Sunday, October 31, 2010

દિશા વાકાણીઃ દમદાર દયાભાભી

અહા! જિંદગી’ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમઃ ફલક

એની લાઉડ કોમેડી તો તમે જોઈ, પણ આ અભિનય પાછળ છૂપાયેલી સુક્ષ્મ અને દીર્ઘ સાધના વિશે તમે કેટલું જાણો છો?(શિશિર રામાવતના  ટૂંક સમયમાં પ્રકાશિત થનારા પુસ્તકમાંથી  )


ટીવી સ્ક્રીન પર દયાભાભીને જોઈને તમે ખૂબ હસો છો. શક્ય છે કે તમે દિશા વાકાણીને અસલી જીવનમાં મળો અને જો એ પૂરેપૂરાં મૂડમાં હોય તો તમે અનેકગણું વધારે હસો. દિશાની સેન્સઓફહ્યુમર માત્ર કેમેરા સામે કે મંચ પર અભિનય કરવા પૂરતી સીમિત નથી, રિયલ લાઈફમાં પણ તે હસાવીહસાવીને લોકોનાં પેટ અને જડબાં બણે દુખાડી શકે છે!

પડદા પરની દયાભાભી અને તેને સાકાર કરતી દિશા વાકાણીમાં એક આકર્ષક સામ્ય છે. બણેનાં વ્યક્તિત્વમાં કમાલની સરળતા છે. દયા લગભગ ભોટ કહી શકાય એટલી હદે ભોળી છે, તો દિશાના આંટીઘૂંટી વગરના વ્યક્તિત્વમાં તમને ક્યાંય આંટીઘૂંટી જોવા ન મળે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ની સુપર કામિયાબીએ દિશાને સેલિબ્રિટી સ્ટેટસ આપ્યું છે, અપાર લોકપ્રિયતા આપી છે, એને ઘરેઘરમાં જાણીતી કરી દીધી છે, પણ આ હકીકતની ગરમી દિશાની સૌમ્ય પર્સનાલિટીને સ્પર્શી શકી નથી.મોરનાં ઇંડાં


Disha Vakani (photograph by Moneesh Kumar)
 દિલીપ જોષીના સ્તરના એક્ટર સાથે સોલિડ જોડી બનાવીને કોમિક પર્ફોર્મન્સમાં તેમને મજબૂત ટક્કર આપવી આસાન નથી જ! ખેર, અભિનય તો દિશા વાકાણીના લોહીમાં વહે છે. તેના પિતા ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય છે અને રંગભૂમિ, ટેલિવિઝન તેમ જ સિનેમા આ ત્રણેય માધ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પપ્પાનાં દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં દિશાએ બાળકલાકાર તરીકે નાનીનાની ભૂમિકાઓ ભજવી હતી.

‘મને યાદ છે, રિહર્સલ્સ અને શોઝ દરમિયાન સિનિયર અભિનેત્રીઓ મારા ગાલ ખેંચીને પપ્પાને કહેતી કે ભીમભાઈ, તમારી ઈનહાઉસ હીરોઈન તૈયાર થઈ રહી છે, હોં! મને ત્યારે ‘હીરોઈન’ શબ્દનો અર્થ શો થાય છે એની ખબર ન પડતી પણ મને લાગે છે કે મોટાં થઈને મારે એકટ્રેસ બનવું છે તેવી ઈચ્છાનાં બીજ સિનિયર અભિનેત્રીઓની આ કમેન્ટ સાંભળી સાંભળીને જ રોપાયાં હશે!’ દિશા કહે છે.

નાનકડી દિશા નાટકોની સાથે ગુજરાતી સિરિયલોમાં પણ કામ કરે. ઈસરો પર તે વખતે ‘ખજાનો’ નામની સિરિયલ આવતી. અફઝલ સુબેદાર તેના ડિરેક્ટર. ભરત દવેનાં નિર્દેશનમાં બનેલી ‘માબાપ થવું આકરું’માં દિશાએ મજાની ભૂમિકા ભજવી હતી. દિશા કરતાં ત્રણ વર્ષ મોટો ભાઈ મયૂર જે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં એના અમદાવાદી ભાઈ સુંદરનું કિરદાર નિભાવે છે તે પણ આ નાટકો અને સિરિયલોમાં હોય.

દિશા કહે છે, ‘પપ્પા સાથે છકડામાં ગુજરાતના ગામેગામ ફરીને ‘દારૂ છોડો’ અને ‘બેટી બચાઓ’ જેવા જનજાગૃતિ ફેલાવતા પ્રચારાત્મક શોઝ ઘણા કર્યા છે. સ્વ. શોભન વૈદ્યે લખેલા ‘દુશ્મન’ નામના નાટકના પણ ઘણા શોઝ કર્યા છે. લોકો નીચે જમીન પર બેઠા હોય, કોઈ ઘરના છાપરે ચડીને જોતું હોય. નાટક એ નાટક છે, પછી એ ઓડિટોરિયમમાં ભજવાય કે ખુલ્લામાં ભજવાય. ગામડાંનું આ એક્સપોઝર મને એકટ્રેસ તરીકે ખૂબ કામ આવ્યું.’

નાનપણમાં દિશા સ્વભાવે શરમાળ (ઈન ફેક્ટ, હજુય તેને નવી વ્યક્તિઓ સાથે હળતાભળતા સમય તો લાગે જ છે!), પણ નાટકો અને ગુજરાતી સિરિયલોમાં કામ કરવાને લીધે એનામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ ઘડાતો ગયો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી દિશા સિદ્ધાર્થ હાઈસ્કૂલમાં ભણે. આ સ્કૂલનો પ્લસ પોઈન્ટ એ હતો કે કલાકાર હોવાથી રજાઓ જોઈએ એટલી મળી રહેતી! દિશા સ્ટુડન્ટ તરીકે ભણેશરી તો નહીં, પણ પરીક્ષામાં પાસ જરૂર થઈ જાય. કાગળ પર પેઈન્ટિંગ કરવાનું હોય કે કૂંજા પર ડ્રોઇંગ કરવાનું હોય ચિત્રકામમાં દિશાને વિશેષ રસ પડે. દિશાને ચિત્રકામમાં વિશેષ રસ પડવાનું કારણ એ હતું કે પપ્પા અમદાવાદની ઉણતિ વિદ્યાલયમાં ડ્રોઇંગ ટીચર હતા. વાકાણી ફેમિલીના સાતેક સભ્યો ફાઈન આર્ટ્સનું ભણ્યા છે. સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાય ત્યારે દિશા શકુંતલા અને જોકર જેવાં પાત્રોનાં વેશ કાઢે. કોમ્પિટિશનમાં નંબર આવે એટલે સ્ટીલની નાનકડી પ્લેટ કે એવું કંઈક ઈનામમાં મળે. આ જ વર્ષોમાં એક વાર પપ્પાના કહેવાથી નામદેવ લહુટેની એક્ટિંગ વર્કશોપ પણ અટેન્ડ કરેલી. નામદેવ લહુટે એટલે એ જ અભિનયગુરુ જેમની પાસે દિલીપ જોષીએ નાનપણમાં ત્રણ વર્ષ ટ્રેનિંગ લીઘી હતી!

‘અમારા માટે વેકેશન એટલે પપ્પા સાથે નાટકો કરવાનાં!’ દિશા કહે છે, ‘એમાં અમને મજા પણ આવતી. નાટકોમાં વ્યસ્ત રહેવાને કારણે બહેનપણીઓ સાથે મિત્રતા ખાસ મેન્ટેઈન ન થતી. પપ્પાની હું ખૂબ લાડકી. મને યાદ છે, એક વાર સ્કૂલમાં હોમ વર્ક નહોતું કર્યું એટલે ટીચર મને વઢેલા. મેં પપ્પાને ફરિયાદ કરી અને ચિઠ્ઠી લખી આપી. એમાં એવું કંઈક લખ્યું કે પછી એ ટીચરે મારી પાસેથી ક્યારેય હોમ વર્ક જ ન માગ્યું! મમ્મીનો સ્વભાવ સંતુલિત. એ બહુ ગુસ્સો ન કરી શકે.’પ્રેક્ટિકલ પહેલાં, થિયરી પછી

બારમા ધોરણની પરીક્ષા આપ્યા પછી દિશાએ આઈએનટી (ઈન્ડિયન નેશનલ થિયેટર)નું ‘આઘાત’ નામનું નાટક કર્યું, જેનો શો અમદાવાદની એચ.કે. કોલેજ અને ઠાકોરભાઈ હોલ ઉપરાંત અન્ય સ્થળોએ પણ થયા હતા. તેમાં દિશાને શ્રેષ્ઠ અભિનય બદલ અવોર્ડ મળ્યો. દિશા કહે છે, ‘મારે એક્ટિંગની લાઈનમાં જ આગળ વધવું છે તેવી પ્રબળ ઈચ્છા આ ઘટના પછી જાગી. મેં અમદાવાદની ગુજરાત કોલેજના નાટ્યવિદ્યા વિભાગમાં ડિપ્લોમા કોર્સ માટે એડમિશન લીધું. નાનપણથી પપ્પા સાથે નાટકો કરતી હતી પણ નાટ્યશાસ્ત્રનું થિયેરિટિકલ નોલેજ મને ડ્રામા કોલેજમાંથી મળ્યું. ગ્રીક અને અન્ય નાટકો વિશે જાણ્યું, મંચનો કઈ રીતે સારામાં સારો ઉપયોગ કરવો તે વિશે જાણ્યું, મ્યુઝિક ઓપરેટ કરતાં શીખી. શ્રીકાંત સર, સાગર સર, કોઠારી સર વગેરે અમને ભણાવતા. અભિનયની આ પ્રકારની શાસ્ત્રીય તાલીમ ઘણી કામમાં આવે. એનાથી કોન્ફિડન્સ પણ વધે.’Disha Vakani (photograp by Moneesh Kumar)
હું બહુ વિચારીવિચારીને અભિનય કરનારી નહીં, પણ સ્પોન્ટેનિયસ એક્ટ્રેસ છું. મંચ પર કે કેમેરા સામે અભિનય કરતી હોઉં ત્યારે અચાનક કશુંક આવી જાય કોઈક મુદ્રા, કોઈક જેશ્ચર, કોઈક એક્સપ્રેશન... એવું કશુંક જે મેં રિહર્સલ દરમિયાન ન કર્યું હોય અને તે આ રીતે આવશે તેની મને પણ કલ્પના ન હોય!’
  દિશા ડ્રામા કોલેજમાં ભણવાની સાથે કૌમુદિની લાખિયા પાસેથી કથક પણ શીખી. શાસ્ત્રીય નૃત્યની આ તાલીમ દોઢ વર્ષ ચાલી. અમદાવાદની સિરિયલોમાં નાનુંનાનું કામ પણ સમાંતરે થયા કરે. મુંબઈનાં નાટકો અમદાવાદમાં શોઝ કરવા આવે ત્યારે ઘણી વાર રિપ્લેસમેન્ટમાં સ્થાનિક કલાકારોની જરૂર પડે. આવી ભૂમિકાઓ ભજવવાના મોકા દિશાને મળતા રહે. ‘જેમ કે, સંજય ગોરડિયાના પ્રોડકશન અને હરિન ઠાકરના દિગ્દર્શનમાં બનેલા ‘દેરાણી જેઠાણી’ નાટકમાં મેં નર્સનો નાનો રોલ કરેલો,’ દિશા કહે છે. ‘આ નાટક પછી અમેરિકાની ટૂર પર ગયું ત્યારે મને એમાં દેરાણીનો રોલ આપવામાં આવેલો. મને થયેલું કે વાઉ... આપણને તો પ્રમોશન મળ્યંુ! ‘બા રિટાયર થાય છે’ નાટક અમદાવાદમાં રૂપા દિવેટિયા સાથે રિઓપન થયું ત્યારે હું એમની દીકરી બનેલી. કોલેજમાં મોહન રાકેશનું ‘અષાઢ કા એક દિન’ કરેલું, જેનું ડિરેકશન મયૂરભાઈએ કરેલં. મૌલિન મહેતાની ‘સંગાથ’ નામની સિરિયલ કરેલી, પ્રફૂલ ભાવસાર સાથે ‘ગંગુ’ નામની ડોક્યુમેન્ટરી કરેલી.ં ઉપરાંત, કોલેજમાં મેં ‘નેજવાની છાંય તળે’ નામનું નાટક ડિરેક્ટ પણ કરેલું.’

અમદાવાદની નાટ્યપ્રવૃત્તિની તુલનામાં મુંબઈની કમર્શિયલ રંગભૂમિ વધારે વિસ્તરેલી રહી છે. મુંબઈનાં નાટકો અમદાવાદની ટૂર પર આવે એટલે અખબારોમાં તેની જાહેરાતો છપાય, જેેમાં હીરોહીરોઈનની તસવીરો આકર્ષક રીતે મુકાયેલી હોય. દિશાની બસ આ એક જ દિલી તમન્નાઃ મારો ફોટો પણ આ રીતે નાટકની જાહેરાતોમાં છપાય તો કેવું સારું!ચલો મુંબઈ!

ડ્રામા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ દિશાએ ઘોષણા કરી દીધીઃ પપ્પા, મારે જવું છે, મુંબઈ....!

પપ્પાએ કહ્યુંઃ તું પહેલાં એક્ઝામ્સ આપ, પછી શાંતિથી વિચાર કે તારે આગળ શું કરવું છે...

દિશાએ ક્યાં ઝાઝું વિચારવાનું હતું? તેણે કહ્યુંઃ મેં વિચારી લીધું છે. મારે મુંબઈ જવું છે... ને તમેય ચાલો મારી સાથે!

‘તે વખતે હું વિચારી નહોતી શકતી કે પપ્પા માટે અમદાવાદ છોડીને મુંબઈ આવવાનો નિર્ણય કેટલો મોટો ગણાય!’ દિશા કહે છે, ‘મારે તો મારાં સપનાંને આગળ ધપાવવાં હતાં....અને પપ્પાને પણ નાટકો પ્રત્યેનો મારો આ લગાવ ગમતો હતો. મારા માટે પપ્પાએ સ્કૂલમાંથી ત્રણ વર્ષ વહેલું રિટાયરર્મેન્ટ લઈ લીધું. પપ્પાનો સપોર્ટ હતો તેથી મારા ઈરાદા વધારે મજબૂત બનતા હતા, મને બળ મળતું હતું...’

મમ્મી (તેઓ પણ સ્કૂલ ટીચર હતાં), એચકે કોલેજ અને ફાઈન આર્ટ્સ કોલેજ બણેમાં એકસાથે ભણી રહેલો ભાઈ મયૂર અને નાની બહેન ખુશાલી અમદાવાદ જ રહે અને દિશા પપ્પા સાથે માયાનગરીની અભિનયની દુનિયામાં નસીબ અજમાવે તેવો નિર્ણય લેવામાં આવ્યો.

... અને આમ દિશા વાકાણીએ આંખોમાં ખૂબ બધાં સપનાં આંજીને અમદાવાદને અલવિદા કહી મુંબઈપ્રવેશ કર્યો!સ્ટ્રગલ ટાઈમ

‘હું મુંબઈમાં સેટલ થઈ રહી હતી ત્યારે ગોપી દેસાઈએ પણ મને ઘણી મદદ કરેલી. તેઓ ‘બાલદૂત’ નામની સિરિયલ ડિરેક્ટ કરી રહ્યાં હતાં. તેમાં મને રોલ આપેલો. તેમના કહેવાથી બાલાજી ટેલિફિલ્મ્સની ‘ઈતિહાસ’ નામની સિરિયલમાં પણ કામ મળ્યું હતું.

તમે મુંબઈ જેવા શહેરમાં સેટલ થવા માગતાં હો ત્યારે આ રીતે કામ મળતાં રહે અને તમારા બાયોડેટામાં આવાં કામ ઉમેરાતાં રહે તો તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.’

ગોરેગાંવ વિસ્તારમાં ફ્લેટ ભાડે લઈને બાપદીકરીનું મુંબઈજીવન શરૂ કર્યુંં. સ્ટ્રગલની શરૂઆત અલબત્ત, નાટકોથી જ થઈ, પણ એમ ગુજરાતી રંગભૂમિ પર ‘હીરોઈન’ તરીકે આસાનીથી એન્ટ્રી થોડી મળે? ટીવી સિરિયલો માટે ઓડિશન્સ આપવાના પણ શરૂ કર્યાં.

દિશા કહે છે, ‘પપ્પાએ ખાસ મારા માટે ‘લગન્ કરવાં લાઈનમાં આવો’ નામનું નાટક પ્રોડ્યુસ કર્યું. આ કામ જોમખી હતું, પણ મારી કરીઅર બને તે માટે પપ્પાએ ખૂબ બધી તકલીફો વેઠીને પણ નાટક કર્યું.

‘લગ્ન કરવા લાઈનમાં આવો’ નાટકે એક મહત્ત્વનું કામ કર્યું દિશાની ગુજરાતી નાટકની હીરોઈન બનવાની અને અખબારોમાં છપાતી જાહેરાતોમાં પોતાનો ફોટોગ્રાફ જોવાની તમણા પૂરી કરવાનું! જોકે આ હોમ પ્રોડકશન હતું એટલે સપનું સાકાર થવાથી જે ‘કિક’ લાગવી જોઈએ તે હજુ નહોતી લાગી...

‘ધીમે ધીમે મને નાટકો મળવાં લાગ્યાં. જે. અબ્બાસે પ્રોડ્યુસ કરેલું અને ઈમ્તિયાઝ પટેેલે ડિરેક્ટ કરેલું ‘ખરાં છો તમે!’ કર્યું. સૌમ્ય જોશીએ લખેલું આઈએનટીનું ‘અલગ છતાં લગોલગ’ કર્યું, જેના ડિરેક્ટરપ્રોડ્યુસર સુરેશ રાજડા હતા. (સુરેશ રાજડાના પુત્ર માલવ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ના અસોસિયેટ ડિરેક્ટર છે.) મુુનિ ઝા અને સુજાતા મહેતાની ‘અલગ છતાં લગોલગ’માં મુખ્ય ભૂમિકાઓ હતી. આ નાટક દરમિયાન સુજાતાબહેન સાથે ઓળખાણ કેળવાઈ. તેમણે મને ઘણું શીખવ્યું. નાટ્યક્ષેત્રમાં એટલે જ મને લોકો ‘ગુરુમાની શિષ્યા’ તરીકે પણ ઓળખે છે! મેહુલકુમારના પ્રોડકશન અને દીપક બાવસ્કરે ડિરેક્ટ કરેલા ‘સો દહાડા સાસુના’ પછી સંજય ગોરડિયાનું ‘ચાલ ચંદુ પરણી જઈએ’ આવ્યું. તેમાં ચાર કપલ્સની વાત હતી. એમાંનું એક કપલ મારું અને મનીષ મહેતાનું હતું. સંજયસરે મને હંમેશાં સારા રોલ જ ઓફર કર્યા છે.’

દિશાની કોમેડીની સુપર્બ સેન્સનો પહેલો ચમકારો ‘ચાલ ચંદુ પરણી જઈએ’માં દેખાયો!

‘અગાઉ તો જે રોલ ઓફર થતો તે સ્વીકારી લેતી, પણ ‘ચંદુ...’ પછી હું થોડી સિલેક્ટિવ બની,’ દિશા ઉમેેરે છે.

