Showing posts with label Akshay Kumar. Show all posts
Showing posts with label Akshay Kumar. Show all posts

Sunday, August 30, 2015

મલ્ટિપ્લેક્સ : ટ્વિન્ક્લનાં પુસ્તકમાં શું છે?

Sandesh - Sanskar purti - 30 Aug 2015

મલ્ટિપ્લેક્સ 

કોણે કલ્પ્યું હતું કે હિરોઈન તરીકે સુપર ફલોપ ગયેલી ટ્વિન્કલ ખન્ના વર્ષો પછી એકાએક લેખિકા તરીકે ઊભરશે? તાજેતરમાં અેનું હેલું પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' પ્રકાશિત થયું. ટ્વિંન્કલની હિટ વીક્લી કોલમના ચુનંદા લેખોનું આ સંકલન છે. એનાં લખાણમાં ભારોભાર રમૂજ, તીખાં નિરીક્ષણો, હકીકત અને કલ્પનાનું ઇન્ટરેસ્ટિંગ કોકેટલ અને પોતાની જાતને સાવ હળવાશથી લેવાનો એટિટયૂડ છે,  પુસ્તકની એક ઝલક પ્રસ્તુત છે... 




કોણે કલ્પ્યું હતું કે ત્રણેય ખાન સાથે કામ કર્યું હોવા છતાં ફિલ્મલાઇનમાં જરાય ન ચાલેલી ટ્વિન્કલ ખન્ના વર્ષો પછી એકાએક લેખિકા તરીકે ઊભરશે? સૌને થતું કે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા જેવાં ધરખમ મા-બાપની દીકરી સાવ આવી પ્રતિભાવિહોણી? કેન્ડલના અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગના છોટા-મોટા બિઝનેસમાં શું વળે? પણ એકાએક એક રાષ્ટ્રીય અંગ્રેજી અખબારમાં એની કોલમ શરૂ થાય છે. ભારોભાર રમૂજ, તીખાં નિરીક્ષણો, હકીકત અને કલ્પનાનું ઇન્ટરેસ્ટિંગ કોકેટલ અને પોતાની જાતને સાવ હળવાશથી લેવાનો એટિટયૂડ ધરાવતી આ કોલમ ઇન્સ્ટન્ટ હિટ થઈ ગઈ. વાંકદેખાઓ કહેતા રહ્યા કે ટ્વિન્કલને આવું લખતા આવડે જ નહીં, નક્કી કોઈક એને લખી આપતું હશે! ખેર, તાજેતરમાં અક્ષયકુમારનાં આ શ્રીમતીજીનું પહેલું પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' પ્રકાશિત થયું. ડાયરી ફોર્મેટમાં લખાતી એની કોલમના ચુનંદા લેખોનું આ સંકલન છે.
ટ્વિન્કલના લખાણમાં આકર્ષક પ્રવાહિતા છે, સોફિસ્ટિકેશન છે. પુસ્તક વાંચતાં વાંચતાં આપણે એકધારા મરક મરક થઈએ છીએ તો ક્યાંક ખડખડાટ હસી પડીએ છીએ. પેશ છે એના પુસ્તકના કેટલાક અંશો. એન્જોય...
મારી મોમ (ડિમ્પલ કાપડિયા) પેલી ટીવીની જાહેરાતોમાં દેખાડે છે એવી ઘાયલ સંતાનને બેન્ડ-એઇડ લગાડી આપતી, કિચનમાં રાંધતી, છોકરાઓને હોમવર્ક કરવામાં મદદ કરતી ટિપિકલ મમ્મી ક્યારેય નહોતી. મારી મા ફની છે, અંતરંગી છે, વિચિત્ર છે. હંુ છોભીલી પડી જાઉં તે માટેના નિતનવા નુસખા હું જન્મી ત્યારથી સતત શોધતી આવી છે. સૌથી પહેલાં તો એણે મારું નામ ટ્વિન્કલ પાડીને આખી જિંદગી મારી નોનસ્ટોપ મજાક થતી રહે તે સુનિશ્ચિત કરી નાખ્યું. દુનિયાભરના એરપોર્ટો પર ઇમિગ્રેશન ઓફિસરો આજની તારીખેય પાસપોર્ટમાં ટ્વિન્કલ નામ વાંચીને મારી સામે વિચિત્ર નજરે જુએ છે અને દાંત કાઢે છે.
હું ટીનેજ અવસ્થામાં જાડી ઢમઢોલ હતી એટલે મારું વજન ઘટાડવા મારી મા ક્યાંકથી કલર થેરાપી ડાયટ શોધી લાવી હતી. આ અજબગજબની વેઇટ-લોસ થેરાપીમાં એવું હતું કે ફક્ત લાલ અને ઓરેન્જ રંગનાં જ ફળ ખાવાનાં, લાલ રંગની બોટલમાં રાખેલું સોલરાઇઝ્ડ પાણી જ પીવાનું અને ઇન્ફ્રારેડ લાઇટ સામે રોજ પા કલાક બેસવાનું. બે વીક પછી શું પરિણામ આવ્યું? મારું વજન દોઢ કિલો વધી ગયું હતું ને ઇન્ફ્રારેડ લાઇટને લીધે મારા પેટ પર લાલ ચકામાં પડી ગયાં હતાં.
હું ફિલ્મોમાં કામ કરતી હતી એ વર્ષોમાં એક વાર મા મારી સાથે શૂટિંગમાં લંડન આવી હતી. ત્યાંથી એ આગળ ન્યૂ યોર્ક જવાની હતી અને હું મુંબઈ પરત થવાની હતી. મા રોજ એટલી બધી ખરીદી કરતી કે મારા ટચૂકડા હોટલ રૂમમાં શોપિંગ બેગના ખડકલા થઈ ગયા હતા. છેલ્લો દિવસ આવ્યો. એની ફ્લાઇટ મારા કરતાં ચાર કલાક વહેલી ઉપડવાની હતી. મેં એને પૂછયું કે મા,તું આટલો બધો સામાન તારી સૂટકેસમાં ફિટ કેવી રીતે કરીશ? એ મંદ મંદ મુસ્કુરાઈને કહેઃ "ડોન્ટ વરી. તું ટેન્શન લીધા વિના તારું શૂટિંગ પતાવ. હું મારી એકલીનો નહીં, તારો સામાન પણ સરસ રીતે પેક કરી નાખીશ, બસ?"
રાત્રે કામ પતાવીને રૂમ પર પહોંચીને હું શું જોઉં છું. મારી બેય સુટકેસ ગાયબ હતી. એને બદલે એલ્યુમિનિયમના ઘોબાં પડી ગયેલા બે તોતિંગ ટ્રંક પડયા હતા. બન્ને ઉપર મોટા લાલ અક્ષરોમાં અને સાવ ખોટા સ્પેલિંગમાં મારું નામ લખ્યું હતું: ટવીકલ ખાના! મને હવે ખબર પડી કે મારી વહાલી મા શું કરામત કરી ગઈ હતી. પોતાનો ઢગલો સામાન પેક કરવા એ મારી બન્ને બેગ તફડાવી ગઈ હતી અને મારો સામાન ફિલ્મ યુનિટના કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટના હડમદસ્તા જેવા ટ્રંકમાં પેક કરી નાખ્યો હતો!

