Thursday, July 28, 2011

ગેરકાયદે પત્નીનું સંતાન કાયદેસરનું વારસદાર ગણાય?


ચિત્રલેખા -  અંક તા. ૮ ઓગસ્ટ ૨૦૧૧  
કોલમઃ વાંચવા જેવું 
   

                   
                                                                                 
ક કિસ્સો સાંભળો. એક માણસે વસિયતમાં લખાણ કર્યુંઃ મારાં મૃત્યુ પછી મારા તમામ શેરો વેચી નાખવા અને જે રકમ ઊપજે તેને મારા વારસદારોમાં સરખા ભાગે નહીં પણ મેં આપેલી ટકાવારી પ્રમાણે વહેંચવામાં આવે. હવે થયું એવું કે વસિયતકર્તાએ ગણતરીમાં ગોટાળો કરી નાખ્યો.  ટકાવારીનો કુલ સરવાળો ૧૦પ ટકા થઈ ગયો! વસિયતનો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે પ્રશ્ન એ થયો કે કોના પાંચ ટકા કાપવા? મામલો કોર્ટમાં ગયો અને નિર્ણય આવતાં ત્રણ વર્ષ નીકળી ગયાં. અદાલતે તમામ વારસદારોને સાંકળી લઈને પ્રમાણસર પાંચ ટકા ઓછા કર્યા, પણ આ સમયગાળામાં શેરોના ભાવ લગભગ પચ્ચીસ ટકા ઘટી ગયા હતા. સૌ વારસદારોને મોટું નુક્સાન થઈ ગયું. બાપુજીએ વિલ બનાવતી વખતે સરવાળો કરવામાં સાવચેતી રાખી હોત તો આવી ઉપાધિ ન થાત!

ચાલો, આ કેસમાં વડીલ ભૂલવાળું તો ભૂલવાળું, પણ કમસેકમ વસિયત તો બનાવીને ગયા હતા. સમાજમાં એવા અસંખ્ય પરિવારો છે, જેમાં વડીલ વિલ બનાવવાની તસ્દી લીધા વિના સ્વર્ગે સીધાવી જતા હોય છે. વડીલને એમ હોય કે મારા સંતાનો ડાહ્યા છે, સમજીવિચારીને આપસમાં મિલકત વહેંચી લેશે. કમનસીબે આવું હંમેશા બનતું નથી. ‘જર, જમીન ને જોરુ, ત્રણે કજિયાનાં છોરું’ એ ન્યાયે અત્યાર સુધી સંપીને રહેતા સંતાનોમાં ઝઘડા શરૂ થઈ જાય છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વસિયતનું હોવું જરૂરી છે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે વસિયતનાં કાનૂની પાસાં અને વસિયત બનાવવાની સાચી રીતથી માંડીને તેના અમલીકરણ સુધીની તમામ વાતો સરસ રીતે સમજાવી છે.

વસિયત બનાવવા માટે બુઢાપા સુધી રાહ જોવી ફરજિયાત નથી. અઢાર વર્ષ પૂરાં કરી ચૂકેલી કોઈ પણ વ્યક્તિ વિલ બનાવી શકે છે. અપરિણીત દીકરી અને ત્યક્તા સ્ત્રી જો મિલકત ધરાવતી હોય તો વસિયત બનાવી શકે છે. માણસ મંદબુદ્ધિ હોય, પાગલ હોય, ઓછી સમજણવાળો હોય, મૂઢ હોય અથવા તો અપંગ હોય તો પણ એ કાયદેસરનો વારસદાર ગણાય છે. ભવિષ્યમાં બનનારી પુત્રવધૂ, જમાઈ અથવા પૌત્રની થનારી પત્ની પણ વારસદાર બની શકે છે. સ્વર્ગસ્થ પિતાએ વસિયતનામું ન બનાવ્યું હોય તેવા કિસ્સામાં પરણીને સાસરે જતી રહેલી દીકરી પોતાના ભાઈ જેટલી જ હકદાર ગણાય છે.

રમેશભાઈને બે પત્નીઓ છે. એ કાયદેસરની, બીજી ગેરકાયદે. રમેશભાઈ વિલમાં લખે કે મારાં મૃત્યુ બાદ મારી બીજી પત્ની (જે ગેરકાયદેસરની છે)ના કૂખે સંતાન અવતરે અને જીવિત રહે તો તેને દસ લાખ રૂપિયા મળે. હવે, આ બાળક ગેરકાયદે સંબંધ થકી પેદા થયું હોવા છતાં એ કાયદેસરનો વારસદાર ગણાય? હા, ગણાય. આપણો કાનૂન કહે છે કે લગ્નબાહ્ય સંબંધ અનૈતિક છે, પણ તેના થકી પેદાં થતું બાળક અનૈતિક નથી.
વસિયતની ભાષા સરળ, સ્પષ્ટ અને પાછળથી મતભેદ ઊભા ન કરે તેવી હોવી જોઈએ. એક કિસ્સો આપણે શરૂઆતમાં જ જોયો. બીજો કિસ્સો એવો છે કે એક વ્યક્તિ પાસે બે મકાનો હતાં. એણે વિલમાં લખ્યું કે મારા બન્ને દીકરાઓને એકએક મકાન મળે. હવે, એક મહાન બહુ જૂનું હતું અને તે વર્ષોથી અવાવરું પડ્યું હતું. બીજો નવો બંગલો હતો. સવાલ એ હતો કે બંગલો કોણ લે અને પેલું ભૂતિયું મકાન કોણ રાખે? આવી પરિસ્થિતિમાં આપસી સમજણથી મામલો ન ઉકલ્યો એટલે ભાઈઓએ આખરે કોર્ટકચેરી કરવી પડી.

કોઈ વ્યક્તિને મંદિરમાં પૂજા કરવાનો હક હોય તે હક્કનું વસિયતનામું કરી શકે છે. કોઈએ અમુક સ્કૂલ કે કોલેજમાં દાન આપ્યું હોય અને તેની સામે એને અમુક વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનો હક હોય તો પોતાના દીકરાઓે (કે બીજા કોઈના) સંતાનો વચ્ચે આ અધિકાર વહેંચી શકે છે. માણસ વસિયત બનાવી નાખે પછી મૃત્યુ પામતા પહેલાં તેમાં ગમે તેટલી વખત સુધારાવધારા કરી શકે છે. કાયદાની ભાષામાં તેને કોડિસિલ કહે છે. વસિયત સ્ટેમ્પ પેપર પર જ લખવું ફરજિયાત નથી. તે સાદા કાગળ પર પણ લખી શકાય છે. આજના ઈલેક્ટ્રોનિક્સના જમાનામાં વિડીયોફિલ્મ દ્વારા વસિયતનામું બનાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હા, વિડીયો સળંગ હોવો જોઈએ, એ વચ્ચે વચ્ચેથી કટ થતો રહે તે ન ચાલે. પૂરતો પ્રકાશ હોવો જોઈએ, વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ, એટલું જ નહીં, વિલનું દરેક પાનું, સાક્ષી તરીકે હાજર રહેલા તેમજ દરેક પાનાં પર સહી કરતાં બન્ને માણસો પણ ચોખ્ખા દેખાવા જોઈએ.

શું પતિપત્ની અથવા બે કે તેના કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને એક જ વસિયતનામું બનાવવા માગતા હોય તો તે શક્ય છે? હા, શક્ય છે. તેને સંયુક્ત વસિયતનામું કહે છે. પતિએ જીવન દરમિયાન પોતાની કમાણીમાંથી પત્નીને નાણું અને મિલકત આપ્યાં હોય છે. છતાં પણ પત્ની પોતાની મરજી મુજબ જ તેના સ્ત્રીધનનું વસિયત બનાવે તે માટે દબાણ કે ફરમાન કરી શકે નહીં.


વસિયતનામાને લગતા બીજાં કેટલાંય મુદ્દા અહીં સમાવી લેવામાં આવ્યાં છે. બે કે તેથી વ્યક્તિઓ સંયુક્ત વસિયતનામું શી રીતે બનાવી શકે? વસિયતનામાંની ગુપ્તતા કેવી રીતે જળવાય? એની નોંધણી કેવી રીતે થાય? વસિયતનામું બનાવતી વખતે થતી સામાન્ય ભૂલો કઈ છે? પ્રોિવડન્ટ ફન્ડગ્રેચ્યુઈટી, ટપાલખાતામાં મૂકેલી રકમ અને બેન્કનાં લોકરો, ધંધાની તથા ભાડાની જગ્યા વગેરેનું શું? સ્ત્રીઘન કોને કહેવાય? વિલ સાચું પૂરવાર કઈ રીતે થાય? વગેરે. લેખક રસિક છ. શાહે અહીં વસિયતનામાંના નમૂના પણ આપ્યાં છેે, જે આ પુસ્તકનો પ્લસ પોઈન્ટ છે.

લેખક ‘ચિત્રલેખા’ને કહે છે, ‘ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને વિલ બનાવવાની જરૂર આમેય હોતી નથી. કહોને કે આજે સમાજનો માંડ ૮થી ૧૦ ટકા વર્ગ વસિયત બનાવે છે. સાધનસંપન્ન લોકોમાં જોકે ધીમે ધીમે આ બાબતે જાગૃતિ આવી રહી છે. આ પુસ્તકનો આધાર લઈને વાચક ધારે તો આસાનીથી જાતે પાક્કું વસિયતનામું બનાવી શકે છે અને વકીલની મોંધી ફીમાંથી છૂટકારો મેળવી શકે છે.’