વચ્ચે અમદાવાદ જઈને દિશાએ સિતાંશુ યશશ્ચંદ્રે લખેલા ‘અશ્વત્થામા હજુ જીવે છે’ નાટકના થોડા શોઝ કર્યા. નિમેશ દેસાઈએ તે ડિરેક્ટ કરેલું. ‘અલગ છતાં લગોલગ’ નાટક ચાલી રહ્યું હતું તે દરમિયાન ઈટીવી ગુજરાતી ચેનલ માટે ‘ગીત ગુંજન’ નામના ડેઈલી શોનું એન્કરિંગ કરવાનું કામ સ્વીકાર્યું. દિશા કહે છે, ‘આ કાર્યક્રમના મેં એક હજાર એપિસોડસ કર્યા. હૈદરાબાદ અને અમદાવાદ જઈને શૂટિંગ કરવાનું રહેતું. મહિનામાં સાત દિવસ આ શોને આપવા પડતા. ગુજરાતી દૂરદર્શન માટે ‘સહિયર’ અને ‘સખી’ કર્યું. આ બધા શોઝને લીધે મને ફાયનાન્શિયલ સપોર્ટ મળતો.’

પણ આ કાર્યક્રમોને લીધે હૈદરાબાદઅમદાવાદની ટૂર વારેવારે થતી એટલે મુંબઈનાં કામ બહુ ડિસ્ટર્બ થવાં માંડ્યાં. આખરે પપ્પાએ દિશાને કહેવું પડ્યુંઃ તું બોમ્બે શાના માટે આવી હતી? તું પેસાની ચિંતા ન કર. અમારો તને પૂરેપૂરો સપોર્ટ છે જ.

‘પછી મેં થોડો સમય વિરામ લીધો. તે પછી આવ્યું ‘લાલી-લીલા’.... અને આ નાટક મારી કરીઅરનું ટર્નંિગ પોઈન્ટ સાબિત થયું!’‘લાલી-લીલા’ - હવે બની અસલી હીરોઈન!


Disha Vakani (right) in Lali-Lila
 દેવેન્દ્ર પેમ લિખિત, વિપુલ મહેતા દિગ્દિર્શિત અને સંજય ગોરડિયા નિર્મિત આ નાટકમાં કન્જોઈન્ડ ટિ્વન્સ એટલે કે પેટથી જોડાયેલી બે બહેનોની હૃદયસ્પર્શી વાત હતી. દિશાની પસંદગી લાલીની ભૂમિકા માટે થઈ હતી. સ્વાભાવિક રીતે જ લીલા બનતી અભિનેત્રી એવી હોવી જોઈએ જેની હાઈટ દિશા સાથે મેચ થતી હોય. આ માપદંડને લીઘે લીલાના કાસ્ટિંગમાં બહુ સમય લાગ્યો. આખરે મૌસમ નામની સુંદર એકટ્રેસ મળી અને તેને લીલાનું કિરદાર આપવામાં આવ્યું. આ નાટક ભજવવું કઠિન હતું. રિહર્સલ્સ દરમિયાન અને પછી શો વખતે દિશા અને મૌસમને પેટથી રીતસર પાટામાં લપેટી લેવામાં આવતી.

‘હું સહેજ પણ અતિશયોક્તિ વગર કહી શકું છું કે આ નાટક માટે મેં ‘પેટે પાટા બાંધીને’ મહેનત કરી હતી...’ દિશા ખડખડાટ હસતાં કહે છે.

એકદમ જ નવો વિષય ધરાવતું ‘લાલીલીલા’ નાટક સુપરહિટ પુરવાર થયું. દેશવિદેશમાં તેના ૩૬૫ શોઝ થયા. જયા બચ્ચન શ્રીદેવી, બોની કપૂર જેવાં બિનગુજરાતી સેલિબ્રિટીઝે પણ તે માણ્યું. લીલા તરીકે મૌસમ પછી આરતી અને દીપાલી નામની બીજી બે યુવતીઓ બદલાઈ ગઈ, પણ લાલીના પાત્રમાં દિશા છેક સુધી અણનમ રહી.

‘લાલી-લીલા’એ દિશા વાકાણીને ગુજરાતી નાટકોની ‘પ્રોપર હીરોઈન’ બનાવી દીધી! ‘લાલીલીલા’ ત્યાર બાદ જુદી કાસ્ટ સાથે પણ આ જ નામે હિન્દીમાં પણ અવતર્યું.

આ નાટક દરમિયાન દિશાએ હેટ્સ ઓફ્ફ પ્રોડકશનની ‘ખિચડી’ નામની સિરિયલમાં નાનો રોલ કર્યો. તે પછી આ જ પ્રોડકશન હાઉસની ‘રેશમડંખ’ નામની સિરિયલ કરી, જે મહેશ યાજ્ઞિક અને આતિશ કાપડિયાએ સંયુક્તપણે ‘ચિત્રલેખા’માં લખેલી ધારાવાહિક નવલકથા પર આધારિત હતી. આ રોલ ખાસ્સો મહત્ત્વનો હતો. હેટ્સ ઓફ્ફ પ્રોડકશનમાં પણ નાનો રોલ કર્યા પછી મોટી ભૂમિકા મળવાથી દિશાને ખૂબ આનંદ થયો. શોભના દેસાઈ પ્રોડકશન્સની ‘થોડી ખુશી થોડે ગમ’માં પણ દિશાએ થોડા સમય માટે એક ભૂમિકા ભજવી....જ્યારે હૃતિક રોશને દિશાની આંખોમાં આંખો પરોવી!

દિશાના પિતાજી ભીમ વાકાણીએ આમિર ખાને પ્રોડ્યુસ કરેલી અને આશુતોષ ગોવારીકરે ડિરેક્ટ કરેલી ઓસ્કર-નોમિનેટેડ ‘લગાન’માં કાજીસાહેબની નાનકડી પણ મજાની ભૂમિકા ભજવી હતી.

‘મેં પણ ‘લગાન’ માટે ઓડિશન આપેલું,’ દિશા કહે છે, ‘પણ મારો ચાન્સ નહોતો લાગ્યો.’

Disha with Aishwarya Rai in Jodha-Akbar
જો કે દિશાને આમિર ખાન સાથે એક સીનમાં તો એક સીનમાં કામ કરવાનો મોકો જરૂર મળ્યો કેતન મહેતાના ડિરેકશનમાં બનેલી ‘મંગલ પાંડે’ ફિલ્મમાં. તેમાં દિશા એક દશ્યમાં રાની મુખર્જી સાથે રૂપજીવિનીના સ્વાંગમાં દેખાઈ. એણે આશુતોષ ગોવારીકરની ‘સ્વદેસ’ માટે ય ઓડિશન આપેલું. આખરે ‘જોધા-અકબર’માં આશુતોષ ગોવારીકરે એને ઐશ્વર્યા રાયની સખી માધવીનો રોલ આપ્યો.

‘જોધા-અકબર’ના સેટ પર બનેલો એક પ્રસંગ દિશા કદાચ આખી જિંદગી ભૂલી નહીં શકે.

બન્યું એવું કે રિસામણે ચાલી ગયેલી જોધા (એટલે કે ઐશ્વર્યા)ને મનાવવા માટે અકબર (એટલે કે હૃતિક) એના પિયર આમેર આવ્યો છે તે સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. દશ્ય એવું છે કે હૃતિકનું સ્વાગત કરવા આખો ચહેરો ઢંકાઈ જાય એટલો ઘૂંઘટ તાણીને કેટલીય સ્ત્રીઓ સામે ઊભી છે. હૃતિકે શોધી કાઢવાનું છે કે આમાંથી પોતાની જોધા કઈ છે.

‘હૃતિક અને આશુસર ડિસ્કસ કરી રહ્યા હતા કે ઘૂંઘટ એક્ઝેકટ્લી કેટલો ઉઠાવવો. આશુસર કહે, ચાલો આપણે એકવાર રિહર્સલ કરી લઈએ. તેમણે આસપાસ નજર ફેરવી. હું નજીકમાં જ બીજી છોકરીઓ સાથે ઊભી હતી. આશુસરે એકદમ કહ્યું, દિશા, જરા અહીં આવ તો! પછી મને હૃતિક સામે ઊભી કરી દીધી. હૃતિકે બે હાથે મારો ઘૂંઘટ પકડ્યો, ધીમેથી ઊંચો કર્યો અને બોલ્યો, સર, ઈતના ઠીક હૈ?... અને પછી જાણે જોધાની આંખોમાં જોઈ રહ્યો હોય તેમ એણે મારી સામે જોયું. અમારી નજરો મળી... અને મારા દિલના ધબકારા વધી ગયા! ઈમેજિન, હૃતિક રોશન મારો ઘૂંઘટ ઉઠાવી રહ્યો હતો! પછી તો મારો આખો દિવસ કેવો ગયો તે હું જ જાણું છું!’

આ કિસ્સો યાદ કરીને દિશા ખડખડાટ હસી પડે છે. પર્સનલ લાઈફમાં, ખેર, દિશાને હજુ મિસ્ટર રાઈટ મળવાનો બાકી છે!... અને આખરે દયા જેઠાલાલ ગડા

‘જોધા-અકબર’ પછી દિશાનું એક ઓર હિટ નાટક આવ્યું ઉમેશ શુક્લે ડિરેક્ટ કરેલું ‘કમાલ પટેલ ધમાલ પટેલ’. પ્રોડ્યુસર ભરત ઠક્કર અને કિરણ ભટ્ટ. તે અરસામાં નીલા ટેલીફિલ્મ્સની ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ની કાસ્ટિંગ પ્રોસેસ શરૂ થઈ ચૂકી હતી. ક્રિયેટિવ પ્રોડ્યુસર આસિત મોદી જેઠાલાલ યા તો ચંપકલાલના પાત્રમાં દિલીપ જોષી સિવાય બીજા કોઈ એક્ટરને જોઈ શકતા નહોતા, તેમ દયાના કિરદારમાં તેઓ માત્ર અને માત્ર ડિમ્પલ શાહને જ વિઝયુલાઈઝ કરી શકતા હતા! આસિત મોદીની સૌથી પહેલી સિરિયલ ‘હમ સબ એક હૈં’માં તેણે ગુજરાતી પટેલ યુવતીનું પાત્ર અફલાતૂન રીતે ઉપસાવ્યું હતું. જોકે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’માં કામ કરવું તેના માટે શક્ય બને તેમ નહોતું, કારણ કે તેની દીકરી તે વખતે ખૂબ નાની હતી અને તેની સંભાળ લેવાની જવાબદારી સૌથી અગત્યની હતી. જોકે ડિમ્પલે ખુદ દયાના પાત્રમાં બંધ બેસી શકે તેવી બેત્રણ અભિનેત્રીઓનાં નામ આપ્યાં.

... અને તેમાંનું એક નામ હતું દિશા વાકાણી!

દયા માટે લાયક અભિનેત્રીઓ વિશે પછી દિલીપ જોષી સાથે વાત થઈ ત્યારે તેમણે પણ દિશા વાકાણીનું નામ સજેસ્ટ કર્યું.

‘હમ સબ એક હૈં’ સિરિયલ ચાલતી હતી ત્યારે દિશા વાકાણી એક વાર આસિત મોદીને મળવા સેટ પર આવી હતી. કોણ જાણે કેમ તે વખતે તેમના મનમાં એવી ઈમ્પ્રેશન પડી હતી કે આ છોકરી ગંભીર અને રડકુ રોલ કરી શકે, કોમેડીમાં તે ન ચાલે! દિશામાં એક્ટિંગ અને એનર્જીનો મહાસાગર ઊછળતો હશે એવી તો કલ્પના સુધ્ધાં નહીં.


Dilip Joshi
 દિલીપ જોષીએ દિશાના નામનું સૂચન કર્યું ત્યારે સૌથી પહેલાં તો આસિત મોદીને તેને ગંભીરતાથી ન લીધું, પણ પછી તેને મળવાનું નક્કી કર્યું. યોગાનુયોગે ‘કમાલ પટેલ ધમાલ પટેલ’ની સહકલાકાર અને સખી અંબિકા રંજનકરે (કે જે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં મિસિસ હાથી બને છે) દિશાને આ સિરિયલ વિશે ઓડિશન આપવા જવાનું દિશાસૂચન કરેલું. દિશા આસિત મોદીને મળી. સિરિયલ વિશે ટૂંકમાં માહિતી આપીને આસિત મોદીએ સાશંક સ્વરે એને સીધું જ પૂછી લીધુંઃ પણ તારાથી કોમેડી થઈ શકશે?

- ચોક્કસ થઈ શકશે, સર! તમને એક કોમેડી આઈટમ કરીને બતાવું? દિશાએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો.

...અને નવશીખિયાઓની બનેલી કોઈ નાટકમંડળીના અધૂરા ઘડા જેવા અમદાવાદી ડિરેક્ટરની સરસ મિમિક્રી દિશાએ કરી દેખાડી. તેનું પર્ફોર્મન્સ એટલું કમાલનું હતું આસિત મોદી હસીહસીને બેવડ વળી ગયા! એમને થયું કે ક્યા બાત હૈ..! તેમણે દિશા સાથે વધારે વાતો કરી અને તે ધીમે ધીમે ઊઘડતી ગઈ. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ માટે દિશા યોગ્ય છે તે વાતે તેઓ કન્વિન્સ થતા ગયા. મુખ્ય કાસ્ટિંગની બાબતમાં આસિત મોદી સારી એવી ચીકાશ કરે. એમના મનમાં પાત્રનંું સ્પષ્ટ ચિત્ર રમતું હોય. દિશામાં તેમને દયાનું ચિત્ર મળી ગયું. આસિત મોદીએ દિશાને દયા તરીકે લોક કરી નાખી.

કોણ કહે છે કે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન? કમસે કમ દિશા વાકાણીના કિસ્સામાં તો આ કહેવત સાચી નથી જ!ગુંગી ગુડિયા

દિશાએ તારક મહેતાને વાંચેલા. એક વખત ભાઈદાસ ઓડિટોરિયમમાં કોઈક કાર્યક્રમની ઉજવણીમાં દિશાને તારક મહેતાએ તેમનું ‘તારકનો ટપુડો’ આપેલું. દિશાએ તેના પર લેખકનો ઓટોગ્રાફ પણ લીધેલો.

‘મને જેઠાલાલની પત્ની દયાનો રોલ મળ્યો એટલે હું તો વિચારમાં પડી ગયેલી, કારણ કે ‘દુુુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળામાં દયા તો કશું કરતી જ નથી! ઓડિશન પછી ઘરે જઈને મેં કબાટમાંથી પાછાં તારક મહેતાનું પુસ્તક કાઢ્યું અને ફરી એક વાર બધું જોઈ ગઈ કે ખૂણેખાંચરે ક્યાંય દયા કશુંય બોલતી કે કંઈ કરતી દેખાય છે ખરી!’

આમ કહેતાં કહેતાં દિશા ફરી મોટેથી હસી પડે છે.

દિશાને ટેન્શન થઈ જવું સ્વાભાવિક હતું, કારણ કે તારક મહેતાની હાસ્ય લેખમાળામાં તો દયાનું પાત્ર લગભગ મૌન અને હાંસિયામાં ધકેલાયેલું છે! દિશા કહે છે, ‘હાસ્ય લેખમાળામાં દયા ભલે કશું નથી કરતી, પણ સિરિયલમાં આ કેરેક્ટર ડેવલપ થવાનું છે એવું કશું મને કહેવામાં નહોતું આવ્યું. મારી પાસે આ સિરિયલ કરવાનાં ચાર કારણો હતાં. એક તો, એક વાચક તરીકે તારક મહેતાનાં લખાણોમાં મને હંમેશાં મજા આવી છે. બીજું, આસિતભાઈનું અને નીલા ટેલિફિલ્મ્સનું ટીવી ઈન્ડસ્ટ્રીમાં સારું નામ અને કામ છે. ત્રીજું, મને દિલીપસર સાથે કામ કરવાનો, એમની પત્નીનો રોલ કરવાનો મોકો મળતો હતો અને ચોથું ધર્મેશસર (ડિરેક્ટર ધર્મેશ મહેતા) સાથે મેં અગાઉ ‘સંસાર’ નામની સિરિયલમાં એક્ટિંગ કરી હતી પણ હવે તેમના ડિરેકશનમાં અભિનય કરવો હતો.’

દયાના રોલમાં દિશા વાકાણી ફાઈનલ થઈ ગયા પછી ય દિશાના મનમાં અવઢવ તો રહી જ.

તારક મહેતાનાં લખાણોમાં તો દયા ગૂંગી ગુડિયા છે અને ભાગ્યે જ એની હાજરી વર્તાય છે. છતાંય જે કામ મળ્યું છે તે શિરોમાન્ય ગણીને દિશા કામે લાગી ગઈ.

... પણ એકલી દિશાને જ નહીં, પણ ટીમના તમામ સભ્યોમાંથી કોઈને એ વાતનો અંદેશો સુધ્ધાં નહોતો કે આ જ દયા સિરિયલનો હાઈપોઈન્ટ બની જવાની છે અને સોલિડ ધમાલ મચાવી મૂકવાની છે!

==૦==૦==બોક્સઃ ૧ અજબ અવાજ ગજબ પ્રભાવકોર્ટનાં દશ્યો શૂટ થઈ ગયાં પછી આજે અંધેરી (ઈસ્ટ)માં આવેલા કમાલિસ્તાન સ્ટુડિયોમાં શૂટિંગ છે. ડ્રીમ સિકવન્સના ભાગરૂપે અહીં જેલનો સેટ ઊભો કરવામાં આવ્યો છે. કેદીના પોષાકમાં સજ્જ થયેલા જેઠાલાલ તેમ જ દયા પર અમુક દશ્યો ઝડપવાનાં છે. દિલીપ જોષી અને દિશા વાકાણીને ડિરેક્ટર ધર્મેશ મહેતા રિહર્સલ કરાવી રહ્યા છે. દિલીપ જોષીએ જેઠાલાલનું કેરેક્ટર સ્ક્રેચ (એટલે કે રફ, ટ્રાયલ) એપિસોડમાં જ પકડી લીધું હતું. તારક મહેતાની લેખમાળામાં દયા ચૂપચાપ રહે છે, પણ મહિલાપાત્રોનાં વર્ચસ્વવાળી ટીવી સિરિયલોની દુનિયામાં નાયિકા મૌન રહે તે પરવડે નહીં. તેથી આસિત મોદી અને તેમની ક્રિયેટિવ ટીમે દયાનું મજાનું વાચાળ વર્ઝન તૈયાર કર્યું છે, એનાં વર્તનવર્તણૂક સરસ રીતે ડિફાઈન કરી નાખ્યાં છે, પણ કોણ જાણે કેમ દયાના પાત્રાલેખનમાં હજુય કશુંક ખૂટતું લાગે છે. કશુંક એવું એલીમેન્ટ જે દયાના કેરેક્ટરમાં ઝમક લાવી દે. દયાના પાત્રાલેખનને ઈન્ટરેસ્ટિંગ બનાવવા બીજું શું થઈ શકે? શું નવું લાવી શકાય એમ છે? દિલીપ જોષીને અચાનક કશુંક યાદ આવે છે.

‘દિશા, તને યાદ છે, તે દિવસે બેકસ્ટેજ પર તું કોઈની મિમિક્રી કરીને સૌને હસાવી રહી હતી?’

‘કઈ મિમિક્રી?’

‘કેમ? ‘કમાલ પટેલ ધમાલ પટેલ’ નાટકના શો પછી હું બેકસ્ટેજમાં બધાને મળવા આવેલો ત્યારે તું કંઈક વિચિત્ર અવાજ કાઢીને કોઈની નકલ નહોતી કરતી?’

‘અરે હા.. હા. યાદ આવ્યું!’ દિશા મલકાય છે.

‘ધર્મેશભાઈ, દિશાનો એ અવાજ સાંભળવા જેવો છે,’ દિલીપ જોષી કહે છે.

‘અચ્છા?’ ધર્મેશ મહેતાને રસ પડે છે. ‘એ તારા જુદા અવાજમાં એકાદ ડાયલોગ ટ્રાય કર તો, દિશા!’

