Showing posts with label Thelma and Louise. Show all posts
Showing posts with label Thelma and Louise. Show all posts

Saturday, March 29, 2014

મલ્ટિપ્લેક્સ : વેલ ડન, બોલિવૂડ!


Sandesh - Sanskar Purty - 30 March 2014

મલ્ટિપ્લેક્સ 

'ક્વીન'ની કંગના અને 'અર્થ'ની શબાના આઝમીના ડીએનેએ એકસરખા છે. 'હાઈવે'ની આલિયા અને 'થેલમા એન્ડ લુઈસ'ની સુસન સેરન્ડનનું કુળ એક છે. જીવનનાં મૂળભૂત મૂલ્યો અને સંઘર્ષો બધે એકસમાન જ હોવાના. કોણ કહે છે કે આ બધી ફેમિનિસ્ટ ફિલ્મો છે?

૨૧ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ દરમિયાન ત્રણ પ્રભાવશાળી ફિલ્મો રિલીઝ થઈ - 'હાઈવે', 'કવીન' અને 'લક્ષ્મી'. ત્રણેયમાં સશક્ત સ્ત્રીપાત્રો છે. 'હાઈવે'માં આલિયા ભટ્ટ બાળપણમાં ભોગવેલી પીડામાંથી ધક્કા સાથે બહાર આવે છે, 'ક્વીન'ની કંગના અપમાન અને તૂટેલા સંબંધના ભંગારને દૂર હડસેલીને નવો આત્મપરિચય કેળવે છે, જ્યારે શરીરબજારમાં વેચાઈ ગયેલી 'લક્ષ્મી' હિંમત કરીને નર્કની યાતના પર પૂર્ણવિરામ મૂકે છે. પરિસ્થિતિઓ જુદી જુદી છે, તીવ્રતા અલગ અલગ છે, પણ ત્રણેય ફિલ્મોમાં જિંદગીને કચડી નાખતા ઘટનાક્રમને ઓળંગીને મુક્તિ થવાનો સંઘર્ષ છે, પોતાની જાતને નવેસરથી ઓળખવાની છે, ખુદની ગરિમા અને આત્મસન્માનની રક્ષા કરવાની વાત છે.
આ જ કુળની બે ફિલ્મો યાદ આવે છે. શબાના આઝમી-સ્મિતા પાટિલને ચમકાવતી 'અર્થ' (૧૯૮૨) અને સુસન સેરન્ડન-જીના ડેવિસની 'થેલમા એન્ડ લુઈસ' (૧૯૯૧). 'ક્વીન'ની કંગનાનો સંબંધ ધારો કે બાવીસ-ત્રેવીસને બદલે પાંત્રીસ-ચાલીસ વર્ષની ઉંમરે તૂટયો હોત તો એણે કદાચ એનું વર્તન 'અર્થ'ની શબાના આઝમી જેવું હોત. 'કવીન'ની કંગના અને 'અર્થ'ની શબાનાનાં પાત્રોનાં ડીએનએ એક છે!
'અર્થ'માં શબાના આઝમીનું કિરદાર પૂજા પોતાના પતિ પર સંપૂર્ણપણે નિર્ભર છે. આર્થિક રીતે, લાગણીના સ્તરે, બધી રીતે. પતિ ઈન્દર (કુલભૂષણ ખરબંદા) સિવાય દુનિયામાં એના કોઈ સ્વજનો નથી. પતિ ફિલ્મ ડિરેક્ટર છે. કવિતા (સ્મિતા પાટિલ) નામની ગ્લેમરસ હિરોઈન સાથે એનું એકસ્ટ્રા-મેરિટલ અફેર ચાલે છે. પૂજાને અફેર વિશે ખબર પડે ત્યારે એ માની શકતી નથી. એ પતિને કરગરે છેઃ "ઈન્દર, જે થયું તે થયું, તું બસ ભૂલી જા કવિતાને. આપણે નવેસરથી જિંદગી શરૂ કરીશું..." પણ ઈન્દર પ્રેમિકાથી છેડો ફાડી શકે તેમ નથી. શબાના સ્મિતાને પણ ફોન કરીને કરગરે છેઃ "કવિતા, પ્લીઝ મારું ઘર ન ભાંગ. ઈન્દર સિવાય દુનિયામાં મારું કોઈ નથી..." કવિતા ધડામ કરતી ફોન મૂકી દે છે. અદ્ભુત સીન છે આ. શબાના આઝમીની અભિનયકળાના ઉત્કૃષ્ટ નમૂના એકઠા કરવા હોય તો આ સીનને ટોપ-થ્રીમાં મૂકવો પડે.
'Arth'