હવે હજુ હમણાં બનેલી એક ઘટના વિશે વાત કરું. મા એક સવારે મને ફોન કરીને કહે છે, 'તું સાંજે ઘરે આવી જા. મારી એક ઓળખીતી લેડી દિલ્હીથી આવવાની છે. બહુ મજાની બાઈ છે બિચારી. એની પાસે પૈસા ઈન્વેસ્ટ કરવાની હાઈકલાસ સ્કીમ છે. તું ય ફાયદો ઉઠાવ આ સુપર્બ સ્કીમનો.'
સાંજે પેલી મહિલા ઘરે આવી. એકદમ સ્માર્ટ અને ચાર્મિંગ હતી એ. પટ પટ કરતી અમને સમજાવવા માંડી. એણે અમને લગભગ કન્વિન્સ કરી નાખ્યા કે અમારી પાસે જે કંઈ સેવિંગ પડયું છે એમાંનો મોટો ભાગ એની સ્કીમમાં ઈન્વેસ્ટ કરવો. આફટરઓલ, સવાસો ટકા વળતર મળવાનું હતું. મેં મનોમન ગણતરી કરી. તે સાથે જ મને ખતરાની ઘંટડી સંભળાવા લાગી. આપણી બેન્કો માંડ નવ ટકા વ્યાજ આપી શકતી હોય ત્યારે આ સ્કીમવાળા સવાસો ટકા વળતર કેવી રીતે આપી શકે? મેં એને સવાલો પૂછ્યા. એ ગલ્લાતલ્લા કરવા માંડી. મિટીંગ પડી ભાંગી. એ પોતાનાં કાગળિયાં સંકેલીને રવાના થઈ ગઈ. 
એ ગઈ પછી મા મારા પર બરાબરની રોષે ભરાઈ. પૈસા બનાવવાની આવી અદભુત તક હું કેવી રીતે જવા દઈ શકું? મેં કહૃાું કે મા, આવા બધામાં ન પડાય, આ મની-મેકિંગ રેકેટ છે, પૈસા ખંખેરવાના ધંધા છે, બીજું કંઈ નહીં. એ લોકો કોઈ હિસાબે આટલું વળતર આપી શકે જ નહીં. મારું કેલ્કયુલેશન ખોટું હોય જ નહીં. મા કહે, 'બસ હવે. મેથ્સ ટીચરની જેમ વર્તવાનું બંધ કર.'હું સામું તાડૂકીઃ મને ચેલેન્જ ન કર. કેમ, ભૂલી ગઈ, મને એસએસસીની બોર્ડ એકઝામમાં મેથ્સમાં સોમાંથી ૯૭ માર્ક્સ આવ્યા હતા? માને આ યાદ હતું, કેમ કે એ અને મારી માસી તે વખતે મારી ટીખળ કરતાં કે અમારી હૃાુમન કેલ્કયુલેટરના માર્કસ પણ ૯૭ ને વજન પણ ૯૭ (કિલો).
હું સાચી પડી. પેલા પોન્ઝી સ્કીમવાળાઓની પછી સીબીઆઈએ ધરપકડ કરી. એમાં બે ભૂતપૂર્વ એમએલએ પણ સંડોવાયેલા હતા. માએ મને પછી ફોન કરીને કહૃાું, 'હું મારી પેલી દિલ્હીવાળી ફ્રેન્ડનો નંબર કયારની ટ્રાય કરું છું, પણ એનો ફોન લાગતો જ નથી. મારો તો હજુ જીવ બળે છે. તું કેટલી ઉદ્ધતાઈથી એની સાથે વાત કરતી હતી. બિચારીએ સરખો ચા-નાસ્તો પણ ન કર્યો. પણ તારી વાત સાચી છે. પૈસા રોકીને પસ્તાવા કરતાં સાવધાની વરતવી શું ખોટી. અચ્છા સાંભળ, મને કોઈ નાઈજીરીઅન માણસનો ઈમેઈલ આવ્યો છે. ભલો માણસ લાગે છે. એ કંઈક આપણા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માગે છે...'
એ આગળ કંઈ બોલે તે પહેલાં હું જોરદાર ભડકીઃ મોમ, પ્લીઝ, સ્ટોપ ઈટ! 
મા હસી પડી. કહે, 'અરે, મજાક કરું છું. ગુસ્સે કેમ થાય છે?' 
મેં કહૃાું: આ મજાકની વસ્તુ નથી. તું છેને કયારેક સાવ સ્ટુપિડ જેવી ભુલો કરે છે.
માએ વળતો ફટકો માર્યો, 'સાવ સાચું કહૃાું તેં. જોને, મેં તને પેદા કરી. આનાથી વધારે સ્ટુપિડ બીજું શું હોવાનું.'
                                              0 0 0

