે મરવાનો વિચાર સુધ્ધાં કરવાનો નથી, હું ઇચ્છું છું કે તમે સરસ રીતે જીવો. જો દત્તસાહેબ મારી પડખે ઊભા રહ્યા ન હોત તો મેં આત્મહત્યા કરી નાખી હોત!
બંને વચ્ચે ક્રમશઃ પ્રેમસંબંધ તો વિકસ્યો, પણ બંનેના સ્ટેટ્સમાં આભ-જમીનનો ફર્ક હતો. સુનીલ દત્ત હજુ તો ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા, જ્યારે નરગિસ ઓલરેડી સુપરસ્ટાર હતાં, પદ્મશ્રીનો ખિતાબ મેળવી ચૂક્યાં હતાં. 'મધર ઇન્ડિયા'માં સુનીલ દત્તને એક દિવસ કામ કરવાના બારથી ચૌદ રૃપિયા મળતાં, જ્યારે નરગિસને કુલ પચાસ હજાર ચૂકવાયા હતા! બંનેનાં લગ્ન થયાં ત્યારે સુનીલ દત્તની પીઠ પાછળ ખૂબ આડીઅવળી વાતો થઈ. અડધોઅડધ લોકો ઇર્ષ્યાથી બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકો કહેતાં કે સુનીલ દત્તને પ્રેમ-બ્રેમ કશું નથી, એ તો ફક્ત પોતાની કરિયર આગળ વધારવા માટે નરગિસનો સીડી તરીકે ઉપયોગ કરી રહ્યા છે!

પણ આ બધા વાંકદેખાઓ ખોટા પડયા નરગિસના મૃત્યુ સુધી. સુનીલ સા'બ મજબૂત ખડકની જેમ પડખે ઊભા રહ્યા. પેન્ક્રિયાસના કેન્સરે નરગિસનો જીવ લીધો એના ચાર જ દિવસ પછી સંજય દત્તની સર્વપ્રથમ ફિલ્મ 'રોકી' રિલીઝ થઈ તે કેવી વક્રતા! સંજય દત્ત નાનપણથી જ અદક પાંસળી હતા. સાત-આઠ વર્ષની ઉંમરે ચોરી છૂપીથી સુનીલ દત્તે પીધેલી સિગારેટનાં ઠૂંઠાં સળગાવીને સટ મારતા નરગિસની કમાન છટકતી. સંજય પર 'સુવ્વર... ગધા... ઉલ્લુ' જેવી ગાળો વરસાવતાં ને ક્યારેક તો ચપ્પલના છૂટાં ઘા પણ કરતાં! સંજુબાબા ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે એમને ર્બોિંડગ સ્કૂલમાં મોકલી દેવામાં આવ્યા. દીકરો સુધરવાને બદલે બગડયો. સંજય દત્તે નશો કરવાની શરૃઆત ર્બોિંડગ સ્કૂલનાં વર્ષોમાં જ કરી દીધી હતી.
સહેજે સવાલ થાય કે નરગિસ વધારે જીવ્યાં હોત તો સંજય દત્તના જીવનનો નકશો આજે જેવો છે તેવો જ હોત કે ખાસ્સો અલગ હોત? માતાની હૂંફથી દીકરો વધારે સંયમિત જીવન જીવ્યો હોત કે દીકરાનાં દુષ્કૃત્યોથી નરગિસ ઊલટાનાં વધારે પીડાયાં હોત? ખેર, જીવન અને મૃત્યુના ખેલ સામે 'જો' અને 'તો'ની સાપસીડીનો કશો અર્થ હોતો નથી.
શો-સ્ટોપર

ટીકાઓથી બચવાનો એક જ રસ્તો છે, લાઇફમાં કંઈ કરવાનું નહીં, કશું કહેવાનું નહીં અને કશું બનવાનું નહીં, પણ ક્રિએટિવ માણસ માટે આવું જીવન જીવવું કેવી રીતે શક્ય છે!
- અમિતાભ બચ્ચન.

Wednesday, May 21, 2014

ટેક ઓફ : માતૃત્વ અને પિતૃત્વ કદી ભૂતકાળ બનતાં નથી...


Sandesh - Ardh Saptahik Purti - 21 May 2014
ટેક ઓફ 
"સંતાનના મૃત્યુનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી. એને માત્ર દબાવી રાખવાનું હોય છે. હૃદયમાં એક એવો ઓરડો છે જેને હું ખોલતી નથી,બંધ રાખવાની કોશિશ છું પણ આ ઓરડો એવો ને એવો રહેશે, હું જીવીશ ત્યાં સુધી."

પંદર-સોળ વર્ષની એક તરુણી. ભાવનગરના સુસંસ્કૃત, કલાપ્રેમી અને મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી. યોગિની એનું નામ. એના માટે જીવનનો નકશો એટલે હું ભણીશ-ગણીશ, લગ્ન કરીશ, વ્યવસાય કરીશ, મારું ઘર હશે, વર હશે, સંતાનો હશે! સંતાન જન્મે એની બહુ પહેલાં માતૃત્વ અને પિતૃત્વ માણસની કલ્પનામાં જન્મી જતું હોય છે, એક ખયાલ રૂપે, એક સંકલ્પના રૂપે.
લગ્ન થયાં. યોગિની પંડયા હવે યોગિની જયંત ભટ્ટ બન્યાં. પહેલું સંતાન ગર્ભમાં હતું ત્યારે તબિયત ખૂબ નરમ-ગરમ રહ્યા કરે. ઘરમાં ધીમા અવાજે ગંભીર ચર્ચા ચાલતી હોયઃ બાળકને બચાવી શકાશે? ધારો કે બચશે તો પણ એ ખોડખાંપણવાળું નહીં હોય તેની શી ખાતરી? મૃત્યુની છાયા, અદીઠ અનિષ્ટની છાયા સંતાન કૂખમાં હતું ત્યારે જ પહેલી વાર પડી ગઈ હતી...
... અને દીકરો અવતર્યો. બિલકુલ તંદુરસ્ત, નોર્મલ. એ ધન્યતાની અનુભૂતિ હતી - માતા અને પિતા બન્ને માટે. એ સાચા અર્થમાં ઘરદીવડો હતો એટલે નામ પાડવામાં આવ્યુંઃ ચિરાગ. બહુ આનંદી અને લાગણીશીલ છોકરો. સાવ નાનપણથી સંગીત પ્રત્યે રુચિ સપાટી પર આવવા લાગી હતી. યોગિનીબહેન સ્કૂલમાં ટીચર. નવરાત્રિમાં વિદ્યાર્થિનીઓને ગરબાની પ્રેક્ટિસ કરાવે ત્યારે ત્રણ વર્ષનો ચિરાગ કન્યાઓના વર્તુળની વચ્ચે તબલાં પર થાપ મારતો હોય.

"એ વખતે મને પહેલી વાર થયું હતું કે આ છોકરાને તાલ અને લયની કુદરતી સમજ છે," યોગિનીબહેન કહે છે, "ચિરાગ પાંચ વર્ષનો થયો ત્યારે મારો નાનો દીકરો અવતર્યો - કૃતાર્થ. પરિવાર હવે પૂર્ણ થયો હોય એવો સંતોષ જાગ્યો હતો."
મમ્મી-પપ્પાના અટેન્શનમાં ભાગ પડયો એટલે શરૂઆતમાં તો પાંચ વર્ષનો ચિરાગ ચીડાતો, પણ પછી એનેય ભઈલો વહાલો લાગવા માંડયો. મમ્મી-પપ્પા દીકરાઓને લઈને ટેનિસ કોર્ટ લઈ જાય. બાપ-દીકરો ટેનિસ રમે, નાનો ટગર ટગર જોતો રહે. કૃતાર્થ પાંચ વર્ષનો થયો ને બીમાર પડયો. એને વિલ્સન ડિસીઝ તરીકે ઓળખાતો રોગ લાગુ પડયો હતો, જેમાં લિવરમાં કોપર ધાતુ જમા થવાને કારણે પેટ ફૂલવા માંડે, હાથ-પગ પાતળા થતા જાય, લોહી બનતું અટકી જાય. બીમારી વારસાગત હતી. અસાધ્ય અને જીવલેણ પણ. યોગિનીબહેનને કોઈ કશું કહે નહીં, પણ એ કળી ગયાં હતાં કે વાત બહુ ગંભીર છે. પણ હૃદયમાં શ્રદ્ધા હતી. મારા કૃતાર્થને કંઈ નહીં થાય. ભગવાન અવારનવાર ચમત્કાર કરતો હોય છે તો મારા દીકરાને બચાવવા ચમત્કાર નહીં કરે શું?પણ ચમત્કાર ન થયો. એક બપોરે લોહીની ભયાનક ઊલટી થઈ. રાત્રે નાનકડા બાળે દેહ છોડી દીધો. મા-બાપની છાતી ચિરાઈ ગઈ.
"સંતાનના મૃત્યુનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી. એને માત્ર દબાવી રાખવાનું હોય છે," યોગિનીબહેનનો અવાજ તૂટે છે, "હૃદયમાં એક એવો ઓરડો છે જેને હું ખોલતી નથી, બંધ રાખું છું... પણ આ ઓરડો જીવીશ ત્યાં સુધી એવો ને એવો જ રહેશે."
દસમા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં ચિરાગના મનમાં સ્પષ્ટતા થઈ ચૂકી હતી કે મારે સંગીતના ક્ષેત્રમાં જ આગળ વધવું છે. કોલેજમાં કોમર્સનું ભણતાં ભણતાં એણે તબલાંવાદનની વિશેષ તાલીમ લેવા મુંબઈવાસી અનીશ પ્રધાનને પોતાના ગુરુ બનાવીને ટયુશન શરૂ કર્યું. માત્ર બે કલાકના ટયુશન માટે દર મહિને ત્રણથી ચાર વખત ભાવનગરથી મુંબઈ અપ-ડાઉન કરવા માટે કેટલું જબરદસ્ત પેશન જોઈએ!



