Thursday, July 3, 2014

ટેક ઓફ : સાચુકલા માણસનું સંતાન પણ સાચુકલું હોવાનું

Sandesh - Ardh Saptahik purti - 2 July 2014
ટેક ઓફ 
સંતાનને અઢળક પ્રેમ કરતા રહીને પણ માબાપે સમજી લેવાનું હોય છે કે આખરે તો એ ફક્ત માધ્યમ છે, માનવજીવને સંસારમાં લાવવાનું. આ માનવજીવનો પોતાનો આત્મા છે જે સ્વયંપ્રકાશિત છે. આપણે સંતાનને એની જાત સાથે સ્વસ્થ સંબંધ બાંધતા અને ખુદવફાઈ કરતાં શીખવવાનું છે. 



યા અઠવાડિયે આપણે ખુદને કેટલાક અઘરા સવાલ પૂછીને અંદાજ મેળવ્યો કે આપણો માંહ્યલો જાગૃત છે કે એ બિચારાને ક્યારનો ચૂપ કરી દીધો છે આપણે? આપણે ખુદની સચ્ચાઈ વિશે, સ્વત્વ વિશે સતત સભાન છીએ? કે પછી સામાજિક અને પારિવારિક જવાબદારીઓને પૂરી કરવામાં એવા રમમાણ થઈ ગયા છીએ કે ખુદની અસલિયતને, મૂળભૂત વૃત્તિઓ, ઇચ્છાઓ અને આકાંક્ષાઓને સાવ ભૂલી ચૂક્યા છીએ? જો આપણે આપણી જાત પ્રત્યે સાચા હોઈશું તો જ એક મા કે બાપ તરીકે ઉત્તમ સાબિત થઈ શકીશું.
શેફાલી ત્સાબેરીએ લખેલાં 'ધ કોન્શિયસ પેરેન્ટ - ટ્રાન્સફરિંગ અવરસેલ્વ્સ એમ્પાવરિંગ અવર ચિલ્ડ્રન' અને 'આઉટ ઓફ કંટ્રોલ - વ્હાય ડિસિપ્લિનિંગ યોર ચાઈલ્ડ ડઝન્ટ વર્ક એન્ડ વોટ વિલ' પુસ્તકોનો આ મુખ્ય સૂર છે. અમેરિકામાં સ્થાયી થયેલાં શેફાલી ત્સાબેરીનાં મૂળિયાં ભારતીય છે. એમનાં બન્ને પુસ્તકોએ યુરોપ-અમેરિકામાં લોકોનું સારું એવું ધ્યાન ખેંચ્યું છે.
કોન્શિયસ પેરેન્ટ યા તો જાગ્રત વાલી એટલે શું? લેખિકા કહે છે કે જો હું મારા સંતાનને જીવનના પાઠ શીખવવા માગતી હોઉં, તો સૌથી પહેલાં મારે સ્વયં શિસ્તબદ્ધ જીવન જીવતાં શીખવું પડે. મારે મારામાં રહી ગયેલી ઈમોશનલ ઈમ્મેચ્યોરિટીને પારખીને, એને દૂર કરવા યા તો ઓછી કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડે. આ તો જ શક્ય છે જો આપણે કોન્શિયસ હોઈએ, સભાન હોઈએ. સાદી ભાષામાં, કોન્શિયસ પેરેન્ટ એટલે એવી મા અથવા એવો પિતા જે પોતાની જાત પ્રત્યે વફાદાર હોય. સાચુકલી વ્યક્તિનું સંતાન પણ સાચુકલું હોવાનું, જેન્યુઈન હોવાનું. એ ઉપરથી લદાયેલી દુનિયાદારી પ્રમાણે નહીં, પણ મન અને હ્ય્દય કહે તે પ્રમાણે,ખુદની કુદરતી ઝંખનાઓને માન આપીને ઓથેન્ટિક જીવન જીવતાં શીખશે.
સંતાનને એકધારા ટોક-ટોક કર્યા કરવાને બદલે કે એના પર અપેક્ષાઓનો પહાડ ખડકી દેવાને બદલે એને ખુદના કુદરતી ગમા-અણગમા પ્રમાણે જીવન જીવતાં શીખવવું જોઈએ.
શેફાલી લખે છે, "આપણે એવું કેમ માની લઈએ છીએ કે સંતાનને જન્મ આપ્યો છે એટલે એના જીવનની દિશા સતત નક્કી કરતા રહેવાનો આપણને અધિકાર મળી ગયો છે? સંતાનને ખબર હોવી જોઈએ કે પોતે જે છે તે બની રહેવાનો તેનો જન્મસિદ્ધ અધિકાર છે. આ સભાનતા માબાપે જ એનામાં રોપવી જોઈએ. જે રીતે એની પાસે શ્વાસ લેવાનો અધિકાર છે તે રીતે પોતાના વિચાર વ્યક્ત કરવાનો, પોતાની રીતે જીવવાનો પણ અધિકાર છે."


