Friday, December 30, 2011

જે ગાંધીજી માટે શક્ય છે તે આપણા માટે શક્ય છે?


ચિત્રલેખા  અંક તા. ૯ જાન્યુઆરી ૨૦૧૨ 


કોલમઃ વાંચવા જેવું 

જીવનની સાર્થકતા ચરમસીમા પર પહોંચે ત્યારે એક ઘટના બને છે. માણસ ફક્ત વ્યક્તિ નથી રહેતો, એ વિષય બની જાય છે. જનચેતના પર એણે છોડેલી અસર એટલી પ્રચંડ હોય છે તેના જીવન વિશે સતત ચર્ચાતું રહે છે. એનું કર્મ બદલાતી પેઢીઓનાં નવાં દિમાગોને ટ્રિગર કરતું રહે છે. ગાંધીજી આવો જ એક અદભુત ‘વિષય’ છે.

ગાંધીજી વિશે ભલે ઓલરેડી પુષ્કળ લખાઈ ચૂક્યું હોય, પણ ગુણવંત શાહ જેવો મૌલિક વિચારક આ મહામાનવ વિશે કલમ ચલાવે અને ગાંધીત્વને એક કરતા વધારે સંદર્ભોમાં ઉધાડી આપે ત્યારે પરિણામ હંમેશાં આકર્ષક મળવાનું. ‘ગાંધીની ઘડિયાળ’ (૨૦૦૪) અને ‘ગાંધીનાં ચશ્માં’ (૨૦૦૬) પછી આ પુસ્તકમાં પણ ગાંધીજી વિશેના વિવિધ પ્રકાશનોમાં છપાયેલા તેમના લેખોનો સૂઝપૂર્વક સંકલન થયું છે.

‘ગાંધીની ચંપલ’માં ગણવંત શાહ કહે છેઃ ‘મહાત્મા કોને કહેવો? જે માણસ પોતાના વ્યક્તિત્વ (પર્સનાલિટી) કરતાં પોતાના અસ્તિત્ત્વ (બીઇંગ)ને વધારે આદર કરે તે મહાત્મા કહેવાય. પર્સનાલિટી કરતાં બીઇંગને વધારે મહત્ત્વ આપનાર જ કશીક ધાડ મારે છે. વ્યક્તિત્વને જ વધારે મહત્ત્વ આપનાર માણસ દંભના શરણે જાય છે, કારણ કે પર્સનાલિટીનો સંબંધ સમાજના સ્વીકાર સાથે રહેલો છે. અસ્તિત્ત્વનો સંબંધ માંહ્યલા પ્રત્યેની વફાદારી સાથે છે.’

લોકો વાતવાતમાં કહેતા હોય છેઃ સત્યની સાધના ગાંધીજીને પોસાય. એ તો મહાત્મા હતા. આપણા જેવા પામર માનવીનું એ ગજ  નહીં. લેખક કહે છેઃ ‘આવું કહેવામાં નથી નમ્રતા કે નથી નિખાલસતા. એમાં તો કેવળ પલાયનવાદ છે. ગાંધીજીના જીવનની એક ખૂબી હતી. જીવન પ્રત્યે વફાદાર એવા સામાન્ય માણસને પણ એવું થાય કે જે ગાંધીજી માટે શક્ય હોય તે માટે માટે અશક્ય નથી. ગાંધીજીએ પણ આત્મકથાની પ્રસ્તાવનામાં લખ્યુંઃ ‘જે એકને સારું શક્યે છે તે બધાને સારું શક્ય છે.’ ગાંધીજીનું આ આશ્વાસન આપણા જેવા સામાન્ય માણસોને માટે ખૂબ જ ઉપકારક છે.’

Gandhi's chappals


આજે ‘ડિપ્લોમેટ’ નામના માનવપ્રાણીની બધી જ મુત્સદ્દીગીરીની સફળતાનો આધાર તે જૂઠને કેટલું રૂપાળું સત્ય પહેરાવી શકે છે તે આવડત પર રહેલી છે. ગાંધીજીની તો ડિપ્લોમસી પણ સત્યકેેન્દ્રી હતી. ‘સેક્યુલરિઝમઃ ગાંધીનું અને નેહરુનું’ પ્રકરણમાં લેખક લખે છેઃ ‘ગાંધીજીની અહિંસામાં કાયરતાને સ્થાન ન હતું. તેમને મુસ્લિમ વોટબેંકની જરૂર ન હતી. બને તેટલી વિવેકપૂર્ણ વાણીમાં તેમણે મુસલમાનોને પણ કેટલીક કડવી વાતો સ્પષ્ટપણે કહી છે. (એમના ગયા પછી) ગાંધીજનો એક બાબતે ફુલ્લી નાપાસ થયા. તેઓ મુસલમાનોને કડવી વાતો કહેવા માટેની નિર્ભયતા અને તટસ્થતા ન કેળવી શક્યા. આમ કરવાથી તેઓની ભલાઈને કે સ્વીકૃતિને આંચ ન આવી, પણ સત્ય નંદવાયું તેથી ક્ષીણ થયું. તેઓને એક જ કલ્પિત ભય સતાવતો રહ્યોઃ આવું કહીએ તો આપણા મુસલમાન ભાઈઓને માઠું નહીં લાગે?’