ડિસેમ્બર ૨૦૧૨. ચિરાગ બીમાર પડયો. આમ તો ન્યુમોનિયા જેવું લાગતું હતું, પણ ખરી બીમારી પકડાય નહીં. એક રાત્રે એને ઊંઘ ન આવે. પથારી પર દીવાલને અઢેલીને એ બેઠો ને એકાએક એના ચહેરાની રેખાઓ ખેંચાવા લાગી. માએ એની આંખો પર હાથ મૂક્યો. એ "મમ્મી..." કહીને ભેટી પડયો ને જીવ ઊડી ગયો. તબીબી ભાષામાં આને રેસ્પાયરેટરી એરેસ્ટ કહે છે. સાદી ભાષામાં કહીએ તો શ્વસનતંત્રનું એકાએક સંકોચાઈ જવું. આ એક દુલર્ભ બીમારી છે, જે ચિરાગની કુંડળીમાં લખાઈ હતી. ચિરાગ ન રહ્યો. બસ, આટલું જ અંતર હોય છે એક જીવતાં-જાગતાં-ધબકતાં સંતાનના હોવામાં અને ન હોવામાં.
મા-બાપ ફાટી પડયાં. હૃદયમાં એક કમરો મરણિયા થઈને માંડ માંડ બંધ રાખ્યો હતો. હવે એની બાજુમાં બીજો વધારે મોટો કમરો તૈયાર થઈ ગયો જેનાં કમાડ કેમેય કરીને ચસોચસ બંધ થાય તેમ નહોતાં. જીવનમાં જે કંઈ બની રહ્યું હતું તે સઘળું સહનશક્તિના કિનારા ફાડીને બહાર ફેંકાઈ ગયું હતું. મન-બુદ્ધિ-ઈન્દ્રિયોની સમજણશક્તિ ટૂંકી પડતી હતી. એક પછી એક બબ્બે દીકરાઓને ખેંચી લેવા પાછળ શું તર્ક કે ગણતરી કે યોજના હોઈ શકે ઉપરવાળાની? જો ભગવાન નિયતિને બદલી શકતો ન હોય તો એને ભજવાનો મતલબ શો છે? કર્મનો સિદ્ધાંત, ભલાઈનો બદલો, ભક્તિનું ફળ... શું છે આ બધું? દુષ્ટ માણસોનો તું વાળ પણ વાંકો કરતો નથી, જ્યારે તેં જ ચીંધેલા રસ્તે ચાલનારા, ખરાબ કામોથી ડરનારા ભલા માણસોને તું કેમ મરણતોલ ઘા મારતો રહે છે, ભગવાન?
વત્સલ મા ચિત્તભ્રમ જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ. લગભગ આત્મહત્યાની ધાર સુધી પહોંચી ગઈ... પણ હું આ રીતે જીવન ટૂંકાવીશ તો મારા દીકરાઓનો આત્મા કકળશે એ વિચારે અટકી ગઈ. જીવી જવાયું. કોઈ અકળ શક્તિ જિવાડી નાખતી હોય છે માણસને. મનોબળ, સંસ્કાર તેમજ જીવનસાથીના સતત સધિયારા જેવાં નક્કર પરિબળો પણ ભાગ ભજવતાં હોય છે. પણ મરવાના વાંકે જીવવાનું નહોતું, આનંદમાં રહેવાનું હતું. "કૃતાર્થ ગયો ત્યારે ચિરાગે અમને સંભાળી લીધાં હતાં અને ચિરાગ ન રહ્યો ત્યારે એના દોસ્તારોએ અમને સાચવી લીધાં," યોગિનીબહેન કહે છે, "છોકરાઓ સતત અમારી સાથે રહે, અમને હસતાં-હસાવતાં રાખે,ચિરાગની જેમ જ લાડ કરે, જીદ કરે. અમે સૌ સાથે બહાર જમવા જઈએ. હવે અમે જ એમને કહીએ છીએ કે છોકરાંવ, બસ કરો,અમને એકલાં, અમારા ખાલીપા સાથે જીવતાં શીખવા દો..."



ચિરાગની સ્મૃતિમાં 'ચિરાગ ભટ્ટ ફાઉન્ડેશન ઓફ પર્ફોમિંગ આર્ટ્સ'ની રચના કરવામાં આવી, www.naadsetu.com વેબસાઈટ જણાવે છે કે ચિરાગ એક તબલાંવાદક તરીકે ઓળખાવા માગતો હતો એટલે ઓલ ગુજરાત તબલાં કોમ્પિટિશનની તૈયારી શરૂ થઈ છે. બબ્બે સંતાનોનાં મૃત્યુની વેદનાને સકારાત્મક માર્ગે વાળવાનો આ ઉદ્યમ છે.
તરુણાવસ્થામાં સંતાનનાં સપનાં જોયાં હતાં. આજે સંતાન ખુદ સપનું બની ગયાં છે. માતૃત્વની કલ્પનાથી એક ચક્ર શરૂ થયું હતું, પણ સંતાનના મૃત્યુથી ચક્ર પૂરું થતું નથી, ફક્ત એની ધરી બદલાય છે. સંતાન ભૂતકાળ બની શકે છે, પણ માતૃત્વ અને પિતૃત્વ ક્યારેય ભૂતકાળ બની શકતો નથી. એ સતત ધબકતાં રહે છે, જીવનના અંત સુધી.
"બરાબર સમજાય છે કે આ બધાં થૂંકનાં થીંગડાં છે, એ પણ સમજાય છે કે જીવનમાં સરવાળે તો બધું શૂન્ય થઈ ગયું છે, પણ..." યોગિનીબહેન સમાપન કરે છે, "... પણ હું ને મારા પતિ એકમેકનું મોઢું જોઈને અમે જીવતાં રહીએ છીએ. સામેનું પાત્ર ભાંગી ન પડે તે માટે સારામાં સારાં અભિનેતા-અભિનેત્રી બનીને હોઠ હસતાં રાખીએ છીએ..."
...પણ જીવનમાં આ બિંદુએ પણ નવો ઉઘાડ થઈ શકે છે. ઉપરવાળાએ બે દીકરા ભલે છીનવી લીધા, પણ ત્રીજી વખત એ સંતાન હોવાનું સંપૂર્ણ સુખ આપવા માગતો હોય એવું ન બને? અને ત્રીજું સંતાન દત્તક પણ હોઈ શકે છે. માણસને જીવવા માટે ટેકણલાકડી જોઈતી હોય છે. જીવનને અર્થપૂર્ણ અને સહ્ય બનાવવા એ વલખાં મારતો હોય છે, પણ આ વલખાંનું પણ આગવું સૌંદર્ય હોઈ શકે છે!
                                             0 0 0 

Wednesday, May 7, 2014

ટેક ઓફ : નમકહલાલી, નમકહરામી અને મિર્ઝા ગાલિબ

Sandesh - Ardh Saptahik Purty - 7 May 2014
ટેક ઓફ 
અંગ્રજોની સામે પડનારા જાંબાઝ ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓ મિર્ઝા ગાબિલની નજરમાં નમકહરામ હતા! મહાન સર્જકના વ્યક્તિત્વનાં તમામ પાસાં મહાન નથી હોતાં, હોઈ શકે પણ નહીં, હોવા જરૃરી પણ નથી. આપણી નિસ્બત એમના સર્જકકર્મ સાથે હોવી જોઈએ. મિર્ઝા ગાલિબ અંગ્રેજોના આંધળા ભક્ત બનીને ભયંકર ચાપલૂસી કરતા એ હકીકત એક વિગત પૂરતી ઠીક છે, પણ આપણે તો એમની સમૃદ્ધ શેરો-શાયરી પર જ ફોકસ કરવાનું.

"એ રાણી (ક્વીન વિક્ટોરિયા), ચંદ્ર જેનો મુગટ છે, આકાશ જેનું આસન છે, સૂર્ય પણ એની બરોબરી કરી શકતો નથી. એટલે જ તો એ રોજ રાતે ગાયબ થઈ જાય છે એ (એટલે કે રાણી વિક્ટોરિયા) શસ્ત્રકળા અને અન્ય કળાઓમાં પારંગત છે, એ જ્ઞાાનનો ભંડાર છે, ન્યાયના સર્વોચ્ચ શિખર કરતાંય વધારે ઉચ્ચ છે. એની સાજસજ્જા એવી છે કે મહાનમાં મહાન રાજાઓ પણ એની સામે ભિખારી લાગે. એમના તેજને લીધે જ આકાશમાં સૂર્ય ચમકે છે અને પાણીનું બાષ્પીભવન થઈને વાદળો બને છે."
આપણે ત્યાં દેવ-દેવીઓનાં સ્તુતિગાન કરતી વખતે આ પ્રકારની અલંકારિક ભાષા વપરાતી હોય છે. બ્રિટનની રાણી વિક્ટોરિયા માટે આવું ભયંકર ખુશામતભર્યું વર્ણન કોણે કર્યું છે, કલ્પી શકો છો? સર્વકાલીન શ્રેષ્ઠતમ શાયર તરીકે એ અમર થઈ ગયેલા મિર્ઝા ગાલિબે! ગાલિબને કેમ આટલી હદે જી-હજૂરી કરવાની જરૃર પડી? રાણી વિક્ટોરિયા ખુશ થઈને એમને કીમતી ભેટ-સોગાદ આપે એટલે. ગાલિબ પોતાના કાગળમાં ભેટની રીતસર ઉઘરાણી કરે છેઃ
"રાણી વ્યક્તિગત દાન-દક્ષિણાથી જ્ઞાાનીઓની ઝોળી ભરી દે છે. જો મને રાણીના હાથે કોઈ દાન મળશે તો મારું આ સંસારમાં આવવું સાર્થક થશે."
આ તીવ્ર યાચકભાવ આશ્ચર્ય પમાડે તેવો છે, પણ મિર્ઝા ગાલિબ માટે આ બિલકુલ સહજ હતું. રાજાને ઈશ્વરના પ્રતિનિધિ ગણવા એવા તેમના સંસ્કાર હતા. રાજદ્રોહ એટલે દેશદ્રોહ એવું સીધું સમીકરણ હતું. 'દસ્તંબૂ' નામના પુસ્તકમાં, રાધર નાની ચોપડીમાં,ગાલિબની અંગ્રેજભક્તિ પાને પાને છૂટથી વિખરાયેલી છે. આ ચોપડી એમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્યવિગ્રહ દરમિયાન લખી હતી.
અંગે્રજોના દમન વિરુદ્ધ થયેલો ૧૮૫૭નો વિગ્રહ ભારતીય ઇતિહાસનું એક બહુ જ મહત્ત્વનું પ્રકરણ છે. ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી એટલે દેશભરના સૈનિકોના ધૂંધવાટનો પાર ન રહ્યો. બરાબર ૧૫૭ વર્ષ પહેલાં ૧૦ મે,૧૮૫૭ના રોજ વિગ્રહ ફાટી નીકળ્યો. સૌથી પહેલાં મેરઠ સળગ્યું ને પછી સૈનિકો દિલ્હી ધસી ગયા. ક્રાંતિકારીઓએ કર્નલ રિપ્લેની હત્યા કરી દિલ્હી કબ્જે કરવાની કોશિશ કરી. અંગ્રેજોએ પ્રતિકાર કર્યો. ભયાનક કત્લેઆમ થઈ.
એ અરસામાં મિર્ઝા ગાલિબ જૂની દિલ્હીની બલ્લીમારાન મહોલ્લામાં રહેતા હતા. તેમણે આ નરસંહાર સગી આંખે જોયો હતો. એમના યારો-બિરાદરોનું કાં તો મોત થઈ ગયું હતું યા તો દિલ્હી છોડીને નાસી ગયા હતા. બાસઠ વર્ષના મિર્ઝાસાહેબ એકલા પોતાના ઘરમાં ત્રસ્ત જીવન જીવી રહ્યા હતા. ૧૧ મે, ૧૮૫૭થી ૩૧ જુલાઈ, ૧૮૫૭ દરમિયાન એમણે એક ડાયરી લખી. તે પછી'દસ્તંબૂ' નામે પુસ્તકરૃપે પ્રગટ થઈ. દસ્તંબૂ શબ્દનો અર્થ છે ફૂલનો ગુચ્છો, બુકે. અબ્દુલ બિસ્મિલ્લાહે જૂની ફારસી ભાષામાં લખાયેલી આ નાનકડી ચોપડીનો આ જ નામે હિન્દીમાં અનુવાદ કર્યો છે. આ જ પુસ્તકમાં રાણી વિક્ટોરિયાને લખેલો પેલો પ્રશસ્તિપત્ર છે. 'દસ્તંબૂ'ના પ્રકાશન માટે ગાલિબ ખૂબ ઘાંઘાં થયા હતા કે જેથી ઝટ એ અંગ્રેજ સાહેબો તે વાંચે, ઝટ પ્રસન્ન થાય ને ફટાફટ પોતાને આર્થિક મદદની ભિક્ષા આપે. ચોપડીના પ્રકાશનના સંદર્ભમાં એમણે મુનશી હરગોપાલ 'તફ્ત' નામની વ્યક્તિને જે પત્રો લખ્યા હતા તે પણ અનુવાદ કર્યા વિના હિન્દી સંસ્કરણમાં સમાવી લેવામાં આવ્યા છે.

