Sunday, April 15, 2018

હિટ-મશીન નંબર વન

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 15 એપ્રિલ 2018
મલ્ટિપ્લેક્સ                   
વરૂણ ધવનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે ફિલ્મમેકર પપ્પા ડેવિડ ધવનના જૂના, જાણીતા, સલામત પણ સાવ સત્ત્વ વગરના રુટ પર ગાડી હંકાર્યે રાખવાને બદલે એ તરત બાયબાસ પકડીને બહેતર રસ્તા પર આવી ગયો. એણે એક કરતાં વધારે વખત પૂરવાર કર્યું છે કે એને ઠાલા સ્ટારડમમાં નહીં, બલકે એક અભિનેતા તરીકે વિકસવામાં પણ રસ છે.


'બ ફિલ્મેં હિટ હો રહી હૈ સાલે કી. પતા નહીં કૈસા નસીબ લે કર પૈદા હુઆ હૈ કમીના!'
અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યુમાં વરૂણ ધવન માટે મજાકમાં અને મિત્રભાવે આ મતલબનાં ઉચ્ચારણો કર્યાં હતાં. અર્જુનની હૈયાવરાળ સમજી શકાય એવી છે. નવી પેઢીના હીરો જ શું કામ, સિનિયરો પણ બળી બળીને બેઠા થઈ જાય એવો વરૂણનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. ફિલ્મી દુનિયામાં એ લોન્ચ થયો એ વાતને હજુ માંડ છ વર્ષ થયા છે. આટલા સમયગાળામાં એણે નવ ફિલ્મો કરી. આ નવેનવ ફિલ્મો કાં તો હિટ, સુપર હિટ યા તો સેમી હિટ થઈ છે. ફિલ્મ ઇન્ડ્ટ્રીનો બીજા ક્યો સિનિયર કે જુનિયર સ્ટાર છાતી ફૂલાવીને 100 ટકા સક્સેસ રેશિયો ધરાવતો હોવાનો દાવો કરી શકે એમ છે?  

આ શુક્રવારે વરૂણની દસમી ફિલ્મ રિલીઝ થઈ. આ મહિનો ભલે એપ્રિલ રહ્યો, પણ ફિલ્મનું નામ 'ઓક્ટોબર' છે. શૂજિત સરકાર જેવા ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા ડિરેક્ટરે તે બનાવી છે. ઓક્ટોબર ફિલ્મ વરૂણની સફળતાની કૂચકદમને આગળ ધપાવે છે કે બ્રેક મારે છે તે આજકાલમાં જ સ્પષ્ટ થઈ જશે.
2012માં વરૂણની સાથે આ બે નવોદિતો પણ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મથી બોલિવૂડમાં લોન્ચ થયાં હતાં - આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા. કરણ જોહરે ડિરેક્ટ કરેલી 'સ્ટુડન્ટ ઓફ ધ યર' રિલીઝ થઈ ત્યારે વરૂણ 24 વર્ષનો હતો. આજે એ ત્રીસનો થયો ને હજુય એ ક્યુટ દેખાય છે ને એનો છોકરડા જેવો ચાર્મ અકબંધ રહ્યો છે. કરણ જોહરનાં ત્રણેય સ્ટુડન્ટ્સમાંથી આલિયા ભટ્ટ અભિનયના મામલામાં સૌથી બ્રિલિયન્ટ સાબિત થઈ તે સાચું, પણ બોક્સઓફિસના સંદર્ભમાં તેનો ટ્રેક રેકોર્ડ વરૂણની માફક હંડ્રેડ પરર્સન્ટ નથી. (યાદ કરો, આલિયાની મહાબોરિંગ 'શાનદાર'.) સિદ્ધાર્થ મલ્હોત્રાની તો આખી કરીઅર હિટ અને ફ્લોપ વચ્ચે હિંચકા ખાતી રહી છે. એક બાજુ સિદ્ધાર્થની 'એક વિલન' અને 'કપૂર એન્ડ સન્સ' જેવી સફળ ફિલ્મો કરે છે તો બીજી બાજુ 'બાર બાર દેખો' અને 'અ જેન્ટલમેન' જેવી બેક-ટુ-બેક બબ્બે સુપરફ્લોપ ફિલ્મો આપી આખો કેસ બગાડી નાખે છે. બીજા યંગ સ્ટાર્સની વાત કરીએ તો અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર, સુશાંત સિંહ રાજપૂત, આયુષ્યમાન ખુરાના સહિતના એ આખી બેચના સિતારાઓ નિયમિતપણે નિષ્ફળતાનો સ્વાદ ચાખતાં રહે છે. એક માત્ર વરૂણે જ કોણ જાણે ક્યા સાધુબાબા પાસેથી દોરાધાગા કરાવી આવ્યો છે કે 'ફ્લોપ' શબ્દ એની આસપાસ ફરકવાનું નામ સુધ્ધાં લેતો નથી. કમસે કમ ગયા શુક્રવાર સુધી તો નહીં જ.