લેખકનું માનવું છે કે ગાંધીજીના ગયા પછી નેહરુની છાયામાં એક એવું પ્રદૂષિત સેક્યુલરિઝમ શરૂ થયું, જેમાં તર્ક અને અૌચિત્યનો અભાવ હતો. એ કહે છેઃ ‘જો નેહરુજીએ સેક્યુલરિઝમને બદલે સર્વધર્મ સમભાવ પર અને સમાજવાદને બદલે સર્વોદય જેવા બે શબ્દો પર ભાર મૂક્યો હોત તો કદાચ ઈતિહાસ થોડો જુદો હોત.’

લેખકે ગાંધીને ક્રાંતિ (રિવોલ્યુશન) અને ઉત્ક્રાંતિ (ઈવોલ્યુશન) વચ્ચે સંબંધ સ્થાપી શકનારા ‘અવતારી પુરુષ’ ગણાવ્યા છે. અલબત્ત, એનો અર્થ એવો નહીં કે ગાંધીજીની માનવસહજ ક્ષતિઓ વિશે સ્વસ્થતાપૂર્વક લખવાનું એ ચૂકી ગયા છે. જેમ કે, ગાંધીના બ્રહ્મચર્યના પ્રયોગો. ગાંધીજીએ પોતાના બ્રહ્મચર્યની ચકાસણી માટે નગ્ન અવસ્થામાં નગ્ન સ્ત્રીઓ સાથે એક પથારીમાં શયન સુધ્ધાં કર્યું. દેશને આઝાદી મળી એના આઠેક મહિના પહેલાં જ, ૨૧૨૧૯૪૬ની રાતે ગાંધીજીની જે સ્ત્રી સાથે નગ્નવસ્થામાં સૂતા તે મનુબેનની ઉંમર ફક્ત ૧૯ વર્ષની હતી. આ ઘટનાથી ગાંધીજી સાથે રહેતા અંતેવાસીઓ ખળભળી ઉઠ્યા. ‘હરિજન’ના બન્ને તંત્રીઓએ અને સ્ટેનોગ્રાફરે રાજીનામાં આપી દીધાં. સરદાર પટેલ ગુસ્સે થયા, વિનોબાજીએ અસંમતિ દર્શાવી, પુત્ર દેવદાસે ટીકા કરતો પત્ર લખ્યો. પણ ગાંધીજીને કોઈ પસ્તાવો ન હતો. તેઓ દઢ હતા.

ગાંધીજીએ પોતાનું બ્રહ્મચર્ય માપવાના આ અતિરેકસભર, અનૌચિત્ય લાગતા અને ઝેરના પારખાં જેવા જે અખતરા કર્યા તેને લેખકે ‘ભયંકર પ્રયોગો’ કહ્યા છે. એ લખે છેઃ ‘આ વિચાર મહાત્મા ગાંધીનો હોય તોય પૂરી નમ્રતા સાથે એને એબ્સર્ડ (વાહિયાત) કહેવો રહ્યો. વળી, તેઓ પોતાની જાત સાથે જાણે બાથોડિયાં ભરી રહ્યા હોય એવી છાપ પણ પડે છે. બ્રહ્મચર્યનો સંબંધ ચરસ સ્વસ્થતા સાથે છે કે બાથોડિયાં સાથે?’ આટલું કહીને લેખક ઉમેરે છેઃ ‘એટલું ચોક્કસ કે આવા જોખમકારક પ્રયોગો જો કોઈ કરી શકે, તો તે મહાત્મા ગાંધી જ કરી શકે. ગાંધીજીના સેક્સ અંગેના ભયંકરો પ્રયોગો પણ એમના સત્યના પ્રયોગોના ભાગ રૂપે થયા. એ પ્રયોગોમાં ગાંધીજી જો સ્ખલન પામ્યા હોત તો કદાચ તેમણે ‘હરિજન’માં લેખ લખીને પોતાનું મહાત્માપણું પોલું છે, એવું લખ્યું હોત.’



લાહોરવાસી શ્રીમતી સરલાદેવી ચૌધરાણી સાથેના ગાંધીજીનો સંબંધ પણ વિવાદાસ્પદ રહ્યો. સરલાદેવીને તેઓ પોતાનાં ‘આધ્યાત્મિક પત્ની’ કહેતા. ગુણવંત શાહ આ સંબંધને જુદા દષ્ટિકોણથી નિહાળે છેઃ ‘આધ્યાત્મિક લગ્નની જે વ્યાખ્યા ગાંધીજીએ આપી છે, તેમાં કસ્તૂરબાને અન્યાય થાય તેવી કઈ બાબત છે? (દેવદાસ, મહાદેવભાઈ, રાજગોપાલાચારી વગેરેએ વાર્યા એટલે) ગાંધીજી સરલાદેવીથી અળગા થયા તેમાં સરલાદેવીને ભારોભાર અન્યાય થયો છે એવી મારી નમ્ર માન્યતા છે. ‘પ્લેટોનિક લવ’ કેવો હોય તેનું એક ઝળહળતું ઉદાહરણ આજની નવી પેઢીને પ્રાપ્ત થયું હોત.’

