Saturday, March 28, 2015

મલ્ટિપ્લેક્સ : ડિપ્રેશન, ડિબેટ અને દીપિકા

Sandesh - Ardh Saptahik Purti - 29 March 2015
મલ્ટિપ્લેક્સ 

દીપિકા પદુકોણે માનસિક દર્દીઓની મદદ માટે એણે જે સંસ્થા સ્થાપી છે એ કેટલી જેન્યુઈન હોવાની?શુ એ મેન્ટલ હેલ્થનો ઝંડો પબ્લિસિટી માટે ફરકાવી રહી છે? વાંકદેખા એવુંય કહેવાના કે આવું કરવાના એને પૈસા મળ્યા હશે.  હકીકત એ છે કે નંબર વન હિરોઈન બન્યા પછી દીપિકા ડિપ્રેશન નામના નર્કમાં જઈને પાછી ફરી છે. એના આશય અને પ્રયત્નો વિશે શંકા-કુશંકા કરવાનો મતલબ નથી. મેન્ટલ હેલ્થની વ્યાપક સમસ્યા વિશે નક્કરપણે પોતાનાથી થાય એટલું કરવા માગતી દીપિકાના આશયમાં કશી બનાવટ નથી એવું આપણે સ્વીકારી લઈએ. દીપિકાને ડિપ્રેશન દરમિયાન એક્ઝેક્ટલી શું થયું હતું? આ સવાલનો જવાબ વિગતે જાણવા જેવો છે, કેમ કે એના જેવી માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે.


થોડા અરસા પહેલાં દીપિકા પાદુકોણે એક એવી અંગત વાત જાહેર કરી હતી કે તે સાંભળીને સૌ ચોંકી ઊઠયા હતા. ૨૦૧૩ એટલે દીપિકાની કરિયરનું બેસ્ટ યર. 'રેસ-૨', 'યે જવાની હૈ દીવાની', 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને 'રામલીલા' જેવી બેક-ટુ-બેક સુપરહિટ ફિલ્મો આપીને એ અધિકારપૂર્વક નંબર વન પોઝિશન પર પહોંચી ગઈ હતી. એણે ઢગલાબંધ એવોર્ડ્ઝ જીત્યા. પર્સનલ લાઇફ પણ સરસ જઈ રહી. આવા યાદગાર વર્ષનું મીઠું હેંગઓવર મહિનાઓ સુધી અકબંધ રહેવું જોઈતું હતું. બન્યું એના કરતાં વિપરીત. ૨૦૧૪ના પ્રારંભમાં જ એ ડિપ્રેશનનો ભોગ બની. ડિપ્રેશન એટલે એક પ્રકારનો માનસિક રોગ, જેમાં માણસને તીવ્ર બેચેની લાગે અને ભયંકર ખાલીપાની લાગણી જીવવું ઝેર કરી નાખે.
સામાન્યપણે માનસિક બીમારીની વાત છુપાવવામાં આવતી હોય છે, કેમ કે આપણા સમાજમાં માનસિક દર્દી એટલે પાગલ એવી એક ભ્રામક છાપ છે. આમ છતાંય નોર્મલ થઈ ગયા પછી દીપિકાએ હિંમતભેર એક અખબારને પોતાના ડિપ્રેશન વિશે ઇન્ટરવ્યૂ આપ્યો. બોલિવૂડ અને આમજનતા સૌ આંચકો ખાઈ ગયાં કે દીપિકા પાદુકોણ જેવી સુપર સક્સેસફુલ અને ટોપ એક્ટ્રેસને કઈ વાતનું ડિપ્રેશન હોઈ શકે? લેટેસ્ટ સમાચાર એ છે કે દીપિકાએ એક ડગલું આગળ વધીને ડિપ્રેશન તેમજ અન્ય માનસિક બીમારીઓના દર્દીઓની મદદ માટે સંસ્થા સ્થાપી છે. એનું નામ રાખ્યું છે, લિવ-લાફ-લવ ફાઉન્ડેશન. તાજેતરમાં એણે એક ટીવી ચેનલ પર ડિપ્રેશનના પોતાના પીડાદાયી અનુભવ વિશે ઝીણવટભેર વાત કરી હતી.
કહેનારાઓ કહેવાના કે દીપિકા આ બધું પબ્લિસિટી ખાતર કરી રહી છે. વાંકદેખા એવુંય કહેવાના કે દીપિકા માનસિક બીમારીના કોઝનો ઝંડો લઈને એટલા માટે ફરી રહી છે કે એને આવું કરવાના પૈસા મળ્યા હશે. એણે જે ફાઉન્ડેશન સ્થાપ્યું છે એ કેટલું જેન્યુઇન છે તે વિશેય શંકા થવાની. ખેર, આ પ્રકારની શંકા-કુશંકાનો આ તબક્કે કશો મતલબ નથી. મેન્ટલ હેલ્થની વ્યાપક સમસ્યા વિશે નક્કરપણે પોતાનાથી થાય એટલું કરવા માગતી દીપિકાના આશયમાં કશી બનાવટ નથી એવું આપણે સ્વીકારી લઈએ છીએ. દીપિકાને ડિપ્રેશન દરમિયાન એક્ઝેક્ટલી શું થયું હતું? આ સવાલનો જવાબ વિગતે જાણવા જેવો છે, કેમ કે દીપિકા જેવી માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે.
"ગયા વર્ષની પંદરમી ફેબ્રુઆરીની વાત છે," દીપિકા પાક્કી તારીખ ટાંકીને વાત કરે છે, "તે સવારે હું રોજની જેમ ઊઠી તો ખરી, પણ ઊઠયા પછી ખબર જ ન પડે કે મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે. એટલી બધી ખરાબ ફીલિંગ થવા લાગી કે હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. આ પહેલી વાર નહોતું. આવું મને છેલ્લાં કેટલાય સમયથી થઈ રહ્યું હતું."
દીપિકા મુંબઈમાં એકલી રહે છે. સદ્ભાગ્યે તે દિવસોમાં દીપિકાનાં મમ્મી-પપ્પા અને નાની બહેન અનિશા બેંગલુરુથી મુંબઈ એનાં ત્યાં આવ્યાં હતાં. ઇન ફેક્ટ, તેઓ એ દિવસે પાછાં બેંગલુરુ જવાનાં હતાં. પરિવાર મુંબઈ આવ્યો હોય અથવા દીપિકા બેંગલુરુ ગઈ હોય ત્યારે વિખૂટા પડતી વખતે થોડા ઢીલા પડી જવું સ્વાભાવિક છે, પણ આ વખતે એરપોર્ટ જવાના થોડા કલાકો પહેલાં દીપિકા મમ્મી-પપ્પા પાસે બેઠી હતી ત્યારે હીબકાં ભરીને રડવા લાગી. માંડ શાંત થઈ. થોડી વાર પછી પાછી મોટે મોટેથી રડી પડી. અઢાર વર્ષની ઉંમરથી દીપિકા પોતાના પગ પર ઊભી થઈ ગઈ છે. ખૂબ મજબૂત મનની છોકરી છે એ. તેથી જ આજે એ જે રીતે વારે વારે રડી પડતી હતી તે જોઈને મમ્મીને અજુગતું લાગ્યું. એમણે દીકરીને પાસે બેસાડીને પ્રેમથી પૂછયું કે બેટા, શું વાત છે? કેમ આજે આટલું બધું રડે છે? કોઈએ તને કશું કહ્યું? પર્સનલ લાઇફમાં કોઈ પ્રોબ્લેમ છે? દીપિકાએ કહ્યું કે મમ્મી, કશો જ પ્રોબ્લેમ નથી, બધું જ બરાબર છે. દીપિકાને ખુદને સમજાતું નથી કે આજે એને શું થઈ રહ્યુંં છે. મમ્મીએ ત્વરીત નિર્ણય લઈ લીધો. તેમણે પતિ પ્રકાશ પાદુકોણ (વિખ્યાત બેડમિન્ટન પ્લેયર)ને કહ્યું: દીપિકાની હાલત ઠીક નથી લાગતી. એક કામ કરો, તમે નાની અનિશાને લઈને બેંગલુરુ નીકળો, હું દીપિકા પાસે રોકાઈ જાઉં છું. 

