Thursday, June 19, 2014

ટેક ઓફ : વેલ ડન, નિકો!


Sandesh - Ardh Saptahik Purty - 18 June 2014
ટેક ઓફ 
નિકો જન્મ્યો હતો ત્યારે ડોક્ટરોએ એનાં મા-બાપને કહી દીધું હતું કે તમારો દીકરો ક્યારેય નોર્મલ લાઇફ જીવી નહીં શકે. નિકોએ આ આગાહી જુદી રીતે સાચી પાડી. એણે નોર્મલ નહીંઅસાધારણ જીવન જીવી બતાવ્યું! ફૂટબોલમાં રસ પડતો ન હોય તેવા લોકોને પણ નિકોની કથા પાનો ચડાવી દે તેવી છે

ફૂટબોલ ફિવર પૂરજોશમાં ફાટી નીકળ્યો છે ત્યારે ટેલિવિઝન પર ફિફા વર્લ્ડ કપના કવરેજ દરમિયાન એક એનર્જી ડ્રિન્કની એડ પર તમારું ધ્યાન ગયું હશે (1). આ વિજ્ઞાાપનમાં ભાંખોડિયાં ભરીને ચાલતો એક સુંદર મજાનો ટાબરિયો ઓગણીસ વર્ષનો જુવાન થાય છે ત્યાં સુધીની યાત્રા ગણતરીની સેકન્ડ્સમાં આવરી લેવામાં આવી છે. એના માટે પા-પા પગલી કરવાનું કઠિન છેકેમ કે કુદરતે એને એક જ પગ આપ્યો છે. જન્મથી એનો ડાબો પગ અને ડાબું નિતંબ ગાયબ છે. બચ્ચાના રૂપકડા ચહેરા પર જોકે શારીરિક વિકલાંગતાની સહેજ અમથી સભાનતા સુધ્ધાં નથી. એ દોડાદોડી કરે છે, પડે છે-આખડે છે, રડે છે, ગુલાંટો મારે છેએક હાથથી હેન્ડસ્ટેન્ડ અને પુલ-અપ્સ કરે છે. નકલી પગની જગ્યાએ કાખઘોડી આવી જાય છે. ગજબની તાકાત છે એના શરીરમાં. મોટો થઈને એ એટલું કમાલનું ફૂટબોલ રમે છે કે તે જોઈને દુનિયા દંગ રહી જાય છે.

એ નિકોલાઈ અથવા નિકો કેલેબ્રિઆ છે. આ અમેરિકન છોકરો ફૂટબોલનો અસલી હીરો છે. નિકો જન્મ્યો હતો ત્યારે ડોક્ટરોએ એનાં મા-બાપને કહી દીધું હતું: તમારો દીકરો ક્યારેય નોર્મલ લાઇફ જીવી નહીં શકે. નિકોએ આ આગાહી જુદી રીતે સાચી પાડી. એણે નોર્મલ નહીંઅસાધારણ જીવન જીવી બતાવ્યું! કોઈ એન્જિનિયરીંગ કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ પદ પર કામ કરી રહેલા પિતા કાર્લ અને માતા જીનીનાં ત્રણ સંતાનોમાં એ વચલો. માત્ર શરીરમાં ખોડ હોવાને કારણે એને ક્યારેય વિશેષ લાડપ્યાર કરવામાં આવ્યાં નથી. મોટો ભાઈ એને એમ જ હેરાન કરતો જે રીતે બીજો કોઈ પણ ભારાડી છોકરો ઘરમાં નાના ભાઈને દબડાવતો હોય. પરિવારનો રવૈયો સ્પષ્ટ હતોઃ નિકો પ્રત્યે સહેજ પણ પક્ષપાત દેખાડવાનો નથી. એનામાં ભૂલેચૂકેય લાચારી કે બિચારા હોવાની લાગણી જન્મવી ન જોઈએ.
માંડ એક-દોઢ વર્ષનો હતો ત્યારથી નિકોમાં દોડવાની ઝંખના હતી ને એ દોડયો. પાંચ વર્ષનો થયો પછી એણે ધરાર પ્રોસ્થેટિકનો નકલી પગ ન જ પહેર્યો. કાખઘોડીની મદદથી હલનચલન કરવામાં એેને વધારે સરળતા રહેતી હતી. ધીમે ધીમે મોટો થતો ગયો એમ નિકોને સમજાતું ગયું કે બીજા છોકરાંઓ કરતાં પોતે અલગ છેકુદરતે એનું શરીર અધૂરું ઘડયું છે. બીજા ટેણિયા એને લંગડો... લંગડો કહીને ચીડવે ત્યારે રડતો રડતો એ ઘરે આવતો. માને લાગી આવતુંપણ પપ્પા વેદનાને ભીતર દબાવી દઈને સ્વસ્થ ચહેરે કહેતાં: "જો બેટાભગવાન ઉતાવળમાં તને એક પગ આપતાં ભૂલી ગયા છેપણ એનું હવે કશું જ થઈ શકે તેમ નથી, રાઈટ? એક પગ તો એક પગ. તારે એક પગથી થઈ શકે એટલું બેસ્ટ કરી દેખાડવાનું છે, ઓકે?" 