લેખકની લાક્ષાણિક પ્રવાહી શૈલીમાં લખાયેલા ૪૪ જેટલા વિદ્વત્તાપૂર્ણ લેખોમાંથી શું ટાંકવું અને કેટલું ટાંકવું? ગાંધીજીને સમજવા માગતા વાચકો તેમજ ગુણવંત શાહના ચાહકોની અંગત લાયબ્રેરીમાં જેનું હોવું અનિવાર્ય છે તેવું સત્ત્વશીલ પુસ્તક.                                                                              0 0 0



                                                                                               
 ગાંધીની ચંપલ


લેખકઃ ગુણવંત શાહ

 પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૧

ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨)૨૨૦૧  ૩૪૪૧

કિંમતઃ  રૂ. ૨૦૦ /

પૃષ્ઠઃ ૩૦૦



૦ ૦ ૦

Saturday, December 24, 2011

ફ્લેશબેક ૨૦૧૧


       દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


૧૦૭ હિન્દી ફિલ્મો, ૧૯ નવા ડિરેક્ટરો અને ખૂબ બધી ઊથલપાથલ. બોલીવૂડનું ૨૦૧૧નું વર્ષ ખાસ્સું ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થયું.  


૨૦૧૧ની શરૂઆત ‘નો-વન કિલ્ડ જેસિકા’એ સરસ રીતે કરી આપી અને વર્ષનો અંત શાહરૂખ ખાનની ‘ડોનટુ’ જેવી હાઈપ્રોફાઈલ ફિલ્મથી થયો. આ બન્નેની વચ્ચે આખા વર્ષ દરમિયાન શું શું બન્યું? લેટ્સ સી.

આ વર્ષે કુલ ૧૦૭ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ. ‘મિશન ઈમ્પોસિબલ-ફોર’ જેવી હિન્દીમાં ડબ થયેલી ફિલ્મો લટકામાં. ફિલ્મી પંડિતો કહે છે કે આ વર્ષે સૌથી વધારે કમાણી સલમાન ખાનની સુપરહિટ ‘બોડીગાર્ડે’ કરી. આ સિવાય ‘રેડી’, ‘રા.વન’ અને ‘સિંઘમ’ પણ માત્ર આ વર્ષની જ નહીં, બલકે અત્યાર સુધીની હાયેસ્ટ-ગ્રાોસિંગ-હિન્દી-ફિલ્મ્સ-ઓફ-ઓલ-ટાઈમના લિસ્ટમાં વટથી સામેલ થઈ ગઈ. ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘ડર્ટી પિક્ચર’, ‘યમલા પગલા દીવાના’, ‘મર્ડર-ટુ’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘દિલ્હી બેલી’, ‘તનુ વેડ્સ મનુ’ વગેરે ફિલ્મોને પણ સરસ રિસ્પોન્સ મળ્યો.

માણસ હોય કે પ્રોડક્ટ, આપણને નંબર વન  નંબર ટુ જેવા લેબલ આપવાની બહુ મજા આવતી હોય છે. ૨૦૧૧ના વર્ષ પર એ રીતે બાકીના બન્ને ખાનોની તુલનામાં સલમાન ખાન વધારે છવાયેલો રહ્યો. બબ્બે સુપરડુપર હિટ ફિલ્મો ઉપરાંત ‘બિગ બોસ’ને લીધે પણ તે, ટીવી ચેનલોની ભાષામાં કહીએ તો ખાસ્સો સુર્ખીયોમાં છવાયેલો રહ્યો. આમિર ખાને પોતે પ્રોડ્યુસ કરેલી બન્ને ફિલ્મો ‘દિલ્હી બેલી’ અને ‘ધોબીઘાટ’માં અનુક્રમે નાની ભુમિકામાં અને આઈટમ સોંગમાં દેખાઈને સંતોષ માન્યો. ‘થ્રી ઈડિયટ્સ’ પછી તેની હીરો તરીકેની મોટી ફિલ્મ ‘તલાશ’ આવતા વર્ષે રિલીઝ થવાની.

ખાન નંબર ફોર સૈફ અલી આ વર્ષે માત્ર ‘આરક્ષણ’માં દેખાયો. અમિતાભ બચ્ચનની બે ફિલ્મો આવી ‘બુઢા હોગા તેરા બાપ’ અને ‘આરક્ષણ’. અભિષેક બચ્ચનની ‘ગેમ’ ફ્લોપ થઈ ગઈ, પણ ઠીકઠાક ‘દમ મારો દમ’ને લીધે, કહોને કે, એનું વર્ષ સચવાઈ ગયું. શાહિદ કપૂર ‘મૌસમ’ પર ઊંચી આશા બાંધીને બેઠો હતો, પણ એના પર સુનામીનું પાણી ફરી વળ્યું. દેસી બોય અક્ષય કુમાર માટે પણ આ વર્ષ પ્રમાણમાં ઠંડું પૂરવાર થયું, એને પ્રોપર હીરો તરીકે ચમકાવતી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હોવા છતાં.  હૃતિક રોશનની એક જ ફિલ્મ આવી   ‘જિંદગી ના મિલેગી દોબારા’, પણ એના અફલાતૂન પર્ફોર્મન્સ, ફિલ્મની સફળતા અને ‘જસ્ટ ડાન્સ’ ટેલેન્ટ શોને લીધે હૃતિક માટે આ વર્ષ સંતોષકારક થયું. ઈમરાન ખાનની બન્ને ફિલ્મો ‘દિલ્હી બેલી’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ હિટ થઈ એટલે બોલીવૂડમાં તેનું સ્થાન ઓર મજબૂત બન્યું. તેના સમકાલીન રણબીર કપૂરની એક જ ફિલ્મ આવી ‘રોકસ્ટાર’, પણ તેમાં એણે એવું તો જબરદસ્ત કામ કર્યુ કે એની પેઢીના જ નહીં, બલકે સિનિયર એક્ટરો પણ ઝાંખા પડી ગયા.