ફિલ્મમાં એક ત્રીજું સ્ત્રીપાત્ર પણ છે- રોહિણી હટંગડી, જે શબાનાના ઘરે સાફસફાઈ-વાસણ-કપડાંનું કામ કરવા આવે છે. એનો પતિ દારૂડિયો છે, બીજી સ્ત્રી પાસે જાય છે. હવે શબાના અને એની કામવાળી બાઈ બન્ને એકસરખી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.
દરમિયાન આપણને એટલે કે દર્શકોને ખબર પડે છે કે કવિતાને સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારી લાગુ પડી છે. પૂજા ઘર છોડીને વુમન હોસ્ટેલમાં રહેવા લાગે છે. એને કમાવું છે, પગભગ થવું છે. સદ્ભાગ્યે એની પાસે મિત્રોની હૂંફ છે. રાજ (રાજ કિરણ) નામનો એક ખુશનુમા ગાયક સાથે એનો પરિચય થાય છે. પૂજાને એ ખૂબ આદર અને મોરલ સપોર્ટ આપે છે.
આ બાજુ કવિતા ઈન્દર પ્રત્યે વધુ ને વધુ પઝેસિવ બનતી જાય છે. એને ઈન્દર તરફથી કમિટમેન્ટ જોઈએ છે. પૂજાને જન્મદિવસના દિવસે જ ઈન્દર તરફથી ડિવોર્સના કાગળિયાં મળે છે. પૂજા સહી કરી આપે છે, પણ કવિતાના જીવને તોય નિરાંત નથી. પોતે કોઈનું ઘર ભાંગ્યું છે તે વાતનું ગિલ્ટ તીવ્ર બનતું જાય છે કે પોતાના બિસ્તરની ચાદરમાંથી એને પૂજાની વાસ આવે છે.
દરમિયાન કામવાળી બાઈ રોહિણી હટંગડીના હાથે પોતાના નઠારા પતિની હત્યા થઈ જાય છે. એ જાતે પોલીસ સ્ટેશન જઈને ગુનો કબૂલે છે. એને ચિંતા એક જ વાતની છેઃ "મારી પાંચ-છ વર્ષની દીકરીનું શું થશે? એનું ધ્યાન કોણ રાખશે?" શબાના એને ભરોસો આપે છેઃ "તું ચિંતા ન કર. હું છુંને. હું સાચવીશ તારી દીકરીને."
રાજ પૂજાને પ્રપોઝ કરે છે, પણ પૂજા ના પાડે છે. કહે છેઃ "તું બહુ સારો માણસ છો, રાજ. બહુ સારો દોસ્ત, પણ ઈમોશનલી એટલી બધી ખાલી થઈ ચૂકી છું કે તને આપવા માટે મારી પાસે કંઈ નથી." જોકે, પોતે હજુ ડિઝાયરેબલ છે અને હજુય રાજ જેવો પુરુષ પોતાને પ્રેમ કરી શકે છે તે હકીકતથી પૂજાના આત્મસન્માનને ખૂબ બળ મળે છે. આ બાજુ કવિતાનું ગાંડપણ વધતું જાય છે ને આખરે ઈન્દર સાથેનો સંબંધ તોડી નાખે છે. પ્રેમિકાએ કાઢી મૂકયો એટલે ઈન્દર પાછો પત્ની પાસે આવે છેઃ "પૂજા, આઈ એમ સોરી. મારાથી ભૂલ થઈ ગઈ. કવિતા સાથે મારે હવે કંઈ નથી. મને અપનાવી લે."
શબાના શાંતિથી એની વાત સાંભળે છે. પછી એક જ સવાલ કરે છેઃ "ધારો કે તારી જગ્યાએ હું હોત, મેં પરપુરુષ સાથે સંબંધ બાંધ્યો હોત ને પછી તારી પાસે પાછી ફરી હોત તો શું તું મને અપનાવી લેત?" ઈન્દર કહે છેઃ "ના." શબાના ચહેરા પર પીડાભર્યું વ્યંગાત્મક સ્મિત લાવીને કહે છેઃ "ગુડબાય ઈન્દર." આટલું કહીને એ અંદર જતી રહે છે. પૂજાને હવે પુરુષના સહારાની જરૂર નથી. ઈન્દરના સહારાની તો બિલકુલ નહીં. કામવાળીની દીકરીએ એના જીવનની શૂન્યતાની ભરી દીધી છે, એના જીવનને નવો અર્થ આપ્યો છે. પૂજાના વ્યકિતત્વમાં હવે નવાં આત્મસન્માન, નવી ગરિમાની ચમક આવી ચૂકી છે. 'અર્થ'ની શબાના અને 'ક્વીન'ની કંગના આ બિંદુ પર જાણે કે એકરૂપ થઈ જાય છે.
'Highway' and 'Queen'