અંગ્રેજો પ્રત્યેની વફાદારીના મામલે ગાલિબના મનમાં કોઈ ગૂંચવણ નહોતી. તેઓ લખે છેઃ
"હું આ ચોપડીમાં જે રીતે શબ્દોનાં મોતી વિખેરી રહ્યો છું તેના પરથી વાચકો અનુમાન લગાવી શકશે કે હું નાનપણથી જ અંગ્રેજોનું નમક ખાતો આવ્યો છું. બીજા શબ્દોમાં કહું તો જ્યારથી મારા મોંમાં દાંત આવ્યા છે ત્યારથી આજ સુધી આ વિશ્વવિજેતાઓએ મારા મોંમાં રોટી મૂકી છે. ખુદા જેને શાસન પ્રદાન કરે છે એને ધરતી પર વિજય મેળવાની શક્તિ પણ ચોક્કસપણે આપે છે, તેથી જે માણસ શાસક વિરુદ્ધ કામ કરે છે એના માથે જૂતાં ફટકારવાં જોઈએ. એ એને જ લાયક છે. પ્રજા થઈને રાજા સામે લડવાનો મતલબ છે, ખુદનો નાશ કરવો."
મજા જુઓ. મિર્ઝા ગાલિબની ખુદની પત્ની ગુપચુપ ક્રાંતિકારીઓને મદદ કરતી હતી! ગાલિબની નજરમાં તો મહાન અંગ્રેજોની સામે પડવાની હિંમત કરનારા ભારતીય ક્રાંતિકારીઓ હલકા જ હોવાના. તેઓ લખે છેઃ
"૧૧ મે, ૧૮૫૭નો દિવસ હતો. અચાનક દિલ્હીની ધરતી ધણધણી ઊઠી. આ કંઈ ધરતીકંપ નહોતો, બલકે મેરઠના બાગી અને નમકહરામ સૈનિકો હતા, જે આ કમનસીબ દિવસે અંગ્રેજોના લોહીથી પોતાની પ્યાસ બુઝાવવા દિલ્હી શહેર પર ચડી આવ્યા હતા. આખા દેશમાં નમકહરામ જમીનદારો અને સિપાઈઓએ એકબીજા સાથે સાઠગાંઠ કરી લીધી છે, જેથી પૂરી તાકાતથી સરકાર વિરુદ્ધ મોરચો લઈ જઈ શકાય. જ્યાં સુધી લોહીની નદીઓ નહીં વહે ત્યાં સુધી તેમને સંતોષ નહીં થાય. હિન્દુસ્તાનમાં હવે ઘાસનાં તણખલાં જેટલી શાંતિની કલ્પના પણ અસંભવ છે. કેટલાંક સિપાઈઓએ બંદૂક અને ગોળા-બારુદ પચાવી પાડીને ખુદને તાકાતવાન બનાવી દીધા છે. જે કૌશલ્ય તેઓ અંગ્રેજો પાસેથી શીખ્યા હતા એ જ કૌશલ્ય હવે તેઓ અંગ્રેજો પર અજમાવી રહ્યા છે. હૃદય કંઈ પથ્થર કે લોઢું નથી, એ જરૃર તરફડશે. આંખ કંઈ દીવાલમાં પડેલી તિરાડ નથી કે આ દૃશ્ય જોયા પછી પણ રડે નહીં. અંગ્રેજ સાહેબોની હત્યા પર આંસુ વહેવાં જ જોઈએ. હિન્દુસ્તાનની બરબાદી જોઈને રડવું જ જોઈએ."
અંગ્રજોની સામે પડનારા જાંબાઝ ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓ મિર્ઝા ગાબિલની નજરમાં નમકહરામ હતા! અંગ્રેજો અને ભારતીયોની સરખામણી તેઓ કેવી રીતે કરે છે?
"એક એ આદમી જે નામાંકિત અને સુવિખ્યાત હતો (મતલબ કે અંગ્રેજ). એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ છે. બીજો એ,જેની પાસે નહોતી ઇજ્જત કે નહોતી દોલત (મતલબ કે હિન્દુસ્તાની), જે હવે (અંગ્રેજોનો વિરોધ કરીને) પછેડી કરતાં પગ વધારે લાંબા કરી રહ્યો છે."
ખૂંચે એવી તુલના છે આ! બળવાખોરોએ દિલ્હીને શી રીતે કબ્જે કર્યું અને તેને લીધે દિલ્હીવાસીઓએ શી હાલાકી ભોગવવી પડી તેનું ઝીણવટભર્યું વર્ણન ગાલિબે કર્યું છેઃ
"બે-ત્રણ દિવસ સુધી કાશ્મીરી ગેટથી લઈને લાલ કિલ્લાના ચોક સુધી ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું. દિલ્હી ગેટ, તુર્કમાન ગેટ અને કાશ્મીરી ગેટ ભારતીય સેનાના કબ્જામાં હતા. મારા જેવા માણસનું શોકાતુર ઘર કાશ્મીરી ગેટ અને દિલ્હી ગેટની વચ્ચોવચ્ચ પડે છે. આ બન્ને દરવાજા મારા ઘરથી એકસમાન અંતરે છે, પણ મારી ગલીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. છતાંય થોડા થોડા સમયે હિંમત કરીને દરવાજા ખોલવામાં આવતા અને અમે ખાવા-પીવાનો સામાન લઈ આવતા."
Mazar of Mirza Ghalib, Nizammuddin, Delhi

આ બધી ધમાલમાં ગાલિબને એ વાતની પણ ચિંતા છે કે મારો કાગળ રાણીને લંડનમાં મળ્યો હશે કે નહીં! એક દિવસ ગાલિબને પહોંચનો પત્ર મળે છે. કોઈ મિસ્ટર રેજિંગ્ટને ગાલિબને આશ્વાસન આપતાં લખ્યું હતું કે તમારો પત્ર રાણી સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે અને સાથે ભલામણ પણ કરવામાં આવી છે કે તમને અંગ્રેજ સરકાર તરફથી આજીવિકાનું સાધન (ટૂંકમાં, પેન્શન) આપવામાં આવે. ગાલિબ મિયાં રાજીરાજી.
ગાલિબ માટે આ આત્મસન્માનનો મુદ્દો હતો જ નહીં. રાજ્યાશ્રય યા તો સરકારી મદદના ટુકડા પર જીવવું એમના માટે સ્વીકૃત જીવનશૈલી હતી. ગાબિલની ડાયરી આત્મદયા અને લાચારીના ભાવથી લથપથ છે. એમણે પોતાનાં પારિવારિક જીવન, પાગલ ભાઈનું મોત અને દોસ્તો વિશે પણ હૃદયપૂર્વક લખ્યું છે. ગાલિબ વિલાયતી શરાબ વગર ટળવળતા હોય ત્યારે મહેશદાસ નામનો ઉદાર મિત્ર ઊંચો માંહ્યલો દેશી દારૃ પીવડાવતા. ગાલિબ લખે છેઃ
"મહેશદાસ દેશી દારૃ મોકલાવીને મારા હૃદયની આગ ઠંડી કરતો ન હોત તો હું જીવતો રહી શક્યો ન હોત. હું આ શરાબની તરસમાં જ મૃત્યુલોક સિધાવી જાત. ઘણાં સમયથી ઇચ્છા હતી કે મને અસલી શરાબ મળે, મારી મનોકામના પૂરી થઈ જાય અને એક-બે પ્યાલા મારા હોઠ સુધી પહોંચે. જ્ઞાાની મહેશદાસે મને એ અમૃત ઉપલબ્ધ કરાવી આપ્યું, જે સિકંદરે પોતાના માટે શોધ્યું હતું."
દરિદ્ર ગાલિબનું પરાવલંબીપણું આ વાતમાંથીય ઊપસે છે. ખેર, મહાન સર્જકના વ્યક્તિત્વનાં તમામ પાસાં મહાન નથી હોતાં, હોઈ શકે પણ નહીં, હોવા જરૃરી પણ નથી. આપણી નિસ્બત એમના સર્જકકર્મ સાથે હોવી જોઈએ. મિર્ઝા ગાલિબ અંગ્રેજોના આંધળા ભક્ત બનીને ભયંકર ચાપલૂસી કરતા એ હકીકત એક વિગત પૂરતી ઠીક છે, પણ આપણે તો એમની સમૃદ્ધ શેરો-શાયરી પર જ ફોકસ કરવાનું.
0 0 0 

Thursday, May 1, 2014

ટેક ઓફ : મૃત્યુ વખતે સાવ એકાકી ન રહેવા માટે સદભાગ્ય જોઈએ

Sandesh - Ardh Saptahik Purty - 1 May 2014


ટેક ઓફ 
નોબલ પારિતોષિક વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝે લેટિન અમેરિકન સાહિત્યને વિશ્વના નકશા પર મૂકવાનું મોટું કામ કર્યું છે. એમણે મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ શી રીતે શોધી કાઢયું હતું?