બોલીવૂડની કન્યારત્નોની વાત કરીએ તો આ વર્ષે વિદ્યા બાલન નિઃશંકપણે સૌથી પ્રભાવશાળી રહી. ૨૦૧૧ના પ્રારંભમાં એની ‘નોવન કિલ્ડ જેસિકા’ આવી અને હમણાં થોડાં અઠવાડિયાં પહેલાં ‘ધ ડર્ટી પિક્ચર’ એવી સરપ્રાઈઝ હિટ પૂરવાર થઈ કે ઈવન હીરોલોગ પણ મોંમાં આંગળા નાખી ગયા. પ્રિંયંકા ચોપડાએ ‘સાત ખૂન માફ’માં જોર તો ઘણું કર્યુ, પણ ફિલ્મે જમાવટ ન કરી. કરીના કપૂરે બે સુપર ખાન સાથે કામ કર્યુ (‘બોડીગાર્ડ’, ‘રા.વન’) અને કેટરીના કૈફે પણ બે હિટ ફિલ્મો (‘જિંદગી ના...’, ‘મેરે બ્રધર કી દુલ્હન’) આપી એટલે ઈન્ડસ્ટ્રીમાં બેય જણીયુંની પોઝિશન જળવાઈ રહી.


ઈન્ડસ્ટ્રીમાં આ વર્ષે નવી ટેલેન્ટ કેટલી આવી? ઓહોહો, ઢગલાબંધ. ૨૦૧૧માં ૧૯ નવા ડિરેક્ટરોએ એન્ટ્રી કરી! ગણી લોઃ કિરણ રાવ (‘ધોબી ઘાટ’), અભિનવ દેવ (‘દિલ્હી બેલી)’, દીપા સાહી (‘તેરે મેરે સપને’), લવ રંજન (‘પ્યાર કા પંચનામા’), રેમો ડિસૂઝા (‘ફાલતુ’), અલી અબ્બાસ ઝફર (‘મેરે બ્રધર કી દુલ્હન’), પંકજ કપૂર (‘મૌસમ’), બરનાલી રે શુક્લ (‘કુછ લવ જૈસા’), નૂપુર અસ્થાના (‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’), અમોલ ગુપ્તે (‘સ્ટેન્લી કા ડબ્બા’), રાઘવ ધર (‘માય ફ્રેન્ડ પિન્ટો’),  બિજોય નામ્બિયાર (‘શૈતાન’), રોહિત ધવન (‘દેસી બોય્ઝ’), સત્યજિત ભટકળ (‘ઝોક્કોમો’),  પ્રવીન દબાસ (‘સહી ધંધે ગલત લોગ’), મૃગદીપ લાંબા (‘તીન થે ભાઈ’), નીલા પાંડા (‘આઈ એમ કલામ’), શુભ મુખર્જી (‘શકલ પે મત જા’) અને સોહન રોય (‘ડેમ ૯૯૯’).

આ વર્ષે ‘રા.વન’ના ‘છમ્મકછલ્લો’ (વિશાલ-શેખર) અને ‘કોલાવરી ડી’ ગીતે આપણને ખૂબ એન્ટરટેઈન કર્યા, પણ વર્ષનું શ્રેષ્ઠ આલબમ તો બોસ, ‘રોકસ્ટાર’ (એ. આર. રહેમાન) જ છે. સવાલ જ નથી.

બ્રાન્ડન્યુ હીરોની વાત કરીએ. રાણા દગુબત્તી (‘દમ મારો દમ’) ખાસ તો બિપાશા સાથેની રિલેશનશિપની ગોસીપને કારણે સૌથી વધારે ચર્ચામાં રહ્યો.  વિવાન નસીરુદ્દીન શાહ (‘સાત ખૂન માફ’),  શિવ પંડિત અને ગુલશન દેવૈયા (બન્ને ‘શૈતાન’) તેમજ વિદ્યુત જામવાલ (‘ફોર્સ’) આશાસ્પદ જણાયા. નવીનક્કોર હિરોઈનોમાં નરગીસ ફકરી (‘રોક્સ્ટાર’) મુખ્ય ગણાય. જો ઓડિયન્સના નસીબ સારા હશે તો ઊંટ જેવા હોઠવાળી આ કન્યાને ધીમે ધીમે એક્ટિંગ કરતા આવડી જશે. પ્રિયંકા ચોપડાની કઝિન પરિણતી ચોપડા ‘લેડીઝ વર્સસ રિકી બહલ’માં એટલી બધી જીવંત અને ક્યુટ લાગે છે કે એણે અનુષ્કા શર્મા કરતાં પણ ઓડિયન્સનું ધ્યાન વધારે ધ્યાન ખેંચ્યું. પરિણતીની કરીઅર કેવી રીતે આગળ વધે છે તે જોવાની મજા આવશે.