સામાન્યપણે કાયદાકાનૂનની ભાષા એટલી આંટીઘૂંટીવાળી હોય છે કે વાંચનારને તમ્મર ચડી જાય. સદભાગ્યે લેખકે આ પુસ્તકની લખાવટ સરળ અને તરત સમજાય એવી રાખી છે. જોકે લખાણનું પાક્કું થવાની જરૂર ચોક્કસ વર્તાય છે. ખેર, પુસ્તકની ઉપયોગિતામાં આ મુદ્દો અવરોધરૂપ બનતો નથી. વડીલો અને સંતાનો સૌને કામ લાગે તેવું પુસ્તક.                                                                                000


 (વિલ યાને વસિયતનામું કેવી રીતે બનાવશો?
                                                                                                                                  
લેખકઃ  રસિક છ. શાહ
પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર
અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩
કિંમતઃ  રૂ. ૨૪૦ /
પૃષ્ઠઃ ૨૯૮ )

૦ ૦ ૦

Saturday, July 23, 2011

ફરહાન - ઝોયા : તગડાં ટિ્વન્સ

દિવ્ય  ભાસ્કર -  રવિવાર પૂર્તિ -  ૨૪ જુલાઈ ૨૦૧૧ 

મલ્ટિપ્લેક્સ

ફરહાન અખ્તર જાદુગર માણસ છે. એ ફિલ્મો લખે, ડિરેક્ટ કરે, પ્રોડ્યુસ કરે, એક્ટિંગ કરે, ગીતો રચે, ગીતો ગાય અને ટીવી શોનું અફલાતૂન એન્કરિંગ પણ કરી બતાવે. એની ટિ્વન સિસ્ટર ઝોયા સ્ક્રિપ્ટ રાઈટિંગ અને ફિલ્મ ડિરેકશનમાં ભાઈ જેવી જ ટેલેન્ટેડ પૂરવાર થઈ છે.તો, બોલીવૂડની હાલની સૌથી ટેલેન્ટેડ ભાઈબહેનની જોડી કઈ? ઓડિયન્સને પ્રફુલ્લિત કરી દે તવી ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ પછી આ સવાલનો જવાબ સાવ આસાન થઈ ગયો છેઃ ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર. એમ તો આ બન્નેનાં માસિયાઈ ભાઈબહેન ફરાહ ખાન સાજિદ ખાન પણ સફળ છે અને સિનિયર પણ છે, પણ ફરહાનઝોયાની ફિલ્મોમાં જે તાજગી અને  સિનેમેટિક ક્વોલિટી હોય છે તે ફરાહસાજિદની કમર્શિયલ મરીમસાલાથી ખદબદતી ફિલ્મોમાં (અનુક્રમે ‘મૈં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘તીસ માર ખાં’ અને ‘હે બેબી’, ‘હાઉસફુલ’) લગભગ ગાયબ હોય છે. 

૩૭ વર્ષનાં ફરહાન અને ઝોયા જોડકાં ભાઈબહેન છે. ‘ઝિંદગી ના..’ એ ઝોયાનાં ડિરેકશનમાં બનેલી ‘લક બાય ચાન્સ’ પછીની બીજી ફિલ્મ. ફરહાન રાઈટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર-એક્ટર-સિંગર-ગીતકાર-ટીવી શો એન્કર બધું જ છે. બોલીવૂડમાં આવું ડેડલી કોમ્બિનેશન બીજા કોઈમાં થયું નથી. ફિલ્મોમાં આવતા પહેલાં ફરહાને સ્ક્રિપ્ટશોપ નામની એડ એજન્સીમાં ત્રણ વર્ષ સુધી કોપીરાઈટર તેમજ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અદી પોચા નામના તેનો બોસે કહેલુંઃ ‘ફરહાન, જો તારે ભવિષ્યમાં ફિલ્મમેકર બનવું હોય તો સૌથી પહેલાં તો રાઈટર તરીકે ફોકસ્ડ થા. ફિલ્મમેકિંગમાં ક્રિયેટિવિટીની ઝરણાં રાઈટિંગમાંથી જ ફૂટે છે.’Farhan Akhtar with Zoya : Rehearsing for ZindagiNa Milegi Dobara's sky-diving scene


‘મેં અદી પોચાની આ વાત ગાંઠે બાંધી લીધી,’ ફરહાન એક મુલાકાતમાં કહે છે, ‘મેં લખવા પર સંપૂર્ણ ધ્યાન કોન્સન્ટ્રેટ કર્યું. આ કન્વિકશનમાંથી જ ‘દિલ ચાહતા હૈ’ લખાઈ. શરૂઆતમાં વાર્તાના કેન્દ્રમાં આમિર ખાન  પ્રીતિ - ઝિન્ટાની લવસ્ટોરી હતી. આમિરનાં દોસ્તોનાં પાત્રો, સામાન્યપણે ફિલ્મોમાં હીરોના ફ્રેન્ડ્ઝનાં રોલ હોય છે એમ, ઉભડક અને છીછરાં હતાં. આ ડ્રાફ્ટ જામતો નહોતો અને બહુ જ બીબાંઢાળ લાગતો હતો. તેથી મેં આમિરના બે દોસ્તોની ભુમિકામાં લોહીમાંસ ભરવાનું શરૂ કર્યું. આખરે જે ડ્રાફ્ટ બન્યો તેમાં ત્રણ મિત્રો કેન્દ્રમાં આવી ગયા અને આમિર-પ્રીતિવાળો ટ્રેક સબ-પ્લોટ બની ગયો.’

‘દિલ ચાહતા હૈ’ની વાર્તામાં ફરહાનના પોતાના એટલા બધા અંગત રંગો ઉમેરાયા કે સ્ક્રિપ્ટ બીજા કોઈને આપતાં તેનો જીવ ન ચાલ્યો. તેથી ફરહાન પોતે જ ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું. ‘દિલ ચાહતા હૈ’ માત્ર હિટ જ ન થઈ, તે એક ટ્રેન્ડસેટર ફિલ્મ સાબિત થઈ. ફરહાન કહે છે, ‘મેં અગાઉ ‘હિમાલયપુત્ર’ ફિલ્મ માટે પંકજ પરાશરને આસિસ્ટ કર્યા હતા. ફિલ્મ ડિરેકશનનો મારો અગાઉનો અનુભવ એટલો જ. ફિલ્મ ડિરેકશન ખાસ તો હું ફિલ્મો જોઈજોઈને શીખ્યો છું. હું અને મારી બહેન ઝોયાએ દુનિયાભરની તમામ પ્રકારની ફિલ્મો જોઈ છે  ચાઈનીઝ, જપાનીઝ, ઈટાલિયન વગેરે. ફિલ્મો જોવી, જોતા રહેવી તે એક પ્રકારનું સેલ્ફ-એજ્યુકેશન છે.’


                                 Farhan and Zoya with father Javed Akhtar


Mother Honey Irani

ફરહાન અને ઝોયાનાં (ડિવોર્સ્ડ) માતાપિતા જાવેદ અખ્તર - હની ઈરાની બન્ને  નીવડેલાં ફિલ્મલેખકો છે. તેમણે ફિલ્મી પરિવારમાં જન્મ લીધો છે તે હકીકતથી ફર્ક પડવાનો જ. ‘દિલ ચાહતા હૈ’ પછી ફરહાને ‘લક્ષ્ય’ તેમજ ‘ડોન-ટુ’ ડિરેક્ટ કરી અને  તે પછી એણે પહેલી વાર કેમેરા સામે અભિનય કર્યો, ‘રોક ઓન’માં. એ કહે છે, ‘મારે ફિલ્મલાઈનમાં કશુંક કરવું છે એ તો શરૂઆતથી જ જાણતો હતો. પણ એક્ટિંગમાં મને કોન્ફિડન્સ નહોતો. હું રાઈટિંગ તરફ વધારે ખેંચાતો હતો. ડિરેકશનમાં પણ કમ્ફર્ટેબલ હતો.  ‘રોક ઓન’ ફિલ્મ પ્રોડ્યુસ કરી ત્યારે એમાં અભિનય કરવાની મને ઈચ્છા થઈ. મેં મારી અંતઃ સ્ફૂરણા પર ભરોસો મૂક્યો. એક્ટિંગ કરવાનું જરાય સહેલું નહોતું, પણ મને સતત લાગી રહ્યું હતું કે મેં સાચો નિર્ણય લીધો છે.’‘રોક ઓન’ ફિલ્મ વખણાઈ. ફરહાનના સંયત અને અસરકારક અભિનય જોઈને સૌને સાનંદાશ્ચર્ય થયું. તે પછી ઝોયાની ડિરેક્ટર તરીકેની સૌથી પહેલી ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં તેણે અભિનય કર્યો (ઝોયા અગાઉ ફરહાનની ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકી હતી)ે. તે પછી આવી ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ અને ત્યારે બાદ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’. ‘ઝિંદગી...’માં ઋતિક રોશન જેવા સુપરસ્ટાર સામે ટકી શકવું અને પોતાની હાજરી વર્તાવી શકવી તે જેવીતેવી વાત નથી. ઝોયા કહે છે, ‘જુઓ, ફરહાનને એવું નથી હોતું કે મારે ઈન્ડસ્ટ્રીનો નંબર વન હીરો બની જવું છે. એની એવી માનસિકતા જ નથી. તેનામાં કેરેક્ટરાઈઝેશનની બહુ જ ઊંડી સૂઝ છે. વળી, એક એક્ટર તરીકે એનામાં કોઈ જાતનો ક્ષોભ નથી. લોકો પ્રત્યે, જીવન પ્રત્યે તે સંવેદનશીલ છે. આ બધાને કારણે ફરહાન એક સારો ડ્રામેટિક એક્ટર બની શક્યો છે.’


Director Zoya Akhtar with her ZNMD team. Co-producer Ritesh Sidhwani at extreme left


 
સવાલ એ છે કે ફિલ્મમેકિંગના તમામ મહત્ત્વનાં ડિપાર્ટમેન્ટ્સમાં સરસ સ્કોર કરી શકનાર ફરહાન હવે નવું શું કરશે? ડાન્સ કોરિયોગ્રાફી? યુ નેવર નો!

શો સ્ટોપર

પ્રીતમ ક્યારેય નંબર વન મ્યુઝિક ડિરેક્ટર નહીં બની શકે. વો કિતના ભી અચ્છા કામ કર લે, લોગોં કો યહી લગેગા કિ કહીં સે ચુરાયા હુઆ હૈ.

 - સાજિદ-વાજિદ, સંગીતકાર બેલડી 

Thursday, July 14, 2011

મા આખરે તો માણસ છે...

 


ચિત્રલેખા  
અંક તા. ૨૫ જુલાઈ ૨૦૧૧
કોલમઃ
વાંચવા જેવું                                                                                                      

 - એ કેટલા છોકરાઓ હતા?
એક રૂઆબદાર મહિલાએ પોતાના દીકરા સામે ‘શોલે’ના કિતને આદમી થે?ના અંદાજમાં ડાયલોગ ફેંક્યો.
 - ચાર.
 - અને તને ફક્ત ચાર છોકરાઓ મારી ગયા! પાછો જા અને એ ચારેયને ખોખરા કર્યા વગર પાછો ન આવતો.

દીકરામાં હિંમત આવી. એ ગયો અને ચારેયને ધીબેડીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો ઘરે પાછો ફર્યો. દાયકાઓ પછી દીકરો લખે છેઃ ‘મારી માતાએ તે દિવસે મારામાંથી એક વિજેતાને બહાર આણ્યો.’ ભીરૂ દીકરાને ભડવીર બનતા શીખવનાર એ માતાએ પછી છોકરો જુાન થયો ત્યારે બોલડાન્સ, વોલ્ટ્ઝ અને ફોક્સટ્રોટ ડાન્સ કરતાં પણ શીખવ્યું. આ રૂઆબદાર માનુની એટલે તેજી બચ્ચન અને પેલો છોકરો એટલે અમિતાભ બચ્ચન!