દિશા પોતાના ઓરિજિનલ મધુર અવાજને તોડીમરોડીને, તેને વધારે ઘેઘૂર કરીને, તે જાણે ગળાના તળિયેથી ઘસાઈને બહાર આવી રહ્યો હોય તેવો કઢંગો બનાવીને દયાનો એક સંવાદ બોલે છે. સાંભળવામાં તે એટલું રમૂજી લાગે છે કે ધર્મેશ મહેતા અને દિલીપ જોષી હસ્યા વગર રહી શકતા નથી.

‘આ ખરેખર સારું છે!’ ડિરેક્ટર કહે છે, ‘દિશા, કોનો અવાજ છે આ?’

‘સર, અમદાવાદમાં સ્મિતાબેન કરીને એક સિનિયર એકટ્રેસ છે. પપ્પાનાં પરિચિત છે. ઘણી જૂની ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અમે આજુબાજુનાં ગામડાંમાં પ્રચાર શો કરવા જતાં ત્યારે એક વાર સાથે આવેલાં,’ દિશા જણાવે છે.

દિલીપ જોષીની અનુભવી દષ્ટિ જોઈ શકે છે કે દયાની આ પ્રકારની ડાયલોગ ડિલિવરીમાં ‘આઈટમ’ બની શકવાની તાકાત છે.

‘બહોત અચ્છે દિશા,’ દિલીપ જોષી કહે છે, ‘બસ, હવે દયાના બધા ડાયલોગ્ઝ આ જ અવાજમાં બોલજે.’

પ્રોડ્યુસર આસિત મોદી સેટ પર સહેજ મોડા પહોંચે છે. આમેય ફિલ્મસિટી અને કાંદિવલીના સેટ સમયસર તૈયાર કરી દેવાનું કામ તેમના અગ્રતાક્રમમાં ટોચ પર છે. તેમને દિશાના બદલાયેલા અવાજ વિશે વાત કરવામાં આવે છે. દિશા એક નમૂનો પેશ કરે છે. દિશાનો ડાયલોગ સાંભળીને પ્રોડ્યુસરના ચહેરા પર સ્મિત તો આવી ગયું, પણ તેઓ અપેક્ષા કરતાં જુદી જ વાત કરે છે.

‘ના દિશા, તું તારા ઓરિજિનલ અવાજમાં જ ડાયલોગ બોલજે,’ આસિત મોદી કહે છે.

‘કેમ આસિત? ન જામ્યું?’ દિલીપ જોષી પૂછે છે.

‘ના ના, ન જામવાની વાત જ નથી.’

‘તો પછી?’ દિલીપ જોષી આગ્રહપૂર્વક કહે છે, ‘આસિત, મને પોતાને દિશાને સાંભળીને હસવું આવે છે તો વિચારો કે ઓડિયન્સને કેટલું હસવું આવશેે! મારી વાત માનો, આ હિટ આઈટમ છે.’

‘જુઓ, તમે લોકો દિશાનો અવાજ બદલો એની સામે મને કોઈ વાંધો નથી, પણ મારી ચિંતા જુદી છે,’ આસિત મોદી કહે છે, ‘શું છે, નકલી અવાજમાં બોલવાથી દિશાના ગળાને ખૂબ તકલીફ પડશે. આપણી ડેઈલી કોમેડી સિરિયલ છે, રોજેરોજ શૂટિંગ કરવાનું છે. મને ડર છે કે દિશા આ અવાજ મેન્ટેઈન નહીં કરી શકે... અને અધવચ્ચેથી અવાજ બદલવો પડશે તો ઊલટાનું ખરાબ લાગશે. એના કરતાં દિશા ઓરિજિનલ વોઈસમાં બોલે એ જ બરાબર છે.’

આસિત મોદીની વાત તો તર્કશુદ્ધ છે. દિલીપ જોષી બે ઘડી વિચારમાં પડી જાય છે. પછી દિશા સામે જુએ છે, ‘દિશા, તારું શું કહેવું છે?’

‘મને લાગે છે કે હું આ નકલી અવાજ જાળવી શકીશ,’ દિશા કહે છે, ‘વાંધો નહીં આવે.’

પ્રોડ્યુસર, ડિરેક્ટર અને બણે કલાકારો વચ્ચે લાંબી ચર્ચા ચાલે છે. દિશા પાક્કો ભરોસો આપે છે. આખરે આસિત મોદી આખરે તેને અવાજ બદલવાનું જોખમ ઉઠાવવા માટે હા તો પાડે છે, પણ મનોમન તેમણે વિચારી લીધું છે કે ધારો કે દિશા ભરોસાનું પાલન ન કરી શકી અને મૂળ અવાજ પર આવવું પડ્યું તો કોઈ એપિસોડની વાર્તામાં એવું બતાવી દઈશું કે દયાએ કશીક દવા ખાધી અને તેનો અવાજ નોર્મલ થઈ ગયો ગયો!

શૂટિંગ પાછું આગળ વધે છે. નકલી અવાજે ડાયલોગબાજી કરી રહેલી દયા અને બીજા સૌને ગુડ લક કહીને આસિત મોદી વિદાય લે છે. તેમને, કરે ફોર ધેટ મેટર, બીજા કોઈને ક્યાં કલ્પના છે કે સિરિયલની લોકપ્રિયતાને ક્યાંની ક્યાં પહોંચાડવામાં દિશાના આ જ ફાટેલા અવાજનો સિંહફાળો હશે?==૦==બોક્સઃ ૨ સેલિબ્રિટી સ્ટેટસ? એ વળી ર્શું?‘સેલિબ્રિટી? અરે, હજુ હમણાં સુધી હું બસ, ઓટોરિક્ષા અને લોકલ ટ્રેનમાં ફરતી હતી...,’ દિશા કહે છે, ‘મને યાદ છે એકવાર હું અને મૂનમૂન (બબિતા) રિક્ષામાં કશેક જઈ રહ્યાં હતાં. રિક્ષાના ડ્રાઈવરે અચાનક અમારા ચહેરા દેખાય તે રીતે અરીસો એડજસ્ટ કર્યો. ‘અમુક લોકોને લેડીઝને ઘૂરીઘૂરીને જોવામાં જરાય શરમ નડતી નથી’ અને એવું બધું બોલીને અમે એને ટોન્ટ મારવાની કોશિશ કરી. એણે તોય અમારા સામે ટગર ટગર જોવાનું ચાલુ રાખ્યું, એટલે અમે એને બરાબરનો ઝાડી નાખ્યો. આખરે એ મોઢું બગાડીને બોલ્યો કે મેડમ, મુઝે ઐસાવૈસા મત સમજો. યે તો આપ લોગ ટીવી મેં આતે હો ઈસ લિયે દેખ રહા થા... તે આવું બોલ્યો ત્યારે એકદમ ભાન થયું કે આઈલા, આપણે હવે ટીવીસ્ટાર બની ગયાં છીએ એ તો ભુલાઈ જ ગયું!’

દિશા પોતાના સેલિબ્રિટી સ્ટેટસ વિશે સભાનતા ધરાવે છે, પણ તેને એ ધરાર ગંભીરતાથી લેતી નથી.

‘અરે શાનું સેલિબ્રિટી સ્ટેટસ? મારી પાસે કાર નહોતી આવી ત્યારે ક્યારેક એવું બનતું કે ટ્રાફિક સિગ્નલ પાસે વાહનો અટકે ત્યારે મોંઘીદાટ લક્ઝરી કારમાં બેઠેલા માણસો મોબાઈલથી મારા ફોટા પાડતા હોય ને આ સેલિબ્રિટી રિક્ષામાં બેઠી હોય!’

દિશા જેવી નિખાલસતા કેળવવી સહેલી નથી!

‘ક્યારેક સફળતાની હવા ભરાઈ રહી છે એવું લાગે કે હું તરત કોન્શિયસ થઈ જાઉં અને...’ બણે હથેળીને આમતેમ વીંઝીને દિશા ઉમેરે છે, ‘...આમ કરીને કરીને હવાને તરત વિખેરી નાખું!’

દિશા આટલી હદે સરળ અને ડાઉનટુઅર્થ રહી શકી છે તે બાબતે આશ્ચર્ય પામવા જેવું ખરું?==૦==

Friday, October 29, 2010

રિવ્યુઃ દાયેં યા બાયેં

મિડ-ડે તા. ૩૦ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
સ્વીટ અને સિમ્પલ


આ ભલે એવી મહાન ફિલ્મ ન હોય કે તમને તાત્કાલિક નેશનલ અવોર્ડ આપી દેવાનું મન થાય, પણ જો કશુંક સીધુંસાદું અને ‘હટ કે’ જોવું હોય તો આ ફિલ્મ તમારા માટે જ છે.


રેટિંગ ઃ અઢી સ્ટાર

-----------------------------------------ભલું થજો મલ્ટિપ્લેક્સ કલ્ચરનું!‘દાયેં યા બાયેં’ જેવી ફિલ્મ જોવાની તક મળે ત્યારે સિનેમાપ્રેમીના હ્યદયમાંથી દિલથી આવા આશીર્વાદ નીકળ્યા વગર ન રહે. અગાઉ કલ્પના પણ થઈ ન શકતી તેવા નિતનવા વિષયો પર આજે સરસ મજાની ફિલ્મો બની શકે છે, ડબ્બામાં પૂરાઈ રહેવાને બદલે કે માત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સ પૂરતી સીમિત રહેવાને બદલે તે રૂપાળાં મલ્ટિપ્લેક્સીસમાં રિલીઝ થાય છે અને તમે એયને બર્ગર-પેપ્સી-પોપકોર્નનો કોમ્બો લઈને તેને ટેસથી માણી પણ શકો છો. ‘દાયેં યા બાયેં’ નાનકડી ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મ છે, જે બોલીવૂડના ટિપિકલ મસાલાથી જોજનો દૂર છે. અહીં નથી હીરોહિરોઈન કારણ વગર લંડન-ન્યુયોર્કની સડકો પર ઝાટકા મારીમારીને ડાન્સ કરતાં, નથી લોહીના ફૂવારા ઉડતા કે નથી મુણી બદનામ થતી. અહીં ખૂબસુરત પહાડી ગામ છે, અસલી લોકો છે, સરળ વાર્તા છે અને ચહેરા પર સતત સ્મિત ફરકતું રહે તેવી શુદ્ધ હ્યુમર છે.લાલ મોટર આવી....ઉત્તરાંચલ રાજ્યનું કાંડા નામનું ખોબા જેવડું ગામ, જેમાં વસતો નાયક આદર્શવાદી કલાકાર જીવ છે. એ મુંબઈ ગયો હતો ફિલ્મો-સિરિયલો-ગીતો લખવા ને નામ કમાવા, પણ કંઈ મેળ ન પડ્યો એટલે ધોયેલા મૂળાની જેમ પાછો આવી જાય છે. મુંબઈથી તે પ્લાસ્ટિકના હાથા જેવું રમકડું લાવ્યો છે. રાતે ઓરડાના બારીબારણાં બંધ કરીને અને શર્ટ કાઢીને ઊલટો સૂઈ જાય એટલે પત્ની પેલા હાથા વડે તેની પીઠ ખંજવાળી આપે. એક દિવસ કોઈ ટીવી કોન્ટેસ્ટમાં લાલચટાક લકઝરી કાર માટે હીરો એક જોડકણું લખી મોકલે છે ને ઈનામ જીતી જાય છે. ઈનામ એટલે કાર પોતે. જે ગામમાં કદાચ મોટરસાઈકલ પણ નથી ત્યાં આવડી મોટી અસલી મોટર આવી જતાં ધમાલ મચી જાય છે. હીરોએ તેને બજારની વચ્ચોવચ્ચ પાર્ક કરી રાખવી પડે છે, કારણ કે ઊંચાઈ પર આવેલા તેના ઘર સુધી પહોંચવા માટે પાતળી પગદંડી પર કાર જઈ શકે તેમ જ નથી. શરૂઆતમાં તો આનંદ આનંદ થઈ જાય છે, પણ બહુ જલદી એકલા હીરોને જ નહીં, બલકે આખા ગામને સમજાય જાય છે કે આ કાર રાખવી એ તો ધોળો હાથી પાળવા કરતાંય વસમું કામ છે. પછી ?નરી નિર્દોષતાફિલ્મ બેલા નેગીએ લખી પણ છે અને ડિરેક્ટ પણ કરી છે. ફિલ્મના આખેઆખા પેકેજમાં થયેલો અસલી ભારતીય વઘાર ફિલ્મની જાન છે. પાત્રાલેખન મજાનાં થયાં છે. વર હવે કાયમ માટે મુંબઈથી પાછો આવી ગયો છે તે સમજાતાં હીરોની પત્નીને ફ્રસ્ટ્રેશનનો પાર નથી. વર બાપડો બેઠો બેઠો વાંસળી વગાડે તે એ પણ તેનાથી સહન થતું નથી. એ તરત છણકો કરશે, ‘બાંસુરી મત મજાઓ,ઘર મેં સાંપ આ જાતે હૈં....’ હીરોની સાળી ગામના એક નવરાધૂપ બેવડા છોકરા સાથે નયનમટકા અને ચિટ્ઠીચપાટી કરે છે. છોકરીને પેલી મોટરમાં ભગાડીને લઈ જવા માટે છોકરો ખાસ ચોરીછૂપીથી ડ્રાઈવિંગના ક્લાસ લે છે. જે નિશાળમાં હીરો ભણાવે છે ત્યાં ત્રણ કમ્પ્યુટર છે, પણ હરામ બરાબર કોઈને ચાલુ કરતાં પણ આવડતું હોય તો. નિશાળના ઉત્સાહી પ્રિન્સિપાલ શેક્સપિયરની અમર કૃતિ ‘હેમલેટ’ને ‘હેલ્મેટ’ કહે છે અને ભૂગોળ ભણાવતાં શિક્ષિકા વિદ્યાર્થીને ચાલુ ક્લાસે પોતાનું સ્વેટર ગૂંથવા બેસાડી દે છે. હીરોનું વિચિત્ર જીન્સનો ઘરમાંથી બહાર ઘા થઈ જાય છે. પછીના શોટમાં આપણે જોઈએ છે કે કોઈ ખેતરમાં ચાડિયો આ જ પેન્ટ પહેરીને ઊભો છે. આવી તો ઘણી મોમેન્ટ્સ છે. રમૂજ અને વ્યંગ માટેની એક પણ જગ્યા ડિરેક્ટરે છૂટવા દીધી નથી.ગામમાં કાર આવે છે પછી વાતને વળ ચડે છે. મોટરના કોઈએ કલ્પના પણ કરી ન હોય તેવા ઉપયોગો થાય છે.. રાઈટર-ડિરેક્ટરની પ્રકૃતિ નિરાંતે વાર્તા કરવાની છે. તેને લીધે જોકે સેકન્ડ હાફમાં ફિલ્મ ધીમી પડી જાય છે. ફિલ્મના ટેકિનકલ પાસાં આશ્ચર્ય થાય એટલી હદે સારાં છે. સિનેમેટોગ્રાફરે ખૂબસૂરત પિક્ચર પોસ્ટકાર્ડ જેવું ગામ, તેનાં મકાનો અને આસપાસના ઈલાકા ખૂબસૂરતીથી ઝીલ્યાં છે. શાર્પ એડિટિંગ ફિલ્મની અપીલ તીક્ષ્ણ બનાવે છે.હીરો તરીકે ટેલેન્ટેડ દીપક ડોબ્રિયલ છે. દીપકને આપણે ‘મકબૂલ’, ‘ઓમકારા’ અને ‘ગુલાલ’ જેવી ફિલ્મોમાં જોયો છે. અહીં તેણે નાયકની આદર્શ હીરોગીરી, છટપટાહટ અને ખુદ્દારી જેવા ભાવોને હાસ્યરસમાં ઝબોળીઝબોળીને સરસ ઊપસાવ્યા છે. લાલલાલ ટમેટા જેવા ગાલવાળો દીકરો બનતો બાળકલાકાર ભારે ક્યુટ છે. પૂરક પાત્રોમાં લેવાયેલા મોટા ભાગના અજાણ્યા કલાકારો સક્ષમ પૂરવાર થાય છે.‘દાયેં યા બાયેં’ કંઈ એવી મહાન નથી તમને તાત્કાલિક નેશનલ અવોર્ડ આપી દેવાનું મન થાય, પણ જો તમારે કશુંક સિમ્પલ પણ સરસ અને ‘હટ કે’ જોવું હોય તો આ ફિલ્મ તમારા માટે છે. બાકી જો રેગ્યુલર હિન્દી ફિલ્મો વગર તમારી મનોરંજનભૂખનો ઉધ્ધાર થવાનો ન હોય તો એક વીક સુધી થોભી જવા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.૦૦૦

Friday, October 22, 2010

રિવ્યુઃ જૂઠા હી સહી


મિડ-ડે તા. ૨૩ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
સહી રે સહીપ્રિડિક્ટેબલ વાર્તા અને મિસફિટ હિરોઈન હોવા છતાં સૂક્ષ્મ અને ધારદાર હ્યુમરવાળી આ સ્માર્ટ ફિલ્મ મજા કરાવે છે