ઘણા લોકો વરૂણને ગોવિંદા અને સલમાન ખાનની ભેળપુરી જેવો ગણે છે. આ નિરીક્ષણમાં અમુક અંશે તથ્ય પણ છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર' પછી રિલીઝ થયેલી વરૂણની બીજી ફિલ્મ 'મૈં તેરા હીરો' હતી, જે એના પપ્પાશ્રી ડેવિડ ધવને બનાવી હતી. ગોવિંદાને 'બ્રાન્ડ ગોવિંદા' બનાવનાર ડેવિડ ધવન છે. આ એક્ટર-ડિરેક્ટરની જોડીએ 19 ફિલ્મો કરી છે! સલમાન ખાને કોઈ એક ડિરેક્ટર સાથે કરીઅરની સૌથી વધારે ફિલ્મો કરી હોય તો એ ડેવિડ ધવન છે - પૂરી નવ ફિલ્મો! દેખીતું છે કે 'મૈં તેરા હીરો'માં અને પછી 'જુડવા-ટુ'માં વરૂણ ધવનનાં પર્ફોર્મન્સમાં ગોવિંદા-સલમાનની ધેરા શેડ્ઝ દેખાવાના જ. વરૂણે એક ઇન્ટરવ્યુમાં કહેલું પણ ખરું કે, હું ગોવિંદા સર અને સલમાન સર જેવો શોટ આપું  તો મારા ડેડી બહુ રાજી થાય છે!ખૂબ બધી હિટ ફિલ્મો આપનાર ડેવિડ ધવનનું બોલિવૂડમાં નામ છે, પણ સાથે સાથે અર્થહીન અને ક્યારેક વલ્ગર ચાળાં ભભરાવેલી મસાલા કોમેડી ફિલ્મોના મેકર તરીકે તેઓ બદનામ પણ છે. વરૂણનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે પપ્પાજીના જૂના, જાણીતા, સલામત પણ સાવ સત્ત્વ વગરના રુટ પર ગાડી હંકાર્યે રાખવાને બદલે એ તરત જ બાયબાસ પકડીને બહેતર રસ્તા પર આવી ગયો. 'સ્ટુડન્ટ ઓફ ધ યર' રિલીઝ થઈ પછી તરત જ એણે 'બદલાપુર' જેવી ડાર્ક, ઓફબીટ અને નવાનિશાળીયા માટે ખાસ્સી અઘરી કહેવાય એવી ફિલ્મ પસંદ કરી હતી. 'બદલાપુર' રિલીઝ થાય તેની પહેલાં 'મૈં તેરા હીરો' અને 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' જેવી પ્રોપર મેઇન્સ્ટ્રીમ ફિલ્મો આવી ગઈ. આ બન્ને ફિલ્મો હિટ થઈ એટલે ઇન્ડસ્ટ્રીમાં વરૂણનું સ્થાન ઓર મજબૂત બન્યું જેનો સીધો ફાયદો 'બદલાપુર'ને મળ્યો. કરીઅરની આ ચોથી જ ફિલ્મથી વરૂણે જાણે જાહેર કરી દીધું કે ખબરદાર મને ચીલાચાલુ ફિલ્મો કરનારો દમ વગરનો હીરો માની લીધો છે તો!

