Tuesday, April 28, 2020

નંબર વન ન્યુઝ ચેનલ કેવી રીતે બનાય?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 29 એપ્રિલ 2020
ટેક ઓફ 
દેશના વિરાટ મધ્યમવર્ગનો અવાજ બનવું, ચાંપલા લિબરલો અને લેફ્ટિસ્ટોની પરવા કર્યા વગર રાષ્ટ્રવાદ પર ફોકસ કરવું – અમેરિકાની ફૉક્સ ન્યુઝ ચેનલનો આ સક્સેસ મંત્ર છે.

જકાલ ન્યુઝ એન્કર અર્ણવ ગોસ્વામી ખુદ ન્યુઝમાં છે. જે કારમાં તેઓ પોતાનાં પત્રકારપત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા તેના પર હુમલો થયો હતો. અર્ણવ આમ તો એમની અતિ આક્રમક અને લાઉડ શૈલીને કારણે વર્ષોથી ચર્ચામાં છે. તેઓ અગાઉ અંગ્રેજી ન્યુઝ ચેનલ ટાઇમ્સ નાઉના એડિટર-ઇન-ચીફ હતા. હાલ રિપબ્લિક ટીવી (અંગ્રેજી) અને રિપબ્લિક ભારત (હિન્દી) ચેનલના માલિક વત્તા એડિટર-ઇન-ચીફ છે. અર્ણવ આ ત્રણેય ચેનલોને ટોચ પર પહોંચાડી શક્યા. અર્ણવ માટે હંમેશાં કહેવાયું છે કે તેઓ અમેરિકાની ફૉક્સ ન્યુઝ ચેનલથી ખાસ્સા પ્રભાવિત રહ્યા છે અને પોતાની ચેનલોને ચલાવતી વખતે તેઓ ફૉક્સ ન્યુઝ ચેનલના મૉડલને અનુસરે છે. અર્ણવ ખુદ હવે આ વાત સ્વીકારતા નથી તે અલગ વાત થઈ.

સીએનએન, એમએસએનબીસી, એનબીસી, એબીસી, ઓએએન (વન અમેરિકા ન્યુઝ નેટવર્ક), ફૉક્સ વગેરે અમેરિકાની પહેલી હરોળની ન્યુઝ ચેનલો છે. અમેરિકામાં સમાચાર જોતા દર્શકોના બે સ્પષ્ટ ભાગ થઈ ગયા છે. કન્ઝર્વેટિવ, મધ્યમવર્ગીય, રાઇટ-વિંગર અમેરિકનો ફૉક્સ ન્યુઝ જોવાનું પસંદ કરે છે, જ્યારે ડાબેરી વિચારધારા ધરાવતા લિબરલોને બાકીની ન્યુઝ ચેનલો વધારે માફક આવે છે. ફૉક્સ ન્યુઝ ચેનલ વ્યુઅરશિપની દૃષ્ટિએ અમેરિકાની ટોચની ન્યુઝ ચેનલ છે.

આ ચેનલ કેવી રીતે લોન્ચ થઈ ને વિકસી તે વાત ઇન્ટરેસ્ટિંગ છે. રોજર એઇલ્સ નામના એક મહાશય. અમેરિકાના રાજકીય પક્ષ રિપબ્લિકન પાર્ટી વતી પ્રેસિડન્ટ બનેલા રિચર્ડ નિક્સન, રોનાલ્ડ રેગન અને જ્યોર્જ બુશના મિડીયા કન્સલ્ટન્ટ તરીકે કામ કરવાનો તેમને વર્ષોનો અનુભવ. રોજર એઇલ્સ અને મિડીયા મોગલ રુપર્ટ મર્ડોકે એકબીજા સાથે હાથ મિલાવીને 1996માં ફૉક્સ ન્યુઝ નામની ન્યુઝ ચેનલ લૉન્ચ કરી. રોજર શરીરે દુંદાળા, પણ એમનું દિમાગ અતિ શાર્પ. સ્વભાવ તામસી. બીજાઓ પર બિન્દાસ આધિપત્ય જમાવે. ઑફિસની મિટીંગોમાં ગાળાગાળી કરી મૂકે. નવી ન્યુઝ ચેનલમાં પોતાને શું જોઈએ છે એ મામલે તેમના મનમાં કોઈ અવઢવ નહીં. પોતાની ટીમને તેઓ કહેલું કે, અત્યાર સુધી અમેરિકામાં ડાબેરી ઝોક ધરાવતી સીએનએન અને એનબીસી જેવી ચેનલોનું આધિપત્ય રહ્યું છે. પોતાને લિબરલ ગણાવતી આ ચેનલો દેશમાં ચાલતી રાજકીય અને અન્ય ગતિવિધિઓનું નરેટિવ સેટ કરતી આવી છે, પણ હવે આપણે અમેરિકાના મધ્યમ વર્ગના અવાજ બનવાનું છે. આ વર્ગ ખરેખર તો બહુમતીમાં છે. રોજરની સ્પષ્ટ બ્રિફ હતી કે ફૉક્સ ન્યુઝને આપણે એક રાષ્ટ્રવાદી ચેનલ તરીકે એસ્ટાબ્લિશ કરવાની છે. 

છ જ મહિનામાં આખું માળખું ઊભું કરીને રોજર ઑક્ટોબર 1996માં ફૉક્સ ન્યુઝ ચેનલ શરૂ કરી દીધી. નાઇન ઇલેવન (11 સપ્ટેમ્બર 2001)ના ટરેરિસ્ટ અટેક વખતે ફૉક્સના કવરેજનો સૂર અન્ય ચેનલો કરતાં અલગ હતો. રોજર ઓડિયન્સને એ આપવા માગતા હતા, જે એમને સાંભળવું હતું, જોવું હતું. જોતજોતામાં અમેરિકાની નંબર વન ન્યુઝ ચેનલ બની ગયેલી ફૉક્સ ન્યુઝ ચેનલ રિપબ્લિકન પાર્ટીના મુખપત્ર જેવી ગણાવા માંડી, પણ રોજરને એની પરવા નહોતી. એમને તો ફૉક્સ ન્યુઝ ચેનલનો રાષ્ટ્રવાદી સૂર તીવ્ર બનાવતા જવામાં રસ હતો. કહે છે કે અમેરિકાના ધ્વજની પ્રિન્ટ ધરાવતા પિનવાળા બેજ પોતાના સ્ટાફમાં વહેંચીને રોજર એઇલ્સે સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે તમારે અમેરિકન ધ્વજવાળો આ બિલ્લો કાયમ છાતી પર પહેરી રાખવાનો. કોઈ સસ્તી મૉટલમાં કૉલગર્લ સાથે સેક્સ માણવા જાઓ ત્યારે પણ આ બિલ્લો દૂર નહીં કરવાનો!

એક થિયરી એવી છે કે લોકો ટીવી પર જ્યારે તેઓ કોઈ રાજકીય કે સામાજિક મુદ્દે રાડારાડી યા તો ઉગ્રતાભેર થતી રજૂઆત થતી જુએ ત્યારે તેઓ બે ઘડી માટે ખુદની તકલીફો ભૂલી જાય છે. તેમને આવેશયુક્ત ચર્ચાની લત લાગી જાય છે. સ્ક્રીન પર નાની લંબચોરસ બારીઓમાં પેનલિસ્ટોને બેસાડીને ઊંચા અવાજે ચર્ચા કરવાનું અર્ણવ ફૉક્સ ન્યુઝ પાસેથી શીખ્યા છે.     