મા વિશે કેટલું લખી શકાય? શું લખી શકાય? જન્મદાત્રીનો આભાર માનવાનો હોય? કે પછી, પ્રતિષ્ઠિત નાટ્યલેખક પ્રવીણ સોલંકી કહે છે તેમ, ‘થેન્ક યૂ મમ્મી’ એ વાક્ય જ અવાસ્તવિક છે? નરેન્દ્ર મોદીએ ભલે ‘માનું  માર્કેટિંગ ન થાય’ એમ કહીને લેખ લખવાનું ટાળ્યું હોય, બાકી સંતાનો ધારે તો પોતાની જનની વિશે લખી શકે છે, દિલપૂર્વક લખી શકે છે અને સરસ લખી શકે છે. આ વાતની સાબિતી છે આ રૂપકડું પુસ્તક. વીર નર્મદથી લઈને ફિલ્મસ્ટાર પ્રાચી દેસાઈ સુધી અને મહાત્મા ગાંધીથી લઈને લોર્ડ ભીખુ પારેખ સુધીના ૪૭ સંતાનોના પોતાની મા વિશેનાં હૃદયસ્પર્શી લખાણો અહીં સંગ્રહ પામ્યાં છે.‘દિવ્ય ભાસ્કર’ના સ્ટેટ એડિટર અજય ઉમટનાં મમ્મી અનેક વખત મજાકમાં કહેતાંઃ ‘જો હું જાતને ન સાચવી શકું એવી પરવશ થઈ જાઉં તો મને પ્રેમથી વિદાય આપજો. મારો જીવ ન જતો હોય તો ‘પાકીઝા’નું થાડે રહીયો એ બાંકે યાર રે વગાડજો.’ માત્ર ૫૬ વર્ષની વયે એમનાં માતાજીએ લીધેલી વિદાય માટે ડાયાબિટીસ નિમિત્ત બન્યો, જ્યારે  જાણીતા કોલમિસ્ટ જય વસાવડાનાં માતાજીને જીવલેણ કેન્સરે હણી લીધાં. મમ્મી ભાંગી ન પડે તે માટે હકીકત છુ૫વવામાં આવી હતી. જોકે સ્વજનો અને તબીબો દઢપણે માને છે કે તેમને સચ્ચાઈની જાણ હતી જ. જય વસાવડા લખે છેઃ‘માત્ર મેં જે (બીમારી છૂપાવવાનું) નાટક કર્યું છે તેમાં હું રાજી રહું એટલે મૃત્યુપર્યંત એણે એક પણ વખત પીડા વચ્ચે પણ એનો પ્રગટ એકરાર ન કર્યો. પ્રેમની આનાથી વધુ મોટી પરાકાષ્ઠા કઈ હોઈ શકે?’

જાણીતા ફિલ્મ-ટીવીલેખક તથા કોલમિસ્ટ સંજય છેલની અટક વાયડા છે અને તેઓ પોતાની મમ્મીને તોફાનભર્યા વહાલથી ‘કુસુમ છેલ વાયડી’ કહે છે! સંજય છેલ લખે છેઃ ‘મમ્મીને મારા સુખની ચિંતા હતી અને મને મારા સુખની, મારાં સપનાંઓની. અને એ મારું સુખ મળવવાની સફરમાં મેં અને એણે એકબીજાંને ખૂબ દુખ આપ્યાં છે. અમે ખૂબ લડ્યાં ઝઘડ્યાં છીએ... મને સો ટકા ખાતરી છે કે મૃત્યુ પછીય મારી મમ્મી ભૂત બનીને મારી આસપાસ આવીને ફરકશે અને પૂછશેઃ ‘તું સુખી છે? તું જમ્યો? સવારે વહેલો ઉઠીશ? થોડો ડિસીપ્લીન્ડ થઈશ? થોડું ગંભીર લખીશ?’ વગેરે વગેરે વગેરે અને મા કમસ મને ભૂત કરતાંય વધારે આ પ્રશ્નોનો ડર લાગે છે...’

મા વિશેનાં લખાણો પૂજ્યભાવથી છલકાવા માંડતાં હોય તો એ સ્વાભાવિક છે, પણ જો લાગલગાટ આ જ પ્રકારના લેખોની હારમાળા રચાય તો પુસ્તકને એકાંગી, એકવિધ અને એકપરિમાણી બનતાં વાર ન લાગે. આ સંગ્રહનો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં માતૃત્વના કેટલાક અપ્રિય લાગે એવા રંગો પણ પ્રામાણિકતાપૂર્વક ઝીલાયા છે. તેને લીધે પુસ્તક મલ્ટિડાયમેન્શનલ બની શક્યું છે.

રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્ર ગોહિલને જન્મ તો આપ્યો જેસલમેરનાં રજવાડાંનાં કુંવરી રુક્મિણીદેવીએ, પણ માનો સાચો પ્રેમ મળ્યો દાઈમા રુખ્ખણ તરફથી. દાઈમાએ એમને સગા દીકરાથી વિશેષ ગણી એમને ઉછેર્યો, જ્યારે રુક્મિણીદેવી સાથેનો તેમનો પહેલેથી જ તંગ અને સૂકો રહ્યો. પોતે હોમોસેક્સ્યુઅલ છે એવી માનવેન્દ્રે ઘોષણા કરી ત્યારે રુક્મિણીદેવી દીકરા સામે યુદ્ધે ચડ્યાં હતાં. રાજઘરાનાની સંપત્તિમાંથી એમને રદબાતલ ઠેરવી દીધા અને અખબારોમાં મોટી જાહેરાત પણ આપી દીધી કે હવેથી માનવેન્દ્ર મારો દીકરો મટી ગયો છે. માનવેન્દ્ર કહે છે, ‘એમણે વળી ક્યારે મને પુત્ર ગણ્યો હતો કે હવે પુત્ર હોવાની ના પાડે છે? હું ક્યારેય એમનો પુત્ર હતો જ નહીં.’ માનવેન્દ્રે પોતાની સેક્સ્યુઅલિટીની જાહેરાત કરી તે પહેલાં જ દાઈમાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. માનવેન્દ્ર લખે છેઃ ‘મારા ગે હોવા વિશે દાઈમાને પણ બહુ મોટો આઘાત જરૂર લાગ્યો હોત, પણ એ અભણ બાઈએ મને આખરે તો સ્વીકારી જ લીધો હોત, કારણ કે એને તો એના લાલા સાથે પ્રેમ હતો, લાલો શું છે એની સાથે નહીં.’ ગે એક્ટિવિસ્ટ અશોક રાવ કવિને માનવેન્દ્ર પોતાની ત્રીજી મા, ગે-મા, ગણે છે!
આખા પુસ્તકમાં સંભવતઃ સૌથી ધ્યાનાકર્ષક લેખ હોય તો તે છે પત્રકાર જ્યોતિ ઉનડકટનો. તેઓ લખે છેઃ ‘માત્ર પ્રેમ જ એકતરફી નથી હોતો, ઘણી વખત નફરત પણ એકતરફી હોય છે. હા, ભાભીને (એટલે કે મમ્મીને) મારાં પ્રતિ એકતરફી નફરત છે. આજે કદાચ ભાભીને કોઈ પૂછે કે તમને સૌથી વધુ નફરત કોના ઉપર છે? તો એ મારું જ નામ લે.’ જ્યોતિની જીવનસાથીની પસંદગી પરિવાર પચાવી ન શક્યો અને તેમનો તીવ્ર રોષ, અબોલા અને સંબંધવિચ્છેદની સ્થિતિ એક દાયકા સુધી ખેંચાઈ. પણ પિતાનું મૃત્યુ થયું ત્યારે જ્યોતિથી ન રહેવાયું. અવસાનના છઠ્ઠા દિવસે જ્યોતિ પોતાનાં ઘરે ગયાં. ઈચ્છા તો માને વળગીને રડી લેવાની હતી, પણ સાડા સત્તર મિનિટની શુષ્કતા પછી જ્યોતિએ જ્યારે ઘરની બહાર પગ મૂક્યો ત્યારે માના શબ્દો કાનમાં પડઘાતા હતાંઃ ‘હું મરી જાઉં ત્યારે તું ન આવતી...’

માતૃપ્રેમના મહિમા વિશે કેટલાંય પુસ્તકો છપાયાં છે અને ભવિષ્યમાંય છપાતાં રહેશે. માનું માર્કેટિંગ ભલે ન થાય, પણ સંપાદકબેલડી અમીષા શાહ - મૃગાંક શાહ કહે છે તેમ, મા પ્રત્યેની ઈન્દ્રધનુષી લાગણીઓનું ઈમોશનલ શેરિંગ ચોક્કસ થાય. સુંદર છપાઈવાળું આ પુસ્તક લેખકોની પસંદગી તેમજ લખાણોની નક્કર પારદર્શિતાને લીધે વાંચનક્ષમ બન્યું છે એ તો નક્કી.                                                                   000થેંક યૂ મમ્મી

સંપાદકઃ અમીષા શાહ- મૃગાંક શાહ

પ્રકાશકઃ આવિષ્કાર પબ્લિશર્સ
વડોદરા-૯

વિતરકઃ આર. આર. શેઠની કંપની
ફોનઃ (૦૨૨) ૨૨૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩

કિંમતઃ  રૂ. ૨૪૪

પૃષ્ઠઃ ૩૦૦

Monday, July 11, 2011

વાછૂટ, ગંધ, ચીતરી, દિલ્હી બેલી ને એવું બધું..

                                                                   દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ  - ૧૦ જુલાઈ

કોલમઃ મલ્ટિપ્લેક્સ
.
આમિર ખાને આટલાં વર્ષોમાં જે ઉત્તમ કામગીરી બજાવી છે તેનો સંપૂર્ણ સ્વીકાર જ નહીં,  તેનું ગૌરવ પણ છે, પણ જો એની ‘દિલ્હી બેલી’ને  મહાન ફિલ્મ તરીકે પ્રસ્થાપિત કરવાની ચેષ્ટા થઈ રહી હોય તો બિપ્  બિપ્ અને એક ઓર વાર બિપ્.

-----------------------------------------


ડિકશનરીમાં જે અર્થ હોય તે, પણ સિનેમાની ભાષામાં કલ્ટ ફિલ્મ એટલે સીમાચિહ્નરૂપ ફિલ્મ, એક જોરદાર પ્રવાહ પેદા કરી નાખે એવી પ્રભાવશાળી, જેતે પેઢીને જ નહીં બલકે આવનારી પેઢીઓને પણ આકર્ષતી રહે તેવી ફિલ્મ. ‘મોગલ-એ-આઝમ’ કલ્ટ ફિલ્મો છે. ‘શોલે’ અને ‘બોબી’ કલ્ટ ફિલ્મો છે. નજીકના ભૂતકાળની વાત કરીએ તો ઈવન ‘દિલ ચાહતા હૈ’ને પણ કલ્ટ ફિલ્મ કહી શકો. કલ્ટ ફિલ્મનું સ્ટેટસ મેળવતા પહેલાં ફિલ્મે સમયની કસોટી પર પાર ઉતરવું પડે, વીતતાં જતાં વર્ષો વચ્ચે ફિલ્મ કેટલી રેલેવન્ટ રહી શકે છે તે ચકાસવું પડે...