અરે! બે નવોદિત નામોની વાત કરવાની રહી જ ગઈ. આ બે નામ એવાં છે જે આજકાલ નહીં પણ વીસ વર્ષ પછી ફિલ્મોમાં સૉલિડ ધમાલ મચાવવાનાં છે. એક છે, ઐશ્વર્યાઅભિષેકની ‘બિટીયા બી’ અને બીજો, આમિર ખાન કિરણનો સુપુત્ર આઝાદ!

શો સ્ટોપર

ઓડિયન્સ બદલાઈ ગયું છે. અગાઉ લોકો ફિલ્મસ્ટાર્સને અહોભાવથી જોયા કરતા. આજે લોકો સ્ટારની બાજુમાં બેસશે, એની સાથે વન-ટુ-વન લેવલ પર વાતચીત કરશે, મિત્રની જેમ વર્તશે. હીરોને ભગવાનની જેમ પૂજવાનો જમાનો હવે ગયો.

-  અભિષેક બચ્ચન 











Friday, December 16, 2011

આખું આકાશ મારી મુઠ્ઠીમાં...


  ચિત્રલેખા  અંક તા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ માટે



કોલમઃ વાંચવા જેવું 


હારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલથી એસટી દ્વારા નીકળે તો આંચકા ખાતા, રસ્તાને ગાળો દેતા, અડધા કલાકમાં મારા ગામ પહોંચી શકે. પદ્માલય ડુંગરની તળેટીમાં આવેલું આ મારું નાનકડું તાડે ગામ.

‘માડી, હું કલેક્ટર થઈશ!’ પુસ્તકનાં આ પહેલાં જ બે વાક્યો હવે પછીના પ્રકરણોમાં જે કંઈ બનવાનું છે તેનો માહોલ ઊભો કરી દે છે. આ પુસ્તક લખતી વેળાએ લેખક રાજેશ પાટીલ મૂંઝાઈ રહ્યા હતા કે ત્રીસેક વર્ષની ઉંમરે આવું આત્મકથનાત્મક પુસ્તક લખાય? આપણે પોતાના વિશે લખી શકીએ એટલા મોટા થયા છીએ ખરા? સારું થયું કે એમણે પુસ્તક લખ્યું. અન્યથા ગામડાની અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં ઉછરેલો સાવ ગરીબ છોકરાએ આઈએએસ ઓફિસર બનવાનું પોતાનું સપનું શી રીતે સાકાર કરી શક્યો તેની હૃદયસ્પર્શી કહાણી આપણને સાંભળવા મળી ન હોત!


જેવું લેખકનું ગામ એવું જ એમનું ઘર. એમનો પરિવાર બે વીઘા જમીનમાં કેવી રીતે પૂરું કરે છે એનું ગામને કૂતુહલ! બાબાપુજી દરજીકામ કરતાં. મોટી બહેન સાવ નાની હતી ત્યારથી બીજાનાં ખેતરમાં કામે જવા લાગી હતી. સ્કૂલમાં વેકેશન પડે ત્યારે લેખક મોટીબહેનને શાકભાજી વેચવામાં મદદ કરે. કંઈ મોટું કામ આવી પડે તો નિશાળ પડતી મૂકીને ય ખેતરનો રસ્તો પકડવો પડે. રાતે બાપુ સાથે ખેતરમાં પાણી આપવા જાય. ઘણીવાર આખો દિવસ કામ કર્યા પછી રાતે નદીકાંઠેથી ટ્રેક્ટરમાં રેતી ભરવી પડે.

લેખક કહે છેઃ ‘નાનપણમાં કરવા પડેલા  શ્રમને કારણે હું શારીરિક રીતે દઢ બન્યો. મને તડકો, પવન, વરસાદથી ભાગ્યે જ તકલીફ થઈ. ઉપરાંત મનમાં કામ માટેની બીક જતી રહી. હું શ્રમજીવી લોકોની, મજૂરોની સમસ્યાઓ પ્રત્યે, શોષણ પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યો.’


ગામની નિશાળમાં  ભણવાની વ્યવસ્થા પાંચમા ધોરણ સુધી જ. તેથી છઠ્ઠા ધોરણથી એસટી બસમાં બેસી બાજના ગામની સ્કૂલે ભણવા જાય. થીગડું મારેલી ચડ્ડી, સફેદ સદરો અને લૂગડાના ટુકડામાં બાંધેલું ભાતું. વળતી વખતે પાંઉ ખરીદતા જવાનાં અને તે પોતાના ગામ જઈને વેચવાનાં. આ રીતે થોડીઘણી આવક થતી, પણ તેમાંથી જગાર રમવાની અને સ્કૂલ બન્ક કરીને વિડીયોની દુકાનમાં વિડીયો જોવાની કુટેવ શરૂ થઈ ગઈ. પૈસા ઓછા પડે એટલે ઘરમાંથી પૈસા ચોરે કે પછી ખેતરમાંથી રબરની પાઈપ અને એવી બધી ચીજો ચોરી ભંગારમાં વેચી નાખે. આમેય લેખક નાના હતા ત્યારે ગામમાં એમની છાપ એક રખડુ, તોફાની છોકરાની. હંમેશા કંઈક ચાળા કરે, ઘરે કજિયા લાવે, જૂઠું બોલે, સમયસર કામ ન કરે, ભણવામાં ધાંધિયા કરે. બા બિચારી બહુ પીડાય અને પછી લેખકને બરાબરની ધીબેડે. એક વાર એના અટકચાળાથી ગુસ્સે થઈને બાપુજીએ એને છો લોટો માર્યો હતો!