રોજર એઇલ્સ પર છ મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો કર્યા હતા. 2016માં રોજરે ફૉક્સ ન્યુઝના સીઈઓ તરીકે રાજીનામું આપવું પડ્યું. 2016માં જ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેઇનના મિડીયા એડવાઇઝર બનીને તેમને ડિબેટ માટે તૈયારી કરાવતા. 2017માં 77 વર્ષની વયે એમનું મૃત્યુ થયું.
છેલ્લે એક આડવાત. રોજર એઇલ્સના જીવન પરથી  ધ લાઉડેસ્ટ વૉઇસ  નામની સાત એપિસોડની વેબ સિરીઝ બની છે. તેની ટેગલાઇન છે, મીટ રોજર એઇલ્સ, ધ એક્સ-સીઇઓ ઑફ ફૉક્સ ન્યુઝ એન્ડ ધ મેન હુ ચેન્જ્ડ અમેરિકા. આ જ શોની ઑર એક હૂક-લાઇન છેઃ ધ મેન હુ ક્રિએટેડ ડોનાલ્ડ ટ્રમ્પ. ટકલા, જાડિયા, માથાફરેલા રોજર એઇલ્સની મુખ્ય ભુમિકા ઑસ્કરવિનિંગ એક્ટર રસલ ક્રૉએ ભજવી છે.
દેશના વિરાટ મધ્યમવર્ગનો અવાજ બનવું, ચાંપલા લિબરલો અને લેફ્ટિસ્ટોની પરવા કર્યા વગર આમજનતાની પીડા અને લાગણીઓ પર ફોકસ કરવું – ફૉક્સ ન્યુઝ ચેનલનો આ સક્સેસ મંત્ર રહ્યો છે. અર્ણવ ગોસ્વામીની ચેનલોનો પણ.   

0 0 0 

Saturday, April 25, 2020

તમારે 'પંચાયત' વેબ સિરીઝ શા માટે જોવી જોઈએ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 26 March 2020

મલ્ટિપ્લેક્સ

વેબ સિરીઝ એટલે ગાળાગાળી, હિંસા અને સેક્સ એવું કોણે કહ્યું? પંચાયત નામનો અફલાતૂન શો આ થિયરીને મસ્ત રીતે ખોટી પાડે છે.   


ક શહેરી જુવાનિયો છે. અભિષેક એનું નામ. એના લગભગ બધા દોસ્તારોને સરસ પૅકેજવાળી કૉર્પોરેટ જૉબ મળી ગઈ છે, પણ અભિષેક સામે હાલ એક જ વિકલ્પ છેઃ ઉત્તરપ્રદેશના ફુલેરા નામના કોઈ અજાણ્યા અંતરિયાળ ગામડામાં પંચાયત સેક્રેટરીની સરકારી નોકરી સ્વીકારી લેવાનો. અભિષેકના ફ્રસ્ટ્રેશનનો પાર નથી. એનો દોસ્તાર કોઈ ફેન્સી મૉલના એસ્કેલેટર પર સરકતાં સરકતાં સમજાવવાનો પ્રયાસ કરે છેઃ યાર, લઈ લે આ જૉબ. સ્વદેસના શાહરૂખ ખાનને યાદ કર. એ અમેરિકામાં નાસા જેવી કંપનીમાં કામ કરતો હતો તોય કેવો ભારત પાછો આવીને ગામડાગામનો ઉદ્ધાર કરે છે! બસ, તને હવે એક્ઝેક્ટલી આવો જ મોકો મળ્યો છે. જરા વિચાર તો કર, પંચાયત સેક્રેટરી તરીકે તું રસ્તાઓ બનાવી શકીશ, ગામનો વિકાસ કરી શકીશ! અભિષેક કહે છેઃ અલ્યા, પગાર તો જો – વીસ હજાર રૂપરડી. આટલો તો તારો દર મહિને ટેક્સ કપાય છે! દોસ્તાર કહે છેઃ તારે ક્યાં ગામડે પરમેન્ટલી સેટલ થવું છે? આને એક સ્ટોપ-ગૅપ અરેન્જમેન્ટ તરીકે જો. આમેય તું એમબીએની તૈયારી કરવાનો છે. તારી પાસે જો રુરલ કામકાજનો આવો નક્કર અનુભવ હશે તો તું વધારે આસાનીથી ઇન્ટરવ્યુ ક્રૅક કરી શકીશ.
ખેર, ક-મને અભિષેક નોકરી સ્વીકારે છે. બાઇક અને બિસ્તરાં-પોટલાં એસટી બસ પર ચડાવીને એ ફુલેરા પહોંચી જાય છે. પછી શું થાય છે? બસ, આનો જવાબ તમારે અમેઝોન પ્રાઇમની અફલાતૂન નવી વેબસિરીઝ પંચાયત જોઈને જાતે શોધી લેવાનો છે.
વેબ સિરીઝ એટલે આડેધડ ગાળાગાળી, સેક્સ અને હિંસા – તમારા મનમાં જો આવી ઇમેજ બની ગઈ હોય (જે ઠીક ઠીક અંશે સાચી પણ છે) તો સાંભળી લો કે પંચાયત, ટિપિકલ ભાષામાં કહીએ તો, તમને તાજગીની લહેરખીનો અનુભવ કરાવશે. સેક્સ, હિંસા ને ગાળાગાળી તો જવા દો, અહીં તો સૉલિડ કૉન્ફિલક્ટ્સ પણ નથી. શોઝ, નાટકો, ફિલ્મો લખનારા ને બનાવનારાઓના મનમાં વર્ષોથી એક વાત સજ્જડપણે  ઘૂસી ગઈ છે કૉન્ફિલક્ટ (એટલે કે પાત્રો અને પરિસ્થિતિઓમાં પેદા થતી જોરદાર ટક્કર) તો જોઈએ જ. તો જ ડ્રામો પેદા થાય ને દર્શકોનો રસ જળવાઈ રહે. ટીવીએફે (ધ વાઇરલ ફિવર) પ્રોડ્યુસ કરેલો પંચાચત શો આ દલીલને મસ્ત રીતે ખોટી સાબિત કરે છે. અહીં નાટ્યાત્મક ઘટનાઓ છે ખરી, પણ કેવી? ઑફિસમાંથી મોનિટર ચોરાઈ જવું, પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવવા માટે સંઘર્ષ કરવો, દીવાલ પર ચિતરેલું સંતતિનિયમનનું સરકારી સ્લોગન વાંચીને ગામવાસીઓનું નારાજ થઈ જવું, વગેરે. સાવ નાની નાની, સાદી સાદી વાતો, પણ તોય એમાંથી એટલી સરસ રીતે રમૂજ પેદા થતી રહે ને વાર્તા આગળ વહેતી રહે કે અડધી-અડધી કલાકના આઠ એપિસોડ ક્યારે પૂરા થઈ ગયા એની ખબર પણ નહીં પડે.

