Sunday, November 28, 2010

ઓડિયન્સ કો ક્યા મંગતા?

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - તા. ૨૮ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


મલ્ટિપ્લેક્સ

સંજય ભણસાલીએ આર્ટિસ્ટિક ફિલ્મો બનાવવાનું બંધ કરીને લંગૂર જેવા બે-ત્રણ-ચાર હીરોને લઈને કોમેડીના વલ્ગર ટાયલાં કરાવવા જોઈએ. ‘મુન્ની બદનામ હુઈ’ ટાઈપનાં આઈટમ સોંગ પર હિરોઈન પાસે ઢીંઢા હલાવીને ડાન્સ કરાવવો જોઈએ. લોકોને નોનસેન્સ હાહાહીહી જોઈએ છે તો એ જ આપવું જોઈએ, રાઈટ?







૧૧ માથાં.

આ હતી મંગળવારની મોડી સાંજે મુંબઈના એક મલ્ટિપ્લેક્સમાં ‘ગુઝારિશ’ જોવા આવેલા માણસોની સંખ્યા. સંવેદનશીલ વાર્તા, ઉત્તમ ડિરેકશન, મજબૂત અભિનય, અફલાતૂન ટેક્નિકલ પાસાં, વિવેચકોના જોરદાર વખાણ... અને બોક્સ ઓફિસ રિઝલ્ટ? સુપર ફ્લોપ. એક રિપોર્ટ કહે છે કેે નોર્થ ઈન્ડિયાનાં કેટલાય થિયેટરોમાં બે જ દિવસમાં ‘ગુઝારિશ’ ઉતારીને તેની જગ્યાએ ‘ગોલમાલ-થ્રી’ લગાવી દેવામાં આવી. બીજો અહેવાલ કહે છે કે હિન્દી બેલ્ટમાં જ નહીં, અતિ પોશ ગણાતી ઓવરસીઝ ટેરિટરી એટલે કે વિદેશમાં પણ ‘ગુઝારિશ’નો ધબડકો થઈ ગયો. ત્રીજો રિપોર્ટ કહે છે, આ ફિલ્મ તો ‘કાઈટ્સ’ કરતાંય મોટી ફલોપ છે. ચોથો રિપોર્ટ કહે છે, આ ફિલ્મે પચાસ કરોડનું નુક્સાન કરી નાખ્યું છે. આંકડાબાજીમાં ન પડીએ, પણ એક વાત સ્પષ્ટ છેઃ આમજનતાને ‘ગુઝારિશ’ સહેજ પણ ગમી નથી. લોકોએ આ ફિલ્મને બેરહમીથી નકારી કાઢી છે.



ક્યાં ગરબડ થઈ ગઈ? ક્યાં કાચું કપાયું? સમજાતું નથી. આ ઘડીએ ‘ગુઝારિશ’ની ટીમ ઓડિયન્સના રિજેકશનથી જેટલી સ્તબ્ધ છે એટલા જ સત્ત્વશીલ હિન્દી સિનેમાના ચાહકો ચકિત છે. ઓડિયન્સને ક્યાં વાંધો પડ્યો? ફિલ્મના અડધોઅડધ ડાયલોગ્ઝ અંગ્રેજીમાં છે, એમાં? ફિલ્મ બહુ ‘સિરિયસ સિરિયસ’ છે અને ફ્રેશ કરવાને બદલે ઊલટાનું મન ભારે કરી નાખે છે, એમાં? હ્યુતિક જેવા હીમેન હીરોને અપંગ બતાવ્યો છે અને આખી ફિલ્મમાં એને પથારી પર સૂવડાવી રાખ્યો છે, એમાં? ફિલ્મમાં હાઈકલાસ આઈટમ સોંગ રાખ્યું નથી અને તેના પર ઐશ્વર્યા પાસે નૃત્ય કરાવ્યું નથી, એમાં?



ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીય છાવણીઓ રાજીની રેડ થઈ ગઈ છે અને કેટલાય માથાં સામસામા દારૂના ગ્લાસ અથડાવીને ‘ચિયર્સ’ કરી રહ્યાં છે. સંજય ભણસાલી, હ્યુતિક રોશન અને ઐશ્વર્યા રાય આ ત્રણેય બોલીવૂડનાં બહુ મોટાં નામો છે અને તેથી જ તેમની સફળતાથી જલી ઉઠતા લોકોનો અહીં તોટો નથી. સંજય ભણસાલીની ‘સાંવરિયા’ અને હ્યુતિક રોશનની ‘કાઈટ્સ’ પછીની આ લાગલગાટ બીજી ફ્લોપ ફિલ્મ છે. અંદરથી તોડી નાખે, આત્મવિશ્વાસ હલબલાવી નાખે એવી આ વાત છે. વાંકદેખાઓ કહે છે કે સંજય ભણસાલી એક જ પ્રકારની, અપંગોની લાચારીની વાર્તા કરતી એકસરખી ફિલ્મો (‘ખામોશી’, ‘બ્લેક’, ‘ગુઝારિશ’) બનાવ્યા કરે છે. અરે? રામગોપાલ વર્મા સમાન થીમ, ફીલ અને અપીલવાળી ‘સત્યા’ પછી ‘કંપની’ અને ‘સરકાર’ પછી ‘સરકાર રાજ’ બનાવતા નથી? વિશાલ ભારદ્વાજે શેક્સપિયરની કૃતિઓ પરથી ‘મકબૂલ’ પછી ‘ઓમકારા’ અને ત્યાર બાદ ફરી પાછા યુપી-બિહારના પશ્ચાદભૂવાળી ‘ઈશ્કિયા’ બનાવી નથી? મનમોહન દેસાઈની ફિલ્મો એકસરખી મસાલેદાર લાગતી હોય તો એ તેમનો ટ્રેડમાર્ક ગણાય. એક મુદ્દો વિદેશી ફિલ્મોની ઉઠાંતરીનો પણ છે. તો એટલું ચોક્કસ કહી શકાય કે સંજય ભણસાલી બેવકૂફ નકલખોરી કરતા નથી. દેશીવિદેશી સિનેમાનો પાક્કો રેફરન્સ હોવા છતાં તેમની ફિલ્મોમાં પુષ્કળ સંજયપણું રેડાયેલું હોય છે, જે જેન્યુઈન હોય છે.



હ્યુતિકે બાપડાને દૂર દૂરથી પણ સ્પેનિશ-પોર્ટુગીઝ જેવી દેખાતી કંઈ પણ વસ્તુથી દૂર રહેવા જેવંુ છે, કારણ કે તે એના માટે સખ્ખત બુંદિયાળ સાબિત થાય છે. ‘કાઈટ્સ’ની હિરોઈન બાર્બરા મોરી સ્પેનિશભાષી હતી, જ્યારે ‘ગુઝારિશ’નું ગોવા, ક્લબ, તેનું ઘર વગેરે ડાયરેક્ટ પોર્ટુગલથી ઈમ્પોર્ટ કર્યાં હોય તેવાં દેખાય છે. શુકન-અપશુકનમાં શ્રદ્ધા ધરાવતા ચાહકોને ચિંતા થઈ જાય એવી વાત એ છે કે હ્યુતિકની આગામી ફિલ્મે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’નું પુષ્કળ શૂટિંગ સ્પેનમાં થયું છે! હ્યુતિક જેવા ડાન્સિંગ-એકશન-રોમેન્ટિક હીરો માટે ‘ગુઝારિશ’ના પેરેલાઈઝડ નાયકનો રોલ સ્વીકારવો એ મોટું જોમખ હતું. છતાંય તેણે રિસ્ક લીધું, એટલું જ નહીં, આ ભુમિકામાં અવોર્ડ્સનો વરસાદ વરસે એવું પર્ફોર્મન્સ આપ્યું. ઓડિયન્સે ‘ગુઝારિશ’ સ્વીકારી હોત તો હ્યુતિકનો પાનો ચડત, એક એક્ટર તરીકે પોતાની સીમાને વિસ્તારવાની તે ફરીથી ઝનૂનપૂર્વક કોશિશ કરત. એવું નથી કે હ્યુતિકે, કે ફોર ધેટ મેટર, સંજય અને અને ઐશ્વર્યાએ ભૂતકાળમાં ફ્લોપ ફિલ્મો આપી નથી. છતાંય ‘ગુઝારિશ’ની નિષ્ફળતાનું એક અપ્રિય પરિણામ એ આવી શકે કે હ્યુતિક પાછો પોતાના ‘સેફ ઝોન’માં લપાઈ જશે અને ‘ક્રિશ’ બનીને સુપરહીરોવેડા કરવા માંડશે.



‘બચ્ચન’ બન્યા પછી આ વર્ષે ઐશ્વર્યાની ચારચાર મોટી ફિલ્મો રિલીઝ થઈ. તેમાંથી એકમાત્ર હિટ ‘રોબો’ હતી, પણ તે રજનીકાંતનો વન-મેન-શો હતી એટલે એૈશ્વર્યા પાસેથી ખાસ કશા યોગદાનની અપેક્ષા જ નહોતી. જો ‘ગુઝારિશ’ ચાલી ગઈ હોત તો ‘રાવણ’ અને ‘એકશન રિપ્લે’ની નિષ્ફળતા એક તરફ હડસેલાઈ ગઈ હોત. પરિણીત અભિનેત્રીઓ માટે આપણા પ્રેક્ષકો ખરેખર સાઈકોલોજિકલ બ્લોક અનુભવે છે? ‘ગુઝારિશ’ના ધબડકા પછી નિરાશ થયેલી એૈશ્વર્યા ફેમિલી પ્લાન કરવા માંડે તો નવાઈ નહીં.



... અને સંજય ભણસાલી હવે મહેરબાની કરીને આર્ટિસ્ટિક ફિલ્મો બનાવવાની બંધ કરે. એમણે લંગૂર જેવા બે-ત્રણ-ચાર હીરોને લઈને કોમેડીના વલ્ગર ટાયલાં કરાવવા જોઈએ. એ ય જો ઓછા પડતા હોય તો ઉપર જોની લીવર કે રાજુ શ્રીવાસ્તવને ભભરાવવા જોઈએ. અને હા, ‘મુન્ની બદનામ હુઈ’ કે ‘શીલા કી જવાની’ ટાઈપનાં કમસે કમ બે આઈટમ સોંગ તો જરૂર ઘુસાડવા જોઈએ. પછી એના પર હિરોઈન પાસે ઢીંઢા હલાવી હલાવીને સીટીમાર ડાન્સ અવશ્ય કરાવવો જોઈએ. ઓડિયન્સને ‘ગુઝારિશ’ નહીં ‘ગોલમાલ’ ખપે છે. લોકોને નોનસેન્સ હાહાહીહી જોઈતું હોય તો એ જ આપવું જોઈએ, રાઈટ?



હંમેશાં ફિલ્મમેકર કે એક્ટર જ નિષ્ફળ જતા નથી, ક્યારેક ઓડિન્સ પણ નિષ્ફળ જતું હોય છે. ‘ગુઝારિશ’ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.


શો-સ્ટોપર

મારી પહેલી જ ફિલ્મ પછી લોકોએ મને ‘મેગાસ્ટાર’નું બિરુદ આપી દીધું હતું. તેના તરત પછી મને ‘ફિનિશ્ડ’ પણ જાહેર કરી દીધો. ડહાપણ એટલે બીજું શુ? ખરાબ સમયમાં શીખેલો બોધપાઠ સારા સમયમાં યાદ રાખવો, એ.



- હ્યુતિક રોશન

Friday, November 26, 2010

મિડ-ડે રિવ્યુઃ બ્રેક કે બાદ

મિડ-ડે ૨૭ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત





બ્રેક આજકલ



આ રોમેન્ટિક કોમેડીમાં ડિરેક્ટરે એ જ જુનોપુરાણો માલ રિસાઈકલ કર્યો છે. જોકે દીપિકા-ઈમરાનની જોડી સારી લાગે છે




રેટિંગ ઃ બે સ્ટાર



આમ તો એ ટોમબોય છે, પણ પોતાના લાં...બા સેક્સી પગ દેખાય તે માટે લગભગ અડધોઅડધા પિક્ચરમાં ધરાર ચડ્ડી કે ભયંકર ટૂંકા સ્કર્ટ પહેરે છે. એ પોતાનું ધાર્યું કરે છે અને ગમે તે ઘડીએ કંઈ પણ કરી નાખે છે. નાની હતી ત્યારથી જ એણે નક્કી કરી નાખ્યું હતું કે વીસ વર્ષની થઈશ એટલે પહેલું કામ પોતાની વર્જિનીટી ગુમાવવાનું કરશે. કોઈના મેરેજ-રિસેપ્શનમાં આવી હોય ત્યારે બિન્દાસ બહાર પાનબીડીની દુકાને જઈને સિગારેટ માગે છે. અધૂરામાં પૂરું, એ બેવડી છે. દારૂ પીને જોકે ડાયલોગ સારા બોલે છે. ટેન્શનમાં આવી જાય ત્યારે ટેબલની નીચે ઘૂસી જવાની તેને નાનપણથી આદત છે. ટૂંકમાં, છોકરી તોબા પોકારાવી દે તેવી છે.



સામે પક્ષે છોકરો બિચારો ડાહ્યોડમરો અને ગભરુ જુવાન છે. બાપાએ કહ્યંુ એટલે હા-ના કર્યા વગર ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયો. ભારે સેન્સિટીવ, સમજદાર અને સહનશીલ છે. એના સારાપણાનો પેલી છોકરી બરાબરનો ગેરફાયદો ઉઠાવે છે. એક વાર શરાબ ઢીંચીને કન્યા એને કહે છેઃ જો, હું તો પતંગ જેવી છું, હું ગમે તેમ ઉડું, પણ તું મારો મજબૂત દોર છે, તારે મને બાંધી રાખવાની. તું પ્લીઝ કપાઈ નહીં જતો,નહીં તો હું ક્યાંય ખોવાઈ જઈશ. છોકરો ગીતા પર હાથ મૂક્યા વગર પ્રતિજ્ઞા લે છેઃ નહીં કપાઉં, બસ? પ્રોમીસ. અગાસીની પાળી પર થતા આ સંવાદમાં આખી ફિલ્મનો નિચોડ છે.