...પણ અંગ્રેજી છાપાંની રંગીન પૂરવણીઓમાં લખાપટ્ટી કરતા અને ટીવી ચેનલો માટે હાથમાં માઈક લઈને દોડાદોડ કરી મૂકતા કરતા મનોરંજનિયા પત્રકારો પાસે ધીરજ ક્યાંથી હોવાની. તેઓ અંગ્રેજીમાં લખે-બોલે-વિચારે છે, અંગ્રેજીમાં દાંત કાઢે કરે છે અને વાછૂટ પણ અંગ્રેજીમાં કરે છે. એન્ડ વ્હેન શિટ હેપન્સ... મિડીયાનાં આ મુગ્ધ મનુષ્યપ્રાણીઓ રાજી રાજી થઈને, ઠેકડા મારતાં મારતાં, માત્ર ત્રણ જ દિવસમાં ‘દિલ્હી બેલી’ને ‘કલ્ટ ફિલ્મ’નો દરજ્જો આપી દે છે. શાબાશ. ફિલ્મ રિલીઝ થઈ એનું અઠવાડિયું પણ પૂરું થતું નથી અને આમિર ખાનસાહેબ  મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં ફિલ્મની સક્સેસ પાર્ટી ‘થ્રો’ કરે છે, જેમાં ફલતુ ટોઈલેટ હ્યુમરથી પુલકિત થઈ ગયેલાં આ મિડીયાબાજો હાથમાં દારૂનો ગ્લાસ લઈને સામસામા ટકરાવતા રહે છે.મિયાં આમિર માર્કેટિંગનો માસ્ટર માણસ છે અને તેનું તગડું પ્રચારતંત્ર છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી ઓવરટાઈમ કરી રહ્યું છે. ફિલ્મમાં ડી.કે. બોઝ નામનું કોઈ પાત્ર જ નથી, છતાં લોજિકની ઐસીતૈસી કરીને, કન્ટ્રોવર્સી પેદા કરવાના પાક્કા ઈરાદા સાથે આ ગાલીગલોચવાળું ગીત ધરાર ઘુસાડવામાં આવે છે અને ફિલ્મ રિલીઝ થાય એના અઠવાડિયાઓ પહેલાં તેને જોરદાર ચગાવવાનું શરૂ કરી દેવામાં માં આવે છે. મિસ્ટર આમિર એક પાર્ટી રાખે છે અને તેમાં ડી.કે. બોઝના માસિયાઈ ભાઈ જેવું ‘પેન્ચોર.. પેન્ચોર..’ ગીત લોન્ચ કરે છે. ઔર એક પ્રેસ કોન્ફરન્સ અને તેમાં આમિરે પોતે જેમાં શરીરના મધ્યભાગને ઝાટકા મારી મારીને ચક્રમ જેવો ડાન્સ કર્યો છે તે આઈટમ સોંગ ‘અનાવૃત’ કરવામાં આવે છે. સંગીત અને વિઝયુઅલ્સ બન્ને સ્તરે આ ગીત અત્યંત મામૂલી છે, પણ તોય મિડીયાની પેલી પ્રફુલ્લિત થઈ ગયેલી અંગ્રેજી જમાતને આ ગીત જોઈને સામૂહિક ઓર્ગેઝમ આવી જાય છે.

આમિર સાવ ક્ષુલ્લક કારણ આગળ ધરીને પ્રેસ કોન્ફરન્સ યોજે કે પાર્ટી ગોઠવે એટલે આ જમાત બધાય કામ પડતાં મૂકીને હુડુડુડુ કરતી હડી કાઢે છે.  આમિરની ઈવેન્ટ હોય તો જવું જ પડે, યુ નો. પછી આમિરે જે કંઈ સ્ક્રીન પર દેખાડ્યું હોય કે સ્ટેજ પરથી એ જે કંઈ ચરક્યો હોય તેની યોગ્યતા ચકાસવાની લપમાં પડ્યા વિના તેને વધુમાં વધુ ફ્રી પબ્લિસિટી આપવા માટે મિડીયામન્કીઓ વચ્ચે ભયાનક હરીફાઈ ફાટી નીકળે છે. આમિર પોતાની નવી ઉગાડેલી મૂછમાં મરકતો મરકતો ખેલ જોયા કરે છે. (બિપ્  બિપ્) મિડીયા મેનિપ્યુલેટ થવા માટે સામેથી હવાતિયાં મારતું હોય તો (બિપ્) કરો ને મોજથી મેનિપ્યુલેટ. અપુન કો તો યહી ચ મંગતા હૈ.     અંગ્રેજી ફિલ્મ રિવ્યુઅરોએ ‘દિલ્હી બેલી’ પર ઓળઘોળ થઈને, નેચરલી, વખાણનો વરસાદ વરસાવી દીધો છે. ‘દિલ્હી બેલી’ સ્માર્ટ ફિલ્મ છે, બોલીવૂડમાં કોમેડીના નામે સામાન્યપણે ઓડિયન્સ પર જે સિતમ ગુજારવામાં આવે છે (ઉદાહરણ તરીકે, ‘નો પ્રોબ્લેમ’ અને એના જેવી કૂડીબંધ ફિલ્મો)  એની તુલનામાં ‘દિલ્હી બેલી’ ફ્રેશ છે, ગતિશીલ છે અને તેનાં અમુક દશ્યો ખરેખર ખૂબ હસાવે છે તે કબૂલ. પણ આ કંઈ ‘જાને ભી દો યારોં’ નથી, પ્લીઝ. ‘દિલ્હી બેલી’ કરતાં ‘તેરે બિન લાદેન’ અને ‘ફસ ગયા રે ઓબામા’ ઘણી બેહતર ફિલ્મો હતી. ‘દિલ્હી બેલી’એ નથી એણે કોઈ ઊંચા નિશાન તાક્યાં કે નથી ઓહોહોહો કરવાનું મન થાય એવી કોઈ કમાલ કરી. ફિલ્મની હિન્દી આવૃત્તિ કરતાં હિંગ્લિશ વર્ઝન વધારે સારું છે. મહાનગરોમાં વસતા પોતાનાં ટાર્ગેટ ઓડિયન્સને રિઝવવામાં ફિલ્મ સફળ થઈ છે.  ગયાં અઠવાડિયાના શુક્રશનિરવિ દરમિયાન દેશભરની ૧૨૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘દિલ્હી બેલી’એ બોક્સઓફિસ પર ૨૧.૨૨ કરોડ રૂપિયાનો વકરો કર્યો. સોમવારે પણ ફિલ્મ ઢીલી ન પડી. તેની સામે ૧૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘બુઢા હોગા તેરા બાપ’એ પહેલા ત્રણ દિવસમાં ૬.૨૭ કરોડનું કલેક્શન કર્યું. અભિષેકના બુઢા બાપને ઈમરાન ખાનનો આધેડ આમિરમામો ભારે પડ્યો. આ બન્ને ફિલ્મોની સિક્વલની વાતો અત્યારથી સંભળાવા લાગી છે. 

આમિર ખાન એક અફલાતૂન એક્ટર, કાબેલ ડિરેક્ટર અને એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોડ્યુસર છે તેની ના નહીં. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય પોઝિટિવ ચેન્જીસ લાવવામાં આમિરનો સિંહફાળો છે તે વાત સાથેય કોઈ અસહમતી ન હોઈ શકે. આમિરે આટલાં વર્ષોમાં જે ઉત્તમ કામગીરી બજાવી છે તેનો સંપૂર્ણ સ્વીકાર જ નહીં,  તેનું ગૌરવ પણ છે. તેની ‘લગાન’ને પાક્કા મેરિટ પર કલ્ટ ફિલ્મનો દરજ્જો મળ્યો છે... પણ આ બધાનો અર્થ એવો બિલકુલ નહીં કે આમિરને સતત ગુલાબી ચશ્મા પહેરીને જોયા કરવાનો. એના સારાં પાસાંનો પૂરેપૂરો આદર હંમેશાં રહેવાનો, પણ એ જો મિડીયાના એક ચોક્કસ વર્ગ થકી ‘દિલ્હી બેલી’ને  મહાન ફિલ્મ તરીકે પ્રસ્થાપિત કરવાની ચેષ્ટા કરતો હોય તો બિપ્  બિપ્ અને એક ઓર વાર બિપ્.

શો સ્ટોપર

‘મર્ડર’ પાર્ટ-વનમાં મલ્લિકા શેરાવત મારી હિરોઈન હતી તે સાચું પણ,પણ પછી એણે હોલીવૂડ જઈને શું શું કર્યું તે તે જાણવામાં મને રસ પણ નથી અને સમય પણ નથી.   

-  ઈમરાન હાશ્મિ

Tuesday, July 5, 2011

એમ.એફ. હુસેનના પ્રેમના પ્રયોગો

અહા! જિંદગી - જુલાઈ  ૨૦૧૧

ટેગ : ફલક


અવ્યક્ત અને અધૂરા રહી ગયેલા સંબંધમાં એક પીડામિશ્રિત સૌંદર્ય હોય છે. તે સંબંધ હંમેશાં એક કસક બનીને રહી જતા હોય છે, જીવનની અંતિમ ક્ષણ સુધી.દંતકથારૂપ બની ગયેલા વિખ્યાત ચિત્રકાર મકબૂલ ફિઝા હુસેનને એક વાર મુંબઈના આશિષ નાગપાલ નામના એક આર્ટ ગેલેરીના માલિકે પૂછેલુંઃ ‘હુસેનસા’બ, તમારામાં આટલું બધું જોશ છે, આટલો ઉત્સાહ છે... શું છે તમારા એનર્જી લેવલનો રાઝ?’ એમ.એફ. હુસેને તરત જવાબ આપ્યો હતોઃ ‘હું દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખું છું!’

હુસેનસાહેબ મુંહફટ માણસ હતા. તેમણે ‘અન અનફિનિશ્ડ પોટ્રેઈટ ઓફ એમ.એફ. હુસેન’ નામના પુસ્તકમાં પણ કેટલીય નાજુક અને અંગત વાતો બેધડક કરી છે. ઈલા પાલે લખેલું આ અફલાતૂન પુસ્તક હુસેનસાહેબની અધિકૃત જીવનકથા છે. લેખિકા સાથે ખુલ્લા દિલે કરેલી ચિક્કાર વાતોમાંથી તેમના જીવનના કંઈ કેટલાય રંગો સરસ રીતે ઊપસી આવે છે.

દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખવાની વાત કરતા હુસેનસાહેબના જીવનમાં કઈ અને કેવી સ્ત્રીઓ આવેલી? 