"...અને મેં મારી જાતને વર્ષોથી નહીં, પણ દાયકાઓથી માપવાનું શરૃ કર્યું. પચાસનો દાયકો નિર્ણાયક પુરવાર થયો, કેમ કે મને ભાન થવા માંડયું કે મોટાભાગના લોકો મારા કરતાં ઉંમરમાં નાના છે. સાઠથી સિત્તેર વર્ષનો ગાળો સૌથી ઇન્ટેન્સ રહ્યો, કેમ કે મને સતત એ વાતની સભાનતા રહેતી કે મારી પાસે હવે ભૂલો કરવાનો સમય બચ્યો નથી. સિત્તેરથી એંસીનો દાયકો સૌથી ભયજનક હતો. જીવનનો આ અંતિમ દાયકો બની રહેશે તેવી સંભાવના સતત હવામાં ઝળુંબ્યા કરતી. છતાંય મારી જિંદગીના નવમા દાયકાના પહેલાં દિવસે હું જીવતો હતો. હવે મને બહુ આસાનીથી રડવું આવી જાય છે. કંઈ પણ કોમળ કે ભલમનસાઈભર્યું જોઉં યા તો અનુભવું તો હવે તરત મારી છાતીમાં ડૂમો ભરાઈ આવે છે."
જીવનનું આ સત્ય 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ' નામની લઘુનવલના નાયકનું છે. આ અનામી નાયક એક લેખક છે. પોતાના નેવુંમા બર્થડે પર એ ખુદને એક વર્જિન વેશ્યાની ભેટ આપે છે. એવી વેશ્યા જે હજુ માંડ તરુણી છે, જેની જુવાની પણ હજુ પૂરી ફૂટી નથી. 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ' નોબેલ પ્રાઇઝ વિનર સાઉથ અમેરિકન લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝની અંતિમ કૃતિ હતી. ૧૭ એપ્રિલે ૮૭ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. પોતાના અંતિમ નાયકની માફક માર્ક્વેઝના નસીબમાં પણ દીર્ઘ જીવન લખાયું હતું.  
માર્ક્વેઝ સ્પેનિશમાં લખતા. આ નોબેલ પ્રાઇઝ વિજેતા કોલંબિયન લેખક, પત્રકાર, ફિલ્મ રિવ્યૂઅર અને ફિલ્મરાઇટર પણ રહી ચૂક્યા છે. આજે સલમાન રશદી સહિત દુનિયાભરના કેટલાય લેખકોનાં લખાણમાં મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ જોવા મળે છે. આ શૈલી માર્ક્વેઝે પોતાની સૌથી વિખ્યાત નવલકથા 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' સૌથી પહેલી વાર ઇન્ટ્રોડયુસ કરી હતી.
તેઓ અઢાર-વીસ વર્ષની ઉંમરથી આ નવલકથા લખવા માગતા હતા. એક એવી નવલકથા જેના કેન્દ્રમાં પોતે જ્યાં ઉછર્યા હતા તે નાના-નાનીનું ઘર હોય, જેમાં બાળપણનાં વર્ષોની વાતો હોય. આ નવલકથામાં માર્ક્વેઝે મકોન્ડો નામનું કાલ્પનિક નગર કલ્પ્યું છે. એમાં બ્યુએન્ડિયા પરિવાર રહે છે. આ પરિવારની ચાર પેઢીઓમાં શું શું બને છે? કેવા કેવા ચઢાવ-ઉતાર આવે છે?નવલકથાનું આ વિષયવસ્તુ છે. માર્ક્વેઝ વર્ષો સુધી કોશિશ કરતા રહ્યા, પણ એમનાથી આ નવલકથાનું સ્ટ્રક્ચર અથવા તો ફોર્મેટ પકડાતું નહોતું. શું લખવું છે તે ખબર હતી, પણ કેવી રીતે લખવું, કયા સ્વરૃપમાં લખવું છે તે સ્પષ્ટ થઈ શકતું નહોતું. એ સ્પષ્ટતા વર્ષો પછી થઈ. તદ્દન અણધારી રીતે.
માક્ર્વેઝ એક વાર વીકએન્ડ માણવા બહારગામ જઈ રહ્યા હતા. સાથે પત્ની અને બન્ને દીકરા હતાં. માર્ક્વેઝને ડ્રાઇવિંગ કરવું ખૂબ ગમે. તે દિવસે લોન્ગ ડ્રાઇવ દરમિયાન તેઓ ખૂબ મૂડમાં હતા. અચાનક કોણ જાણે ક્યાંથી તેમના દિમાગમાં નવલકથાનું પહેલું વાક્ય સ્ફુર્યું. તે એક વાક્યની પાછળ આખી નવલકથા છુપાયેલી હતી. આ વાક્ય જાણે સિક્રેટ ફોર્મ્યુલા જેવું હતું. માર્ક્વેઝે બ્રેક મારી યુ-ટર્ન લીધો અને કાર પાછી મેક્સિકો તરફ મારી મૂકી. વીકએન્ડ કેન્સલ! ઘરે આવતાંવેંત માર્ક્વેઝ ટાઇપરાઇટર પર લખવા બેસી ગયા. તેર મહિનાને અંતે 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'ની પ્રત તૈયાર હતી.
નાટયાત્મક લાગતી આ ઘટનાનાં ઘણાં વર્ઝન છે. એક વર્ઝન એવું છે કે માર્ક્વેઝના મનમાં નવલકથાનું પહેલું વાક્ય નહીં, પણ નાનાજી નાના છોકરાને કિસ્સો સંભળાવી રહ્યા હોય તેવી ઇમેજ ઉપસી હતી. બીજું વર્ઝન એવું છે કે માર્ક્વેઝ એ જ ઘડીએ યુ-ટર્ન લઈને પાછા ઘરે નહોતા આવી ગયા. પ્લાનિંગ પ્રમાણે તેઓ સપરિવાર જે જગ્યાએ જવાનું હતું ત્યાં જરૃર ગયા હતા, છુટ્ટી માણી હતી, પણ આ બે દિવસ દરમિયાન એમણે પુષ્કળ નોંધ તૈયાર કરી નાખી હતી. પછી ઘરે ગયા બાદ તેમણે આ નોંધના આધારે નવલકથા લખવાનું શરૃ કર્યું હતું. બધાં વર્ઝનમાં બે દિવસની રજા દરમિયાન આઇડિયા સુઝ્યો તે વાત કોમન છે.

અલગ અલગ વર્ઝન બહાર આવવાનું કારણ માર્ક્વેઝે ખુદ એક ઇન્ટરવ્યૂમાં કહેલી વાત છેઃ "સાચું કહું તો 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'નવલકથા લખવામાં મને સૌથી વધારે આકરું જો કંઈ લાગ્યું હોય તો તે હતી શરૃઆત! પહેલં વાક્ય, પહેલો ફકરો લખતા તો મોઢે ફીણ આવી ગયાં હતાં. સખત ગભરાટ થતો હતો. મનમાં થતું હતું કે આટલું તો લખાયું, પણ હવે આગળ શું લખવાનું?"
ખેર, વીજળીની જેમ ત્રાટકેલી પેલી 'યુરેકા મોમેન્ટ' શું હતી? માર્ક્વેઝને ઓચિંતા સમજાયું કે મારે મારા બાળપણ વિશે નવલકથા નથી લખવી, મારે મારા બાળપણની 'સ્મૃતિ' વિશે નવલકથા લખવી છે. બાળપણમાં જે કંઈ થયું તે યથાતથ મૂકી દેવાનું તેમ નહીં, બલકે તે ઘટનાઓને વર્તમાનના પ્રિઝમમાંથી જોવાની. મારે રિયાલિટી વિશે નહીં, પણ 'રિપ્રેઝન્ટેશન ઓફ રિયાલિટી' વિશે લખવું છે. મારે કોઈ ચોક્કસ ગામ વિશે નહીં, પણ દુનિયા તે ગામને કેવા દૃષ્ટિકોણથી જુએ છે તે વિશે લખવું જોઈએ. ગામને બાકીની દુનિયાથી અલગ કરીને જોવાને બદલે આખી દુનિયાને મારા ઘર અને ગામ સુધી લાવવી જોઈએ. આ રીતે સીમાડા ખૂલી જતા હતા. એકસાથે અનેક સ્તરો પર કામ થઈ થઈ શકતું હતું. આ સ્થિતિએ માર્ક્વેઝને આઝાદીનો અહેસાસ કરાવ્યો.


જેવી દિમાગની બારીઓ ખૂલી, નવલકથાનું સ્ટ્રક્ચર પકડાયું અને લખવાનું શરૃ થયું કે માર્ક્વેઝને સમજાવા લાગ્યું હતું કે આ નવલકથા ઉત્તમ બનવાની. એમની શૈલી પછી 'મેજિકલ રિઅલિઝમ' તરીકે મશહૂર બની. મેજિકલ રિઅલિઝમમાં સાવ સાદી, દુન્યવી બાબતો અને જાદુઈ ઘટનાઓ સાથે સાથે બનતી રહે, બન્નેની એકબીજામાં સેળભેળ થતી રહે. પરિણામે વાચક સામે અસાધારણ અને અદ્ભુત અસર ઊભી થાય.
જેવા માર્ક્વેઝ કમ્ફર્ટ ઝોનમાં આવ્યા કે તેમની કલમ યા તો ટાઇપરાઇટર ફટાફટ ચાલવા માંડયાં. રોજ માંડ એક ફકરો લખી શકતો માણસ પાનાંનાં પાનાં ભરવા લાગ્યો. પહેલાં અઠવાડિયા દરમિયાન જ એમણે ખૂબ બધું લખી નાખ્યું હતું. એમને અંદાજ આવી ગયો કે મારો પહેલો ડ્રાફ્ટ આઠસો પાનાંનો થશે, જેમાંથી કાપીકૂપીને હું ચારસો પાનાંનો ફાઇનલ ડ્રાફ્ટ બનાવી શકીશ. ચારસો પાનાંમાં બ્યુએન્ડિયા પરિવારની ચાર પેઢીની વાતો આવી જાય. ઓગણીસમી સદીના કોઈ બિંદુથી વાર્તાની શરૃઆત થાય અને સો વર્ષના સમયગાળામાં ધીમે ધીમે આખી નવલકથા ફેલાય. બ્યુએન્ડિયા પરિવારની વાતોની સાથે સાથે કોલંબિયાનો સો વર્ષનો ઇતિહાસ પણ એમાં વણાતો જાય.
માર્ક્વેઝને તરત સમજાઈ ગયું કે આ નવલકથા લખવાનું કામ સંપૂર્ણ એકાગ્રતા માગી લે તેવું છે. તે સમયે તેઓ એક એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે સંકળાયેલા હતા. આ સિવાય બીજું એક પુસ્તક લખવાનું કામ પણ તેમને મળ્યું હતું. આ બન્ને કામમાંથી નિશ્ચિત પૈસા મળતા હતા, જેનાથી ઘર ચાલતું હતું. માર્ક્વેઝે હાથમાં લીધેલી નવલકથાને સંપૂર્ણ ન્યાય આપવા માટે એક મોટો નિર્ણય લીધો. તેમણે એડ એજન્સી અને પેલું પુસ્તક બન્ને છોડી દીધાં. બીવી-બચ્ચાં લઈને બેઠેલા માણસ માટે આ મોટો જુગાર હતો.