‘બ્રેક કે બાદ’માં એવી એક પણ વસ્તુ નથી, જે તમે અગાઉ જોઈ ન હોય. ફિલ્મમાં ઢગલાબંધ ગરબડ છે, છતાં એની યુથફુલ એનર્જી તમને ગમે છે.



બેડ ગર્લ



આલિયા (દીપિકા પદુકોણ) કૂલ બેબ છે, જ્યારે અભય (ઈમરાન ખાન) મિસ્ટર ગુડી-ગુડી છે. એક્ટ્રેસ બનવા માગતી આલિયા ભેદી કારણોસર ‘મારે સ્પેસ જોઈએ છે... મારે સ્પેસ જોઈએ છે’ કરતી અભય સાથે બ્રેકઅપ કરીને ઓસ્ટ્રેલિયા આવી જાય છે. ઈમરાનની ત્રણ વાર ડિવોર્સ લઈ ચૂકેલી ફોઈ લિલેટના શબ્દોમાં કહીએ તો, ચુડેલ હૈ લેકિન અપને પૈરો પર ખડા હોના ચાહતી હૈ. અભય નામનો ગાંજો એટલે કે દોર એટલી આસાનીથી કપાઈ એવો નથી એટલે એ પણ એની પાછળ પાછળ ઓસ્ટ્રેલિયા આવી જાય છે. પછી બણે વચ્ચે જોડ-તોડ-જોડ-તોડ ચાલ્યા કરે છે અને આખરે જૂની, જર્જરિત થઈ ગયેલી ક્લાઈમેક્સમાં ભૂતડી આખરે પીપળા પર સેટલ થાય છે.



કુછ તો નયા લાઓ

ફર્સ્ટટાઈમ ડિરેક્ટર ડેનિશ અસલમ હિન્દી ફિલ્મોના ભયાનક શોખીન જીવ લાગે છે એ તો આ ફિલ્મમાં તેમણે ‘મિસ્ટર ઈન્ડિયા’ અને ‘કુછ કુછ હોતા હૈ’ના કેટલાય ટુકડાનો જે રીતે ઉપયોગ કર્યો છે તેના પરથી સ્પષ્ટ થઈ જાય છે. તેમના પર ‘દિલ ચાહતા હૈ’, ‘જાને તૂ યા જાને ના’, ‘વેક અપ સિડ’ અને ‘લવ આજકલ’ જેવી ફિલ્મોની પણ તીવ્ર અસર છે. આ અસરમાં ને અસરમાં તેમણે એક પણ નવું એલીમેન્ટ ઉમેરવાની તસ્દી લીધા વિના આ બધાની ભેળપુરી જેવી ‘બ્રેક કે બાદ’ બનાવી નાખી છે. ફિલ્મ સતત ‘ઓહો, આ તો બધું જોયેલું છે’ એવી ફીલિંગ પેદા કરતી રહે છે. ‘આઈ હેટ લવસ્ટોરીઝ’માં સોનમ કપૂર યલો કલરની વણાંકદાર ફૉક્સવેગન બીટલ ચલાવે છે. અહીં દીપિકા-ઈમરાન એ જ શેડની એ જ કાર ચલાવે છે. ડેનિશભાઈએ કારનું મોડલ પણ જો જુદું સિલેક્ટ કરી શકતા ન હોય તો વિચારો કે બીજા ડિપાર્ટમેન્ટ્સમાં એ શું નવું કરવાના. આ ફિલ્મ સ્વીકારતી વખતે દીપિકા પદુકોણને ખુદને એવો વિચાર નહીં આવ્યો હોય કે આ તો ‘લવ આજકલ’ની જ રિવર્સ આવૃત્તિ છે? એની વે.



ફિલ્મની શરૂઆત બે રીતે અકળાવે છે. એક તો, ટિપિકલ દિલ્હીબ્રૅન્ડ પંજાબી લગ્નનો ચવાઈને ચુથ્થો થઈ ગયેલો માહોલ. બીજું, દીપિકા-ઈમરાનનું પફોર્મન્સ, જે ચીસો પાડી પાડીને બરાડા પાડે છે કે ‘જુઓ જુઓ, અમે કેટલાં કૂલ છીએ’. સદભાગ્યે આ બન્ને સાથે સેટ થતાં તમને ઝાઝી વાર લાગતી નથી. એથી ય વધારે સારી વાત એ બને છે કે ધીમે ધીમે તમને આ બેય ગમવા માંડે છે. આ નવી જનરેશનના ડિરેક્ટરો એમ જ માને છે કે ફિલ્મો માત્ર મહાનગરોમાં જ જોવાય છે. આ ફૅિલ્મમાં પણ અંગ્રેજી સંવાદોની ભરમાર છે. લિલેટ દૂબેને બુટિક ચલાવતી દેખાડી છે. એક સીનમાં કોઈ છોકરી એને કહે છેઃ આ ટૉપ બહુ ઢીલું છે. લિલેટ ફોન પર વાર કરતી કરતી પાસે ઉભેલી સેલ્સગર્લને કહે છેઃ ગેટ હર સમ બૂબ્સ, પ્લીઝ. હવે આ હ્યુમરનું તમે હિન્દીકરણ કેવી રીતે કરો? આવી લાઈન અંગ્રેજીમાં જ શોભે. આ નવા નિશાળિયા ફિલ્મમેકરો શ્વાસમાં ઓક્સિજનને બદલે હોલીવૂડની ફિલ્મો લે છે એનું આ પરિણામ છે.



દીપિકા પદુકોણ આવા શહેરી, સોફિસ્ટીકેટેડ, ચુલબુલા પાત્રોમાં હંમેશાં સારી લાગે છે. આ ફિલ્મમાં તેના પર્ફોર્મન્સમાં એક પ્રકારની જમાવટ દેખાય છે. ઈમરાને પણ સરસ પફોર્મન્સ આપ્યું છે. બન્નેની જોડી સરસ છે. દીપિકાની એક્ટ્રેસ મમ્મી તરીકે શર્મિલા ટાગોર અને તેની ફ્લેટમેટ તરીકે શહાના ગોસ્વામી બન્ને વેડફાઈ છે. એક નાના પણ મજાના રોલમાં ગુજરાતી રંગભૂમિના કલાકાર કમલેશ ઓઝાએ સરસ હાજરી પૂરાવી છે. મુંહફટ, બિન્દાસ ફોઈ તરીકે લિલેટ દૂબે અસરકારક છે. એક જગ્યાએ તે સરસ સંવાદ બોલે છેઃ ‘તુમ લોગ સબ ચાહતે હો ઔર યે ભી ચાહતે હો કે દર્દ ભી ન હો.’ ફિલ્મની કેટલીક મોમેન્ટ્સ ગમી જાય તેવી છે.



Kamlesh Oza
ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ તેના કથાપ્રવાહની ગતિ છે. ફર્સ્ટ હાફ સડસડાટ નીકળી જાય છે, પણ ઈન્ટરરવલ પછી ફિલ્મ લથડવા લાગે છે. રાઈટર-ડિરેક્ટરે વાર્તાને પોતાની સગવડ પ્રમાણે ટેસથી તોડેમરોડે છે. દિલ્હીથી ઓસ્ટ્રેલિયા જઈને બબ્બે રેસ્ટોરાંના માલિક બની જવું તે વિરારથી ચર્ચગેટ જઈ બહાર ગંજીજાંગિયાનો ઢગલો કરીને વહેંચવા કરતાંય વધારે સહેલું છે. ઈન્ટરનેશનલ ફિલ્મમાં હિરોઈન બની જવુ તો વળી એના કરતાંય આસાન છે. (બાય ધ વે, ‘બ્રેક કે બાદ’નું પશ્ચાદભુ ઓસ્ટ્રેલિયાનું છે તો પછી મોરેશિયસમાં શૂટિંગ શા માટે કરવામાં આવ્યું હતું?) દીપિકા એક્ઝેક્ટલી શું કામ સંબંધમાંથી બ્રેક લેવા માગે છે, ખુદ એક્ટ્રેસ રહી ચુકેલી શર્મિલા ટાગોરને દીકરી હિરોઈન બને તેની સામે આટલો બધો વિરોધ શું કામ છે અને એવી નાનીમોટા કેટલાય સવાલોના જવાબ મળતા નથી. ફિલ્મમાં વિશાલ-શેખરે એકપણ ધમાકેદાર ગીત આપ્યું નથી. જોકે વચ્ચે વચ્ચે દીપિકા-ઈમરાન ગીતડાં ગાઈને આપણને બોર કરતાં નથી એ સારૂ છે.



સો વાતની એક વાત. જો તમને રૉમ-કૉમ એટલે કે રોમેન્ટિક કોમેડીમાં જોરદાર મજા પડતી હોય અને જુના દારૂને નવા ગ્લાસમાં પીવામાં વાંધો ન હોય તો આ ફિલ્મ જોઈ શકાય. નહીં તો પછી ટીવી પર ‘વર્લ્ડ પ્રિમીયર’ યોજાય ત્યાં સુધી રાહ જુઓ.

૦૦૦

સુખ માર્ગ છે, મંઝિલ નહીં...

ચિત્રલેખા અંક તારીખ ૬ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત



સ્લગઃ વાંચવા જેવું


ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’



‘નવનીત સમર્પણ’ માસિકમાં વર્ષા અડાલજાની ‘ખરી પડેલો ટહુકો’ નવલકથા ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી હતી. મેન્ટલી ચેલેન્જ્ડ સંતાન અને તેની મા વચ્ચેના નાજુક સંબંધની તેમાં વાત હતી. એક દિવસ તત્કાલીન તંત્રી ઘનશ્યામ દેસાઈએ લેખિકાને ફોન કર્યોઃ વર્ષબહેન, હમણાં ને હમણાં ઓફિસે આવો. બસ, આવો જ. વર્ષા અડાલજા લગભગ દોડતાં પહોંચ્યાં. તેમણે જોયું કે અમેરિકાથી આવેલાં એક ગુજરાતી મહિલા આ નવલકથાનું મિસ થઈ ગયેલું પ્રકરણ વાંચી રહ્યાં હતાં. તેમનો ખુદનો દીકરો મેન્ટલી ચેલેન્જ્ડ હતો અને તેઓ વાસ્તવમાં નવલકથાની નાયિકા જેવું જીવન જીવતાં હતાં. વર્ષાબહેનને મળતાં જ મહિલા તેમને ભેટી પડ્યાં. કહેઃ તમારી વાર્તા વાંચીને મને મારા જીવનમાં સમાધાન મળ્યું. સમાજ સામે તમે આવાં બાળકો અને તેમના સ્વજનોની કથાવ્યથાને ફોકસમાં મૂકી આપી. થેન્ક્સ. આટલો કિસ્સો વર્ણવીને વર્ષા અડાલજા કહે છે, ‘... અને મને ને ઘનશ્યામભાઈને અમારું ‘સુખ’ મળી ગયું.’



એક સર્જક ભલે લાખો રૂપિયાના પુરસ્કાર કે રોયલ્ટી મેળવતો ન હોય, પણ જો તેની કૃતિ કોઈના જીવનને મૂળમાંથી સ્પર્શી શકે તો એ જ તેનું સુખ, તેની સાર્થકતા. વ્યક્તિએ-વ્યક્તિએ સુખની સમજ અને અનુભૂતિનું સ્વરૂપ જુદાં જુદાં હોવાનાં. સુરેશ દલાલે સંપાદિત કરેલું ‘મારું સુખ’ નામનું આ રૂપકડું પુસ્તક વાસ્તવમાં સુખનું શેડકાર્ડ છે. જુદાં જુદાં ક્ષેત્રોની ૭૨ વ્યક્તિઓએ પોતપોતાનાં કરેલી સંવેદનશીલ વાતોમાં સુખના એટલા બધાં રંગો અને વૈવિધ્ય ઉપસે છે કે વાચકને પોતાના સુખ સાથે મેચ થતો શેડ મળી જ રહે.



કાલિન્દી રાંદેરી લખે છેઃ ‘મનુષ્યસ્વભાવના છ શત્રુઓઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને ટાળી શકાય તો સુખ જ સુખ છે.’ એમ તો આપણી એક કહેવત પણ કહે જ છે ને કે, પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર... શું જીવનનાં મહાન સત્યોની જેમ સુખનું સત્ય પણ આટલું સાદું છે? કદાચ, ના. ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’

સુખનો ઝરો શું આપણી ભીતર જ કશેક છુપાયેલો હોય છે? ઈશા કુન્દનિકા કહે છે, ‘મારું સુખ...જે દુખની ઉપરવટ થઈને ટકી રહે છે. એમાં નિરંતરતા છે. એક કાયમી રહેલી લાગણી, ક્યાંક કશાક પરનો કદાચ વિશ્વાસ, કશીક શ્રદ્ધા, કશુંક. કશુંક શું તેની સમજ નથી પડતી, પણ કંઈક છે જે અંદર છે અને હંમેશાં રહે છે.’



ભગવતીકુમાર શર્મા માટે શબ્દવ્યાપાર જ ચરમ અને પરમ સુખાનુભૂતિનું માધ્યમ છે. મૂકેશ જોષી સરસ રહે છેઃ ક્યારેક મારી કવિતાના શબ્દો કોઈના હ્યદયને હળવા પવનની જેમ સ્પર્શે છે ત્યારે હું જ્યાં હોઉં ત્યાં સુખનો મિસ્ડ કોલ આવી જાય છે! અરુણા જાડેજા કાર્યશક્તિમાં સુખ જુએ છે. સુખ અને કર્મ આ બે વચ્ચે હંમેશાં ગાઢ સંબંધ રહ્યો છે. સતત કામમાં વ્યસ્ત રહેવું તે સુખની દિશા હોય છે કે પછી પલાયનવાદનું સરનામું? પ્રદીપ ખાંડવાળા પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે, ‘શું હું મેસોકિસ્ટ છું જે પોતાને દુખ આપી સુખનો અહેસાસ કરવાનો પ્રયત્ન કરતો રહે? કે શું હું નિરુત્સાહી છું જે કાર્યોમાં રત રહીને ડિપ્રેશનમાંથી છટકવાના ઉપાયો શોધતો ફરે?’ આનો જવાબ પોતાની ભીતરથી જ જડી આવે છે, ‘ના, આ કષ્ટોનો સ્ત્રોત છે કંઈ નવું કરવાનો, કંઈ નવું શીખવાનો આનંદ, પડકાર ઝીલવાનો આનંદ, સર્જન કરવાનો આનંદ...’