'થેલમા એન્ડ લુઈસ' નામની હોલિવૂડની અફલાતૂન ફિલ્મમાં શું છે? બે પાક્કી બહેનપણીઓ છે. થેલમા (જીના ડેવિસ) ભીરુ હાઉસવાઈફ છે. એનો વર એક નંબરનો જડભરત છે. લુઈસ (સુસન સેરેન્ડન) સ્વતંત્ર દિમાગની મજબૂત ઔરત છે. એક રેસ્ટોરાંમાં વેઈટ્રેસ તરીકે કામ કરે છે. એને પતિ નહીં, પણ એક બોયફ્રેન્ડ જરૂર છે.
બન્ને જણીઓ રોડ ટ્રિપ પર નીકળી પડે છે અને રસ્તામાં એક પછી એક અકલ્પ્ય અનુભવો થાય છે. શરૂઆત ક્લબના અંધારિયા પાર્કિંગ લોટથી થાય છે. થેલમાએ એક અજાણ્યા માણસ સાથે જરા હસી-બોલીને વાત કરી તો એણે સમજી લીધું કે આ બાઈ મને લાઇન આપી રહી છે. એ થેલમા પર રેપ કરવાની અણી પર આવી જાય છે. થેલમા રોકે છે તો પેલો જબરદસ્તી પર ઊતરીને એને લાફો મારી દે છે. ત્યાં લુઈસ આવી પહોંચે છે. એ ત્રાડ પાડે છેઃ "આંધળો છે તું? દેખાતું નથી તને? આ છોકરી રડી રહી છે, કરગરી રહી છે તોય તને લાગે છે કે એને મજા આવી રહી છે?" પેલો આદમી થેલમાને છોડી દે છે. બન્ને સ્ત્રીઓ બહાર નીકળવા પગ ઉપાડે છે ત્યાં જ પાછળથી પેલો ગંદી ગાળ બોલીને કંઈક ઘટિયા અને અપમાનજનક કોમેન્ટ કરે છે. લુઈસની કમાન છટકે છે. ક્રોધથી કાળઝાળ થઈને એ ગોળી મારી દે છે. પેલાના રામ રમી જાય છે.
પોલીસ પાછળ પડે છે ને પછી શરૂ થાય છે ઉંદર-બિલાડાની રમત. થેલમાને સમજાતું નથી કે પેલા માણસને જાનથી મારી નાખવાની શી જરૂર હતી? કેમ એની કોમેન્ટથી લુઈસ આટલી ભયાનક રીતે ભડકી ઊઠી? પ્લાનિંગ એવું છે કે કારમાં દક્ષિણ તરફ ભાગતા રહેવું અને અમેરિકાની બોર્ડર ક્રોસ કરીને મેક્સિકોમાં ઘૂસી જવું. આમ કરવા માટે ટેક્સાસમાંથી પસાર થવું પડે, પણ આ શહેરનું નામ પડતાં જ લુઈસ આતંકિત થઈ જાય છે. એ થેલમાને ચોખ્ખું કહે છેઃ "તું આના વિશે મને ક્યારેય કશુંય પૂછતી નહીં."
'Thelma and Louise'