પણ આ જુગાર બરાબરનો ફળ્યો. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથાએ તેમને વિશ્વસ્તરની ખ્યાતિ અપાવી. આ નવલકથા માર્ક્વેઝે ૩૮ વર્ષની ઉંમરે લખવાની શરૃ કરી હતી. નવલકથા પ્રકાશિત થઈ ત્યારે ૪૦ વર્ષના હતા. ત્રણ વર્ષ પછી તેનો અંગ્રેજી અનુવાદ થયો. પછી તો દુનિયાભરની કુલ ૩૭ ભાષાઓમાં તે અનુદિત થઈ. આજ સુધીમાં તેની ત્રણ કરોડ નકલો વેચાઈ ચૂકી છે. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથાએ માર્ક્વેઝને સુપરસ્ટાર રાઇટર બનાવી દીધા. એમની 'લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા' પણ ખૂબ વંચાઈ અને વખણાઈ છે. ૧૯૮૨માં માર્ક્વેઝને એમની નવલકથાઓ અને નવલિકાઓ માટે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું. તે વખતે તેમની ઉંમર પંચાવન વર્ષ હતી. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે છ નવલકથાઓ, ચાર લઘુનવલો, પાંચ નવલિકાસંગ્રહો અને સાત નોન-ફિક્શનનાં પુસ્તકો લખ્યાં છે. લેટિન અમેરિકન સાહિત્ય હિપ-એન્ડ-હેપનિંગ બનાવવામાં માર્ક્વેઝનો મોટો ફાળો છે. જેરાલ્ડ માર્ટિન નામના બ્રિટિશ લેખકે 'ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝ' નામની અફલાતૂન અને દળદાર જીવનકથા લખી છે. માર્ક્વેઝ અને તેમના સાહિત્યમાં રસ પડતો હોય તો આ પુસ્તક વાંચી જવા જેવું છે.
ધેર ઇઝ નો ગ્રેટર મિસફોર્ચ્યુન ધેન ડાઇંગ અલોન. 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ'નો પેલો વયોવૃદ્ધ નાયક કહે છે કે મરતી વખતે તમે સાવ એકાકી હો તો એના કરતાં મોટું દુર્ભાગ્ય બીજું કોઈ નથી. જીવનના અંતિમ તબક્કે માર્ક્વેઝ પાસે સર્જક સંતોષ,ચાહકોની સદ્ભાવના અને પરિવાર આ બધું જ હતું. માર્ક્વેઝ એ રીતે નસીબદાર હતા.

Friday, April 25, 2014

મલ્ટિપ્લેક્સ: શબ્દ, સ્ક્રીન અને સંબંધો

Sandesh - Sanskar Purty - 20 April 2014

મલ્ટિપ્લેક્સ
'ટુ સ્ટેટ્સ'ના સેલિબ્રિટી લેખક ચેતન ભગત પોતાના પિતાને આજેય પૂરેપૂરા માફ કરી શક્યા નથી. હા, તેમના દિલમાં હવે પહેલાં જેવાં ક્રોધ અને નફરત રહ્યાં નથી. એવું તે શું બની ગયું કે બાપ-દીકરાના સંબંધની ગૂંચ હજુ સુધી ઉકેલાઈ નથી?



ચે તન ભગત માત્ર આઈઆઈટી એન્જિનિયર-ટર્ન્ડ-આઈઆઈએમ ગ્રેજ્યુએટ-ટર્ન્ડ-બેસ્ટસેલર અંગ્રેજી નોવેલિસ્ટ-ટર્ન્ડ- કોલમિસ્ટ-ટર્ન્ડ- મોટિવેશનલ સ્પીકર નથી. આ વર્સેટાઈલ મહાશય ફિલ્મી હસ્તી પણ છે. તેઓ ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ લખે છે. જેમની તમામ નવલકથાઓ પરથી હિન્દી ફિલ્મો બની ચૂકી હોય અથવા બની રહી હોય તેવા આ એકમાત્ર ભારતીય લેખક છે. પહેલી નવલકથા 'ફાઈવ પોઇન્ટ સમવન' પરથી 'થ્રી ઈડિયટ્સ' બની (તેલુગુ અને તમિલમાં એની રિમેક પણ બની છે), 'વન નાઈટ એટ કોલ સેન્ટર' પરથી 'હેલો' બની, 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' પરથી 'કાઈ...પો છે' બની. 'ટુ સ્ટેટ્સ' પરથી બનેલી આ જ ટાઇટલવાળી ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ. હવે પાંચમી નોવેલ 'રિવોલ્યુશન ૨૦૨૦' પરથી રાજકુમાર ગુપ્તા ફિલ્મ બનાવવાની તજવીજ કરી રહ્યા છે.
'હેલો' ફિલ્મ સૌથી પહેલી આવી હતી. એમાં સલમાન ખાન જેવો સુપરસ્ટાર હોવા છતાંય ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. સુપરડુપર હિટ 'થ્રી ઈડિયટ્સ' વખતે ચેતન ભગતને વ્યવસ્થિત ક્રેડિટ આપવાના મામલામાં મોટો વિવાદ પેદા થઈ ગયો હતો. ખેર, સમયની સાથે બિનજરૃરી બાબતો ભુલાઈ જતી હોય છે અને પ્રોજેક્ટનું સત્ત્વ જ ટકી રહેતું હોય છે. 'થ્રી ઈડિયટ્સ' એક ઈમ્પોર્ટન્ટ ફિલ્મ છે. નવલકથા કરતાં ખાસ્સી જુદી હોવા છતાં ચેતન ભગતનું નામ તેની સાથે હંમેશાં જોડાયેલું રહેવાનું.    
'કાઈ... પો છે' વખતે ચેતન ભગત શરૃઆતથી સતર્ક રહ્યા હતા. આ ફિલ્મ પહેલાં ફરહાન અખ્તર પ્રોડયુસ કરવાનો હતો. સુશાંતસિંહ રાજપૂતવાળો મેઈન રોલ પણ એ જ કરવાનો હતો. લાંબા સમય સુધી અસ્પષ્ટતા રહી. આખરે પ્રોજેક્ટ યુટીવી મોશન પિક્ચર્સના હાથમાં આવ્યો. ફિલ્મ વખણાઈ અને હિટ પુરવાર થઈ. ઘણાંને ફિલ્મ પુસ્તક કરતાંય વધારે અસરકારક લાગી. બેસ્ટ સ્ક્રીનપ્લે માટે ચેતન ભગતને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.



'ટુ સ્ટેટ્સ'માં ચેતન ભગતના જીવનની કેટલીક અસલી વિગતો ઝિલાઈ છે. જેમ કે, મુખ્ય કિરદારોની જેમ ચેતન પંજાબી છે અને એમની પત્ની અનુશા તામ-બ્રામ (તમિલ બ્રાહ્મણ) છે. ઓપોઝિટ એટ્રેક્ટસવાળી થિયરી ચેતન આનંદ અને અનુશાના કેસમાં એકદમ લાગુ પડે છે. સીધાસાદા ટિપિકિલ તમિલ પરિવારમાંથી આવતી અનુશાને પંજાબી કલ્ચરમાં રહેલું ખુલ્લાપણું અને એક્સાઈટમેન્ટનું તત્ત્વ ગમી ગયું. સામે પક્ષે, અનુશાની કૌટુંબિક સ્થિરતા ચેતનને આકર્ષી ગઈ. ચેતનનું ખુદનું પારિવારિક જીવન ખૂબ તકલીફવાળું રહ્યું છે. એણે નાનપણમાં માતા-પિતા વચ્ચે સતત ખટરાગ જોયો છે. પિતાનો સ્વભાવ જોહુકમીભર્યો. ચેતન સાવ નાના હતા ત્યારે તો બહુ સમજાતું નહીં, પણ ટીનેજર થયા પછી લાગવા માંડયું કે પિતા તરફથી માને ખૂબ અન્યાય થયો છે. માને પિયર જવા ન મળે. નાની નાની વસ્તુઓ કે જેમાં માને ખુશી મળતી હોય તે કરવા ન મળે. માએ કુટુંબ માટે અને સાસરિયાંઓ માટે જાત ઘસી નાખી હતી, પણ પિતાએ એની કદર ન કરી.
આ ચેતન ભગતનું વર્ઝન છે. મા સાથે સંતાનનો ગર્ભનો સંબંધ છે. મા પ્રત્યે એને કુદરતી રીતે જ વધારે ખેંચાણ હોવાનું. સંતાનને સામાન્યપણે માની ભૂલો જલદી દેખાતી નથી ને પિતાની ભૂલોને એ માફ કરી શકતો નથી. ચેતનનો પિતા પ્રત્યે અણગમો વધતો ગયો. તેઓ વિદ્રોહી બનતા ગયા. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે ચેતનનાં મા-બાપે આખરે અલગ થઈ જવું પડયું, પણ ચેતનનો બાપ પ્રત્યેનો અભાવ ઘટયો નહીં. એ કહે છે, "મારા પર એટલી હદે અસર થઈ ગઈ હતી કે મેં વિચારી લીધું હતું કે જિંદગીમાં ક્યારેય બચ્ચાં પેદા નહીં કરું, ક્યારેય બાપ નહીં બનું. આ ડર જોકે પછી જતો રહ્યો અને આજે હું સરસ મજાના જોડિયા દીકરાઓનો પ્રાઉડ પાપા છું."
બાપ-દીકરાના વણસેલા સંબંધોનો રંગ ચેતન ભગતની બધી નવલકથાઓમાં ઊતર્યો છે. એમના તમામ હીરોના પિતા સાથેનો સંબંધ તંગ અને એબ્નોર્મલ હોય છે. ચેતન ભગત ઉમેરે છે, "હું 'ટુ સ્ટેટ્સ'ને હીરો-હિરોઈનની લવસ્ટોરી કરતાં બાપ-દીકરાના સંબંધની વાર્તા તરીકે વધારે જોઉં છું. આ નવલકથા લખવાના બે હેતુ હતા. એક તો, મારા પિતાજીનું બેકગ્રાઉન્ડ, એમની પર્સનાલિટી જેવી છે તેવી શું કામ છે તે મારે સમજવું હતં અને બીજું, મારે એમને માફ કરવા હતા. બહુ કઠિન હતું એમને માફી આપવી, પણ 'ટુ સ્ટેટ્સ' લખવાની પ્રક્રિયાને લીધે મને થોડી રાહત જરૃર મળી. ખેર, એમને પૂરેપૂરી માફ તો હજુય કરી શક્યો નથી, પણ કમ સે કમ હવે મારી અંદર ક્રોધ અને ધિક્કાર નથી રહ્યા. મારા ફાધર પ્રત્યે નિર્લેપ થઈ જવાનું મને આવડી ગયું છે. મારી માને મેં મુંબઈમાં ઘર લઈ આપ્યું છે. અત્યાર જેટલી ખુશ મેં એને ક્યારેય જોઈ નથી."