તે દિવસે મમ્મી ઘરે આવી હતી. અમે બેઠાં બેઠાં ચા પી રહૃાાં હતાં ત્યાં એકાએક મારો પનોતો પુત્ર રુમમાં ધસી આવ્યો અને મોટેથી બરાડયોઃ મારે ઈંગ્લિશ અસાઈન્મેન્ટ માટે એક બુક ખરીદવાની છે, હમણાં જ! મારા ઘરની બાજુમાં જ એક મોલમાં જાણીતો બુકસ્ટોર છે. મેં ઘાંઘી થઈને તરત એક હાથમાં પર્સ લીધું, બીજા હાથે મારી નાની બેબલીને ઊંચકી અને મમ્મીને કહૃાું કે મમ્મી,પ્લીઝ તું અમને મોલ પર ડ્રોપ કરી દે. જતાં જતાં વોચમેનને સૂચના આપી કે ડ્રાઈવરને કહેજે કે વીસ મિનિટમાં મોલ પહોંચીને અમને પિક-અપ કરી લે. 
સ્ટોરમાંથી પનોતા પુત્રે એની ચોપડી ખરીદી. મેં કહૃાું, 'મારે માર્કર પેન લેવી છે, ચાલ પેલી બાજુ જઈએ.' તરત મારી નાની બેબલી ઉછળી, 'કયાં છે પેન? મને દેખાડો, દેખાડો!' નાની બેબલીની ઉંમર જ એવી છે કે એને બધું જ જોવું હોય, બધું જ અડીને ચેક કરવું હોય અને હજાર સવાલો કરવા હોય. ખરીદી કરીને અમે બહાર આવ્યા. અમારી ગાડી કયાંય દેખાતી નહોતી. મેં ડ્રાઈવરનો નંબર ટ્રાય કર્યો. ફોન અનરીચેબલ આવતો હતો. પા કલાક સુધી કારની રાહ જોતા આમતેમ ડાફરિયા માર્યા પછી અને લોકોની વિચિત્ર નજરોના બાણ ઝીલ્યા પછી આખરે પનોતા પુત્રે કહૃાું કે એના કરતાં રિક્ષામાં ઘરે જતા રહીએ. મારી કાખમાં કયારની હલ-હલ થયા કરતી નાની બેબલી તરત ટહૂકી, 'કયાં છે રિક્ષા? મને દેખાડો, મને દેખાડો!'
પનોતા પુત્રે એક રિક્ષા ઊભી રાખી. અમે અંદર બેઠાં. નાની બેબલી જિંદગીમાં પહેલી વાર રિક્ષામાં સવારી કરી રહી હતી એટલે એને તો મજા પડી ગઈ. અમે જેવા લાંબા પ્રાઈવેટ રોડ પર અમારી બિલ્ડિંગ તરફ આગળ વધ્યા કે ઓચિંતા રિક્ષાવાળાએ કહૃાું, 'મેડમ, હીરો અક્ષય કુમાર પહેલાં આ બાજુ જ રહેતો હતો. હવે બાંદ્રામાં રહે છે.'
મારું મોઢું ખુલ્લું રહી ગયું. હું વિરોધ નોંધાવું તે પહેલાં રિક્ષાવાળો પોતાની ધૂનમાં કહેવા લાગ્યો, 'અરે, એણે રાજેશ ખન્નાની દીકરી સાથે મેરેજ કર્યા છેને. એમ તો ડિમ્પલ કાપડિયા પણ બાંદ્રામાં જ રહે છે, પણ મા-દીકરીને જરાય બનતું નથી. આમેય એ એકની એક દીકરી છે એટલે હવે રાજેશ ખન્નાનો બધો વારસો એને મળવાનો છે. એટલે રાજેશ ખન્નાના બંગલા પર હક જમાવવા અક્ષય ફેમિલી સાથે ત્યાં રહેવા જતો રહૃાો છે.'
આ ચક્રમ માણસનો નોનસ્ટોપ બકવાસ સાંભળીને હું તો આભી બની ગઈ. ક્રોધ જેમતેમ દબાવીને મેં ફકત એટલું જ કહૃાું, 'એમ?તને આ બધી કેવી ખબર પડી?' પટ્ કરતો જવાબ આવ્યો, 'મેડમ, રિક્ષા ચલાતા હૂં, સબ પતા હૈ.'
પનોતો પુત્ર મોટે મોટેથી ગાંડાની જેમ હસવા લાગ્યો. મેં ભાડાના સત્તર રુપિયા પકડાવીને પેલાને રવાના કર્યો. પગથિયાં ચડીને ઘરે પહોંચીને જોયું કે ઘરનો મોભી (એટલે કે અક્ષય કુમાર) સોફા પર પહોળો થઈને પડયો હતો. મેં એકી શ્વાસે હમણાં જે કંઈ બન્યું તે એને કહેવા માંડયું, 'સો ફની! તને ખબર છે, અક્ષય કુમાર પહેલાં આ બિલ્ડિંગમાં રહેતો હતો પણ હવે બાંદ્રા જતો રહૃાો છે અને એની વાઈફને પોતાની મા સાથે ઊભું બનતું નથી અને....'
ઘરના મોભીએ આંખો ઝીણી કરી, 'અત્યાર સુધી મને શંકા હતી, પણ હવે કન્ફર્મ થઈ ગયું. તારું ચસકી ગયું છે. આ તું શું અક્ષય કુમાર ને એની વાઈફ ને એની મા ને એવો બધો બબડાટ કરી રહી છે? આ તું આપણા ફેમિલીની જ વાત કરી રહી છે,ગાંડી! પોતાના ફેમિલી વિશે કોણ આ રીતે વાત કરે? તું સાચ્ચે જ એક નંબરની ઈડિયટ છે.'
નાની બેબલીએ તરત ચાની કિટલીથી રમવાનું બંધ કરીને ઉપર જોયું, 'કયાં છે ઈડિયટ? મને દેખાડો, મને દેખાડો!'
હે ભગવાન...