ફિલ્મનો અંત દર્દનાક છે. પોલીસના હાથે પકડાઈ જવા કરતાં સ્ત્રીઓ કાર સહિત ખીણમાં કૂદી પડીને જીવ દઈ દેવાનું પસંદ કરે છે. અંતિમ ઘડીએ બન્નેની આંખોમાં ખુમારી છે. જીવન પોતાની રીતે જીવાયું કે ન જીવાયું, પણ મોત પર પોતાનો અંકુશ છે તે વાતનો સંતોષ છે.
'થેલમા એન્ડ લુઈસ'માં કેવળ એક્શન અને એડવેન્ચરની સપાટીની નીચે ઘણું બધું બનતું રહે છે. આ સ્ત્રીઓ શું કામ આ રીતે વર્તી રહી હતી? લુઈસનાં જીવનમાં એવું તે શું બની ગયું હતું? શું લુઈસ સાથે ભૂતકાળમાં કોઈ દર્દનાક ઘટના બની ચૂકી છે, જેનો સંબંધ ટેકસાસ સાથે હતો? 'હાઈવે'માં આલિયા ભટ્ટ બાળપણમાં થયેલી પોતાના જાતીય શોષણ વિશે લાંબા ડાયલોગ બોલે છે, પણ 'થેલમાં એન્ડ લુઈસ'માં ક્યારેય લુઈસ આ વિશે ફોડ પાડીને કશું જ કહેતી નથી. આ અસ્પષ્ટતા ફિલ્મને વધારે અર્થગંભીર, વધારે ખૂબસૂરત બનાવી દે છે.
કોણ કહે છે કે આ બધી ફેમિનિસ્ટ ફિલ્મો છે? આત્મસન્માન જાળવી રાખવાનો સંઘર્ષ, ગરિમા ટકાવી રાખવાની ખેવના, આઈડેન્ટિટી ક્રાઈસિસ, ખુદની નજરમાં સન્માનનીય બનવાની ઝંખના, વ્યકિતત્વને મૂરઝાવી નાખતી ગ્રંથિઓમાંથી બહાર આવવાનાં તરફડિયાં... આ બધી યુનિવર્સલ લાગણીઓ છે અને તે સ્ત્રી-પુરુષ બન્નેને એકસરખી લાગુ પડે છે.
હિન્દી સિનેમા પર પાછા આવીએ તો, બેક-ટુ-બેક આટલી સરસ ફિલ્મો આપીને બોલીવૂડે આપણને આનંદના આંચકા આપી રહ્યું છે. વેલ ડન, બોલિવૂડ!
0 0 0

Thursday, May 30, 2013

હોલીવુડ હન્ડ્રેડ: આજ મૈં ઉપર... આસમાં નીચે

Mumbai Samachar  - Matinee Supplement - 22 May 2013 

Column: હોલીવુડ હન્ડ્રેડ



અતિ મૂલ્યવાન હોય છે મુક્તિનો અહેસાસ. જીવ આપીને પણ સાચવી રાખવો ગમે એવો. ‘થેલ્મા એન્ડ લુઈસ’ ઉપર-ઉપરથી રોડ-મૂવી લાગે, પણ ખરેખર તો એમાં બે સ્ત્રીની પર્સનાલિટીમાં આવતા જબરદસ્ત બદલાવની વાત છે 

ફિલ્મ ૨૩ - થેલ્મા એન્ડ લુઈસ

આજથી  ૨૨ વર્ષ પહેલાંના શુક્રવારે ‘થેલ્મા એન્ડ લુઈસ’ રિલીઝ થઈ હતી. આ ફેમિનિસ્ટ ફિલ્મ હતી કે રોમાંચક રોડ મૂવી? કે પછી તે સંબંધો અને મનની ન ઉકેલાયેલી ગૂંચ વિશે વાત કરતી ફિલ્મ છે? સવાલ-જવાબમાં પડતાં  પહેલાં ફિલ્મના ક્ધટેન્ટ વિશે વાત કરીએ.

ફિલ્મમાં શું છે? 


થેલ્મા અને લુઈસ નામની બે પાક્કી બહેનપણી છે. થેલ્મા (જીના ડેવિસ) યુવાન અને ભીરુ હાઉસવાઈફ છે. જડભરત જેવા પુરુષ સાથે લગ્ન કરીને ફસાઈ ગઈ છે બિચારી. લુઈસ (સુસાન સેરેન્ડન) એના કરતાં સાવ વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે. એ સ્વતંત્ર દિમાગની મજબૂત સ્ત્રી છે. ઉંમરમાં થેલ્મા કરતાં દસેક વર્ષ મોટી હશે. એક રેસ્ટોરાંમાં  વેઈટ્રેસ તરીકે કામ કરે છે. એણે લગ્ન કર્યાં નથી, પણ એક બોયફ્રેન્ડ જરૂર છે. ફિલ્મની શરૂઆતમાં જ બન્ને જણીઓ ફોન પર વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન ઘડે છે. કાર લઈને દૂર ગામડાગામમાં એક પરિચિતનું ફાર્મહાઉસ છે ત્યાં જવાનું, રહેવાનું અને બે દિવસમાં પાછા આવી જવાનું. થેલ્માને પાક્કી ખાતરી છે કે જો હું હસબન્ડ ડેરિલ (ક્રિસ્ટોફર મેક્ડોનાલ્ડ)ની પરવાનગી માગીશ તો એ ના જ પાડશે. તેથી એક ચિઠ્ઠી પર મેસેજ લખીને એ ફટાફટ નીકળી જાય છે. એ ડેરિલની રિવોલ્વર પણ સાથે લઈ લે છે. એમ જ, સેફ્ટી ખાતર.