રેટિંગ ઃ ત્રણ સ્ટાર

એના ટીવી પર ચોવીસે કલાક નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ચાલતી રહે છે. ટીવી જોતો જોતો તે સૂઈ જાય ત્યારે મોં એટલું ખુલ્લું રાખે છે કે ચાર આખા ગુલાબજાંબુ એકસાથે સમાઈ જાય. આમ તો વાતચીત કરતી વખતે એ નોર્મલ હોય છે, પણ સુંદર છોકરી જોતાંની સાથે જ તે થોથવાવા લાગે છે. સ્ટેમરિંગનો આ વિશિષ્ટ પ્રકાર થયો. તે જે બુકશોપમાં કામ કરે છે તેનું નામ મજાનું છે ‘કાગજ કે ફુલ’. શોપની બહાર એક પાટિયું ટીંગાય છે, જેના પર ભેદી લખાણ લખાયેલું છેઃ ‘વી ડોન્ટ ડુ દીપક ચોપરા’! તેના પરિવારનો કશો અતોપતો નથી, પણ હા, લંડનમાં તેના ભંડકિયા જેવા સ્ટુડિયો અપાર્ટમેન્ટની બરાબર સામેના ફ્લેટમાં બે પાકિસ્તાનીઓ રહે છે. સુપરહિટ અમેરિકન સિરિયલ ‘ફ્રેન્ડ્ઝ’નાં મોનિકા અને રોસની જેમ આ બણે પણ ભાઈબહેન કરતાં મિત્રો વધારે છે.અબ્બાસ ટાયરવાલાની આ બીજી ફિલ્મ પર આમેય ‘ફ્રેન્ડ્ઝ’નો ઘણો પ્રભાવ છે. બે પાત્રો મળશે ત્યારે એક જણો કહેશે, ‘હેય!’ સામેવાળો તરત પડઘો પાડશે, ‘હેય!’ કશુંક વિચિત્ર, અણગમો પેદા થાય એવું કે નેગેટિવ જોશે તો તેઓ ‘વાઉ!’ બોલશે. સારું છે કે અબ્બાસભાઈએ આત્મસંયમ રાખીને જોન અબ્રાહમને ‘ફ્રેન્ડ્ઝ’ના જોયે વર્લ્ડફેમસ કરી દીધેલી ‘હાઉ યુ ડુઈન..?’ લાઈન નથી બોલાવડાવી.અબ્બાસની પહેલી હિટ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’નાં પાંચસાત પાત્રો મસ્તીખોર કોલેજિયનો હતાં. એમની આ બીજી ફિલ્મમાં પાત્રોની ઉંમર થોડી વધી છે. તેઓ વતનથી દૂર એકલા રહેતા, કમાતા અને કુંવારા ફ્રેન્ડલોકો છે. પાત્રોની મસ્તી અકબંધ રહી છે અને પ્રેમના અખતરા વધ્યા છે. આ દોસ્તારોની યારી અને આપસી કેમિસ્ટ્રી પ્રિડિક્ટેબલ ફિલ્મને સ્માર્ટ અને જોવાલાયક બનાવે છે.ફોન-અ-ફ્રેન્ડજોન અબ્રાહમ લંડનમાં રહેતો એક સીધો સાદો અને ભલો જુવાનિયો છે, જે કોણ જાણે શી રીતે ખલનાયિકા જેવી દેખાતી એરહોસ્ટેસના સંબંધમાં બંધાયો છે. જોન આકસ્મિક રીતે એક ફોન હેલ્પલાઈન સર્વિસનો વોલેન્ટિર બની જાય છે. કોઈ એશિયન આત્મહત્યા કરવાનું પ્લાનિંગ કરતો હોય અને કોઈની પાસે હૈયું ઠાલવવું હોય તો ચોક્કસ નંબર પર ફોન કરવાનો. સામેના છેડે વોલેન્ટિયર તેને સહાનુભૂતિપૂર્વક સાંભળે, ‘જિંદગી હસીન હૈ’ પ્રકારની પ્રેરણાદાયી વાતો કરે અને તેને આત્યંતિક પગલું ભરતા અટકાવે. એક રાત્રે જોનને મિશ્કા નામની મરુંમરું કરી રહેલી અને હિબકાં ભરી ભરીને પિલૂડાં પાડતી એક પ્રેમભંગ યુવતીનો ફોન આવે છે. જોન એનું સરસ રીતે કાઉન્સેલિંગ કરે છે. બણે પહેલાં ફોનફ્રેન્ડ્ઝ અને પછી પ્રેમીઓ બને છે. જોન ડબલ રોલ અદા કરતો રહે છે. દિવસે તોતડાતો બુકશોપબોય અને રાત્રે આત્મવિશ્વાસથી છલકાતો ફોન-અ-ફ્રેન્ડ. આખરે જે થવાનું હોય છે તે થાય છે અને...આપસી કેમેસ્ટ્રીની ઝમક‘જૂઠા હી સહી’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ, આગળ ક્હ્યું તેમ, દોસ્તારોની ટોળી છે. આ ટોળકીમાં ભાતભાતના નમૂનાઓ ભર્યા છે. તોતડો જોન, તેની મારફાડ ગર્લફ્રેન્ડ, એમટીવીના ‘રોડીઝ’ શોઝથી ફેમસ થયેલો ટકલુ રઘુ, અપરિણીત પ્રેગ્નન્ટ પાકિસ્તાની યુવતી, તેને દુનિયાની સૌથી પરફેક્ટ સ્ત્રી માનતો અને નિતનવી શૈલીથી પ્રપોઝ કર્યા કરતો મહારોમેન્ટિક ચશ્મીશ જપાની, એકબે હોમોસેક્સ્યુઅલ્સ જે ફોર-અ-ચેન્જ સ્ત્રેણ નથી, લાલ રંગની લટોવાળી બિન્ધાસ્ત ડીવીડી ગર્લ અને મેઈન હિરોઈન પાખી. આ સૌની ભાષા (તેઓ ‘સ્ટ્રેન્જ’ બોલવાને બદલે ‘અજીબ્સ’ બોલે છે), તેમનાં વર્તનવર્તણૂક અને ઈન્ટરપર્સનલ રિલેશનશીપ્સમાં આહલાદક તાજગી છે. રમૂજ એ ફિલ્મનો મુખ્ય સૂર છે. વાર્તાપ્રવાહમાં સૂક્ષ્મ છતાં ધારદાર હ્યુમરના પરપોટા સતત ઊઠ્યા કરે છે. અહીં ક્યાંય કશુંય લાઉડ નથી તે બહુ મોટી નિરાંત છે.જોન અબ્રાહમે આ ફિલ્મમાં નથી સ્ટાઈલિશ કપડાં પહેરવાનાં, નથી બાઈક ચલાવવાની કે નથી વેંત જેવડી ટાઈટ ચડ્ડી પહેરીને બોડી બતાવવાની. જોન સ્ક્રીન પર મોડલ જેવો ન દેખાય તે પણ તેના માટે એક સિદ્ધિ જ ગણાય. નાયકનું બાઘ્ઘાપણું અને રોમેન્ટિક મૂંઝવણ તે સારી રીતે ઉપસાવી શક્યો છે. જોનની પર્સનાલિટીમાં એક પ્રકારની સ્વાભાવિક નિર્દોષતા છે, જે આ રોલમાં ઉપકારક સાબિત થઈ છે. ઈન ફેક્ટ, જોન અબ્રાહમની કરીઅરનું આ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે.અબ્બાસ ટાયરવાલાએ તમામ પૂરક પાત્રો પાસેથી સરસ કામ લીધું છે. રઘુ હિન્દી ફિલ્મોમાં લાંબી ઈનિંગ્સ ખેલી શકશે તેવું લાગે છે. માધવન જોકે વેડફાયો છે. ફિલ્મ ધરાર લંડનમાં શૂટ કરવામાં આવી છે. બોલીવૂડના ફોરેન લોકેશનના વળગણ વિશે કેટલી વાર બખાળા કાઢવા? એ..આર. રહેમાનું સંગીત એવરેજ છે. ‘ક્રાય ક્રાય’ ગીતમાં અર્થ અને રિધમની દષ્ટિએ ‘જાને તુ યા....’ના ‘અદિતી..’ ગીતના પડઘા પડે છે.ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ છે એની મેઈન હિરોઈન પાખી. જેમ મિથુન ચક્રવર્તીએ તેના સાંઢ જેવો દીકરો મિમોહને આપણા માથા પર માર્યો હતો, બીજા કેટલાય હીરોલોગડિરેક્ટરોપ્રોડ્યુસરો પોતપાતાનાં નબળા સંતાનોને ઓડિયન્સના માથે પર મારતા રહે છે. આમાં અબ્બાસ ટાયરવાલાએ પોતાની પત્ની પાખીને નિર્દયીપણે આપણા મસ્તક પર ફરકારી છે. તે વાસ્તવમાં હિરોઈન કરતાં બાકીનાં તમામ પાત્રોની આન્ટી વધારે લાગે છે. પાખીનું માત્ર નામ વિચિત્ર નથી, તેની આખી પર્સનાલિટી વિચિત્ર છે. તે શેપલેસ બોડી પર કઢંગા કોસ્ચ્યુમ્સ ચડાવે છે ને ઠેકડા મારી મારીને લંડનના રસ્તા પર નૃત્ય કરે છે. આખી ફિલ્મના લૂક અને સેટઅપમાં આ એક જ સ્ત્રીરત્ન મિસફિટ અને ‘અજીબ્સ’ લાગે છે. આમ તો જોકે તે ઠીકઠીક પર્ફોર્મ કરે છે, પણ અબ્બાસે એકવીસમી સદીની હિન્દી ફિલ્મ હિરોઈનની જેમ એનું પેકેજિંગ કરીને પેશ કરી છે તેમાં ભયાનક ગરબડ થઈ ગઈ છે. મુખ્ય નાયિકા તરીકે પ્રિયંકા ચોપડા કે દીપિકા પદુકાણ જેવી હિરોઈનને કાસ્ટ કરવામાં આવી હોત તો ફિલ્મમાં ઝમક અને એનર્જી ઊમેરાઈ ગયાં હોત અને ફિલ્મ જુદા જ લેવલ પર પહોંચી શકી હોત. અરે, ડીવીડી સ્ટોરમાં પાખી સાથે કામ કરતી ફ્રેન્ડનો રોલ કરી રહેલી અનાહિતા નૈયરને મેઈન હિરોઈન બનાવી હોત તો પણ બહેતર રિઝલ્ટ આવ્યું હોત. બાય ધ વે, ફિલ્મની લેખિકા પણ પાખી જ છે. હિરોઈન તરીકે ભલે એને ચડાઉ પાસ કરવી પડે, પણ લેખિકા તરીકે, ખાસ કરીને, સંવાદોમાં તેને ફર્સ્ટકલાસ આપવો પડે.પોતાની પહેલી બે ફિલ્મોથી અબ્બાસ ટાયરવાલા આત્મવિશ્વાસપૂર્વક પોતાની એક ચોક્કસ શૈલી અને રિધમ ઊપસાવી શક્યા છે. વાર્તાની પસંદગીમાં જોકે તે હજુ ચોગ્ગો ફટકારી શક્યા નથી. તેમની હવે પછીની ત્રીજી ફિલ્મમાં પાત્રો ઉંમરમાં વધારે મોટા અને મેચ્યોર થયાં હશે. તેમાં તેઓ પત્નીશ્રીને એની વયને શોભે એવો રોલ આપે તો કશો વાંધો નથી!૦૦૦૦

રિવ્યુઃ હિસ્સ

મિડ-ડે તા. ૨૩ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
ટાંય ટાંય ફિસ્સઆ ઝેડ ગ્રેડની ફિલ્મમાં નથી સ્ટોરી-સ્ક્રીનપ્લેનાં ઠેકાણાં કે નથી પ્રોડકશન વેલ્યુનાં ઠેકાણાં. અભિનય અને ડિરેકશનની તો વાત જ નહીં કરવાની.રેટિંગ ઃ એક સ્ટાર

મિડીયા આપણને માહિતી આપતુંં રહે છે કે મલ્લિકા શેરાવત હવે મોટી માણસ બની ગઈ છે. તે લોસ એન્જલસમાં સેલિબ્રિટીઓના પાડોશમાં રહે છે અને હોલીવૂડનાં મોટા માથાં સાથે તેની ઉઠબેસ છે. તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અસલી અજગરને ગળે વીંટાળીને મલપતી ચાલે છે અને દુનિયાભરના ફોટોગ્રાફરો એના ફોટા પાડે છે. તેની ‘હિસ્સ’ ફિલ્મની ડિરેક્ટર જેનિફર લિન્ચના બાપુજી ડેવિડ લિન્ચ હોલિવૂડના સારા માંહ્યલા ડિરેક્ટરોમાંના એક ગણાય છે વગેરે. ખૂબ બધા ઢોલનગારાં વચ્ચે આવડી આ મલ્લિકાની ‘હિસ્સ’ ફિલ્મ રિલીઝ થાય છે અને આપણે મોટા ઉપાડે તે જોવા જઈએ છીએ. આપણને થાય કે મલ્લિકાએ અત્યાર સુધી ભલે ગમે તેવી ફિલ્મો કરી, પણ આ વખતે એ નક્કી મીર મારવાની. ફિલ્મ જેવી શરૂ થાય છે એવી પૂરી થાય છે. તમે નસકોરાં બોલાવવાનું બંધ કરીને સફાળા જાગી જાઓ છો અને થિયેટરની બહાર ચાલતી પકડો છો. તમને થાય કે મલ્લિકાએ ખરેખર પ્રગતિ કરી છે. અત્યાર સુધી તે ફાલતુ ફિલ્મો કરતી હતી, આ વખતે તેણે મહાફાલતુ ફિલ્મ કરી છે.હાલો, અમર થાવા ઈન્ડિયા જઈએવિદેશોમાં ઈન્ડિયા એટલે કામસૂત્ર અને મદારીઓનો દેશ એવી એક બેવકૂફ જેવી પણ સજ્જડ છાપ હજુય પ્રવર્તે છે. જેનિફરબહેન જ્યારે ઈચ્છાધારી નાગણની વાર્તા સાંભળી કે વાંચી હશે ત્યારે એમની આંખો પહોળી થઈ ગઈ હશે અને મોં ઉઘાડું રહી ગયું હશે. વાઉ... સો એક્ઝોટિક! ‘હિસ્સ’ની વાર્તા પણ તેઓશ્રીએ જ ઘસડી મારી છે. વાત લેવા દેવા વગર છેક ઈસવી સન પૂર્વે ૨૩૦૦થી શરૂ થાય છે. કોઈ ચક્રમ ગોરો કેન્સર પેશન્ટ ભારત આવે છે. આ બુઢિયો છ મહિનામાં મરવાનો છે, પણ તેને અમર થઈ જવાના ધખારા છે. કોઈ તેને કહી ગયું છે કે જો તારી પાસે ઈચ્છાધારી નાગણનો નાગમણિ આવી જાય તો તું અમર થઈ જઈશ. શાબાશ. તે ગેલ કરી રહેલાં નાગણ-નાગણીને વિખૂટા પાડે છે અને નર નાગને પોતાની સાથે લઈ જાય છે. નાગણી મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને મલ્લિકા શેરાવત બને છે. તે નાગને શોધતી શોધતી શહેરમાં આવે છે અને ઉધામા મચાવે છે. આખરે પેલા બેવકૂફ વિદેશીને પાઠ ભણાવી, પોતાના સ્વામીની ઘવાયેલી બોડીને કાંખમાં ઊંચકી તે જંગલ તરફ રવાના થઈ જાય છે. બસ, વાત પૂરી.ન ઢંગ ન ધડાઆ ઝેડ ગ્રેડની ફિલ્મમાં નથી સ્ટોરી-સ્ક્રીનપ્લે-ડાગલોગ્ઝના ઠેકાણાં કે નથી સ્પેશિયલ ઈફેક્ટ્સ કે પ્રોડકશન વેલ્યુનાં ઠેકાણાં. અભિનય અને ડિરેકશનની તો વાત જ નહીં કરવાની. સૌથી પહેલો સવાલ એ આવે કે પેલા વૃદ્ધ વિદેશીને ઓલરેડી ખબર છે કે કામક્રીડામાં રત સર્પયુગલ પૈકીની માદા ઈચ્છાધારી નાગણ છે તો એ તે જ વખતે નાગણને કેમ ઉપાડી ન ગયો? ખેર. આ ફિલ્મમાં લોજિક શોધવું એટલે પીક અવર્સમાં વિરાર લોકલમા ખાલી વિન્ડો સીટ શોધવી. આપણે ઈચ્છાધારી નાગનાગણ વિશેની ‘નાગિન’ અને ‘નગીના’ જેવી હિટ ફિલ્મો જોઈ ચૂક્યા છીએ. આહા, રીના રોય અને શ્રીદેવી બ્લૂ રંગના કોન્ટેક્ટ લેન્સમાં અને ચળકભડક વસ્ત્રોમાં કેવી રૂપાળી લગાતી હતી. બિનના પેલા ફેમસ સૂર રેલાતા તેઓ કેવી હાઈક્લાસ ડાન્સ કરતી હતી. એકવીસમી સદીની આ ડોબી નાગણને ડાન્સ તો શું, કપડાં પહેરતાં પણ આવડતું નથી. મલ્લિકા શેરાવત આખી ફિલ્મમાં એક અક્ષર સુધ્ધાં બોલતી નથી. મલ્લિકા આમેય ડાયડોગ ડિલીવરી માટે ક્યારે ફેમસ હતી? એ જેના માટે દેશવિદેશમાં લખખૂટ કીર્તિ પામી છે તે વસ્ત્રો ઊતારવાનું કાર્ય એણે દિલ ખોલીને કર્યું છે. ફિલ્મમાં નગ્ન દશ્યોની ભરમાર છે. મલ્લિકા અને તેની ડુપ્લિકેટે શરીર દેખાડવામાં સહેજે કંજૂસાઈ કરી નથી.‘સ્લમડોગ મિલ્યનેરે’ ભારતની ગંદકી અને ગંધાતી બસ્તીઓને વિશ્વના નક્સા પર મૂકી આપીને એક મોટી કુસેવા કરી છે. ‘હિસ્સ’માં એ બધું નવેસરથી પડદા પર આવે છે. જેનિફર લિન્ચને કદાચ ઘૃણાસ્પદ વિઝયુઅલ્સનું તીવ્ર આકર્ષણ છે. આ ફિલ્મમાં ચીતરી ચડે એવાં એટલાં બધાં દશ્યો છે કે બિચારી મલ્લિકાના સ્કિન શોની બધી અસર ધોવાઈ જાય છે. સર્પમાંથી મલ્લિકામાં અને મલ્લિકામાંથી સર્પમાં થતા સ્વરૂપાંતરવાળાં દશ્યોમાં વપરાયેલી કમ્પ્યુટર જનરેટેડ ઈફેક્ટ્સ અતિ હાસ્યાસ્પદ છે. ઈરફાન ખાન જેવો એક્ટર આવા પ્રોજક્ટમાં ક્યાં ફસાઈ ગયો? એની પત્નીનો રોલ દિવ્યા દત્તાએ કર્યો છે. દિવ્યા દત્તાની પાગલ બુઢી મા એક દશ્યમાં બ્લાઉઝની ઉપર બ્રા પહેરે છે. પ્લીઝ!સો વાતની એક વાત. ‘હિસ્સ’ જે થિયેટરમાં ચાલતી હોય તે દિશામાં પણ ફરક્યા છો તો નાગદેવતાના સમ છે તમને.

000

રિવ્યુઃ રક્ત ચરિત્ર


મિડ-ડે તા. ૨૩ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત

લોહિયાળ
ઈન્ટ્રો ઃ આત્યંતિક હિંસાના દશ્યોની ભરમાર ધરાવતી આ ફિલ્મ ચોક્કસ અસર ઊભી કરી શકે છે. રામુએ જોકે સ્થૂળતા પર ભાર આપીને ઝીણવટભરી કારીગીરી કરવાનું ટાળ્યું છે

રેટિંગ ઃ અઢી સ્ટાર----એક મનુષ્યપ્રાણી જમીન પર તરફડી રહ્યું છે. એને ગોળી લાગી છે, પણ જીવ હજુ ગયો નથી. એક આદમી હાથમાં વજનદાર શિલા લઈને આવે છે અને જોરથી પેલાના માથા પર ઝીંકે છે. ઘચ્ચ. હાથમાં ખૂલ્લાં દાંતરડાં લઈને દોડતા ઝનૂની પુરુષો એક માણસને ગાંધીજીની પ્રતિમાની બરાબર નીચે પટકે છે. પેલાની ભયભીત આંખોમાં મોત તગતગી રહ્યું છે. પુરુષો જાણે ઘાસ વાઢતા હોય તેમ પેલાના શરીર પર દાંતરડાં વીંઝે છે. ખચ્ચ ખચ્ચ ખચ્ચ. એક માણસની ખોપડીમાં ડ્રિલીંગ મશીન ઉતારી દેવામાં આવે છે. શેરડી પીલવાના વર્તુળાકાર મશીનમાં એકની ગરદન ભેરવી દેવામાં આવે છે અને....હિન્દી સિનેમાંના પડદે આટલી આત્યંતિક હિંસા છેલ્લે ક્યારે જોઈ હતી? રામગોપાલ વર્માની ‘રક્ત ચરિત્ર’ હિંસાના ભયાનક ચિત્રણને એક જુદા જ સ્તર લઈ જાય છે. આ ફિલ્મમાં ‘ખચ્ચ’ અને ‘ઘચ્ચ’ સાઉન્ડ ઈફેક્ટનો એટલો બધો ઉપયોગ થયો છે કે ન પૂછો વાત. રામગોપાલ વર્માને રોમાન્સનો ગુલાબી રંગ પસંદ નથી (‘રંગીલા’ ખૂબસૂરત અપવાદ હતો), તેમને લોહીનો રંગ આકર્ષે છે અને આ ફિલ્મમાં રામુએ મન મૂકીને લાલ રંગથી હોળી ખેલી છે.શોધ-પ્રતિશોધઆ ફિલ્મ આંધ્રપ્રદેશના રાજકારણી પરિતાલા રવિના અસલી જીવન પર આધારિત છે. ફિલ્મનું લોકાલ આંધ્રપ્રદેશના કોઈ ગામ અને ચંબલની કોતરની ભેળપૂરી જેવું છે. સ્થાનિક રાજકારણીને આખું જીવન આપી દેનાર દલિત ઈર્ષ્યાભાવનો ભોગ બને છે અને તેની કરપીણ હત્યા કરવામાં આવે છે. પછી થાય છે બદલાનો લોહિયાળ સિલસિલો. શહેરમાં ભણતો વિવેક ઓબેરોય પિતા અને ભાઈની હત્યાનો બદલો લેવા પહેલા ભળનો અને પછી દિમાગનો ઉપયોગ કરે છે. લોક્પ્રિય ફિલ્મસ્ટારમાંથી ચીફ મિનિસ્ટર બનેલા શત્રુઘન્ સિંહાનો તે રાઈટ હેન્ડ બની જાય છે. મિનિસ્ટર બની ગયેલા વિવેક રહ્યાસહ્યા દુશ્મનોનો પણ કાંટો કાઢી નાખે છે. એના રક્તરંજિત જીવનનો એક અધ્યાય અહીં પૂરો થાય છે.