'ટુ સ્ટેટ્સ' ફિલ્મના હીરો અર્જુન કપૂરની કહાણી પણ ચેતન ભગતને મળતી આવે છે. અર્જુન નાનો હતો ત્યારે પિતા બોની કપૂરે બીજું ઘર કર્યું હતું. પત્ની મોના અને બન્ને સંતાનોને ત્યજીને તેઓ શ્રીદેવીને પરણી ગયા. તીવ્ર વેદના અને સંઘર્ષનાં વર્ષો હતાં એ. મોનાને સાસરિયાંઓનો પૂરો સપોર્ટ હતો. એણે સ્વાભિમાનપૂર્વક બન્ને બાળકોને એકલે હાથે સરસ ઉછેર્યાં. કમનસીબે અર્જુનની પહેલી ફિલ્મ 'ઈશકઝાદે' રિલીઝ થાય તે પહેલાં જ એનું એમનું મૃત્યુ થઈ ગયું. દીકરાને હીરો બનતા એ જોઈ ન શકી. મોનાએ ખરીદેલી 'ટુ સ્ટેટ્સ' નવલકથાની કોપી આજેય અર્જુનના ઘરમાં પડી છે. 'ટુ સ્ટેટ્સ' ફિલ્મ બની રહી હતી ત્યારે એના નાયક અને પિતા વચ્ચેના તંગદિલીભર્યા સંબંધને, એ પીડાને, એ કુંઠિત થઈ ગયેલી લાગણીઓને અને અધૂરી રહી ગયેલી અપેક્ષાઓને અર્જુન બહુ સારી રીતે સમજી શકતો હતો, એની સાથે આઈડેન્ટિફાય કરી શકતો હતો.
ચેતન ભગતની કૃતિઓમાં રમૂજતત્ત્વ ઊભરીને બહાર આવે છે, ઓડિયન્સને એમાં મજા પડી જાય છે, પણ આ રમૂજ અને કોમેડીની પાછળની પીડા ક્યારેક અણદેખી રહી જતી હોય છે.

શો-સ્ટોપર

હિન્દી ફિલ્મો ભલે બકવાસ હોય, પણ તેનાથી રોજ-બ-રોજના જીવનમાં આપણા કાને જે એકધારો બકવાસ પડે છે તેમાંથી થોડી વાર માટે મુક્તિ તો મળે જ છે.
- ચેતન ભગત

Monday, April 14, 2014

મલ્ટિપ્લેક્સ : ફ્રોમ સ્ટુડન્ટ વિથ લવ

Sandesh - Sanskaar Purty - 13 April 2014

મલ્ટિપ્લેક્સ 

નાનપણમાં તીવ્રતાથી ઝિલાયેલા સંસ્કારો આખા જીવનનો નકશો ઘડી નાખતા હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી 'નોઆહ' અને મલ્ટિપલ ઓસ્કર નોમિનેટેડ 'બ્લેક સ્વાન'ના પ્રતિભાશાળી ડિરેક્ટર ડેરેન અરોનોફ્સ્કીના કિસ્સામાં આ વાત કેવી રીતે સાચી પડી?

Darren Aronofsky

હોલિવૂડમાં એક તેજસ્વી નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેજીથી ઊપસી આવ્યું છે- ડેરેન અરોનોફ્સ્કી. તાજેતરમાં ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થયેલી અને ઇન્સ્ટન્ટ હિટ ઘોષિત થયેલી 'નોઆહ' ફિલ્મના એ ડિરેક્ટર. 'નોઆહ' આ વર્ષની મોસ્ટ-અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. આમેય રસેલ ક્રો જેવો બબ્બે વાર બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ચૂકેલો અદાકાર જેમાં કામ કરતો હોય તે ફિલ્મ આપોઆપ હાઈ પ્રોફાઇલ બની જવાની. વળી, ફિલ્મનો વિષય બાઈબલની એક કહાણી પર આધારિત હોવાથી ઓડિયન્સ અને ઈન્ડસ્ટ્રી બન્નેની ઉત્કંઠા વધી ગયેલી.
શું છે 'નોઆહ'માં? સૃષ્ટિ પર એટલી અંધાધૂંધી ફેલાઈ ગઈ છે કે સર્જનહાર પોતાના જ સર્જનથી નાખુશ છે. તેઓ સઘળું ભૂંસીને, નષ્ટ કરીને એકડે એકથી શરૂ કરવા માગે છે. નોઆહ નામનો પુરુષ, જે સર્જનહાર સાથે કમ્યુનિકેટ કરી શકે છે, એ એક વિરાટ વહાણ બનાવે છે. પ્રલય વખતે નોઆહને પાગલ ગણતાં ગામવાસીઓ અને પશુપક્ષીઓ નર-માદાની જોડીમાં વહાણ પર સવાર થઈ જવાથી બચી જાય છે અને ક્રમશઃ સૃષ્ટિનો ક્રમ આગળ વધે છે. અમુક લોકો 'નોઆહ'ને '૨૦૧૨' પ્રકારની ડિઝાસ્ટર મૂવિ તરીકે જુએ છે, તો અમુક એને પર્યાવરણની કટોકટી વિશેની ફિલ્મ તરીકે મૂલવે છે. નોઆહની કથા પરથી 'ઈવાન ઓલમાઈટી' નામની મોડર્ન સેટઅપમાં બનેલી કોમેડી ફિલ્મ તમે કદાચ જોઈ હશે. આ ફિલ્મ જોકે ફ્લોપ થઈ હતી. 'નોઆહ'ની ખૂબ તારીફ થઈ છે, થોડી ઘણી ટીકા અને વિવાદ પણ થયાં છે, પણ એક વાત સૌએ સ્વીકારવી પડી છે કે ડેરેન અરોનોફ્સ્કી એક સુપર ટેલેન્ટેડ વર્સેટાઈલ ફિલ્મમેકર છે.

Darren Aronofsky with Russel Crow on the set of Noah

૪૫ વર્ષીય ડેરેન અરોનોફ્સ્કીએ ફિલ્મ સ્કૂલમાં રીતસર ફિલ્મમેકિંગની ટ્રેનિંગ લીધી છે. એમની પહેલી જ ફિલ્મ 'પાઈ'એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એમણે બનાવેલી છએ છ ફિલ્મોમાં તેમની નિશ્ચિત સિનેમેટિક લેંગ્વેજ અને ખુદની પર્સનાલિટીની સજ્જડ છાપ દેખાય છે. કોઈ ડિરેક્ટરની કરિયરની પહેલી છ ફિલ્મોમાં કામ કરનાર ચચ્ચાર એક્ટરો ઓસ્કર નોમિનેશન સુધી પહોંચી જાય એટલે દુનિયાભરના અદાકારો તેમના તરફ સ્વાભાવિકપણે આકર્ષાવાના. આ ચાર એક્ટર્સ એટલે એલને બર્સ્ટીન ('રિક્વિમ ફોર અ ડ્રીમ'માટે), મિકી રુર્કી અને મારીઆ ટોમેઈ (બન્નેને 'ધ રેસ્લર' માટે) અને નેટલી પોર્ટમેન ('બ્લેક સ્વાન' માટે). નેટલી તો ૨૦૧૦માં બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર જીતી ગઈ હતી.
ડેરેન અરોનોફ્સ્કીનાં પાત્રોમાં કોઈ ને કોઈ વાતનું લગભગ પાગલપણાની કક્ષાનું ઓબ્સેશન હોય છે. આ પાત્રો સતત કશાકની શોધમાં હોય છે. 'પાઈ'ના નાયકને બ્રહ્માંડનો ભેદ શોધવો છે, 'ધ ફાઉન્ટન'માં ભૂતકાળ અને ભવિષ્યકાળને જીવતાં કરવાની મથામણ છે, 'રિક્વિમ ફોર ધ ડ્રીમ'માં પાત્રો એવા યુટોપિયાની શોધમાં છે કે જ્યાં ફક્ત સુખ અને ખુશાલી હોય, જ્યારે 'બ્લેક સ્વાન'ની નેટલી પોતાની ક્રિએટિવિટીના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને પોતાના નૃત્યમાં પરફેક્શન શોધે છે.

Derren Aronofsky with Natalie Portman on the sets of Black Swan 

ડેરેન લખી લખીને ફિલ્મમેકર બન્યા છે. 'નોઆહ' સાથે સંકળાયેલો એક સરસ કિસ્સો ડેરેન એક ઇન્ટરવ્યૂ દરમિયાન યાદ કરે છે, "હું સ્કૂલમાં હતો ત્યારે મારાં એક ટીચર હતાં, મિસિસ Vera Fried નામનાં. મારા પર એમની ખૂબ અસર છે. મને યાદ છે, સાતમા ધોરણમાં હતો ત્યારે એક વાર ક્લાસમાં આવીને એમણે કહ્યું: છોકરાંવ, નોટ કાઢો, પેન લો અને 'શાંતિ' વિષય પર એક કવિતા લખો. મને શું સૂઝ્યું કે મેં નોઆહ વિશે કવિતા લખી. પછી ખબર પડી કે યુનાઈટેડ નેશન્સે યોજેલી કોઈ સ્પર્ધાના ભાગરૂપે ટીચરે અમારી પાસે આ લખાવ્યું છે. જોગાનુજોગ હું એમાં ફર્સ્ટ આવ્યો. પછી મેં યુનાઈટેડ નેશન્સના ઓડિટોરિયમમાં એનું પઠન પણ કર્યું. ટીચરે તે વખતે કહેલું: વેરી ગૂડ, ડેરેન. મોટો થઈને તું લેખક બને ત્યારે તારી પહેલી ચોપડી મને અર્પણ કરજે."
બાર-તેર વર્ષના છોકરા માટે આ બહુ મોટી વાત કહેવાય. એ માંડયો કવિતાઓ અને વાર્તાઓ લખવા. એમના હાથમાંથી કલમ અને કી-બોર્ડ એ પછી ક્યારેય ન છૂટયાં. મોટા થઈને ફિલ્મડિરેક્ટર-રાઇટર બન્યા બાદ 'નોઆહ' પર કામ કરવાનું શરૂ થયું ત્યારે ડેરેનને સ્ક્રિપ્ટ પરથી ગ્રાફિક નોવેલ બનાવવાનો વિચાર આવ્યો. પોતાનાં ટીચરે કહેલી વાત યાદ કરીને ડેરેને નક્કી કરી લીધું કે આ ગ્રાફિક નોવેલ હું ખરેખર મિસિસ ફ્રીડને અર્પણ કરીશ. સવાલ એ હતો કે આટલાં વર્ષો પછી હવે એને શોધવાં ક્યાં? ડેરેનનાં મમ્મી નિવૃત્ત ટીચર છે. એમણે પોતાનાં સંપર્કો કામે લગાડીને રિટાયરમેન્ટ માણી રહેલાં મિસિસ ફ્રીડને શોધી કાઢયાં. પોતાનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ, જે હવે સેલિબ્રિટી ફિલ્મમેકર બની ગયો હતો, તેણે આ રીતે યાદ કર્યાં એટલે ટીચર રાજીના રેડ થઈ ગયાં.