અભિષેકનું પાત્ર પિચર્સ, કોટા ફેક્ટરી જેવા વેબ શોઝ અને શુભ મંગલમ્ જ્યાદા સાવધાન જેવી ફિલ્મમાં ચમકી ચુકેલા જિતેન્દ્ર કુમારે ભજવ્યું છે. જિતેન્દ્ર કુમાર આજનો અમોલ પાલેકર છે. સીધો-સપાટ, ઘરેલુ, ઝીરો ગ્લૅમર ઘરાવતા, નૅક્સ્ટ-ડોર-નૅબર પ્રકારના રોલ આજકાલ જિતેન્દ્ર કુમાર જેટલી સરસ રીતે બીજું કોઈ ભજવતું નથી. નીના ગુપ્તા ગામનાં સરપંચ છે, પણ ફક્ત નામનાં. સરકારે મહિલાઓ માટે ક્વોટા રાખ્યો હતો એટલે એ ચુંટાઈ આવ્યાં છે, બાકી સરપંચ તરીકેનું બધું કામકાજ તો એમના પ્રધાનપતિ રઘુવીર યાદવ જ સંભાળે છે. બન્ને વચ્ચેની નોંકઝોંક અને બોન્ડિંગ જોજો. માત્ર એક લૂકથી કે ચહેરાના હાવભાવથી આ બન્ને કેવી ધારી અસર ઊભી કરી શકે છે‘! નીના ગુપ્તા અને રઘુવીર યાદવ ગજબનાં એક્ટરો છે જ અને જિતેન્દ્ર પણ હવે સર્વસ્વીકૃત અદાકાર બની ચુક્યા છે, પણ તમારું ધ્યાન સૌથી વધુ કોઈ ખેંચતું હોય તો તે છે, ચંદન રૉય. એ પંચાયતની ઑફિસમાં કામ કરતા અતિ ઉત્સાહી આસિસ્ટન્ટનો રોલ કરે છે. આપણે માની જ શકતા નથી કે આ અસલી ગામડિયો નહીં, બલકે કોઈ એક્ટર છે. ઉપ-સરપંચ બનતા ફૈઝલ મલિક પણ કમાલના છે. ક્યાંથી શોધી લાવે છે ટીવીએફવાળા આવા ઉત્તમ એક્ટરોને!
આ શોમાં એક નહીં પણ બે ચંદનોએ ઉત્તમોત્તમ કામ કર્યું છે. એક તો ચંદન રૉય અને બીજા છે, શોના લેખક, ચંદન કુમાર. સાચું પૂછો તો લખાણ જ આ શોનો અસલી હીરો છે. એમ તો ડિરેક્ટર દીપકકુમાર મિશ્રાને પણ આ શોને આટલી સરસ રીતે એક્ઝિક્યુટ કરવા માટે ફુલ માર્ક્સ આપવા પડે. શો જે છે તે સ્વરૂપમાં સરસ જ છે, તોય એવો વિચાર જરૂર આવે કે જિતેન્દ્ર કુમારની દેસી પર્સનાલિટી આમેય અડધાપડધા ગામડિયા જેવી છે. એના બદલે મેઇન લીડમાં ટીવીએફ ટ્રિપલિંગના ચિતવન (અમોલ પરાશર) પ્રકારના કોઈ નખશિખ શહેરી લૂક, ફીલ અને એટિટ્યુડ ધરાવતા એક્ટરને કાસ્ટ કરવામાં આવ્યો હોત તો વાત ઑર ન જામત?
સો વાતની એક વાત. જો તમને માલગુડી ડેઝ, મુંગેરીલાલ કે હસીન સપનેં જેવી સિરીયલો ગમતી હોય તો લગભગ એવી જ તાસીર ધરાવતો પંચાયત શો જોઈ કાઢો. બાકી જો તમારે જો સેક્સ એન્ડ ધ સિટીના અનૌરસ સાઉથ બમ્બૈયા સંતાન જેવો ગ્લેમર, ગાળાગાળી અને સેક્સમાં ડીપ ફ્રાય કરેલો અર્બન મસાલો ચગળવો હોય તો ફોર મોર શોટ્સ પ્લીઝ!’ છે જ.                       

હું બહુ ડિપ્રેશનમાં છું...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 22 એપ્રિલ 2020, બુધવાર
ટેક ઓફ 
વિચારવું અને અનુભવવું આ બન્ને અલગ વસ્તુઓ છે. કોઈ પણ લાગણીને અનુભવતા પહેલાં તેને સમજવી પડે છે.

કોરોના ક્વોરન્ટાઇનને કારણે આપણે અત્યારે જાતજાતની લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. ક્યારેક પરિવારજનો સાથે ખૂબ હસીએ-બોલીએ છીએ ને સૉલિડ મોજમાં રહીએ છીએ, તો ક્યારેક એમની એકધારી હાજરીથી અકળાઈ જઈએ છીએ. ક્યારેક પોતાની જાત સાથે એકલા રહેવામાં આનંદ અનુભવાય છે, તો ક્યારેક ઘર છોડીને બહાર ભાગવાનું મન થાય છે. ટૂંકમાં, આપણા મૂડ દિવસમાં કેટલીય વાર બદલાય છે.
આપણી વર્તમાન મનોસ્થિતિના સંદર્ભમાં ડૉ. ડેવિડ બર્ન્સ નામના જાણીતા અમેરિકન સાઇકિએટ્રિસ્ટે લખેલા ફીલિંગ ગુડઃ ધ ન્યુ મૂડ થેરાપી નામના પુસ્તકમાંથી પસાર થવા જેવું છે. પુસ્તકના શીર્ષકની ટેગલાઇન ખાસ ધ્યાન ખેંચે છેઃ ધ ક્લિનિકલી પ્રૂવન ડ્રગ-ફ્રી ટ્રીટમેન્ટ ફોર ડિપ્રેશન.  
ડૉ. બર્ન્સ કહે છે કે ડિપ્રેશન એ ઇમોશનલ ડિસઑર્ડર છે જ નહીં. તમે આમ તો સાજાસારા હો, પણ અચાનક તમારો મૂડ ઑફ થઈ જાય તો આ બદલાવનું એટલું જ મહત્ત્વ છે, જેટલું તમે ત્રણ માળ દાદરા ચડીને આવ્યા હો ને હાંફી રહ્યા હો. ડૉક્ટર બર્ન્સ કહે છે કે તમારા મનમાં જે કંઈ ખરાબ લાગણી જાગે છે તે તમારા ડિસ્ટોર્ડેટ (વિકૃત) નેગેટિવ થિંકિંગનું પરિણામ હોઈ શકે છે.
તમે જોજો, આપણે કોઈ નેગેટિવ વિચારે ચડી ગયા હોઈએ ત્યારે અચૂકપણે કોઈક ખરાબ અનુભવને યાદ કરતા હોઈએ છીએ યા તો કોઈ પીડાદાયક લાગણી આ નેગેટિવ વિચારને મમળાવતા હોઈએ છીએ. તમે અપસેટ ન હો ત્યારે તમારા મનમાં જાગતા વિચારો અને અપસેટ હો ત્યારે મનમાં જાગતા વિચારો એકબીજાથી બહુ જ અલગ હોવાના. જો આપણે આ નેગેટિવ વિચારોની પેટર્ન પકડી લઈએ તો ઘણી રાહત મળી શકે છે.
કેવી રીતે આ પેટર્ન પકડવી? ડૉ. બર્ન્સ કહે છે કે જ્યારે પણ તમને લાગે કે હું ડિપ્રેસ્ડ છું ત્યારે આ સમયગાળા દરમિયાન અથવા ડિપ્રેશન જેવું લાગવાનું શરૂ થયું તેની જસ્ટ પહેલાં તમારા મનમાં કયા નેગેટિવ વિચાર ચાલતા હતા તે ઓળખી કાઢવાનો પ્રયાસ કરવો. શક્ય છે કે કોઈ ચોક્કસ ઘટનાને બદલે ભળતા જ વિચારોને કારણે તમારો મૂડ ખરાબ થઈ ગયો હોય. નેગેટિવ થિંકિંગ આપણા માટે લગભગ ઑટોમેટિક બની ગયું છે. નેગેટિવ વિચારવા માટે આપણે કોઈ જ પ્રયત્ન કરવો પડતો નથી. નકામા વિચારો એની મેળે જ દિમાગમાં ઊછળવા માંડતા હોય છે.