0 0 0 

Monday, August 19, 2013

મલ્ટિપ્લેક્સ : વન્સ અપોન અ ટાઇમ વિથ અક્ષય


Sandesh - Sanskaar Purti - 18 August 2013

Column : મલ્ટિપ્લેક્સ 

અક્ષયકુમાર પાસેથી એક વાત ખરેખર સૌએ શીખવા જેવી છે. ભલે ગમે તેટલી ગાળો પડે, ગમે એટલી ટીકા થાય, પણ એમાંનું કશું જ મન પર લીધા વગર ચૂપચાપ કામ કરતા રહેવાનું. ઉત્તમ પરિણામ મળશે જ!

ચોવીસ વર્ષ પહેલાંની આ વાત છે. દિલ્હીથી આવેલો વીસ-એકવીસ વર્ષનો એક જુવાનિયો મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો છે. માંડ માંડ એને મોડલિંગનું એક એસાઇન્મેન્ટ મળે છે. કોઈક એડના શૂટિંગ માટે છ વાગ્યાની ફ્લાઇટ પકડીને બેંગ્લોર જવાનું છે. યુવાન રાજી રાજી થઈ જાય છે. એક તો કામ મળ્યું ને ઉપરથી પ્લેનમાં બેસવાનો મોકો પણ મળ્યો. બીજા દિવસે વહેલી સવારે ઊઠીને એ રૂટિન પ્રમાણે કસરત કરતો હતો ત્યાં જ એનો લેન્ડલાઇન રણકી ઊઠયો. સામે છેડે મોડેલ કો-ઓર્ડિનેટર પાગલની જેમ ચિલ્લાઈ રહ્યો હતો, ક્યાં છે તું? પ્રોફેશનાલિઝમ જેવું કંઈ છે કે નહીં? પાંચ વાગી ગયા ને તારો કોઈ અતોપત્તો નથી? છોકરો ડઘાઈ જાય છે. એકાએક એને પોતાની ભૂલ સમજાય છે, '...પણ મને એમ કે સાંજના છ વાગ્યાની ફ્લાઇટ છે!' પેલો ઔર વિફરે છે. તારામાં દિમાગ નથી? સિક્સ એ.એમ. અને સિક્સ પી.એમ. વચ્ચેનો ફર્ક તને સમજાતો નથી?યુવાન શિયાવિયા થઈ જાય છે. આઈ એમ સોરી સર. બસ, હું આ જ ઘડીએ એરપોર્ટ આવવા ભાગું છું.
યુવાન ગાંડાની જેમ બાઇક ચલાવીને એરપોર્ટ પહોંચ્યો, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. પ્લેન એને મૂકીને ઊડી ચૂક્યું હતું. યુવાન ઘરે આવીને માને વળગીને રડી પડયો. માએ માથે હાથ ફેરવીને સાંત્વન આપ્યું, કશો વાંધો નહીં બેટા. જે થયું તે થયું. ખોટો જીવ ન બાળ. તને આના કરતાં બહેતર મળી રહેશે. યુવાનના અફસોસનો પાર નહોતો. ખેર, મોડી બપોરે રૂટિન પ્રમાણે કામ શોધવા એ પોતાના ફોટા લઈને નટરાજ સ્ટુડિયો પહોંચી ગયો. અહીં એના જેવા કેટલાય સ્ટ્રગલરો આંટા મારતા હતા. કોઈ મેકઅપમેને આ યુવાનની તસવીરો જોઈ. એને સારી લાગી. એ કહે, તું અહીં ઊભો રહે. હું સાહેબને તારો ફોટા બતાવું છું. થોડી વાર પછી મેકઅપમેન વેનિટી વેનમાં બહાર આવ્યો. અંદર આવ, સાહેબ તને બોલાવે છે. યુવાન ઊંચા જીવે વેનમાં ગયો. અંદર પ્રમોદ ચક્રવર્તી નામના ફિલ્મ ડિરેક્ટર-પ્રોડયુસર બેઠા હતા, જેમણે 'લવ ઇન ટોકિયો', 'જૂગનુ' અને 'નાસ્તિક' જેવી કેટલીય ફિલ્મો બનાવી છે. એમણે યુવાનને કહ્યું, મને ગમ્યા તારા ફોટા. હું તને મારી ફિલ્મમાં મેઇન હીરો તરીકે લેવા માગું છું. આ લે ૫૦૦૧ રૂપિયાનું સાઇનિંગ અમાઉન્ટ!
યુવાન માની ન શક્યો. હું હિન્દી ફિલ્મનો હીરો? યોગાનુયોગ જુઓ. ડિરેક્ટરનો આભાર માનીને એ હરખાતો હરખાતો બહાર આવ્યો ત્યારે ઘડિયાળમાં સાંજના છ વાગ્યા હતા! આ યુવાન એટલે અક્ષયકુમાર અને પ્રમોદ ચક્રવર્તીની પેલી ફિલ્મ એટલે 'દીદાર'.