સર્જન પછીની નિરાંત ખરેખર સુખદાયક હોય છે. ભરત ઘેલાણી એટલે જ કહે છે ને કે, ‘મારા માટે ખરું સુખ એટલે ‘ચિત્રલેખા’નું કામ આટોપી લીધા પછી હું મારા એકાંતમાં એરકન્ડિશનની આછી હૂંફાળી ટાઢક વચ્ચે મારા ડબલ બેડ પર એકલો પથરાઈને મારું મનગમતું પુસ્તક વાંચતો હોઉં, પાછળ ફાઈવ પોઈન્ટ વન મ્યુઝિક સિસ્ટમ પર મારાં ગમતીલાં ગીત આછાં આછાં ગુંજતાં હોય અને ડબલ બેડના સાઈડ સાઈડ ટેબલ પર ચિલ્ડ બિયરનો ગ્લાસ હોય...’ ખરેખર, ભૌતિક સુવિધાઓની કિંમત ઓછી આંકવા જેવી નથી જ!



પ્રકૃતિના સાન્નિધ્ય અને સુખ વચ્ચે પાક્કી દોસ્તી છે. દીપક દોશી સુખ વિશે વિચારે એટલે તરત તેમના મનમાં મુંબઈનાં હ્યદય જેવું કેન્હેરીનું જંગલ ઊભું થાય. અઠવાડિયે એકાદ વાર અહીં આવીને ‘જીવન સુંઘી જવાનો’ તેમનો વર્ષોનો ક્રમ છે. ઉત્પલ ભાયાણી રોજ ચર્ચગેટથી અંધેરી પાછા ફરે ત્યારે લોકલ ટ્રેનમાં સાવ ફૂટબોર્ડની ધાર પર ઊભા રહે. મસ્તક ટ્રેનની સપાટીની બહાર હોય, અંદરનો કોલાહલ સતત કાને પડતો રહે અને આંખ સામેથી મુંબઈના ત્રસ્ત અને વ્યસ્ત મુંબઈનાં દશ્યો સડસડાટ પસાર થતાં જાય. ‘એટલે જે દેખાય છે એ સંભળાતું નથી અને જે સંભળાય છે એને જોતો નથી,’ ઉત્પલ ભાયાણી કહે છે, ‘આ રોજિંદો અનુભવ મારું અદકેરું સુખ છે.’ વેલ, સુખનું આ શહેરી સ્વરૂપ છે!



સુખના પરિઘમાં માત્ર ‘સ્વ’નો જ સમાવેશ થાય તે ક્યાં જરૂરી છે? કોઈ દુભાયેલી વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રી જ્યારે પોતાના મનનો સંતાપ પન્ના નાયક પાસે શેર કરે, એમની સાથે વાતો કરીને એ વ્યકિતનું મન હળવું થાય ત્યારે એમને સુખ મળે છે. જયેશ ચિતલિયાને ફિલ બોસમન્સે લખેલું અને રમેશ પુરોહિતે અનુદિત કરેલું ‘સુખને એક અવસર તો આપો’ એટલું ગમી ગયું કે તેની સંખ્યાબંધ નકલો લઈને પ્રિયજનોને ભેટમાં આપવું એ તેમનું સુખ બની ગયું. ગમતાને ગુલાલ કરવામાં તેમને ભરપૂર સુખ મળે છે. જયેશ ચિતલિયા સુખની સરસ વ્યાખ્યા બાંધે છેઃ ‘સુખ મંઝિલ નથી, માર્ગ છે...’ સ્વજનો સાથે રસાયેલા સુખનું આગવું સૌંદર્ય છે. વિનોદ ભટ્ટની સુખદ ક્ષણો અણીશુદ્ધ દાદાગીરીમાં સમાયેલી છે. ‘એને માટે અલબત્ત, દાદાનું સ્ટેટસ મેળવવું પડે,’ તેઓ સ્મિતપૂર્વક લખે છે, ‘આ દાદાગીરી એ ભોગવવા જેવું સુખ છે.’



સંગીત દ્વારા પેદા થતા સુખનું મૂલ્ય તો પ્રકાશ મહેતા અને ડો. સિલાસ પટેલિયા જેવા સંગીતરસિયાઓ જ જાણે. ‘મારામાં રહેલી શક્યતાઓને મિત્રો અને વડીલોએ ઓળખી એ મારું મોટું સુખ,’ આટલું કહીને ગાયક-સંગીતકાર સુરેશ જોશી પછી ઉમેરે છે, ‘... તો પછી સુખ નામનો પદારથ એ સંગીતનું બીજું નામ તો નહીં હોય ને?’



પ્રજ્ઞા પૈની સુખની વ્યાખ્યા સાદી પણ સચોટ છેઃ ‘મારા મતે, સુખ એટલે ભૂતકાળની ભુલો અને ભવિષ્યની કપોળકલ્પિત મુશ્કેલીઓના વિચારોેને હડસેલી ડિલીટ કરી વર્તમાન ક્ષણ માણી લેવાની ક્ષમતા.’ રાધેશ્યામ શર્મા ટોટલ એક્સેપ્ટન્સ એટલે કે સમગ્રના સ્વીકારમાં સુખ જુએ છે, જ્યારે હરિભાઈ કોઠારીનું કહેવું છે કે, ‘પ્રભુની શરણાગતિ સમું સુખ જગતમાં બીજું એકેય નથી.’



આખા પુસ્તકમાં કદાચ સૌથી પારદર્શક કેફિયત કાજલ ઓઝા-વૈદ્યની છે. તેઓ લખે છે, ‘મને એવું સમજાયું છે કે સુખ એ તદ્દન અંગત લાગણી છે. સામેની વ્યક્તિને આપણા સુખ સાથે કોઈ સંબંઘ જ નથી... ઈર્ષ્યાનો પણ નહીં!’ આટલું કહીને તેઓ આખરે ઉમેરે છે, ‘હવે ‘મારું સુખ’ હું જે કરું છું તેમાં છે... જે ક્ષણે જ્યાં હોઉં છું ત્યાં જ હોય છે... હું જેને મળું છું તે સહુ મને સુખી કરે છે... જે જીવું છું એનું નામ ‘સુખ’ રાખતાં હવે મને આવડી ગયું છે.’



અપૂર્વ આશરે કરેલી ‘મારું સુખ’ પુસ્તકની સજાવટ ભારે કલ્પનાશીલ છે. પ્રત્યેક લેખકનો ટૂંકમાં પરિચય આવ્યો હોત તો સારું થાત. આ પુસ્તકમાં અંકિત થયેલાં સુખનાં સત્ત્વશીલ ગાનને કાન દઈને સાંભળવા જેવું છે. મનોહરસિંહજી જાડેજા ‘સુખ કે પછી આનંદ- એનાં ગાણાં ન ગવાય’ એવું કહેતા હોય તો પણ!



(મારું સુખ

સંપાદકઃ સુરેશ દલાલ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન,

પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ૧.

સેન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ,અમદાવાદ૬.

ફોનઃ (૦૨૨) ૨૨૦૦૨૬૯૧, (૦૭૯) ૨૬૫૬ ૦૫૦૪

કિંમતઃ રૂ. ૫૦૦/

પૃષ્ઠ સંખ્યાઃ ૨૭૮)



૦૦૦૦

Saturday, November 20, 2010

પરેશ રાવલનું હેરી પોટર કનેકશન

          દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - ૨૧ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


                                                       કોલમઃ મલ્ટિપ્લેક્સ

‘પહેલાં બે શોમાં સ્ટેજ પર નગ્ન થતી વખતે મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં... ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’




‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’ ફિલ્મનો પાર્ટ વન આ શુક્રવારે રિલીઝ થયો. છેલ્લાં નવ વર્ષથી દુનિયાભરનું ઓડિયન્સ હેરી પોટર બનતા બાળજાદુગર ડેનિયલ રેડક્લિફને સ્ક્રીન પર મોટો થતાં જોઈ રહ્યું છે. ડેનિયલ હવે ૨૧ વર્ષનો પુખ્ત પુરુષ બની ગયો છે. જુવાનજોધ ડેનિયલની અંગત માલમિલકતનું મૂલ્ય આજની તારીખે ૨૮.પ મિલિયન પાઉન્ડસ (આશરે ૨૦૫ કરોડ રૂપિયા) જેટલું છે. ઇંગ્લેન્ડનાં પ્રિન્સ ચાર્લ્સ લેડી ડાયેનાના સુપુત્ર પ્રિન્સ વિલિયમ કરતાં પણ ડેનિયલ વધારે ધનિક છે!
Daniel with Richar Griffith in Equus - the play



હેરી પોટર પછી શું? એવો સવાલ ડેનિયલને સતાવે એમ નથી. પોતે અચ્છો એક્ટર છે તે ડેનિયલે ત્રણ વર્ષર્ પહેલાં જ પ્રસ્થાપિત કરી દીધું હતું, પીટર શેફર લિખિત ‘ઈક્વસ’ નાટકમાં કામ કરીને. પીટર શેફરે આ નાટક ૧૯૭૩માં લખ્યું હતું. નાટકની પ્રેરણા બન્યો લંડન નજીકના એક પરગણામાં બનેલો સાચો કિસ્સો. સત્તર વર્ષના એક તરૂણે છ ઘોડાની આંખો ફોડી નાખી હતી. ઊગીને ઊભો થતો લબરમૂછિયો આવું ઘૃણાસ્પદ કામ શા માટે કરે? આ પ્રશ્નના ઉત્તર રૂપે પીટર શેફરે એક કાલ્પનિક કહાણી રચી. અપરાધી છોકરાનો કેસ માનસચિકિત્સક પાસે આવે છે, જે ધીમે ધીમે તેના મનના પડળોને ખોલતો જાય છે. ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય છે કે છોકરો તો ઘોડામાં ભગવાનનું સ્વરૂપ જોતો હતો. ઘોડા પ્રત્યે તે ન સમજાય એવું સેક્સ્યુઅલ એટ્રેકશન પણ અનુભવે છે. એક વાર એક ચંચળ તરૂણી ધરાર આ છોકરા સાથે તબેલામાં શારીરિક સંબંધ સ્થાપવાની કોશિશ કરે છે. તબેલામાં બાંધેલા છ ઘોડા તેને આ ‘પાપ’ કરતાં જોઈ ગયા છે તે વિચારે છોકરો ફફડી ઉઠે છે. આવેશમાં આવીને છોકરો છએ છ ઘોડાની આંખો ફોડી નાખે છે...

Daniel Redcliffe in Equus


 1973માં સૌથી પહેલી વાર રોયલ નેશનલ થિયેટરે લંડનમાં ‘ઈક્વસ’નું મંચન કર્યું. તરુણના રોલમાં પીટર ફર્થ નામનો યુવાન અદાકાર હતો. ૧૯૭૭માં નાટક પરથી ફિલ્મ બની, જેમાં રિચર્ડર્ બર્ટને અભિનય કર્યો હતો. તરૂણનો રોલ ફિલ્મમાં પણ પીટર ફર્થે જ કર્યોર્. ફિલ્મની જોકે ખૂબ ટીકા થઈ. મંચ પર ઘોડા નકલી હોય અને તેના પર થતો અત્યાચાર સજેસ્ટિવ કે પ્રતીકાત્મક હોય, પણ ફિલ્મમાં ઘોડા પર થતી હિંસાનાં દશ્યો ઓડિયન્સને અરેરાટી થઈ જાય તે રીતે શૂટ કરવામાં આવ્યાં હતા. એનિમલ રાઈટ્સવાળાઓ તો ઠીક, સ્વયં પીટર શેફરે આ ફિલ્મને વખોડી કાઢી હતી.

Poster of Equus - the movie

Equus- the movie: Richard Burton and Peter Firth


‘ઈક્વસ’ પછી તો મંચ પણ ઘણી વાર રિવાઈવ થયું. છેલ્લે ૨૦૦૭માં ડેનિયલ રેડક્લિફને મુખ્ય ભુમિકામાં કાસ્ટ કરીને ‘ઈક્વસ’ રિવાઈવ કરવામાં આવ્યું. તે વખતે ડેનિયલ ખુદ સત્તર વર્ષનો હતો. આ રિવાઈવલ અને ડેનિયલના પર્ફોર્મન્સે તરંગો પેદા કર્યા. નાટકમાં ડેનિયલે એક દશ્યમાં સંપૂર્ણપણે નગ્ન થવાનું હતું. ડેનિયલ કહે છે, ‘સ્ટેજ પર સંપૂર્ણપણે નગ્ન થવામાં મને કશો પ્રોબ્લેમ નહોતો એવું તો શી રીતે કહી શકાય? હું સખ્ખત નર્વસ હતો. ગેરી ઓલ્ડમેન નામના સિનિયર એક્ટરને હું મળ્યો. સ્ટેજ પર નિર્વસ્ત્ર થવાનો તેમને અનુભવ છે. મારે તેમની પાસેથી ટિપ્સ લેવી હતી. ગેરીએ મને કહ્યું કે જો, પહેલા શો વખતે તને ખૂબ ગભરાટ થશે, બીજા શો વખતે પણ તું ગભરાઈશ, પણ પછી તું નોર્મલ થઈ જઈશ. એવું જ થયું. પહેલા બે શોમાં મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં... ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’


 ‘ઈક્વસ’ નાટકમાં ડેનિયલના અભિનયે પ્રેક્ષકો અને વિવેચકો સૌને સાનંદાચર્યનો આંચકો આપ્યો. હેરી પોટર તરીકે જેનેે વર્ષોથી જોઈ રહ્યા છીએ તે ટાબરિયો જબરદસ્ત સ્ટેજ પ્રેઝન્સ ધરાવતો હશે અને અત્યંત કોમ્પ્લીકેટેડ રોલ પ્રભાવશાળી રીતે અદા કરી શકશે એવી કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય. જોકે ઇંગ્લેન્ડઅમેરિકાની ટીનેજ કન્યાઓની કેટલીય મમ્મીઓ નારાજ થઈ ગઈ હતી. તેમણે ડેનિયલને ફોન કરી કરીને ફરિયાદો કરી કે તું આવું ગંધારુંગોબરું નાટક કરી જ શી રીતે શકે? ડેનિયલ અકળાઈને કહે છે, ‘અરે! ‘ઈક્વસ’ કંઈ પોર્નોગ્રાફી થોડું છે? નાટકમાં હું ફક્ત સાત મિનિટ સ્ટેજ પર નેકેડ રહું છું અને તે પણ છેક ક્લાઈમેક્સમાં.’