  
"અને મમ્મી એક આખો મહિનો સતત મારી સાથે રહી," દીપિકા કહે છે, "પણ આની પહેલાંના દિવસો ભયંકર હતા. ક્યારેક હું ખુશ હોઉં ને પછી ઓચિંતા રડવા માંડું. સેટ પર એકાએક મારી વેનિટી વેનમાં દોડીને એકલી એકલી રડયા કરું. એરપોર્ટ પર પ્લેનની રાહ જોતી હોઉં ત્યારે પણ આવું થાય. લોકોની નજરથી બચવા વોશરૂમ તરફ દોડીને દરવાજો અંદરથી લોક કરી ફૂટી ફૂટીને રડતી રહું. એક વાર મારે દિલ્હીમાં એક ઇવેન્ટમાં બોલવા જવાનું હતું. લેક્ચર પહેલાં હું હોટલની રૂમમાં એટલું બધું રડી. પછી માંડ માંડ સ્વસ્થ થઈ, મેકઅપ ઠીક કરી, ચહેરા પર સ્માઇલ લાવી ઇવેન્ટમાં પહોંચી. વક્રતા જુઓ, મારે તે દિવસે 'નંબર વન હિરોઇન હોવું એટલે શું' તે વિષય પર બોલવાનું હતું! હું અમેરિકા ફક્ત એક એવોર્ડ લેવા માટે ફંક્શન એટેન્ડ કરવા ગઈ હતી. મને એમ કે મુંબઈના માહોલથી દૂર રહીશ તો જરા ચેઇન્જ જેવું લાગશે. ત્યાં લોકોની વચ્ચે હોઉં ત્યાં સુધી બધું ઠીક લાગતું, પણ જેવી હોટલના કમરામાં એકલી પડું એટલે પાછી એ જ હાલત. મને સમજાતું જ નહોતું કે મને શા માટે આટલું લો ફીલ થાય છે, મને કઈ વાતનું રડવું આવે છે. ભૂખ લાગે પણ જમવા બેસું તો ગળેથી કોળિયા ન ઊતરે. સવારે ઊઠું ત્યારે ભયંકર થાક વર્તાય અને ઊભા થવાની જ ઇચ્છા ન થાય. એ દિવસોમાં એવું લાગતું હતું કે જાણે કોઈએ મને કાળી કોટડીમાં પૂરી દીધી છે અને હું એ કોટડીમાંથી કેમેય કરીને બહાર આવી શકું તેમ નથી."
તે દિવસોમાં દીપિકાની 'હેપી ન્યૂ યર'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં આપણે દીપિકાને હસતી, નાચતી, કોમેડી કરતાં જોઈએ છીએ, પણ તેના શૂટિંગ દરમિયાન અંદરખાને એ તીવ્ર પીડાદાયી મનોદશામાંથી પસાર થઈ રહી હતી તેવી કલ્પના પણ થઈ શકે છે? મેકઅપ કરીને, કોસ્ચ્યુમ ચડાવીને શોટ આપવાના, લોકો અને મીડિયા સામે મોઢું હસતું રાખવાનું, તમામ કમિટમેન્ટ્સ નિભાવવાના ને પછી એકલા પડતાં જ જાણે કોઈએ ખીણમાં ધક્કો મારી દીધો હોય તેવી માનસિક પરિસ્થિતિમાં ફેંકાઈ જવાનું. દીપિકા કહે છે, "તે દિવસોમાં હું યંત્ર જેવી થઈ ગઈ હતી. જાણે ઓટો-પાઇલટ પર કામ કરતી હતી. હું કોઈ સાથે મનની વાત શેર પણ કરી શકતી નહોતી. એવું નહોતું કે મારે છુપાવવું હતું, પણ હું શું શેર કરું? મને ખુદને સમજાતું નહોતું કે આ ટેમ્પરરી ફેઝ છે કે કાયમી છે?" પણ મમ્મી એક મહિનો પડછાયાની જેમ સાથે રહી અને ચિત્ર બદલાયું. 
દીપિકાની નાની બહેન અનિશાએ જ મમ્મીને સલાહ આપી કે આપણે એનાઆન્ટીની મદદ લઈએ. પ્રોફેશનલ કાઉન્સેલર એના ચંડી પાદુકોણ પરિવારનાં વર્ષોજૂનાં મિત્ર છે. એનાને સમજાતાં વાર ન લાગી કે મામલો સિરિયસ છે. દીપિકા એની સામે એક જ વાત દોહરાવતી હતીઃ આઈ એમ ફીલિંગ એમ્પ્ટી. દીપિકાને મળ્યા પછી એનાએ સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની સલાહ આપી. દીપિકા સતત નકારતી રહી. કેટલીય સમજાવટને અંતે એ માંડ બંગલુરુના ડો. શ્યામ ભટ્ટ નામના માનસ ચિકિત્સક પાસે આવવા તૈયાર થઈ. ડો. ભટ્ટે ડિપ્રેશનનું નિદાન કરી તરત સારવાર શરૂ કરી. દવાદારૂને લીધે દિમાગમાં થઈ ગયેલા કેમિકલ લોચા ધીમે ધીમે દૂર થયા. બે આખા મહિના બેંગલુરુમાં પરિવાર સાથે રહ્યા બાદ એ ડિપ્રેશનની અસરમાંથી પૂરેપૂરી બહાર આવી ગઈ.
"મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડે આ જ અરસામાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરીને જીવ ટૂંકાવ્યો." દીપિકા કહે છે, "એટલો ખુશમિજાજ છોકરો. આપણને કલ્પના પણ ન આવે કે અંદરથી તે આટલો બધો રિબાતો હશે. એક હદ કરતાં વધારે એ ડિપ્રેશન સહી ન શક્યો ને એણે સ્યુસાઇડ કરી નાખ્યું. આ ઘટનાએ મને હલાવી દીધી. મેં લિવ-લાફ-લવ ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો એનું એક કારણ આ પણ છે. હું પોતે નરક જેવી યાતના ભોગવીને બહાર આવી છું. જો મારા પ્રયત્નોથી એક માણસનો જાન પણ બચશે તો હું મારી જાતને સફળ માનીશ."

એક અંદાજ પ્રમાણે ભારતની ૩૬ ટકા પ્રજા ડિપ્રેશનથી પીડાય છે. ભારતની ૭૦ ટકા વસતીની ઉંમર ૩૫ વર્ષ કરતાં ઓછી છે. ૧૫થી ૨૯ વર્ષના વયજૂથમાં આત્મહત્યાનું પ્રમાણ આપણા દેશમાં દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં ઊંચું છે. જે રીતે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતાં આ પરિસ્થિતિ ભવિષ્યમાં વકરવાની છે. શરીરની જેમ મન પણ બીમાર થઈ શકે છે. એમાં કશું જ અસાધારણ નથી. મેન્ટલ હેલ્થ વિશે લોકોમાં જાગૃતિ વધશે તો જ માનસિક બીમારી સાથે જોડાયેલી શરમ યા તો કલંકની ભાવના ઝાંખી થશે અને ડિપ્રેશન સહિતના દિમાગના રોગોનું પ્રમાણ ઘટશે. દીપિકા પાદુકોણ જેવી સેલિબ્રિટી મેન્ટલ હેલ્થના ક્ષેત્રમાં સક્રિય બને તે સારું જ છે.
0 0 0 

Tuesday, March 24, 2015

ટેક ઓફ : નારીવાદી ખીચડીમાં પોર્નોગ્રાફીનો વઘાર!

sandesh - Ardh spatihik purti - 25 Mar 2015
ટેક ઓફ 
ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એટલે સ્ત્રીઓ દ્વારા, સ્ત્રીના દૃષ્ટિકોણથી બનાવાતી પોર્ન ફિલ્મો, જેમાં સ્ત્રીની સેક્સ્યુઅલ ફેન્ટસી અને પ્લેઝરનું ચિત્રણ હોય. તેમાં સ્ત્રી ફક્ત ઉપભોગની વસ્તુ નહીં પણ પુરુષની સમોવડી હોય. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી નારીવાદનો જ એક વરણાગી પ્રકાર છે!
a Jocelyn Braxton Armstrong sculpture 

