Monday, June 2, 2014

ટેક ઓફ : લીન થઈ ગઈ ધ્યાનમાં... પ્રાપ્ત થયા ઉકેલ!

Sandesh - Ardh Saptahik Purty - 28 May 2014

ટેક ઓફ


કાશ્મીરનાં આદિ કવયિત્રી લલ્લેશ્વરી દુન્યવી માપદંડોથી ઉપર ઊઠી ચૂક્યાં હતાં. તેઓ ભારતનાં કદાચ પ્રથમ મહિલા સંત છે જે નગ્નાવસ્થામાં વિચરણ કરતાં. તેમણે રચેલા વાખ જીવનદર્શન અને અધ્યાત્મજ્ઞાાનથી ભરપૂર છે.
ઘર છોડી વન ગયા, તોય સર્યો નહીં અર્થ

જ્યાં લગ મન વશ થાય ના, ત્યાં લગ બધુંય વ્યર્થ.
ફકત હોઠ હલે પણ જો હોય ન હૈયે ભાવ
આવા પોપટિયા જપે, પાર નઉ તરે નાવ.

ઠાલાં કર્મકાંડ પર તીવ્ર ચાબખા ઝીંકાયા છે આ દોહામાં. એને રચ્યા છે કાશ્મીરમાં સંભવતઃ ચૌદમી સદીમાં થઈ ગયેલાં સંત કવયિત્રી લલ્લેશ્વરીએ. આ વિવાદાસ્પદ આદિ કવયિત્રીનું નામ આપણે ત્યાં બહુ જાણીતું નથી, પણ વિનોબાજીએ એમના માટે કહ્યું છે કે, કશ્મીર મેં દો હી નામ ચલતે હૈં - એક હૈ અલ્લા ઔર દૂસરા લલ્લા! લલ્લેશ્વરી માટે લલ્લા, લલયોગેશ્વરી, લલારિકા જેવાં નામો પણ પ્રચલિત છે. તેઓ ભારતનાં કદાચ પહેલા એવાં મહિલા સંત છે, જે સંપૂર્ણ નિવસ્ત્ર અવસ્થામાં વિચરતાં. તેમની વાણી યા તો દોહા પ્રકારની પદ્ય પંક્તિઓ 'વાખ' તરીકે ઓળખાય છે. કાશ્મીરનાં ગામોમાં આજે પણ લલ્લેશ્વરીના સ્થાનિક તળપદી ભાષામાં રચાયેલા વાખ ગવાય છે. 'લલ્લદ્યદ' નામના પુસ્તકમાં લલ્લેશ્વરીના વાખ અને તેના સંસ્કૃત અનુવાદનું સંપાદન થયું છે. એમાંથી પસંદગીના ૧૧૭ વાખનો સુરેશ ગાલાએ ગુજરાતીમાં સુંદર છંદોબદ્ધ ભાવાનુવાદ કરીને 'અસીમને આંગણે' નામના પુસ્તકમાં પ્રગટ કર્યો છે.
ખૂબ બધી વિસ્મયકારક લોકવાયકાઓ સંકળાયેલી છે લલ્લેશ્વરીના જીવન સાથે. શ્રીનગરથી નવ માઈલ દૂર સિમપુરા ગામના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં લલ્લેશ્વરીએ નાનપણથી જ અધ્યાત્મ તરફ ગતિ શરૂ કરી દીધી હતી. બાળવયે લગ્ન કરીને સાસરે તો ગયાં, પણ સંસાર પ્રત્યેની ઉદાસીનતા ધીમે ધીમે વધતી ગઈ. નિર્દય સાસુ ખૂબ ત્રાસ આપતી. થાળીમાં પથ્થર-કાંકરા લઈ,એની ઉપર ભાતનું પાતળું આવરણ પાથરી લલ્લેશ્વરીને ખાવા આપે. જોનારાને થાય કે વાહ, સાસુમા વહુને કેટલું બધું ખવડાવે છે, પણ તેમને ખબર ન હોય કે ભાતની નીચે કાંકરા પાથર્યા છે.
એક વાર લલ્લેશ્વરીને ઘાટ પરથી પાણી ભરીને લાવતાં મોડું થયું. સાસુએ દીકરાને ભડકાવ્યોઃ "જા, જઈને તપાસ તો કર કે ચુડેલ ક્યાં મોઢંુ કાળું કરવા ગઈ છે! વર લાકડી લઈને ઘાટ પર પહોંચી ગયો. સામેથી લલ્લેશ્વરી માથા પર પાણી ભરેલો માટીનો ઘડો ઊંચકી આવી રહ્યાં હતાં. વરે ગુસ્સામાં ઘડા પર લાકડી ફટકારી. લોકવાયકા કહે છે કે લાકડીના પ્રહારથી ઘડો ફૂટી ગયો, પણ મસ્તક પર પાણી એ જ આકારમાં ટકી રહ્યું! ઘરે જઈને લલ્લેશ્વરીએ તે પાણીથી વાસણો ભર્યાં, બચેલું પાણી બહાર ફેંક્યું. થોડા દિવસ પછી ત્યાં તળાવ બની ગયું. આજે તે 'લલ્લત્રાગ્'ના નામથી પ્રસિદ્ધ છે! અપમાન કે શારીરિક સીતમ લલ્લેશ્વરીને સ્પર્શતાં નહીં. તેમણે ગાયું -
કોઈ ભલેને ગાળ દે, એ પણ લાગે ખેલ

આત્મરમણતા હોય તો, મનદર્પણ નહીં મેલ.