Sitanshu Yashschandra





 
Paresh Raval
 ‘ઈક્વસ’ ગુજરાતીમાં ‘તોખાર’ના નામે અવતરી ચૂક્યું છે. આ નાટકને આપણી ભાષામાં અદભુત રીતે રૂપાંતરિત કર્યું વિખ્યાત કવિ-નાટ્યકાર સિતાંશુ યશશ્ચંદે. રંગભૂમિ અને ગુજરાતી ભાષાની તાકાત પ્રત્યે આકર્ષણ ધરાવતા લોકોએ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલું ‘તોખાર’ અનિવાર્યપણે વાંચવું જોઈએ. આ નાટકને ૧૯૭૭માં ડિરેક્ટર મહેન્દ્ર જોશી મંચ પર લાવ્યા, જેમાં એક નવી તેજસ્વી પ્રતિભા વિસ્ફોટ સાથે ઊછળીને બહાર આવી. તેનું નામ હતું, પરેશ રાવલ. તેઓ તરૂણની મુખ્ય ભુમિકા ભજવતા હતા. માનસચિકિત્સકનું પાત્ર શફી ઈનામદારે ભજવેલું. ‘તોખાર’ નાટક એટલું પાવરફુલ હતું કે દર્શકો ચકિત થઈ જતા. સર્વકાલીન શ્રેષ્ઠતમ ગુજરાતી નાટકોની સૂચિમાં તે હકથી સ્થાન પામ્યું. આ નાટકે પરેશ રાવલમાં જબરદસ્ત આત્મવિશ્વાસ પેદા કર્યો. તેઓ પોતાનામાં રહેલા અદાકારને આ નાટક થકી પારખી શક્યા.



Images of Naushil Mehta's Tokhar
‘તોખાર’ નાટકે એ વર્ષોમાં એક ઓર વ્યક્તિ પર પણ તીવ્ર અસર કરી હતી. એ હતા નૌશિલ મહેતા, જે ક્રમશઃ પ્રતિભાશાળી લેખક ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે ઊભર્યા. વર્ષો પછી તેમણે ‘તોખાર’ રિવાઈવ ર્ક્યું. ડિરેક્ટર તરીકેની જવાબદારી ઉપાડતી વખતે તેમણે એક આકર્ષક ફેરફાર કર્યો. અત્યાર સુધીના વર્ઝનોમાં માનસચિકિત્સકનું પાત્ર પુરુષ કલાકાર ભજવતો હતો. નૌશિલ મહેતાએ આ કિરદાર રત્ના પાઠક શાહને આપ્યું. ડોક્ટર પુુરુષને બદલે સ્ત્રી હોય તે વિચાર સિતાંશુ યશશ્ચંદ્રને પણ ગમ્યો. પરેશ રાવલ (અને ડેનિયલ રેડક્લિફ)વાળું પાત્ર ભજવ્યું ટેલેન્ટેડ અમિત મિસ્ત્રીએ. ડોક્ટર અને દર્દી વિજાતીય હોવાથી કેટલાંક પરિમાણો આપોઆપ બદલાયાં અને એક જુદી જ કેમિસ્ટ્રી પેદા થઈ. નવી પેઢીના નાટ્યરસિકો પાસે તુલના માટે મહેન્દ્ર જોશી - પરેશ રાવલવાળા ‘તોખાર’નો સંદર્ભ ભલે નહોતો, પણ નૌશિલ મહેતાનું ‘તોખાર’ તેમના માટે યાદગાર પૂરવાર થયું. ‘તોખાર’ની બન્ને આવૃત્તિઓમાં દેખીતી રીતે જ નગ્નતા ન હોય. મહેન્દ્ર જોશી અને નૌશિલ મહેતાએ એટલી કુનેહપૂર્વક ડિરેકશન કર્યું હતું કે કલાકારો અને પ્રેક્ષકો બન્નેમાંથી કોઈને કશુંય અન્કમ્ફર્ટેબલ ન લાગે અને છતાંય વિગતો પૂરેપૂરી તીવ્રતાથી મંચ પર ઉપસે.




Naushil Mehta

Amit Mistry

‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’નો પાર્ટ-ર્ટુ શૂટ થઈ ચૂક્યો છે. તે આવતા વર્ષે રિલીઝ થશે અને તે સાથે હેરી પોટર સિરીઝ પર પૂર્ણવિરામ મૂકાશે. ડેનિયલ રેડક્લિફ માટે આ સુખદ સ્થિતિ છે. એક એક્ટર તરીકે હેરી પોટરનું પાત્ર તેની સિસ્ટમમાંથી બહાર થઈ ગયું છે અને મેચ્યોર કિરદારો માટે તે સજ્જ છે તે હકીકત ‘ઈક્વસ’ થકી એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે. ડેનિયલની હવે પછી કરિયર કેવો આકાર લે છે તે જોવાનું ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થશે...



શો-સ્ટોપર



પ્રેમ ખરેખર આંધળો છે. આ હું જાતઅનુભવ પરથી કહું છું.

- દીપિકા પદુકોણ







Friday, November 19, 2010

રિવ્યુઃ શાહરૂખ બોલા ખૂબસૂરત હૈ તૂ

મિડ-ડે’માં ૨૦ જાન્યુઆરી ૨૦૧૦માં પ્રકાશિત



શાહરૂખ બોલ્યો જ શું કામ?




આ ફિલ્મ ખૂબસૂરત નથી, પણ રાઈટર-ડિરેક્ટર મકરંદ દેશપાંડેની મૂછો જેવી છે - વિચિત્ર.





રેટિંગ ઃ દોઢ સ્ટાર



મલ્ટિપ્લેક્સ કલ્ચરની સારી બાજુ એ છે કે ઓછા બજેટની તેમ જ અવનવા વિષયોની એક્સપેરિમેન્ટલ ફિલ્મોને ઉત્તેજન મળે છે અને કમસે કમ તે રિલીઝ થઈ શકે છે. મલ્ટિપ્લેક્સ મેનિયાની નબળી બાજુ એ છે કે પ્રયોગખોરીને નામે કંઈ પણ ગાંડુઘેલું બનવા લાગે છે અને ઓડિયન્સના માથે ઝીંકવામાં આવે છે. ‘શાહરૂખ બોલા ખૂબસૂરત હૈ તુ’ કમનસીબે બીજી શ્રેણીમાં સ્થાન પામે છે. આ ફિલ્મનો કેન્દ્રિય વિચાર અથવા તો વનલાઈન-થૉટ ઈન્ટરેસ્ટિંગ છે. તકલીફ એ છે કે મામલો વનલાઈન-થૉટ પર પૂરી થઈ જતો નથી, બલકે શરૂ થાય છે. રાઈટર-ડિરેક્ટર-એક્ટર મકરંદ દેશપાંડે મૂળભૂત વિચારને વિકસાવીને મસ્તમજાની ડિશ બનાવવામાં અને તેમાં સરસ મજાના મરીમસાલા ભરીને ઓડિયન્સને જલસો પડી જાય તે રીતે પેશ કરવામાં કામિયાબ થતા નથી. તેથી ફાયનલ પ્રોડક્ટ નિરાશાજનક પૂરવાર થાય છે.



થોડા અરસા પહેલાં અંતરા માલીને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં’ નામની ફિલ્મ આવી હતી. તેમાં માધુરી દીક્ષિત માત્ર ટાઈટલમાં શબ્દરૂપે દેખાઈ હતી, સ્ક્રીન પર નહીં. ફિલ્મસ્ટાર બન્યો તે પહેલાં શાહરૂખે ‘સરકસ’ નામની ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. મકરંદ દેશપાંડે પણ ‘સરકસ’માં એક રોલ કરતા હતા. એ જમાનાથી બન્ને વચ્ચે દોસ્તી. શાહરૂખે મિત્રભાવે મકરંદને બે-એક કલાક ફાળવી આપ્યા હશે એટલે આ આખો ‘પ્રોજેક્ટ’ ઉભો થયો. ફિલ્મમાં શાહરૂખ ત્રણચાર મિનિટ માટે સ્ક્રીન પર આવે છે પણ ખરો, પણ તોય વાત નથી જામતી તે નથી જ જામતી.



કોમ્પ્લીમેન્ટ્સની કમઠાણ



કહાણી ફૂલ વેચતી એક લાલી નામની જુવાન છોકરીની છે, જે ઝૂંપડપટ્ટીમાં મામાની સાથે રહે છે. એક દિવસ આકસ્મિક રીતે ફિલ્મસ્ટાર શાહરૂખ ખાન તેને ટ્રાફિક સિગ્નલ પાસે ભટકાઈ જાય છે. ગાડીનો કાચ નીચો કરીને, ગાલમાં ખંજન પાડતું સ્માઈલ ફેંકીને તે એટલું જ બોલે છેઃ ‘ખૂબસૂરત હૈ તૂ’. બસ, આટલું બોલીને શાહરૂખ તો રવાના થઈ જાય છે પણ આ છોકરીનું આખું જીવન પલટાઈ જાય છે. ટ્રાફિક સિગ્નલ પાસે પાઈરેટેડ પુસ્તકો વેચતા તેના પ્રેમીને લાગે છે કે શાહરૂખને કારણે છોકરી તેને ભાવ આપતી નથી. ગુસ્સામાં ને ગુસ્સામાં તે એક દિવસ છોકરીના પેટમાં છરી ભોકી દે છે. બીજાં પાત્રો ઉમેરાતા જાય છે ઝુંપડપટ્ટીમાં રહેતી બારગર્લ, મૌસી, કેરમ રમ્યા કરતો ટપોરી, ખૂંખાર ગુંડાના રોલમાં સુકલકડી મકરંદ દેશપાંડે પોતે, પોલીસ ઈન્સપેક્ટર, એક દેસી પત્રકાર, એક વિદેશી પત્રકાર વગેરે. છેલ્લે વિચિત્ર, અસ્પષ્ટ એન્ડિંગ અને વાત પૂરી.

કાચી ખીચ઼ડી


આપણે ત્યાં ફિલ્મસ્ટારો પાછળ જનતા ગાંડી ગાંડી છે. આ ફિલ્મની હિરોઈન પણ એવી જ છે. તે પોતાની ખોલીમાં ‘વીર-ઝારા’નું પોસ્ટર ચીટકાડી રાખે છે અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની તો લીટીએ લીટી ગોખીને બેઠી છે. આખી ફિલ્મમાં શાહરૂખ ખાનની રીતસર આરતી ઉતારવામાં આવી છે. એક દશ્યમાં લાલી આર્દ્ર થઈને કહે છેઃ મેરે ભગવાન હૈ વો, જીધર ભી હૈ મુઝે દેખ રહા હૈ વો.... તે આંખ મીંચીને શાહરૂખ ખાનનું સ્મરણ કરે ને તેનામાં ગજબનાક શક્તિનો સંચાર થઈ જાય છે. વજનદાર પથ્થર લઈને પોતાને મારવા આવી રહેલી બારગર્લને તે ધીબેડી નાખે છે અને પછી ચકિત થઈ ગયેલા હીરો સામે છુટ્ટો ડાયલોગ ફેંકે છેઃ હારકર જીતનેવાલો કો હી બાઝીગર કહતે હૈ... વાહ વાહ. ફ્રીઝ ફ્રેઈમ. ઈન્ટરવલ. સેકન્ડ હાફનાં કેટલાંય દશ્યો રિપીટીટીવ અને અર્થહીન છે. તમે રાહ જોતા રહો કે હમણાં ફિલ્મ જામશે, હમણાં ફિલ્મ જામશે... પણ ત્યાં સુધીમાં તો ઢંગધડા વગરની સિકવન્સ પર ધી એન્ડનું પાટિયું ઝુલવા માંડે છે.



નબળો સ્ક્રીનપ્લે અને નબળાં પાત્રાલેખન ફિલ્મના આ સૌથી મોટા માઈનસ પોઈન્ટ્સ છે. સામાન્યપણે ઝૂપડપટ્ટીનું બૅકગ્રાઉન્ડ હોય ત્યારે પાત્રોને આપોઆપ એક પ્રકારની ધાર મળી જતી હોય છે. કમનસીબે અહીં એવું બનતું નથી. સંવાદોમાં ઝમક નથી અને અમુક એક્ટરો અતિ નબળા છે. ખાસ તો આંખ પર ધસી આવતા વાળવાળો સાંઠીકડા જેવો હીરો સંજય દધીચ. આ દાઢીવાળું પાત્ર એટલું ઢીલું છે કે પેલી બારગર્લ એક સીનમાં તેને રીક્ષાની પાછલી સીટ પર ખેંચી જઈને લગભગ રેઈપ કરી નાખે છે. આવા નબળા નરને કોઈ શા માટે પરણે. લાલી બનતી પ્રીતિકા ચાવલા અને ઝઘડાખોર બારબાળાની ભુમિકામાં ચોયોતી ઘોષનાં પર્ફોર્મન્સીસ સારાં છે. ઝુપંડપટ્ટીનું ડિટેલિંગ પણ સારું થયું છે. ફિલ્મમાં એમ તો ગીતો અને નૃત્યો પણ ફિટ કરવામાં આવ્યાં છે. પણ શો ફાયદો?