ન્ટરનેટ પર કેવળ સોશિયલ મીડિયા ઊથલાવવા ઉપરાંત સારી અને ગુણવત્તાસભર વેબસાઇટ્સનું ર્સિંફગ કરવાના શોખ ધરાવનારાઓ માટે ટેડ.કોમ એક પ્રિય સરનામું છે. 'આઇડિયાઝ વર્થ સ્પે્રડિંગ' આ પોપ્યુલર વેબસાઇટની ટેગલાઇન છે. જાતજાતના ને ભાતભાતના વિષયો પર દુુનિયાભરના એક્સપર્ટ્સ લાઇવ ઓડિયન્સ સામે પાંચથી પચીસ મિનિટનું વક્તવ્ય પેશ કરે. વક્તવ્યોમાં બૌદ્ધિક કક્ષા ઊંચી હોય, રસપ્રદ હોય અને તેમાં નવાં સંશોધનો, તારણો, જાતઅનુભવો અથવા વિચારો વણી લેવાયાં હોય. આ ઇવેન્ટનો વીડિયો પછી ટેડની સાઇટ પર શેર થાય. આ પ્રકારની સ્તરીય વેબસાઇટ પર ઓચિંતા હાર્ડકોર પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવનાર વ્યક્તિ - અને તે પણ મહિલા - વક્તા તરીકે તમારી સામે આવી જાય તો ચમકી તો જવાય જ. થોડુંક કૌતુક પણ થાય. જોકે, પછી તરત તમને સમજાય કે અહીં પોર્નોગ્રાફીની વાત છે જ, પણ વક્તા ફેમિનિઝમ વિશે પણ ચર્ચા કરવા માગે છે. એરિકા નામની આ માનુની 'ફેમિનિસ્ટ પોર્નોગ્રાફર' છે, જેણે એવોર્ડવિનિંગ પોર્નફિલ્મો બનાવી છે. (હા, પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પણ ઓસ્કર અને ફિલ્મફેર જેવા રીતસર એવોર્ડ ફંક્શન્સ યોજાય છે અને આ પ્રકારના એવોર્ડ્ઝ અપાય છે.) એરિકા પોતાને ફેમિનિસ્ટ ઉપરાંત એક્ટિવિસ્ટ પણ ગણાવે છે. ફેમિનિઝમની ખીચડીમાં થયેલો પોર્નોગ્રાફી નામનો આ નવો વઘાર કુતૂહલપ્રેરક છે!
"હું સ્વિડનમાં મોટી થઈ છું" એરિકા કહે છે, "અને ફેમિનિસ્ટ તાસીર માટે દુનિયામાં સ્વિડન કરતાં વધારે અનુકૂળ કદાચ બીજો કોઈ દેશ નથી."
એરિકાએ જિંદગીમાં સૌથી પહેલી વાર પોર્ન ફિલ્મ પોતાની બહેનપણીઓ સાથે જોઈ હતી. છોકરીઓનું ટોળું એક રાતે એક જણીને ત્યાં રાત રોકાવા એકઠું થયું. સૌના મનમાં પોર્ન ફિલ્મ જોવાની ચટપટી હતી. સૌને એમ કે બસ, હમણાં કામશાસ્ત્રનાં ગૂઢ રહસ્યો પરથી પડદો ઊઠયો જ સમજો. મજાક-મસ્તી અને જાતજાતની કમેન્ટ્સ વચ્ચે ફિલ્મ જોવાતી ગઈ, પણ તે પૂરી થઈ પછી એરિકા અને એની બહેનપણીઓના મનમાં નિરાશા હતી. આ સેક્સ? સાવ આવું અણઘડ?
છ વર્ષ પછી એરિકા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ ભણતી હતી ત્યારે એના તે વખતના બોયફ્રેન્ડ સાથે ફરી એક વાર પોર્ન ફિલ્મ જોવાનું બન્યું. "આ ફિલ્મમાંય બધું એનું એ જ હતું." એરિકા કહે છે, "આમાંય સ્ત્રીને કેવળ એક વાસનાપૂર્તિના સાધન તરીકે પેશ કરવામાં આવી હતી. હું પોર્ન જોઈને એક્સાઇટ જરૂર થઈ ગઈ હતી. આ એક્સાઇટમેન્ટ મીઠું પણ લાગતું હતું, પણ સ્ત્રીનું ઓબ્જેક્ટિફિકેશન જોઈને મારા મનમાં કડવાશ વ્યાપી ગઈ. મારી અંદર રહેલી ફેમિનિસ્ટ અને એક્ટિવિસ્ટ ઊકળી ઊઠી. હું ગૂંચવાઈ ગઈ. ગંૂચવાયેલી હાલતમાં છોકરીઓ સામાન્યપણે જે કરતી હોય છે તેવું મેં પણ કર્યું - મેં બોયફ્રેન્ડને તતડાવી નાખ્યો. આ બધો તારો જ વાંક છે!"
એરિકાનું કન્ફ્યુઝન આખરે બર્કલી યુનિવર્સિટીના પ્રો. લિન્ડા વિલિયમ્સે લખેલા 'હાર્ડકોર' નામના પુસ્તકે દૂર કર્યું. એમાં લખ્યું હતું કે પોર્નોગ્રાફીને ફક્ત પોર્નોગ્રાફી તરીકે ન જુઓ, આ ઉઘાડી ફિલ્મો ખરેખર તો સેક્સ્યુઆલિટી વિશેનો વાર્તાલાપ છે, પુરુષત્વ અને સ્ત્રીત્વ વિશેનું વિવરણ છે, અંગત જીવનમાં તેમનું જે સ્થાન છે અને તેઓ જે ભૂમિકા ભજવે છે તે વિશેની ચર્ચા છે.

"મારા માટે આ યુરેકા મોમેન્ટ હતી!" એરિકા કહે છે, "મને સમજાયું કે પોર્નોગ્રાફી એક એવો વાર્તાલાપ છે જેમાં કેવળ પુરુષો જ ભાગ લે છે. એય પાછા સ્ત્રીને ઊતરતી સમજતા, સંકુચિત માનસિકતા ધરાવતા અને સાવ ઓછી સેક્સ્યુઅલ ઇન્ટેલિજન્સ ધરાવતા પુરુષો. સમય બદલાઈ ગયો છે, સમાજમાં સ્ત્રીનું સ્થાન બદલાઈ ગયું છે, બધે સ્ત્રી-પુરુષ સમાનતાની ચર્ચા ચાલે છે, તો પોર્ન ઇન્ડસ્ટ્રી શા માટે બાકાત રહી જવી જોઈએ? ઇટ્સ ટાઇમ ફોર પોર્ન ટુ ચેઇન્જ! એ માટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓએ આગેવાની લેવી પડે - પ્રોડયુસર તરીકે, ડિરેક્ટર તરીકે, સ્ક્રિપ્ટ રાઇટર તરીકે. સ્ત્રીઓએ કેમેરાની સામે જ નહીં, કેમેરાની પાછળ પણ કામ કરવું પડે... અને મેં એ જ કર્યું!"
એરિકા તે વખતે ફિલ્મ ડિરેક્શનનું ભણી રહી હતી. ફાઇનલ યરમાં એણે સ્ટુડન્ટ પ્રોજેક્ટ તરીકે એક શોર્ટ ફિલ્મ બનાવવાની હતી. એરિકાને થયું કે શોર્ટ પોર્નોગ્રાફી ફિલ્મ જ શું કામ ન બનાવવી, જે હટકે હોય અને એમાં મારા વિચારો અને માનસિકતા વ્યક્ત થતા હોય! એણે પાંચ-છ મિનિટની શોર્ટ પોર્ન ફિલ્મ બનાવી, ઇન્ટરનેટ પર અપલોડ કરી. જંગી રિસ્પોન્સ મળ્યો. ગણતરીના દિવસોમાં લાખો લોકોએ ફિલ્મ જોઈ. મીડિયાનું પણ ધ્યાન ખેંચાયું.
"મને સમજાઈ ગયું કે આ જ મારી કરિયર છે. મારે પોર્નોગ્રાફર નહીં, પણ એક ફિલ્મમેકર બનવું હતું જે સ્ત્રીના દૃષ્ટિકોણથી સેક્સનું સૌંદર્ય પેશ કરતી હોય. તમને ગમે કે ન ગમે, પણ હકીકત એ જ છે કે ટીનેજરો પોર્ન જોઈને જ સેક્સ વિશેની જાણકારી મેળવે છે. ઓનલાઇન પોર્નના આધારે ટીનેજરોના મનમાં સેક્સ વિશેના ખ્યાલો બંધાય છે. આ પોર્ન ફિલ્મો સામાન્યપણે કેવી હોય છે? ગંદી, સ્ત્રીને નિમ્ન સ્તરે મૂકતી, તેથી જ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. સેક્સ ભલે ડર્ટી હોય, પણ વેલ્યૂઝ ક્લીન હોવી જોઈએ!"
એક ફેમિનિસ્ટ મહિલા પોર્નોગ્રાફી વિશે વાત કરતી વખતે ડર્ટી સેક્સ અને નીતિમૂલ્યોની વાતો એકશ્વાસે અને એકસાથે કરી શકે છે! એક ઇન્ટરવ્યૂમાં એરિકા કહે છે, "પોર્ન અને ફેમિનિઝમ વચ્ચે હંમેશાં લવ-હેટનો સંબંધ રહ્યો છે. એક ફેમિનિસ્ટ તરીકે મને લાગે છે કે ફેમિનિઝમની વાત થતી હોય ત્યારે કલ્ચર અને આર્ટસ્ટિક એક્સપ્રેશન્સનાં તમામ પાસાંને આવરી લેવાં જોઈએ. એમાં પોર્નોગ્રાફી પણ આવી ગયું." 

Erika

'ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી' શબ્દપ્રયોગ ચલણમાં આવી ચૂક્યો છે. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એટલે સ્ત્રીઓ દ્વારા બનાવાતી પોર્ન ફિલ્મો, જેમાં સ્ત્રીની સેક્સસ્યુઅલ ફેન્ટસીઓ અને પ્લેઝરનું ચિત્રણ હોય, જેમાં સ્ત્રી ફક્સ ઉપભોગની વસ્તુ નહીં પણ પુરુષની સમોવડી હોય! આ ફિલ્મોની પ્રોડક્શન વેલ્યૂ સારી હોય, એસ્થેટિક સેન્સ જળવાઈ હોય અને ખાસ તો એમાં સ્ત્રી-પુરુષો જનાવરની જેમ ધમપછાડ નહીં પણ સિરિયસ લવ-મેકિંગ કરતાં હોય! આ પોર્ન, અલબત્ત, પુરુષો પણ માણી શકે છે. ૨૦૧૪માં હોલિવૂડની સૌથી વધારે કમાણી કરનાર મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાંથી ફક્ત ૮ ટકા ફિલ્મો મહિલા ડિરેક્ટરોએ બનાવી હતી. તેની તુલનામાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રોડયુસર-ડિરેક્ટર તરીકે મહિલાઓની વ્યવસ્થિત એન્ટ્રી છેક ૨૦૦૨માં થઈ, પણ આ બાર-તેર વર્ષમાં તેઓ એડલ્ટ ઇન્ડસ્ટ્રી પર છવાઈ ગઈ છે. મતલબ કે પશ્ચિમના મેઇનસ્ટ્રીમ સિનેમાની તુલનામાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું વધારે પાવરફુલ છે!
ફેમિનિઝમનાં કોન્સેપ્ટમાં સમયની સાથે સતત પરિવર્તનો આવ્યાં છે. આ સંકલ્પના ખેંચાઈને છેક પોર્નોગ્રાફીમાંય પ્રવેશી ચૂકી છે. ફેમિનિસ્ટ પોર્નોગ્રાફી એ નારીવાદનો જ એક વરણાગી પ્રકાર છે!
                                                       0 0 0 

Tuesday, March 17, 2015

ટેક ઓફ : ઇંગ્લેન્ડના ચાઇલ્ડ સેક્સ સ્કેન્ડલ પર ક્યારે ડોક્યુમેન્ટરી બનાવશો, મિઝ લેસ્લી?