'આને કહેવાય નસીબ!' આ કિસ્સો યાદ કરીને અક્ષય એક મુલાકાતમાં કહે છે, 'જો તે દિવસે હું સવારની ફ્લાઇટમાં બેંગ્લોર ઊપડી ગયો હોત તો મને બોલિવૂડમાં હીરો તરીકે બ્રેક મળ્યો ન હોત! હું દૃઢપણે માનું છું કે આજે હું જ્યાં છું, જે કંઈ છું એમાં નસીબે બહુ મોટો ભાગ ભજવ્યો છે. સવા અબજની વસતી ધરાવતો આપણો દેશ. એક દાયકામાં માંડ ચાર-પાંચ જણા જ એવા નીકળે છે જે બોલિવૂડના સુપરસ્ટારના પદ સુધી પહોંચ્યા હોય. આજે હું ફિલ્મોના સ્ટુડિયોમાં કેટલાય સ્ટ્રગલર યુવાનોને જોઉં છું, જે મારા કરતાં ક્યાંય વધારે હેન્ડસમ અને અનેકગણા ટેલેન્ટેડ હોય છે. થિયેટર-બિયેટર કરીને આવ્યા હોય છે, પણ તેમની પાસે કદાચ લક હોતું નથી. લક ઉપરાંત કરેક્ટ ટાઇમ પર કરેક્ટ જગ્યાએ હાજર હોવું પણ મહત્ત્વનું છે.'
અક્ષયકુમાર નસીબનો બળિયો છે એ સાચું, પણ એણે પરિશ્રમ પણ એટલો જ ગજબનાક કર્યો છે. નસીબ પાધરું હોય તો બહુ બહુ તો બ્રેક મળી જાય, પણ બબ્બે દાયકા સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી ભયાનક સ્પર્ધાત્મક જગ્યામાં વધારે ને વધારે ઊંચાઈ પર પહોંચતા જવું તે જબરદસ્ત મહેનત વગર શક્ય નથી. ચોક્કસ પ્રકારની ટેલેન્ટની પણ જરૂર પડવાની જ.
અક્ષયકુમાર કંઈ આમિર ખાન નથી. કબૂલ. એની પાસે શાહરુખ ખાન જેવો ચાર્મ કે સલમાન ખાન જેવો પ્રભાવ નથી. કબૂલ. એની ૯૭ ફિલ્મોમાંથી ભાગ્યે જ કોઈ 'મરતા પહેલાં અચૂક જોવી જ પડે એવી અદ્ભુત હિન્દી ફિલ્મો'ના લિસ્ટમાં સ્થાન પામી શકે એમ છે. ચાલો, આ વાત પણ કબૂલ, પણ સાથે સાથે તે વાત પણ એટલી જ સાચી કે અક્ષય વર્ષોથી એક અત્યંત સફળ સ્ટાર છે. એનો પણ વિશાળ ચાહકવર્ગ છે. એની ફિલ્મો કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. અક્ષય એક્શન હીરો છે અને ખતરનાક સ્ટંટ્સ એ ઉત્તમ રીતે કરી શકે છે. એની કોમેડી પણ લાજવાબ છે. અક્ષય પોતાની શક્તિ અને મર્યાદા બન્નેથી સારી રીતે વાકેફ છે. લોકોને દેખાડી દેવાની લાયમાં ગાંડા કાઢવાને બદલે પછેડી જેટલા જ પગ લાંબા કરતા એને આવડે છે.
અક્ષયકુમાર ઇન્ડસ્ટ્રીમાં નવો હતો ત્યારે એના માટે ખરાબમાં ખરાબ શબ્દો વપરાતા. એને સ્કર્ટચેઝર એટલે કે લફડેબાજ કે ઐયાશનું બિરુદ મળ્યું. એને 'લાકડાંના ફર્નિચરની દુકાન' કહેવામાં આવતા. મતલબ કે નિર્જીવ લાકડાંમાં કોઈ સ્પંદનો ન જાગે એમ સીન ગમે તેવો ઇમોશનલ કેમ ન હોય, પણ અક્ષયનો ચહેરો લાકડાં જેવો સપાટ અને કોરોધાકોર જ રહે છે! આ વાતમાં તથ્ય પણ હતું, પણ અક્ષય ઓન ધ જોબ શીખતો ગયો. ધીમે ધીમે પર્ફોર્મન્સીસમાં નિખાર આવતો ગયો. અગાઉ ઘણી હિરોઇનો સાથે અક્ષયનું નામ જોડાયું હતું, પણ ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન થયાં પછી એ ડાહ્યાડમરો પત્નીવ્રતા થઈ ગયો. લગ્ન પછી છેલ્લાં બાર વર્ષમાં અક્ષયના નામે કોઈ અફેર ચડયું નથી. દીકરા આરવના જન્મ પછી જોખમી એક્શન ફિલ્મો કરવાનું બંધ કરીને અક્ષય કોમેડી તરફ વળ્યો. અક્ષયની કોમિક ટાઇમિંગ વખણાય છે. 'લાકડાંના ફર્નિચરની દુકાન' એ બધાં બિરુદો હવે ભૂતકાળ બની ગયાં છે. નવા નવા તગડા હીરો આવતા ગયા, પણ અક્ષયે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રાખ્યું, એટલું જ નહીં, વધારે મજબૂત કર્યું. અક્ષય પર એક આક્ષેપ એવો થાય છે કે એક્ટર તરીકે એ જેવો હોય એવો, પણ 'એડિટર' તરીકે નંબર વન છે. મતલબ કે સાથી હીરોના રોલ એડિટ કરીને કાપી નાખતા એને સારું આવડે છે! ખેર, અક્ષયે હંમેશાં આ આક્ષેપને હસી કાઢયો છે. એની પાસેથી એક વાત ખરેખર આપણે સૌએ શીખવા જેવી છે. ભલે ગમે તેટલી ગાળો પડે, ગમે એટલી ટીકા થાય, પણ એમાંનું કશું જ મન પર લીધા વગર ચૂપચાપ કામ કરતા રહેવાનું. ઉત્તમ પરિણામ મળશે જ!