વિચારવું અને અનુભવવું આ બન્ને અલગ વસ્તુઓ છે, પણ બન્ને વચ્ચે ગાઢ સંબંધ છે. લાગણીઓનો સઘળો આધાર આપણે જે-તે વસ્તુસ્થિતિને કેવી રીતે જોઈએ અને મૂલવીએ છીએ તેના પર રહેલો છે. આપણે કોઈ ઘટના કે લાગણી અનુભવીએ ત્યારે સૌથી પહેલાં તો મગજમાં તે પ્રોસેસ થાય છે. તેના કારણે તે લાગણી કે ઘટનાને અર્થ મળે છે. સીધી વાત છે કે કોઈ પણ લાગણીને અનુભવતા પહેલાં તેને સમજવી પડે.  
જે કંઈ બની રહ્યું છે તે પૂરેપૂરી સ્પષ્ટતાથી સમજી શકતા હોઈશું તો આપણી લાગણીઓ નોર્મલ રહેશે, પણ જો આપણી સમજણ યા તો દષ્ટિ અપરિપક્વ, વિકૃત કે ખોટી હશે તો આપણો ઇમોશનલ રિસ્પોન્સ એબ્નોર્મલ હશે. ડૉ. બર્ન્સ આપણા મનને રેડિયો સાથે સરખાવે છે. માનો કે રેડિયોમાંથી ચીંઈઈઈ... કરતો અવાજ આવી રહ્યો ને ગીત બરાબર સંભળાતું ન હોય, તો આનો અર્થ એવો નથી કે રેડિયો ખરાબ થઈ ગયો છે. આનો અર્થ એટલો જ થયો કે તમે કાં તો સ્ટેશન બરાબર સેટ કર્યું નથી અથવા ખરાબ હવામાનને કારણે ડિસ્ટર્બન્સ આવે છે. આવી સ્થિતિમાં શું કરવાનું? કળ ઘુમાવીને સ્ટેશન બરાબર સેટ કરવાનું. મેન્ટલ ટ્યુનિંગનું પણ એવું છે. એક વાર નેગેટિવ વિચારોનું વાદળિયું વિખરાઈ જાય છે એટલે ગીત બરાબર સંભળાવા લાગે છે.
કોઈ એમ પણ કહી શકે કે પણ ભાઈસાહેબ, મારો રેડિયો સાચે જ સાવ બગડી ગયો છે, એના પૂરજેપૂરજાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઉપરછલ્લા ટ્યુનિંગથી કશું નહીં થાય, હું ખરેખર બહુ જ ડિપ્રેશનમાં છું. ડૉ. બર્ન્સ કહે છે, આવું હું અસંખ્ય વાર સાંભળું છું. લગભગ દરેક ડિપ્રેસ્ડ વ્યક્તિને એવું જ લાગતું હોય છે કે એનો કેસ સાવ હોપલેસ છે, અસામાન્ય છે. વાસ્તવમાં મોટા ભાગના ડિપ્રેશનના કેસ સાધારણ હોય છે. દર્દીને હું ખૂબ ડિપ્રેશનમાં છું એવો ભ્રમ હોય છે ને આ ભ્રમનું કારણ એનું મેન્ટલ પ્રોસેસિંગ હોય છે.
આપણે ડિસ્ટર્બ્ડ યા તો વિકૃત કહી શકાય એવું નેગેટિવ થિંકિંગ કરીએ છીએ એવી શી રીતે ખબર પડે? તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય? વેલ, વાત જરાક લાંબી છે એટલે તેના વિશે ફરી ક્યારેક શૅર કરીશું. આપણે હાલ પૂરતું એક જ વસ્તુ સમજવાની છે કે હું ખૂબ ડિપ્રેશનમાં છું એવા નિર્ણય પર કૂદકો મારીને પહોંચી જવાનું નહીં. મોટે ભાગે તો તમારો મૂડ ખરાબ હશે યા તો તમારી વિચારપ્રક્રિયા નેગેટિવ પેટર્નમાં ફસાઈ ગઈ હશે. ડિપ્રેશન એક ભારે શબ્દ છે. એને ગમે તેમ વાપરવાનો નહીં. સો રિલેક્સ, ચિલ... ઑલ ઇઝ વેલ!   
0 0 0 


Tuesday, April 21, 2020

'અસુર': ડેડલી દૈત્યકથા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 5 એપ્રિલ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
રહસ્ય, રોમાંચ, હિંસા અને પૌરાણિક સંદર્ભોથી છલોછલ અસુર વેબ શો કેવો છે?

બેટા, મોટો થઈને તું શું બનીશ?’
એક ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ દસેક વર્ષના છોકરાને પ્રશ્ન પૂછે છે. છોકરાનો ચહેરો સપાટ છે. સપાટ અને બરફમાં દટાયેલા ખંજર જેવો ઠંડો. એ સામેની વ્યક્તિને જોતો નથી, બલકે એની તરફ ત્રાટક કરે છે.
અસુર, પાંપણ પટપટાવ્યા વગર છોકરો જવાબ આપે છે.
હેં?’ ડૉક્ટર ફરી પૂછે છે, શું બનવું છે તારે?’
અસુર.
અસુર એટલે દાનવ, દૈત્ય. છોકરો અસુર બનવા માગે છે, કેમ કે બનારસી બ્રાહ્મણ પિતાએ એના મનમાં આ શબ્દ કોતરી નાખ્યો છે. નફરતથી, ક્રોધથી. છોકરાના જન્મ સાથે જ એની મા મૃત્યુ પામી હતી. બાપ માને છે કે આ છોકરો જ પોતાની પત્નીને ભરખી ગયો છે. છોકરામાં અસાધારણ શક્તિઓ છે. એ જાડા થોથા જેવા પુસ્તકનાં પાનાં ફેરવીને ગણતરીની મિનિટોમાં સઘળું લખાણ પામી શકે છે, એટલું જ નહીં, યાદ પર રાખી શકે છે. પિતા માને છે કે આ બધાં અસુરી લક્ષણો છે. સગા સંતાનની માનસિકતા પર  સતત કુઠરાઘાત કરતા રહેતા પિતાએ દીકરાના અસુરીપણાનો ભોગ બનવું પડે છે. પુખ્ત થતાં પહેલાં જ છોકરો એવા એવા કાંડ કરે છે કે...
આ છે વૂટ સિલેક્ટ નામના ડિજિટલ પ્લેટફૉર્મ પર મૂકાયેલી નવીનક્કોર વેબ સિરીઝ અસુરની કથાનું આરંભબિંદુ. આ ખતરનાક છોકરો મોટો થઈને કેવા કારનામા કરે છે? એને કોણ કેવી રીતે કાબૂમાં લે છે? આ પ્રશ્નોના ઉત્તરમાં અસુરના આઠ એપિસોડની કથા સમાયેલી છે. કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે બાકીની દુનિયા ભલે ઠપ્પ થઈ ગઈ હોય, પણ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, વૂટ વગેરે જેવાં ડિજિટલ પ્લેટફૉર્મ્સ જોરદાર ફૉર્મમાં છે. લૉકડાઉન થઈને ઘરમાં પૂરાયેલા લોકો બીજું કરેય શું, આંકરાતિયાના માફક દિવસ-રાત ડિજિટલ મનોરંજન ઓહિયા કર્યા સિવાય? અસુર જેવા સાઇકોલોજિકલ ક્રાઇમ શો પ્રેક્ષકો સામે મૂકવા માટે આના કરતાં વધારે બહેતર સમય બીજો કોઈ હોઈ શક્યો ન હોત. મજાની વાત એ છે કે શો સરસ બન્યો છે. તમે એક વાર જોવાનું શરૂ કરો એટલે પૂરો કર્યે જ છૂટકો કરો એટલો રસપ્રદ. આમેય પ્રેક્ષક બિન્જ વૉચ કરવા માટે મજબૂર થઈ જાય એવા ચોટડૂક હોવું તે એપિસોડિક ડિજિટલ શોની પૂર્વશરત છે.

