Showing posts with label Abhinav Kshyap. Show all posts
Showing posts with label Abhinav Kshyap. Show all posts

Saturday, October 5, 2013

મલ્ટિપ્લેક્સ : ઓહ બ્રધર....

Sandesh - Sanskaar Purti - 6 Oct 2013 

 મલ્ટિપ્લેક્સ

"અનુરાગ (કશ્યપ) મારા કરતાં વધારે ટેલેન્ટેડ અને ઇન્ટેલિજન્ટ છે. હું લહેરી લાલો છુંજ્યારે એ પાગલની જેમ મહેનત કરે છે. અમારી ફિલ્મોમાં આસમાન જમીનનો ફર્ક હોય છે. અમારાં મમ્મી-પપ્પાને અનુરાગ કરતાં મારી ફિલ્મો વધારે ગમે છે!"
Anurag Kashyap and Abhinav Kshyap (right)
એક સરસ સ્થિતિ છે. ફિલ્મી દુનિયા સાથે દૂર દૂરનો સંબંધ ન ધરાવતા પરિવારમાંથી આવેલા બે સગા ભાઈઓ-અનુરાગ કશ્યપ અને અભિનવ કશ્યપ આજે હિન્દી સિનેમાના તદ્દન જુદા ઇલાકાઓમાં પોતાનું સ્થાન જમાવીને બેઠા છે. અનુરાગ કશ્યપ' દેવ.ડી', 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'ઉડાન' અને 'ધ લન્ચબોક્સ' જેવી કેટલીય ફિલ્મોનું લેખન, ડિરેક્શન યા તો પ્રોડક્શન કરીને બોલિવૂડમાં એક શક્તિશાળી સેમી- કોમર્શિયલ પરિબળ તરીકે ઊભર્યા, જ્યારે નાના ભાઈ અભિનવ કશ્યપે 'દબંગ' જેવી સુપરહિટ એન્ટરટેઇનર બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું. આ છપાશે ત્યાં સુધીમાં અભિનવ કશ્યપના ડિરેક્શનમાં બનેલી રણબીર કપૂરની ફિલ્મ 'બેશરમ' બોક્સઓફિસ પર કમાલ કરી શકી છે કે કેમ એ સ્પષ્ટ થઈ ચૂક્યું હશે.
ઉત્તરપ્રદેશના રાજપૂત પરિવારમાં જન્મેલા અનુરાગ અને અભિનવે ફિલ્મી દુનિયામાં ફિલ્મમેકર તરીકે જે અલગ અલગ મુદ્રા ધારણ કરી છે એનાં મૂળિયાં બાળપણમાં જ નંખાઈ ગયેલાં. અનુરાગ નાનપણથી જ ક્રિએટિવ. છાપાંમાં છપાતી ફિલ્મોની જાહેરાત કાપીને એનાં પોસ્ટરો બનાવે, જાતે એની સ્ટોરી-વાર્તા ઘડી કાઢે ને પછી પાડોશના છોકરાઓને ભેગા કરીને રસપૂર્વક વારતા કહી સંભળાવે. અભિનવને ક્રિએટિવિટી કરતાં આંકડામાં વધારે રસ પડે. અનુરાગ હિન્દી અને ભૂગોળમાં સરસ માર્ક્સ લાવે, જ્યારે અભિનવ ગણિતમાં સોમાંથી સો માક્ર્સ લઈ આવે. અભિનવ પહેલેથી જ કોમર્શિયલ-માઇન્ડેડ. વેકેશનમાં