હુસેનસાહેબને સ્ત્રી સાથેનો સૌથી પહેલો અનુભવ ખાસ્સો સ્થૂળ પુરવાર થયો હતો. તે વખતે તેઓ હજુ તરુણ વયના હતા અને પરિવાર સાથે ઈન્દોરમાં રહેતા હતા. તેમની કામવાળીની એક દીકરી હતી, જે લગભગ હુસેનની જ ઉંમરની હતી. માને મદદ કરવા એ પણ રોજ ઘરે આવતી. હુસેનનો એક કઝિન આ છોકરી સાથે ખૂબ આગળ વધી ગયેલો. એની ‘સાહસકથાઓ’ સાંભળીને લબરમૂછિયા હુસેનને શૂરાતન ચડ્યું. એકવાર પેલી ઘરના બગીચામાં હીંચકા ખાતી હતી. હુસેન લાગ જોઈને ત્યાં પહોંચી ગયા અને આજુબાજુ નજર ઘુમાવી લીધીઃ કોઈ જોતું તો નથીને? જેવો હીંચકો નજીક આવ્યો કે એમણે છોકરીને પાછળથી જકડી લીધી.‘કોઈ સ્ત્રીના શરીરનો આ મારો પહેલો સ્પર્શ...!’ હુસેનસાહેબે પુસ્તકમાં કહ્યું છે, ‘હું એટલો બધો ઉશ્કેરાઈ ગયો હતો અને આ અનુભવ એટલો બધો  તીવ્ર હતો કે એનો નશો મારા દિલદિમાગ પર દિવસો સુધી છવાયેલો રહ્યો. એ બનાવ પછી હું કામવાળીની દીકરી સાથે છૂટ લેવાની ઘણી વાર કોશિશ કરતો. એક વાર એને ઘરના માળિયા પર ખેંચી જઈને ચૂમી લીધી હતી...  બસ, આનાથી આગળ વધવાની મારી કદી હિંમત ન ચાલી!’

*  *  *

હુસેન ઓગણીસ વર્ષની ઉંમરે ઈન્દોરથી મુંબઈ આવી ગયા હતા. તેમને પેઈન્ટર બનવું હતું. શરૂઆત તેમણે ફિલ્મોનાં વિશાળ કદનાં બિલબોર્ડ્ઝ એટલે કે હોર્ડંિગ્ઝ બનાવવાથી કરી. તેઓ ફૂટપાથ પર સૂઈ રહેતા. મહેમૂદાબીબી નામનાં એક પ્રૌઢ વિધવા પોતાના ઘરમાં વીશી ચલાવતાં ત્યાં તેઓ જમી લેતા. મહિનાને અંતે હિસાબ થતો. મહેબૂદાબીબીને હુસેન સાથે ખૂબ માયા બંધાઈ ગઈ હતી. માની જેમ તેઓ હુસેનની ચિંતા કરતાં. એમના ઘરના લોકોને જોકે આ પસંદ નહોતું. ખાસ કરીને મોટા દીકરાને. તે કહેતોઃ અમ્મી, ઘરાક સાથે ઘરાક જેવું વર્તન કરવાનું હોય, આ હુસેનને તું આટલી આળપંપાળ શું કામ કરે છે?
એક વાર હુસેન બે મહિના સુધી જમવાના પૈસા ન ભરી શક્યા. મહેમૂદાબીબીનો દીકરો ભડક્યો અને હુસેનને શોધવા નીકળી પડ્યો. ફૂટપાથ પર સૂતેલા હુસેનને એણે ખેંચીને બહાર કાઢ્યા અને ધમકી આપીઃ કાલે તે પૈસા ન આપ્યા તો તારા હાડકાં ખોંખરાં કરી નાખીશ!

હુસેન માટે કંઈ આ નવું નહોતું. અગાઉ ચાવાળા, ધોબી વગેરે એમને આ રીતે ધમકાવી ચૂક્યા હતા પણ મહેમૂદાબીબીની દીકરાનો આ વર્તાવ એમનાથી સહન ન થયો. બિસ્તરાની ગાંઠ વાળી અને પોતાની ચીજવસ્તુઓને થેલામાં નાખી તેઓ રાતોરાત ઈન્દોરભેગા થઈ ગયા. થોેડા મહિનાઓમાં મુંબઈથી એક ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરનું કહેણ આવ્યુંઃ એક નવી ફિલ્મ આવી રહી છે, એના બિલબોર્ડ્ઝ બનાવવાનાં છે, આવી જા.

હુસેન પાછા મુંબઈ આવ્યા. ડિસ્ટ્રિબ્યુટર પાસેથી એડવાન્સ મહેનતાણું મેળવ્યું અને સૌથી પહેલાં સૌની ઉધારી ચૂકવી દીધી. મહેમૂદાબીબીને તો બે મહિનાનું ફૂડબિલ એડવાન્સ ચૂકવી દીધું.

બિલબોર્ડ પેઈન્ટર તરીકે હુસેને સારી જમાવટ કરી હતી. એક દિવસ હિંમત કરીને એમણે મહેમૂદાબીબી પાસે એમની દીકરી ફઝિલાનો હાથ માગ્યો. હુસેનનો તર્ક સાદો હતો. તેમણે વિચાર્યું કે મા આટલી ભલી છે તો દીકરીમાં એના થોડાઘણા ગુણ તો ઊતર્યા જ હશે ને! મહેમૂદાબીબીએ જિંદગીમાં  ખૂબ દુખ જોયાં હતાં અને સંઘર્ષ વેઠ્યો હતો. પરિશ્રમ અને કૌશલ્યનું મૂલ્ય એ સમજતાં હતાં. તેણે જોયું કે આ છોકરો ખૂબ મહેનતુ છે અને સારા સંપર્કો પણ બનાવી રહ્યો છે. તેણે હુસેનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પરિવારના સભ્યો નારાજ થયા, ખાસ કરીને મોટા દીકરાએ તો ખૂબ વિરોધ કર્યો, પણ મહેમૂદાબીબી મક્કમ રહ્યાં.

સંબંધ નક્કી થયો એટલે હુસેન પોતાની ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વિશે ભાવિ પત્ની ફઝિલા સાથે વાત કરવા ઉત્સુક બન્યા. એક વાર રાત્રે ફૂટપાથ પર લોકોની અવરજવર ઓછી થઈ એટલે તેઓ ફઝિલાને કાગળ લખવા બેઠા. દસ પાનાંના આ પત્રમાં તેમણે કેટલીય આદર્શવાદી વાતો લખી હતી. પત્ર તો લખાઈ ગયો પણ ફઝિલાના હાથમાં તે મૂકવાનો જીવ ન ચાલ્યો. ફઝિલા ક્યારેક બાલ્કનીમાંથી નીચે  ફૂટપાથ પર કામ કરી રહેલા હુસેનને ઈશારો કરતીઃ ઘરે કોઈ નથી, આવી જાઓ.

‘આ સંદેશો આપવાની ફઝિલાની ચોક્કસ રીત હતી,’ એમ.એફ. હુસેન કહે છે, ‘તે બાલ્કનીની પાળી પર સાબુ રાખવાનું લાલ રંગનું બોક્સ મૂકી દેતી. હું નીચે ફૂટપાથ પર હોર્ડંિગ્ઝ ચિતરતો હોઉં. આ લાલ બોક્સ જોઉં એટલે હું સમજી જાઉં કે એ ઘરે એકલી છે અને હું તરત ઉપર દોડી જાઉં... પણ એકાંત હોય તોય હું ના તો એને ભેટું કે ના ચૂમવાની કોશિશ કરું. હું એના ઘરે જઈને બેસું એટલે એ મારા માટે ચા મૂકે. પછી હું ચા પીઉં અને આ દરમિયાન અમે એકબીજાં સામે અછડતી નજર નાખતાં રહીએ. બસ, આટલું જ. આ અમારો રોમાન્સ. મારા મનમાં પ્રેમિકા અને આદર્શ જીવનસાથીની એક કલ્પના હતી. ફઝિલામાં એ કલ્પના સાકાર થતી જોવા માટે એની સાથેનો મારો આટલો પરિચય પૂરતો થઈ પડતો.’ 
આખરે ૧૧ માર્ચ ૧૯૪૧ના રોજ હુસેન અને ફઝિલાના નિકાહ થયાં. ઈન્દોરથી હુસેનના પિતા અને થોડા મિત્રો આવ્યા. વિધિ પછી સૌને ખજૂર ખવડાવીને મોં મીઠું કરવામાં આવ્યું.

હુસેન પાસે ઘર તો હતું નહીં. ફઝિલાને રાખવી ક્યાં? નાસિર નામના એક ટપાલીને હુસેન માટે ખૂબ લાગણી હતી. કોઈ ચાલીમાં તેની બે રૂમ હતી. એણે કહ્યુંઃ મારે બે રૂમની કશી જરૂર નથી. આજથી એક રૂમ તું અને ફઝિલા વાપરો.

હુસેને નાના કરી, પણ નાસિર ના માન્યો. રાત્રે દસેક વાગે નાનકડી ખોલીમાં હુસેન ફઝિલાને લઈને પહોંચી ગયા. આજે તેમની સુહાગરાત હતી. છવ્વીસ વર્ષના હુસેન હજુ સુધી વર્જિન હતા અને સ્ત્રીઓના મામલામાં લગભગ બિનઅનુભવી રહી ગયા હતા. હા, તરુણ વયે પેલી કામવાળી દીકરી સાથે થોડી મસ્તી કરેલી. મુંબઈ આવ્યા પછી કોઈ મવાલીઓએ એમને એકવાર બળજબરીથી વેશ્યા પાસે ધકેલી મૂક્યા હતા. હુસેન એની સાથે સંબંધ બાંધી ન શક્યા. મવાલીઓએ પછી ખૂબ ઠેકડી ઉડાવેલીઃ તું તો સાલો નપુંસક છે, તારે ટ્રીટમેન્ટની જરૂર છે...

MF Hussain with wife Fazila


જોકે હુસેન મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણતા હતા ત્યારે કંઈક જુદી જ અનુભૂતિ થયેલી. વિદ્યાર્થીઓએ ફિગર સ્ટડીના ભાગરૂપે લાઈવ મોડલનું પોટ્રેઈટ બનાવવાનંુ રહેતું. એક સ્ત્રી વીસેક વર્ષથી મોડલ તરીકે કામ કરતી. ખાસ્સી રૂપાળી હતી એ. સુંદર વળાંકદાર શરીર, ઉણત ઉરોજ. તેનાં અંગોઉપાંગો દોરતી વખતે હુસેન ઉશ્કેરાઈ જતા, તેમનું શરીર ગરમ થઈ જતું. અને પછી હુસેન ગુંચવાઈ જતા. એમને સમજાતું નહીં કે પેલાઓ મને નપુંસક.. નપુંસક કહ્યા કરે છે તો પછી આ શું છે?
સુહાગરાતે ફઝિલા પલંગ પર રાહ જોતી બેઠી હતી. લીલા રંગના સાટીનના ઓછાડ પર હજુ સુધી એક પણ કરચલી પડી ન હતી. હુસેનને એક વાત સમજાઈ ગઈ હતીઃ જ્યાં સુધી હું ફઝિલાને પેલો પ્રેમપત્ર નહીં આપું ત્યાં સુધી શારીરિક સ્તરે આગળ વધી નહીં શકું. પત્ર એમના પાયજામાના ખિસ્સામાં જ હતો. એમણે ધીરેથી કાગળ બહાર કાઢ્યો. પણ એમના મનમાં અનિશ્ચિતતા ઘૂમરાઈ રહી હતીઃ ક્યાંક આ પ્રેમપત્રનો અંજામ પણ મેં સુરૈયાને લખેલા લવલેટર જેવો નહીં થાયને?
કોણ હતી આ સુરૈયા?

