Thursday, June 12, 2014

ટેક ઓફ : જસ્ટિન બીબરમાં એવું તે શું છે?

Sandesh - Ardh Saptahik Purty - 11 June 1014

ટેક ઓફ

બાર વર્ષના દીકરાના વીડિયો શૂટ કરી કરીને યુ ટયૂબ પર અપલોડ કરતી વખતે એક સિંગલ મધરે કલ્પના પણ નહોતી કરી કે એનો ટીનેજર દીકરો જોતજોતામાં ઇન્ટરનેશનલ સુપરસ્ટાર બની જશે. ચક્કર આવી જાય એવી સફળતા મેળવનાર કેનેડિયન પોપસિંગર જસ્ટિન બીબર ડિજિટલ યુગની પરફેક્ટ પ્રોડક્ટ છે


જુવાનનો ચહેરો સુપર કયૂટ છે, લગભગ કુમળો કહી શકાય એવો. માથા પર વાળનો તોતિંગ મસ્તમજાનો જથ્થો, પાતળિયું શરીર. અવાજ પણ પાતળો, મર્દાનો નહીં. એ ગજબનું ગાય છે,નાચે છે, પોતાનાં ગીતો જાતે લખે છે ને કમ્પોઝ કરે છે. ભલભલા સુપર સેલિબ્રિટીની આંખો ચાર થઈ જાય એટલો એ પોપ્યુલર છે. આજની તારીખે ટ્વિટર પર એના ૫ કરોડ ૨૦ લાખ ૯૫,૮૫૨ ફોલોઅર્સ છે, જે અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા કરતાં ક્યાંય વધારે છે! એની સંપત્તિનો આંકડો ૧૬૦ મિલિયન ડોલર એટલે કે લગભગ સાડા નવ અબજ રૂપિયાને સ્પર્શી ગયો છે. વર્ષના અંત સુધીમાં આ આંકડો પોણા બાર અબજ રૂપિયાને વટાવી જશે એવો અંદાજ છે.
... અને આ જુવાનની ઉંમર ફક્ત વીસ વર્ષ છે!
વાત કેનેડિયન પોપસ્ટાર જસ્ટિન બીબરની ચાલી રહી છે. જસ્ટિન વિશ્વભરમાં એક ચર્ચા અને અભ્યાસનો વિષય બની ગયો છે. પોપસિંગર તો ઘણા થઈ ગયા. નાની ઉંમરે ખૂબ સફળ થઈ જનારા બ્રિટની સ્પિઅર્સ જેવા પણ ઘણાં છે, પણ જસ્ટિન સૌથી અલગ પડે છે. એવું તે શું બન્યું કે પેટ્રિશિયા મેલેટ નામની સિંગલ મધરે ઉછરેલો આ છોકરડો આટલી નાની ઉંમરમાં ચિક્કાર કમાઈ શક્યો અને આટલો બધો ફેમસ થઈ ગયો?
જસ્ટિન નહોતો ચાઇલ્ડ મોડલ કે નહોતો ચાઇલ્ડ આર્ટિસ્ટ. નથી એ સેલિબ્રિટી પરિવારનું ફરજંદ કે નથી ક્યારેય એણે કોઈ ટીવીના ટેલેન્ટ શોમાં ભાગ લીધો. એ નિર્ભેળપણે ડિજિટલ યુગની, વધારે ચોક્કસ બનીને કહીએ તો, યુ ટયૂબની પ્રોડક્ટ છે. કાચી ઉંમરે એ પિયાનો અને ગિટાર વગાડતા શીખી ગયેલો. ગાતો પણ ખૂબ સરસ. પોતાની કોલોની કે શહેરના કાર્યક્રમોમાં એની મમ્મી ભાગ લેવડાવે. ઘરમાં પણ એ એકલો એકલો ગાતો-વગાડતો હોય. મમ્મી હેન્ડીકેમથી દીકરાનું શૂટિંગ કર્યા કરે અને પછી આ બધા વીડિયો પોતાનાં સગાં-સંબંધી અને બહેનપણીઓને દેખાડવા માટે યુ ટયૂબ પર અપલોડ કરે. જસ્ટિન સ્ટીવ વંડર જેવા જૂના કલાકારોનાં ગીતો એટલાં સરસ રીતે ગાતો કે બિલકુલ અજાણ્યા લોકોને પણ એના વીડિયો ગમવા માંડયા. ધીમે ધીમે યુ ટયૂબ પર આ બાર વર્ષના ટેણિયાના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ.