અક્ષય પાસેથી શીખવા જેવી બીજી મહત્ત્વની વસ્તુ છે, શિસ્તપાલન. અક્ષય ફિલ્મી પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળશે. શરાબ અને સિગારેટથી જોજનો દૂર રહે છે. એ વહેલા સૂઈને વહેલો ઊઠનારો માણસ છે. ફિટનેસ એનું પેશન છે. રોજ ફિઝિકલ એક્સરસાઇઝ પાછળ કમસે કમ બે કલાક ખર્ચે છે. કદાચ એટલે જ અક્ષય આજની તારીખે પણ સૌથી ખૂબસૂરત અને ફિટ હીરોમાંનો એક ગણાય છે. અક્ષયની ઇમેજ શાંત માણસની છે. ઝઘડાથી એ દૂર ભાગશે. એ કોઈના વિશે ઘસાતું બોલીને કદી વિવાદો ખડા નહીં કરે. એના આ સ્વભાવનો ગેરલાભ પણ લેવાયો છે.
અક્ષયની ફિલ્મોની પસંદગી હંમેશાં વખાણવા જેવી હોતી નથી. 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા'ના બોક્સઓફિસના નવા નવા આંકડા એકધારા આવી રહ્યા છે. રિવ્યૂ બહાદુરો ફેસબુક જેવાં માધ્યમો પર આ ફિલ્મ ગમી કે ન ગમી એની જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. હવે અક્ષયની 'બોસ', 'ગબ્બર', 'પિસ્તોલ' અને 'ઇટ્સ એન્ટરટેઇનમેન્ટ' જેવી ફિલ્મો આવશે. કદાચ 'હેરાફેરી-પાર્ટ ફોર' પણ આવે. કોને ખબર! 'વન્સ અપોન અ...' હિટ થાય તો એનો ત્રીજો ભાગ પણ આવી શકે છે. શું હોઈ શકે એનું ટાઇટલ? 'વન્સ અપોન અ ટાઇમ યેટ અગેઇન'!
શો-ટાઇમ

મારાં કરતાં સારું ફિગર ધરાવતી અને બહેતર પર્ફોર્મન્સીસ આપતી હિરોઇનોની મને ઈર્ષ્યા થાય છે. જીવનમાં આગળ વધવા માટે આવો પોઝિટિવ ઈર્ષ્યાભાવ જરૂરી છે.
- આલિયા ભટ્ટ

Saturday, September 22, 2012

સર્જન વિરુદ્ધ સર્જનહાર


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 21 સપ્ટેમ્બર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

ઉમેશ શુક્લ ઉત્કટતાના માણસ છે. પહેલાં તેમણે કાનજી વિરુદ્ધ કાનજી જેવા સીમાચિહ્ન નાટક આપ્યું, પછી તેના આધારે બનેલી ફિલ્મનું ડિરેક્શન કર્યુંઆવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ઓહ માય ગોડ! માત્ર એક નાટકનું નહીં, પણ ખરેખર તો સમગ્ર્ રંગભૂમિનું એક સિનેમેટિક સેલિબ્રેશન છે.



ક નખશિખ નાસ્તિક માણસ ભગવાનના અસ્તિત્ત્વને નકારે, એટલું જ નહીં, એને છેક અદાલતમાં ઘસડી જાય એ કલ્પના જ કેટલી રોમાંચક છે! અમુક વિષય જ એટલા બળકટ હોય છે અને એની અપીલ એટલી તીવ્ર હોય છે કે તે પોતાનો વ્યાપ વધાર્યા વગર રહી ન શકે. એટલે જ તો સીમાચિહ્ન પ બની ગયેલું ગુજરાતી નાટક કાનજી વિરુદ્ધ કાનજી અન્ય ભાષાઓમાંથી પસાર થતું થતું આખરે બિગ સ્ક્રીન સુધી પહોંચ્યુને! આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ઓએમજી - ઓહ માય ગોડ! ખરેખર તો સમગ્ર્ રંગભૂમિનું એક સિનેમેટિક સેલિબ્રેશન છે.