આઠ વર્ષની ઉંમરે એ સ્થાનિક ફૂટબોલ ટીમમાં દાખલ થઈ ગયો હતો. શરૂઆતમાં બીજા છોકરાંઓના વાલીઓ અને રેફરીએ વિરોધ નોંધાવેલો. એમને હતું કે નિકો પોતાની કાખઘોડીથી બીજા છોકરાંઓ પર પ્રહાર કરશેપોતાની વિકલાંગતાનો ગેરલાભ લેશે. આવું ક્યારેય ન બન્યું. ધીમે ધીમે સૌનો ડર દૂર થતો ગયો. દોડવામાં બીજા છોકરાંઓ કરતાં નિકોની સ્પીડ ઓછી જરૂર પડતીપણ આ ખામી એ બીજી રીતે સરભર કરી દેતો. પછી તો બીજા વાલીઓ એમનાં સંતાનોને નિકોનો દાખલો આપતાં: આ એક પગવાળો છોકરો આટલું સરસ રમી શકતો હોય તો તું કેમ ન રમી ન શકે? નિકોએ એક વાર ટીવી પર 'વોલ્કેનો અબાઉ ક્લાઉડ્સ' નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ. એમાં એક માણસ કાખઘોડીની મદદથી આફ્રિકાનો પ્રસિદ્ધ કિલિમાન્જારો પર્વત ચડી ગયો એની વાત હતી. નિકોને પાનો ચડયોઃ હું પણ કિલિમાન્જારો ચડીશ! એ વખતે નિકો માંડ તેર વર્ષનો હતો, છતાં મમ્મીપપ્પાએ એટલું જ કહ્યું: "જરૂર,કેમ નહીં!"

ત્રણ નાના પહાડો પર પર્વતારોહણની પ્રેક્ટિસ કર્યા બાદ નિકોએ આખરે આ સાહસ પણ કરી દેખાડયું. ૧૯,૨૪૦ ફૂટ ઊંચાઈ ધરાવતા કિલિમાન્જારોને સર કરતાં એને સાડાપાંચ દિવસ લાગ્યા. અલબત્તએ એકલો નહોતો. પપ્પા ઉપરાંત સહાયકોની આખી ટીમ એની સાથે હતી. રાત્રે તાપમાન લગભગ ઝીરો ડિગ્રીને સ્પર્શી જાય તો બપોરે ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચકાઈ જાય. નિકો કાખઘોડીની મદદથી ધીમે ધીમે પણ મક્કમ ડગલે ચડતો ગયો. શિખર થોડુંક દૂર હતું ત્યારે ઓક્સિજનની કમીને કારણે પપ્પા હિંમત હારી ગયાપણ નિકો ટોચ સુધી પહોંચ્યો. કિલિમાન્જારો સર કરનારો એ દુનિયાનો સૌથી નાની ઉંમરનો વિકલાંગ બન્યો. નિકોના આ સાહસ પર 'નિકોઝ ચેલેન્જ' (૨૦૧૦) નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે.

બે વર્ષ પછી નિકોએ ઔર એક કમાલ કરી દેખાડી. સિનિયર હાઈસ્કૂલની એક ફૂટબોલ મેચમાં નોર્મલ ખેલાડીઓને એણે ગજબની લડત આપી. અફલાતૂન કોર્નર કિક મારીને એણે ઓવર-ધ-હેડ ગોલ કરીને ટીમને જિતાડી દીધી. એના આ ગોલનો વીડિયો યુટયુબ પર જબરદસ્ત પોપ્યુલર બન્યો. જોતજોતામાં લાખો હિટ્સ મળી. સૌને એક વાતની ખાતરી થઈ ગઈઃ આ છોકરો કંઈ પણ કરી શકે છે!

મા-બાપે એનામાં ગજબનો ફાઈટિંગ સ્પિરિટ સીંચ્યો છે. લાઇફમાં સતત પ્રયત્નો કરતા રહેવાનાવિપરીત સંજોગો સામે લડતા રહેવાનું, હાર નહીં માનવાની! આજે એે અમેરિકાની નેશનલ એમ્પ્યુટી સોકર ટીમનો સદસ્ય બની ગયો છે. અહીં બધાં જ એના જેવા એક પગવાળા ખેલાડી છે. એમાંના અમુક તો વોર-વેટરન્સ એટલે કે દુશ્મન સામે લડતાં લડતાં અપંગ થઈ ગયેલા ફૌજીઓ છે. નવેમ્બરમાં વિકલાંગ લોકોનો વર્લ્ડ કપ યોજાવાનો છે. એમાં શારીરિક સ્તરે સૌ સરખેસરખા હશે એટલે નિકોના પર્ર્ફોર્મન્સ માટે સૌનાં મનમાં ઘણી અપેક્ષા અને ઉત્કંઠા છે.

નિકો હાલ યુનિવર્સિટીમાંની રેસલિંગ ટીમનો કો-કેપ્ટન પણ છે. એ કહે છે,"મારે લોકોને એક જ વાત કહેવી છે કે તમારી ફિઝિકલ કંડિશનથી, તમે કયા દેશમાં જન્મ્યા છો તેનાથી યા તો તમે પુરુષ છો કે સ્ત્રી તેનાથી કોઈ ફેર પડતો નથી. બધું જ હાંસલ કરી શકાય છે, જો દૃઢ મનોબળ અને પુરુષાર્થ કરવાની તાકાત હોય તો!" 
                                                 0 0 0
Footnote (1) : We don't get to see Nico Calabri's Powerade ad in India during FIFA matches. However, here is the link to that wonderful ad:  
                                               0 0 0  

No comments:

Post a Comment