Monday, June 30, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : ફિલ્મ ૭૭ : મેનહટન


Mumbai Samachar - Matinee - 27 June 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો


વૂડી એલન બડા એડિક્ટિવ માણસ છે. એમની ફિલ્મોને વીણી વીણીને જોવાનો રીતસર ચસકો લાગી જાય છે. રોમેન્ટિક કોમેડી બનાવવામાં એમણે મહારત હાંસલ કરી છે. વૂડીની શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામતી ‘મેનહટન’માં પ્રેમના રમૂજી શેડ્ઝ ઉપરાંત એકલતા અને અધૂરપની લાગણી પણ સરસ ઊભરી છે.

 ફિલ્મ 78 : મેનહટનમૈંને પ્યાર ક્યૂં કિયા?


વૂડી એલનની ‘ઍની હૉલ’ ફિલ્મ વિશે આપણે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. પ્રચુર માત્રામાં ફિલ્મો બનાવતા આ વિચક્ષણ અમેરિકન ફિલ્મમેકરની ઑર એક ક્લાસિક અને જલસો પડી જાય તેવી ફિલ્મ વિશે આજે વાત કરીએ.

ફિલ્મમાં શું છે?

પાક્કો ન્યૂયોર્કવાસી આઈઝેક ડેવિસ (વૂડી એલન) ફિલ્મનો મુખ્ય નાયક છે. ટીવી પર કોમેડી સિરિયલો લખે છે. ટિપિકલ વૂડી એલન ફિલ્મોની જેમ આમાં પણ નાયકને ખૂબ બોલવાની, સતત બોલતા રહેવાની આદત છે. ૪૨ વર્ષની ઉંમરમાં એના બબ્બે વાર ડિવોર્સ થઈ ચૂક્યા છે. એક સંતાન પણ છે જે પહેલી પત્નીની સાથે રહે છે. બીજી પત્ની જિલ (મેરિલ સ્ટ્રીપ) ઓચિંતા લેસ્બિયન નીકળી.

પોતાની પ્રેમિકા ખાતર એણે આઈઝેકને છોડી દીધો છે. આટલું જાણે ઓછું હોય તેમ જિલ એક આત્મકથનાત્મક પુસ્તક લખી રહી છે, જેનું ટાઈટલ રાખ્યું છે - ‘મેરેજ, ડિવોર્સ એન્ડ સેલ્ફહૂડ’. એમાં એ આઈઝેક સાથેની સેક્સલાઈફ સહિતની બધ્ધેબધ્ધી વાતોના વટાણા વેરી દેવાની છે. આઈઝેક એને બહુ સમજાવે છે કે તું આપણી, ખાસ તો મારી પર્સનલ લાઈફના આમ જાહેરમાં ઘજાગરા કરવાનુું રહેવા દે, પણ જિલ સાંભળે તોને.

                                            શું બબ્બે ડિવોર્સ પછી આઈઝેક હવે સંબંધોથી દૂર રહે છે? ના રે ના. એને ટ્રેસી (મેરીલ હેમિંગ્વે) નામની સરસ મજાની ગર્લફ્રેન્ડ પણ છે જે એના કરતાં પચ્ચીસ વર્ષ નાની છે. સત્તર વર્ષની ટ્રેસી હજુ તો હાઈસ્કૂલમાં ભણે છે. એવું નથી કે આઈઝેક એના ભોળપણનો ગેરલાભ ઉઠાવી રહ્યો છે. એ સતત ટ્રેસીને કહ્યા કરે છે કે તું તારી ઉંમરના છોકરાઓ સાથે હર-ફર, એમની સાથે દોસ્તી કર, તને લંડનની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લેવામાં રસ છે તો એમ કર, કારણ કે આપણી રિલેશનશિપનું કોઈ ભવિષ્ય નથી. જોકે ટ્રેસી આ સંબંધમાં બહુ ખુશ છે. એને બીજા છોકરાઓમાં રસ લેવાની જરાય જરૂર લાગતી નથી.

આઈઝેકનો એક પ્રોફેસર દોસ્ત છે, યેલ (માઈકલ મર્ફી). બન્ને બાળપણના મિત્રો છે. યેલને એમિલી નામની સુંદર અને સમજદાર પત્ની છે, છતાંય એ મેરી (ડિએન કીટન) નામની ડિવોર્સી સાથે એકસ્ટ્રામેરિટલ અફેર ચલાવે છે. મેરીની પહેલાં પણ એ બીજી મહિલાઓ સાથે લફરાં કરી ચૂક્યો છે. એમિલી પતિનાં કારનામાં જાણે છે, પણ કોમ્પ્રોમાઈઝ કરીને લગ્નજીવન ટકાવી રાખવામાં એને ખાસ કંઈ વાંધો નથી.

