Friday, November 21, 2014

હોલીવૂડ હન્ડ્રેડ : Film 97 : Koker Trilogy

Mumbai Samachar - Matinee - 21 Nov 2014

હોલીવૂડ હન્ડ્રેડ - શિશિર રામાવત

અત્યંત કડક પાબંદીઓ વચ્ચે અને ડુઝ-એન્ડ-ડોન્ટ્સના જંગલ વચ્ચે પણ - કદાચ એટલે જ - અત્યંત અસરકારક અને હૃદયસ્પર્શી ફિલ્મો બનાવી શકાય છે એ ઈરાનના ડિરેક્ટર-રાઈટર અબ્બાસ કિઆરોસ્તામીએ આખી દુનિયાને શીખવ્યું છે. 

જીવન ચલને કા નામ




મે ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરવાના શોખીન છો? ઈરાનીઅન ફિલ્મો તમને પસંદ છે? તો અબ્બાસ કિઆરોસ્તામીનાં નામ અને કામથી તમે અપરિચિત નહીં હો. અબ્બાસે ઈરાન જેવા રૂઢિચુસ્ત દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્ટેટસ આપવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. ખૂબ બધી ફિલ્મો બનાવી છે એમણે. અબ્બાસની કોકર ટ્રિલોજી તરીકે મશહૂર થયેલી ત્રણ ફિલ્મોની વાત આજે એકસાથે કરવી છે. ટ્રિલોજી એટલે ત્રણ ફિલ્મોનું ઝૂમખું.

ફિલ્મોમાં શું છે?

ટ્રિલોજીની પહેલી ફિલ્મ ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ્’ઝ હોમ?’માં એક નવેક વર્ષના ક્યુટ છોકરાની વાત છે. ભોળો ભોળો અને અતિ માસૂમ એવો આ છોકરો ઉત્તર ઈરાનના કોકર નામના ગામમાં રહે છે. અહમદ (બાબેક અહમદ પૂર) એનું નામ. અહમદ પાસે એની સાથે ભણતા એક ભાઈબંધની નોટબુક પડી છે, જે પેલો ક્લાસમાં ભૂલી ગયેલો. હવે જો ભાઈબંધ આ નોટબુકમાં લેસન કર્યા વગર બીજા દિવસે નિશાળે પહોંચી જશે તો ટીચર ચોક્કસપણે ગુસ્સે થશે અને એને બહાર કાઢી મૂકશે. આવું ન થાય તે માટે નોટબુક બાજુના ગામમાં રહેતા મિત્રના ઘરે આજે જ પહોંચાડવી જરૂરી છે.

અહમદ નિકળી પડે છે. રસ્તામાં નાના-મોટા અનુભવો કરતો કરતો અહમદ ફિલ્મના એન્ડમાં દોસ્તના હાથમાં નોટબુક સોંપી દે છે. બસ, આટલી જ અમથી વાત. રસ્તામાં અહમદ સાથે જે કંઈ બને છે એ ફિલ્મનો મુખ્ય હિસ્સો છે. અહીં કશું જ ડ્રામેટિક કે આઘાતજનક બનતું નથી. સાવ નાની નાની વાતો છે. જેમ કે, સૂની શેરીમાં કૂતરાથી બચવું, કોઈ ઘરના રવેશમાંથી નીચે પડી ગયેલું સૂકું કપડું ગમે તેમ કરીને મહિલાના હાથમાં મૂકવું, વગેરે. અહમદના મા-બાપ અને વચ્ચે મળતા ગામલોકોમાંથી કોઈ એની મદદ કરવા તૈયાર નથી, છતાંય એ દોસ્ત પ્રત્યેની વફાદારી નિભાવ્યે છૂટકો માને છે. 



બીજી ફિલ્મ ‘લાઈફ, એન્ડ નથિંગ મોર...’માં ઈરાનમાં ૧૯૯૦માં આવેલા ભયાનક ભૂકંપનો સંદર્ભ લેવાયો છે. આ ધરતીકંપમાં ૩૦,૦૦૦ કરતાં વધારે માણસોએ જીવ ખોયો હતો. આ ફિલ્મ ડોક્યુમેન્ટરી સ્ટાઈલમાં બનેલી સેમી-ફિક્શન છે. આગલી ફિલ્મ ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ્’ઝ હોમ?’ના કલાકારોનું આ ધરતીકંપમાં શું થયું તે જાણવા ડિરેક્ટર (ફરહાદ ખેરદમંદ) એમને શોધવા કોકર ગામ તરફ નીકળે છે. કુદરતી વિનાશને કારણે કોકર જતા રસ્તા બંધ થઈ ગયા છે. ડિરેક્ટરનો ભેટો કેટલાય સ્થાનિક લોકોે સાથે થાય છે. સૌ એને પોતપોતના અનુભવો કહે છે અને કોકર સુધી પહોંચવામાં થાય એટલી મદદ કરે છે.

કોકરમાં એને પોતાની ફિલ્મમાં કામ કરનારો એક ઍક્ટર એમને મળી જાય છે. ધરતીકંપમાં બચી ગયેલા લોકો પાસેથી ઑર કેટલાક કિસ્સા સાંભળવા મળે છે. સદભાગ્યે પેલા નાનકડા અહમદ સાથે પણ ભેટો થાય છે. ડિરેક્ટર બેઘર બની ચૂકેલા લોકોને ટેન્ટમાં લાવે છે. અબ્બાસના દીકરાને ટીવી પર ફૂટબોલ વર્લ્ડ કપ જોવો છે. બીજા ટાબરિયા અને લોકો પણ ફૂટબોલ મેચ જોવામાં ગુલતાન થઈ જાય જાય છે. ડિરેક્ટર જુએ છે કે આટલા વિનાશ પછી પણ લોકો પોતાની વેદના ભૂલી શકે છે. એમનો જીવન જીવવાનો જુસ્સો અકબંધ છે. આ ફિલ્મમાં એક યુવક-યુવતીની સિકવન્સ પણ છે, જે હવે પછીની ત્રીજી ફિલ્મ માટેનું ટ્રિગર પોઈન્ટની બની રહે છે.

ટ્રિલોજીની અંતિમ ફિલ્મ ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’માં પેલાં કપલની વાર્તા વધારે ખૂલે છે. અહીં શરૂઆતમાં જ ડિરેક્ટર એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરે છે. એને તે કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવા માગે છે. ફિલ્મ-વિધીન-ફિલ્મની સ્ટોરી એવી છે ભયાનક ધરતીકંપ પછી સ્વજનોને ખોઈ ચૂકેલો એક યુવક અને યુવતી લગ્ન કરવાનો નિર્ણય લે છે, કેમ કે જીવન તો ચાલતું જ રહેવું જોઈએ. એક સ્થાનિક યુવાન અને યુવતીને ઍક્ટર તરીકે પસંદ કરવામાં આવે છે. યુવક હુસેન (હોસેની રેઝાઈ) આમ તો અભણ મજૂર છે, પણ એને ફિલ્મમાં એક્ટિંગ કરવાનો મોકો મળી ગયો છે. એની પ્રેમિકા બનતી યુવતી તહેરા એને ખરેખર ગમી જાય છે. તહેરા એને ટાળતી રહે છે, કેમ કે એના પર ખૂબ બધી પાબંદીઓ છે. બન્નેના ધર્મ જુદા છે ને બેયનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સાવ જુદાં છે. 



રીલ અને રિઅલ લાઈફની સેળભેળ થતી રહે છે. શૂટિંગ ચાલુ ન હોય એવા કલાકોમાં યુવક હિંમત હાર્યા વગર યુવતીનું દિલ જીતવાની કોશિશ કરે છે. ડિરેક્ટરને વાતની ખબર પડે છે. આખરે યુવતી યુવકની પ્રપોઝલનો જવાબ આપે છે. આ એક લોંગ શોટ છે. યુવતીએ પેલાનો પ્રેમ સ્વીકાર્યો કે ન સ્વીકાર્યો તેનો ઉત્તર દર્શકને મળતો નથી. આ અસ્પષ્ટતા પર ફિલ્મ પૂરી થાય છે. ટ્રિલોજી પણ.

કથા પહેલાંની અને પછીની

હિન્દી ફિલ્મોવાળા અવારનવાર સેન્સર બોર્ડ સાથે યુદ્ધે ચડતા હોય છે અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન્સના મુદ્દે આક્રમક મુદ્રા ધારણ કરતા હોય છે. કલ્પના કરો કે ઈરાન જેવા અતિ રૂઢિચુસ્ત દેશમાં ફિલ્મમેકરોના હાથ-પગ કેટલા બંધાઈ જતા હશે. છતાંય આ દેશમાં જે રીતે સિનેમાએ છેલ્લા ત્રણ દાયકામાં જે વિકાસ કર્યો છે તે અસાધારણ છે. અત્યંત કડક પાબંદીઓ વચ્ચે અને ડુઝ-એન્ડ-ડોન્ટ્સના જંગલ વચ્ચે પણ - કદાચ એટલે જ - અત્યંત અસરકારક અને હૃદયસ્પર્શી ફિલ્મો બનાવી શકાય છે એ ઈરાનના મેકરોએ આખી દુનિયાને શીખવ્યું છે. આમાં ડિરેક્ટર-રાઈટર અબ્બાસ કિઆરોસ્તામીનું નામ શિરમોર છે.

અબ્બાસ કિઆરોસ્તામીની ફિલ્મોમાં બજેટ પાંખું હોય, સ્પેશિયલ ઈફેક્ટસ કે બીજી ઝાકઝમાળનું નામોનિશાન ન હોય, પણ એની કન્દ્રિય થીમ અને વાતાવરણ એટલાં અસરકારક હોય કે સંવેદનશીલ દર્શકનું હૃદય ભીનું થયાં વગર ન રહે. આર્ટ અને કમર્શિયલના ખાનાં પાડવા જ હોય તો અબ્બાસની ફિલ્મો આર્ટ-હાઉસ સિનેમાના ખાનાંમાં સ્થાન પામે.

આ લેખમાં જેની ચર્ચા થઈ રહી છે એ ત્રણ ફિલ્મોનું ઝૂમખું દુનિયાભરમાં વખણાયું છે. આ ત્રણેય ફિલ્મોને ટ્રિલોજી ગણવાનું કામ ફિલ્મ સમીક્ષકોએ કર્યું છે, અબ્બાસે નહીં. ઈન ફેક્ટ, અબ્બાસને તો આને ટ્રિલોજી ગણવા સામે વાંધો હતો. એમનું કહેવું હતું કે આ ત્રણેય ફિલ્મોમાં કોકર ગામ સિવાય બીજું કશું કોમન નથી. જો સિરીઝ ગણવી જ હોય તો બીજી અને ત્રીજી ફિલ્મ સાથે ‘ટેસ્ટ ઓફ ચેરી’ (૧૯૯૭) નામની ફિલ્મને જોડો, કેમ કે એ ત્રણમાં જિંદગી મૂલ્યવાન છે એવો કેન્દ્રીય વિચાર કોમન છે.

નાના છોકરાવાળી ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ’ઝ હોમ?’ ફિલ્મ અબ્બાસની કરીઅરની બીજી જ ફિલ્મ છે. નિતાંત માસૂમિયત છલકે છે એમાંથી. છોકરાની મુસાફરી વાસ્તવમાં એક પ્રતીક છે. સ્વજનો અનુકૂળ ન હોય, સમાજ સાથ આપતો ન હોય છતાંય સંબંધમાં વફાદારી નિભાવવાની એટલે નિભાવવાની જ. જો ઈરાદો મજબૂત હોય તો બધું જ શક્ય છે, એવો આ ફિલ્મનો સંદેશ છે. બીજી ધરતીકંપવાળી ફિલ્મ ‘લાઈફ, એન્ડ નથિંગ મોર...’નો સંદેશ બહુ સ્પષ્ટ છે: જીવન ચલને કા નામ. ચાહે કેટલી મોટી વિપદા કેમ ન આવે, જિંદગી કોઈ પણ સંઘાતથી અટકી પડવી ન જોઈએ. અબ્બાસ કિઆરોસ્તામી અને મોહસીન મખમલબેફ - ઈરાનના આ બે ફિલ્મમેકરો એવા છે જે વાસ્તવ અને કલ્પના વચ્ચેની ભેદરેખા ઘણી વાર ભૂંસી નાખે છે. આ ફિલ્મમાં અબ્બાસની આ લાક્ષણિકતા સરસ ઊપસી છે. 