સંતાનને પોતાની રીતે જીવવા દેવાનો અર્થ એ નથી કે માબાપ તરીકેની જવાબદારીઓ ખંખેરી નાખવાની. સંતાનને રેઢાં મૂકી દેવાનો કે સ્વકેન્દ્રી બનીને જવાબદારીઓથી નાસી છૂટવાનો વિચાર પણ કરવાનો નથી. બલકે, સંતાનના ઉત્તમ ઉછેરની તમામ જવાબદારીઓ ઉઠાવતા રહીને એક લેવલ ઔર ઉપર જવાનું છે.
શક્ય છે કે આપણું સંતાન નબળું હોય, કદરૂપું હોય, બહુ બુદ્ધિશાળી કે ટેલેન્ટેડ ન પણ હોય. ભલે આ બધી બાહ્ય વસ્તુઓ થઈ. સંતાનમાત્ર ભીતરથી અતિ સુંદર અને અતિ શુદ્ધ છે. આપણે આ સૌંદર્ય અને શુદ્ધિને સેલિબ્રેટ કરવાની છે. આના માટે સંપૂર્ણ સ્વીકૃતિ મહત્ત્વની છે. આ સ્વીકૃૃતિ તો આવે જો આપણે ખુદ પોતાને જેવા છીએ તેવા સ્વીકાર કરતા હોઈએ. આપણે પોતાની જાતને કહેવું જોઈએ કે સૌથી પહેલાં હું માણસ છું અને પછી મા કે બાપ છું. હું સ્વીકારું છું કે માણસમાત્રમાં હોય તેવી ખામીઓ અને મર્યાદાઓ મારામાં પણ છે. મારું દરેક પગલું કંઈ સાચું નથી હોતું. કેટલીય વાર જાતથી શરમ આવે એવું વર્તન હું કરી નાખું છે. હું મારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરું છું છતાંય કેટલીય વાર ટૂંકો પડું છું. મારામાં ઈગો છે. મારામાં જોહુકમી કરવાની વૃત્તિ છે. ઘણી વાર હું મારા સંતાન સાથે અવિચારીપણે વર્તન કરી નાખું છંુ, ક્યારેક સ્વાર્થી પણ બની જાઉં છું. આ બધું જ હું જાણું છું અને તેનો સ્વીકાર પણ કરું છું. 
ઘણી વાર આપણે સંતાનનું અમુક વર્તન એટલા માટે સ્વીકારી શકતા નથી, કેમ કે એમાં આપણી ખુદની અધૂરપોનું પ્રતિબિંબ દેખાતું હોય છે, આપણા જૂના જખમો લીલા થઈ જતા હોય છે. જ્યાં સુધી સમજાશે નહીં કે આપણે સંતાનને શા માટે પૂરેપૂરા સ્વીકારી શકતા નથી ત્યાં સુધી કાં તો એને કંટ્રોલ કર્યા કરવાની કોશિશ કર્યા કરીશું અથવા એ આપણને કંટ્રોલ કરવા લાગે તેવી સ્થિતિ ઊભી થઈ જશે. સંતાનને એ વાતનો અહેસાસ હંમેશાં થવો જોઈએ કે પોતે પરીક્ષામાં પાસ થાય છે કે ફેલ થાય યા તો સ્પોર્ટ્સ ડેમાં હારે છે કે જીતે છે એના કરતાં અનેકગણી વધારે નિસબત માબાપને કેવળ એના હોવામાત્ર સાથે છે.


   મા-બાપ પોતે જ બનાવટી જીવન જીવતાં હોય, અસલી લાગણીઓને ભીતર ભંડારીને કૃત્રિમ વર્તન કરતાં હોય ત્યારે એમનું જોઈને સંતાન પણ જાણેઅજાણે કૃત્રિમપણે જીવતાં શીખતું જાય છે. સતત બીજાઓના અપ્રૂવલની ઝંખના કરવાની અને બીજાઓ રાજી રહે તેવું વર્તન પરાણે કરવાની માનસિકતા અભાનપણે સંતાનમાં પણ ઘડાતી જાય છે. સંતાન સતત જોતું રહે છે કે માબાપ મન મારીને બીજાઓને પોતાના કરતાં આગળ મૂકે છે ત્યારે ધીમે ધીમે એ પણ પોતાનું મૂલ્ય ઓછું આંકતું થઈ જાય છે. પોતાની ઓળખ એ બીજા લોકો સાથેના પોતાના સંબંધોમાંથી શોધતો થઈ જાય છે. એનું સુખ-દુઃખ બીજાઓ પર આધારિત થઈ જાય છે. આ કંઈ તંદુરસ્ત જીવન જીવવાની રીત નથી. પોતાની જાતને અવગણતા રહેવાથી અંદર છૂપી નફરત અને નકારાત્મકતા ઉછરતાં જાય છે. આખરે તે બધું બોમ્બની જેમ ફાટે ત્યારે ખુદને અને બીજાઓને ખૂબ નુકસાન થાય છે.
આપણે સંતાનને એની જાત સાથે સંબંધ બાંધતા અને ખુદવફાઈ કરતાં શીખવવાનું છે. સંતાનને અઢળક પ્રેમ કરતા રહીને પણ માબાપે સમજી લેવાનું હોય છે કે આખરે તો એ ફક્ત માધ્યમ છે, માનવજીવને સંસારમાં લાવવાનું. આ માનવજીવનો પોતાનો આત્મા છે જે સ્વયંપ્રકાશિત છે. માધ્યમ તરીકેની પોતાની મર્યાદા સ્વીકારી લઈને જેને જન્મ આપ્યો છે તેના આત્માનો, તેના માંહ્યલાનો, તેની અસલિયતનો આદર કરતા આવડી જાય તો એના કરતાં ઉત્તમ બીજું કશું નથી.

                                                 0 0 0 

1 comment:

  1. સરસ વાત ... સરળ પણ સમજવામાં ..અપનાવવામાં અઘરી પડે એવી વાત ... આખરે માબાપને પણ અહં હોય છે ...!!!

    ReplyDelete