                                             
એક વાર આઈઝેક-ટ્રેસી અને યેલ-મેરી કશેક આકસ્મિકપણે ભેગાં થઈ જાય છે. મેરી એક નંબરની સ્યુડો-ઈન્ટેલેક્ચ્યુઅલ મહિલા છે. એ સાહિત્ય, કળા, ફિલોસોફી અને ઈતિહાસની ઊંચી ઊંચી, અઘરી અઘરી અને માથામેળ વગરની વાતો કર્યા કરશે. આઈઝેક એનાથી કંટાળી જાય છે. એ પોતાની ટીનેજ ગર્લફ્રેન્ડને કહે છે પણ ખરો કે યેલ કાયમ આવી વિચિત્ર બાઈઓ તરફ જ શા માટે એટ્રેક્ટ થતો હશે?

આઈઝેક ચક્રમ જેવી કોમેડી સિરિયલો લખીને ત્રાસી ગયો છે. એક વાર તોરમાં આવીને એ નોકરી છોડી દે છે. આ બાજુ શાદીશુદા યેલ પોતાની પ્રેમિકા સાથે બ્રેક-અપ કરી લે છે. એ આઈઝેકને કહે છે કે મેરી સાથે હવે મારે કોઈ સંબંધ નથી, તું શું કામ એની સાથે દોસ્તી કરતો નથી? મેરીને તારા માટે માન છે. આઈઝેક અને મેરી ધીમે ધીમે હળવામળવાનું શરુ કરે છે.

મેરી ફર્સ્ટ ઈમ્પ્રેશન જરાય સારી નહોતી પડી, પણ પછી ધીમે ધીમે દોસ્તી થતી જાય છે. આઈઝેક એની સાથે કલાકો સુધી નોનસ્ટોપ વાતો કરતો રહે છે. મેરી સાથે રિલેશનશિપ આગળ વધારી શકાય છે એવું લાગતા એ ટીનેજ ટ્રેસીને એક વાર નિખાલસતાપૂર્વક કહી દે છે કે મારી લાઈફમાં હવે કોઈક છે. આપણે હવે સંંબંધ પર પૂર્ણવિરામ મૂકીએ. ટ્રેસી રડી પડે છે. આઈઝેક એને સમજાવે છે કે તને શરૂઆતમાં અઘરું લાગશે, પણ તું દુનિયા એક્સપ્લોર કરીશ એટલે એટલા સરસ-સરસ લોકો મળશે કે તું મને જરાય મિસ નહીં કરે.

                                              મેરી હવે આઈઝેકની સાથે રહેવા લાગે છે. મેરી એકાદ વાર ચેતવે પણ છે કે હું ડિફિકલ્ટ સ્ત્રી છું, મારી સાથે રિલેશનશિપ બાંધવી સહેલી નથી. એક વાર યેલ એકાએક મેરીને ફોન કરે છે: મારે તને મળવું છે. યેલ અને મેરી બન્નેને હવે લાગે છે કે આપણે બ્રેકઅપ કરીને ખોટું કરી નાંખ્યું, આપણે તો હજુય એકબીજાના પ્રેમમાં છીએ. મેરી આઈઝેકને સાચેસાચું કહી દે છે. આઈઝેકને ઝટકો લાગે છે. એ યેલ સાથે ઝઘડી પડે છે. યેલ કહે છે: પણ મેરી તારા પહેલાં મારી ગર્લફ્રેન્ડ છે, એની સાથે તારી ઓળખાણ મેં જ તો કરાવી હતી!

તરછોડાયેલા આઈઝેકને પાછી પોતાની ટીનેજ ગર્લફ્રેન્ડ સાંભરે છે. એને થાય છે કે ટ્રેસી જ બેસ્ટ છે. એને અળગી કરીને મેં ભયંકર ભૂલ કરી નાખી છે. એ ગાંડાની જેમ દોડતો દોડતો ટ્રેસીના ઘરે જાય છે. એ હવે અઢાર વર્ષની થઈ ગઈ છે. ટ્રેસી બેગબિસ્તરાં સાથે ટેક્સીમાં બેસીને એરપોર્ટ તરફ રવાના થાય એટલી જ વાર છે. આઈઝેક ઘાંઘો થઈને કહે છે કે આઈ એમ સોરી. તું પ્લીઝ, લંડન જવાનું માંડી વાળ. ટ્રેસી કહે છે: પણ મેં ઓલરેડી એડમિશન લઈ લીધું છે, લંડનમાં ભાડાનું મકાન નક્કી કરી નાંખ્યું છે... અને હું ક્યાં કાયમ માટે લંડન જઈ રહી છું. છ મહિનામાં તો પાછી આવી જઈશ. આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈએ તો છ મહિના દૂર રહેવાથી શું ખાટુંમોળું થઈ જશે? આઈઝેક કહે છે: ના ના, છ મહિનામાં તો ઘણું બધું થઈ શકે છે. તું કેટલાય જુવાનિયાઓના સંપર્કમાં આવીશ, એક્ટરોને મળીશ, ડિરેક્ટરોને મળીશ. ટ્રેસી કહે છે: હું કરપ્ટ નહીં થાઉં... અને તારે માણસો પર ભરોસો કરતાં શીખવું પડશે, આઈઝેક.