ફાર્મહાઉસ પર પહોંચતાં પહેલાં રસ્તામાં એક ક્લબહાઉસ જેવી જગ્યામાં બન્ને બિયર-બ્રેક લેવા રોકાય છે. અહીં હાર્લેન (ટિમોથી કારહર્ટ) નામનો માણસ થેલ્મા સાથે ફ્લર્ટ કરવા લાગે છે. સંવેદનહીન પતિની અવગણનાથી અતૃપ્ત રહી ગયેલી થેલ્માને આ અજાણ્યા પુરુષનું એટેન્શન મીઠું લાગે છે. એ ખૂબ ઢીંચે છે અને હાર્લેન સાથે ઝૂમતી ઝૂમતી ડાન્સ પણ કરે છે. પેલો આને ગ્રીન સિગ્નલ માની લે છે. એ થેલ્માને અંધારિયા પાર્કિંગ લોટમાં લઈ જઈને છૂટછાટ લેવાનું શરૂ કરી દે છે. થેલ્મા રોકે છે તો પેલો જબરદસ્તી પર ઊતરીને એને લાફો ઠોકી દે છે. ડઘાઈ ગયેલી થેલ્માનો બધો જ નશો ઊતરી જાય છે. હાર્લેેન એના પર રેપ કરવાની અણી પર પહોંચે છે ત્યાં જ લુઈસ આવી પહોંચે છે. એના હાથમાં ગન છે. 


હાર્લેન કહે છે: ના... ના, તમારી કંઈક ગેરસમજ થતી લાગે છે. અમે બે તો જસ્ટ મજા કરતાં હતાં. 

લુઈસ ત્રા પાડે છે: આંધળો છે તું? દેખાતું નથી તને? આ છોકરી રડી રહી છે, કરગરી રહી છે તોય તને લાગે છે કે એને મજા આવી રહી છે? 

હાર્લેન થેલ્માને છોડી દે છે. બન્ને સ્ત્રીઓ બહાર નીકળવા પગ ઉપાડે છે ત્યાં જ પાછળથી પેલો ગંદી ગાળ બોલીને કંઈક ઘટિયા અને અપમાનજનક કમેન્ટ કરે છે. લુઈસની કમાન છટકે છે. ક્રોધથી કાળઝાળ થઈને એ ગોળી મારી દે છે. પેલાના રામ રમી જાય છે. 




પોલીસ આવી પહોંચે તે પહેલાં થેલ્મા અને લુઈસ કારમાં ભાગે છે, પણ એમનું પગેરું શોધતાં પોલીસને કેટલી વાર લાગવાની. હવે શરૂ થાય છે ઉંદર-બિલાડીની દિલધડક રમત. થેલ્મા અને લુઈસ એક મોટેલના કમરામાં છુપાઈ ગઈ છે. થેલ્માને સમજાતું નથી કે પેલા માણસને જાનથી મારી નાખવાની શી જરૂર હતી? કેમ એની કમેન્ટથી લુઈસ આટલી ભયાનક રીતે ભડકી ઊઠી? લુઈસ પોતાના બોયફ્રેન્ડ જિમી (માઈકલ મેડસન)ને ફોન કરે છે: જો, હું મુસીબતમાં છું. મને પૈસાની સખત જરૂર છે. તું તાત્કાલિક અમુક રકમ મારા બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે, પ્લીઝ. લુઈસનું પ્લાનિંગ એવું છે કે કારમાં દક્ષિણ તરફ ભાગતા રહેવું અને અમેરિકાની બોર્ડર ક્રોસ કરીને મેક્સિકોમાં ઘૂસી જવું. આમ કરવા માટે ટેક્સાસમાંથી પસાર થવું પડે, પણ આ શહેરનું નામ પડતાં જ લુઈસ આતંકિત થઈ જાય છે. શું લુઈસ સાથે ભૂતકાળમાં કોઈ દર્દનાક ઘટના બની ચૂકી છે જેનો સંબંધ ટેક્સાસ સાથે હતો? લુઈસ એક શબ્દ બોલવા તૈયાર નથી. એ થેલ્માને ચોખ્ખું કહે છે: તું આના વિશે મને ક્યારેય કશુંય પૂછતી નહીં.