*  *  *

સોળ વર્ષના હતા ત્યારે હુસેનને હમીદ નામના  પોતાના સૌથી ખાસ દોસ્તની બહેન બહુ ગમતી. એનું નામ સુરૈયા. એ માંડ પંદરેક વર્ષની હશે. કદાચ એના કરતાંય નાની. બહુ જ સુંદર હતી એ. બિન્ધાસ્ત પણ એવી જ. હુસેન એના ઘરે ગયા હોય ત્યારે વધારે સમય રોકાઈ શકે તે માટે સુરૈયા કોઈને કોઈ કારણ  ઊભું કરતી. જરૂર ન હોય તોય ભાઈનો સંદેશો હુસેનને પહોંચાડવા આવતી. આ બધા પરથી હુસેનને લાગતું કે આપણે પણ સુરૈયાને ગમીએ છીએ તો ખરા જ!

એક વાર હુસેને ખુલ્લા ખેતરમાં બેઠાબેઠા સુરૈયાને એક લાંબોલચ્ચ પ્રેમપત્ર લખી નાખ્યો. ‘પણ આ કાગળમાં મેં એટલી બધી ફિલોસોફી ઠાલવી હતી કે ન પૂછો વાત!’ હુસેનસાહેબ આ કિસ્સો યાદ કરીને પછી હસી પડતા. ‘તેમાં મેં ઉર્દૂ અને પર્શિયન કવિતાઓ ય છાંટી હતી. સુરૈયાને આપતાં પહેલાં આ લેટર મેં હમીદને વંચાવેલો. આવો ભારેખમ પ્રેમપત્ર વાંચીને હમીદ હસી પડેલો. મને કહે, જા, આપી દે સુરૈયાને.’

પણ એમ પ્રેમપત્ર આપવાની હિંમત કેવી રીતે ચાલે? હુસેનને પહેલેથી જ ચિત્રકામ સારું આવડે એટલે સુરૈયાના આખા ઘરના તમામ અરીસા અને કબાટ પર મોર, પોપટ, તળાવ ને એવું બધું ચિતરવામાં ખૂબ સમય પસાર કર્યો પણ સુરૈયાના હાથમાં પેલો કાગળ ન જ મૂકી શક્યા. આ છોટીસી લવસ્ટોરીનો ત્યાં જ અંત આવી ગયો. આમેય  સુરૈયાના પિતાજીને ફક્કડ ગિરધારી જેવા હુસેન દીઠા નહોતા ગમતા. એમને થતું કે આખો દિવસ ચિતરામણ કર્યા કરતો આ છોકરો આગળ જતા પોતાનાં બીવીબચ્ચાંનું શું પેટ ભરવાનો? સુરૈયા માટે તો હું પૈસાદાર ઘરનો વેપારધંધો કરતો છોકરો શોધીશ. થયું પણ એમ જ. સુરૈયા પરણીને સાસરે પાકિસ્તાન ચાલી ગઈ.

‘સુરૈયા શબ્દનો અર્થ શું થાય છે, જાણો છો?’ એમ.એમ. હુસેન કહે છે, ‘સુરૈયા એટલે આકાશમાં રચાતું સાત તારાઓનું ઝૂમખું. સપ્તર્ષિ. એક પર્શિયન શેર છે -
રિશ્તે અવ્વલ યું નાદાં મેમાર કઝ
વા સુરૈયા મી રવાદ દીવાર કઝ
આનો મતલબ છે, જો કડિયાએ પાયામાં મૂકેલી પહેલી જ ઇંટ ખામીવાળી હશે તો એના પર ઊભી થયેલી ઈમારત પણ ખામીવાળી જ હોવાની, પછી ભલેને તે આકાશના સપ્તર્ષિ જેટલી ઊંચી કેમ ન હોય. સુરૈયા સાથેના મારા સંબંધના પાયામાં મેં પહેલી જ ઇંટ ખોટી મૂકી દીધી હતી...’

વર્ષો પછી, ૧૯૯૦માં, હુસેનસાહેબે પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધી. તે વખતે તેઓ ૭૫ વર્ષના હતા.  પહેલી વાર વડા પ્રધાન બનીને તાજાંતાજાં ડિસમિસ થયેલા બેનઝીર ભુટ્ટોના તેઓ મહેમાન બન્યા. બીજા ઘણા લોકોને મળ્યા. પેઈન્ટિંગ્સ પણ બનાવ્યા. પાકિસ્તાની મીડિયાએ હુસેનસાહેબ વિશે ખૂબ લખ્યું.

‘આ સિવાય મેં કશુંક કર્યું. જાણો છો, શું? એક બપોરે હું સુરૈયાના ઘરે ગયો. મારો એક જૂનો મિત્ર મારી સાથે આવેલો. સુરૈયા તો ખુદાને પ્યારી થઈ ચૂકી હતી. તેના પતિ પણ નહોતા રહ્યા. તેમના દીકરાઓ અને તેમનાં બીવીબચ્ચાં ઘરે હતાં.’

શરૂઆતમાં તો સુરૈયાના દીકરાઓએ હુસેનસાહેબ સાથે બહુ ખરાબ વર્તન કર્યું, મોટા દીકરાએ તો એમને ગેટ આઉટ સુધ્ધાં કહી દીધું. જોકે થોડી વારે સૌ ટાઢા પડ્યા. એક દીકરો અંદર જઈને ફેમિલી આલબમ  લઈ આવ્યો.

‘આલબમનાં પાનાં ફરતાં ગયાં તેમ તેમ મારો ફફડાટ વધતો ગયો,’ હુસેનસાહેબ કહે છે, ‘કારણ કે મારે વૃદ્ધ થઈ ગયેલી, કરચલીઓવાળી, અશક્ત સુરૈયાને નહોતી જોવી. સદનસીબે એવો એક પણ ફોટો નહોતો. હા, ગ્રુપ ફોટોગ્રાફ્સ હતા, સિત્તેરના દાયકાના, પણ તે એટલા દૂરથી લેવાયેલા કે સુરૈયા તેમાં દેખાતી પણ નહોતી. સુરૈયા પરણી ગઈ પછી એની સાથે મારી ક્યારેય વાત નહોતી થઈ. મને ફક્ત તેનો ચહેરો યાદ હતો... અને મારા માટે એ જ મહત્ત્વનું હતું. સુરૈયાના ચહેરાની સ્મૃતિ છ-છ દાયકાઓથી મારાં મનમાં સચવાયેલી હતી અને તેમાં ખલેલ નહોતી પહોંચાડવી...’

હુસેનસાહેબ અને તેમના મિત્ર આખરે જવા માટે ઊભા થયા. તેઓ દરવાજાની બહાર નીકળે તે પહેલાં સુરૈયાના મોટા દીકરાએ તેમને અટકાવ્યા અને ધીમેથી પૂછ્યુંઃ હુસેનસા’બ, તમારે અમ્મીનો ફોટો જોઈએ છે?

Suraiya: MF Hussain's first love


હુસેનસાહેબ માની ન શક્યા. હજુ થોડા સમય પહેલાં પોતાને ઘરમાંથી હાંકી કાઢવા માગતો  માણસ આ શબ્દો ઉચ્ચારી રહ્યો છે? આટલું ઓછું હોય તેમ મોટા દીકરાએ ઉમેર્યુંઃ તમારે અમ્મીની કબર જોવી હોય તો હું તમને ત્યાં પણ લઈ જઈ શકું છું...

‘મેં સુરૈયાની મજાર પર પ્રાર્થના કરી,’ એમ.એફ. હુસેન કહે છે, ‘મને એવું લાગ્યું કે જાણે હું સુરૈયાનું ઋણ ઉતારી રહ્યો છું, જાણે કે એના આત્માને મુક્તિ આપી રહ્યો છું. હું મારી હોટલના રૂમ પર પાછો ફર્યો, પણ હું ખૂબ બેચેન હતો. આખી રાત મને ઊંઘ ન આવી. અચાનક મધરાતે મને છાતીમાં તીવ્ર પીડા ઊપડી. હું પથારીમાં બેઠો થઈ ગયો. મારાથી શ્વાસ નહોતો લેવાતો. હું રડવા માંડયો. હું બેફામ રડ્યો, આખી જિંદગીમાં ક્યારેય ન રડ્યો હોઉં એટલું રડ્યો. મારાં આંસુ અટકવાનું નામ નહોતાં લેતાં. આખરે મારું રુદન અટક્યું. મને અપાર શાંતિનો અનુભવ થયો. બાળક જન્મે છે ત્યારે જીવનની શરૂઆત રડવાથી કરે છે. આ રુદન પછી મને લાગ્યું કે જાણે આ ધરતી પર શરૂ થયેલી મારી સફર આખો ચકરાવો લઈને પાછી એ જ બિંદુ પર પહોંચી ગઈ છે. હવે કોઈ ઈચ્છા બાકી રહી નથી, હવે કોઈ અફસોસ નથી...’
એમ. એફ. હુસેને એક કવરમાં સુરૈયાની તસવીર સાચવીને રાખી મૂકી હતી. આ કવર પર એમણે લખ્યું હતુંઃ
‘ઓલ માય લાઈફ આઈ હેવ વેઈટેડ ફોર યુ, એન્ડ વ્હાઈલ વેઈટિંગ, હાઉ મેની આઈ હેવ લવ્ડ.’ એટલે કે મેં આખી જિંદગી તારી પ્રતીક્ષા કરી છે, અને તારી રાહ જોતા જોતા કોણ જાણે કેટલીય વ્યક્તિઓને મેં પ્રેમ કર્યો છે...

*  *  *

ફઝિલા એક મજબૂત સ્ત્રી હતી. તે હુસેનની મહત્ત્વાકાંક્ષાઓથી સારી રીતે વાકેફ હતી. હુસેનને તે હંમેશાં કહેતીઃ તમતમારે પેઈન્ટિંગ કરો. ઘર કેવી રીતે ચલાવવું તેની ચિંતા મારા પર છોડી દો. એમ.એફ. હુસેનને પછી તો ઘણી સ્ત્રીઓ સાથે દોસ્તી થઈ. પ્રાગમાં વસતી મારિયા નામની બૌદ્ધિક મહિલા સાથે વર્ષો સુધી તેમણે પત્રવ્યવહાર કરેલો. પરવીન બાબીથી લઈને માધુરી દીક્ષિત સુધી અને તબુથી લઈને અનુષ્કા સુધીની સિનેમાની કેટલીય નાયિકાઓ તેમને આકર્ષતી રહી, તેમની પ્રેરણામૂર્તિ બનતી રહી... પણ આ તમામ સ્ત્રીઓમાં સુરૈયા સાથેનો તેમનો સંબંધ સૌથી વિશિષ્ટ અને કદાચ સૌથી ખૂબસૂરત બની રહ્યો.