બનારસથી શરૂ થયેલી અસુરની કથા તરત દસેક વર્ષ કૂદાવીને અમેરિકા શિફ્ટ થાય છે. ક્રમશઃ મુખ્ય પાત્રો એક પછી એક ઇન્ટ્રોડ્યુસ થવા લાગે છે. સુંદર પત્ની અને રૂપકડી દીકરી સાથે રહેતા નિખિલ (વરૂણ સોબતી), જે એફબીઆઈમાં ફોરેન્સિક સાયન્સ ભણાવવાનું કામ કરે છે, એને સમયાંતરે મેસેજ મળતા રહે છે. આ સંદેશામાં ચોક્કસ લોકેશન દેખાડતાં કો-ઓર્ડિનેટ્સ હોય છે. તમામ લોકેશન ભારતનાં છે અને દરેક જગ્યાથી લાશ મળી આવે છે. નિખિલ અગાઉ સીબીઆઇમાં કામ કરતો હતો, પણ પોતાના સિનિયર ધનંજય (અરશદ વારસી) સાથે અણબનાવ થયા પછી એ અમેરિકા જતો રહ્યો હતો. એફબીઆઈના એના કામમાં હવે આમેય કોઈ રોમાંચ રહ્યો નહોતો એટલે એ ભારત પાછો આવીને પુનઃ સીબીઆઇ જોઇન કરી લે છે, પેલા ખતરનાક સિરિયલ કિલરની શોધ કરવા.  
પછી શ્વાસ અધ્ધર કરી દે, જોતાં તકલીફ થઈ જાય એવી ઘટનાઓ બનતી રહે છે. ઓની સેને ડિરેક્ટ કરેલા અસુર શોના ત્રણ લેખકોની ટીમમાં ભાવનગરી નિરેન ભટ્ટ (બે યારથી લઈને બાલા સુધીની કેટલીય ફિલ્મોના લેખક અને વાલમ આવોને જેવાં ઢગલાબંધ ગીતોનાં સર્જક) પણ છે. આ શોનો પ્લસ પૉઇન્ટ એ છે કે એની સ્ટોરીલાઇનમાં ભારતના પૌરાણિક સંદર્ભો અને રૂપકોને આકર્ષક રીતે વણી લેવામાં આવ્યા છે. રહસ્ય, રોમાંચ, ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ અને ઉત્તમ અભિનયનું આ શોમાં સરસ કોમ્બિનેશન થયું છે. સાચ્ચે, અરશદ વારસીને ચક્રમ જેવા કૉમેડીને બદલે, ફોર અ ચેન્જ, એક ઇન્ટેલિજન્ટ અને માથાફરેલ સીબીઆઇ ઑફિસરના રોલમાં જોવાની ખરેખર મજા આવે છે. શોનો માઇનસ પૉઇન્ટ એ છે કે પાછલા એપિસોડ્સ, શરૂઆતના એપિસોડ્સ જેટલા દમદાર નથી. ક્યારેક પકડ છૂટી જતી હોય એવુંય લાગે. એક તબક્કા પછી અસુરના અતિ શુદ્ધ હિન્દી ડાયલોગ્સ સહેજ બનાવટી લાગવા માંડે છે. આ બધી ક્ષતિઓ સહિત પણ અસુર એક સ્તરીય શો તો ખરો જ.  
બાય ધ વે, શું પહેલી સિઝનમાં મુખ્ય અસુરની એન્ટ્રી હજુ થઈ જ નથી? આ સવાલનો જવાબ આપણને બીજી સિઝનમાં મળશે. અત્યારે સૌથી મહત્ત્વનો સવાલ તો આ છેઃ શું અસુર જોવાય? જવાબ છેઃ ચોક્કસ જોવાય.
0 0 0 

Wednesday, April 8, 2020

‘અસુર’: ડેડલી દૈત્યકથા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 5 એપ્રિલ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
રહસ્ય, રોમાંચ, હિંસા અને પૌરાણિક સંદર્ભોથી છલોછલ અસુર વેબ શો કેવો છે?


બેટા, મોટો થઈને તું શું બનીશ?’
એક ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ દસેક વર્ષના છોકરાને પ્રશ્ન પૂછે છે. છોકરાનો ચહેરો સપાટ છે. સપાટ અને બરફમાં દટાયેલા ખંજર જેવો ઠંડો. એ સામેની વ્યક્તિને જોતો નથી, બલકે એની તરફ ત્રાટક કરે છે.
અસુર, પાંપણ પટપટાવ્યા વગર છોકરો જવાબ આપે છે.
હેં?’ ડૉક્ટર ફરી પૂછે છે, શું બનવું છે તારે?’
અસુર.
અસુર એટલે દાનવ, દૈત્ય. છોકરો અસુર બનવા માગે છે, કેમ કે બનારસી બ્રાહ્મણ પિતાએ એના મનમાં આ શબ્દ કોતરી નાખ્યો છે. નફરતથી, ક્રોધથી. છોકરાના જન્મ સાથે જ એની મા મૃત્યુ પામી હતી. બાપ માને છે કે આ છોકરો જ પોતાની પત્નીને ભરખી ગયો છે. છોકરામાં અસાધારણ શક્તિઓ છે. એ જાડા થોથા જેવા પુસ્તકનાં પાનાં ફેરવીને ગણતરીની મિનિટોમાં સઘળું લખાણ પામી શકે છે, એટલું જ નહીં, યાદ પર રાખી શકે છે. પિતા માને છે કે આ બધાં અસુરી લક્ષણો છે. સગા સંતાનની માનસિકતા પર  સતત કુઠરાઘાત કરતા રહેતા પિતાએ દીકરાના અસુરીપણાનો ભોગ બનવું પડે છે. પુખ્ત થતાં પહેલાં જ છોકરો એવા એવા કાંડ કરે છે કે...
આ છે વૂટ સિલેક્ટ નામના ડિજિટલ પ્લેટફૉર્મ પર મૂકાયેલી નવીનક્કોર વેબ સિરીઝ અસુરની કથાનું આરંભબિંદુ. આ ખતરનાક છોકરો મોટો થઈને કેવા કારનામા કરે છે? એને કોણ કેવી રીતે કાબૂમાં લે છે? આ પ્રશ્નોના ઉત્તરમાં અસુરના આઠ એપિસોડની કથા સમાયેલી છે. કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે બાકીની દુનિયા ભલે ઠપ્પ થઈ ગઈ હોય, પણ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, વૂટ વગેરે જેવાં ડિજિટલ પ્લેટફૉર્મ્સ જોરદાર ફૉર્મમાં છે. લૉકડાઉન થઈને ઘરમાં પૂરાયેલા લોકો બીજું કરેય શું, આંકરાતિયાના માફક દિવસ-રાત ડિજિટલ મનોરંજન ઓહિયા કર્યા સિવાય? અસુર જેવા સાઇકોલોજિકલ ક્રાઇમ શો પ્રેક્ષકો સામે મૂકવા માટે આના કરતાં વધારે બહેતર સમય બીજો કોઈ હોઈ શક્યો ન હોત. મજાની વાત એ છે કે શો સરસ બન્યો છે. તમે એક વાર જોવાનું શરૂ કરો એટલે પૂરો કર્યે જ છૂટકો કરો એટલો રસપ્રદ. આમેય પ્રેક્ષક બિન્જ વૉચ કરવા માટે મજબૂર થઈ જાય એવા ચોટડૂક હોવું તે એપિસોડિક ડિજિટલ શોની પૂર્વશરત છે.