ત્રીજી ફિલ્મ ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’ના મેકિંગ દરમિયાન લોકેશન પર ખૂબ બધાં ઈમ્પ્રોવાઈઝેશન થયાં હતાં એટલે કે શૂટિંગ કરતાં કરતાં નાનામોટા ઘણા ફેરફારો થયા હતા. આ ફિલ્મની ક્લાઈમેક્સ (કે જેમાં યુવતી એના પ્રેમીને જવાબ આપે છે) વિશે ખૂબ ચર્ચા અને વિશ્ર્લેષણો થયાં છે. અગાઉ અબ્બાસની એવી છાપ પડી ગઈ હતી કે એ ક્યારેય લવસ્ટોરી બનાવતા નથી, પણ આ ઈમેજ ‘થ્રૂ ધ ચેરી ટ્રીઝ’થી તૂટી. ફિલ્મનો સંદેશ એ છે કે સબ સે ઊંચી પ્રેમસગાઈ. જો જીવનમાં પ્રેમનું તત્ત્વ હોય તો જ એ જીવવા જેવું અને સુંદર બની શકે છે.

અબ્બાસની સાદગીભરી ફિલ્મોમાં વાર્તા સામાન્યપણે સાવ પાંખી હોય. દૃશ્યો પડદા પરનાં કાવ્ય જેવાં હોય. પાત્રોનાં બેકગ્રાઉન્ડ વિશે બહુ જ ઓછી માહિતી આપવામાં આવી હોય. અબ્બાસ ઓડિયન્સને પણ ક્રિયેટિવ પ્રોસેસનો હિસ્સો ગણે છે. તેથી ઘણું બધું તેઓ ઓડિયન્સની કલ્પના અને અર્થઘટન પર છોડી દે છે. અબ્બાસ જાણે કે માત્ર ટપકાં દોરે છે, ટપકાં જોડીને આખું ચિત્ર ઊપસાવવાનું કામ દર્શકે જાતે કરી લેવાનું. સૌ પ્રેક્ષકો એકસરખું ચિત્ર ઊપસાવે તે પણ જરાય જરૂરી નહીં. સૌની દૃષ્ટિ જુદી, સૌનાં અર્થઘટન વેગળાં. અબ્બાસ કહે છે કે જો આપણે પેઈન્ટિંગમાં, વાર્તા-કવિતામાં અને શિલ્પમાં એબ્સટ્રેક્ટ સ્વીકારી શકતા હોઈએ તો સિનેમામાં કેમ નહીં.

એક ઈન્ટરવ્યૂમાં અબ્બાસ કહે છે, ‘મારા ઘરની લાઈબ્રેરીમાં તમને વાર્તા-નવલકથાનાં પુસ્તકો નવાનક્કોર દેખાશે, પણ કવિતાનાં પુસ્તકો સાવ ચોળાઈ ગયેલાં હોય. ઘણાનાં પાનાં, પૂઠાં નીકળી ગયાં હોય. આવું એટલા માટે કે વાર્તા-નવલકથા એક વાર વાંચીને હું સાઈડમાં મૂકી દઉં છું, પણ કવિતા પાસે મારે વારે વારે જવું પડે છે. કવિતા હંમેશાં તમારાથી દૂર ભાગે છે. એને પોતાના તરફ ખેંચતા રહેવું પડે. કવિતાને સમજવી અઘરી છે. તેથી એને વારે વારે વાંચવી પડે અને દર વખતે તમારી સામે નવા અર્થો ઊઘડે. અલબત્ત, બધી કવિતાઓ કંઈ આવી હોતી નથી. એ જ પ્રમાણે વાર્તા-નવલકથામાં પણ કાવ્યાત્મકતા હોઈ શકે છે. જોડકણા જેવી નહીં, પણ ગહનતા ધરાવતી સત્ત્વશીલ કવિતામાં ગજબની તાકાત હોય છે. ફિલ્મોનું ય એવું છે. હું માનું છું કે સીધીસાદી સ્ટોરીટેલિંગ ધરાવતી ફિલ્મો કરતાં પોેએટિક સિનેમા વધારે જીવશે.’

ગદ્ય કરતાં પદ્ય ચડિયાતું છે એવા અબ્બાસ કિઆરોસ્તામીના વિચાર સાથે તમે અસહમત હોઈ શકો છો, પણ એક ફિલ્મમેકર તરીકેનો એમનો મિજાજ અને ફિલોસોફી આ ક્વોટમાં આબાદ ઉપસે છે. ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરવાના શોખીન હશો તો એમની ફિલ્મો તમે ઓલરેડી માણી ચૂક્યા હશો, પણ જો આવો મોકો મળ્યો ન હોય તો અબ્બાસની આ ત્રણેય ફિલ્મો જોજો. ફિલ્મો ધૈર્યપૂર્વક માણજો, એ ખૂબ ધીમી લાગે તો પણ.

કોકર ટ્રિલોજી ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર-રાઈટર : અબ્બાસ કિઆરોસ્તામી

કલાકાર : બાબેક અહમદ પૂર, ફરહાદ ખેરદમંદ, બુબા બેયર, હોસેની રેઝાઈ, મોહમદ અલી કેશાવરાઝ

રિલીઝ યર : અનુક્રમે ૧૯૮૭, ૧૯૯૨, ૧૯૯૪

ભાષા : પર્શિઅન

મહત્ત્વના અવૉર્ડઝ : ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’ને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેશન

0 0 0 

Tuesday, November 18, 2014

ટેક ઓફ: લૂગડાંનો માણસ, લાકડાંનો માણસ

Sandesh - Ardh Saptahik Purti - 19 Nov 2014
ટેક ઓફ 
અમુક વ્યક્તિ બસ, હોય છે. હંમેશાં.  હવાની જેમ અથવા નિયમિત ઊગતા સૂરજની જેમ અથવા દરિયા પર ખેંચાયેલી વક્રાકાર ક્ષિતિજ રેખાની જેમ. એમના ન હોવાની શક્યતા મનમાં સળવળતી સુધ્ધાં નથી. તેથી જ છેલભાઈના મૃત્યુના સમાચાર દિમાગને પ્રોસેસ કરતા ખાસ્સી વાર લાગી. છેલભાઈ હવે નથી, એટલે? જો ગુજરાતી રંગભૂમિ હોય તો છેલભાઈ હોય જ. પોતાના કાર્યક્ષેત્રના સમાનાર્થી બનવા માટે કઈ કક્ષાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાની જરૂર પડતી હોય છે?


મુક વ્યક્તિ વાતાવરણ જેવી હોય છે. તેઓ બસ હોય છે. હવાની જેમ અથવા નિયમિત ઊગતા સૂરજની જેમ અથવા દરિયા પર ખેંચાયેલી વક્રાકાર ક્ષિતિજ રેખાની જેમ. તેમના અસ્તિત્વથી આપણે એટલી હદે ટેવાઈ ગયા હોઈએ છીએ કે એમના ન હોવાની શક્યતા મનમાં સળવળતી સુધ્ધાં નથી. તેથી જ ગયા સપ્તાહે છેલભાઈના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે દિમાગને એ માહિતી પ્રોસેસ કરતા ખાસ્સી વાર લાગી. છેલભાઈ હવે નથી, એટલે? જો ગુજરાતી રંગભૂમિ હોય તો છેલભાઈ હોય જ. પોતાના કાર્યક્ષેત્રના સમાનાર્થી બનવા માટે કઈ કક્ષાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાની જરૂર પડતી હોય છે?
છેલભાઈ આણંદજી વાયડા. આ નામ કદાચ આંખ-કાનને અપરિચિત લાગી શકે, પણ ગુજરાતી રંગભૂમિ પર કલા, સંનિવેશ કે સેટ ડિઝાઇનિંગ સાથે દાયકાઓથી એકરૂપ બની ગયેલા છેલ-પરેશનાં નામ અને કામથી પ્રત્યેક સભ્ય ગુજરાતી વાકેફ છે. છેલભાઈ એટલે આ વિખ્યાત જોડીનું અડધું અંગ. આવતી બીજી ફેબ્રુઆરીએ તેઓ ૭૯મા વર્ષમાં પ્રવેશ કરવાના હતા. ત્રણ-સાડાત્રણ વર્ષ પહેલાં મુંબઈવાસી છેલભાઈએ એમના અંધેરીસ્થિત ઘરે મોજપૂર્વક પોતાની જીવન કિતાબનાં પાનાં ખોલ્યાં હતાં તે આ ક્ષણે મમળાવવાનું મન થાય છે.
"સેટ ડિઝાઇનરે માત્ર ઇન્ટીરિયર ડિઝાઇનિંગ નથી કરવાનું, એણે હિસ્ટ્રી ઓફ આર્ટ પણ જાણવી પડે." છેલભાઈએ કહેલું, "જેમ કે,તમે રબારીનું ઘર બતાવો તો સ્ટીલનાં વાસણો ન ચાલે. રબારીનાં વાસણો કાંસાનાં જ હોય. આપણે ત્યાં દરેક કોમનું આગવું ભરતકામ છે. સુથાર અને લુહાર સફેદ કપડાં પર ભરતકામ કરશે, જ્યારે ચારણ રંગીન કપડાં પર."
છેલભાઈની આંખોમાં હંમેશાં સામેના માણસને પારખી લેતી તીક્ષ્ણતા જોવા મળતી. એમનો ક્રોધ કોઈ પણ ક્ષણે ફૂટી નીકળે. પછી બીજી જ પળે ખુલ્લા દિલે ખડખડાટ હસી પડે. એમનું એનર્જીલેવલ જોઈને નવજુવાનિયાઓ પણ નવાઈ પામી જાય. સિત્તેર પાર કરી ચૂકેલો માણસ પોતાના કામને ભરપૂર પ્રેમ કરતો હોય તો જ શારીરિક-માનસિક રીતે આટલો ઊર્જાવાન રહી શકે. પાંચ દાયકાથી સતત કાર્યરત રહેલા છેલભાઈએ એકધારાં એટલાં બધાં નાટકોના સેટ બનાવ્યા છે કે તેઓ ખુદ પોતાનાં નાટકોના લેટેસ્ટ આંકડાનો ટ્રેક રાખી શકતા નહોતા. ૧૯૬૦ના દાયકાના કાંતિ મડિયા અને પ્રવીણ જોશીથી લઈને હાલના કમલેશ ઓઝા તેમજ પ્રીતેશ સોઢા સુધીના ચાર-ચાર પેઢીના પચાસેક ડિરેક્ટરો સાથે તેઓ કામ કરી ચૂક્યા છે. એમનાં નાટકોનો અંદાજિત આંકડો ૬૦૦ને વટાવી ગયો છે.