અણિયાળી આત્યંતિકતાઓરામગોપાલ વર્માએ વચ્ચે ‘અજ્ઞાત’ નામની રેઢિયાળ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ વિચિત્ર રીતે પૂરી થતી હતી અને પછી ઓડિયન્સને ધમકી આપવામાં આવી હતી કે આગળની વાર્તા ‘અજ્ઞાત પાર્ટ-ટુ’માં. ફિલ્મનો પહેલો ભાગ એટલો ખરાબ હતો કે ઓડિયન્સે તે રિજેક્ટ કરી નાખ્યો અને રામુએ સિક્વલ બનાવવાની હિંમત જ ન કરી. ‘રક્ત ચરિત્ર’ની વાત અલગ છે. આ સંભવતઃ પહેલી હિન્દી ફિલ્મ છે જેનો પહેલો અને બીજો ભાગ એકસાથે શૂટ કરી દેવામાં આવ્યો હોય. આ ફિલ્મના અંતમાં ‘રક્ત ચરિત્ર પાર્ટ-ટુ’નું ટ્રેલર જ નહીં, તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવે છે ૧૯ નવેમ્બર ૨૦૧૦. રામગોપાલ વર્માની ગટ્સને દાદ આપવાનું જરૂર મન થાય.ડિરેક્ટર રામુ અહીં ફોર્મમાં છે. આ ફિલ્મ તેણે કેઝયુઅલી બનાવી નથી. દુશ્મનાવટ, હિંસા અને ગેંગવોરને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનવાતી વખતે રામુ ખીલી ઉઠે છે. ‘સત્યા’, ‘કંપની’ અને ‘સરકાર’ તેનાં ઉદાહરણો છે. ‘રક્ત ચરિત્ર’ આ ફિલ્મોના સ્તર સુધી ભલે પહોંચી શકતી નથી, પણ દર્શકોને જકડી રાખવામાં અને હેબતાવી દેવામાં કામિયાબ જરૂર થાય છે. આ ફિલ્મમાં સ્થૂળતાનો ભાર છે, સૂક્ષ્મ કારીગીરી લગભગ નથી. રામુને પાત્રોના આંતરિક વિશ્વમાં ખાસ રસ નથી, તેમણે અહીં સપાટી પરની દશ્યમાન આત્યંતિકતાઓ પર ફોકસ કર્યું છે. કોલેજમાં ભણતો વેિવેક ઓબેરોય જેટલી સ્વાભાવિકતાથી રોડસાઈડ રેસ્ટોરાંમાં ગર્લફ્રેન્ડ રાધિકા આપ્ટે સાથે ઓરેન્જ જૂસ પીએ છે એટલી જ આસાનીથી દુશ્મનના શરીરોને વાઢી શકે છે. તે પોલિટિક્સ જોઈન કરીને એટલી સહજતાથી હાઈપ્રોફાઈલ મિનિસ્ટર બની જાય છે જાણે તેનું ખાનદાન કેટલીય પેઢીઓથી રાજકારણમાં સક્રિય હોય.
Abhimanyu Singh
 વિવેક ઓબરોય પોતાના ટેઢા સ્વભાવ અને બેડલકને કારણે બોલીવૂડની રેસની બહાર થઈ ગયો, બાકી તે અચ્છો એક્ટર છે, પહેલેથી હતો. આ ફિલ્મમાં તેનું પર્ફોર્મન્સ પ્રભાવશાળી છે. જોકે ‘રક્તચરિત્ર’માં સૌથી ધ્યાન ખેંચનારા અદાકારો છે અભિમન્યુ સિંહ અને શત્રુઘ્ન સિંહા. અભિમન્યુનું પાત્ર લગભગ જિનેટિક ડિસઓર્ડર ધરાવતો હોય તેવું પાશવી અને મહાલંપટ છે. તેના માટે ફિલ્મમાં ‘રાક્ષસ’ શબ્દ એક કરતાં વધારે વખત વપરાય છે. આ ડેફિનેશનને અભિમન્યુએ તીવ્રતાથી સાકાર કરી છે. આવો ખોફનાક વિલન હિન્દી ફિલ્મોમાં લાંબા અરસા પછી જોવા મળ્યો. અભિનેતામાંથી નેતા બનેલા સીએમના ટૂંકા પાત્રમાં શત્રુઘ્ન સિંહા કમાલ અસર ઊભી કરી શક્યા છે. તેમણે ફિલ્મોમાં વધારે સક્રિય થવું જોઈએ. દર્શન જરીવાલા પોલીસ ઓફિસર તરીકે એક સીનમાં આવીને ગાયબ થઈ જાય છે. ‘રક્તચરિત્ર પાર્ટ-ટુ’માં કદાચ તેઓ વધારે દેખાશે.રામુની અન્ય ફિલ્મોની જેમ ‘રક્તચરિત્ર’નાં ટેક્નિકલ પાસાં પણ ઉત્તમ છે. રામુના સિનેમેટોગ્રાફરો ક્યારેક અકારણ ટેબલ અને ટિપોઈ નીચે ઘુસી જતા હોય છે. અહીં અમોલ રાઠોડ પણ એકાદ સીનમાં એવી ચેષ્ટા કરે છે ખરા, બાકી સમગ્રપણે તેમનું કામ અસરકારક છે. રામુની ફિલ્મોમાં નિયમિતપણે જોવા મળતા ગંદાગોબરા ચહેરાના ક્લોઝ-અપ્સ, કદરૂપા નાહ્યા-ધોયા વગરના પુરુષો આ બધું જ અહીં પણ છે.પ્રશાંત પાંડેએ લખેલી આ ફિલ્મની ગતિ સેકન્ડ હાફમાં અચાનક વધી જાય છે અને સ્ટોરીના જે હિસ્સામાં હિંસા નથી તે ફાસ્ટ ફોરવર્ડમાં ભાગે છે. હિંસાના દશ્યો એક હદ પછી રિપિટિટીવ અને અર્થહીન લાગવા માંડે છે. ફિલ્મનો અંત વેલ-ડિફાઈન્ડ અને પંચવાળો બની શક્યો હોત. પેલું જસવિન્દર સિંહવાળું આઈટમ સોન્ગ સાવ નકામું છે.આ લોહિયાળ ફિલ્મ કાચાપોચા હ્યદયવાળા લોકોએ, પ્લીઝ, ન જોવી. તે મહિલાવર્ગને પણ ઓછી અપીલ કરશે. રામુના ચાહકો (યેસ, બંડલ ફિલ્મો પછી પણ રામુના ચાહકોનો એક વર્ગ હજુય અસ્તિત્ત્વ ધરાવે છે) ‘રક્તચરિત્ર પાર્ટટુ’ની પ્રતીક્ષા કરશે એ તો નક્કી.૦૦૦

Thursday, October 21, 2010

વેર લેવું છે? તમારા સદગુણો વધારી દો!ચિત્રલેખા અંક તારીખ ૧ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત
કોલમ-  વાંચવા જેવું‘ચતુરાઈ એ ઈમાનદારી અને બેઈમાની વચ્ચેની દીવાલ છે, જેના વિશે એ કહેવું મુશ્કેલ છે કે એ કોની સંપત્તિ છે!’
જીવનના વહેણની દિશા પલટી નાખવા માટે ક્યારેક માત્ર એક વાત, ટિપ્પણી કે પ્રેરણા પૂરતાં થઈ પડતાં હોય છે. વિચારની આ તાકાત છે. કલ્પના કરો, જ્યારે ૧૦૧ અનોખા વ્યક્તિત્ત્વોની ૩૦૦૦ કરતાંય અધિક વિચારકણિકાઓ એક જ પુસ્તકમાં સંગ્રહિત થાય ત્યારે સત્ત્વશીલતાનો કેવો ગજબનાક ગુણાકાર થાય! જિતેન્દ્ર પટેલનાં પ્રસ્તુત પુસ્તકમાં વિચારમેળો બરાબરનો જામ્યો છે. વિશ્વના જુદાંજુદાં બિંદુએ પ્રગટેલા અને સમયની સપાટી પર સતત તરતા રહેલા તેજલિસોટા જેવા આ વિચારોમાં સદીઓનું ડહાપણ અને ચિંતન સમાયેલું છે.આ ૧૦૧ મહાનુભાવોની યાદી ઈન્ટરેસ્ટિંગ છે. અહીં એક છેડે પ,૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા વિદુર છે તો સામેના છેડે પર ૧૯૯૦માં નિધન પામેલા ઓશો છે. આ બે અંતિમોની વચ્ચે જન્મવર્ષ અનુસાર ચડતા ક્રમમાં ગુજરાતના, ભારતના અને દુનિયાભરના નોંધપાત્ર વિચારકો, સંતો-મહંતો, સાહિત્યકારો વગેરેનાં અવતરણોને આવરી લેવામાં આવ્યાં છે.
Plato
 ‘કંગાળ લોકો નહીં, પણ સુખી લોકો નિર્ધનતાની ખાઈમાં સરી પડે છે ત્યારે ક્રાંતિ કરવા તૈયાર થાય છે’ આ સર્વકાલીન સત્ય છેક ઈસવી સન પૂર્વે ૪૨૮માં જન્મેલા પ્લેટોએ ઉચ્ચાર્યુ હતું. પ્લેટોના શિષ્ય હતા એરિસ્ટોટલ અને એરિસ્ટોટલના શિષ્ય હતા વિશ્વવિજેતા સિકંદર. ગરુશિષ્યની આ કેવી ભવ્ય જોડીઓ! એરિસ્ટોટલે કહે છેઃ ‘ગુસ્સો કરવો સામાન્ય બાબત છે, પણ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય કારણથી, યોગ્ય રીતે ગુસ્સે થવું એ કામ       સરળ નથી.’ક્રોધ જન્મે છે શા માટે? આનો ઉત્તર તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી મણિલાલ નભુભાઈ દ્વિવેદી આ રીતે આપે છેઃ ‘માણસ પોતાના અંતરાત્માને પ્રસન્ન રાખવાનું ભૂલી અંતઃકરણના જુદા જુદા વેગોને સંતોષવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં ક્રોધ પેદા થાય છે.’ ક્રોધ પહેલાંના તબક્કા વિશે ‘મૂછાળી મા’ તરીકે જાણીતા થયેલા ગિજુભાઈ બધેકા કહે છેઃ ‘દુર્બળ માણસ પ્રથમ બીજાનું અનુકરણ કરે છે. અનુકરણ કરવામાં ફાવતો નથી ત્યારે તેની ઈર્ષ્યા કરે છે. ઈર્ષ્યા કરવાથી કશું વળતું નથી ત્યારે તેની નિંદા કરે છે. નિંદામાંથી પણ કંઈ વળતું નથી ત્યારે હાંસી કરે છે. હાંસીમાંથી પણ હારી જાય છે ત્યારે ક્રોધ કરે છે.’ ક્રોધ પછીની સભાનતાનું ઘણું મહત્ત્વ છે. એટલે જ ‘ગુજરાતના ચાણક્ય’નું બિરુદ પામેલા પ્રભાશંકર પટ્ટણી કહે છે,‘ગુસ્સે થઈ ગયા પછી જે માણસ બીજી જ ક્ષણે એમ વિચારે કે અરે, આ મને શું થઈ ગયું? તો સમજવું કે પ્રભુકૃપાની દષ્ટિ તેના પર છે.’Thomas Fuller
પુસ્તકમાં પ્રત્યેક હસ્તીનો ટૂંકો પરિચય પણ આપવામાં આવ્યો છે. તેથી ‘મૌન માત્ર કળા નથી, વાકપટુતા પણ છે’ એવું કહેનાર સિસરો રોમન બંધારણના ઘડવૈયા હતા તેની વાચકને જાણકારી મળે છે. મૌન વિશે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સટન ચર્ચિલે પણ સરસ વાત કરેલીઃ ‘ઊભા થઈને બોલવામાં જેમ મર્દાનગી છે તેમ નીચે બેસી જઈને સાંભળવામાં પણ મર્દાનગી છે.’ બ્રિટિશ ઈતિહાસવિદ થોમસ કુલર કહે છે, ‘ જીભ પર સંયમ રાખ્યા વિના કોઈ સારો વક્તા બની શકતો નથી.’ થોમસ કુલરની આ સ્માર્ટ વનલાઈનર જુઓઃ ‘ચતુરાઈ એ ઈમાનદારી અને બેઈમાની વચ્ચેની દીવાલ છે, જેના વિશે એ કહેવું મુશ્કેલ છે કે એ કોની સંપત્તિ છે!’દુનિયાની એવી ક્ઈ એકમાત્ર વ્યક્તિ છે, જેણે નોબલ પ્રાઈઝ અને ઓસ્કર અવોર્ડ બણે જીત્યા હોય? ઉત્તર છે, જ્યોર્જ બર્નાડ શો. તેમણે સરસ કહ્યું છેઃ ‘તક આવે છે એના કરતાં જતી રહે છે ત્યારે એ મોટી લાગે છે.’ લાઓ ત્સે કહે છેઃ ‘ભાગ્ય પર બધું છોડી દેનાર લોકો સામે આવેલી તકોને ઓળખી શકતા નથી.’ તક એ સમયનું જ એક પાસું થયું. ‘ચિત્રલેખા’ના સંસ્થાપક વજુ કોટક એટલે જ કહે છે ને કે, ‘સમય ચૂકી જનારાઓએ હંમેશા સમયની રાહ જોવી પડે છે.’ વજુ કોટકનું આ અવતરણ પણ મમળાવવા જેવું છેઃ ‘જે યુદ્ધ ચાલુ રાખે છે એ જરૂર કોઈ દિવસ વિજય મેળવશે, પણ યુદ્ધથી ડરીને દૂર ઊભો છે એ તો સદા પરાજિત છે...’
Oscar Wilde
 એક સાથે અનેક વિભૂતિઓની વિગતો એક જ લસરકામાં સામે આવતી હોવાથી ઘણી રસપ્રદ બાબતો આપોઆપ ઉપસી આવે છે. જેમ કે, શેક્સપિયરનો ૧૫૬૪માં જન્મ થયો ત્યારે ‘રામચરિતમાનસ’ના રચયિતા તુલસીદાસ બત્રીસ વર્ષના યુવાન હતા. મોહમ્મદ પયગંબરના જન્મ છઠ્ઠી સદીમાં થયો, જ્યારે મહાકવિ કાલિદાસ એમની પહેલા એટલે કે પાંચમી સદીમાં થઈ ગયા. ઈસવી સનની ગણતરીની શરૂઆત ક્યારે થઈ? જો તમારો જવાબ ‘ઈશુ ખ્રિસ્તના જન્મવર્ષ સાથે’ એવો હોય તો તે ખોટો છે, કારણ કે ઈશુ ખ્રિસ્તનો જન્મ ઈસવી સન પૂર્વે પાંચમાં થયો હતો! ઈસવી સન પૂર્વે ૫૫૧ થી ૨૫૦ વચ્ચે થઈ ગયેલા કોન્ફ્યુશિયસ, ચાણક્ય, સોક્રેટિસ તો આ બધા કરતાં ઘણા સિનિયર ગણાય!પુસ્તકમાં સમાવાયેલી વિચારકણિકાઓ ખરેખર ટાઈમલેસ છે. ધારદાર રમૂજ અને વરણાગી વેશભૂષા બણે માટે જાણીતા ઓસ્કર વાઈલ્ડ કહે છેઃ ‘અનુભવ એ દરેક માણસે પોતાની ભૂલોને આપેલું નામ છે.’ તો ટાગોરનું કહેવું છે કે, ‘ભૂલોને રોકવા માટે દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર રહી જશે.’ ‘ભ્રમણા એક મોટામાં મોટો આનંદ છે’ એવું કહેનાર ફ્રેન્ચ લેખક અને ફિલોસોફર વોલ્તેર કહે છે કે,‘જિંદગીની મુસીબતો ઓછી કરવા માગતા હો તો અત્યંત વ્યસ્ત રહો.’ તો સેમ્યુઅલ જ્હોન્સન કહે છેઃ ‘તમે નવરા હો તો એકલા રહેશો નહીં અને એકલા હો તો નવરા રહેશો નહીં.’આ પુસ્તક તૈયાર કરવા પાછળ લેવાયેલી જહેમત સ્પષ્ટ વર્તાય છે. સંકલનકાર જિતેન્દ્ર પટેલ કહે છે, ‘મને અમદાવાદની એમ.જી. લાયબ્રેરી ઉપરાંત મેં નાનપણથી એકઠા કરેલાં કટિંગ્સ પણ ઉપયોગી બન્યાં છે. અમુક મહાનુભાવોની વિચારકણિકાઓ સહેલાઈથી મળી શકી, પણ અમુકના અવતરણો તારવવામાં ખાસ્સી મહેનત પડી. જેમ કે, મદનમોહન માલવિયના વિચારો એકત્રિત કરતી વખતે મારે દસેક પુસ્તકો રિફર કરવાં પડ્યાં હતાં. અહીં ફક્ત દિવંગત વ્યક્તિઓને જ સમાવ્યા છે. પુસ્તકનું કદ વધી જતું હોવાને કારણે ચંદ્રકાંત બક્ષી જેવી કેટલીક વ્યક્તિઓને ઈચ્છવા છતાંય સામેલ કરી શક્યો નથી.’પુસ્તકની પ્રોડકશન વેલ્યુ તેમજ સજાવટ જોકે જમાવટ કરતાં નથી. વળી, વિક્ટર હ્યુગોનું ‘પુરુષો સ્ત્રીઓનાં રમકડાં છે, પણ સ્ત્રી પોતે શેતાનને રમવાનું સાધન છે’ જેવું નકારાત્મક ક્વોટ ટાળી શકાયું હોત. ખેર, સમગ્રપણે પુસ્તકનું કન્ટેન્ટ એટલું સમૃદ્ધ છે કે આ બાબતોને આસાનીથી અવગણી શકાય તેમ છે. કિશોરોથી માંડીને વડીલો સુધીના સૌને એકસરખું અપીલ કરી શકતા આ પુસ્તકની મજા એ છે કે તમે એને હાથમાં લઈને કોઈ પણ પાનું ફેરવીને વાંચી શકો છો, એકથી અધિક વખત વાંચી શકો છો અને દર વખતે તે નવાં નવાં સ્પંદનો અનુભવી શકો છો. વાચકને આવી સુવિધા બહુ ઓછાં પુસ્તકો ઓફર કરી શકતાં હોય છે!બાય ધ વે, લેખના શીર્ષકમાં વંચાતું અવતરણ પ્લેટોનું છે...

(વ્યક્તિ, વિચાર અને પ્રેરણા

સંકલનકારઃ જિતેન્દ્ર પટેલ

પ્રકાશકઃ પાર્શ્વ પ્રકાશન,
નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ ૩૮૦૦૦૧
ફોનઃ (૦૭૯) ૨૫૩૫૬૯૦૯, ૨૬૪૨૪૮૦૦

કિંમતઃ રૂ. ૧૨૫/
પૃષ્ઠ સંખ્યાઃ ૨૧૪ )
(સંપૂર્ણ)

Saturday, October 16, 2010

ફિલ્મ રિવ્યુઃ રામાયણ - ધ એપિક

મિડ-ડે, તા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત

રંગબેરંગી રામકથા


અદભુત નહીં, પણ સુંદર. આ ફિલ્મની ગુણવત્તા ભારતમાં તૈયાર થયેલી અગાઉની એનિમેશન ફિલ્મો કરતાં ક્યાંય ચડિયાતી છે.