ઓહ, પણ નાટક કરતાં આ ફિલ્મનું ફલક ઘણું મોટું છે, મુંબઈ સ્થિત  પૃથ્વી થિયેટરના કાફેટેરિયામાં બ્લેક ટી પીતાં પીતાં ડિરેક્ટર ઉમેશ શુક્લ વાતચીતની શઆત કરે છે, ફિલ્મ વર્ઝનમાં એટલા બધા ફેરફાર અને ઉમેરા કરવામાં આવ્યા છે કે બે-ત્રણ વખત નાટક જોઈ ચૂકેલા પ્રેક્ષકોને પણ ઓહ માય ગોડ જોતી વખતે નવી જ અનુભૂતિ થશે. આ વિષય કોઈ એક ધર્મની સીમારેખામાં બંધાઈ રહે એવો નથી. અલબત્ત, નાટક ઘણું કરીને હિંદુ ધર્મના સંદર્ભમાં આકાર લે છે, પણ ઓહ માય ગોડ બનાવતી વખતે અમારી પાસે ઘણી મોકળાશ હતી, વિશાળ વ્યાપ હતો, તેથી ફિલ્મમાં અમે બધા જ મુખ્ય ધર્મોને આવરી લેવાની કોશિશ કરી છે.


Kanji Viruddh Kanji - Gujarati play (top); (below) Kishan Versus Kaniya - its Hindi Version



સી ધ ફન. તેજસ્વી યુવા લેખક ભાવેશ માંડલિયાએ કાનજી વિરુદ્ધ કાનજી માટે ગુજરાતી રંગભૂમિના કેટલાય મોટા નિર્માતાઓને અપ્રોચ કર્યો હતો, પણ કોઈને આ અતરંગી વિષયમાં રસ નહોતો પડ્યો. આખરે એ પ્રોડ્યુસર-ડિરેક્ટર ઉમેશ શુક્લ પાસે પહોંચ્યો અને પછી, અંગ્ર્ોજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી! આ ફિલ્મ ભાવેશ અને ઉમેશ શુક્લ બન્નેએ સંયુક્ત રીતે લખી છે. બે વર્ષના ગાળામાં નહીં નહીં તોય આ સ્ક્રિપ્ટના 16 ડ્રાફ્ટ બન્યા છે.

ઉમેશ શુક્લ ઉમેરે છે, નાટકમાં તમારે માત્ર આઠ સીનમાં આખી વાર્તા કહી દેવાની હોય, જ્યારે ફિલ્મમાં સાઠ-સિત્તેર દ્શ્યો હોય. નાટકમાં તમે વર્બોઝ બનો (એટલે કે વધી પડતી શબ્દાળુતા અપનાવો) તે ચાલી જાય, કારણે કે અહીં તમારે લગભગ બધી જ વાત બોલીને કહેવાની છે. ફિલ્મનું ગ્ર્ામર જુદું છે. અહીં માત્ર એક જ શોટમાં એક પણ શબ્દ બોલ્યા વિના ઘણું વ્યક્ત થઈ જતું હોય છે. 



નાટકની હિન્દી આવૃત્તિમાં પરેશ રાવલ નાસ્તિકની કેન્દ્રિય ભુમિકા ભજવે છે. આ નાટક જોઈને પ્રભાવિત થયેલા અક્ષય કુમારે ફિલ્મ આવૃત્તિમાં કેવળ સૂટેડ-બૂટેડ ભગવાનનો રોલ જ નથી કર્યો, બલકે પરેશ રાવલ અને અશ્વિની યાર્ડીની સાથે ફિલ્મના સહનિર્માતા પણ જોડાયા. હાઉસફુલ-ટુ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મો કર્યા પછી ઓડિયન્સ પોતાને ભગવાનના પમાં સ્વીકારશે કે કેમ એવો ઉચાટ અક્ષયને રહેતો હોય તો એ સ્વાભાવિક હતો.

અક્ષયે આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે, ઉમેશ શુક્લ કહે છે, સવારે સાડા પાંચથી નવ સુધી અમારી વર્કશોપ ચાલતી. પરેશ રાવલ સાથે એણે ઘણી ફિલ્મો કરી છે, પણ ઓહ માય ગોડમાં ઓડિયન્સને એમની વચ્ચેની કેમિસ્ટ્રીનો નવો જ રંગ જોવા મળશે. આ બન્નેમાંથી કોઈ મેથડ એક્ટર નથી. બન્ને સ્પોન્ટેસિયસ છે. તેથી શૂટિંગ દરમિયાન કેટલીય વાર અચાનક કોઈક સરસ મોમેન્ટ મળી જતી.


Umesh Shukla with Akshay Kumar


ફિલ્મમાં આ બે સિવાય પણ મિથુન ચક્રવર્તી, ઓમ પુરી, ગોવિંદ નામદેવ જેવા નામી અદાકારો છે. ઉમેશ શુક્લ સ્મિતપૂર્વક કહે છે, 1994માં મેં યાર ગદ્દાર નામની ફિલ્મ કરી હતી. એમાં મિથુનદા હીરો હતા અને મારો નેગેટિવ રોલ હતો. એ પછી સીધા ઓહ માય ગોડ વખતે અમે પહેલી વાર મળ્યા! ગોવિંદ નામદેવ કમાલના ફોર્સથી કામ કરે છે. ઓમ પુરીની વાત કરું તો એમણે પહેલી જ ડાયલોગ્ઝ એવી રીતે વાંચેલા કે હું નવાઈ પામી ગયો હતો. આપણને થાય કે ઓમજીએ ક્યારે આ પાત્રને આત્મસાત કરી લીધું?