એમ તો 'હમ્પ્ટી શર્મા...'માં પણ વરૂણનાં પર્ફોર્મન્સ સરસ હતું. આમાં એ કોઈ એનઆરઆઈ  કે સ્ટાઇલિશ બોમ્બે-બોય નહીં, બલકે બાઘ્ઘો દેસી યુવાન બન્યો હતો. આ રોલમાં એ ખાસ્સો કન્વિન્સિંગ લાગતો હતો. એટલેસ્તો એના કરીઅરનું સૌથી મોટું ઓપનિંગ (એટલે ફિલ્મ રિલીઝ થાય તે દિવસનું બોક્સઓફિસ કલેક્શન) આ 'હમ્પ્ટી શર્મા...'ના નામે નોંધાયું. 'બદલાપુર' પછી 'એબીસીડી-ટુ'માં એણે ધર્મેશ સર અને પુનિત જેવા દેશના બેસ્ટ ડાન્સર્સમાં સ્થાન પામતી 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' ટીવી શો ફેમ પ્રતિભાઓ સાથે સીધો મુકાલબલો કર્યો ને ડિસ્ટીંક્શન સાથે પાસ પણ થયો. તે પછીની 'દિલવાલે' ફિલ્મ આમ તો શાહરુખ અને કાજોલની ગણાય. રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં હરખાઈ જવાય એવું કશું નહોતું. તોય તે સેમી-હિટ તો જરૂર થઈ. સગા મોટા ભાઈ રોહિત ધવનની 'ઢિશૂમ' વરૂણની કરીઅરની સૌથી નબળી ફિલ્મ છે. સદભાગ્યે તેણે અબાઉ એવરેજ બિઝનેસ કર્યો એટલે 'ફ્લોપ'ના લેબલથી આબાદ બચી ગઈ.  

તે પછી આવી 'હમ્પ્ટી શર્મા...'ની સિક્વલ, 'બદરીનાથ કી દુલ્હનિયા'. સુપરહિટ. અત્યાર સુધીમાં વરૂણને બોલિવૂડમાં પાંચ વર્ષ થઈ ગયાં હતાં. 'બદરીનાથ...' સુધીની એની આઠ ફિલ્મોનો ટોટલ બિઝનેસ હતો 692 કરોડ રૂપિયા. આઠમાંથી ત્રણ ફિલ્મો મોંઘેરી હંડ્રેડ કરોડ ક્લબમાં સ્થાન પામતી હતી. ત્યાર બાદ રિલીઝ થયેલી 'જુડવા-ટુ' પણ સફળ થતાં વરૂણ ઘવન બોલિવૂડનો આઇએસઆઇ માર્કાવાળો સુપરસ્ટાર છે તે વાત કોઈને શંકા ન રહી.