મકરંદ દેશપાંડે કદાચ ‘શાહરૂખ બોલા ખૂબસૂરત હૈ તુ’ને હાર્ડહિટીંગ બૅકગ્રાઉન્ડવાળી હલકીફૂલકી રોમેન્ટિક-કોમેડી (?!) બનાવતા માગતા હશે, પણ આ ખીચડી સાવ કાચી રહી ગઈ છે ને અધૂરામાં પૂરું મીઠું પણ ઓછું પડ્યું છે. આશા રાખીએ કે મકરંદભાઉને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટારલોકો પાસે મિત્રભાવે કામ કરાવવાની આદત ન પડી ગઈ હોય. નહીં તો ભવિષ્યમાં ‘બિપાશા બોલી સેક્સી હૈ તૂ’, ‘લતા બોલી મીઠા ગાતી હૈ તૂ’, ‘ઈમરાન હાશ્મિ બોલા ક્યા ચૂમતી હૈ તૂ’ જેવાં ટાઈટલવાળી ચિત્રવિચિત્ર ફિલ્મો માટે આપણને રેડી રહેવંુ પડશે!



૦૦૦

રિવ્યુઃ ગુઝારિશ

‘મિડ-ડે’ ૨૦ જાન્યુઆરી ૨૦૧૦માં પ્રકાશિત






બહોત અચ્છે!




સંજય લીલા ભણસાલી ઈઝ બૅક! ‘ગૂઝારિશ’માં માસઅપીલ પ્રમાણમાં ઓછી છે, પણ સુંદર હિન્દી સિનેમાના ચાહકોએ આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.



રેટિંગ ઃ ચાર સ્ટાર



હ્યુતિક રોશન પથારી પર પડ્યો પડ્યો બરાડી રહ્યો છે. તે ક્વોડ્રીપ્લેજિક પેશન્ટ છે, તેની પાસે માત્ર સતત કામ કરતું દિમાગ છે, સંવેદનશીલ ચહેરો છે અને અવાજ છે. તેની ગરદનથી નીચેનું શરીર સંર્પૂણપણે ચેતનહીન છે. દવા પી લો, નર્સ ઐશ્વર્યા કડક અવાજે કહે છે, તમને ઉંઘની જરૂર છે. ક્રોધે ભરાયેલો હ્યુતિક માનતો નથી, મોઢું ફેરવી લે છે. ઐશ્વર્યા ઝાઝું વિચાર્યા વિના એને પથારીમાં લુઢકાવી દે છે. પેલો ના-ના કરતો કરે છે અને ઐશ્યર્યા સહેજ પણ કંપ અનુભવ્યા વગર, લગભગ કઠોરતાથી તેને ઇંજેકશન મારીને નીકળી જાય છે.



બીજું દશ્ય. હ્યુતિક મસ્તીના મૂડમાં છે. પોતાના પગને માલિશ કરી રહેલી ઐશ્વર્યાના સ્પર્શથી જાણે ખૂબ ઉત્તેજિત થઈ ગયો હોય તેમ તે કામુક લવારા કરવા લાગે છે. ઐશ્વર્યા ગાંજી જાય તેમ નથી. માલિશ કરવાનું બંધ કરીને તે ઑર ચા અવાજે ઉન્માદક ઉહકારા કરવાનું શરૂ કરી છે. હ્યુતિક ચકિત થઈ જાય છે. આ તોફાની પેશન્ટને કઈ રીતે અંકુશમાં રાખવો તે ઐશ્વર્યા બરાબર જાણે છે.



અહીં ક્યાંય બિચારાપણું નથી, કોઈ રોદણાં રોતું નથી, કશી દયાભાવના નથી. અહીં વિવશતા વચ્ચે પણ ઝિંદાદિલી છે, ઉલ્લાસ છે, સમજદારી છે, સમસંવેદન છે. ‘ગુઝારિશ’ની આ સુંદરતા છે.



સંજય લીલા ભણસાલી ઈઝ બૅક! નિરાશાજનક ‘સાંવરિયા’ પછી આ મૂડી ફિલ્મમેકર બહુ જ લૉ-પ્રોફાઈલ રહીને ‘ગુઝારિશ’ લાવ્યા છે. આ વખતે ન કાન ફાડી નાખે તેવાં ઢોલનગારાં વાગ્યાં કે ન ખાસ હાઈપ થઈ. સારંુ થયું. હ્યુતિક રોશન અને ઐશ્વર્યા રાય બચ્ચન જેવાં સ્ટાર હોવા છતાં તમે ઉચી અપેક્ષા વગર ઓડિટોરિયમમાં પ્રવેશો છો, પણ બહાર નીકળો છો ત્યારે તમારા મન-હ્યદયમાં એક સુંદર ફિલ્મ જોયાનો સંતોષ છવાયેલો હોય છે.



ઈચ્છામૃત્યુના આટાપાટા



એનું નામ ઈથન છે. એક જમાનામાં તે દેશનો વિખ્યાત જાદુગર હતો. એક શો દરમિયાન ભયાનક એક્સિડન્ટ થયો ને તે ઉધા માથે ચાઈ પરથી પટકાયો. તેનું શરીર નિષ્ચેષ્ટ બની ગયું. ગોવામાં જૂની હવેલી જેવાં મકાનમાં છેલ્લાં ૧૪ વર્ષથી તે પરવશ જીવન જીવે છે. સોફિયા નામની નર્સ તેની પૂરેપૂરી નિષ્ઠાથી દેખભાળ કરે છે. ઈથનનો પોતાનો રેડિયો શો પણ છે જે ખાસ્સો પોપ્યુલર છે. ઈથન યોદ્ધાની જેમ જીવન જીવ્યો છે, સતત હસતો રહ્યો છે. પણ હવે તે પોતાની જિંદગી પર પૂર્ણવિરામ મૂકી દેવા માગે છે. પોતાની વકીલ મિત્ર થકી તે ઈચ્છામૃત્યુ માટે અદાલતમાં પિટીશન ફાઈલ કરે છે અને...



પ્રેમ, સમસંવેદન અને ઝિંદાદિલી



સંજય ભણસાલી વિઝયુઅલ્સના માણસ છે. તેમની પાસે વેલ-ડિફાઈન્ડ એસ્થેટિક સેન્સ છે. જો કે લાલચટ્ટાક ‘દેવદાસ’ કે બ્લ્યુ ‘સાંવરિયાં’ના કેટલાક પ્લાસ્ટિકીયા હિસ્સામાં તેમની એસ્થેટિક સેન્સ અસ્થિર થઈ ગઈ હતી. અહીં કાળો, સફેદ અને ગ્રે રંગનું પ્રભુત્વ છે. ‘ગુઝારિશ’નાં વિઝયુઅલ્સ અને કલરસ્કીમનું વ્યાકરણ ‘બ્લૅક’ સાથે મૅચ થાય છે. માત્ર દશ્યરચના જ નહીં, પાત્રાલેખન દષ્ટિએ પણ આ બણે ફિલ્મો એકબીજાથી ખાસ્સી નિકટ છે. સંજય ભણસાલીને આમેય શારીરિક પંગુતા, તેનાથી હાર ન માનવાનો ગજબનાક જુસ્સો અને આ સંઘર્ષમાંથી પેદા થતું કારુણ્ય આકર્ષે છે. ‘ખામોશી’માં મૂકબધિર માતાપિતા હતાં, ‘બ્લૅક’માં રાની મુખજી્ મૂંગીબહેરી હોવાની સાથે અંધ પણ હતી, જ્યારે ‘ગુઝારિશ’માં હ્યુતિક ક્વોડ્રીપ્લેજિયાનો ભોગ બન્યો છે.



માત્ર સુંદર મજાના ગ્રિટીંગ્ઝ કાર્ડ જેવી રૂપકડી ફ્રેમ્સથી દર્શકનું પેટ ભરાતું નથી. એ તો સપાટી પરનો ચળકાટ થયો. સદભાગ્યે ‘ગુઝારિશ’ના પ્રભાવશાળી બાહ્ય આવરણની નીચે સંવેદનશીલ કથા છે, અનોખી લવસ્ટોરી છે અને શક્તિશાળી અભિનય છે. હ્યુતિક અને ઐશ્યર્વાનો સંબંધ આ ફિલ્મનો જાન છે. પથારીવશ હ્યુતિક એને ખુલ્લમ્ખુલ્લા ફ્લર્ટ કરે છે, પણ છતાંય તેમની વચ્ચે ઘણું બધું અકથ્ય છે. હ્યુતિક પાસે જાદુ શીખવા આવેલો નવોદિત આદિત્ય રોય કપૂર એક દિવસ ધરાર ઐશ્વર્યા પાસેથી કામ પોતાના હાથમાં લઈ લે છે ત્યારે અન્યથા કડક રહેતી ઐશ્વર્યા રડી પડે છે. તેને અચાનક ભાન થાય છે કે છેલ્લાં બાર વર્ષથી એક પણ દિવસની રજા લીધા વગર સતત પોતે હ્યુતિકની સેવા કરી રહી છે, તેનાં મૂત્રવિષ્ટા સુદ્ધાં સાફ કરી રહી છે. તેને ખબર ન પડે તેમ હ્યુતિક તેની આદત બની ગયો છે, પણ છતાંય ક્યાંય કશીય યાંત્રિકતા પ્રવેશી નથી. સંજય ભણસાલીએ મેલોડ્રામાને સંયમિત રાખ્યો છે. ફિલ્મનો અંત ખુલ્લો છે. આગળ શું થયું તે દર્શકે પોતાની રીતે કલ્પી લેવાનું છે.



હ્યુતિકે આ ફિલ્મમાં પોતાની કરીઅરનું સૌથી મેચ્યોર પર્ફોર્મન્સ આપ્યું છે. પોતાની આસમાની આંખો અને દાઢીથી ઢંકાયેલા એક્સપ્રેસિવ ચહેરા પાસેથી તેણે ઉત્તમ કામ લીધું છે. ફિલ્મની કેટલીય ક્ષણો તમને સ્પર્શી જાય છે. સંજય ભણસાલી ઐશ્યર્વા પાસેથી સારામાં સારો અભિનય કરાવી શકે છે તે આ ફિલ્મ ફરી એક વાર પૂરવાર કરે છે. ઐશ્વર્યાની કરીઅરમાં ‘ગુઝારિશ’ શ્રેષ્ઠ સાબિત થવાની. સવ્યસાચી મુખરજીએ ડિઝાઈન કરેલાં લાંબા પોષાકોમાં તે દિવ્ય દેખાય છે. એક ક્લબમાં ‘ઉડી’ ગીત વખતે ઐશ્વર્યાને જે રીતે તાન ચડે છે અને હ્યુતિકના આશ્યર્ચ વચ્ચે અણધારી નાચવાગાવા લાગે છે તે જોજો. સંજય ભણસાલીએ ખુદ કંપોઝ કરેલું સંગીત ઈન્ટરેસ્ટિંગ છે.



શેહનાઝ પટેલ હ્યુતિકની વકીલ મિત્ર છે, જે ફિલ્મનું ત્રીજા નંબરનું સૌથી મજબૂત પાત્ર છે. આ અફલાતૂન અભિનેત્રી કેમ વધારે ફિલ્મો કરતી નથી? આદિત્ય રોય કપૂરમાં દમ છે અને બોલીવૂડમાં તેનું ભવિષ્ય ઉજ્જવળ છે, જો તે એની સાંઈબાબા જેવી હેરસ્ટાઈલનો કશોક ઉપાય કરે તો.



ફિલ્મમાં અમુક પાત્રો ઓચિંતા દેખા દઈને ગાયબ થઈ જાય છે તે ખૂંચે છે. જેમ કે, હ્યુતિકનો હરીફ જાદુગર, ઐશ્વર્યાનો પતિ મકરંદ દેશપાંડે અને હ્યુતિકની પ્રેમિકા-કમ-આસિસ્ટન્ટ મોનિકંગના દત્તા. વાસ્તવમાં આ ફિલ્મ મોનિકંગનાનું લોન્ચિંગ પૅડ બનવાનું હતું, પણ તેનો રોલ તદ્દન મામૂલી બનીને રહી ગયો છે. હ્યુતિકની મા પરવશ દીકરાની સાથે રહેતી નથી. તે માટે જે કારણ દર્શાવવામાં આવ્યું છે તે ગળે ઉતરે એવું નથી. ફિલ્મના પચ્ચીસ ટકા કરતાંય વધારે સંવાદો અંગ્રેજીમાં છે તે એક મોટો માઈનસ પોઈન્ટ બની શકે તેમ છે. ‘ગૂઝારિશ’માં માસઅપીલ આમેય પ્રમાણમાં ઓછી છે.



‘ગુઝારિશ’ એક કરતાં વધારે વિદેશી ફિલ્મોની ‘પ્રેરણા’થી બની છે એવું ભલે ચર્ચાય (ઓકે, તેના માટે અડધો સ્ટાર ઓછો કરી નાખો, બસ?), પણ આ ફિલ્મની અપીલમાં તેને લીધે કશો ફરક પડતો નથી. ‘ગુઝારિશ’ને મેનીપ્યુલેટિવ કહીને ઉતારી પાડવાની પણ જરૂર નથી. સુંદર હિન્દી સિનેમાના ચાહકોએ આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.

૦૦૦૦

Monday, November 15, 2010

દીવને ઈમેજ મેકઓવરની જરૂર છે

અહા! જિંદગી’ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમઃ ફલક


ગોવાને ટક્કર આપે એવા દીવ પ્રત્યે ભારોભાર ઉદાસીનતા શા માટે?