મોસાળ જાય ત્યારે નાના-નાની પચીસ-પચાસ રૂપિયા વાપરવા આપે એનાથી અભિનવને જરાય સંતોષ ન હોય. એ એવી જ ફિરાકમાં હોય કે વડીલો પાસેથી વધારે પૈસા કેવી રીતે પડાવવા! જે કંઈ ફદિયાં ભેગાં થાય એમાંથી એ દુકાનોમાંથી બબ્બે રૂપિયાની વીંટી,ગળામાં પહેરવાની ચેઇન ને એવું બધું ખરીદી લાવે. રજાઓ પૂરી થતાં સ્કૂલ ઊઘડે એટલે સાથે ભણતા છોકરાઓને દસ-દસ રૂપિયામાં બધું વેચી મારે. અભિનવ બાપડો જાતજાતનાં ગતકડાં કરીને પૈસા જમા કરે ને અનુરાગ એક ઝાટકમાં તે બધા જ પૈસા તફડાવીને ગાયબ થઈ જાય!
અનુરાગનો સ્વભાવ શરૂઆતથી ગુસ્સાવાળો. અભિનવ એને ધરાર ચીડવ્યા કરે એટલે પેલો રોષે ભરાય. એક વાર ખુલ્લી છરી લઈને અનુરાગ એની પાછળ દોડયો હતોઃ આજે કાં તું નહીં, કાં હું નહીં! એ દિવસોમાં તેમના ઘરે ટીવી નહોતું એટલે 'ચિત્રહાર'જોવા પાડોશીના ઘરે પહોંચી જાય. ફક્ત અમિતાભ અને ધર્મેન્દ્રની ફિલ્મો જ થિયેટરમાં જોવાની, બાકીની બધી વીસીઆરમાં. ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કામ કરતા પપ્પા મહિનામાં એક દિવસ ટીવી અને વીસીઆર ભાડે લઈ આવવાના પૈસા આપે. બન્ને ભાઈઓ આખી રાત જાગીને એકસાથે ચાર-ચાર હિન્દી ફિલ્મો બેક-ટુ-બેક જોઈ કાઢે.
અનુરાગે દિલ્હીની હંસરાજ કોલેજમાં એડમિશન લીધું એટલે પાછળ પાછળ અભિનવ પણ પહોંચી ગયો. અભિનવની ગર્લફ્રેન્ડ ચતુરા રાવનાં મા-બાપ લગ્ન માટે ઉતાવળ કરતાં હતાં, પણ અભિનવનાં પેરેન્ટ્સે ચોખ્ખું કહી દીધું: જ્યાં સુધી મોટો કુંવારો બેઠો હોય ત્યાં સુધી નાનાને કેવી રીતે પરણાવીએ? તેથી અનુરાગ પર એની સખી આરતી બજાજ સાથે લગ્ન કરી લેવાનું દબાણ શરૂ થયું. અનુરાગ પાસે હવે ચસકવાનો માર્ગ નહોતો, લગ્ન કરી નાખવાં પડયાં. લગ્ન પછી બન્ને ભાઈઓનું રિસેપ્શન સાથે જ ગોઠવાયું. લગ્ન કર્યાં ત્યારે અનુરાગ હતો પચીસ વર્ષનો અને અભિનવ ત્રેવીસનો. આજે ૩૯ વર્ષના અભિનવ બે દીકરીઓના પિતા છે. કમનસીબે અનુરાગનું લગ્નજીવન વધારે ટકી ન શક્યું. આરતીથી છૂટા થયા પછી 'દેવ.ડી'ની ફિરંગ એક્ટ્રેસ કલ્કી કોચલીન સાથે અનુરાગનો સંબંધ વિકસ્યો.૨૦૧૧માં બન્ને પરણી ગયાં.