આ જ કારણ હતું કે 'ઓક્ટોબર'નું કાસ્ટિંગ કરતી વખતે શૂજિત સરકારના મનમાં વરૂણનો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો. શૂજિત આ ફિલ્મના મેઇન લીડ માટે કોઈ સાવ અજાણ્યા એક્ટરને લેવા માગતા હતા. વરૂણ જોકે લાંબા સમયથી શૂજિતને કહ્યા કરતો હતો કે સર, મારે તમારી સાથે કામ કરવું છે. સ્ટ્રગલર માણસ બધા પાસે કામ માગતો ફરે તે સમજી શકાય એવું છે, પણ અફલાતૂન ટ્રેક રેકોર્ડ ધરાવતો સ્ટાર સાથેથી કામ કરવાની ઉત્સુકતા વારંવાર વ્યક્ત કરે તે તદ્દન જુદી બાબત થઈ. એક વાર શૂજિત સાંજે વહેલા પરવારી ગયા. એમને યાદ આવ્યું કે વરૂણ ક્યારનો પોતાને મળવાની વિનંતી કરતા મેસેજ મોકલ્યા કરે છે, અત્યારે સમય મળ્યો છે તો એને મળી લઉં. એમણે વરૂણને ફોન કર્યોઃ વરૂણ, હમણાં જ મારી ઓફિસ આવી જા. વરૂણ કહેઃ સર, થોડોક ટાઇમ આપશો? અત્યારે મારી હાલત સાવ લઘરવઘર છે. શૂજિત કહેઃ કશો વાંધો નહીં. લઘરવઘર હાલતમાં આવી જા.વરૂણ ગયો. શૂજિત સરકાર સાથે લાંબી ચર્ચા થઈ. કોઈની સાથે માત્ર ફોનથી, વોટ્સએપ પર કે સોશિયલ મિડીયા દ્વારા સંપર્કમાં હોવું એક વાત છે અને એ જ વ્યક્તિને પ્રત્યક્ષ, સદેહે મળવું તે તદન જુદી વાત છે.  શૂજિત સરકારે જોયું કે આ છોકરો હિટ સ્ટાર હોવા છતાં એના દિમાગમાં હવા નથી. પોતાની જ પિપૂડી વગાડ્યે રાખવાને બદલે એ સામેના માણસને ધ્યાન દઈને સાંભળે છે. એનો ઉમળકો અને ઉત્સુકતા બનાવટી નથી. એ જેન્યુઇન છે. એની વાત કરવાની રીતમાં, એની આંખોમાં, એની બોડી લેંગ્વેજમાં પ્રામાણિકતા વર્તાય છે. ચર્ચા કરતાં કરતાં વરૂણથી ચાનો કપ પણ ઢોળાયો. શૂજિતે આ પણ નોંધ્યું. વાતચીત પતાવીને વરૂણ ગયો તે સાથે જ શૂજિત સરકારે મોબાઇલ ઉપાડીને ફિલ્મના પ્રોડ્યુસર અને લેખિકા જુહી ચતુર્વેદીને વારફરતી ફોન કરીને કહ્યુઃ 'ઓક્ટોબર'માં આપણે કોઈ ન્યુકમર છોકરાને લેવા માગતા હતા, પણ મને લાગે છે કે મને આપણો હીરો મળી ગયો છે!

આ પઢીના બીજાં હીરો-હિરોઇનોની જેમ વરૂણનું કમ્યુનિકેશન પણ ખૂબ સારું છે. પોતાના મનની વાત એ અસરકારક રીતે પેશ કરી શકે છે. એ પ્રેસ કોન્ફરન્સમાં કે ઇન્ટરવ્યુમાં વાત કરતો હોય ત્યારે એની વૈચારિક સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. એની ફિલ્મોની પસંદગી જોઈને, એ જે રીતે પોતાની કરીઅરને આગળ ધપાવી રહ્યો છે તે જોઈને લાગે છે કે એને ઠાલા સ્ટારડમમાં રસ નથી, એક અભિનેતા તરીકે પોતે વિકસતો રહે તે માટે પણ એ સભાન છે. 

એક્ટર ગમે તેટલો પ્રતિભાશાળી હોય, જેન્યુઇન હોય, મહેનતુ હોય, કમ્યુનિકેશનમાં સારો હોય અને સ્માર્ટ હોય તો પણ એને નિષ્ફળતા મળ્યા કરે ને એની કરીઅર ડચકાં ખાધાં કરે, એમ બને. રણબીર કપૂરનું ઉદાહરણ આપણી સામે છે. આથી જ માનવું પડે કે ખાસ કરીને કળાનાં ક્ષેત્રોમાં નસીબ નામનું તત્ત્વ બહુ જોર કરતું હોય છે ખરું. અત્યાર સુધી તો નસીબે વરૂણને સતત સાથ આપ્યો છે. જોઈએ, આગળ શું થાય છે.
0 0 0 

Monday, April 9, 2018

માણસ એટલે કે...