નાનપણમાં તોબા પોકારાવી દે એવો વિચિત્ર સ્વભાવનો આ છોકરાની આગળ જતાં એક સફળ, આત્મવિશ્વાસથી ભરપૂર યુવાનમાં કઈ રીતે પરિણમ્યો?

પરિવર્તનની શરૂઆત એ દસમા ધોરણમાં આવ્યા પછી થઈ. અગિયારમા ધોરણમાં ધૂળેની કોલેજમાં દાખલ થયા અને જીવનનો નવો અધ્યાય શરૂ થયો. જીવનમાં કંઈક બનવું હશે તો ભણ્યા વગર છૂટકો નથી એવી સમજણ આવી ગઈ હતી. સુખી ઘરમાંથી આવતા નાનપણના દોસ્ત સંગ્રામ સાથે લેખક એક ઓરડીમાં રહેતા. એ કહે છેઃ ‘બીજા વિદ્યાર્થીઓ સંગ્રામ પાસે આવતા ત્યારે મારા તરફ તિરસ્કારપૂર્વક જોતા. હું જદા વર્ગમાંથી આવું છ એનું ભાન કરાવતા, પણ સંગ્રામે મને કદી દુભવ્યો નહીં.’


બારમા ધોરણમાં મેડિકલ-એન્જિનીયરિંગ કોલેજમાં આસાનીથી એડમિશન લઈ શકાય એટલા માર્કસ આવ્યા, પણ માબાપ બાપડાં એનો ખર્ચ કેવી રીતે ઉપાડે? બેન્કે પણ અંગૂઠો બતાવી દીધો. નછૂટકે નાસિકમાં બીએસ.સી.માં પ્રવેશ લીધો અને આંકડાશાસ્ત્રમાં યુનિવર્સિટીમાં પહેલા આવ્યા.  તે પછી સ્કોલરશિપ અને પાછ આગળ ભણતર. લેખક લખે છેઃ ‘મેં નોકરી લાગતાં સુધી એક વખત પણ ક્યારેય શર્ટ અને પેન્ટ વેચાતા લીધાં ન હતાં. એ મારા માટે શક્ય જ ન હતું. ઘણી વખતે મિત્રોના, સગાવ્હાલાનાં વસ્ત્રો આવ્યા. પણ એ હું આનંદપૂર્વક પહેરતો હતો. ક્યારેક ક્યારેક દુખ પણ થતું, પણ આપણે ચોરી કરીને તો પહેરતાં નથીને એમ કહીને મન મનાવતો હતો.’

પોસ્ટ ગ્રેજ્યએશન પછી લાગવગ વગર નોકરી મળતી હતી, પણ પ્રશાસનમાં જવાની પહેલેથી તીવ્ર ઈચ્છા હતી. ઘરેથી પુના કોલેજ જવા નીકળેલા ત્યારે બસભાડાં સુધ્ધાના પૈસા નહોતા અને ઘર ગીરવે મૂક્યું હતું. છતાં નોકરી ન જ સ્વીકારી અને આંકડાશાસ્ત્રની સ્કોલરશિપ લઈને રિસર્ચ માટે નામ દાખલ કરી સાથે સાથે આઈએએસ (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) માટે તૈયારી આરંભી દીધી. સવાલો ઓછો નહોતા. મારામાં જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરવાની ક્ષમતા છે? ધારો કે પરીક્ષા પાસ કરી તો પણ આઈએએસ થવા મળશે? કામ કરવાનું સામર્થ્ય છે? ખૂબ ડર લાગતો હતો પણ લેખકે કદમ માંડી જ દીધું. આ એક એવો મુશ્કેલ નિર્ણય હતો જે જીવનની દિશા પલટી નાખવાનો હતો.

આગળની યાત્રા પણ એટલી જ ઘટનાપ્રચૂર છે. લેખકની જીવનકથની અવરોધો સામે ઝુઝતા રહીને ધ્યેય હાંસલ કરવાના જસાથી એટલી હદે રસાયેલી છે કે તેની સામે પ્રેરણાના નિર્જીવ શબ્દોનો ખડકલો કરી દેતાં પુસ્તકો ઝાંખા પૂરવાર થાય. પુસ્તકના અનુવાદક કિશાર ગૌડ કહે છેઃ ‘મૂળ મરાઠી પુસ્તક વાંચતી વખતે હું એટલો બધો રમમાણ થઈ ગયો હતો કે લેખક બીજા પ્રયત્ને પરીક્ષામાં પાસ થઈને આઈએએસ બન્યા તે વર્ણન આવ્યું ત્યારે હું ઉછળી પડ્યો હતો અને મને પેંડા વહેંચવાનું મન થઈ ગયું હતું!’

આ જ અનુભૂતિ અને ઉત્તેજના વાચક તરીકે આપણને પણ થાય છે. સચ્ચાઈભર્યા સંવેદનશીલ લખાણની આ જીત છે!                                                                                            0 0 0


માડી, હું કલેક્ટર થઈશ!