Sandesh - Ardh Saptahik Purti - 18 March 2014
ટેક ઓફ
સોળ વર્ષમાં કમ સે કમ ૧૪૦૦ બાળકો પર રેપ, ગેંગરેપ અને વેશ્યાવૃત્તિ કરાવવાના ભયાનક સ્કેન્ડલનો રિપોર્ટ બહાર પડયો છે ત્યારથી ઇંગ્લેન્ડમાં સનસનાટી મચી ગઈ છે. ભારત આવીને નિર્ભયા પર ડોક્યુમેન્ટરી બનાવી ગયેલી લેસ્લી ડવિનને પોતાના દેશનાં આ શર્મનાક કારનામા પર ફિલ્મ બનાવવાનું સૂઝતું નથી!

દિલ્હીના ઘાતકી નિર્ભયા રેપકાંડથી આખો દેશ આતંકિત થઈ ગયો હતો. લેસ્લી અડવિન નામની એક બ્રિટિશ ફિલ્મમેકરે આ દુર્ઘટનાક્રમ પરથી 'ઇન્ડિયાઝ ડોટર' નામની ડોક્યુમેન્ટરી બનાવી નાખી અને નવેસરથી હોબાળો મચી ગયો. ડોક્યુમેન્ટરીનું અણઘડપણું,સંવેદનશીલતાનો અભાવ, બજારુંવૃત્તિ, બીબીસીની બદમાશી અને જંગલી ડિફેન્સ લોયરો પર ફિટકાર વરસ્યો. સાથે સાથે ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ બ્રોડકાસ્ટિંગ, હિન્દુસ્તાનીઓનો દંભ, આપણી શાહમૃગવૃત્તિ વગેરે પર પણ ઉછળી ઉછળીને ચર્ચા થઈ. નિર્ભયા કેસ વિદેશી મીડિયામાં પણ સારો એવો ગાજ્યો છે. આ ડોક્યુમેન્ટરીને લીધે મામલાને નવું આંતરરાષ્ટ્રીય પરિમાણ મળી ગયું.
ભારતમાં બનતી આ પ્રકારની બર્બર ઘટનામાં વિદેશના મીડિયાને બહુ રસ પડી જાય છે, પણ પરદેશમાં આ પ્રકારના બનાવને લીધે જોરદાર ચકચાર જામી હોય તોય આપણું મીડિયા ડાહ્યુંડમરું થઈને ચૂપ રહી જાય છે. લેસ્લી એડવિનના જ દેશ ઇંગ્લેન્ડમાં ગયા ઓગસ્ટમાં એક આઘાતજનક સેક્સ સ્કેન્ડલ વિશેનો રિપોર્ટ એવા વિસ્ફોટ સાથે ઉછળ્યો કે એની ધ્રુજારી હજુ સુધી શમી નથી. રોધરહેમ ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ કેસ તરીકે જોરદાર ગાજેલો અને હજુય ગાજી રહેલો આ મામલો શો છે?
Rotherham city

રોધરહેમ એટલે ઇંગ્લેન્ડના સાઉથ યોર્કશાયરમાં આવેલું એક નગર. વસતી હશે ત્રણેક લાખની આસપાસ. ભૂતકાળમાં બનેલી કેટલીક અપ્રિય ઘટનાઓના સંદર્ભમાં રોધરહેમની કાઉન્સિલે ૨૦૧૩માં પ્રોફેસર એલેક્સિસ જે નામની સ્કોટિશ ગવર્નમેન્ટની ભૂતપૂર્વ ચીફ સોશિયલ વર્ક એડવાઇઝર રહી ચૂકેલી મહિલાને સ્વતંત્રપણે એક રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું. ઓગસ્ટ ૨૦૧૪માં એલેક્સિસનો રિપોર્ટ જાહેર થયો. રિપોર્ટમાં કહેવાયું હતું કે ૧૯૯૭થી ૨૦૧૩ સુધીનાં સોળ વર્ષના ગાળામાં રોધરહેમના કમ સે કમ ૧૪૦૦ જેટલાં બાળકો જાતીય શોષણનો ભોગ બન્યાં છે અને આ 'કન્ઝર્વેટિવ એસ્ટિમેટ' છે. મતલબ કે જાતીય અત્યાચારનો ભોગ બનેલાં બાળકોનો સાચુકલો આંકડો આના કરતાં ક્યાંય મોટો હોઈ શકે છે!
કેવા પ્રકારના જાતીય અત્યાચાર થયા માસૂમ બચ્ચાઓ પર? અપહરણ કરીને તેમની મારપીટ કરવી, તેમના પર રેપ થવા, ગેંગરેપ, તેમની પાસે વેશ્યાવૃત્તિ કરાવવી વગેરે. અગિયાર-અગિયાર વર્ષની નાનકડી બાળકીઓ પણ બચી ન હતી. આ શેતાની કારનામાં કરનારા પાકિસ્તાની કુળના પુરુષો હોવાનું પછી પુરવાર થયું.
બદમાશો સામાન્યપણે સરકાર અથવા સંસ્થાઓ દ્વારા ચાલતાં ચિલ્ડ્રન્સ હોમ અને અડોપ્ટિંગ એજન્સીઓને ટાર્ગેટ કરતા. ચિલ્ડ્રન્સ હોમમાં એવાં બાળકો હોય જેમનાં મા-બાપમાં સંતાનને ઉછેરવાની ત્રેવડ ન હોય, ખુદ ડ્રગ્ઝના બંધાણી બની ચૂક્યાં હોય, ઘરમાં રોજ મારપીટ થતી હોય. આવા દૂષિત વાતાવરણથી બાળકોને બચાવવા સરકાર એમને ચિલ્ડ્રન્સ હોમમાં મૂકે, પણ અહીં એમની હાલત ઊલમાંથી ચૂલમાં પડવા જેવી થાય. એવું નહોતું કે અપરાધી ગેંગ કેવળ ચિલ્ડ્રન્સ હોમનાં બાળકોને જ નિશાન બનાવતા,તેમની નજર સામાન્ય પરિવારનાં બાળકો પર પણ રહેતી. એમની મોડસ ઓપરેન્ડી સમજવા જેવી છે. સૌથી પહેલાં તો તેઓ અગિયાર-બાર-તેર વર્ષનાં બાળકોને ખાસ કરીને છોકરીઓને 'ગ્રૂમ' કરે. સ્કૂલની બહાર તેમની સાથે દોસ્તી કરે, મોબાઇલ ફોન જેવી મોંઘી ગિફ્ટ્સ આપે, કાર અને ટેક્સીમાં લિફ્ટ આપે. સામાન્યપણે આ કામ કરનારા કોલેજિયન ટાઇપના જુવાનિયા હોય. જોનારાઓને એવું જ લાગે કે આ છોકરીનો બોયફ્રેન્ડ હશે. એક વાર છોકરીને વિશ્વાસ બેસે એટલે જુવાનિયા એની ઓળખાણ મોટી ઉંમરના પુરુષો સાથે કરે. આ પુરુષો તરુણ છોકરીઓને મોંઘી ગિફ્ટ્સ વગેરેથી ભોળવીને ધીમે ધીમે દારૂ અને હળવા નશીલા ડ્રગ્ઝના રવાડે ચડાવે. બચ્ચાઓને ભરપૂર અટેન્શન મળે તે ગમવાનું જ છે. પછી લાગ મળતાં જ એ 'ફ્રેન્ડ' તરુણીને પોતાની હવસનો શિકાર બનાવે.