દ્વારકામાં જન્મેલા છેલભાઈ સેટ ડિઝાઇનર કેવી રીતે બન્યા? મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન મળ્યું એટલે ભૂજમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ના આસિસ્ટન્ટ ડ્રાફ્ટમેનની નોકરી કરી રહેલા છેલભાઈ માયાનગરીમાં મોટા ભાઈને ત્યાં આવી ગયા. ૧૯૬૦નું એ વર્ષ. એમને રોજના બે રૂપિયા મળે. એમાંથી પચાસ પૈસાની રાઇસ પ્લેટ, પચીસ પૈસાનું ચાર મિનાર સિગારેટનું પાકીટ, લોકલ ટ્રેનનું ભાડું, ડ્રોઇંગનો સામાન આ બધું તાણીતૂસીને મેનેજ કરવાનું. એમની દોસ્તી અશોક નામના એક છોકરા સાથે થઈ, જે ફર્સ્ટ યરમાં બે વખત નાપાસ થઈ ચૂક્યો હતો. અશોકને જે કામ અઘરું લાગે તે છેલભાઈને રમતવાત લાગે. બન્ને વચ્ચે 'ડીલ' થઈ. છેલભાઈ અશોકને ભણવામાં મદદ કરે ને બદલામાં અશોક એમને ડ્રોઇંગનું બધું મટીરિયલ પૂરું પાડે, ચા-નાસ્તો કરાવે, જમાડે. ટૂંકમાં, છેલભાઈના જ શબ્દોમાં, "જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સનાં ચાર વર્ષ દરમિયાન એમને અશોક તરફથી 'સીધું-સામગ્રી'નો પ્રબંધ થઈ ગયો."
એક વાર મુંબઈની લોકલ ટ્રેનમાં હની છાયા સાથે આકસ્મિક મુલાકાત થઈ ગઈ. હની છાયાને એમણે 'મેંદી રંગ લાગ્યો' ફિલ્મમાં અભિનેતા રૂપે જોયા હતા. વાતવાતમાં છેલભાઈએ કહ્યું કે મારી મૂળ ઇચ્છા તો આર્ટ ડિરેક્ટર બનવાની છે. હની છાયાએ એમને રંગભૂમિ નાટય એકેડેમીની ઓપેરા હાઉસસ્થિત ઓફિસે આવવા કહ્યું. અહીં સિનિયર એક્ટર વિષ્ણુુકુમાર વ્યાસ પ્રિન્સિપાલ હતા અને હની છાયા પ્રોફેસર. છેલભાઈને એકેડેમીમાં ફ્રીશિપમાં એડમિશન મળ્યું. આ હતો એમનો રંગભૂમિનો પહેલો સ્પર્શ.
૧૯૬૪માં સ્ટેટ લેવલની નાટયસ્પર્ધામાં રંગભૂમિ નાટય એકેડેમી તરફથી મુકાયેલું 'પરિણીતા' છેલભાઈનું ઇન્ડિપેન્ડન્ટ સેટ ડિઝાઇનર તરીકેનું સૌથી પહેલું ગુજરાતી નાટક. ઇન્ટરવલમાં જજ દીના પાઠકે એમના મસ્તક પર હાથ મૂકીને કહ્યું હતું: "ચિંતા ન કર, તારી સેટ ડિઝાઇન બેસ્ટ છે. ઇન્ટરવલ પછીનાં નાટકોમાં પણ આના કરતાં બહેતર ડિઝાઇન નહીં જ હોય." આ નાટકને સેટ ડિઝાઇનનું ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. કોઈ ગુજરાતી નાટકને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હોય એવો આ પહેલો પ્રસંગ હતો.
અખબારોમાં છેલભાઈનું કામ વખાણતાં લખાણો પ્રગટ થવા લાગ્યાં હતાં. ૧૯૬૫માં એક નિર્ણાયક ઘટના બની. જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં હાઉસ ડેકોરેશન શીખવતા એક પ્રોફેસરે છેલભાઈ સામે પ્રસ્તાવ મૂક્યોઃ "ચાલ, આપણે સાથે કામ કરીએ." છેલભાઈ અચકાયાઃ "સર, આપણે શી રીતે સાથે કામ કરી શકીએ?" પ્રોફેસરે કહ્યું: "તો મને તારો આસિસ્ટન્ટ બનાવી લે, બસ." આખરે ડિસેમ્બર, ૧૯૬૬માં બન્ને પાર્ટનર બન્યા. આ પ્રોફેસર એટલે પરેશ દરુ. છેલ-પરેશની મશહૂર જોડીનો બીજો હિસ્સો! એ વખતે 'મને સૂરજ આપો' નામનું નાટક સ્પર્ધા માટે સબમિટ થવાનું હતું. એમાં સેટ ડિઝાઇનર તરીકે છેલ વાયડાનું નામ હતું. છેલ્લી ઘડીએ'વાયડા' ભૂંસીને એની જગ્યાએ 'પરેશ' લખવામાં આવ્યું અને છેલ વાયડા, 'છેલ-પરેશ' બની ગયા. હંમેશ માટે.
સમય વીતતો ગયો ને ચંદ્રવદન ભટ્ટ, કાંતિ મડિયા, હની છાયા, વિજય દત્ત, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, અરવિંદ ઠક્કર, શૈલેશ દવે જેવા દિગ્ગજો સાથે એક પછી એક નાટકો આવતાં ગયાં. તે વખતે આઈએનટી, રંગભૂમિ, નાટયસંપદા અને રંગમોહિની આ ચાર સંસ્થાઓ નાટકો બનાવતી. કાંતિ મડિયાનાં કુલ ૩૨ નાટકોમાંથી ૩૧ નાટકો છેલ-પરેશે કર્યાં છે. એક નાટક એટલા માટે ન કરી શક્યા કે છેલભાઈ તે અરસામાં લંડન હતા. તે નાટક જોકે એક જ શોમાં બંધ થઈ ગયું હતું. છેલભાઈએ કોઈ એક પ્રોડયુસરના સૌથી વધારે નાટકો કર્યાં હોય તો તે સંભવતઃ સંજય ગોરડિયા છે. સંજય ગોરડિયાનાં ૭૦માંથી ૬૨ નાટકો છેલ-પરેશે કર્યાં છે. છેલભાઈએ પોતે ડિઝાઇન કરેલાં નાટકોમાંથી કયાં નાટકોને ઓલટાઇમ ફેવરિટ ગણાવ્યાં હતાં? 'આતમને ઓઝલમાં રાખો મા', 'મુઠી ઊંચેરા માનવી', 'આંખની અટારી સાવ સૂની', 'બહોત નાચ્યો ગોપાલ' (આ ચારેય નાટકોના ડિરેક્ટર કાંતિ મડિયા) અને 'નોખી માટીના નોખા માનવી' (ડિરેક્ટર ગિરીશ દેસાઈ).

"હું ને મડિયા ખૂબ ઝઘડતા," છેલભાઈએ કહેલું, "હું રિસાઈ જાઉં, એ મનાવે. મારા વગર એને ચાલે જરાય નહીં. મડિયા સારા ક્રાફ્ટમેન હતા, જ્યારે પ્રવીણ જોશી પાસે સારું વિઝન હતું. પ્રવીણ નાટકની થીમ પ્રમાણે સેટ ડિઝાઇનર સિલેક્ટ કરતા. જેમ કે, '... અને ઇન્દ્રજિત' નામનું નાટક એમણે એમ.એસ. સથ્થુ પાસે ડિઝાઇન કરાવ્યું હતું. એ જમાનામાં નાટક બનાવનારા અમારી સાથે બેસતા, ડિસ્કસ કરતા. આખું નાટક પહેલેથી લખાઈને તૈયાર હોય. મુહૂર્ત વખતે આખું નાટક વંચાય. બધા ડિરેક્ટરોની આગવી શક્તિઓ હતી, પોતપોતાની શૈલી હતી. ખેલદિલીની ભાવના પણ એટલી જ. હરીફ ડિરેક્ટરનું કામ ગમે તો દિલથી વખાણે. ધીમે ધીમે અમે ઘડાતા ગયા. મંચ પર અમારે ત્રણ દીવાલો વડે દર્શકને ચાર દીવાલનો આભાસ કરાવવાનો હોય. વાત આખરે તો લૂગડાં અને લાકડાંની જ છેને. જયંતી દલાલે લખેલા એક સુંદર પુસ્તકનું શીર્ષક જ આ છે- 'કાયા લાકડાની, માયા લૂગડાંની.'"
છેલભાઈએ થોડી ફિલ્મો અને સિરિયલો પણ કરી છે, પણ તેમને ખરો સંતોષ રંગમંચ પરથી જ મળ્યો. તેમના પુત્ર સંજય છેલ હિન્દી સિનેમાના રાઇટર-ડિરેક્ટર ઉપરાંત ગુજરાતી અખબારોમાં કોલમનિસ્ટ છે. દીકરી અલ્પના ટીવી-રંગભૂમિનાં અભિનેત્રી છે અને એક્ટર-ડિરેક્ટર-મોડેલ જમાઈ મેહુલ બુચ પણ જાણીતો ચહેરો છે. 
ચિક્કાર કામ વડે જીવનને છલકાવી દેનાર છેલભાઈએ કહેલું: "બસ, એક જ મહેચ્છા છે. હું મૃત્યુ પામું પછી મને યાદ કરીને કોઈ એમ બોલે કે કલાજગતનો એક સિતારો ખરી પડયો, તો હું સંતોષ પામીશ. જોકે, આવું સાંભળવા અને સંતોષ પામવા હું હાજર નહીં હોઉં!" આ શબ્દો છેલભાઈની આંતરિક સરળતાની સાબિતી છે. એમના આ શબ્દો ચિત્તમાં જડી લેવા જેવા છેઃ "લગાવ અને નિષ્ઠા હશે તો કામથી ક્યારેય થકાતું નથી. આનંદ કરવો, કામચોરી ન કરવી!" 
વી વિલ મિસ યુ, છેલભાઈ.   
0 0 0 

Sunday, November 16, 2014

મલ્ટિપ્લેક્સ : 'ઇન્ટરસ્ટેલર'માં એવું તે શું છે?

Sandesh - Sanskar Purty - 16 Nov 2014
મલ્ટિપ્લેક્સ 

'ઇન્ટરસ્ટેલર'નો માસ્ટર-સ્ટ્રોક તો એની ફિફ્થ ડાયમેન્શનની થિયરીમાં છે. થ્રી ડાયમેન્શન એટલે લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ, ફોર્થ ડાયમેન્શન એટલે સ્પેસ-ટાઇમ અને પાંચમું પરિમાણ એટલે પ્રેમ, લવ! પ્રેમ ભલે ભૌતિક રીતે માપી શકાતું ન હોય કે તર્કબુદ્ધિથી પકડી શકાતું ન હોય, પણ પ્રેમમાં એવું કશુંક પ્રચંડ અને શકિતશાળી તત્ત્વ છે જે અંતરિક્ષનાં સ્પેસ-ટાઇમનાં પરિમાણને પણ અતિક્રમી શકે છે! ફિલ્મના ડિરેકટર અને કો-રાઈટર ક્રિસ્ટોફર નોલને આ વાત અત્યંત અસરકારક રીતે ફિલ્મમાં વણી લીધી છે. તેથી જ 'ઇન્ટરસ્ટેલર' શુષ્ક સાયન્સ ફિકશન બનીને અટકી જતી નથી, બલકે તે દર્શકની આંખો ભીની કરી નાખે એવી ઈમોશનલ પણ બની શકી છે.