અવ્યક્ત અને અધૂરા રહી ગયેલા સંબંધમાં એક પીડામિશ્રિત સૌંદર્ય હોય છે. તે હંમેશાં એક કસક બનીને રહી જતા હોય છે, જીવનની અંતિમ ક્ષણ સુધી. 000

Monday, July 4, 2011

હસમુખ ગાંધીએ અણ્ણા હઝારે - બાબા રામદેવ વિશે શું લખ્યું હોત?

ચિત્રલેખા - અંક તા. ૧૧ જલાઈ ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું


Hasmukh Gandhi (Photographs courtesy: Saurabh Shah)

એબનોર્મલ દૈનિક.

પોતે જણેલા અને પોષેલા અખબાર ‘સમકાલીન’ માટે હસમુખ ગાંધી સ્વયં આ શબ્દપ્રયોગ કરતા. અખબાર અથવા સામયિક જો એના તંત્રીના વ્યક્તિત્ત્વનું પ્રતિબિંબ ગણાતું હોય તો એ ન્યાયે સ્વ. હસમુખ ચીમનલાલ ગાંધી (જન્મઃ૧૯૩૨, મૃત્યુઃ ૧૯૯૯) પણ એબનોર્મલ માણસ ગણાય. તંત્રી હસમુખ ગાંધી માટે, અલબત્ત, ‘એબનોર્મલ’ કરતાં ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી’ શબ્દ વાપરવો પડે. તે સિવાય ‘ગાંધીભાઈના આગમન પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ’ અને ‘ગાંધીભાઈના ‘સમકાલીન’ પછીનું આધુનિક ગુજરાતી પત્રકારત્વ’ એવા જે બે સ્પષ્ટ ભાગ પડ્યા છે તે ન પડ્યા હોત.ગાંધીભાઈના ગાંધીત્વનો આબાદ પરિચય કરાવતું એક સુંદર પુસ્તક, એટલા જ મજાનાં અન્ય ચાર પુસ્તકો સાથે, તાજેતરમાં બહાર પડ્યું છે. સંપુટનું નામ છે, ‘મારા મનગમતા તંત્રીલેખો’. બાકીનાં ચાર પુસ્તકોમાં ભગવતીકુમાર શર્મા (‘ગુજરાત મિત્ર’), શાંતિલાલ શાહ (‘ગુજરાત સમાચાર’), કુંદન વ્યાસ (‘જન્મભૂમિ’) અને અજય ઉમટ (‘દિવ્ય ભાસ્કર’) લિખિત ચુનંદા તંત્રીલેખોનો સંગ્રહ છે. સીમિત જગ્યાને કારણે આપણે અત્યારે હસમુખ ગાંધીના તંત્રીલેખો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.હસમુખ ગાંધી કલમથી પટ્ટાબાજી ખેલતા અને કોઈને ન બક્ષતા. ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ પ્રકાશિત થયેલા ‘સમકાલીન’ના સૌથી પહેલા અંકના તંત્રીલેખમાં ગાંધીભાઈએ ગર્વિષ્ઠ ઘોષણા કરી હતીઃ ‘છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય એવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દોઃ આ બધાને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે.’ આ ઠાલા શબ્દો નહોતા, ગાંધીભાઈએ આ પ્રમાણે કરી બતાવ્યું.માહિતીની સમૃદ્ધિ, વૈચારિક સ્પષ્ટતા અને તીખીતમતી ભાષા - ગાંધીભાઈના લખાણમાં આ ત્રણેયનું ડેડલી કોમ્બિનેશન થતું. એમની ચીડ અને અણગમો હંમેશા તીવ્રતાથી વ્યક્ત થતાં. મધર ટેરેસા વિશે બીબીસીએ એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એના સંદર્ભમાં ‘નરકની દેવીનો ભાંડો ફૂટે છે’ એવું શીર્ષક ફટકારીને ગાંધીભાઈએ લખ્યું હતુંઃ ‘મધર ટેરેસાની અસ્કયામતો ત્રીજા વિશ્વના અનેક દેશોની એસેટ્સ કરતાં ચડી જાય એટલી વિરાટ છે. મધર ટેરેસાની પ્રવૃત્તિઓથી કોને લાભ થાય છે? તો કે હીણા ડિટેક્ટરોને, વેટિકનને અને ભ્રષ્ટ લોકોને. સેવા? ક્રાઈસ્ટ, ક્રાઈસ્ટ કરો.’ ઘોંઘાટ વિશેના એક તંત્રીલેખમાં તેમણે ત્રસ્ત થઈને લખ્યું હતુંઃ ‘સૌથી દુષ્ટ પેલા હરેરામકૃષ્ણવાળા છેઃ ઝાંઝપખાજ વડે પિક અવર વખતે ચર્ચગેટ સ્ટેશનમાં તેઓ નાચે છે અને બહાર પુસ્તકો વેચવા માટે માઈકનો ઉપયોગ કરે છે.’હસમુખ ગાંધી વિશેના એક લેખમાં પત્રકાર-લેખક સૌરભ શાહે લખ્યું છેઃ ‘ગુજરાતી ભાષામાં છપાઈને પડી રહેલું શબ્દનું રૌદ્ર સ્વરૂપ બહાર લાવવાની તેમનામાં જબરદસ્ત ફાવટ. કોઈ નીતિ, વ્યક્તિ કે ઘટના, વિચારની સાથે તેઓ સહમત ન થતા હોય ત્યારે એમની ભાષા સત્તરે કળાએ ખીલી ઊઠતી, સત્તરમી કળા પેપરવેઈટ ઉછાળવાની.’સહેજે વિચાર આવે કે ગાંધીભાઈ અત્યારે જીવતા હોત તો અણ્ણા હઝારે અને બાબા રામદેવે ઘટનાઓનો જે વંટોળ ઊભો કર્યો છે તેના વિશે કેવું કચકચાવીને લખતા હોત! લંપટ સ્વામી કેશવાનંદનો કિસ્સો બહુ ચગ્યો હતો તે વખતે ગાંધીભાઈએ અંધશ્રદ્ધાળુઓને તો ઠીક, ગુજરાતી અખબારોની પણ બરાબરની ખબર લઈ નાખી હતીઃ ‘ગુજરાતી અખબારોએ વર્ષો સુધી દોરાધાગા, મૂઠમાદળિયાં, વળગાડઉતાર, વહેમ અને અંધશ્રદ્ધાને પોષ્યાં છે. આ અખબારોએ વાંઝિયણ સ્ત્રીને બાળક અવતરે એવો મંત્ર અને એ માટેનું યંત્ર આપનાર ધુતારાઓની ચિક્કાર જાહેરખબરો છાપી છે. હવે આ જ દૈનિકો દિવસો સુધી કેશવાનંદને ટપલી મારતા અગ્રલેખો બહાદુરીપૂર્વક છાપશે. કેવી છલના. કેવી આત્મવંચના. કેવાં બેવડાં ધોરણો.’પત્રકારત્વ ગાંધીભાઈનું પેશન હતું. ગુજરાતી જર્નલિઝમના તેઓ ‘બિગ ડેડી’ હતા. ગુજરાતી છાપાંમેગેઝિનો, તેમાં કામ કરતા માનવપ્રાણીઓ અને ઈવન વાચકો વિશે વાત કરતી વખતે તમની કલમ જબરી ઉત્તેજિત થઈ જતી. એક લેખમાં તેઓ આકળવિકળ થઈને લખે છેઃ ‘૨૫ ઈન્કમ્બન્ટ તંત્રીઓ અને ૨૫ ભૂતપૂર્વ તંત્રીઓને રાખીને તમે ગુજરાતી પેપર કાઢો તોય એ પેપર ખરાબમાં ખરાબ અંગ્રેજી દેનિક કરતાંય ઊતરતું હશે. આમ કહેવાથી આપણી ગુજરાતી અસ્મિતા ઘવાતી હોય તો તમે, મિસ્ટર નૌતમલાલ ઠક્કર, બે કેરીના રસની સાથે રોટલી વધુ ખાજો. ગુજરાતીમાં (ફોર ધેટ મેટર, વર્નાક્યુલર ભાષાઓમાં) પત્રકારત્વ હતું જ નહીં, છે જ નહીં અને હશે જ નહીં.’નોતમલાલ ઠક્કર એટલે ગાંધીભાઈએ પેદા કરેલું પોતાના ઓલ્ટર ઈગો જેવું એક કાલ્પનિક પાત્ર. ગાંધીભાઈની અતિશયોક્તિ કરવાની અદા પણ આકર્ષક હતી. ગાંધીભાઈના નિધન પછી મધુ રાયે અંજલિલેખમાં કહ્યું હતુંઃ ‘‘સમકાલીન’ની ભાષામાં એક પર્વર્સ વાઈટાસિટી યાને વકરેલી જવાની હતી. હસમુખભાઈ ગુજરાતી લિપિ સામે સિરજોરી કરતા હતા, ગલોફામાં ભાંગની પકોડી મૂકીને, સાથળ પર થાપા મારીને, આખી ગુજરાતી ભાષાનું આવાહન કરતા હતા... એડિટરસાહેબ પોતાના ‘સબ’લોકો પાસે ભાષાની વ્યાયામશાળામાં લેજિમનૃત્ય કરાવતા, પત્રકારત્વનાં તત્ત્વ શીખવવાની મદરેસા ચલાવતા, અને ખૂનખાર પત્રકાર તરીકેની ખ્યાતિ ઉપાર્જિત કરતા હતા.’આ પુસ્તકના સંપાદક દિવ્યાંગ શુક્લે ગાંધીભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. તેઓ કહે છે, ‘હું પત્રકારત્વમાં પ્રવેશ્યો એની પહેલાંથી ગાંઘીભાઈના લેખોનાં કટિંગ્સ કરતો અને પછી વર્ષો સુધી કરતો રહ્યો. તેમના મૃત્યુ પછી ‘સમકાલીન’માં અમે નામની પૂર્તિ બે ભાગમાં બહાર પાડી હતી. મને ખૂબ ગમેલા અને સાચવી રાખેલા ગાંઘીભાઈના લેખોમાંથી આ પુસ્તક તૈયાર થયું છે. ગાંધીભાઈને આપેલી આ મારી ગુરૂદક્ષિણા છે...’કહે છે ને કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા સ્થળે કોઈ પણ જગ્યાએ કેમેરા ધરીને ક્લિક ક્લિક કરી દો તો પણ તસવીર અફલાતૂન જ આવે. ગાંધીભાઈનાં લખાણોનું પણ એવું જ. જલસો કરાવે એવું આ પુસ્તક મિસ કરવા જેવું નથી.                                                                   000


(મારા મનગમતા તંત્રીલેખો - હસમુખ ગાંધી
સંપાદકઃ દિવ્યાંગ શુક્લ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન્સ, મુંબઈ-૧

ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧
કિંમતઃ રૂ. ૧૫૦ /

પૃષ્ઠઃ ૧૩૮)Sunday, July 3, 2011

દંતકથાઓની સાથે જીવવું સહેલું નથી...