રેટિંગ ઃ ત્રણ સ્ટારથોડા સમય પહેલાં ‘૩૦૦’ નામની અફલાતૂન અંગ્રેજી ફિલ્મ આવી હતી. જૂના જમાનાના ગ્રીક યોદ્ધાઓની વાત કહેતી આ ફિલ્મમાં તમામ પુરુષો એકબીજાની ઝેરોક્સ કોપી જેવા દેખાતા હતા અને માતાની કૂખને બદલે જાણે ફેક્ટરીમાં પેદા થયાં હોય તે રીતે સૌની અલમસ્ત બોડી પર રૂપાળા સિક્સ પેક હતા. આ સૌનાં શરીરો જેન્યુઈન હતાં કે પછી બીજાં કેટલાંય દશ્યોની જેમ અહીં પણ કમ્પ્યુટર વડે કારીગીરી કરીને ધારી ઈફેક્ટ પેદા કરવામાં આવી હતી તે વિષે ખાસ્સી ચર્ચા ચાલી હતી. જ્યારે ‘નોર્મલ’ ફિલ્મમાં સિક્સ પેક ઉમેરવાનો મોહ જતો કરી શકાતો ન હોય તો નખશિખ એનિમેશન ફિલ્મમાં રોકવાવાળું જ કોણ છે?ફિલ્મમેકર કેતન મહેતાની માયા એન્ટરટેઈનમેન્ટે લિમિટેડે તૈયાર કરેલી ‘રામાયણ ધ એપિક’ના ચીફ એનિમેટરને નક્કી સિક્સ પેકનું વળગણ છે. માત્ર બે પગાળા મનુષ્યો, દેવો અને દાનવો જ નહીં, બલકે પશુ (વાનરો) અને પક્ષીઓ (જટાયુ) સુદ્ધાં સિક્સ પેક ધરાવે છે! મજાની વાત એ છે કે સ્ક્રીન પર આ બધું સુંદર દેખાય છે.હે રામ!રામાયણ અને મહાભારત આપણી આ બણે આદિકથાઓનાં કથાકથન, પાત્રોનું વૈવિધ્ય, નાટ્યાત્મકતા અને લાગણીઓના આરોહઅવરોહની બાબતમાં સર્વોત્કૃષ્ટ છે અને રહેશે. આ ફિલ્મ રામવનવાસથી શરૂ થાય છે અને સીતા હરણ, શબરીમિલન, વાલીમિલન, હનુમાનનું લંકાગમન, અશોકવનમાં સીતા-હનુમાન મિલન, લંકાદહન, રાવણસેના સાથે મહાયુદ્ધ, રાવણનો વધ અને આખરે રામના રાજ્યાભિષેકની ઘટના પર વિરામ લે છે. દોઢેક કલાકના ગાળામાં રામાયણના લગભગ તમામ મહત્ત્વના પ્રસંગો આવરી લેવાની કોશિશ કરવામાં આવી છે.રંગ અને કલ્પનાઅગાઉ ‘બાળ ગણેશ’ જેવી કેટલીક ટુડાયમેન્શનલ એનિમેશન ફિલ્મો આવેલી, જેને ખરેખર તો કાર્ટૂન ફિલ્મો કહેવી જોઈએ, કારણ કે ચાવી દીધેલાં રમકડાંની જેમ હાલતાંચાલતાં તેનાં પાત્રો કેરિકેચર કે કાર્ટૂન જેવા વધારે લાગતાં હતાં. તેમની સાથે તુલના કરવામાં આવે તો વિઝયુઅલ ક્વોલિટીના સ્તરે ચેતન દેસાઈએ ડિરેક્ટ કરેલી થ્રી-ડાયમેન્શનલ ‘રામાયણ ધ એપિકે’ મોટી હરણફાળ ભરી છે. (અહીં થ્રી-ડી એટલે ચશ્માં પહેરીને જોવામાં આવતી ફિલ્મ એ અર્થ ન લેવો.) ‘રામાયણ’ની એકેએક ફ્રેમ દિલથી સજાવવામાં આવી છે. અફલાતૂન કલર કોમ્બિનેશન, ખૂબસૂરત પાત્રો અને અને તેમના હલનચલનમાં વર્તાતી સ્મૂધનેસ સુંદર પરિણામ લાવે છે.

અહીં નીલા રંગના રામની આંખા પણ નીલી એટલે કે બ્લુ રંગની છે. લક્ષ્મણની આંખો બ્રાઉન છે, જ્યારે સીતાની આંખોનો શેડ કંઈક જુદો જ છે. અહીં રાવણ ચંગીઝખાન જેવો દેખાય છે. કમાનમાંથી સનનન કરીને છૂટતું તીર હોય, વરસતા વરસાદમાં લડી રહેલા વાલી-સુગ્રીવનો એરિઅલ શોટ હોય કે દરિયામાંથી પ્રગટ થતાં સર્પમાતા હોય અહીં એસ્થટિક્સ અને કલ્પનાશીલતાને અહીં છૂટો દોર આપી દેવામાં આવ્યો છે. આપણે રામાયણ, કે ફોર ધેટ મેટર, કોઈ પણ દૈવી પાત્રોને રવિ વર્મા શૈલીની તીવ્ર અસર ધરાવતી કેલેન્ડર આર્ટના રૂપમાં જોવા ટેવાયેલા છીએ. અહીં આ પરંપરાગત ફોર્મની સાથે આધુનિકતાનું સરસ કોમ્બિનેશન થયું છે. જેમ કે, કિષ્કિંધા નગરીમાં નૃત્ય કરતાં વાનરોવાળી ભવ્ય સિકવન્સ જેમ્સ કેમરોનની ‘અવતાર’ ફિલ્મની યાદ અપાવશે.

હોલીવૂડની ફિલ્મોની જેમ આપણે ત્યાં પણ એનિમેશન ફિલ્મોમાં સ્ટારલોકોએ અવાજ આપવાનો રિવાજ શરૂ થયો છે. અહીં રામસીતાનો અવાજ અનુક્રમે મનોજ વાયપેયી અને જુહી ચાવલાએ આપ્યો છે, હનુમાનનો અવાજ મુકેશ રિશીએ આપ્યો છે, જ્યારે રાવણ આશુતોષ રાણાના અવાજમાં બરાડે છે. આ બધાનો શાબ્દિક અભિનય સરસ છે. સંવાદો સંસ્કૃતપ્રચુર નથી, બલકે સાદગીભર્યા છે. જો કે સીતાનું અપહરણ કરવા આવેલા રાવણના મોઢે ‘ગુસ્સે મેં તુમ ઔર ભી સુંદર લગતી હો’ જેવો ટિપિકલ ફિલ્મી ડાયલોગ વિચિત્ર લાગે છે. એક ટેક્નિકલ મુદ્દો એ છે કે ‘અપહરણ’ શબ્દ કે ‘હરણ થઈ જવું’ શબ્દપ્રયોગ આ ઘટનાના ઘણા સમય પછી રચાયા હોવા જોઈએ. અહીં સીતા રાવણને કરગરતી વખતે લગભગ તરત જ, લંકા પહોંચતા પહેલાં જ આ શબ્દપ્રયોગ કરવા લાગે છે.ટૂંકા ગાળામાં ખૂબ બધા પ્રસંગો આવરી લેવાના હોવાથી ફિલ્મમાં ઘણી જગ્યાએ ગાડી ફાસ્ટ ફોરવર્ડમાં ચાલે છે. રામ-હનુમાનનો સ્નેહસંબંધ સુરેખ રીતે ઉપસી શક્યો નથી તેનું એક કારણ આ છે. અમુક વિગતદોષ નિવારી શકાઈ હોત. જેમ કે, અપહરણ થતાં જ ભીક્ષામાં આપવા માટે સીતાએ લાવેલાં ફળો જમીન પર ફેકાઈ જાય છે. પછીના શોટમાં તમામ ફળો અદશ્ય છે. આ ફિલ્મનું ઈરિટેટિંગ પાસું એકધારું ચાલ્યાં કરતું કર્કશ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. મો઼ડર્ન ઓરકેસ્ટ્રેશન સાથે સારંગ દેવ પંડિતે કમ્પોઝ કરેલાં ગીતો અતિ સાધારણ છે.હોલીવૂડની એનિમેશન ફિલ્મોની સરખામણીમાં ‘રામાયણ’માં ભલે ભાખોડિયા ભરે છે, પણ આખો દિવસ ટીવી પર ‘શીન ચેન’ અને ‘કિટરેત્સુ’ જેવા કંગાળ ચાઈનીઝ કાર્ટૂન સિરીઝો જોયા કરતાં બચ્ચાલોગને આ રંગબેરંગી ફિલ્મ બતાવવા જેવી છે. તેમની સાથે તેમનાં દાદાદાદી પણ ફિલ્મ એન્જોય કરી શકશે.૦૦૦

ફિલ્મ રિવ્યુઃ આક્રોશ

મિડ-ડે, તા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત

અર્થહીન

કંગાળ રિસર્ચ, અસ્પષ્ટ કથાનક અને કાનફાડ ધાંધલધમાલવાળી આ ફિલ્મમાં ઉત્તમ અદાકારોને વેડફી નાખવામાં આવ્યા છે

રેટિંગ ઃ દોઢ સ્ટારધારો કે તમે અખબારમાં એક નવી ખૂલેલી ચાઈનીઝ રેસ્ટોરાંની આકર્ષક એડ્ જુઓ છો. એક રવિવારે તમે આ ફેન્સી ચાઈનીઝ નામ અને એવું જ ઈન્ટીરિયર ધરાવતી રેસ્ટોરાંંમાં પહોંચી જાઓ છો. મોટા ઉપાડે મેનુ ખોલો છો ત્યારે ખબર પડે છે કે અહીં એક જ ચાઈનીઝ આઈટમ સર્વ થાય છે સૂપ. મેઈન કોર્સમાં તો પેલી ટિપિકલ પંજાબી આઈટમો જ મળે છે. કેવી ખીજ ચડે તમને. એક્ઝેટલી આવી જ લાગણી ‘આક્રોશ’ જોતી વખતે થાય છે. ‘આક્રોશ’ આઙ્ખનરકિલીંગ વિશેની ફિલ્મ છે એવું તેની પબ્લિસિટીમાં ગાઈવગાડીને કહેવામાં આવ્યું હતું. ઈવન, ફિલ્મની શરૂઆતમાં ય આઙ્ખનરકિલીંગને લગતાં સમાચાર છાપેલાં પોણો ડઝન ન્યુઝપેપર ક્લિપિંગ્સના ક્લોઝઅપ દેખાડવામાં આવે છે. આઙ્ખનર કિલીંગ એટલે પરિવારની કહેવાતી પ્રતિષ્ઠાને બચાવવા માટે નીચલા વર્ણની વ્યક્તિ સાથે પ્રેમસંબંધ ધરાવનાર સગા સંતાન કે ભાઈ કે બહેનની એના પ્રિય પાત્ર સહિત કુંટુંબના સભ્યો દ્વારા જ હત્યા થવી. હકીકત એ છે કે ‘આક્રોશ’માં ક્યાંય આઙ્ખનરકિલીંગ છે જ નહીં. દર્શકોનું આનાથી મોટું ડિસઆઙ્ખનર એટલે કે અનાદર બીજું ક્યું હોવાનું? આ તો ફક્ત એક વાત થઈ. ‘આક્રોશ’માં આવી કેટલીય ગરબડ છે.હોહો ને દેકારાયુપીબિહારના કોઈ ગામડે ગયેલા દિલ્હીના ત્રણ મેડિકલ સ્ટુડન્ટ્સ અચાનક ગાયબ થઈ જાય છે. ત્રણ મહિના સુધી ભાળ મળતી નથી ત્યારે સીબીઆઈની ટીમ (અક્ષય ખણા, અજય દેવગણ) ઈન્વેસ્ટિગેશન માટે તે ગામ જાય છે. ખબર પડે છે કે ત્રણ પૈકીનો એક દલિત છોકરો કોઈ સવર્ણ છોકરીના પ્રેમમાં હતો. છોકરીના બાપા છોકરાનું ઢીમ ઢાળી દે છે. છોકરી પોતે તો એયને જલસા કરે છે. લોકલ પોલીસના અવરોધો છતાયં પેલી સ્પશિયલ ટીમ આખરે અપરાધીઓને સજા અપાવવામાં કામિયાબ થાય છે. નેચરલી.પ્રપોઝલની પીડાથોડા મહિનાઓ પહેલાં એકતા કપૂર પ્રોડ્યુસ કરેલી ‘લવ, સેક્સ ઔર ધોખા’ ફિલ્મ આવેલી. તેમાં માત્ર પાંત્રીસચાલીસ મિનિટમાં આઙ્ખનરકિલીંગનો કિસ્સો એટલી અસરકારક રીતે પેશ કરવામાં આવ્યો હતો કે ઓડિયન્સને અરેરાટી થઈ જતી. એની સામે પ્રિયદર્શને આ ભયાનક લાંબી ફિલ્મમાં આઙ્ખનરકિલિંગના નામે દાટ વાળ્યો છે. હાહાહીહી બ્રઙ્ખન્ડને એક તરફ મૂકીને હાર્ડહિટીંગ વિષય પસંગ કરવામાં આવ્યો ત્યારે સહેજ આશા હતી કે આ વખતે ‘ગર્દિશ’, ‘વિરાસત’ અને ‘સજા-એ-કાલા પાની’વાળા પ્રિયદર્શનની ઝમક જોવા મળશે. એને બદલે પ્રિયદર્શને ફરી એક આઉટઓફફાઙ્ખર્મ ક્રિકેટરની જેમ રેઢિયાળ પર્ફોર્મ કરીને ઓડિયન્સનો આક્રોશ વહોરી લીઘો છે.

અહીં ઝાંઝર નામનું ગામડું વાસ્તવમાં જિલ્લા કક્ષાનું ટાઉન છે. હાફ સ્લીવ બનિયાન ઊંચું કરીને છાતી પર ફૂંક માર્યા કરતા પરેશ રાવલની અહીં એટલી વગ છે કે તે એસપી એટલે કે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કરતાં સરમુખત્યાર મુખિયા વધારે લાગે છે.સીબીઆઈ જેવા સીબીઆઈને લોકલ પોલીસ ગણકારે નહીં એવું બને? હા, પ્રિયદર્શનની ફિલ્મ હોય તો બને. અક્ષય ખણા સીબીઆઈ ઓફિસર છે, પણ બિચારાને સૌ હડ્ય હડ્ય કરે છે. ઈવન, અક્ષયને આસિસ્ટ કરવા નીમાયેલો એનએસજી (નેશનલ સિક્યોરિટી ગાર્ડ) કમાન્ડો અજય દેવગણ પણ તેને ગણકારતો નથી. ગામમાં એક ભેદી શૂળ સેના છે. એનો નેતા કોણ છે અને તે શું કામ ઉધામા મચાવતી રહે છે તેની કોઈ સ્પષ્ટતા ફિલ્મમાં કરવામાં આવતી નથી.

બિપાશા બાસુને હાર્ડહિટીંગ ફિલ્મોમાં કામ કરવાની હોબી છે. જુઓને, એણે પહેલાં ‘લમ્હા’ કરી અને પછી તરત ‘આક્રોશ’. અજય દેવગણની પ્રેમિકા હતી ત્યારે બિપાશા કાં તો આખા પગ દેખાય એવાં કપડાં પહેરીને છકડામાં ફર્યા કરતી અથવા અજય દેવગણના ટીશર્ટની અંદર ઘૂસીને વસ્ત્રોની બચત કરતી યા તો અજયની પીઠ પર સવાર થઈને ઇંગ્લિશ નોવેલ વાંચતી, પણ જેવાં બિપાશાનાં લગન્ પરેશ રાવલ સાથે થાય છે કે તેની વેશભૂષા તો ઠીક, ભાષા પણ બદલી જાય છે. એક સીનમાં રોતલ કામવાળીને એ પૂછે છેઃ તેરે નૈન કાહે ભીગે? અરે? કાયમ રડરડ કર્યા કરતી અને પતિનો માર ખાધા કરતી બિપાશાનું આખું પાત્ર જ ઉપરથી ભભરાવલું, ઉભડક અને નકામું છે.માણસ ધડધ઼ડાટ જઈ રહેલી ટ્રેનની ઉપરથી નહીં (એ તો જૂનું થઈ ગયું), પણ એની નીચેથી સરકીને પાટા ક્રોસ કરી શકે? હા, પ્રિયદર્શનની ફિલ્મ હોય તો કરી શકે. એક સીનમાં અજય દેવગણ અચાનક વાયુસ્વરૂપ ધારણ કરીને ચાલુ ટ્રેનની નીચેથી બીજી બાજુ સરકી જાય છે. પછી? પછી કંઈ નહીં. તે ઊભો રહીને અક્ષયની કારની રાહ જુએ છે. ભલામા’ણા, તારે ઊભા જ રહેવંુ હતું તો પછી આવો સ્ટંટ કરવાની શું જરૂર હતી? ટ્રેન પસાર થઈ જાય તેની રાહ કેમ ન જોઈ?પ્રિયદર્શનભાઈએ ‘પ્રેરણા’ માટે અંગ્રેજી ફિલ્મો તો શું, જૂની હિન્દી ફિલ્મો પણ છોડતા નથી. ‘આક્રોશ’માં ‘મિસિસીપી બર્નંિગ’ તો છે જ, સાથે સાથે કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ની ફેમસ મરચાની ભૂકીઉછાળ સિકવન્સ પણ છે. પ્રિયદર્શનની ફિલ્મોનો પ્રોબ્લેમ એ છે કે તે જોતી વખતે કાં કશુંક ઘરે મૂકી જવું પડે (જેમ કે દિમાગ) અથવા કશુંક સાથે લેતા જવું પડે. ‘આક્રોશ’માં એટલો બધો ઘોંઘાટ છે કે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં તમારા કાનમાં લગભગ ધાક પડી જાય છે. એટલે ધારો કે તમે ભુલેચુકેય આ ફિલ્મ જોવા ગયા તો રૂનાં પૂમડાં સાથે લઈ જવાનું ભુલતા નહીં.માણસને જેમ સિગારેટ પીવાની તલબ લાગે તેમ પ્રિયદર્શનને એક ફિલ્મ પૂરી થતાં જ બીજી ફિલ્મ ઘસડી મારવાની નાખવાની જોરદાર તલબ લાગે છે. જેતે વિષયનું વ્યવસ્થિત રીસર્ચ, સારો સ્ક્રીનપ્લે, પૂરતું પ્રીપ્રોડકશન આ બધામાં ટાઈમ થોડો વેસ્ટ કરાય? પ્રિયદર્શન ફિલ્મમેકરમાંથી પ્રપોઝલમેકર બની ગયા છે તેનાં ઉત્તમ ઉદાહરણો ‘દે દનાદન’, ‘બમ બમ બોલે’, ‘ખટ્ટામીઠા’ અને ‘આક્રોશ’ સહિતની છેલ્લી ફિલ્મો છે. વચ્ચે અવોર્ડવિનર ‘કાંજીવરમ’ આવી ગઈ, પણ એ તો અપવાદ થયો.પરેશ રાવળ, અજય અને અક્ષય જેવા ઉત્તમ અદાકારોનો વેડફાટ જોવો હોય, નિરર્થક મારામારી અને કાપાકાપી જોવી હોય, કાનના પડદાને ધ્રુજાવવાની એક્સરસાઈઝ કરવી હોય અને હા, ચાઈનીઝ રેસ્ટોરાંમાં જઈને દાલ ફ્રાય નાન ખાવાં હોય તો ‘આક્રોશ’ જરૂર જોજો.