વર્ષે-બે વર્ષે એકાદ એવી મેગા ફિલ્મ એવી આવી જતી હોય છે કે જેની રિલીઝ થવાની ઘટના ગ્લોબલ ઇવેન્ટની કક્ષા ધારણ કરી લે છે. ૧૬૫ મિલિયન ડોલર એટલે કે લગભગ દસ અબજ રૂપયા કરતાંય વધારે નાણાંના ખર્ચે બનેલી અને તાજેતરમાં જ રિલીઝ થયેલી હોલિવૂડની ફિલ્મ 'ઇન્ટરસ્ટેલર' ફરતે આવંુ જ તેજસ્વી આભામંડળ રચાયેલું છે. ફિલ્મ હજુ તો કાગળ પર હતી ત્યારથી એના વિશે લખાવાનું ને ચર્ચાવાનું શરૂ થઈ ગયું હતું. રિલીઝ વખતે વિખ્યાત 'ટાઇમ' મેગેઝિને તેના પર કવરસ્ટોરી કરી નાખી. (અલબત્ત, આ સ્ટોરી નખશિખ એડિટોરિયલ હોવાને બદલે એડવર્ટોરિઅલ પણ હોઈ શકે છે) હવે જ્યારે ફિલ્મ ભારત સહિત દુનિયાભરના પ્રેક્ષકો સામે રજૂ થઈ ચૂકી છે ત્યારે તેના વિશેની ચર્ચા ઑર તીવ્ર બની ગઈ છે. અમુક ટોચના ફિલ્મ સમીક્ષકોએ 'ઇન્ટરસ્ટેલર'ને તાત્કાલિક માસ્ટરપીસનો દરજ્જો આપી દીધો. કોઈએ એને ઓલટાઈમ ગ્રેટ સાયન્સ ફિકશન ફિલ્મોની હરોળમાં બેસાડી દીધી. આમ-પ્રેક્ષકોને જોકે આવી વિશેષણબાજી સાથે બહુ લેવાદેવા હોતી નથી, પણ તેઓય આ ફિલ્મને જોઈને અભિભૂત થઈ ગયા. એવું તે શું છે આ 'ઇન્ટરસ્ટેલર'માં?
સૌથી પહેલાં તો, આ ઇન્ટરસ્ટેલર એક્ઝેકટલી કઈ બલા છે? ઇન્ટરસ્ટેલર યા તો ઇન્ટરસ્ટેલર મિડિયમ એટલે બે ગેલેકસી (આકાશગંગા) વચ્ચે રહેલું અવકાશી દ્વવ્ય. ટાઇટલ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે આ એક સ્પેસ સાયન્સ ફિકશન છે. જો તમે આપણા વરિષ્ઠ લેખક નગેન્દ્ર વિજયની કસદાર કલમે લખાયેલા અવકાશી ટ્રાઇમ-ટ્રાવેલ વિશેના અદ્ભુત લેખો અધ્ધર જીવે વાંચ્યા હશે તો આ ફિલ્મ જોવામાં તમને ગજબનો જલસો પડશે. ફિલ્મની વાર્તા ટંૂકમાં જોઈ લઈએ. ફિલ્મનો હીરો ચાલીસીમાં પ્રવેશી ગયેલો અમેરિકન ખેડૂત કૂપર (મેથ્યુ મેકકોનોઘી) છે. વિધુર કૂપરને દસ વર્ષની ચાંપલી પણ અતિ હોશિયાર દીકરી મર્ફ છે. દીકરો ટીનેજર થઈ ગયો છે. બુઢા સસરા પણ એમની સાથે રહે છે. હાલ ખેતીકામ કરતો કૂપર એક જમાનામાં અવકાશયાત્રી બનવા માગતો હતો, તે માટે એણે નાસાની તાલીમ પણ લીધી હતી, પણ સાચેસાચ અવકાશમાં જવાનું તેનું સપનું અધૂરું રહી ગયું છે. ફિલ્મનો સમયગાળો થોડા વર્ષો પછીનો છે કે જ્યારે પૃથ્વીનું પર્યાવરણનું ધનોતપનોત નીકળી ચૂકયું છે. મકાઈ સિવાય કોઈ પાક લઈ શકાતો નથી. જો આ જ સ્થિતિ રહેશે તો ગણતરીનાં વર્ષોમાં માનવજાતિનું નિકંદન નીકળી જશે તે નિશ્ચિત છે. 
દીકરીને કોણ જાણે કેમ લાગ્યા કરે છે કે એમના ઘરમાં ભૂત થાય છે. આ અદશ્ય ભૂત જોકે બિચારું ડાહ્યુંડમરું છે. હેરાન કરવાને એ મોર્સ કોડથી બેબલી સાથે કશુંક કમ્યુનિકેટ કરવાની કોશિશ કરતું રહે છે. કૂપર કાયમ દીકરીની વાત હસી કાઢતો હતો, પણ એક દિવસ એણે જાતે પરચો જોયો. ભૂતે વંટોળમાં ઉડતી ધૂળની મદદથી કોઈક ભેદી ઠેકાણાના અક્ષાંશ-રેખાંશનાનું સૂચન કર્યું. બાપ-દીકરી વિના વિલંબે નીકળી પડયાં. આ સરનામું નીકળ્યું નાસાના એક ગુપ્ત મથકનું.


 અહીં ડો. બ્રેન્ડ (માઇકલ કેઈન) અને નાસાના કેટલાક સિનિયર ઓફિસરો કૂપર સામે બોમ્બ ફોડે છે. ડો. બ્રેન્ડ કહે છે કે શનિના ગ્રહની સોલર સિસ્ટમમાં એક વર્મહોલ હોવાનું માલૂમ પડયું છે. વર્મહોલ એટલે અવકાશમાં આવેલી એક અજાયબ ટનલ. વર્મહોલ અને બ્લેક-હોલમાં ફર્ક છે. બ્લેક હોલના એક છેડેથી અંદર પ્રવેશ કરનાર પદાર્થ ક્યારેય બહાર નીકળી શકતો નથી, જ્યારે વર્મહોલની ટનલનો એક છેડો આપણા બ્રહ્માંડમાં ખૂલતો હોય, તો બીજો છેડો અન્ય કોઈક બ્રહ્માંડમાં. સામાન્ય રીતે લાખો-કરોડો પ્રકાશવર્ષ દૂર રહેલા તારા-નક્ષત્રો સુધી પહોંચવા માટે, નેચરલી, લાખો-કરોડો વર્ષ લાગી જાય, પણ આ વર્મહોલ શોર્ટકટનું કામ કરે છે. જો તમે વર્મહોલની ભરમાળી ગુફા હેમખેમ પસાર કરી જાઓ તો લાખો-કરોડો વર્ષોને બદલે થોડા સમયમાં નવા બ્રહ્માંડમાં પહોંચી શકો. શક્ય છે કે અહીં એવો કોઈક ગ્રહ મળી આવે જ્યાં જીવસૃષ્ટિ પાંગરી શકે. એકચ્યુઅલી, નાસા ઓલરેડી કેટલાક અવકાશયાત્રીઓને અગાઉ વાયા વર્મહોલની યાત્રાએ તરફ મોકલી ચૂક્યું છે. તેમણે મોકલેલી ઇમ્ફર્મેશન પ્રમાણે વર્મહોલના ભૂંગળાને પેલે પાર નવા બ્રહ્માંડમાં ત્રણ ગ્રહ એવા માલૂમ પડયા છે, જ્યાં જીવસૃષ્ટિ પાંગરી શકવાની સંભાવના છે. કમનસીબે, આ માહિતી કાચીપાકી અને અધૂરી છે. માનવજાતને અનુકૂળ હવા-પાણી ધરાવતો ગ્રહ ફાઇનલાઇઝ કરવા માટે ઑર એક નિર્ણાયક અવકાશયાત્રા કરવી જરૂરી છે. નાસાના ડો. બ્રેન્ડ ઇચ્છે કે આ મિશનની આગેવાની હીરો કૂપર લે. મૂળ પ્લાન તો એવો છે કે મિશન નીપટાવીને, વળતી ટિકિટ કપાવીને બે વર્ષમાં પાછા પૃથ્વી પણ આવી જવું, પણ ધારો કે પાછા આવી શકાય એમ ન હોય તો પ્લાન-બી અમલમાં મૂકવો. પ્લાન-બી અનુસાર, પૃથ્વી પરથી સાથે લઈ ગયેલા લાખો-કરોડો માનવબીજનું નવા ગ્રહ પર કૃત્રિમ ગર્ભાધાન કરાવીને વસ્તી-વિસ્ફોટ કરવાની કોશિશ કરવી.
આ તો ફકત ફિલ્મની વાર્તાની શરૂઆત થઈ. આગળ એટલી બધી અજબગજબની ઘટનાઓ બને છે કે આપણી આંખો પહોળી થઈ જાય. એ બધું અત્યારે કહી દઈશું તો તમારો રસ ઘટી જશે. ફકત એટલું જાણી લો કે ઓન પેપર, સૈદ્ધાંતિક દષ્ટિએ વર્મહોલનું અસ્તિત્વ શક્ય છે. ધારો કે ભવિષ્યમાં સાચે જ વર્મહોલનો પત્તો લાગે ને આપણે એમાંથી પસાર થવામાં સફળ થઈએ તો કેવી અજાયબ અવકાશી સચ્ચાઈઓ આપણને જોવા મળે? બસ, આ કલ્પના જ 'ઇન્ટરસ્ટેલર'નો પાયો છે. થોડું ટાઇમ-ટ્રાવેલ વિશે પણ સમજી લેવું જોઈએ. ટાઇમ-ટ્રાવેલ એટલે સાદી ભાષામાં કહીએ તો, ભવિષ્યમાં લટાર મારીને પાછો ભૂતકાળમાં પ્રવેશ કરવો! શકય છે કે ટાઇમ-ટ્રાવેલ કરીને પાછા ફર્યા બાદ આપણે ખુદ આપણી જાત સાથે બની ચૂકેલી ઘટનાને સગી આંખે આકાર લેતાં નિહાળી શકીએ, એક ત્રાહિત વ્યકિતની જેમ! વર્મહોલમાં અને પેલે પાર સમયનું પરિમાણ તદ્દન બદલાઈ ગયું હોય. જે ઘટના ત્યાં એક કલાકમાં બની હોય તે સમયગાળો પૃથ્વીના સંદર્ભમાં ત્રેવીસ વર્ષ જેટલો હોય. ધારો કે નવી ગેલેકસીમાં થોડાં વર્ષો પસાર કરીને પાછાં પૃથ્વી પર પગ મૂકીએ તો શક્ય છે કે આપણે આપણા સગા પિતાને પા-પા પગલી કરતા જોઈ શકીએ! આપણા ખુદના જન્મને હજુ વર્ષોની વાર હોય! દિમાગ ચકરાવી દે તેવા ટાઇમ-ટ્રાવેલ વિશે અત્યાર સુધી માત્ર વાંચ્યું-સાંભળ્યું હતું, પણ ક્રિસ્ટોફર નોલને જે રીતે આ કોન્સેપ્ટને સ્ક્રીન પર પેશ કરી છે તે જોઈને આફરીન પોકારી જવાય છે.


અલબત્ત, 'ઇન્ટરસ્ટેલર'નો માસ્ટર-સ્ટ્રોક તો એની ફિફ્થ ડાયમેન્શનની થિયરીમાં છે. થ્રી ડાયમેન્શન એટલે લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ, ફોર્થ ડાયમેન્શન એટલે સ્પેસ-ટાઇમ અને પાંચમું પરિમાણ એટલે પ્રેમ, લવ! પ્રેમ ભલે ભૌતિક રીતે માપી શકાતું ન હોય કે તર્કબુદ્ધિથી પકડી શકાતું ન હોય, પણ પ્રેમમાં એવું કશુંક પ્રચંડ અને શકિતશાળી તત્ત્વ છે જે અંતરિક્ષનાં સ્પેસ-ટાઇમનાં પરિમાણને પણ અતિક્રમી શકે છે! ફિલ્મના ડિરેકટર અને કો-રાઈટર ક્રિસ્ટોફર નોલને આ વાત અત્યંત અસરકારક રીતે ફિલ્મમાં વણી લીધી છે. તેથી જ 'ઇન્ટરસ્ટેલર' શુષ્ક સાયન્સ ફિકશન બનીને અટકી જતી નથી, બલકે તે દર્શકની આંખો ભીની કરી નાખે એવી ઈમોશનલ પણ બની શકી છે.
ક્રિસ્ટોફર નોલન વિશ્વના સૌથી હોટશોટ ડિરેકટરોમાંના એક છે. 'ધ પ્રેસ્ટિજ', 'ધ ડાર્ક નાઈટ', 'ઇન્સેપ્શન' જેવી એમની કેટલીય ફિલ્મો આપણે ભરપૂર માણી ચૂક્યા છીએ. ('ઇન્ટરસ્ટેલર'માં તમને 'ઇન્સેપ્શન'નાં ફેમસ વિઝ્યુઅલ્સની એક ક્યુટ ઝલક પણ મળશે.) 'ઇન્ટરસ્ટેલર' મૂળ સ્ટીવન સ્પિલબર્ગ બનાવવાના હતા. ક્રિસ્ટોફર નોલનના નાના ભાઈ જોનાથન નોલન, કિપ થ્રોન નામના ફિઝિસિસ્ટ-વૈજ્ઞાાનિકના સંગાથમાં ફિલ્મ લખી રહ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ કે સ્ટીવન સ્પિલબર્ગે પ્રોજેકટમાંથી ખસી જવું પડયું. તેમના સ્થાને ક્રિસ્ટોફર નોલન ગોઠવાઈ ગયા. ફિલ્મની વાર્તા પર જે કામ ઓલરેડી થઈ ચૂકયું હતું તેમાં ક્રિસ્ટોફરે પોતાના આઇડિયાઝ ભભરાવ્યા અને આ રીતે ફાઇનલ સ્ક્રિપ્ટ તૈયાર થઈ.  
ફિઝિકસ અને સ્પેસ સાયન્સના સિદ્ધાંતો પર આધારિત કેટલીક વાતો કદાચ તરત ન સમજાય એવું બને (એ બધું ઘરે આવીને ગૂગલ સર્ચ કરતાં કરતાં સમજી લેવાનું ભૂલવાનું નહીં), પણ તેથી રસભંગ થતો નથી. વિઝ્યુઅલ્સની પોતાની બળકટ ભાષા હોય છે, જે ઓડિયન્સને બાંધી રાખવા માટે સક્ષમ છે. ફિલ્મની નિર્માણકથા ફિલ્મ જેટલી જ રોમાંચક છે, પણ એની વાત કરવા માટે અલાયદા લેખ જેટલી મોકળાશ જોઈએ. તેથી વાત અહીં અટકાવીને એટલું જ કહેવાનું કે હોલિવૂડની ફિલ્મોના ચાહક હો તો'ઇન્ટરસ્ટેલર' મિસ કરવા જેવી નથી!
શો-સ્ટોપર 
દીપિકા પદુકાણ લાઇફમાં એક જ કામ કરે છે - દિમાગ કામ ન કરે એટલી હદે સુંદર દેખાવાનું. જોકે 'ફાઈન્ડિંગ ફેની'માં એ જેટલી ખૂબસૂરત દેખાય છે એટલી રિઅલ પણ લાગે છે.   
- નસીરુદ્દીન શાહ