With school teacher Vera Fried

"ટીચરને પછી અમે 'નોઆહ'ના સેટ પર પણ ખાસ તેડાવ્યાં હતાં," ડેરેન કહે છે, "ત્યાં સૌની વચ્ચે પેલી ગ્રાફિક નોવેલ તેમને અર્પણ કરી. એટલું જ નહીં, રસેલ ક્રો સાથે એક સીન પણ કરાવ્યો. ટીચરને અમે એક આંખવાળી ચુડેલનો રોલ આપ્યો છે. ફિલ્મમાં આ સીન છે!"
આ અનુભવ પછી મિસિસ ફ્રીડનું આયુષ્ય નક્કી એક વર્ષ વધી જવાનું એ તો નક્કી! એ હવે હરખાઈને સૌને કહે છે કે જે છોકરાને મેં સ્કૂલમાં ભણાવ્યો હતો એણે મને બિગ બજેટ ફિલ્મમાં આવડા મોટા હીરો સાથે એક્ટિંગ કરવાની તક આપીને મારી જિંદગી સુધારી નાખી! "હકીકત એ છે કે મિસિસ ફ્રીડે મારી લાઇફ બનાવી છે," ડેરેન કહે છે, "તે દિવસે જો એમણે મારી પાસે નોઆહની કવિતા લખાવી ન હોત અને પ્રોત્સાહન આપીને લખતો કર્યો ન હોત તો હું કદાચ ફિલ્મમેકર બન્યો ન હોત!"


Darren directing his school teacher Vera Fried on the set of Noah

નાનપણમાં તીવ્રતાથી ઝિલાયેલા સંસ્કારો આખા જીવનનો નકશો ઘડી નાખતા હોય છે. ડેરેનની મોટી બહેન હાઈસ્કૂલમાં ભણતી હતી ત્યારે બેલે ડાન્સિંગના ક્લાસ કરતી. નાનકડો ડેરેન જોતો કે બહેન આમાં ખૂબ મહેનત કરી રહી છે. થોડાં વર્ષ પછી જોકે એણે બેલેના ક્લાસમાં જવાનું બંધ કરી દીધું, પણ ડેરેનના મનના કોઈક ખૂણે બહેનનો ડાન્સ, પગની આંગળીઓની ટોચ પર આખું શરીર ઊંચકીને થતી કલાત્મક અંગભંગિમાઓ, એ માહોલ વગેરે અંકિત થઈ ગયું હતું. આ બધું 'બ્લેક સ્વાન'માં કમાલની ખૂબસૂરતીથી બહાર આવ્યું. આ અદ્ભુત ફિલ્મને બેસ્ટ ડિરેક્શન સહિતનાં પાંચ-પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં. અગાઉ નોંધ્યું છે તેમ, દિમાગ ચકરાવી મૂકે એવું ગજબનાક પરફોર્મન્સ આપીને નેટલી પોર્ટમેન બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગઈ. ડેરેને નાનપણમાં બહેનને બેલે ડાન્સિંગ કરતાં જોઈ ન હોત તો કદાચ આવી યાદગાર ફિલ્મ બનાવી શક્યા હોત કે કેમ તે સવાલ છે.
દિમાગના પટારામાંથી બાળપણની કઈ સ્મૃતિ કેવી રીતે બહાર આવશે ને કેવો ચમત્કાર કરી દેખાડશે એની આપણને ક્યાં ખબર હોય છે!
શો-સ્ટોપર

"જિંદગી જીવવાની દિશા આપણા પેશન તરફની હોવી જોઈએ. આ રીતે જીવવાથી બીજાઓને દોષ દેવાનો વારો નથી આવતો,કેમ કે સારું-ખરાબ જે કંઈ પરિણામ આવે તે માટે જવાબદાર આપણે જ હોઈએ છીએ. સો જસ્ટ ફોલો યોર પેશન!"
- ડેરેન અરોનોફ્સ્કી

Friday, April 11, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ: ફિલ્મ ૬૮ : અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર : મૈં તો દીવાની...

Mumbai Samachar - Matinee - 11 April 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ


હિંસક શેડ્ઝ ધરાવતાં રફ પુરુષ પાત્રો હોલીવૂડના પડદા પર અગાઉ ઘણાં આવેલાં, પણ એક્ટરો જાણે ડરતા ડરતા, બ્રેક મારી મારીને, સાચવી સાચવીને અભિનય કરતા. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં કરેલા માર્લોેન બ્રાન્ડોના બિન્ધાસ્ત, રૉ, આગની જ્વાળા જેવો હિંસક અને પ્રામાણિક અભિનયે એક નવી શૈલી, નવો પ્રવાહ પેદા કર્યો. બ્રાન્ડોના ચાહકો માટે આ ફિલ્મ મસ્ટ-સી છે.

ફિલ્મ ૬૮ : અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર





અભિનય, ડિરેક્શન યા તો સિનેમાનાં બીજા કોઈ પણ પાસાં પર સજ્જડ છાપ છોડી જતી અને નવો પ્રવાહ પેદા કરી શકતી ફિલ્મો હંમેશાં મૂઠી ઊંચેરી હોવાની. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ આ કક્ષાની ફિલ્મ છે, જેમાં માર્લોેન બ્રાન્ડોએ અભિનયની નવી ભાષા દુનિયા સામે મૂકી. 

ફિલ્મમાં શું છે?

અમેરિકાના ન્યુ ઓર્લિઓન્સની આ વાત છે. ફિલ્મની શરૂઆતમાં જ ભરજુવાની વટાવી ચુકેલી એક મધ્યવયસ્ક સ્ત્રી રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઊતરે છે. એનું નામ બ્લાન્ચ (વિવિઅલ લી) છે. પ્રમાણમાં ગ્લેમરસ કહી શકાય તેવાં કપડાં પહેર્યાં છે. થોડી ગભરાયેલી દેખાય છે. એક ટેક્સીવાળાને કાગળની ચબરખીમાં લખેલું સરનામું બતાવે છે. પેલો કહે છે: સામે એક ટ્રામ (સ્ટ્રીટકાર) આવશે. એના પર ‘ડિઝાયર’ (સ્ટેશનનું નામ) લખ્યું હશે. તેમાં ચડી જજો. સરનામું બ્લાન્ચની નાની બહેન સ્ટેલા (કિમ હન્ટર)નું છે. મોટી બેગ ઊંચકીને બ્લાન્ચ એના ઘરે પહોંચે છે. નિમ્ન મધ્યમવર્ગીય વસ્તીમાં બે માળના બેઠા ઘાટના મકાનમાં ઉપલા માળે મકાનમાલિક અને ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેલા એના વર સાથે રહે છે. બ્લાન્ચને થાય છે કે અરેરે, મારી બેનનું ઘર સાવ આવું? 



બન્ને બહેનો વર્ષો પછી મળી હતી એટલે સ્ટેલા બ્લાન્ચને જોઈને રાજી રાજી થઈ જાય છે. સ્ટેલાનો પતિ સ્ટેન્લી (માર્લોેન બ્રાન્ડો) સ્વભાવનો માથા ફરેલો આદમી છે. શાલીનતા, સભ્ય વ્યવહાર, સ્ત્રીઓનું સન્માન આવું બધું એ શીખ્યો જ નથી. વાત વાતમાં એની કમાન છટકે. ચીજવસ્તુઓના છુટ્ટા ઘા કરે. પત્ની પર હાથ પણ ઉપાડી લે. સ્ટેલા રડતી કકળતી ઉપર મકાનમાલિક મહિલા પાસે જતી રહે. સ્ટેન્લી જંગલી છે, સોફિસ્ટિકેશન સાથે એને કોઈ લેવાદેવા નથી, પણ એના વ્યક્તિત્વમાં એક ગજબની ચુંબકીય આભા અને કામુક આકર્ષણ છે. સ્ટેલા સાથે એ જનાવરની જેમ વર્તશે, પણ પછી ગુસ્સો ઊતરતાં હિબકાં ભરવાં લાગશે, સ્ટેલાની માફી માગશે. વારે વારે બાખડતાં રહેતાં પતિ-પત્નીને એકબીજા વગર ચાલતું નથી. એકમેક પ્રત્યે અદમ્ય ખેંચાણ હોવાથી તેમના ઝઘડાનો અંત હંમેશાં ‘ગ્રેટ સેક્સ’માં આવે છે. 

સ્ટેલા વરને વિનંતી કરે છે કે તું પ્લીઝ મારી બહેન સાથે સારી રીતે વર્તજે, બિચારીનું મારા સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. સ્ટેન્લીને કુતૂહલ છે કે બ્લાન્ચનું ચક્કર શું છે? ધીમે ધીમે બ્લાન્ચની કુંડળી ખૂલતી જાય છે. બન્ને બહેનોને વારસામાં પુષ્કળ જમીન અને ખેતવાડી મળી હતી, પણ કોઈક કારણસર બધી પ્રોપર્ટી બ્લાન્ચના હાથમાંથી જતી રહી છે. સ્ટેન્લીને શંકા છે કે બ્લાન્ચ ખોટું બોલે છે. એ બધા પૈસા દબાવીને બેઠી છે. બ્લાન્ચનાં લગ્ન નાની ઉંમરે થઈ ગયાં હતાં, પણ એના વરની મર્દાનગી ઓછી પડી. બ્લાન્ચનાં મેણાંટોણાંથી ત્રાસીને એણે સાવ કાચી ઉંમરે આત્મહત્યા કરી નાખી હતી. સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી બ્લાન્ચે પછી કેટલાય પુરુષો સાથે સંબંધ બાંધ્યા. હદ ત્યારે થઈ જ્યારે એણે પોતાના જ સત્તર વર્ષના વિદ્યાર્થી પર નજર બગાડી. એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી. આથી તેણે બહેન સ્ટેલાના ઘરે કાયમી ધોરણે ધામા નાખ્યા હતા. 