Divya Bhaskar - 3 July 2011

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

કિંગ ઓફ રોક-એન્ડ-રોલ એલ્વિસ પ્રેસ્લી એના પિતા હતા. કિંગ ઓફ પોપ માઈકલ જેક્સન તેનો પતિ હતો. મનોરંજનની દુનિયાની બે સર્વકાલીન મહાનતમ પ્રતિભાઓ સાથે સંબંધાયેલી હોવા છતાં - કદાચ એટલે જ -  લિસા મેરી પ્રેસ્લીનું જીવન  વેરવિખેર રહ્યું...  

Lisa Marie Presley


શક્ય
છે કે ૪૩ વર્ષની લિસા મેરીનું નામ તમે ન સાંભળ્યું હોય. આ અમેરિકન મહિલા ગાયિકા ખરી, પણ મામૂલી. નથી એણે કોઈ જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી કે ન તો એનું જીવન કોઈ પણ એંગલથી ‘પ્રેરણાદાયી’ છે. છતાં લિસા વિશે જાણવું ગમે તેવું છે અને તેનું કારણ છે તેના સંબંઘો. સ્ત્રી એના જીવનમાં બે પુરુષો સાથે સૌથી ઘનિષ્ઠ રીતે સંબંધાય છે  પોતાના પિતા સાથે અને પતિ સાથે. 


લિસાના પિતા એટલે સાઠ અને સિત્તેરના દાયકામાં પોતાનાં ગીતસંગીતનૃત્યથી દુનિયાભરમાં તોફાન મચાવી દેનાર એલ્વિસ પ્રેસ્લી. એમણે રોક-એન્ડ-રોલ સ્ટાઈલને જગવિખ્યાત બનાવી દીધી. એટલે જ એલ્વિસ પ્રેસલી ‘કિંગ ઓફ રોક-એન્ડ-રોલ’ અથવા માત્ર ‘ધ કિંગ’ કહેવાયા. તેમને એક જ સંતાન હતું અને તે લિસા મેરી પ્રેસ્લી. લિસા નવ વર્ષની થઈ ત્યારે  બેતાલીસ વર્ષીય  એલ્વિસ પ્રેસલીનું ડ્રગ્ઝના વધુ પડતા સેવનને લીધે અણધાર્યુ મૃત્યુ થઈ ગયું.  મેરેલીન મેનરો અને એલ્વિસ પ્રેસલી એવાં કલાકારો છે, જેમની લોકપ્રિયતા મૃત્યુ પછી પણ અકબંધ રહી.
Elvis Presley

લિસા તરૂણ વયે પહોંચતા જ વંઠી ગઈ  સ્મોકિંગ, ડ્રગ્ઝ અને નિરંકૂશ સેક્સનો બેફામ તબક્કો ત્રણ વર્ષ સુધી ચાલ્યો. વીસ વર્ષે તો લિસા પરણી ગઈ અને એક દીકરાની મા પણ બની ગઈ. આ લગ્નજીવન છ વર્ષ માંડ ટક્યું. ડિવોર્સ થયા ત્યાં સુધીમાં લિસા બીજા દીકરાની મા બની ચૂકી હતી. છૂટાછેડા મળ્યા એના વીસ જ દિવસ પછી લિસાએ બીજાં લગ્ન કરી નાખ્યાં. એનો પહેલો પતિ ડેની સ્ટ્રગલર સંગીતકાર હતો, જ્યારે બીજો પતિ ગીતસંગીતની દુનિયાનો શહેનશાહ હતો  માઈકલ જેક્સન!

કહે છે ને કે યુવતી હસબન્ડમાં સભાનપણે કે અભાનપણે પોતાના પિતાનું પ્રતિબિંબ શોધતી હોય છે.  લિસા પોતાના પિતા એલ્વિસ પ્રેસ્લીના સ્ટેટસને ટક્કર મારે તેવા માઈકલ જેક્સનને જીવનસાથી તરીકે પસંદ કરે તે આમ તો લોજિકલ લાગે તેવી વાત છે, પણ લોકોએ આ લગ્નમાં બીજું કશુંક દેખાયું. તે અરસામાં માઈકલની ખૂબ બદનામી થઈ હતી. એક બાળક સાથે કૂકર્મ કર્યુર્ હોવાના માઈકલ પર પહેલી વાર આક્ષેપ થયો હતો. પોતાની વિકૃતિ અને સેક્સ્યુઆલિટી પર ઢાંકપિછોડા કરવા માટે જ માઈકલે લિસા પ્રેસ્લી સાથે લગ્ન કર્યાર્ં છે એવું મિડીયાએ અને જનતાએ ધારી લીધું. માઈકલનાં આ પહેલાં લગ્ન હતાં જે બે વર્ષ માંડ ટક્યાં, પણ લિસા હંમેશાં માઈકલને નિર્દોષ માનતી આવી છે. ગઈ પચ્ચીસ જુને માઈકલની બીજી પુણ્યતિથિ હતી તે નિમિત્તે લિસાએ ટોકશો ક્વીન ઓપ્રાહ વિન્ફ્ેને લાંબી મુલાકાત આપી હતી. આ ઈન્ટરવ્યુમાં પણ તેણે માઈકલની નિદોર્ષતાની વાત દોહરાવી હતી.

લિસા કહે છે, ‘અમારાં લગ્નમાં કશી બનાવટ નહોતી. અમે એકબીજાને ખરેખર પ્રેમ કરતાં હતાં. ચાઈલ્ડ એબ્યુઝવાળી વાતોમાં મને ક્યારેય દમ લાગ્યો નથી. માઈકલની આ કહેવાતી જાતીય વિકૃતિનો મને કદી અણસાર સુદ્ધાં મળ્યો નથી. મારા પિતાની જેમ માઈકલ પણ ડ્રગ્ઝના બંધાણી થઈ ગયો હતો. મને બહુ ગમતું તેની સારવાર લેવી, તેની સંભાળ લેવી. અમે એકબીજાની સાથે હતા અને અમારી વચ્ચે વિખવાદ નહોતો તે સમયગાળો મારા જીવનનો શ્રેષ્ઠ તબક્કો છે.’   


Lisa Marie Presley with her husband no. 2 Michael Jackson


પણ, લિસાના શબ્દોમાં કહીએ તો, માઈકલની આસપાસ એનું લોહી ચૂસી જનારા ‘વેમ્પાયર્સ’નું, માઈકલને ફોલીને ખાઈ જનારા સ્વાર્થીઓનું અને કહેવાતા હિતચિંતકોનું મોટું ટોળું હતું. એક તબક્કો એવો આવ્યો જ્યારે માઈકલે પસંદગી કરવાની હતી કે એણે કોની વધારે જરૂર છે ડ્રગ્ઝની અને પેલા લોહીતરસ્યા વેમ્પાયર્સની કે પછી લિસાની?  ‘અને માઈકલે નિર્ણય કરી લીધો. એણે મને એના જીવનમાંથી બહાર ધકેલી દીધી,’ લિસા કહે છે, ‘મારા ફાધર અને માઈકલ પાસે એક લક્ઝરી હતી પોતાની આસપાસ ભ્રમણાઓની, મનગમતા આભાસની એક દુનિયા ઊભી કરી દેવાની. જે વ્યક્તિ આ આભાસને પંપાળ્યા કરે એને જ એમના વર્ચ્યુઅલ વર્લ્ડમાં પ્રવેશ મળતો. જે એમને કડવી વાસ્તવિકતાથી વાકેફ કરવાની કોશિશ કરતું તેને તરત જાકારો મળી જતો..’

માઈકલે લિસાને જાકોરો આપ્યો ત્યારે એ અત્યંત ક્રોધે ભરાઈ હતી.આ સંબંધવિચ્છેદ પછી માઈકલે એક અને મેરીએ બીજાં બે લગ્નો કર્યાં. મેરીનાં ત્રીજાં લગ્ન થયાં ‘ફેસ ઓફ’ના સ્ટાર નિકોલસ કેજ સાથે, જે થોડાં મહિના જ ટક્યાં. માઈકલ જેક્સનનું મૃત્યુ થયું ત્યારે લિસા એના ચોથો હસબન્ડ માઈકલ લોકવૂડ સાથે હતી.

લિસા કહે છે, ‘માઈકલ ગુજરી ગયો તે દિવસે સવારથી જ કોણ જાણે કેમ મને સખ્ખત રડવું આવતું હતું. મને સમજાતું નહોતું કે આવું કેમ થાય છે. જાણે કે મને કશાક અમંગળની એંધાણી મળી રહી હતી.. અને થોડી કલાકો પછી એકાએક મારા પર એસએમએસ અને ફોનકોલ્સનો મારો થયો. મને કહેવામાં આવ્યું કે માઈકલ હવે નથી રહ્યો. માઈકલની છેલ્લી ક્ષણોમાં હું તેની સાથે નહોતી તે વાતનો મને તીવ્ર અફસોસ છે. મારા પિતા અને માઈકલ બન્નેનો જીવ ડ્રગ્ઝે લીધો. કોણ જાણે કેમ માણસ જીવતો હોય ત્યારે આપણે એની કદર નથી કરી શકતા, પણ જેવો એ જાય કે તરત આપણામાં એક સમજણ ઊગી નીકળે છે, એ માણસ સમજાવા લાગે છે, તેના પ્રત્યે પ્રેમ જાગૃત થઈ ઉઠે છે... અને આ હકીકત મને ખૂબ પીડે છે.’

પિતા એલ્વિસ પ્રેસ્લી સાથે ગાળેલાં નવ વર્ષ અને માઈકલ જેક્સન સાથે ગાળેલાં બે વર્ષ લિસા મેરી પ્રેસ્લી માટે જીવનનાં સૌથી યાદગાર વર્ષો બની રહેવાનાં એ તો નક્કી.

શો સ્ટોપર


એક્ચ્યુઅલી, મારે  ‘દિલ્હી બેલી’નું આઈટમ સોંગ કેટરીના કૈફ કે બીજી કોઈ હિરોઈન પાસે કરાવવું હતું, પણ કોઈએ મારો ફોન જ ન ઉપાડ્યો... એટલે પછી નછૂટકે મેં જ આઈટમ સોંગ કરી નાખ્યું!  

- આમિર ખાન