બાલ્યાવસ્થામાં કુલગુરુ શ્રી સિદ્ધમોલ પાસેથી લલ્લેશ્વરીએ ધર્મ, દર્શન અને યોગ સંબંધિત ઘણાં રહસ્યો જાણ્યાં હતાં. અવારનવાર તેઓ ધ્યાનમાં લીન થઈ જતાં. એમણે કહ્યું છે કે -
પોથીમાંથી મલિયો નહીં, મારગનો અણસાર
માળામાંથી પ્રગટયો નહીં, ચેતનનો ઝબકાર.
શાસ્ત્રો સહેલાં વાંચવાં, આચરવાં મુશ્કેલ,
લીન થઈ ગઈ ધ્યાનમાં, પ્રાપ્ત થયા ઉકેલ.
પણ ધ્યાનમાં લીન થવા માટે સતત કૂદાકૂદ કરતા મનમાંકડાને અંકુશમાં રાખવું પડે. લલ્લેશ્વરી મનને ગર્દભ સાથે સરખાવે છે-
મનગર્દભ રાખ વશમાં, એ તો કરે કુકરમ
ભોગવીશ તું આખરે, સમજી લે તું મરમ.
લલ્લેશ્વરી અધ્યાત્મના માર્ગે આગળ વધતાં રહ્યાં. એક સ્થિતિ એવી આવી ગઈ કે એમનો દેહભાવ છૂટી ગયો. પરમ સત્ત્વ સાથે એમનું સંધાન થઈ ચૂક્યું હતું. તેઓ આનંદપૂર્વક નાચતાં-ગાતાં દિગંબર અવસ્થામાં ઘૂમવા લાગ્યાં. દુન્યવી અર્થમાં આપણે જેને લજ્જા કહીએ છીએ તે લાગણી તેમનાથી જોજનો દૂર રહેતી. તેમના મતે દેહભાવથી મુક્ત થઈને પરમ તત્ત્વમાં રમમાણ વ્યક્તિ એ જ પુરુષ. આવી વ્યક્તિ ભાગ્યે જ દેખાય છે. બાકીની વ્યક્તિઓ જો પુરુષ ન હોય તો પછી તેમની સામે નગ્નાવસ્થામાં ઘૂમવામાં શરમ શાની?
એક વચને દીક્ષા કે, ભીતર તું પ્રવેશ
ત્યજી વસ્ત્ર નાચી ઊઠી, રાખી છૂટા કેશ.
ઔર એક રસપ્રદ દંતકથા છે. એક દિવસ લલ્લેશ્વરીએ દૂરથી પ્રસિદ્ધ સૂફી સંત સૈયદ હમદાનીને આવતા જોયા. તેઓ પ્રફુલ્લિત થઈને શોર મચાવવા લાગ્યાં કે આજે મને અસલી પુરુષનાં દર્શન થયાં! તેઓ એક વાણિયાની દુકાને ગયાં. દેહ ઢાંકવા માટે વસ્ત્રોની માગણી કરી. વાણિયાએ વક્રતાપૂર્વક કહ્યું કે આજ સુધી તો તને ક્યારેય શરીર ઢાંકવાની જરૂર ન લાગી, આજે એકાએક કેમ કપડાં યાદ આવ્યાં? લલ્લેશ્વરીએ જવાબ આપ્યોઃ આજે અસલી પુરુષ અહીં આવી રહ્યા છે, એટલે! હું એમને ઓળખી ગઈ છું,તેમણે મને પારખી લીધી છે! એટલી વારમાં સંત સૈયદ હમદાની નજીક આવી ગયા. બાજુમાં એક ભઠ્ઠી સળગી રહી હતી. વસ્ત્રો નહોતાં મળ્યાં એટલે લલ્લેશ્વરી ભઠ્ઠીમાં કૂદી પડયાં. સંત હમદાનીને વસ્તુસ્થિતિ સમજતાં સહેજે વાર ન લાગી. એમણે હાકલ કરીઃ "લલ્લી, બહાર આવ, જો સામે કોણ ઊભું છે! કહે છે કે બીજી જ ક્ષણે લલ્લેશ્વરી દિવ્ય વસ્ત્રો પરિધાન કરીને સંત હમદાનીની સામે પ્રગટ થયાં!
લલ્લેશ્વરી માટે મહત્ત્વનું હતું આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ અને નિષ્કામ સાધના. દંભી બાહ્યાચાર અને ઠાલાં ક્રિયાકાંડના તેઓ આજીવન વિરોધી રહ્યાં. તેથી જ તેમણે કહ્યું છે કે -
મૂરખ સંગ જ્ઞાાનકથા, ગર્દભને તું ગોળ
કરમ મુજબ સહુ ભોગવે, તું સરનામું ખોળ.
કેવળ દેહદમન કર્યું, પણ ન કર્યું શુદ્ધ મન
જાણે શિખર નિરખિયું, ન કર્યું મૂર્તિદર્શન.
માન્યતા એવી છે કે શ્રીનગર-જમ્મુ હાઈવે નજીક બ્રિજબિહાલા ગામમાં એક મસ્જિદની પાછળ લલ્લેશ્વરીએ દેહત્યાગ કર્યો. કાશ્મીરમાં લલ્લેશ્વરીનું એક પણ સ્મારક, સમાધિ કે મંદિર જોવા મળતું નથી એ નવાઈ વાત છે. ખેર, સંત-સાધ્વીનું સત્ મહત્ત્વનું હોય છે. મંદિર અને સમાધિ પણ એક રીતે બાહ્ય માળખું જ થયુંને!
                                                     0 0 0 

No comments:

Post a Comment