સ્ટેન્લીને પત્તાં રમવાનો શોખ છે. એના ઘરે જુગાર રમવા આવતા દોસ્તારોમાં એક મિચ (કાર્લ માલ્ડન) પણ છે. બીજાઓની તુલનામાં એ જરા જેન્ટલમેન છે. બ્લાન્ચ અને મિચ એકમેક પ્રત્યે આકર્ષાય છે, પણ એમની લવસ્ટોરી આગળ વધતા પહેલાં જ ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે. મિચના કાને બ્લેન્ચના કેરેક્ટર વિશે જાતજાતની વાતો પડે છે. એ બ્લાન્ચને રિજેક્ટ કરીને જતો રહે છે. બ્લાન્ચની માનસિક સ્થિતિ ક્રમશ: વધારે ને વધારે બગડતી જાય છે. એના પોતાના વિશેના ભ્રમ વધારે તીવ્ર બનતા જાય છે. સ્ટેન્લી એને સતત અપમાનિત કરતો રહે છે. પ્રેગનન્ટ સ્ટેલાને વેણ ઊપડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ડિલીવરી બીજા દિવસે થવાની છે એટલે સ્ટેન્લી રાત્રે ઘરે આવતો રહે છે. ઘરમાં એ અને બ્લાન્ચ એકલાં છે. જે વાતનો ડર હતો તે થઈને રહે છે. બ્લાન્ચ ખુદને બચાવવાની ખૂબ કોશિશ કરે છે, પણ સ્ટેન્લી પર હેવાનિયત સવાર થઈ છે. 

પછી શું થાય છે? બ્લાન્ચનું આખરે શું થયું? સ્ટેલાને જ્યારે ખબર પડે છે કે એના વરે પોતાની સગી બહેન પર બળાત્કાર કર્યો છે ત્યારે એની શી પ્રતિક્રિયા આવે છે? હજુય એ પતિને પ્રેમ કરતી રહે છે? હવે બાળક જન્મી ગયું હોવાથી એણે લાચાર થઈને ઘરસંસાર ચલાવતા રહેવું પડે છે? કે પછી, એનામાં પતિને છોડવાની હિંમત આવે છે?

કથા પહેલાંની અને પછીની

‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ મૂળ તો પુલિત્ઝર પ્રાઈઝ વિનિંગ નાટક. બ્રોડવે પર એલિયા કાઝને તે ડિરેક્ટ કરેલું. ડિસેમ્બર ૧૯૪૭માં તે ઓપન થયું પછી તેના ૮૫૫ શોઝ થયા હતા. નાટકના શુભારંંભના ચાર વર્ષ બાદ એના પરથી ફિલ્મ બની. સામાન્યપણે નાટક પરથી ફિલ્મ બને ત્યારે બધ્ધેબધ્ધા કલાકારો બદલી જતા હોય છે, પણ ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ નાટકના નવ કલાકારોેને સીધા કાસ્ટ કરી લેવામાં આવ્યા હતા. ડિરેક્ટર એલિયા કાઝન પણ એ જ. આવું ભાગ્યે જ બનતું હોય છે. માર્લોેન બ્રાન્ડો, કિમ હન્ટર અને કાર્લ માલ્ડન ત્રણેયે નાટકમાં પણ અનુક્રમે સ્ટેન્લી, સ્ટેલા અને મિચની ભૂમિકાઓ કરેલી. 



બ્લાન્ચની ભૂમિકા માટે વિવિઅન લીની વરણી કરવામાં આવી, કારણ કે ફિલ્મમાં કમસે કમ એક સ્ટાર એટ્રેક્શન તો હોવું જોઈએ. સુપરહિટ ‘ગોન વિથ ધ વિન્ડ’માં સ્કારલેટ ઓ’ હારાનો રોલ નિભાવીને વિવિયન લી મોટી હસ્તી બની ગઈ હતી. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’થી એ સાવ અજાણી પણ નહોતી. નાટકના લંડનમાં શો થયેલા ત્યારે બ્લાન્ચનું પાત્ર સ્ટેજ પર વિવિયન લીએ જ ભજવેલું. નાટકનું ડિરેક્શન એના તે વખતના પતિ લોરેન્સ ઓલિવિઅરે કરેલું. વિવિયને વર્ષો પછી સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એલિયા કાઝને ફિલ્મના શૂટિંગ દરમિયાન ડિરેક્શન આપેલું એના કરતાં મારા એક્સ-હસબન્ડનું નાટકનું ડિરેક્શન મને વધારે ઉપયોગી બન્યું હતું. વિવિયન લી અસલી જીવનમાં બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બની હતી અને શૂટિંગ વખતે ઘણી વાર રીલ અને રિઅલ વચ્ચેનો ભેદ ભૂલી જતી એવું કહેવાય છે. 



આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ બની રહી હતી ત્યારે માર્લોેન બ્રાન્ડો હજુ માર્લોન બ્રાન્ડો નહોતા બન્યા. તેથી જ ક્રેડિટમાં એમનું નામ વિવિયન લી પછી મુકાયું છે. આ ફિલ્મમાં બ્રાન્ડોએ આપેલું પર્ફોેર્મન્સ હોલીવૂડના ઈતિહાસનાં સૌથી પ્રભાવશાળી પર્ફોેર્મન્સીસમાંનું એક ગણાય છે. અગાઉ હિંસક શેડ્ઝ ધરાવતાં રફ પુરુષ પાત્રો ફિલ્મી પડદા પર ઘણાં આવેલાં, પણ એક્ટરો જાણે ડરતાં ડરતાં, બ્રેક મારી મારીને, સાચવી સાચવીને અભિનય કરતા. માર્લોેન બ્રાન્ડોએ જે રીતે સ્ટેન્લીનું કિરદાર ભજવ્યું તે જોઈને સૌ ચકિત થઈ ગયા. આટલો બિન્ધાસ્ત, રૉ, આગની જ્વાળા જેવો હિંસક અને પ્રામાણિક અભિનય અગાઉ હોલીવૂડના કોઈ એક્ટરે નહોતો કર્યો. માર્લોેન બ્રાન્ડોના ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ના અભિનયે એક નવી શૈલી, નવો પ્રવાહ પેદા કર્યો. જેક નિકલસન, શૉન પેન જેવા પછીની પેઢીના એક્ટરો પર બ્રાન્ડોનાં આ પર્ફોેર્મન્સની તીવ્ર અસર છે.

વક્રતા જુઓ, આ ફિલ્મ માટે માર્લોેન બ્રાન્ડોને ઓસ્કર ન મળ્યો, પણ ફિલ્મનાં બાકીના ત્રણેય મુખ્ય અદાકાર - વિવિયન લી, કિમ હન્ટર અને કાર્લ માલ્ડન - પોતપોતાની કેટેગરીમાં ઓસ્કર તાણી ગયાં! બેસ્ટ એક્ટરનો ઓસ્કર તે વર્ષે ‘ધ આફ્રિકન ક્વીન’ માટે હમ્ફ્રી બોગર્ટને મળ્યો હતો. માર્લોેન બ્રાન્ડો જેવો સુપર એક્ટર ફિલ્મમાં હોવા છતાં ફિલ્મના બાકીના અદાકારો ઢંકાઈ જવાને બદલે એટલી જ ખૂબસૂરતીથી ઊભરી શક્યા તે રાઈટર-ડિરેક્ટરની કમાલ ગણાય. અભિનયની ચારમાંથી ત્રણ કેટેગરીના ઓસ્કર એક જ ફિલ્મના એક્ટરો જીતી ગયા હોય એવું ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં પહેલી વાર બન્યું. પછી છેક્ પચ્ચીસ વર્ષે, ૧૯૭૬માં, ‘નેટવર્ક’ ફિલ્મમાં આ સ્થિતિ રીપીટ થઈ. 



નાટક પરથી ફિલ્મ બનાવતી વખતે વાર્તામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. સૌથી પહેલો ફેરફાર એ હતો કે બ્લાન્ચના પતિને નાટકમાં હોમોસેક્સ્યુઅલ બતાવવામાં આવ્યો હતો, પણ ફિલ્મમાં આ વાત ગાળી નાખવામાં આવી છે. નાટકમાં સગી બહેન પર રેપ કરનાર પતિને સ્ટેલા છોડતી નથી. નાટકનું અંતિમ વાક્ય એવું છે કે ‘સ્ટેન્લી સ્ટેલાની બાજુમાં બેઠો અને એની આંગળીઓ સ્ટેલાનાં બ્લાઉઝનાં બટનો ખોલવા લાગી.’ ફિલ્મમાં મોરલ કોડ-ઓફ-ક્ધડક્ટની ચિંતા કરવી પડે તેમ હતી એટલે સ્ટેલા વરને છોડીને બચ્ચાં સાથે જતી રહેતી બતાવવામાં આવે છે. જોકે આ બદલાયેલા અંતને કારણે ધાર્યો પંચ આવતો નથી. મૂળ લેખક ટેનેસી વિલિયમ્સને પણ ફિલ્મ તો પસંદ પડી હતી, પણ અંત અસરહીન લાગ્યો હતો. નાટકનો એન્ડ ઘણો વધારે ધારદાર હતો.

આખી ફિલ્મનું શૂટિંગ ૩૬ દિવસમાં પૂરું થઈ ગયું હતું. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ રિલીઝ થઈ ત્યારે વિવાદો થવા સ્વાભાવિક હતા. લોકોનું, ખાસ કરીને રિવ્યુઅર્સનું કહેવું હતું કે આવાં નીતિ મૂલ્યો વિહોણાં ઘૃણાસ્પદ પાત્રોને ગ્લોરિફાય કરવાની જરૂર શી છે? પણ પાત્રો, પાત્રો છે. સિનેમા હોય કે સાહિત્ય, લોકોને માત્ર રામ-સીતા ને જિસસ ક્રાઈસ્ટ જેવાં પવિત્ર-પવિત્ર અને ડાહ્યાં ડાહ્યાં પાત્રોમાં રસ નથી હોતો. જીવનના તમામ રસ, તમામ શક્યતાઓ, તમામ પરિસ્થિતિઓ કળાકૃતિમાં ઝીલાતાં હોય છે, ઝીલાવાં જોઈએ.

સતત જકડી રાખે એવી મસ્ત ફિલ્મ છે આ. વિશ્ર્વના સર્વકાલીન મહાન અભિનેતાઓમાંના એક ગણાતા માર્લોેન બ્રાન્ડોના ચાહકો માટે તો આ ફિલ્મ મસ્ટ-સી છે.


‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : એલિયા કઝાન 

મૂળ નાટ્યલેખક : ટેનેસી વિલિયમ્સ

સ્ક્રીનપ્લે : ટેનેસી વિલિયમ્સ, ઓસ્કર સાઉલ

કલાકાર : માર્લોેન બ્રાન્ડો, વિવિઅન લી, કિમ હન્ટર, કાર્લ માલ્ડન

રિલીઝ ડેટ : ૧૮ સપ્ટેમ્બર, ૧૯૫૧

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ અને આર્ટ ડેકોરેશન માટેનાં ઓસ્કર. બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર, સ્ક્રીનપ્લે, કોસ્ચ્યુમ ડિઝાઈન, મ્યુઝિક અને સાઉન્ડ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.

0 0 0