ફિલ્મલાઇનમાં કરિયર બનાવવા અનુરાગ ૧૯૯૨માં મુંબઈ આવ્યા પછી થોડાં વર્ષો બાદ અભિનવે પણ એન્ટ્રી મારી. આશય તો એમબીએ કરવાનો હતો, પણ મોટા ભાઈના નકશેકદમ પર ચાલવાની જૂની આદત ખરીને! અભિનવે થોડુંક થિયેટર કરી જોયું ને પછી ટીવી સિરિયલો લખવા માંડી. સિરિયલો ડિરેક્ટ પણ કરી. દસેક વર્ષના ગાળામાં એમણે કુલ પંદર જેટલી સિરિયલો કરી. અનુરાગ રહ્યા અલગારી માણસ. એની 'પાંચ' નામની બોલ્ડ ફિલ્મ અટકી પડી એટલે હાલત કફોડી થઈ ગઈ હતી. ટીવીમાંથી પૈસા કમાઈને બન્ને ભાઈઓના ઘર ચલાવવાની જવાબદારી અભિનવે ઉપાડી લીધી.
'સત્યા' ફિલ્મ લખી પછી અનુરાગ કશ્યપ દેશ-વિદેશના ફિલ્મ ફેસ્ટિવલોમાં નિયમિતપણે હાજરી આપવા માંડી. એક ફિલ્મમેકર તરીકેનો તેમનો મિજાજ રામગોપાલ વર્મા જેવા ડિરેક્ટર સાથે કામ કરીને અને વર્લ્ડ સિનેમા જોઈને ઘડાયો છે. અભિનવ ફિલ્મમેકિંગનો સૌથી પહેલો પાઠ મણિરત્નમ્ પાસેથી શીખ્યા, 'યુવા' (૨૦૦૪)ના નિર્માણ દરમિયાન એમના આસિસ્ટન્ટ બનીને. 'મનોરમા સિક્સ ફિટ અન્ડર' (૨૦૦૭) અને '૧૩ બી'(૨૦૦૯) જેવી ઓછી જાણીતી ફિલ્મોના ડાયલોગ્ઝ પણ લખ્યા. અભિનવે સિરિયસ ફિલ્મો કરવાની ભરપૂર કોશિશ કરી, પણ તરત એની તુલના અનુરાગ સાથે કરવામાં આવતી. નિર્માતા-નિર્દેશકો કહેતાઃ દોસ્ત, સિરિયસ વસ્તુ જ કરવી હોય તો તારા ભાઈ પાસે ન જઈએ? તારી પાસે શું કામ આવીએ? અભિનવને સમજાઈ ગયું કે બોલિવૂડમાં મારે સ્થાન બનાવવું હશે તો ભાઈની છાયામાંથી બહાર આવવું જ પડશે, તેથી એમણે અનુરાગ કરતાં સાવ જુદા જ પ્રકારની ફિલ્મથી ડિરેક્ટર તરીકે શરૂઆત કરી. આ ફિલ્મ એટલે 'દબંગ' (૨૦૧૦) જે ફિલ્મ સુપરડુપર હિટ થઈ. 'દબંગ' પાર્ટ-વન હાડોહાડ કોમર્શિયલ ફિલ્મ હતી, પણ મસાલા ફિલ્મોથી સામાન્યપણે દૂર રહેતા સુગાળવા પ્રેક્ષકોને પણ એમાં મોજ પડી.
'દબંગે' સફળતાના ઝંડા ફરકાવ્યા પછી અભિનવ અને સલમાન ખાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. સલમાને કંઈક એવા મતલબનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે લેખક તરીકે અભિનવનું તો ખાલી નામ છે, બાકી આખી પટકથા તો મેં જ લખાવી હતી. ભાઈની બદબોઈ થતી નિહાળીને અનુરાગમાં રહેલા બડે ભૈયા જાગી ઊઠયા. ખુલ્લી છાતીએ રણમેદાનમાં કૂદીને એમણે સામું સ્ટેટમેન્ટ ફટકાર્યું: "મેં'દબંગ'ની ઓરિજિનલ સ્ક્રિપ્ટ વાંચી છે. આખરે જે ફિલ્મ બની એના કરતાં મૂળ સ્ક્રિપ્ટ સાવ જુદી છે તે વાત સાચી, પણ જે નવી સ્ક્રિપ્ટ બની છે તે પણ મારા ભાઈએ જ લખી છે. જો સલમાનમાં સ્ક્રિપ્ટિંગની એટલી બધી સેન્સ હોય તો 'બોડીગાર્ડ' અને 'રેડી' જેવી ફિલ્મો કેમ આટલી કંગાળ બની? 'દબંગ'માં વ્યવસ્થિત સ્ટોરી છે, ફ્લો છે, સુરેખ પાત્રાલેખન છે, એનામાં રિપીટ વેલ્યૂ છે. 'દબંગ' પછીની ફિલ્મો શા માટે સલમાને પોતાના સ્ટારપાવર પર જ ખેંચવી પડી?"
અભિનવે જોકે આક્રમક થઈ ગયેલા બિગ બ્રધરને વાર્યા હતા. એમણે કહ્યું: જો હું તારી મદદ વગર એકલો ફિલ્મ બનાવી શકતો હોઉં તો મારી લડાઈ પણ હું એકલો જ લડીશ! 'દબંગ-ટુ' અરબાઝ ખાને ડિરેક્ટ કરી. આ ફિલ્મ ઓરિજિનલ જેટલી ચટાકેદાર નથી એ હકીકત છે. 'દબંગ' પછી 'બેશરમ' બનાવવામાં અભિનવ કશ્યપે ત્રણ વર્ષ કાઢી નાખ્યાં. તેઓ નિખાલસતાપૂર્વક કહે છે, "જુઓ,અનુરાગ મારા કરતાં વધારે ટેલેન્ટેડ છે, વધારે ઇન્ટેલિજન્ટ છે. મારા કરતાં એનામાં સિનેમાનું જ્ઞાન પણ ઘણું વધારે છે. હું લહેરી લાલો છું, જ્યારે અનુરાગ ફિલ્મો બનાવવાના મામલામાં પાગલની જેમ મહેનત કરે છે. અમે બન્ને જુદી શૈલીની ફિલ્મો બનાવીએ છીએ. અમારાં મમ્મી-પપ્પા ટિપિકલ સ્મોલ-ટાઉન મેન્ટાલિટી ધરાવતાં દર્શકો છે અને એને અનુરાગ કરતાં મારી ફિલ્મો વધારે ગમે છે! જે દિવસે અનુરાગ મસાલા ફિલ્મ બનાવવાનું નક્કી કરશે તે દિવસે હું એના ટાઇપની ફિલ્મ બનાવવાનું વિચારીશ! ત્યાં સુધી હું મારા પ્રકારની, મને આવડે છે એવી ફિલ્મો બનાવતો રહીશ."
શો-સ્ટોપર