તમે રોડરસ્તે ભાવનગર-મહુવા થઈને દીવ જવા નીકળ્યા છો. આ ટુરિસ્ટ સ્પોટ કેટલાં અંતરે છે તે દર્શાવતું સાઈન બોર્ડ શોધતાં શોધતાં તમારી આંખો થાકી જાય છે પણ હરામ બરાબર એ ક્યાંય નજરે ચડે તો. દીવ લગભગ પહોંચવા આવ્યા હો છેક ત્યારે તમને સૌથી પહેલું બોર્ડર્ નજરે ચડે છે. તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું બોર્ડ છે. અમારી આગલી બ્રાન્ચ હવે ૧૬ કિલોમીટરના અંતરે દીવમાં છે એવા મતલબનું એમાં લખાણ છે. ગુજરાતના હાઈવે અને જુદાંજુદાં નગરોગામોને જોડતા રસ્તા હવે ભારતભરમાં વખણાય છે પણ આ તમામ વખાણ પર બેરહેમીથી પાણી ઢોળી નાખે, તમારાં હાડકાંપાંસળાં ખોંખરાં કરી અધમૂઆ કરી નાખેે અને હવે પછી દીવ તો જિંદગીમાં ક્યારેય ન જવું એવી તાત્કાલિક ભીષ્મપ્રતિજ્ઞા લઈ લેવાનું મન થઈ આવે તેવો ભયાનક ખરાબ રસ્તો તમને દીવ જતાં પહેલાં, ઊનાની પહેલા પાર કરવો પડે છે. દીવ જનારા કોણ હોવાના? દારૂડિયા! અને દારૂડિયા ગુજરાતીઓનો ઉત્સાહભંગ કરવા દીવ જતો રસ્તો ધરાર ઊબડખાબડ રાખવો તેવો સરકારી તર્ક હોઈ શકે છે! દીવનું સૌથી પહેલું અંતરસૂચક સરકારી પાટિયું તમે ઊનામાં જુઓ છો. ઊના પસાર થતાં ઓર એક સરકારી બોર્ડર્ રસ્તાના કિનારે ઊભું છે, જેના પર માત્ર ‘દીવ’ લખ્યું છે, આંકડાનું નામોનિશાન નથી.

ઉપેક્ષા સંપૂર્ણ છે. એમાં જોકે નવાઈ પામવા જેવું નથી. દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તે માત્ર ભૌગૌલિક રીતે ગુજરાત સાથે જોડાયેલું છે. અમિતાભ બચ્ચન ગિરના સિંહ સાથે કુછ દિન ગુજારવા માટે જુનાગઢ જતા પહેલાં દીવના એરપોર્ટ પર ભલે લેન્ડ થાય, બાકી ગુજરાત ટુરિઝમની કેમ્પેઈનને દીવ સાથે શું લાગેવળગે? દીવ મિનિગોવા છે અને પહેલી નજરે પ્રેમમાં પાડી દે તેવું ખૂબસૂરત છે તો પણ શું થઈ ગયું?

ઉપેક્ષા માત્ર સરકારી સ્તરે નથી. પ્રવાસપર્યટનની વાત આવે ત્યારે ગુજરાતની જનતાને દીવ કેટલું યાદ આવે છે? દીવ ( ફોર ધેટ મેટર, દમણ પણ) તો દારૂડિયાઓ માટે છે એવી ઈમેજ એટલી પ્રચંડ છે કે આ સ્થળનું કુદરતી સૌંદર્ય, તેની શાંતિ અને એસ્થેટિક અપીલ અપ્રસ્તુત થઈને સંપૂર્ણપણે હાંસિયાની બહાર ફેંકાઈ જાય છે. હરવાફરવાના શોખીન એવા ‘સીધી લાઈન’ના ગુજરાતીઓના લિસ્ટમાં દીવ કાં તો સાવ છેલ્લે હોય છે અથવા હોતું જ નથી.
  • 
  • 
    Amphi-theatre of Diu. Also known as INS Khukri Memorial or Sunset Point
    
  • 

દીવ પાસે પારદર્શક બ્લુ-ગ્રીન દરિયો, સ્વચ્છ બીચ, નૃત્યાંગનાઓને મન મૂકીને નાચવાનું અને રંગભૂમિના અદાકારોને તાત્કાલિક નાટક ભજવવાનું મન થઈ જાય તેવું અદભુત સીસાઈડ એમ્ફિ થિયેટર વગેરે વગરે ઉપરાંત એક કેરેક્ટર છે, એક પર્સનાલિટી છે જે તેના પોર્ટુગીઝ વારસાને કારણે ઊભરે છે. ભારતની ધરતી પર ૧૪૯૮મા સૌથી પહેલી વાર પગ મૂકનારો સૌથી પહેલો પોર્ટુગીઝ વાસ્કો દ’ ગામા હતો. મરીમસાલા અને સિલ્ક જેવી ચીજવસ્તુઓની આરબ તેમ જ યુરોપિયન દેશોમાં નિકાસ કરવા માટે દીવ અત્યંત મહત્ત્વું કેન્દ્ર હતું. પોર્ટુગીઝ લોકોની ચંચુપતાને કારણે આ વિતરણ અને વ્યાપાર વ્યવસ્થામાં ખલેલ પડી. સંઘર્ષ વધ્યો અને ૧૫૦૯માં દીવમાં યુદ્ધ ખેલાયું. એક તરફ હતા પોર્ટુગીઝો અને સામે હતા ગુજરાતના તત્કાલીન સુલતાન મહંમદ બેગડા, તેમ જ આરબ અને વેનિસના લડવૈયાઓ. આ યુદ્ધમાં પોર્ટુગીઝો જીત્યા. તેઓ ભારતીય મહાસાગરના ગોવા અને સિલોન જેવાં ચાવીરૂપ સ્થળો ઝડપતા ગયા. ૧૫૩૫માં ગુજરાતના સુલતાન બહાદુર શાહે મોગલ સમ્રાટ હુમાયુનો પ્રતિકાર કરવા પોર્ટુગીઝો સાથે યુતિ કરી. દીવના રક્ષણ માટે લશ્કર તહેનાત રહે તે માટે સુલતાને પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બનાવવાની પરવાનગી પણ આપી (આ કિલ્લો આજેય દીવમાં ઊભો છે). યુતિ જોકે પડી ભાંગી. દીવમાં અડિંગો જમાવીને બેસી ગયેલા પોર્ટુગીઝોને ખદેડવા સુલતાને ૧૫૩૭થી ૧૫૪૬ દરમિયાન ઘણી કોશિશો કરી, જે નિષ્ફળ રહી. ૧૫૩૮માં તુર્કોએ પોર્ટુગીઝોને દીવમાંથી ભગાડવા આક્રમણ કર્યુ. તેઓ પણ સફળ ન થયા અને પોર્ટુગીઝોનું વર્ચસ્વ અકબંધ રહ્યંું. આખરે ભારત આઝાદ થયા પછી છેક ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ ઈન્ડિયન મિલિટરીએ દીવ, દમણ અને ગોવાને પોર્ટુગીઝ સત્તામાંથી મુક્ત કર્યું.




Fort of Diu built in 16th centruary

બોમ્બે સ્ટેટનું વિભાજન થઈને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ તે વાતને હજુ માંડ સાત મહિના અને અઢાર દિવસ થયા હતા. તે તારીખ હતી ૧ મે, ૧૯૬૦. ભૌગોલિક નિકટતાના આધારે મુક્ત થયેલાં દીવદમણને તરત ગુજરાતમાં અને ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવી દેવામાં ન આવ્યાં, બલકે ભારત સરકારે એક વાત સ્પષ્ટ કરી કે દીવ-દમણ-ગોવાને વારસામાં મળલું પોર્ટુગીઝ કલ્ચર જાળવી રાખવાના તમામ પ્રયત્ન કરવામાં આવશે. ૧૯૬૩માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એક જાહેર સભામાં એલાન કર્યું કે દસ વર્ષ સુધી દીવ-દમણ-ગોવા કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે અને તે પછી સ્થાનિક લોકો જ નક્કી કરશે કે દીવ-દમણને ગુજરાતમાં અને ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવવું (મર્જર કરવું) કે નહીં.

આ જ વર્ષે ગોવામાં પહેલી સ્થાનિક ચૂંટણી યોજાઈ. મહારાષ્ટ્ર ગોમંતક પક્ષ (એમજીપી)ના નેતા દયાનંદ બંદોડકર ગોવાના સર્વપ્રથમ ચીફ મિનિસ્ટર બન્યા. અધીરો એમજીપી દસ વર્ષ રાહ જોવા તૈયાર નહોતો. એ તો ગોવાને બને એટલું જલદી મહારાષ્ટ્રમાં ભેળવી દેવા માગતો હતો. તેની સામે યુનાઈટેડ ગોવન્સ પાર્ટી (યુજીપી) ગોવાનું અલગ સ્ટેટસ જાળવી રાખવાની ડિમાન્ડ કરી રહી હતી. ૧૯૬૬માં ઇંદિરા ગાંધી ભારતનાં વડા પ્રધાન બન્યાં. તેમણે ૧૬ જાન્યુઆરી, ૧૯૬૭ના રોજ દીવ-દમણ-ગોવામાં ભારતનો સૌપ્રથમ ઓપિનિયન પોલ યોજ્યો. કોઈ સ્થાનિક કે રાષ્ટ્રીય રાજકીય પક્ષ આ પોલ સાથે સંકળાયેલો નહોતો. ઈલેકશન કમિશને બે પ્રતીકો તૈયાર કર્યાં, જે લોકો મર્જર ઈચ્છતા હોય તેમણે ‘ફૂલ’ પર ચોકડી મારવાની અને જે લોકો દીવ-દમણ-ગોવાને અલગ રહેવા દેેવા માગતા હોય તેમણે ‘બે પાંદડી’ પર ચોકડી મારવાની. આ ઓપિનિયન પોલે ભારે ઉત્તેજના જગાવી. ભારતના જ નહીં, વિદેશના મીડિયાએ પણ ગોવામાં ધામા નાખ્યા. ૮૨ ટકા મતદારોએ વોટિંગ કર્યું. પરિણામ ઘોષિત થયું. ૫૪. ૨૦ ટકા મત ‘બે પાંદડી’ને મળ્યા. ‘ફૂલ’ના ભાગે ૪૩.૫૦ ટકા મત આવ્યા. નિર્ણય લેવાઈ ગયોઃ દીવ-દમણ-ગોવાને કેન્દ્રશાષિત પ્રદેશ તરીકે ચાલુ રહેશે. બે દાયકા પછી આ કેન્દ્રશાસિત પ્રદેશનું વિભાજન થયું. ૩૦ મે, ૧૯૮૭ના રોજ ગોવા દેશનું પચ્ચીસમા ક્રમનું અને સૌથી નાનું રાજ્ય બન્યું, જ્યારે દીવ અને દમણ યુનિયન ટેરિટરી તરીકે કન્ટિન્યુ થયાં.

પોર્ટુગીઝ લોકોની વાત નીકળી જ છે તો ભેગાભેગી મકાઉની વાત પણ કરી લઈએ. દીવ-દમણ-ગોવાની જેમ પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ મકાઉ પર પણ પોર્ટુગલનું રાજ હતું. ૪૪૨ વર્ષ પછી પોર્ટુગલે છેક ૧૯૯૯માં મકાઉ ચીનને સોંપ્યું. ચીનમાં પણ ભારત જેવું જ થયું. હોંગકોંગની જેમ મકાઉને પણ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજન (એસઆરએ)નો દરજ્જો આપવામાં આવ્યો. ચીન અને પોર્ટુગલ વચ્ચે થયેલા કરાર મુજબ વિદેશી તેમ જ લશ્કરી બાબતોને બાદ કરતાં મકાઉને ઊચ્ચ દરજ્જાની સ્વાયત્તતા આપવામાં આવી છે. મકાઉના અલાયદા કાયદાકાનૂન છે. આ સ્થિતિ ૨૦૪૯ સુધી યથાવત્ રહેશે. મતલબ કે પચાસ વર્ષ પછી મકાઉને ચીનમાં ભેળવવાના રસ્તા ખુલ્લા થઈ શકશે.

ચીમનભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે દીવદમણને ગુજરાતમાં ભેળવવા વિશે અછડતાં ઉચ્ચારણો કરેલાં. અલબત્ત, દીવ-દમણે ગુજરાતમાં ભળવું કે નહીં તે નક્કી કરવાનો નિર્ણય સ્થાનિક પ્રજા પાસે રહે છે, જો પરંપરાને અનુસરવામાં આવે તો. દારૂબંધી એક એવી ચીજ છે જે દીવ-દમણ અને ગુજરાત વચ્ચે મજબૂત સૈદ્ધાંતિક દીવાલ ખડી કરી દે છે. ધારો કે દીવ-દમણ ગુજરાતમાં સામેલ થાય તો ત્યાં પણ દારૂબંધી દાખલ કરી દેવી? કે પછી, બણેને વિશેષ દરજ્જો આપીને શરાબની સરવાણી જેમ વહે છે તેમ વહેવા દેવી? દીવ જેવા પ્રવાસન પર નભતાં પર નગરમાં દારૂબંધી દાખલ કરવી બેવકૂફી ગણાય.

ખેર, આ તો ‘જો’ અને ‘તો’ની વાતો થઈ. હકીકત એ છે કે ગુજરાત ટુરિઝમની વાત આવે ત્યારે દીવ ઓફિશિયલી બાકાત થઈ જાય છે અને એક અફલાતૂન આકર્ષણ દાબડામાં બંધ થઈ જાય છે. આશ્ચર્ય એ છે કે ગુજરાતની ડાહી જનતાને પણ દીવનું આકર્ષણ નથી. જ્યાં સુધી દીવની શરાબી ઈમેજનું મેકઓવર નહીં થાય ત્યાં સુધી સ્થિતિ ઘણું કરીને આમની આમ રહેવાની!