ટ્રેસી લંડન જતી રહે છે. અનિશ્ર્ચિતતા અને અસલામતી વચ્ચે આઈઝેક પાછો એકલોઅટૂલો થઈ જાય છે...

કથા પહેલાંની અને પછીની


જે ફિલ્મ બનાવીને એના ડિરેક્ટર-રાઈટરને ભયંકર અસંતોષ રહી ગયો હોય અને ફિલ્મ બહુ જ ખરાબ બની છે એવું પોતે દૃઢપણે માનતા હોય તે જ ફિલ્મ આગળ જતાં ઓલટાઈમ ગ્રેડ ફિલ્મોની જુદી જુદી સૂચિઓમાં સ્થાન પામે, એવું બને? ચોક્કસ બને.‘મેનહટન’ના કિસ્સામાં આવું જ થયું છે. ૧૯૭૭માં ‘ઍની હૉલ’ નામની ઓસ્કરવિનિંગ ફિલ્મ બનાવી ચૂકેલા વૂડી એલને બે વર્ષ પછી ‘મેનહટન’ બનાવી. આ ફિલ્મથી તેઓ એટલા અસંતુષ્ટ હતા કે એમણે યુનાઈટેડ આર્ટિસ્ટ્સ સ્ટુડિયોના માલિકોને કહી દીધું હતું કે તમે આ ફિલ્મને રિલીઝ કર્યા વિના માળિયે ચડાવી દો, આના બદલામાં હું તમને બીજી કોઈ સારી ફિલ્મ મફતમાં ડિરેક્ટ કરી આપીશ! મજા જુઓ. વૂડીની ખુદની સૌથી અપ્રિય ફિલ્મ બોક્સઓફિસ પર સૌથી વધારે સફળ થઈ. વર્ષો સુધી વૂડી કહેતા રહ્યા કે મને હજુય સમજાતું નથી કે ‘મેનહટન’ કેવી રીતે ચાલી ગઈ!


                                            


વૂડી એલન નખશિખ ન્યૂયોર્કપ્રેમી માણસ છે. તેઓ પોતાના ફેવરિટ શહેરને એકદમ ક્લાસી રીતે શૂટ કરવા માગતા હોવાથી ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં શૂટ કરવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં ન્યૂયોર્કના કેટલાંય લેન્ડમાર્કસનો લોકેશન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ રિલીઝ થઈ પછી ૧૭ વર્ષની છોકરીને પોતાના બાપની ઉંમરના પુરુષના પ્રેમમાં પડેલી દેખાડી છે તે બદલ થોડીઘણી ટીકા જરૂર થઈ હતી. ‘ઍની હૉલ’ દરમિયાન વૂડી એલન અસલી જીવનમાં સ્ટેસી નેલકીન નામની ટીનેજ એક્ટ્રેસના પ્રેમમાં પડી ચૂક્યા હતા. એ બન્ને વચ્ચે પણ પચ્ચીસ વર્ષનો ગાળો હતો. તેમનો રોમાન્સ બે વર્ષ ટકેલો. ટ્રેસીનું પાત્ર આ સ્ટેસી પરથી જ આવ્યું છે. ટ્રેસીની ભૂમિકામાં વૂડીની ઈચ્છા જુડી ફોસ્ટરને લેવાની હતી, પણ આખરે મેરીલ હેમિંગ્વે નામની ટીનેજ એક્ટ્રેસને કાસ્ટ કરવી પડી. તરુણી હોવા છતાં મોટેરાઓ કરતાં વધારે મેચ્યોરિટી અને ઊંડાણ ધરાવતી ટ્રેસીનું પાત્ર મેરીલે બહુ જ સહજતાથી ભજવ્યું છે. તેથી જ તો એ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગઈ. એ વર્ષે બેસ્ટ એકટ્રેસનો એવૉર્ડ મેરિલ સ્ટ્રીપને ‘ક્રેમર વર્સસ ક્રેમર’ માટે મળ્યો હતો. મેરિલે ‘મેનહટન’માં વૂડીની લેસ્બિયન એક્સ-વાઈફનો રોલ પણ કર્યો છે. જોકે આમાં એણે અભિનયના કોઈ અજવાળાં પાથરવાના નહોતા. એના ભાગે ચારેક સીન માંડ આવ્યાં છે. ૧૯૭૯માં મેરિલ સ્ટ્રીપની એક ઑર ફિલ્મ રિલીઝ થઈ હતી- ‘ધ સિડક્શન ઓફ જા ટાઈનેન’. મેરી બનેલી ડિએન કીટન સાથે વૂડીએ કુલ આઠ ફિલ્મો કરી છે. વૂડી એલન બધી ફિલ્મોમાં વૂડી એલન જ હોય છે અને તેઓ દર વખતે એકનું એક પાત્ર ભજવ્યા કરે છે એવું હંમેશાં કહેવાતું રહ્યું છે. વાતમાં તથ્ય છે. રાઈટર-એક્ટર વૂડી એલનમાં આંખો ચાર થઈ જાય એવી વર્સેેટાલિટી નથી જ. છતાંય સ્ક્રીન પર વૂડીને જોવાનો ક્યારેય કંટાળો આવતો નથી. બલકે, એમનું બંધાણ થઈ જાય છે. અમિતાભ બચ્ચનને વર્ષો સુધી એન્ગ્રી યંગ મેનના અવતારમાં જોઈને આપણે થાકતા નહોતા, એમ.