Wednesday, November 12, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - Film 95 - ‘ઝુલ એન્ડ જિમ’

Mumbai Samachar - Matinee Supplement - 5 Nov 2014

હૉલીવૂડ હન્ડ્રેડ 

Film No. 95 :  ‘ઝુલ એન્ડ જિમ’

ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ, દોસ્તોં કી જાન લેતી હૈ



ત્રણ માણસો - બે પુરુષ અને એક સ્ત્રી - એકમેકને ખૂબ પ્રેમ કરતાં હોય તો શું એમની દોસ્તી અકબંધ રહી શકે? પ્રેમ, સેક્સ, લગ્ન જેવાં તત્ત્વો ઉમેરાયાં પછી પણ મૂળભૂત મૈત્રી દૂષિત ન થાય તે શક્ય છે? આજે જે ફિલ્મની વાત કરવી છે એમાં એક ટ્રેજિક લવ-ટ્રાયેન્ગલની વાત છે. ડિરેક્ટર ફ્રાન્ઝવાં ત્રુફોનું બહુ મોટું નામ છે. ‘ન્યુ વેવ ફ્રેન્ચ સિનેમા’ તરીકે જાણીતા બનેલા દોરમાં જે ફ્રેન્ચ ફિલ્મો બની તેણે દુનિયાભરના દેશોમાં બનતી ફિલ્મો પર તીવ્ર પ્રભાવ પેદા કર્યો હતો. ત્રુફો આ ‘ન્યુ વેવ ફ્રેન્ચ સિનેમા’ના એક અગ્રેસર ફિલ્મમેકર છે. વિષયવસ્તુ પર આવીએ. 

ફિલ્મમાં શું છે?

લગભગ સો વર્ષ પહેલાંની આ વાત છે. પેરિસમાં ઝુલ (ઓસ્કર વર્નર) અને જિમ (હેન્રી સીર) નામના બે પાક્કા દોસ્તાર રહે. બન્ને ભરપૂર જુવાનીથી છલકતા કલાપ્રેમી માણસો. ઝુલ (અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે આ નામ જુલ્સ એમ વંચાય છે) જર્મન છે ને ઓસ્ટ્રિયાનો વતની છે. સ્વભાવે શરમાળ અને અંતર્મુખ. એની તુલનામાં ફ્રેન્ચ જિમ ઘણો વધારે બહિર્મુખ. બન્ને જણા ફક્કડ ગિરધારીની માફક જીવન જીવે, ગર્લફ્રેન્ડ્ઝ બનાવે અને કળાની દુનિયામાં ખોવાયેલા રહે. એક દિવસ બન્નેનો ભેટો કેથરીન (ઝાન મોહો, અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે 
                  François Truffaut
ઉચ્ચાર થાય છે, જીન મોરૉ) નામની અલગારી યુવતી સાથે થઈ ગયો. કેથરીન જબરી બિન્દાસ. અતિ ચંચળ. કઈ ઘડીએ એનો કેવો મૂડ હશે અને ક્યારે શું કરી બસશે એ કોઈ કળી ન શકે. ઝુલ અને જિમ સાથે એનું જબરું ક્લિક થઈ ગયું. ત્રણેય સાથે પુષ્કળ સમય પસાર કરવા લાગ્યાં. ઝુલ અને જિમ બન્ને એના પ્રેમમાં પડી ગયા. 

દરમિયાન પ્રથમ વિશ્ર્વયુદ્ધ ઘોષિત થયું. ઝુલ પોતાને વતન ઓસ્ટ્રિયા ચાલ્યો ગયો. સાથે કેથરીનને પણ લઈ ગયો. બન્નેએ લગ્ન કરી લીધાં. ઝુલ અને જિમ બન્ને પોતપોતાના દેશના લશ્કરમાં ભરતી થયા. બન્નેના મનમાં એક જ ફફડાટ રહ્યા કરે કે અમે બન્ને રહ્યા વિરોધી છાવણીના સૈનિકો, ક્યાંક સામસામા ટકરાઈ જઈશું તો? ક્યાંક મારા જ હાથે મારા દોસ્તનું મોત થઈ જશે તો? 

સદભાગ્યે એવું ન બન્યું. યુદ્ધ પૂરું થયું. આ ચાર-પાંચ વર્ષના ગાળા બાદ જિમ દોસ્તને મળવા એના સુંદર મજાના ઘરે ગયો. કેથરીન અને ઝુલ એક દીકરીનાં મા-બાપ બની ચુક્યાં હતાં. જોકે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ કથળી ચુક્યો હતો. ઝુલ પોતાના દોસ્ત સામે હૈયું ઠાલવતા કહે છે કે કેથરીન સાથે કેવી રીતે પનારો પાડવો એ જ મને સમજાતું નથી. અમારી વચ્ચે ઝઘડો થાય તો મારા પર ગુસ્સો ઉતારવા એ પરપુરુષો સાથે સંબંધો બાંધે છે. વચ્ચે છ મહિના સુધી એ ઘર અને નાનકડી દીકરીને છોડીને જતી રહી હતી. આમ છતાંય ઝુલ પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને કોઈ પણ ભોગે એને ખોવા માગતો નથી. 

જિમ અને કેથરીન વચ્ચે પણ એક સમયે કુમળી લાગણી હતી જ. કેથરીન વર્ષો પછી મળેલા જિમ સાથે ફ્લર્ટ કરવા લાગે છે. ઝુલને બધી ખબર છે. એ બાપડો કહે છે કે તમે વિના સંકોચે સંબંધ આગળ વધારી શકો છો, હું તમારી વચ્ચે નહીં આવું. ઝુલનું માનવું એવું છે કે જિમ ગમે તેમ તોય મારો જિગરી છે. કમસે કમ આ બહાને કેથરીન મારી આંખોની સામે તો રહેશે. 



પણ આવા થૂંકના સાંધા જેવા સગવડિયા સંબંધો કેટલો સમય ચાલે? કેથરીન સાથેના સંંબંધમાં ટેન્શન થવા માંડ્યું એટલે જિમ પાછો ફ્રાન્સ જતો રહ્યો. એમની પાછળ પાછળ પતિ-પત્ની પણ ફ્રાન્સ આવ્યાં. કેથરીને જિમનું દિલ જીતવાની ખૂબ કોશિશ કરી, પણ જિમ આ વખતે મક્કમ હતો. એણે પોતાની એક એક્સ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું. 

સંબંધોમાં અસ્પષ્ટતા અને તનાવ સતત વધતાં ગયાં. એક દિવસ ત્રણેય ભેગાં થયાં ત્યારે કેથરીન જિમને ‘મારે તને કશુંક કહેવું છે’ કહીને પોતાની કારમાં બેસાડ્યો. પછી પોતાના હસબન્ડને કહેે: ઝુલ, તું હવે ધ્યાનથી જોજે. કેથરીને મનમાં જાણે કશીક ગાંઠ વાળી લીધી હતી. એનું વર્તન ભેદી બની ગયું હતી. એણે બ્રિજ પર કાર મારી મૂકી. બ્રિજ પર એક જગ્યાએ પાળી થોડીક તૂટેલી હતી. કેથરીને તે તૂટેલા ભાગ તરફ ગાંડાની જેમ કાર ભગાવી. કાર હવામાં ફંગોળાઈને સીધી નીચે ધસમસતી વહી રહેલી નદીમાં ખાબકી. ઝુલ સ્તબ્ધ થઈ ગયો. એક ઝટકામાં એણે પત્ની અને દોસ્ત બન્નેને ખોઈ નાખ્યાં. બસ, આ આઘાતજનક બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.


કથા પહેલાંની અને પછીની

હેન્રી-પીઅર રોશ નામના ફ્રેન્ચ લેખકે ‘ઝુલ એન્ડ જિમ’ નામની એક સેમી-ઓટોબાયોગ્રાફિકલ નોવેલ લખી હતી. જુવાનીમાં તેઓ પ્રણયત્રિકોણ જેવી અવસ્થામાંથી પસાર થયા હતા. તે અનુભવો અને લાગણીઓ તેમણે નવલકથામાં આલેખ્યાં છે. આ પુસ્તક કોઈએ વાંચીને પસ્તીમાં કાઢી નાખ્યું હશે, જે પેરિસની સેકેન્ડ-હેન્ડ ચોપડીઓ વેચતી કોઈ દુકાનમાં પહોંચી ગયું. ડિરેક્ટર ફ્રાન્ઝવાં ત્રુફો એક વાર અહીં જૂનાં થોથાં ઉથલાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમના હાથમાં આ ચોપડી આવી ગઈ. એમણે ઊભા ઊભા બે-ચાર પાનાં વાંચી નાખ્યા. ખૂબ રસ પડ્યો એટલે પછી નિરાંતે આખી ચોપડી વાંચી. ત્યાર બાદ નવલકથાના લેખકને મળ્યા ને ફિલ્મ બનાવવા માટેના રાઈટ્સ માગ્યા. ત્રુફો તે વખતે ફ્ક્ત ૨૯ વર્ષના હતા, જ્યારે નવલકથાકાર રોશ ૭૪ વર્ષના. ત્રુફોની બે ફિલ્મો ઓલરેડી રિલીઝ થઈ ચૂકી હતી અને વખણાઈ ચૂકી હતી. રોશને ત્રુફોનો ઉત્સાહ સ્પર્શી ગયો. એમણે ત્રુફોને ફક્ત રાઈટ્સ જ નહીં, બલકે, સાઠ વર્ષથી સાચવી રાખેલી પોતાની પર્સનલ ડાયરીઓ પણ આપી. તે વખતે રોશે ક્યાં વિચાર્યું હશે કે આ માણસ જે ફિલ્મ બનાવવાનો છે તે માસ્ટરપીસ બનીને અમર બની જવાની છે! કમનસીબે વયોવૃદ્ધ રોશ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ગુજરી ગયા. તેઓ ‘જુલ્સ એન્ડ જિમ’ જોઈ ન શક્યા તે વાતનો અફસોસ ત્રુફોને હંમેશાં રહ્યો. 

ફિલ્મનું કાસ્ટિંગ થયું તે વખતે નાયિકાની ભૂમિકા અદા કરનાર ઝાન મોહો  ઓલરેડી ફેમસ સ્ટાર હતી, પણ જિમ બનતો હેન્રી સીર સાવ નવો નિશાળિયો હતો. એ પેરિસની ક્લબોમાં સ્ટેન્ડ-અપ કોમેડી કરતો. એની કદ-કાઠી યુવાન વયના રોશ જેવા હોવાથી ત્રુફોએ એને ફિલ્મનો એક હીરો બનાવી દીધો. ઓસ્કર વર્નરને ત્રુફોએ એટલા માટે પસંદ કર્યા કે એની ડાયલોગ ડિલિવરી બહુ ધીમી હતી. ત્રુફોને ઝુલનાં કિરદાર માટે આવો જ કોઈ એક્ટર જોઈતો હતો. કેથરીનનું કિરદાર જેના પરથી ઘડ્યું હતું તે અસલી સ્ત્રીએ પ્રીમિઅર અટેન્ડ સુધ્ધાં કર્યું હતું. જોકે એણે કોઈને પોતાની સાચી ઓળખાણ નહોતી આપી! 