બનારસથી શરૂ થયેલી અસુરની કથા તરત દસેક વર્ષ કૂદાવીને અમેરિકા શિફ્ટ થાય છે. ક્રમશઃ મુખ્ય પાત્રો એક પછી એક ઇન્ટ્રોડ્યુસ થવા લાગે છે. સુંદર પત્ની અને રૂપકડી દીકરી સાથે રહેતા નિખિલ (વરૂણ સોબતી), જે એફબીઆઈમાં ફોરેન્સિક સાયન્સ ભણાવવાનું કામ કરે છે, એને સમયાંતરે મેસેજ મળતા રહે છે. આ સંદેશામાં ચોક્કસ લોકેશન દેખાડતાં કો-ઓર્ડિનેટ્સ હોય છે. તમામ લોકેશન ભારતનાં છે અને દરેક જગ્યાથી લાશ મળી આવે છે. નિખિલ અગાઉ સીબીઆઇમાં કામ કરતો હતો, પણ પોતાના સિનિયર ધનંજય (અરશદ વારસી) સાથે અણબનાવ થયા પછી એ અમેરિકા જતો રહ્યો હતો. એફબીઆઈના એના કામમાં હવે આમેય કોઈ રોમાંચ રહ્યો નહોતો એટલે એ ભારત પાછો આવીને પુનઃ સીબીઆઇ જોઇન કરી લે છે, પેલા ખતરનાક સિરિયલ કિલરની શોધ કરવા.  
પછી શ્વાસ અધ્ધર કરી દે, જોતાં તકલીફ થઈ જાય એવી ઘટનાઓ બનતી રહે છે. ઓની સેને ડિરેક્ટ કરેલા અસુર શોના ત્રણ લેખકોની ટીમમાં ભાવનગરી નિરેન ભટ્ટ (બે યારથી લઈને બાલા સુધીની કેટલીય ફિલ્મોના લેખક અને વાલમ આવોને જેવાં ઢગલાબંધ ગીતોનાં સર્જક) પણ છે. આ શોનો પ્લસ પૉઇન્ટ એ છે કે એની સ્ટોરીલાઇનમાં ભારતના પૌરાણિક સંદર્ભો અને રૂપકોને આકર્ષક રીતે વણી લેવામાં આવ્યા છે. રહસ્ય, રોમાંચ, ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ અને ઉત્તમ અભિનયનું આ શોમાં સરસ કોમ્બિનેશન થયું છે. સાચ્ચે, અરશદ વારસીને ચક્રમ જેવા કૉમેડીને બદલે, ફોર અ ચેન્જ, એક ઇન્ટેલિજન્ટ અને માથાફરેલ સીબીઆઇ ઑફિસરના રોલમાં જોવાની ખરેખર મજા આવે છે. શોનો માઇનસ પૉઇન્ટ એ છે કે પાછલા એપિસોડ્સ, શરૂઆતના એપિસોડ્સ જેટલા દમદાર નથી. ક્યારેક પકડ છૂટી જતી હોય એવુંય લાગે. એક તબક્કા પછી અસુરના અતિ શુદ્ધ હિન્દી ડાયલોગ્સ સહેજ બનાવટી લાગવા માંડે છે. આ બધી ક્ષતિઓ સહિત પણ અસુર એક સ્તરીય શો તો ખરો જ.  
બાય ધ વે, શું પહેલી સિઝનમાં મુખ્ય અસુરની એન્ટ્રી હજુ થઈ જ નથી? આ સવાલનો જવાબ આપણને બીજી સિઝનમાં મળશે. અત્યારે સૌથી મહત્ત્વનો સવાલ તો આ છેઃ શું અસુર જોવાય? જવાબ છેઃ ચોક્કસ જોવાય.
 0 0 0 

  

Tuesday, April 7, 2020

ડાયવર્ઝન નહીં, રિવર્સ ગિયર


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 8 એપ્રિલ 2020, બુધવાર
કોલમઃ ટેક ઓફ 
કોરોનાની રસી તો શોધાઈ જશે, પણ ઉપભોક્તાવાદના વાઇરસથી બચવાનો ઉપાય શું?