                                           વૂડી એલન આ ફિલ્મને પોતાની આગલી ફિલ્મો ‘ઍની હૉલ’ અને ‘ઈન્ટીરિઅર્સ’ની ભેળપુરી જેવી ગણાવે છે. ભેળપુરી ખરેખર ખૂબ ટેસ્ટી છે. ક્યારેક ખડખડાટ હસાવી દે તો ક્યારેક મરકાવી દે તેવા મસ્તમજાના ડાયલોગ્ઝ અને સ્માર્ટ વનલાઈનર્સ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે (ફિલ્મ જોતી વખતે સબટાઈટલ્સનું ઓપ્શન ઑન રાખવાનું છે). ફિલ્મના પ્લોટ પરથી ધારો કે બોક્સઓફિસ પર ચાલે એવી કોમેડી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી થાય અને ડિરેકશન અનીસ બઝમી પ્રકારના મેકરને સોંપવામાં આવે તો તે કેવી બને? મોટે ભાગે તો સ્થૂળ અને વાહિયાત. વૂડીએ ‘મેનહટન’માં ઝીણું નક્શીકામ કર્યું છે. તે માત્ર ટાઈમપાસ રોમેન્ટિક-કોમેડી બનીને અટકી જતી નથી. એમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ અને લાક્ષણિકતાઓ ભારે ખૂબસૂરતીથી ઝિલાઈ છે. અહીં પ્રેમ કરતાં ખાસ તો એકલતા અને અધૂરપની વાત છે. ફિલ્મ નથી ક્યારેય સેન્ટિમેન્ટલ બનતી કે નથી કોમિક દૃશ્યોમાં ક્યારેય લાઉડ બનતી. વળી, ન્યાયાધીશ બનીને નૈતિક મૂલ્યો વિશે કોઈ ઉપદેશ આપવાની ચેષ્ટા પણ થઈ નથી.

ફિલ્મ ન જોઈ હોય તો ખાસ જોજો. અગાઉ કહ્યું તેમ, વૂડી એલન એડિક્ટિવ છે. ‘મેનહટન’ જોયા પછી તમે વૂડી એલનની બીજી ફિલ્મોને વીણી વીણીને જોવાનો ચસકો લાગી જાય તો કહેતા નહીં કે અમે તમને ચેતવ્યા નહોતા!


‘મેનહટન’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્શન : વૂડી એલન    સ્ક્રીનપ્લે : વૂડી એલન - માર્શલ બ્રિકમેન

કલાકાર : વૂડી એલન, ડિએન કીટન, મેરીલ હેમિંગ્વે, માઈકલ

મર્ફી, મેરિલ સ્ટ્રીપ

રિલીઝ ડેટ : ૨૫ એપ્રિલ ૧૯૭૯

મહત્ત્વના એવૉર્ડ્ઝ : બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (મેરીલ હેમિંગ્વે) માટેનો ઓસ્કર એવૉર્ડ, બેસ્ટ સ્ક્રીનપ્લે માટેનું ઓસ્કર નોમિનેશન

No comments:

Post a Comment