‘ઝુલ એન્ડ જિમ’ બહુ જ લૉ-બજેટ ફિલ્મ છે. પૈસા ખૂટી પડતા તો ત્રુફો ગાંઠના પૈસા નાખતા. પ્રોપર્ટીને લાવવા-લઈ જવા માટે ઝાન મોહો પોતાની કાર વાપરવા આપતી. કપડાંનો ખર્ચ બચે તે માટે એ ખુદના કપડાં પહેરતી. આજે સાવ મામૂલી ફિલ્મોના ક્રૂમાં પણ દોઢસો-બસ્સો લોકો હોય છે, પણ ‘ઝુલ એન્ડ જિમ’ના યુનિટમાં બધા મળીને માંડ પંદર માણસો હતા. ઝાન મોહો ક્યારેક સૌને માટે રાંધી પણ નાખતી. 



ટાઈટલ ભલે ‘ઝુલ એન્ડ જિમ’ રહ્યું, પણ ફિલ્મનો અસલી ‘હીરો’ તો કેથરીન છે. ફિલ્મની ડ્રાઈવર-સીટ પર કેથરીન બેઠી છે. વાર્તામાં જે અણધાર્યા ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવતા રહે છે તે કેથરીનનાં અનપ્રીડિક્ટિબલ વર્તન-વ્યવહારને કારણે આવે છે. કેથરીન મુક્ત પંખી છે. એ કોઈ એક જગ્યાએ કે કોઈ એક વ્યક્તિ સાથે બંધાઈને રહી શકે જ નહીં. એ સૌથી વધારે પોતાની જાતને પ્રેમ કરે છે. પ્રિયપાત્રને એ પ્રસન્નતા અને પીડા બન્ને એકસરખી માત્રામાં આપતી રહે છે. એની લાઈફસ્ટાઈલ છેલછોગાળા પુરુષ જેવી છે. અલબત્ત, કેથરીન ભલે આછકલાઈભર્યું વર્તન કરતી હોય, પણ એ કંઈ બાઘ્ઘી કે છીછરી સ્ત્રી નથી. એ બુદ્ધિશાળી છે. એ ભલે અવિચારીપણે જીવતી હોય તેવું લાગે, પણ મૂળભૂત રીતે એ વિચારશીલ સ્ત્રી છે. અંતમાં કેથરીન નદીમાં કૂદી પડે છે. તે જાણે કે મુક્તિની ક્ષણ છે. ‘થેલમા એન્ડ લુઈસ’ની બન્ને સહેલીઓ ફિલ્મની ક્લાઈમેક્સમાં કાર સહિત ખીણમાં કૂદી પડે છે, યાદ છે? 

પ્રેક્ષક ભલે કેથરીન સાથે સહમત ન હોય પણ તેમને ક્યારેય કેથરીન પ્રત્યે અભાવ કે અણગમો જાગતો નથી. આ પ્રકારનું પાત્ર ઉપસાવવું ખૂબ કઠિન છે, પણ ઝાન મોહોએ ગજબની અસરકારકતાથી અને આંતરિક સૂઝબૂઝથી આ ભૂમિકા ભજવી છે. અમેરિકા જેવા આધુનિક દેશમાં આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ત્યાંના રુઢિચુસ્ત ખ્રિસ્તીઓએ આવી ‘ચારિત્ર્યહીન’ નાયિકા વિરુદ્ધ ગોકીરો મચાવી દીધો હતો. સિનેમા એ ચર્ચ નથી. સિનેમાનો ઉદ્દેશ પ્રજાને ઉપદેશ આપવાનો કે સુધારવાનો ક્યારેય નહોતો. સમય જતાં આ ફિલ્મને એક કલ્ટ સ્ટેટસ મળ્યું. માસ્ટરપીસનો દરજ્જો મળ્યો. 



કેટલાંય વિવેચકોની દષ્ટિએ ‘ઝુલ એન્ડ જિમ’ ત્રુફોની શ્રેષ્ઠ ફિલ્મ છે. ન્યુ ફ્રેન્ચ વેવ હેઠળ જે કોઈ ફિલ્મો બની હતી તેમાં ‘ઝુલ એન્ડ જિમ’ સંભવત: સૌથી વધારે પ્રભાવશાળી પુરવાર થઈ. તેણે ફિલ્મમેકિંગની એક નવી ભાષા, નવી શૈલી ઈન્ટ્રોડ્યુસ કરી. ન્યુઝરીલ ફૂટેજ, ફ્રીઝ ફ્રેમ, વોઈસઓવર દ્વારા વાર્તા આગળ વધારવી - આ બધાનો ત્રુફોએ બહુ સરસ રીતે ઉપયોગ કર્યો. માર્ટિન સ્કોર્સેેઝી જેવા હોલીવૂડના શહેનશાહ ગણાતા ફિલ્મમેકરે ૧૯૯૦માં ‘ગુડફેલાઝ’ બનાવી ત્યારે ‘ઝુલ એન્ડ જિમ’ની અસર હેઠલ લાંબા વોઈસઓવર, ફ્રીઝ ફ્રેમ અને ફાસ્ટ કટ્સનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ઑર એક માસ્ટર ફિલ્મમેકર ક્વેન્ટિવ ટેરેન્ટિનોએ પોતાની 'પલ્પ ફિક્શન' ફિલ્મમાં બે પાત્રોનાં નામ જુલ્સ (સેમ્યુઅલ જેક્સન) અને જિમ રાખ્યાં હતાં. હોલીવૂડના પૉલ માઝુર્સ્કી નામના ડિરેક્ટરે બનાવેલી ‘વિલી એન્ડ ફિલ’ તો લગભગ ‘ઝુલ એન્ડ જિમ’ની રીમેક જેવી જ છે. ૨૦૦૧માં આવેલી ઓસ્કરવિનર ફ્રેન્ચ ફિલ્મ ‘અમેલી’માં નાયિકાનું પાત્રાલેખન ઉપરાંત સ્ટોરીટેલિંગની સ્ટાઈલ પણ ‘ઝુલ એન્ડ જિમ’થી પ્રેરિત છે. ‘ઝુલ એન્ડ જિમ’ ખાસ જોજો. ફિલ્મ પસાસ વર્ષ જૂની છે, પણ આજેય તે તરોતાજા અને રિલવન્ટ લાગે છે. ક્લાસિક ફિલ્મોની આ જ તો વિશેષતા છે.



ફેક્ટ ફાઈલ 

ડિરેક્શન : ફ્રાન્ઝવા ત્રુફો 

સ્ક્રીનપ્લે : ફ્રાન્ઝવા ત્રુફો, જ્યોં ગ્રુઓલ્ટ

મૂળ નવલકથાકાર : હેન્રી-પીઅર રોશ

કલાકાર: ઝાન મોહો, ઓસ્કર વર્નર, હેન્રી સીર

ભાષા : ફ્રેન્ચ

રિલીઝ ડેટ : ૨૩ જાન્યુઆરી, ૧૯૬૨ 

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટ્રેસ માટેનાં બાફ્ટા નોમિનેશન્સ 

0 0 0 

Wednesday, November 5, 2014

ટેક ઓફ: લખવાનું કામ ધુમ્મસમાં કાર ચલાવવા જેવું છે


Sandesh - Ardh Saptahik Purti - 5 Nov 2014
ટેક ઓફ
કોણ કહે છે કે ડિટેક્ટિવ નવલકથા 'ચાલુ' સાહિત્યપ્રકાર ગણાય? ફ્રેન્ચ સાહિત્યકાર પેટ્રિક મોદીએનોની કૃતિઓમાં રહસ્યરંગી નવલકથાઓનું પ્રમાણ સૌથી વધારે છે અને તેઓ આ વર્ષના નોબેલપ્રાઈઝ વિનર છે. તેમને લેખનપ્રવૃત્તિ આનંદદાયક લાગવાને બદલે બોજરૂપ શા માટે લાગે છે તે પ્રશ્નનો ઉત્તર પણ એક રહસ્ય છે!

સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક ઘોષિત થવું તે એક આંતરરાષ્ટ્રીય ઘટના છે. દર વર્ષે નોબેલ પ્રાઈઝ વિજેતા સાહિત્યકારની ઘોષણા છાપાંમાં છપાય એટલે આપણે વિનરનું નામ વાંચી લઈએ, એ કયા દેશનો વતની છે તે જાણી લઈએ ને પછી બીજા સમાચાર વાંચવામાં બિઝી થઈ જઈએ. ગયા વર્ષનાં કેનેડિયન વિજેતા એલિસ મુનરો હોય કે તેની પહેલાંના ચાઇનીઝ સાહિત્યકાર મો યેન હોય, જો તમે સમકાલીન વિશ્વ સાહિત્યના અઠંગ રસિયા નહીં હોવ તો આ સાહિત્યકારોનાં નામ અને કામ મોટા ભાગે તો અપરિચિત લાગવાનાં. જો તમે અભ્યાસુ માણસ હો તો વાત અલગ છે.
થોડાં અઠવાડિયાં પહેલાં ૨૦૧૪ના નોબેલ પ્રાઈઝ વિજેતા સાહિત્યકારનું નામ જાહેર થયું - પેટ્રિક મોદીએનો. આ વખતે આ નામ સાંભળીને સામાન્ય માણસો જ નહીં, વર્તમાન વર્લ્ડ લિટરેચરના ખેરખાંઓ પણ માથું ખંજવાળવા લાગ્યાઃ પેટ્રિક મોદીએનો? એ વળી કોણ? પેટ્રિક મોદીએનો વરિષ્ઠ ફ્રેન્ચ નવલકથાકાર છે. ફ્રાન્સમાં એમનું બહુ મોટું નામ છે. કંઈકેટલાંય પ્રતિષ્ઠિત ફ્રેન્ચ પારિતોષિકો તેઓ ઓલરેડી જીતી ચૂક્યા છે. જોકે ફ્રાન્સની બહાર ૬૯ વર્ષના આ લેખક અજાણ્યા છે એવું ખુદ નોબેલ પ્રાઈઝવિનરોની પસંદગી કરતી કમિટીના સભ્યો સ્વયં સ્વીકારે છે. આનું કારણ એ છે કે અત્યાર સુધીમાં પેેટ્રિક મોદીએનોનાં થોડાંક જ પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે. આમાંથી કેટલાંય આઉટ-ઓફ-પ્રિન્ટ છે.
પેટ્રિક મોદીએનોની પસંદગી થઈ એટલે થોડો વિવાદ પણ થઈ ગયો. શું તેઓ ખરેખર નોબેલને હકદાર છે ખરા? શા માટે નોબેલ કમિટી વારે વારે યુરોપિયન સાહિત્યકારોને જ પસંદ કર્યા કરે છે? ખેર, આપણે વિવાદોમાં ન પડીએ. અગાઉ કહ્યું તેમ, પેટ્રિક મોદીએનો ફ્રાન્સમાં ખૂબ માનભર્યું સ્થાન ધરાવે છે. અતિ અંતર્મુખ સ્વભાવના આ લેખક સાહિત્યિક ઈવેન્ટ્સ કે પાર્ટીઓમાં ક્યારેય ભાગ લેતા નથી. મીડિયાથી દૂર રહે છે. તેમનાં પુસ્તકોની સંખ્યા પચ્ચીસેક જેટલી છે. અનુવાદો અલગ. પેટ્રિક માત્ર નવલકથાકાર નથી. તેમણે બાળસાહિત્ય ઉપરાંત ત્રણ ફિલ્મો લખી છે ને થોડુંક ટેલિવિઝન માટે કામ કર્યું છે. એમની નવલકથાઓ પરથી પણ ફિલ્મો બની છે. ૧૯૯૭માં રિલીઝ થયેલી એક ફ્રેન્ચ ફિલ્મમાં એમણે એક્ટિંગ સુધ્ધાં કરી છે.
પેટ્રિક મોદીએનોની કૃતિઓમાં રહેલું 'આર્ટ ઓફ મેમરી'નું તત્ત્વ નોબેલ કમિટીને સૌથી આકર્ષક લાગ્યું છે. શાની મેમરી? બીજા વિશ્વયુદ્ધ અને એની પશ્ચાત્ અસરો સાથે સંકળાયેલી મેમરી. સેકન્ડ વર્લ્ડવોરે લાખો-કરોડો લોકોનાં નસીબ પલટી નાખ્યાં, એમની જિંદગીએ યા તો મોતની દિશા બદલી નાખી. ૧૯૪૫માં પેરિસમાં પેટ્રિકનો જન્મ થયો ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણતાના આરે હતું. ૧૯૪૦થી ૧૯૪૪ દરમિયાન જર્મન હકૂમત હેઠળ ફ્રેન્ચ લોકોએ જે યંત્રણા સહેવી પડી હતી તે પેટ્રિકની કૃતિઓમાં તીવ્રતાથી ઝિલાઈ છે. આ સમયગાળામાં પેરિસની કેવી સ્થિતિ હતી, એની શેરીઓ- કાફે- મેટ્રો સ્ટેશનો કેવાં હતાં, લોકોનું જીવન કેવું હતું વગેરે વિશેનું જબરદસ્ત ડિટેલિંગ પેટ્રિકની નવલકથાઓમાં હોય છે.
પેટ્રિકનું બાળપણ ખૂબ પીડામાં વીત્યું. એમના પિતા ઈટાલિયન યહૂદી હતા. કોન્સન્ટ્રેશન કેમ્પથી બચવા તેઓ ભાગતાં ફરતાં ને ક્રિમિનલ એક્ટિવિટિઝમાં રમમાણ રહેતા. સ્વકેન્દ્રી પિતામાં પરિવારની જવાબદારી ઉપાડવાની ઔકાત નહોતી. પેટ્રિકને એક નાનો ભાઈ હતો. અભિનેત્રી તરીકે કામ કરતી માતા પતિની ગેરહાજરીમાં દીકરાઓને બમણું વહાલ કરવાને બદલે ઊલટાનું ઓરમાયું વર્તન કરતી. નાનો ભાઈ દસ વર્ષની ઉંમરે લ્યુકેમિયામાં મૃત્યુ પામ્યો. પેટ્રિકની બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ર્બોિંડગ હાઉસની ઉદાસીમાં વીતી. સત્તર વર્ષની ઉંમરે એમણે પિતા સાથેના સંબંધો સંપૂર્ણપણે કાપી નાખ્યા. તેનાં પંદર વર્ષ પછી પિતાનું મૃત્યુ થયું. પિતાને ક્યાં દફનાવવામાં આવ્યા છે તેની પેટ્રિકને ખબર પણ નહોતી ને પરવા પણ નહોતી.