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 8  એપ્રિલ 2018 


મલ્ટિપ્લેક્સ                   

'હ્યુમન' નામની અફલાતૂન ડોક્યુમેન્ટરીમાં જીવતાજાગતા, શ્ર્વસતા-ધબકતા માણસોની સાચુકલી વારતાઓ છે. ભલે દેશ, ચહેરા અને ભાષા અજાણ્યા હોય, છતાંય આ માતબર ફિલ્મ જોતી વખતે આપણને થાય કે આપણે આ બધાને ઓળખીએ છીએ. એટલેસ્તો એમની પીડા, એમનાં સુખ-દુખ, એમનાં સપનાં, એમની વાતો આપણને તીવ્રતાથી સ્પર્શે છે.સૌથી પહેલાં તો તમારા માનસપટ પર એક વિઝ્યુઅલ ઊપસાવો. કાળું બેકગ્રાઉન્ડ છે. એના પર એક અશ્વેત જુવાનિયાનો ક્લોઝ-અપ ઊપસે છે. એની ઉંમર હશે ત્રીસ વર્ષની આસપાસ. એના ચહેરા પર સખ્તાઈ છે. ધીમે ધીમે, સ્પષ્ટ શબ્દોમાં એ પોતાની કેફિયત આપવાનું શરૂ કરે છેઃ

'મારો સાવકો બાપ મને ખૂબ મારતો. મને યાદ છે, એ લાકડી, હેંગર, પ્લગ ભરાવવાનો એક્સટેન્શન કોડ કે હાથમાં જે પણ કંઈ આવે તેનાથી મને બેરહમીથી ધીબેડતો. મારતાં મારતાં પાછો બોલતો જાય કે, 'અત્યારે હું તને જેટલી તકલીફ આપી રહ્યો છું એના કરતાં વધારે પીડા હું મારી જાતને આપી રહ્યો છે. મારે તારા ઉપર નછૂટકે હાથ ઊપાડવો પડે છે કે કેમ કે તારા પ્રત્યે મને પ્રેમ છે, હું ઇચ્છું છું કે તું સુધરે.' સાવકા બાપના આ પ્રકારના વર્તનને કારણે નાનપણથી જ મારા મનમાં ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ. મારા મનમાં ઠસાઈ ગયું કે પ્રેમ આવો જ હોય. આને જ પ્રેમ કહેવાય. કેટલાંય વર્ષો સુધી હું એમ જ માનતો રહ્યો કે પ્રેમ કરવો એટલે સામેની વ્યક્તિને પીડા આપવી. પરિણામ એ આવ્યું કે જેમના માટે મને લાગણી હતી એ સૌને હું હર્ટ કરવા લાગ્યો. હું જોતો કે સામેનો માણસ મેં આપેલી પીડા ક્યાં સુધી સહન કરી શકે છે! એના પરથી હું એના મારી પ્રત્યેના પ્રેમનું માપ કાઢતો. હું છેક જેલમાં આવ્યો તે પછી મને સમજાયું કે શું સાચું કહેવાય અને શું ખોટું કહેવાય. અહીં મારો ભેટો એક એવી મહિલા સાથે થયો જેણે મને સમજાવ્યું કે પ્રેમ એટલે શું. એનું નામ છે એગ્નેસ. એ મારી સચ્ચાઈ જાણતી હતી તોય મને ચાહતી રહી. શું હતી મારી સચ્ચાઈ? મને આજીવન કેદની સજા થઈ હતી. શા માટે થઈ હતી? કારણ કે મેં સૌથી જઘન્ય અપરાધ કર્યો હતો. મેં એક સ્ત્રી અને એની દીકરીનો જીવ લઈ લીધો હતો... અને એગ્નેસ એટલે મેં જેની હત્યા કરી તે સ્ત્રીની સગી મા, જેને મેં મારી નાખી હતી તે બાળકીની સગી નાની. મને ધિક્કારવા માટે એગ્નેસ પાસે તમામ કારણો હતાં, એણે મને નફરત કરવી જોઈતી હતી, પણ એના બદલે એગ્નેસે મારા પ્રત્યે પ્રેમભાવ દેખાડ્યો.'