આ બધાંમાંથી પસાર થઈ ચૂકેલી લિઝા (કાલ્પનિક નામ) નામની યુવતીએ એક ટીવી ચેનલ પર પોતાની કહાણી શેર કરતાં કહ્યું હતું, "આ લોકો પહેલાં વર્ષ દરમિયાન તમને ગ્રૂમ કરતા હોય ત્યારે બિલકુલ જેન્ટલમેનની માફક વર્તે. તમને ટચ પણ ન કરે. એમની કંપનીમાં તમને ક્યારેય અસલામતીની લાગણી ન થાય. એમના પર તમને સજ્જડ વિશ્વાસ બેસી જાય. એવું જ લાગે કે જેમ સ્કૂલમાં ફ્રેન્ડ્ઝ છે તેમ આ લોકો પણ ફ્રેન્ડ્ઝ જ છે, ફક્ત ઉંમરમાં થોડા મોટા છે એટલું જ. એક રાતે જે મેઇન માણસ હતો એણે કેટલાય લોકોની હાજરીમાં એકદમ જંગલીની જેમ મારા પર બળાત્કાર કર્યો. પછી સિલસિલો શરૂ થઈ ગયો. દર અઠવાડિયે મારા પર રેપ થતો. મને એક બંધ ફ્લેટમાં લઈ જવામાં આવતી. પછી જુદા જુદા પુરુષો વારાફરતી મને પીંખી નાખતા. હું મેઇન માણસને કરગરું કે પ્લીઝ હવે વધારે માણસોને અંદર ન મોકલતો, મને ઘરે જવા દે, તો એ ખડખડાટ હસતો ને મને ધમકાવીને ચૂપ કરી દેતો."
ત્રણ મહિના પછી છોકરી હિંમત કરીને પોલીસ સ્ટેશને ગઈ હતી. પુરાવારૂપે પોતાનાં કપડાં પોલીસને સુપરત કર્યાં હતાં, છતાંય કોઈની સામે કશું જ પગલું ન ભરાયું. કેમ? પોલીસે છોકરીનાં કપડાં ખોઈ નાખ્યાં અને પુરાવા વગર એક્શન કેવી રીતે લેવાય?લિઝા તેરથી પંદર વર્ષની થઈ ત્યાં સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. આખરે એણે મમ્મી-પપ્પાને વાત કરી હતી. હેબતાઈ ગયેલાં મા-બાપ પોલીસ સ્ટેશને દોડયાં, પણ તેમને કહી દેવામાં આવ્યું કે અમે તમારી દીકરીની પર્સનલ સિક્યોરિટીની જવાબદારી લઈ શકીએ તેમ નથી! યાદ રહે, આ ઇંગ્લેન્ડ જેવા કહેવાતા સુધરેલા અને આધુનિક દેશની પોલીસની વાત થઈ રહી છે. પેલી ગુંડા ટોળકીએ લિઝાના આખા પરિવારને પજવવાનું શરૂ કર્યું. ઘરની બહાર કાર પાર્ક કરીને બેસી રહે. ડોરબેલ વગાડી વગાડીને પરેશાન કરે. લિઝાને ધમકી આપે કે જો હોશિયારી કરી છે તો તારી મા પર રેપ કરી નાખીશું! આખરે ત્રાસીને લિઝાના પરિવારે શહેર છોડવું પડયું. માનસિક સ્તરે લિઝા ખતમ થઈ ગઈ હતી. એ હવે પુખ્ત બની ગઈ છે, પણ સાઇકિયાટ્રિસ્ટની સારવાર આજની તારીખે પણ ચાલે છે. એની જિંદગી ધૂળધાણી કરનારી ટોળકી હજુ છૂટથી ફરે છે.
આ તો એક કિસ્સો થયો. આવા કમ સે કમ ૧૪૦૦ કિસ્સા છે, જેમાંના સેંકડો કિસ્સા લિઝાના કેસ જેટલા જ ગંભીર હોવાના. બાળકો મોં ન ખોલે તે માટે શરીર પર પેટ્રોલ છાંટીને ધમકાવવાના બનાવ પણ બન્યા છે. જો ચૂં-ચાં કરી છે તો તને સળગાવી દઈશ! પાશવી બળાત્કાર થઈ રહ્યો હોય ત્યારે એમને હાજર રખાતાં. જો અમારી વાત નહીં માને તો તારા હાલ પણ આવા જ થશે!

૨૦૧૦માં આખરે ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા પાંચ પાકિસ્તાનીઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. આ પાંચેય ટેક્સીચાલકો હતા. જોકે, રોધરહેમમાં ચાલી રહેલી ગુનાખોરી પર તે પછીય પૂર્ણવિરામ ન મુકાયું, કેમ કે એક અંદાજ મુજબ રોધરહેમના આ પ્રકારના ગોરખધંધા કરતી ૮૦થી ૯૦ એશિયનોની ટોળકી કાર્યરત છે. આઘાતની વાત એ છે કે અગાઉ છેક ૨૦૦૨, ૨૦૦૩ અને ૨૦૦૬માં પ્રશાસકો તેમજ પોલીસ અધિકારીઓને બાળકો પર થઈ રહેલા જાતીય અત્યાચારના રિપોર્ટ્સ ઓલરેડી સુપરત કરવામાં આવ્યા હતા, પણ એમણે આંખ આડા કાન કર્યા, એટલું જ નહીં, આ રિપોર્ટ્સને દબાવી દીધા. આનાં બે-ત્રણ કારણો હતાં. એક તો, એમને રિપોર્ટની વિગતો ખોટી લાગી, આંકડા 'અતિશયોક્તિપૂર્ણ અને વધુ પડતા' લાગ્યા. આ કક્ષાની ગુનાખોરી રોધરહેમમાં શક્ય જ નથી એવું તેમનું માનવું હતું. બીજું, ધારો કે આ વિગતો સાચી પુરવાર થાય તો પોતાની અક્ષમતા છતી થઈ જાય અને ત્રીજું,તેમને રંગભેદના આક્ષેપનો ડર હતો. જો એશિયન ગેંગ વિરુદ્ધ કામ ચલાવીશું તો રેસિસ્ટ ગણાઈ જઈશું! સરવાળે ગુનેગારો વિરુદ્ધ નક્કર પગલાં લેવામાં ભયંકર બેદરકારી થઈ. બાળકો પર થઈ રહેલા સેક્સ્યુઅલ અત્યાચારનો સિલસિલો ચાલતો રહ્યો. એક સ્થાનિક પોલીસ ઓફિસર ખુદ બાળકીઓ પર જાતીય અત્યાચાર કરે છે એવો આરોપ મુકાયો છે.
રોધરહેમ ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ વિશે મીડિયામાં છૂટાછવાયા રિપોર્ટ્સ આવતા રહેતા હતા. ૨૦૧૦ પછી રાજકારણીઓ, પ્રશાસકો અને પોલીસ ઓફિસરો પર પસ્તાળ પડવાનું શરૂ થઈ ગયું હતું. કેટલાંયનાં માથાં વધેરાયાં, પણ સાત મહિના પહેલાં પ્રો. એલેક્સિસનો જડબેસલાક રિપોર્ટ જાહેર થતાં ઇંગ્લેન્ડ સ્તબ્ધ થઈ ગયું. આ આખેઆખો રિપોર્ટ ઇન્ટરનેટ પર અવેલેબલ છે. રોધરહેમ કેસમાં હજુ દર અઠવાડિયે નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. નવી વીતકકથાઓ સામે આવી રહી છે.
Prof. Alexis Jay

આપણે ભારતીયો આપણા સરકારી અમલદારોને ગાળો દેતા રહીએ છીએ, પણ રોધરહેમ કેસની વિગતો જાણ્યા પછી ઇંગ્લેન્ડની પોલીસ અને પ્રશાસકોની નિમ્નતા, મૂર્ખતા, ભ્રષ્ટતા અને બેજવાબદારી જોઈને હબક ખાઈ જવાય છે. તેઓ ધારત તો વર્ષો પહેલાં ગુનાખોરીનો ઘટનાક્રમ અટકાવી શક્યા હોત ને કેટલાંય બાળકોનાં જીવન રોળાઈ જતાં અટકાવી શક્યા હોત. 
આવું કેમ ન કર્યું એ લોકોએ? ભારત આવીને નિર્ભયાની ડોક્યુમેન્ટરી બનાવી ગયેલી લેસ્લી અડવિનનું શું કહેવું છે આના વિશે? પોતાના દેશનો આ શર્મનાક ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ કેસ એના ધ્યાનમાં આવ્યો નથી કે શું? કે પછી આમાં 'મસાલો' ઓછો પડે છે? નિર્ભયાની ડોક્યુમેન્ટરી તો બનાવી નાખી, હવે આ રોધરહેમ સેક્સ સ્કેન્ડલ પર એક ધમાકેદાર commercial ડોક્યુમેન્ટરી બનાવીને દુનિયાભરમાં ક્યારે ટેલિકાસ્ટ કરો છો, મિસ લેસ્લી?

0 0 0 

Sunday, March 15, 2015

મલ્ટિપ્લેક્સ : આહ, એડી! વાહ, એડી!

Sandesh - Sanskar purti - 15 March 2015
મલ્ટિપ્લેક્સ 
 'ધ થિયરી ઓફ એવરીથિંગ'જોતી વખતે આપણાં મનના એક ખૂણે સતત સવાલ સળવળતો રહે છે કે એડી રેડમેઈન આવો આબેહૂબ આંગિક અભિનય કેવી રીતે કરી શક્યો હશે!