રેમન્ડ ક્યુનો નામના એક મોટા લેખક પેટ્રિકના મેથ્સ ટીચર હતા. એણે પેટ્રિકનું કેટલુંક લખાણ વાંચ્યું ને એમનું હીર પારખી લીધું. માત્ર બાવીસ વર્ષની ઉંમરે પેટ્રિકે પહેલી નવલકથા લખી - 'ધ સ્ટાર્સ પ્લેસ'. રેમન્ડ ક્યુનોની ભલામણથી એક પ્રકાશકે આ નવલકથા છાપી. તેમાં એક યહૂદી આદમીની દુષ્ટતાની વાત હતી. આ પુસ્તક વાંચીને પેટ્રિકના પિતા એવા ભડકી ઊઠયા કે તેમણે પુસ્તકની શક્ય એટલી નકલો ખરીદીને જલાવી દીધી કે જેથી બીજા કોઈના હાથમાં તે ન જાય!
ઘણાં વિવેચકોનું કહેવું છે કે પેટ્રિક એકની એક નવલકથા વારેવારે લખ્યા કરે છે. આ વાત જોકે કેટલાય સિદ્ધહસ્ત લેખકો માટે સાચી છે. પેટ્રિક માટે સ્વ-ઓળખ એ સૌથી મોટો કોયડો રહ્યો છે. શું હું મારા અતીતના તંતુઓને પકડીને આગળ વધુ તો મારાં અસ્તિત્વનાં મૂળિયાં સુધી પહોંચી શકું? આ પ્રશ્ન તેમના લેખનકાર્યનું મુખ્ય ચાલકબળ રહ્યું છે. પોતાનું પીડાદાયી બાળપણ અને નાઝીઓની હકૂમત હેઠળનંુ ફ્રાન્સ - આ બે બાબતોનું એમની નવલકથાઓમાં સતત પુનરાવર્તન થતું રહે છે. પેટ્રિકે એક મુલાકાતમાં કહ્યું છે, "નવલકથા પૂરી થાય એટલે મને થાય કે મારે જે કહેવું હતું તે કહી દીધું છે, મારું દિમાગ હવે સાફ થઈ ગયું છે, પણ ઊંડે ઊંડે મને ખબર હોય કે આ જ બધું મારી આગલી નવલકથામાં ફરીથી આવવાનું છે, નવી વિગતો સાથે, નવાં રંગરૂપ સાથે. આવું દરેક નવલકથા વખતે બને છે. આખરે તો આપણે જે સ્થળે અને જે સમયે જન્મ્યા છીએ તેનાથી જ આપણી પર્સનાલિટી ડિફાઈન થતી હોય છે."
પેટ્રિકની નવલકથાઓ નાની નાની હોય છે - માંડ ૧૩૦થી ૧૫૦ પાનાંની. એમની લેખનશૈલી જેટલી સરળ છે એટલી જ ધારદાર છે. ટૂંકાં ટૂંકાં વાક્યો. ક્યાંય ભારેખમ વર્ણનોની ભરમાર નહીં. કોણ કહે છે કે ડિટેક્ટિવ નવલકથા 'ચાલુ' સાહિત્યપ્રકાર ગણાય? પેટ્રિક મોદીએનોએ રહસ્યરંગી નવલકથાઓ સૌથી વધારે લખી છે ને તેઓ નોબેલ પ્રાઈઝ વિનર છે. અલબત્ત, તેમની કૃતિઓમાં કેવળ સ્થૂળ રહસ્ય હોતું નથી. એમાં આખરે તો પોતાનાં મૂળિયાં, પોતાના અતીતને શોધવાની વાત હોય છે. પેટ્રિકને મિસ્ટરી એટલી બધી પસંદ છે કે ફ્રેન્ચ ભાષામાં એક આખો શબ્દ ઉમેરાઈ ગયો છે- 'મોદીએનેસ્ક' (modianesqe). કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ ખૂબ અસ્પષ્ટ અથવા ભેદી હોય તો તેના માટે 'મોદીએનેસ્ક' શબ્દ વપરાય છે. તેમણે 'પેડિગ્રી' નામના આત્મકથાનાત્મક પુસ્તકમાં લખ્યું છેઃ "વસ્તુસ્થિતિ જેટલી વધારે ભેદી હશે એટલો મને વધારે રસ પડશે. કોઈ પરિસ્થિતિ ઘીના દીવા જેવી સ્પષ્ટ હોય તો પણ હું એમાં ગમે તેમ કરીને રહસ્યનું આરોપણ કરતો હોઉં છું."
આવડો મોટો લેખક લેખનકાર્યને બોજ ગણાવે ત્યારે આપણે શું માનવું? લેખનપ્રવૃત્તિને લીધે જે માનપાન મળ્યાં છે તે વાતનો એમને આનંદ અને ગર્વ છે, પણ એક મુલાકાતમાં એમણે કહ્યું છે, "લખવું મારા માટે આનંદ નહીં પણ બોજ છે. મેં લખવાનું શરૂ કર્યું હતું ત્યારે પણ આ કામ મને ખૂબ કષ્ટદાયક લાગતું હતું. વર્ષોથી હું લખવાના કામમાંથી સંપૂર્ણપણે નવરો થઈ જવાનું સપનું જોઈ રહ્યો છું. દુર્ભાગ્યે હકીકત એ છે કે હું નવરો નથી પડયો. હું હજુય એક જ જગ્યાએ ઘુમરાયા કરું છું અને મને લાગે છે કે આ ઘુમરાવાનું કામ ક્યારેય પૂરું થવાનું નથી. હું ક્યારેક મારાં જૂનાં લખાણો જોઉં છું ત્યારે મને બધું અત્યંત ખીચોખીચ લાગે છે. વિચારોની ગીચતા, લાગણીઓની ગીચતા. જાણે કે એ સમયે હું ગૂંગળાઈ રહ્યો હતો. મારા માટે લખવાનું કામ ધુમ્મસમાં કાર ચલાવવા જેવું છે. ધુમ્મસને લીધે કશું જ દેખાતું ન હોય છતાંય આગળ વધતા રહેવું પડે છે."
તો પેટ્રિક મોદીએનોમાં રસ પડયો તમને? એમનું સાહિત્ય વાંચવું હોય તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? જાણકારોનાં સૂચન મુજબ, અંગ્રેજીમાં અનુદિત થયેલી આ ત્રણ નવલકથાઓથી - 'મિસિંગ પર્સન', 'આઉટ ઓફ ધ ડાર્ક' અને 'ડોરા બ્રુડર'. આપણે બંદા તો વહેલામાં વહેલી તકે આ ત્રણેય નવલકથાઓ ઓનલાઈન ઓર્ડર કરી દેવાના છીએ. તમે?          
0 0 0 

Sunday, November 2, 2014

મલ્ટિપ્લેક્સ : જબ હમ જવાં હોંગે...

Sandesh - Sanskaar purti - 2 Nov 2014
મલ્ટિપ્લેક્સ 
'બોયહૂડ' ફિલ્મમાં આપણે એક ટાબરિયાને આખી ફિલ્મ દરમિયાન ક્રમશઃ વિકસતો અને જુવાની તરફ પગલાં માંડતો જોઈએ છીએ. આ કેવી રીતે શક્ય બન્યું? 'બોયહૂડ'નું શૂટિંગ બાર વર્ષ ચાલ્યું હતું. દર વર્ષે થોડા થોડા દિવસ શૂટિંગ કરવામાં આવતું. ફિલ્મમેકિંગ આવી મેથડ અગાઉ કોઈએ અજમાવી નથી. 

રિચર્ડ લિન્કલેટર નામના ખાસ ન જાણીતા હોલિવૂડના ડિરેક્ટરની મામી (મુંબઈ એેકેેડેમી ઓફ ધ મૂવિંગ ઇમેજીસ) ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી 'બોયહૂડ' સાચા અર્થમાં એક કમિંગ-ઓફ-એજ ફિલ્મ છે. અવારનવાર આપણી સાથે 'કમિંગ-ઓફ-એજ' શબ્દપ્રયોગ ટકરાતો રહે છે. આનો મતલબ શું છે? કમિંગ-ઓફ-એજ એટલે મોટા થવું, સમજણા અને પરિપકવ બનવું. 'દિલ ચાહતા હૈ', 'વેક અપ સિડ' અને 'જિંદગી ના મિલેગી દોબારા' કમિંગ-ઓફ-એજ ફિલ્મનાં ઉદાહરણો છે.
આપણે અસંખ્ય વખત ફિલ્મોમાં જોયું છે કે કોઈ પાત્ર પહેલાં બાલ્યાવસ્થામાં હોય ને થોડીક રીલ પછી એ જુવાન થઈ જાય. ચાઈલ્ડ આર્ટિસ્ટ ગાયબ થઈ જાય ને એના સ્થાને જુવાન એકટર આવી જાય. 'બોયહૂડ' એક એવી ફિલ્મ છે જેનું મુખ્ય પાત્ર બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં જરૂર પ્રવેશે છે, પણ આર્ટિસ્ટ બદલાતો નથી. ફિલ્મની શરૂઆતથી જે ટાબરિયાને આપણે જોઈએ છીએ એ જ ટાબરિયાને આપણે આખી ફિલ્મ દરમિયાન ક્રમશઃ વિકસતો અને જુવાની તરફ પગલાં માંડતો જોઈએ છીએ. આ કેવી રીતે શક્ય બન્યું? 'બોયહૂડ'નું શૂટિંગ બાર વર્ષ ચાલ્યું હતું. દર વર્ષે થોડા થોડા દિવસ શૂટિંગ કરવામાં આવતું. ફિલ્મમેકિંગ આવી મેથડ અગાઉ કોઈએ અજમાવી નથી. 'બોયહૂડ'ને ઓલરેડી ઢગલાબંધ એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે ને દુનિયાભરના ફિલ્મરસિયામાં તેની ચર્ચા છે.