જસ્ટિન નસીબનો બળિયો પણ ખરો. ૨૦૦૭ની એક મધરાતે સ્કૂટર બ્રાઉન નામના એક અમેરિકન મહાશય એમ જ ટાઇમ પાસ કરવા યુ ટયૂબ સર્ફ કરી રહ્યા હતા. બ્રાઉન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના વગદાર પ્રમોટર અને મેનેજર છે. એકાએક એમની નજરમાં જસ્ટિનનો વીડિયો આવ્યો. છોકરાની ટેલેન્ટ જોઈને એ ચકિત થઈ ગયા. અઠવાડિયા-દસ દિવસ પછી જસ્ટિનના ઘરે પહોંચીને એની મમ્મીને કહ્યું: તમારા દીકરાની કરિયર બનાવવાની જવાબદારી હવે મારી. આજથી હું એનો મેનેજર!
ઇરાદો તો જસ્ટિનનું આલબમ બહાર પાડવાનો હતો, પણ મ્યુઝિક કંપનીઓનું ગાણું ચાલી રહ્યું: કોણ જસ્ટિન? એ ક્યાં કોઈ ટેલેન્ટ શોનો વિનર છે? યુ ટયૂબ પર ફ્રીમાં લોકો વીડિયો જોશે, પણ કોઈ શું કામ પૈસા ખર્ચીને એનું આલબમ ખરીદે? બ્રાઉન એસ્ટાબ્લિશ્ડ કલાકારોના સ્ટેજ પર્ફોર્મન્સીસમાં આ ટીનેજરને પ્લગ કરવા માંડયા. સિનિયર સિંગરોમાં એકાએક જસ્ટિનનું નામ ચર્ચાવા લાગ્યું. અશર નામના સફળ આફ્રિકન-અમેરિકન સિંગન જસ્ટિનથી એટલો પ્રભાવિત થયો કે રીતસર એનો મેન્ટર યા તો પથદર્શક બની ગયો.
આખરે ૨૦૦૯ના અંતમાં જસ્ટિનનું પહેલું સિંગલ (એટલે કે ગીત) બહાર પડયું - 'માય વર્લ્ડ'. ત્યાં સુધીમાં યુ ટયૂબ પર ૫ાંચ કરોડ લોકો એના વીડિયોના સબસ્ક્રાઇબર બની ચૂક્યા હતા. એક પછી એક સાત ઓરિજિનલ સિંગલ રિલીઝ થયાં. એક પણ આલબમ બહાર પડયું ન હોવા છતાંય જેનાં સાત સુપરહિટ ગીતો બિલબોર્ડ ચાર્ટમાં સ્થાન પામ્યાં હોય તેવો જસ્ટિન દુનિયાનો પહેલો સિંગર બન્યો. ટીનેજ કન્યાઓનો તો એ હીરો બની ગયો. ઈવન પાંચ-છ વર્ષની બેબલીઓને પણ જસ્ટિન ખૂબ ગમતો, રાધર, ગમે છે.


સોળ વર્ષના જસ્ટિન કી તો નિકલ પડી. પબ્લિક પર્ફોર્મન્સીસ, 'ધ લેટ શો' અને 'ધ ટુનાઇટ શો' જેવા હાઈ પ્રોફાઇલ ચેટ શોઝમાં ઇન્ટરવ્યૂઝ... ૨૦૧૦થી દર વર્ષે એક નવું આલબમ બહાર પડતું ગયું - 'માય વર્લ્ડ ૨.૦', 'અન્ડર ધ મિસલટો', 'બિલીવ' અને 'જનરલ્સ'. જસ્ટિન સાચા અર્થમાં એક ટીન આઇડલ તરીકે ઊભર્યો. પછી તો એ ફિલ્મોમાં અને 'ઝલક દિખલા જા' જેના પરથી બન્યો છે તે 'ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ' સહિત કેટલાય ટીવી શોમાં પણ એ દેખાયો. વર્લ્ડ ટૂરો યોજાવા લાગી. જસ્ટિને ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી. એક વાત શરૂઆતના તબક્કામાં જ સ્પષ્ટ થઈ ગઈ કે ઉપરવાળાએ જસ્ટિનને ઠાંસી ઠાંસીને ટેલેન્ટ આપી છે. એ માત્ર સારો ગાયક નથી, એ સારો સ્ટેજ પર્ફોર્મર પણ છે. ઇન્ટરવ્યૂ દરમિયાન સ્માર્ટ અને ફની જવાબો આપવામાં ઉસ્તાદ છે અને સહેજ પણ ટ્રેનિંગ લીધી ન હોવા છતાં સારો અભિનય પણ કરી લે છે.
જસ્ટિનની ચિક્કાર લોકપ્રિયતાએ કેટલાય એસ્ટાબ્લિશ્ડ કલાકારોને પાછળ રાખી દીધા છે. એક હદ પછી સેલિબ્રિટીહૂડ કંઈક અંશે સ્વયંસંચાલિત બની જતું હોય છે. પૈસો પૈસાને ખેંચે તેમ લોકપ્રિયતા, લોકપ્રિયતાને ખેંચતી હોય છે. ખેર, અપાર સફળતા મેળવનારે એક તબક્કા પછી ફિટકાર ખાવા માટે પણ તૈયાર રહેવું પડતું હોય છે. જસ્ટિનને ધિક્કારનારો એક બોલકો વર્ગ પણ ઊભો થઈ ગયો છે. એમને જસ્ટિન દીઠો નથી ગમતો. સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર આ આક્રમક વર્ગ જસ્ટિન પર ગાળોનો વરસાદ વરસાવતો રહે છે. અધૂરામાં પૂરું વચ્ચે જસ્ટિન નશીલી દવા લેતા પકડાઈ ગયો. એણે જેલની હવા ખાવી પડી હતી. આ ઘટનાને લીધે એની ઇમેજ પર મોટો ફટકો પડયો. સફળતાની હવા જસ્ટિનને પણ લાગી ગઈ છે. અઢાર વર્ષની ઉંમરે એણે બબ્બે આત્મકથા લખી નાખી હતી અને એના જીવન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની ચૂકી હતી. જસ્ટિન તો ઠીક, એની હરખપદૂડી મમ્મીએ પણ આત્મકથા ઘસડી નાખી છે!
ખેર, માણસ પોતાની ભૂલોમાંથી શીખતો હોય છે. જસ્ટિન સંયમ અને શિસ્તથી લાંબી રેસનો ઘોડો પુરવાર થાય છે કે પછી બ્રિટની સ્પિઅર્સની જેમ જલદી પ્રકાશીને જલદી અસ્ત થાય છે એ તો સમય જ બતાવશે.

                                               0 0 0 

1 comment:

  1. `shishir bhai maja padi gai vanchvani....

    Tame sara eva topic shodhi ne lakho cho.....Saras saras

    ReplyDelete