લાંબા રૂટથી મેક્સિકોમાં ઘૂસતાં પહેલાં રસ્તામાં જેડી (બ્રેડ પિટ) નામનો એક હેન્ડસમ યુવાન લિફ્ટ માગે છે. લુઈસની ઈચ્છા નહોતી, પણ થેલ્મા એનાથી મોહિત થઈ જાય છે. જેડી ટપોરી છે, હાઈવે પર દુકાનો લૂંટવાનું એનું કામ છે. રાતે હોટેલના કમરામાં પોતે કેવી રીતે લૂંટ મચાવે છે એનું આખું વર્ણન એ થેલ્માને કરી બતાવે છે. થેલ્માને મજા પડી જાય છે. જેડી સાથે એ સ્વેચ્છાએ શરીરસંબંધ પણ બાંધે છે. એને કલ્પના નથી કે આ એક રાતની મજા કેટલી મોંઘી પડી જવાની છે. બીજા દિવસે જેડી લુઈસના તમામ પૈસા ચોરીને રફુચક્કર થઈ જાય છે. બીજા દિવસે ગિલ્ટ અનુભવતી થેલ્મા હાઈવે પરની કોઈ દુકાનમાં ઘૂસીને ગલ્લા પરથી તમામ પૈસા લૂંટી લે છે. અદ્દલ જેડીની સ્ટાઈલથી. આ બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયું છે. પોલીસ સતત બન્નેનો પીછો કરી રહી છે. આ બન્ને માનુનીઓનાં કારનામાં જોકે હજુય અટક્યાં નથી. રસ્તામાં એક ટ્રકવાળો વલ્ગર ચાળો કરે છે તો લુઈસ એની આખેઆખી ટ્રક ફૂંકી મારે છે! એમના અપરાધોની સંખ્યા વધતી જ જાય છે. ભાગી ભાગીને બન્ને કેટલું ભાગવાની. આખરે પોલીસની ગાડીઓ, હેલિકોપ્ટરો વગેરે એમના સુધી પહોંચી જાય છે. એેક બાજુ ઊંડી ખાઈ છે. સામે સશસ્ત્ર પોલીસ છે. પકડાવાનું નિશ્ર્ચિત છે. લુઈસ કહે છે: હું પોલીસના હાથે પકડાવા માગતી નથી. થેલ્માને સમજાય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી પોતે જે મુક્તિનો અહેસાસ કરી રહી હતી તેેના પર હવે પૂર્ણવિરામ મુકાઈ જવાનું છે. એ સહમત થાય છે: સાચી વાત છે તારી. પકડાવું તો નથી જ. તો પછી હવે એક જ રસ્તો બાકી રહે છે અને તે છે... 


કમાલનો અંત છે ફિલ્મનો. એના વિશે વધારે નહીં કહીએ. એ તમારે ડીવીડી પર જોઈ લેવાનો છે.