ફિલ્મમાં એક ટિપિકલ ડિસ્ફંક્શનલ અમેરિકન પરિવારની વાત છે. જુવાન પતિ-પત્ની છે, એમનો સાત વર્ષનો દીકરો મેસન અને એના કરતાં થોડીક મોટી દીકરી સામન્થા છે. ફિલ્મની શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે મેસનનાં મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ચૂક્યા છે. મમ્મી-પપ્પાનું અફેર ચાલતું હતું ત્યારે મમ્મી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેના લીધે ફટાફટ લગ્ન કરી લેવાં પડયાં હતાં. લગ્નજીવન લાંબું ન ચાલ્યું ને બન્ને છૂટાં પડી ગયાં. બન્ને સંતાનોની કસ્ટડી મા પાસે છે. બચ્ચાંઓને વીકએન્ડ દરમિયાન મળવાની કોર્ટે પિતાને છૂટ આપી છે. અમેરિકામાં ડિવોર્સનું પ્રમાણ અતિ ઊંચું છે. અહીં સંતાનો સિંગલ મધર પાસે યા તો સિંગલ ફાધર પાસે ઉછરતાં હોય તે બહુ સામાન્ય બાબત છે. સ્ત્રી અને પુરુષ વારેવારે અલગ અલગ પાર્ટનર શોધીને લગ્નો કર્યાં કરે ને ન ફાવે એટલે ફટાક કરતાં ડિવોર્સ લઈને છૂટાં પડતાં રહે. આવા અસ્થિર પરિવારોમાં સંતાનોની શી હાલત થાય છે? તેમના માનસિક અને મનોવૈજ્ઞાાનિક વિકાસ પર કેવી અસર પડતી હોય છે? બસ, આ મુદ્દાને ચકાસવાનો ફિલ્મમાં પ્રયાસ થયો છે. અહીં મેસનની મમ્મી ત્રણ અને પપ્પા બે લગ્નો કરે છે. મેસન પહેલાં ધોરણમાં ભણતો હોય ત્યાંથી માંડીને એ કોલેજમાં એડમિશન લે ત્યાં સુધીનો બાર વર્ષનો સમયગાળો ડિરેક્ટરે એક જ કલાકારોનો ઉપયોગ કરીને કેપ્ચર કર્યો છે.
૨૦૦૨માં શૂટિંગ શરૂ થયું ત્યારે મેસન બનતો બાળકલાકાર ઈલર કોલ્ટ્રેન સાત વર્ષનો હતો. પરાણે વહાલો લાગે એવો ક્યૂટ ક્યૂટ બાબલો ૨૦૧૩માં ફિલ્મ પૂરી થઈ ત્યારે અઢાર વર્ષનો જુવાન થઈ ચૂક્યો હતો. એનો પાતળો અવાજ જાડો બની ગયો હતો, ચહેરા પર માસૂમિયતની જગ્યાએ દાઢી-મૂછ આવી ગયા હતા. ઈલર કોલ્ટ્રેન સ્ક્રીન પર આપણી આંખો સામે રીતસર મોટો થાય છે. આ આખી પ્રક્રિયા જોતી વખતે ઓડિયન્સ તરીકે આપણને જબરું થ્રિલ થાય છે. અહીં કોઈ કમ્પ્યુટર જનરેટેડ કરામત નથી. ઈલરના દેખાવમાં જે ફેરફાર દેખાય છે તે સાચુકલા છે.

કોઈ કહેશે કે આમાં શું મોટી વાત છે. હરખપદૂડાં મા-બાપ સંતાન જન્મે ત્યારથી એનું વીડિયો શૂટિંગ કરવાનું શરૂ કરી દેતાં હોય છે. વર્ષો સુધી શૂટ કરેલા હોમ વીડિયોને સળંગ જોડી દઈને, પાક્કું એડિટિંગ કરીને અઢી કલાકની ફિલ્મ બનાવીએ તો આવું જ કંઈક દેખાયને! ના, વાત એટલી સીધી ને સટ નથી. 'બોયહૂડ' કેવળ ગિમિક યા તો ગતકડું હોત તો ન એની આટલી ચર્ચા થઈ હોત, ન દર્શકો ને ફિલ્મ રિવ્યૂઅરો એના પર સમરકંદ- બુખારા ઓવારી ગયા હોય. આ એક પ્રોપર ફિલ્મ છે, પાક્કાં પાત્રાલેખન થયાં છે, વાર્તાનો ચોક્કસ ગ્રાફ છે. 'બોયહૂડ' આપણને એક સરસ ઈમોશનલ એક્સપિરિયન્સ કરાવે છે.
"મારે બાળપણ વિશે કશુંક બનાવવું હતું," ડિરેક્ટર રિચર્ડ લિન્કલેટર એક ઈન્ટરવ્યૂમાં કહે છે, "હું પોતે પેરેન્ટ છું. મારે પેરેન્ટિંગ વિશે પણ કશુંક કહેવું હતું. મને સમજાતું નહોતું કે એક ફિલ્મમાં આ બધું કઈ રીતે સમાવવું. આઈ મીન, સાત વર્ષના છોકરાને તમે ફટાક કરતો ચૌદ વર્ષનો ન બતાવી શકો. અલગ અલગ બાળકલાકારને લેવામાં કંઈ મજા જ નથી. કંઈ જામ્યું નહીં એટલે મેં ફિલ્મ બનાવવાનો વિચાર જ પડતો મૂક્યો. પછી ૨૦૦૧માં એક એક્સપેરિમેન્ટલ ટાઈપની નવલકથા લખવાની શરૂ કરી. લખતાં લખતાં મને વિચાર આવ્યો કે આખી ફિલ્મ એક સાથે જ શૂટ કરી નાખવી પડે એવું કોણે કહ્યું? હું ટુકડાઓમાં વર્ષો સુધી શૂટિંગ કરું તો! ને બસ, આખી 'બોયહૂડ' ફિલ્મનું માળખું મારા દિમાગમાં સ્પષ્ટ થઈ ગયું. એક્ચ્યુઅલી, આ બહુ જ સિમ્પલ આઈડિયા છે. મને નવાઈ લાગે છે કે મારી પહેલાં આ આઈડિયો કોઈએ અજમાવ્યો નહીં!"
આઈડિયા ભલે સિમ્પલ હોય, પણ એનું એક્ઝિક્યૂશન કઠિન હતું. બાર વર્ષનું કમિટમેન્ટ આપે એવા બે એડલ્ટ અને બે બાળકલાકાર શોધવા ક્યાંથી? બાર વર્ષ દરમિયાન અધવચ્ચે કોઈ આર્ટિસ્ટનો રસ ઊડી ગયો ને એ આગળ કામ કરવાની ના પાડી દે તો? અથવા તો કંઈક ન થવાનું થઈ ગયું, કોઈનું મૃત્યુ થઈ ગયું કે કોઈ અપંગ થઈ ગયું તો? વળી, હિટ ફોર્મ્યુલા વગરની આવી એક્સપેરિમેન્ટલ ફિલ્મમાં પૈસા રોકવા કયો પ્રોડયુસર તૈયાર થવાનો? ફિલ્મમાં જોખમ પાર વગરનાં હતાં, પણ થયું. બધું જ થયું. એક પ્રોડક્શન હાઉસ બાર વર્ષ સુધી દર વર્ષે બે લાખ ડોલર રોકવા તૈયાર થયું. આ બહુ જ ઓછી રકમ કહેવાય. અતિ લો બજેટની ફિલ્મમાં એક્ટર્સને શું પૈસા મળવાના હોય, છતાંય માતા-પિતાના રોલ માટે પટ્રિશિયા એરક્વેટ અને ઈથન હોક નામનાં અદાકાર તૈયાર થઈ ગયાં. ઈથન હોક અગાઉ રિચર્ડ લિન્કલેટરની ફિલ્મો અને ટીવી સિરીઝમાં કામ કરી ચૂક્યો હતો. એ બન્ને વચ્ચે એવુંય નક્કી થયું હતું કે ધારો કે આ બાર વર્ષમાં રિચર્ડ ટપકી જાય, તો ડિરેક્શનની જવાબદારી ઈથને ઉપાડી લેવાની! નાનકડી દીકરીના કિરદારમાં રિચર્ડે પોતાની સગી પુત્રી લોરેલી લિન્કલેટરને ઉતારી. સૌથી ચાવીરૂપ કાસ્ટિંગ મેસન બનતા બાળકલાકારનું હતું. કેટલાંય ટેણિયાંઓનું ઓડિશન લેવામાં આવ્યું. એમાંથી આખરે છ વર્ષના ઈલર કોલ્ટ્રેનની પસંદગી કરવામાં આવી. અમેરિકામાં એવો કંઈક કાયદો છે કે તમે કોઈને સાત વર્ષ કરતાં વધારે સમય માટે કોન્ટ્રેક્ટ વડે બાંધી ન શકો. આખી કાસ્ટ અને ક્રૂ સાથે કોઈ જાતના કોન્ટ્રેક્ટ કર્યા વગર જિસસભરોસે રિચર્ડે શૂટિંગ શરૂ કરી દીધું.

રિચર્ડ લિન્કલેેટરનો વિચાર એવો હતો કે બાર વર્ષના ગાળામાં દસ-પંદર મિનિટની શોર્ટ ફિલ્મ્સ બનાવતા જવી. પ્રત્યેકમાં છોકરાના જીવનમાં અને તેના પરિવારમાં થયેલા ફેરફારની વાત હોય. પછી આ બધી શોર્ટ ફિલ્મ્સને સાંધીને એક સળંગ ફીચર ફિલ્મનું રૂપ આપવું. ફિલ્મની સ્ટોરીની રૂપરેખા સ્પષ્ટ હતી, પણ સ્ક્રિપ્ટ ઓપન રાખવામાં આવી હતી. દર વર્ષે ટોળકી શૂટિંગ કરવા ભેગી થાય ત્યારે બધા ખૂબ બધું ડિસ્ક્શન કરે. સૌ પોતપોતાના અનુભવો શેર કરે કે મારી મમ્મીના બીજી વાર ડિવોર્સ થયેલા ત્યારે આવું થયેલું ને મારો સ્ટેપફાધર અમારી સાથે આવી રીતે વર્તતો ને એવું બધંું. તેના આધારે રિચર્ડ લિન્કલેટરનાં દૃશ્યો ફાઇનલાઇઝ થાય ને પછી તે શૂટ થાય. મા-બાપ બનતાં કલાકારો દર વર્ષે ચાઈલ્ડ આર્ટિસ્ટ્સ સાથે પહેલાં તો સગાં મમ્મી-પપ્પાની જેમ ખૂબ બધો સમય વીતાવે, એમની સાથે શોપિંગ કરે, ફરવા જાય, એમને પોતાની સાથે જ સૂવડાવે કે જેથી ચારેયની કેમિસ્ટ્રી ફરી જામે ને બાળકલાકારો પાછા કિરદારના મૂડમાં આવી શકે. મજા જુઓ. આમ કહેવા ખાતર ફિલ્મનું કામકાજ બાર વર્ષ ચાલ્યું એમ કહેવાય, પણ ખરેખરું શૂટિંગ તો ટોટલ ૪૫ દિવસ જ થયું હતું! ફિલ્મમાં બાળકલાકારોની સાથે સાથે એમનાં મમ્મી-પપ્પા બનતાં એક્ટરોનાં શરીર જે રીતે ભરાતાં જાય છે તે પણ ઈન્ટરેસ્ટિંગ છે.
આટલાં બધાં લોકોની આટલી ધીરજ અને મહેનતનું પરિણામ મસ્ત મળ્યું છે. લગભગ પોણા ત્રણ કલાક લાંબી'બોયહૂડ' એક નખશિખ સરસ ફિલ્મ છે. અમુક વિવેચકોએ એને આ દાયકાની ગ્રેટેસ્ટ ફિલ્મોમાંની એક ગણાવી. કેટલાય ટોચનાં છાપાં-મેગેઝિનોએ એને પાંચમાંથી પાંચ સ્ટાર આપ્યા. કેટલાયે એને 'એ પ્લેસ' ફિલ્મ ગણાવી.
'બોયહૂડ' જોજો. જરૂર જોજો. કોઈને કદાચ આ ફિલ્મ થોડી ધીમી લાગશે. કોઈકને કદાચ જુવાન થઈ ગયેલા છોકરાનું એનર્જી લેવલ ઓછું લાગશે. ભલે. 'બોયહૂડ' એક અદ્ભુત એક્સપેરિમેન્ટ છે. સિનેમાનું માધ્યમ કેટલી હદે ક્રિએટિવ અને કલ્પનાશીલ બની શકે છે એનું આ એક સુંદર દૃષ્ટાંત છે.
0 0 0