આટલું બોલતા બોલતા યુવાન રડી પડે છે. એની આંખોમાંથી આંસુની ધારા વછૂટે છે. અટકીને, પ્રયત્નપૂર્વક સંયત થઈને એ આગળ વધે છેઃ

'મેં એગ્નેસની સાથે જે સમય વીતાવ્યો તે અદભુત પૂરવાર થયો. જેની દીકરી અને દીકરીની દીકરીની મેં હત્યા કરી હતી એ સ્ત્રીએ મને માફ કરી દીધો, મને ખૂબ વહાલ કર્યું. એના કારણે જ જ મને સમજાયું કે શું ઇષ્ટ છે, શું અનીષ્ટ છે, પ્રેમ કોને કહેવાય, મમતા કોને કહેવાય, કરૂણા કોને કહેવાય...'

આ સાંભળીને આપણે સન્ન થઈ જઈએ છીએ. આ બયાનમાં એવું કશુંક છે જે આપણને તીરની જેમ વાગે છે. ગણતરીનાં વાક્યોમાં યુવાન પોતાના આખા જીવનનો અર્ક પેશ કરી દે છે.  

- અને આ તો માત્ર એક કેફિયત થઈ. આજે જેની વાત કરવી છે તે 'હ્યુમન' નામની ડોક્યુમેન્ટરીમાં આવી તો કંઈકેટલીય કેફિયતોની આખી હારમાળા છે. ડોક્યુમેન્ટરી અથવા દસ્તાવેજી ફિલ્મ કંટાળજનક જ હોય એવો પૂર્વગ્રહ જો મનમાં ઘર કરી ગયો હોય તો પ્લીઝ, એને ઉખાડીને ફેંકી દો. જો ડોક્યુમેન્ટરી 'બોરિંગ' શબ્દનો સમાનાર્થી હોત તો નેશનલ જ્યોગ્રાફિક અને ડિસ્કવરી જેવી ચેનલો આટલી પોપ્યુલર બની ન હોત.

'હ્યુમન' યેન આર્થસ-બર્ટ્રાન્ડ નામના ફ્રેન્ચ મેકરે 2015માં બનાવેલી અત્યંત પ્રભાવશાળી ડોક્યુમેન્ટરી છે.  આ પહેલી એવી દસ્તાવેજી ફિલ્મ છે જેનું પ્રિમીયર યુનાઇટેડના એસેમ્બલી હૉલમાં યોજાયું હતું. એ જ દિવસે અને એ જ સમયે વેનિસ ફિલ્મ  ફેસ્ટિવલમાં પણ તેનું સ્ક્રીનિંગ થયું હતું. એટલું જ નહીં, યુટ્યુબ પર તેનું લાઇવ સ્ટ્રીમિંગ થયું હતું. દુનિયાભરના અસંખ્ય લોકોએ તે દિવસે એક સાથે ઇંગ્લિશ, ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયન, પોર્ટુગીઝ અને એરેબિક ભાષામાં આ ડોક્યુમેન્ટરી માણી હતી. પછી તો થિયેટરોમાં તે વિધિવત રિલીઝ પણ થઈ. તેનાં કેટલાય વેરીએશન બન્યાં. તેનાં ફૂટેજ પરથી ટીવી માટે એપિસોડ્સ બન્યા. તેને કંઈકેટલાય અવોર્ડ્ઝ મળ્યા.