જે હાથમાં બે સરસ પુસ્તકો છે - સુખનું સરનામું અને મનનો મેડિક્લેઇમ. બન્નેના લેખક એક જ છે - આચાર્ય ઉદયવલ્લભસૂરિ. પોતાનાં ચિંતનાત્મક લેખોમાં જૈનાચાર્યજીએ અમુક એવી વાતો કહી છે જે અત્યારના કોરોના લૉકડાઉનના અનિશ્ચિત અને અસલામતીભર્યા માહોલમાં એકદમ પ્રસ્તુત બની જાય છે.
ઉદાહરણ તરીકે, હવે તો પીછેહઠ એ જ આગેકૂચ શીર્ષકધારી લેખ. આચાર્યશ્રી લખે છે કે આજે પર્યાવરણવાદીઓ ચિંતાતુર છે, અર્થશાસ્ત્રીઓ શોકાતુર છે, મેડિકલ સાયન્સ લાચાર છે. કોઈને ચેન નથી, સૌ ચિંતામાં છે. શૂળની વેદના અસહ્ય છે, પણ કોઈ કોઈને દોષ દઈ શકે તેમ નથી, કેમ કે આ તો આપણે જાતે પેટ ચોળીને ઊભું કરેલું શૂળ છે. અગણિત વર્ષોથી ચાલ્યા આવતા માનવજીવનને અગાઉ ક્યારેય નડ્યા નહોતા એવા પ્રાણપ્રશ્નો આજે આપણને પજવી રહ્યા છે. જળસ્રોતોના તળિયાં હવે દેખાવા માંડ્યાં છે, ખનિજ સંપત્તિ પણ આવનારા દાયકાઓમાં જ ખૂટી જાય એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે, જમીનની ફળદ્રુપતા જાણે ભૂતકાળની વાત બની ગઈ છે. અડાબીડ જંગલોનો કુદરતી વારસો પણ જાળવી શકાયો નથી. પશુ-પક્ષીઓની કંઇકેટલાય પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. કોરોના જેવા વાઇરસને કારણે મહામારીઓ ફેલાય છે તે લટકામાં.
આચાર્ય ઉદયવલ્લભસૂરિ
આચાર્ય ઉદયવલ્લભસૂરિ ઉપભોક્તાવાદને પણ એક વાઇરસ તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે કે ઉપભોક્તાવાદનો વાઇરસ માણસને એવો લાગ્યો છે કે પછી આ જાતજાતની તકલીફોમાંથી બચવું તેના માટે શક્ય જ નહોતું. અનેક સમસ્યાઓથી ગ્રસ્ત અને ત્રસ્ત માનવજગત આજે એક ત્રિભેટે આવીને ઊભું છે. અવિચારીપણાની તમામ મર્યાદાઓ વટાવી ચુકેલી માણસજાત સામે આજે ત્રણ રસ્તા છે. કયા રસ્તા?
એક, માણસ હજુય ભયજનક વાસ્તવિકતાને સ્વીકારે જ નહીં. શાહમૃગની માફક પ્રગતિના ભ્રમની રેતીમાં મોં ખોંસીને હજુય કહેવાતી પ્રગતિ પાછળની આંધળી દોટ નિરંતર ચાલવા જ દે. ભૂગર્ભના જળભંડારોને પ્રદૂષિત કરતો રહે, જમીનનું ધોવાણ થવા દે, જંગલોનો કચ્ચરઘાણ વાળતો રહે, ખનિજોને બેફામ ખોદીને ખાણોને બોદી બનાવતો રહે, ઉદ્યોગો નાખીને જમીનને અભડાવતો રહે, પશુસૃષ્ટિ પર છરો ફેરવતો રહે, પોતાના સ્વાર્થ ખાતર બીજા માણસોને પણ ધાણી-ચણાની જેમ ઉડાવતો રહે, પોતાના મોજશોખ ખાતર અન્ય લોકો પર બોજ વધારતો રહે. નવી પેઢી જાણે આવવાની જ નથી એમ સમજીને તે બધું જ ચૂસી લે, બધું જ ગળી જાય, બધું જ બગાડી નાખે. આજની વાસ્તવિક અને જીવલેણ સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવીને એ સમસ્યાઓને વધારે વકરાવે અને પોતાની સાથે અન્ય જીવસૃષ્ટિના ગળે પણ ટૂંપો દઈ દે.
માણસજાત સામે બીજો રસ્તો છે, થોડા કામચલાઉ અને ટેક્નિકલ સુધારા કરવાનો. જેમ કે, ઓછું પ્રદૂષણ થાય એવાં વાહનો બનાવવા, પેટ્રોલને બદલે વૈકલ્પિક ચીજ વાપરવી, રિસાઇક્લિંગ વધારવું, વગેરે. આ રીતે ટેમ્પરરી રાહત તો મળે, રોગનું દમન તો થાય, પણ સમસ્યા જડમૂળથી નાબૂદ ન જ થાય.
ત્રીજો રસ્તો શો છે? તે છે, આપણી બેફામ જીવનશૈલીની સર્જરી કરી દેવી! આચાર્યશ્રી કહે છે કે લોકો પોતાની આર્થિક જરૂરિયાતની ચોક્કસ મર્યાદા બાંધે, પોતાનું ધ્યાન બિનભૌતિક, બિનઆર્થિક પુરુષાર્થો તરફ વાળે, જેમાં અધ્યાત્મિક ગતિ મુખ્ય હોય. વિકાસ પર પૂર્ણવિરામ મૂકી દેવાની વાતને પ્રગતિવાદીઓ નકારાત્મક પગલું ગણશે, પણ જૈનાચાર્ય કહે છે તેમ, હકીકતમાં તો આ સવાયું હકારાત્મક પગલું છે.

માણસ પોતાને ઉપભોક્તા તરીકે નહીં, પણ નર્યા માણસ તરીકે જુએ અને વર્તે. વિકાસનો માત્ર દર ન જુઓ, પણ વિકાસનું સ્વરૂપ પણ જુઓ. આ વિકાસથી કોને કેટલો લાભ થવાનો છે? આપણે કેટલી કિંમત ચૂકવવી પડશે? પ્રાણ, પ્રકૃતિ અને પર્યાવરણ પર તેની કેટલી અને કેવી અસર થશે? કામચલાઉ અખતરાવાળા બીજા રસ્તા પર વળવાનો સમય તો ક્યારનો વીતી ચૂક્યો છે. આચાર્ય ઉદયવલ્લભસૂરિ લખે છે, હવે કામચલાઉ ઑલ્ટરેશનને બદલે ટકાઉ વિકાસ તરફની આગેકૂચ (દેખીતી દષ્ટિએ પીઠેહઠ) કરવાનો એલાર્મ કૉલ વાગી રહ્યો છે. રસ્તો ખોદાયેલો હોય ત્યારે રિપેર થાય ત્યાં સુધી કદાચ ડાઇવર્ઝનનો ઉપયોગ થઈ શકે, પણ જયારે દિશા જ ઊંધી હોય ત્યારે રિવર્સ ગિયર સિવાય બીજો કોઈ બીજો કોઈ સાચો ઉપાય હોઈ જ ન શકે.  
મનનો મેડિક્લેઇમ પુસ્તકમાં આચાર્ય ઉદયવલ્લભસૂરિ એક સરસ વાત કહે છે કે પ્રભુ શાસનની મળેલી લગભગ બધી જ આરાધનાઓ એ બીજું કંઈ નથી, પણ ક્રાઇસિસ મેનેજમેન્ટનો એક ભવ્ય કૉર્સ છે. ધ્યાન, અધ્યાત્મ, ધર્મચર્યા, વિવેકપૂર્વક થતો ધાર્મિક આચારવિચાર તે વાસ્તવમાં ચિત્તને પ્રસન્ન રાખીને અને સમાધિને અકબંધ રાખીને જીવને અણીના અવસરે બચાવી લેતી તાલીમ જ છે! કોરોનાની અણધારી ઉપાધિને કારણે દુનિયાની  સામે જે નવાં સત્યો ઊપસી રહ્યાં છે તેના સંદર્ભમાં આ મુદ્દા ખાસ વિચારવા જેવા છે.      
શિશિર રામાવત
shishir.ramavat@gmail.com

Thursday, April 2, 2020

તમારી સાથે, તમારાં વિના


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 1 એપ્રિલ 2020, બુધવાર 
ટેક ઓફ 
વચન આપો કે કોરોના લૉકડાઉન પછી પણ તમારાં મા-બાપ સાથે ભરપૂર સમય ગાળવાનું તમે ચાલુ રાખશો.