૦૦૦

ફિલ્મ રિવ્યુઃ નોક આઉટ

મિડ-ડે, તા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત


નોટ આઉટ


ઊંચી અપેક્ષા વગર સિનેમાહોલમાં એન્ટ્રી મારી હશે તો ઈરફાન ખાનના સુપર્બ પર્ફોર્મન્સવાળી આ ફિલ્મ ગમી શકે એવી છે


રેટિંગ ઃ અઢી સ્ટારઓકે, ‘નોક આઉટ’ હોલીવૂડની હિટ ફિલ્મ ‘ફોનબૂથ’ પરથી પ્રેરિત છે તેની હવે બધાને ખબર છે. તેના નબળા પ્રોમોએ ઓડિયન્સમાં ઝાઝી અપેક્ષા જગાવી નહોતી તે ય સૌ જાણે છે. ગુડ ન્યુઝ એ છે કે જો તમે ‘અંગ્રેજી ફિલ્મની નબળી ઉઠાંતરી’ એવી ઈમેજ સાથે ‘નોક આઉટ’ જોવા બેસશો તો સાનંદાશ્ચર્યનો અનુભવ થશે. મણિ શંકરે લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ વાસ્તવમાં એક સરસ થ્રિલર બની શકી છે.ભારતના ભ્રષ્ટ રાજકારણીઓ અને અમલદારોએ ૬૦ હજાર કરોડ રૂપિયાનું કાળું નાણું સ્વિસ બેન્કમાં સંતાડી રાખ્યું છે. આ પૈસા ભારતમાં પાછું આવવું જોઈએ તે વાત અવારનવાર ચર્ચાતી રહે છે. ‘નોક આઉટ’માં આ મુદ્દાને લાઉડ બન્યા વગર નાટ્યાત્મક રીતે વણી લેવામાં આવ્યો છે.છીનાઝપટીઈરફાન ખાન એક ઐય્યાશ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. પત્ની છે, ક્યુટ બેબલી છે, પણ હરાયા ઢોરની જેમ તે તક મળે તો મોઢું મારતો ફરે છે. એક દિવસ એ કશાકની ડિલીવરી કરવા પોતાની કારમાં નીકળ્યો છે. અધવચ્ચે અટકીને કોઈકને ફોન કરવા, પોતાની પાસે બબ્બે મોબાઈલ હોવા છતાં, એક પારદર્શક કાચના સ્ટાઈલિશ ફોન બૂથમાં ઘૂસે છે. તે વાત પૂરી કરે ત્યાં જ પબ્લિક ફોન પર કોઈ અજાણ્યો કોલર કોલ કરે છે. તે શાર્પશૂટર સંજય દત્ત છે. ઈરફાન વાત કરે છે અને હવે શરૂ થાય છે મજેદાર છીનાઝપટી. સંજય દત્તની ગન સતત ઈરફાન પર તકાયેલી છે. તે ઈરફાન પાસે જાતજાતનાં કામ કરાવે છે. એને નચાવે છે, ટીવી ચેનલ પર કબૂલાત કરાવે છે અને એવું તો કેટલુંય. સંજય દત્તનો ફોન સતત ચાલુ છે. ફોનબૂથની આસપાસ પોલીસ, પબ્લિક અને મિડીયાની જમઘટ થઈ જાય છે. વાત ઘૂંટાતી જાય છે અને અંતે...ટુ-ધ-પોઈન્ટ‘નોક આઉટ’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે આમતેમ ફંટાયા વિના નિશ્ચિત દિશામાં એકધારી આગળ વધતી રહે છે. ધરાર ગીતો ઘુસાડવાની જગ્યા હોવા છતાં ડિરેક્ટરે એવી કોશિશ કરી નથી. ક્યાંય કોમેડીનાં અકારણ ટાયલાં પણ નથી. આવી ટુ-ઘ-પોઈન્ટ ફિલ્મો દર શુક્રવારે ક્યાં જોવા મળે છે? ફિલ્મના અંત ભાગમાં થયેલો દેશભક્તિનો વઘાર પણ માપસરનો છે અને તે ફિલ્મને વધારે ટેસ્ટી બનાવે છે.ચાર ફૂટ બાય ત્રણ ફૂટની જગ્યામાં બંધાઈ રહ્યા પછી અભિનયમાં કેટલું સુંદર વૈવિધ્ય લાવી શકાય અને ઓડિયન્સને બાંધી રાખી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ લાંબા વાંકડિયા વાળવાળો ઈરફાન ખાન પૂરું પાડે છે. ઈરફાનની જગ્યાએ કોઈ ઊતરતો એક્ટર હોત તો ફિલ્મને ઊંધા મોંએ પછડાતાં વાર ન લાગત. સમય જતો જાય છે તેમ તેમ તેના કિરદારના નવા નવા રંગો ઊપસતાં છે વિલાસવૃત્તિ, ચીડ, ખોફ, અસહાયતા, અફસોસ અને છેલ્લે ફના થઈ જવાની તૈયારી.સંજય દત્તની પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ એનું અડધું કામ કરી નાખે છે. એની ફ્રેન્ચ કટ દાઢીની ઘટ્ટતાની કન્ટિન્યુટી જોકે જળવાઈ નથી. ઈરફાન સાથે તેની કેમિસ્ટ્રી જમાવટ કરે છે. બણે પાત્રો ક્યારેય એકબીજાની સામે આવતાં નથી, પણ ડિરેક્ટરે સ્પ્લિટ સ્ક્રીનનો સરસ ઉપયોગ કરીને તેમની જુગલબંદી સરસ ઊપસાવી છે.કંગના રનૌત, ફોર એ ચેન્જ, આ ફિલ્મમાં ભૂતડી કે પાગલ બની નથી. તમે ક્યારેય ખુલ્લા ખભાવાળો પોષાક ધારણ કરેલી (ઓકે, પછી તે જેકેટ પહેરી લે છે) અને પગમાં છ ઇંચની હિલ્સવાળા સેન્ડલ પહેરીને આંટા મારતી ટીવી રિપોર્ટર જોઈ છે? ન જોઈ હોય તો ‘નોક આઉટ’માં કંગના રનૌતને ઈન્ડિયા ટીવીની આવી વરણાગી ટીવી રિપોર્ટરના રૂપમાં જોઈ શકશો. (ઈન્ડિયા ટીવીની ઈમેજ સાથે કોઈ પણ પ્રકારનું ચિત્રવિચિત્રપણું મેચ થાય છે.) કંગના આમ તો સારી એક્ટ્રેસ છે, પણ આ રોલમાં તેણે અભિનયના ખાસ અજવાળા પાથરવાના નથી.ફિલ્મમાં ખૂંચે એવી વાતો ઓછી નથી. પાંચસો કરોડ રૂપિયાની નોટોના બંડલ ખુલ્લા રસ્તા પર કલાકો સુધી એમને એમ પડ્યા રહે તે વાત વાહિયાત છે. સ્વિસ બેન્કમાંથી મની ટ્રાન્સફરની વિધિ સીધીસાદી કોઓપરેટિવ બેન્ક કરતાં પણ આસાન છે! ગાંડાની જેમ ગોળીબાર થતો હોય, કેટલાયના ઢીમ ઢળી જતા હોય તો પણ લોકો સ્થળ પરથી હલવાનું નામ ન લે તે કેવું? ટીવી પર લાઈવ કવરેજ ચાલતું હોવા છતાં વધારાની પોલીસ કે કમાન્ડોઝ સ્થળ પર ફરકવામાં ભવ લગાડી દે છે. સેકન્ડ હાફમાં એકની એક ઘટનાઓ ફરી ફરીને થયા કરતી હોવાથી ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે.ખેર, આ ક્ષતિઓ સાથે પણ ફિલ્મ સરવાળે સહ્ય છે. આ ફિલ્મની અપીલ મર્દાના છે, તે મહિલા વર્ગને ખાસ આકર્ષે એવી નથી. જો થ્રિલર ફિલ્મો જોવી ગમતી હોય, બહેતર વિકલ્પ ન હોય અને અગાઉ કહ્યું તેમ ઊંચી અપેક્ષા રાખવાની આદત ન હોય તો ‘નોક આઉટ’ જોઈ નાખવામાં બહુ વાંધો નથી.૦૦૦

Saturday, October 9, 2010

રિવ્યુઃ ‘ક્રૂક’ - ઈટ્સ ગુડ ટુ બી બેડ

મિડ-ડે તા. ૯ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
વેરી બેડ


ફ્રેશ વિષય પર વાહિયાત ફિલ્મ કેવી રીતે બનાવી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે


રેટિંગ ઃ એક સ્ટાર

હેલ્પ! કોઈ તાત્કાલિક ચુલબુલ પાંડેને તેડાવો. જો એનાથી કામ થઈ શકે તેમ ન હોય તો રજનીકાંતના રોબો ચિટ્ટીની બટાલિયનને બોલાવો.... પણ મહેરબાની કરીને આ ક્રૂક એટલે કે બદમાશ ઠગને પકડો અને નજર સામેથી દૂર કરો. સાચ્ચે, નજીકના ભૂતકાળમા મહેશ-મૂકેશ ભટ્ટના બેનરમાં બનેલી કોઈ ફિલ્મે ં આટલા દુખી નથી કર્યા. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થતા વાંશિક હુમલા જેવા તાજા અને વર્જિન વિષયને કેટલી ખરાબ રીતે ટ્રીટ કરી શકાય તેના પર ઈન્સટન્ટ પીએચ.ડી. કરવું હોય તો આ ફિલ્મ જરૂર જોવી. પેલા ઈમરાન હાશ્મિને ‘વન્સ અપોન અ ટાઈમ’ પછી લોકોએ માંડ જરાક ગંભીરતાથી લેવાનું શરૂ કરેલું ને ત્યાં આ ‘ક્રૂક’ આવી. આ તો એક ડગલું આગળ વધીને આઠ ડગલાં પાછળ જવા જેવી વાત થઈ. જેવા ઈમરાનના અને ઓડિયન્સના નસીબ.આતંક હી આતંકઆ ફિલ્મની વાર્તા શું છે, એમ? આ તો અત્યંત કઠિન પ્રશ્ન થયો, છતાં કોશિશ કરીએ. ઈમરાન હાશ્મિ, એની આદત મુજબ, આડી લાઈને ચડી ગયેલો યુવાન છે. એના વાલી ગુલશન ગ્રોવર એને યેનકેન પ્રકારેણ ઓસ્ટ્રેલિયા મોકલી આપે છે. અહીં તેનો ભેટો નવોદિત નેહા શર્મા સાથે થાય છે, જે રેડિયો જોકણ છે અને ઓસ્ટ્રેલિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન ચલાવે છે. એક બાજુ આ બણે વચ્ચે લવસ્ટોરી શરૂ થાય છે અને બીજી બાજુ ઈન્ડિયન્સ પર અટેક્સ શરૂ થાય છે. નેહાને જડભરત જેવો મોટો ભાઈ છે, અર્જુન બાવેજા, જેને આપણે ‘ફેશન’ ફિલ્મમાં જોયો હતો. અર્જુન બાવેજા ઓસ્ટ્રેલિયનો સામે ખાર ખાઈને બેઠો છે.

પછી છેને ઓસ્ટ્રેલિયનોની ગેંગ અને અર્જુન ધીંગાણે ચડે છે. એક મિનિટ, કોઈ ગોરી સ્ટ્રિપ ડાન્સર પેલાને પ્રેમ કરે છે એવું પણ કંઈક છે. પછી પેલાનો ભાઈ અને પેલીની બહેન વચ્ચે પેલું થાય છે અને પછી છેેને... ઓહો સ્ટોપ! ઈનફ!ન ધડ ન માથુંઆ ફિલ્મ એટલી અનોખી છે કે વાત ન પૂછો. ઓસ્ટ્રેલિયામાં પંજાબી છોકરાઓનું ટોળું બતાવ્યું છે, જેની સાથે ઈમરાન હાશ્મિ રહે છે. ડિરેક્ટરને થાય કે હાલો હાલો, અહીં કોમેડી નાખીએ. આથી પાઘડીધારી સરદારો ઓચિંતા કોમેડી કરવા માંડે અને બેકગ્રાઉન્ડમાં કરણ જોહરની પંજાબી ફ્લેવરવાળી ફિલ્મોમાં સાંભળવા મળે તેવા ચિત્રવિચિત્ર અવાજો ગાજવા માંડે. પછી ડિરેક્ટરને થાય કે હાલો હાલો, હવે લવસ્ટોરીમાં કંઈક કરીએ. આથી ઈમરાન અને નવોદિત નેહા ધડ્ દઈને ગીતડાં ગાવા માંડે. અચ્છા, ઈમરાન પાસે શું નવું કરાવી શકાય? આઈડિયા! આ વખતે તેને ઈન્ડિયન હિરોઈનને નહી, બલકે ગોરી છોકરીને બચ્ બચ્ બચીઓ ભરતા દેખાડીએ તો? વાહ. ભેગાભેગા ખૂનના બદલાનો એંગલ પણ ઘુસાડીએ તો? આહા. ક્યા બાત.આ ધડમાથા વગરની ફિલ્મમાં નથી કોઈ કોઈ કેન્દ્રીય વિચાર કે નથી કોઈ દિશા. રંગભેદ અને વંશિય આક્રમણ જેવા સંવેદનશીલ મુદ્દા પર નથી કોઈ પ્રકારનો અભ્યાસ થયો કે નથી તેને સમજવાની કોશિશ કરવામાં આવી. હીરો ઓચિંતા વિલન બની જાય છે અને વિલન ઓચિંતા હીરો. ફિલ્મના અડધોઅડધ ડાયલોગ્ઝ ઇંગ્લિશમાં છે. સ્ક્રીનપ્લે અને કેરેક્ટરાઈઝેશન? ભલા મા’ણા, આવું પૂછાય? ફિલ્મની ક્લાઈમેક્સ તો હસીહસીને બેવડ વળી જવાય એવી છે. સાયકો અર્જુન બાવેજા ‘બહન કે બદલે બહન..’ કરતો કોઈ ગોરી કન્યા પર અત્યાચાર ગુજારતો હોય ત્યાં એક પૂરક પાત્ર (જેનું મુખ્ય કામ તો કોમેડી કરવાનું હતું) હાથમાં પાવડો લઈને આવે અને એને (એટલે કે અર્જુનને) ધીબેડી નાખે. મારતો મારતો એ બોલતો જાયઃ ‘બુરે વો નહીં, બુરે હમ થે.... બૂરે વો નહીં, બૂરે હમ થે!’ એક્સક્યુઝ મી? રાઈટરડિરેક્ટર કયાંક એવું કહેવા તો નથી માગતાને કે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોને એટલા માટે હુમલા કરવામાં આવ્યા કેમ કે આપણે એ જ લાગના હતા?આ ફિલ્મના તમામ માઈનસ પોઈન્ટ્સના મૂળમાં છે નિષ્ઠાનો અભાવ. કોઈના અભિનય વિશે વાત કરવાનો અર્થ નથી, કારણ કે પટકથા જ એટલી વાહિયાત છે કે દુનિયાના શ્રેષ્ઠ કલાકારોને લાવો તો પણ આ ફિલ્મમાં કશું જ ઉકાળી ન શકે. બિચારી નેહા શર્મા. અભાગણીને લોન્ચ થવા માટે આ જ ફિલ્મ મળી?ડિરેક્ટર મોહિત સૂરી અસલી જીવનમાં એકટ્રેસ ઉદિતા ગોસ્વામીના પ્રેમમાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે મોટા ઉપાડે કહેલું કે મેં નક્કી કર્યું છે કે ‘ક્રૂક’ હિટ જાહેર થશે તે પછી જ ઉદિતાને લગ્ન માટે પ્રપોઝ કરીશ. અરેરે. મોહિતે હવે કાં તો થૂંકેલું ગળવું પડશે યા તો નવી ઘોડી નવો દાવ રમવો પડશે.૦૦૦

રિવ્યુઃ દો દૂની ચાર

મિડ-ડે તા. ૯ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિતકમાલ કા કાર-નામા


આ આહલાદક સોશ્યલ-કોમેડી ફિલ્મમાં ઓડિયન્સ સાથે કનેક્ટ થવાની કમાલની તાકાત છે


રેટિંગ ઃ ત્રણ સ્ટાર

ફિલ્મની એકેએક ફ્રેમમાંથી મિડલક્લાસ દિલ્હી છલકાય છે. મુખ્ય પાત્ર બાપડો એવો સીધોસાદો અને ગરીબ઼ ગાય જેવો છે કે એના માટે ‘હીરો’ શબ્દ વાપરવાની ઈચ્છા ન થાય. તે ટીચર છે, પ્રાઈવેટ સ્કૂલ અને કોચિંગ ક્લાસમાં ગણિત ભણાવે છે. હિન્દી કમર્શિયલ ફિલ્મોમાં સ્કૂલટીચરને મેઈન હીરો દેખાડવો તે હિંમતનું કામ છે. છેલ્લે આપણે ‘તારે જમીં પર’માં આમિર ખાનને ટીચરના રૂપમાં જોયેલો, ‘દો દૂની ચાર’માં રિશી કપૂર મહિને ટોટલ વીસ હજાર કમાતો માસ્તર બન્યો છે. કશાક નવા ખર્ચની વાત આવે એટલે તેની પત્ની નીતૂ સિંહકપૂર ધડ્ દઈને કહી દે છેઃ આપણો મહિનાનો ખર્ચ ચોવીસ હજાર છે, ઓલરેડી માઈનસમાં ચાલીએ છીએ, હવે આ નવા ખર્ચનું સેટિંગ કેવી રીતે કરવાનું?આ ફિલ્મનું સૌથી કમાલનું પાસું એનું કાસ્ટિંગ છે. ‘પરંપરાગત’ રીતે વિચારવામાં આવે તો આવી રિયલિસ્ટીક ફિલ્મમાં આધેડ માસ્તરનો રોલ હોય એટલે કાં તો નસીરૂદ્દીન શાહને લેવાય યા તો અનુપમ ખેરની પસંદગી થાય. ઓમ પુરી કે ફારૂખ શેખ પણ ચાલે... પણ રિશી કપૂર? કપૂર ખાનદાનના આ નબીરાએ અંગત રીતે મિડલ ક્લાસ હોવું એટલે શું તે કદી અનુભવ્યું નથી અને ઈવન સ્ક્રીન પર પણ ખાસ ગરીબ રોલ કર્યા નથી. ફિલ્મ શરૂ થતાં જ પાવરફુલ રોમેન્ટિક ઈમેજ ધરાવતા આ કપલને અસલી મિડલક્લાસ લિબાસ અને માહોલમાં જોઈને સૌથી પહેલાં તો આંચકો લાગે, પણ થોડી જ મિનિટોમાં આ આંચકો સુખદ બની જાય છે અને તમે એમની સાથે એવા કનેક્ટ થઈ જાઓ છો કે જાણે તેમને વર્ષોથી ઓળખતા હો.વસમો વાહનયોગદુગ્ગલ ફેમિલી પાસે વાહનના નામે માત્ર ખખડધજ સ્કૂટર છે અને હવે તો એના પર પણ તોફાની છોકરાઓએ વલ્ગર ચિતરામણ કરી મૂક્યું છે. રિશી કપૂરની બહેન રીતસર ધમકી આપે છેઃ મારા જેઠના દીકરાના લગ્નમાં મેરઠ આવો ત્યારે કારમાં જ આવજો, નહીંતર ન આવતા. તમારી પાસે હજુ મોટર આવી નથી અને ઠોઠું સ્કૂટર જ ચલાવ્યા કરો છો તે વાતે મારે સાસરામાં કેટલું નીચાજોણું થાય છે! દિલદાર નીતૂભાભી કહી દે છેઃ ચિંતા ન કર, અમે કારમાં જ આવીશું! બસ, આ કાર ખરીદવાની લાહ્યમાં ઘરમાં અને ઘરની બહાર કેવા કેવા ખેલ થાય છે એની વાત આ ફિલ્મમાં મજા પડી જાય તે રીતે કહેવામાં આવી છે.રમૂજ અને રિયલિઝમ