પૈસાદાર હોવું એટલે શું? તમે શોપિંગ કરવા જાઓ ત્યારે એક શર્ટ કરતાં બીજું શર્ટ જરાક વધારે પસંદ પડે તો બન્ને ખરીદી શકો અને પછી બન્નેમાંથી એક પણ શર્ટને એકેય વાર ન પહેરો, એ!
- શાહરુખ ખાન

Saturday, June 16, 2012

અનુરાગમાં એવું તે શું છે?


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - 17 જૂન 1012


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

અનુરાગ કશ્યપ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા.  ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! આજની તારીખે હિન્દી સિનેમાના સૌથી તગડા સ્ટોરીટેલરોમાં એમની ગણના થાય છે. 



માણસ પાંચ કલાક ૧૮ મિનિટ લાંબી ફિલ્મ બનાવીને પ્રતિષ્ઠિત કાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરે છે અને, પ્રાપ્ય અહેવાલો તેમજ રિવ્યુઝના આધારે કહીએ તો, દુનિયાભરમાંથી એકત્રિત થયેલા દર્શકોની વાહવાહી મેળવે છે. આ માણસે હિન્દી સિનેમામાં જીદપૂર્વક એક નવી દિશા ખોલી છે. એની પાછળ પાછળ, એની સફળતાથી પ્રેરાઈને કેટલાય યુવાન ફિલ્મમેકરો  ઉત્સાહપૂર્વક અલગ પ્રકારની સુંદર ફિલ્મો બનાવવા લાગ્યા છે.

વાત અનુરાગ કશ્યપ અને તેમની લેટેસ્ટ ફિલ્મ ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ની થઈ રહી છે. આવતા શુક્રવારે આપણાં થિયેટરોમાં આ લંબૂસ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થવાનો છે. ઉત્તર ભારતમાં કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરીને શી રીતે માફિયાઓ અસ્તિત્ત્વમાં આવ્યા અને પાવરફુલ બનતા ગયા એની આમાં વાત છે. અતિ હિંસા અને અપશબ્દોથી ભરપૂર આ ફિલ્મ એની ભૌગોલિકતાને કારણે મુંબઈની ગેંગસ્ટર ફિલ્મોથી અલગ પડે છે. અનુરાગને ભાઈલોકો સારા ફળ્યા છે. રામગોપાલ વર્માની અફલાતૂન ગેંગસ્ટર ફિલ્મ ‘સત્યા’ અનુરાગે લખી હતી. ‘સત્યા’થી મનોજ વાજપેયીની અભિનયપ્રતિભા બોમ્બની જેમ ફાટીને સૌની નજરમાં આવી હતી. પછી તો ‘કૌન?’ અને ‘શૂલ’ જેવી ફિલ્મોમાં પણ અનુરાગ અને મનોજે રાઈટર-ડિરેક્ટર તરીકે સાથે કામ કર્યું.