એવું તે શું છે 'હ્યુમન'માં? ટાઇટલ પરથી જ સ્પષ્ટ થાય છે કે આમાં મા-ણ-સની વાત છે. જીવતાજાગતા, શ્ર્વસતા-ધબકતા, મારા-તમારા-આપણા જેવા માણસોની સાચુકલી વારતાઓ છે, જે તેઓ ખુદ પોતાના મુખે, આપણી આંખોમાં આંખો પરોવીને વારાફરતી કહેતા જાય છે. આ ડોક્યુમેન્ટરી બનાવતાં ડિરેક્ટર યેન યેન આર્થસ-બર્ટ્રાન્ડને ત્રણ વર્ષ લાગ્યા હતા. એમની ટીમમાં વીસ જેટલા લોકો હતા, જેમાં કેટલાય પત્રકારો હતા. યેનની ટીમ 60 દેશોમાં ફરી વળી. સમાજના જુદા જુદા વર્ગના બે હજાર કરતાંય વધારે લોકોના તેમણે ઇન્ટરવ્યુ કર્યા. દરેકને સીધાસાદા કાળા બેકગ્રાઉન્ડમાં ઊભા રાખવામાં આવ્યા અને સૌને 40 જેટલા સ્ટાન્ડર્ડ સવાલો પૂછવામાં આવ્યા. એમાં ધર્મ અને પરિવારના લગતા સવાલો હોય, તેમનાં સપનાં-મહત્ત્વાકાંક્ષા-સફળતા-નિષ્ફળતા વિશેના સવાલો હોય.  જેમ કે, 'તમે છેલ્લે ક્યારે તમારાં મા-બાપ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો?' અને 'તમારા જીવનની સૌથી મુશ્કેલીભર્યો તબક્કો ક્યો હતો અને એમાંથી તમે શું શીખ્યા?' વગેરે. આ રીતે જે ચિક્કાર મટિરીયલ એકઠું થયું એમાંથી સૌથી અસરકારક ટુકડાઓ એકઠા કરવામાં આવ્યા. વિષય-વૈવિધ્ય જળવાઈ રહે તે રીતે એક શૃંખલામાં પરોવવામાં આવ્યા. દરેક ક્વોટ અથવા ટુકડો માંડ બે-ત્રણ મિનિટનો હોય, પણ આ બે-ત્રણ મિનિટમાં જાણે કે જે-તે વ્યક્તિનું આખું આયખું કેપ્ચર થઈ ગયું હોય. આ બધાની વાતોમાંથી પસાર થતી વખતે આપણને થાય કે ભારત હોય કે યુરોપ હોય, અમેરિકા-આફ્રિકા હોય કે મિડલ-ઇસ્ટનો કોઈ દેશ હોય, આખરે તો માણસ, માણસ છે. સૌ આપણા જેવા જ છે. એટલેસ્તો એમની પીડા, એમનાં સુખ-દુખ, એમનાં સપનાં, એમની વાતો આપણને તીવ્રતાથી સ્પર્શે છે. એમની લાગણીઓ આપણને પોતીકી લાગે છે. ભલે ચહેરા અને ભાષા અજાણ્યા હોય, છતાંય આપણને લાગે કે જાણે આપણે આ બધાને ઓળખીએ છીએ, જાણે આ બધાં આપણું જ એક્સટેન્શન છે.એક ઓર ઉદાહરણ તરીકે એક અનામી મધ્યવયસ્ક વિદેશી મહિલાની આપવીતી સાંભળો. આપણા સમાજમાં આવી કેટલીય સ્ત્રીઓને આપણે જોઈ છે. સાંભળોઃ