"જોયું? મેં નહોતું કહ્યું કે આ અવોર્ડ એડી રેડમેઈન જ તાણી જશે?"
આ વખતે ઓસ્કર સેરિમનીમાં બેસ્ટ એક્ટર તરીકે 'ધ થિયરી ઓફ એવરીથિંગ'ના હીરો એડી રેડમેઈનનું નામ ઘોષિત થયું ત્યારે આવું કહેવાવાળા અને વિચારવાવાળા બહુમતીમાં હતા. બેસ્ટ એક્ટર કેટેગરીમાં આ વખતે જબરદસ્ત ટક્કર હતી છતાંય વિખ્યાત વૈજ્ઞાાનિક ડો. સ્ટીવન હોકિંગનું વ્હીલચેરબદ્ધ કિરદાર ગજબનાક રીતે પડદા પર સાકાર કરનાર એડી રેડમેઈન સર્વશ્રેષ્ઠ અભિનેતાના ખિતાબ માટે શરૂઆતથી જ ઓબ્વિયસ ચોઈસ લાગતો હતો.
ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પ્રિમીયર યોજાયું ત્યારથી જ એડી ઓસ્કરના દાવેદાર ગણાવા લાગ્યો હતો અને સાથે સાથે એની તુલના ડેનિયલ ડે-લેવિસ સાથે પણ થવા માંડી હતી. ડેનિયલ ડે-લેવિસ એટલે ત્રણ-ત્રણ વખત બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતીને ઇતિહાસ સર્જી ચૂકેલા કમાલના અદાકાર. ઘણા એમને ટેક્નિકલી વિશ્વના સર્વોત્તમ એક્ટર ગણે છે. 'માય લેફ્ટ ફૂટ' (૧૯૮૯) ફિલ્મમાં એમણે ડો. સ્ટીવન હોકિંગ (સ્પેલિંગ ભલે સ્ટીફન હોય, પણ ઉચ્ચાર સ્ટીવન થાય) જેવી જ બીમારીથી પીડાતા એક અપંગ કવિની બેનમૂન ભુમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે ડેનિયલ ડે-લેવિસને બેસ્ટ એક્ટર તરીકેનો પહેલો ઓસ્કર મળ્યો હતો. એડીના 'ધ થિયરી ઓફ એવરીથિંગ'નાં પર્ફોર્મન્સની તુલના ડેનિયલનાં 'માય લેફ્ટ ફૂટ'ના અભિનય સાથે થવી સ્વાભાવિક હતી. કહેનારા એવુંય કહેતા હતા કે ક્યાં ડેનિયલ ડે-લેવિસ જેવા મહાન અભિનેતા ને ક્યાં એડી રેડમેઈન જેવો હજુ ઊગીને ઊભો થતો એક્ટર. હકીકત એ છે કે ડેનિયલને 'માય લેફ્ટ ફૂટ' માટે ઓસ્કર મળ્યો ત્યારે એ પણ કંઈ વિશ્વસ્તરે ખાસ કંઈ જાણીતા નહોતા થયા. વળી, એ વખતે એમની ઉંમર એકઝેક્ટલી એટલી જ હતી, જેટલી 'ધ થિયરી ઓફ એવરીથિંગ' કરતી વખતે એડીની હતી - ૩૨ વર્ષ.
Eddie Redmayne in The Theory of Everything (Left): (Right) Daniel Day Lewis in My Left Foot

એડી રેડમેઈનનું 'ધ થિયરી ઓફ એવરીથિંગ'નું પર્ફોર્મન્સ જોઈને ખરેખર ચકિત થઈ જવાય છે. એકવીસ વર્ષની ઉંમરે ડો. સ્ટીવન હોકિંગની મોટર ન્યુરોન ડિસીઝ (એમએનડી) નામની ખતરનાક બીમારી ડિટેક્ટ થઈ હતી, જેમાં ધીમે ધીમે કરતાં શરીરના એક પછી એક અંગના સ્નાયુઓ કામ કરતા બંધ થતા જાય. આંગળી હલાવવી હોય તોય જાણે પહાડ ચડવો હોય એટલું જોર લગાવવું પડે. શરૂઆતમાં લાકડીના ટેકે ડગુમગુ ડગુમગુ ચાલી શકાય, પણ પછી આખું શરીર વ્હીલચેરને હવાલે કરી દેવું પડે. શરીરનું પડીકું વળી ગયું હોય તેમ સંકોચાઈ ગયેલાં ધડ પરથી માથું એક તરફ ઢળી પડયું હોય. પક્ષાઘાત થઈ ગયો હોય તેમ મોઢું વિકૃત થઈને વંકાઈ ગયું હોય. હાલી-ચાલી-બોલી ન શકાય. બસ, એક માત્ર દિમાગ સાબૂત હોય. 'ધ થિયરી ઓફ એવરીથિંગ'જોતી વખતે આપણાં મનના એક ખૂણે સતત સવાલ સળવળતો રહે છે કે એડી રેડમેઈન આવો આબેહૂબ આંગિક અભિનય કેવી રીતે કરી શક્યો હશે!
Eddie Redmayne on the set on The Theory of Everything

ડો. સ્ટીવન હોકિંગના રોલ માટે છ એક્ટરો કન્સિડર થઈ રહ્યા હતા, જેમાં એડી રેડમેઈનનું નામોનિશાન ન હતું. જેવી એડીને ખબર પડી કે આવી કોઈ ફિલ્મ પ્લાન થઈ રહી છે કે એ આદુ ખાઈને ડિરેકટર જેમ્સ માર્શની રીતસર પાછળ પડી ગયો. જેમ્સ માર્શ અગાઉ 'મેન ઓફ વાયર' નામની ઓસ્કર-વિનિંગ ડોક્યુમેન્ટરી બનાવી ચૂક્યા હતા. એક સાંજે જેમ્સે એને રેસ્ટોરાંમાં મળવા બોલાવ્યો. એડીએ બિયર ઓર્ડર કર્યો, જેમ્સે કોફી. બિયરના મગ અને કોફીના કપ એક પછી એક ખાલી થતા રહ્યા, વાતો થતી ગઈ. જેમ્સે જોયું કે આ છોકરાને ડો. સ્ટીવન હોકિંગનો રોલ કરવાની માત્ર ઈચ્છા નથી, એનામાં આ કિરદાર નિભાવવાની રાક્ષસી ભૂખ છે! એક પ્રોજેક્ટ પર કામ કરતા ક્રિયેટિવ માણસોનું એકબીજા સાથે 'ક્લિક' થવું બહુ જરૂરી હોય છે. એક કેમેસ્ટ્રી રચાવી જોઈએ, પ્રારંભિક પરિચય દરમિયાન બન્ને પાર્ટીને અંદરથી ગ્રીન સિગ્નલ મળવું જોઈએ કે આની સાથે કામ કરી શકાશે, આની સાથે કામ કરવાની મજા આવશે. એડી રેડમેઈન સાથે વાત કરતાં કરતાં જેમ્સ માર્શને સમજાઈ ગયું કે આ કરેક્ટ માણસ છે, એ સરસ કામ કરશે. કામ કરવાની તીવ્ર અને સાચી ઝંખના હોય તો એ સંદેશો સામેના માણસને મળી જ જતો હોય છે. જેમ્સ માર્શે એક પણ ઓડિશન લીધા વગર એડી રેડમેઈનને પોતાની ફિલ્મ માટે સાઈન કરી લીધો!
સૌથી પડકારરૂપ કામ હતું, ડો. સ્ટીવન હોકિંગ જેવી બોડી લેંગ્વેજ શીખવાનું. એડી જેવા સાજાસારા તંદુરસ્ત માણસે પોતાના શરીરને અપાહિજ બનાવવાનું હતું. એણે લંડનના ક્વીન સ્ક્વેર સેન્ટર ફોર ન્યુરોમસ્ક્યુલર ડિસીઝની અનેક વાર મુલાકાત લીધી, ડોકટરો સાથે લાંબી ચર્ચા કરી, એમએનડીથી પીડાતા પેશન્ટ્સ અને એના પરિવારને મળ્યો. એડીની મદદ માટે બે પ્રોફેશનલ્સને હાયર કરવામાં આવ્યા હતા. એક હતા ડેન સ્ટુડાર્ડ નામના ઓસ્ટિયોપેથ (સાંધા અને સ્નાયુ સંબંધિત રોગોના જાણકાર) અને બીજા હતા એલેકસ રેનોલ્ડ્સ નામનો કોરિયોગ્રાફર યા તો મૂવમેન્ટ સ્પેશિયલિસ્ટ. એલેકસે ભૂતકાળમાં 'વર્લ્ડ વોર ઝેડ' નામની ફિલ્મમાં ઝોમ્બી બનેલા એક્ટરોને મડદા જેવા શરીરે વાંકાચૂકા કેમ ચાલવું તે શીખવ્યું હતું... અને હવે એ ડો. સ્ટીવન હોકિંગની ફિલ્મ પર કામ કરી રહ્યો હતો!
તૈયારીના ભાગરૂપે એડીએ ડો. સ્ટીવન હોકિંગ વિશેનું જે કંઈ મટીરિયલ ઉપલબ્ધ હતું તે બધું જ વાંચી કાઢયું હતું - જેના આધારે ફિલ્મ બની રહી હતી તે ડો. હોકિંગની પૂર્વપત્ની જેન હોકિંગનું પુસ્તક 'ટ્રાવેલિંગ ટુ ઈન્ફિનિટીઃ માય લાઇફ વિથ સ્ટીવન', ડો. હોકિંગ લિખિત બેસ્ટસેલર 'અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઈમ', છાપાં-મેગેઝિનનાં કટિંગ્સ, ઈન્ટરનેટ પર અવેલેબલ સામગ્રી બધું જ. ડો. હોકિંગ વિશેના જે કોઈ વિડિયો યુટયુબ પર અથવા અન્યત્ર ઉપલબ્ધ હતું તે સઘળાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. ડો. હોકિંગનું મોટા ભાગનું વિડિયો ફૂટેજ ૧૯૮૦ના દાયકા અને તેના પછીનું છે, જ્યારે ફિલ્મની કહાણી દાયકાઓ પહેલાં શરૂ થાય છે. આ વચ્ચેના ગાળાના કેવળ ફોટોગ્રાફ્સ જ અવેલેબલ હતા. આ તમામ મટીરિયલ વિશે ડોકટરો સાથે થયેલી ઊંડી ચર્ચાના આધારે એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં ડો. હોકિંગની બીમારી ઉંમરની સાથે શી રીતે વધતી ગઈ તેની ઝીણામાં ઝીણી વિગતો નોંધવામાં આવી. એડી આ ચાર્ટને જીવની જેમ કાયમ સાથે રાખતો. એનું કારણ એ હતું કે ફિલ્મનાં દશ્યો આડાઅવળાં ક્રમમાં શૂટ થવાનાં હતાં. એક દિવસે એડીએ પચીસ વર્ષના ડો. હોકિંગ બનવાનું હોય, તો બીજા જ દિવસે પચાસ વર્ષના ડો. હોકિંગની એકિટંગ કરવાની હોય. એડીએ જે-તે સમયગાળાને ધ્યાન રાખીને એડીએ બોડી લેંગ્વેજનું ડિટેલિંગ કરવું પડતું!
Reel and real: Eddie Redmayne with Dr. Stephen Hawking