Manoj Bajpai in Gangs of Wasseypur

એક રાતે સાડા દસે અચાનક મનોજને અનુરાગ કશ્યપનો ફોન આવ્યોઃ ફ્રી છે? અબ્બીહાલ મારી ઓફિસે આવી જા. એક કલાકમાં મનોજ અનુરાગની ઓફિસમાં હતો. અનુરાગે એને ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’નો સ્ટોરી આઈડિયા સંભળાવ્યો. ફિલ્મના નાયકમાં નૈતિકતાનું નામોનિશાન નથી. એ સેક્સ મેનિયાક છે અને હિન્દી ફિલ્મનો હીરોએ જે ન કરવાં જોઈએ તે બધાં જ કામ એ કરે છે. આમ છતાંય એના વ્યક્તિત્ત્વમાં કશુંક ગમી જાય એવું તત્ત્વ છે. અનુરાગે પૂછ્યુંઃ બોલ મનોજ, બનીશ હીરો? મનોજે એક પળનો વિચાર કર્યા વિના કહી દીધુંઃ યેસ્સ! બસ, પછી શું. મિટીંગની ત્રીસમી મિનિટે બન્ને જણા વાઈનની બોટલ ખોલીને એમનો સંયુક્ત નવો પ્રોજેક્ટ સેલિબ્રેટ કરી રહ્યા હતા!

અનુરાગ નાનપણથી જ સારા સ્ટોરીટેલર છે.  એમને ઉત્તર ભારતનો, ખાસ કરીને યુપીનો સારો પરિચય છે. એમના પિતાજીની સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડમાં ટ્રાન્ફરેબલ જોબ હતી એટલે યુપીના ઘણા શહેરોમાં રહેવાનું થયું હતું. એ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા.  ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! એટલું જ નહીં, નાનકડો અનુરાગ ખરેખર માનવા લાગતો સ્ટોરી એકદમ સાચી જ છે અને ખરેખરી ફિલ્મમાં મેં જે વિચાર્યુર્ં છે એવું જ હોવું જોઈએ!

અનુરાગ કોલેજકાળમાં થિયેટર કરતા હતા. એમને શરૂઆતમાં તો એક્ટર બનવું હતું, પણ એક વખત દિલ્હીમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની ભાતભાતની ફિલ્મો જોઈને વિચાર બદલાયો અને ફિલ્મમેકર બનવાનો નિર્ણય લીધો. વીસ વર્ષ પહેલાં એમણે મુંબઈમાં પગ મૂક્યો. પાછળ પાછળ નાનો ભાઈ અભિનવ કશ્યપે એમબીએ કરવા મુંબઈમાં એન્ટ્રી કરી. અનુરાગે ‘પાંચ’ નામની હાર્ડહિટીંગ ફિલ્મ બનાવી હતી, પણ એ રિલીઝ થવાનું નામ નહોતી લેતી એટલે હાલત ખરાબ થઈ ગઈ હતી (આ ફિલ્મ આજની તારીખે ય રિલીઝ નથી થઈ!). સદભાગ્યે છોટે ભૈયા ‘ત્રિકાલ’ અને ‘ડર’ જેવી ટીવી સિરિયલો લખવા અને ડિરેક્ટ કરવા લાગ્યા. ટીવીમાંથી પૈસામાંથી ઘર ચાલતું. નિરાશાઓ અને સંઘર્ષ વચ્ચે પણ અનુરાગનું પેશન ક્યારેય ઢીલું ન પડ્યું એટલે એમની ગાડી ક્રમશઃ એમણે ઈચ્છી હતી એ દિશામાં ચાલવા લાગી.

Anurag with younger brother Abhinav Kashyap

અનુરાગ કશ્યપ ‘ન્યુ વેવ ફિલ્મમેકર’ ગણાયા, જ્યારે નાના ભાઈ અભિનવે વર્ષો પછી સાવ સામે છેડે જઈને ‘દબંગ’ જેવી હાડોહાડ મસાલા ફિલ્મ બનાવીને ડિરેક્ટર તરીકે ધમાકેદાર શરૂઆત કરી. ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’ બન્નેમાં ઉત્તર ભારતનું ગ્રાામ્ય બરછટપણું છે.