‘દો દૂની ચાર’ એક આહલાદક ફિલ્મ છે. ફર્સ્ટટાઈમ રાઈટર ડિરેક્ટર હબીબ ફૈઝલે દેખીતી રીતે નાનકડી લાગતી વાતને વળ ચડાવીને મસ્ત બહેલાવી છે. હબીબ મિડલક્લાસ શહેરીઓની માનસિકતાને ઝીણવટપૂર્વક સમજે છે અને તેને વાર્તામાં વણી લઈ અસરકારક રીતે પડદા પર ઉતારી શક્યા છે.‘દો દૂની ચાર’નું દુગ્ગલ ફેમિલીનું ઘર ખરેખર ઘર છે, સ્ટુડિયોનો સેટ નહીં. ડિટેલીંગ એટલું બધું સરસ છે કે હાઙ્ખલનો સીન હોય તો દર્શક તરીકે તમને કિચનમાં થતા વઘારની રીતસર વાસ આવે. ખોબા જેવડા બેડરૂમના ડબલબેડની સસ્તી બેડશીટનો સ્પર્શ તમે અનુભવી શકો. મધ્યમવર્ગીય પરિવારની હાડમારીઓ વિશેની આ ફિલ્મ સતત હાસ્યવ્યંગની સપાટી પર તરતી રહે છે. પરિવારના ચારેચાર સદસ્યોનું પાત્રાલેખન સરસ થયું છે. રિશી કપૂર લગ્નમાં પાડોશીની કાર ઉધાર માગીને મહાલવા જાય ત્યારે વર્ષો જૂના ફોર્મલ સૂટ નીચે સ્પોર્ટ્સ શુઝ ઠઠાડે છે. એ આદર્શવાદી શિક્ષક છે, ખોટું કરવાની કલ્પના માત્રથી તેને ગિલ્ટ થવા લાગે છે. બેટિંગના રવાડે ચડી ગયેલા દીકરાને તે તરત માફ કરી દે છે, કારણ કે એક વાત તેને બરાબર સમજાઈ ગઈ છેઃ સંતાનોની માત્ર સ્કૂલ ફી ભરી દેવાથી ફરજ પૂરી થઈ જતી નથી, એમનાં સપનાં પણ પૂરાં થવા જોઈએ.નીતૂ કપૂર ઝિંદાદિલ ઔરત છે. નણંદને સાસરિયા સંભળાવી ન જાય તે માટે તે સોનાની બંગડી વેંચી નાખતા બે વાર કરતી નથી. એ પતિને ભલે નહોરિયાં ભરાવતી હોય, પણ પતિના આત્મસન્માનની તેને સૌથી વધારે ખેવના છે. કોલેજિયન દીકરી ફાયરબ્રાન્ડ છે. બ્રાન્ડેડ ટીશર્ટની પ્રાઈઝ મળે તે માટે એ ચક્રમ જેવી પ્રમોશનલ કોમ્પિટીશનમાં ભાગ લે છે. પૂરક પાત્રોમાં સીધાસાદા દેખાતા અજાણ્યા કલાકારોને લેવામાં આવ્યા છે, જે ફિલ્મના રિયલિઝમને વધારે તીવ્ર બનાવે છે.આ યશ ચોપડાનું ગ્લેમરસ દિલ્હી નથી. આ દિલ્હીવાસીઓને ઘણી વસ્તુઓ ‘બેટર’ નહીં, પણ ‘મોર બેટર’ લાગે છે. અહીં શાદીની ધમાલ છે, પણ એમાં ક્યાંય કશુંય ફિલ્મી નથી. હા, એન્ડમાં મેકડોનાલ્ડ્’ઝમાં થતી બર્ગર-ફાઈટ થોડી લાઉડ લાગે છે ખરી, પણ એક આ તો ક્લાઈમેક્સ છે અને પાછી કોમેડી ફિલ્મ છે તેથી તે સિકવન્સ ખાસ ખૂંચતી નથી. ફિલ્મમાં સતત વપરાયેલા દીકરીના વોઈસ-ઓવર બિનજરૂરી છે. તે ફિલ્મમાં કશું ઉમેરતા નથી, બલકે નડ્યા કરે છે. જો વોઈસ-ઓવર રાખવા જ તેવો આગ્રહ હોય તો નીતૂ કપૂરની કોમેન્ટ્રી વધારે એન્ટરટેનિંગ બની શકત.આપણા વિચારો અને સંસ્કારવર્તુળ પર સ્કૂલના શિક્ષકોની ઊંડી અસર રહી જતી હોય છે. વર્ષો પછી પત્નીબાળકો સાથે જૂના શિક્ષકોને મળવામાં અલગ આનંદ મળતો હોય છે. આ ફિલ્મ પ્રેક્ષકોને જૂના ફેવરિટ ટીચરોની યાદ અપાવશે. સમગ્રપણે, શોબાજી વગરની આ એક હલકૂફુલકી, ખુશનુમા અને સુંદર ફિલ્મ છે. ટેલેન્ટેડ નવા ડિરેક્ટરો દ્વારા બનાવવામાં આવતી આ પ્રકારની સ્મોલબજેટ ફિલ્મોને ઉત્તેજન મળવું જોઈએ અને રિશીનીતૂએ આવી સેન્સિબલ ફિલ્મોમાં કામ કરતા રહેવું જોઈએ. જો તમને ‘ખોસલા કા ઘોસલા’ પ્રકારની ફિલ્મો ગમતી હશે તો ‘દો દૂની ચાર’ ચોક્કસ આનંદિત કરશે. આ અઠવાડિયે આમેય ‘મોર બેટર’ ચોઈસ પણ ક્યાં છે!

૦૦૦

Thursday, October 7, 2010

બિઝનેસ કેવી રીતે કરાય?

ચિત્રલેખા અંક તારીખ 18 ઓક્ટોબર 2010 માં પ્રકાશિત

કોલમ - વાંચવા જેવુંબાયલાઈનઃ શિશિર રામાવત
૧૮૫૭ના ઐતિહાસિક વિગ્રહને હજુ એક વર્ષની વાર હતી ત્યારે નવસારીથી મુંબઈ આવેલો જમશેદજી નસરવાનજી તાતા નામનો સત્તર વર્ષનો પારસી છોકરો એલ્ફિન્સ્ટન કોલેજમાં અંગ્રેજી સાહિત્ય ભણી રહ્યો હતો. ૧૮૬૮માં તેણે ખાનગી વેપારી પેઢી શરૂ કરી ત્યારે કોઈએ કલ્પના સુદ્ધાં કરી હશે ખરી કે આ યુવાન ભારતની ઔદ્યોગિક ક્રાંતિનો જનક બની બની જવાનો છે? ૨૧,૦૦૦ રૂપિયાની મૂડીથી શરૂ થયેલો ધંધો આજે ૨૦૧૦માં તાતા ગ્રુપ નામના ૩,૨૪૮ અબજ રૂપિયાના જાયન્ટ આર્થિક સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ ગયો છે! કેવી રહી આ ભવ્ય ઉદ્યોગયાત્રા? કેવા કેવા ચડાવઉતાર આવ્યા એમાં? આર. એમ.લાલા લિખિત ‘સંપત્તિનું સર્જન’ પુસ્તકમાંથી મળતા આ પ્રશ્નોનો ઉત્તર એટલે હિંદુસ્તાનની એક આંજી નાખતી સક્સેસ સ્ટોરી.Jamshedji Tata, his son Dorabji, Ratan Tata (not current chairman), R.D. Tata

જમશેદજી પોતાના દેશને તો સારી રીતે પિછાણતા જ હતા, પણ આખી દુનિયા વિશે તેઓ જે જ્ઞાન ધરાવતા હતા તે તેમના જમાનામાં ઘણા ઓછા માણસો ધરાવતા હશે. ૧૮૮૨માં ૪૩ વર્ષની ઉંમરે જમશેદજીએ એક જર્મન ભૂસ્તરશાસ્ત્રીનો રિપોર્ટ વાંચ્યો, જેમાં લખ્યું હતું કે મઘ્યપ્રદેશમાં ચાંદા જિલ્લાના ભૂગર્ભમાં રહેલો કાચા લોખંડનો જથ્થો ખોદવામાં સૌથી અનુકૂળ પડે તેમ છે. ખેર, તે વખતે તો પોલાદનું કારખાનું સ્થાપવાનું શક્ય ન બન્યું, પણ સત્તર વર્ષ પછી અનુકૂળ યોગ ઊભા થયા. તેઓ જાતતપાસ કરવા અમેરિકા ગયા, ફ્રાન્સ જઈને તજજ્ઞોને મળ્યા. નાગપુરથી ૧૪૦ કિલોમીટરના અંતરે દુર્ગ જિલ્લામાં પોલાદનું કારખાનું નાખવાની તૈયારીઓ શરૂ થઈ. ભારતનું આ સર્વપ્રથમ મહાન ઔદ્યોગિક સાહસ હતું અને તે માટે દેશવાસીઓએ તે જમાનામાં ૨.૩૨ કરોડ રૂપિયાની મૂડી એકઠી કરી આપી. હાલ જ્યાં જમશેદપુર શહેર ઊભું છે ત્યાં તે જમાનામાં ઘનઘોર જંગલ હતું. શોરશરાબાથી ઘાંઘા થયેલા હાથીઓ આદિવાસીઓ મજૂરોના ઝૂંપડાં ભોંયભેગા કરી નાખતા. એક રાતે એક રીંછણ રેલવે સુપરિન્ડેન્ડન્ટના ઝૂપડામાં ઘૂસી ગઈ અને ટેબલ નીચે બચ્ચાને જન્મ આપ્યો! રેલવે બોર્ડના પ્રમુખ સર ફ્રેડરિક અપકોટે તો ચોખ્ખું કહી દીધું - શું આ તાતા બ્રિટીશ નમૂનાઓ પ્રમાણે પોલાદના રેલપાટા બનાવશે, એમ? જો તેઓ સફળ થાય તો હું વચન આપું છું કે તેમણે બનાવેલા પાટાનો એકેએક રતલ હું ખાઈ જઈશ! ... પણ ૧૯૧૨ની ૧૬ ફેબ્રુઆરીએ પોલાદની પહેલી લગડી બહાર પડી. સૌ આનંદથી નાચી ઉઠ્યા. પછી તો પહેલા વિશ્વયુદ્ધમાં તાતાએ ૧૫૦૦ માઈલના પોલાદના રેલપાટાની વિદેશમાં નિકાસ કરી. જમશેદજીના પુત્ર સર દોરાબ મોદીએ ત્યારે ટિખળ કરેલીઃ સારું થયું ફ્રેડરિક અપકોટ પોતાનું પ્રોમિસ ભૂલી ગયા, નહીં તો આટલું બધું પોલાદ ખાઈને તેમને અપચો થઈ ગયો હોત!


India's first steel factory at Jamshedpur
 

જોકે દીર્ઘદષ્ટા જમશેદજી આ રેલપાટા જોવા માટે જીવિત ન રહ્યા. ૧૯૦૪માં તેમનું અવસાન થયું ત્યારે તત્કાલિન વાઈસરોય લોર્ડ કર્ઝને ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં અંજલિ આપતા કહ્યું હતું- જમશેદજીનું મૂળભૂત અને શક્તિશાળી ચારિત્ર્ય એવું હતું કે કોઈ પણ વ્યક્તિ પછી ગમે તેટલી મહાન હોય, તેઓ તેના તાબે થતા નહીં, કારણ કે તેઓ પોતે પોતાની રીતે મહાન હતા મોટા ભાગના માણસો વિચારી શકે તેનાથી પણ મહાન. જયપ્રકાશ નારાયણે એક વાર કહેલુંઃ બિહારમાં તાતા સિવાય ક્યારેય કોઈ સફળ થયું નથી - ઈશ્વર પણ નહીં. અરે, ખુદ ગાંધીજીએ કહેવું પડેલું કે, તાતા એટલે સાહસવૃત્તિ. આના કરતાં ચડિયાતાં કોમ્પ્લીમેન્ટ્સ બીજા ક્યા હોઈ શકે?
Hotel Taj in 1903. Gateway of India was not even built then.


મુંબઈની આલાગ્રાન્ડ તાજમહાલ હોટેલ કઈ રીતે અસ્તિત્ત્વમાં આવી તે વાત પણ ભારે ઈન્ટરેસ્ટિંગ છે. એક કથા પ્રમાણે જમશેદજીને મુંબઈની એક હોટેલમાં એટલા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો કે તે ફક્ત યુરોપિયનો માટેની હતી. ગર્વીલા જમશેદજીએ મનોમન ગાંઠ વાળી લીધીઃ જેને હું ચિક્કાર ચાહું છું તેવા આ શહેરને એક અનન્ય હોટેલ આપીને જ રહીશ! આ હોટેલ એટલે ભવ્યાતિભવ્ય તાજમહાલ હોટલ. ૧૯૦૩માં ઉદઘાટન થયું અને પહેલા જ દિવસથી તેની ગણના જગતની શ્રેષ્ઠ હોટેલોમાં થવા માંડી. તાજમહાલ હોટલ બની ત્યારે ગેટ વે ઓફ ઈન્ડિયા હજુ બન્યો પણ નહોતો.


Hotel Taj today. With new wing and of course, Gateway of India.
 ભારતમાં સૌથી પહેલો નહાવાનો સાબુ ૧૮૭૯માં ‘મીરત’ એક અંગ્રેજ કંપનીએ ઉત્પાદિત કર્યો હતો. જ્યારે તાતા સાબુના ઉત્પાદનમાં પડ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી લીવર બ્રધર્સ કંપની સાથે સીધી હરીફાઈ કરવાની હતી. સદભાગ્યે ૧૯૩૧માં ગાંધીજીની સ્વદેશી ચળવળે તાતાઓને મદદ કરી. ૧૯૪૦ના દાયકામાં ફ્રાન્સમાં ‘૫૦૦’ નામનો સાબુ જાણીતો હતો. તાતાની ‘ટેમ્કો’ કંપનીના દેશપ્રેમી વડા જાલ નવરોજજી કહેઃ ભારત ફ્રાન્સ કરતાંય સારો સાબુ બનાવી શકે છે. આથી તેમણે જે કપડાં ધોવાનો સાબુ બજારમાં મૂક્યો તેને નામ આપ્યું ‘૫૦૧’! સાથે નહાવાનો સાબુ‘હમામ’ પણ લોન્ચ કર્યો અને આ બન્ને પ્રોડક્ટ ભારતના ઘરેઘરે પહોંચી ગઈ.તાતા કોસ્મેટિક્સના ફેન્સી દુનિયામાં કેવી રીતે આવ્યા? તેની પણ એક કથા છે. ૧૯૫૦ના દાયકામાં વિદેશી હૂંડિયામણની અછતને લીઘે ભારતમાં વિદેશી સૌંદર્ય પ્રસાધનોની આયાત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. અકળાયેલી ફેશનેબલ મહિલાઓ દિલ્હીમાં દેખાવો કરવા લાગી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સવાલ ર્ક્યોઃ આ પ્રકારનાં કોસ્મેટિક્સ કોઈ ભારતમાં શા માટે બનાવી નથી શકતું? તાતાઓ આગળ આવ્યા અને આ રીતે ‘લેકમે’ની સ્થાપના થઈ!
JRD Tata with Jawaharlal Nehru
JRD Tata with  wife  Thelma
 ૧૯૦૪માં ફ્રેન્ચ માતાના કૂખે જન્મેલા જહાંગીર રતનજી દાદાભોય (જે.આર.ડી.) તાતા જમશેદજીના કઝિનના પુત્ર થાય. જે.આર.ડી. તાતા અને તેમનાં પત્ની થેલ્માને કોઈ સંતાન ન હતું. ઈન ફેક્ટ, તાતા પરિવારમાં સંતાનો બહુ ઓછા જન્મ્યાં છે. જમશેદજીના બન્ને પુત્રોમાંથી કોઈને સંતાન નહોતું. આખરે અનાથાશ્રમમાં ભણી રહેલા ૧૩ વર્ષના નવલ હોરમસજી તાતાને ભારતના આ સૌથી શ્રીમંત પરિવાર દ્વારા દત્તક લેવામાં આવેલા. તાતા ગ્રુપના વર્તમાન ચેરમેન રતન તાતા તેમના જ પુત્ર. રતન તાતા આજીવન અપરિણીત રહ્યા. હવે તેમના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે. ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ માટે વીર સંઘવીને આપેલી મુલાકાતમાં રતન તાતાએ કહેલું- ‘નવો ચેરમેન એવો હોવો જોઈએ જેનામાં હાથમાં લીધેલું કામ પૂરી કરવાની ક્ષમતા હોય... અને તેણે તાતાના નીતિમૂલ્યોમાં માનવું જ રહ્યું.’Ratan Tata
ઝડપી નફો રળી લેવો, તંગીનો લાભ લેવો, સરકારી નીતિઓને પોતાના અંગત લાભ માટે તોડવી-મરોડવી - આ બધું તાતાઓના સંસ્કારવર્તુળની બહારની બાબતો છે. તાતા માત્ર પૈસા કમાવામાં માનતા નથી. સાયન્સ અને ટેકનોલોજી, મેડિસીન, શિક્ષણ, આર્ટ અને કલ્ચર વગેરે ક્ષેત્રોમાં તાતાઓએ આપેલું યોગદાન ક્યાં અછાનું છે? ‘ભારત પાસે જે હોવું જોઈએ તે તેને આપવું’ તે શરૂઆતથી જ તાતા ગૃહનું મુખ્યુ સૂત્ર બની રહ્યું છે. ભારતની સર્વપ્રથમ હવાઈ સેવા, ભારતની સૌથી પહેલી કાપડ મિલ, ભારતનું સૌથી પહેલું પેન્શન ફંડ... આવાં કેટકટલાંય ‘સર્વપ્રથમ’ તાતાના નામ બોલે છે. તાતાના ધંધાકીય ક્ષેત્રો અને કંપનીઓની સૂચિ એટલી લાંબી છે કે પાનાં ભરાય.ભારતના સૌથી વિશાળ ઉદ્યોગગૃહના ઈતિહાસને રસાળ રીતે લખવો આસાન નથી. તે માટે ટેક્નિકલ પરિભાષાની જાણકારી ઉપરાંત ચોક્કસ સમજ અને દષ્ટિકોણ પણ જોઈએ. લેખક આ તમામ ગુણો ધરાવે છે. ભોળાભાઈ પટેલે કરેલો અનુવાદ પુસ્તકના વિષયના મોભાને છાજે તેવો પાણીદાર છે. મારિયો મિરાન્ડાનાં આકર્ષક ચિત્રાંકનો પુસ્તકનું ઓર એક આકર્ષણ છે. આ પુસ્તક એવું નથી કે સસ્પેન્સ-થ્રિલરની જેમ તમે તેને અધ્ધર જીવે વાંચી જાઓ, પણ હા, માત્ર બિઝનેસ કરતા કે કરવા માગતા જ નહીં, બલકે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ઈચ્છતા માણસને તે પાનો ચડાવી દે તેવું છે તે તો નક્કી!

(સંપત્તિનું સર્જન

લેખકઃ આર. એમ.. લાલા


અનુવાદકઃ ભોળાભાઈ પટેલ

પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની,
‘દ્વારકેશ’, ખાનપુર,અમદાવાદ ૧ અને
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨
ફોનઃ (૦૭૯) ૨૫૫૦૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧૩૪૪૧
કિંમતઃ રૂ. ૧૯૫/              
પૃષ્ઠ સંખ્યાઃ ૩૨૪ )