કથા પહેલાંની અને પછીની

સામાન્યપણે રોડ મૂવીઝનો અંદાજ મર્દાના હોય છે. આ ફિલ્મમાં, ફોર અ ચેન્જ, બન્ને મુખ્ય પાત્રો સ્ત્રીઓનાં છે. અહીં કેવળ એક્શન, એડવન્ચર અને કોમેડી નથી, અહીં સપાટીની નીચે પણ ઘણું બધું બનતું રહે છે. આ સ્ત્રીઓ શું કામ આ રીતે વર્તી રહી છે? શું ચાલી રહ્યું છે તેમનાં દિલ-દિમાગમાં? લુઈસના જીવનમાં એવું તે શું બની ગયું હતું? કદાચ એ ભૂતકાળમાં બળાત્કારનો ભોગ બની ચૂકી હતી. કદાચ આ દુર્ઘટના ટેક્સાસમાં બની હતી. આખી ફિલ્મમાં ક્યારેય લુઈસ આ વિશે ફોડ પાડીને વાત કરતી નથી. આ અસ્પષ્ટતા ફિલ્મને વધારે અર્થગંભીર, વધારે ખૂબસૂરત બનાવી દે છે. તગડી સ્ક્રિપ્ટ આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. મૂળ તો લેખિકા કેલી ખોરી પોતાની સ્ક્રિપ્ટ પરથી ખુદ ડોક્યુમેન્ટરી પ્રકારની લો-બજેટ ફિલ્મ બનાવનું વિચારતી હતી, પણ આખરે બની ગઈ બિગ બજેટ બ્લોકબસ્ટર. કાસ્ટિંગ દરમિયાન કેટકેટલી અભિનેત્રીઓનાં નામ વિચારાયાં હતાં - નિકોલ કિડમેન, જેસિકા લેન્જ, શેર, મેડોના, એમા થોમ્પસન, ગ્લેન ક્લોસ વગેરે. એક તબક્કે મેરિલ સ્ટ્રિપ અને ગોલ્ડી હોન પણ કન્સિડર થઈ રહ્યાં હતાં, પણ આ જોડીએ પછી ‘ડેથ બિકમ્સ હર’માં સાથે કામ કરવાનું પસંદ કર્યું.


 પુરુષપાત્રો માટે પણ ઘણા વિકલ્પો વિચારાયા હતા. બ્રેડ પિટવાળા રોલ માટે એ વખતે હોલીવુડમાં સ્ટ્રગલ કરી રહેલા જ્યોર્જ ક્લૂનીએ એક કરતાં વધારે ઓડિશન આપેલાં. મજાની વાત એ છે કે આમાંનાં કોઈ એક્ટર-એક્ટ્રેસને હવે આ ફિલ્મમાં કલ્પી શકાતાં નથી. ઉત્તમ ફિલ્મનું આ જ લક્ષણ છે. એમાં કાસ્ટિંગ એટલું પરફેક્ટ રીતે ગોઠવાઈ ગયું હોય કે ફલાણાને બદલે ઢીંકણો (કે ઢીંકણી) હોત તો ફિલ્મ વધારે જામત એવો વિચાર જ ન આવે. 





આ ફિલ્મને છ ઓસ્કર નોમિનેશન મળ્યાં. સુસાન સેરેન્ડન અને જીના ડેવિસ બન્ને બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં નામાંકિત થઈ. જોકે અવોર્ડ તાણી ગઈ જોડી ફોસ્ટર, ‘ધ સાઇલન્સ ઓફ ધ લેમ્બ્સ’ માટે. ડિરેક્શનમાં પણ એવું જ થયું. ‘ધ સાઇલન્સ ઓફ ધ લેમ્બ્સ’વાળા જોનાથન ડેમ ઓસ્કર લઈ ગયા, ‘થેલ્મા એન્ડ લુઈસ’વાળા રિડલી સ્કોટ રહી ગયા. ‘થેલ્મા એન્ડ લુઈસ’ને અલબત્ત, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર જરૂર મળ્યો. કોઈએ ફિલ્મને ‘નીઓ-ફેમિનિસ્ટ રોડ મૂવી’ તરીકે વર્ણવી. અમુક વર્ગે આ ફિલ્મની ટીકા પણ કરી છે. એમનું કહેવું હતું કે ‘થેલ્મા એન્ડ લુઈસ’માં કારણ વગર પુરુષોને ધિબેડવામાં આવ્યા છે. પુરુષપાત્રોને જે રીતે નેગેટિવ રીતે ચીતરવામાં આવ્યાં છે તે યોગ્ય નથી. તમને શું લાગે છે? આનો જવાબ આ લેખ પરથી નહીં મળે. તમારે એ માટે આખી ફિલ્મ જોવી પડશે.


ફેક્ટ ફાઈલ 



ડિરેક્ટર : રિડલી સ્ક્રિપ્ટ

સ્ક્રીનપ્લે : કેલી ખોરી
કલાકાર : સુસાન સેરેન્ડન, જીના ડેવિસ, બ્રેડ પિટ
રિલીઝ ડેટ : ૨૪ મે, ૧૯૯૧
મહત્ત્વના એવોર્ડ્સ : બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કર વત્તા પાંચ નોમિનેશન્સ                                                             000