જે પહેલી એપ્રિલ છે. કાશ... આ કોરોના વાઇરસનું કમઠાણ એપ્રિલ ફૂલ પૂરવાર થાય. કાશ... આપણે સવારે ઉઠીએ ને ખબર પડે કે કોરોના-ફોરોના જેવું કશું છે જ નહીં, આ તો આપણે ખરાબ સપનું જોઈ રહ્યા હતા. કમનસીબે આવું કશું થવાનું નથી. હા, વર્ષો પછી આપણે યાદ કરીશું ત્યારે 2020નો આ સમયગાળો દુઃસ્વપ્ન જેવો જરૂર લાગશે. કદાચ ત્યારે આપણે કોરોનાનો આભાર પણ માનતા હોઈશું. લૉકડાઉનને કારણે, દિવસો સુધી લાગલગાટ ઘરમાં પૂરાઈ રહેવાને કારણે, આપણી લાઇફસ્ટાઇલમાં તોતિંગ ફેરફાર થવાને કારણે ઘણાં સત્યો આપણી નજર સામે આવી રહ્યાં છે. વૈશ્વિક સત્યો, રાષ્ટ્રીય સત્યો, સામાજિક સત્યો, અંગત સત્યો. આપણું ઘમંડ તોડવા માટે, આપણને મદમાં છકી જતાં અટકાવવા માટે, આપણા માટે શું ઈષ્ટ છે ને શું અનીષ્ટ છે તે સમજાવવા માટે પ્રકૃતિએ જે કચકચાવીને લપડાક મારી છે તે જરૂરી હતી.   
  
શું જરૂરી છે એક સુખી અને સભર જીવન માટે? સાચુકલા, બનાવટ વગરના, જેન્યુઇન સંબંધો. એવી વ્યક્તિઓ જેને તમારી ખરેખર ચિંતા છે, જેમનો ચહેરો તમને જોઈને હસી ઉઠે છે, જેમની હાજરીમાં તમને સલામતીનો અહેસાસ થાય છે. સાથે સાથે તમને એ પણ સમજાય છે કે તમને જીવનમાં એવી વ્યક્તિઓની જરાય જરૂર નથી જે તમારી ઉપર ન સમજાય એવી નેગેટિવ એનર્જી સતત ફેંકયા કરે છે, જેની સૂકીભઠ્ઠ શુષ્ક આંખોમાં આત્મીયતાનું નામોનિશાન વર્તાતું નથી, જે તમારાથી નજર ચોરીને દૂર ભાગ્યા કરે છે, જેનો તમારી સાથેનો વહેવાર નિર્દોષ હોતો નથી. ભલે આંગળી મૂકીને સ્પષ્ટપણે બતાવી ન શકાય, પણ તમારો માંહ્યલો પામી લે છે કે આ વ્યક્તિ તમારું સ્વજન કહેવડાવવાને લાયક નથી.       

જો તમે ભાગ્ચશાળી હશો તો તમારાં મા-બાપ તમારી સાથે હશે, આસપાસ હશે અથવા તમારી સાથે જોડાયેલાં હશે. જો કમનસીબ હશો તો તમારા માથા પરથી માતાની, પિતાની અથવા બન્નેની છત્રછાયા ઝૂંટવાઈ ગઈ હશે. કટોકટીની પરિસ્થિતિમાં તમે મા-બાપને સૌથી વધારે મિસ કરો છો, કેમ કે એમના જેવો પ્રેમ, હૂંફ અને ઇમોશનલ સિક્યોરિટીનો સ્રોત બીજો એકેય નથી. મા-બાપ અને સંતાન વચ્ચેના સંબંધ તદ્દન વણસી ગયા હોય છે તેવા અપવાદરૂપ પરિવારોની વાત આપણે અત્યારે કરતા નથી.            

માતા-પિતા ક્યાંય જતાં નથી. મૃત્યુ માતા-પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ તોડી શકતું નથી. એમની શાંત અને સુખદ હાજરી સતત વર્તાતી રહે છે. જાણે કે તેઓ અહીં જ છે આપણું રક્ષણ કરવાઆપણું કોઈ અહિત ન કરી જાય એનું ધ્યાન રાખવા. આપણે સાચો નિર્ણય લેતા હોઈએ ત્યારે તેમની મૌન સહમતી અનુભવી શકાય છે. ખોટી દિશામાં વિચારી રહ્યા હોઈએ ત્યારે એમનો નકાર સાંભળી શકાય છે. ક્યારેક ગિલ્ટ સપાટી પર આવી જાય છે કે આ બધી મીઠાશઆ મધુરતા મા-બાપ હયાત હતાં ત્યારે કેમ વ્યક્ત થતી નહોતીસદેહે જીવતાં હતાં ત્યારે કેમ તેમના પ્રત્યે કઠોર બની જવાતું હતું? અત્યારે કોરોના લૉકડાઉનમાં તમે ઘરમાં પડ્યા જ છો, રાઇટ? તમારા વગર પૃથ્વીનું પરિભ્રમણ પણ અટક્યું નથી. તો મા-બાપ જ્યારે હયાત હતાં ત્યારે એવા તો કયાં મહાન કામ કરીને ઊંધા પડી જતા હતા કે એમને સમય આપી શકતા નહોતાખબર હતી કે એમની અવગણના થઈ રહી છે તો પણ ખુદની લાઇફસ્ટાઇલમાં ફર્ક લાવવાની તસદી કેમ લેતા નહોતા?

મા-બાપ ક્યાંય જતાં નથી એ વાત અનુભૂતિના સ્તરે બરાબર છેપણ નક્કર સચ્ચાઈ એ છે કે મા-બાપ જતાં રહે છે. મા-બાપ અમર હોતાં નથી. એક દિવસ તેઓ મૃત્યુ જરૂર પામે છે. મા-બાપને કશુંય આપવાની સંતાનની હેસિયત ક્યારેય હોતી જ નથી. પોતાના જન્મદાતાને આપણે એક જ વસ્તુ આપી શકતા હોઈએ છીએ - સમય. એટેન્શન. મા-બાપ એ જ ઝંખતાં હોય છે સંતાન પાસેથી.

અત્યારે તક છે, મા-બાપને ભરપૂર સમય આપવાનો. એમની પાસે બેસો, જૂની વાતો કઢાવો. એમનાં બાળપણ, જુવાની અને સંઘર્ષની વાતો રસપૂર્વક સાંભળો. તમે જોજો, પોતાની વાત કરતાં કરતાં તેઓ ક્યારે તમારા બાળપણની વાતો કરવા માંડશે તેની ખબર પણ નહીં પડે, કેમ કે એમના જીવનનું કેન્દ્ર જ તમે છો. એમનાં વ્યક્તિગત સપનાં કે મહત્ત્વાકાંક્ષા જેવું ક્યાં કશું હતું? પોતાનાં સંતાનો અને પરિવારની સુખેથી રહે એ જ એકમાત્ર વિચારધારાની ધરી પર તેઓ હંમેશાં જીવતાં રહ્યાં. એમણે જીવનના તમામ નિર્ણયો તમારી સુખાકારીને ધ્યાનમાં રાખીને લીધા છે. એમનાં તમામ પગલાંનું રેફરન્સ પોઇન્ટ જ તમે છો.    

કોરોના લૉકડાઉનને કારણે તમને મા-બાપ સાથે રહેવાની ફરજ પડી છે. લૉકડાઉન પછી પણ તેમની સાથે ભરપૂર સમય ગાળવાનું તમે ચાલુ રાખશો. પ્રોમીસ?

0 0 0