એક ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપ કહે છે, ‘વિશાલ ભારદ્વાજ, તિગ્માંશુ ધુલિયા અને હું ફિલ્મોમાં ગ્રામ્ય બરછટપણું પેશ કરીએ છીએ, પણ અમારા ત્રણેયમાંથી એકેયને બોક્સઓફિસ પર પ્રચંડ સફળતા આજ સુધી મળી નથી. હવે થયું છે એવું કે ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’ની સુપરડુપર સફળતાને કારણે ઓડિયન્સને અમારી ફિલ્મોમાં દર્શાવાતાં પ્રમાણમાં વધારે વાસ્તવિક એવા ગ્રામ્ય માહોલમાં ધીમે ધીમે રસ પડવા માંડ્યો છે. ઓડિયન્સનો ટેસ્ટ કંઈ રાતોરાત એક ફિલ્મથી બદલાયો નથી. પ્રેક્ષકોને બીબાંઢાળ ફિલ્મોથી અલગ જોતાં કરવાનો જશ જો આપવો જ હોય તો તમે વિશાલ ભારદ્વાજનું નામ લઈ શકો, દિબાકર બેનર્જીનું નામ લઈ શકો... પણ મારા હિસાબે ખરી કમાલ તો રાજુ હિરાણીએ કરી છે. એ માણસે ‘મુન્નાભાઈ’ સિરીઝ અને ‘થ્રી ઈડિયટ્સ’ બનાવીને આર્ટ્સ અને કોમર્સ વચ્ચે જે જબરદસ્ત બેલેન્સ કર્યુર્ં છે જેવું અમારામાંથી કોઈ કરી શક્યું નથી. હિરાણી ઓડિયન્સને પ્રચંડ માત્રામાં આકર્ષી શકે છે અને સાથે સાથે પોતાને જે કહેવું હોય એ કહી પણ દે છે.’

અનુરાગ કશ્યપને ઊંડે ઊંડે આશા છે કે ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ કદાચ આટર્સ અને કોમર્સનો સંગમ કરી શકશે. આ ફિલ્મ આવતા મહિને યુરોપમાં મોટા પાયે રજૂ થવાની છે. વિદેશી ઓડિયન્સને આ પ્રકારની ભારતીય માટીની ખૂશ્બુ ધરાવતી, સ્થાનિક સેન્સિબિલિટીવાળી ફિલ્મો જ આકર્ષી શકે. આ પ્રકારની ફિલ્મોમાં દેખાડાતી દુનિયા એમના માટે નવી છે. જરૂરી નથી એ દરિદ્ર અને ગંદીગોબરી જ હોય.

અનુરાગ કશ્યપ હાલ ‘મોન્સૂન શૂટઆઉટ’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ સિવાય એમના બે ડ્રીમ પ્રોજેક્ટ્સ છે. એક છે, ‘બોમ્બે વેલ્વેટ’ અને બીજી, ‘દોગા’. સાઠના દાયકાનું પશ્ચાદભૂ ધરાવતી ‘બોમ્બે વેલ્વેટ’ એક ખર્ચાળ ફિલ્મ બની રહેવાની.  અનુરાગ પચાસ વર્ષ પહેલાનું ફોર્ટથી માહિમ સુધીનું બોમ્બે પડદા પર રિક્રિયેટ કરવા માગે છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા એપ્રિલથી શરૂ થશે અને ઘણું કરીને રણબીર કપૂર એનો હીરો હશે. ‘દોગા’ ક્રિસ્ટોફર નોલનની ખૂબ વખણાયેલી (બેટમેનવાળી) ‘ધ ડાર્ક નાઈટ’ પ્રકારની ફિલ્મ હશે. મુંબઈનું લોકાલ ધરાવતી આ ફિલ્મ પણ ખૂબ પૈસો માગી લે એવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનુરાગ કશ્યપનું સ્ટેટસ હવે ખાસ્સું વધ્યું છે એટલે એમને મસમોટું ફાયનાન્સ અવેલેબેલ થઈ રહ્યું છે. ટોપ સ્ટાર્સ પણ એમની સાથે કામ કરવા તૈયાર થઈ રહ્યા છે. અનુરાગ કશ્યપ જેવા વેગળા ફિલ્મમેકરને નાણાં અને કાસ્ટિંગના મામલે ઝાઝી ચિંતા ન કરવી પડે એ ખરેખર ખૂબ સારી નિશાની છે!

શો-સ્ટોપર

મારો ચહેરો પોસ્ટર પર જોઈને લોકોનાં ટોળેટોળાં ફિલ્મ જોવા ઉમટી પડે એવું ક્યારેય નહોતું, પણ ‘ફરારી કી સવારી’ પછી બોક્સ ઓફિસ પર મારી પોઝિશન બહુ સ્ટ્રોન્ગ થઈ જવાની. 

-  શર્મન જોશી (એક્ટર)