લેખકઃ રાજેશ પાટીલ

 અનુવાદકઃ કિશોર ગૌડ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ- ૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧

કિંમતઃ  રૂ. ૧પ૦ /

પૃષ્ઠઃ ૧૮૨


-----------------

Sunday, December 4, 2011

બિગ બોસનું બખડજંતર

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૪ ડિસેમ્બર ૨૦૧૧


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

તમે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેવા માગો છો? આ રિયાલિટી શોનો હિસ્સો થઈને સ્ટાર બની જવા માગો છો? તો તે માટે થોડી તૈયારી કરવી પડશે અને કેટલીક વિશિષ્ટ લાયકાતો કેળવવી પડશે. આ રહી ઉપયોગી ટિપ્સ!


Pooja Bedi, Mahek Chahel and Shonali Nagrani



સાયલન્સર વગરના છકડા જેટલો ઘોંઘાટ કરતી બિગ બોસ સિઝન ફાઈવની ગાડી અત્યારે ટોપ ગિયરમાં દોડી રહી છે. સૌથી ભારાડી નર કે નારી કે હીજડો (કેમ, લક્ષ્મી વાઈલ્ડકાર્ડ એન્ટ્રીથી શોમાં પાછી તાબોટા પાડતી ત્રાટકી શકે છે!) છેલ્લે વિજેતા ઘોષિત થશે અને સર્વ દિશાઓમાં એનો જયજયકાર થઈ જશે. બિગ બોસના ઘરમાં જવાથી ચિક્કાર પબ્લિસિટી વત્તા ફદિયાં વત્તાં કામ મળતાં હોય તો એમાં એન્ટ્રી લેવાનું મન સૌ કોઈને થાય. પણ તેના માટે તમારામાં કેટલીક વિરલ લાયકાતો હોવી જોઈએ. કઈ કઈ? આ રહી બિગ બોસના હાઉસમેટ બનવા માટેની માર્ગદર્શિકા.



1. તમે શો બિઝનેસ સાથે સંકળાયેલા હો તે ઈચ્છનીય છે. યાદ રહે, વાત શો બિઝનેસ સાથે માત્ર સંકળાવાની છે, સફળ હોવાની નહીં. સફળ માણસ બિગ બોસ હાઉસમાં ત્રણ મહિના રહેવા માટે તોતિંગ ફીની ડિમાન્ડ કરે જે ચેનલને પોસાય નહીં. આથી તમે બેકાર, નિષ્ફળ, ફેંકાઈ ગયેલા, ભુલાઈ ગયેલા, ફસ્ટ્રેટેડ અને સસ્તા મનુષ્યપ્રાણી હો તે જરૂરી છે. ઉદાહરણ તરીકે, અમર ઉપાધ્યાય.


Amar Upadhyay (right) and Shakti Kapoor


2. તમારા નામે કૌભાંડો કે સેક્સ સ્કેન્ડલ બોલતા હોય અથવા તો તમારા પર એકાદું સ્ટિંગ ઓપરેશન થઈ ચૂક્યું હોય તો તો ક્યા કહને. દષ્ટાંત તરીકે, શક્તિ કપૂર. તેર તેર મહિલાઓ વચ્ચે રહેવા માટે ઈકલૌતા મર્દ તરીકે કાસ્ટિંગ કાઉચ કૌભાંડમાં બદનામ થયેલા શક્તિ કપૂર કરતા બહેતર ઉમેદવાર બીજો ક્યો મળવાનો!



૩. બદનામી! આ ક્વોલિફિકેશન તો અત્યંત જરૂરી છે. તમે પોતે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હો તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં. કમનસીબે તમે સારા માણસ હો પણ જો ક્રિમિનલ સાથે સંબંધ ધરાવતા હો તો તે સિદ્ધિને પણ ચોક્કસ કન્સિડર કરવામાં આવશે. યાદ કરો આ સિઝનની નિહિતા બિસ્વાસને કે અગાઉની સિઝનની મોનિકા બેદીને. અનુક્રમે ચાર્લ્સ શોભરાજ અને અબુ સાલેમ જેવા ખૂંખાર માણસની ગર્લફ્રેન્ડ કે પત્ની હોવું તે કંઈ જેવી તેવી વાત છે?



4. તમે કોઈ ચટાકેદાર કારણસર મિડીયામાં ચમકો તે જરૂરી છે. મિકાએ ભરી મહેફિલમાં રાખી સાવંતમાં બકી ભરી લીધી ને રાખીને ગામ ગજાવ્યું. બિગ બોસવાળાઓએ એને પટ્ કરતી સિલેક્ટ કરી લીધી. રેમ્પ પર કેટવોક કરતી વખતે કેરલ ગ્રોશિયસ નામની મોડેલનું વોર્ડરોબ માલફંક્શન થઈ ગયું અને એનું ઉપરનું અડધું શરીર ઉઘાડું થઈ ગયું. ટીવી ચેનલોને જલસો પડી ગયો ને બિગ બોસમાં કેરલની એન્ટ્રી પાકી થઈ ગઈ. રાજા ચૌધરી પહેલાં એની ટીવીસ્ટાર પત્નીને શ્વેતા ચૌધરીને અને પછી ગર્લફ્રેન્ડ શ્રદ્ધા શર્માને નિયમિત ધીબેડતો હતો અને ધજાગરા કરતો હતો. પરફેક્ટ! બિગ બોસવાળાઓએ આ ત્રણેય જણાને વારાફરતી અલગ અલગ સિઝનમાં લઈ લીધાં!