શૂટિંગ પહેલાં એડી અસલી ડો. સ્ટીવન હોકિંગને મળવા એના કેમ્બ્રિજ સ્થિત ઘરે ગયો હતો. મનમાં સતત સવાલ ઉછળકૂદ કરતો હતો કે આ ચાર મહિના અમે સાચી દિશામાં જ મહેનત કરી હશેને? ધારો કે અમારા ફંડા જ સાવ ખોટા પડશે તો? સદ્ભાગ્યે એવું કશું ન થયું. મુલાકાત સુખદ પુરવાર થઈ. એડીએ નોંધ્યંુ કે ડો. હોકિંગની આંખોમાં વચ્ચે વચ્ચે કમાલની મસ્તીખોર ચમક આવી જાય છે. આ મહત્ત્વની વિગત પછી એણે પોતાનાં પર્ફોર્મન્સમાં ઉમેરી.
એક મુલાકાતમાં એડી રેડમેઈન કહે છે, "મોટર ન્યુરોન ડિસીઝમાં અપર ન્યુરોન અને લોઅર ન્યુરોન અલગ અલગ રીતે વર્તતા હોય. જો અપર ન્યુરોન નિષ્ક્રિય થાય તો સ્નાયુ જડ થઈ જાય અને જો લોઅર ન્યુરોન નિષ્ક્રિય થાય તો સ્નાયુ સાવ લબડી પડે. એમએનડીમાં આ બન્ને સ્થિતિનું મિક્સચર હોય છે. દાખલા તરીકે, લોઅર ન્યુરોનને લીધે તમારો પગ જકડાઈ ગયો હોય, પણ તે જ વખતે તમારી કોણીથી પંજા સુધીનો ભાગ અપર ન્યુરોનની અસર હેઠળ હોવાથી સાવ ઢીલો પડી ગયો હોય. ડાન્સર જેમ ડાન્સની મુવમેન્ટ્સ શીખે તેમ મારે આ રોગની મુવમેન્ટ્સ શીખવાની હતી. ફર્ક એટલો હતો કે ડાન્સરે સ્નાયુઓને સ્ટ્રેચ કરવાના હોય, જ્યારે મારે તે સંકોચવાના હતા."
શૂટિંગના પહેલાં જ દિવસે એડીએ ત્રણ સીન ભજવવાના હતા અને ત્રણેય સીનમાં ડો. હોકિંગના જીવનના જુદા જુદા સમયગાળો દેખાડવાનો હતો. ડિરેકટર જેમ્સ માર્શને બહુ જલદી ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરો એકસ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ આપવાનો છે!
"આ રોલની વિચિત્રતા શું છે, ખબર છે?" એડી કહે છે, "તદ્દન સ્થિર બેસવાનો શોટ હોય તેમાં મારે સૌથી વધારે એનર્જી ખર્ચવી પડતી. ચહેરો કે કોઈ અંગ ભલે હલતું ન હોય, પણ એનો અર્થ એવો નહીં કે મારે કશું કરવાનું નથી. માત્ર વ્હીલચેર પર બેસી રહેવાનું હોય તોપણ મારે ભયંકર કંટ્રોલ્ડ મુદ્રા ધારણ કરવી પડતી."

Before the tragedy : Eddie Redmayne (L) and Dr. Stephen Hawking

ફિલ્મ આખરે બની. ખુદ ડો. સ્ટીવન હોકિંગ તે જોવા બેઠા ત્યારે એડીની નર્વસનેસનો પાર ન હતો. સદ્નસીબે એડી અને આખી ટીમની મહેનત ફળી. એડીનો અભિનય અને આખેઆખી આટલી હદે કન્વિન્સિંગ લાગશે એવી અપેક્ષા ડો. સ્ટીવન હોકિંગ નહોતી રાખી. એમણે તો ત્યાં સુધી કહ્યું કે ફિલ્મ જોતી વખતે ક્યારેક તો મને એવું લાગતું હતું કે સ્ક્રીન પર એડી રેડમેઈન નહીં, હું જ છું! એડીને ખરેખરો ઓસ્કર તો ડો. હોકિંગે આ પ્રશંસા કરી ત્યારે જ મળી ગયો કહેવાય! 

એડી રેડમેઈન આજે એક ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂક્યો છે. એની કરીઅર હવે કઈ રીતે આગળ વધે છે તે જોવાની આપણને બહુ મોજ પડવાની છે.

0 0 0

Wednesday, March 11, 2015

ટેક ઓફ : હજુ થોડુંક ફરવાનું બાકી છે...

Sandesh - Ardh Saptahik Purti - 11 March 2015
ટેક ઓફ 
ઊંચાં ઊંચાં લક્ષ્યો પાર પાડીએ ને મોટાં મોટાં કામ કરીએ તો જ જિંદગી સફળ થઈ કહેવાય એવું કોણે કહ્યું? થોડા સાચા સંબંધો મળી જાય, આનંદ અને મસ્તીની મુઠ્ઠીભર ક્ષણો મળી જાય તો એટલું પણ કદાચ પૂરતું હોય છે.


નિરંજન નરહરિલાલ ભગતને તાજેતરમાં એક એવોર્ડ મળ્યો હોવાથી તેઓ ન્યૂઝમાં છે એવું તો શી રીતે કહેવાય. હકીકત તો એ છે કે નિરંજન ભગત જેવા આપણી ભાષાના સમર્થ કવિ સાથે સંકળાવાથી કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ પર આપણું ધ્યાન ગયું છે. ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ સાહિત્યજગતના વરિષ્ઠ સર્જકોને આ એવોર્ડ અપાય છે. દાયકાઓ પહેલાં કુમારચંદ્રક, નર્મદચંદ્રક,રણજિતરામ સુવર્ણંચંદ્રક વગેરે જીતી ચૂકેલા નિરંજન ભગત હવે ૮૮ વર્ષની પક્વ ઉંમરે એટલી ઊંચી ભ્રમણકક્ષામાં પહોંચી ચૂક્યા છે કે જ્યાં માન-અકરામોનાં સ્પંદનો કદાચ પહોંચતાં પણ નહીં હોય. નિરંજન ભગતની બે કવિતાઓને ગુજરાતી પ્રજાએ સૌથી વધારે પ્રેમ કર્યો છે. એક તો આઃ
કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ.