000

Friday, November 12, 2010

રિવ્યુઃ અ ફ્લૅટ

મિડ-ડે તા. ૧૩ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

હોરર નહીં, હોરિબલ

આ ફિલ્મ માટે એક જ શબ્દ વાપરી શકાય -રેઢિયાળ. જો ડરવાનું બહુ મન થયું હોય તો ‘બિગ બોસ’માં ડોલી બિન્દ્રાને જોઈ લેજો. ‘અ ફલૅટ’ કરતાં તે સો ગણી વધારે ડરામણી છે.

રેટિંગ ઃ એક સ્ટાર





હિન્દી ફિલ્મોવાળા બડા ચાલાક છે. તેઓ હોલીવૂડમાંથી જાતજાતની ઉઠાંતરીઓ કરશે, પણ તાત્કાલિક ઉઠાવી લેવા જેવો એક આઈડિયા ધરાર નહીં ઉઠાવે. તે છે, રૅઝી અવોર્ડ્ઝનો આઈડિયા. હોલીવૂડમાં વર્ષની સૌથી ખરાબ ફિલ્મો અને પર્ફોર્મન્સીસ માટે રૅઝી અવોર્ડ્ઝ ઘોષિત થાય છે. આપણાવાળા આવું કેમ કશું કરતા નથી? ધારો કે આપણે ત્યાં આવું કશુંક શરૂ થાય તો લગભગ તમામ કેટેગરીમાં હકથી નોમિનેશન મેળવી શકે તેવી એક ભવ્ય ફિલ્મ ગઈ કાલે સ્ક્રીન પર ત્રાટકી ચૂકી છે ‘અ ફ્લૅટ’.



હોરર એ સિનેમાનો એક રોમાંચક પ્રકાર છે. આપણને મજા આવતી હોય છે ઓડિટોરિયમના અંધરકારમાં ધડકી ઉઠવાની, કાન પર હાથ દાબી દઈને ફાટી આંખે સ્ક્રીનને જોયા કરવાની. પણ હોરર ફિલ્મનું મેકિંગ જો નબળા હાથમાં ગયું તો એને હોરિબલ બનતાં વાર નથી લાગતી. ‘અ ફ્લેટ’ આવી જે એક હોરિબલ હોરર ફિલ્મ છે.



બુઢી કે બાલ



મમ્મીપપ્પા સાથે રહેતા વાંઢા જિમી શેરગિલે ધરાર એક અલાયદો ફ્લેટ લીધો છે. અહીં તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કાવેરી ઝા સાથે જલસા કરે છે અને બણે પપ્પાઓને ટેન્શન આપતો રહે છે. એક વાર ગર્લફ્રેન્ડને મનાવવા એ ખાસ અમેરિકાથી મુંબઈ લાંબો થાય છે. એરપોર્ટ પર લૅન્ડ કરે તે પહેલાં જ એના પેલા ખાલી ફ્લૅટમાં એના પપ્પા (સચિન ખેડેકર)ની રહસ્યમય સંજોગોમાં ભયાનક રીતે હત્યા થઈ જાય છે. પોલીસને સબૂતના નામે ઘટનાસ્થળેથી કોઈ વૃદ્ધ સ્ત્રીના કાબરચીતરા લાંબા વાળ જ મળ્યા છે. પપ્પાને લાકડાભેગા કરીને જિમીભાઈ ફ્લેટમાં આંટો મારવા જાય છે અને તેને જાતજાતના ભૂતિયા અનુભવો થાય છે. ડોબા પોલીસોને ન મળી એવી એક ચાવીરૂપ ચીજ તેને જડી જાય છે અને તે સાથે જ પિતાશ્રીના મૃત્યુનું અને બીજી કેટલીય વાતોના રાઝ પરથી પડદો ઉઠે છે.



વાહિયાત



હેમંત મધુકર નામના મહાશયે લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ખરેખર ફ્લૅટ (એટલે કે સપાટ) છે. અહીં હરામ બરાબર તમને પણ વાર ભૂલેચુકે ય ભયનું લખલખું આવતું હોય તો. ઓરિજિનાલિટીના નામે આ ફિલ્મમાં મોટું મીંડું છે. મુંબઈના ધમધમતા વિસ્તારના એક જ ફ્લેટમાં આકાર લેતી સરસ હોરર ફિલ્મો આપણે જોઈ ચુક્યા છીએ. ઉદાહરણ તરીકે, રામગોપાલ વર્માની ‘ભૂત’. ‘૧૩બી’ નામની માધવનવાળી ફિલ્મ પણ ઠીકઠાક હતી. હેમંતભાઈએ પોતાની ફિલ્મ માટે ‘ભૂત’માં બતાવી છે અદ્દલ એવી જ બિલ્ડિંગ શોધી કાઢી છે. કેટલાય શોટ્સ પણ ‘ભૂત’ જેવા જ છે. જેમ કે, ઉપરનીચે આવજા કર્યા કરતી લિફ્ટ, વોચમેનની ખાલી ખુરસી, ધડાધડ દાદરા ઉતરતો હીરો, વગેરે.



‘અ ફ્લૅટ’ની વાર્તાગૂંથણી અને જે અણધડ રીતે વચ્ચે વચ્ચે ફ્લેશબેક મૂકાયા છે તે ત્રાસજનક છે. અચાનક બાથરૂમના નળમાં પાણી આવવા લાગે, શાવર ઓન થઈ જાય અને હીરો છળી ઉઠે. ભયની આ લાગણી ઘૂંટવાને બદલે ડિરેક્ટર ધડ દઈને આ જ વખતે કોઈ ભળતો જ ફ્લેશબેક ઓડિયન્સના માથા પર મારે જિમીનો દોસ્ત સંજય સૂરિ સ્વિમિંગ પુલમાં છબછબિયા કરી રહ્યો હોય કે એવું કંઈક. ફ્લેશબેક પૂરો થયા પછી મૂળ વાત સાથે કશું જ સંધાન નહીં. ઈન્ટરવલ પછી તો હદ થાય છે. ધારો કે પોપર્કોનપેપ્સી લેવામાં વાર લાગી અને સેકન્ડ હાફ શરૂ થઈ ગયો તો સીટ પર બેઠા પછી તમને પ્રશ્ન થશે કે હું ભુલથી સ્કીન-વનને બદલે સ્ક્રીન-ટુમાં તો ઘુસી નથી ગયોને? વાર્તાનો પ્રવાહ અને માહોલ અધવચ્ચેથી જુદી જ દિશામાં ફંટાઈ જાય છે. નવાં કિરદારો ઈન્ટ્રોડ્યુસ થાય છે, જૂનાં ગાયબ થઈ જાય છે અને ફિલ્મ જમાવટ કરવાને બદલે ઓર કંટાળજનક બની જાય છે. સસ્પેન્સમાં કે સ્ક્રીન પર શું ચાલે છે તે જોવામાં તમને કશો રસ રહેતો નથી. તમે એયને એસએમએસ જોક્સ દોસ્તોને ફોરવર્ડ કરવામાં બિઝી થઈ જાઓ છો.



જિમી શેરગિલ સારો એક્ટર છે, પણ બાપડાની કરિયર ટોપ ગિયરમાં ન આવી તે ન જ આવી. સંજય સૂરિના કેસમાં પણ લગભગ એવું જ. કન્યારત્નો કાવેરી અને હેઝલ એટલી નબળી છે કે તેમના વિશે ચુપ રહેવામાં જ ભલીવાર છે. વાર્તાનો પ્રવાહ, પાત્રાલેખન અને અભિનયની કંગાલિયત જાણે ઓછી હોય તેમ ડિરેક્ટરસાહેબ આપણા પર ભપ્પી લહેરીએ કંપોઝ કરેલાં બંડલ ગીતો વચ્ચેવચ્ચે ફટકારતા જાય છે. ફિલ્મ પૂરી થતાં જ તમે દૂમ દબાવીને દોટ મૂકો છો અને ફ્લેટના, સોરી, મલ્ટિપ્લેક્સનાં પગથિયાં ઉતરી જાઓ છો.



સો વાતની એક વાત. તમે બહુ ઉદાર પ્રેક્ષક હો તો પણ ‘અ ફ્લૅટ’માં એન્ટર થવાનું ન વિચારશો. અને જો ડરવાનું બહુ મન થયું હોય તો ‘બિગ બોસ’માં ડોલી બિન્દ્રાને જોઈ લેજો. ‘અ ફ્લૅટ’ કરતાં તે હજાર ગણી વધારે ડરામણી છે.



૦૦૦

પોતપોતાનો એવરેસ્ટ

ચિત્રલેખા ૨૨ નવેમ્બર ૨૦૧૧માં પ્રકાશિત




પોતપોતાનો એવરેસ્ટ

સ્લગઃ વાંચવા જેવું

----------------------------------------------------------------



જિંદગીનું ચુમાલીસમું વર્ષ આમ તો ફાંદાળા સદ્ગૃહસ્થો માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશેની વિચારણા શરૂ કરવાનું યા તો સંભવિત મેલ મેનોપોઝ વિશે ઓફિશિયલી ચિંતા કરી શકવાનું વર્ષ ગણાય. પણ અતુલ કરવલની ચિંતાઓ જરા જુદા પ્રકારની હતી. જેમ કે, ઓક્સિજનનું વધારાનું સિલિન્ડર ખતમ થઈ ગયું તો ૨૪,૦૦૦ હજાર ફીટથી વધારે ઉચાઈ પર કેવી રીતે પહોંચવું? અથવા તો, લગભગ આટલી જ ઉચાઈએ ભયંકર જોખમી ઢોળાવ પર દોરડાની મદદથી માંડમાંડ લટકતા રહીને એમ વિચારવું કે મને જીવનમરણ વચ્ચે ઝુલતો અટકાવી શકે એવો કોઈ માઈનો લાલ દેખા દેશે ખરો?



માણસ જ્યારે એવરેસ્ટનું શિખર સર કરવા નીકળ્યો હોય ત્યારે તેની ચિંતાઓ આ જ પ્રકારની હોવાની ને!



અલબત્ત, ‘થિન્ક એવરેસ્ટ’ પુસ્તકમાં અતુલ કરવલના આ ટેન્શન વિશે વાંચતી વખતે તમે સુપર એક્સાઈટેડ હશો, કારણ કે તમે એ જ પાના પર વાંચો છો કે કોઈ બીજી ટીમનો અજાણ્યો શેરપા ચમત્કારિક રીતે પોતાનું વધારાનું ઓક્સિજન સિલિન્ડર તેમને આપી દે છે અને પેલા ઢોળાવ પર થોડી જ મિનિટોમાં સાથી શેરપા આવીને તેમની મદદ કરે છે. પુસ્તકનાં પાનાં પર લેખક જેમ જેમ એવરેસ્ટના શિખરની નજીક પહોંચતા જાય છે તેમ તેમ ઉત્તેજનાના માર્યા તમારો શ્વાસ અધ્ધર થતો જાય છે અને જેવા એ પોતાની રકસેકમાંથી તિરંગો કાઢીને લહેરાવે છે કે તમને છળીને સીટી મારવાનું મન થાય છે. દુનિયાના સર્વોચ્ચ પર્વતારોહણ વિશેના ઉત્કૃષ્ટ લખાણનો આ જાદુ છે!




Atul Karwal : તમે કેટલા ઝડપથી ચાલો છે એ અગત્યનું નથી, તમે કેટલે દૂર સુધી પહોંચી શકો છો એ મહત્ત્વનું છે...
 અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક)ના પદ પરથી ૨૨ મે ૨૦૦૮ના રોજ એવરેસ્ટ પર સફળ આરોહણ કરનાર અતુલ કરવલ ગુજરાતના અને સમગ્ર ઓલ ઈન્ડિયા સવિર્સીઝના સૌપ્રથમ સાહસિક છે. પ્રસ્તુત પુસ્તકમાં આ સાહસકથા તેમણે પોતાનાં પત્ની અનિતા કરવલની મદદથી અત્યંત રસપ્રદ રીતે આલેખી છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં પર્વતારોહણની દિલધડક કેફિયત ઉપરાંત તેમની આધ્યાત્મિક અંતર્યાત્રાનો આલેખ પણ છે. તસવીરો બ્લેક-એન્ડ-વ્હાઈટ હોવા છતાં પુસ્તકને જીવંત બનાવી દે છે. વાતનો પ્રવાહ એક કરતાં વધારે સ્તરો પર સતત ફ્લેશબેક - ફ્લેશ ફોરવર્ડ થયા કરે છે. લેખકે મનની શક્તિઓને વિસ્તારવાની, તેને અતિક્રમી જવાની વાત એટલી આસરકારક રીતે કરી છે કે વાચકને પાનો ચડી જાય. તેઓ લખે છે, ‘પર્વતારોહણ સમયે પણ જિંદગીમાં ઉતારવા જેવા સાદાસીધા અને સૌથી અગત્યના પુરવાર થતા પાઠ કેટલી સરળતાથી ભણવા મળે છેઃ ઝડપ તમને શિખર સુધી લઈ જતી નથી, એના માટે ખંત જોઈએ, દઢ નિર્ધાર જોઈએ, સતત આગળ વધતા રહેવાની મક્કમતા જોઈએ. કહેવાય છે ને કે તમે કેટલા ઝડપથી ચાલો છે એ અગત્યનું નથી, તમે કેટલે દૂર સુધી પહોંચી શકો છો એ મહત્ત્વનું છે...’