'હું સૌથી હીન કક્ષાની ઘરેલુ હિંસાની વર્ષો સુધી ભોગ બની છું. મારો વર મારા માથા પર બંદૂક મૂકીને ચિલ્લાતોઃ માફી માગ, માફી માગ... ને હું ઘૂંટડિયે પડીને માફી માગતી, મારી જીંદગીની ભીખ માગતી. બધું  મારાં નાનાં બચ્ચાં સહમીને જોતાં હોય. ક્યારેક મારો વર ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી મૂકે ને હું આખી રાત પગથિયાં પર ટાઢમાં ઠૂંઠવાતી બેસી રહું, રડ્યાં કરું. હું બધું સહન કર્યા કરતી કેમ કે મને લાગતું કે મારો જ કંઈક વાંક છે, મારાથી કશીક ભુલ થઈ હોવી જોઈએ, સિવાય મારો વર મારા પર આટલો બધો ગુસ્સે શું કામ થાય? હું જોકે આખો દિવસ હસતી-બોલતી રહેતી એટલે બહારના લોકોને મારી પીડા દેખાતી નહીં, પણ એક દિવસ ઓફિસમાં કામ કરતાં કરતાં મારાથી રડી પડાયું. આગલી રાતે મારા વરે મને ખૂબ મારી હતી. વખતે કોઈએ મારી કેબિનનો દરવાજો ખખડાવ્યો. એક મહિલા અંદર આવી. મારી સાથે ઘરેલુ હિંસા વિશે વાતો કરવા લાગી. મેં કહ્યું કે તમે બધું મને શા માટે કહો છો? મને ડોમેસ્ટિક વાયોલન્સનો કોઈ અનુભવ નથી. મહિલાએ કહ્યુઃ તમે ખોટું બોલો છો. તમારા ચહેરા પર ચોખ્ખું વંચાય છે કે ઘરમાં તમારા પર કેટલો અત્યાચાર થતો હશે! સ્ત્રી સચ્ચાઈ કળી ગઈ હતી. મને સમજાયું કે મારે લગ્નસંબંધ પર પૂર્ણવિરામ મૂકવું પડશે, કેમ કે જો પરિસ્થિતિ આવીને આવી રહેશે, તો વહેલામોડો કાં તો મારો જીવ જશે અથવા તો મારાં છોકરાંવને કશુંક થઈ જશે. મારાં બાળકો કરતાં વધારે મહત્ત્વનું મારા માટે કશું નથી. આઈ નીડ ટુ મૂવ ઓન. સાંજે હું ઘરે ગઈ અને મારા વરને કહ્યુઃ  હું તને અને ઘરને છોડીને જઈ રહી છું. ડઘાઈ ગયો. કહેવા લાગ્યો કે તને મારા માટે એટલો બધો પ્રેમ છે કે તું મને કોઈ દિવસ છોડી શકે. મેં કહ્યુઃ મારા માટે પ્રેમ છે - તને ત્યજી દેવો . પછી મેં એને બે વિકલ્પો આપ્યાઃ કાં તો તું મારી સાથે મેરેજ કાઉન્સેલર પાસે ચાલ. જો તું એમ કરવા તૈયાર હો તો હું ઘડીએ તને મારી લાઇફમાંથી દૂર કરી દઈશ. તે ઘડી ને આજનો દિ'. વાતને આજે નવ-નવ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. મારા વરે મને લાફો શું, ગુસ્સાથી એક આંગળી સુધ્ધાં નથી અડાડી. એ તદ્દન બદલાઈ ગયો છે, સુધરી ગયો છે. આજે હું સુખી છું.'
 
 'હ્યુમન' ડોક્યુમેન્ટરીની મજા એ છે કે એને તમે ગમે ત્યાંથી જોઈ શકો, ગમે ત્યારે અટકાવી શકો. 'હ્યુમન'નું ઓર એક કમાલનું પાસું કેફિયતોનાં ઝુમખાંની વચ્ચે વચ્ચે મૂકાયેલાં અફલાતૂન વિઝ્યુઅલ્સ છે. રણમાં ધીમે ધીમે જઈ રહેલો ઊંટોનો કાફલો, નદીનો કાંઠો, દોડતાં પ્રાણીઓ, ઉડતાં પક્ષીઓ, મહાનગરની ઝાકઝમાળ... અને બેકગ્રાઉન્ડમાં જે-તે દેશનું સ્થાનિક સંગીત. આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એટલું જ પાવરફુલ. હેલિકોપ્ટર અથવા બલૂનમાંથી લેવાયેલી આ એરિયલ ઇમેજીસ એટલી અસાધારણ છે કે આપણને થાય કે આ દશ્યો સાચુકલાં હશે કે કમ્પ્યુટર ગ્રાફિક્સની કરામત? આ સિનેમેટોગ્રાફી પણ યેન આર્થસ-બર્ટ્રાન્ડની જ કમાલ છે. યેનની કરીઅર એટલી કમાલની છે કે એના વિશે એક અલાયદા લેખમાં વિગતે વાત કરીશું.  

'હ્યુમન' જોજો. યુટ્યુબ પર તે અવેલેબલ છે. સર્ચના ખાનામાં 'હ્યુમન એક્સટેન્ડેડ વર્ઝન' એવું ટાઇપ કરજો. તમારી સામે આખો ખજાનો ખૂલી જશે. એન્જોય! 

#Human #Documentary #ShishirRamavat #Multiplex