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગા!
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરણું નેનની ઝારી,
કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ! રે ભાઈ, આપણો ઘડીક સંગ...
ક્ષણભંગુર જીવન છે, આપણો એકબીજા સાથેનો સંગ પણ ઘડીકનો છે, તો શું કામ ખોટા લોહીઉકાળા કરવા, શા માટે નફરત ને ઈર્ષ્યા ને એવી બધી નેગેટિવ ઇમોશન્સથી સળગતા રહેવું. સામેની વ્યક્તિને જીતી લેવા માટે જો હારવું પડે તો હારી સુધ્ધાં જવાનું! આ કવિતામાં અલ્હડપણું પણ છે અને ઊંડાણ પણ છે. આવું જ કોમ્બિનેશન નિરંજન ભગતની આ બીજી લોકપ્રિય કવિતામાં પણ થયું છેઃ 
હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું!
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
- રે ચહું ન પાછો ઘરે જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી,
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપેટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું!
ઊંચાં ઊંચાં લક્ષ્યો પાર પાડીએ ને મોટાં મોટાં કામ કરીએ તો જ જિંદગી સફળ થઈ કહેવાય એવું કોણે કહ્યું? થોડા સાચા સંબંધો મળી જાય, આનંદ અને મસ્તીની મુઠ્ઠીભર ક્ષણો મળી જાય તો એટલું પણ કદાચ પૂરતું હોય છે જિંદગી સાર્થક થવા માટે! આત્મસભાન બન્યા વગર, કોઈ પણ ભાર વિના સહજભાવે વર્તમાનમાં જીવવું બહુ મોટી વાત છે!
Niranjan Bhagat

"હું તો બસ ફરવા આવ્યો છું" એવું ગાનારા કવિ જીવનનાં પંચોતેરમા વર્ષે પાછળ વળીને જુએ ત્યારે એમને શું દેખાય છે? ખાસ તો, હવે આવનારાં વર્ષોનું કેવું ચિત્ર તેઓ જુએ છે? શું હજુય તેમને એવું લાગે છે કે તેઓ તો બસ ફરવા આવ્યા છે? નિરંજન ભગત 'પંચોતેરમે' શીર્ષકધારી કવિતામાં લખે છેઃ
આમ ને આમ પંચોતેર તો ગયાં,
હતાં ન હતાં થયાં, છ થયાં.
હજુ બીજાં પચીસ બાકી હોય જો રહ્યાં...
રહ્યાં જ જો હશે
તો ભલે સો થશે,

ને એય તે જો સુખમાં જવાનાં હશે તે જશે.
એક વાર ગાયું હતું, "હું તો બસ ફરવા આવ્યો છું."
તો અમદાવાદના અનેક જૂના-નવા રસ્તાઓમાં
ને મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં.
એથેન્સના એગોરામાં
ને રોમના ફોરમમાં,
પેરિસના કાર્તિયે લાતામાં
ને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં,
ન્યૂ યોર્કના ફિફ્થ એવન્યુમાં
ને ન જોયાં, ન જાણ્યાં એવાં કોઈક નગરોમાં

હજુ થોડુંક ફરવાનું બાકી છે.
વળી ગાયું હતું, "હું ક્યાં એકે કામ
તમારું કે મારું કરવા આવ્યો છું?"
તમારું કે મારું તો નહીં, પણ હજુ થોડુંક કવિતાનું કામ-
છંદ ને યતિ વિનાની,
વિરામચિહ્નો પણ વિનાની,
વાઘા કે ધાગા વિનાની,
મિશ્ર કે મુક્ત લયની,
બોલચાલના ગદ્યની,
સીધી, સાદી, ભલી, ભોલી
એવી કોઈક કવિતાનું કામ કરવાનું બાકી છે.
કવિતાના અંતિમ ચરણમાં કવિ કહે છે-
પંચોતેર વર્ષોમાં ક્યારેક ક્યારેક કેટલાંક સ્વપ્નો વાવ્યાં હતાં,
એમાંથી થોડાંક ફળ્યાં,
વસંતનો વાયુ,

ને વર્ષાનું જલ,
પૃથ્વીનો રસ

ને સૂર્યનું તેજ
એ તો સર્વદા સદાયના સુલભ,
પણ એ સૌની સાથે જો વિધાતાનું વરદાન
ને કાળપુરુષની કરુણા હશે,
તો હજુ થોડાંક સ્વપ્નોને ફળવાનું બાકી છે.
આજે મિત્રોની વચ્ચે કાવ્ય આ ભણી રહ્યો,
વર્ષોથી મૈત્રીના વાણાતાણા વણી રહ્યો,
આજે હવે પછીનાં જે વર્ષો ગણી રહ્યો,
મિત્રોની શુભેચ્છા એ જ મારી શ્રદ્ધા હશે,
પંચોતેર ગયાં ને પચીસ બીજાં જશે,
તો તો જરૂર હા, જરૂર સો પૂરાં થશે.



કવિ જીવનવાદી છે. નિષ્ક્રિયપણે મૃત્યુની પ્રતીક્ષા કરી રહેલા મનુષ્યપ્રાણીનું ચિત્ર એમને મંજૂર નથી. શાંત અપેક્ષાઓ હજુ કશેક સળવળી રહી છે. હજુ થોડુંક ફરવાનું બાકી રહી ગયું છે, હજુ થોડીક કવિતા કરવાની ખ્વાહિશ છે, હજુ થોડાંક સ્વપ્નો સાકાર થઈ જાય એવી ઇચ્છા છે! બે વર્ષ પછી નિરંજન ભગત ઔર એક કાવ્ય રચે છે - 'સિત્યોતેરમે'. આ બે વર્ષમાં એમની દૃષ્ટિમાં શો ફર્ક આવ્યો છે?
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.
વર્ષે વર્ષે એનો એ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એ જ રાખ.
એની એ લૂ ને એની એ લ્હાય,
એનો એ જ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.
વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એ જ, જેવું હતું કાલે.
વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુકપાઠ,
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.
આ પંક્તિઓમાં ભલે જન્મદિવસ સાથે સંકળાયેલા રૂટિનની નિરાશા હોય, પણ કવિતાના ઉત્તરાર્ધમાં કવિ મૃત્યુય તોડી ન શકે તેવા સંંબંધ જોડવાની વાત કરે છે. સાંભળોઃ
પણ વચ્ચે વચ્ચે નવી નવી ગાંઠ જે મેં બાંધી,
ક્યારે પણ કોઈ છૂટી હોય, તૂટી હોય તો મેં સાંધી.
રેશમની ને હીરની દોરીથી હળવે હાથે,
સગાં ને સ્વજન સાથે, દેશ ને વિદેશ સાથે.
જેમ જેમ બાંધી તેમ વધુ વધુ લાધી,
જેમ જેમ બાંધી તેમ નિત નિત વાધી.
તે સૌ રસી રસી એવી તો મેં સાધી,
તે સૌ કસી કસી એવી તો મેં બાંધી.
મનુષ્યોથી હવે નહીં કદીય તે છૂટી શકે,
મૃત્યુથીયે હવે નહીં એક પણ તૂટી શકે.
શું પક્વ ઉંમરે વિધાતાએ આંકેલી આયુષ્યરેખાના સામા છેડાની રાહ જોવાનું બાકી રહી જતું હોય છે? નિરંજન ભગતે જન્મદિનને કેન્દ્રમાં રાખીને ઔર એક કવિતા લખી છે એનો ઉઘાડ જુઓઃ
જાણું નહીં હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,
એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.
જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું,
એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.
જે કંઈ જીવન જિવાયું છે એનો હરખ-શોક ન હોવો તે સારી અને ઇચ્છનીય સ્થિતિ છે. જીવનની સંધ્યાએ પહોંચી ગયેલા કવિને આત્મકથા લખવાની ઇચ્છા ક્યારેય થઈ નથી. કેમ કે,
જે કંઈ જીવ્યા તે લખવું ન્હોય
ને જે ન જીવ્યા તે જ લખવું હોય.
તો શું 'આત્મકથા' હોય એનું નામ?
સત્ય જીવવું-જીરવવું હોય દોહ્યલું
ને સત્ય લખવું જો ન્હોય સોહ્યલું,
તો આત્મકથા લખવી જ શું કામ?
પ્રામાણિકતા બન્ને રીતે વ્યક્ત થઈ શકે છે, આત્મકથા લખીને પણ અને ન લખીને પણ. આ પૃથ્વી પર ક્યારેક તો વિદાય લેવાની જ છે અને તે ક્ષણની પ્રતીક્ષા પ્રામાણિકતા અને ગરિમા સાથે થવી જોઈએ, અફસોસ કે કડવાશ સાથે નહીં.
વિદાયવેળા નવ કો વ્યથા હો! નિઃશ્વાસ ના, નીર ના હો નેણમાં,
ના મ્લાન એકે મુખરેખ, વેણમાં કૃતઘ્નતાની નવ કો કથા હો.
બે માનવીનું મળવું અનન્ય! એમાંય જો આદર-સ્નેહ સાંપડે,
ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે, કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય.
અહીં મળે માનવ જે ગમી જતું તો જજો તો બે ક્ષણ ચાહી લેવું
અને પછી સંગ ઉરે રમી જતું જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!
હો ધન્ય સૌ માનવલોકમેળા, કૃતજ્ઞતા, માત્ર વિદાયવેળા!
જીવન જીવતાં જીવતાં કોઈ માણસ ગમી જાય તો હૃદયને રોકવું નહીં, એને ચાહી લેવું. સાચા સંબંધ અને સાચા પ્રેમથી ચઢિયાતું બીજું કશું નથી. મૃત્યુ પછી સ્વર્ગે જવાની ઝંખના પાળવાની જરૂર જ શી છે? જીવતેજીવ સચ્ચાઈભર્યો પ્રેમ અને આદર જડી જવાની સ્થિતિ એ જ સ્વર્ગ છે! 
0 0 0