Umesh Shukla with Mithun Chakraborty


ઓહ માય ગોડમાં પુષ્કળ હ્યુમર છે તો સાથે સાથે દર્શક વિચારમાં પડી જાય એવી નક્કર વાતો પણ છે. ઓડિયન્સને કેટલાંક પાત્રોનાં કેરેકટરાઈઝેશન પર શ્રી શ્રી રવિશંકર, રાધેમા, બાબા રામદેવ જેવી હસ્તીઓની હળવી અસર પણ દેખાય. ફિલ્મમાં ક્રાઉડનાં ખૂબ બધાં દશ્યો છે. અમુક દશ્યો માટે બસ્સો-અઢીસો જેટલા અસલી સાધુ-બાવાઓને કાસ્ટ કરવામાં આવ્યા હતા! આખેઆખી ફિલ્મનું શૂટિંગ કુલ 60 દિવસમાં પૂરું થયું, જેમાંથી લગભગ વીસેક દિવસ દરમિયાન સાધુઓની સેટ પર હાજરી રહી. તેમને  બસોમાં બેસાડીને જુદા જુદા મંદિરોમાંથી તેડાવવામાં આવતા. સાચુકલા સાધુ હોય એટલે ના કોસ્ચ્યુમની ઝંઝટ, ન મેકઅપની ચિંતા. સેટ પર એમને તૃપ્ત થઈ જવાય એટલું ભોજન મળે. વળી, ચાના કપ અને બિસ્કિટની ટ્રે સતત ફરતાં હોય. આતમાં તેઓ કેમેરા જોઈને કોન્શિયસ થઈ જતા હતા, પણ ધીમે ધીમે સરસ પર્ફોર્મ કરવા લાગ્યા હતા!

ઓહ માય ગોડનું મ્યુઝિક હિમેશ રેશમિયા, સચિન-જીગર અને અંજાન-મીટ બ્રધર્સે આપ્યું છે. ફિલ્મમાં ગો ગો ગો... ગોવિંદા ગીત ઉમેરવાનો આઈડિયા અક્ષયનો હતો, ઉમેશ શુક્લ ઉમેરે છે, અક્ષયે રાઉડી રાઠોડમાં પ્રભુ દેવા અને સોનાક્ષી સિંહા સાથે તાજું તાજું કામ કયુર્ર્ં હતું એટલે આ ગીતમાં એ બન્નેને લેવામાં આવ્યાં. ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની વાત છે એટલે જન્માષ્ટમી અને દહી-હાંડી થીમ સાથે બંધબેસતાં હતાં. આ ગીતને કારણે ફિલ્મમાં સરસ વેલ્યુ-એડિશન થયું છે.



ઉમેશ શુક્લ ઉત્કટતાના માણસ છે. પોતાનાં જૂનાં નાટકોની વાત કરતી વખતે કે કોઈ ફિલ્મનાં ગમતાં દશ્યોની વાત કરતી વખતે એમની બોડી લેંગ્વેજમાં આવેશ ઉમેરાઈ જાય છે, ચહેરો અને આંખો તરલ થવા માંડે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમના માટે નવી નથી. આઠેક ફિલ્મોમાં તેઓ જુદા જુદા સ્તરે સંકળાઈ ચૂક્યા છે. અગાઉ તેમણે ઢૂંઢતે રહ જાઓગે નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી, જે સફળ થઈ શકી નહોતી. એ નિષ્ફળતાને કારણે મારા હાથમાં બે ફિલ્મો જતી રહી હતી, તેઓ સ્વસ્થતાથી કહે છે, એક ફિલ્મ બીજા કોઈ ડિરેકટરને આપી દેવામાં આવી, જ્યારે બીજી ફ્લોર પર જ ન ગઈ. આ પીડાદાયી તબક્કો હતો, પણ રંગભૂમિએ મને ટકાવી રાખ્યો. ઓડિટોરિયમના અંધકારમાં મારાં નાટકો જોતાં ઓડિયન્સની તાળીઓ સાંભળતો ત્યારે થતું કે ના, બધું હેમખેમ છે, કશું જ ખોવાયું નથી!

આજકાલ બોલીવૂડમાં 100 કરોડ ક્લબની બહુ બોલબોલા છે. આ માપદંડના પાયામાં તોતિંગ બિઝનેસ છે, સિનેમાની ગુણવત્તા નહીં. પણ મને આ ક્લબમાં સામેલ થવાના કોઈ અભરખા નથી, ઉમેશ શુક્લ સમાપન કરે છે, મારી ફિલ્મ લાખો લોકોના દિલ સુધી પહોંચે એટલે ભયો ભયો!

શો-સ્ટોપર

તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે મને ચાંદની બાર માટે નેશનલ અવોર્ડ એનાયત થયો ત્યારે સપનાં જેવું લાગતું હતું, કારણ કે હજુ થોડા મહિના પહેલાં હું બસની લાઈનમાં ઊભો રહેતો હતો અને મારી ટિકિટ પણ બીજું કોઈ કપાવી આપતું હતું!

- મધુર ભંડારકર (ફિલ્મમેકર)