Pooja Mishra

5. તમે પુરુષ હો તો બોડી બનાવવાનો અને સ્ત્રી હો તો બોડી બતાવવાનો શોખ હોવો જોઈએ. વધુમાં વધુ શરીર ખુલ્લું રહે એવું ટૉપ, વેંત જેવડી ચડ્ડી અને છ ઇંચની હિલ્સ પહેરીને તમને ઝાડુ કાઢતા કે વાસણ ઊટકતાં આવડવું જોઈએ. ફિઝિકલી ફિટ પણ મેન્ટલી અનફિટ - જો તમે આવા હો તો તો ડેડલી કોમ્બિનેશન ગણાય. તમને પાગલપણાના એટેક આવતા હોય અને તમારો સ્ક્રૂ વારે વારે ઢીલો થઈ જતો હોય તો બિગ બોસના સ્ટાર બની જવાના એ વાતની ગેરંટી! ઉદાહરણ? પૂજા મિશ્રા, અફકોર્સ. તમે સકાયેટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેતા હો કે લઈ ચૂક્યા હો તો એનાં કાગળિયાં બિગ બોસમાં એપ્લાય કરતી વખતે ખાસ બીડવાં.



6. નોનસ્ટોપ વીસ મિનિટ સુધી અસ્ખલિતપણે, હાથ લાંબા કરી કરીને, બીપ્ બીપ્ બીપ્ વરસાદ વરસે એવી ગાળો બોલી શકવાની કાબેલિયત તમારામાં છે? વેરી ગુડ. બીજાં હાઉસમેટ્સને ભૂતકાળમાં કેટલાં લફરાં, બ્રેકઅપ અને ડિવોર્સ થઈ ચૂક્યાં છેે તે વિશેનું વિશાળ જનરલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ઘાંટા પાડી પાડીને ઝઘડા કરતી વખતે સામેની વ્યક્તિના કેરેક્ટર પર કાદવ નહીં ઉછાળો ત્યાં સુધી એપિસોડમાં જમાવટ નહીં થાય, ખરુંને આકાશદીપ સ્કાય સહગલ?

Sunny Leone and Akashdeep Sky Saigal


7. ભલે તમારાં કાયદેસરનાં સંતાનો હજુ માસૂમ ઉંમરનાં હોય, પણ તેમના પર કેવી અસર પડશે એવી ક્ષુલ્લક ચિંતા કર્યા વગર, પંચાવન લાઈવ કેમેરા સામે પરસ્ત્રી કે પરપુરુષ સાથે છાનગપતિયાં કરતાં, એને સતત પપ્પીઝપ્પી કરતાં અને બેડ પર એની રજાઈમાં ઘુસી જતાં તમને આવડવું જોઈએ. વિશેષ ટિપ્સ માટે સંપર્કઃ પૂજા બેદી.



8. મ્યુઝિક વાગતાંની સાથે જ ભરઊંઘમાંથી ઉઠીને તમને ગાંડાની જેમ નાચતા આવડવું જોઈએ. ભલે ઓડિયન્સને સવાલ થાય કે આને માતાજી આવ્યાં કે શું! મહેક ચહેલ આવી ફિકર કરતાં જોઈ છે? પૉલ ડાન્સ કે સ્ટ્રીપટીઝ કરતાં ખાસ શીખી જવું, કારણ કે બિગ બોસના ઘરમાં આવી કલાત્મક પ્રવૃત્તિઓ અવારનવાર યોજાતી રહે છે.



9. બડે દિલવાલે બિગ બોસ તમામ પ્રકારના સિનેમાને પ્રોત્સાહન આપવામાં માને છે. પોર્ન સિનેમાને પણ! સની લિઓન નામની પોર્નસ્ટારને બિગ બોસનાં ઘરમાં તેડાવવામાં આવી એટલે આપણા ઉત્સાહી મિડીયાએ આ ભવ્ય સન્નારીને એટલી બધી ફેમસ કરી નાખી કે જાણે એ બેસ્ટ એક્ટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડની હેટટ્રિક કરીને આવી હોય! કુમળાં તરૂણતરુણીઓ ઈન્ટરનેટ પર ગૂગલસર્ચ કરીને આ સુંદરીની દિવ્ય પોર્નતસવીરો તેમજ દિવ્યતમ પોર્નક્લિપિંગ્સ નિહાળીને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારે તો એમાં ખોટું શું છે? બિગ બોસની એડમિશન પ્રોસેસના ભાગ રૂપે ઈન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે આ મુદ્દો તમારે ભારપૂર્વક પેશ કરવો.



બેસ્ટ ઓફ લક!



શો સ્ટોપર


મહેક ચહેલ સલમાન ખાનની ફ્રેન્ડ છે. જો સલમાન એને ફેવર કરી રહ્યો હોય અને આ શો જીતાડવામાં મદદ કરી રહ્યો હોય તો બીજા હાઉસમેટ્સને અન્યાય થયો કહેવાય.

- પૂજા બેદી