માણસ તીવ્રતાથી જે ઈચ્છતો હોય છે તે આખરે થઈને રહેતું જ હોય છે. ચંદીગઢમાં ઉછરેલા અને ફિઝિકલ ફિટનેસના દીવાના અતુલ કરવલનું પર્વતો પ્રત્યેનું તીવ્ર પેશન આખરે તેમને એવરેસ્ટના શિખર સુધી દોરી ગયું. લેખક માહિતી આપે છે કે વિશ્વમાં ૮,૦૦૦ મીટર (અથવા ૨૬,૦૦૦ ફૂટ) કરતાં ચા ૧૪ પર્વતો છે, જે તમામ હિમાલયમાં સ્થિત છે. બોલચાલની ભાષામાં તે ‘આઠ હજારી’ તરીકે ઓળખાય છે. તેમાંથી સૌથી જોખમી અણપૂર્ણા છે. તેનું આરોહણ કરનારાઓમાંથી ત્રીજા ભાગના પર્વતારોહકો પાછા ફરતા નથી. તે પછી કંચનજંગા અને કે-ટુનો વારો આવે. બણેનો મૃત્યુદર ૨૦ ટકાથી પણ વધુ. એવરેસ્ટનો મૃત્યુદર ૮થી ૯ ટકા જેટલો છે.




Atul Karwal: તમે પર્વત નથી ચડતા, પર્વત તમને ચડવા દે છે. એ નક્કી કરે છે કે તમે શિખર સુધી પહોંચશો કે નહીં
 લેખક લખે છેઃ ‘હું શીખ્યો કે કુદરતની અસીમ તાકાતનો ભય મનમાંથી કાઢી નાખવો હોય તો કુદરતનો ભરપૂર આદર કરતાં શીખી જવું જોઈએ... કુદરતનું પણ માનવસંબંધો જેવું જ છે. જો તમે કુદરતને ચાહશો, એનું માન જાળવશો તો એના પડઘારૂપે પોઝિટિવ આંદોલનો તમારા સુધી પહોંચવાના જ છે.... શેરપાઓ અને મહારથી ગણાતા ભલભલા પર્વતારોહકો પણ કંઈક આવું જ માનતા હોય છે કે તમે પર્વત નથી ચડતા, પર્વત તમને ચડવા દે છે. એ નક્કી કરે છે કે તમે શિખર સુધી પહોંચશો કે નહીં.’



પુસ્તકમાં માત્ર શ્વાસ અધ્ધર કરી દે તેવાં વર્ણનો જ નથી, ખડખડાટ હસી પડાય તેવી વાતો પણ છે. જેમ કે, હિમાલયની વિષમ પરિસ્થિતિમાં લઘુ અને ગુરૂશંકાના નિવારણ વિશેની વિગતો. ૧૭,૫૦૦ ફીટની ઉચાઈ પર ટોયલેટ માટેના તંબૂમાં સરકસના ખેલાડીઓની જેમ સંતુલન જાળવીને પીપડા પર બેસી પ્રાતઃક્રિયા પતાવતી વખતે ધ્યાન રાખવાનું કે પેશાબ પીપડાની બહાર પડે. પીપડું ભરાઈ જાય ત્યારે એને સીલબંધ પેક કરીને કાઠમંડુ પાછું મોકલી દેવાનું! આ પ્રકારની પરેશાનીઓનો અનુભવ એવરેસ્ટ આરોહણ માટેની કસોટીઓ અને તાલીમ દરમિયાન જ મળી ગયો હતો. સિક્કિમના એડવાન્સ બેઝ કેમ્પમાં એક વખત લેખકે ટ્રેનરને પૂછેલુંઃ અરે, અહીં તો ક્યાંય ખાલી જગ્યા દેખાતી નથી. સવારે ટોયલેટ જવા માટે કઈ તરફ જવાનું? જવાબ મળ્યોઃ ‘સર, ઉપર જવાનું, ઝાડ પર... કોઈ મજબૂત ડાળી જોઈને બેસી જવાનું અને કામ પતી જાય એટલે સાચવીને નીચે તરી જવાનું!’



આંશિક રીતે રોજનીશીના સ્વરૂપમાં લખાયેલા આ પુસ્તકમાં લેખકનું સંવેદનશીલ આંતરિક વ્યક્તિત્વ અને એનર્જેટિક બાહ્ય પર્સનાલિટી જ નહીં, બલકે તેમનો પારિવારિક માહોલ અને જીવનશૈલી પણ આકર્ષક રીતે પસતાં જાય છે. તેને લીધે પુસ્તક ઓર ભરેલુંભરેલું બન્યું છે. પુસ્તકનું ફલક એટલું વિશાળ છે કે તે માત્ર ટ્રેકિંગ કરવાના શોખીનોને જ નહીં, પણ સૌ કોઈને સ્પર્શી જશે. લેખક કહે છે, ‘એક પાઠ જે હું વારંવાર શીખતો રહ્યો છું તે એ કે મનની કોઈ સીમાઓ હોતી નથી, માત્ર મર્યાદાઓ હોય છે... મને લાગે છે કે દરેક વ્યક્તિ પાસે જિંદગીમાં પોતપોતાનો એક ‘એવરેસ્ટ’ હોવો જોઈએ, જેથી આપણે માની લીધેલી મર્યાદાઓમાંથી બહાર આવીએ, સરહદો તોડીને અને આપણે જે બનવું જોઈએ કે જે બનવું છે તે બનીએ.’



પુસ્તકનો અનુવાદ નહીં પણ અનુસર્જન (ટ્રાન્સક્રિયેશન) કેવી રીતે થવું જોઈએ તેનું ‘થિન્ક એવરેસ્ટ’ ઉત્તમ ઉદાહરણ છે. ઓરિજિનલને બદલે અનૂદિત પુસ્તક વાંચવાની ભલામણ કરવાનું મન થાય તેવાં સત્ત્વશીલ પુસ્તકો રોજ રોજ ક્યાં પ્રકાશિત થાય છે! સૌરભ શાહે પુસ્તકના ગુજરાતી અવતારને પોતાની શૈલીથી વધારે સમૃદ્ધ બનાવ્યો છે. તેમણે પુસ્તકમાં જેમનાં સતત ઉલ્લેખો થતા રહે છે તે ક્રેમ્પોન અને કેરબીનર જેવી પર્વતારોહણ માટે જરૂરી સામગ્રીને લગતી સચિત્ર સમજૂતી સમાવી લીધી છે (જે પુસ્તકની શરૂઆતમાં જ આવી ગઈ હોત તો વધારે સારું થાત), સરસ મજાની ફોટો કેપ્શન્સ આપી છે અને એક વધારાનું પ્રકરણ પણ ઉમેર્યું છે. ‘થિન્ક એવરેસ્ટ’ માટે આ ત્રણ જ શબ્દો કાફી છેઃ અ મસ્ટ રીડ!

Watch Atul Karwal Interview. Click on http://www.youtube.com/watch?v=MMR5nrjz-Ak
Watch a film on Atul Karwal. Click on http://www.youtube.com/watch?v=Itz6n82mqtE




(થિન્ક એવરેસ્ટ

લેખકોઃ અતુલ કરવલ - અનીતા કરવલ

અનુવાદકઃ સૌરભ શાહ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર,

દેરાસર પાસે, ગાંધી માર્ગ,

અમદાવાદ ૩૮૦૦૦૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩

કિંમતઃ રૂ. ૨૭૫/

પૃષ્ઠ સંખ્યાઃ ૩૨૦ )

Sunday, November 7, 2010

રિવ્યુ ઃ ‘ગોલમાલ - થ્રી’

મિડ-ડે, તા. ૬ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત




 હા હા હી હી ને દેકારો



આ ફિલ્મ ‘ગોલમાલ’ બ્રૅન્ડને અલગ લેવલ પર લઈ જવામાં નિષ્ફળ જાય છે. જોકે એની લાઉડ અને સ્લૅપસ્ટિક કૉમેડી સમગ્રપણે નહીં, પણ ટુકડાઓમાં હસાવવામાં કામિયાબ થાય છે.



રેટિંગ ઃ બે સ્ટાર





કાળા વાળની ઘેઘૂર વિગ તેમ જ ભડકીલાં ગોલ્ડન કપડાં ધારણ કરીને ડાન્સ ફ્લોર પર સિત્તેરની ડિગ્રીએ ત્રાંસા ભા રહીને મિથુન ચક્રવર્તી તેમની કરીઅરનું સુપરહિટ ગીત લલકારે છે ઃ આઇ એમ અ ડિસ્કો ડાન્સર... ના, આ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ ટીવી-શોની કોડાક મોમેન્ટ નથી, બલકે ‘ગોલમાલથ્રી’નું એક દ્રશ્ય છે. પેલા ડાન્સ રિયલિટી શોને કારણે મિથુનની કારકિર્દીને જીવતદાન મળ્યું છે અને આ ઉંમરેય તેમને આઇટમબૉય બનવાનાં અસાઇનમેન્ટ મળે છે. અરે, ‘ગોલમાલ થ્રી’માં તો મિથુનને લવરબૉય સુધ્ધાં બનવાનો મોકો મળ્યો છે. આધેડ પ્રેમિકા રત્ના પાઠકશાહના ટકલુ પિતાજી પ્રેમ ચોપડા સામે મિથુન સ્પૂફના અંદાજમાં ડાયલૉગ ફેંકે છે ઃ શીશોં કે ઘરોં મેં રહનેવાલે બેઝમેન્ટ મેં કપડેં બદલતે હૈં! તાલિયાં.

રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ તેમ જ ‘ગોલમાલ રિટર્ન્સ’ તમે એન્જાૅય કરી હશે અને મિથુનનાં આવાં ટાયલાંમાં તમને મજા આવતી હશે તો ‘ગોલમલ- થ્રી’માં દુઃખી તો નહીં જ થાઓ. જોકે આગલા બે પાર્ટ્સ સાથે આની સરખામણી કરશો તો નિરાશ જરૂર થશો.



પાંચ પાંડવોની પારાયણ

રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ એક હિટ બ્રૅન્ડ છે અને લાઉડ કૉમેડીના નામે એમાં કંઈ પણ ચાલે છે. આગલી બે ફિલ્મોમાંથી અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર અને શ્રેયસ તલપડે અહીં કૅરી ફૉર્વર્ડ થયા છે અને લટકામાં કુણાલ ખેમુ ઉમેરાયો છે. આ પાંચ પાંડવોની સામે (કોડવર્ડમાં) બે કટકા ગાળો બોલતી કરીના કપૂર છે. કરીના વાસ્તવમાં ફેવિકૉલની જેમ જુદાંજુદાં કિરદારોને જોડવાનું કામ કરે છે. ગોવાના બહુ જ ઓછા વપરાયેલા લોકાલમાં અજય-શ્રેયસ સામે અર્શદ-તુષાર-કુણાલ બાખડ્યા કરે છે. આ અનાથોને પાળીપોષીને મોટા કરનાર અનુક્રમે રત્ના શાહ અને મિથુન ચક્રવર્તી પુરાણા પ્રેમીઓ છે. કરીના આ સૌને વારાફરથી મિલાવે છે. આખરે કાજુ ખાઈને ફેણી પીને સૌ મજા કરે છે. વાત પૂરી.



ખોવાઈ છે ઃ ક્લાઇમૅક્સ

‘ગોલમાલ-થ્રી’ જામે છે, પણ માત્ર ટુકડાઓમાં, સમગ્રપણે નહીં. આ એક સ્લૅપસ્ટિક, અતિ લાઉડ અને બ્રેઇનડેડ કૉમેડી છે. અહીં ચબરાકિયા સંવાદો છે, એસએમએસ જોક્સ પ્રકારની વનલાઇનર્સ છે, સ્લો મોશનમાં થતી મારામારી છે અને નબળાં ગીતો છે. રોહિત શેટ્ટી ડબલ ઢોલકી ઇન્સાન છે. ‘કૉમેડી સરકસ’ ટીવી-શોના જજ બને ત્યારે તેઓ સ્પર્ધકો પાસેથી શુદ્ધ કૉમેડીની અપેક્ષા રાખે છે અને અશ્લીલતા પીરસતા સ્પર્ધકોને એલિમિનેટ કરી નાખે છે, પણ ‘ગોલમાલ-થ્રી’માં તેમણે ખુદ વલ્ગર ચેનચાળા અને ગાળોના સૂચિતાર્થોનો વરસાદ વરસાવ્યો છે.

અર્શદ વારસી અને તુષાર કપૂર આ વખતે પણ હંમેશની જેમ સૌથી વધારે લાફ્ટર પેદા કરે છે. તુષારને બોબડાનું કિરદાર ખૂબ માફક આવી ગયું છે. કરીના (સાઇઝ ઝીરો, સ્ટાઇલ હીરો)ના ભાગે સારુંએવું કામ આવ્યું છે. સડકછાપ ટૉમબૉય તરીકે તે ખીલી છે. કોઈ આંગળી બતાવે તો હિંસક બની જતો અજય દેવગન આ ફિલ્મનો ઑફિશ્યલ હીરો છે. કુણાલ ખેમુ આટલી ભીડ વચ્ચે પણ ધ્યાન ખેંચી શક્યો છે, પણ શ્રેયસ બાપડો ખોવાઈ ગયો છે.

ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એની સ્ટોરીલાઇન છે. એક હાઈ-પૉઇન્ટ પર ઇન્ટરવલ પડે છે, પણ સેકન્ડ હાફ નબળો પડી જાય છે. ‘ગજની’છાપ જાૅની લીવરનો ચોરીના હારવાળો ટ્રૅક ઉભડક અને સગવડિયો છે. ફિલ્મનો અંત તદ્દન ફિસ્સો અને પંચ વગરનો છે. ડિરેક્ટર જાણે કે ક્લાઇમૅક્સ નાખતાં જ ભૂલી ગયા છે. ફિલ્મમાંથી લો-બજેટ જોણાની વાસ આવ્યા કરે છે. સાંજનાં દ્રશ્યો આશ્ચર્ય થાય એટલી કંગાળ રીતે શૂટ કરવામાં આવ્યાં છે.

પાર્ટ થ્રી ‘ગોલમાલ’ બ્રૅન્ડને નવી ઉચાઈ પર લઈ જવામાં નિષ્ફળ જાય છે, પણ જો દિવાળીના માહોલમાં તમારે ટેન્શન-ફ્રી થઈને માત્ર હા હા હી હી કરવાની હોય તો આ ફિલ્મ જોઈ નાખવામાં વાંધો નથી.

000